Home » અલ-મુન્તઝર માહે મોહર્રમ » ૧૪૧૬ » ઇમામ હુસૈન અ.સ. નો કારવાન અને ઐતિહાસીક પાસાઓ

હુસયને મઝલુલ (અ.સ.)ના એલચી જનાબે મુસ્લિમ બિન અકીલ

Print Friendly

હુસયને મઝલુલ (અ.સ.)ના એલચી જનાબે મુસ્લિમ બિન અકીલ

મોઆવિયાના હલાક થઈ ગયા પછી યઝીદે સત્તાના સુત્રો સંભાળ્યા તેણે સૌ પ્રથમ મદીનાના ગવર્નર વલીદ બિન ઉતબાને મોઆવિયાના હલાક થવાના સમાચાર મોકલ્યા. અને તુરતજ અબ્દુલ્લાહ બિન ઝુબેર, અબ્દુલ્લાહ બિન ઉમર, અબ્દુર રહેમાન બિન અબૂ બકર અને ઈમામ હુસયન (અ.સ.)ની બયઅત લેવાનો હુકમ કર્યો. વલીદે ઈમામ (અ.સ.)ને બોલાવીને યઝીદને સંદેશો કહી સંભળાવ્યો. ઈમામ (અ.સ.)એ બયઅત કરવાનો સ્પષ્ટ ઈન્કાર કરીને મદીના છોડી દેવાનો અંતિમ નિર્ણય કરી લીધો અને આપ (અ.સ.) કુટુંબ તથા બાળકો સાથે મક્કા એ મોઅઝમા ચાલ્યા ગયા. ઈમામે હુસયન (અ.સ.) મક્કાએ મોઅઝઝમામાં રહેવાના અને યઝીદની બયઅતનો ઈન્કાર કરવાના સમાચાર કુફા પહોંચ્યા. કુફાવાસીઓએ એક પછી એક સતત પત્રો લખવા શરૂં કર્યા. જેમાં તેઓએ આપ (અ.સ.)ને કુફા આવવાનો આગ્રહ કર્યો હતો. અને કુફા જઈને ઉમ્મતની જવાબદારી (ઉત્તર દાયીત્વ) સંભાળવાની વિનંતી કરી હતી. ઈમામે હુસયન (અ.સ.) કુફાવાસીઓની પ્રકૃતિથી સારી રીતે વાકેફ હતા, તેમજ આપ (અ.સ.) તેના પરિણામથી પણ વાકેફ હતા તેમ છતાં આપ ઈમામ અને ઉમ્મતના માર્ગદર્શક (પ્રબંધક) હોવાથી એ લોકોની આવાઝ ઉપર લબ્બૈક કહેવાની આપની ફરજ હતી. કદાચ આપ એમ ન કરતા તો, વાયદાનું પાલન ન કરનારા અને વચન ભંગ કરવા માટે ટેવાયેલા કુફાવાસીઓ ઉપર ખુદાની હુજ્જત તમામ ન થાત (એટલે કે કુફાવાસીઓ પાછળથી એમ કહી શકત કે ઈમામ (અ.સ.) કે તેઓના પ્રતિનિધી કુફા આવ્યા હોત તો અમે તેઓની બયઅત કરી લેત પરંતુ અમારા પત્રો દ્વારા મોકલાયેલા નિમંત્રણના જવાબમાં કોઈ આવ્યું ન હતું) કુફાવાસીઓનો અત્યંત આગ્રહ હતો અને તેની સાથોસાથ ઈમામ (અ.સ.) કુફાવાસીઓ સતત વચનભંગી હોવાની વાતથી પણ પૂરી રીતે વાકેફ હતા, તેથી આપ મક્કામાં રહ્યા અને સૌ પ્રથમ, નબુવ્વતના ખાનદાનની એક પાકીઝા અને મોઅતબર (પવિત્ર અને વિશ્વસનીય) વ્યકિત, જનાબે મુસ્લિમ બિન અકીલને પોતાના નાયબ તરીકે કુફા રવાના કર્યા. જેથી (ઈત્મામે હુજ્જત) હુજ્જત પૂર્ણ થઈ જાય. અને આપની જવાબદારી પૂરી થઈ જાય. આનું કારણ એ હતું કે આપના દરેક પગલા આયોજનબધ્ધ હતા. તેથી જ્યાં સુધી નવી પરિસ્થિતિ અને શરતો અમલમાં ન આવે ત્યાં સુધી આપ ત્યાંજ રહે. ઈમામ (અ.સ.) મક્કાને કાયમ રહેવા માટે પસંદ કરેલ ન હતું. હવે આપે મક્કાથી કુચ કરવી પડે તેવો સમય આવી ગયો હતો. પણ અડધો માહે રમઝાનુલ મુબારક પસાર થવા પછી નહીં, બલ્કે ઝીલહજ્જની આઠમી તારીખે, એ દિવસ સુધી જે દિવસે નક્કી થયેલ યોજનાને અમલમાં મુકવાનું શકય બને અને એ મહાન લોહીયાળ ક્રાંતિના ઉદભવ માટે પૂર્વભૂમિકા તૈયાર થઈ જાય.

હઝરત સૈયદુશ્શોહદા (અ.સ.)એ જ્યારે હઝરત મુસ્લિમને કુફા મોકલવાનો ઈરાદો કર્યો ત્યારે આપે કુફાની આગેવાન વ્યકિતઓને સંબોધીને એક પત્ર લખ્યો. જેમાં હઝરત મુસ્લિમનો પરિચય પોતાના પ્રતિનિધી અને ખાસ નાયબ તરીકે કરાવ્યો જેથી એ આગેવાન વ્યકિતઓ કુફાના લોકોની સામે એ પત્ર વાંચી સંભળાવે એ પત્રનો સારાંશ નીચે મુજબ છે:-

“તમારા પત્રો મને મળ્યા છે. તમે લોકોએ જે કાંઈ લખ્યું છે તેનાથી હું વાકેફ થયો છું. હવે હું મારા ભાઈ અને કાકાના દિકરા, જેઓ એલહેબયત (અ.સ.)ની એક વ્યકિત છે, અને મને તેઓ ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે, તેઓ મુસ્લિમ બિન અકીલને તમારી તરફ રવાના કરી રહ્યો છું અને તેઓને કહી દીધું છે કે તમારા નિર્ણય અને અભિપ્રાયથી મને વાકેફ કરે. જો તેઓ સમજુ અને બુધ્ધિમાન લોકોનાં અભિપ્રાય શું છે એ મને લખે અને જો તમારા અભિપ્રાય પણ એજ હશે જે તમોએ તમારા પત્રોમાં વ્યકત કરેલ છે, તો હું ઝડપથી તમારા લોકો તરફ આવી રહ્યો છું. કુફાવાસીઓ: હું મારી જાનની કસમ ખાઉં છું કે એ માણસ ઉમ્મતની રહેબરી કરવાની લાયકાત અને પાત્રતા નથી ધરાવતો જેનું ચારિત્ર ખુદાની કિતાબ કુરઆન પ્રમાણે ન હોય, જેથી પોતાની હુકુમતની કાર્યપધ્ધતિ ન્યાય અને ઈન્સાફ ઉપર આધારિત ન હોય અને જે દિને ખુદાનો અને સાચી કાર્યપધ્ધતિનો પાબંદ ન હોય.”

ઉપરના પત્રમાં ઈમામે હુસયન અ.સનો હેતુ એક બાજુથી હ. મુસ્લિમ બિન અકીલને પોતાના એલચી, પ્રતિનીધી અને એમની લાયકાત તથા પ્રતિષ્ઠાને મજબુત બનાવવાનો હતો, તો બીજી તરફ પત્રના અંતમાં તેઓ (અ.સ.)એ ઉમ્મતના નેતા અને સમાજનાં પથદર્શક વિશે નોંધપાત્ર ઉલ્લેખ કર્યો અને લખ્યું છે કે: ઈમામતની પાત્રતા એજ માણસ ધરાવે છે જેનો અમલ કિતાબે ખુદા (અલ્લાહની કિતાબ કુરઆને મજીદ) પ્રમાણે હોય અને તેની હુકુમતની બુનિયાદ અદલ અને ઈન્સાફ પર હોય.

આ વાકયમાં ઈમામ (અ.સ.)નો હેતુ સમાજના લોકોનું હુકુમત કરવાની પધ્ધતિ વિશેની એ મહત્વની વિચારધારા તરફ ધ્યાન દોરવાનો હતો જે ઈસ્લામની પાયાની વાતો પૈકીની એક વાત છે જેથી એ હક વાત લોકો જાણે અને યઝીદની બયઅત કબુલ કરતા અટકે અને ઈસ્લામી સમાજની રાહબરી માટે યઝીદ જેવા અધમ માણસની અયોગ્યતા દરેક લોકોને દિવસનાં સૂર્યપ્રકાશ જેવી સ્પષ્ટ અને ચોખ્ખી સમજાઈ જાય.

ફરઝંદે રસુલ (સ.અ.વ.) એ કુફાવાસીઓને આ પત્રમાં જે લખ્યું હતું તેમાં કદાચ હુસૈન (અ.સ.)ને એ ઘટના યાદ આવી ગઈ હોય જે વિશે પયગંબરે અકરમ (સ.અ.વ.)ની કબ્ર પાસે મુનાજાત કરી હતી અને તેમાં કહ્યું હતુઃ “ખુદાયા, તું જાણે છે કે ઉમ્મતે ઈસ્લામીયા માટે કેવી ઘટના બની છે.” હુસયન (અ.સ.) પણ આ ઘટના વિશે સારી રીતે વાકેફ હતા. ફરઝંદે ફાતેમા ઝહેરા મદીનએ મુનવ્વરાથી રવાના થતી વખતે વારંવાર “અમ્ર બીલ મઅરૂફ અને નહી અનિલ મુન્કર”નો ઉલ્લેખ જીબ ઉપર લાવતા હતા. પરંતુ આ પત્રમાં એ હઝરત સલવાતુલ્લાહે અલયહે પોતાની તમામ બયાન (ગુફતેગુ) અને લખાણનું વિવરણ કર્યું અને એ મુન્કેરાત (ઈસ્લામમાં મનાઈ કરવામાં આવેલી બાબતો) તરફ અંગુલિનિર્દેશ કર્યો જે બાબતોનો ઈસ્લામી સમાજ તે વખતે સામનો કરતો હતો એ ઘટના ઉપર પડેલા પર્દાને ઉઠાવી લીધો જેમાં ઈસ્લામી સમાજ ગુંથાયેલો હતો. એ ઘટના અને એ મુન્કર, (ધૃણિત કાર્યો) જેની સુધારણા કરવા અને જેનાથી રોકવા માટે ઈમામે હુસયન (અ.સ.) કદમ ઉઠાવ્યા હતા તેમાં આ સંવેદનશીલ મુદ્દા વિશે આપે પોતાના પત્રમાં ઈશારો કર્યો હતો.

“ફલ અમરી મલ એમામો ઈલ્લલ આમેલો બિલ કેતાબે વલ કાએમો બિલ કિસ્તે વદ દાએને બેદીનીલ હક્કે.”

અર્થાત: હું મારી જાનની કસમ ખાઉં છું, ઈમામત અને રાહબરી માટે એજ હકદાર બને છે જે કિતાબે ખુદા પર અમલ કરતા હોય, અદલો-ઈન્સાફ ઉપર કાયમ હોય, અને દીને હકને પાબંદ હોય.

ખરેખર એ વખતના તાજા બનાવો અને જે મુન્કરે અઝીમ, એ અલ્લાહના કાનૂનો ને બદલવાની કોશીશો, એ દિનમાં વાકાપણું, જેનો ઈસ્લામી ઉમ્મતને સામનો કરવો પડયો હતો. એ હુકુમત જે પોતાના સાચા લક્ષબિંદુથી તદ્‌ન વિરોધી બુનિયાદો પર કાયમ કરવામાં આવી હોય અને જેનો રાહબર યઝીદ જેવો શખ્સ હોય, જે ન તો આસ્માની કિતાબ તેમજ તેના કાનૂનોની કોઈ પરવા ન કરતો હોય, ન જેને અદલો ઈન્સાફ સાથે કંઈ લેવા દેવા હોય. આ બધા કારણો હતા જેને લીધે ઈમામ હુસૈન (અ.સ.) એ પોતાના પત્રમાં હુકુમત તેમજ રાહબર અને પેશ્વા જેવી બાબતો પર ગુફતેગુ કરતા જણાય છે.

કુફાવાસીઓનો વચન ભંગ

જનાબે મુસ્લિમ બિન અકીલ પોતાના પેશવાના ફરમાન મુજબ મક્કાથી કુફા જવા માટે રવાના થયા. મસઉદી લખે છે:

“મુસ્લિમ બિન અકીલ પંદરમી રમઝાનના મક્ક-એ-મોઅઝઝમાંથી નીકળ્યા” વિવિધ મુસીબતો તકલીફો અને આફતોનો સામનો કરતા કરતા કુફા પહોંચ્યા. પ્રારંભમાં તેઓનું ખુબજ ઉષ્માભર્યુ સ્વાગત કરીને તેઓને આવકારવામાં આવ્યા. એક પછી એક દરેક કુફાવાસીએ ઈમામ (અ.સ.)ના નાએબે ખાસ અને ખાસ પ્રતિનિધિના હાથો પર બયઅત કરી અને એ બયઅત ઉપર અડગ રહેવાનો નિશ્ચય પણ જાહેર કર્યો. બયઅત કરનારાઓની સંખ્યામાં એટલો ઝડપથી વધારો થયો કે મસઉદીના કહેવા પ્રમાણે:

“કુફાવાસીઓમાંથી બાર હજાર વ્યકિતઓએ મુસ્લિમ બિન અકીલના હાથો પર બયઅત કરી.”

(મરૂજુઝ ઝહબ, ભાગ-૨, મિસ્રમાં પ્રકાશિત હીજરી ૧૩૦૩)

ઈતિહાસકારોના એક વર્ગે બયઅત કરનારની સંખ્યા અઢાર હજારની લખી છે.

(ઈબ્ને અસીર, “કામિલ”, ભાગ-૨, મિસ્રમાં પ્રકાશિત હીજરી ૧૩૦૧)

પરંતુ અફસોસ સાથે કહેવું પડે છે કે: પહેલા તો હઝરત મુસ્લિમ (અ.સ.)નું ઉષ્માપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું પરંતુ બિલ્કુલ ટુંકાગાળામાં એવી કઠોરતા પ્રદર્શીત કરી કે જાણે હ. મુસ્લિમ તેઓ માટે કોઈ અજાણ્યા વ્યકિત હોય. જ્યારે કુફાવાસીઓને હ. મુસ્લિમ બિન અકીલ પ્રત્યે વફાદારી વ્યકત કરવામાં જોખમ લાગ્યું ત્યારે એટલીજ ઝડપથી તેઓનો સાથ છોડી દીધો જેનું ઉદાહરણ જગતની કોઈ કોમના ઈતિહાસમાં જવલ્લેજ નજરે પડે છે…

જ્યારે યઝીદ લ.અ. ને ઈમામ હુસયન (અ.સ.)ના ખાસ પ્રતિનિધિના કુફા પહોંચવાની અને આટલી ઝડપથી હ. મુસ્લિમની સફળતાના સમાચાર મળ્યા અને તે એ પણ જાણતો હતો કે કુફાનો ગર્વનર નોઅમાન બિન બશીર એટલો નાપાક અને હિંમતવાળો નથી જે હ. મુસ્લિમ (અ.સ.)ના મુકાબલામાં કુફા અને તેની આજુબાજુના વિસ્તારમાં પોતાનું વર્ચસ્વ જાળવી શકે, ત્યારે પલીદતરીન (અત્યંત દુષ્ટ) અને ઝીના-ઝાદો ઉબયદુલ્લાહ બિન ઝીયાદને કુફાની ગવર્નરી માટે મોકલ્યો અને સાથે એ હુકમ પણ આપ્યો કે કુફાની બગાવતને તોડી પાડવી અને પયગંબરે અકરમ (સ.અ.વ.) ના પવિત્ર ખાનદાનનાં ટેકામાં જે ચળવળ શરૂ કરવામાં આવી છે તેને કચડી નાખવી.

ઝિયાદનો નાપાક પુત્ર મકરો ફરેબ આચરતો કુફામાં પ્રવેશ્યો અને તેણે દારૂલ અમારાની દીશા પકડી, જોકે તે વખતે તેની લશ્કરી તાકત નોંધપાત્ર ન હતી, તેથી તેણે દરેક જાતની દુષ્ટતા, લુચ્ચાઈ, શયતાનીયત, ઘાક-ઘમકી અને લાલચથી કામ લીધું અને યઝીદની લશ્કરી તાકતથી કુફાવાસીઓને રોબમાં લઈ લીધા. આ રીતે થોડાજ સમયમાં ફરીથી યઝીદની હુકુમતને સ્થિર કરી લીધી અને જનાબે મુસ્લિમ (અ.સ.)ની હિમાયતમાં જે લોકો હતા, તેઓને સરળતાથી યઝીદની તરફ ફેરવી લીધા અને આ પ્રમાણે એલાન કરાવ્યું.

“કુફાવાસીઓ: યઝીદ પોતાની તાકત અને ફોજ શામથી રવાના કરી તમોને વીણી વીણીને મૌતને ઘાટ ઉતારી દે, અને તમારી સ્ત્રીઓને કૈદી બનાવી લે, તે પહેલા યઝીદની બયઅત કરી લો.”

(“નાસિખુત તવારીખ”, હાલાતે સૈયદુશ્શોહદા)

ઈબ્ને ઝિયાદે આ એક પાયા વગરની વાત ઉપજાવીને ધમકીઓ દ્વારા જનાબે મુસ્લિમની આજુબાજુમાં એકઠા થયેલા લોકોને વિખેરી નાખ્યા અલબત્તા, માત્ર એકજ બહાદુર મરદ હતા જે જનાબે મુસ્લિમના રક્ષણ માટે અડગ રહ્યા. તેઓનું નામ જ. હાની ઈબ્ને ઉરવહ હતું. તેમણે હ. મુસ્લિમ (અ.સ.)ના રક્ષણ માટે પોતાની જાન આપી દીધી અને હ. મુસ્લિમ (અ.સ.)ની સાથે શહાદતના દરજ્જે પહોંચ્યા. ઈબ્ને ઝિયાદે મુસ્લિમને પોતાને હવાલે ન કરવા માટે જ. હાનીને સખ્ત ધમકી આપી અને કડવા શબ્દો કહ્યા અને બોલ્યો: જો હઝરત મુસ્લિમને મને સોપીશ નહીં તો તારા બચાવ માટે કોઈ રસ્તો નહી રહે. આવા ભયંકર વાતાવરણમાં પણ જનાબે હાનીએ અજોડ સાહસ અને જવામર્દી દર્શાવી અને કહ્યું:

“ખુદાની કસમ, હરગીઝ નહીં, શું તું એમ ઈચ્છે છે કે મારા મહેમાનને તારે હવાલે કરી દઉં અને તું તેઓને તલવાર નીચે નાખી કતલ કરી દે? હું એવુ હરગીઝ નહીં કરૂં. હું એવું ઝાલીમ અને તીરસ્કૃત કૃત્ય કરવું પસંદ કરતો નથી. પછી ફરમાવ્યું:

“વય લોકુમ લવ કાનત રિજલી અલા તિફલીમ મિન આલિર રસૂલ (સ.અ.વ.) લા અદફઓહા હત્તા તક કતઅ. (નાસિખુત્તવારીખ, હાલતે સૈયદુશ્શોહદા)

અર્થાત: અફસોસ તારા હાલ પર, જો મારા પગ નીચે એહલેબયતે રસુલ (સ.અ.વ.)નું કોઈ બાળક છુપાયું હોય તો હું હરગીઝ એ પગને ઉઠાવીશ નહીં ત્યાં સુધી કે મારો પગ કાપી નાખવામાં આવે.

હાની બિન ઉરવહને તેઓની જવાંમર્દી અને ખાનદાને પયગંબરે અકરમ (સ.અ.વ.) પ્રત્યેની શ્રધ્ધા અને અકીદતના ગુન્હામાં ઉબેદુલ્લાહ બિન ઝિયાદના હુકમથી એ હાલતમાં કે જ્યારે તેઓ માથાથી તે પગ સુધી આખા શરીરે ઘવાયેલા હતા, કૈદખાનામાં મોકલી દેવામાં આવ્યા. જ. હાની કુફાના આગેવાન વ્યકિત હતા અને “કબીલએ મઝજઅ”નાં સરદાર હતા તેથી તેઓના ગીરફતાર થવાના સમાચાર મળતા કબિલએ મઝજઅ અને તેમના ટેકેદારોમાં રોષની જવાળા ભભૂકી ઉઠી અને ચાર હજાર સશસ્ત્ર નવજવાનોએ દારૂલ અમારાને ઘેરી લીધું અને જ. હાનીને સહી સલામત જોવાનો આગ્રહ કરવા લાગ્યા.

કાઝી શુરહની ઐતહાસિક અપ્રમાણિકતા:

જે લોકો ઈબ્ને ઝિયાદની શરમનાક હુકુમતનો ફંદો પોતાના ગળામાંથી હંમેશા માટે કાઢી નાંખવા માગતા હતા તેઓ માટે આ એક સોનેરી તક હતી અને જો તેમ કરવામાં આવતે, તો હુકુમતે ઈસ્લામીયા હંમેશા માટે આફત અને મુસીબતોથી મુકત થઈ જાત. પરંતુ કાઝી શુરહની ઐતીહાસિક ખયાનત અને અઝીમ ગુનાહને કારણે આ સોનેરી તક તેઓના હાથમાંથી જતી રહી, અને હલકા અને અઘમ હાકીમને પોતાના શયતાની કાવત્રાને અમલમાં મૂકવાનો મોકો મળી ગયો. શુરહ ઈસ્લામના એક ઉચ્ચ રૂહાની હોદ્દા ઉપર બિરાજમાન હતો, તેથી લોકોએ તેની ઉપર ભરોસો કર્યો અને ઈબ્ને ઝિયાદે તેની સાથે એવું નક્કી કર્યુ કે તે હાની સાથે મુલાકાત કરી અને તેમના કબીલાવાળાઓને હાની સહી સલામત છે એમ ખબર પહોંચાડે. શુરહ એ ખયાનતકાર અને ખુદાથી બેખબર કાઝી, જેણે હાનીને રકત અને માટીમાં રગદોળાએલા જોય છતાં લોકોની સામે આવીને કહ્યું કેઃ “ગભરાશો નહી, હાની અમીર ઉબેદુલ્લાહ બિન ઝિયાદ પાસે સહી સલામત બેઠા બેઠા વાતો કરી રહ્યા છે અને થોડા સમયમાંજ સલામતીથી તમારી સમક્ષ આવી જશે.” એ જુઠા અને ઘડી કાઢેલા વાકયો તે ફરિશ્તા જેવા લાગતા શયતાનના મુખમાંથી નીકળ્યા હતા, જેણે દુનિયા ઉપર આખેરતને અગ્રતા આપી હતી. લોકોએ શુરહની વાતને સાચી માની લીધી અને વિખરાઈ ગયા. અને પોતપોતાના કામોમાં વ્યસ્ત થઈ ગયા. લોકોની આ વૈચારિક સુસ્તીથી ઝિનાઝાદા ઉબયદુલ્લાહ બિન ઝિયાદે પોતાની શયતાની કાવત્રાઓને એક એક કરીને અમલમાં મુકયા. જે કુફાવાસીઓએ ગઈકાલે જનાબે મુસ્લિમના હાથો ઉપર બયઅત કરી હતી, આજે તેમને જ ગીરફતાર કરીને ઈબ્ને ઝિયાદને હવાલે કરવા માટે હઝરત (અ.સ.)ની ચારે બાજુથી ઘેરાબંધી કરતા નજરે પડે છે. પરંતુ એકલા હોવા છતાં. એ ઈમામત અને નબુવ્વતના સિંહ જેવા મુસ્લિમ બિન અકીલ નિડરતાથી અને નિર્ભયતાથી કુફાની સાંકડી ગલીઓમાં જે હવે મયદાને જંગ બની ચુકયું હતું અને જેમાં ફરઝંદે અકીલ ચારે તરફથી ઘેરાઈ ગયા હતા શયતાનના લશ્કરનો અત્યંત દિલેરી અને જાંબાઝી પૂર્વક સામનો કરતા નજરે પડતા હતા.

એવા કપરા સંજોગોમાં પણ અલી (અ.સ.)ના ભત્રીજા અને હુસયન (અ.સ.)ના ખાસ નાયબ એટલી બહાદુરી અને શૂરવીરતા પ્રદર્શીત કરતા નજરે પડયા હતા કે દરેક જણ દાંતમાં આંગળા નાખતા હતા. એટલે સુધી કે ઈબ્ને ઝિયાદે લશ્કરના સરદાર મોહંમદ બિન અશઅસને એઅતરાઝ કરતાં કહેવડાવ્યું કે: મુસ્લિમ એકલા અટુલા છે, તેમ છતાં તમારા લોકોના મડદાના ઢગલા પાડી રહ્યા છે. જ્યારે તમને લોકોને એ માણસ સાથે જંગ કરવા મોકલીશ જે મુસ્લિમથી પણ વધારે બહાદુર અને નિડર છે તે વખતે તમે શું કરશો? (આ વાકયમાં હઝરત ઈમામ હુસયન (અ.સ.) સામેની જંગ. તરફ ઈશારો છે.)

મોહંમદ બિન અશઅસે જવાબ આપ્યો કે: તું શું સમજે છે કે અમને કુફાના કોઈ કાછીયા (શાકભાજીવાળા) સાથે કે પછી ખીરાના (જગ્યાનું નામ) કોઈ ખેડુત સાથે જંગ કરવા મોકલ્યા છે? તું એ નથી જાણતો કે તેં એવા માણસ સાથે જંગ કરવા મોકલ્યો છે જે સિંહ જેવા બહાદુર અને કાંટાળી તલવાર સમાન છે. એવા માણસના હાથમાં તલવાર છે જેની શુજાઅત બેમિસાલ છે અને તેઓ ખાનદાને પયગંબર (સ.અ.વ.)ના બેનમૂન બહાદૂર છે. (નાસિખતુ તવારીખ, હાલાતે સૈયદુશ્શોહદા)

હ. મુસ્લિમ (અ.સ.)ની વિરતા એટલી હતી કે એ લોકો તેઓના કદમ મૈદાને જંગમાંથી ઉખેડી ન શકયા. છેવટે લાચાર થઈને દગાબાજીથી હ. મુસ્લિમને ગીરફતાર કરીને દારૂલ અમારામાં ઈબ્ને ઝિયાદ પાસે લઈ આવ્યા.

ઈમામે હુસયન (અ.સ.)નો મકસદ ઈમામ (અ.સ.)ના નાયબના શબ્દોમાં

હઝરત મુસ્લિમ કુફામાં એકલા અટુલા હતા અને ઈબ્ને ઝિયાદ જેવો લોહીનો તરસ્યો, ઘાતકી દુશ્મન પોતાની તમામ શકિત અને સત્તા સાથે ખુરશી ઉપર સામે બેઠો હતો, તેમ છતાં તેઓએ હઝરત ઈમામ હુસયન (અ.સ.)ના આશય અને હેતુઓની સ્પષ્ટતા કરી દીધી. જનાબે મુસ્લિમ માથાથી પગ સુધી ઝખ્મી હાલતમાં જ્યારે ઈબ્ને ઝિયાદની સામે લાવવામાં આવ્યા ત્યારે એક નાપાક દરવાને જ. મુસ્લિમને કહ્યું: સલ્લીમ અલલ અમીર. અમીરને સલામ કરો. ત્યારે જનાબે મુસ્લિમે ફરમાવ્યું:

“ઉસ્કુત વયહક વલ્લાહે મા હોવ લી બે અમીર.”

“ચુપ રહે, અફસોસ તારા હાલ ઉપર, (ખુદાની કસમ) આ મારો અમીર નથી.” ત્યારે ઈબ્ને ઝિયાદે કહ્યું: તું મને સલમ કર કે ન કર તને ચોક્કસ કત્લ કરી નાખવામાં આવશે.

જનાબે મુસ્લિમે ફરમાવ્યું:

“વ ઈન કતલતની ફ લકદ કતલ મન હોવ શરર મિન્ક મન હોવ ખયરૂમ મિન્ની.”

“જો તું મને કત્લ કરી નાખીશ તો તેમાં આશ્ચર્ય પામવા જેવી કોઈ વાત નથી, કારણકે તારામાં જે સૌથી બદતર (ખરાબમાં ખરાબ) હતો તે મારા (વંશજના) સૌથી બેહતર (શ્રેષ્ઠ)ને કત્લ કરી ચુકયો છે.”

ઈબ્ને ઝિયાદે કહ્યું: તમે અહીં શા માટે આવ્યા છો, શું તમે મુસલમાનોના કામોને વેરવિખેર કરી નાંખવા, સુતેલા ફીત્નાને જગાડીને મુસલમાનોનું લોહી વહેવડાવી, બરબાદ કરવા માટે આવ્યા છો? હઝરત મુસ્લિમે જવાબ આપ્યો: કઝબત્ત યબ્ન ઝિયાદ ઈન્નમા શત્ત અસલ મુસ્લેમીન મોઆવેયહ વ ઈબ્નોહૂ યઝીદૂન વ અમ્મલ ફિત્નતો ફ ઈન્નમલ હકહા અન્ત વ અબૂક ઝીયાદુબ્નો ઓબયદીન અબ્દો બની અલાજીન મિન સકીફીન વ અના અરજૂ અંયરજોકનીયલ્લાહુશ શહાદત અલા યદય શરરે બરીય્યતહૂ.

એટલે: અય ઝિયાદના પૂત્ર, તું જૂઠો છે. મુસલમાનોના સમાજને મોઆવિયા અને તેના પૂત્ર યઝીદે વેરવિખર કરી નાખ્યો છે. રહી ફસાદની વાત, તો તેં (તારી જેવા કનીષ્ઠે) અને તારા બાપે ફસાદ પૈદા કર્યો છે. અને હું આશા રાખું છું કે ખુદાવંદે આલમ તારા જેવા બદતરીન શખ્સના હાથે મને શહાદતનો જામ અતા કરે.

ઈબ્ને ઝિયાદે કહ્યું: અય મુસ્લિમ, તમે એવું ગુમાન કરો છો કે ખિલાફત એ તમારો હક્ક છે? જનાબે મુસ્લિમે જવાબ આપ્યો: હું એ વાતનું ગુમાન નથી કરતો, પરંતુ મને એ હકીકત પર પુરેપુરૂં ઈમાન છે. ઉબેદુલ્લાહ બિન ઝિયાદે કહ્યું: મુસ્લિમ, તમે આ શહેરમાં આવીને લોકોમાં વિખવાદ શા માટે પૈદા કર્યો? આપ (અ.સ.)એ ફરમાવ્યું: ઝિયાદના પુત્ર હું લોકોમાં વિખવાદ કે ભાગલા પાડવા માટે કૂફા નથી આવ્યો. પરંતુ તમોએ “અમ્રે મુન્કર” અને ગુનાહોને જનસમાજમાં સાધારણ કામની જેમ ફેલાવી દીધા છે, આખા સમાજમાંથી નેકીઓને ખત્મ કરીને દફનાવી દીધી છે. લોકો રાજી ન હોવા છતાં ખુદાની રઝા અને ખુશ્નુદીની બિલ્કુલ વિરૂધ્ધ પોતાની મરજીથી ઉમ્મતે ઈસ્લામીયહ પર બળજબરીથી સત્તા જમાવી દીધી છે. સામાન્ય લોકો ઉપર તારી જાલીમ હુકુમત “કૈસરો-કિસરા”ની જેમ લાદી છે. આ દર્દનાક અને મુસીબત ભર્યા વાતાવરણમાં અમો ખાનદાને પયગંબર (સ.અ.વ.) ઉમ્મતમાં નેકીઓને પુન: જીવિત કરવા માટે અને મુન્કેરાત (મનાઈ કરેલી બાબતો), અવળાઈ, ખોટી વિચારધારા અને ઉંધા માર્ગે જતા રોકવા માટે આવ્યા છીએ. અમે ઈસ્લામી સમાજનો આસમાની કિતાબ (કુરઆન)ના બંધારણ, કાયદા અને સુન્નત પ્રત્યે નિમંત્રણ આપવા માટે આવ્યા છીએ. અમારા આ હેતુઓ છે અને અમે એહલેબય્તે રસુલ આ હેતુઓ પાર પાડવા માટેની યોગ્યતા ધરાવીએ છીએ.

જનાબે મુસ્લિમની, દુશ્મનોને નાહિંમત કરી નાખનાર વેધક વાણી અને તે પણ ખાસ કરીને ખુંખાર અને બેશરમ યઝીદના ગવર્નર સાથેની વાતચીતથી ઈબ્ને ઝિયાદ આંતરિક રીતે કાંપી ઉઠયો હોય તો નવાઈ નહીં. ઈમામે હુસયન (અ.સ.) તેઓના અઝીમ આશય માટે જે રીતે વાતચીત કરતા હતા, તેવીજ રીતે જનાવે મુસ્લિમે વાત કરી હતી. તેઓ ઈસ્લામના મહાન હેતુઓમાં જે ફેરફાર કરી નાખવામાં આવ્યા હતા, તેની ઉપર ભરપૂર પ્રકાશ ફેંકી રહ્યા હતા. કારણકે તેઓ ઉમ્મતે ઈસ્લામીયહને એ વાત સમજાવવા માગતા હતા કે બધીજ બદબખ્તીઓ, ફેરફારની બાબતો, ઝુલ્મો-સિતમનો નીચોડ આ હુકુમતમાં પ્રવેશી ગયો છે.

જનાબે મુસ્લિમ બિન અકીલે આ સંક્ષિપ્ત બયાન પોતાની જીંદગીના અતિ દર્દનાક અને બદતરીન સમયે બહાદુરી અને શૂરવિરતા વ્યકત કરતા સ્પષ્ટ રીતે આપ્યું અને એ બતાવી આપ્યું કે તમામ ફીત્ના અને ફસાદ તેમજ મુસલમાનોમાં ખુંરેજીની બુનિયાદ એ છે કે મોઆવિયા અને યઝીદ જેવા નાલાયક અને નાપાક લોકોએ ઈસ્લામી દુનિયાની રાહબરી અને નેતાગીરી પોતાના હાથોમાં લઈ લીધી છે. તેમજ તાકત અને સત્તાના જોરે પોતાની હુકુમત અને નેતાગીરી લોકો ઉપર લાદી દીધી છે. એટલુંજ નહીં ઉમ્મતે ઈસ્લામીયાની એકતાના ટુકડે ટુકડા કરીને લોકોની મરજી વિરૂધ્ધ તેમના હાકીમ બની બેઠા છે. ઈમામ હુસયન અ.સ.ના આ ખાસ નાયબે કુફાના એ શરીફ લોકો વચ્ચે કે જેમના વિશે અમીરૂલ મોઅમેનીન અ.સ.એ ફરમાવ્યું હતું: યા અશબાહર રેજાલ વ લા રેજાલ.

અય જવાંમર્દ જેવા લાગતા લોકો, જેમાં હકીકતમાં મર્દાનગીના ચિન્હો દેખાતા નથી – જેઓ ઈબ્ને ઝિયાદની આજુબાજુમાં એકઠા મળી ગયા હતા, તેઓ સમક્ષ એ બધી સ્પષ્ટતા કરી દીધી કે આ ફીત્ના, ફસાદ અને ઉપદ્રવનાં ઉદ્‌ભવસ્થાન કોણ છે. અલબત્ત જનાબે મુસ્લિમના ચિંતન અને વકતવ્યનાં ઉદ્‌ભવસ્થાન હઝરત સય્યદુશ્શોહદાની પવિત્ર ઝાત હતી તેથીજ મુસીબતો અને પ્રતિકુળ સંજોગોમાં પણ હુસયન (અ.સ.)ના એલચી એ નીઆબતે હુસૈનની ફરજને ખૂબીપૂર્વક સુંદર રીતે અદા કરી.

એવા તીરસ્કૃત, ખૂંખાર, અધમ અને ઝિના-ઝાદા સામે એવી કડવી હકીકતને બયાન કરવા માટે ઈતિહાસે જનાબે મુસ્લિમ (અ.સ.) જેવી અઝીમ અને ઉચ્ચ માનવ હસ્તીને પોતાના પાનાઓ ઉપર હંમેશા માટે કંડારી લીધી છે.

જનાબે મુસ્લિમની આ નિડર તકરીરને સાંભળીને ઈબ્ને ઝિયાદ હચમચી ગયો. તેણે નાપાક અને હલકટ લોકો પાસે જે છેલ્લું શસ્ત્ર હોય છે તે શસ્ત્રને ઉગામ્યું અને જનાબે મુસ્લિમ, અરવાહોના ફીદાહને જેમ તેમ કહેવા લાગ્યો અને છેવટે બોલ્યોઃ (મઆઝલ્લાહ) અય ફાસિકો ફાજીર, તમે મદીનામાં શરાબ પીધો હતો? (મઆઝલ્લાહ)

જનાબે મુસ્લિમ (અ.સ.) પણ તેની આ ગંદી વાતને નિર્રૂત્તર રહેવા ન દીધી. આપે ફરમાવ્યું: શું તું મારા ઉપર શરાબ પીવાનો આક્ષેપ કરે છે? ખુદાની કસમ. અલ્લાહ તઆલા (સારી રીતે) જાણે છે કે તું જાણી જોઈને જુઠુ બોલી રહ્યો છે અને તું પોતે પણ જાણે છે કે હું એવું કૃત્ય કદી કરૂં નહીં, પરંતુ શરાબ પીવાનો લાયક તું છે (એટલે કે એ અવગુણ તારામાં હોય તે માની લેવાય તેવી વાત છે.) જે માણસને મુસલમાનોનું લોહી વહાવવાની લાલસા હોય, એવી વ્યકિતઓને કત્લ કરતો હોય જેને કત્લ કરવાની ખુદાવંદે આલમે મનાઈ કરી છે અને જેનું લોહી વહાવવા ઉપર ખુદાએ અઝઝ વ જલ્લ એ પ્રતિબંધ મૂકયો છે. અય ઝિયાદના પૂત્ર, તું ઝુલ્મો-સિતમ, અદાવત અને દુશ્મની, રાગ-દ્વેષ અને મુસલમાનો વિશે બદગુમાની કરી તેમને મોતને ઘાટ ઉતારી દે છે અને પછી હંમેશા એવો દંભ કરે છે કે જાણે તે કદી ગુનાહ જ કર્યા નથી. (“નાસિખુત્તવારીખ”, હાલાતે સૈયદુશ્શોહદા – જી. ૨, પાનું ૧૦૧ તહેરાનમાં પ્રકાશીત)

જનાબે મુસ્લિમ ઉપર જે પવિત્ર પયગામ પહોંચાડવાની જવાબદારી મૂકવામાં આવી હતી તે તેઓએ હુસયન (અ.સ.)ના નાયબ તરીકે ખૂબજ ગર્વ અને સાહસપૂર્વક રીતે પૂરી કરી દીધી. જનાબે મુસ્લિમની આ નિડર અને જોશીલી તકરીરથી ઈબ્ને ઝિયાદ ગુસ્સે થયો. પરિણામે તે બિલ્કુલ બેશરમીથી તેમને અને અવલાદે અલી (અ.સ.)ને અપશબ્દો કહેવા લાગ્યો.

જનાબે મુસ્લિમ (અ.સ.)એ ફરમાવ્યુઃ “અય દુશ્મને ખુદા, તું અને તારો બાપ આ ગાળો માટે વધારે લાયક છો. હવે તને જેમ ફાવે તેમ કર.”

આ તબક્કે ઈમામ હુસયન (અ.સ.)ના પ્રતિનિધી તરીકે જનાબે મુસ્લિમ ઉપર એક મોટી જવાબદારી હતી જે તેઓએ ગર્વ અને સફળતાપૂર્વક અદા કરી હતી. ખુદાવંદે આલમ તરફથી નિયુકત થયા હોવાનો નિર્દેશ કર્યો (જે નિયાબતને) હુજ્જતે ખુદાને, તેઓના ઝમાનાના ઈમામ, હુસયન ઈબ્ને અલી (અ.સ.)ને કબુલ ફરમાવી અને એ અઝીમ જવાબદારીને પોતાના શીરે લીધી. જનાબે મુસ્લિમ (અ.સ.)એ ઈમામ (અ.સ.)ના પ્રતિનિધિત્વની જવાબદારીને પૂર્ણતા સુધી પહોંચાડી દીધી, પરંતુ એ જવાબદારી પૂરી થયાની સાથે તેઓની ગર્વને પાત્ર ઝીંદગી પણ પૂરી થઈ ગઈ. ઈબ્ને ઝિયાદના હુકમથી તેઓને મકાનની છત ઉપર લઈ જઈને તેઓના સરને ગરદનથી જુદુ કરી નાંખવામાં આવ્યું. આપ ખુદાવંદે આલમની નીકટના દરજ્જે પહોંચી ગયા. આપની લાશને કુફાની ગલીઓ અને રસ્તાઓ ઉપર પ્રદર્શિત કરવામાં આવી. આપ (અ.સ.)ના સરને દારૂલ અમારાના દરવાજા ઉપર લટકાવવામાં આવ્યું. જેથી બેઝમીર, પાશવી અને રકતપિયાસુ હાકિમોના ઝુલ્મની કથાઓનું વર્ણન થતું રહે.

સલામુલ્લાહે અલયહે વ રીઝવાનોહુ વ બરકાતોહુ અદદાએમહ વ જઝાઅલ્લાહો મેનલ ઈસ્લામે ખયરલ જઝાઅ.

Have your say!

Add your comment below, or trackback from your own site. You can also subscribe to these comments via RSS.

Be nice. Keep it clean. Stay on topic. No spam.