Home » અલ-મુન્તઝર માહે મોહર્રમ » ૧૪૧૬

નબીની પુત્રીઓ બજારોમાં દરબારોમાં

Print Friendly

નબીની પુત્રીઓ બજારોમાં દરબારોમાં

કૂફા એ ઈરાકનું મધ્યવર્તી શહેર અને હઝરત અલી (અ.સ.)ની રાજધાની હતી. અહીં હઝરત અલી (અ.સ.)ના દોસ્તો અને શીયાઓ મોટી સંખ્યામાં રહેતા હતા. કૂફાની દરો દીવાર હઝરત અલી (અ.સ.)ના ખુત્બાઓથી પરિચિત હતી. અહીં જનાબે ઝયનબ શાસનકર્તાની પૂત્રી તરીકે રહી ચૂકયા હતા. કૂફાની સ્ત્રીઓ જનાબે ઝયનબને બિન્તે અમીરીલ મોઅમેનીન અને બિન્તે રસુલુલ્લાહ કહીને સલામ કરતી અને જનાબે ઝયનબનો અત્યંત આદર કરતી. આજે તેજ કૂફા શહેરમાં જનાબે ઝયયન સ.અ. કૈદી બનીને આવ્યા છે. આપ સ.અ.નો આદર કરનારા તમાશો જોઈ રહ્યા છે. સલામ કરનારા કટાક્ષ કરી રહ્યા છે. માથા ઉપર ચાદર નથી, ન તો મહેમીલ (પાલખી) છે, ન પરદો છે અને પલાણ વગરના ઉંટ છે. ફરઝંદે રસુલ (સ.અ.વ.)ને કત્લ કરવા બદલ શરમિંદગી અનુભવવાને બદલે લોકો ખુશી મનાવી રહ્યા છે. એવું લાગી રહ્યું છે કે જાણે કાંઈ બન્યુંજ નથી. એક તરફ લોકોની નીષ્ઠુરતા અને બીજી બાજુ ઉંટોની ઉઘાડી પીઠ પર માથા ઉપર ચાદર વગરની સ્ત્રીઓ, આગળ આગળ ભાલાની અણીઓ ઉપર અઝીઝોના કપાએલા સર. રોતા કકળતા તરસ્યા બાળકો. કૈદો-બંદની જંજીરોમાં જકડાએલા સૈયદે સજ્જાદ અને મઝલૂમોની એવી હાલત જોઈને હસતા લોકો. મુસીબતઝદા લોકો ઉપર જ્યારે કોઈ હસે છે ત્યારે તેમની મુસીબતો બમણી થઈ જાય છે. આવી હાલતમાં જરા જનાબે ઝયનબ સ.અ.ના દિલને પૂછી જુઓ. મુસીબતોના પહાડ વચ્ચે જ્યાં માથુ ઉંચકવુ પણ મુશ્કેલ છે, ત્યાં વાતચીત કરવી અને દુશ્મનોના સમુહને ખુત્બો કઈ રીતે આપી શકાય. ખુત્બો આપવાની પણ અમુક શરતો છે.

ખુત્બો માનસિક તાણ નીચે આપી શકાતો નથી, બલ્કે તે માટે સંપૂર્ણ સંતોષકારક મુકત માનસિક સ્થિતિ હોવી જરૂરી છે. ભૂખ-તરસ, ગમ, મુસીબતનું આવરણ ન હોવું જોઈએ, અહીં આ કોઈ શરતો પૂરી થતી નથી. ભૂખ અને પ્યાની એવી હાલત છે કે વાત ન પૂછો! ખુત્બો આપનારની ભૂખ અને પ્યાસની તીવ્રતાનો અંદાઝ લગાવવો મુશ્કેલ છે. બીજી બાજુ હાલત એ છે કે સાથે ભૂખ અને તરસથી ટળવળતા વિલાપ કરતા બાળકો. આ ઉપરાંત ભયંકર અને બિહામણું વાતાવરણ, તેમજ જ્યાં સુધી દ્રષ્ટિ ઘુમાવો ત્યાં સુધી દુશ્મનોના ટોળે ટોળા નજરે પડે છે. દરેક નજર નફરત ભરી દેખાય છે. આમ છતાં, ખતીબે મીમ્બરે સલૂનીની પૂત્રીએ જ્યારે સંબોધન કરવા માટે જીભ ખોલી ત્યારે કાતિલોના હૈયા હચમચાવી દીધા. તમાશો જોવા આવનારની આંખો અશ્રુઓથી ભીંજાઈ ગઈ. ઠઠ્ઠા મશ્કરીના અવાજો રૂદન અને વિલાપમાં ફેરવાઈ ગયા.

જનાબે ઝયનબ સ.અ. જ્યારે ખુત્બો આપવાનો નિશ્ચય કર્યો ત્યારે ફકત એક ઈશારો કર્યો. સમગ્ર સમુહ ઉપર શાંતિ પથરાઈ ગઈ. ઈન્સાનોની સાથો સાથ જાનવરો પણ ખામોશ થઈ ગયા. અલ્લાહ રે રોઅબો જલાલ, અલ્લાહ રે વિશ્વ ઉપર આધિપત્ય અને ઈખ્તયાર, આટલો બધો ઈખ્તયાર હોવા છતાં, અલ્લાહ રે ધિરજ અને સહનશીલતા! ત્યાર પછી આ રીતે ખુત્બો શરૂ કર્યો:

અલહમ્દો લિલ્લાહે વસ્સલાતો અલા અબી મોહંમદ વ આલેહી વત્તય્યેબીનલ અખ્યાર.

“સમગ્ર પ્રશંશા અલ્લાહ માટે છે અને દુરૂદો સલામ મારા પવિત્ર પિતા મોહંમદ અને તેઓની પાકીઝા અને નેક આલ ઉપર.”

ઉપરોકત સંબોધનમાં જનાબે ઝયનબ સ.અ. રસુલે ખુદા (સ.અ.વ.)ને “અબી” એટલે કે “મારા પિતા” કહીને સલામ મોકલે છે. સામાન્ય રીતે, એહલેબયતે અત્હાર (અ.મુ.સ.)  હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)ને “જદ્દી” (જદ્દે બુઝુર્ગવાર – માનવંતા વડીલ દાદા) કહેતા હતા. જનાબે ઝયનબ સ.અ.નું પોતાના સંબોધનમાં “અબી” શબ્દ વાપરવા પાછળનું કારણ કદાચ એ હોય કે લોકો જાણી લે કે જનાબે ઝયનબ રસુલે ખુદા (સ.અ.વ.)થી કેટલા નજદીક છે. આ કૈદીઓ બીજા કોઈના નહીં પણ રસુલે ખુદા (સ.અ.વ.)ના એહલેબય્તમાંથી છે, જેઓની રિસાલતની ગવાહી દરેક મુસલમાન અઝાન, એકામહ અને નમાઝમાં દરરોજ પાંચ વખત આપે છે. આપે સંબોધનનો પ્રારંભ આ પ્રમાણે કર્યો.

“અય કૂફાવાસીઓ, દુષ્ટ અને દગાબાજો, શું તમે અમારા ઉપર રડી રહ્યા છો! તમારા આ આંસુઓ કયારેય ન સુકાય, તમારી આ ફરીયાદોનો કદી અંત ન આવે, તમારો દાખલો એવી સ્ત્રી જેવો છે જે દોરાને મજબુત રીતે વણે છે અને પછી પોતેજ તે દોરાને તોડી નાખે છે. (તમે લોકો પયગંબર સ.અ.વ. ઉપર ઈમાન લાવ્યા, તમારી વફાદારી વ્યકત કરી અને પછી તમે પોતેજ તમારા એ વાયદા અને વચનને તોડી નાખ્યા.) તમે તમારા ઈમાનમાં તમારી મનોઈચ્છા મુજબ દખલગીરી કરી. (એટલેકે ઈમાનની શરતોને પૂરી ન કરી) તમારામાં ફકત ખુશામતખોર અને તોફાની માણસો છે. સ્વાર્થી, જુઠ્ઠા અને નિરર્થક દુશ્મની અને દ્વેષ રાખનારા કનીઝોના દુષ્ટ પુત્રો, દુશ્મનોની જેમ મેણા – ટોણા આપનારા, તમે લોકો એવી શાકભાજી જેવા છો જે ઉકરડા ઉપર ઉગી હોય (દેખીતી રીતે તે ખુશનુમા છે પરંતુ આંતરિક રીતે ગંદી, દુર્ગંધ મારતી, વાતો એટલી ઉમદા અને સારી પણ અમલ એટલો બધો ખરાબ કે ધૃણા ઉપજે) અથવા તમે એવી ચાંદી જેવા છો જે ધૂળમાં દફન કરવામાં આવી હોય, તમારી જીંદગીએ તમારા માટે જે કાંઈ તૈયાર કર્યું છે તે ઘણુંજ ખરાબ છે. નિસંશય તમારી ઉપર ખુદાનો અઝાબ થશે અને તમે લોકો હંમેશા હંમેશા માટે અઝાબમાં સપડાએલા રહેશો.

“તમે લોકો રડી રહ્યા છો, વાસ્તવમાં તમે લોકોએ જ અમારા અઝીઝોના (કત્લ કરીને) ટુકડે ટુકડા કરી નાખ્યા છે અને (હવે પાછા) શા માટે ધુસ્કે ધુસ્કે રડી રહ્યા છો? ખુદાની કસમ, તમારે લોકોએ વધારે રડવું જોઈએ અને ઓછું હસવું જોઈએ. આ ગુનાહ કરીને તમે લોકોએ ઝીલ્લત અને રૂસ્વાઈ મેળવી લીધી છે. તમારા પાલવમાં પડેલા આ ડાઘ ધોવાથી કયારેય પાક નહીં થઈ શકે. (વાસ્તવમાં આ વાકય એ હકીકતની જીવંત તસ્વીર છે કે કાતિલાને હુસયન હજારો પ્રયત્ન કરવા છતાં આજ સુધી તેમના પાલવના ડાઘને ભૂંસી શકયા નથી) આ ડાઘ કેવી રીતે ધોઈ શકાશે? તમે લોકોએ ખોતમુન્નબીય્યીન અને મખ્ઝને રિસાલતના ફરઝંદ, બેહિશ્તના જવાનોના સરદાર, તમારામાંના નેકી કરનારાઓની પનાહગાહ, મઝલૂમોના રક્ષક અને રક્ષણહાર, દલીલોના મિનાર, અને સુન્નતોના આધારને કરલ કર્યા છે. તમે કેટલું બધું દુષ્ટ કૃત્ય કર્યું છે. તમારી ઉપર હલાકત અને બરબાદી થાય. તમારી ઉપર ખુદાનો અઝાબ થાય. હવે તમારા પ્રયત્નોનું કોઈ પરિણામ મળી શકે તેમ નથી. હવે હાથ કપાઈ ગયા છે, સખ્ત નુકસાન થયું છે. તમે લોકો ખુદા અને રસુલ (સ.અ.વ.)ના અઝાબ તરફ પાછા ફરી રહ્યા છો. તમારા ભાગ્યમાં ઝીલ્લત અને રૂસ્વાઈ લખાઈ ચુકી છે.”

“અય કુફાવાસીઓ, તમારી ઉપર લઅનત થાય. શું તમે જાણો છો કે તમે રસુલે ખુદા (સ.અ.વ.)ના કયા કાળજાના કટકાને કત્લ કર્યા છે! અને તેઓની કઈ પવિત્ર પુત્રીઓ (શરીફઝાદીયોં)ને બેપર્દા કરી છે? તમે કોનું લોહી વહાવ્યું છે? કોની હુરમત પાયમાલ કરી છે? તમે મોટું અધમ કૃત્ય કર્યું છે. આ એવું અધમ કૃત્ય છે કે આસમાન અને જમીન ફાટી જાય અને પહાડ ટુકડે ટુકડે થઈ જાય તો નવાઈ નહીં.

“તમે કેવું બેગૈરતી (હીન) અને બેશરમી ભરેલું કૃત્ય કર્યું છે. આ એવું દુષ્ટ કાર્ય છે જેનાથી સમગ્ર જમીન અને આસમાન ભરાઈ ગયું છે. તમારા આવા દુષ્ટ કાર્યને લીધે આસમાનમાંથી રકતની વર્ષા થાય તો નવાઈ નહીં, અને નિશંક, આખેરતનો અઝાબ તો વધારે રૂસ્વા કરનારો છે. તે દિવસે કોઈ તેઓની મદદ કરનામરૂં નહીં હોય. તેમજ ત્યારે તેઓને જરા પણ મોહલત આપવામાં નહીં આવે. ખુદાવંદે આલમ અઝાબ આપવામાં ઉતાવળ કરતો નથી. સજા પુરી થઈ જવાનો તેને (અલ્લાહને) ખૌફ નથી. બેશક તમારો પરવરદિગાર તમારી રાહ જુવે છે.”

તે વખતે હઝરત ઈમામે સજ્જાદ (અ.સ.)એ ફરમાવ્યું: ફોઈ, ખામોશ થઈ જાવ. અલહમ્દોલિલ્લાહ, આપ આલેમહ ગૈરે મોઅલ્લેમહ અને ફહમહ ગૈરમુફહહેમહ છો. (આપનું જ્ઞાન અને સમજણ કોઈ પાસેથી મેળવેલું નથી પરંતુ ખુદાવંદે તઆલાની ખાસ ભેટ છે.)

(મકતલુલ હુસયન મુકર્રમ પાના નં. ૩૧૦, ૩૧૨, લહૂફ પાના નં. ૬૮, એહતેજાજે તબરસી ભાગ-૨, પાના નં. ૩૧. નજફ બલાગાતુન નીસા પાના નં. ૨૩, અદબુલ હુસયન વ હુમાસતહ -અહમદ સાબરી, પાના નં. ૧૭૬/૧૭૮)

બસીર બિન હઝીમ અસદીનું બયાન છે કેઃ “ખુદાની કસમ મેં ઝયનબ અલયહા સલામની જેમ શ્રેષ્ઠ વકતવ્ય આપતી આટલી હયા, શરમ અને પવિત્રતામાં ડૂબેલી કોઈ સ્ત્રીને કયારેય પણ જોઈ નથી. હઝરત અલી (અ.સ.)ના મુખમાંથી શબ્દો આવી રહ્યા હોય તેવી રીતે તેઓએ ખુત્બો આપ્યો. (લહૂફ, પાના નં. ૮૮ કુમમાં પ્રકાશિત)

આ ખુત્બાની એવી અસર થઈ કે: જે લોકો ઈમામે હુસયન (અ.સ.)ની શહાદત પછી ખુશી માનવતા હતા તેમના ગુનાહનો તેઓને એહસાસ થવા લાગ્યો. તેઓને પોતાની નજરોમાં પોતાની જાત હલકી દેખાવા લાગી. તે દિવસે કૂફા વાસીઓ હૈરાન પરેશાન હતા. તેઓ આંસુ વહાવી રહ્યા હતા. પોતાના મોઢા ઉપર હાથ રાખીને પોતાની આંગળીઓ ચાવી રહ્યા હતા. બની ઉમય્યા અને તેના ટેકેદારોના પ્રોપેગંડા (જુઠા પ્રચાર) ધૂળમાં મળી ગયા. અંતમાં, જનાબે ઝયનબ સ.અ.એ ફરમાવ્યુઃ “ખુદાવંદે આલમ અઝાબ આપવામાં જલ્દી નથી કરતો.”

દરબારે ઈબ્ને ઝિયાદ

જનાબે ઝયનબ સ.અ. એ ઉપરોકત ખુત્બો કૂફાની બજારમાં ઈરશાદ ફરમાવ્યો હતો. જ્યારે ઈબ્ને ઝિયાદ નખીલાની છાવણીએથી પાછો ફર્યો અને કસ્રુલ અમારહમાં પ્રવેશ્યો ત્યારે તેણે દરબાર સજાવવાનો હુકમ આપ્યો. લોકોને દરબારમાં આવવાનું જાહેર આમંત્રણ આપ્યું અને કૈદીઓને દરબારમાં હાજર થવાનો હુકમ આપ્યો. એહલે-હરમ એવી હાલતમાં દરબારમાં લાવવામાં આવ્યા કે તેઓને જોઈને રૂંવાટા ઉભા થઈ જાય. ઈમામ હુસયન (અ.સ.)નું પવિત્ર સર એક તશ્ત (વાસણ)માં ઈબ્ને ઝિયાદ મલઉનની સામે રાખવામાં આવ્યું. જે પવિત્ર હોઠોનું હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) ચુંબન લેતા હતા તે હોઠો ઉપર તે મલઉન લાકડી મારવા લાગ્યો. તે મલઉન આવું કૃત્ય એ માટે કરતો હતો કે જેથી પોતાના વિજયની ઘોષણા કરે અને લોકો ઉપર પોતાનો રોબ જમાવી શકે, લોકોને પોતાના ઝુલ્મથી ગભરાવી શકે તેમજ લોકાને એવું દેખાડી શકે કે હવે બની હાશિમ અને રસુલે ખુદા (સ.અ.વ.) ના ખાનદાનમાં પ્રતિકારની શકિત અને તાકત રહી નથી. તેઓના ખાનદાનના તમામ લોકોને કત્લ કરી નાખવામાં આવ્યા છે. હવે તેની અને યઝીદની હુકુમતને કોઈ ખતરો નથી.

દરબારનું આ દ્રશ્ય જોઈને અકીલા-એ-બની હાશીમ જનાબે ઝયનબ સ.અ. તિરસ્કાર પૂર્વક નજર ફેંકતા, અમલી વિરોધ દર્શાવતા ઔરતોથી અલગ જઈ બેઠા. તેઓની વર્તણુંકથી સ્પષ્ટ લાગતું હતું કે વાતાવરણથી તેઓ સખ્ત નારાજ છે. તેમના ચેહરા ઉપર ખાનદાને ઈમામતનો રોબો-જલાલ હતો. મુખ ઉપર ચાદરે તત્હીરનો પરદો હતો.

ઈબ્ને ઝિયાદે પુછયું કે: આ એક બાજુ ખસીને બેસેલી સ્ત્રી કોણ છે? મારા દરબારમાં મારી આટલી ઉપેક્ષા કરનારી સ્ત્રી કોણ છે? લોકોએ કહ્યું: અમીરૂલ મોઅમેનીન અલી (અ.સ.)ની પુત્રી ઝયનબ અકીલહ છે.

આ સાંભળતાની સાથે ઈબ્ને ઝિયાદના શરીરના રૂંચે રૂંવામાં જાણે કે આગ લાગી ગઈ. તેણે પોતાના દિલની આગ બુજાવવા અને જનાબે ઝયનબ સ.અ.ના ભગ્ન હૃદયને વધારે દિલગીર કરવાના હેતુથી કહ્યું: એ ખુદાની પ્રશંસા છે જેણે તમને (મઆઝલ્લાહ) ઝલીલ કર્યા અને તમને (તમારા સાથેના લોકોને) કત્લ કર્યા અને તમારી વાતોને જુઠી કરી દેખાડી.

જનાબે ફાતેમા ઝહેરા સ.અ.ના લાડલી પૂત્રી પોતાની માતાની જેમ દરબારમાં ઉભા થઈ ગયા. બધી જાતના ભયથી સંપૂર્ણ પણે નીડર બનીને, રાજવી રોબો-જલાલને પગ નીચે કચડીને એટલો સ્પષ્ટ અને નીર્ભયતાપૂર્વક જવાબ આપ્યો, ન તો તેઓના શબ્દમાં થરથરાટ હતો ન તો લેહજામાં કંપારી હતી.

અલ હમ્દો લિલ્લાહીલ્લઝી અકરમના બે નબીય્યેહી મોહમ્મદ વતહહરના મેનર રીજસે તત્હીરા. ઈન્નમા યફ તઝેહુલ ફાસેકો વયકઝીબુલ ફાજેરો વહોવ ગયરોના.

એ ખુદાવંદે આલમની હમ્દો સના છે, જેણે પોતાના નબી (સ.અ.વ.) દ્વારા અમોને ઈઝત અને બુઝુર્ગી અતા કરી અને અમને દરેક પ્રકારના અપવિત્રતા અને અયબથી સંપૂર્ણ રીતે પાકો પાકીઝા રાખ્યા. બેશક ફકત ફાસિકોજ ઝલીલ અને રૂસ્વા થાય છે અને દુરાચારીજ જૂઠ બોલે છે અને એવા અમે નથી પરંતુ બીજાઓ છે.

જનાબે ઝયનબે કેટલી સુંદર રીતે ઈબ્ને ઝિયાદને જવાબ આપ્યો કે: ખુદાવંદે આલમે અમોને નબીએ અકરમ (સ.અ.વ.) મારફત બુઝુર્ગી આપી. એટલેકે નબી (સ.અ.વ.)નો સંબંધ અમારી સાથે છે, તમારી સાથે નથી. અમોને જે ઈઝઝત પ્રાપ્ત થઈ છે તે ખુદા તરફથી છે. આ ઈઝઝતને તમે કોઈ પણ રીતે આંચકી શકો તેમ નથી. ખુદાવંદે આલમે અમોને દરેક અયબ અધુરાશથી પાક રાખ્યા છે તેથી કોઈ દુરાચાર કે દુષ્ટતા અમારી નજદીક પણ આવી શકે નહી. અમે જે વાત કહેશું તે જ સાચી હશે. જનાબે ઝયનબ સ.અ.એ વાત સ્પષ્ટ કરી દીધી કે આયતે તત્હીર તેમની જ શાનમાં નાઝીલ થઈ છે. ઈબ્ને ઝિયાદ જેવો મલઉન આ વાત સાંભળીને ચૂપ રહે અને કોઈ એતરાઝ ન કરે તે એ વાતની દલીલ છે કે તે પણ જાણતો હતો કે આયતે તત્હીર એહલેબયત (અ.સ.)ની શાનમાં નાઝીલ થઈ છે.

જ્યારે ઈબ્ને ઝિયાદ કોઈ જવાબ આપી ન શકયો ત્યારે પોતાના દિલની આગ ઠંડી પાડવા માટે બોલ્યોઃ “તમે તમારા એહલેબયતના બારામાં ખુદાના કામને કેવું જાણ્યું?” (એટલે કે વ્યંગના અર્થમાં ખુદાએ તમારી સાથે આવી વર્તણુંક કરી એ કેવું લાગ્યું?)

આ વાકય “જબ્ર”ની વિચારધારાને અનુસરે છે એટલેકે તેઓએ કંઈ કામ કર્યુ નથી પણ જે કાંઈ થયું છે તે બધુ ખુદાએજ કર્યુ છે. અને ખુદાએ જ તમારી સાથે આવો વ્યવહાર કર્યો છે. એટલેકે કરબલાના વાકેઆની જવાબદારી તેમની નહીં પણ ખુદાવંદે આલમની છે. (મઆઝલ્લાહ)

જનાબે ઝયનબે સ.અ.આ વાકયની પાછળ ગર્ભિત દ્રષ્ટિકોણ અને હેતુને રદીયો આપવા માટે ઈરશાદ ફરમાવ્યું: મેં ખુદાના કામને શ્રેષ્ઠ જાણ્યું ખુદાએ તેઓ (અ.સ.) માટે શહાદત નિર્માણ કરી હતી. તેથી તે લોકો શહાદતગાહમાં પહોંચી ગયા. પરંતુ ખુદાવંદે આલમ ખુબજ ટુંકા ગાળામાં તમને અને તેઓને એકબીજાની સામે કરી નાખશે. પછી ત્યાં મુકદ્દમો રજુ થશે. તે લોકો (અ.સ.) તમારા વિરૂધ્ધ દલીલ રજુ કરશે. ત્યારે જોઈ લેજો કે કોણ સફળ થાય છે? અય મરજાનાના પૂત્ર, તે દિવસે તારી મા તારી ઉપર વિલાપ કરશે.

જનાબે ઝયનબ સ.અ.એ વાત સ્પષ્ટ કરી દીધી કે તે દિવસે તારી પાસે કોઈ જવાબ નહીં હોય અને ઝીલ્લત અને રૂસ્વાઈ તારૂં ભાગ્ય બની ચૂકી હશે તે દિવસે તને જણાઈ આવશે કે વિજય કોનો છે અને હાર કોના ભાગ્યમાં આવી? જનાબે ઝયનબે ભર્યા દરબારમાં ખુરસી પર બેઠેલા લોકોના સમુહની વચ્ચે સશસ્ત્ર સિપાહીઓની હાજરીમાં ગર્વ અને ઘમંડમાં ચૂર ઈબ્ને ઝિયાદને ઝલીલ કરી નાખ્યો. ઈબ્ને ઝિયાદની તમામ યોજનાઓને ધૂળ-ધાણી કરી દીધી. કરબલાના વાકેઆનું મનઘડત અર્થઘટન કરવાના કાવત્રાને નિષ્ક્રિય બનાવી દીધું. ભર્યા દરબારમાં ઈબ્ને ઝિયાદ પોતાની ઝીલ્લત રૂસ્વાઈ અને પરાજય થતો જોઈને ધૂઆં ફૂઆં થઈ ગયો અને ક્રોધથી ધ્રુજવા લાગ્યો.

(મકતલુલ હુસયન, મુકર્રમ ૩૨૪, કુમમાં પ્રકાશિત)

જ્યારે ઈબ્ને ઝિયાદ કોઈ જવાબ ન આપી શકયો ત્યારે તેણે જનાબે ઝયનબ સ.અ.નું દિલ દુભાવવા માટે કહ્યુઃ “(મઆઝલ્લાહ) તમો એહલેબયતના બાગીઓ, ગુનેહગાર, ઘમંડી અને માથું ઉંચકવાવાળા લોકોને કત્લ કરવાથી ખુદાએ મારા દિલને શફા આપી છે.” આ સાંભળીને જનાબે ઝયનબ સ.અ.ની આંખોમાં આંસુ આવી ગયા અને આપે ફરમાવ્યુઃ “ખુદાની કસમ, તમે લોકોએ મારા બુઝુર્ગોને કત્લ કર્યા છે. અમારા એહલેબયતને ઘરે ઘરે ફેરવ્યા છે. મારો શ્વાસ રૂંધી નાખ્યો છે. મારા મુળ (વંશજ)ના ટુકડે ટુકડા કરી નાખ્યા છે. જો આવા (અધમ) કૃત્યોથી જ તમારા દિલ ઠંડા પડતા હોય તો તમારા દિલોને ઠંડા કરો.” (કામિલે ઈબ્ને અસીર, ૪/૩૨, મકતલ ખ્વારઝમી ૨/૪૨)

આ તબક્કે પણ જનાબે ઝયનબ સ.અ.એ ઈબ્ને ઝિયાદની વાતને ખોટી પાડી અને સાબિત કરી આપ્યું કે: મારા એહલેબયતને ખુદાએ નહીં પણ તમે અને તમારા સિપાહીઓએ કત્લ કર્યા છે.

યઝીદનો દરબાર

યઝીદ મલાનને જ્યારે ઈમામે હુસયન (અ.સ.)ના કત્લ થવાના સમાચાર મળ્યા ત્યારે તે બહુ ખુશ થયો. (હઝરત અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ની શહાદતની ખબર મળતા મોઆવિયા પણ ખુશ થયો હતો.) જનાબે હમઝાની શહાદતથી યઝીદની દાદી હિન્દા રાજી થઈ હતી. તેણે ઈબ્ને ઝિયાદને પત્ર લખ્યો કે: કૈદીઓને તુરતજ શામ મોકલી આપો.

ગમગીન અને ત્રસ્ત થએલા કૈદીઓનો કાફલો શામ જવા માટે રવાના થયો. ઈમામે ઝયનુલ આબેદીન (અ.સ.)ના હાથ ગરદનની પાછળથી બાંધેલા હતા. એહલેબયત (અ.સ.)ની પવિત્ર સ્ત્રીઓ તેમની સાથે હતી. રસ્તામાં મુસીબતો સહન કરતા કરતા આ કાફલો શામના દરબારમાં પહોંચ્યો. શામના ભરેલા દરબારમાં યઝીદે જે કાવ્ય પંકિતઓ કહી તે યઝીદના ખાનદાનના અકીદાને પ્રતિબિંબીત કરતી હતી. એ પંકિતઓથી સ્પષ્ટ થાય છે કે યઝીદનો ઈસ્લામ સાથે કોઈ સંબંધ નથી. તે કાવ્ય પંકિતનો ભાવાર્થ નીચે મુજબ છે:

“જો અત્યારે મારા બાપ-દાદા જીવતા હોત તો તેઓ બહુજ ખુશ થાય અને દોઆઓ આપત કે મેં તેઓ વતી કેવો બદલો લીધો. હાશીમના ખાનદાને એક ખેલ રચ્યો હતો. નહિતો ન કોઈ નબી આવ્યા હતા અને ન તો કોઈ વહી નાઝીલ થઈ હતી.”

આ તબક્કે પણ અલી (અ.સ.)ના શેરદિલ પુત્રી, ફાતેમી અંદાઝથી ઉઠયા અને ખિલાફતના મનસુબાઓને ધૂળ-ધાણી કરી નાખ્યા. પોતાના પવિત્ર માતાની જેમ તે સમયના શાસકને ભર્યા દરબારમાં હડધૂત કરી નાખ્યો. જનાબે ઝયનબ સ.અ.એ પોતાનો ખુત્બો આ રીતે શરૂ કર્યો.

અલહમ્દો લિલ્લાહે રબ્બીલ આલમીન, સમગ્ર દુનિયાઓના પાલનહાર ખુદાની હમ્દો સના, ખુદાના રસુલ અને તેમની આલ ઉપર દુરૂદો સલામ. ખુદાવંદે આલમે સત્ય ફરમાવ્યું છે: જે લોકોએ દુષ્ટ કૃત્યો કર્યા છે અને ખુદાની આયતોને જુઠલાવી અને તેની મજાક કરી છે, તેમનો અંત (ઘણોજ) ખરાબ થશે. (રૂમ આ. ૧૦.)

“અય યઝીદ શું તું એવું ગુમાન કરે છે કે તેં આસમાનો અને જમીનોની વિશાળતાને અમારા માટે તંગ કરી દીધી છે અને અમને કૈદી બનાવીને દર બદર ફેરવ્યા છે, આ કૃત્ય (તારી માન્યતા પ્રમાણ) ખુદાની નઝદીક આપણા બધાની અને તારી ઈઝઝતનું કારણ બનેલ છે? આવી માન્યતાથી તું ફુલાઈ ગયો છે, અને ગર્વ અને ઘમંડથી તારી જાતને જોઈ રહ્યો છે, કે તારી દુનિયા આબાદ અને તારૂં કામ યોગ્ય થઈ ગયું છે. જે હોદ્દો અને સ્થાન અમારા હતા તેની ઉપર તે બળજબરીથી કબજો જમાવી દીધો છે. (જો આ પ્રકારના બાતિલ ખ્યાલો તારા દિમાગમાં છે) તો પછી ઉતાવળ કરીશ નહીં, જરા થોભી જા. શું તે કુરઆનમાં નથી જોયું (વાસ્તવમાં જે વહીનો ઈન્કાર કરી રહ્યો છે તે કુરઆન એ વાતનો જીવંત પુરાવો છે અને તારી વાતનો ખોટી પાડવા માટે પૂરતુ છે.) ખુદાનું એ કથન તું ભૂલી ગયો કેઃ “જે લોકોએ કુફ્ર કર્યું તે હરગીઝ એવું ન વિચારે કે અમે તેની ભલાઈ માટે તેમને મોહલત આપી રહ્યો છીએ. અમે તેઓને એ માટે મોહલત આપી રહ્યા છે કે જેથી તે લોકો પોતાના ગુનાહોમાં ખૂબજ વૃધ્ધિ કરી શકે અને તેઓ માટે દર્દનાક અને હડધૂત કરનારો અઝાબ છે.” (આલે ઈમરાન, ૧૭૭)

અય તોલકાઅના પૂત્ર (મુકત) કરાએલ મક્કા ઉપર વિજય મેળવતી વખતે હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) એ મક્કાવાસીઓને જેમાં અબૂ સુફયાન અને બીજા બની ઉમય્યહ શામીલ હતા તેમને આમ કહીને આઝાદ (મુકત) કરી દીધા હતા, “ઈઝ હબૂ ફઅન્તોમુતતોલકાઅ” અર્થાત જાવ, તમે બધા આઝાદ છો જનાબે ઝયનબ સ.અ.એ ઐતિહાસિક બનાવ પ્રત્યે આ શબ્દો દ્વારા ઈશારો કરી રહ્યા છે, અને ઈસ્લામમાં બની ઉમય્યાની હૈસિયત સ્પષ્ટ કરી રહ્યા છે.) શું એ ઈન્સાફની વાત છે કે તારી સ્ત્રીઓ અને કનીઝો પર્દામાં રહે અને રસુલે ખુદા (સ.અ.વ.)ની પૂત્રી કૈદી બનાવીને ફેરવવામાં આવે. તેમનો પરદો લૂંટી લેવામાં આવે, તેમને બેનકાબ (બેપર્દા) કરી નાખવામાં આવે અને દુશ્મનો તેમને એક શહેરથી બીજે શહેર દર-બદર ફેરવતા રહે. શરીફ અને અધમ લોકો તેઓને જુવે. નઝદીક અને દૂરના લોકો તેઓને ઘુરકીને જુવે. ન તો કોઈ મદદ કરવાવાળું અને ન પુરૂષોમાં એમનો કોઈ વલી અને સરપરસ્ત હોય તેઓ રહેમની આશા કેવી રીતે રાખી શકે. જે પાકીઝા લોકોનું કલેજુ (જીગર) ચાવી ચુકયા હોય અને જેમના હાડ-માંસ શોહદાએ ઈસ્લામના રકતથી બન્યા હોય, તેવા લોકો અમો એહલેબયત (અ.સ.)ની અદાવત અને દુશ્મનીની એક પણ તક કઈ રીતે જતી કરી શકે? જેઓ તે લોકોને રાગ દ્વેષની નજરથી જોયા હોય અને જેઓનું દિલ અમારા પ્રત્યેની શત્રુતાથી ભરેલું હોય. અને પછી તું ગુનાહનો વિચાર કર્યા વગર બિલ્કુલ બેશરમ થઈને એમકહે કેઃ “જો મારા બાપ-દાદા (જીવતા) હોત તો મને મુબારકબાદ આપત અને કહેત કે યઝીદ તારા હાથ કયારેય ન કપાય.” અને આ વાકય બોલતી વખતે જન્નતોના જવાનોના સરદાર હઝરત અબા અબ્દીલ્લાહ હુસયન (અ.સ.)ના પવિત્ર હોઠો ઉપર લાકડી મારે અને પછી લોકોના સમુહની વચ્ચે તેઓ (અ.સ.) ઉપર ખોટા આક્ષેપ મુકે. અને એવા વાકયો તું કેમ ન કહે! તેજ તો જખ્મોને ખોલ્યા છે, તેંજ ઝુર્રીયતે રસુલનું રકત વહાવ્યું છે. અબ્દુલ મુત્તલીબના ખાનદાનના તારલાઓને પૃથ્વી પરથી મીટાવીને ચુપ કરી નાખ્યાં છે અને તું તારા બાપ-દાદાઓને બોલાવી રહ્યો છે અને તારા ખ્યાલ મુજબ તું તેઓ સાથે વાતચીત કરી રહ્યો છે. થોડાજ સમયમાં તું પણ તેઓ સાથે જઈ મળીશ અને તે વખતે તું એવી ઈચ્છા કરીશ કે કાશ, મારા બાવડા ખોટા પડી ગયા હોત અને મારી જીભ મુંગી થઈ ગઈ હોત અને મેં જે કાંઈ કર્યું તે ન કર્યું હોત તો કેટલું સારૂં હતું. અને કાશ જે કાંઈ મેં કહ્યું છે તે ન કહ્યું હોત તો કેટલું સારૂં થાત?

ખુદાની કસમ, અય યઝીદ આ ઘાતકી કૃત્ય અને ગુનાહથી તેં પોતે તારા અસ્તિત્વના ટુકડે ટુકડા કર્યા છે અને તારા પોતાના ગોશ્તના ટુકડે ટુકડા કર્યા છે. તમે (લોકો) હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)ની એહલેબય્તનું લોહી વહાવીને તેઓની હુરમતને પાયમાલ કરીને તેઓ (સ.અ.વ.)ની સામે કયા મોઢે હાજર થશો? હા, એ દિવસે જ્યારે ખુદા તે લોકોને ભેગા કરશે અને તે વિખરાઈ ચુલેલાને એક જગ્યાએ એકઠા કરશે ત્યારે તેઓનો હક પાછો મેળવશે. “ખુદાની રાહમાં શહીદ થનારને હરગીઝ હરગીઝ મુર્દા ન સમજતા બલ્કે તેઓ જીવિત છે અને પોતાના પાલનહાર પાસેથી રોઝી મેળવી રહ્યા છે.” (સુ. આલે ઈમરાન, આ. ૧૬૮)

અય યઝીદ તારા માટે એટલું પુરતું છે કે ખુદા હુકમ કરનારો હોય અને હઝરત મોહમ્મદ મુસ્તુફા (સ.અ.વ.) ફરીયાદ કરનારા હોય અને જીબ્રઈલ તેમના મદદગાર હોય. એ લોકોને પણ નજદીકના સમયમાં ખબર પડી જશે જેઓએ તને આ જગ્યાએ બેસાડયો છે અને મુસલમાનોની ગરદન પર સવાર કર્યો છે. ઝાલિમોનો અંજામ કેવો ખરાબ થશે અને તમારા લોકનું ઠેકાણું કેટલું આફતોથી ભરપુર હશે અને તમારો સમુહ કેટલો અધિક નબળો હશે.

અય યઝીદ, જો કે સંજોગો અને મુસીબતોએ મને અહીં ઉભી કરી દીધી છે જેથી મારે તને સંબોધન કરવું પડે છે પરંતુ હું તને તુચ્છ ગણું છું તારી મઝમ્મત અને ટીકા કરૂં છું. અને કેમ ન હોય? આંખો આંસુથી છલકાય છે અને દિલ સગા સંબંધીઓના વિયોગમાં સળગી રહ્યું છે.

આશ્ચર્ય અને વધારે વિસ્મયની વાત તો એ છે કે ખુદાએ પસંદ કરેલા અને શરીફ લોકોનો સમુહ શયતાન અને મુકત થએલા (તોલકા) લોકોના હાથો વડે કત્લ થાય. તારા આ હાથ અમારા લોહીથી ખરડાએલા છે. તમારા મોઢા ખાનદાને પયગમ્બર (સ.અ.વ.)ના ગોશ્તથી ભરેલા છે. હાય, પાકો પાકીઝા તૈયબો-તાહીર શરીરો જમીન ઉપર પડેલા છે અને રણનિવાસીઓ તે શરીરને જોઈ રહ્યા છે. રણની માટી ઉડીને તે પવિત્ર શરીરો પર પડી રહી છે અય યઝીદ જો તે અમારા કૈદી અને બંદીવાન થવાને સારૂ ગણ્યું છે તો બહુ ટુંક સમયમાં તને એ વાત જણાઈ જશે – તું હોઈશ અને તારા આમાલ હશે તે દિવસે સંગ્રહ કરેલી કોઈ વસ્તુઓ કામ નહીં લાગે. ખુદાવંદે આલમ તેના બંદાઓ ઉપર હરગીઝ ઝુલ્મ કરતો નથી. અલ્લાહની બારગાહમાં (મારી) શિકાયત છે અને તેની ઝાત ઉપર (મને) ભરોસો છે.

અય યઝીદ, તું તારા તમામ શસ્ત્રો વાપરીને તારી તમામ કોશીષો કરી લે, તારી બધીજ તાકાત વાપરી નાખ, પરંતુ ખુદાની કસમ, તું અમારા ઝીક્રને મીટાવી શકીશ નહીં. તું અમારી વહીનો નાશ કરી શકવાનો નથી. તેમજ ઝીલ્લત અને રૂસ્વાઈને તારાથી દૂર રાખી શકવાનો નથી. તારી વિચારધારા અને ચિંતન એકદમ નબળુ છે. બસ હવે તારી જીંદગી અને બેઠક થોડા દિવસની છે એક દિવસ એક પોકારનાર અવાજ બુલંદ કરશે કેઃ “બેશક ઝાલિમો ઉપર ખુદાવંદે આલમની લાનત છે.”

“વલ હમ્દો લિલ્લાહે રબ્બીલ આલમીન” બ્રહ્માંડના પરવરદિગારની પ્રશંસા જેણે અમારો પ્રારંભ સઆદત અને મગરેફત નિશ્ર્ચિત કર્યો અને અમારો અંત શહાદત અને રહમતથી. હું ખુદાની બારગાહમાં દોઆ માટે હાથ ઉપાડું છું કે શહીદોને સૌથી સંપૂર્ણ સવાબ અતા કરે અને તેમાં વધારે વૃદ્ઘિ કરે. અને અમારી જાંનશીનીને શ્રેષ્ઠ ગણાવે. બેશક, તે રહીમ અને મહેરબાન છે. ખુદા અમારે માટે પૂરતો અને તેજ બેહતરીન વકીલ (અભિભાષક) છે. (બલાગાતુન નિસા, પાના નં. ૨૧, મકતલે ખ્વારઝમી, ૨/૬૪, મકતલુલ હુસયન મુકર્રમ ૩૫૭, અદબુલ વ દેહમાસ્તહ ૧૭૯, ૧૮૧)

ઉપરોકત ખુત્બાના શબ્દો ઉપર ચિંતન કરો. અને સિતમઝદા, મુસીબતોમાં ઘેરાએલા કૈદી અને બંદીવાનીની હાલતમાં જનાબે ઝયનબની શુજાઅત જુઓ. અવાજમાં કોઈ પ્રકારની ધ્રુજારી નહીં, લેહજામાં કોઈ ક્ષમાયાજનાનો ભાવ નહીં અને ન તો કોઈ અપરાધ કર્યાની ભોંઠપ જોવા મળતી હતી. પરંતુ કત્લ અને શહાદતને પોતાના માટે સંપત્તિ, અધિકાર અને સઆદત સમજે છે. અને (તેજ બાબત) જાલિમો માટે અપમાન અને હલકાઈ સમજી રહ્યા છે. જનાબે ઝયનબે ભરેલા દરબારમાં ફરમાવ્યું હતું કે: તું અમારો ઝીક્ર મીટાવી શકીશ નહીં અને અમારી વહીને સમાપ્ત કરી શકીશ નહીં. આજ સુધી દરેક અઝાન અને નમાઝ, દીનના દરેક કાર્યો આ વાતનું સમર્થન અને સત્યતાની સાબિતિ આપી રહ્યા છે કે આજે પણ અમુક યઝીદ આ ઝીક્રને નાબુદ કરવાના પ્રયત્નો કરી રહ્યા છે, પરંતુ તેનો અંત પણ તેના બુઝુર્ગોની જેવોજ આવવાનો છે.

ખુદાવંદે આલમ અમારા સમાજની સ્ત્રીઓને જનાબે ઝયનબ સ.અ.ના નકશે કદમ ઉપર ચાલવાની તૌફીક આપે. જેથી આજના ઝુલ્મ અને કુફ્રના વાતાવરણમાં અદલ (ન્યાય) અને ઈસ્લામી શિક્ષણને જીવંત કરી શકાય.

વ આખેરો દઅવાના અનીલ હમ્દો લિલ્લાહે રબ્બીલ આલમીન.

Have your say!

Add your comment below, or trackback from your own site. You can also subscribe to these comments via RSS.

Be nice. Keep it clean. Stay on topic. No spam.