Home » અલ-મુન્તઝર માહે મોહર્રમ » ૧૪૧૬

શરીકતુલ હુસયન (અ.સ.) નાએબતુઝ-ઝહરા (સ.અ.) હઝરત ઝયનબ સલામુલ્લાહે અલયહાના કેટલાક ઈલકાબ

Print Friendly

શરીકતુલ હુસયન (અ.સ.) નાએબતુઝ-ઝહરા (સ.અ.) હઝરત ઝયનબ સલામુલ્લાહે અલયહાના કેટલાક ઈલકાબ

દીને ઈસ્લામના પ્રચાર અને અનંત અસ્તિત્વ માટે હઝરત ઈબ્રાહીમ (અ.સ.), હઝરત મુસા (અ.સ.), હઝરત ઈસા (અ.સ.), હઝરત મોહમ્મદે મુસ્તફા (સ.અ.વ.), હઝરત અબુ તાલિબ, હઝરત અલી બિન અબી તાલિબ અલયહે સલાતુસ્સલામના નામો અને તેમની અતિ અધિક ઝેહમતો, સબ્ર, સહનશીલતા અને અડગતા નજરે પડે છે.

સાથો સાથ તેઓના પવિત્ર નકશે કદમ ઉપર ચાલતા જનાબે સારા (સ.અ.), હાજરા (સ.અ.), આસીયહ બિન્તે મઝાહીમ (સ.અ.), જનાબે સકૂરા (સ.અ.), જનાબે મરિયમ (સ.અ.), જનાબે ખદીજા (સ.અ.) અને જનાબે ફાતેમા ઝહેરા સલામુલ્લાહે અલયહીન્ન અજમઈન પણ દ્રષ્ટિગોચર થાય છે. તેઓની કુરબાની ઈતિહાસના આસમાનમાં પ્રકાશિત દિવસની જેમ ઝળહળતી નજરે પડે છે. કુરબાનીની આ સાંકળની એક કડી હઝરત ઈમામ હુસયન બિન અલી અલયહિસ્સલામ અને તેઓના બહેન જનાબે ઝયનબ બિન્તે અલી સલામુલ્લાહે અલયહા છે. ઈસ્લામના જે વૃક્ષને અંબિયા એ કિરામના મઅસુમ હાથોએ વાવ્યા હતા અને પોતાની કુરબાનીઓ થકી સીંચ્યા હતા, જ્યારે એ વૃક્ષને ઈસ્લામના કટ્ટર દુશ્મનો ઈસ્લામના મોહરા પહેરીને કાપવા ગયા ત્યારે હઝરત ઈમામ હુસયન (અ.સ.) એ પોતાની આગેવાની અને શહાદત દ્વારા તેની હીફાઝત કરી અને જનાબે ઝયનબ (સ.અ.) એ ઝાલિમ અને અત્યાચારીઓના દરબારમાં, ખુલ્લામખુલ્લા ઝાલિમ અને અત્યાચારી લોકોને ઉઘાડા પાડીને કયામત સુધી ઈસ્લામને નાબૂદ કરવાના તમામ પ્રયાસોને નિષ્ફળ કરવાનું એલાન કરી દીધું અને ઈસ્લામના વૃક્ષને સદાબહાર કરી નાખ્યું.

કોઈપણ પ્રકારની પૂર્વભૂમિકા વગર અત્રે જનાબે ઝયનબ સલામુલ્લાહે અલયહાના કેટલાક ઈલ્કાબની સ્પષ્ટતા પ્રસ્તુત કરીએ છીએ. લકબ એ માણસની વિશિષ્ઠતાઓનો અરીસો હોય છે. અંબિયા અને અવલીયા અલયહિસ્સલામ તેમજ ઓલમાએઅઅલામના ઈલ્કાબ તેઓની વિશેષતા વ્યકત કરે છે. (પ્રર્વતમાન યુગની વાત જુદી છે, અકીદતમંદ લોકો કોઈપણ લકબ આપી દે છે અને તેઓના દિલ દૂભાઈ ન જાય તેની કાળજી માટે લોકો તે ઈલ્કાબને કબુલ પણ કરી લે છે) આ વિષયમાં અલ-મુન્તઝર માહે શાઅબાન હી. ૧૪૧૧માં પણ ઈશારો કરી ચૂકયા છીએ.

આલિમોએ જનાબે ઝયનબ સલામુલ્લાહે અલયહાને આપેલા અમુક ઈલ્કાબનો ઉલ્લેખ નીચે પ્રમાણે કર્યો છે.

કેટલાક ઈલ્કાબ અને તેનું વિવરણ અત્રે પ્રસ્તુત કરી રહ્યા છીએ.

સિદ્દીકતુસ સુગરા, અલ-ઈસ્મતુસ્સુગરા, વલીય્યતુલ્લાહ, નામુસલ કુબ્રા, અમીનતુલ્લાહ અર-રાઝીયતો બિલ કદરેવલ કઝા, આલેમતો – ગયરે – મોઅલ્લેમહ, ફહહમતો – ગયરે મુફહહમહ, મહબુબતુલ – મુસ્તફા, કુરરતો અયનીલ મુરતુઝા, નાએબતુઝ ઝહરા, શરીકતુલ હસનીલ મુજતબા, શરીકતુલ હુસયન સય્યદુશ્શોહદા, ઝાહેદહ, ફાઝેલહ, આકેલહ, કામેલહ, આલેમહ, આબેદહ, મોહદદેસહ, મુખ્બેરહ, મવસેકહ, કઅબતુર રઝાયહ, મઝલૂમહ, વહીદહ, અકીલતુલ કુરયશ, અલબાકીય્યહ, અલ ફસીહલ અલ બલીગહ, અશ્શુજાઅહ, રઝીઅતો સદીયુલ વેલાયહ.

નામ ઝયનબ: ઝયનબ શબ્દ બે ભાગથી બનેલો છે. ઝયન અને અબ, ઝયનબ શબ્દનો અર્થ પિતાની શોભા એવો થાય છે. દરેક વસ્તુની શોભા તેના સ્થાન અને મરતબાને અનુરૂપ હોય છે. મહેલ અને ઝૂંપડી બંનેની શોભામાં તફાવત છે, રાજા અને ફકીરની શોભામાં ફર્ક હોય છે. તેવીજ રીતે મસ્જિદ અને ઘરને શોભામાં ફેર હોય છે. વળી મસ્જિદ અને ખાન-એ-કાઅબાની શોભા પણ જુદી જુદી હોય છે. આ ઉપરાંત ભૌતિક અને રૂહાની, આંતરિક શોભામાં પણ તફાવત રહેલો છે. માનવની વાસ્તવિક શોભા તેના સદ્‌ગુણ અને કમાલાતમાં સમાએલી હોય છે.

હઝરત અલી (અ.સ.)ની પવિત્ર ઝાત તમામ ફઝાએલ અને શ્રેષ્ઠતાનો સંગ્રહ છે. કોઈ શ્રેષ્ઠતા એવી નથી જે હઝરત અલી (અ.સ.)ની ઝાતમાં મૌજુદ ન હોય. શ્રેષ્ઠ ઝાત જે દરેક રીતે શ્રેષ્ઠ અને સુશોભિત હોય – તે કોઈ વ્યકિતત્વની શોભા બને તો તેની ઉચ્ચતા કેટલી થાય! તેના ચારિત્ર અને શ્રેષ્ઠતાની સમાનતા કેટલી સમાન રહેશે. કેટલાક લોકોએ લખ્યું છે કે પિતા અને પુત્રીમાં એટલી હદે સમાનતા છે કે (ઝયનબ નામની જોડણીમાંથી) “અલીફ”નું શાબ્દીક અંતર પણ નથી. તેથી આપનું નામ “ઝયન-અબ” માંથી અલીફ નીકળીને “ઝયનબ” બની ગયું. હઝરત અલી (અ.સ.) ફઝાએલ અને કમાલાતનીઝીનત અને હઝરત ઝયનબ – હઝરત અલી (અ.સ.)ની ઝીનત.

વલીયતુલ્લાહ

વલી એટલે સરપરસ્ત, સાહીબે ઈખ્તયાર (અધિકાર સંપન્ન). જો કોઈ પાસે શરીઅતના ઈખ્તીયારાત હોય તો તેને “વિલાયતે તશરીઈ” કહેવામાં આવે છે. અને જો સમગ્ર વિશ્વ ઉપર ઈખ્તયાર હોય તો તેને “વિલાયતે તકવીની” કહેવામાં આવે છે. જેટલું ઉચ્ચ કક્ષાનું ચારિત્ર હોય તેટલું વિલાયતે તકવીનીનું વર્તુળ વિશાળ હશે. હઝરતે સુલૈમાન (અ.સ.)ને એટલો ઈખ્તયાર હતો કે હવા પણ તેઓના ઈશારા ઉપર ચાલતી હતી. તેઓના વઝીર જનાબે આસિફ બરખીયાને એટલો ઈખ્તયાર હતો કે તેઓએ આંખના પલકારા જેટલા સમયમાં તખ્તે બિલ્કીસ હાજર કરી દીધો હતો. પયગંબર (સ.અ.વ.)એ ચાંદના બે ટુકડા કરી દીધા. હઝરત અલી (અ.સ.)એ સુરજને પાછો ફેરવ્યો હતો. જનાબે ઝયનબ વલીયતુલ્લાહ છે તેઓને કાએનાત ઉપર અધિકાર પ્રાપ્ત છે અને ખુદ એ અધિકાર ઉપર પણ અધિકાર પ્રાપ્ત છે. આ અધિકારનું એક ઉદાહરણ આ પ્રમાણે છે કે જ્યારે કુફામાં જનાબે ઝયનબ સ.અ. એ ખુત્બો આપવાનો ઈરાદો કર્યો તે વખતે ચારે બાજુ શોરબકોર હતો. ઈન્સાનોની સાથોસાથ જાનવરોના અવાજ પણ બુલંદ થતા હતા. આ મહેરામણને શાંત કરવા માટે કોઈ સમર્થન હતું. ઝુલ્મ અને અત્યાચારથી ઈન્સાનો તો ચુપ થઈ શકતા હતા પણ જાનવરો ઉપર કોઈનો કાબુ નથી ચાલતો.

રાવીએ જનાબે ઝયનબ (સ.અ.)ના ઈખ્તયારને આ શબ્દોમાં બયાન કર્યો છે.

“લમ્મ અવ માત ઝયનબો ઈબ્નતે અલીય્યન (અ.સ.) એલન્નાસે ફસકનતીલ અનફાસે વલ અજરાસે.”

જ્યારે જનાબે ઝયનબ (સ.અ.)એ લોકો તરફ ઈશારો કર્યો ત્યારે શ્વાસો થંભી ગયા, અને જાનવરોના ગળામાં પડેલી ઘંટડીઓનો અવાજ પણ બંધ થઈ ગયો.

(મકતલુલ હુસયન, અલ મુકર્રમ, પાના નં. ૩૧૧ મુસ્સતલ, બઅસ્તહ પ્રકાશિત)

ઉપરના બનાવથી એ વાત જાણવા મળે છે કે જનાબે ઝયનબ સ.અ.ને કાએનાત ઉપર કેટલો અને કેવો ઈખ્તયાર હતો. ખામોશ રહેવાનો હુકમ આપ્યો ન હતો પણ જનાબે ઝયનબ (સ.અ.) માત્ર એક ઈશારોજ કર્યો હતો જેનાથી (જાનવરો સહીતનો) સમગ્ર સમુદાય શાંત થઈ ગયો હતો. તેઓના નાના (સ.અ.વ.) એ માત્ર આંગળીના ઈશારાથી ચાંદના ટુકડા કર્યા હતા.

કુરઆને કરીમ અવલીયાએ ઈલાહીની સીફત આ શબ્દોમાં બયાન ફરમાવે છે.

અલા ઈન્ન અવલેયાઅ અલ્લાહ લા ખવફુન અલયહીમ વલાહુમ, યહઝનૂન.

જાણી લો કે બેશક જે (લોકો) અલ્લાહના મિત્રો (અવલીયાહે ઈલાહી) છે તેમને ન તો કોઈ ભય હોય છે અને ન તો તેઓ ઉદાસ (મગઝૂન અને મગમુમ) થતા હોય છે. (સુરએ યુનુસ, આ. નં. ૬૨)

જે હાલતમાં જનાબે ઝયનબ સ.અ.એ સબ્ર કરી હતી, તે હાલતમાં મોટા મોટા બળવાન લોકોના પગ પાણી બની જાય છે, ધીરજનો પાલવ છૂટી જાય છે, જીભ ઉપર ફરિયાદ અને અધીરાઈના શબ્દો આવી જાય છે. જનાબે ઝયનબ સ.અ.ની સબ્રની એ હાલત હતી કે તેઓ સ.અ. દરેકને દિલાસો આપતા હતા. શોહદાની બેકફન લાશો જોઈને હઝરત ઝયનુલ આબેદીન (અ.સ.)ની હાલત વિહવળ થવા લાગી ત્યારે તેઓ આગળ વધીને તેમને દિલાસો આપ્યો અને પોતાના પવિત્ર દાદાની રિવાયતનો ઉલ્લેખ કર્યો.

પવિત્ર દાદા (પિતામહ)એ ફરમાવ્યું: ખુદા અહીં મઝાર (રોઝા મુબારક)નું નિર્માણ કરાવશે, લોકો અહીં ઝીયારત માટે આવશે.

આગળ ઉલ્લેખ કરાયા પ્રમાણેનો આટલો બધો અધિકાર હોવા છતાં સબ્ર કરવી એ ફકત વલીયતુલ્લાહ હોય તેમનું જ કામ છે. આ સંજોગોમાં પણ જનાબે ઝયનબ સ.અ. તેમના પિતાની ઝીનત છે. હઝરત અલી (અ.સ.) પણ અનેક કમાલના માલિક હોવા છતાં (જે સૂરજને પાછો ફેરવી શકે તેની સામે મુઠ્ઠીભર લોકોની શું ગણત્રી!) પોતાના ગળામાં રસ્સી બંધાવી. એવીજ રીતે જનાબે ઝયનબ સ.અ.એ પણ પોતાના ઈખ્તયારમાં કમાલ હોવા છતાં યઝીદના દરબારમાં પોતાના બાવડા ઉપર દોરડા બંધાવ્યા.

અમીનતુલ્લાહ

વસ્તુઓ જાળવવાની અમાનત એ જુદી બાબત છે. અસ્રારે રૂમુઝે ઈલાહી (ઈલાહી ભેદ અને રહસ્યો)ની અમાનત એ એક જુદી બાબત છે. અસરાર અને રૂમુઝે ઈલાહીની અમાનતદારી માટે બેપનાહ અને વિશાળ પાત્રતાની આવશ્યકતા રહે છે. અસરારોરૂમુઝ ફકત રસુલ અથવા ઈમામ મેળવી શકે છે. દરેક દિલ અને જીગરમાં આ વિશાળતા હોતી નથી. હઝરત સૈય્યદુશ્શોહદા ઈમામ હુસયન (અ.સ.)એ ઈમામત અને વારસદારીના અસરારોરૂમુઝ જનાબે ઝયનબ સ.અ.ને સુપ્રત કર્યા હતા અને આપજ તે અસરારે ઈલાહીનાં અમાનતદાર બન્યા. અસરારે રૂમુઝે ઈલાહીના માલિક હોવું એકબાજુથી જનાબે ઝયનબ સ.અ.ની બેપનાહ અઝમત અને મોહબ્બતની દલીલ છે. તો બીજી બાજુ આપની ઈસ્મતની પણ દલીલ છે કેમકે ગૈર મઅસુમ ઈમામતના રૂમુઝને ગ્રહણ કરી શકતા નથી.

અમાનતે ઈલાહી પૈકીની એક મહત્વની અમાનત, ઈમામત છે. આપે આપના ઈમામે વકતનું (ઝમાનાના ઈમામનું) રક્ષણ કર્યું હતું, ઈમામે વકતને સહારો આપ્યો હતો. જ્યારે દુશ્મનો ઈમામે વકતને કત્લ કરી નાખવા માગતા હતા ત્યારે આપ (જ. ઝયનબ સ.અ.) દુશ્મનોની સામે ગયા અને ઈમામનું રક્ષણ કર્યું, ખરેખર જનાબે ઝયનબ સ.અ. નાએબતુઝ ઝેહરા સ.અ. (હઝરત ફાતેમા સ.અ.ના નાયબ) છે. મદીનામાં જનાબે ઝેહરા સ.અ. એ હઝરત અલી (અ.સ.) ને કત્લ થવાથી બચાવ્યા હતા. કરબલાના બનાવ પછી જનાબે ઝયનબે હઝરત અલી બિન હુસયનને કત્લ થવાથી સુરક્ષીત રાખ્યા હતા.

આલેમતુન ગયરો મોઅલ્લમહ વ ફહેમતુન ગયરો મોફહહમહ.

જનાબે ઝયનબ સ.અ. કોઈપણ ઉસ્તાદ (શિક્ષક) વગર આલેમહ (વિદ્વાન સ્ત્રી) છે અને કોઈની પાસે સમજણ મેળવ્યા વગરના સમજદાર છે. આ લકબ તેઓને ઈમામે વકત હઝરત ઝયનુલ આબેદીન (અ.સ.)એ અતા કર્યો છે. આથી જાણવા મળે છે કે જનાબે ઝયનબ સ.અ. કોઈપણ શિક્ષક પાસેથી શિક્ષણ લેવા માટે બેઠા ન હતા, પરંતુ ખુદાવંદે આલમેજ આપને ઈલ્મ અને અદબ આપ્યું હતું. ખુદાવંદે આલમ, પાત્રતા જોઈને ઈલ્મો – અદબ અતા કરે છે. એટલે કે જનાબે ઝયનબ સ.અ. પાસે ઈલ્મેલદુન્ની હતું. જનાબે ઝયનબ સ.અ.ના ઈલ્મ અને મન્ઝેલતની આ સ્પષ્ટ દલીલ છે. ખુદાવંદે આલમે ઈલ્મ અતા કર્યું હોય તેના ઈલ્મના ઉંડાણને કોણ માપી શકે? કુરઆને કરીમ અને રિવાયતોમાં અનેક જગ્યાએ ઈલ્મની ફઝીલતનું વર્ણન કરવામાં આવ્યું છે. તેમજ જાણકાર લોકોને અજ્ઞાન લોકો ઉપર અગ્રતા અને શ્રેષ્ઠતા આપવામાં આવી છે. ઉપરોકત લકબથી જનાબે ઝયનબની અઝમત જાણવા મળે છે. આનાથી એ વાત પણ સ્પષ્ટ થાય છે કે દીને ઈસ્લામ સ્ત્રીઓને ઈલ્મના કેટલા ઉચ્ચ દરજ્જે જોવા ઈચ્છે છે! જનાબે ઝયનબના ઈલ્મનું અદના (ઓછામાં ઓછું) ઉદાહરણ તેઓએ કુફા અને શામમાં આપેલા ખુત્બાઓમાં નજરે પડે છે. એ ખુત્બા હઝરત અલી ઈબ્ને અબી તાલીબ (અ.સ.)અને હઝરત ફાતેમા ઝેહરા સ.અ.ના ખુત્બા સમાન હતા. જે લોકોએ હઝરત અલી (અ.સ.)ના ખુત્બા સાંભળ્યા હતા તેઓ જનાબે ઝયનબ સ.અ.ના ખુત્બા સાંભળીને કહેવા લાગ્યા: શું અલી જીવતા થઈ ગયા? કારણકે તેમના ખુત્બાની ઢબ એવી જ હતી. એજ વકતૃત્વની શૈલી અને પ્રસ્તુતી હતી, અર્થના ઉંડાણ પણ એવાજ હતા.

શરીકતુલ હુસયન (અ.સ.)

જનાબે ઝયનબ સ.અ. વંશ, કુળ, અઝમત અને મંઝેલતના દરેક સ્થાનમાં સૈયદુશ્શોહદા હઝરત ઈમામ હુસયન (અ.સ.)ની સાથે શરીક છે. એટલુંજ નહીં ઈમામ હુસૈન (અ.સ.)ની મુસીબતો અને તકલીફોમાં પણ જનાબે ઝયનબ શરીક નજરે પડે છે. ઈમામે મઅસુમ સાથે શરીક હોવું એ કોઈ મામુલી વાત નથી. જેવી રીતે હઝરતે ઝેહરા સ.અ. રિસાલત અને ઈમામતના કામમાં શરીક હતા તેવીજ રીતે હઝરતે ઝયનબ સ.અ. ઈમામતના કામોમાં શરીક હતા. દોઆની કબુલીયતમાં પણ શરીકતુલ હુસયન (અ.સ.) હતા. જેવી રીતે ઈમામ હુસયન (અ.સ.)ના વાસ્તાથી દોઆઓ કબુલ થાય છે તેવીજ રીતે જનાબે ઝયનબ સ.અ.ના વાસ્તાથી પણ દોઆઓ કબુલ થાય છે. દીનની જાળવણી અને દીનને બાકી રાખવામાં પણ તેઓ શરીકતુલ હુસયન (અ.સ.) છે. મસાએબ (મુસીબતો અને તકલીફો)ને સહન કરવામાં પણ શરીકતુલ હુસયન (અ.સ.) છે.

કઅબતુર – રઝાયા

“રઝાયા” શબ્દ “રઝીય્યતન” શબ્દનું બહુવચન છે. જેનો અર્થ થાય છે મોટી મુસીબત. કાઅબા ખુદાના ઘરનું નામ છે, જેનો તવાફ લોકો કરે છે. સમગ્ર વિશ્વના મુસલમાનો કાઅબા તરફ મુખ રાખી ઈબાદત કરે છે અને દુનિયાના ચારે ખુણામાંથી લોકો કાઅબા તરફ આવે છે. જનાબે ઝયનબ, કઅબતુર-રઝાયા છે. મુસીબતો અને તકલીફો આપની આજુબાજુ તવાફ કરતી હતી. દરેક મુસીબતો આપના તરફ કેન્દ્રીત હતી. તેઓ જીવનના પ્રારંભથીજ મુસીબતોના લક્ષય સ્થાન હતા. નાનાનો ઈન્તેકાલ, માતાની જુદાઈ, પિતાની રહલત, ભાઈનો વિયોગ અને કરબલામાં તો ભરેલા ઘરનો ઘાવ – અને તે પણ એકજ દિવસમાં. જે ઘરને જનાબે ઝયનબે અઝાને સુબ્હના સમયે આબાદ જોયું હતું તે ઘર અસ્રનાં સમયે ખાલી થઈ ગયું હતું. અઝીઝોની જગ્યાએ તેઓની જુદાઈનો સદમો બાકી રહી ગયો હતો. ત્યાર પછી કરબલાથી કુફા, કુફાથી શામ, શામથી કરબલા અને કરબલાથી મદીના સુધી મુસીબતો અને દુખો. આ ઉપરાંત જે રીતે ખાનએ કાઅબાનો પરદો સળગાવવામાં આવ્યો હતો તો આપ સ.અ. નો પર્દો પણ ખેંચી લેવામાં આવ્યો હતો. કાઅબા ઉપર ગોફણથી પત્થરો વરસાવવામાં આવ્યા હતા તો આપ સ.અ.ની પીઠ મુબારક ઉપર કોરડાઓ વરસાવવામાં આવ્યા હતા. કાઅબાની હુરમત પાયમાલ કરવામાં આવી હતી. તો આપને પણ ગામે ગામ ફેરવવામાં આવ્યા હતા. ખાનએ-કાઅબા ઉપર ઝુલ્મો સિતમ કરવાથી ખાનએ કાઅબાની અઝમતમાં કોઈ ઘટાડો થયો ન હતો. પરંતુ ઝુલ્મો-સિતમ કરનાર ઝલીલ, (તીરસ્કૃત) થઈ ગયા હતા. તેવીજ રીતે મુસીબતોની પરંપરાઓ પછી પણ જનાબે ઝયનબ સ.અ.ની અઝમતમાં જરાપણ ઘટાડો થયો ન હતો પરંતુ જાલિમો ઝલીલ અને રૂસ્વા, (તીરસ્કૃત અને હડધૂત) થઈ ગયા. આજ જો ખાનએ કાઅબાનો પર્દો બાકી છે તો જનાબે ઝયનબ સ.અ.ના પર્દાનો પ્રભાવ પણ અસ્તિત્વમાં છે.

Have your say!

Add your comment below, or trackback from your own site. You can also subscribe to these comments via RSS.

Be nice. Keep it clean. Stay on topic. No spam.