Home » અલ-મુન્તઝર માહે મોહર્રમ » ૧૪૩૫

મજલીસે ઇમામ હુસૈન(અ.સ.)

Print Friendly, PDF & Email

જેમ જેમ મોહર્રમ નજીક આવે છે, કરબલાવાળાઓની યાદ, ઇન્તેઝાર અને વ્યવસ્થા શરૂ થવા લાગે છે. એહલેબૈતે અત્હારના ફઝાએલ અને મનાકિબ, મસાએબ અને ઝુલ્મોના ઝિક્રની મજલીસોનું આયોજન થવા લાગે છે. રસુલ અને આલે રસુલના ચાહવાવાળાઓના ટોળે ટોળા આ મજલીસોમાં શિરકત કરવા લાગે છે, પરંતુ અમુક લોકો કારણ વિના દર્દમાં મુબ્તેલા થાય છે અને ખબર નથી કે તેઓને આ મજલીસો શા માટે સારી નથી લાગતી. જુદા જુદા ફત્વાઓ બહાર પાડવા લાગે છે અને આ મજલીસોની લાભદાયકતા પર ચર્ચા થવા લાગે છે. સમયની કિંમતનો ઝિક્ર થવા લાગે છે. મોહર્રમના સમયમાં સમયની કિંમતનો એહસાસ કંઇક વધારે જ થવા લાગે છે. કૌમની સુધારણા અને સમાજની સુધારણાની ચર્ચાઓ થવા લાગે છે. આ પ્રકારની વાતોથી ક્યારેક આપણા પોતાના પણ પ્રભાવિત જોવા મળે છે. અમુક લોકો તો આ મજલીસોને બિદઅત તરીકે ગણાવે છે અને તેના ઇન્તેઝામ અને શરીક થવાને ગુનાહ ગણાવે છે. તાઝિયા અને ઝુલજનાહના બારામાં સવાલ પૈદા કરે છે. આવો જોઇએ અલ્લાહની કિતાબ કુરઆન અને તેના રસુલ(સ.અ.વ.)ની સુન્નત અને હદીસમાં શું બયાન થયુ છે.

હલાલ હોવું મૂળ છે હુરમત નહી:

દીને મુકદ્દસે ઇસ્લામે મુળભુત રીતે ચીજોને હલાલ અને પાક ગણાવી છે “કુલ્લો શય્ઇન લક હલાલુન “દરેક ચીજ તમારા માટે હલાલ છે અને “કુલ્લો શય્ઇન લક તાહેરૂન દરેક ચીજ તમારા માટે પાક છે જ્યાં સુધી તેના હરામ અને નજીસ હોવાના બારામાં જાણ ન થાય.

આના પરથી સ્પષ્ટ થાય છે કે હરામ અને નજીસ હોવા માટે દલીલ જરૂરી છે. હલાલ અને પાક હોવા માટે નહી. આથી અગર કોઇ ચીજને હરામ અથવા નાજાએઝ સમજવામાં આવી રહી છે, તો તેના હરામ અને નાજાએઝ હોવા માટે દલીલ જરૂરી છે. આથી જે લોકો મોહર્રમની મજલીસો વિગેરે પર વાંધો ઉઠાવે છે, તેઓની જવાબદારી છે કે તેના માટે હરામ હોવાની દલીલ બયાન કરે, કારણ કે તેમની પાસે કોઇ મજબુત દલીલ નથી અને તેઓને એ વાતનો કદાચ એહસાસ પણ છે. આથી તેઓ ઉલટા અઝાદારોની પાસે દલીલ માંગે છે.

મજલીસ:

સુ. બકરહ આયત ૧૫૨ માં ખુદાવંદે આલમ ઇરશાદ ફરમાવે છે:

“ફઝ્કોરૂની અઝ્કુર કુમ્

“તમે મારો ઝિક્ર કરો હું તમારો ઝિક્ર કરીશ

આ આયતની નીચે એહલે સુન્નતના બુઝુર્ગ આલીમ જનાબ જલાલુદ્દીન સુયુતી એ પોતાની તફસીર દુર્રે મન્સુરમાં અસંખ્ય રિવાયતોનો ઉલ્લેખ કર્યો છે. નીચે અમુક રિવાયતોનો ઉલ્લેખ કરીએ છીએ.

(૧) ખાલીદ ઇબ્ને અબી ઉમરની રિવાયત છે. હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)એ ફરમાવ્યું:

“મન્ અતાઅલ્લાહ ફ કદ્ ઝકરલ્લાહ વ ઇન્ કલ્લત્ સલાતોહુ વ સેયામોહુ વ તેલાવતુલ્ કુર્આને વ મન્ અસલ્લાહ ફ કદ્ નસેયલ્લાહ વ ઇન્ કસોરત્ સલાતોહુ વ સેયામોહુ વ તેલાવતોહુ

“જેણે ખુદાની ઇતાઅત કરી તેણે ખુદાને યાદ કર્યો, ભલે પછી તેની નમાઝો, રોઝાઓ અને તિલાવતે કુર્આન ઓછી કેમ ન હોય અને જેણે ખુદાની નાફરમાની કરી તેણે ખુદાને ભૂલાવી દીધો ભલે પછી તેની નમાઝો, રોઝાઓ અને તિલાવતે કુર્આન વધારે કેમ ન હોય

(તફસીરે દુર્રે મન્સુર, ભાગ:૧, પાના:૧૪૯)

(૨) મઆઝ બીન અનસની રિવાયત છે. હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)એ ફરમાવ્યું: ખુદા ફરમાવે છે:

“લા યઝ્કોરોની અહદુન્ ફી નફ્સેહી ઇલ્લા ઝકર્તોહુ ફી મલાઇન મિન્ મલાએકતી વ લા યઝ્કોરોની ફી મલાઇન ઇલ્લા ઝકર્તોહુ ફી રફીકીલ્ અઅ્લા

“જ્યારે કોઇ મને દિલમાં યાદ કરે છે, હું મલાએકામાં તેનો ઝિક્ર કરૂ છું અને જ્યારે કોઇ સમૂહમાં મને યાદ કરે છે, હું રફીકે અઅ્લા (જન્નતનો બુલંદ તરીન દરજ્જો)માં તેનો તઝકેરો કરૂ છું

(તફસીરે દુર્રે મન્સુર, ભાગ:૧, પાના:૧૪૯)

(૩) અબુ હુરૈરા અને અબુ સઇદે હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)થી આ રિવાયત નકલ કરી છે:

“જ્યારે અમુક લોકો બેસીને અલ્લાહને યાદ કરે છે, તો મલાએકા તેઓને ઘેરી લેય છે અને રેહમતો તેમના પર છવાય જાય છે, સકીના તેના પર નાઝિલ થાય છે, જે લોકો ત્યાં હોય છે ખુદા તેમનો ઝિક્ર કરે છે

(તફસીરે દુર્રે મન્સુર, ભાગ:૧, પાના:૧૫૦)

(૪) બુખારી અને મુસ્લીમ એ અને બયહકીએ અલ અસ્મા વસ્સિફાતમાં અબુ હુરૈરા થકી હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)ની આ રિવાયત વર્ણવી છે:

“ખુદાવંદે આલમની પાસે એવા ફરિશ્તા છે જે રસ્તાઓ પર ચાલતા રહે છે અને એહલે ઝિક્રને તલાશ કરતા રહે છે. જ્યારે અમુક લોકોને ઝિક્રે ખુદામાં મશ્ગુલ જુએ છે, તેઓને કહે છે પોતાની હાજતો બયાન કરો. તેઓ તેમને આસ્માન સુધી પોતાની પાંખોમાં ઘેરી લે છે. જ્યારે આ ઝિક્રની મજલીસ પુરી થાય છે તો ફરિશ્તા આસ્માનમાં પાછા ચાલ્યા જાય છે.

ખુદા તેઓને પુછે છે, જ્યારે કે તે બધુ જાણે છે. તમે લોકો ક્યાંથી આવો છો? તેઓ કહે છે કે અમે તારા બંદાઓની પાસેથી આવી રહ્યા છીએ જે તારી તસ્બીહ કરી રહ્યા હતા, તકબીર કરી રહ્યા હતા, તારી હમ્દ કરી રહ્યા હતા.

ખુદા ફરમાવે છે: શું તેઓએ મને જોયો છે? ફરિશ્તા કહે છે: હરગીઝ નહી.

ખુદા ફરમાવે છે: અગર મને જોઇ લેત તો શું થાતે? ફરિશ્તા કહે છે: અગર તને (દિલની આંખોથી) જોઇ લેત તો હજી વધારે તારી ઇબાદત કરતે, તારી હમ્દ અને સના કરતે અને તારી તસ્બીહ કરતે.

ખુદા ફરમાવે છે: તે લોકો શું માંગી રહ્યા છે? ફરિશ્તા: તેઓ તારી પાસેથી જન્નતનો સવાલ કરી રહ્યા છે. તેમને તારી જન્નતની ઇચ્છા છે.

ખુદા ફરમાવે છે: શું તેઓએ જન્નત જોઇ છે? ફરિશ્તા કહે છે: નથી જોઇ.

ખુદા ફરમાવે છે: અગર જન્નત જોઇ લેતે તો શું થાત? ફરિશ્તા કહે છે: અગર જોઇ લેત તો હજી વધારે શૌખથી તેની માંગણી કરતે, તેની તલબ ખુબ વધી જાત.

ખુદા ફરમાવે છે: તેઓ કઇ ચીજથી પનાહ માંગી રહ્યા છે? ફરિશ્તા કહે છે: જહન્નમની આગથી.

ખુદા ફરમાવે છે: શું તેઓએ તેને જોઇ છે? ફરિશ્તા કહે છે: નથી જોઇ.

ખુદા ફરમાવે છે: અગર તેઓએ જહન્નમને જોઇ હોત તો તેનાથી ખુબ દૂર ભાગતે અને વધારે ભયભીત રહેતે.

ખુદા ફરમાવે છે: હું તમને લોકોને ગવાહ બનાવીને કહુ છું, મેં તેઓને માફ કરી દીધા. તે સમયે મલાએકા કહે છે: ત્યાં એક શખ્સ એવો પણ હાજર હતો જે ઝિક્ર માટે આવ્યો ન હતો પણ એક હાજત લઇને આવ્યો હતો.

ખુદા ફરમાવે છે: આ એ લોકો છે જેનો સાથીદાર ક્યારેય બદ્બખ્ત નહી થાય. (એટલે તેઓની સાથે તેને પણ માફ કરી દેવામાં આવશે)

(તફસીરે દુર્રે મન્સુર, ભાગ:૧, પાના:૧૫૦-૧૫૧)

(૫) ઇબ્ને અબી શયબા એહમદ અને મુસ્લિમ અને તિરમિઝી અને નિસાઇ એ મોઆવીયાથી આ રિવાયત વર્ણવી છે.

“હઝરત રસુલે ખુદા(સ.અ.વ.) અસ્હાબના એક સમુહ પાસેથી પસાર થયા, તેઓને પુછ્યુ તમે લોકો અહી શા માટે બેઠા છો? કહેવા લાગ્યા અમે અહી બેઠા છીએ, ઇસ્લામે અમને જે હિદાયત આપી છે, અમે અહી બેઠીને ખુદાનો ઝિક્ર કરી રહ્યા છીએ. આં હઝરત (સ.અ.વ.)એ ફરમાવ્યું: ખુદાની કસમ! શું તમે લોકો ફક્ત એટલા માટે અહી બેઠા છો? અરજ કરવા લાગ્યા: ખુદાની કસમ! અમે ફક્ત એટલા માટે જ અહી બેઠા છીએ. આં હઝરત(સ.અ.વ.)એ કહ્યું: હું વગર કારણે કસમ નથી ખાઇ રહ્યો. જીબ્રઇલ મારી પાસે આવ્યા હતા અને મને આ ખબર આપી છે: ખુદાવંદે આલમ મલાએકાની દરમિયાન તમારી ઉપર ફખ્ર કરી રહ્યો છે

(તફસીરે દુર્રે મન્સુર, ભાગ:૧, પાના:૧૫૧)

(૬) અહમદ, બરાઝ, અબુ યઅ્લા અને તબરાનીથી અનસથી રિવાયત કરી છે.

આં હઝરત(સ.અ.વ.)એ ફરમાવ્યું:

“જે લોકો ભેગા મળીને ફક્ત અલ્લાહના માટે અલ્લાહનો ઝિક્ર કરે છે. આસ્માનથી નીદા આવે છે ઉભા થાવ, ખુદાએ તમારા તમામ ગુનાહોને માફ કરી દીધા છે અને તમારી બુરાઇને નેકીઓમાં  બદલી દીધી છે

(સંદર્ભ અગાઉ મુજબ)

(૭) તબરાનીએ સુહૈલ બીન હન્ઝલીયાથી રિવાયત કરી છે. હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)એ ફરમાવ્યું:

“મા જલસ કવ્મુન્ મજ્લેસન્ યઝ્કોરૂનલ્લાહ અઝ્ઝ વ જલ્લ ફીહે ફ યકુમુન હત્તા યોકાલ લહુમ્ કુમુ કદ્ ગફર્તો લકુમ વ બદ્દલ્તો સય્યેઆતેકુમ હસનાતીન

“જ્યારે લોકો કોઇ મજલીસમાં બેસીને ખુદા વંદે આલમનો ઝિક્ર કરે છે તો જ્યારે એ મજલીસમાંથી ઉભા થાય છે તો તેમને કહેવામાં આવે છે, ઉભા થાવ તમને માફ કરી દીધા અને તમારી બુરાઇઓને નેકીઓમાં  બદલી દીધી છે

(તફસીરે દુર્રે મન્સુર, ભાગ:૧, પાના:૧૫૧)

(૮) બયહકીએ અબ્દુલ્લાહ બીન મગફલથી રિવાયત કરી છે. આં હઝરત(સ.અ.વ.)એ ફરમાવ્યું:

“વમા મિન્ કવ્મીન્ ઇજ્તમઉ ફી મજ્લેસીન્ ફ તફર્રકુ વ લમ્ યઝ્કોરૂલ્લાહ ઇલ્લા કાન ઝાલેક અલય્હીમ્ હસ્રતુન્ યવ્મલ્ કેયામહ

“જ્યારે અમુક લોકો મજલીસમાં જમા થાય છે અને ઉભા થાય છે. અગર તે મજલીસમાં ખુદાનો ઝિક્ર ન હોય તો કયામતના દિવસે હસ્રતોનો સામનો કરવો પડશે

(સંદર્ભ અગાઉ મુજબ)

(૯) ઇબ્ને અબી શય્બાએ અબુ હુરૈરાથી રિવાયત કરી છે:

“જે ઘરમાં ખુદાનો ઝિક્ર થાય છે, તે ઘર આસ્માન-વાળાઓ માટે એવી રીતી ચમકે છે, જેવી રીતે સિતારાઓ જમીનવાળાઓ માટે

(તફસીરે દુર્રે મન્સુર, ભાગ:૧, પાના:૧૫૨)

(૧૦) બઝારે અનસથી રિવાયત કરી છે: હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)એ ફરમાવ્યું:

“ખુદાવંદે આલમની પાસે એવા ફરિશ્તા છે, જે ફરતા રહે છે અને ઝિક્ર કરવાવાળાઓને શોધે છે. જ્યારે આવા પ્રકારની કોઇ મજલીસ મળી જાય છે, તો તેઓને ઘેરી વળે છે અને પોતાનો પ્રતિનિધિ ખુદાની બારગાહમાં મોકલે છે અને અરજ કરે છે કે ખુદાયા અમે તારા આ બંદાઓની દરમિયાન છીએ, જે તારી નેઅમતોની અઝમતનો ઝિક્ર કરી રહ્યા છે, તારી કિતાબની તિલાવત કરી રહ્યા છે, તારા નબી પર દુરૂદ અને સલામ મોકલી રહ્યા છે અને તારી પાસેથી પોતાની દુનિયા અને આખેરત તલબ કરી રહ્યા છે. ખુદા તેઓને ફરમાવે છે કે તેઓને મારી રેહમતથી માલા માલ કરી દો. આ એવા મજલીસ વાળાઓ છે કે જેમાં ભાગ લેનાર ક્યારેય બદબખ્ત નહી થાય

(સંદર્ભ અગાઉ મુજબ)

(૧૧) ઇબ્ને અબી દુનિયાએ, બરાઝે, અબુ યઅલા, તબરાની, હાકિમ (હાકિમે આ રિવાયતને સહીહ ગણાવી છે) અને બયહકીએ અદ્દાવાતમાં જાબીરથી રિવાયત વર્ણવી છે:

“એક દિવસ હઝરત રસુલે ખુદા(સ.અ.વ.) અમારી પાસે તશ્રીફ લાવ્યા અને ફરમાવ્યું: ખુદાવંદે આલમની પાસે હરકત કરવાવાળા ફરિશ્તા છે, જે ફરતા રહે છે અને જ્યારે ઝિક્રની મજલીસ જુએ છે તો ત્યાં રોકાઇ જાય છે. તમે લોકો જન્નતના બગીચામાં હરો ફરો. અસ્હાબે અરજ કરી: આ જન્નતના બગીચા ક્યાં છે? ફરમાવ્યું: ઝિક્રની મજલીસોમાં. ખુદાના ઝિક્રમાં સવાર કરો, સાંજ કરો. દિલમાં ખુદાનો ઝિક્ર કરો. જે એ જાણવા ચાહે છે કે ખુદાની નજદીક તેનું માન-સન્માન શું છે, તે એ જુએ કે તેની નજદીક ખુદાનો મરતબો કેવો છે. ખુદા પોતાના બંદાને એ જ દરજ્જો આપશે, જે બંદો ખુદાને પોતાના દિલમાં અતા કરશે

(સંદર્ભ અગાઉ મુજબ)

(૧૨) તબરાની એ અમ્ર બીન અબ્દથી રિવાયત કરી છે: હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)એ ફરમાવ્યું:

“રેહમાનની જમણી બાજુ અને તેની બંને બાજુ એવા લોકો હશે જે ન અંબિયા છે અને ન શોહદા. તેઓના ચેહરા અત્યંત નૂરાની હશે, તેમની અઝમત અને મંઝેલત અને ખુદાવંદે આલમથી તેમની કુરબત જોઇને અંબિયા અને શોહદા રશ્ક કરશે

લોકોએ પુછ્યુ: અય અલ્લાહના રસુલ એ ક્યા લોકો છે? ફરમાવ્યુ:

“આ જુદી જુદી કૌમ અને કબીલાના લોકો છે જે ખુદાવંદે આલમના ઝિક્ર માટે એક જગ્યાએ જમાં થતા હતા અને વાત-ચીતના બેહતરીન હિસ્સાને એવી રીતે ચૂંટી લેતા હતા, જેવી રીતે બેહતરીન ખજુરો ચૂંટવામાં આવે છે

(સંદર્ભ અગાઉ મુજબ)

આ રિવાયતોને વાંચવાથી એ વાત સ્પષ્ટ થાય છે કે:

જે લોકો ઝિક્રે ખુદા માટે જમા થાય છે તેને ‘મજલીસ’ નામ આપવામાં આવ્યું છે. મુસલમાનોમાં જુદા જુદા ફીરકા અને મઝહબો પોત પોતાના અંદાઝમાં ખુદાનો ઝિક્ર કરે છે. પરંતુ અમુક તેને ‘ઇજતેમાઅ’ નામ આપે છે અને કોઇ તેને ‘જલ્સા’ કહે છે, કોઇ તેને ‘ઉર્સ’ કહે, કોઇ ‘મિલાદ’ કોઇ ‘મવલુદ’ કોઇ ‘મેહફીલે સમાઅ’ નામ આપે છે.

આપણી મજલીસ એટલે એ જગ્યા છે જ્યાં લોકો ભેગા થઇને એહલેબૈતે અત્હાર(અ.મુ.સ.)ના ફઝાએલ અને મસાએબ બયાન કરે છે. આ ખુદાની ઇનાયત છે. આપણા ઝિક્રની મજલીસને ફક્ત એહલેબૈત(અ.મુ.સ.)ની મજલીસથી મખ્સુસ કરી છે.

આ પ્રકારની મજલીસોમાં શીરકત

(૧) ખુદા અને રસુલ(સ.અ.વ.)ની ઇતાઅત છે.

(૨) આ જન્નતના બુલંદતરીન દરજ્જાઓમાં ઝિક્રનું કારણ છે.

(૩) મલાએકાની સાથે રહેવાનું કારણ છે.

(૪) રેહમતોના નાઝિલ થવાનું કારણ છે.

(૫) જન્નતનો સબબ છે.

(૬) જહન્નમની આગથી નજાતનું કારણ છે.

(૭) ખુદાની તરફથી મગ્ફેરત અને ખુશ્નુદીનો સબબ છે.

(૮) ફરિશ્તાઓના સમૂહમાં ખુદાનું ફખ્ર કરવાનું કારણ છે.

(૯) બુરાઇઓને નેકીઓમાં બદલવાનું કારણ છે.

(૧૦) આસ્માનમાં સિતારાઓની જેમ રોશન થવાનું કારણ છે.

(૧૧) આ મજલીસોમાં શિરકત કરવાવાળો ક્યારેય બદબખ્ત નહી થાય.

(૧૨) આ મજલીસોમાં આવવું એવું છે જાણે કે જન્નતના બગીચાઓમાં હરવું ફરવું.

(૧૩) કયામતના દિવસે ચેહરાઓની નુરાનીય્યતનું કારણ છે.

(૧૪) ખુદાની કુરબતનું કારણ છે.

(૧૫) અંબિયા અને શોહદાના રશ્કનું કારણ છે.

આ રિવાયતો ઉપરાંત એહલેબૈત (અ.મુ.સ.)ની રિવાયતોમાં “મજલીસે ઝિક્ર પર ખાસ તાકીદ કરવામાં આવી છે. નીચે અમુક રિવાયતોનો ઉલ્લેખ કરીએ છીએ.

(૧) હઝરત ઇમામ જાઅફરે સાદિક(અ.સ.)એ ફરમાવ્યું:

“અગર કોઇ મજલીસમાં અમુક લોકો જમા થાય, એ મજલીસમાં ન ખુદાનો ઝિક્ર થાય અને ન અમારો ઝિક્ર કરવામાં આવે તો તે મજલીસ કયામતના મેદાનમાં તેમના માટે હસ્રતનું કારણ બનશે

(મિઝાનુલ હિકમત, ભાગ:૨, હદીસ નં. ૨૩૯૨)

(૨) હઝરત ઇમામ અલી રેઝા(અ.સ.) એ ફરમાવ્યું:

“અગર કોઇ મજલીસમાં બેસીને અમારા અમ્રોને જીવંત કરે છે તો જે દિવસે તમામ દિલો મરી જાશે તેનું દિલ જીવંત હશે

(મિઝાનુલ હિકમત, ભાગ:૨, હદીસ નં. ૨૩૯૪)

એટલે કે એહલેબૈત(અ.મુ.સ.)ની મજલીસ બર્પા કરવા વાળાઓના દિલ કયામતના દિવસે જીવતા હશે. આ મજલીસવાળા કયામતના દિવસે જીવંત દિલવાળા હશે.

(૩) હઝરત ઇમામ સાદિક(અ.સ.)એ જનાબે ફુઝૈલને પુછ્યુ:

શું તમે લોકો આપસમાં બેસો છો અને અમારી હદીસોને બયાન કરો છો?

અરઝ કરી હા, હું આપના પર કુરબાન થાવ. ઇમામ (અ.સ)એ ફરમાવ્યુ:

આ એ મજલીસ છે જેને હું પસંદ કરૂ છું. અય ફુઝૈલ અમારા અમ્રને જીવંત કરો. ખુદા તેના પર રહેમ કરે જે અમારા અમ્રોને જીવંત કરે.

અય ફુઝૈલ! જેણે અમારો ઝિક્ર કર્યો અથવા જેની સામે અમારો ઝિક્ર કરવામાં આવે અને તેની આંખોમાંથી માખીની પાંખ જેટલુ આંસુ નીકળી જાય, ખુદાવંદે આલમ તેના તમામ ગુનાહો માફ કરી દેશે, ભલે પછી તે દરિયાના ફીણ જેટલા કેમ ન હોય

(મિઝાનુલ હિકમત, ભાગ:૨, હદીસ નં. ૨૩૯૫)

શક્ય છે કે અમુક આધુનિક વિચારધારા ધરાવનારા લોકોના દિમાગમાં આ સવાલ થાય કે ક્યાં એક જરાક એવુ આંસુ અને ક્યાં અસંખ્ય ગુનાહોની બક્ષીશ. તો તેનો જવાબ એ છે કે જ્યારે ખુદા સાચા દિલથી એક વખતના ઇસ્તિગ્ફારથી તમામ ગુનાહોને માફ કરી શકે છે તો આંસુનું એક ટીપુ પણ દિલની સચ્ચાઇની નિશાની છે. એ ઉપરાંત ખુદા અગર માફ કરી રહ્યો છે તો બીજા કોઇના હિસ્સામાંથી તો માફ નથી કરી રહ્યો, તે પોતાના ફઝલો કરમથી માફ કરી રહ્યો છે. ખુદા માલિક અને મુખ્તાર છે, જેવી રીતે ચાહે માફ કરી દે. કોઇને વાંધો ઉપાડવાનો કોઇ હક નથી.

ઝિક્રે એહલેબૈત(અ.મુ.સ.) ઝિક્રે ખુદા છે:

આ રિવાયતોને વાંચી લીધા પછી શક્ય છે કે કોઇના દિમાગમાં એ વાત આવે કે આ રિવાયતોમાં ઝિક્રે ખુદાની વાત કરવામાં આવી છે અને વાત થઇ રહી છે ઇમામ હુસૈન(અ.સ) ની મજલીસની. આ બંનેમાં શું સંબંધ છે? આ સવાલના સિલસિલામાં નીચેની રિવાયતોથી જવાબ સ્પષ્ટ થઇ જશે.

(૧) હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)એ ફરમાવ્યુ:

“ઝિક્રૂલ્લાહે એબાદતુન્ વ ઝિક્રી એબાદતુન્ વ ઝિક્રો અલીય્યે એબાદતુન્ વ ઝિક્રૂલ્ અઇમ્મતે મિન્ વુલ્દી એબાદતુન્

“અલ્લાહનો ઝિક્ર ઇબાદત છે, મારો ઝિક્ર ઇબાદત છે, અલી(અ.સ.)નો ઝિક્ર ઇબાદત છે અને મારી ઔલાદમાંથી અઇમ્મા(અ.મુ.સ.)નો ઝિક્ર ઇબાદત છે

(અલ ઇખ્તેસાસ, ૨૨૪, બેહાર ૩૬/૩૭૦)

(૨) એક અન્ય રિવાયતમાં આ પ્રમાણે ઇરશાદ ફરમાવે છે:

“ઝય્યેનુ મજાલેસકુમ્ બે ઝિક્રે અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ.)

“તમારી મજલીસોને અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ.)ના ઝિક્ર થકી ઝીનત આપો

(બશારતુલ મુસ્તફા, પાના:૬૧ / બેહાર, ભાગ:૩૮, પાના:૧૯૯)

એહલેબૈત(અ.મુુ.સ.) અને ખાસ કરીને હઝરત ઇમામ હુસૈન(અ.સ.) એ ખુદાની માટે ફક્ત અને ફક્ત તેના દીનની હિફાઝત માટે કુરબાનીઓ આપી છે. હવે ઇમામ હુસૈન(અ.સ.)નો ઝિક્ર ખુદાના ઝિક્રથી અલગ નથી. હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ની ઝિયારતમાં આ પ્રકારના વાક્યો વારંવાર દેખાય છે. “અસ્સલામો અલય્ક યા સારલ્લાહે વબ્ન સારેહી સારનો અર્થ ડીક્ષનરીમાં આ મુજબ બયાન કરવામાં આવ્યો છે. મકતુલના ખુનનો બદલો લેવો. સારલ્લાહ એટલે ખુદાના ખુનનો બદલો લેવો. એ વાત એકદમ જાહેર છે કે ખુદાને કોઇ શરીર નથી કે જેમાં લોહી હોય. ખુદા કત્લ કરવાને કાબીલ નથી. ખુદા કોઇ જોવાવાળી ચીજ નથી કે જેને કત્લ કરી દેવામાં આવે. ઇમામ હુસૈન(અ.સ.) સારલ્લાહ અને સારલ્લાહના ફરઝંદ છે.

આ વાતને એક ઉદાહરણથી સ્પષ્ટ કરી શકાય છે. અગર કોઇ દેશમાં કોઇ બીજા દેશનો કોઇ એલચી અથવા પ્રતિનિધિ હોય અને તે પ્રતિનિધિને, તે સફીરને તે દેશની દુશ્મની અને અદાવતમાં કત્લ કરી દેવામાં આવે તો તે એક ખાસ શખ્સ પર હુમ્લો નથી પરંતુ તે એ દેશ પર હુમ્લો છે અને તે દેશનું અપમાન છે અને કત્લ છે. કારણ કે પ્રતિનિધિ અને સફીર કત્લ કરવામાં આવ્યો છે. ઇમામ હુસૈન(અ.સ.) ઝમીન પર હુજ્જતે ખુદા છે, ઇલાહી પ્રતિનિધિ છે, વલીયુલ્લાહ છે, તેમની પુરી શખ્સીય્યત જમાલ અને જલાલે ખુદાવંદીનો અરિસો છે, દીને ખુદાના મુહાફીઝ છે, રસુલે ખુદા (સ.અ.વ.)ની શરીઅતના જવાબદાર છે, નબુવ્વત અને રિસાલતના વારિસ છે, બલ્કે તમામ અંબિયા અને મુરસલીનના વારિસ અને પ્રતિનિધિ છે. તો હવે એમના પર હુમ્લો એ ખુદા અને રસુલ અને અંબિયા તથા મુરસલીન પર હુમ્લો છે, તેમનું કત્લ ખુદા, રસુલ, અંબિયા અને મુરસલીનનું કત્લ છે. તેમનો કાતિલ ખુદા અને રસુલનો કાતિલ છે. આ પ્રકારના કાતિલો અને ઝાલિમો પ્રત્યે નરમ વલણ રાખવું એવું છે જાણે ખુદા અને રસુલના કાતિલથી દોસ્તી કરવી. આ પ્રકારની દોસ્તી ચોક્કસ અલ્લાહ અને તેના રસુલ પર ઇમાનથી વિરૂદ્ધ છે. જ્યારે ઇમામ હુસૈન(અ.સ.) પોતાની તમામ ઝાત અને શખ્સીય્યતને ખુદાની મરઝીમાં ફના કરી દીધી અને પોતે પરવરદિગારની મરઝીનો નમુનો બની ગયા. તો હવે તેમનો ઝિક્ર ખુદાનો ઝિક્ર છે, તેમની યાદ ખુદાની યાદ છે, તેમનો તઝકેરો ખુદાનો તઝકેરો છે, તેમની ઇતાઅત ખુદાની ઇતાઅત છે. આથી એ તમામ સવાબ અને દરજ્જાઓ જે ઝિક્રે ખુદાના માટે ઉલ્લેખ થયા છે, તે ઇમામ હુસૈન(અ.સ.)નો ઝિક્ર કરવાથી હાંસિલ થશે. શર્ત છે એ કે આ મજલીસોને ખુદા અને રસુલના માટે ગોઠવવામાં આવે અને નિય્યત ખુદા, રસુલ અને એહલેબૈત (અ.મુ.સ.)ની કુરબત હાંસિલ કરવાની હોય.

હઝરત ઇમામ હુસૈન(અ.સ.) તૌહીદના રક્ષક:

એ વાત પ્રકાશિત દિવસની જેમ સ્પષ્ટ છે કે અગર હઝરત ઇમામ હુસૈન(અ.સ.)એ કરબલાના મૈદાનમાં બેમિસાલ કુરબાની પેશ ન કરી હોત તો દીને ઇસ્લામનું નામ મટી ગયુ હોત. ઇમામ હુસૈન(અ.સ.)એ કુરબાની આપીને દીને ઇસ્લામને બચાવ્યો છે. દીને મુકદ્દસે ઇસ્લામનો એક મહત્વનો ઉસુલ પરંતુ તમામ બુનિયાદોની બુનિયાદ તૌહીદ છે. આ હકીકતને ખ્વાજા મોઇનુદ્દીન ચીશ્તી અજમેરીએ આ રીતે બયાન ફરમાવી છે.

શાહ અસ્ત હુસૈન બાદશાહ અસ્ત હુસૈન

દીન અસ્ત હુસૈન દીનપનાહ અસ્ત હુસૈન

સર દાદ ન દાદ દસ્ત દર દસ્તે યઝીદ

હક્કા કે બીનાએ લા એલાહ અસ્ત હુસૈન

લાએલાહની બુનિયાદ એટલે કે તૌહીદની બુનિયાદ

અલ્લામા ઇકબાલ ફરમાવે છે:

બેહરે હક દર ખાકો ખુન ગલતીદેહ અસ્ત

પસ બીનાએ લાએલાહ ગરદીદે અસ્ત

“તે હકની માટે ખાક અને ખુનમાં નહાયા છે. આ રીતે તે લાએલાહની બુનિયાદ બની ગયા

જે લાએલાહની બુનિયાદ હોય, તેમનો ઝિક્ર ઝિક્રે ખુદા કેમ ન હોય.

શાહ અબ્દુલ અઝીઝ દહલવી અને ઇમામ હુસૈન(અ.સ.)ની મજલીસ:

જનાબ શાહ અબ્દુલ અઝીઝ દહલવી તે સુન્ની આલીમ છે જેણે શીયાઓની રદમાં ઝમાનાની મશહુર કિતાબ “તોહફએ ઇસ્ના અશરી લખી છે. તેની એક કિતાબ “ફતાવા અઝીઝી પ્રકાશન દિલ્હી આ કિતાબના પાના નંબર ૧૦૪ પર લખે છે. અમે આ લખાણ હિન્દુસ્તાનના અમુલ્ય ઇલ્મી મેગેઝીન ‘ઇસ્લાહ’ ભાગ: ૩૨, નંબર: ૧, મોહર્રમુલ હરામ હિ.સ. ૧૩૪૭ થી વર્ણન કરીએ છીએ.

શાહ અબ્દુલ અઝીઝ દહલવી એક શખ્સના જવાબમાં લખે છે.

“ફકીર અબ્દુલ અઝીઝ સલામ મસનુન બાદ અરજ કરે છે: મરસીયા ખ્વાની વિગેરેના બારામાં આપનો માનનીય પત્ર મને પહોંચ્યો. આ સમયે ફકીરમાં લાંબુ લખાણ સાંભળવાની તાકત નથી. ન તો લખવાની તાકત છે. આ ફકીરને ત્યાં જે કાંઇ રિવાજ છે અને જે થાય છે તે લખાણ લખી રહ્યો છું અને તેનાથી આપ અંદાજો કરી શકો છો.

વરસમાં બે મજલીસો આ ફકીરને ત્યાં ગોઠવાય છે. એક મજલીસ ઝિક્રે વફાત શરીફ (રસુલે ખુદા (સ.અ.વ.)ની વફાતની મજલીસ) અને બીજી શહાદતે હુસૈન(અ.સ.)ની મજલીસ.

આશુરાના એક-બે દિવસ પહેલા ચારસો-પાંચસો બલ્કે હજાર લોકો ભેગા થાય છે. દુરૂદ અને સલામ પઢે છે અને ત્યાર બાદ આ ફકીર મજલીસમાં હાજર થાય છે. હદીસ શરીફમાં હસનૈન(અ.સ.)ના જે ફઝાએલનો ઉલ્લેખ થયો છે, તે બયાન થાય છે અને રિવાયતોમાં જે શહાદત બયાન કરવામાં આવી છે, તેની અમૂક વિગતો બયાન કરવામાં આવે છે. એ ઉપરાંત એ મરસીયા પઢવામાં આવે છે જે જિન્નાતોએ, હુરોએ અને જનાબે ઉમ્મે સલમાએ અને અન્ય સહાબીઓ પઢ્યા છે.

તે ઉપરાંત એ દર્દનાક સ્વપ્ન જે જનાબ ઇબ્ને અબ્બાસ અને અન્ય સહાબીઓએ જોયા તે બયાન કરવમાં આવે છે અને તે બેપનાહ દર્દ અને ગમ, દુ:ખ તથા પીડાનો ઉલ્લેખ કરવામાં આવે છે જે રિસાલત મઆબ(સ.અ.વ.)ની મુબારક રૂહને પહોંચ્યા છે. ત્યાર બાદ ખત્મે કુર્આન થાય છે. કુર્આને કરીમની પાંચ આયતો પઢવામાં આવે છે અને માહઝર (નિયાઝ) પર ફાતેહો દેવામાં આવે છે. તે સમયે એક સારી અવાજવાળો સલામ અથવા મરસીયા પઢે છે. તે સમયે મજલીસમાં હાજર લોકો અને આ ફકીર ગિર્યા કરવા લાગે છે.

આ એ ચીજ છે જેના પર નિયમિત રીતે અમલ થતો રહે છે. અગર આ ચીજો ઉપરોક્ત રીતે જાએઝ ન હોતી તો તેને હરગીઝ અંજામ દેવામાં ન આવત

આપે જોયું બયાન મજલીસ છે જેમાં એહલેબૈત (અ.મુ.સ.)ના ફઝાએલ અને મનાકીબનો ઝિક્ર હોય છે. મરસીયા અને નૌહાનો તઝકેરો, તબર્‚ક છે. મજલીસમાં ખાવાની વહેંચણી છે અને તે ખાવા પર ફાતેહો છે. ઇમામ હુસૈન(અ.સ.)ની શહાદતથી હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)ને ખૂબ જ દર્દ અને ગમ છે અને જ્યારે રસુલે ખુદા(સ.અ.વ.)એ ખ્વાબમાં જનાબ ઇબ્ને અબ્બાસ અને અન્ય સહાબીથી કરબલાનો વાકેઓ બયાન કર્યો તો ખુદ હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) એ મજલીસ પઢી છે અને રિવાયતોમાં છે કે તે લોકોએ હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)ને એવી હાલતમાં સ્વપ્નમાં જોયા કે આંખો મુબારકથી આંસુ જારી હતા, હાથોમાં ખાક અને ખુન હતુ, હાથમાં એક શીશી હતી જેમાં શોહદાએ કરબલાનું ખુન હતુ, માથા પર ધુળ હતી, લિબાસ મુબારક પર શોહદાનું ખુન લાગેલુ હતુ, આ રીતે હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)એ ન ફક્ત મજલીસ પઢી પરંતુ એ પણ સ્પષ્ટ કરી દીધુ કે મજલીસે ગમે હુસૈન(અ.સ.)માં શિરકતનો અંદાજ કેવો હોય.

Have your say!

Add your comment below, or trackback from your own site. You can also subscribe to these comments via RSS.

Be nice. Keep it clean. Stay on topic. No spam.