કરબલાના બનાવથી ઇન્સાનીય્યતને શું મળ્યુ

Print Friendly, PDF & Email

૧૦ મોહર્રમુલ હરામ સન ૬૧ હીજરી જ્યારે યઝીદ ઇબ્ને મોઆવીયાની ફૌજે ઇમામ હુસૈન(અ.સ.) અને તેમના વફાદાર સાથીઓ પર ઝુલ્મની હદોને ઓળંગી લીધી અને તેમના ઘરવાળાઓને કૈદી બનાવી લીધા તો તેઓ પોતાની સફળતાનું ગુમાન કરવા લાગ્યા. તેઓ ગફલતની ઉંઘમાં મદહોશ થઇ ગયા કે તેઓએ યઝીદની બયઅતના મુન્કીરોને હાર આપી હતી. પરંતુ તેઓ એ વાતને સમજી ન શક્યા કે કેવી રીતે ઇમામ હુસૈન(અ.સ.)ના ઇન્કેલાબે યઝીદની બાતિલ હુકુમતના ચેહરા પરથી કુફ્ર અને નિફાકનો પર્દો ઉલટાવી દીધો. અમૂક લોકો કે જેઓ દીનની તબ્લીગના નામે લોકોને ગુમરાહ કરે છે, તેઓ કરબલાના બનાવને એક રાજકીય મસઅલા તરીકે રજુ કરે છે. પરંતુ તેઓ એ ભૂલી જાય છે કે કરબલા કોઇ રાજકીય જંગનું નામ નથી જે દુન્યવી હુકુમત હાંસિલ કરવા માટે લડવામાં આવી હોય. યઝીદનો ઇમામ હુસૈન(અ.સ.)થી શું મુકાબલો. ક્યાં યઝીદ, ગુનાહો અને બદકારીઓનું સંપૂર્ણ વુજુદ અને ક્યાં ઇમામ હુસૈન(અ.સ.) પોતાના નાના ના દીનની પનાહગાહ. તે કે જેમના કબ્ઝએ કુદરતમાં પૂરી કાએનાત હતી, તે વળી એ શરાબ પીવાવાળાથી હુકુમતને તલબ કરે? આવુ ફક્ત એ જ વિચારી શકે છે, જેને હુસૈન(અ.સ.)ની માઅરેફત નથી અને રસુલે ખુદા(સ.)થી મોહબ્બત નથી અથવા તો પછી તેને ઇન્સાનીય્યતની સાથે કોઇ લેવા દેવા નથી.

ઇમામ હુસૈન(અ.સ.)ના ઇન્કેલાબને સમજ્યા વગર રાજકીય સ્વરૂપ દેવુ એ હઝરતની શાનમાં ગુસ્તાખી છે. આવી ગુસ્તાખીઓના જવાબમાં અને આવી વિચારધારાને વધતી અટકાવવા માટે એ જાણી લેવું જરૂરી છે કે આ ઇન્કેલાબથી ઇમામ હુસૈન(અ.સ.)એ ઇન્સાનીય્યત પર કેટલો મોટો એહસાન કર્યો છે.

કયામનો હેતુ :

હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ના કયામે જ્યાં એક બાજુ ઇન્સાનીય્યતના ઝમીરને આશ્ર્ચર્યમાં નાખી દીધો તો બીજી તરફ એ મકસદ હતો જેને ઇમામ હુસૈન(અ.સ.)એ ખુદ મદીનાથી રવાના થતી વખતે પોતાના ભાઇ જનાબ મોહમ્મદ બીન હનફીયાને બયાન કર્યો હતો:

બિસ્મિલ્લાહિર્રહમાનીર્રહીમ-હાઝા મા અવ્સા બેહીલ્ હુસૈનુબ્નો અલી ઇબ્ને અબી તાલિબ એલા અખીહે મોહમ્મદીન અલ્ મઅ્રૂફે બે ઇબ્નીલ્ હનફીય્યાહ. અન્નલ્ હુસૈન યશ્હદો અન્ લા એલાહ ઇલ્લલ્લાહો વહ્દહુ લા શરીક લહુ વ અન્ન મોહમ્મદન અબ્દોહુ  વ રસુલોહુ જાઅ બીલ્ હક્કે મિન્ ઇન્દીલ્ હક્કે વ અન્નલ્ જન્નત વન્નાર હક્કુન વ અન્નસ્સાઅત આતેયતુન લા રય્બ ફીહા વ અન્નલ્લાહ યબ્અસો મન્ ફીલ્ કોબુરે વ અન્ની લમ્ અખ્રૂજ અશેરન વ લા બતેરન વ લા મુફ્સેદન વ લા ઝાલેમન વ ઇન્નમા ખરજ્તો લેતલબીલ્ ઇસ્લાહે ફી ઉમ્મતે જદ્દી(સ.) ઓરીદો અન્ આમોર બીલ્ મઅ્રૂફે વ અન્હા અનીલ્ મુન્કરે વ અસીર બે સીરતે જદ્દી વ અબી અલીય્યીબ્ને અબી તાલિબ(અ.) ફ મન્ કબેલની બે કવ્લીલ્ હક્કે ફલ્લાહો અવ્લા બીલ્ હક્કે વ મન્ રદ્દ અલય્ય હાઝા અસ્બેરો હત્તા યક્ઝેયલ્લાહો બય્ની વ બય્નલ્ કવ્મે બીલ્ હક્કે વ હોવ ખય્રૂલ્ હાકેમીન વ હાઝેહી વસીય્યતી યા અખી એલય્ક વ મા તવ્ફીકી ઇલ્લા બીલ્લાહે અલય્હે તવક્કલતો વ એલય્હે ઓનીબો

“બિસ્મિલ્લાહિર્રહમાનીર્રહીમ- આ વસીય્ યતનામુ હુસૈન(અ.સ.) ઇબ્ને અલી(અ.સ.) ઇબ્ને અબી તાલિબ(અ.સ.)નું મારા ભાઇ મોહમ્મદની તરફ છે, જે ઇબ્ને હનફીયાથી મશ્હુર છે. ચોક્કસ હુસૈન(અ.સ.) ગવાહી આપે છે કે કોઇ ખુદા નથી સિવાય અલ્લાહ જે એક છે અને તેનો કોઇ શરીક નથી અને મોહમ્મદ(સ.) અલ્લાહના બંદા અને તેના રસુલ છે. હક તરફથી હકની સાથે આવ્યા છે અને બેશક જન્નત અને જહન્નમ હક છે અને ચોક્કસ કયામત આવવાવાળી છે તેમાં કોઇ શંકા નથી અને અલ્લાહ જે કોઇ કબ્રોમાં છે તેને ઉઠાડશે અને ચોક્કસ હું કોઇ અભીમાન, સરકશી, ફસાદ અથવા કોઇના પર ઝુલ્મ કરવા માટે નથી નીકળ્યો પરંતુ હું એટલા માટે નીકળ્યો છું કે મારા જદની ઉમ્મતની ઇસ્લાહ કરૂ. મારો ઇરાદો અમ્રબિલ માઅરૂફ અને નહ્ય અનિલ મુન્કર છે અને મારા જદ્દે બુઝુર્ગવાર અને મારા વાલીદે મોહતરમ અલી ઇબ્ને અબી તાલિબ(અ.સ.)ની સિરત પર ચાલુ. જે મારો હુકમ કબુલ કરશે તો હક તઆલા તેને જઝાએ ખૈર અતા કરશે અને જે તેને રદ કરશે હું સબ્ર કરીશ જ્યાં સુધી કે ખુદાવંદે આલમ મારી અને એ સમૂહની દરમિયાન હક પૂર્વક ફેંસલો કરશે અને તે ફેંસલો કરવાવાળાઓમાં સૌથી બેહતર છે. અય ભાઇ! આ મારી વસીય્યત છે અને ખુદા સિવાય કોઇ તૌફીક દેવાવાળુ નથી. તેના પર ભરોસો છે અને તેના તરફ પલટવાનું છે.

(બેહારૂલ અન્વાર, ભાગ:૪૪, પાના:૩૨૯)

આ વસીય્યતનામાથી એ હકીકત સૂર્ય કરતા વધારે સ્પષ્ટ છે કે ઇમામ હુસૈન(અ.સ.)ના કયામનો મકસદ માત્ર અને માત્ર પોતાના જદ્દે બુઝુર્ગવાર અંબિયાઓના સરદાર(સ.અ.વ.)ના દીનની હિફાઝત હતી. પોતાના પિતા સય્યદુલ અવસીયા અલીએ મુર્તઝા(અ.સ.)ની રાહ પર આગળ વધવુ અને અમ્રો નહ્યના થકી ઇન્સાનના અખ્લાકને શણગારવાનો હતો. મદીનાથી કરબલા પોતાના સફરની દરમિયાન સય્યદુશ્શોહ-દાએ જુદા જુદા સમયે અને જગ્યાએ ખુલ્કે અઝીમના નવાસા હોવાનું બતાવ્યું હતુ.

ખાનએ ખુદાની હુરમતની હિફાઝત :

હઝરત ઇમામ સાદિક(અ.સ.)થી રિવાયત છે કે: ઇમામ હુસૈન(અ.સ.)એ જ્યારે મક્કએ મોઅઝ્ઝમાથી ઇરાકની સફર કરવા માટે કુચ કરવાનો ઇરાદો કર્યો અને આ વેહશતનાક ખબર મોહમ્મદ હનફીયાને પહોંચી તો આપ સય્યદુશ્શોહદાની બારગાહમાં હાજર થયા અને અર્ઝ કરી: અય ભાઇ! આપ કુફા વાસીઓના મક્રો ફરેબને જાણો છો કે તેમણે આપના વાલીદે બુઝુર્ગવાર અને ઉચ્ચ મરતબો ધરાવનાર ભાઇની સાથે કેવો વર્તાવ કર્યો. ડરૂ છું કે ક્યાક આપની સાથે પણ બુરો વર્તાવ ન કરે. અગર આપ મક્કએ મોઅઝ્ઝમામાં રહેશો તો માનનીય અને ઇઝ્ઝતદાર રહેશો અને કોઇ વિરોધી ન હશે. ઇમામ હુસૈન(અ.સ.)એ ફરમાવ્યું:

 

અય ભાઇ ડરૂ છું કે ક્યાંક યઝીદ મને મક્કએ મોઅઝ્ઝમામાં કત્લ ન કરાવી દે. આથી મને મંજુર નથી કે મક્કાની હુરમત મારા લીધે બરબાદ થાય

(બેહારૂલ અન્વાર, ભાગ:૪૪, પાના:૩૬૪)

મસ્જીદુલ હરામ અમ્નો અમાનની જગ્યા છે. અહીં કોઇનું ખુન વહાવવું હરામ છે અને ખાનએ કાબાની બેહુરમતીનું કારણ બને છે. ખાનએ ખુદાની બેહુરમતી ખુદ ખુદાવંદે આલમની બેહુરમતી થશે. ઇમામ(અ.સ.)ને એ હરગીઝ મંજુર ન હતુ કે એક પળ માટે પણ એ અઝીમ ઘરની શાનો શૌકત બરબાદ થાય.

આજે દર વરસે લાખોની સંખ્યામાં મુસલમાન હજ્જે બૈતુલ્લાહના માટે મક્કએ મોઅઝ્ઝમા જાય છે પરંતુ શું એહરામનો લિબાસ પહેર્યા બાદ જુદી-જુદી હરામ ચીજોથી પોતાની જાતને સુરક્ષિત રાખવાવાળા, હજના તમામ અરકાનને ખૂબ સારી રીતે બજાવવાવાળા, કાબાનો બોસો લેવા અને કાબાનો તવાફ કરવાવાળા હાજીઓમાં કોઇ એવો છે જે ખાનએ ખુદાના મુહાફિઝને યાદ કરતો હોય? અજબ નથી કે અરફાના દિવસે ખુદાવંદે આલમની રહેમત સૌથી પહેલા કરબલામાં મૌજુદ હુસૈન(અ.સ.)ના ચાહવાવાળાઓ અને હુસૈન(અ.સ.) ની હકીકી મારેફત રાખવાવાળા પર નાઝિલ થાય છે અને પછી અરફાના મૈદાનમાં જમા થયેલા હાજીઓ પર.

ઇન્સાની સમાજની બેદારી :

મોઆવીયા અને યઝીદના ઝમાનામાં લોકો ઇન્સાની સમાજને સુધારવા માટે કોઇ અમલ અંજામ દેવાથી એટલા માટે બચતા હતા કે તેમને ખૌફ હતો કે ક્યાંક તેમને કુરબાની ન દેવી પડે અને તેમના દુનિયાવી ફાયદાઓ જે અમૂક દિવસનું વળતર હતુ, બંધ ન થઇ જાય. તે સમયનો ઇન્સાની સમાજ એક બહાદુરી ભરી કુરબાનીનો જરૂરતમંદ હતો જે એ સમાજમાં રૂહ ફૂંકી દે, પવિત્ર ઉસુલો માટે એક મહાન કુરબાની રજુ કરે અને આ તમામ ઇન્કેલાબી તત્વો માટે માર્ગની એક અઝીમ મશાલ સાબિત થઇ જાય જે હારના ડરથી પ્રભાવિત થઇ જાય છે. આ કાર્ય હુસૈન ઇબ્ને અલી(અ.સ.)એ અંજામ આપ્યુ. કરબલાના વાકેઆએ ઇન્સાનને પોતાની શરાફત અને બંદગીના મકામનો બચાવ કરતા શીખવાડ્યું. મુરસલે આઝમ બાદ પ્રથમવાર લોકોના મુર્દા ઝમીર બેદાર થયા અને ઇસ્લામી સમાજ ફરીથી શ્ર્વાસ લેવા લાગ્યો.

ગુનાહનો એહસાસ :

ઇમામ હુસૈન(અ.સ.)ના કયામની એક અસર એ થઇ કે આ તમામ લોકોમાં જે તે સમયે ઇમામ હુસૈન(અ.સ.)ની મદદે પહોંચી શક્યા હતા અને ન પહોંચી શક્યા અને તેમની મઝલુમીય્યતની અવાજ સાંભળીને લબ્બૈક ન કહ્યું તેઓમાં એક ગુનાહનો એહસાસ પૈદા થયો. આ ગુનાહના એહસાસે લોકોના દિલોમાં બની ઉમય્યા પ્રત્યે નફરત અને અદાવતની લાગણીને જાહેર કરી દીધી.

ઇમામ હુસૈન(અ.સ.)ના ઇન્કેલાબના સમકાલીન નમૂનાઓ પણ આપણી સામે છે. જેમાંથી એક ‘રઝી બીન મન્કઝ અબ્દી’ છે. જેણે કહ્યું કે કત્લે હુસૈન(અ.સ.) શરમજનક છે, જેની મઝમ્મત આવનારી પેઢીઓ કરશે. કાશ કે કત્લે હુસૈન(અ.સ.)ની પહેલા હું કબ્રની માટીમાં દફન થઇ ચુક્યો હોત.

(તબરી, ભાગ:૫, પાના:૪૩૩)

અઝીમ શખ્સીયતો :

હઝરત ઇમામ હુસૈન(અ.સ.) અને તેમના વફાદાર સાથીઓના ઉચ્ચ કિરદારની સંપૂર્ણ તસ્વીર ખેંચવી શક્ય નથી. આ બારામાં આપણે કરબલાના બનાવો પ્રથમથી અંત સુધી વાંચવા જોઇએ. અહીં ફક્ત તેમના ઉચ્ચ ચારિત્ર્યની અમૂક રૂપરેખા લખી શકીએ છીએ.

(અ) મંઝિલે ઝબાલામાં મુસ્લિમ ઇબ્ને અકીલ અને આપ(અ.સ.)ના રઝાઇ ભાઇ અબ્દુલ્લાહ યકતરની શહાદતની ખબર સાંભળીને આપ(અ.સ.)એ પોતાના અસ્હાબને ઇર્શાદ ફરમાવ્યું કે કુફાવાળાઓએ તેમની સાથે બેવફાઇ કરી છે અને અગર કોઇ પણ જવા ચાહતુ હોઇ તો જઇ શકે છે. આ સાંભળીને દુન્યવી ફાયદો મેળવવા માટે આવનારા બધા ચાલ્યા ગયા અને ફક્ત એજ લોકો રહ્યા જે આપ(અ.સ.)ની સાથે શહાદતના આ મહાન દરજ્જા પર કામ્યાબ થવા ચાહતા હતા.

(બ) હઝરત ઇમામ હુસૈન(અ.સ.)એ કરબલામાં પોતાના સાથીઓને ઇર્શાદ ફરમાવ્યું:

અન્નાસો અબીદુદ્ દુનિયા વદ્દીનો લએકુન અલા અલ્સેનતેહીમ્ યહુતુનહુ મા દર્રત્ મઆયેશોહુમ્ ફ એઝા મોહ્હેસુ બીલ્ બલાએ કલ્લદ્દય્યાનુન

“લોકો દુનિયાના ગુલામ છે અને દીન ફક્ત તેઓની જીભો સુધી મર્યાદીત છે. જ્યાં સુધી દીનની સાથે તેમનો ફાયદો જોડાયેલો છે, તેઓ તેની આજુ-બાજુ જમા રહે છે અને જ્યારે આઝમાઇશનો સમય આવે છે, તો દીનદાર બહુ જ ઓછા બાકી રહે છે

(બેહારૂલ અન્વાર, ભાગ:૪૪, પાના:૩૮૨)

તે સમયે ઝોહય્ર ઇબ્ને કૈન એ કહ્યું: ‘અય ફરઝંદે રસુલ! અમે આપનુ ફરમાન સાંભળી લીધુ. અગર દુનિયા હંમેશા બાકી રેહતી અને અમે આ દુનિયામાં હંમેશની ઝીંદગી પામવાવાળા હોત તો પણ આપની સાથે કયામ કરવાને અગ્રતા આપત’ બુરૈર ઇબ્ને ખોઝૈર એ કહ્યું: ‘અય ફરઝંદે રસુલ! અલ્લાહે અમારી ઉપર એ એહસાન કર્યો છે કે અમને આપની સાથે રહીને લડવાની તૌફીક આપી છે. આપની રાહમાં અમારા શરીરના ટુકડે ટુકડા થઇ જાય, આપના જદ્દે બુઝુર્ગવાર કયામતના દિવસે અમારી શફાઅત કરી દે’

(અઅયાનુશ્શીઆ, ભાગ:૪, પ્રથમ હિસ્સો, પાના:૨૨૪, ૨૨૫)

(ક) શબે આશુર જ્યારે ઇમામ હુસૈન(અ.સ.)એ ચિરાગ બુજાવી દીધો અને પોતાના સાથીઓને આખરી મૌકો આપ્યો કે તેઓ પાછા ચાલ્યા જાય તો તમામ રીશ્તેદાર અને અસ્હાબે આપ(અ.સ.)નો સાથ આપવાથી મોઢુ ફેરવ્યુ નહી અને શહાદતના જામથી તૃપ્ત થવાનુ પસંદ કર્યુ. દરેકે પોતાના અંદાઝમાં પોતાની મદદ અને નુસ્રતનુ એલાન કર્યુ. સઅદ બીન અબ્દુલ્લાહે કહ્યું: “ખુદાની કસમ! આપ(અ.સ.)ને એકલા છોડીશુ નહી અને અલ્લાહને અમે બતાવીશુ કે અમે રસુલે ખુદા(સ.અ.વ.) અને તેમની આલની હુરમત અને રક્ષણ કર્યુ છે. ખુદાની કસમ! અગર મને યકીન હોય કે હું માર્યો જઇશ અને ફરી જીવતો કરવામાં આવે, ફરી જીવતો સળગાવી દેવામાં આવે અને મારા શરીરની રાખને હવામાં ઉડાડી દેવામાં આવે, આવી રીતે મારી સાથે સીત્તેર વાર કરવામાં આવે તો પણ હું આપ(અ.સ.)થી અલગ રહેવાનુ પસંદ નહી કરીશ અને આપ પર હું મારી જાન નિસાર કરી દઇશ. હવે જ્યારે કે મને એક વાર જ મારવામાં આવશે તો આપનો સાથ કેવી રીતે છોડી શકુ છું?

(અત્તબરી, ભાગ:૪, પાના:૩૧૭-૩૧૮)

ખુલાસો :

આપણને એ વાતનો સાચો અંદાજ તો નથી કે અગર ઇમામ હુસૈન(અ.સ.)નો ઇન્કેલાબ ન હોત તો શું થાત. પરંતુ તો પણ ઉપરોક્ત બાબતોના અનુસંધાનમાં અમૂક બાબતોનો આપણે અંદાજો લગાવી શકીએ છીએ. અગર આ વાકએ કરબલા ન હોત તો:

(૧) મુર્સલે આઅઝમની ઉમ્મત ગુમરાહીઓમાં ડુબેલી રહેત. આ ઇમામ હુસૈન(અ.સ.)નો લુત્ફો કરમ છે કે ઇન્સાનને હક અને બાતિલમાં તફાવત કરવાના માપદંડનો ખ્યાલ આવ્યો.

(૨) દુનિયાને અજ્રે રિસાલત અદા કરવાનો તરીકો ન મળત. ઇમામ હુસૈન(અ.સ.)ના બહાદુર સાથીઓએ ઇન્સા-નીય્યતને અજ્રે રિસાલત અદા કરવાનો એક મહાન દર્સ આપ્યો છે.

(૩) બની ઉમય્યાની બાતિલ હુકુમત હજી સુધી કાયમ રહેત, બલ્કે સમય પસાર થવાની સાથે સાથે વધારે મજબુત થઇ જતે. રાજ્યકર્તાઓ પ્રજાના કોઇ પણ ઇન્કેલાબથી નિર્ભય થઇને ગફલતમાં પડ્યા રહેત અને લોકો બેદાર થવાને બદલે બાતિલ હુકુમતની સામે જુકી જાત.

(૪) દુનિયામાં અમ્રબિલ મારૂફ અને નહ્ય અનીલ મુન્કર કરવાવાળા ન હોત અને અગર કોઇ આ રસ્તો અપનાવવા ચાહત તો સમાજ તેના મકસદમાં કામ્યાબ થવા ન દેતે.

(૫) લોકોમાં પોતાની જાત પર ભરોસો અને પોતાની શખ્સીય્યત પર યકીન ન રહેત અને તે પોતાની ઝીંદગી અને ઇઝ્ઝત અને શરાફતના હક્કોથી આગહ ન રહેત.

(૬) દેશ વિસ્તાર વધારવાવાળી ઇસ્લામ દુશ્મન તાકતો ઇસ્લામી દેશોને નાબુદ કરી દેત અને ન ફક્ત મુસલમાન કૌમોની તરફથી કોઇ મુકાબલો હોત પરંતુ હાકિમ અને પ્રજા બંને નાબુદ થઇ જાત, પરંતુ એવુ ન થયુ. અલબત્ત રાજ્યકર્તા-ઓ નાબુદ થયા અને તેમની બાતિલ હુકુમતો પણ મટી ગઇ પરંતુ ઇન્સાનીય્યત ન ફક્ત જીવંત રહી બલ્કે અડગ રહી અને આ બધુ કરબલાના ઇન્કેલાબના લીધે થયુ.

(૭) ઉમ્મતે મુસ્લેમા અખ્લાકના આ મહાન દર્સથી વંચિત રહી જાત જેની તાલીમ ઇમામ હુસૈન(અ.સ.) અને તેમના અસ્હાબોએ દુનિયાને આપી. કરબલા ઇન્સાનીય્યતના ફક્ત વ્યક્તિગત જ નહી બલ્કે સામાજિક અખ્લાકીયાતનો પણ ોત છે. પછી ભલેને તે દુશ્મનની ફૌજને સૈરાબ કરવુ હોય, તલ્વારોની વચ્ચે નમાઝ કાયમ કરવાની હોય, સંપૂર્ણ રીતે પોતાના ઝમાનાના ઇમામ(અ.સ.) પર દિલ અને જાન કુરબાન કરવી હોય અથવા દીને ખુદા અને હકની હિફાઝત માટે દુન્યવી ફાયદાની અવગણના કરવી હોય. આ હુસૈન (અ.સ.)નો ઇન્સાનીય્યત પર એહસાન છે એટલા માટે જ જોશ મલીહા-બાદીએ કહ્યુ:

કયા સિર્ફ મુસલમાન કે પ્યારે હૈ હુસૈન

ચર્ખે નવ્એ બશર કે તારે હૈ હુસૈન

ઇન્સાન કો બેદાર તો હો લેને દો

હર કૌમ પુકારેગી હમારે હૈ હુસૈન

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *