કારી-એ-કુરઆન સૈય્યદુલ કોરા (કુરઆનના કારી, કારીઓનાં સરદાર)

Print Friendly, PDF & Email

કારી-એ-કુરઆન સૈય્યદુલ કોરા (કુરઆનના કારી, કારીઓનાં સરદાર)

બુરૈર બિન ખોઝયરે હમદાની બુરૈર બિન ખોઝયરે, તાએફએ બની મશરીક બત્ન અને હમદાનીઓમાંથી હતા (અસદુલ ગાબા ઈબ્ને અસીર જઝરી) તેઓનું નામ અમુક અસ્હાબે રેજાલે બુરૈર બિન હસીન લખ્યું છે.

બુરૈર અત્યંત વૃધ્ધ હતા. તેઓ બહાદુર અને રાત્રે ઈબાદતમાં જાગનાર વ્યકિત હતા. આપની ગણત્રી તાબેઈનમાં થતી હતી. આપ કારીએ કુરઆન (કુરઆન શરીફની સહીહ અને સચોટ રીતે તિલાવત કરનાર) અને સૈયદુલ-કોરા (કારીઓના સરદાર) તરીકે મશહુર હતા. તેઓ અમીરૂલ મોઅમેનીન હઝરત અલી (અ.સ.)ના સહાબી હતા. આપનો સંબંધ કુફાના અત્યંત ઉચ્ચ કૂળના કબીલએ હમદાન સાથે હતો. જેનાથી આપનું વ્યકિતત્વ કેટલું ઉચ્ચ કક્ષાનું હતું તે જાણી શકાય છે. આપના માસા અબૂ ઈસ્હાક અલ હમદાની અસ્સબીઈ કુફી, તાબેઈ છે. જે એમને માટે કહેવાય છે કે એમણે ચાલીસ વર્ષ સુધી સુબ્હની નમાઝ ઈશાની નમાઝના વઝુથી અદા કરી હતી (એટલે કે ઈબાદતમાં આખી રાત જાગતા હતા) અને એક રાતમાં એક કુરઆને મજીદની તિલાવત ખત્મ કરતા હતા. તેઓના ઝમાનામાં તેઓ કરતા ચડીયાતું બીજું કોઈ ઈબાદત ગુઝાર ન હતું. હદીસોની અધિકૃતતા અંગે શિયા અને સુન્ની બંને ફીરકાની દ્રષ્ટીએ તેઓ સૌથી વધુ વિશ્વસનીય હદીસવેત્તા હતા. તેઓ ઈમામ ઝયનુલ આબેદિન (અ.સ.)ના વિશ્વસનીય હતા.

ઈતિહાસકારોનું બયાન છે કે જ્યારે ઈમામ હુસયન (અ.સ.)ની મદીનાથી મક્ક-એ-મોઅઝઝમા તરફ હિજરત કરી રહ્યા હોવાની ખબર બુરૈરને મળી ત્યારે તેઓ કોઈપણ પ્રકારનો વિલંબ કર્યા વગર મક્કા પહોંચી ગયા અને ઈમામ (અ.સ.)ના સાથીઓમાં શામીલ થઈ ગયા અને કરબલામાં શહાદતના દરજ્જે પહોંચ્યા. સરવી લખે છે કે: જ્યારે હુરે ઈમામ હુસયન (અ.સ.)ને સખ્તી કરીને રોકયા ત્યારે ઈમામ (અ.સ.)એ તે લોકોની સામે ખુત્બો ઈરશાદ ફરમાવ્યો. બુરૈર એ લોકો પૈકી હતા જેમણે ખુત્બો પુરો થયા પછી અર્ઝ કરી:

અય ફરઝંદે રસુલે ખુદા (સ.અ.વ.) લા રયબ, એમા શક નથી કે પરવરદિગારે અમારી ઉપર એહસાન ફરમાવ્યો છે કે અમે આપની હાજરીમાં જંગ કરીએ અને આ જંગમાં અમારા શરીરના ટુકડે ટુકડે થઈ જાય, જેથી કયામતના દિવસે આપના પવિત્ર બુઝુર્ગવાર દાદા અમારી શફાઅત ફરમાવે. એ લોકો હરગીઝ સફળ અને વિજયી થઈ શકતા નથી (જેઓ) પોતાના પયગંબરના ફરઝંદનો હક ડૂબાડતા હોય અને એ લોકોના હાલ ઉપર સખત અફસોસ છે કે: તેઓ કયા મોઢે ખુદાની મુલાકાત કરશે. અફસોસ છે એ લોકો ઉપર, એ દિવસે જ્યારે જહન્નમની આગમાં તેઓની ફરિયાદ અને આક્રંદ બુલંદ થશે.

ઈતિહાસકારોના એક સમુહે લખ્યું છે કે જ્યારે ઈમામે હુસયન (અ.સ.)ની તૃષા (પ્યાસ) હદથી વધી ગઈ ત્યારે જનાબે બુરૈરે ઈમામ (અ.સ.) પાસે ઝુલ્મગાર કૌમ સાથે વાતચીત કરવા માટે પરવાનગી માગી. ઈમામ (અ.સ.)એ તેઓને જવાની પરવાનગી આપી. જનાબ બુરૈર, ઈબ્ને સઅદના લશ્કરની પાસે ગયા અને ફરમાવ્યુઃ “અય દગાખોર લોકો, ખુદાવંદે આલમે મોહમ્મદ મુસ્તફા (સ.અ.વ.)ની હક સાથે પસંદગી કરી છે. જેથી તેઓ ખુશખબરી સંભળાવે, ડરાવે, અને લોકોને ખુદા તરફ તેની (ખુદાની) ઈજાઝતથી (પરવાનગીથી) બોલાવે. તેઓ હિદાયતના ઝળહળતા ચિરાગ છે. આ ફુરાતનું પાણી છે જે પાણી પીને જંગલી કૂતરા અને સુવ્વર (ભૂંડ) તૃપ્ત થઈ રહ્યા છે અને તમે લોકો ફુરાતના પાણી અને ફરઝંદે પયગંબર (સ.અ.વ.) વચ્ચે અવરોધરૂપ બન્યા છો. રસુલે ખુદા (સ.અ.વ.)ની મહેનત અને તકલીફોનું શું આજ ફળ છે?

દુશ્મનોએ જવાબ આપ્યો: બુરૈર બસ કરો, તમારી જીભ રોકો, વધારે વાત ન કરો, ખુદાની કસમ હુસયન (અ.સ.)એ એવી રીતે તરસ્યા દુનિયાથી વિદાય લેવી જોઈએ જેવી રીતે ઉસ્માનને તરસ્યા કત્લ કરવામાં આવ્યા હતા. પછી ઈમામ હુસયન (અ.સ.) પોતે ત્યાં ગયા અને તે લોકોને સંબોધન કરતા ફરમાવ્યુઃ (અબુ મખનફ લખે છે).

“બની ઉમરાના કબીલાનો એક માણસ જેનું નામ યઝીદ બિન મઅકલ હતું, તે લશ્કરમાંથી બહાર આવ્યો. તેણે બુરૈરને કહ્યું: તમારી સ્થિતિ કેવી છે? બુરૈરે જવાબ આપ્યો: ખૂબજ સારી. યઝીદે કહ્યું: તમે જુઠુ બોલો છો હકીકતમાં તમે પહેલા જૂઠા ન હતા. શું તમને યાદ છે કે બની દૂદાનની ગલીઓમાં જતા હતા અને કહેતા હતા કે ઉસ્માન અને મોઆવિયા ગુમરાહ છે અને અલી ઈબ્ને અબી તાલિબ ઈમામે બરહક છે. બુરૈરે કહ્યું: બેશક, આ એજ વાતો છે. યઝીદે કહ્યું: હું પણ ગવાહી આપું છું કે તું ગુમરાહ થયેલા લોકોમાંથી છે. જનાબે બુરૈરે ફરમાવ્યું: શું હું તારી સાથે મુબાહેલા (રૂહાની ચર્ચાની સ્પર્ધા) કરૂં તે તું પસંદ કરીશ? જેથી એ વાત નક્કી થઈ જાય કે આપણા બંનેમાં કોણ સાચો છે અને જુઠો હોય તેની ઉપર ખુદાની લઅનત છે અને જે બાતિલ પર હોય એ કત્લ થઈ જાય. આ પછી બંને એકબીજાની સાથે લડવા માટે સામસામે આવી ગયા. બંને વચ્ચે વે વખત તલવારના પ્રહાર થયા યઝીદે બુરૈર ઉપર તલવારનો એક પ્રહાર કર્યો પણ બુરૈરને કોઈ નુકસાન પહોંચ્યું નહીં. બુરૈરે યઝીદ ઉપર તલવારથી એક ઘા કર્યો જે યઝીદના માથા ઉપરના લોખંડી કવચને તોડતો તેના મગજ સુધી ઉંડો ઉતરી ગયો. બુરૈરની તલવાર યઝીદની ખોપરીમાં ખૂંચી ગઈ. બુરૈરે પોતાની તલવાર ખેંચી લીધી અને ફરમાવ્યું: અના બુરયરૂન વ અબી ખોઝયર. વ કુલ્લો ખયરીન ફલહૂ બુરયર. હું બુરૈર છું મારા પિતા ખુઝયર છે અને સર્વે નેકી બુરૈરમાં મૌજુદ છે.

યઝીદને કત્લ કર્યા પછી બુરૈરે લશ્કર ઉપર હુકમ કર્યો. રઝી બિન મુનકઝ અબદીએ બુરૈર ઉપર હુમલો કર્યો. એટલે સુધી કે બુરૈરે ઈબ્ને મુનકઝને જમીન ઉપર પછાડી તેની છાતી પર ચડી બેઠા. તેણે મદદ માટે બૂમો પાડી. કઅબ બિન જાબિર બિન ઉમર અઝદી પોતાનું સૈન્ય લઈને તેમની મદદ કરવા પહોંચ્યા. તે સૈન્યના સૈનિકો પરસ્પર વાતચીત કરવા લાગ્યા કે આ તો એજ કારી છે જેઓ મ(સ્જીદમાં આપણને કુરઆન પઢાવતા હતા. એ લોકોએ બુરૈરની પીઠ ઉપર ભાલાઓથી હુમલો કર્યો. ઈબ્ને મુનકઝ અબ્દી બુરૈરની સામે આવ્યો. તેઓ ઉપર તલવારથી હુમલો કર્યો. બુરૈર શહાદતના દરજ્જે પહોંચ્યા. (“અન્સારૂલ અય્ન” પાના નં. ૧૦૨, “ઝખીરતુલ દારૈન” પાના નં. ૨૬૧)

રાવીનું બયાન છે કે રઝી જમીન ઉપરથી ઉઠયો અને પોતાની કબા (અરબસ્તાનમાં પહેરવામાં આવતું લાંબુ ખમીસ) ઉપરથી માટી ખંખેરી અને કઅબને કહેવા લાગ્યો કે: અય ભાઈ, તેં મને એવી નેઅમત આપી છે કે જેને હું જીંદગીભર ભૂલી નહીં શકું. જ્યારે કઅબ બિન જાબિર પાછો ફર્યો ત્યારે તેની પત્ની અથવા બહેને તેને કહ્યું: તેં સૈયદુલ કુર્રા (કારીઓના સરદાર)ને કત્લ કરી નાખ્યાં. ખરેખર આ ઘણું ખરાબ કર્યુ છે. ખુદાની કસમ, હવે તારી સાથે કયારેય વાત નહીં કરૂં, કહેવાય છે કે, જનાબે બુરૈરાના કાતિલનું નામ બુહૈર બિન અવસ ઝબ્બી હતું.

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *