Home » અલ-મુન્તઝર માહે મોહર્રમ » ૧૪૧૩

જનાબે ઝયનબ સલામુલ્લાહે અલયહા

Print Friendly, PDF & Email

જનાબે ઝયનબ સલામુલ્લાહે અલયહા

જનાબે ઝયનબ સલામુલ્લાહે અલયહાનું નામ “ઝયનબ” બે અક્ષરોથી બન્યું છે. એટલેકે “ઝયન” અને “અબ”. “ઝયન” એટલે ઝીનત અને “અબ” એટલે પિતા. આખા શબ્દનો અર્થ થશે “પિતાની શોભા”. (વાલીદની ઝીનત). રિવાયતમાં મળે છે કે આપનું નામ હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) એ રાખ્યું હતું. આ ખબર જીબ્રઈલ – અમીને આપી હતી. કારણ કે લવહે મહફુઝમાં આપનું નામ લખેલું હતું. આપ (સ.અ.)ની મશ્હુર કુન્નીયતમાં મઝલુમા, મરઝીયા, મોહદ્દેસા, નાએબતે – ઝહેરા, અલ-ફસીહા, અલ-બલીગા, આલેમએ-ગૈર મોઅલ્લેમા વેગેરે છે. આપની વિલાદતની તારીખ વિશે ઈતિહાસકારોમાં મતભેદ જોવા મળે છે. સાહેબે “ખસાએસે-ઝયનબીયા” કહે છે કે આપ (અ.સ.)ની વિલાદતની તારીખ ૫ જમાદીઉલ અવ્વલ સન ૫ કે ૬ હીજરીના મદિનામાં થઈ છે. જ્યારે બીજા કેટલાક ઈતિહાસકારો ૫ શાઅબાન ૫ હીજરી અને કેટલાકે પહેલી શાઅબાન ૬ હીજરી લખી છે.

જનાબે ઝયનુલ આબેદીન (અ.સ.) ના વંશજમાંથી એક માણસ જેનું નામ સૈયદ યહ્યાબીન હસન મઅફ બે અબ્દલી હતું. તેઓએ જનાબે ઝયનબ (સ.અ.) વિશે સર્વ પ્રથમ લેખ લખ્યો. આ પહેલો ઈન્સાન હતો જેણે ઈમામ હુસૈન (અ.સ.) ના વંશજોની વિગત લેખિત (પુસ્તક) સ્વરૂપે રજુ કરી. ઉસ્તાદ હસન મોહમ્મદ કાસિમે આ લેખને પોતાના પુસ્તક “સૈયદા ઝયનબ સ.અ.” માં શામીલ કર્યો, જેની પ્રસ્તાવનામાં તેઓ લખે છે: આ હકીકત છે કે કેટલીક સ્ત્રીઓએ વિશ્ર્વભરમાં ખ્યાતિ મેળવી છે. જેમાં જનાબે ઝયનબ (સ.અ.) નું નામ મોખરે છે. તેઓની ફઝીલતને એક પછી એક ક્રમાનુસાર ગણવામાં આવે જેમકે, વફાદારી, સખાવત, સચ્ચાઈ, બહાદુરી, ગૈરત, ઈલ્મ, ઈબાદત, પવિત્રતા, સંયમ વગેરે તો જ. ઝયનબ (સ.અ.) બધી વિશિષ્ટતાઓના શ્રેષ્ઠ નમૂના સમા ગણાશે. જનાબે ઝયનબ (સ.અ.) ના ફઝાએલ, આપના વિશેની રિવાયતો અને હદીસો ઈતિહાસમાં એટલી બધી મળી આવે છે કે આપ (સ.અ.) ના જીવનચરિત્રમાં તેનું વર્ણન કરવું જરી જણાતું નથી. ટુંકમાં એમ કહી શકાય કે આપ એટલી બધી ફઝીલતોથી ભરપુર હતા કે તેનો ઝીક્ર હંમેશા બાકી રહેશે અને એ વાતમાં કોઈ આશ્ર્ચર્ય નહી ગણાય કે આપને હકના રહસ્યોમાં પ્રભાવના અતિ ઉત્તમ નમૂના અને ફઝીલતોમાં શ્રેષ્ઠ ગણવામાં આવે. હકની શાન એ છે કે હંમેશા કાયમ રહે અને ફઝીલતની ખૂબી એ છે કે દુનિયા ભરમાં ફેલાઈ જાય….

જાલિમ અને સિતમગર સત્તાધીશો સમક્ષ જનાબે ઝયનબ (સ.અ.)નું જે વલણ રહ્યું હતું તે હૃદયદ્રાવક અને કટોકટીના સંજોગોમાં ઉચ્ચત્તર હતું અને તેના કારણે જાલિમોનું સ્થાન નીચું થઈ ગયું હતું. એક તરફ માત્ર ઉચ્ચતા તો બીજી બાજુ નીચતા, જનાબે ઝયનબ (સ.અ.) એ તે લોકોની બધી વાતોના દ્રઢતા અને નિડરતાપૂર્વક જવાબો આપ્યા હતા. આ એવું કામ હતું જે સાધારણ વ્યકિત માટે કરવું શકય ન હતું.

જ્યારે જ. ઝયનબ (સ.અ.) કરબલાના મૈદાનમાં દુશ્મનો વચ્ચે ચારે બાજુથી ઘેરાઈ ગયા હતા ત્યારે વાતાવરણ ખુબ જ ભયજનક હતું. યઝીદને એવી ગેરસમજ થઈ હતી કે પોતે સંપૂર્ણપણે વિજયી બની ગયો છે. સાચી સફળતા મને મળી છે. મને કોઈ જાતની કાવટ નડશે નહીં. મારી ખરાબ દાનત અને આંતરિક વિકૃતિને ખુલ્લી પાડવાની કોઈનામાં તાકાત નથી. તેવે વખતે જ. ઝયનબે હકનો અવાજ બુલંદ કર્યો અને યઝીદ તથા તેના ખાનદાનની ઈસ્લામ પ્રત્યેની દુશ્મની જાહેર કરીને તેના અહંકાર અને ગર્વને ધુળમાં મેળવી દીધા. આ વાતને કોઈ કવિએ તેના આ શબ્દોમાં તાદ્રશ્ય કરી છે.

જૈસે જીબ્રઈલે-અમી-કુરઆનકા કરતે હો નુઝુલ

જૈસે અરબાબે-ખિલાફતસે મુખાતીબ હો બતુલ

શામકા દરબાર, ઝયનબકા બયાઁ, બાતિલકી કાટ

જૈસે ખયબરમેં અલી હોં, મીમ્બર પે રસુલ.

જનાબે ઝયનબ સલામુલ્લાહે અલયહાની ફઝીલત માટે શું એ વાત ઓછી છે કે અલ્લાહ તઆલાએ જે ચાર સ્ત્રીઓને ફઝીલત આપી છે તે પૈકીના બે એટલે કે હઝરત ખદીજા (સ.અ.) અને હઝરત ઝહેરા (સ.અ.) ક્રમાનુસાર આપના નાની અને માતા હતા.

આપના નાના હઝરત રસુલુલ્લાહ રહેતુલ્લીલ આલમીન અને ખાતેમુન નબીય્યીન હતા. વાલીદ ખાતેમુલ અવલીયા, ફાતેહે બદ્રો-હુનૈન અલીએ મુરતુઝા હતા. ભાઈઓ ઈમામ હસન (અ.સ.) અને ઈમામે હુસૈન (અ.સ.) સય્યદે શબાબે એહલીલ જન્નત હતા. તેમજ હ. અબ્બાસ અલમદાર જેવા વફાદાર ભાઈ પણ હતા. અબ્દુલ્લાહ ઈબ્ને જઅફરે તૈયાર જેવા શૌહર હતા. ઔનો-મોહમ્મદ જેવા બે જાંનિસાર ફરઝંદ હતા. ટૂંકમાં એ કે જો હઝરત અલી (અ.સ.) મીસમે તમ્માર અને અબુઝર માટે એમ કહી શકે કે જમાનાની પરિવર્તનશીલ બાબતો તેઓની વિચારધારાને કોઈ ખલેલ પહોંચાડી શકતી નથી. તો આવા પાક વાતાવરણમાં ઉછરેલી પુત્રી માટે શું ન કહી શકે? ઈતિહાસ એ વાતની સાક્ષી પૂરે છે કે જનાબે ઝયનબે હંમેશા ઝમાનાના ઈમામ (અ.સ.)નો પરિચય આપવાની પૂરેપૂરી કોશિશ કરી હતી. ઈતિહાસકારોએ એ વાત પણ નોંધી છે કે જનાબે ઝયનબ (સ.અ.) એ હઝરત અલી (અ.સ.)ની ખિલાફતના જમાનામાં કુફામાં ઔરતોને કુરઆનનું શિક્ષણ આપવાનું કામ પણ કર્યુ હતું.

જનાબે ઝયનબ (સ.અ.) ની બહાદુરી

(૧) જનાબે ઝયનબ (સ.અ.) આપના વાલેદાના ઈન્તેકાલ પછી જ્યારે આપ (સ.અ.) ની વય ફકત પાંચ કે છ વર્ષની હતી, ત્યારે મસ્જીદે નબવીમાં જઈને અસ્હાબથી ભરેલી મસ્જીદમાં એવો ખુત્બો આપ્યો હતો કે અસ્હાબને હઝરતે ઝહેરા (સ.અ.)નો ખુત્બો યાદ આવી ગયો હતો અને તમામ અસ્હાબ ચોધાર આંસુઓ રડવા લાગ્યા હતા.

(૨) જનાબે ઝયનબ (સ.અ.) એ પોતાના બન્ને ફરઝંદો ઔન અને મોહમ્મદને ઈમામ હુસૈન (અ.સ.) પાસેથી કરબલાના મૈદાને જંગમાં જવાની પરવાનગી મેળવી દીધી અને એકી સાથે બન્ને ફરઝંદોને ઈમામે વકતના રક્ષણ માટે રાહે ખુદામાં કુરબાન કરી દીધા. લોકો આપ (સ.અ.) ને દિલાસો-સાંત્વન આપવા માટે આવ્યા ત્યારે આપે જવાબ આપ્યો કે મને દિલાસો નહી મુબારકબાદી આપો, કારણકે ખુદાએ મારી કુરબાનીને કબુલ કરી છે.

લોગોં કહો ઈસ આન મુબારક હો મુબારક

ઝયનબકા યે સામાન મુબારક હો મુબારક

પૂરે હુવે અરમાન મુબારક હો મુબારક

બેટે ચઢે પરવાન મુબારક હો મુબારક

(૩) બશીર ઈબ્ને જઝીમ અસદી કહે છે: “આશુર પછી કુફા પહોંચીને જ. ઝયનબ (સ.અ.) એ એવો ખુત્બો આપ્યો જેની લોકો ઉપર એટલી બધી દર્દનાક અસર થઈ કે લોકો ચોધાર આંસુએ રડવા લાગ્યા અને પોતપોતાની આંગળીઓને મોઢામાં ચાવવા લાગ્યા. મારી બાજુમાં એક બુઢ્ઢો માણસ ઉભો હતો. રોત રોતા તેની દાઢી આંસુઓથી ભરાઈ ગઈ હતી. તે કહેતો હતો મારા મા-બાપ આપ પર ફીદા થાય, તમારા વૃધ્ધો તમામ વૃધ્ધોથી બહેતર, તમારા યુવાનો તમામ યુવાનો કરતાં શ્રેષ્ઠ અને તમારી ઔરતો દુનિયાની તમામ ઔરતો કરતા અફઝલ, તમારા વંશજ બીજા બધા વંશજ કરતા શ્રેષ્ઠ છે. તમે કદી ઝલીલ અને મજબુર નહી થાય… એ વખતે ઈમામ ઝયનુલ આબેદીન (અ.સ.) એ ફરમાવ્યું:

વ અન્તે બે હમ્દીલ્લાહે આલેમતુન ગયરો

મોઅલ્લમતીન ફહેમતુન ગયરો મોફહહમતીન

“અને અય ફોઈ આપ કોઈ પાસેથી શિક્ષણ મેળવ્યા વગરના વિદ્વાન છો અને કોઈ પાસેથી સમજણ મેળવ્યા વગરના સમજદાર છો.” (“સૈયદા ઝયનબ” – હાયરી જઝાયરી)

(૪) ઈમામ ઝયનુલ આબેદીને દરબારે યઝીદમાં ખુત્બો આપ્યા પછી: (સાહેબે “અસરા – શ્શહાદત” લખે છે) જ્યારે જલ્લાદ ઈમામ ઝયનુલ આબેદીન (અ.સ.)ને દરબારની બહાર લઈ જતો હતો, ત્યારે જનાબે ઝયનબ (સ.અ.) એ ચિંતિત સ્વરોમાં પૂછયૂં, બેટા, દુશ્મનો તમને કયાં લઈ જાય છે? આપ (અ.સ.) એ જવાબ આપ્યો, કત્લ કરવા માટે. આ સાંભળીને જ. ઝયનબ (સ.અ.) એ મોટા અવાજે યઝીદને સંબોધીને કહ્યું, “અય યઝીદ, શું તેં જે લોહી વહાવ્યું તે તારા માટે પુરતું નથી થઈ પડયું. જો તું આ બિમાર (ઈમામ અ.સ.)ને કત્લ કરવા માગતો હો તો પહેલા મને કત્લ કરી નાખ. આપના વ્યાકુળ સંબોધનને સાંભળીને યઝીદે તેનો ઈરાદો ફેરવી નાખ્યો. આ રીતે જ. ઝયનબે સિતમગર અને ઝાલિમ બાદશાહ પાસેથી તેમના ઈમામે-વકત (અ.સ.) ને બચાવ્યા.

(૫) સૈયદ ઈબ્ને તાઉસ (ર.અ.) અને શેખ મુફીદ (ર.અ.) ની રિવાયત છે કે જનાબે ઝયનબના ખુત્બા પછી એક લાલ રંગના માણસે જનાબે ફાતેમાની તરફ ઈશારો કરીને કહ્યું કે અય યઝીદ આ છોકરી મને ભેટ તરીકે આપી દે… એ વખતે જ. ઝયનબ (સ.અ.) યઝીદને એવો લલકાર્યો કે યઝીદે તે શામીને કહ્યું કે દૂર ચાલ્યો જા…

જનાબે ઝયનબ (સ.અ.) પરના દુ:ખ અને મુસીબત

(૧) જનાબે ઝયનબ (સ.અ.) ની વય હજુ પાંચ કે છ વર્ષની પણ થઈ ન હતી ત્યાં આપ નાનાની છત્રછાયા ગુમાવી બેઠા હતા. દીકરીએ તેના નાનાના ઈન્તેકાલનો દુ:ખદ બનાવ પોતાની નજરે નિહાળ્યો હતો. પયગમ્બર (સ.અ.વ.) પર અશ્રુ વહાવનારાઓમાં હ. અલી (અ.સ.) જ. ફાતેમા (સ.અ.) અને કેટલાક ગણત્રીના સહાબીઓ સિવાય બીજું કોઈ ન હતું.

(૨) જનાબે ઝયનબ (સ.અ.)ના નાનાનો ઈન્તેકાલ થયાને હજુ કેટલાક દિવસો થયા હતા ત્યાં જાલિમોએ તેમના હક્કોને પચાવી પાડવાનું શ કરી દીધું. માતા પાસેથી બાગે-ફીદક ગસબ કરી લીધો. હદ તો ત્યારે થઈ જ્યારે માતાનો રડવાનો હક પણ છીનવી લેવાયો. પિતા હઝરત અલી (અ.સ.)ના ગળામાં દોરડા નાખીને મસ્જીદ સુધી લઈ જવાયા અને બયઅત કરવાની માગણી સતત થવા લાગી. જાલિમ સત્તાધીશોએ દુખ્તરે-રસુલ (સ.અ.વ.) જ. ફાતેમા (સ.અ.) અને નવાસએ રસૂલ હ. મોહસીન એમ બે જીવોની હત્યા કરી ત્યારે તો જુલ્મ પણ જાલિમોને ધિક્કારવા લાગ્યો. તેમના ઘરને આગ લગાડવામાં આવી અને દરવાજો પાડીને જ. ફાતેમા (સ.અ.)ને ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી. અલ્લાહ, અલ્લાહ મઅસુમ બેકસ ઝયનબ (સ.અ.) ને કુમળી વયે કેવી સબ્ર કરી અને મા તરીકેની તેમની જવાબદારી કઈ રીતે અદા કરી?

(૩) ત્યાર પછી ૨૫ વરસ સુધી મુનાફીકો તરફથી મુસીબતો, બયઅતની સતત માંગણી, જમલ અને સિફફીન જેવી લડાઈઓ જેનાથી ઝયનબ (સ.અ.) કયારેય ઘરમાં શાંતિથી સૂઈ શકયા ન હતા. છેવટે પિતાની છત્રછાયા પણ જતી રહી અને મુસીબતોમાં ઘેરાએલી ઝયનબ (સ.અ.) યતિમ થઈ ગઈ.

સાહેબે નાસીખુત-તવારીખ લખે છે: “આ યતિમ દીકરી જ. ઝયનબ (સ.અ.) ની દિલની વ્યથા કોણ જાણી શકે? જેણે જખ્મી પિતાને માત્ર એક કમ્બલમાં લપેટાએલા અશ્રુભરી આંખોએ લાવતા ભાઈઓને અને દરવાજા પર મદીનાના લોકોને એકઠા થતા જોયા હોય. ભાંગેલા હૈયે અને હોશો-હવાસ ખોવાએલી સ્થિતિમાં જનાબે ઝયનબ (સ.અ.) ઝખ્મી પિતા પાસે આવી અને પવિત્ર શરીર પરથી ધાબળાને ખેસવીને ઝખ્મી પિતાને લોહીના અશ્રુથી રડતી આંખો વડે જોયું તો પિતાનું પીળું પડી ગયેલું જખ્મીથી ભરપુર મુખ નજરે પડયું. ખાતુને જન્નતની પુત્રી દિલ પકડીને બેહોશ થઈ ગઈ.

(૪) ઝયનબ (સ.અ.) ના ભાઈને હળાહળ ઝેર આપવામાં આવ્યું. ઝેર પીતાં જ ભાઈ હસન (અ.સ.) ને લોહીની ઉલ્ટીઓ થવા લાગી અને કાતિલ ઝેરની એટલી બધી તીવ્ર અસર થઈ કે પાણી વગરની માછલી તરફડે તેમ તરફડવા લાગ્યા. ભાઈ હસન (અ.સ.)ની લાશ હતી અને જ. ઝયનબ (સ.અ.) હતી અને આ જુલ્મો સિતમે હદ તો ત્યારે વટાવી દીધી જ્યારે જનાબે ઝયનબ (સ.અ.) એ વાત સાંભળી કે ભાઈ હ. હસન (અ.સ.) ને નાના રસુલ (સ.અ.વ.) ના રોઝામાં દફન થવા નહી દેવાય. (“તબરી”)

(૫) અંતમાં, જનાબે ઝયનબ (સ.અ.) પોતાના ભાઈ ઈમામ હુસૈન (અ.સ.) ની સાથે કરબલાની સફર કરી. ઈમામ (અ.સ.) ના સાથીદારોની સંખ્યા ઓછી અને દુશ્મનોની સંખ્યા વધારે હતી, જેના કારણે જ. ઝયનબ (સ.અ.)નું કાળજું હલી ગયું. ત્યાર પછી એક એક કરીને ઔનો મોહમ્મદ, અલી અકબર, અબ્બાસ અલમદાર અને કાસિમનું મૈદાને – જંગમાં જવું, બાળકોનું તૃષાથી તડપવું. હ. અલી અસગર (અ.સ.) ની શહાદતની એક જુદી જ કડી હતી, જ્યારે ઈમામે-વકત અને જ. ઝયનબ (સ.અ.) ના ભાઈ તેમનાથી વિદાય લેવા માટે આવ્યા ત્યારે તો મુસીબતોનો પહાડ તૂટી પડયો. તેઓનો જીવ બચાવવા માટે જ. ઝયનબ (સ.અ.) કંઈ કરી શકતી નથી. આ પ્રસંગને મીર અનીસે આ શબ્દોમાં વર્ણવ્યો છે:

ખૈમેમેં મુસાફીરકા વોહ આના થા કયામત

એક એક કો છાતીસે લગાના થા કયામત

આના તો ગનીમત થા પર જાના થા કયામત

થોડાસા વોહ ખ્સતકા ઝમાના થા કયામત

વો બૈન ઈધર સબ્રો શકીલાઈ કી બાતેં

અફસાનાએ માતમથી બહેન-ભાઈ કી બાતેં

ભાઈ કહે છે બહેન સબ્ર કરી, અલ્લાહનો શુક્ર અદા કરો. ઝયનબ કહે છે: ભાઈ, બેશક, સુબ્હે આશુરથી લઈને ઝોહરે આશુર સુધી સબ્ર કરી છે. પરંતુ બહેનની નજરોની સામે ભૂખ્યા – તરસ્યા વૃધ્ધ ભાઈના ગળા પર છરી ફેરવવામાં આવશે ત્યારે સબ્ર કઈ રીતે થઈ શકશે? ઈમામ હુસૈન (અ.સ.) એ બહેનને આશ્ર્વાસન આપ્યું અને મકતલ તરફ રવાના થયા. ઝયનબ (સ.અ.) ની આંખો તેમના ભાઈ પ્રત્યે મંડાએલી હતી, જ્યારે ઈમામ (અ.સ.) જંગ કરતા કરતા મૈદાનમાં પડી ગયા ત્યારે જનાબે ઝયનબ (સ.અ.) એ આંક્રદ સાથે ફરિયાદ કરી, જેને મીર અનીસે આ શબ્દોમા. રજુ કરી છે:

હૈ હૈ ગરાઝમેં પે શે અર્શ બારગાહ

અય કરબલા કીધર હૈ મોહમ્મદ કા રશ્કે માહ

દેખી જો ઉસને તેગ ગલે પર ઈમામ કે

રેતી પે ગીર પડી વો કલેજેકો થામ કે

ચીલ્લાઈ ઉઠકે ખાકસે નાના મદદ કો આવ

ભાઈ હૈ મેરા તેગ તલે, યા અલી બચાવ

અમ્મા ખુદાકે વાસ્તે તશ્રીફ જલ્દ લાવ

યા મુજતાબ હુસૈનકો આગોશમેં ઉઠાવ

ફરિયાદ કરકે રેહ ગઈ વો સોખતા જીગર

યાં તનસે કટ ગયા પિસરે ફાતેમા કા સર.

હવે જ્યારે હઝરત શહીદ થઈ ગયા, ત્યારે ઝયનબ (સ.અ.)નું કોણ છે આ દુનિયામાં? હવે કોને સહારે જીવતી રહે? પણ… ઈમામે વકતની વસીય્યત હતી એટલે એના પર અમલ કરવો વાજીબ હતું.

ઝાલિમોએ ખૈમા (તંબુઓ) બાળ્યા. બીમારે કરબલા, જમાનાના ઈમામની ઈજાઝત લઈને ખૈમાથી બાહર નીકળી એક એક બચ્ચાને ગોતી રહી છે. કયારેક ફુરાતની તરફ મોઢું કરીને બોલાવે: ભાઈ અબ્બાસ. કયારેક મૈદાન તરફ ફરીને કહે છે: બેટા અલી અકબર, તો કયારેક નાની કબર તરફ જોઈ કહે છે: મારા લાલ અલી અસગર, તમે પણ ફોઈને છોડી ચાલ્યા ગયા.

આ દરમ્યાન, ઝાલીમોએ બીબીઓની રીદાઓ (ચાદરો) છીનવી લીધી. બચ્ચાઓને તમાચા માર્યા. બેકસ ઝયનબે અલ્લાહનો શુક્ર અદા કરી બધી મુસીબતો પર સબ્ર કરી. પણ જ્યારે ઝાલીમોએ કૈદી બનાવી કરબલાથી લઈ જવા લાગ્યા, આબીદે બીમારને બેડીઓમાં અને હાથકડીઓમાં જકડી લીધા, ઝયનબે એક એક કરીને બધાને ઉંટ પર સવાર કર્યા ત્યારે છેલ્લે ઝયનબે ભાઈની લાશ તરફ ફરી કહ્યું: ભાઈ, ઝયનબ પાસે રીદા હતે, તો તને કફન પહેરાવતે. પણ હાય અફસોસરુ રસુલે ખુદા (સ.અ.વ.)ની નવાસી રીદા વગર પાછી જઈ રહી છે અને એમના નવાસાની લાશ બે-ગોરો કફન આ રતાળ જમીન પર પડી છે.

(6) વાકએ-કરબલા પછી જનાબે ઝયનબ (સ.અ.) એ કુફા અને શામની વચ્ચે બે પર્દા ફેરવવામાં આવ્યા. નિરાધાર હાલતમાં બેકસ ઝયનબે જવાબદારીપૂર્વક સામનો કર્યો. વિવિધ પ્રસંગે જમાનાના ઈમામનો પરિચય કરાવતા રહ્યા અને મઝલુમ ઈમામ (અ.સ.) પર થએલ જુલ્મો-સિતમનું પ્રસારણ કરતા રહ્યા. ત્યાર પછી લગભગ એક વર્ષ સુધી શામના કૈદખાનામાં ઝર્રીયતે રસુલને કૈદમાં રાખવામાં આવ્યા. આ સમયગાળામાં તેઓને પેટ ભરીને ખાણું કે ઠંડું પાણી આપવામાં ન આવ્યું. એવામાં એક દિવસ જનાબ ઝયનુલ આબેદીન (અ.સ.) તેમના ફુઈ જ. ઝયનબ (સ.અ.)ને બેસીને નમાઝ પઢતા જોયા. આપ બેચૈન થઈને ફુઈ પાસે આવ્યા અને પૂછયું: ફુઈ મેં આપ જેવા આશિકે-ખુદાને કદી બેસીને નમાઝ પઢતા જોયા નથી. એટલે સુધી કે બિમારીની હાલતમાં પણ આપે કયામ કરવાનું છોડયું નથી. આજે આપ બેસીને શા માટે નમાઝ પઢો છો? આ સાંભળીને જ. ઝયનબ (સ.અ.) જવાબ આપ્યો, બેટા, યઝીદને ત્યાંથી ખાવાનું એટલું બધું ઓછા પ્રમાણમાં આવે છે કે અમને બધાને તે પુરતું નથી થતું. અત્યાર સુધી મારી પ્રણાલિકા એ રહી છે કે મારા ભાગનું ખાણું હું બાળકોને ખવરાવું છું. આના કારણે ધીરે ધીરે મને એટલી બધી નબળાઈ લાગી છે કે મારા શરીરની શકિત ખલાસ થઈ ગઈ છે અને તેથી હું ઉભી રહીને નમાઝ પડું છું. આ સાંભળતા જ ઈમામ (અ.સ.) બેહોશ થઈને પડી ગયા.

Have your say!

Add your comment below, or trackback from your own site. You can also subscribe to these comments via RSS.

Be nice. Keep it clean. Stay on topic. No spam.