યઝીદના જમાનાની સામાજિક સ્થિતિ

Print Friendly, PDF & Email

યઝીદના જમાનાની સામાજિક સ્થિતિ

ત્રીજા ખલીફાના ખીલાફતના કાળ દરમ્યાન જ્યારે ખિલાફતની ધૂરા બની ઉમય્યાએ સંભાળી અને તેઓના ખુનભર્યા હાથોએ ઈસ્લામી શહેર અને સુબાઓને પોતાની પકડમાં લઈ લીધા ત્યારે મુસલમાનોની સામાજીક પરિસ્થિતિઓમાં અજબ-ગજબ પ્રકારનું પરિવર્તન આવ્યું. જેના સાક્ષી ઈતિહાસકારોના વિધાનો છે. મોઆવીયાની હુકુમત દરમ્યાન અને ખાસ કરીને હઝરત ઈમામ હસને મુજતબા અ.સ. ની શહાદત પછી એટલી ઝડપથી અધર્મતા અને ચારિત્ર્યહીનતા પૈદા થઇ કે જો પયગમ્બરે ઈસ્લામ અને મવલાએ કાએનાતની ખિલાફતના સમયકાળથી તે સમયની સરખામણી કરવામાં આવે તો ઘણોજ સ્પષ્ટ તફાવત દેખાઈ આવશે.

મુસલમાનોના વિચારો, ચારિત્ર્ય અને રહેણી કરણીમાં પરિવર્તન આવી ગયું. ઝઘડાઓ અને ગેરલાભો ઉઠાવવાનું વલણ દરેક બાજુએ સામાન્ય થઈ પડયું. રોમ અને ઈરાનના રીતરીવાજો ઈસ્લામી સમાજમાં મજબુતીથી પેસી ગયા, જેને રસુલે અકરમ સ.અ.વ. અને એહલેબયત અ.સ. ના પ્રયત્નોએ ત્યજી દેવા મજબુર કરી દીધા હતા. કુરઆનના હુકમો અને શરીઅતના અર્થઘટનો વ્યકિતગત લાભોને ધ્યાનમાં રાખીને થવા લાગ્યા. ધર્મની માન્યતાઓ અને સિધ્ધાંતો હુકુમતના સખત નિયંત્રણ અને દેખરેખ હેઠળ આવી ગયા. બની ઉમય્યાનું શિક્ષણ અને સંસ્કૃતિએ વિચારોને એવી રીતે બદલી નાખ્યા કે લોકો મુઆવીયાના ઝુલ્મની સામે આજીજી, ચુપકીદી અને ખુશામત કરવા લાગ્યા. જેના કારણે તેની હુકુમત અને એક હથ્થુ સત્તાને તાકત મળી.

એ બાબતો કે જેમાં લોકોને મત લેવો તે એક સામાજિક રીવાજ હતો (જેમકે યાઝીદની બયઅત), હાકીમના મત સિવાય બીજા કોઈનો મત જરૂરી ગણવામાં નહોતો આવતો. ભાલાના બળથી અને તલવારના ભયથી લોકોને બની ઉમય્યાના તરફદાર બનાવવામાં આવી રહ્યા હતા. સમાજના લોકોને મોઢે દોહરાવવામાં આવતા હતા, તે મશ્કરી અને અપમાન જેવા બની ગયા હતા.

પ્રણાલિકાગત મોઆવિયા એ યઝીદને વારસદાર બનાવવાની જાહેરાત મસ્જીદુલ હરામ જેવા મજમામાં કરી અને એવી બેહયાઈ અને બેશરમીની સાબિતિ આપી કે જેનું ઉદાહરણ ઈતિહાસમાં શોધવું મુશ્કેલ છે. પોતાના અય્યાશી પુત્રની બાદશાહતનો તાજ પેહરાવવાની હવસમાં તેણે ન તો ચુંટણીના માધ્યમનો ઉપયોગ કર્યો ન તો ઉમ્મતના બુઝુર્ગોના મતની પરવા કરી, બલ્કે જ્યારે તે આ જાહેરાત કરી રહ્યો હતો ત્યારે તેના જલ્લાદો અને ખુની જાસુસો તૈયાર હતા. જો કોઈ વિદ્રોહ કરે તો તેને ત્યાંજ મારી નાખવામાં આવે. ન તો મસ્જીદુલ હરામની પવિત્રતાનો વિચાર કર્યો ન તો મુસલમાનોના ખુનની પરવા. મુસલમાન ખુદાની રાહમાં લડાઈ લડતા હતા. શહાદતને પોતાનું ગૌરવ માનતા હતા. ભૌતિકતા સાથે કાંઈજ સંબંધ ન હતો. સ્વતંત્રા, સાદગી, સંતોષ અને ન્યાય જેઓના આભુષણો હતા, રાજકર્તાઓ અને બાદશાહોની મહાનતા તેમના ઉપર પોતાનો પ્રભાવ પાડી શકતી ન હતી અને ન તો તેઓના દિલોને ડરાવી શકતી. કુરઆનના શિક્ષણના અમલીકરણનો વિચાર તેઓના મગજ ઉપર સતત સવાર રહેતો હતો. હવે તેઓને મુસલમાનોએ ખુદને મોઆવીયા જેવા દુનિયા પરસ્ત અને હવસ – પ્રેમીના હવાલે કરી દીધા. જેથી દુનિયાની ઝાકઝમાળ, સ્વાદિષ્ટ ભોજનો, કિંમતી કપડાઓ અને વિશાળ હવેલીઓ તેમની આંખોને અંધ, કાનોને બહેરા અને દિલોને મુર્દા કરી દીધા. દુનિયા અને દુનિયાદારીની મોહબ્બતે તેમના ચારિત્ર્યની ભાવનાને સુસ્ત કરી દીધી. દીરહમ અને દીનારની લાલચ અને સત્તાના લોભે તેઓને દુનિયાભરની અધમતા અને અપમાન સહન કરવા માટે મજબુર કરી દીધા. તેઓ માથાથી પગ સુધી માનવતા અને ઈસ્લામના દુશ્મનની સામે ઝૂકી ગયા. શરમ, મર્દાનગી, શરાફત, કરામત અને જવાં મર્દીને નેવે મુકી દીધી. મોઆવીયા અને યઝીદના એજન્ટો અને ઓફીસરોએ પોતાના હક્કો, સંપત્તિ અને ઈનામો માટે વેચી દીધા. મોઆવીયા, યઝીદ, શીમ્ર, ઈબ્ને ઝીયાદ વિગેરેના હુકમનું પાલન કરવામાં સમાજના લોકોના નિયમો અને હક્કોનો નાશ કરી નાખ્યો. હવે ન તો અલ્લાહનો ડર દિલમાં રહ્યો ન તો કયામતનો ભય. આમ તો યઝીદ એ જાહેરાત કરીજ ચુકયો હતો કે ઈસ્લામ અને કુરઆન બની હાશમનો ઘડી કાઢેલો ઢોંગ હતો. જો કોઈ આ અન્યાય ઝુલ્મ અને ઝઘડાના ઘરમાં મિલ્લતના હક્કોના નાશ કરવાથી અને શરીઅત વિરૂધ્ધના હુકમોનું પાલન અને અનુસરણ કરવાની ના પાડે, જેવું ખુરાસાનના હાકીમે કર્યુ હતું (જુઓ “મોઆવીયા ઈબ્ને અબી સુફયાન ફીલ મીઝાન” પાના ૧૮૯) તો ધીરે ધીરે તેને મારી નાખવામાં આવતા અથવા બંદીવાન બનાવી લેવામાં આવતા. બની ઉમય્યાના નોકરો, ઓફીસરો અને સામાન્ય રીતે મુસલમાનોમાં હરામ કામો અને બદકારી સામાન્ય થઇ પડી. હવે આવા લોકોને કોઈ ફેર નહોતો પડતો કે કોણ તેઓની ઉપર હકુમત કરે, જુએ તો મોઆવીયા કરે કે યઝીદ કરે. કારણકે તેઓના અંત લાભો મોઆવીયા અને યઝીદ બંનેની હુકુમતમાં હતા. તેથી તેઓ તે ઝાલીમો અને બદકારોની હુકુમતના તરફદાર હતા.

ઈસ્લામી સામાજીક જીવનની દરેક બાબતો શિથિલ થઈ ગઈ. “અમ્ર બીલ અમરૂફ” અને “નહ્ય અનિલ મુન્કર” ને લોકોએ છોડી દીધા એટલું જ નહી પરંતુ જો કોઈ ખુદાનો બંદો પોતાની બધી હિમ્મત એકઠી કરીને આ કામ કરવાનો પ્રયત્ન પણ કરે તો હુકુમત અને તેના જાસુસો તુરતજ તેના ઉપર નિયંત્રણ મૂકીને અટકાવી દે. એવું લાગતું હતું કે ઈસ્લામમાં “અમ્ર બીલ મઅરૂફ” અને “નહ્ય અનિલ મુન્કર” જેવી કોઈ બાબત ફુરૂએ દીનમાં છે જ નહી અથવા તો કુરઆન કે નબી સ.અ.વ. ની હદીસોમાં તેનું સ્થાનજ નથી. વિદ્વાનો અને પ્રવચન કરનારાઓને પરવાનગી ન હતી કે હુકુમત કરનારાઓની તરફેણ સિવાયની વાતો કરે. મોઆવીયા અને યઝીદ માટે દોઆઓ કરે અને અલ્લાહના નેક અને પવિત્ર બંદાઓ ઉપર લઅનત અને મલામત સિવાય બીજું કંઈ ન કહે.

ઉમવી અર્થતંત્રની અવ્યવસ્થાએ લોકોને સખત પરેશાનીમાં સપડાવી દીધા હતા. બયતુલ માલ જેનો ઉપયોગ સમાજની ભલાઈ, રાહત, આર્થિક પ્રગતિ, લોકોના નફા અને પ્રગતી માટે કરવામાં આવતો હતો, હવે મોટા ભાગે ઈનામો અકરામ અને નાજાએઝ કામો માટે ખર્ચ કરવા લાગ્યા. બની ઉમય્યાના રાજકીય તરફદારો અને જાસુસોએ તેમાં અંધાધુંધ લૂટં ચલાવી. પરિસ્થિતિ એ હતી કે હવે આ બયતુલ માલમાંથી કનીઝો ખરીદવામાં આવતી. શરાબ, જુગારમાં મસ્ત રહેનારાઓની મહેફીલો ગોઠવવામાં આવતી હતી.

મઅરેફત, મનન, ચિંતન, ઈલ્મ, દીન અને ઈમાન, દિન પ્રતિદિન અસ્ત થઈ રહ્યા હતા. હવે આ ખુદા – પસંદ બાબતો ઘટીને અંતિમ તબક્કામાં પહોંચી ચૂકી હતી. ઈસ્લામી સમાજની સામૂહિક શકિત અને તાકાત હવે એટલી હદ સુધી નિર્બળ બની ચૂકી હતી કે કોઈનામાં એવી હિંમત રહી ન હતી કે હુકુમતની કોઈ એક વાતનો પણ વિરોધ કરે. મઝહબ અને ચિંતન સ્થિતપ્રજ્ઞ થઈ ગયા. જેના પરિણામે ઈસ્લામનું માત્ર નામ અને કુરઆન માત્ર રીત રિવાજથી વિશેષ કાંઈ ન રહ્યું. તે ઈસ્લામ જેને પોતાના હુકુમતના નિતી નિયમો અને વ્યવહાર દક્ષતા ઉપર ગર્વ હતો, હવે તે એક તમાશાની જેમ જોઈ રહ્યો હતો, જ્યારે ઈતિહાસની આરસીમાં તેની આબરૂં લૂંટવામાં આવી રહી હતી.

ઈલ્મી રૂકાવટની એ સ્થિતિ હતી કે ઈબ્ને અબ્બાસ જેવા બુઝુર્ગ તફસીરકાર ઉપર કુરઆનની તફસીર અને એહલેબયત અ.સ. ના ફઝાએલ અને કારકીર્દી બયાન કરવા પર નિયંત્રણ મૂકવામાં આવ્યું હતું, અને તેની જાહેરાત કરી દેવામાં આવી હતી. ન તો કુરઆનની તફસીર બયાન કરી શકાતી હતી ન તો પયગમ્બર સ.અ.વ. ની હદીસો. હરામ અને હલાલ હકુમત કરનારાઓની મરજી ઉપર હતા. જેનો કુરઆન કે હદીસ સાથે કોઈ સંબંધ કે સંદર્ભ રહ્યો નહીં. ટૂંકમાં એ કે જેવી રીતે ઈમામ હુસયન અ.સ. એ ફરમાવ્યું: “પયગમ્બર સ.અ.વ. ની સુન્નતને કચડી નાખવામાં આવી રહી હતી. બિદઅત જીવંત અને ફેલાઈ ગઈ હતી. ન કોઈ હક ઉપર કાર્ય કરી રહ્યું હતું, ન તો કોઈ બાતિલથી અલિપ્ત રહેતુ હતું.”

સામાજીક ચારિત્ર્યનું પતન અને અઝમતની પડતીની આથી વધીને કઈ દલીલ હોઈ શકે છે, જેનાથી તેઓના વિચાર અને ઈમાનની નિર્બળતાનો અંદાજો કરી શકાય છે. મીલ્લતના માથું મૂકનારા બહાદુરોએ પત્રો પર પત્રો લખીને ઈમામ હુસયન અ.સ. ને નિમંત્રણ પાઠવ્યું અને આપને ઈન્સાફ અને ન્યાય સ્થાપિત કરવાની વિનંતી કરી. જેથી શરીયતની પ્રણાલી જીવંત થાય અને બાતિલ નાશ પામે. પરંતુ જ્યારે ઈમામ હુસયન અ.સ. એ પોતાના કાકાના દિકરા ભાઈ જનાબ મુસ્લિમ બીન અકીલ ને પોતાના પ્રતિનિધી તરીકે કુફા રવાના કર્યા, ત્યારે એજ લોકોએ દુનિયાની દૌલત અને માલની લાલચમાં અક્કલ, દીન અને બયઅતને ત્યજી દઈને આપનો પક્ષ છોડી દીધો અને ઈમામના પ્રતિનિધીને નિ:સહાય અને એકલા શહિદ કરી નાખ્યા. જ્યારે ઈમામ હુસયન અ.સ. ખુદ પોતાના કુટુંબ અને સાથીદારો સાથે તશરીફ લાવ્યા તો આપને સ્વજનો અને સાથીદારો સાથે શહિદ કરી દેવામાં આવ્યા. તેમના સ્ત્રી વર્ગની સાથે જે કાંઈ બન્યું તેનો આઘાત અને સદમો સૌ કોઈને જીભે છે.

જી હા, જ્યારે ઈસ્લામ જગત ઉપર મોઆવીયા, યઝીદ, મુસ્લિમ બીન ઉકબા, મોગીરા, ઝીયાદ, ઉમર આસ વિગેરે જેવા નીચ અને નરાધમ લોકોની હુકુમત હશે તો તેની હુકુમતનું પરિણામ હલ્કું ચારિત્ર્ય, સામૂહિક ઝઘડાઓ, વિચાર અને મનની રૂકાવટ અને પડતી સિવાય કાંઇ નહી હોય. આવો સમાજ ખુદાના નેક બંદાઓ સાથે કયારેય કદમ મીલાવી નથી શકતો. આવી પરિસ્થિતિમાં હુસયની પડકાર અને ક્રાંતી જેવીજ ક્રાંતીની જરૂર હોય છે. એવી ક્રાંતી જેમાં અબ્બાસના બાવડા ફુરાતના કિનારે કપાય જાય, જેમાં અલી અકબર જેવા જુવાન જોધને મારી નાખવામાં આવે, જેમાં કાસીમ જેવા નવજવાનની લાશને પામાલ કરવામાં આવે અને હદતો એ કે અલી અસગર જેવા છ માસના બાળને કરબલાની બળતી રેતી ઉપર હુરમલા મલઉનના તીરનું નિશાન બનાવવામાં આવે. યાદ રહે આ ક્રાંતી સ્ત્રી વર્ગને બંદીવાન થવાના અને એક ફુઈ અને ભત્રીજાના પ્રવચન વગર પરિપૂર્ણ થઈજ ન શકતે. એવા પ્રવચનો જેનાથી માનવતાને ગફલતના સ્વપ્નમાંથી ઢંઢોળીને જાગૃત કરી દીધા અને માનવતાને પાશવતાના અંધકારમાંથી બહાર લાવીને સંસ્કૃતિ સભર સન્માનીય જીવન અર્પણ કર્યું.

કાલ અને આજ એક મુલ્યાંકન

જો આપણે આ જમાનાની પરિસ્થિતિ પર વિચાર કરીએ તો જણાવશે કે જે ચારિત્ર્ય અને રૂહાની બીમારીથી યઝીદનો સમાજ તંગ થઇ ગયો હતો, તેનાથી અનેક ગણી ખરાબ પરિસ્થિતિ આપણને આજના સમાજમાં દેખાશે. આજે આપણા સમાજમાં લોકો ધન સંપત્તિવાળા લોકોને માનની દ્રષ્ટિએથી જુએ છે. શિક્ષણ અને કલમને અભરાઈએ ચડાવી દેવામાં આવ્યા છે. દુનિયાની હવસ અને પૈસાની લાલચે આપણને અંધ બનાવી દીધા છે. ન તો ઈસ્લામી શિક્ષણ ઉપર ભાર મુકવામાં આવે છે, ન તો તેના સંસ્કારપૂર્ણ ઉછેરનું કાંઇ મહત્વ છે. શરીઅત અને દીનના આલીમોને મજાક મશકરીનું કેન્દ્ર બનાવવામાં આવી રહ્યા છે. બેશરમીને પ્રગતી અને પરદા અને હિજાબને હલ્કા ગણવામાં આવી રહ્યા છે. બિદઅતને દીન અને દીનને બિદઅત સમજવામાં આવી રહ્યા છે. ખુમ્સ અને ઝકાત આપવાનો એ રીતે ઈન્કાર કરવામાં આવી રહ્યો છે જે રીતે કારૂને કર્યો હતો. વિરોધો અને ટાંગા-ખેંચની બોલબાલા છે. હક-પરસ્તોનું અપમાન કરવામાં પાછું વાળીને જોવાતું નથી. કૌમ ગુમરાહી અને અંધકારમાં ભટકી રહી છે. ન કોઈ માર્ગદર્શક છે ન તો કોઈ રસ્તો દેખાડનાર.

એટલુંજ નથી કે માત્ર એકજ વિસ્તારના મુસલમાનો આ પ્રકારના પ્રશ્નોથી ઘેરાએલા છે, પરંતુ સમગ્ર ઈસ્લામી ઉમ્મત આવી બેહુદી દશામાં સબડી રહી છે. તે માટે આજે એવા મહાન રક્ષકની જરૂર છે જે ઈમામ હુસયન અ.સ. ના વંશમાંથી હોય અને જેને મઅસુમોની રિવાયતમાં “મહદી” નું નામ આપ્યું છે. પરંતુ એવી મહાન ક્રાંતિ માટે કેટલીક એવી વ્યકિતઓની જરૂર છે કે જે જાન, માલ, સંપત્તિ, સમય, કુટુંબ એટલેકે પોતાના સંપૂર્ણ અસ્તિત્વની સાથે તેમાં ભાગ લે. જો કોઈ એવા છે તો ખરેખર તેઓને હક છે કે આ રીતે કહે “ફયા લય્તની કુન્તો મઅકુમ ફઅફુઝ મઅકુમ.” બીજા શબ્દોમાં આજના આ ફીત્ના અને ફસાદના કાળમાં સૌથી મહત્વની જવાબદારી એ છે કે આપણે કુરઆન અને અકલેબયત અ.સ. ના દામનને વળગી રહીએ. તે વિલાયતનો વાયદો જે આપણે “અલસ્તોની” દુનિયામાં આપણા મઅબુદને આપ્યો હતો તે પુરો કરીએ અને સૌથી વધુ મહાન રહમત રસુલ સ.અ.વ. ની અહલેબયત છે તેમનાથી “કત્એ રહેમી” ન કરીએ. ઈમામ બાકીર અ.સ. ફરમાવે છેઃ “મેં હઝરત અલી અ.સ. ની કિતાબમાં એ જોયું છે કે જ્યારે ઝીના અને બદકારી સામાન્ય થઈ જશે. અકુદરતી મૃત્યુ સામાન્ય થાશે, માપ તોલમાં ચોરી થશે, ત્યારે અલ્લાહ લોકો પર દુષ્કાળ અને ઓછી રોઝી ઉતારશે. જ્યારે લોકો ઝકાત નહીં આપે ત્યારે ઝમીન પોતાની બરકતો જેવી કે અનાજ, ફળ, અને ખનીજની પૈદાશને કેદ કરી લેશે. જ્યારે અદાલતી ચૂકાદઓમાં ઝુલ્મ અને જબરદસ્તીથી કામ લેવામાં આવશે, લોકો ગુનાહ અને દુશ્મનીમાં એક બીજા ને મદદ કરશે, જ્યારે વાયદા અને વચનોને ભંગ કરવામાં આવશે ત્યારે ખુદાવંદે આલમ તેઓના દુશ્મનોને તેઓ ઉપર જીત અપાવશે અને જ્યારે તેઓ “કત્એ રેહમી” કરશે અલ્લાહ તઆલા તેઓના ધન અને માલને કુછંદી અને બદકાર લોકોના હાથોમાં સોંપી દેશે” (હવાલોઃ મુસ્તદરક સફીનતુલ બેહાર, અલ્લામા શાહરૂદી નમાઝી, ભાગ-1, પાના 18-19)

તો આવો આપણે મઅબુદે હકીકીની બારગાહમાં દોઆ માટે હાથ બુલંદ કરીએ અને કહીએ “પરવરદિગાર, તારા વલી અને હુજ્જતને જાહેર કરવામાં જલ્દી કર.”

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *