કેયામે ઇમામ હુસૈન(અ.સ.) અને અમ્ર બિલ મઅ્ફ

Print Friendly, PDF & Email

સૈયદુશ્શોહદા હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ના કેયામ અને અમ્ર બિલ મઅ્રૂફના વિશે ચર્ચા કરવા પહેલા એ વાત પર વિચાર કરીએ કે હઝરત ઇમામ હુસૈન(અ.સ.)એ જે દીનની જીંદગી અને અસ્તિત્વ માટે કેયામ કર્યો તેનો બુનિયાદી મકસદ શું હતો? અને ખુદા વંદે આલમે અંબિયા અને રસુલોને ક્યા મકસદ માટે નિમણુંક કર્યા? હઝરત ઇમામ હુસૈન (અ.સ.) અંબિયા(અ.મુ.સ.)ના વારિસ છે. તેમની રવીશ અને કેયામનો મકસદ અંબિયા(અ.મુ.સ.)ની રવીશ અને મકસદથી હરગીઝ જુદો નથી. લેખની મર્યાદાને ધ્યાનમાં રાખી ટૂંકમાં વર્ણવીશુ. કુર્આને કરીમે અંબિયા(અ.મુ.સ.)ની નિમણુંકના મકસદ આ રીતે બયાન કર્યા છે.

(૧) તૌહીદની દાવત:

કુર્આને કરીમની કેટલીય આયતોમાં અંબિયા (અ.મુ.સ.)ની નિમણુંકનો મકસદ આ રીતે બયાન કરવામાં આવ્યો છે. (સુરે નહલ, આયત નંબર ૩૬) “અને અમે દરેક કૌમમાં એક રસૂલ મોકલ્યો (જેનો સંદેશ એ હતો) કે બસ ખુદાની ઇબાદત કરો અને ગૈરે ખુદાઇ તાકતોથી દૂર રહો. આ જ રીતે સુરે અઅ્રાફ આયત નંબર ૫૯ માં જનાબે નૂહ(અ.સ.)ની ઝબાની અને આયત નંબર ૬૫ માં જનાબે હૂદ(અ.સ.)ની ઝબાની અને આયત નંબર ૭૩ માં જનાબે સાલેહ(અ.સ.)ની ઝબાની અને આયત નંબર ૭૫ માં જનાબે શોએબ(અ.સ.)ની ઝબાની અને તે જ રીતે સુરે મુબારકે હુદની આયત નંબર ૫૦-૬૧-૮૪ માં આ જ અંબિયા(અ.મુ.સ.)ની ઝબાની આ પયગામ બયાન કરવામાં આવ્યો છે.

“યા કવ્મિઅ્બુદુલ્લાહ મા લકુમ્ મિન ઇલાહીન્ ગય્રોહ

“અય મારી કૌમ! એક ખુદાની ઇબાદત કરો, ખુદા સિવાય કોઇ અન્ય તમારો માઅબુદ નથી.

આ જ રીતે અંબિયા(અ.મુ.સ.)ની બેઅ્સત અને તાલીમનો બુનિયાદી મુદ્દો તૌહીદની દાવત હતી. તે પણ એ રીતે કે એક ખુદાના ઇકરારની સાથે તમામ અન્ય તાગુતી તાકતોનો ઇન્કાર. ઇન્સાન ફક્ત અને ફક્ત પોતાના ખાલિક અલ્લાહનો બંદો છે અને તેના જીવનમાં બસ અલ્લાહની હુકમરાની છે. દુનિયાની દરેક મોટી તાકત ખુદાની સામે કશું જ નથી. તે ખુદા સિવાય કોઇની સામે સર નથી ઝુકાવતો. તેની સામે ફક્ત ખુદાની ખુશ્નુદી છે, તે ખુદાની ખુશ્નુદીની સામે અન્ય કોઇની ખુશ્નુદીને ધ્યાનમાં નથી લેતો. તે મખ્લુકાતની ખુશ્નુદી ફક્ત એ જ સુરતમાં મેળવે છે, જ્યારે તેમાં ખુદાની ખુશ્નુદી પણ છુપાએલી હોય. તૌહીદ ફક્ત ઝબાનથી ઇકરાર નથી બલ્કે તે દિલના ઉંડાણથી ખુદાની સામે તસ્લીમ થવુ છે અને પોતાના તમામ કાર્યો ખુદાને સુપુર્દ કરી દેવા, એ છે. પોતાના તમામ કાર્યો બલ્કે વિચારોમાં પણ ખુદાને હાઝિર અને નાઝિર સમજવુ એ છે. બંદો દરેક સમયે એ એહસાસ રાખે છે કે ખુદા તેને જોઇ રહ્યો છે. “અલમ્ યઅ્લમ્ બે અન્નલ્લાહ યરા “શું તેને જાણ નથી કે બેશક અલ્લાહ જોઇ રહ્યો છે?

જેના લીધે તે ગુનાહોથી બચે છે. બંડખોરી એ કરે છે, જે ખુદને આઝાદ સમજે છે અને ગુનાહ તે કરે છે, જે ખુદાને હાઝિર અને નાઝિર નથી સમજતો.

(૨) ઇખ્તેલાફને દૂર કરવો:

અંબિયા(અ.મુ.સ.)ની નિમણુંકનો બીજો મક્સદ કુર્આને આ રીતે બયાન કર્યો છે:

“કાનન્નાસો ઉમ્મતન્ વાહેદતન્ ફબઅસલ્લાહુન્ નબીય્યીન મુબશ્શેરીન વ મુન્ઝેરીન વ અન્ઝલ મઅહુમુલ્ કિતાબ બિલ્ હક્કે લે યહ્કોમ બય્નન્નાસે ફી મખ્તલફુ ફીહે….

“લોકો એક ઉમ્મત હતા, ખુદાએ અંબિયા (અ.મુ.સ.)ને મોકલ્યા, જે લોકોને નેઅમતોની ખુશખબરી આપતા હતા અને અઝાબે ખુદાથી ડરાવતા હતા અને તેઓની સાથે કિતાબ નાઝિલ કરી, જેથી લોકોના ઇખ્તેલાફમાં ફેંસલો કરે….

(સુ. બકરહ, આયત:૨૧૩)

“વમા અન્ઝલ્ના અલય્કલ્ કિતાબ ઇલ્લા લે તોબય્યેન લહુમુલ્લઝીખ્તલફુ ફીહે વ હોદંવ્ વ રહમતન્ લે કવ્મિંય્યુઅ્મેનુન

“અને અમોએ આપ પર કિતાબ ફક્ત એટલા માટે નાઝિલ કરી છે કે આપ લોકોના ઇખ્તેલાફમાં તેઓનું માર્ગદર્શન કરો અને આ કિતાબ મો’મિનો માટે હિદાયત અને રહમત છે.

(સુ. નહ્લ, આયત:૬૪)

આ આયતોની રોશનીમાં અંબિયા(અ.મુ.સ.)ની નિમણુંકનો એક હેતુ લોકોને એક બનાવવાનો અને આપસના ઇખ્તેલાફને દૂર કરવાનો છે આનાથી એ અંદાઝ આવે છે કે ખુદા લોકોની એક્તાને કેટલી પસંદ કરે છે અને ઇખ્તેલાફ તથા વિખરાઇ જવાથી કેટલી નફરત કરે છે. આ આપણી બદબખ્તી છે કે, આપણે ઇખ્તેલાફને જ જીવનનો હેતુ બનાવી લીધો છે.

અંબિયા(અ.મુ.સ.) તમામ ઇખ્તેલાફને દૂર કરતા હતા, ચાહે તે વિચારધારાને લગતા ઇખ્તેલાફ હોય કે તે જમીન અને જાયદાદને લગતા ઇખ્તેલાફ હોય. ચાહે તે બે ભાગીદારોના આપસી વહેવારને લગતા હોય કે અમલ અને અકીદાને લગતા ઇખ્તેલાફ હોય. ટુંકમાં ઇન્સાની ઝિંદગીમાં જેટલા પણ ઇખ્તેલાફ હોય શકે અંબિયા(અ.મુ.સ.) દરેકનો હલ આપી શકે છે.

(૩) અદ્લ (ન્યાય)ની સ્થાપના:

અંબિયા(અ.મુ.સ.)ની નિમણુંકનો એક હેતુ ન્યાયની સ્થાપના કરવાનો છે. ખુદા ફરમાવે છે:

“વ લકદ્ અર્સલ્ના રોસોલના બિલ્ બય્યેનાતે વ અન્ઝલ્ના મઅ હોમુલ્ કિતાબ વલ્ મીઝાન લે યકુમન્નાસો બિલ્ કિસ્તે…

“બેશક, અમોએ અમારા રસુલોને સ્પષ્ટ નિશાનીઓ સાથે મોકલ્યા અને તેમની સાથે કિતાબ અને મીઝાન પણ નાઝિલ કર્યા, જેથી લોકો અદ્લો ઇન્સાફ સ્થાપિત કરવા ઉભા થાય.

(સુ. હદીદ, આયત:૨૫)

આજે દુન્યાની તમામ તબાહી અને બરબાદી એના લીધે છે કે અદ્લો ઇન્સાફ નથી. કોઇની પાસે એટલી બધી સંપત્તિ છે કે તેનો કોઇ હિસાબ/કિતાબ નથી અને કોઇ એટલો બધો મોહતાજ અને ફકીર છે કે તેને રોટલીનો એક ટુકડો પણ પ્રાપ્ત નથી થતો. તાકત અને સામર્થ્યની પણ આ જ સ્થિતિ છે. અમુક લોકો અને અમુક રાષ્ટ્રો એ ઇચ્છે છે કે દુન્યાની તમામ તાકત અને શક્તિ તેમની પાસે રહે અને દુન્યાના તમામ લોકો તેમના હાથ નીચે રહે અને તેમના મોહતાજ રહે અને તેમને તસ્લીમ રહે. ગરીબ અને કમઝોર પોતાની જીંદગીનો ફેંસલો ખુદ ન કરે બલકે આ સત્તાઓ તેઓની તકદીર નક્કી કરે અને તેઓની કિસ્મતથી રમતા રહે. અંબિયા(અ.મુ.સ.)એ આ જ તાગુતી અને સરકશ તાકતોના મુકાબલામાં અદ્લો ઇન્સાફના પરચમને બલંદ કર્યો. જનાબે મુસા(અ.સ.)એ પોતાના સમયની સૌથી મોટી તાકત એટલે કે તે સમયના સુપર પાવર ફિરઔનની સામે અદ્લો ઇન્સાફનો પરચમ બલંદ કર્યો અને તેને કહ્યુ: “જો તુ કુફ્ર અને શિર્ક, ઝુલ્મ અને સરમુખત્યારી, નાઇન્સાફી અને અસમાનતાનો માર્ગ છોડીને તૌહીદ અને ઇમાન, અદ્લ અને ઇન્સાફ, બરાબરીનો રસ્તો અપનાવે છે, તો મને તારી સલતનત અને બાદશાહતથી કોઇ લેવા દેવા નથી. એ તને મુબારક થાય, પણ તું ઝુલ્મો સિતમનો રસ્તો છોડી દે, જેથી દુન્યામાં અદ્લની સ્થાપના થાય અને તમામ લોકો અમ્નો અમાનની સાથે ચેનથી જીવી શકે.

ન્યાય ફક્ત સામાજિક જીવનમાં નહી બલ્કે વ્યક્તિગત જીવનમાં હર એક મરહલામાં છે. કારણ કે અદ્લનો અર્થ “કોઇ ચીજને તેની યોગ્ય જગ્યા પર રાખવી એ છે તેનાથી વિરૂધ્ધ ઝુલ્મ છે. જેનો અર્થ એ છે કે, કોઇ ચીજને ત્યાં રાખવી, જ્યાં તેની જગ્યા નથી. આથી વિચારધારા અને અકીદાની બાબતમાં તૌહીદ અદ્લ છે. શિર્ક એ ઝુલ્મ છે. ઇમાન અદ્લ છે. કુફ્ર ઝુલ્મ છે. અમલની બાબતમાં ખુદાની ઇતાઅત અદ્લ છે. નાફરમાની ઝુલ્મ છે. સીલે રહેમ અદ્લ છે, કત્એ રહેમ ઝુલ્મ છે. માઁ/બાપની ઇતાઅત અદ્લ છે, તેઓથી લાપરવાહી ઝુલ્મ છે…..

અંબિયા(અ.સ.) ઇન્સાનની જીંદગીના દરેક મરહલામાં અદ્લો ઇન્સાફ સ્થાપવા માંગતા હતા અને ખુદાએ આ જ અદ્લની સ્થાપના માટે તેઓની નિંમણુક કરી હતી.

(૪) દીને ઇસ્લામ, વિશ્ર્વ વ્યાપી અને હંમેશનો દીન:

ખુદા ફક્ત એક જ જગ્યા અથવા એક ખાસ સમુહનો ખુદા નથી. બલ્કે તે તમામ ઝમીન અને આસમાનની દુન્યાનો ખુદા છે. સંપૂર્ણ કાએનાત તેની બધી જ બાબતોના સમાવેશની સાથે ખુદાની મખ્લુક છે અને દરેક પળ તેની ઇનાયતોની મોહતાજ છે. ખુદા દરેકનો રબ છે અને તેણે દરેકના માટે હિદાયતના અસ્બાબ તૈયાર કર્યા છે. સુરએ લૈલની ૧૨ મી આયતમાં ઇર્શાદ ફરમાવે છે:

“ઇન્ન અલય્ના લલ્ હોદા

“હિદાયતના અસ્બાબ પુરા પાડવા એ અમારી જવાબદારી છે.

સુરએ બકરહ આયત નંબર ૧૮૫ માં:

“શહ્રો રમઝાનલ્લઝી ઉન્ઝેલ ફીહિલ્ કુરઆનો હોદલ્ લિન્નાસે…

“માહે મુબારકે રમઝાનમાં કુર્આન નાઝિલ કરવામાં આવ્યુ છે, તે તમામ લોકો માટે હિદાયત છે.

હઝરત પયગમ્બરે અકરમ(સ.અ.વ.)ના માટે સુરએ સબા આયત નંબર ૨૮ માં ઇર્શાદ થયો:

“વમા અર્સલ્નાક ઇલ્લા કાફ્ફતલ્ લિન્નાસે બશીરંવ વ નઝીરંવ વલાક્ધિન અક્સરન્નાસે લા યઅ્લમુન્

“અને અમોએ આપને તમામ લોકો માટે ખુશખબરી આપનાર અને ડરાવનાર બનાવીને મોકલ્યા છે, પરંતુ મોટાભાગના લોકો એ સમજતા નથી.

આ રીતે ખુદાવંદે આલમે કુર્આને કરીમને પુરી દુન્યા માટે હિદાયત અને હઝરત પયગમ્બરે અકરમ(સ.અ.વ.)ને પુરી દુન્યા માટે હાદી, બશીર અને નઝીર બનાવીને મોકલ્યા. તેનાથી સ્પષ્ટ થાય છે કે દીને મુકદ્દસે ઇસ્લામ કોઇ ખાસ વિસ્તાર કે ખાસ ફિર્કા કે ખાસ સમુહ સુધી મર્યાદીત નથી. બલ્કે આ એક વિશ્ર્વ વ્યાપી અને હંમેશ માટેનો દીન છે. ઇન્નદ્દીન ઇન્દલ્લાહિલ્ ઇસ્લામ. “દીન તો બસ ખુદાની નજીક ઇસ્લામ છે.

જ્યારે ખુદાવંદે આલમે દીને ઇસ્લામને વિશ્ર્વ વ્યાપી દીન બનાવ્યો છે અને આ પણ ફરમાવ્યુ છે:

“વ મંય્યબ્તગે ગય્રલ્ ઇસ્લામે દીનન્ ફ લંય્યુકબલ મિન્હો- વ હોવ ફિલ્ આખેરતે મેનલ્ ખાસેરીન

“જે કોઇ દીને મુકદ્દસે ઇસ્લામના સિવાય અન્ય કોઇ દીન અપનાવશે તો તે હરગીઝ કબૂલ કરવામાં નહી આવે અને જે કોઇ ઇસ્લામ સિવાય અન્ય દીનને અપનાવશે, તે આખેરતમાં નુકશાન વેઠનારામાંથી હશે.

(સુ. આલે ઇમરાન, આ:૮૫)

તેથી ઇત્મામે હુજ્જત માટે અલ્લાહે એવા લોકોને પૈદા કર્યા જેઓ આ પૈગામે ઇલાહીની રક્ષા કરે અને તેને દુન્યાના ખુણે ખુણામાં એકો એક વ્યક્તિ સુધી પહોંચાડે. જેથી કોઇ એમ ન કહી શકે કે દીને ઇસ્લામની તાલીમ અમો સુધી નથી પહોંચી, જેના લીધે અમે ગુમરાહ થયા.

આ એક તરફ, બીજી તરફ શૈતાન અને તેનો ગિરોહ આ દીને ઇસ્લામના સખ્ત વિરોધી છે. તે હિદાયત નહી ગુમરાહી ઇચ્છે છે. અમ્નના બદલે ફસાદ ઇચ્છે છે. તૌહીદના બદ્લે શિર્ક ઇચ્છે છે. ઇમાનના બદલે નિફાક ઇચ્છે છે. તેણે એ કસમ ખાધી છે કે દરેકને ગુમરાહ કરી દેશે. કોઇને પણ જન્નતમાં જવા દેવા નથી ચાહતો.

“કાલ ફબેઇઝ્ઝતેક લઉગ્વેયન્નહુમ અજ્મઇન

“ખુદા! તારી ઇઝ્ઝતની કસમ! હું ચોક્કસ દરેકને ગુમરાહ કરીશ જ.

(સુ. સાદ, આ:૮૨)

પણ સાથે એ પણ સ્વિકાર કર્યો

“ઇલ્લા એબાદક મિન્હોમુલ્ મુખ્લસીન

“હા, તારા મુખ્લસ બંદાઓ પર મારો કાબુ નથી

(સુ. સાદ, આ:૮૩)

આ રીતે શૈતાને શરૂઆતથી જ ખુદાના મુખ્લસ બંદાઓના સામે પોતાની હારનો સ્વિકાર કર્યો છે. ખુદાના મુખ્લસ બંદા કદી પણ શૈતાનના બેહકાવવામાં નહી આવે અને તેઓ કદી ગુમરાહ નહી થાય. શૈતાન સિવાય ઇન્સાનનો નફ્સે અમ્મારા.

“ઇન્નન્નફ્સ લઅમ્મારતુમ્ બિસ્સુએ

“બેશક નફસે અમ્મારા ખુબ જ બુરાઇનો હુક્મ દે છે.

(સુ. યુસુફ, આ:૫૩)

(૫) ઇસ્લામ ઇન્સાનની કામ્યાબીની નેક બખ્તીનો જામીન છે:

ખુદાએ દીને ઇસ્લામને દરેક વ્યક્તિ અને ઇન્સાનની હિદાયત અને નેકબખ્તી (સઆદત) માટે નાઝિલ કર્યો છે અને ઇન્સાનોની હિદાયત અને ખુશબખ્તી માટે અંબિયા(અ.મુ.સ.) અને  રસુલો(અ.મુ.સ.)ને મોકલ્યા. બીજી તરફ શૈતાન અને તેનું જુથ ઇન્સાનની હિદાયત અને નેકબખ્તીનું દુશ્મન છે. દરેક વળાંક પર ગુમરાહ થવાનો ખતરો છે. તેથી એવા લોકોનું અસ્તિત્વ જરૂરી છે કે જેઓ લોકોને હિદાયત અને સઆદત તરફ દાવત આપે અને ગુમરાહી તથા બદબખ્તીથી રોકે. જે રીતે ઇન્સાનના લોહીમાં લાલ અને સફેદ કણ હોય છે. (રક્તકણ અને શ્ર્વેતકણ) તેમાંથી એક, શરીરના માટે ફાયદાકારક વસ્તુને આકર્ષે છે અને જ્યારે બીજા નુકશાનકારક તત્વો અને જંતુઓને શરીરમાં દાખલ થવા નથી દેતા અને જ્યાં સુધી આ બેલેન્સ – સમતુલન જળવાય છે ત્યાં સુધી ઇન્સાન તંદુરસ્ત રહે છે. જ્યારે આ સમતુલન બગડે છે, ત્યારે ઇન્સાનની તંદુરસ્તી પર અસર પડે છે. આ જ રીતે ઇન્સાની સમાજની સુધારણા અને નેકબખ્તી તેમજ કામયાબી માટે એવી વ્યક્તિઓની જરૂર હોય છે, સમાજની એક-એક વ્યક્તિને ફાયદાકારક વાતો (મઅ્રૂફ)નો હુકમ આપતા રહે અને નુકશાનકારક ચીજો (મુન્કર)થી રોકતા રહે. દીને મુકદ્દસે ઇસ્લામે ઇન્સાનની જીંદગીના આ હયાતી તત્વને અમ્ર બિલ્ મઅ્રૂફ અને નહ્ય અનિલ્ મુન્કર ગણાવ્યુ છે. કુર્આને કરીમમાં ઇર્શાદ થાય છે:

“કુન્તુમ્ ખય્ર ઉમ્મતિન્ ઉખ્રેજત્ લિન્નાસે તઅ્મોરૂન બિલ્ મઅ્રૂફ વ તન્હવ્ન અનિલ્ મુન્કરે વ તુઅ્મેનૂન બિલ્લાહ

“તમો શ્રેષ્ઠ ઉમ્મત છો કે જેને લોકોની ભલાઇ અને કામ્યાબી માટે પૈદા કરવામાં આવ્યા છો. તમો લોકોને નેકીઓનો હુક્મ આપો છો અને બુરાઇઓથી રોકો છો.

(સુ. આલે ઇમરાન, આ:૧૦૯)

આ આયતોથી એ વાત બિલકુલ સ્પષ્ટ છે કે મુસલમાન ત્યાં સુધી શ્રેષ્ઠ ઉમ્મત છે, જ્યાં સુધી અમ્ર બિલ્ મઅ્રૂફ અને નહ્ય અનિલ્ મુન્કરની ફર્ઝ બજાવતા રહે અને તેની કામ્યાબીની ખાત્રી ત્યારે જ છે જ્યારે તે આ ઇલાહી ફરીઝાને બજાવી લાવતા રહે. જે રીતે અમ્ર બિલ્ મઅ્રૂફ અને નહ્ય અનિલ્ મુન્કરની બજવણી તેમની સફળતાની ખાત્રી અને તેમને શ્રેષ્ઠ ઉમ્મત બનાવે છે એ જ રીતે આ મહાન ફરીઝાથી ગફલત અને લાપરવાહી તેઓને ઝલીલ કરી દે છે.

હઝરત ઇમામ મોહમ્મદ બાકિર(અ.સ.)એ ફરમાવ્યુ:

“અમ્ર બિલ્ મઅ્રૂફ અને નહ્ય અનિલ્ મુન્કર એક મહાન ફરીઝો છે, જેના લીધે અન્ય તમામ વાજીબાત બાકી રહે છે, રસ્તા પર અમ્ન રહે છે, વેપાર-ધંધો હલાલ રહે છે, ઝુલ્મ રોકવામાં આવે છે, જમીન આબાદ થાય છે, દુશ્મનોથી બદલો લેવાય છે. તેની રોશનીમાં બાકી તમામ કાર્યો પોતાના માર્ગે ચાલે છે.

(વસાએલુશ્શીઆ, કિતાબ અમ્ર બે મઅ્રૂફ, બાબ:૧, હદીસ:૩૯૫)

આથી અમ્ર બિલ્ મઅ્રૂફ અને નહ્ય અનિલ્ મુન્કર માનવ સમાજની ધોરી નસ છે, જેના લીધે સંપૂર્ણ વ્યવસ્થા યોગ્ય રીતે ચાલે છે. જો તેમાં કોઇ પણ અડચણ આવી જાય તો સંપૂર્ણ વ્યવસ્થા વેર વિખેર થઇ જાય છે.

હઝરત અલી બિન અબી તાલિબ(અ.સ.) ફરમાવે છે:

“અમ્ર બિલ્ મઅ્રૂફ અને નહ્ય અનિલ્ મુન્કરના લીધે શરીઅત બાકી રહે છે અને ખુદાના કાયદાઓનું અમલીકરણ થાય છે.

(ગોરરૂલ્ હેકમ, હદીસ:૬૮૧૭)

(મીઝાનુલ્ હિકમહ, ભાગ:૮, હદીસ:૩૬૯૮)

અમ્ર બિલ્ મઅ્રૂફ અને નહ્ય અનિલ્ મુન્કરનુ મહત્વ આ હદીસથી વધારે સ્પષ્ટ થઇ જાય છે. હઝરત અલી બિન અબી તાલિબ(અ.સ.) ફરમાવે છે:

“અમ્ર બિલ્ મઅ્રૂફ અને નહ્ય અનિલ્ મુન્કરની સામે તમામ નેક કાર્યો, ત્યાં સુધી કે ખુદાની રાહમાં જેહાદ પણ તેવું  છે જે રીતે સમંદરની સામે એક ચુલ્લુ પાણી

(નહજુલ બલાગાહ, હિકમત:૩૭૪)

(૬) અવલીયાએ ખુદાની જવાબદારી:

ઉપરોક્ત હદીસથી અમ્ર બિલ્ મઅ્રૂફના મહત્વનો ખ્યાલ આવે છે. ખુદાએ જ્યાં પોતાના અવલીયાને મહાન દરજ્જા અતા કર્યા છે, તો તેઓની જવાબદારી પણ અન્ય લોકોથી અલગ છે. હોનૈનના પ્રસંગે એક માણસે હઝરત અલી(અ.સ.)ની ખિદમતમાં અર્ઝ કરી: “આપ ઇરાક પરત ફરી જાઓ અને અમે શામ પરત ફરી જઇએ છીએ.

હઝરત અલી(અ.સ.)એ ફરમાવ્યુ:

“હું જાણુ છું કે તમે આ વાત મોહબ્બતમાં કહી રહ્યા છો અલ્લાહ તબારક વ તઆલા એ વાતથી રાજી નથી કે જમીન પર તેની નાફરમાની થતી રહે, લોકો ગુનાહ કરતા રહે અને તેના અવલીયા ખામોશીથી જોતા રહે, અમ્ર બિલ્ મઅ્રૂફ અને નહ્ય અનિલ્ મુન્કર ન બજાવી લાવે. આથી, મારા માટે જંગ કરવી એ જહન્નમની સાકળોમાં ઝકડાવા કરતા વધારે આસાન છે.

(મિઝાનુલ્ હિકમત, હિકમત નં.: ૧૨૬૯૧)

આ હદીસથી સ્પષ્ટ થાય છે કે દુન્યાને તેના હાલ પર છોડી દેવી અને પોત પોતાના કામે લાગી જવુ, એ ખુદાને પસંદ નથી. ખુદાએ જ્યાં પોતાના અવલીયાને બલંદ દરજ્જા અતા કર્યા છે, ત્યાં તેઓની આ જવાબદારી પણ મુકર્રર કરી છે કે તેઓ ખુદાના હુકમોની મુખાલેફતની બાબતે ખામોશીથી જોનારા ન બની રહેશે, બલ્કે તેઓ ગુનાહને રોકશે. ભલે પછી તે માટે જંગ કેમ ન કરવી પડે.

હઝરત ઇમામ હુસૈન(અ.સ.) આ વાતને આ રીતે બયાન કરી છે:

“કોઇ મો’મિન માટે એ જાએઝ નથી કે તે ખુદાની નાફરમાનીઓને જોઇને પોતાની આંખોને ફેરવી લેે, ત્યાં સુધી કે તે હાલતને બદલી ન નાખે

(તંબીય્યતુલ્ ખવાતેર, ભાગ:૨, પાના:૧૭૯)

(મીઝાનુલ હિકમહ, હદીસ:૧૨૭૦૦)

ખુદાવંદે આલમે મોઅમીનની એ જવાબદારી મુકર્રર કરી છે કે ગુનાહના બારામાં તે તટસ્થ ન બને અને આંખો જુકાવીને રસ્તામાંથી પસાર ન થઇ જાય બલ્કે મોઅમીનની એ જવાબદારી છે કે પરિસ્ચિતિને બદલવાની કોશિશ કરે.

હઝરત ઇમામ જઅફરે સાદિક(અ.સ.)એ ફરમાવ્યું:

“અગર કોઇ બુરાઇ અને ગુનાહને જુએ, તેને રોકી શકતો હોય અને ન રોકે તો તે એ વાતને પસંદ કરે છે કે ખુદાની નાફરમાની કરવામાં આવે. જે શખ્સ એ પસંદ કરે કે ખુદાની નાફરમાની કરવામાં આવે, તેણે ખુદાની દુશ્મની વહોરી લીધી.

(તફસીરે અય્યાશી, ભાગ: ૧, પાના: ૩૬૦)

(મીઝાનુલ હિકમહ, હદીસ: ૧૨૭૦૧)

ઇસ્લામી તાલીમ(શિક્ષણ)ની રોશનીમાં એક મોમિનની એ શાન છે કે ન ખુદ ગુનાહ કરે અને ન ગુનાહ કરવા દે. ગુનાહને પસંદ કરવુ એ ખુદાથી દુશ્મની વહોરવુ છે. જ્યારે એક મોમિનની આ શાન છે, તો અવલિયાએ ખુદા ખુદાના મુકર્રબ બંદાઓની વાત તો કંઇક અલગ જ છે.

હઝરત ઇમામ મોહમ્મદ બાકિર(અ.સ.) ફરમાવે છે:

“બેશક! અમ્ર બિલ મઅ્રૂફ અને નહ્ય અનિલ મુન્કર અંબિયા(અ.મુ.સ.)નો રસ્તો છે અને નેકી કરનારાનો માર્ગ છે.

(કાફી, ભાગ:૫, પાના: ૫૬)

(૭) હઝરત ઇમામ હુસૈન (અ.સ.) અંબિયા  (અ.મુ.સ.)ના વારસ છે:

ઝિયારતે વારેસામાં હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ને જનાબે આદમ(અ.સ.), જનાબે નૂહ(અ.સ.), જનાબે ઇબ્રાહીમ(અ.સ.),  જનાબે મુસા(અ.સ.), જનાબે ઇસા (અ.સ.), હઝરત મોહમ્મદ મુસ્તફા(સ.અ.વ.), હઝરત અમીરૂલ મો’મેનીન(અ.સ.)ના વારિસ જાણીને સલામ કરીએ છીએ. હઝરત ઇમામ હુસૈન(અ.સ.) ફક્ત વંશની દ્રષ્ટિએ જ અંબિયા(અ.મુ.સ.)ના વારિસ નથી. બલ્કે તેઓ અંબિયા(અ.મુ.સ.)ના દીન, તેમની શરીઅત, તેમની તઅલીમાતના વારિસ છે. આથી હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ની જવાબદારીમાં તૌહીદની  તરફ દાવત આપવી, આપસી ઇખ્તેલાફ દૂર કરવા અને દુન્યામાં ખાસ કરીને માનવ સમાજમાં અદ્લો ઇન્સાફની સ્થાપના કરવી એ શામિલ છે.

તેઓ ન તો તૌહીદના પયગામને ખત્મ થતો જોઇ શકતા હતા, ન તો ઉમ્મતના ઇખ્તેલાફને બરદાશ્ત કરી શક્તા હતા. ન તો ઝુલ્મો જૌર પર ખામોશ રહી શકતા હતા. જે પાકો પાકીઝા આગોશમાં તેમની તરબીયત થઇ હતી અને જે પાક અને પવિત્ર ખૂન તેમની નસોમાં વહી રહ્યુ હતુ, તેનો તકાઝો હતો કે તેઓ યઝીદ(લા.અ.) અને તેના ખાનદાને ઉભા કરેલા સંજોગો પર ખામોશ ન રહે. તેઓ ખુદાની જમીન ઉપર ખુદાની નાફરમાનીને બરદાશ્ત નહોતા કરી શકતા. અમ્ર બિલ મઅ્રૂફ અને નહ્ય અનિલ મુન્કરની મહાન જવાબદારી તેમને એક એવા કેયામ તરફ દાવત આપી રહી હતી કે જેના પછી તૌહીદના પયગામ પર કોઇ આંચ ન આવી શકે અને અદ્લો ઇન્સાફનો સૂરજ નિસ્તેજ ન થઇ શકે. હઝરત ઇમામ હુસૈન(અ.સ.)એ તેમના સમયના હાલાત આ રીતે બયાન કર્યા છે અને સાથો સાથ પોતાના કેયામનુ કારણ પણ સમજાવ્યુ છે.

બસરા વાસીઓને એક પત્રમાં લખ્યુ:

“અમ્મા બઅ્દ. બેશક, અલ્લાહે હઝરત મોહમ્મદ(સ.અ.વ.)ને પોતાની તમામ મખ્લૂકમાં ચૂંટી લીધા. નુબુવ્વતના ઝરીએ તેમને બુઝુર્ગી અને ઇઝ્ઝત અતા કરી. પોતાની રિસાલત અને પૈગામ માટે તેમને પસંદ કર્યા. પછી ખુદાએ તેમને પોતાની પાસે બોલાવી લીધા. તેઓએ ખુદાના બંદાઓની નસીહત કરી અને જે તેમના પર નાઝિલ કરવામાં આવ્યો હતો, તે પૈગામ પહોચાડી દીધો. ખુદાના દુરૂદો સલામ તેઓના ઉપર થાય અને અમો તેમના એહલ છીએ, તેમના અવલીયા છીએ, તેઓના અવસીયા છીએ, તેઓના વારિસ છીએ. તેઓના મનસબના અમે સૌથી વધારે હકદાર છીએ. લોકોએ અમારા ઉપર બીજાઓને પ્રાધાન્ય આપ્યુ, અમોએ સબ્ર કરી અને ઇખ્તેલાફને નાપસંદ કર્યો તેમજ અમ્નો અમાનને પસંદ કર્યો. જ્યારે કે અમે જાણીએ છીએ કે આ મન્સબ માટે અમે જ યોગ્ય છીએ અને તેને પરત લેવાના વધારે હકદાર છીએ.

હું તમારી પાસે આ પત્રના થકી મારો પ્રતિનિધિ મોકલી રહ્યો છુ. અને હું તમોને ખુદાની કિતાબ અને પયગમ્બરે અકરમ(સ.અ.વ.)ની સુન્નત તરફ દાવત દઉં છું. કારણ કે, સુન્નતે રસુલ(સ.અ.વ.)ને મિટાવી દેવામાં આવી છે અને બિદઅતોને જીવીત કરવામાં આવી છે. તમે મારી વાતને સાંભળો અને મારા હુકમની ઇતાઅત કરો. હું તમોને સીધા રસ્તા તરફ હિદાયત કરીશ. વસ્સલામો અલય્કુમ વ રહમતુલ્લાહ.

(મકતલુલ્ હુસૈન, મુકરમ્, પાના: ૧૫૯)

આ પત્રમાં ઇમામ હુસૈન(અ.સ.)એ ખુદને હિદાયતના મન્સબના હકદાર જણાવતા એ હકીકત તરફ ઇશારો કર્યો છે કે અમે અમારા ખિલાફતના હકને ગસ્બ કરવા પર એટલા માટે સબ્ર કરી કે અમે ઉમ્મતમાં ઇખ્તેલાફ ઉભો કરવા નહોતા માંગતા. અને ન તો અમ્નો અમાનને વેર વિખેર કરવા માંગતા હતા. પછી પરિસ્થિતિનું વર્ણન આ રીતે કર્યુ…..

સુન્નતે રસુલ(સ.અ.વ.)ને મિટાવી દેવામાં આવી છે અને બિદઅતોને જીવિત કરવામાં આવી છે. એટલે કે ઇસ્લામી તાલીમને મિટાવવામાં આવી રહી છે અને જાહેલિય્યતના રસ્મો રિવાજને ફરી જીવિત કરવામાં આવી રહ્યા છે.

જ્યારે રસ્તામાં હુરના લશ્કરનો સામનો થયો ત્યારે ઇમામ હુસૈન(અ.સ.)એ હુરના લશ્કરના સિપાહીઓને આ રીતે સંબોધ્યા:

“અય લોકો! હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)એ ફરમાવ્યુ છે:

જે લોકો એવા ઝાલિમ અને જાબિર હાકિમને જુએ કે જે હરામે ખુદાને હલાલ કરી રહ્યો હોય, સુન્નતે રસુલ (સ.અ.વ.)ની મુખાલેફત કરી રહ્યો હોય, બંદાઓ સાથે ગુનાહ અને સરકશીનો વર્તાવ કરી રહ્યો હોય અને કોઇ તેના વિરૂધ્ધ પગલા ન ભરે તેમજ ન કોઇ અવાજ ઉઠાવે તો ખુદા માટે યોગ્ય છે કે તે લોકોને તેમની જગ્યાએ પહોચાડે. (એટલે કે જહન્નમમાં દાખલ કરી દે) અને બેશક, તેઓએ શૈતાનની ઇતાઅત પર કમર કસી લીધી અને રહમાનની મુખાલેફત કરી રહ્યા છે, ફસાદ ફેલાવી રહ્યા છે. ખુદાની હદો અને એહકામને બાતિલ કરી દીધા છે. પોતાની ઇચ્છા મુજબ ખૂબ માલ ખર્ચી રહ્યા છે. ખુદાના હરામને હલાલ કરી રહ્યા છે અને તેના હલાલને હરામ કરી રહ્યા છે.

હું બીજાઓ કરતા વધારે હક ધરાવુ છુ…….

(કામિલ, ભાગ:૩, પાના:૨૮૦)

(તબરી, ભાગ:૪, પાના: ૩૦૦)

(કેયામે હુસૈની, કઝવીની, પાના:૯૧)

હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)ની હદીસ બયાન કરીને આ હકીકત તરફ ઇશારો કર્યો:

“ઝાલિમ અને જાબિર હાકિમો અને ખુદાના હુકમોને બદલનારાઓ વિરૂધ્ધ અવાજ ઉઠાવવો, પગલા ભરવા, કેયામ કરવો સુન્નતે રસૂલ છે, હુક્મે ખુદા છે.

તે પછી તે સમયની પરિસ્થિતિનુ વર્ણન કર્યુ. હુરના સિપાહીઓની ખામોશી, ઇમામ હુસૈન(અ.સ.)ના બયાનનું સમર્થન હતુ. એટલે કે સર્વો એ સ્વિકારી રહ્યા હતા કે ઇસ્લામી તાલીમ મીટાવવામાં આવી રહી છે. દીને ખુદા બરબાદ કરવામાં આવી રહ્યો છે. અંતમાં એમ ફરમાવીને કે “હું સૌથી વધારે હક ધરાવું છું એટલે કે પરિસ્થિતિ બદલવી, ઝાલિમ વિરૂધ્ધ કેયામ કરવો મારી જવાબદારી છે. એટલે કે મારો આ કેયામ વ્યક્તિગત કે અંગત દુશ્મનીના લીધે નથી. બલ્કે આ મારી શરઇ જવાબદારી છે. અત્યારે ખુદા અને રસૂલ (સ.અ.વ.) તરફથી આ જ માંગ છે.

આપે બસરાવાસીઓને જે જાણ કરી તે કેયામની શરૂઆતમાં છે અને હુરના લશ્કર સાથેની વાત તેમની મુસાફરી દરમ્યાનમાં છે. અને હવે કરબલામાં કે જે આ વિશ્ર્વવ્યાપી અને હંમેશાના કેયામનો આખરી મુકામ છે. ત્યાં પણ ઇમામ હુસૈન(અ.સ.)એ આ રીતે સંબોધન કર્યુ. આ રોઝે આશુરની વાત છે. જંગ શરૂ થવા પહેલા ઇમામ હુસૈન(અ.સ.) એ યઝીદી ફૌજને આ રીતે સંબોધન કર્યુ :

“અમ્મા બઅ્દ! અત્યારે જે કંઇ અમારી સાથે થઇ રહ્યુ છે, તે તમારી સામે છે, દુન્યા બદલાઇ ગઇ છે. પરિસ્થિતિમાં ફેરફાર થઇ ગયો છે. નેકીઓ ખત્મ થઇ ગઇ છે અને અગર બાકી રહી ગઇ છે, તો બસ એટલી જ કે જેટલુ વાસણ ખાલી કર્યા પછી પાણી રહી જાય છે અને તે પણ સડી ગએલ ચારાની જેમ જીંદગી ખૂબ પસ્ત થઇ ગઇ છે.

શું તમે નથી જોઇ રહ્યા કે દીન પર અમલ કરવામાં નથી આવી રહ્યો અને ન તો બાતિલથી દૂરી ઇખ્તેયાર કરવામાં આવી રહી છે.

આ સમયે મો’મિનને ખુદાથી મુલાકાતની તમન્ના કરવી  જોઇએ. મારી નજરે મૌત તો સઆદત(નેકબખ્તી) અને કામ્યાબી છે અને ઝાલિમની સાથે જીવન પસાર કરવુ તે ઝિલ્લત અને રૂસ્વાઇ છે.

(મકતલુલ્ હુસૈન, મોહસીન અમીન, પાના:૯૦)

અહીંયા પણ હઝરત ઇમામ હુસૈન(અ.સ.)એ આ હકીકત તરફ સૌનું ધ્યાન દોર્યુ છે. અત્યારે હાલાત એટલા બદલી ગયા છે કે મઅરૂફ (નેકી) બદી (મુન્કર) થઇ ગઇ છે અને મુન્કરને મઅરૂફનો લિબાસ પહેરાવાઇ ગયો છે. જે લોકો ખુદા અને રસુલ(સ.અ.વ.) પર ઇમાન રાખે છે, તેમની જવાબદારી છે કે આ સમયે ખામોશ ન રહે, બલ્કે ઉઠે અને કેયામ કરે.

(૮) ઇમામની જવાબદારી:

ઇમામ હુસૈન(અ.સ.)એ જ્યારે કુફા વાસીઓના પત્રોના જવાબમાં જ. મુસ્લિમ ઇબ્ને અકીલને પોતાના પ્રતિનિધિ અને ખાસ ભરોસાપાત્ર બનાવીને કુફા રવાના કર્યા, તે સમયે જે પત્ર લખ્યો. તેમાં ખુદા તરફથી નિયુક્ત કરવામાં આવેલા ઝમાનાના ઇમામની જવાબદારીઓ આ રીતે બયાન કરી:

“ખુદાની કસમ! ઇમામ તો ફક્ત કિતાબે ખુદા મુજબ અમલ કરનાર, અદ્લો ઇન્સાફ કાએમ કરનાર છે. દીને ખુદા મુજબ અમલ કરનાર, ખુદાની મરઝી મુજબ જીંદગી પસાર કરનાર છે.

(મકતલુલ્ હુસૈન, મોહસીન અમીન, પાના: ૩૩)

(કેયામે હુસૈની, કઝવીની, પાના: ૪૬)

ઇમામ હુસૈન(અ.સ.)એ એ હકીકત તરફ ઇશારો કર્યો છે કે કુર્આનના હુકમો, સુન્નતે રસુલ(સ.અ.વ.) અને ઇસ્લામી તાલીમની હિફાઝત, અદ્લો ઇન્સાફની સ્થાપના એ ખુદાએ નિયુક્ત કરેલ ઇમામની જવાબદારી છે. અને અહીંથી એ પણ સ્પષ્ટ થઇ જાય છે કે જે લોકો દ્વારા નિયુક્ત કરવામાં આવેલા હોય છે તે કેવા હોય છે. સમાજની આ તમામ તબાહી અને ઇસ્લામી તાલીમની બરબાદી એ ખોટી પસંદગીનું પરિણામ છે.

(૯) કેયામનું એ’લાન:

જે સમયે હઝરત ઇમામ હુસૈન(અ.સ.) મદીનાથી નીકળી રહ્યા હતા, તે સમયે તેમણે પોતાના કેયામનો મકસદ અને કેયામની રીત અને અંદાઝ સ્પષ્ટ કરી દીધી હતી. તેના લીધે એ સ્પષ્ટ થઇ જશે કે દીને મુકદ્દસે ઇસ્લામમાં અમ્ર બિલ્ મઅરૂફ અને નહ્ય અનિલ મુન્કરનું કેટલુ મહત્વ છે? હઝરત ઇમામ હુસૈન (અ.સ.)ની અઝાદારી કરતા કરતા આપણે એ મકસદને નજરમાં રાખવો જોઇએ અને આપણી અઝાદારી વડે એ મકસદને જીવંત રાખવો જોઇએ ન કે ભુલવાડી દેવો જોઇએ.

ઇમામ(અ.સ.) ફરમાવે છે:

“મારા કેયામનો મકસદ ન તો શર (બુરાઇ) છે, ન તકબ્બુર, ન ફસાદ છે અને ન ઝુલ્મ છે. હું તો ફક્ત અને ફક્ત મારા જદ્ની ઉમ્મતની ઇસ્લાહ કરવા ચાહુ છું. હું અમ્ર બિલ્ મઅરૂફ અને નહ્ય અનિલ મુન્કર કરવા માંગુ છું.

અહીં સુધી કેયામનું કારણ અને મકસદ બયાન કર્યો. આ કેયામની રીત કેવી હશે, તે આ મુજબ સ્પષ્ટ કર્યુ:

” હું મારા જદ્ અને મારા પિતા અલી બિન અબી તાલિબ(અ.સ.)ની સીરત અને રવિશ પર ચાલવા માંગુ છું. જે હકની સાથે મારી વાતોનો ઇન્કાર કરશે, હું સબ્ર કરીશ, ત્યાં સુધી કે ખુદા મારા અને તે કૌમના દરમ્યાન હક સાથે ફેંસલો કરી દે, તે શ્રેષ્ઠ ફેંસલો કરનાર છે.

(મકતલે ખ્વારઝમી, ભાગ: ૧, પાના: ૮૮)

કેયામનો મકસદ અમ્ર બિલ્ મઅરૂફ અને નહ્ય અનિલ મુન્કર છે. કેયામની રીત હઝરત રસુલે ખુદા(સ.અ.વ.) અને અલીએ મુર્તઝા(અ.સ.)ની સીરત છે. મારી રવીશ ખલીફાઓની રવીશથી બિલકુલ વિરૂધ્ધ હશે, હું જેનો વારિસ છું તેના રસ્તા પર ચાલીશ. બીજાથી મારે કંઇ લેવા-દેવા નથી. અગર તેઓની જ રવિશ અપનાવવી હોત, તો આ કેયામની શું જરૂરત હોત?

(૧૦) અંતિમ નિર્ણય અને કેયામ:

જ્યારે ઇમામ હુસૈન(અ.સ.) દરેક રીતે લોકોને સમજાવી ચૂક્યા, દરેક રીતે હકીકતને સ્પષ્ટ કરી ચૂક્યા અગર તમે મુસલમાન છો ખુદા, રસુલ અને કયામત પર ઇમાન રાખો છો, તો કેવી રીતે દીનમાં તબ્દીલીને સહન કરી રહ્યા છો? શું તમે સુન્નતે રસૂલ(સ.અ.વ.)નો નાશ થતો નથી જોઇ રહ્યા? શું તમારી સામે બિદઅતો અને જાહેલિય્યતના ઝમાનાના રસ્મો રિવાજ જીવંત કરવામાં નથી આવી રહ્યા? ન તો તમે તમારા શબ્દના પાબંદ છો, ન તો તમારા વાયદાને વફાદાર છો. તમે દરેક બાજુથી મને ઘેરીને, લશ્કર અને ફૌજના વડે, ઝુલ્મો સિતમ વડે એ ચાહો છો કે હું મારો રસ્તો બદલી નાખું. અથવા તો હું ખામોશ થઇ જાઉ અને દીનને બરબાદ થતો જોઇ રહું. તો કાન ખોલીને સાંભળી લો…..

“બદકારના દિકરા, બદકારના દિકરાના દિકરા(ઇબ્ને ઝિયાદ)એ મને બે ચીજોના દરમ્યાન ઉભો રાખી દીધો છે, એક મૌત અને બીજી ઝિલ્લત. અમે હરગીઝ ઝિલ્લતને કબુલ નહી કરીએ.

ઇમામ હુસૈન(અ.સ.) સાફ સાફ બયાન કરી રહ્યા છે કે બાતિલની સામે ખામોશ રહેવું ઝિલ્લત છે. જીવતા રહેવામાં કોઇ કમાલ નથી. પણ ઇઝ્ઝતની સાથે જીવતા રહેવામાં કમાલ છે. ઇમામ હુસૈન(અ.સ.)એ પોતાનો ફેંસલો આ રીતે સૌને સંભળાવી દીધો.

“ખુદા અને તેનો રસુલ અને મોમિનો એ વાતથી રાઝી નથી કે હું ઝિલ્લત બરદાશ્ત કરૂ અને પાકો પાકીઝા આગોશ, ગૈરતમંદ  વ્યક્તિઓ, બુઝુર્ગ મરતબાવાળી હસ્તીઓ એ વાતની રજા નથી આપતા કે અમે ઇઝ્ઝતની મૌત પર પસ્ત લોકોની ઇતાઅતને પ્રાધાન્ય આપીએ. હું આ ઓછી સંખ્યામાં અને થોડા અન્સારની સાથે કેયામ કરીશ.

ઇમામ હુસૈન(અ.સ.)એ શહાદત કબુલ કરીને, ઇઝ્ઝતની મૌતને ગળે લગાવીને ઇસ્લામ અને તેની તાલીમને હંમેશા માટે જીવીત કરી દીધા. અલ્લામા ઇકબાલે આ બયાનની પોતાના અશ્આરમાં સંપૂર્ણ તસ્દીક કરી છે:

ઝિન્દા હક અઝ કુવ્વતે શબ્બીરી અસ્ત,

બાતિલ આખિર દાગે હસરતે મીરી અસ્ત.

તા કયામત કત્એ ઇસ્તિબ્દાદ કર્દ,

મૌજે ખૂને ઉ ચમન ઇજાદ કર્દ.

બહરે હક દર ખાકો ખૂઁ ગલ્તીદહ અસ્ત,

પસ બિનાએ લા ઇલાહ ગરદીદે અસ્ત.

તૈગે બહર ઇઝ્ઝતે દીન અસ્ત વ બસ,

મકસદે ઉ હિફઝે આઇન અસ્ત વ બસ.

નકશે ઇલ્લલ્લાહ બર સહરા નવિશ્ત,

સત્રે ઉન્વાને નજાતે મા નવિશ્ત.

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *