ગૈબતે કુબરાની શરૂ‚આત પહેલા ઇમામ મહદી (અ.સ.) બારામાં લખવામાં આવેલી કિતાબો

Print Friendly, PDF & Email

ગૈબતે કુબરાની શરૂ‚આત પહેલા ઇમામ મહદી (અ.સ.) બારામાં લખવામાં આવેલી કિતાબો

ઇમામ મહદી(અ.સ.)ના બારામાં ગૈબતે કુબરાથી પહેલાની કિતાબો:

ભૌગોલિક સીમાઓ એક-બીજા સાથે મળવા લાગી છે. દુનિયા હવે એક નવો રંગ અપનાવી રહી છે. ઝુલ્મની આંધીઓ ચાલી રહી છે. સીતમનો દરિયો ચડાવ પર છે. એક નવા ઇન્કેલાબની નિશાનીઓ સાફ જાહેર થઇ રહી છે. એટલે કે મુસ્તઝઅફીન અને કમઝોર, ઝુલ્મથી પીડીત લોકોના સીધા મદદગાર, ઝાલિમો અને સિતમગારોના મહેલોને વિરાન કરવાવાળા, ખુદાવંદે મન્નાનની બાકી રહેલી એક માત્ર હુજ્જત, હઝરત મહદી સાહેબુઝ્ઝમાન(અ.સ.) ઝુહુર ફરમાવશે અને ઝુલ્મ અને ભ્રષ્ટાચારના મહેલોને ઝાલિમો અને સિતમગારોના માથાઓ પર પછાડી દેશે. પુરી દુનિયામાં અદાલત અને આઝાદી પર આધારિત હુકુમતની બુનિયાદ સ્થાપિત કરશે. ઝમીન પર પછી ઝુલ્મ અને સિતમ જગ્યા મેળવશે નહિ. આસ્માનની નીચે પક્ષપાત અને ભેદભાવ તથા નાઇન્સાફીનું નિશાન નહિ હશે. તબાહી અને ફસાદ દુનિયામાંથી ચાલ્યો જશે.

અત્યારે ૧૧૭૮ વરસ પુરા થઇ ચુક્યા છે. ખુદાનો કુદરતવાળો હાથ ગૈબતની આસ્તીનમાં છે. જેથી એક દિવસ ગૈબતનો આ સમય પુરો કરી ઝુહુર કરે અને અદાલતના સૂરજની કિરણોને પૂરી કાએનાત પર ચમકાવી દે અને ઇન્સાની ખરાબીઓ અને ખયાનતોને ખત્મ કરી દે.

દુનિયાના આ અઝીમ સુધારકના ઝુહુરની ખુશખબરીઓ અઝીમુશ્શાન પૈગમ્બરે ઇસ્લામ(સ.અ.વ.)ના થકી ઇસ્લામની શ‚રૂઆતથી લઇને આજ સુધી સાંભળવામાં આવી રહી છે અને બાતિલ પર હકની જીતના આશાવંત નગ્મા ઇતિહાસના તમામ દૌરમાં પુરી દુનિયામાં દરેક તરફ ગુંજી રહ્યા છે.

દુનિયાના જુદા-જુદા દીન અને મઝહબોની કિતાબોમાં ભરપુર ચર્ચાએ દરેક ઇન્સાફ પસંદ સંશોધકને આ હકીકત કબુલ કરવા માટે મજબુર કરી દીધો છે કે તમામ ઇલાહી પૈગમ્બરોએ આ વૈશ્ર્વિક સુધારકના મલકુતી ચેહરાનું પોત પોતાની ઉમ્મતોના માટે ચિત્ર દોર્યુ છે અને આ ઇલાહી નજાત અપાવનારના ઇન્તેઝારની ‚રૂહને પોતાના પૈરવકારોની અંદર ફૂંકી દીધી છે.

જો કે કુર્આન સિવાય અગાઉની તમામ આસ્માની કિતાબો તેહરીફનો શિકાર થઇ ચુકી છે. પરંતુ એ કિતાબોમાં અંબિયા(અ.મુ.સ.)ની તાલીમાતની દ્રષ્ટિએ મહદવીય્યતનો અકીદો સાબિત કરવા માટે ઘણા બધા મતલબો મૌજુદ છે.

(વિગત માટે જુઓ કિતાબ ‘ઉ ખાહદ આમદ’ લેખક અલી અકબર મહદીપુર)

૨૦૦ થી વધારે કુર્આનની આયતો ઝુહુરે મહદી(અ.સ.) હઝરત બકીય્યતુલ્લાહ(અ.સ.)ના બારામાં આવેલ છે.

(કિતાબ ‘મવઉદે કુર્આન’ લેખક અલી અકબર મહદીપુર જુઓ)

રસુલે ઇસ્લામ(સ.અ.વ.)એ આ વૈશ્ર્વિક સુધારકની એક એક પળની પરિસ્થિતિને ઇલાહી વહીની રોશનીમાં સેંકડો હદીસોમાં બયાન ફરમાવી છે. તેમની સીરત, સુરત, વંશ, ગૈબત, ઝુહુર, ઝુહુરની નિશાનીઓ અને તે મવઉદના સંબંધિત અન્ય બાબતોને વર્ણવી છે.

આ બયાનની રોશનીમાં મહદવીય્યતનો અકીદો અન્ય અકાએદની સાથો સાથ પૈગમ્બરે અકરમ(સ.અ.વ.)ના થકી બયાન થયો અને અઇમ્મએ માસુમીન(અ.મુ.સ.)ના સમયમાં તેની વિસ્તૃત વિગતો સામે આવી.

અઇમ્મા(અ.મુ.સ.)ના સેંકડો સહાબીઓએ માસુમીન (અ.મુ.સ.)થી આ વૈશ્ર્વિક સુધારકના બારામાં જાહેર થવાવાળી હદીસોને પોતાની કિતાબોમાં લખી અને તેમાંથી ઘણા સહાબીઓએ તેના અગાઉ કે તે તાબનાક સુરજ બુ‚જે ઇમામતમાંથી ઉદય પામે પુરી પુરી કિતાબો તેમની વિલાયત, ગૈબત, ઝુહુર અને ઝુહુરની નિશાનીઓના બારામાં સંકલીત કરી છે. તેમાંથી અમુકના નામ કિતાબના નામ સાથે વર્ણવીએ છીએ.

ઇમામ મહદી(અ.સ.)ની વિલાદત પહેલા લખવામાં આવેલ કિતાબો:

(૧) અબુ ઇસ્હાક ઇબ્રાહીમ ઇબ્ને સાલેહ અનમાતી:

તેઓ ઇમામ મોહમ્મદ બાકિર(અ.સ.)ના અસ્હાબમાંથી છે અને તેમણે ઘણી બધી કિતાબો સંકલીત કરેલ છે. ઝમાનાની કશમકશમાં આ કિતાબો બરબાદ થઇ ગઇ પરંતુ વર્ષો બાદ એક લખાણ બાકી છે અને તેનું નામ છે ‘કિતાબુલ ગૈબત’

(રેજાલે શૈખ તુસી, પાના: ૧૦૪, ફેહરીસ્તે શૈખ તુસી, પાના:૩૦, રેજાલે નજ્જાશી, પાના: ૧૫, રેજાલે ઇબ્ને દાઉદ, પાના: ૩૨ (કિતાબહાયે હઝરત મહદી(અ.સ.)માંથી વર્ણવતા, લેખક: અલી અકબર મહદીપુર, ભાગ: ૧)

અન્માતીએ આ કિતાબને હઝરત મહદી(અ.સ.)ની ઇમામતના સો વરસ પહેલા લખી છે.

આયતુલ્લાહ ખુઇ (કદ્દસ સિર્રહુ) ઇબ્રાહીમ બીન સાલેહ અન્માતીના થકી વારિદ થવાવાળી રિવાયતોની સનદની શોધખોળ કર્યા બાદ આ પરિણામ પર આવ્યા કે આ નામના ત્રણ વ્યક્તિઓ થઇ ગયા છે અને તેમાં કિતાબુલ ગૈબતના લેખક ભરોસાપાત્ર છે અને પ્રમાણભુત છે અને તેઓ ઇબ્રાહીમ બીન સાલેહ અન્માતી અસદી સિવાયના છે કે જે ઇમામ કાઝિમ(અ.સ.)ના અસ્હાબ માંથી હતા અને વાકેફી મઝહબ પર હતા.

(મોઅજમે રેજાલુલ હદીસ, ભાગ:૧, પાના:૨૩૯)

(૨) અબુલ ફઝલ અબ્બાસ બીન હેશામ નાશેરી:

આપ ઓબૈસના નામથી મશ્હુર હતા. ઇમામ રેઝા (અ.સ.)ના અસ્હાબ માંથી હતા. તેમણે પણ એક કિતાબ લખી છે, જેનું નામ ‘અલ ગયબત’ છે.

(રેજાલે શૈખ તુસી, પાના:૩૮૪, રેજાલે નજ્જાશી, પાના:૨૮૦)

આપની વફાત ૨૨૦ હી.સ. માં થઇ. ઇમામ મહદી (અ.સ.)ની વિલાદતના ૩૦ વર્ષ પહેલા આ કિતાબ લખવામાં આવી છે.

(૩) અલી બીન હસન બીન અલી બીન ફઝાલ:

આપ ઇમામ હાદી(અ.સ.) અને ઇમામ હસન અસ્કરી (અ.સ.)ના સહાબી હતા. આપે ૩૦ કિતાબો લખી છે અને તેમાંથી બે કિતાબ હઝરત બકીય્યતુલ્લાહ અરવાહોના ફીદાહના બારામાં છે.

(૧) કિતાબુલ ગયબત

(૨) કિતાબુલ મલાહિમ

આપના વાલીદ હસન બીન અલી બીન ફઝાલે પણ ઝુહુરની નિશાનીઓના બારામાં કિતાબ અલ મલાહીમ લખી છે.

(રેજાલે નજ્જાશી, પાના: ૨૫૭ અને ૩૬)

(૪) અબુલ હસન અલી બીન હસન બીન મોહમ્મદ તાઇ જર્મી:

આપ ઇમામ કાઝિમ(અ.સ.)ના સહાબી હતા. આપે એક કિતાબ કિતાબુલ ગૈબતના નામથી લખી છે. તેઓ પણ વાકેફી મઝહબ પર હતા. પરંતુ એમ છતા નજ્જાશીએ તેમને ફકીહના લકબથી યાદ કર્યા છે અને હદીસોના મામલામાં ભરોસાપાત્ર અને પ્રમાણભુત ગણ્યા છે.

(રેજાલે શૈખ તુસી, પાના:૩૫૭, રેજાલે નજ્જાશી, પાના:૨૫૫)

(૫) અબુલ હસન અલી બીન મોહમ્મદ બીન અલી સવ્વાક:

તેઓ પણ વાકેફીય્યા મઝહબના મહાન લોકોમાંથી હતા પરંતુ નજ્જાશીએ તેમને ‘સેકા’, ‘સબત’ અને ‘સહીહુર્રીવાયત’ બતાવ્યા છે. તેમણે પણ એક કિતાબ ‘અલ ગૈબત’ લખી છે.

(રેજાલે નજ્જાશી, પાના: ૨૫૬)

તે ઇમામ રઝા(અ.સ.)ના ઝમાનામાં હતા.

(૬) અબુલ હસન અલી બિન ઉમર અઅરજ:

તે પણ વાકેફી મઝહબના હતા. તેમની કિતાબનું નામ છે કિતાબુલ ગૈબત.

(રેજાલે નજ્જાશી, પાના:૪૧ અને ફેહરીસ્તે શૈખ તુસી, પાના:૮૧)

તે પણ ઇમામ રેઝા(અ.સ.)ના ઝમાનામાં હતા.

(૭) અબુ અલી હસન બિન મોહમ્મદ બિન સમાઆ:

ઇમામ કાઝિમ(અ.સ.)ના સહાબી હતા અને વાકેફી મઝહબના હતા. તેમની પણ કિતાબનું નામ કિતાબુલ ગૈબત છે. આપનો ઇન્તેકાલ ૫ જમાદીઉલ અવ્વલ હિ.સ. ૨૬૩ માં થયો છે.

(૮) હસન બીન અલી બીન અબી હમ્ઝા બતાએન:

વાકેફી મઝહબના હતા અને આપના વાલિદ અલી બીન અબી હમ્ઝા ઇમામ કાઝિમ(અ.સ.)ના અસ્હાબમાંથી હતા અને વાકેફીઓના સરદારોમાં તેમનો શુમાર થતો હતો. તેમણે ઘણી કિતાબો લખી છે. અમૂક કિતાબોના નામ આ છે:

(૧) કિતાબુલ ગૈબત

(૨) કિતાબુર્રજઅત

(૩) કિતાબુલ કાએમસ્સગીર

(૪) કિતાબુલ મલાહીમ

કિતાબુલ કાએમ(અ.સ.)માં સગીરની મર્યાદાથી ખ્યાલ આવે છે કે આપે કિતાબુલ કાએમ અલ કબીર પણ લખી છે જે નજ્જાશી સુધી પહોંચી નથી.

(રેજાલે નજ્જાશી, પાના:૩૭, મોઅજમુર્રેજાલુલ હદીસ, ભાગ:૫, પાના:૧૪)

વાકેફીયા કોણ લોકો છે:

અમે જે લેખકોના નામ અહીં ટાંક્યા છે તેમાંથી પાંચ લોકો વાકેફી મઝહબના છે. તેઓ પરિભાષામાં હફ્ત ઇમામ એટલે સાત ઇમામોના માનવાવાળા કહેવાય છે.

વાકેફીય્યાના મુજબ હઝરત ઇમામ મુસા બીન જાફર (અ.સ.) કાએમ અને મહદીએ મવઉદ છે. પરંતુ અમૂકનો અકીદો છે કે ઇમામ કાઝિમ(અ.સ.) વફાત પામ્યા અને ફરીથી જીવતા થશે અને આખી દુનિયા તેમના કબ્ઝામાં થશે અને અમૂક વાકેફીય્યા કહે છે કે આપ(અ.સ.) સુન્ડીના કૈદખાનામાંથી બહાર આવ્યા અને કોઇએ તેમને નથી જોયા અને હા‚રૂનના સિપાઇઓએ લોકોને બે પ્રકારના શકમાં નાખી દીધા કે મૃત્યુ પામ્યા છે અને મૃત્યુ નથી પામ્યા પરંતુ ગાયબ થઇ ગયા.

(નજમુસ્સાકિબ, ભાગ:૧, પાના:૨૭૨, પ્રકાશક: ઇન્તેશારાત મસ્જીદે મુકદ્દસ જમકરાન બહાર: ૧૩૮૯)

અમે આ લેખમાં વાકેફીય્યાની કિતાબોનો ઉલ્લેખ એટલા માટે કર્યો છે કે હઝરત બકીય્યતુલ્લાહ અરવાહોના ફીદાના બારામાં રિવાયતો તે હઝરત(અ.સ.)ની વિલાદતના ૫૦ વરસ પહેલા સ્વતંત્ર કિતાબના સ્વ‚પમાં પ્રકાશિત થઇ ચુકી હતી અને તે રિવાયતો રસુલે ખુદા(સ.અ.વ.) અને અઇમ્મા (અ.મુ.સ.)ના દ્વારા વર્ણવાયેલી હતી અને કારણ કે આ લોકો સાત ઇમામોના માનવાવાળા હતા તેમણે આ રિવાયતોને પોતાની કિતાબોમાં લખી છે.

અહીં વાકેફીય્યા મઝહબના આલિમો અને લેખકોના અકાએદ અને માન્યતાથી નઝર અંદાઝ કરીને લેખક વાંચકોની તવજ્જોહ અને ફિક્રને ઇમામ મહદી(અ.સ.) અને તેમની ગયબત પર કેન્દ્રિત કરવા ચાહે છે.

(૯) અબુ સઇદ અબ્બાદ બીન યાકુબ રવાજની:

શૈખ તુસી(ર.અ.) અને બીજા શીઆ રેજાલીઓએ રવાજનીને મઝહબે સુન્નીમાં માનનારા બતાવ્યા છે. પરંતુ તમામ સુન્ની ઓલમા રવાજનીના શીઆ હોવા પર એકમત છે.

(ફેહરીસ્ત શૈખ તુસી, પાના:૧૪૯)

સમઆની એ રવાજનીને શૈખ, આલિમ, સદુક અને મોહદ્દીસે શીઆ જેવા લકબોથી યાદ કર્યા છે.

(અન્સાબ સમ્આની, ભાગ:૬, પાના:૧૭૦)

ઇબ્ને હજર અસ્કલાનીએ તેમને ગાલી શીઆ કહ્યા છે. અલબત્ત તેમની સચ્ચાઇ અને ભરોસાપાત્રતા પર તાકીદ કરી છે.

(તહઝીબુત્તહઝીબ, ભાગ:૩, પાના:૭૪)

ઝહબીએ રવાજનીના બારામાં શીઆ ગાલી હોવા માટે ઘણી બધી દલીલો રજુ કરી છે પરંતુ અબુ હાતિમ અને દારે કુત્નીના હવાલાથી તેમની ભરોસાપાત્રતાને વર્ણવી છે અને તેમને સેકા અને સદુકના લકબથી યાદ કર્યા છે.

(મિઝાનુલ એઅતેદાલ, ભાગ:૨, પાના:૩૭૯)

રવાજની તમામ સુન્ની ઓલમાની નજદીક ભરોસાપાત્ર અને પ્રમાણભૂત હતા. આથી બુખારી, તિરમિઝી, ઇબ્ને માજા, ઇબ્ને ખુઝય્મા અને ઇબ્ને દાઉદે તેમનાથી રિવાયત કરી છે.

(સૈરે અઅલામુન્નબલા, ભાગ:૧૧, પાના:૫૩૭, મિઝાનુલ એઅતેદાલ, ભાગ:૨, પાના:૩૯૭)

અને અબુ હાતિમ રાઝીએ તેમની પાસેથી હદીસો સાંભળી છે.

(અલ જરહ વત્તઅદીલ, ભાગ:૬, પાના:૮૮)

આ રીતે તમામ રેજાલીઓએ તેમને ભરોસાપાત્ર ગણ્યા છે અને હાફિઝ હુજ્જત અને સદુક જેવા લકબોથી યાદ કર્યા છે.

(શઝ્ઝારતુઝ્ઝહબ, ભાગ:૨, પાના:૧૨૧)

રવાજની કે જેમની ભરોસાપાત્રતા પર બધાએ ભરોસો કર્યો છે. કોઇ પણ જાતની શંકા વગર ઇમામે અસ્ર(અ.સ.)ની વિલાદતના પહેલા જ આ દુનિયામાંથી ગુજરી ગયા હતા. તેમની વફાત હિ.સ. ૨૫૦ માં થઇ. તેમણે સ્વતંત્ર કિતાબ અખ્બા‚લ મહદી લખી છે.

(ફેહરીસ્તે શૈખે તુસી, પાના:૧૪૯, અઝ્ઝરીઆ, ભાગ:૧, પાના:૩૫૨)

રવાજની પોતાની ઝિંદગીના આખરી હિસ્સામાં અંધ થઇ ગયા હતા પરંતુ હઝરત વલીએ અસ્ર(અ.સ.) પ્રત્યે ખુબ જ તીવ્ર મોહબ્બત ધરાવતા હતા. ત્યાં સુધી કે ઢાલ અને તલવાર પોતાની સાથે લટકાવી રાખતા હતા. અગર ઝુહુરનો ઝમાનો પામ્યો તો તે હઝરતની હાજરીમાં તલવાર ચલાવશું.

ઝહબીએ કાસીમ મુતર્રઝથી વર્ણવ્યું છે કે રવાજનીને પુછ્યું કે આ તલવાર અને ઢાલ કોની છે? તો તેમણે જવાબ આપ્યો: મેં તેને એટલા માટે તૈયાર રાખ્યા છે કે હઝરત મહદી (અ.સ.)ની સાથે રહીને જંગ ક‚રૂં.

(સૈરે અઅલામુન્નબલા, ભાગ:૧૧, પાના:૫૩૮, મિઝાનુલ એઅતેદાલ, ભાગ:૨, પાના:૩૭૯)

આ વાકેઓ એહલે સુન્નતએ સહીહ સનદની સાથે રિવાયત કરી છે જે રવાજનીની તશય્યોઅની નિશાની છે બલ્કે તશય્યોમાં મઝબુત અકીદાની જાણ કરે છે.

એહલે સુન્નતની કિતાબોમાં રવાજનીના થકી ઘણી બધી બાબતો વર્ણવવામાં આવી છે, જે તેમના શીઆ હોવાની દલીલ છે. તેમાંથી એ કે તબરીએ કોઇ પણ જાતના વાસ્તા વિના તેના કથનને સાંભળ્યું છે કે તેઓ કેહતા હતા:

“જે શખ્સ દરરોજ પોતાની નમાઝમાં એહલેબૈત (અ.મુ.સ.)ના દુશ્મનોથી બેઝારી ન ચાહતો હોય તો તેને તેઓની જ સાથે ઉઠાડવામાં આવશે

(તેહઝીબુત્તેહઝીબ, ભાગ:૩, પાના:૭૫)

એટલા માટે અલ્લામા મામકાનીએ તેમના તશય્યો પર તાકીદ કરી છે અને ઘણી બધી દલીલો તેના માટે રજુ કરી છે.

(તન્કીહુલ મકાલ, ભાગ:૨, પાના:૧૨૪)

અને અબુલ ફરજ ઇસ્ફહાનીએ તેમને ઝૈયદીયાના બુઝુર્ગોમાં ગણાવ્યા છે.

(મકાતેલુત્તાલેબીન, પાના:૩૮૪)

(૧૦) અબ્દુલ્લાહ બીન જાફર હિમયરી:

આપ ઇમામ હસન અસ્કરી(અ.સ.)ના અસ્હાબમાંથી હતા.

(રેજાલે શૈખ તુસી, પાના:૪૩૨)

આપે પોતાના ઘણા બધા લખાણો હઝરત બકીય્યતુલ્લાહ અરવાહોના ફીદાથી મખ્સુસ કર્યા છે.

(૧) કુર્બુલ અસ્નાદ એલા સાહેબીલ અમ્ર(અ.સ.)

(રેજાલે નજ્જાશી, પાના:૨૨૦)

(૨) અલ ગયબત વલ હૈરત

(રેજાલે નજ્જાશી, પાના:૨૧૯)

(૩) અલ ગયબત વ મસાએલહુ

(ફેહરીસ્તે શૈખ તુસી, પાના:૧૩૨)

(૪) અલ ફતર વલ હૈરત

(ફેહરીસ્તે શૈખ તુસી, પાના:૧૩૨)

કદાચ બીજુ નામ ત્રીજા અથવા ચોથાથી જોડાયેલુ છે.

આજના ઝમાનામાં અબ્દુલ્લાહ બીન જાફર હુમૈરીના જે લખાણો બાકી છે તે આ મુજબ છે.

(૧) કુર્બુલ અસ્નાદ અનીલ ઇમામ સાદિક(અ.સ.)

(૨) કુર્બુલ અસ્નાદ અનીલ ઇમામ કાઝિમ(અ.સ.)

(૩) કુર્બુલ અસ્નાદ અનીલ ઇમામ રેઝા(અ.સ.)

આ ત્રણેય કિતાબો એક ભાગમાં “કુર્બુલ અસ્નાદના નામથી પ્રકાશિત થઇ છે.

નજ્જાશીએ અન્ય બે કુર્બુલ અસ્નાદને પણ હિમયરીના નામથી બતાવી છે પરંતુ આપણા સમય સુધી એ પહોંચી નથી અને તે આ છે:

(૧) કુર્બુલ અસ્નાદ એલા અબી જાફર બીન રેઝા (ઇમામ જવાદ અ.સ.)

(૨) કુર્બુલ અસ્નાદ એલા સાહેબીલ અમ્ર(અ.સ.)

(રેજાલે નજ્જાશી, પાના:૨૨૦)

અબ્દુલ્લાહ બીન જાફર ગૈબતે સુગરાના મધ્ય ભાગ સુધી જીવતા રહ્યા.

(૧૧) અલી બીન મેહઝીયાર અહવાઝી:

આપ ઇમામ રેઝા(અ.સ.), ઇમામ જવાદ(અ.સ.), ઇમામ હાદી(અ.સ.)ના અસ્હાબમાંથી હતા. અબ્દુલ્લાહ બીન જુન્દબના ઇન્તેકાલ પછી તેમની જગ્યાએ અઇમ્મા (અ.મુ.સ.)ના વકીલ થયા.

(રેજાલે શૈખ તુસી, પાના:૩૮૧, ૪૦૩, ૪૧૭, રેજાલે અલ્લામાં હિલ્લી, પાના:૯૨, ૯૩)

ઇમામ જવાદ(અ.સ.) સાથે આપે પુષ્કળ પ્રમાણમાં પત્ર વ્યવહાર કર્યો છે અને ઘણી બધી સંખ્યામાં તે હઝરતથી વર્ણન કર્યુ છે. ઇમામ હાદી(અ.સ.)થી પણ ઘણી બધી હદીસો વર્ણવી છે.

(અલ ઇમામ જવાદ(અ.સ.), પાના:૨૭૦-૨૮૧, ઇમામ હાદી (અ.સ.), પાના:૩૨૫-૩૨૯(સય્યદ મોહમ્મદ કાઝિમ કઝવીનીથી))

અલી બીન મેહઝીયારની ૩૩ ભાગમાં કિતાબ યાદગીરી ‚રૂપે બાકી છે. નજ્જાશીએ આ તમામ કિતાબોના નામ લખ્યા છે. બે ભાગ હઝરત મહદી(અ.સ.) અને તેમના ઝુહુરની નિશાનીઓના વિશે લખ્યું છે. એકનું નામ ‘અલ કાએમ’ અને બીજાનું નામ ‘અલ મલાહિમ’ છે.

(રેજાલે નજ્જાશી, પાના:૨૫૩)

અલી બીન મેહઝીયાર ૨૨૬ હીજરી સુધી જીવતા રહ્યા પરંતુ તેમણે ઇમામ હસન અસ્કરી(અ.સ.)ને જોયા ન હતા.

(રેજાલે કશી, પાના:૫૪૯)

(૧૨) ઇબ્રાહિમ બીન ઇસ્હાક અહમરી:

ઇમામ હસન અસ્કરી(અ.સ.)નો ઝમાનો પામ્યા અને એક કિતાબ ‘કિતાબુલ ગયબત’ લખી.

(રેજાલે નજ્જાશી, પાના:૧૯)

(૧૩) અબુ અલી હસન ઇબ્ને અહમદ સફ્ફાર:

ઇમામ રેઝા(અ.સ.)ના અસ્હાબમાંથી હતા અને એક કિતાબ ‘દલાએલુ ખુ‚જુલ કાએમ’ લખી છે.

(મોઅજમે રેજાલુલ હદીસ, ભાગ:૧૮, પાના:૯૯ અને રેજાલે નજ્જાશી, પાના:૧૯)

(૧૪) અબુલ અંબસ મોહમ્મદ બીન ઇસ્હાક બીન ઇબ્રાહીમ કુફી:

અબુલ અંબસ અબ્બાસી ઝમાનાનો એક મશ્હુર સાહિત્યકાર છે અને તે સમયના મશ્હુર સુન્ની ઓલમામાં તેમનો શુમાર થાય છે. હિ.સ. ૨૩૨ થી લઇને હિ.સ. ૨૪૮ ની દરમીયાન મુતવક્કીલ અબ્બાસીના સલાહકારોમાંથી હતો.

(તારીખુલ ખોલફા, પાના:૩૪૬, ૩૫૬)

સયમરામાં કાઝીના હોદ્દા પર હતો. તેણે એક કિતાબ ‘સાહેબુઝ્ઝમાન’ના નામથી લખી છે અને તેની વફાત હિ.સ. ૨૭૫ માં થઇ.

(ફેહરીસ્તે ઇબ્ને નદીમ, પાના:૨૨૩)

અબુલ અંબસ એ ઇમામ મહદી(અ.સ.)ની વિલાદતના ૨૦ માં વરસે વફાત પામ્યા પરંતુ એ શક્ય છે કે તેણે કિતાબ ‘સાહેબુઝ્ઝમાન’ને તે હઝરતની વિલાદતની પહેલા લખી છે.

(૧૫) ફઝલ બીન શાઝાન:

આપના બારામાં મળે છે કે આપે ચાર ઇમામો, ઇમામ રેઝા(અ.સ.), ઇમામ મોહમ્મદ તકી(અ.સ.), ઇમામ અલી નકી(અ.સ.), ઇમામ હસન અસ્કરી(અ.સ.)નો ઝમાનો પામ્યા અને તેઓથી ફૈઝ હાસિલ કર્યો અને સેંકડો મોહદ્દીસોની સામે અદબ સાથે બેઠા અને દરેકના ઇલ્મના બાગથી ફાયદો હાસિલ કર્યો. આપના બારામાં બતાવવામાં આવે છે કે આપે ૧૮૦ કિતાબો લખી છે. અમુકે ૧૬૦ અને ૧૨૦ પણ લખી છે. આપની અમુક કિતાબોના બારામાં મળે છે કે અઇમ્મા (અ.મુ.સ.)એ તેમની કિતાબનું પાને પાનું જોયુ અને ફરમાવ્યું:

હાઝા સહીહુન યંબગી અન્ યુઅ્મલ બેહી

“આ કિતાબ સહીહ છે અને યોગ્ય છે કે તેના પર અમલ કરવામાં આવે

(રેજાલે કશી, પાના:૫૩૮, બેહાર, ભાગ:૫૦, પાના:૩૦૦)

ફઝલ બીન શાઝાનની ઝીંદગી અને તેઓની કિતાબો પર એક સ્વતંત્ર લેખ અથવા કિતાબ લખવાની જ‚રત છે. પરંતુ આ લેખમાં અમે ફક્ત ઇમામે ઝમાના(અ.સ.)થી સંબંધિત કિતાબોનો ઉલ્લેખ કરવા ઇચ્છીએ છીએ. આ કિતાબોના નામ આ મુજબ છે.

(૧) ઇસ્બાતુલ ગયબત

(૨) ઇસ્બાતુલ રજઅત

(૩) કિતાબુલ કાએમ

(૪) અલ મલાહિમ

(૫) હઝવુન્નઅલે બીન્નઅલે

(૬) અલ ગયબત મેનલ હૈરતે વત્તય

(રેજાલે કશી, પાના:૫૩૮)

આ અમુક સંખ્યા અઇમ્મા(અ.મુ.સ.)ના અસ્હાબની હતી, જેમણે પ્રકાશિત સૂરજ હઝરત સાહેબુઝ્ઝમાન(અ.સ.) ની વિલાદતના અગાઉ તેમની વિલાદત, ગયબત, ઝુહુર અને ઝુહુરની નિશાનીઓ પર આખી કિતાબ લખી છે.

આ કિતાબોનું ખાસ મહત્વ એટલા માટે છે કે તેના સંકલનનો સમય ઇમામે ઝમાના(અ.સ.)ની વિલાદત પહેલાનો છે અને બીજુ એ કે તેમના લેખકોએ અઇમ્મા (અ.મુ.સ.)ના ઝમાનામાં ઝિંદગી પસારી અને હકીકતોને તેના સ્ત્રોતથી કોઇ પણ જાતના માધ્યમ વગર અથવા ખુબ જ ઓછામાં ઓછા અને એકદમ ભરોસાપાત્ર વાસ્તાઓથી હાસિલ કર્યુ છે.

વર્ણન કર્તાઓ અને હદીસના રાવીઓ:

આ કિતાબોના ઉલ્લેખ બાદ હવે હદીસોને નકલ કરવાવાળા અને રાવીઓની બાબત આવે છે. આ હદીસોના નકલ કરવાવાળા અને રાવીઓ દુનિયાના ખુણામાં વસવાવાળા મોહદ્દીસોની પાસે તકલીફ અને મહેનતનો સફર કર્યા બાદ પહોંચતા અને તેઓની સામે ગોઠણ ટેકવતા અને અદબ સાથે બેસતા અને રસુલે ખુદા(સ.અ.વ.) તથા અઇમ્મા(અ.મુ.સ.) ની હદીસોને સાંભળે છે અને બીજી સનદોથી સરખાવતા અને તે હદીસોની મજબુતાઇ અને કમઝોરીને પરખતા અને પોતાની હદીસોની કિતાબમાં ભેગી કરતા હતા અને પછીના ઝમાનામાં સંશોધકોએ તે હદીસોનો ઉપયોગ કર્યો.

અઇમ્મએ હોદા(અ.મુ.સ.)ના અસ્હાબ અને તેમની હદીસોને જમા કરવાવાળાઓએ સદીઓથી આ હદીસોને એક સદીથી બીજી સદીમાં સ્થળાંતર કર્યા ત્યાં સુધી કે આજે આ સિલસિલો જારી છે.

શીઆ મોહદ્દીસોના ઉપરાંત મકતબે ખોલફાથી સંબંધિત મોહદ્દીસોએ પણ ઇમામ મહદી(અ.સ.)ના બારામાં રિવાયતોને પોતાની હદીસોના સંગ્રહમાં વર્ણન કરી છે. અમે અહીં જુનામાં જુની કિતાબોના નામ અને તેના લેખક અને વફાતનું વરસ વર્ણન કરીએ છીએ.

(૧) અલ મુસ્નફ: લેખક- અબ્દુર્રઝ્ઝાક બીન હમામ (વફાત હિ.સ. ૨૧૧)

(૨) સોનન: લેખક- અબુઅબ્દીલ્લાહ મોહમ્મદ બીન યઝીદ ઇબ્ને માજા કઝવીની (વફાત હિ.સ. ૨૭૩)

(૩) સોનન: લેખક- અબી દાઉદ સુલૈમાન બીન અશ્અશ સજીસ્તાની (વફાત હિ.સ. ૨૭૫)

(૪) સોનન: લેખક- અબુ ઇસા મોહમ્મદ બીન ઇસા સુરત તીરમીઝી (વફાત હિ.સ. ૨૭૯)

(૫) સહીહ: લેખક- અબુ અબ્દીલ્લાહ મોહમ્મદ ઇબ્ને ઇસ્માઇલ બુખારી (મૃત્યુ હિ.સ. ૨૫૬)

(સહીહ બુખારીનું નામ અમે એટલા માટે લખ્યું છે કે બુખારીએ અશ્રાતુસ્સાઅત અને મલાહિમ વલ ફેતનના પ્રકરણોમાં કયામત અને કયામતની નિશાનીઓ અને દજ્જાલના ખુ‚રૂજનો ઉલ્લેખ કર્યો છે જે ઝુહુરની નિશાનીઓમાંથી પણ છે. બુખારીએ ઇસા ઇબ્ને મરયમના નાઝિલ થવાનો ઝિક્ર કર્યો છે. વધુ વિગત માટે જુઓ કિતાબ ઇકદુદદોરર ફી અખ્બારીલ મુન્તઝર લેખક યુસુફ બીન યહ્યા શાફેઇ)

(૬) સહીહ: લેખક- અબુલ હુસૈન મુસ્લીમ બીન હજ્જાજ અલ કૈશરી (વફાત હિ.સ. ૨૬૧)

(૭) મુસ્નદે કબીર: લેખક- અબુબક્ર બીન એહમદ બીન ઉમર અજરી (વફાત હિ.સ. ૨૯૨) (શેરે રમ્લામાં દફન છે.)

(૮) મોઅજમે અવસત: લેખક- તબરાની સુલૈમાન બીન અહમદ વિલાદત: હિ.સ. ૨૬૦ (વફાત હિ.સ. ૩૬૦) જાહેરી રીતે અમૂક કિતાબો ગયબતે સુગરા એટલે કે હિ.સ. ૩૨૯ સુધી લખી છે.)

(૯) કિતાબુલ મુસ્નદ: લેખક- અબુ યઅલા મુસલી (વફાત હિ.સ. ૩૦૭)

આ લેખમાં ઇમામે ઝમાના(અ.સ.)ના બારામાં જે સ્વતંત્ર કિતાબોનો ઉલ્લેખ અમે કર્યો એ બહુ જ મશ્હુર કિતાબો છે જે ઇમામે ઝમાના(અ.સ.)ની વિલાદત પહેલા અથવા ગયબતે સુગરાના સમયમાં લખાઇ છે, તેના વિશે અમે જાણીએ છીએ. અલબત્ત અમે ઘણી કિતાબોના બારામાં નથી જાણતા. આથી ફક્ત આ કિતાબો સુધી મર્યાદીત નથી. હજી વધારે શોધ-સંશોધનની જ‚રૂર છે. આ રીતે અમે વર્ણન કર્તાઓ અને રાવીઓનો ઉલ્લેખ કર્યો છે, તેમાં પણ આપણે મર્યાદીત નથી રહી શકતા, બલ્કે વધારે સંશોધનની જ‚રૂર છે.

મહત્વના સંદર્ભો:

લેખના અંતમાં એ લખવું જ‚રી છે કે અમે આ લેખનું લખાણ કમાલુદ્દીન વ તમામુન્નેઅમના ફારસી તરજુમાંની પ્રસ્તાવનામાંથી લીધુ છે. આ પ્રસ્તાવના કિતાબના તરજુમાકાર આયતુલ્લાહ મોહમ્મદ બાકિર કમરેઇ એ લખ્યું છે અને બીજી કિતાબ ‘કિતાબ નામાએ હઝરત મહદી(અ.સ.)’ જેને જનાબ અલી અકબર મહદીપુરીએ લખી છે. આ કિતાબ બે ભાગમાં છે અને પ્રથમ વખત રજબ હિ.સ. ૧૪૧૭ માં પ્રકાશિત થઇ આ કિતાબમાં ઇમામ મહદી(અ.સ.)ના બારામાં લખવામાં આવેલી ૨૦૦૦ કિતાબોથી વધારેનો પરિચય કરાવવામાં આવ્યો છે.

આ કિતાબના પ્રકાશિત થવા અગાઉ કિતાબના લેખક જનાબ અલી અકબર મહદીપુરએ મુંબઇના હઝરત હુજ્જતુલ ઇસ્લામ આકા શૈખ એહમદ શાબાનીથી સંપર્ક કર્યો હતો અને તેમની પાસેથી હિંદુસ્તાનમાં ઇમામે ઝમાના(અ.સ.)ના બારામાં માલુમાત હાસિલ કરી હતી. બનવાજોગ હાજી આકા શાબાની (મદ્દઝિલ્લહુલ આલી) એ લેખક સાથે આ વાતનો ઉલ્લેખ કર્યો. લેખકે ૩૯૦ કિતાબોનું બનેલું એક લીસ્ટ તેમના હવાલે કર્યુ જેના વિશે મુસન્નીફ (સંકલક) આ રીતે લખે છે.

લીસ્ત કિતાબ હાયે મૌજુદ અઝ બર્ખી અઝ કિતાબ ખાને હા દર ઇખ્તિયાર નિગારીન્દેહ બુદ કે નિગારશ કિતાબ અઝ આન હા ઇસ્તેફાદેઇ બુર્દીમ કે અઝ હમીએ મોહીમતર લીસ્ત કિતાબ હાયે કિતાબ ખાને હાયે બમ્બઇ શામિલ ૩૯૦ ઉનવાન કે તવસ્સુત સદીક અરજમંદ હઝરત હુજ્જતુલ ઇસ્લામ વલ મુસ્લેમીન આકાય શાઅબાની તહીય્યેઅ શુદે

આનો તરજુમો કરવા પહેલા એ વાત જણાવી દઇએ કે જનાબ અલી અકબર મહદીપુરની પહોંચ આ લીસ્ટ ઉપરાંત બીજી ઘણી યાદીઓ અને લાઇબ્રેરીઓ સુધી હતી. આ તમામ લીસ્ટ અને લાઇબ્રેરીઓના મુકાબલામાં તેમણે મુંબઇની યાદી-લીસ્ટને સૌથી વધારે મહત્વનું બતાવ્યું છે. હવે તરજુમો જુઓ.

“હાલનું મુંબઇની કિતાબોનું લીસ્ટ ઘણી બધી લાઇબ્રેરીઓમાં મારા ઇખ્તેયારમાં હતું અને આ કિતાબોના લીસ્ટના લખાણનો અભ્યાસ કર્યો. પરંતુ આ તમામ લીસ્ટોમાં મુંબઇની લાઇબ્રેરીની કિતાબો જે ૩૯૦ ની સંખ્યામાં છે, જે હઝરત હુજ્જતુલ ઇસ્લામ વલ મુસ્લેમીન આકા શાઅબાનીના થકી પ્રાપ્ત થયુ છે, સૌથી વધારે મહત્વનું છે.

મુંબઇના આ લીસ્ટની હકીકત:

આ લીસ્ટને એસોસિએશન ઓફ ઇમામ મહદી (અ.સ.)એ તૈયાર કર્યુ હતુ. જ્યારે મુંબઇમાં પ્રથમવાર કિતાબોનું પ્રદર્શન થયુ હતુ તે સમયે મરહુમ જનાબ સય્યદ  ગુલામ હસ્નૈન રીઝવી કરારવી (તાબસરાહ) જે એસોસિએશન ઓફ ઇમામ મહદી (અ.સ.)ની સ્થાપનામાં એક બુનિયાદી હૈસીયત રાખે છે તેમની નજર હેઠળ આ લેખકે અને અમૂક દોસ્તોએ કિતાબોનો ખુલાસો કર્યો અને આ ૫ X ૭ ની સાઇઝના લીલા કાગળો પર કિતાબનું નામ, લેખક, પ્રકાશક અને વિષય લખ્યો. વિષયમાં ખૂબ જ ટુંકાણમાં કિતાબના વિષયો લખ્યા. જે લોકોએ ૮૦ અને ૯૦ ની વચ્ચેના દશકાનું એસોસિએશન ઓફ ઇમામ મહદી (અ.સ.)ની કિતાબોનું પ્રદર્શન જોયુ છે, તેઓને યાદ હશે કે દરેક કિતાબની સામે આ કિતાબના ખુલાસાવાળો કાગળ રાખેલો હતો અને કિતાબોની સ્પષ્ટતા કરવાવાળા તેનો ઉપયોગ કરતા હતા. આ ખુલાસા-વાળા કાગળોની મદદથી ૩૯૦ કિતાબોનું એક લીસ્ટ લેખકે તૈયાર કર્યુ હતુ અને તેનું લખાણ જનાબ ઇઝહા‚લ હસન હૈદરી કામટીએ કર્યુ.

આ વિગતો બાદ એ ગુજારીશ કરીએ છીએ કે ઇમામે ઝમાના(અ.સ.)થી સંબંધિત દરેક ઝમાનામાં લખવામાં આવેલી કિતાબોની જાણકારી “કિતાબ નામાએ હઝરત મહદી (અ.સ.) તરફ ચોક્કસ રૂજુઅ કરે. તેમાં અરબી, ફારસી, ઉર્દુ, અંગ્રેજી, ગુજરાતી અને અન્ય ભાષાઓની કિતાબોનો પરિચય કરાવ્યો છે.

ખુદાયા! ઇમામત અને તશય્યોના બચાવ માટે અમને આલે મોહમ્મદ(સ.અ.વ.)ની બાબતોનું સંશોધન અને પ્રકાશન કરવાની તૌફીક અતા કર.

હિંદુસ્તાનની સરજમીન પર ઇમામે વક્તના વિષય પર ઊંડી સમજણ અને નજરની અત્યંત મહત્વની જ‚રૂરત છે તેને નજરમાં રાખીને લેખકે ક્રોનીકલ વાંચકોની ખિદમતમાં પેશ કરવાની તૌફીક હાસિલ કરી છે, ઇન્શાલ્લાહ કાએમે આલે મોહમ્મદના મોહિબ્બો તેની વધારે વઝાહત અને સ્પષ્ટતા તથા સમજણ માટે લખશે. સંપૂર્ણ યકીન છે કે મૌલા ગૈબથી મદદ કરશે.

 

—૦૦૦—

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *