Home » અલ-મુન્તઝર માહે મોહર્રમ » ૧૪૩૨ » ઇમામ હુસૈન (અ.સ.) » શહાદત અને તેનુ મહત્તવ

શહાદતના રહસ્યોની અજોડતા

Print Friendly

ઇમામ હુસૈન(અ.સ.)ની શહાદત એક એવી શહાદત છે, જેના લીધે દુનિયામાં એક ઇન્કેલાબ પૈદા થયો, અને ત્યારથી લઇ આજ સુધી દુનિયામાં જેટલા પણ ઇન્કેલાબ આવ્યા છે, અગર તેને બારીકાઇથી જોવામાં આવે તો કયાંય ને કયાંય તેના ઉંડાણમાં ઇમામ હુસૈન(અ.સ.) મળશે, જેમની વિચારધારા અને મિશનથી લોકોમાં હરકત પૈદા થઇ ગઇ, જેના પરિણામે ઇન્કેલાબ આવ્યો. આ જ કારણ છે કે દુનિયાની દરેક કૌમ ઇમામ હુસૈન(અ.સ.)ના ઇન્કેલાબથી પરિચિત છે, અને દરેક ઝમાનામાં કંઇક ને કંઇક હંમેશા આ વિષય ઉપર લખાઇ રહ્યુ છે, અને લખાતુ રહેશે. આ વાતની દલીલ માટે એટલુ પુરતુ છે કે સેંકડો કિતાબ ‘આશુરા’ના બારામાં ‘મકતલ’ના શિર્ષકથી લખવામાં આવી છે, અને દરેક કિતાબ પોતાની જગ્યાએ કંઇક ને કંઇક વિશેષતા અને ખુસુસીયાત તો ધરાવે જ છે, પરંતુ આપણે નીચેનું લખાણ એક એવી કિતાબના બારામાં છે, જેમાં ફક્ત મકતલ એટલે કે આશુરાના દિવસે ઇમામ હુસૈન(અ.સ.) અને તેમના મદદગાર અને સાથીઓ ઉપર વિતેલ વાકેઆતનો જ ઉલ્લેખ નથી, બલ્કે ફિકહી, ઉસુલી, અકાએદી, ઐતિહાસીક, રિવાઇ, રિજાલી, ઇરફાની વગેરે પણ એક સાથે છે, કારણ કે આ કિતાબના લેખકે તેને મજલીસો પર લખી છે અને તેની શરૂઆતમાં બાર પ્રસ્તાવના લખી છે અને દરેક મજલીસમાં કંઇક એવી બાબતો લખી છે, જે મજલીસોમાં ઝિક્ર કરવામાં આવતી બાબતો માટે દલીલ અને ટેકો છે અથવા તે વાતોનું કારણ અને સબબ બયાન કરે છે અથવા તેની પાર્શ્ર્વ ભૂમિકા સમજાવી છે અને એ બંધ રહસ્યો ઉપરથી પર્દો ઉઠાવ્યો છે. જેના માટે એ કહેવુ વધારે સહીહ ગણાશે કે આ ફક્ત લેખકની ખાસિયત છે, કારણ કે લેખક ફક્ત એક ઇતિહાસકાર કે કુશળ વક્તા જ ન હતા, પરંતુ એક ફકીહ, મરજઅ, સંશોધક અને વિવિધ ઇલ્મના નિષ્ણાંત વ્યક્તિ હતા. આ વાતનો સ્વિકાર આકા બુઝુર્ગ તેહરાનીએ પોતાની કિતાબ અત્તબકાત અઅલામુશ્શીઆમાં આ રીતે કર્યો છે. આલીમ, હકીમ, બાલેગ, ફકીહ, ફાઝિલ, રિજાલી, મોહદ્દીસ.

વાંચકો મેં જ્યારે આ કિતાબને અભ્યાસ કરવા માટે અલ્લાહની તૌફિકથી મારા હાથમાં લીધી, તો આ કિતાબના ‘મતાલીબે’ મને એવી રીતે આકર્ષી લીધો. પહેલા ભાગનો સંપૂર્ણ અભ્યાસ થઇ ગયો પરંતુ દિલમાં કિતાબમાં રહેલા રહસ્યોને જાણવા માટેની ઇચ્છા બમણી થઇ ગઇ, અને દિલમાં એક ઉત્સુકતાની હાલત પૈદા થઇ કે જે ચીજોને આપણે ખુબ હળવા અંદાજમાં લઇએ છીએ. હકીકતમાં આપણે તેને માટે દિલો-જાનથી કોશીષ કરવી જોઇએ અને આગળ વધીને ભાગ લેવો જોઇએ. વાંચકો મારી વાતને ટુંકાવું અને આપને કિતાબની અજોડતાની ઓળખ કરાવું છું. પહેલી પ્રસ્તાવના એ કારણોને બયાન કરે છે કે શા માટે અલ્લાહ તઆલાએ અઇમ્મા(અ.મુ.સ.)ને દુશ્મનોના નુકશાનથી ન બચાવ્યા અને તેમને કત્લ થવા દીધા. અથવા તો બીજા શબ્દોમાં શા માટે ઇમામ હુસૈન(અ.સ.) શહીદ થઇ ગયા અને અલ્લાહ તઆલાએ તેમને દુશ્મનોના શરથી મહેફુઝ ન રાખ્યા.

પ્રસ્તાવનાનો અલ્લામા મજલીસીનો જવાબ:

અલ્લામા મજલીસી(અ.ર.) ફરમાવે છે કે અલ્લાહ તઅલાએ અઇમ્મા(અ.મુ.સ.)ને શહીદ થવાથી, ઝાલીમોના ઝુલ્મથી અને અઇમ્મા(અ.મુ.સ.)નુ મુસીબતોમાં ઘેરાઇ જવુ તેના કારણોના બારામાં કિતાબ કમાલુદ્દીન, અલ-એહતેજાજ અને એલલુશ્શરાએઅમાં આ રીતે છે કે મોહમ્મદ બિન ઇસ્હાક અલ તાલેકાની કહે છે કે અમે શૈખ અબુલ કાસીમ ઇબ્ને રૂહ(અ.ર.)ની પાસે એક સમૂહમાં સાથે હતા. જેમાં અલી ઇબ્ને ઇસા અલકસરી પણ હતા. એક શખ્સ ઉભો થયો અને હુસૈન બીન રૂહ(અ.ર.)ને કહ્યુ કે હું તમને કંઇક પુછવા ચાહુ છું. તેમણે ફરમાવ્યુ, જે સવાલ હોય તે પુછો. તે શખ્સે કહ્યુ મને બતાવો કે શું ઇમામ હુસૈન(અ.સ.) અલ્લાહના વલી અને હુજ્જત ન હતા? તેમણે જવાબ આપ્યો, બેશક હતા. પછી તેણે સવાલ કર્યો કે શું તેમનો કાતિલ અલ્લાહનો દુશ્મન ન હતો? તેમણે જવાબ આપ્યો, બેશક હતો. તે શખ્સે તે સમયે કહ્યુ, શું એ યોગ્ય અને જાએઝ છે કે અલ્લાહ પોતાના દુશ્મનને પોતાના વલી ઉપર ગાલીબ કરી દેય? અબુલ કાસીમ હુસૈન બીન રૂહ(અ.ર.)એ ફરમાવ્યુ, હું જે કહેવા જઇ રહ્યો છુ તેને ધ્યાનથી સાંભળો… બેશક અલ્લાહ તઆલા લોકોની સામે આવીને સંબોધન કરતો નથી અને ન તો કોઇની સાથે વાત કરે છે, પરંતુ અલ્લાહે નબીઓ અને રસુલને તેમની દરમિયાન, તેમના જ વર્ગમાં તેમના જેવા માણસ બનાવીને મોકલ્યા. અગર અલ્લાહ એક અલગ પ્રકારની મખ્લુકને નબી બનાવીને મોકલતે તો લોકો ભાગી જતે અને હરગીઝ કબુલ ન કરતે. અને જ્યારે નબીઓ ઇન્સાનના શરીરના રૂપમાં આવ્યા, ખાવાનુ ખાતા અને બઝારમાં જતા, તો લોકોએ નબીઓને કહ્યુ: તમે તો અમારા જેવા છો, અમે તમને ત્યા સુધી તસ્લીમ નહી કરીએ જ્યા સુધી તમે એવી ચીજ રજુ કરો, જે અમે લાવી ન શકીએ. તો અમે જાણશુ કે આપ અલ્લાહના ખાસ બંદા છો, અને અમે નથી.

આથી અલ્લાહે તેમને મોઅજીઝા આપ્યા, જેને મખ્લુક રજુ કરવા માટે લાચાર હતી. પછી જુદા જુદા નબીઓ તેમના સમય મુજબ અલગ અલગ મોઅજીઝા લઇને આવ્યા. પછી અમુક તેની કૌમને ડરાવ્યા પછી બદ-દુઆ કરે છે અને તોફાન બધા જ ઝાલીમો અને સરકશોને નાબૂદ કરી દેય છે, અને અમુક નબીને આગમાં નાખવામાં આવ્યા, તો આગ ઠંડી થઇ ગઇ. અને અમુક નબી સખત પથ્થરોમાંથી ઉંટણી લઇ આવ્યા, અને તેના સ્તનોમાં દુધ પૈદા કર્યુ, અને કોઇક નબીએ દરીયાની છાતી ચીરીને રસ્તો બનાવી દીધો, અને પથ્થરમાંથી પાણીનુ ઝરણુ જારી કર્યુ અને કોઇ નબીએ આંધળાને દેખતા કર્યા અને પિત્ત રોગીને સાજા કર્યા અને અલ્લાહના હુકમથી મુર્દાઓને જીવતા કર્યા અને કોઇ નબીએ ચાંદના બે ટુકડા કર્યા અને જાનવરો જેવા કે રીંછ અને ઉંટની સાથે વાત કરી.

અને જ્યારે આ પ્રકારના મોઅજીઝાઓ લાવ્યા અને લોકો તેવા મોઅજીઝા લાવી ન શક્યા તો અલ્લાહ તઆલાએ પોતાના લુત્ફો-કરમ, હિકમત અને તકદીરથી અંબિયા(અ.મુ.સ.)ને બંદાઓ ઉપર ગાલિબ કરી દીધા અને આ રીતે તેઓ હંમેશા સફળ રહ્યા અનેે બીજા સંજોગોમાં તેમને મગલૂબ કરાર દીધા અને અગર તમામ સંજોગોમાં તેમને ગલબો અને સફળતા આપતે અને તેમને મુસીબતો અને ઇમ્તેહાનમાં મુબ્તેલા ન કરતે તો લોકો અલ્લાહને છોડીને બીજાને પોતાનો ખુદા માની લેતે અને બલાઓમાં સબ્રની ફઝીલત અને દરજ્જા તેમજ ઇમ્તેહાનમાં સફળતાનો તસવ્વુર ખત્મ થઇ જતે.

પરંતુ અલ્લાહ તઆલાએ નબીઓ અને વસીઓના હાલાતને બીજા લોકોના જેવા હાલાત કરાર દીધા કે જેથી તેઓ મુશ્કેલીઓ, બલાઓ અને સખ્તીઓમાં સબ્ર કરે અને તંદુરસ્તી, સલામતી અને દુશ્મનો ઉપર કામ્યાબીમાં શુક્ર કરે અને તમામ સંજોગમાં વિનમ્ર રહે, જાબીર અને ઝાલીમ ન બને, અને અલ્લાહના બંદાઓને ખબર પડે કે તેનો કોઇ ખુદા છે અને તે જ તેનો ખાલિક અને રાઝિક છે અને તે જ તેની તદબીર કરે છે કે જેથી લોકો તેની ઇબાદત કરે અને તેના રસુલની ઇતાઅત કરે અને અલ્લાહની હુજ્જત એ લોકો ઉપર તમામ થઇ જાય કે જે તેમના ઉપર ઝુલ્મ કરે અથવા ખુદા હોવાનો દાવો કરે અથવા તેમનાથી દુશ્મની રાખે, વિરોધ કરે અને અલ્લાહના રસુલ જે લઇને આવ્યા તેનો ઇન્કાર કરે, જેથી જે લોકો હલાક થઇ રહ્યા છે તે દલીલ અને બુરહાન પછી હલાક થાય અને જે જીવતા અને બાકી રહે તે પણ દલીલ અને બુરહાનની સાથે જીવંત રહે.

મોહમ્મદ બિન ઇબ્રાહીમ બિન ઇસ્હાક કહે છે કે આ બનાવના એક દિવસ પછી હું શૈખ અબુલ કાસિમ હુસૈન બિન રવ્હની પાસે બેઠો હતો અને મેં મારા દિલમાં કહ્યુ કે ગઇ કાલે તેમણે જે જવાબ આપ્યો હતો, તે તેમણે પોતાના તરફથી આપ્યો હતો? જનાબ શૈખ હુસૈન બિન રૂહ(અ.ર.)એ પોતાની તરફથી કહ્યુ: “અય મોહમ્મદ બિન ઇબ્રાહીમ, અગર હું આસમાન ઉપર રહેતો હોવ અને પક્ષીઓ મને ઉપરથી નીચે ફેંકી દે અથવા હવા મને ઉડાડીને અંધારી ખીણમાં લઇ જાય, તે મને વધારે પસંદ છે, એ વાત કરતા કે હું દીને ખુદામાં મારા દિલથી વાત કહુ અથવા મારો મત રજૂ કરૂ.

પછી આ જ પ્રસ્તાવનામાં સુન્ની આલિમ અને મુફતી ‘અરદસી’થી એક વાકેઓ લખે છે. તે કહે છે કે મોટા આલિમોના સરદારો અને અમારામાંથી અમુક લોકો એક જગ્યાએ બેઠા હતા, જ્યાથી લોકોની અવર-જવર વધુ હતી. એ સમયે અમારી પાસેથી એક અજમી માણસ પસાર થયો. લોકો તેને નાનો અને સામાન્ય માણસ હોવાથી બોલાવતા નહી. બેઠેલા લોકોમાંથી અમુક અશરફ લોકોએ તેની મજાક કરવાનુ અને મેણા મારવાનુ શરૂ કરી દીધુ અને તેમાંથી એકે કહ્યુ, “અય અજમી અને બેવકુફ! શા માટે તમે લોકો દર વર્ષે મોહર્રમમાં બાળકોની જેમ કામ કરો છો. તમારી છાતી કુટો છો, માથામાં ધૂળ નાખો છો અને રડો છો અને ચિલ્લાવ છો અને યા હુસૈન યા હુસૈન કહો છો?

તે માણસે પાછા ફરીને કહ્યુ કે તમે જાણો છો કે તેનુ રહસ્ય શું છે? તેણે જવાબ આપ્યો કે નહી. તેણે કહ્યુ: કારણ કે આ કામ કરવુ અમારા માટે જરૂરી અને લાઝીમ છે, એટલા માટે કે અગર અમે આ કામને છોડી દઇએ અને મુદ્દતો સુધી છોડી દઇએ તો તમે લોકો એવુ કહેવા લાગશો કે યઝીદ (લ.અ.)એ રસુલ(સ.અ.વ.) અને જનાબે ફાતેમા(સ.અ.)ના દિલના ટુકડા ઇમામ હુસૈન(અ.સ.)ને શહીદ નથી કર્યા અને યઝીદ(લ.અ.)એ આપ(સ.અ.વ.)ની બેટીઓને કૈદી નથી બનાવી. બલ્કે આનાથી પણ વધીને તમે લોકો કહેશો કે કરબલાનો બનાવ બન્યો જ ન હતો.

તે લોકોએ કહ્યુ: “અમે એવુ શા માટે કરીએ? તેણે કહ્યુ: “કારણ કે અમે પહેલા આનો અનુભવ કરી ચુક્યા છીએ અને આવી બાબતોને નજરોથી વારંવાર જોઇ પણ ચુક્યા છીએ. તો તે લોકોએ કહ્યુ “કયા અને કેવી રીતે? તેણે જવાબ આપ્યો “બેશક! અલ્લાહના રસુલ (સ.અ.વ.)એ પોતાના કાકાના દિકરા ભાઇ અલી ઇબ્ને અબિ તાલિબ(અ.સ.)ને અલ્લાહના હુકમથી પોતાના વસી, અમીરૂલ મોઅમેનીન, સય્યદુલ્ વસીય્યીન, ઇમામ અને ખલીફા બનાવ્યા અને આ બનાવ હજ્જતુલ્ વિદાઅ પછી ગદીરે ખુમના મૈદાનમાં બન્યો અને એ સમયે હજ કરવા માટે ૭૦,૦૦૦ થી વધારે લોકો હજ કરવા માટે આવ્યા હતા અને આ બનાવ સેંકડો માધ્યમથી તમારા સુધી પહોંચ્યો છે અને તમારી કિતાબોમાં પણ મૌજુદ છે, પરંતુ જ્યારે તમે લોકોએ જોયુ કે શીયાઓએ તકય્યા અને ડરના લીધે અમુક દિવસો સુધી ગદીરનું જશ્ન ન મનાવ્યું, જે ઇસ્લામમાં સૌથી મોટી ઇદ છે, તો તમે લોકોએ હઠધર્મી બતાવી અને અલ્લાહ તથા તેના રસુલ(સ.અ.વ.)ના હુકમનો વિરોધ કર્યો અને વાકએ ગદીરનો મૂળથી ઇન્કાર કરી દીધો. એટલા માટે અમે દર વર્ષે મોહર્રમ મનાવીએ છીએ, મજલીસ, નૌહા, મરસીયાહ, માતમ અને અઝાદારી કરીએ છીએ અને ઇમામ હુસૈન(અ.સ.)ના મસાએબનો ઝિક્ર કરીએ છીએ અને એમના કાતિલો ઉપર લઅનત મોકલીએ છીએ. જેથી તમારા દિલમાં સુરજ જેવા પ્રકાશિત આ વાકેઆનો ઇન્કાર કરવાની ઇચ્છા પૈદા ન થાય

જ્યારે તેઓએ આ જવાબ સાંભળ્યો, તો તેઓના રૂવાટા ઉભા થઇ ગયા, તેઓ ધ્રુજી ગયા, તેમના ચેહરાનો રંગ ઉડી ગયો. શર્મથી માથુ ઝુકી ગયુ અને તેમની નજરો જમીનમાં ઘસી ગઇ. પછી તેઓએ એક બીજાના ચેહરા તરફ જોતા કહ્યુ: “ખુદાની કસમ! આ વાત અલ્લાહે આ શખ્સને અહી ઇલ્હામ કરી છે, કારણ કે આ સમાન્ય માણસ છે. તેને ઓલમાઓના શબ્દો અને મુનાઝેરાથી શું સંબંધ હોય?

ઇમામ હુસૈન(અ.સ.) ઉપર રડવાનો સવાબ અને ફઝીલત:

શહાદતના રહસ્યોની એક અજોડતા એ છે કે મરહુમ દરબન્દીએ પોતાની કિતાબની બીજી પ્રસ્તાવનામાં ઇમામ હુસૈન(અ.સ.) ઉપર રડવાની ફઝીલત અને સવાબ અને અઝીમ ઇબાદત હોવાના બારામાં એક સંપૂર્ણ ચર્ચા કરી છે. દા.ત. ‘મુન્તખબ’ માંથી એક હદીસ ઇમામ સાદિક(અ.સ.)થી વર્ણવે છે “જ્યારે મોહર્રમનો ચાંદ ક્ષિતિજ ઉપર નીકળતો હતો, ત્યારે ઇમામ(અ.સ.)નું દુ:ખ અને ગમ તિવ્ર થઇ જતું, પોતાના જદ્ ઇમામ હુસૈન(અ.સ.) ઉપર ખુબ જ રડતા હતા અને બધી બાજુથી લોકો  ઇમામ હુસૈન(અ.સ.)નો પુરસો આપવા માટે આવતા હતા અને ઇમામ(અ.સ.)ની સાથે મળીને ઇમામ હુસૈન(અ.સ.)ની મુસીબત ઉપર નૌહા અને માતમ કરતા અને જ્યારે આ રડવાનું પુરૂ થઇ જતુ તો ઇમામ(અ.સ.) તે લોકોને કહેતા, “અય લોકો તમે જાણી લ્યો, આગાહ થઇ જાવ! ઇમામ હુસૈન(અ.સ.) અલ્લાહની નઝદિક જીવતા છે અને જે ચાહે તે રિઝ્ક મેળવે છે અને ઇમામ(અ.સ.) હંમેશા કરબલા તરફ જ્યાં તેઓ શહીદ થયા હતા અનેે તેમની સાથે જે લોકો શહીદ થયા હતા, તે તરફ જોવે છે અને પોતાની ઝિયારત કરવા આવનારાઓને, રડવાવાવાળાઓને અને અઝાદારોને જોવે છે અને તેઓ પોતાના અઝાદારોને ઓળખે છે અને તેમના નામ અને તેમના માતા-પિતાના નામને પણ જાણે છે અને જન્નતમાં તેમના રૂત્બા અને દરજ્જાને પણ જાણે છે અને ઇમામ પોતાના પર રડવાવાળાઓને ઓળખે છે અને તેમના માટે ઇસ્તીગ્ફાર કરે છે અને પોતાના જદ્દે બુઝુર્ગવાર, પોતાના વાલીદે બુઝુર્ગવાર, પવિત્ર માતા અને શફીક ભાઇથી અઝાદારો માટે ઇસ્તીગ્ફાર કરવાની દરખાસ્ત કરે છે.

અને ફરમાવે છે: “અગર મારી ઝિયારત કરવાવાળા અને મારા ઉપર રડવાવાળા, અલ્લાહની નઝદીક પોતાના સવાબ અને મરતબાને જાણતે તો તેઓ રડવાથી વધારે ખુશ હોતે અને બેશક મારા ઝવ્વાર અને મારા ઉપર રડવાવાળા પોતાના ઘરવાળાઓ પાસે ખુશી ખુશી પાછા ફરશે અને તે જ્યારે મજલીસમાંથી ઉભા થશે, તો તેના ઉપર કોઇ ગુનાહ બાકી નહી રહે અને તે એવા પાક થઇ જશે જેવા કે તેની માઁ એ તેમને જન્મ આપ્યો હતો.

અને પછી એક હદીસ મોઆવીયાહ ઇબ્ને વહબથી વર્ણન કરે છે: “મોઆવીયાહ ઇબ્ને વહબ કહે છે કે મેં ઇમામ સાદિક(અ.સ)થી મળવાની તેમની પાસે રજા માંગી. ઇમામ(અ.સ.)એ મને મળવાની રજા આપી. જ્યારે હું ઇમામ(અ.સ.) પાસે પહોચ્યો તો મેં જોયુ કે ઇમામ(અ.સ.) મુસલ્લા ઉપર છે. હું ત્યાં બેસી ગયો, ત્યાં સુધી કે ઇમામ(અ.સ.)એ નમાઝ પુરી કરી લીધી. પછી મેં સાંભળ્યુ કે ઇમામ(અ.સ.) અલ્લાહથી મુનાજાત કરતા, કહેતા હતા કે: “અય તે પવિત્ર ઝાત કે જેણે અમને ઇઝ્ઝત અને શરફ અતા કર્યો અને અમને ઇમામત માટે પસંદ કર્યા અને શફાઅતનો વાયદો કર્યો….. માલિકોનુ ઇલ્મ અતા કર્યુ, અને લોકોના દિલોને અમારી તરફ જુકાવી દીધા. મારા ભાઇઓને અને મારા જદ્ ઇમામ હુસૈન(અ.સ.)ના ઝવ્વારોને માફ કરી દે કે જેઓએ તેમનો માલ અમારી રાહમાં ખર્ચ કર્યો અને અમારી મોહબ્બતમાં પોતાના શરીરો ઉપર તકલીફો સહન કરી છે, એ ઉમ્મીદથી કે તારી નઝદીક અમારા લીધે અઝીમ સવાબ છે અને તેઓએ તારા નબી(સ.અ.વ.)ના દિલને ખુશ કર્યુ છે અને અમારા હુકમો ઉપર લબ્બૈક કહ્યુ છે અને અમારા દુશ્મનોના દિલને જલાવ્યા છે અને તેઓ તેનાથી તારી ખુશનુદી ચાહે છે. પસ અય પરવરદિગારા! તું અમારા લીધે તેઓના અમલથી રાજી થઇ જા અને દિવસ-રાત તેઓની સંભાળ લે. પરવરદિગાર તેઓએ તેમના અહેલ વ અયાલને છોડ્યા છે, માટે તેઓને સર્વશ્રેષ્ઠ હાલતમાં રાખ અને દરેક ઝાલીમના ઝુલ્મથી તેઓની હિફાઝત કર અને તેઓનો સાથ દે અને તારી દરેક શક્તિશાળી અને કમઝોર મખ્લુકથી તેઓને મહફુઝ રાખ અને અય પરવરદિગાર તેઓ પોતાના વતનથી જે હાજતો લઇને આવ્યા છે, તેને પુરી કરી દે. એટલા માટે કે તેઓએ પોતાની ઔલાદ, પોતાના જીસ્મો અને રિશ્તેદારોથી દુરી કરી અને પોતાની પત્નિઓ ઉપર અમને અગ્રતા આપી છે અને કુરબાન કર્યા છે.

પરવરદિગાર! અમારા દુશ્મનો તેઓને અમારી ઝિયારત માટે ઘરેથી નીકળવા બદલ મેણા મારે છે અને ઐબ લગાડે છે, છતા પણ કોઇ ચીજ તેઓને અમારી પાસે આવવાથી રોકી નથી શક્તી તે લોકોની વિરૂધ્ધ જે લોકો અમારો વિરોધ કરે છે.

અય પરવરદિગાર! તુ એ ચહેરાઓ ઉપર રહેમ કર જેને સૂરજની ગરમીએ બદલી નાખ્યા છે અને એ ગાલો ઉપર રહેમ કર જે ઇમામ હુસૈન(અ.સ.)ની કબ્રને મળે છે અને એ આંખો ઉપર રહેમ કર જે અમારા ગમમાં રહેમતના લીધે રડે છે અને એ દિલો ઉપર રહેમ કર જે અમારા માટે તડપે છે અને બેચૈન રહે છે અને રડવાની બુલંદ અવાજો ઉપર રહેમ કર જે અમારા માટે બલંદ થાય છે.

પરવરદિગાર! હું એ લોકોને અને એમના શરીરોને તારા હવાલે સોંપુ છુ ત્યાં સુધી કે તું તેઓને અમારી પાસે તે દિવસે હૌઝે કવ્સર પહોંચાડી દે જે સખત પ્યાસનો દિવસ હશે.

ઇમામ(અ.સ.) લગાતાર સજદાની હાલતમાં આ દુઆ કરી રહ્યા હતા. જ્યારે ઇમામ(અ.સ.)એ દુઆ પૂરી કરી ત્યારે મેં કહ્યુ: “મૌલા મારી જાન આપના ઉપર કુરબાન! આ દુઆ કે જે મેં આપનાથી સાંભળી, અગર આ એવા માણસ માટે હોય કે જે અલ્લાહ તઆલાને ઓળખતો ન હોય તો પણ મને યકીન થઇ જાત કે જહન્નમની આગ તેને સ્પર્શ પણ કરી શકતી નથી.

ખુદાની કસમ! હું એ તમન્ના કરૂ છું કે કાશ! મે ઝિયારત કરી હોત અને હજ ન કરી હોત. (અહીં હજથી મૂરાદ વાજીબ હજ નથી) ઇમામ(અ.સ.)એ મને કહ્યુ:”મેં તમને તેનાથી નઝદીક કરી દીધા. કઇ ચીજ તમને ઝિયારતથી રોકે છે? પછી ઇમામ(અ.સ.)એ કહ્યુ:”અય મોઆવીયહ! ઝિયારતને તર્ક ન કરો મેં કહ્યુ: “મને આ બાબત આટલી બધી ખબર ન હતી

ઇમામ(અ.સ.)એ કહ્યુ:”અય મોઆવીયહ! ઇમામ હુસૈન(અ.સ.)ના ઝવ્વારો માટે ઝમીનથી વધારે આસમાનમાં દુઆ કરવાવાળાઓ છે. તમે ચાહો છો કે અલ્લાહ તમારો શુમાર એ લોકોમાં કરી દેય કે જેમના માટે રસૂલે ખુદા (સ.અ.વ.) અલી(અ.સ.) જનાબે ફાતેમા(સ.અ.) અને અઇમ્મા(અ.મુ.સ.) દુઆ કરે છે? શું તમે ઇચ્છો છો કે તમારી ગણતરી એવા લોકોમાં થાય કે જેઓ આ દુનિયાથી અગાઉના તમામ ગુનાહથી માફ થઇને, સિત્તેર વર્ષના ગુનાહ માફ કરાવીને રૂખ્સત થયા હોય? શું તમે નથી ચાહતા કે કાલે તમે એ લોકોમાં શામિલ થાવ કે જેઓ મલાએકોઓથી મુસાફેહો કરે છે? શું તમે નથી ચાહતા કે કાલે જ્યારે તમે આ દુનિયાથી ચાલ્યા જાવ તો તમારા ખંભા ઉપર ગુનાહનો કોઇ બોજ બાકી ન રહે? શું તમે નથી ચાહતા કે કાલે તમારો શુમાર એવા લોકોમાં થાય કે જેઓ અલ્લાહના રસૂલ(સ.અ.વ.)થી મુસાફેહા કરશે?

(વસાએલ, ભાગ:૧૦, પાના:૩૨૦)

આ હદીસના લખવા પછી મરહૂમ દરબન્દી કહે છે કે અઝાદારી અને ઝિયારતના બારામાં જે હદીસો મેં અહીં લખી છે તે ઘઉંના ઢગલામાંથી મુઠ્ઠીભર ઘઉં બરાબર છે. અગર જો મઆવિયહ ઇબ્ને વહબની હદીસ સિવાય અગર બીજી કોઇ હદીસ ન હોત તો પણ આપણા માટે આ હદીસ કાફી હોત.

Have your say!

Add your comment below, or trackback from your own site. You can also subscribe to these comments via RSS.

Be nice. Keep it clean. Stay on topic. No spam.