Home » અલ-મુન્તઝર માહે મોહર્રમ » ૧૪૧૩

ઝિયારતે અરબઈન – આપણી જવાબદારીઓ

Print Friendly, PDF & Email

ઝિયારતે અરબઈન – આપણી જવાબદારીઓ

મોઅમીનની નિશાનીઓમાંથી એક નિશાની, ચેહલુમ (અરબઈન)ને દિવસે હ. સય્યદુશ્શોહદા, અબા અબ્દીલ્લાહ હુસૈન અ.સ.ની ઝિયારત છે. આ ઝિયારતમાં મોઅમીન હ. ઈમામ હુસૈન અ.સ.ની મઝલુમીયત અને રાહે ખુદામાં એમની કુરબાનીઓની વાત, પછી ખુદાની બારગાહમાં આ શબ્દોમાં મકસદ કારણોની છણાવટ કરે છે.

“લે યસતનકેઝ – એબાદક મેનલ – જેહાલતે વ હયરતી-ઝ-ઝલાલહ” (“ઝિયારતે અરબઈન”) (એટલે આ તારા બંદાઓને જેહાલત અને ગુમરાહીથી નજાત આપી શકે – મુકત કરી શકે)

ચોક્કસ આજે હ. ઈ. હુસૈન અ.સ. અને એમની કુરબાનીઓ ન હતે તો કોઈ પણ અલ્લાહના બંદાને જહાલત – ગુમરાહીથી નજાત આપવાવાળો ન હોત. સન ૬૦ હી.નો જમાનો એક એવો જમાનો હતો જ્યારે અરબની જૂની જાહેલીય્યત ઈસ્લામના પોષાકમાં પાછી જીવતી કરવામાં આવી રહી હતી. ફીરઔન અને નમરૂદના પ્રતિનિધિઓ પોતાના બાપદાદાઓના રૂઢિચુસ્ત ખ્યાલો અને રિવાજોનો પ્રચાર કરી રહ્યા હતા. આવા વખતે વારીસે ઈબ્રાહીમ અ.સ. અને મુસા અ.સ.એ અઝમે-મુસા અ.સ.નો અસા અને સબ્રે ઈબ્રાહીમ અ.સ.નો લિબાસ પહેરી, ઝુલ્ફીકારે હૈદરી થકી એવી ચોટ મારી કે જેહાલત અને ગુમરાહીનું માથું હંમેશા માટે ચૂરચૂર થઈ ગયું.

હ. ઈ. હુસૈન અ.સ.ની ઝિયારતમાં જે સવાબ છે એ બીજા કોઈપણ મુસ્તહબ-સુન્નત-કામોમાં નથી. ઝિયારત એટલે એટલું જ નહી કે દૂરથી કે નજદીકથી એમને સલામ કરીએ. બલ્કે પોતાના વિચારો અને આત્માને એમના મકસદથી નજદીક કરીએ. એટલે એ વિચાર આવવો જોઈએ કે શું મારી રૂહ પર એમની ઝાતે મુકદ્દસની કોઈ અસર છે? શું એમના વિચારો અને મારા વિચારો, એમનો અખ્લાક અને મારો અખ્લાક… સામ્ય ધરાવે છે? આ વિચારો થકી પોતાનો હિસાબ લેવાઈ જાય છે. ખાસ કરીને જ્યારે આ વાકય આવે છે:

“ઈન્ની વલીય્યુન લેમન વાલાકુમ વ અદુવ્વુન લેમન આદાકુમ” (એટલે: જે આપનો દોસ્ત છે એ મારો પણ દોસ્ત છે અને જે આપનો દુશ્મન છે, એ મારો પણ દુશ્મન છે એ એક હકીકત છે કે એમની (ઈમામ હુસૈન અ.સ.ની) દોસ્તી અને દુશ્મની માણસ કરતા એના ચારિત્ર્ય (કેરેકટર) અને અમલ (કામો) સાથે હતી. “જે ખુદાની ઈતાઅત-હુકમોનું પાલન કરે છે તે અમારો દોસ્ત ત્થા વલી છે અને જે ખુદાની ના-ફરમાની કરે છે તે અમારો દુશ્મન છે.” અહિં ઝાએર (ઝિયારત કરવાવાળો) નક્કી કરી લે કે મારે એ પાક હસ્તીઓની નઝદીક થવું છે, તો મારે એ બધા કામો અને વિચારોથી દૂર થવું જોઈએ જેનાથી ઈમામ અ.સ. નફરત કરે છે અને એવા કામો અને વિચારો કરવા જોઈએ જેને ઈમામ અ.સ. પસંદ કરે છે. એટલે તમામ વાજીબાત અને મુસ્તહબ્બાત (સુન્નત) એમને પસંદ છે અને તમામ હરામ ત્થા મકરૂહ વસ્તુઓથી એ ઈમામ અ.સ. નફરત કરે છે.

 

આ બધું વિચાર્યા પછી એક તબક્કે ખ્યાલ આવે છે કે નેકીઓનો પ્રચાર કરવા જતા અને બુરાઈઓને હટાવવા જતાં કેટલી મુસીબતો અને કુરબાનીઓ આપવી પડી. જાન, માલ, બાલ-બચ્ચાં, દોસ્ત-બિરાદર બધાને કુરબાન કરીને અલ્લાહના અહકામોને બચાવ્યા. જો આવા વિચારો ન આવે તો આપણે કેવી રીતે કહી શકીએ કે “કાશ, અમે પણ તમારી સાથે હોતે તો અઝીમ કામ્યાબી-સફળતા- પામતે.” ઈમામ અ.સ.ના અસ્હાબોની કામ્યાબી સફળતા એકલી મોઢેથી બોલીને ન્હોતી. એમણે તો જાતે કામ કરીને બતાડયું – અમલથી અલ્લાહની રાહમાં કુરબાની આપી. કરબલાના મૈદાનમાં દરેક અસ્હાબના દિલમાં પોતાના ઈમામ અ.સ.ના કદમોમાં જાન ન્યોચ્છાવર કરવાની તમન્ના હતી… એ જ ઈચ્છા અને તમન્ના આપણી પાસેથી આશા રાખે છે… કે આપણે પણ આપણા ઈમામે ઝમાના અ.સ.ના ફરમાન પર કુરબાન થવાની તૈયારી રાખીએ. જો ગઈકાલે કરબલાના મૈદાનમાં ઈમામ અ.સ.ના સાથીઓ એમના પર થતા હુમલાઓને પોતાની છાતી પર રોકી રહ્યા હતા, તો આજે આપણી ઝીમ્મેદારી એ છે કે આપણે પણ આપણા ઈમામે ઝમાના અ.સ. પર થતા હુમલાઓનો મુકાબલો કરીએ અને એમન વતી દફા કરીએ. ફર્ક એટલો જ છે કે ગઈ કાલે લોખંડના તીર અને તલ્વારથી હુમલા થતા હતા જ્યારે આજે એઅતેરાઝ આશંકા-કુશંકાઓના તીરો ચલાવવામાં આવી રહ્યા છે. જો આજે આપણે એમના માટે અને એમના મીશન માટે પ્રચાર કરીએ તો કાલે ઝુહુરને વખતે જરૂર જ ઈમામ અ.સ. આપણને નહી ભૂલે. એ વખતે આપણે ઈમામને પૂછવાનો હક રાખશું કે શું અમે વફાદારીનો હક્ક અદા કર્યો?

જો આપણે સાચ્ચા દિલથી આપણા ઈમામ અ.સ.ને વફાદાર થઈ જઈએ, તો ખચીતજ ઈમામ અ.સ. પોતાના દાદા ઈમામ હુસૈન અ.સ.ના ખૂનનો ઈન્તેકામ લેવા ઝાહીર થઈ જાય. પણ… કાશ… આપણે એવા સાચ્ચા વફાદાર હોતે…

એસોસીએશન ઓફ ઈમામ મહદી (અ.સ.), આ ગમના દિવસોમાં, આંસુઓથી ભરેલી આંખો અને ગમગીન દિલથી હઝરતે સૈયદુશ્શોહદાના સાચ્ચા વારસદાર હઝરત હુજ્જત ઈબ્નીલ હસન બકીયતુલ્લાહીલ – અઅઝમ, (આપણી જાન એમના પર ફીદા)ની સેવામાં પુરસો પેશ કરે છે: “હે અમારા આકા ઈમામે ઝમાના (અ.સ.)! આપના દાદા મઝલુમ ઈમામ હુસૈન (અ.સ.)ની શહાદતથી આપ પર જે મહા-મોટી મુસીબત આવી પડી, ખુદાવંદે આલમ આપને એનો અજરે અઝીમ અતા ફરમાવે.”

ખુદાવંદે આલમ અમને બધાને ઈમામ હુસૈન (અ.સ.) ના સાચ્ચા અઝાદારોમાં શુમાર કરે અને કયામતમાં અમને બધાને એમની શફાઅત અતા ફરમાવે.

એસોસીએશન એ બધાનો આભાર માને છે જેઓએ આ પ્રકાશન માટે મહેનત કરી સહકાર આપ્યો.

Have your say!

Add your comment below, or trackback from your own site. You can also subscribe to these comments via RSS.

Be nice. Keep it clean. Stay on topic. No spam.