Home » અલ-મુન્તઝર માહે મોહર્રમ » ૧૪૧૬ » ઇમામ હુસૈન અ.સ. નો કારવાન અને ઐતિહાસીક પાસાઓ

મક્કાથી કરબલા સુધી

Print Friendly

મક્કાથી કરબલા સુધી

આજથી તેરસો વર્ષ પૂર્વે, એટલે કે પહેલી સદી અડધી વીતી જવા પછીનાં સમયની વાત છે. મક્કની સરઝમીન ઉપર ચહલપહલ ચાલુ હતી. ઈસ્લામી મુલ્કના દુરના વિસ્તારોથી અને મક્કાની ચારે બાજુથી હાજીઓનાં અનેક કાફલા હજની વાજીબાત અદા કરવા માટે મક્કાની પવિત્રભૂમિમાં પ્રવેશી રહ્યા હતા. આ હીજરી સન ૬૦ (સાઠ)ની વાત છે. માહે શાઅબાનુલ મોઅઝઝમથી ફાતેમા ઝહેરાના લાલ પોતાના પવિત્ર કુટુંબીજનો અને વફાદાર સહાબીઓના કાફલા સાથે મક્કા શહેરમાં આવી રહ્યા હતા. રમઝાનુલ મુબારક, શવ્વાલ અને ઝીલકઅદના મહિના ધીમે ધીમે પસાર થઈ ગયા હતા. માહે ઝીલ્હજનો ચાંદ ક્ષિતિજ ઉપર દ્રશ્યમાન થઈ ગયો હતો. માહે ઝીલહજની છ-સાત તારીખ સુધીમાં હાજીઓના સમુહથી મક્કા શહેર છલકાવા લાગ્યું. જાતજાતના અત્તર અને ઉદ (એક પ્રકારની સુગંધી લાકડી)ની મહેકથી વાતાવરણ સુગંધિત બની ગયું હતું. હાજીઓના સમુહ અને ટોળા એહરામ બાંધીને એવી રીતે ફરતા હતા જે જોતા એમ લાગતું હતું કે જાણે ફરિશ્તાઓ લાઈન બંધ જમીન ઉપર ઉતરી આવ્યા હોય અને તવહીદમાં માનનારાઓને ભેટ વ્હેંચી રહ્યા હોય. એક બાજૂથી આ વાતાવરણ હતું. બીજી બાજુ અબુબશરથી માંડીને ખયરૂલ બશર સુધીના તમામ અંબિયાના વારસદાર, ઈલ્મો-હિકમતની સનદ ઉપર બિરાજપાન વ્યકિત કોઈ ઉંડા વિચારમાં ડુબેલા હતા. ફરઝંદે રસુલ (સ.અ.વ.) શું વિચારી રહ્યા હતા, કઈ ચિંતમાં હતા, તેઓ સામે કયાં પ્રશ્નોનો સામનો હતો એ બધી વાતો ઈમામતના હોદ્દા સાથે સંબંધિત છે. આ પ્રશ્નો હલ કરવા માટે પાકિઝા દિલ અને સ્વસ્થ દિમાગ પૈદા કરવું પડે છે. જેવી રીતે કુરઆનની આયતોમાંના ઉંડા રહસ્ય જાણવા માટે ઈલ્મના મૈદાનમાં ભટકવું પડે છે અને કુરઆનના અર્થનું વિવરણ અને તફસીરકર્તાઓની મદદ લેવી પડે છે. જ્યારે હકીકતો પરથી પર્દા હટવા લાગે છે ત્યારે રૂહની તાઝગીનો અનુભવ થવા લાગે છે અને આ ક્ષણભંગુર જીવન ઉપર અનંત જીવનની સુગંધ પથરાઈ જાય છે. તેવીજ રીતે ઈમામતના હોદ્દાના અગણિત ગુપ્ત રહસ્યોના મોતીઓ શોધવા અને તેની શાનો શૌકત જોવાની પાત્રતા પૈદા કરવા માટે મરજીવા (દરિયાના ઉંડાણમાંથી મોતી શોધી શકનાર) જેવી પ્રકૃતિ હોવી જરૂરી છે. સદભાગ્યે જો મઆરેફતનું કોઈ પાણીદાર મોતી હાથ લાગી જાય તો કહેવાતા ફીલસુફીઓ અને તર્કશાસ્ત્રીઓની અંધારી અને કાળી ખીણમાં ભટકતી અક્કલોને પ્રકાશ મળી જાય છે અને એ જીંદગીથી થાકયો – પાકયો મુસાફર, જે સંજોગો સાથે લડી-લડીને હાંફી રહ્યો હતો તે સંતોષનો શ્વાસ લે છે. તેનો ઉત્સાહ અંગડાઈ લેવા માંડે છે. તેની નિરાશા અને હતાશા આશામાં ફેરવાઈ જાય છે. ઈમામે હુસયન (અ.સ.) પોતાની ઈમામતના હોદ્દાની હિકમતે અમલી (કૂટનિતિ) તેમના મક્કાથી નયનવા સુધીનાં ૨૨ કે ૨૩ દિવસના પ્રવાસમાં દર્શાવી દીધી અને તેઓની હિકમતે અમલીના જાહેરી અને આંતરિક રહસ્યોને લક્ષમાં લઈને એક નિરીક્ષણ કર્યું.

ઈમામે હુસયન (અ.સ.) માહે શઅબાન ૬૦ હિજરીમાં મક્કાની હદમાં પ્રવેશ્યા અને માહે રમઝાન, શવ્વાલ અને ઝીકઅદ આ ત્રણેય મહિના મક્કામાંજ રહ્યા. એ અરસામાં હિજાઝ, બસરા, મદાયન, યમન અને તેની આજુબાજુમાં રહેનારા અને દુરસુદુર રહેતા શિયાઆને અલી હઝરતની ખિદમતમાં આવતા રહ્યા અને હઝરતની સામે પોતાના પ્રશ્નો રજુ કરીને તે અંગેના અહકામ જાણતા રહ્યા અને પોતાના વિસ્તારના લોકોને તેની વિગત જણાવતા રહ્યા. એ રીતે ઈમામતના નિયમો (કામનો, હુકમોને) જારી કરતા રહ્યા. અહીં એક વસ્તુની ચોખવટ જરૂરી છે મદીનાની ચાર હસ્તીઓ એવી હતી જેઓએ યઝીદની બયઅતનો ફંદો ગળામાં નાખવાનો ઈન્કાર કરી દીધો હતો.

(૧) અબ્દુલ્લાહ ઈબ્ને ઉમર

(૨) અબ્દુલ્લાહ ઈબ્ને ઝૂબૈર

(૩) અબ્દુર રહેમાન ઈબ્ને અબુ બકર

(૪) હુસયન ઈબ્ને અલી (અ.સ.)

ઈતિહાસ આપની નજર સમક્ષ છે.અબ્દુલ્લાહ ઈબ્ને ઉમર અને અબ્દુર રહેમાન ઈબ્ને અબુ બકર મદીનામાંજ હતા. અલબત્ત, અબ્દુલ્લાહ ઈબ્ને ઝૂબૈર અને ઈમામ હુસયન (અ.સ.) મદિનાએ રસુલના રહેણાંક (રોઝા મુબારક)ની વિદાય લઈને મક્કા તરફ હીજરત ફરમાવી. ઈસ્લામી શહેરોમાં સાધારણ પ્રકારે અને મક્કા અને મદીનાની આજુબાજુના ગામોમાં ખાસ રીતે ઘરોની બેઠકોમાં અને બીજી જગ્યાઓમાં એ ચર્ચા ઝડપથી ફેલાવા લાગી હતી કે હુસયન ઈબ્ને અલી (અ.સ.) એ યઝીદની બયઅત કરવાનો ઈન્કાર કરી દીધો છે અને તેઓ ઉપર હુકુમતનું દબાણ વધી જતા તેઓ (અ.સ.) મક્કામાં રહે છે.

પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે અબ્દુલ્લાહ ઈબ્ને ઉમર અને અબ્દુર રહેમાન બિન અબુ બકર મદીનામાંજ શા માટે રોકાઈ રહ્યા? અને હઝરત ઈમામ હુસયન (અ.સ.)એ સરઝમીને મક્કાને પોતાનું રહેવાનું સ્થાન શા માટે નક્કી કર્યું? એક તરફ શરીઅતે મોહમ્મદીની સમાંતર રીતે એક ગૈર શર ઈ બંધારણ બનાવવામાં આવી રહ્યું હતું. દુષ્ટ અને દુરાચારી બાદશાહોની હુકુમતમાં મક્કારી, દુષ્ટતા, વિલાસ, જાસૂસી, જુઠ, કાયદા અને વ્યવસ્થામાં દગાબાજી, મઝલૂમોનું શોષણ, સત્તા અને શકિતનો દુરૂપયોગ, ઝમીર અને શકિતનો દુરૂપાયેગ, ઝમીર-ફરોશી (આત્મ વિક્રય ગદ્દારી)ની ચળવળ, લૂંટફાટ, આંતક, કત્લે-આમ વગેરેનો વધારો, આ બધા ઝુલ્મો-સિતમ કરનારા લુટારાઓની બધી અધમ પ્રવૃત્તિઓને ચાલુ રાખીને તેવા બાદશાહને ઝીલ્લે-ઈલાહી (ઈલાહી શાસક) હોવાના નામે ચાલુ રહેવા દેવા. તેના બધા હક્કો સુરક્ષિત રાખવા, કોઈને તેનો વિરોધ કરવાનો હક ન હોવો. આ બધા કાર્યો કહેવાતી ઈસ્લામી હુકુમત માટે જરૂરી સમજવામાં આવ્યા અને બીજી બાજુ પણ જરૂરી સમજવામાં આવ્યું કે બાદશાહ અને એહકામે શરીઅત વચ્ચે એક એવો પુલ બનાવવામાં આવે જેનાથી સીતમ, અત્યાચાર અને ઘાતકીપણાની સાથે શરીઅતની હાકેમીયત પણ તે બાદશાહોના હાથમાંજ રહે અને તેની સામે એઅતેરાઝ કરવા માટે કોઈ મુખ ખોલી શકે નહીં. આ બધુ હુસયન ઈબ્ને અલી (અ.સ.)ની હાજરીમાં શકય જ ન હતું.

યઝીદના દરબારમાં બેઠેલા આયોજન કરનારાઓને એ વખતે ઠોકર વાગી જ્યારે હઝરતે (અ.સ.)એ મદીનાથી હીજરત ફરમાવી અને મક્કા તશ્રીફ લઈ આવ્યા અને તે પણ એવી રીતે કે (જાણે એમ લાગતું હતું કે) કદાચ કદી મદીના પાછા નહીં ફરે. તેઓની સાથે બની હાશીમના નવજવાનોજ નહીં, ઈસ્મતો તહારતપૂર્ણ સ્ત્રીઓ સાથે છે. આ ઉપરાંત અન્સાર, કનીઝો અને ગુલામો પણ સાથે છે. આ બધા એક ચોક્કસ હેતુ માટે આયોજનપુર્વક જઈ રહ્યા છે. તેઓ (હઝરત ઈમામ હુસયન અ.સ.નું તેમનું દરેક કદમ જાણે કે વહી-એ-ઈલાહીના ઈશારા પ્રમાણે ઉઠાવી રહ્યા હોય તેવું લાગે છે. આપ (અ.સ.) મક્કામાં ત્રણ મહીનાથી વધારે સમય સુધી રહ્યા તે એક એવું કાર્ય હતું, જે વિશે એમ કહેવુ. યોગ્ય ગણાશે કે તે સમયના શાસનકર્તાઓની વિરૂધ્ધ ખતરાની ઘંટડી વગાડવામાં આવી રહી હોય. અત: ઉમવી દરબારનાં નિષ્ણાંતો યઝીદની ચોતરફ માથુ નમાવીને બેસવા માટે મજબુર થઈ ગયા. હજની તારીખો નઝદીક આવી રહી હતી. એકબાજુથી હાજીઓનાં આગમનનો ક્રમ ચાલુ હતો, તો બીજી શાસનકર્તાઓની હીકમતે અમલી અનુસાર ઉમરૂ બિન સઅદ બિન અલ આસની સરદારીમાં શામીઓનું એક જૂથ હાજીઓના વેશમાં હઝરત (અ.સ.)ને કત્લ કરવાના હેતુસર મક્કામાં પહોંચ્યું – જેથી હુકુમતની કોઈ જવાબદારી ન રહે અને ફરિયાદીનો અવાજ નગારાના અવાજમાં ધીમી પીપુડીનાં અવાજની જેમ દબાઈ જાય. જ્યારે હઝરત ઈમામ હુસયન (અ.સ.)ને આ વાતની જાણ થઈ ત્યારે આપે ઝિલહજની આઠમી તારીખે હજને ઉમરામાં ફેરવી નાખી અને મક્કાથી ઈરાક તરફ રવાના થઈ ગયા. ઈબ્ને અબ્બાસની રિવાયત છે કે મક્કાને અલવિદા કહેતા પહેલા મેં જોયું કે આપ હઝરત (અ.સ.) કાઅબાની સામે એ રીતે ઉભા છે કે, જીબ્રઈલનો હાથ આપના હાથમાં છે અને જીબ્રઈલ લોકોને આપ (અ.સ.)ની બયઅત કરવા માટે બોલાવી રહ્યા છે. (મુન્તહુલ આમાલ)

જ્યારે ઉમરૂ બિન આસને એ વાતની ખબર પડી કે ઈમામ હુસયન (અ.સ.) મક્કા છોડીને ઈરાક તરફ જઈ રહ્યા છે ત્યારે તેને પોતાના મનસુબા વેર વિખેર થતા નજરે પડયા અને તે વિહવળ બની ગયો. તેણે પોતાના ભાઈ યહ્યાને લશ્કરની એક ટુકડી સાથે ઈ. હુસયન અ.સ.નો રસ્તો રોકવા અને તેઓ અ.સ.ને મક્કા તરફ પાછા આવવા માટે મજબુર કરવા માટે મોકલ્યો. યહ્યા પોતાના સિપાહીઓ સાથે ઈ. હુસયન અ.સ. સુધી પહોંચ્યો અને આપને આંતરવાનો પ્રયત્ન કર્યો. હઝરત અ.સ.એ પાછા ફરવાનો ઈન્કાર કર્યો અને જંગ શરૂ થવાની તૈયારી થઇ ગઈ. યહ્યા બની હાશીમની શૂરવીરતા જોઈને ડરી ગયો અને તે પોતેજ મક્કા પાછો ફરી ગયો.

(યઝીદની શયતાની કૂટનિતિના મુખ ઉપર ઈમામ હુસયન અ.સ.એ આ બીજી લપડાક લગાવી હતી.) આપ અ.સ.નો કાફલો હજી મંઝીલે તનઈમથી આગળ વધ્યો ન હતો ત્યાં અબ્દુલ્લાહ બિન જઅફરે તૈયારે એક પત્ર લખી પોતાના ફરઝંદો ઔન અને મોહમ્મદ સાથે ઈમામ અ.સ.ની ખિદમતમાં મોકલ્યો. ત્યાર પછી આપ ઉમર આસને મળ્યા અને હઝરત અ.સ. માટે અમાનનામુ – સલામતીનો કરાર (જેમના નામે અમાનનામુ લખી આપવામાં આવ્યું હોય તેને સુરક્ષિત રાખવામાં આવે તે કરાર) લખાવીને યહ્યાની સાથે હઝરત તરફ રવાના થઈ ગયા. હઝરત અ.સ.નો કાફલો “તન્ઈમ”થી આગળ વધી રહ્યો હતો. પરંતુ માર્ગમાં અબ્દુલ્લાહ બિન જઅફર, હઝરત અ.સ.ને જઈ મળ્યા. હઝરત અ.સ.ની ખિદમતમાં અમાનનામુ રજુ કર્યું. હઝરત મક્કા પાછા ફરવા માટે રાજી ન થયા અને ઈરાક તરફ જવા માટે મક્કમ રહ્યા. અબ્દુલ્લાહ બિન જઅફરે આમ કરવાનું કારણ પુછયું ત્યારે હઝરત અ.સ.એ ફરમાવ્યું: નાના હઝરત રસુલે ખુદા સ.અ.વ.ને સ્વપ્નમાં જોયા છે. અબ્દુલ્લાહે સ્વપ્નની વિગત બયાન કરવા માટે વિનંતી કરી. ત્યારે આપ અ.સ.એ ફરમાવ્યું: “અત્યાર સુધી કોઈને આ સ્વપ્નની વાત કરી નથી અને મારા અલ્લાહ સાથે મુલાકાત કરૂં ત્યાં સુધી ભવિષ્યમાં પણ કોઈને આ સ્વપ્નની વાત કરવાની નથી.” અબ્દુલ્લાહ ઈબ્ને જઅફરે તૈયારે પોતાના બંને ફરઝંદોને હઝરત અ.સ.ને સોંપ્યા પોતે અશ્રુભીની આંખે ભગ્ન હૃદયથી મક્કા પાછા ફર્યા. હઝરત અ.સ.નો કાફલો ઝડપથી આગળ વધી રહ્યો હતો. એટલે સુધી કે આપ “ઝાતે અરક” નામની મંઝિલે પહોંચ્યા. ઈબ્ને ઝિયાદને જ્યારે એ ખબર મળી કે હ. ઈ. હુસયન અ.સ. પોતાના કાફલા સાથે ઈરાક તરફ આગળ વધી રહ્યા છે ત્યારે તેણે કુફા તરફ જતા તમામ માર્ગો ઉપર અવરોધ ઉભા કરી દીધા અને તે રસ્તાઓ પર સખ્ત પહેરો બેસાડી દીધો. હસીન બિન નમીરની સરદારીમાં એક મોટુ લશ્કર મોકલ્યુ અને કાદસીયહથી લઈને ખફાન અને કતકતાનીયહની સરહદોને બંધ કરવા અને કોઈને કુફાની અંદર ન આવવા દેવા તેમજ કોઈને કુફાની બહાર ન જવા દેવાનો હુકમ આપ્યો. હજુ સુધી ઈમામ હુસયન અ.સ.ને હ. મુસ્લિમની શહાદતની ખબર પહોંચી ન હતી. તેથી આપે કૈસ બિન મસ્હર સૈદાવીને કુફા તરફ રવાના કર્યા. જ્યારે કૈસ કાદસીયહના રણમાંથી પસાર થઇ રહ્યા હતા ત્યારે સૂર્ય મધ્યાહન પર (તપી રહ્યો) હતો. રણની બળબળતી રેતીના વંટોળિયા ચડી રહ્યા હતા. જેના પરિણામે તેઓ અવાર-નવાર અટકી જવા માટે મજબુર થઇ જતા હતા. કૈસ તે રણમાંથી શકય તેટલી ઝડપે પસાર થઈ જવા માગતા હતા. પરંતુ હસીન બિન નમીરના સિપાહીઓએ તેઓને ગીરફતાર કરી લીધા અને હસીનની સામે રજુ કરી દીધા. કૈસ પાસે હ. ઈમામ હુસયન અ.સ.નો જે પત્ર હતો તેના તેણે ટુકડે ટુકડે કરી નાખ્યા અમુક રિવાયત પ્રમાણે કૈસ તે કાગળ ચાવીને ગળે ઉતારી ગયા. હસીન બિન નમીરે કૈસને ગીરફતાર કરીને ઇબ્ને ઝિયાદના દરબારમાં મોકલી દીધા. ઈબ્ને ઝિયાદ આ વાત સાંભળીને ગુસ્સાથી કાંપી ઉઠયો. તેણે કૈસને મીમ્બર ઉપર જઈને અલી અ.સ., અવલાદે અલી અ.સ. અને એહલેબૈતે રસુલ અ.સ. વિશે અણછાજતા શબ્દોમાં વકતવ્ય આપવાનું અને તે પત્ર કોને સંબોધીને લખાયો હતો તે કહેવાનો હુકમ આપ્યો. કૈસ મીમ્બર ઉપર ગયા. સૌ પહેલા તેમણે ખુદાવંદે મુતઆલની હમ્દો સના કરી. પછી નબીએ કરીમ સ.અ.વ. અને આલે નબી અ.સ. પર દુરૂદો સલામ મોકલી તેમની હમ્દો સના કરી અને પોતાની પાસેનો પત્ર કોને સંબોધીને લખાયો હતો તે કહેવાનો ઈન્કાર કર્યો અને કહ્યું કે: હું રસુલે ઈસ્લામ સ.અ.વ.ના નવાસા ઈમામ હુસયન અ.સ.નો કાસિદ (સંદેશાવાહક) છું અને અમુક મંઝિલે તેઓથી છુટો પડીને આવી રહ્યો છું. અત: જેઓ હ. હુસયન અ.સ.ની સુરક્ષા કરવા માટે જવા માગતા હોય તેઓ ઝડપથી તેઓ અ.સ.ની ખિદમતમાં હાજર થઈ જાય. જ્યારે આ વાતની ઈબ્ને ઝિયાદને ખબર મળી ત્યારે તેમણે કૈસને દારૂલ અમારાની છત ઉપર લઈ જઈને જમીન ઉપર ફેંકી દેવાનો હુકમ આપ્યો. તે પ્રમાણે કરવામાં આવ્યું. કૈસ દારૂલ અમારાની છત ઉપરથી જમીન ઉપર પડયા ત્યારે આપના શરીરના હાડકાના ટુકડે ટુકડા થઇ ગયા. અબ્દુલ મલિક બિન અમીર અમ્મી (મલઉન)એ તેઓને શહીદ કરી નાખ્યા. તેઓની લાશને જનાબે મુસ્લિમની લાશની જેમ કુફાના બજારોમાં ફેરવવામાં આવી. જ્યારે ઈમામ હુસયન અ.સ.એ કૈસની શહાદતના સમાચાર સાંભળ્યા ત્યારે આપ અ.સ. એટલું બધું રડયા કે આપની દાઢી મુબારક ઉપરથી આંસુ ટપકી રહ્યા હતા. આપ અ.સ. ફરમાવી રહ્યા હતા: ફ મિન્હુમ મન કઝા નહબહુ વ મીન યનતઝેરો.

ઈમામ હુસયન (અ.સ.) “ઝાતે અરક” પરથી પસાર થઈને “હાજીર” નામના મુકામે પહોંચ્યા ત્યાં રોકાઈને ઈરાક તરફ આગળ વધ્યા. પરંતુ આપ (અ.સ.)નો કાફલો અરબસ્તાનના એ વિસ્તારોમાંથી પસાર થઈ રહ્યો હતો જ્યાં અરબના પાણીના સ્ત્રોતમાંનો કોઈ સ્ત્રોત નજદીક ન હતો. હજુ થોડે દૂર આગળ વધ્યા હતા ત્યાં આપે જોયું કે કેટલાક અંતરે અબ્દુલ્લાહ ઈબ્ને મુતીઅના ખૈમાઓ લાગેલા છે. અબ્દુલ્લાહની નજર હઝરત (અ.સ.) ઉપર પડી. તેઓ ઉત્સાહથી દોડીને આપ (અ.સ.)ને ગળે વળગી પડયા. આપ (અ.સ.)ની પેશાની ચૂમી. હઝરત (અ.સ.) તેમને બેસવાનો હુકમ આપ્યો અને ઈરાકની પરિસ્થિતિ વિશે પૂછપરછ કરી. અબ્દુલ્લાહે જવાબ આપ્યો કે: ઈરાકવાસીઓના દિલ આપની તરફ છે, પરંતુ તલવારો બની ઉમય્યાની છે. તેથી આપ (અ.સ.) કુફા તરફ જવાનો ઈરાદો મુલત્વી કરી દો, નહીંતર તેઓ આપને કત્લ કરી નાખશે. અરબ લોકોની પ્રતિષ્ઠા આપની પ્રતિષ્ઠાને કારણે જળવાઈ રહી છે. જો આપ શહીદ થઈ જશો તો તેઓ પોતાના અંગત સ્વાર્થ માટે કોઈપણ મુસલમાનને કત્લ કરતા અચકાશે નહીં. આ સાંભળીને આપ (અ.સ.) નીચે મુજબની આયાતે કરીમાની તિલાવત ફરમાવી.

લંય યસીબના ઈલ્લા મા કતબલ્લાહો લના.

ઈબ્ને ઝિયાદે કુફાથી લઈને બસરા સુધી બધાજ રસ્તાઓ ઉપર કડક પહેરો બેસાડી દીધો હતો. તે રસ્તા ઉપરથી કોઈ અંદર પ્રવેશી શકતુ ન હતું કે ન તો કોઈ બહાર જઈ શકતું હતું. હઝરત ઈમામે હુસયન (અ.સ.) પોતાનો પ્રવાસ ચાલુ રાખ્યો હતો. રસ્તામાં તેઓ (અ.સ.)ની મુલાકાત એક સમુહ સાથે થઈ. તેઓને આપ (અ.સ.) એ કુફાની પરિસ્થિતિ વિશે પુછયું: ત્યારે તેમણે કહ્યું કે કુફાના બધા રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. કુફામાં પ્રવેશવાની કોઈ શકયતા દેખાતી નથી. આપ (અ.સ.)નું કુફા તરફનું પ્રયાણ ચાલુ હતું. ત્યારે આપ જોઈ રહ્યા હતા કે એક કાફલો હજની ફરજ અદા કરી પાછો ફર્યો છે. જે આપ (અ.સ.)ના કાફલાની આગળ આગળ ચાલી રહ્યો હતો. પરિસ્થિતિ એવી બનતી કે જ્યારે હઝરત (અ.સ.) કોઈ જગ્યાએ વિસામો લેવા માટે રોકાતા ત્યારે તે કાફલાવાળા પોતાના ખૈમા ઉપાડી લેતા અને આગળ વધી જતાં અને જ્યારે હઝરત (અ.સ.)નો કાફલો રવાના થઈ જતો ત્યારે આ કાફલો વિસામા માટે રોકાઈ જતો હતો. આ કાફલો ઝોહયર ઈબ્ને કૈન જબલીનો હતો. જેઓને આલે મોહમ્મદ (અ.સ.)ની સાથે ચાલવામાં નાનપ લાગી રહી હતી. આગળ જતા એવો યોગાનુયોગ થયો કે હઝરતના ખૈમા એક મંઝિલ ઉપર નાખવામાં આવ્યા અને હઝરત (અ.સ.)નો કાફલો રોકાઈ ગયો અને થોડાજ અંતરે ઝોહેરનો કાફલો પણ રોકાઈ ગયો અને તેના ખૈમા પણ ત્યાંજ નાખવામાં આવ્યા. થોડીવારના આરામ પછી નાસ્તાનો સમય થયો. ઝોહેરે થોડા કોળિયા ખાધા હશે ત્યાંજ હઝરત ઈમામ હુસયન (અ.સ.)નો મોકલેલ ખાદિમ આવી પહોંચ્યા અને તેણે ઝોહેરને કહ્યું: હઝરત (અ.સ.)એ તમોને યાદ કર્યા છે (બોલાવ્યા છે.) ઈતિહાસમાં એ વાત નોંધવામાં આવી છે કે કોળિયો ઝોહેરના મોઢા સુધી આવતા અટકી ગયો અને તેઓ સ્તબ્ધ થઈ ગયા. ઝોહેરની પત્ની દહલમ જે પાસેજ બેઠી હતી તેણે ઝોહેરને ઢંઢોળીને કહ્યું: ઝોહેર, ફરઝંદે રસુલ (અ.સ.) તમને પોતાની ખિદમતમાં આવવાનું નિમંત્રણ આપે તેની કરતા વધારે પ્રતિષ્ઠા, ઈઝઝત અને ગર્વની બીજી શુ વાત હોઈ શકે. ઝોહેર સ્વસ્થ થયા અને હઝરત ઈમામ હુસયન (અ.સ.)ની ખિદમતમાં હાજર થયા. એક જુદા ખયમામાં ઝોહેર અને હ. ઈ. હુસયન (અ.સ.) વચ્ચે થોડીવાર વાતચીત થઈ. ત્યાર પછી ઝોહેર હઝરત (અ.સ.)ની વિદાય લઈને પોતાના કાફલામાં આવ્યા. પોતાનો ખયમો એ કાફલાથી જુદો પાડી ઈમામ (અ.સ.)ના કાફલા સાથે લગાવી દેવાનો તેઓએ પોતાના માણસોને હુકમ આપ્યો. સૈયદે ઈબ્ને તાઉસની રિવાયત છે કે: ઝોહેરે પોતાની પત્નીને મહેરની રકમ અદા કરી અને પોતાની પત્ની તરીકે મુકત કરતા કહ્યું: હવે તું મુકત છે. આમ કહીને પોતાના પિતરાઈ ભાઈ સાથે તેના કુટુંબ અને બીજા સંબંધીઓની પાસે મોકલી દીધી. દહલમે જતી વખતે ઝોહૈર પાસેથી એ વાતનું વચન લીધું કે જ્યારે તેઓ હુસયન (અ.સ.)ના દાદા રસુલે અકરમ (સ.અ.વ.)ની ખિદમતમાં પહોંચે ત્યારે તેણીને ભૂલશે નહીં. દહલમ ગમગીન હૃદયે રડતી રડતી ઝોહૈરથી વિખુટી પડી. ઝોહૈરે કાફલાવાળાઓ પ્રત્યે લક્ષ કેન્દ્રીત કરીને કહ્યું: જે લોકો મારી સાથે આવવા માગતા હોય તે આવી શકે છે નહીંતર તમો સ્વતંત્ર છો. આ મારી છેલ્લી મુલાકાત છે. હવે પછી હું તમોને મળીશ નહીં. આમ કહી તેઓએ બધાની વિદાય લીધી. રિવાયતમાં છે કે ઝોહૈરની સાથે તેઓના પિત્રરાઈ (કાકાના દિકરા) ભાઈ સલમાન બિન મઝારીબ બિન કૈસ પણ ગયા હતા અને આશુરાના દિવસે ઝોહૈરે કૈન પછી તેઓ પણ શહીદ થયા હતા.

કાફલો કુફા તરફ રવાનો થયો. હવે હઝરત (અ.સ.)ની સાથે ઝોહૈર અને સલમાન પણ જઈ રહ્યા હતા. સઅલબીયા નામની જગ્યાએ પહોંચીને કાફલો રોકાયો. થોડીવાર આરામ માટે હઝરત (અ.સ.) પોતાના ખયમામાં ગયા. શૈખ મુફીદ અ.ર.ની રિવાયત પ્રમાણે: અબ્દુલ્લાહ બિન સુલયમાન અસદી અને મંઝર બિન મુશતઅમલ અસદી હજ કર્યા પછી ઈમામ હુસયન (અ.સ.)ના કાફલા સાથે જોડાઈ જવા માટે ઝડપથી આગળ વધી રહ્યા હતા. જ્યારે મંઝિલે સઅલબીયાએ પહોંચ્યા ત્યારે તેઓએ નિરાંતનો શ્વાસ લીધો. કારણકે તેઓને સામેજ હઝરત (અ.સ.)ના ખૈમાઓ દેખાવા લાગ્યા હતા. પરંતુ તે વખતે તેઓએ કુફા તરફથી આવતા એક માણસને જોયો, જેણે હઝરત (અ.સ.)ના ખૈમાઓને જોઈને પોતાનો રસ્તો બદલી નાખ્યો હતો. અબ્દુલ્લાહ અને મંઝરે હઝરત (અ.સ.)ની મુલાકાત કરતા પહેલાજ તે માણસનો રસ્તો રોકી લઈ તેને કુફાની પરિસ્થિતિ વિશે પૂછયું: તેણે કહ્યું: જનાબે મુસ્લિમ અને હાની બિન ઉરવહને શહીદ કરી નાખવામાં આવ્યા છે. અને તે બંને હઝરાતની લાશોને (બજારો)માં ફેરવવામાં આવી રહી છે. અબ્દુલ્લાહ અસદી અને મંઝર અસદી બંનેએ હઝરત ઈમામ હુસયન (અ.સ.)ની ખિદમતમાં જઈને સલામ કરી. અને કહ્યું કે: એક ખબર છે, જો આપ ઈજાઝત આપો તો અહીંજ બયાન કરીએ, નહીંતર અલગ જઈને આપની ખિદમતમાં તે વાત રજુ કરીએ. હઝરત (અ.સ.)એ ફરમાવ્યું: જે કાંઈ કહેવું હોય તે બધાની સામે જ કહો મને મારા અસ્હાબ ઉપર ભરોસો છે. અબ્દુલ્લાહ અસદીએ જનાબે મુસ્લિમ (અ.સ.) અને હાની બિન ઉરવહની શહાદતના સમાચાર કહી સંભળાવ્યા અને લાશોને કુફાની બજારમાં ફેરવવામાં આવી છે તે વાત પણ કહી. હઝરત (અ.સ.) એ ગમઅંગેઝ સમાચાર સાંભળીને ખૂબજ રડયા અને વારંવાર કહેતા હતાઃ “ઈન્ના લિલ્લાહે વ ઈન્ના એલયહે રાજેઉન”…. રહેમતુલ્લાહે અલયહોમા. અમુક રિવાયતો પ્રમાણે આપે હઝરત મુસ્લિમ (અ.સ.)ની દીકરીને બોલાવીને તેના માથા ઉપર હાથ ફેરવવો શરૂ કર્યો. દીકરીએ કહ્યું: દાદા આજે આપ મારી સાથે યતીમ જેવી મોહબ્બત અને મહેરબાની ભર્યો વ્યવહાર કરો છો. આપ (અ.સ.)ની આંખોમાં આંસુઓ ભરાઈ ગયા અને એહલેબૈતે ઈસ્મતો તહારતના પરિવારમાં શોરબકોર મચી ગયો.

આપ (અ.સ.)નો કાફલો સઅલબીયાથી રવાના થઈને મંઝિલે “ઝબાલા” ઉપર પહોંચ્યો. જ્યાં આપ (અ.સ.) કાફલાને રોકયો અને ફરમાવ્યુઃ “મુસ્લિમ, હાની અને અબ્દુલ્લાહ શહીદ થઈ ચૂકયા છે. કુફાવાળાઓએ આપણો સાથ છોડી દીધો છે. તેથી હું મારી બયઅતનો ફંદો (તૌક) તમારી ગરદનો ઉપરથી ઉઠાવી લઉં છું (એટલે કે જે લોકો ચાલ્યા જશે તેણે વચનભંગ કર્યો નહીં ગણાય) જે લોકોની ઈચ્છા હોય તેઓજ મારી સાથે આગળ વધે અને જે કોઈ બીજા માર્ગ જવા માગતા હોય તે બીજે રસ્તે જઈ શકે છે. ઘણા લોકો જેઓ દુનિયાની માલ-મત્તાની લાલચથી ઈમામ (અ.સ.)ની સાથે આવ્યા હતા તેઓ આ રસ્તેથી જુદા પડી ગયા.

હુર ઈબ્ને યઝીદ રીયાહીની હઝરત ઈ. હુસયન અ.સ. સાથેની મુલાકાત એ ઈતિહાસનો એક એવો ઝળહળતો પ્રકાશીત મિનારો છે, જેણે (મિનારાએ) ગુમરાહીનાં અંધકારમાં ભટકનારી અગણિત વ્યકિતઓને મંઝિલે નજાત સુધીન જવામાં મદદ કરી છે.

હઝરત સૈયદુશ્શોહદા સફરનું અંતર કાપતા “બતને ઉકબા” પર અટકયા ત્યાંથી આગળ વધીને મંઝિલે “શરાફ” પર રોકાયા. રાત પસાર થઇ અને સવાર પડી ત્યારે આપ અ.સ.એ કાફલાને કૂચ કરવાનો હુકમ આપ્યો. અને ફરમાવ્યું: પાણીનો પૂરતો પૂરવઠો મશ્કીઝા (પાણીની ચામડાની થેલીઓમાં) ભરીને વજન ઉંચકનારા ઉંટ પર નાખી દો અને પછી આગળ વધો. હજી કાફલાએ આગળની મંઝિલ માટેનો અડધો રસ્તો વટાવ્યો ન હતો ત્યાં સહાબીઓએ અલ્લાહો અકબરની અવાજ બુલંદ કરી. હઝરત અ.સ.એ આમ કરવાનું કારણ પૂછયું: ત્યારે સહાબીઓએ કહ્યું કે: ખજુરના વૃક્ષ નજરે પડે છે. ત્યારે આપ અ.સ.એ ફરમાવ્યું કે: આ માર્ગ ઉપર ખજુરના કોઈ વૃક્ષ આવતા નથી. ધ્યાનપૂર્વક જુવો. સહાબીઓએ કહ્યું કે ઘોડેસવારોના માથા દેખાઈ રહ્યા છે. કોઈ લશ્કર આવી રહ્યું હોય તેમ લાગે છે. આપ અ.સ.એ ઝુ-હુસ્મ નામની પર્વતમાળા પર ખૈમાઓ નંખાવ્યા અને કહ્યું કે જો જંગ કરવાની પરિસ્થિતિ ઉભી થાય તો આ પર્વતમાળાને જ તમારૂ રક્ષણસ્થળ બનાવજો. આપ અ.સ.એ લશ્કરની ગોઠવણ કરાવી. સિપાહીઓના શરીરો ઉપર શમશીરો સજાવી, હારબંધી કરાવી આગળ વધ્યા. હજી થોડો સમય વીત્યો ન હતો ત્યાં હુર બિન યઝીદે રીયાહી એક હજારનું લશ્કર લઈને સામે આવી ગયા. પરંતુ એ લશ્કર અંધકારમાં અટવાઈને આવી રહ્યું હોય તેવા ચિન્હો જણાતા હતા. તે લશ્કર એટલું બધું તરસ્યુ હતું કે સિપાહીઓજ નહીં જાનવરોની જીભ પણ તરસને હિસાબે તેમના મોઢાની બહાર આવી ગઈ હતી.

એ અત્યંત કૃપાવંત, સખાવતના સરદાર, ઈમામતના હોદ્દાના માલિક, હયાતે-કાએનાતના જામીન, ઝેહરા સ.અ.ના લાલ, અલી અ.સ. ના પૂત્ર, હુજ્જતે ખુદા અને રહેમતુલલીલ આલમીનના ખોળામાં ઉછરેલા પોતાની સામે મખ્લુકે ખુદાને તરસની તીવ્રતાથી તરફડતી કઈ રીતે જોઈ શકે? પોતાની સામે મખ્લુકે ખુદા પ્યાસથી તડપતી હોય અને પોતે મૂક પ્રેક્ષક કઈ રીતે બની શકે? તેઓ અ.સ.એ તુરતજ પાણીની મશ્કો લાવવાનો હુકમ આપ્યો. ઈમામ હુસૈન અ.સ. સ્વયં, સૈનિકો અને ઘોડાઓને પાણી પીવરાવવાના કામમાં મદદ કરવા લાગ્યા. મ્યારે બધાએ પાણી પી લીધું ત્યારે છેવટે એક એવા માણસ ઉપર આપ અ.સ.ની દ્રષ્ટિ પડી જેના સુધી પાણી પહોંચ્યુ ન હતું. તેનું નામ અલી બિન તઆન મહારબી હતું. આપ અ.સ. પાણીનો પુરવઠો લાદેલા ઉંટને લઈને તેની પાસે ગયા. આપ અ.સ. ઉંટને બેસારયું. પોતેજ મશ્ક લઈને તેને પાણી પીવરાવ્યું. તેણે પાણી પી લીધુ પછી તેના ઘોડાને પાણી પીરવરાવ્યું. ઘોડાની પાણી પીવાની એવી ટેવ હોય છે કે તે ત્રણથી ચાર વખત મોઢુ ઉપાડી લે છે જ્યાં સુધી તે ઘોડાએ તૃપ્ત થઈને પાણી પી ન લીધું ત્યાં સુધી આપ અ.સ.એ તેના મોઢા આગળથી પાણીનું વાસણ હટાવ્યું નહીં.

જ્યારે હુરના લશ્કરને રાહત થઈ ગઈ બધાએ તાજગી મેળવી લીધી ત્યારે ઈમામ હુસયન અ.સ. હુરના લશ્કરની વચ્ચે જઈને ઉભા રહ્યા અને તેઓને સંબોધીને ફરમાવ્યું: તમારા લોકો તરફથી સતત પત્રો મળતા રહ્યા. તેથી સફરનો સામાન તૈયાર કરીને શકય તેટલી ઝડપથી મેં તમારા સુધી પહોંચવાની કોશીષ કરી. તમે લોકોએ પત્રમાં લખ્યું હતું કે: અમારા કોઈ પેશ્વા, કોઈ ઈમામ નથી આપની પાસે ભેગા મળી આપની આજ્ઞાનુસાર કાર્યો કરીને કદાચ અમે નજાત મેળવી શકીશું. હવે હું તમારી વચ્ચે આવીને ઉભો રહ્યો છું. મારી સાથે થઇ જાવ. તમારા વાયદાનું પાલન કરો. જો તમે વાયદો ભંગ કરવાનો નિશ્ચય કર્યો હોય તો અમે અમારા વતન ભણી પાછા ફરી જશું. હુરના લશ્કર ઉપર મૌન છવાઈ ગયું. કોઈએ કાંઈ જવાબ ન આપ્યો. નમાઝે ઝોહરનો સમય થઈ ગયો હતો. હઝરતે અઝાનનો હુકમ આપ્યો. અઝાન પુરી થવા પછી આપ અ.સ.એ હુરને સંબોધીને કહ્યું: જો તું ઈચ્છે તો નમાઝની જુદી જમાઅત કાયમ કરી શકે છે. હુરે ફરમાવ્યું: યબ્ન રસુલલ્લાહ, અમે બધા આપની ઈમામતમાંજ નમાઝ અદા કરીશું. નમાઝ પુરી થઇ. સૂર્યની ગરમી વધુને વધુ તેજ થતી જતી હતી. કોઈ જગ્યાએ છાયાનું નામો-નિશાન દેખાતું ન હતું. બધા ઘોડેસવાર પોતપોતાના ઘોડાની લગામ પકડીને ઘોડાના છાયામાં બેસી ગયા. ત્યાર પછી હઝરત ઈમામ હુસયન અ.સ. પોતાનું મુબારક મુખ હુરના લશ્કર તરફ ફેરવ્યું અને ખુત્બો ફરમાવતા કહ્યું: અય લોકો ખુદાથી ડરો, હક અને એહલેહકને ઓળખો (તોજ) ખુદા તમારાથી વધારે ખુશ થશે. અમો તમારા પયગંબર અને રસુલ સ.અ.વ.ના એહલેબૈત છીએ. તમારા લોકો ઉપર અમારો હક છે. તમારી ઉપર એવા લોકોનો કોઈ હક નથી જેઓ કોઈપણ જાતના હક વગર (અનાધિકૃત રીતે) તમારી ઉપર હક જમાવી બેઠા છે અને ઝુલ્મો-સિતમ દ્વારા તમારી ઉપર હુકુમત કરે છે. જો તમે લોકોએ ગુમરાહ અને જહાલતમાં (અજ્ઞાનતામાં) તમારા કદમ જમાવી દીધા અને તમારા લોકોના અભિપ્રાય મુજબ એ પત્રો – જે તમો લોકોએ મને લખ્યા હતા તેની વિગતથી તમારૂં મુખ ફેરવી લીધું છે તો હું અહીંથી પાછો ફરી રહ્યો છું. હુરે જવાબમાં કહ્યું: ખુદામી કસમ, હું એ પત્રો વિશે કંઈ જાણતો નથી અને ન તો એ પત્રો લખનારા વિશે હું કાંઈ જાણું છું. હ. ઈ. હુસયન અ.સ.એ પત્રોના થેલા મંગાવ્યા અને તે થેલા હુરની સામે રાખ્યા. હુરે ફરી જવાબ આપ્યો: આ પત્રો સાથે મારે કોઈ સંબંધ નથી. મને ઈબ્ને ઝિયાદ તરફથી આપને તેના દરબારમાં રજુ કરવાના કામ માટે નિયુકત કરવામાં આવ્યો છે. આં હઝરતે કાફલાના સવારોને હુકમ આપ્યો કે બધા પોતાના ઘોડા ઉપર સવાર થઇ જાવ. જ્યારે બધા ભેગા મળીને પોતાના ઘોડાઓ ઉપર સવાર થઇ ગયા ત્યારે આપ અ.સ.એ બધાને જે રસ્તેથી આવ્યા હતા તે રસ્તે પાછા વળવાનો હુકમ આપ્યો. ઈમામે હુસયન અ.સ.ના કાફલાએ પાછા ફરવા માટે મુખ ફેરવ્યુ કે તુરતજ હુરનું લશ્કર તેઓની સામે આવી ગયું અને તેઓનો રસ્તો રોકી લીધો. ત્યારે હઝરત અ.સ.એ આ શબ્દો કહ્યાં: (અય હુર) જા, તારી મા તારા માતમાં બેસે. આખરે તું મારી પાસેથી શું ઈચ્છે છે? હુરે કહ્યું: અય હુસયન અ.સ. આપ સિવાય બીજા કોઈએ મને આમ કહ્યું હોત તો હું આવીજ રીતે જવાબ આપત. ઈમામ હુસયન અ.સ.એ કહ્યું: અંતે તારી ઈચ્છા શું છે? હુરે જવાબ આપ્યો: આપ અ.સ.ને ઈબ્ને ઝિયાદનાં દરબારમાં લઈ જવા માંગુ છું. હઝરત ઈમામે હુસયન અ.સ. હુરની વાત માનવો ઈન્કાર કરી દીધો. હઝરત ઈમામ હુસયન અ.સ. અને હુરની વચ્ચે વાત વધી પડી. યુધ્ધ છેડાય જાય તેવી સ્થિતિ આવી જવાની તૈયારી હતી. પરંતુ હુરે હઝરત અ.સ.ને મદીના કે કુફા તરફ પાછા ફરવાને બદલે બીજો કોઈ માર્ગ લેવાની દરખાસ્ત કરી અને કહ્યું કે: એ વિશે હું ઈબ્ને ઝિયાદને વાકેફ કરી દઉં છું, કદાચ સમસ્યાનો કોઈ સારો વિકલ્પ આવી જાય: આપ હઝરત અ.સ.એ કાદસીયહ અને ઉઝયબના માર્ગથી ડાબી બાજુ ચાલવાનું શરૂ કર્યું. હુરનું લશ્કર આપ અ.સ.ની સાથે સાથેજ ચાલી રહ્યું હતું. એટલે સુધી કે “ઉઝયબે હિજાનાત”ની મંઝીલ આવી ગઈ. એકાએક તે લોકોએ જોયું તો કુફા તરફથી ચાર માણસો ઉંટ ઉપર અને તેની આગળ એક માણસ ઘોડા ઉપર આવી રહ્યો છે. તે ઘોડાનું નામ “કામિલ” હતું, એ ઘોડો હિલાલ બિન નાફેઅનો હતો. પરંતુ આ વખતે ઘોડા ઉપર સવાર થયેલા માણસનું નામ તરમાહ બિન અદી હતું. એ લોકો આવીને હઝરત ઈમામ હુસયન અ.સ.ના કાફલામાં ભળી ગયા. હુરે આમ કરવાનો વિરોધ કર્યો. હુર તેઓને ગીરફતાર કરવા માગતો હતો. પરંતુ હઝરત અ.સ.એ કહ્યું કે: આ લોકો મારા રક્ષણ હેઠળ છે. તેથી હું તેઓની મદદ કરીશ. પરિણામે હુર કાંઈ કરી શકયા નહીં.

હઝરત અ.સ.તે લોકોને કુફાની સ્થિતિ વિશે પુછયું: તેઓમાંથી એક જેનું નામ મજમઅ ઈબ્ને અબ્દુલ્લાહ હતું. તેણે જવાબ આપ્યો: કુફાના જે લોકોના ખાનદાન શ્રેષ્ઠ ગણાતા હતા તેઓ મોટી મોટી લાંચ લેતા થઇ ગયા છે. બાકીના જે લોકો આપ અ.સ.ને ચાહે છે તેમ છતાં આપને કત્લ કરવા માટે તલવારોની ધાર કાઢી રહ્યા છે. આપ અ.સ. કૈસ ઈબ્ને મસ્હર વિશે પૂછયું ત્યારે જવાબ મળ્યો: કૈસને હસીન બિન નમીરે ગીરફતાર કરીને ઈબ્ને ઝિયાદને મોકલી આપ્યા અને ઈબ્ને ઝિયાદે તેને શહીદ કરી નાખ્યા. આ સાંભળીને હઝરત અ.સ.ની આંખોમાંથી ચોધાર આંસુ વહેવા લાગ્યા, આપ અ.સ.એ ફરમાવ્યું:

ફ મીન્હુમ મન કઝા નહબહુ વ મન યતઝર વમા બદલૂ તબ્દીલા. (સૂ. અહઝાબ)

તરમાહ જે થોડીવાર પહેલાજ આવ્યા હતા તેઓ હઝરત અ.સ.ની પાસે આવ્યા અને કહેવા લાગ્યા: મૌલા હું જોઈ રહ્યો છું કે આપનું લશ્કર સાવ નાનું છે, જો દુશ્મનોનું લશ્કર અત્યારે જંગ કરવા માટે તૈયાર થઇ જાય તો આટલું નાનું લશ્કર તેમના સામના માટે અપુરતું રહેશે. આ ઉપરાંત મોટુ લશ્કર કુફામાં પણ તૈયાર થઈ રહ્યું છે. અય ફરઝંદે રસુલ અ.સ. હું કુફામાંથી નીકળી રહ્યો હતો ત્યારે મેં ફરીને જોયું તો મોટી સંખ્યામાં સિપાહીઓ જંગની તૈયારી કરી રહ્યા હતા. મારા મવલા હુસયન અ.સ. આપને ખુદાની કસમ, આપ કુફા તરફ પ્રયાણ કરશો નહીં. બીજી સલાહ એ છે કે આપ દુશ્મનો ઉપર સાવચેતી પૂર્વક દેખરેખ રાખશો અને કોહે અજા, (અજા નામની પર્વતમાળા)માં આશ્રય સ્થાન મેળવી લ્યો. જેના એક ભાગ કબીલએ તયમાં પ્રવેશે છે. અમે મોટા મહારથીઓ અને સુલતાનોના હુમલા વખતે આ પહાડીઓમાં જ આશ્રય લીધો હતો. અને મારો એક પણ જાંબાઝ મરવા પામ્યો ન હતો. આ ફુરસદના સમયને ગનીમત જાણીને હું કબીલએ તયના વીસ હજાર શમશીરબાઝોના લશ્કરને લઈને આપની મદદે પહોંચી જઈશ. હઝરત અ.સ. તરમાહના હકમાં દુઆ કરી અને ફરમાવ્યું: તરમાહ, મારી મંઝિલો પસાર થઇ ચૂકી છે. હું પીછેહટ કરવાની પ્રકૃતિ ધરાવતો નથી. તરમાહ પોતાના પત્ની, બાળકો અને કુટુંબીજનો માટે જીવન નિર્વાહની વસ્તુઓ અને બીજો સામાન લઈને જઈ રહ્યા હતા તેઓ જવાની રજા માંગી જેથી કરીને જઈને પોતાની જવાબદારી પુરી કરે અને અને પાછા ફરીને આપ અ.સ.ના કાફલામાં શામીલ થઇ જાય. તરમાહ ઈમામ અ.સ. પાસેથી વિદાય લઈને પોતાના કબીલામાં ચાલ્યા ગયા. ત્યાંથી પાછા ફરતા તેઓને ઘણા દિવસ લાગી ગયા. જ્યારે તેઓ ઉઝૈબે હજાનાત પહોંચ્યા ત્યારે તેમને સમાએકા બિન બદલે ખબર આપી કે હઝરત ઈમામ હુસયન અ.સ. દસમી મોહર્રમનાં અસ્રના સમયે શહીદ થઇ ગયા ત્યારે તરમાહ ગમગીન હૃદયે પોતાના કબીલા તરફ પાછા ફરી ગયા.

હઝરત ઈમામ હુસયન અ.સ. ઉઝૈબે હજાનાતની પહાડીઓમાંથી પસાર થઈ કસ્રે બની મકાતિલ પર પહોંચ્યા ત્યારે ત્યાં મુકામ કર્યો. અચાનક આપની નજર એક ખૈમા ઉપર પડી. ત્યારે આપ અ.સ. એ પૂછયું કે: આ કોનો ખૈમો છે? અસ્હાબે કહ્યું કે: આ અબ્દુલ્લાહ બિન હુર જોઅફીનો ખૈમો છે. હઝરત અ.સ.એ ફરમાવ્યું: તેને મારી પાસે આવવા નિમંત્રણ આપો. જ્યારે હઝરત અ.સ.નો સંદેશવાહક અબ્દુલ્લાહ પાસે પહોંચ્યો અને હઝરત અ.સ.નો સંદેશો પહોંચાડયો ત્યારે તેણે કહ્યું: બખુદા, જ્યારે હઝરત ઈમામ હુસયન અ.સ. કુફામાં પ્રવેશે ત્યારે તેઓ અ.સ.નો સામનો ન થઇ જાય તે માટે હું કુફાની બહાર નીકળી ગયો હતો. આમ કહીને તેઓએ હઝરત અ.સ.ના કાસીદને પાછો વાળી દીધો. જ્યારે હઝરત અ.સ.એ આ હકીકત સાંભળી ત્યારે તેઓ અ.સ. જાતેજ તેમની પાસે ગયા. તેણે ફરી તેજ વાતનો પુનરોચ્ચાર કર્યો. હઝરત ઈમામ હુસયન અ.સ.એ તેને નસીહત ફરમાવતા કહ્યું: જો તું મારી (નુસરત) મદદ કરવાના આમંત્રણનો સ્વીકાર કરતો ન હોય તો ન કર, એ તારી મરજીની વાત છે પરંતુ યાદ રાખ, મારા કાતીલોની હરોળમાં રહીશ નહીં. અને તારા દામન ઉપર મારા નિર્દોષ રકતના છાંટા પડવા દઈશ નહીં. ખુદાની કસમ, જે કોઈ મારી મઝલુમીયતને સાંભળશે અને મારી મદદ નહીં કરે અથવા મારા કાતિલોમાં શામી થઇ જશે, ખુદા તેને હલાક કરી નાંખશે. જો જો તકવા અને પરહેઝગારી ધારણ કરજે. આટલું કહીને હઝરત અ.સ. પોતાના ખૈમાની તરફ પાછા ફર્યા.

કસ્રે બની મકાતિલમાં હઝરતે કાફલાના નયવુવાનોને પાણીનો પુરતો પૂરવઠો ભરી લેવાનો હુકમ આપ્યો. તેજ દિવસે અર્ધી રાત્રે ત્યાંથી કુચ કરવાનો હુકમ આપ્યો. અર્ધી રાતનો સમય પસાર થઈ નમાઝે સુબ્હનો સમય આવી પહોંચ્યો એટલું અંતર પસાર થયું હતું. સુબ્હની નમાઝ અદા કર્યા પછી આપે આપ અ.સ.ના સાથીઓને ડાબી બાજુ આગળ વધવાનો હુકમ આપ્યો. જેથી હુરના લશ્કરથી જુદા પડી શકાય. આમ આપ અ.સ.નો કાફલો આગળ ચાલતો ગયો અને હુરનું લશ્કર અડચણરૂપ બનતું ગયું.

આ કશમકશમાં હુસયન (અ.સ.)નો કાફલો અને હુરનું લશ્કર નયનવા અથવા કરબલાની હદમાં પ્રવેશી ગયા. અચાનક કુફા તરફથી એક સવાર આવતો નજરે પડયો. જ્યારે તે સવાર નજદીક આવ્યો ત્યારે તેણે હઝરત ઈમામ હુસયન (અ.સ.)ને સલામ ન કરી અને સીધેસીધા હુરની પાસે જઈને સલામ કરી અને ઈબ્ને ઝિયાદને પત્ર હુરના હાથમાં આપ્યો.

હુરે તે પત્ર વાંચ્યો. તે પત્ર ઈબ્ને ઝિયાદ તરફથી હતો. તે પત્રમાં લખ્યું હતું કે હુસયન (અ.સ.)ને એવી જગ્યાએ રોકી દો જ્યાં દૂર દૂર સુધી પાણીની કોઈ સુવિધા ન હોય. હુરે તે પત્ર હઝરત (અ.સ.)ની સામે રાખી દીધો. હઝરત ઈમામે હુસયન (અ.સ.)એ તે પત્ર વાંચીને કહ્યું: હુર, નયનવાની પાસે ગાઝરીયા છે, અથવા બીજા ગામડાં છે જ્યાં પાણી ઉપલબ્ધ છે. તેથી મને એ બાજુ જવા દે. હુરે જવાબ આપ્યો: હું ઈબ્ને ઝિયાદના હુકમનું ઉલ્લંઘન કરી શકું તેમ નથી તેથી આપ (અ.સ.) અહીંજ ખૈમા નાખવા પડશે.

ઝોહૈરે કૈન આગળ વધ્યા અને હઝરતને અર્ઝ કરી યબ્ન રસુલલ્લાહ, અત્યારે જંગ કરી વધારે ઉચિત છે. નહીંતર એક મોટા લશ્કરનો સામનો કરવો પડશે.

હઝરત (અ.સ.)એ ઝોહૈરને કહ્યું: હું જંગનો પ્રારંભ કરવાના હકમાં નથી. આપે આસમાન તરફ જોયું. તે જમીનની માટી ઉપાડી, માટીને સુંઘી, હઝરત (અ.સ.)એ માલ સામાન ઉતારવા અને ખૈમા લગાવવાનો હુકમ આપ્યો. તે ગુરૂવારનો દિવસ હતો. આ હીજરી સન ૬૧ ની બીજી મોહર્રમની વાત છે. અત: ખૈમા લગાવવામાં આવ્યા. ફુરાતના કિનારાથી દૂર અને બીજી મોહર્રમથીજ પાણીની તંગી શરૂ થઈ ગઈ.

 

હે લોકો! જરા વિચારો તો કે તમારા બાપ દાદા અને તમારી અવલાદ, (વગેરે) જે તમારી દરમ્યાન રહેતા હતા તેઓ કયાં ચાલ્યા ગયા? શું તેમનું તમારાથી હંમેશના માટે વિખુટા પડી જવું તમારા માટે બોધ સમાન નથી?

– ઈમામ હુસયન અ.સ.

Have your say!

Add your comment below, or trackback from your own site. You can also subscribe to these comments via RSS.

Be nice. Keep it clean. Stay on topic. No spam.