કુરઆની આયતો એટલે હ. ઈમામ હુસૈન અ.સ.ની શાનમાં કસીદો

Print Friendly, PDF & Email

કુરઆની આયતો એટલે હ. ઈમામ હુસૈન અ.સ.ની શાનમાં કસીદો

ઈસ્લામી આલમમાં હ. ઈ. હુસૈન અ.સ.નું વ્યકિતત્વ કોઈપણ જાતના વિવાદ વગરનું છે. આપનો દરજ્જો અને મરતબો મુસલમાનોની નજરથી છાનો નથી. આપ અ.સ.ની અઝમત અને બુઝુર્ગી એ બેશુમાર હદીસોથી જાહેર થાય છે જે રસૂલ સ.અ.વ. એ આપના અસ્હાબો-પત્નીઓ અને આમ મુસલમાનોના મજમૂઆ (સંમેલનો)માં વારંવાર બયાન ફરમાવી.

સિજદાને ઢીલ આપવાનો પ્રસંગ, જન્નતથી પોષાક આવવાની બાબત, જન્નતના સરદાર ઠરાવવું હ. રસુલે ખુદા સ.અ.વ.ની હદીસ હુસૈનુમ્મીન્ની વ અના મેનલ હુસૈન અ.સ. અહબ્બલ્લાહ મન અહબ્બહુસૈના અ.સ. અને એવા અનેક દ્રષ્ટાંતો જે ઈતિહાસના આંચલમાં વીખરાયેલા પડયા છે અને રિવાયતોના એ મોતીઓ જેને સમુંદરે પોતાના પેટાળમાં જગા આપી રાખી છે એ તમામ (હદીસો-રિવાયતો) હ. ઈ. હુસૈન અ.સ. ની બુલંદી અને ઉચ્ચતાને ઉજાગર અને સાબિત કરવા માટે પુરતી છે. મતલબ કે હ. ઈ. હુસૈન અ.સ. હ. રસુલે ખુદા સ.અ.વ.ને એવા પ્યારા હતા કે આપ અ.સ.ને જરા પણ તકલીફ પહોંચે તે હ. રસુલે ખુદા સ.અ.વ.થી જરા પણ જોઈ શકાતું ન હતું. એટલા માટે તો એકવાર જ્યારે રસુલે ખુદા સ.અ.વ. પ્રવચન ખુત્બો આપી રહ્યા હતા ત્યારે ઈમામે હુસૈન અ.સ. નજીકમાં જમીન પર પડી ગયા તો એ વખતે આપ સ.અ.વ. એ ખુત્બાને અટકાવી દીધો અને બેઈખ્તેયાર જલ્દીથી આવીને ઈમામ હુસૈન અ.સ.ને ઉપાડી લીધા.

હ. રસુલે ખુદા સ.અ.વ.નું આ વર્તન ફકત માનવીય ભાવો પર આધારિત બિલ્કુલ ન હતું. પરંતુ આ અમલથી સ્પષ્ટ થયું કે હ. હુસૈન અ.સ. ફકત રસુલ સ.અ.વ. નેજ પ્યારા અને મહેબુબ ન હતા બલ્કે અલ્લાહના પણ એવાજ પ્યારા અને મહેબૂબ હતા. અને એજ વાત રસુલે ખુદા સ.અ.વ. પોતાના અસ્હાબોને વારંવાર સમજાવી રહ્યા હતા કે હ. હુસૈન અ.સ.ને સામાન્ય તકલીફ પહોંચે તે પણ ખુદ ખુદા અને તેના રસુલ સ.અ.વ.ને બિલ્કુલ ગવારા (સહનીય) ન હતી.

આવા અનેક પ્રસંગોના ચશ્મદીદ ગવાહ (નજરે જોયા સાક્ષી) ના-હયાત હોવા છતાં પણ હ. રસુલે ખુદા સ.અ.વ.ની શહાદત પછી હ. ઈ. હુસૈન અ.સ.ને જીસ્માની (શારીરિક) તેમજ રૂહાની અપાર તકલીફો આપવામાં આવી ફકત એટલું જ નહી પણ ખુદ રસુલ સ.અ.વ.ના ઘના અસ્હાબો, તાબેઈન (એટલે બીજો તબક્કો જેમણે ખુદ રસુલ સ.અ.વ.નો ઝમાનો નહોતો જોયો પરંતુ તેમના કોઈપણ અસ્હાબોને જોયેલા તે લોકો) તેમજ આપ સ.અ.વ.નો કલમો પડવાવાળાએ મળીને ઈ. હુસૈન અ.સ.ના કત્લ અને આપ અ.સ.ના નઝદીકના સગાઓના ખૂનથી પોતાના હાથ રંગી લીધા અને કરબલાનો મહાન પ્રસંગ ઊભો કર્યો. આ બનાવ ઈસ્લામ અને ઈમાનના દિલો જીગર પરનો એવો દાગ અને ઘાવ છે જે કદી ઝાંખો પડી શકનાર નથી. ખરેખર, આ ઝાલિમોએ નબીઓના સરદાર (હુઝુર સ.અ.વ.)ને અંતહીન ઈજા પહોંચાડી છે. અરે ઈસ્લામ તો શું ઈન્સાનિયત અને શરાફતના જીગરને ટૂકડે ટૂકડા કરી નાખે તેવી આ હરકત હતી અને આવા કાળા કામાના કરનાર કદી કલમાગો (મુસલમાન) હોઈ જ ન શકે.

શું ઈમામે હુસૈન અ.સ. સામે હથિયાર બાંધી મૈદાને પડનાર આ નહોતા જાણતા કે હ. ઈ. હુસૈન અ.સ.ની અઝમત અને બુઝુર્ગીનો કલેમા અને કસીદો ખુદ કુરઆન શરીફ પડી રહ્યું છે. આવો, એ મઝલુમે કરબલાની શાનમાં નાઝિલ થયેલી કેટલીક આયતોની વાત કરીએ. જેથી રસુલ સ.અ.વ.ના એ નવાસાની કુરઆનની નજરે શું કિંમત છે તે સાબિત થાય:

(૧) “વમા ઉન્ઝેલ એલા ઈબ્રાહીમ વ ઈસ્માઈલ વ ઈસ્હાક વ યાઅકુન વલ્અસ્બાત.” (સુ. બકરહ આયત ૧૩૬)

તરજુમો: અને જે (સહીફા) નાઝિલ કરવામાં આવ્યા ઈબ્રાહીમ અને ઈસ્માઈલ અને ઇસ્હાક અને યાકુબ અને તેની અવલાદ પર.

કબીર ઈબ્નુલ અસીરના ઈતિહાસકાર લખે છે કે અલી બિન તમરાએ કહ્યું, કે એક વખત અમે લોકો હ. રસુલે ખુદા સ.અ.વ.ની સાથે દઅવતમાં જઈ રહ્યા હતા. ત્યાં ઈ. હુસૈન અ.સ. રમતા હતા. નબીએ કરીમ સ.અ.વ. હ. ઈ. હુસૈન અ.સ.ની પાસે તશ્રીફ લઈ ગયા અને આપ અ.સ.ને આગોશમાં લેવા માટે હાથોને ફેલાવ્યા. પરંતુ ઈ. હુસૈન અ.સ. આઘા પાછા થઈ રહ્યા હતા અને હ. રસુલે ખુદા સ.અ.વ. આ જોઈ જોઈને ખુશ થઈ રહ્યા હતા તે ત્યાં સુધી કે રસુલે ખુદા સ.અ.વ. એ તેમને પોતાના ખોળામાં લઈ લીધા. એક હાથ દાઢી પર અને એક હાથ માથા પર રાખી ફરમાવ્યું:

“હુસૈન્નુમ્મિન્ની વ અના મેનલ હુસૈન અ.સ. અહબ્બલ્લાહ મન અહબ્બ હુસૈના અ.સ. હુસૈન સિબ્ત મેનલ અસ્બાત” એટલે કે હુસૈન મારાથી છે અને હું હુસૈન અ.સ.થી છું. ખુદા એને દોસ્ત રાખે છે જે હુસૈન અ.સ.ને દોસ્ત રાખે છે અને હુસૈન અ.સ. અસ્બાતમાંથી એક સિબ્ત છે (એટલે ઘણા નવાસામાંથી એક નવાસા છે.) (“અસદુલગાબા”, ઈબ્ને અસીર, ભાગ-૨, પેજ નં. ૧૯. મુસ્તદરકમાં હાકિમે, ભાગ-૩, પેજ ૧૭૭ પર આજ જાતની રિવાયત સુ. આલે ઈમરાનનની આયત ૮૪ ના બારામાં લખી છે.)

(૨) “અમ તકૂલૂન ઈન્ન ઈબ્રાહીમ વ ઈસ્માઈલ વ ઇસ્હાક વ યઅકુબ વલ અસ્બાત કાનૂ હૂદન અવ નસારા?” (સુરએ બકરહ, આયત ૧૪૦)

તરજુમો: શું તમે એમ કહો છો કે બેશક ઈબ્રાહીમ અને ઈસ્માઈલ અને ઇસ્હાક અને યાકુબ અને તેના (યાકુબના) ફરઝંદો, બધાના બધા યહુદી અથવા નસરાની હતા?”

સોનને ઈબ્ને માજાના કર્તા જે એહલે સુન્નતના મશ્હુર ઈમામ અને છ આધારભૂત કિતાબો “સેહાહે સિત્તા”માંથી એક છે તે પોતાની સહીહ (હદીસોની કિતાબ)માં મોઅતબર સનદોથી આ રિવાયતને હ. રસુલે ખુદા સ.અ.વ.થી આ રીતે નકલ કરે છે. આપ સ.અ.વ. એ ફરમાવ્યું કે: “વ હુસૈનો સિબ્ત મેનલ અસ્બાત”. (સોનને ઈબ્ને માજા, ભાગ-૧, પેજ-૫)

બની ઈસરાઈલમાં “સબ્ત” એ લોકોને કહેવામાં આવતા જે નબી તો ન હોય છતાં નબી જેવા જ હોય. હદીસમાં ઈ. હુસૈન અ.સ.ને સબ્ત કહેવામાં આવ્યા છે એટલે કુરઆનમાં જ્યાં જ્યાં આ શબ્દ આવેલો છે ત્યાં ત્યાં તેનાથી મુરાદ ઈ. હુસૈન અ.સ. છે અને તે આયત હ. ઈ. હુસૈન અ.સ. તરફ ઈશારો કરી રહી છે.

(૩) “વ મન કોતમ મઝલૂમન ફકદ જઅલ્ના લે વલીવ્યેહી સુલ્તાનન ફલા યુસ્રેફો ફિલકત્લે, ઈન્નહૂકાન મન્સૂરા” (સુરએ ઈસરા, આયત ૩૩)

તરજુમો: અને જે શખ્સને નાહક (મઝલૂમ) કત્લ કરવામાં આવે તો અમોએ તેના વારસને બદલો લેવા પર ઈખ્તેયાર (સત્તા) આપેલ છે…..

હાફીઝ શૈખ સુલેમાન કન્દુઝી હનફી કહે છે કે અબ્દુસ્સલામ બિન સાલેહ અલ હરૂબી એ ઈમામ અલીયે રઝા ઈબ્ને મૂસીએ કાઝિમ અ.સ.થી (આ આયત)ના બારામાં રિવાયત કરી છે કે આ આયત ઈ. હુસૈન અ.સ.ની શાનમાં નાઝિલ થઈ છે. અને તેમાં વલી (વારિસ)થી મુરાદ હ. ઈ. મહદી અ.સ. છે એટલે “કોતેલ મઝલૂમન” થી મુરાદ ઈ. હુસૈન અ.સ. અને વલીય્યેહીથી મુરાદ (હુસૈન અ.સ.ના નવમી પેઢીના ફરઝંદ અલ્હુજ્જતુલ મહદી અ.સ. છે.

(૪) “વ નોરીદો અન્ન મુન્ન અલલ્લઝીન સ્તુઝએફુ ફિલ્અર્ઝે વ નજઅલહુમ અઈમ્મતંવ્વનજઅલુહુમુલ વારેસીન.” (સુરએ કસસ આયત ૬)

તરજુમો: અને અમે તો એવું ચાહીએ છીએ કે જે લોકોને પૃથ્વીના પટ પર પસ્ત (હીણા યા કમઝોર) કરી દેવામાં આવ્યા છે તેમના પર એહસાન કરીએ અને તેઓને જ (લોકોના) પેશવા આગેવાન બનાવીએ અને તેમને જ સરઝમીનના વારિસ બનાવીએ.

હાફિઝ હસ્કાની હનફીએ અબુલહસન ફારસીથી અને તેમણે મુફઝઝલ બિન ઉમરથી અને તેમણે હ. ઈ. જઅફરે સાદિક અ.સ.ના હવાલાથી જે હદીસ બયાન કરી છે તે પ્રમાણે ઈ. હુસૈન અ.સ. એ “મુસ્તઝઅફીન” (જે લોકોને નિર્બળ બનાવી દેવામાં આવ્યા તેઓ)માંથી એક છે. જેમના માટે હ. રસુલે ખુદા સ.અ.વ. એ રોતા રોતા ફરમાવ્યું હતું. “અન્તોમુલ મુસ્તઝ અફીન બઅદી”. એટલે કે તમને મારી પછી કમઝોર કરી નાખવામાં આવશે. (“શવાહેદુત્તન્ઝીલ.” હસ્કાનિ, ભાગ-૧, પેજ ૪૩૦-૪૩૧)

(૫) “કાફ હા યા ઐન સાદ.” (સુ મરયમ આયત ૧)

હાફિઝ શૈખ સુલૈમાન કન્દોઝી હનફીએ સાદ બિને અબ્દુલ્લાહથી રિવાયત કરી છે કે તેમણે કહ્યું કે હું ઈલ્મ પ્રાપ્ત કરવાનો શોખીન હતો. મેં મારી નોટબુકમાં ૪૦ સખત (મુશ્કેલ) અને અગત્યના સવાલો નોંધી રાખ્યા હતા કે જેથી હું તેને મારા શહેરની શ્રેષ્ઠ વ્યકિત હ. ઈ. હસને અસ્કરી અ.સ.ના વકીલ જે એહમદ બિન ઈસ્હાકથી પુછું. તે હઝરત ઈ. હસન અસ્કરી અ.સ.ની મુલાકાત માટે સામરા ગયા હતા. હું ત્યાં જઈને તેમને મળ્યો અને અમે બંને ઈમામ અ.સ.ની ખિદમતમાં હાઝિર થયા. ઈમામ અ.સ. એ મને પુછયું: “તમે અહી શા માટે આવ્યા છો?” મેં અરઝ કરી કે આપની મુલાકાતના શૌકમાં. ઈમામ અ.સ. એ ફરમાવ્યું કે “તમારે જે કંઇ પુછવાનું છે તે આ મારા નૂરે નઝર-આંખોની ઠંડક (એવા ફરઝંદ)થી પૂછી લો.” અને આમ કહી મને એક સાહેબઝાદા (હ. ઈ. મહદી અ.સ.) તરફ જવા ઈશારો કર્યો. મેં તેમને એકે એક સવાલ પૂછી લીધા અને આપે પણ તેના તદ્દન સાફ, સ્પષ્ટ અને સંતોષકારક જવાબો આપ્યા.

આ બધામાં મેં આયત કાફ હા યા ઐન સાદની તાવીલ (એની પાછળનો ગૂઢાર્થ) પણ પુછી. ઈમામ અ.સ. એ ફરમાવ્યું: “કાફ”થી મુરાદ “કરબલા” “હૈ” થી હલાકતે ઈત્ રત શહાદત “યે” થી યઝીદે મલઉન. “અયન”થી મુરાદ “અતશ” (પ્યાસ) અને “સાદ”થી મુરાદ “સબ્ર” છે.

(યનાબીઉલમવદ્દહ, શૈખ સુલેમાન કુંદુઝી, પેજ ૪૬૦)

(૬) “વજાહે દૂ ફિલ્લાહે હક્ક જેહાદેહી” (સુરએ હજ્જ, આયત ૭૮)

તરજુમો: અને ખુદાની રાહમાં જેહાદ કરવાનો જેવો હક છે (તે પ્રમાણે) જેહાદ કરો.

ઈબ્ને મર્દવીયાએ અબ્દુર્રહમાન બિન ઔફથી રિવાયત કરી છે કે ઉમરે મને ફરમાવ્યું કે શું આપણે આ આયત “કે જેવી રીતે તમે શરૂમાં જેહાદ કર્યો તેવી જ રીતે આખરી ઝમાનામાં જેહાદનો જે હક છે તે અદા કરો.” તે કુરઆનમાં પડતા ન હતા? મેં કહ્યું, બેશક પડતા હતા પરંતુ એ આ્રખરી ઝમાનો કયારે આવશે? ત્યારે ઉમરે ફરમાવ્યું કે જે ઝમાનામાં બની ઉમૈયા હાકિમ હશે અને મોગીરાની ઔલાદ (તેની) વઝીર હશે.” આ રિવાયતનો બયહકીએ પણ ઝિક્ર કરેલ છે.

(“યનાબીઉલ મવદ્દહ” – શૈખ સુલેમાન કંદુઝી પેજ ૪૬૦)

જાણીતી વાત છે કે મોગીરાની ઔલાદ યઝીદના ઝમાનામાં વઝીરના હોદ્દા પર હતી અને મોગીરા એ પહેલી વ્યકિત હતી જેણે મોઆવીયા પાસે યઝીદની બયઅતની હિલચાલ શરૂ કરાવી અને લોકો પાસે યઝીદની બયઅત લેવરાવી.

આ રીતે એ ઝમાનો જેનું અલ્લાહ વર્ણન કરે છે ઈ. હુસૈન અ.સ.ની જેહાદનો ઝમાનો છે અને તેમાં આપની મહાન જેહાદનો ઝિક્ર છે અને ખુદા આપનો સાથ આપવાનો હુકમ કરે છે.

(૭) “ફમા બકત અલય્હેમુસ્સમાઓ વલઅર્ઝો વ મા કાનૂ મુન્ઝેરીન.” (સુ. દુખાન આયત ૨૯)

આજ આયતની તફસીરમાં સહીહ મુસ્લિમમાં લખ્યું છે કે જ્યારે ઈ. હુસૈન અ.સ. શહીદ થયા તો આપની મુસીબત પર આસમાન પણ રડયું. (સહીહ મુસ્લિમ – સુ. દુખાનની તફસીરમાં) અને આસમાનનું રડવું એ તેનું લાલ થઇ જવું તે છે.

આના જ સમર્થનમાં એ રિવાયત છે જેને ઈબ્ને હજરે “સવાએકે મોહરકા”માં વર્ણવી છે કે હ. અલી અ.સ. એક વાર કરબલાથી પસાર થતા હતા (તેમાં) જ્યારે કબ્રે હ. ઈ. હુસૈન અ.સ.ની જગા પર પહોંચ્યા તો ફરમાવ્યું કે આજ અમારા ઊંટોના બેસવા અને અમારા સામાન ઉતારવાની જગા છે. હ. રસુલ સ.અ.વ.ની એહલેબૈત અ.મુ.સ.ની કેટલીક હસ્તીઓને અહી આ જ મૈદાનમાં કત્લ કરવામાં આવશે જેના પર આસમાન પણ રોશે અને ઝમ્રીન પણ.

(૮) “વ જઅલહા કલેમતન બાકેયતન ફી અકેબેહી લઅલ્લહુમ યર્જેઊન. (સુ. ઝુખ્રૂફ, આ. ૨૮)

હાફિઝ કંદુઝી હનફી હ. અલી અ.સ. થી રિવાયત કરે છે કે આપે ફરમાવ્યું, “આ આયત ખુદાએ અઝઝો જલ્લે અમારી શાનમાં નાઝિલ ફરમાવી (ઉતારી) છે અને કહે છે કે જઅલલ ઈમામત ફી અકેબિલ હુસૈન એલા યવ્મિલ કેયામાહ.” એટલે કે અલ્લાહે ઈમામતને કયામત સુધી હ. ઈ. હુસૈન અ.સ.ની નસ્લ (વંશ)માં (સ્થાયી) કરી છે. (“યનાબીઉલ મવદ્દહ.”)

(૯) “યા અય્યોહલ્લઝીન આમનુત્તકુલ્લાહ વ આમેનૂ બે રસૂલેહી યુઅતકુમ કિફલ્યને મિર્રહમતેહ.” (સુ. હદીદ આ. ૨૮)

તરજુમો: અય એ લોકો જેઓ ઈમાન લાવ્યા છો, અલ્લાહથી ડરો અને તેના રસુલ પર ઈમાન લાવો. તો એ તમને પોતાની રહેમતના બે હિસ્સા (ભાગ) અતા ફરમાવશે.

હાફિઝ ઈબ્ને અબ્દુલ્લાહે હસ્કાનીએ ફુરાત બિન ઈબ્રાહીમ અલકૂફીના હવાલાથી ઈબ્ને અબ્બાસની એક રિવાયત અલ્લાહ તઆલાના આ ફરમાન સંબંધમાં નકલ કરી છે (વર્ણવી) છે કે ઈબ્ને અબ્બાસે ફરમાવ્યું કે કિલફૈનથી મુરાદ (તાત્પર્ય) હ.ઈ. હસન અને હ. ઈ. હુસૈન અ.સ. છે.

(“શવાહેદૂત્તન્ઝીલ”, હસ્કાની ભાગ-૨, પેજ ૨૨૭)

(૧૦) “વશ્શમ્સે વ ઝોહા હા, વલકમરે એઝા તલાહા, વન્નહારે એઝા જઅલ્લાહા. વલ્લય્લે એઝા યગ્શાહા.” (સુ. શમ્સ, આ. ૧ થી ૪)

હાફિઝ અબ્દુલ્લાહ હનફી હસ્કાનીએ ફુરાત બિન ઈબ્રાહીમ કૂફીથી આ આયતના સંદર્ભમાં ઈબ્ને અબ્બાસની એક રિવાયત બયાન કરી છે, જે અનુસાર વશ્શમ્સે વઝોહાહાથી મુરાદ હ. રસુલે ખુદા સ.અ.વ. અને વલકમરે એઝા તલાહા હ. અલી અ.સ. અને “વન્નહારે એઝા જઅલ્લાહા”થી મુરાદ (તાત્પર્ય) હ. ઈ. હસન અ.સ. અને હ. ઈ. હુસૈન અ.સ. છે અને “વલ્લય્લે એઝા યગ્શાહા”થી બની ઉમૈયા મુરાદ છે.

(“શવાહેદુત્તન્ઝીલ”, હસ્કાની ભાગ-૨, પેજ ૩૩૩)

(૧૧) “વત્તીને વઝઝય્તૂને” (સુરએ તીન આયત ૧)

હાફિઝ હસ્કાની હનફી કહે છે કે ફુરાત ઈબ્ને ઈબ્રાહીમે મોહમ્મદ બિન ફઝીલથી એક રિવાયત બયાન કરી છે કે મોહમ્મદ બિન ફઝીલ સિરનીએ જ્યારે ઈમામ મૂસા ઈબ્ને જઅફર અ.સ.ને આ આયત વિષે પૂછયું તો ઈ. મૂસા ઈબ્ને જઅફરે જે જવાબ આપ્યો તે અનુસાર “અત્તીન”થી મુરાદ હ. ઈ. હુસૈન અ.સ.ની પવિત્ર ઝાત “હસ્તી” છે (વિગત માટે “શવાહેદુત્તન્ઝીલ” અને “તારીખે બગદાદ” ભાગ ૨ પેજ ૯૭)

તો આ એ આયતો હતી જેમાં ખાસ કરીને હ. ઈ. હુસૈન અ.સ.નો ઝિક્ર “વર્ણન” છે, જેમાંની કેટલીક ખાસ ફકત ઈ. હુસૈન અ.સ. માટે મખ્સુસ છે. આ તમામ આયતોથી હ. ઈ. હુસૈન અ.સ.ના વ્યકિતત્વ વિષે નીચે મુજબની બાબતો જાણવા મળી શકે છે:

  • આપ હ. ઈબ્રાહીમ અ.સ.ના ફરઝંદોમાંથી એક છો અને હ. રસુલે ખુદા સ.અ.વ.થી આપને એક ખાસ સંબંધ છે અને આપ સ.અ.વ. આપને બેહદ દોસ્ત રાખતા હતા (ચાહતા હતા) અને જે આપનાથી મોહબ્બત રાખે તેને ખુદ અલ્લાહ ચાહે છે.
  • આપ વહીના ધારક છે અને ઉમ્મતના આગેવાન અને રેહનુમા (માર્ગદર્શક) છે.
  • આપને મઝલુમ શહીદ કરવામાં આવ્યા અને આપના કત્લનો બદલો લેવા માટે હ. ઈ. મહદી અ.સ. નિયુકત છે.
  • આપને અલ્લાહની ઝમીન પર નિર્બળ કરી દેવામાં આવ્યા. જો કે ખુદાનો ઈરાદો એ છે કે આપ ઈમામ અને વારિસ બને અને અલ્લાહનો આ વાયદો આપના ફરઝંદ હ. મહદી અ.સ. દ્વારા પૂરા થશે.
  • આપની “પ્યાસ”, “શહાદત”, “કત્લગાહ (શહાદત સ્થળ)”નું વર્ણન અને આપના કાતિલના નામની તાવીલ કુરઆનમાં છે.
  • આપના જેહાદનું વર્ણન પણ કુરઆનમાં મૌજુદ છે અને ઉમરના કૌલ (બયાન) મુજબ આ જેહાદમાં ઈ. હુસૈન અ.સ.નો સાથ દેવો વાજીબ છે અને યઝીદ (લ.અ.) અને તેની ફૌજે કુરઆનના હુકમોની વિરૂધ્ધ કામ કરીને ખુદ કુરઆન સામે (અલ્લાહ સામે) જંગ કર્યા બરાબર છે.

(આથી એ બધા લોકો જે લશ્કરે યઝીદનો સાથ આપ્યો અને સાથ આપતા આપતા કતલ થયા) અથવા જેઓ આવા લોકોના કાર્યથી રાજી અને ખુશ થયા તે તમામ કાફર થઈ ગયા અને હ. હુર કે જે યઝીદ (લઅન)નું લશ્કર છોડીને હ. ઈ. હુસૈન અ.સ.ના લશ્કરમાં આવી ગયા તો જાણે તેમણે કુફ્ર છોડીને ઈસ્લામ સ્વીકાર્યો.

  • સેહાહે સિત્તા (એટલે હદીસની છ સૌથી શ્રેષ્ઠ આધારભુત કિતાબો) ઉપર તમામ સુન્ની લોકો વિશ્વાસ રાખે છે અને કુરઆન પછી સૌથી વધુ વિશ્વસનીય અને ભરોસાપાત્ર ગણવામાં આવે છે અને એહલે સુન્નતના ઓલમાઓ ત્યાં સુધી માને છે કે આ સેહાહે સિત્તાની હદીસોનો ઈન્કાર કુફ્રની બરાબર ગણે છે. આથી સહીહ મુસ્લિમમાં આ હદીસ શરીફ સાફ સાફ મૌજુદ છે કે (હ. ઈ. હુસૈન અ.સ.ની શહાદત પર) ખુદ આસમાન અને ઝમીને પણ રૂદન કર્યું, જેનાથી સાબિત થાય છે કે હ. ઈ. હુસૈન અ.સ.ની મુસીબત કેવી મહાન મુસીબત છે અને (સાથે જ એ પણ સાબિત થાય છે કે) આપની મુસીબત પર રડવું કુદરત અનુસાર છે અને તેમાં કોઈ બિદઅત (ધર્મમાં પોતાના તરફથી કંઇ મેળવવું) નથી એટલું જ નહિ પણ (આ રોવું તે) ઈમાન અને મોહબ્બતની સાબિતી છે અને “શવાહેદુત્તન્ઝીલ”ની સહીહ હદીસથી સાબિત થાય છે કે હ. રસુલે ખુદા સ.અ.વ. એ હ. અલી, હ. ઈ. હસન અ.સ. અને હ. ઈ. હુસૈન અ.સ.ના વિષયમાં રોતાં રોતાં ફરમાવ્યું. “અન્તોમુલ મુસ્તઝઅફીન બઅદી” (યાને કે મારી બાદ તમને લોકોને અશકત નિર્બળ કરી નાખવામાં આવશે.) આથી ઈ. હુસૈન અ.સ. પર રૂદન કરવું સુન્નત છે અને જે લોકો તેને બિદઅત કહે છે તેઓ ખુદ રસુલે ખુદા સ.અ.વ.ના અમલનો ઈન્કાર કરે છે અને આ કામ એવા જ લોકોનું હોઈ શકે કે જેના દિલમાં એવો ડર હોય કે કયાંક હ.ઈ. હુસૈન અ.સ.ના સાચા કાતિલો ઓળખી પાડવામાં ન આવે.

એક ધ્યાન દેવા પાત્ર હકીકત એ છે કે હ. રસુલે ખુદા સ.અ.વ. કોઈ એવું કામ ન હોતા કરતા જે અલ્લાહની નઝદીક ખામીયુકત (એબવાળું) હોય અને બીજી વાત એ કે આપનો દરેક અમલ (કામ) કુરઆનની નજરે ઉસ્વએહસ્ના (શ્રેષ્ઠ નમૂનએ અમલ) હતું. મતલબ એ કે આપનું કોઈ કામ વ્યકિતગત ધોરણે નહોતું. આથી આપનું રોવું અને આહોઝારી પણ અલ્લાહની ઐન મરજી પ્રમાણે હતું.

  • આપ પોતે અલ્લાહના તરફથી ઈમામ હતા અને ઈમામત આપના વંશમાં બાકી રહેનાર હતી.
  • આપ “કિફલેયને રેહમત” એટલે રેહમતના બે ભાગમાંથી એક ભાગ હતા.
  • સુરએ વશ્શમ્સમાં અલલાહે આપની પવિત્ર (ઝાત) હસ્તીની કસમ ખાધી છે કારણકે “વન્નહારે એઝા જલ્લાહા”થી મુરાદ આપ અને આપના ભાઈ હ. ઈ. હસન અ.સ. છે.
  • ખુદાએ બીજી વખત આપની કસમ “વત્તીન” કહીને ખાધી છે.

આયતની સ્પષ્ટ અને સાફ હકીકતો પછી હવે વધું કંઇ કહેવાની જરૂર બાકી નથી રહેતી અને હ.ઈ. હુસૈન અ.સ.ની શાનમાં ગુસ્તાખી કરનારાઓ માટે આટલી દલીલો કાફી છે, જેનાથી સાબિત થઈ જાય છે કે હ. ઈ. હુસૈન અ.સ.ની વિરૂધ્ધતા એ કુરઆનની વિરૂધ્ધતા છે.

વિષયના અંતમાં ફકત આટલું જ કહેવા ચાહીએ છીએ કે, હ. ઈ. હુસૈન અ.સ.ના મદદગારોની અઝમત, મહત્તા અને દરજ્જો અવર્ણનીય છે અને તેમનું હ. ઈ. હુસૈન અ.સ.ને મદદ કરવાનું કાર્ય કુરઆન અને શરીઅતની ઐનેમુતાબિક (બિલકુલો તત્સંબંધી) છે અને ખુદાના પૈગામો અને ઈલાહી આદેશોથી મોં ફેરવવું “ઐનેકુફ્ર” (નર્યું કુફ્ર નરી નાસ્તિકતા) છે, અને જાણી જોઈને છુપાવવું યા એના અવળા અર્થ કાઢવા મુનાફિકપણું (દંભ) છે અને એનાથી મોઢું ફેરવવું તે કુરઆનના ઈન્કાર બરાબર અને પરિણામે ચોખ્ખું કુફ્ર નાસ્તિકપણું છે.

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *