શૈખ અલ્બાની અને હઝરત મહદી(અ.સ.)નો અકીદો

Print Friendly, PDF & Email

શૈખ અલ્બાની અને હઝરત મહદી(અ.સ.)નો અકીદો

આ લેખમાં એહલે હદીસ/સલફીઓના મશ્હૂર મોહદ્દીસ શૈખ મોહમ્મદ નાસિ‚દ્દીન અલ્બાનીએ એહલે સુન્નતની કિતાબોમાં વારિદ થવાવાળી રિવાયતોને મોઅતબર અને સહીહ સાબિત કરી છે અને આ અનુસંધાનમાં મિસ્રના આલિમ રશીદ રઝાએ કરેલ સવાલોના જવાબો રજુ કરીએ છીએ. (નોંધ: આ લેખમાં તમામ માન્યતાઓ શૈખ અલ્બાનીના છે અને જ‚રી નથી કે આ વિચારો અને દલીલો મઝહબે હક્કા એહલેબૈત (અ.મુ.સ.)થી સહમત હોય)

શૈખ અલ્બાની કોણ છે?

શૈખ મોહમ્મદ નાસિ‚દ્દીન અલ્બાની હિ.સ. ૧૩૩૪ (ઇ.સ. ૧૯૧૨)માં અલ્બાનીયાની રાજધાની સ્કોડરમાં પૈદા થયા. ઇસ્તંબુલના મદરેસામાં પ્રાથમિક તાલીમ હાંસિલ કરીને તેઓ પોતાના વતનમાં પાછા ફર્યા. ઝમાનાની હુકૂમતના લીધે શૈખ અલ્બાનીએ પોતાનું વતન છોડી દીધુ અને દમિશ્ક હિજરત કરી. ત્યાં તેઓ ઇલ્મુલ હદીસ તરફ આકર્ષાયા અને દમિશ્કની મશ્હૂર લાઇબ્રેરીથી ઘણો બધો ફાયદો મેળવ્યો. ત્રણ વર્ષ મદીનએ મુનવ્વરામાં ઝીંદગી પસાર કરી અને તે મુકદ્દસ ઝમીન ઉપર “ઇખ્તેસારે સહીહ મુસ્લીમનું સંકલન કર્યુ. ત્યારબાદ તેઓ જુદા-જુદા દેશોમાં જીવન પસાર કરતા રહ્યા જેમકે શામ, અરદન, લેબનોન, ઓમારાત અને છેલ્લે અમ્મન એટલેકે ઇડનની રાજધાનીમાં રહેવા લાગ્યા. ઇ.સ. ૧૯૯૯ માં તેમને સઉદી અરેબીયાના આંતર રાષ્ટ્રીય એવોર્ડ શાહ ફૈસલ એવોર્ડથી નવાજવામાં આવ્યા. અલ્બાનીની મોટા ભાગની કિતાબો અને સંકલનો એહલે તસન્નુનની હદીસોના સ્ત્રોતના બચાવમાં છે અથવા પ્રચાર માટે. આથી તેમને મોહદ્દીસે અસ્રનો લકબ આપવામાં આવ્યો છે. તેમના શાગીર્દોમાં ઉમર સુલૈમાનુલ અશ્કાર, ખૈ‚દ્દીન વાએલી અને મોહમ્મદ ઇબ્રાહીમ શયબાનીનું નામ સૌથી આગળ છે. અંતે ૮૫ વર્ષની ઉમ્રમાં એટલે કે હિ.સ. ૧૪૨૦ (ઇ.સ. ૧૯૯૯)માં તેઓ આ દુનિયાથી ‚ખ્સત થઇ ગયા.

અલ્બાનીનો એક લેખ “હવ્લુલ મહદીના નામથી દમિશ્કના એક મેગેઝીન “અત્તમદ્દુનિલ ઇસ્લામિય્યાહ ૨૨/૬૪૨-૬૪૬ અરબી ભાષામાં છપાયો. જેનો ઉર્દુ તરજુમો અમો અહીં રજુ કરીએ છીએ.

હઝરત મહદી(અ.સ.)ના બારામાં:

અમુક ભણેલ ગણેલ વાંચકોએ આ મેગેઝિનમાં પત્રો મોકલ્યા છે. તેમાંથી એક પત્રમાં લખાણ હતુ અંક નંબર ૮, ૯ અને ૧૦. ઉસ્તાદ નાસિ‚દ્દીન અલ્બાનીની અમુલ્ય ચર્ચાઓનો અભ્યાસ કર્યો. જે ઝઇફ અને મજહૂલ હદીસો ઉપર હતો અને જેમાં ખાસ કરીને હઝરત મહદી(અ.સ.)ના વિષય ઉપર ચર્ચા કરવામાં આવી. આનાથી પહેલા મેં ઉસ્તાદ રશીદ રઝાની તફસીર “અલ મુનાર (પાના-૪૯૯ અને ૫૦૪) અને ઉસ્તાદ મોહમ્મદ અબ્દુલ્લાહ સેમાનનો અભિપ્રાય જે તેમણે પોતાની કિતાબ અલ ઇસ્લામ મુસફ્ફહમાં રજૂ કર્યા હતા તેનો મોઅતકિદ હતો. પરંતુ મને હવે યકીન છે કે જે કંઇ તે બંનેએ લખ્યુ છે ઉસ્તાદ નાસિ‚દ્દીન અલ્બાની તેનાથી જાણકાર છે. આથી હું ઉસ્તાદ (અલ્બાની)ને ભલામણ ક‚ છુ કે જે કંઇ તે બંનેએ લખ્યુ છે તેને ફરીવાર વાંચે અને હઝરત મહદી(અ.સ.)ના વિષય પર એક લેખ લખે. કારણકે તે બંને (ઓલમા)ની વાતો ઉસ્તાદ અલ્બાનીના અભિપ્રાયથી વિ‚ધ્ધ છે. તેના જવાબમાં હું કહુ છુ ‘હું રશીદ રઝા અને ઉસ્તાદ અસ્સમાનના અકાએદ જે તેઓએ પોતાની કિતાબ ‘અલ ઇસ્લામ અલ મુસફ્ફહ’માં રજૂ કર્યા છે, તેનાથી હું વાકિફ છુ અને મને સંપૂર્ણ યકીન છે, તે બંનેએ આ વિષય પર ભૂલ કરી છે, ખાસ કરીને ઉસ્તાદ અસ્સમાન જે આ વિષયથી એકદમ અજાણ છે. આજ કારણ છે કે તેમને અન્ય મસાએલનો પણ ઇન્કાર કર્યો છે, જે મસઅલાથી વધારે નિશ્ર્ચીત અને યકીની છે. જેમકે દજ્જાલનું ખુ‚જ, ઇસા(અ.સ.)નું નુઝૂલ અને કયામતના દિવસે શફાઅતે રસૂલ(સ.અ.વ.). નોંધ: (એહલે હદીસ અને દેવબંદી લોકો જે શફાઅતના મુન્કીર છે, ધ્યાન આપે કે તેઓના જ પંથના આ બુઝુર્ગવારે આ લેખમાં શફાઅતના મુન્કીરની મઝમ્મત કરી છે અને તેમને ઇલ્મ અને દાનિશથી કોરા કહ્યા છે.) આ ત્રણ વિષયોની દલીલો મજબૂત અને મુસ્તહકમ છે. કારણકે તેના વિષે મુતવાતિર હદીસો વારિદ થઇ છે. આ સ્પષ્ટ દલીલો બાદ આપણે જોઇએ છીએ ઉસ્તાદ અસ્સમાનએ આ વાતોનો ઇન્કાર કર્યો છે તેને માફ નથી કરી શકાતી. તેનાથી અગાઉ રશીદ રઝાએ પણ આ વિષય પર ચર્ચા કરી છે અને દજ્જાલ તથા નુઝૂલે ઇસા (અ.સ.)ની હદીસોને ઝઇફ હદીસો ગણી છે. જ્યારે કે આ હદીસો સહીહ અને મુતવાતિર છે. જેમકે ઇલ્મુલ હદીસના ઓલમા અને નિષ્ણાંતો જેમકે ઇબ્ને હજરે અસ્કલાની અને બીજાઓએ સ્પષ્ટતાપૂર્વક બયાન કરી છે. જોકે અત્યારે લેખમાં એટલી બધી જગ્યા નથી કે આના પર ચર્ચા કરવામા આવે. ઇન્શાઅલ્લાહ ફરી કોઇ વખત આના પર ચર્ચા કરીશુ.

જ્યાં સુધી હઝરત મહદી(અ.સ.)ની વાત છે તો આ માલૂમ હોવુ જોઇએ કે તેમના બારામાં ઘણી બધી સહીહ હદીસો મૌજૂદ છે, જેની સનદનો મોટા ભાગનો હિસ્સો મોઅતબર છે. હવે અમે તેના અમૂક ઉદાહરણો રજૂ કરીએ છીએ અને ત્યારબાદ તે લોકોની શંકાઓ રજૂ કરીશુ કે જેઓએ આ હદીસ સામે શંકાઓ કરી છે.

પ્રથમ:

ઈબ્ને મસ્ઉદની હદીસે મરફૂઅ:

“લવ્ લમ્ યબ્ક મેનદ્ દુનિયા ઇલ્લા યવ્મુન લ તવ્વલ્લાહો ઝાલેકલ્ યવ્મ હત્તા યબ્અસ ફીહે રજોલમ મિન્ની અવ મિન અહલેબૈતી યોવાતી ઇસ્મોહૂ ઇસ્મી વ ઈસ્મો અબીહે ઇસ્મો અબી યમ્લઉલ અર્ઝ કિસ્તંવ્ વ અદ્લા કમા મોલેઅત્ ઝુલ્મંવ વ જવ્રા

“અગર દુનિયાને ખત્મ થવાને ફકત એક દિવસ બાકી હોય તો અલ્લાહ તે દિવસને એટલો લંબાવી દેશે કે એક શખ્સ જે મારાથી છે અથવા મારી એહલેબૈત(અ.મુ.સ.)થી છે તેને મબ્ઉસ કરશે, તેનું નામ મા‚ નામ હશે અને તેના પિતાનું નામ મારા પિતાનું નામ હશે, તેઓ દુનિયાને અદ્લો ઇન્સાફથી એવી રીતે ભરી દેશે કે જેવી રીતે ઝુલ્મો જૌરથી ભરેલી હશે.

આ હદીસને નીચેના મોહદ્દીસોએ પોતાની કિતાબોમાં નકલ કરેલ છે. અબૂ દાઉદ(મુસ્નદ, ૨/૨૦૭), તિરમીઝી, અહમદ ઇબ્ને હમ્બલ, તબરાની(પોતાની બે કિતાબોમાં અલ મોઅજમે કબીર અને અલ મોઅજમે સગીર) અબૂ નઇમે હિલ્યતુલ અવ્લીયામાં, ખતીબે બગદાદીએ તારીખે બગદાદમાં પોતાની સનદો મૂજબ તેઓ બધાએ ઝરીન જૈશએ જેઓએ મસ્ઉદથી વર્ણન કરી છે.

તિરમીઝીએ આ હદીસને અહસન અને સહીહ ગણાવી છે. જ્યારે કે ઝહબીએ સહીહ માની છે અને કહેવાનો અર્થ એજ છે જે તેમણે કહ્યો છે. ઇબ્ને માજાએ પોતાની સહીહમાં (૨/૫૧૭)માં બીજી સનદોથી ઇબ્ને મસ્ઉદથી વર્ણન કરી છે અને તે અહસન છે.

બીજુ:

હઝરત અલી ઇબ્ને અબી તાલિબ(અ.સ)થી પણ મરફૂઅન આજ શબ્દોથી રિવાયત થઇ છે, જેમાં બે તરીકા જોવા મળે છે. પ્રથમ તરીકો અબૂ દાઉદ અને અહમદ બિન હમ્બલે વર્ણન કર્યો છે. જેની સનદ સહીહ છે. અને બીજો તરીકો ઇબ્ને માજા અને અહમદ બિન હમ્બલે રિવાયત કરી છે જેની સનદો અહસન છે.

ત્રીજુ:

અબૂ સઇદ ખુદરીથી બે તરીકા મૂજબ રિવાયત થઇ છે. પ્રથમ તરીકો તિરમીઝી, ઇબ્ને માજા, હાકિમ નિશાપુરી અને અહમદ ઇબ્ને હમ્બલે નકલ કર્યુ છે. તિરમીઝીએ તેને અહસન જાણી છે. હાકીમે તેને મુસ્લીમ(હજ્જાજ)ની શર્તો પ્રમાણે સહીહ ગણાવી છે. ઝહબી પણ તેની સાથે સહમત છે અને હક પણ એ જ છે જે આ લોકોએ કહ્યુ છે. બીજા તરીકાને અબૂ દાઉદ અને હાકીમે રિવાયત કરી છે. હાકીમે તેને સહીહ ગણાવી છે અને તેની સનદને અહસન જાણી છે.

ચોથુ:

ઉમ્મે સલમાથી મન્કૂલ છે, જેના શબ્દો અને તખરીજ જે દસમાં લેખની ૮૦મીં હદીસ ‘અલ અહાદીસુલ ઝઇફ’ની નીચે બયાન કરી છે.

આ હદીસના અન્ય તરીકાઓની ઓલમાઓએ પોતાની મખ્સૂસ કિતાબોમાં બયાન કરી છે. જે લોકો વધારે જાણકારીના ઇચ્છુક હોય તેઓ માટે જ‚રી છે કે તેના તરફ રજૂ કરે. (જેમકે હાફિઝ જલાલુદ્દીન સુયૂતીની અલ ઉર્ફુલ વર્દી ફી અખ્બારિલ મહદી અને સિદ્દીક હસન ઔનની અલ એઝાઅતો લમા કાન વમા યકૂનો બૈન યદયીસ્સાઅત વગેરે)

સિદ્દીક હસન ખાને પોતાની કિતાબ અલ એઝાઅતમાં લખ્યું છે મહદીના બારામાં જે હદીસો વારિદ થઇ છે કે રિવાયતોમાં મત-ભેદ હોવા છતા એટલી બધી વધારે છે કે તવાતુરની હદ સુધી પહોંચે છે. આ રિવાયતો સોનન, મુસ્નદ અને મોઅજમની કિતાબોમાં વારિદ થયેલ છે અને ઇબ્ને ખલ્દુને તેના વિશે ઘણી બધી ચર્ચા કરેલ છે. તેણે પોતાની કિતાબ “અલ અબ્ર વ દિવાનુલ મુબ્તદા વલ ખબરમાં લખે છે: “આ પ્રકરણમાં એ હદીસો પર તકય્યા કરવામાં આવે છે જેની હદીસના ઓલમાઓએ વર્ણવી છે, મુન્કીરોએ તેના પર ચર્ચા કરી છે અને અમુક હદીસો પર વાંધો લીધો છે. મુન્કીરોએ આ હદીસો પર ટીકા કરી છે. આ ટીકાઓમાં અમુક સનદના રાવીઓના બારામાં છે. અમુકને ગફલતના બિમાર ગણવામાં આવ્યા છે. અમુકને ઓછી યાદશક્તિવાળા બુરા અથવા નબળો અકીદો રાખવાવાળા કહીને રદ કરવામાં આવ્યા છે, પછી આ હદીસોને સહીહ હોવા પર ટીકા કરી છે અને હદીસને ઝઇફ ગણાવી છે. ઇબ્ને ખલ્દુનના વાતના અંત સુધી.

સિદ્દીક હસન કહે છે કે ” આ જાણવુ જોઇએ એ વાત જે સાચી છે અને જેને મોહદ્દીસોએ યોગ્ય જાણી છે તે એ છે કે હદીસોના રાવી અને રેજાલના મોઅતબર હોવાના ફક્ત બે માપદંડ છે અને ત્રીજુ કોઇ નથી. એક ચોકસાઇ અને બીજુ સચોટતા. તે જેને એહલે  ઉસૂલ મોઅતબર જાણે છે જેમકે અદાલત વિગેરે કાબીલે તવજ્જોહ નથી અને ઉપરોક્ત બે પરિબળો સિવાય હદીસને ઝઇફ કરાર દેવામાં ત્રીજુ કોઇ પરીબળ નથી.

સિદ્દીક હસન ખાન વધુમાં ફરમાવે છે: “મહદી (અ.સ.)ના બારામાં અમુક હદીસો સહીહ અને અમુક ઝઇફ છે. પરંતુ અકીદએ મહદી(અ.સ.) ઇસ્લામની શ‚આતથી લોકોમાં મશ્હૂર અને મકબૂલ છે. તમામ મુસલમાનોનો અકીદો છે કે ચોક્કસ અને બેશક આખરી ઝમાનામાં પયગંબર (સ.અ.વ.)ના એહલેબૈત(અ.મે.સ.)માંથી એક એવા શખ્સ જાહેર થશે જે દીને ઇસ્લામની મદદ કરશે અને અદલો ઈન્સાફને જાહેર કરશે. મુસલમાનો તેમની પૈરવી કરશે અને તેઓ તમામ દેશો પર વર્ચસ્વ મેળવશે. તેમનું નામ મહદી હશે, તેમની સાથો સાથ દજ્જાલનો પણ ખુ‚જ થશે અને પછી કયામતની નિશાનીઓ જેમકે સહીહ હદીસોમાં વારિદ થયુ છે તે જાહેર થશે પછી હઝરત ઇસા(અ.સ.) આસમાનમાંથી નાઝિલ થશે, દજ્જાલને કત્લ કરશે અને મહદી(અ.સ.)ની પાછળ નમાઝ અદા કરશે અને અન્ય બનાવો બનશે.

દજ્જાલ અને હઝરત ઇસા(અ.સ.)ની હદીસો પણ તવાતુરની હદ સુધી પહોચી છે અને તેના ઇન્કારનો કોઇ અવકાશ નથી. જેમકે કાઝી અલ્લામા શૌકાની પોતાની કિતાબ અત્તવઝી ફીત્તવાતુર મા જાઅ ફીલ મુન્તઝર વદ દજ્જાલ વલ મસીહમાં લખે છે: “મહદી(અ.સ.)ના બારામાં વારિદ થવાવાળી હદીસો જે અમારા સુધી પહોંચી છે તે લગભગ ૫૦ છે, જેમાં સહીહ, અહસન અને ઝઇફ અને ઝઇફે મુન્જબર શામીલ છે. ઝઇફે મુન્જબર એ હદીસો હોય છે જે રેજાલે સનદના દ્રષ્ટિકોણથી ઝઇફ છે. પરંતુ અન્ય કરાઇન તેને કુવ્વત બક્ષે છે. કોઇ પણ જાતના શક વગર આ હદીસો તવાતુરની હદ સુધી છે. પરંતુ ઇલ્મે ઉસુલમાં વારિદ થવાવાળી તમામ પરિભાષાઓની બુનિયાદ પર તવાતુરની સિફત તે હદીસને પણ કહેવાય છે જે તેનાથી ઘણીબધી કમઝોર હોય. મહદી(અ.સ.)ના બારામાં અસ્હાબથી પહોંચવાવાળી રિવાયતો પણ એટલી સ્પષ્ટ અને વધારે છે કે તેને મરફુઅ જાણી શકાતી નથી, કારણ કે આ પ્રકારની બાબતોમાં ઇજતેહાદનો અવકાશ નથી

શૌકાનીના કૌલ પછી સૈયદ અલ્લામા મોહમ્મદ ઇબ્ને ઇસ્માઇલ અમીર યમાનીની માન્યતા તરફ ઇશારો કરીએ છીએ કે તેમણે મહદી(અ.સ.) બારામાં હદીસો જમા કરી છે કે મહદી(અ.સ.) આલે મોહમ્મદ(અ.મુ.સ.)માંથી છે અને આખરી ઝમાનામાં ખુ‚જ કરશે અને ફરમાવે છે કે તેમના ઝુહુરનો ઝમાનો નક્કી નથી પરંતુ એટલુ સ્પષ્ટ છે કે આપનો કયામ દજ્જાલના ખુ‚જ પહેલા હશે.

મહદી(અ.સ.)ના બારામાં હદીસોમાં શંકાઓ:

રશીદ રઝા અને તેમની જેવા બીજા લોકોએ મહદી(અ.સ.)થી સંબંધિત રિવાયતોને એક એક કરીને વિશ્ર્લેષણ નથી કર્યુ બલ્કે આ વિષયના બારામાં વારિદ થવાવાળી તમામ હદીસોથી વાકિફ પણ નથી. અગર તેઓએ આ પ્રમાણે કર્યુ હોત તો આ પરિણામ પણ આવત કે આ હદીસો થકી હુજ્જત તમામ થઇ ચુકી છે. ત્યાં સુધી કે ગૈબી બાબતો ઉપર પણ જે અમુક લોકોની નઝદીક મુતવાતીર અહાદીસો થકી સાબિત થાય છે.

આ વાતની દલીલ રશીદ રઝાની વાતો છે, જેની નઝરમાં મહદી(અ.સ.)ના બારામાં હદીસો શીઆ રાવીઓથી ખાલી નથી, પરંતુ આ વાત એકદમ ખોટી અને અયોગ્ય છે. આ હદીસોની સનદની સાકળમાં કે જેને અમે આ ચર્ચામાં લાવ્યા છીએ એક પણ શીઆ મૌજુદ નથી. આ ઉપરાંત થોડીક વાર માટે ધારી લઇએ કે અગર આપણે આ દાવાને માની પણ લઇએ તો પણ તેની સનદોની સહીહ હોવા પર ટીકા નથી કરી શકતા, કારણ કે હદીસના સહીહ હોવાના માપદંડ અને મેઅયાર ચોકસાઇ અને સચોટતા છે. ઇલ્મુલ હદીસમાં આ વાત સંપૂર્ણ સ્પષ્ટતાથી બયાન કરવામાં આવી છે કે મઝહબ અને ફિરકાના મત-ભેદો હદીસના સહીહ અને ઝઇફ હોવાની દલીલ નથી. આ જ કારણ છે કે મુસ્લીમ અને બુખારીએ પોતાની સહીહોમાં ઘણાબધા લોકો શીઆ અને ગૈર શીઆ અને જુદા-જુદા ફિરકાઓથી રિવાયતો વર્ણવી છે અને ખુદ આ બંને બુઝુર્ગવારોએ આ પ્રકારની હદીસો પર ભરોસો કર્યો છે.

રશીદ રઝાનો આ વિષયની હદીસો પર બીજો વાંધો તેના વિરોધાભાસના બારામાં છે, પરંતુ આ વાંધો પણ પાયા વગરનો છે કારણ કે વિરોધાભાસની શર્ત એ છે કે બે અથવા તેનાથી વધારે હદીસો સાબિતીના એઅતેબારથી સરખી અને બરાબર હોવી જોઇએ. આથી મજબુત અને ઝઇફને વિરોધાભાસી ગણવી એવો દાવો છે જેને કોઇ પણ અક્કલમંદ અને ઇન્સાફ પસંદ કબુલ નહી કરશે. મેં આ લેખમાં ઘણાબધા ઉદાહરણો રજુ કર્યા છે. જે ચાહે તે તેના તરફ રજુ કરી શકે છે. અમુક લોકો આ હદીસોને જોઇને અને ઇસા(અ.સ.)ના નુઝુલની હદીસોને પણ જોઇને બીજો વાંધો કરે છે કે અને તે એ છે કે આ પ્રકારની રિવાયત આ વાતનો સબબ બને છે કે લોકો હાથ પર હાથ રાખીને બેઠી જાય અને મહદી(અ.સ.)ના ઝુહુર તેમજ ઇસા (અ.સ.)ના નુઝુલનુ બહાનુ રજુ કરીને પોતે કોઇ પગલુ ન ભરે. પરિણામે ઉમ્મત રાહે હયાત અને કુવ્વત, શક્તિ અને કામ્યાબીથી હાથ ધોઇ બેસે.

આ દ્રષ્ટિકોણ રાખવાવાળાઓએ આ મુશ્કેલીનો ઉકેલ મહદી(અ.સ.) અને ઇસા(અ.સ.)ની હદીસોનો ઇન્કાર કરવામાં જોયો. પરંતુ આ રીત સ્પષ્ટ રીતે ખોટી છે. બિલ્કુલ એવી રીતે જેવી રીતે મોઅતઝેલાએ મોતશાબેહ આયતો અને રિવાયતોની તાવીલ કરી છે. બીજા શબ્દોમાં તેઓએ તન્ઝીહને સાબિત કરવા માટે અને તશ્બીહને રદ કરવાની નિય્યતથી આયતોની તાવીલ કરી છે અને હદીસોનો ઇન્કાર કર્યો છે. પરંતુ એહલે સુન્નત આયતો અને રિવાયતોના જાહેર પર ઇમાન રાખે છે. જો કે તેનાથી તશ્બીહનો અર્થ અથવા અન્ય મતલબો જે હક સુબ્હાનહુને શોભા નથી આપતા તેને અપનાવતા નથી. મહદી(અ.સ.)ના બારામાં હદીસોામાં પણ આ મસઅલો છે. આ રિવાયતોમાં એક નાનો એવો પણ ઇશારો નથી કે મહદી(અ.સ.)ના ઝુહુર પહેલા મુસલમાન કોઇ હરકત  ન કરે અને પોતાની ઇઝ્ઝત અને આબ‚ માટે કોઇ પગલુ ન ઉઠાવે. જો અમુક જાહીલ મુસલમાન આ હદીસોની તાવીલ એવી રીતે કરે છે કે તેનો હલ એ છે કે આ જાહીલ લોકો ઇલ્મ હાસિલ કરે અને સમજે કે તેઓની સમજ ગલત છે ન એ કે આપણે તેઓની ખોટી સમજણના લીધે સહીહ હદીસોને રદ કરીએ.

એક અન્ય એઅતેરાઝ એ છે કે અમુક જુઠ્ઠા દાવેદારો અને દજ્જાલ અકીદએ મહદી(અ.સ.)નો ખોટી રીતે ઉપયોગ કરે છે. પોતાને મહદી નામ આપે છે અને તેના થકી મુસલમાનોની દરમિયાન ફિર્કા અને મત-ભેદ પૈદા કરે છે. આ વાંધો ઉપાડવાવાળાઓ પોતાની વાતને સાબિત કરવા માટે અસંખ્ય ઉદાહરણો રજુ કરે છે. જેમાં ગુલામ એહમદ કાદયાની  દજ્જાલે હિન્દ છે.

જવાબમાં એ કહીશુ કે આ એઅતેરાઝ આ વિષય પર એકદમ ઝઇફ છે કે જેનુ બયાન કરવું એ જ તેનો જવાબ આપી દે છે. કારણ કે આ વાત નિર્વિવાદ છે કે હકની બાબતોમાં અસંખ્ય એવી બાબતો છે કે જેનો બુરાઇ પસંદ લોકોએ ખરાબ રીતે ઉપયોગ કર્યો છે. દાખલા તરીકે અમુક લોકો આલિમ હોવાનો દાવો કરે છે જ્યારે કે હકીકતમાં તેઓ બિલકુલ જાહીલ અને અજ્ઞાન હોય છે. શું એ યોગ્ય છે કે એક આકીલ ઇન્સાન ઇલ્મના આ જુઠ્ઠા દાવેદારોના લીધે ઇલ્મની ફઝીલતના મુન્કીર બની જાય? જુઠ્ઠા દાવેદારો તો અલ્લાહના પણ થયા છે. તો શું તેનો મતલબ એમ કે ઇન્સાન અલ્લાહ પર અકીદો ન રાખે? તેનુ એક અન્ય ઉદાહરણ છે કે અમુક મુસલમાનો એ કઝા અને કદરના અકીદાથી જબ્રનો અર્થ લીધો છે. તેઓનો અકીદો એ છે કે બુરાઇ તેઓ માટે નક્કી કરવામાં આવી છે અને તેને અંજામ દેવા માટે મજબુર છે અને તેને અંજામ દેવામાં તેઓનો કોઇ ઇખ્તીયાર નથી. ઘણા બધા ઓલમા આ ગલત અકીદાનો શીકાર બન્યા છે. પરંતુ આપણે ઓલમાના એ સમૂહથી સંબંધ રાખીએ છીએ કે જે ન કઝા કદ્રના અકીદાને રદ કરે છે અને ન તેનો અર્થ જબ્ર તરીકે લે છે. આપણે તે ગલત અકીદાની સુધારણા કરીએ છીએ. શું આ મસઅલાનો ઉકેલ કઝા કદ્રના અકીદાનો ઇન્કાર છે? જેવી રીતે મોઅતઝેલાના રેહનુમાઓએ ભુતકાળમાં કર્યુ અને જેને તેના માનવાવાળા આજે પણ અંજામ દઇ રહ્યા છે અથવા તરીકો એ છે કે આપણે કહીએ કે કારણ કે સહીહ રિવાયતોમાં કઝા અને કદ્રનો અકીદો સાબિત છે. આપણે તેનો સ્વિકાર કરીએ છીએ એ રીતે કે તેનાથી જબ્રનો અર્થ ન લઇએ. ચોક્કસ સાચો રસ્તો આ જ છે અને કોઇ મુસલમાન ક્યારેય પણ તેનો વિરોધ કરશે નહી.

બિલકુલ આ જ રીત અકીદએ મહદી(અ.સ.)ના બારામાં હોવી જોઇએ. જેના થકી મસઅલો ઉકેલાય. અમે સહીહ હદીસો પર ઇમાન રાખીએ છીએ અને ઝઇફ હદીસોથી દુરી રાખીએ છીએ. આ રીતે અમે તેના પર અકીદો રાખીએ છીએ જેને શરીઅતે મુકદ્દસાએ સાબિત કરી છે અને જેને અક્લે સલીમ કબુલ કરે છે.

ખુલાસો એ છે કે મહદી(અ.સ.)ના ઝુહુરનો અકીદો એક સાબિત અને મજબુત અકીદો છે. જે મુતવાતીર રિવાયતો દ્વારા રસુલે ખુદા(સ.અ.વ.)થી વારિદ થયો છે અને જેના પર ઇમાન રાખવું દરેક મુસલમાન પર વાજીબ છે. કારણ કે આ ગૈબી બાબતોમાંથી છે, જેને કુર્આને કરીમે મુત્તકીનની સિફાતોમાં શામિલ કરી છે. ખુદાવંદે આલમ ફરમાવે છે:

“અલીફ લામ મીમ. ઝાલેકલ્ કિતાબો લા રય્બ ફીહે હોદલ્ લીલ્ મુત્તકીન અલ્લઝીન યુઅ્મેનુન બિલ્ ગય્બે

“અલીફ લામ મીમ. તે કિતાબ છે કે જેમાં કોઇ શક નથી જે મુત્તકીઓ માટે હિદાયત છે, તેઓ કે જેઓ ગૈબ પર ઇમાન રાખે છે

(સુ. બકરહ: ૧-૩)

અકીદએ મહદવીય્યતનો ફક્ત એ જ ઇન્કાર કરે છે કે જે જાહીલ હોય અથવા ઇલ્મ હોવા છતા અભીમાનથી કામ લે.

આપણે ખુદાવંદે મોતઆલથી દુઆ કરીએ છીએ કે આપણને એ હાલતમાં મૌત આપે કે આપણે અકીદએ મહદવીય્યત ઉપર ઇમાન રાખતા હોય અને એ તમામ બાબતો જે કુર્આન અને સહીહ સુન્નતથી સાબિત થઇ છે.

શૈખ અલ્બાની અને અકીદએ મહદી(અ.સ.)ના શિર્ષક હેઠળ લેખકે જે બયાન કર્યુ છે તેમાં તમામ માન્યતાઓ અને મહદી(અ.સ.) પર અકીદાઓ શૈખ મોહમ્મદ નાસિ‚દ્દીન અલ્બાની તરફથી છે. વધારે સ્પષ્ટતા ઇન્શાઅલ્લાહ આગળ જઇને બયાન કરીશુ.

—૦૦૦—

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *