Home » અલ-મુન્તઝર માહે મોહર્રમ » ૧૪૨૦ » ઇમામ હુસૈન (અ.સ.) » ઇમામ હુસૈન અ.સ. ના પત્રો, ખુત્બા અને હદીસો

પોતાના શીયાઓને ઈમામ હુસયન અ.સ. નો સંદેશો

Print Friendly

પોતાના શીયાઓને

ઈમામ હુસયન અ.સ. નો સંદેશો

ઈમામ હુસયન અ.સ. ના સંદેશાઓ આપના શીયાઓના જીવનનાં દરેક સ્તરે ગુંજી રહ્યા છે. ઈમામના ચાહનારાઓનો જીવન વ્યવહાર આપના સંદેશાઓનું બોલતું પુસ્તક છે. ઉઠવું, બેસવું, સુવું, જાગવું, ખાવું, પીવું, ઘર, સમાજ એટલે કે અલીના શીયાઓના જીવનનો દરેક ભાગ ઈમામ હુસયન અ.સ. ના સંદેશાઓથી ભરપુર છે. હવે એ વાત જુદી છે કે આ હકીકતના પ્રતિબિંબમાં અમુક એવા લોકો અને અમુક જવાનો એવા પણ છે કે જે પોતાનો ચહેરો જોઈને પણ પોતાના ચહેરાને નથી ઓળખતા. બલ્કે એ કહેવું વધું યોગ્ય ગણાશે કે કોમ અને સમાજની જે નવી પેઢી આવી છે જેમાં હુસયન અ.સ. ના સંદેશાઓના મુળ ઉદ્દેશને એક હદ સુધી ગુમાવી રહ્યા છે, તેના અનેક કારણો છે. પહેલું કારણ તો એ છે કે સંદેશા આપનાર માધ્યમો નબળા છે તેની સાથે સાથે સંદેશો લેનારના દિલ અને દિમાગમાં તે સ્વિકારવા માટેની સમજ શકિતને પોષણ અને ફુલવા ફાલવા માટેની ફળદ્રુપ જમીનને યોગ્ય તરી નથી મળી રહી.

“ઝરા નમ હો તો યે મીટ્ટી બહોત ઝરખૈઝ હૈ સાકી”

“થોડી ભીનાશ હોય તો આ માટી ઘણી ફળદ્રુપ છે.” આ માટે ઘરના કાર્યોની રીત પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ. સમગ્ર સમાજ આ કારણે બે વિભાગમાં વહેંચાઈ ગયો છે. પહેલો તબક્કો એ લોકોનો છે જે પોતાની જોહુકમી અને શાહિ સિધ્ધાંતો હેઠળ પોતાના મંતવ્યો ઉપર સરમુખ્તયારીથી પક્કડ જમાવીને ઈમામના સંદેશાને સાંભળીને પણ તેની ઉપર પોતાનાજ દ્રષ્ટિપાતને પોતાની શાનો શૌકત અને પોતાના જીવનના ચાલ ચલણનો મતલબ સમજે છે. (તેઓની સંખ્યા વધુ નથી). બીજો તબક્કો એ છે જેમાં લોકોની ઘણી મોટી સંખ્યા જોવા મળે છે. તેઓની નવી પેઢી અચંબાથી, હૈરાન પરેશાન અને અતૃપ્ત છે. તેઓ પર બે બાજુએથી દબાણ કરે છે અને તેઓ પોતાના વંશને પોતાની ઘરેડ તરફ ઢસડે છે. તેનું પરિણામ એ આવે છે કે અદ્યતન સંશોધનોના પ્રકાશમાં બુધ્ધિ અને ડહાપણના મુંઝવણભર્યા સવાલોના જવાબો મેળવવામાં સંપૂર્ણ સંતુષ્ટ નથી થતાં. બીજું કારણ એ છે કે બીજાઓની જુદી જુદી નવી વિચારધારાઓ, અસંખ્ય કેન્દ્રો થકી સંપૂર્ણ તૈયારી તનતોડ મહેનત અને ઝડપી ગતીથી કામ કરી રહ્યા છે. તેના ફેલાવા અને તબ્લીગના માટે નવા નવા માધ્યમો અને માર્ગો (MEDIA) અસ્તિત્વમાં આવ્યા છે અને ઘણી ઝડપથી તેનો ઉપયોગ થઈ રહ્યો છે. બીજાનું પ્રચાર સાહિત્ય પણ આપણા જીવન ઉપર ઘણી અસર ઉપજાવી રહ્યું છે. જે આપણી વચ્ચે ઘણી ઝડપથી આવ્યું છે.

આવા કસોટીના સમયમાં જ્યાં બધી બાજુએથી નકારત્મક અસરોના ઓળાઓ લપકતા દેખાય છે તેની સામે કૌમમાં એક એવી પ્રબળ ખાસિયત જોવા મળે છે, જેના પ્રકાશના આધારે કૌમનું અસ્તિત્વ બાકી છે તે માત્ર અને માત્ર ઈમામ હુસયન અ.સ. ની બક્ષીસ છે. દરેક કૌમ પોતાની મહાનતાના પાયા ઉપર પોતાની ઓળખ આપે છે. તેવી રીતે ઉસુલ અને અકીદાની સાથે અઝાદારી, ઈમામ હુસયન અ.સ. થી મોહબ્બત, રુદન, આસું, ઈમામ હુસયન અ.સ. ની ઝીયારતની તમન્નાઓ અને એવી ઘણી વિશેષતાઓ છે જે કૌમની ઓળખ જાળવી રાખે છે. એક તરફ રેડીઓ અને ટેલીવિઝનના કાર્યક્રમોની ધમલ, વર્તમાન પત્રોની વધુ સંખ્યા અને તેનો વિશાળ ફેલાવો, પરાયાના પ્રચારો અને પ્રકાશનોના સ્ત્રોતો છે, તો બીજી તરફ આપણી પાસે તબ્લીગ અને પ્રચારના અસંખ્ય મિમ્બરો છે જેની આજુ બાજુ અને ઈમામ હુસયન અ.સ. ના નામ ઉપર સમગ્ર કૌમ ઉમટી પડે છે. દુ:ખની વાત એ છે ક મિમ્બરો ઉપરથી આત્મ સંતોષની સામગ્રી મળી જાય છે, રડવાથી દિલ પણ થોડું ઠંડું થાય છે, પરંતુ સમાજમાં અને ખાસ કરીને જવાનોમાં હુસયની સંદેશો પહોંચાડવાનું કામ અસરકારક રીતે નથી થતું. સંદેશાઓ એક લાંબા સિલસિલાનું નામ છે. જેના જુદા જુદા દ્રષ્ટિકોણ છે. જે સમગ્ર શીયાઈ માળખાને મજબુત બનાવે તે માટે કૌમની દરેક વ્યકિતને શીખવા અને શીખવવા તરફ અભિગમ કેળવવો પડશે. એટલુંજ નહી બલ્કે સમાજમાં એક એવી આંતરિક શકિત ઉત્પન્ન કરવી પડશે જેનાથી વાંચનારાઓમાં ચારિત્ર્યની ક્રાંતી પૈદા થાય. કારણકે આજના ઝમાનામાં વાંચનારાઓનો મોટા ભાગનો સમય તો નવલકથાઓ, પ્રણય કથાઓ કે જાસુસી કથાઓ જેવા પુસ્તકો વાંચવામાંજ પસાર થઈ જાય છે. પછી સીધો સાદો નવજવાન તેની અસર હેઠળ ન આવે તો શું કરે?

જરૂરત એ વાતની છે કે સાહિત્ય અને જવાનોનું શિક્ષણ અને કંઈક શીખવામાં ઈમામ હુસયન અ.સ. ના સંદેશાઓ તેના મતલબ અને અર્થની સાથે ખુબજ સુંદર અને આકર્ષક રીતે આપણા જવાનો સુધી પહોંચાડવામાં આવે, જેથી જવાનો ઈમામ હુસયન અ.સ. ના ધ્યેયને સમજવામાં પોતાની પુરતી કોશીશ કરે અને બજારના તે પુસ્તકોમાં પોતાનો કિંમતી સમય પસાર ન કરે, જે આપણને તે દિવસે મોઢું દેખાડવાને લાયક નહી રાખે.

જ્યારે “યવ્મ લા યન્ફઓ માલુન વલા બનુન ઈલ્લા મન અતલ્લાહ બે કલ્બીન સલીમ (જે દિવસે પાકીઝા અને સાફ દિલની સિવાય ન માલ કામ આવશે ન અવલાદ).

અહીં ઈમામ હુસયન અ.સ. ના સંદેશા ઉપર ભાર મુકવાનું કારણ એ છે પહેલું તો આ કૌમના બચ્ચા બચ્ચાની ગળથુંથીમાં ઈમામ આલી મકામની મોહબ્બત પીવરાવવામાં આવી છે, બાળક શરૂઆતથી માતમની અસરોને સ્વિકારી લેવા માંડે છે.

બીજું ઈમામ હુસયન અ.સ. નું બાળપણ અને જવાની એક વિશેષ સ્વરૂપ ધરાવે છે. ત્રીજું મદીનાથી સફર અને શહાદત સુધી આપે જે દુ:ખ અને મુશ્કેલીઓનો સામનો કર્યો તે જો પ્રકાશિત દિવસ ઉપર પડતે તો કાળી રાતમાં બદલાય જાતે. પરંતુ જે શોર્ય, મરદાનગી, આત્મ સંતોષ અને ધીરજની સાથે આ મુશ્કેલીઓ અને દુખ પસાર કર્યા છે તેનો જગતની બધી કૌમએ સ્વિકાર કર્યો છે. શીયા કૌમ માટે તો એવું છે જેમકે રિસાલતના મુળ ઉદ્દેશને પહોંચાડવા માટે એક દીબાચો કે પ્રસ્તાવનાની જરૂરત હતી અને ઇમામ હુસયન અ.સ. એ બુધ્ધી પુર્વકના અર્થપુર્ણ કથનો અને ખુદાની રાહમાં શહાદતની ફીલોસોફીથી અને સન્માન પુર્વકના મૌતને અપમાનિત જીવન ઉપર અગ્રતા આપી તેને પરિપૂર્ણ કર્યુ. ઈમામ હુસયન અ.સ. આપણને ઘણા સંદેશા આપ્યા છે, જે એક લાંબો સિલસિલો છે, જે સમાજના જીવનની શોભા માટે એક સંપૂર્ણ બોધપાઠ છે, તેથી જળના બિંદુ સમાન માત્ર થોડા સંદેશાઓ દ્રષ્ટાંતરૂપે અહીં વાંચકો માટે આપવામાં આવ્યા છે.

સૌથી પહેલા આવો, આપણે જોઈએ કે ઈમામ હુસયન અ.સ. પોતાના પવિત્ર કથનમાં પોતાની ઓળખ કઈ રીતે અને કયા અંદાઝથી આપી છે. તેમાંથી સંદેશાઓના ક્યા ક્યા મુદ્દાઓ નીકળે છે.

આપ ફરમાવે છે “અના અહલો બયતીન નબુવ્વતે વ મઅદેનુર્રેસાલતે વ મુખ્તકફુલ મલાએકતે બેના ફત્હુલ્લાહે વ બેના યખ્તીમ.” એટલે “અમો અહલેબય્તે નબુવ્વત છીએ અને અમે છીએ રિસાલતની ખાણ. આ મારૂંજ ખાનદાન છે, જ્યાં ફરિશ્તાઓની આવન જાવન છે. આ તે ઘર છે જ્યાં ખુદાની રહેમત ઉતરે છે. ખુદાંવદે કરીમ મારા ખાનદાનથી દુનિયાની શરૂઆત કરી અને અંત સુધી તે અમારા ખાનદાનની સાથેજ રહેશે.” (અદબુલ હુસયન વ હોમાસતા, સંપાદક અહમદ સાબેરી હમદાની, પા. 102. આ વાકયો ઈમામ હુસયન અ.સ. એ તે સમયે ફરમાવ્યા જ્યારે મદીનામાં વલીદે બયઅતની માંગણી કરી હતી.)

આ સંદેશા દ્વારા તે સુતેલા આત્માઓને જગાડયા છે જેઓની વિચારવાની શકિત સુસ્ત થઈ ગઈ છે કે બીજી કોઈ તરફ ભટકી રહી છે. આપ ધ્યાન દોરી રહ્યા હતા કે મારી વાતોને સાંભળો અને તેની ઉપર અમલ કરો. મારા ચારિત્ર્યથી પોતાના ચારિત્રને શણગારો હું જેણે ફરિશ્તાઓને આવતાં જતાં અને ખિદમત કરતા જોયા છે. હું છું જેના ઘર ઉપર પરવરદિગારની બેશુમાર રહેમતો ઉતરી રહી હતી. જે ઈસ્લામે મારા ખાનદાનમાંથી પહેલું ડગલું ભર્યુ હતું તેનું અંતિમ સ્થાન પણ મારા ખાનદાનમાંથી જ જાહેર થશે. (ઈન્શાઅલ્લાહ તે દિવસ દૂર નથી કે આપના પુત્ર આપના નાહક ખુનનો બદલો લેશે અને તેમના ઝુહુરના પુર નૂર પ્રકાશથી દુનિયાને ન્યાય અને ઈન્સાફથી ભરી દેશે.)

આપે ઈસ્લામને જીવંત રાખવા માટે ખુદાના માર્ગમાં પોતાનું લોહી આપી દીધું, જેથી ખુદાના બંદાઓ અને તૌહીદના ફરઝંદો નીચતા અને અજ્ઞાનતાના અંધારામાંથી બહાર આવી શકે અને જુઠ્ઠા તોહમતોથી ભયભીત જીવનને બદલે સત્યતા માર્ગે મક્કમ રીતે, ધીરજ અને આત્મ વિશ્વાસથી જીવન પસાર કરી શકે.

જેમકે ઝીયારતે અરબઈનમાં લખ્યું છે, વ બઝલ મોહજતહો ફીક લે યસ્તન્કેઝ એબાદક મેનલ જહાલતે વ હયરતીઝ ઝલાલતે. અર્થાત તેણે (હુસયન અ.સ.) પોતાના ખુનને તારી રાહમાં નિસાર કરી દીધું જેથી (એ ખુદા!) તારા બંદા અજ્ઞાનતા, પરેશાની અને ગુમરાહીથી મુકિત મેળવે.

અજ્ઞાનતા એવી બાબત છે જ્યાં બુધ્ધિ નિષ્ક્રિય થઇ જાય છે. આજે જેટલી આઝાદીથી નિર્જીવ અને જડ મૂર્તિઓની સામે અસંખ્ય લોકોના માથા નમે છે, તેટલી આઝાદી કદાચ મક્કાના અજ્ઞાનતાના યુગમાં પણ નહી હોય. હુસયન અ.સ. ના ખુનની આ અસીમ કરામત છે, જે આપણને અજ્ઞાનતાના અંધકારમાંથી બહાર લાવે છે.

આશ્ચર્ય! આશ્ચર્યથી દિગઃમૂઢ થયેલી આંખો કેમ વિચાર નથી કરતી. ચારિત્ર્યની ઉચ્ચતાનું મૂળ છે માનવીની સમજ. માનવીની સમજના વિકાસનું માધ્યમ છે જ્ઞાન જે જ્ઞાની લોકોના સત્સંગથી અને જ્ઞાનની ચર્ચાઓથી આવે છે. ઈમામ હુસયન અ.સ. એ તેની વધુ સ્પષ્ટા કરતા કહ્યું છેઃ “દેરાસતુલ ઈલ્મે લેકાહુલ મઅરેફહ.” આ કથન વર્તમાનની આપણી નવી પેઢીને સુચન કરી રહ્યું છે કે તમારો કિંમતી સમય તે જ્ઞાન મેળવવામાં પસાર કરો, જે મઅસુમોના દ્રારોથી પ્રાપ્ત થાય છે. પોતાનો સમય ગુનહેગાર લોકો સાથે પસાર ન કરો, તે બદગુમાની અને છળ કપટ જેવું છે. તેથી આપ (અ.સ.) ફરમાવે છે “મજલેસતો અહલુલ ફીસ્કે રયબહ.” ગુનેહગારો સાથે ઉઠવું – બેસવું માનવીને શંકાશીલ બનાવી દે છે.

હિણપાતઃ હિણપાત અને ગુમરાહીથી બચવા માટે આપે ફરમાવ્યું, “તે માર્ગ જે તમને સત્યની તરફ દોરી જાય છે તેને (તેમાં પડતી મુશ્કેલીઓને) સહન કરવામાં ધીરજ ધરો અને જે તમને સત્યના માર્ગથી દુર કરવા ચાહે છે તેનાથી અળગા રહો, (જોકે) તમારી મનોકામનાઓ, તમને તેના દેખીતા લાભો તરફ દોરશે. ધીરજ અને સબરને તમારૂં ધ્યેય બનાવો.” (મવસુઅતે કલેમાતે ઈમામ હુસયન અ.સ., પા. 770)

સત્યનપ માર્ગ અપનાવોઃ આ માર્ગમાં દુખસહન કરવું અને જે ખોટો માર્ગ દેખાડે છે, દેખીતા લાભો પ્રત્યે ઈચ્છાઓને દોરે છે, તેનાથી દૂર રહેવું.

ઈમામ હુસયન અ.સ. એ આ ચાર કાર્યો કરવાનું પોતાના સંદેશામાં જણાવ્યું છે. તેમાંથી એક નવો મુદ્દો ઉપસ્થિત થાય છે કે સમાજને સાચા માર્ગદર્શકની જરૂર છે, નહિતો ખોટા માર્ગ દોરનારાઓને ઘણા આકર્ષક ઈશારાઓ થાય છે. એક વખત તેની મોહજાળમાં ફસાઈ ગયા તો પરિણામે જહન્નમ સામેજ છે અને દુનિયા, જે માત્ર કામચલાવ રહેઠાણ છે, તેની કસોટીમાં જો સત્યના માર્ગે પસાર થયા, તો જન્નતની ખૂશખબર સ્વાગત કરી રહી છે. તેથી આ હિદાયતના સંદર્ભમાં આપે ફરમાવ્યુઃ

“એક ઈમામ હિદાયત અને સારા પરિણામને માટે આમંત્રણ આપે છે જે અમુક લોકો ખુશીથી સ્વિકારે છે અને એક ઈમામ હિણપાત, ગુમરાહીની તરફ આમંત્રણ આપે છે. અમુક લોકો એવા પણ છે જે તેની માયાજાળમાં ફસાઈ જાય છે. તેમાનો એક સમુહ જન્નતી છે અને બીજો સમુહ દોઝખમાં જનાર છે. આ અલ્લાહના કલામ પણ છેઃ “એક સમુહ જન્નતમાં જશે એક સમુહ દોઝખમાં જશે.”

હવે જોવાનું એ છે કે જે સત્યના માર્ગે અને સદકાર્યો તરફ આગળ વધે છે તેઓમાં કઈ કઈ નિશાનીઓ છે જે આપે ફરમાવી છેઃ “સૌથી વધુ સખી એ માણસ છે જે કોઈને સખાવત કરે છે પછી કયારેય તેની પાસે નાની એવી માંગણી પણ નથી કરતો.” પછી આપ અ.સ. ફરમાવે છે કે “માફ કરનારાઓમાં સૌથી વધુ ઉચ્ચ માણસ એ છે કે બદલો લેવાની શકિત ધરાવતો હોય તેમ છતાં માફ કરે.” આ અંગેની ઘણી રિવાયતો અને ઈમામની હદીસો છે. પરંતુ અ દીર્ધતા, ઉંડાણ, આ ધીરજ, આ સબર, આ સુંદર ચારિત્ર્ય માનવીમાં તે સમયે પૈદા થાય છે જ્યારે તે પોતાના ઈમાનને સંજોગોના એરણ ઉપર પારખી લે છે અને જ્યારે તેની તેજસ્વી પ્રકૃતિમાં યકીનનો પ્રવેશ થાય છે. નહીતો શયતાન ડગલે ને પગલે વસવસાની જાળ પાથરે છે. આ માટે પણ હઝરતે ફરમાવ્યુઃ તમને (એ મારા શીયાઓ!) શયતાનના કહેવા ઉપર કાન ધરવાથી રોકું છું. એટલા માટે કે તે તમારો ખુલ્લો દુશ્મન છે.” (અદબુલ હુસયન વ હમાસતા, પા. 71)

અહી ખુલ્લા દુશ્મન અંગે એક ખુલ્લો સવાલ છે. શું શયતાનના કાર્યોથી આ કૌમના લોકો પોતાને બચાવવાની કોશીશ પણ કરે છે? કે પછી લોકો આ બાબત પ્રત્યે ધ્યાનજ નથી આપતા, કે આપણી પાસે શયતાની કાર્યો માટે ઓછા સાધનો પ્રાપ્ત છે કે ઘણા વધારે સાધનો પ્રાપ્ત છે. તેનો અંદાજો આપણી વાણી અને વર્તન ઉપરથી આવી જાય છેઃ શું આપણો સામુહિક દેખાવ એ હકીકતને પ્રતિબિંબીત કરે છે કે શયતાની કથનો અને કાર્યોની ચર્ચાને બંધ કરી દીધી છે. કે તેના કાર્યો કરવાવાળા આપણા સમાજમાં આઝાદીથી આવ જા કરે છે. તેના માટે આપણી સંસ્કૃતિનું એક એવું ઉદાહરણ લઈ લો જેનાથી આપણે દરરોજ પરેશાન થઈએ છીએ, તો કદાચ સમજાય જશે. ઈસ્લામમાં એક સ્ત્રીની ઈઝઝત, મર્યાદા, સન્માન ને શ્રૃંગારનું રક્ષણ તેનો ઈસ્લામી પરદો છે. જ્યારે ઈમામ હુસયન અ.સ. આશુરાના દિવસે અસરના હંગામાં પછી ઘોડાની પીઠ ઉપરથી જમીન ઉપર આવે છે અને શીમ્ર કહે છેઃ “હુસયના રહેણાંક તરફ આગળ વધો” તો રિવાયત કહે છે, “ઈમામ હુસયન અ.સ. તે અવાજને સાંભળીને તેવીજ હાલતમાં એવી રીતે થોડે દૂર સુધી ઘુંટણભર ચાલ્યા અને કહ્યુઃ અરે! હુસયન હજુ જીવતા છે. હુસયનના રહેણાંકમાં પવિત્ર ચારિત્ર્યની પરદાનશીનો છે. તે તરફ ન જાવ.” ઇમામનો અવાજ ચૌદસો વરસથી દરેક ખાનદાનમાં દોહરાવવામાં આવે છે. તેમ છતાં શયતાને હજારો પ્રકારની વિકૃતિઓથી આ માળખાને પણ તોડી નાખ્યું છે. શયતાનીય્યતની એ પરિસ્થિતી છે કે સહ શિક્ષણને જીવનની પ્રગતિનો તાજ ગણવામાં આવે છે. કદાચ આપણા સમાજના નફાખોરોને માર્કસના આ વાક્યોથી ટેકો મળ્યો છેઃ “માનવી ધર્મનું ઘડતર કરે છે. ધર્મ માનવીનું ઘડતર નથી કરતો,” “આ (ધર્મ) તો એક અફીણ છે.” જો તેમ ન હોત તો ઈસ્લામના મોટા મોટા કાયદઓની વિરૂધ્ધનું આચરણ કરવામાં લોકો અચકાતે અને ગભરાતે અથવા ઓછામાં ઓછું તેની મર્યાદા અને મોભો જાળવતે. ક્યાંક એવું તો નથી ને કે જીભથી કહેતા હોય કે ઈસ્લામ અલ્લાહનો ધર્મ છે અને કાર્યથી એ સાબિત કરે કે આપણે કરીએ છીએ એ પણ એક ધર્મ છે, માનવી જેને ઘડે છે. હકીકત એ છે કે અલ્લાહ તબારક વ તઆલા જે દુન્યાઓનો સર્જનહાર છે, તેને આ ગુમરાહ લોકોએ પોતાના જેવો સમજી લીધો છે. ઈમામ હુસયન અ.સ. ની ભવ્ય શહાદત પર ચિતંન અને મનન કરનારાઓએ આપનો આ સંદેશો યાદ રાખવો જોઈએ. નહીં તો હુસયન અ.સ. નો દામન હાથમાં નહી આવે અને દરેક સ્થળે હરામ સિવાયનું કંઈ નહીં મળે. આપ અ.સ. ફરમાવે છેઃ “આ અધર્મીઓથી બચો અને તેમનાથી પરહેઝ કરો જે લોકો ખુદાને પોતાના જેવો ગણે છે. બીજું ઉદાહરણ એ છે કે તૌહિદનો સિધ્ધાંત પ્રથમ છે અને સમજણ પૂર્વકનો છે, પરંતુ આપણા મા-બાપે નાનપણમાં શીખવાડી દીધું હતું તે પછી ઉમર તો વધતી ગઈ પરંતુ તે પવિત્ર જાત અને બેનિયાઝના બારામાં સમજણ તો તે નાનપણની હદ સુધીજ રહી અને અક્કલ અને સમજણનો દિપક તે માર્ગ ઉપર ક્યારેય પ્રકાશિત ન થયો. આ ક્ષેત્રમાં સમજ અને બુધ્ધિ માત્ર પાંચ કે છે વરસની રહી, જ્યારે ઉમર યુવાની પૂરી કરીને વૃધ્ધત્વ સુધી પહોંચી. દુઃખ એ વાતનું છે કે હઝરત સય્યદુશ્શોહદા અ.સ. થી અસીમ મોહબ્બત કરનારા, ઈમામ પાસે અલ્લાહની ઓળખની ભીખ માંગતે તો વિશ્વાસપૂર્વક હઝરતનું નીચે મુજબનું કથન તેઓની અક્કલ અને ચિતંનને ખુદાની મઅરેફત અને યકીનની એ કક્ષાએ પહોંચાડી દે તે જ્યાં સલમાન, અબુઝર વિગેરે બીરાજમાન થયા હતા. આપ ફરમાવે છેઃ

“ખુદા આપણા ચિંતનથી ઉચ્ચતર છે અને તે આપણી અક્કલથી અલગ, જેવી રીતે આપણી નજરથી (એટલું જ નહી) બલ્કે તે આસમાનમાં રહેનારાઓથી પણ છુપાએલો છે, જે રીતે જમીનવાળાઓની આંખોથી.” આ એક એવો વિષય છે જે પવિત્ર ગુણો ધરાવનારા માટે વિચાર માંગી લે છે. એટલા માટે કે જો ખુદા ઈન્સાનની અક્કલમાં આવી જાત તો તે અક્કલની હદમાં મર્યાદિત થઈ જતે, જો દેખાતે તો નજરોમાં સમાઈ જતે. જો વિચારોમાં સમાઈ જતે તો કાલ્પનિક થઈ જતે. જો સ્પર્શ કરી શકાતે તો અનુભવી શકાતે. જ્યારે ખુદાની જાતને કોઈ મર્યાદા નથી. આ તો તે એક અને એકાકી મઅબુદનો કરમ છે કે તે આપણી શોધખોળના માર્ગમાં આપણાં અસ્તિત્વમાં તેની ઓળખાની શકિત પૈદા કરે છે, જે આપણને અલ્લાહ તઆલાની મઅરેફત અર્પણ કરે છે અને આ એક એવી અજ્ઞાત ખુશી જેની પ્રશંસાનું વર્ણન શબ્દોથી પર છે. તેના દ્રારા યકીનના દ્રારો ખુલવા માંડે છે અને જકડાએલી રૂહોને જન્નતની ખુશ્બુ સ્પર્શ કરીને ચાલી જાય છે, જે અલ્લાહની જાતના અસ્તિત્વ ઉપર આપણા યકીનને વધુ પુખ્તતા આપે છે.

એ ઈમામ હુસયન અ.સ. હતા જે યકીનનું અંતિમ સ્વરૂપ હતા. આપેજ હઝરત જીબ્રઈલને શહાદતના સમયે કહ્યું હતુઃ આ કસોટીનો સમય છે, તમારા છાંયડાને હું સ્વિકારતો નથી. એજ હુસયન અ.સ. હતા જેમણે જ્યારે મદીનાથી વિદાઈ લીધી ત્યારે મોહમ્મદે હનફીયાને વસીય્યત કરી, જેનો એક એક શબ્દ આપણા માટે સંદેશો છે. જે દુનિયાના જીવનની સાથે સાથે કબરમાં પણ પીઠ અડકવા (ટેકો –સહારો લેવા) માટે પૂરતો છે. આપ ફરમાવે છેઃ

“વસીય્યત હુસયન બીન અલીની તેના ભાઈ મોહમ્મદે હનફીયાના નામે છે કે હુસયન ખુદાની તૌહિદ ઉપર ગવાહી આપે છે અને ગવાહી આપે છે કે તે એક અને કોઈની સાથે સરખામણી ન થઈ શકે તેવો એકાકી છે અને તેનો કોઈ સાથીદાર નથી અને મોહમ્મદ સ.અ.વ. તેના મોકલેલો નબી છે અને તે અલ્લાહના તરફથી હક્કના (ઈસ્લામના) કાયદા અને કાનુનો ખુદા તરફથી લાવ્યા છે અને હુસયન અ.સ. ગવાહી આપે છે કે જન્નત અને દોઝખ હક છે અને જઝા અને સજાનો દિવસ નિશંક એક દિવસ આવશે. તે સમયે ખુદા દરેકને ફરી જીવતા કરશે. હું મદીનાથી એટલા માટે નથી જઈ રહ્યો કે ખુશહાલીનું જીવન જીવું અથબા ઝઘડા અને સિતમગારોને ઉકસાવું. બલ્કે મારો હેતુ “નહ્ય અનીલ મુન્કર” અને “અમ્રબીલ મઅરૂફ” છે. મદીનાથી મારૂં પ્રયાણ એટલા માટે છે કે ફસાદ ફેલાએલો છે. તેની સુલેહ થઈ જાય અને મારા જદ રસુલે ખુદા સ.અ.વ. એ (મેળવેલ) કાનુનો (જે પીઠ પાછળ નાખી દેવામાં આવ્યા છે તે) પુનઃ જીવીત કરી તેનો અમલ કરવામાં આવે. હું મારા જદ અને મારા પિતા અલી બીન અબી તાલીબ અ.સ. ની પ્રણાલિકા મુજબ ચાલવા માંગુ છું.

તેથી દરેક તે વ્યકિત જે બયાન કરવામાં આવેલ હકીકતો મારી પાસેથી સ્વિકારશે અને મારૂં અનુસરણ કરશે તેણે ખુદાનો માર્ગ અપનાવ્યો. જેણે મારી વાતોને રદ કરી દીધી અને મારૂં અનુસરણ નહીં કર્યુ, તો પણ હું ધીરજ અને સબરથી મારા માર્ગ ઉપર ચાલતો રહીશ, ત્યાં સુધી કે ખુદા મારી અને તેમની વચ્ચે ફેસલો કરશે, એટલા માટે કે તે સૌથી મોટો હાકીમ છે. એ મારા ભાઈ! આ આપને મારી વસીય્યત છે, બધી તવફીક અલ્લાહના કારણે છે તેની ઉપર ભરોસો કરૂં છું અને તેની તરફ રજુ થાઉં છું.”

કાશ! દરેક હુસયન અ.સ. ની વસીય્યતના આ સંદેશાની તખ્તી ગળામાં લટકાવી રાખતે અને હસૈની દ્રઢતા અને ઈરાદાના પ્રકાશમાં ખુદને શોધતે. જેથી તે કેટલી હદ સુધી ઈમામ હુસયન અ.સ. એ બયાન કરેલ હકીકતો પર યકીન ધરાવે છે અને આપના અનુસરણમાં કેટલા ડગલાં ચાલી શકે છે, તે જાણી શકતે. ક્યાંક એવું તો નથી ને કે તે સમુહમાં તેની ગણતરી થઈ રહી છે, જેમણે આપના બયાનને રદ્દ કરી દીધું છે, કથન અને કાર્ય બન્નેમાં. શું આપણામાં “નહ્ય અનીલ મુન્કર” અને “અમ્ર બીલ મઅરૂક” કરવાની હિંમત છે? શું તૌહિદ અને નબુવ્વત ઉપર આપણા અકીદાઓ સચોટ અને મજબુત છે (ક્યાંક આરોપોના પંજા આપણી તરફ તો નથી વધી રહ્યા?) જો હુસયની સંદેશાઓ ઉપર લોકો અને સમાજ અમલ કરે, તો આ કૌમ નેક, નિડર, બહાદુરીભરી, શાણપણભરી અને દીર્ધદ્રષ્ટીવાળા લોકોની કૌમ છે. તેની સામે શંકાઓ બેબસ થઈ જશે. મન અને ચિત્ત વહમની ચુંગલમાંથી મુકત થઈ જશે. નહિતો હુસયની હોવાનો દાવો તો જરૂર રહેશે પરંતુ અમલના ક્ષેત્રમાં તે હરામ, હલાલ, પાક, નજીસ વગેરે વચ્ચેનો ભેદ રાખ્યા વગર નબળાઈ અને લાચારી, દિલ અને દિમાગના બનાવટી વમળોમાં ફસાએલા રહેશે અને જ્યારે હઝરત ઈમામ હુસયન અ.સ. જવાબ માંગશે તો તેઓની પાસે કોઈ જવાબ નહી હોય.

હકીકતમાં હુસયની સંદેશાઓ એક સંપૂર્ણ પાઠશાળા છે, જે આપણને માર્ગદર્શન આપે છે. આપણને નિડરતાથી જીવન જીવવાં રીતે રસમ દર્શાવે છે. જે સમાજની બિમારીઓને દુર કરે છે જે આપણને તૌહિદનો પાઠ આપે છે, જે આપણને રિસાલતની તબ્લીગનો અર્થ સમજાવે છે. જે આપણને ઈમામના માર્ગ અને રીતભાત તરફ દોરે છે. ઈમામ હુસયન અ.સ. નો તે સમય કાળ હતો, જે કાળમાં શયતાનની કુફ્ર અને હલકાઈની લપેટમાં ઈસ્લામી રાજ્યોની દુર દુરની સરહદો આવી ચુકી હતી. તેથી કુફ્ર અને યઝીદ તેના સત્તા સ્થાને હતો. તેથી કુફ્ર અને અધમતાનું બીજુ નામ “યઝીદીય્યત” પડી ગયું હતું. અ સમયકાળ દરમ્યાન ઈમામ હુસયન અ.સ. એ શરીયતે મોહમ્મદીની કશ્તી એ રીતે પાર ઉતારી જે રીતે જ. નૂહની કશ્તી તોફાનમાંથી સહી સલામત પસાર થઈ ગઈ હતી. તે માટે હઝરત રસુલે ખુદા સ.અ.વ. ફરમાવ્યું “અલ હુસયનો મીસ્બાહુલ હોદા વ સફીનતુન નજાત.”

ઈમામ હુસયન અ.સ. પોતાના સંદેશાઓ, વસીય્યત, ઉપદેશ, આહવાહન, દોઆ અને વકતવ્યોના જુદા જુદા સ્વરૂપે એવી રીતે આપ્યા કે દુનિયાની કૌમો સ્તબ્ધ બની ગઈ કે બૌતેરની શહાદત ઉપર આટલી મોટી હુકુમતને ધૂળ ચાટતી કરી દીધી અને ચારે તરફ અધમતા અને બદનામી સિવાય કંઈજ મેળવી ન શકી. આહવાનના સ્વરૂપે જે સંદેશાઓ આપણા સુધી આવ્યા છે તે પૈકી થોડા અહીં રજુ કરવામાં આવ્યા છે.

આપે બની મકાતીલના સ્થળે અબ્દુલ્લા બીન હુર અલ જોઅફી સાથે જ્યારે મુલાકાત કરી તો આપે ફરમાવ્યું “તું એક ગુન્હેગાર વ્યકિત છે. તારા અપરાધો સંગીન છે, તેમ છતાં હું તને તૌબા કરવાની તક આપું છું. અને તને દઅવત આપું છું. તું મારી સાથે લડાઈમાં જોડાઇ જા. તેણે ના પાડી. પછી કહ્યું કે મૃત્યુથી હું ભાગું છું. આ લગામ વિગેરેથી સજાવેલો મારો ઘોડો છે તે આપને અર્પણ કરૂં છું. આ એવો ઘોડો છે જેની ઉપર બેઠા પછી ક્યારેય એવું નથી બન્યું કે મેં દુશ્મનનો પીછો કર્યો હોય અને તે મારા નિશાનમાંથી નિકળી ગયો હોય અને ક્યારેય એવું નથી બન્યું કે દુશ્મને મારો પીછો કર્યો હોય અને મને આ ઘોડાથી મુકિત ન મળી હોય. આપ કુફાની તરફ ન જતા ત્યાંની હાલત ઘણી ખરાબ છે. આપે કહ્યું “હું ગુમરાહ વ્યકિતની શકિત ભેગી નથી કરતો. હા, હું પણ તને તેના બદલામાં એક શીખામણ આપું છું. તું ક્યાંક એટલો દુર ચાલ્યો જા કે મારી મદદ માટેના આહવાનને ન સાંભળી શકે. જે મારૂં આહવાન સાંભળીને મારી મદદ માટે નહી આવે તે અધમ અને બદનામીના મૌતે મરશે.”

મદદ માટેના આહવાનના બારામાં લગભગ આવીજ વાત આજ સ્થળે અમરૂ બીન કયસને પણ ઈમામ અ.સ. એ કરી. આજે પણ લાખો મિમ્બરો ઉપરથી આ વાત થાય છે અને સૌ સાંભળે છે. આજે પણ મકસદે હુસયન અ.સ. આહવાન કરી રહ્યો છે. એટલા માટે કે કદાચ આ યુગ ભૂતકાળની તમામ અધમતાઓ, ગુમરાહીઓ, ઝુલ્મો, સિતમ, તબાહી અને બર્બાદીને પાછળ છોડીને, પહાડોના પાયાઓને હચમચાવી દે તેવો તોફાનોનો સમયકાળ છે. તેનાથી બચવા માટે ઈમાનની મૂડી, યકીનનું ઉંડાણ, ચિંતન અને મનનની વિશાળતા અલ્લાહની મઅરેફતના નૂરથી ચારિત્ર્યનું ઘડતર કરવું પડશે. નીચે થોડા કથનો લખવામાં આવ્યા છે જેના પ્રકાશમાં દરેક મોઅમીને પોતાનું મુલ્યાંકન કરવું જરૂરી છે.

“લોકો દુનિયાના ગુલામ છે તેઓની દીનદારી માત્ર જીભથી છે. તેઓ તે સમય સુધી દીનની સાથે હોય છે અને તેનીજ આસપાસ ફરે છે જ્યાં સુધી ભૌતિક દુનિયાના લાભોનું રક્ષણ થતું રહે છે અને જ્યારે કસોટીમાં સપડાય જાય છે ત્યારે ખબર પડે છે કે દીનદાર ઓછા છે.”

આપ ફરમાવે છેઃ “જાણી લો કે ખુદાવંદે મોતઆલ તેના બંદાઓને જે મુશ્કેલીઓમાં ધીરજ ધરે છે, તેઓને ઉચ્ચ સ્થાને બેસાડે છે.”

દુનિયાની ક્ષણ ભંગૂરતા અને દરેક પળના પરીવર્તન ઉપર પ્રકાશ પાડતા આપ ફરમાવે છેઃ “દુનિયા બદલાઈ ગઈ છે અને આ દુનિયા એક દુખી અને ખરાબ હાલતમાં છે. તેમાંથી નેકીઓ ચાલી ગઈ છે. ઉમર ઘણી ઝડપથી પસાર થઇ રહી છે. આ મુદ્દતમાં થોડા સિવાય કાંઈ બાકી રહ્યું નથી. એવી રીતે કે જેમ ઘડાના તળિયામાં થોડું પાણી પડયું હોય.”

અંતમાં સય્યદુશ્શોહદા ઈમામ હુસયન અ.સ. ની દોઆના થોડા વાક્યો છે જે આપણને સંદેશો આપી રહ્યા છે કે ખુદા પાસે જો કાંઈ માંગવું જ છે તો એ માંગો જેનાથી બધુંજ મળી જાય. જેની સરખામણીમાં દુનિયાના ભૌતિક સાધનો હલ્કા દેખાય અને માનવી પોતાને રૂહાની આત્મિક અને અર્થપૂર્ણ પ્રગતિથી અલ્લાહના ભેદોને ખુલ્લા થતાં જોવા લાગે.

આપ અલ્લાહની બારગાહમાં દોઆ માટે હાથ ફેલાવે છે અને ફરમાવે છેઃ “એ અલ્લાહ! મારા નફસમાં બેનીયાઝી (આત્મનિર્ભરતા) મારા દિલમાં યકીન, મારા અમલમાં નિખાલસતા મારી આંખોમાં નુર અને દીનમાં દ્રષ્ટિ અર્પણ કર અને મારા અંગ ઉપાંગોને ખુશહાલી આપ અને મારી આંખો અને કાનોને મારા વારસદારો બનાવ (જેથી બુધ્ધિ અને જીવને સાંભળવું અને જોવું પ્રાપ્ત થાય) (દોઆએ અરફા)

Have your say!

Add your comment below, or trackback from your own site. You can also subscribe to these comments via RSS.

Be nice. Keep it clean. Stay on topic. No spam.