Home » કિતાબો » તઝકેર-એ-હઝરત મહદી (અ.સ.) » ઇમામ મહદી (અ.ત.ફ.શ.) વિષે » હઝરત મહદી અ.સ. નો ઇન્તેઝાર

ઈન્તેઝારની અસરો અને બરકતો

Print Friendly, PDF & Email

ઈન્તેઝારની અસરો અને બરકતો

પૂર્વભુમિકા:

ઈન્તેઝારનો સંબંધ દીલની હાલતથી છે. એટલા માટે જ્યાં સુધી ઈન્તેઝારની પૂર્વભૂમિકા તૈયાર ન હોય ત્યાં સુધી કોઈ શખ્સ સાચો મુન્તઝીર થઈ શકતો નથી. તેમાં પહેલી બાબત એ છે કે ઈન્સાન જેનો ઈન્તેઝાર કરી રહ્યો હોય તેની તે  સાચી મઅરેફત  ધરાવતો હોવો જોઈએ. અગર આવનારના બારામાં તેને કોઈ જાણકારી નહિં હોય તો તેનો ઈન્તેઝાર પણ સામાન્ય હશે. પરંતુ અગર આવનારના મહત્ત્વનો અંદાજો તેને હોય તો પછી ઈન્તેઝાર કરનારાની હાલત તે પ્રમાણે હશે. દા.ત. અગર કોઈ શખ્સ પોતાના ઘરમાં ગવર્નરના આવવાનો ઈન્તેઝાર કરી રહ્યો હોય તો તે શખ્સ તેની શકિત મુજબ તેના આગમન માટે બધીજ વ્યવસ્થા કરશે અને તેના આગમનની કાગડોળે રાહ જોશે અને તેના માટે એક-એક ક્ષણને પસાર કરવી પણ મુશ્કેલ થઈ પડશે.

બીજી બાબત તેના આગમન પછી તેના વુજુદથી ફાયદાની છે. હવે અગર કોઈ ઈન્સાન એ જાણતો હોય કે જે શખ્સ આવનાર છે તેના આગમનથી ન ફકત મારી બલ્કે સંપૂર્ણ દુનિયાની તકદીર બદલાય જવાની છે તો ચોક્કસ ઈન્સાન તેના આગમનનો તીવ્રતાથી ઈન્તેઝાર કરશે. ન ફકત તેના આગમનનો તીવ્ર ઈન્તેઝાર કરશે બલ્કે તે શખ્સના આગમનમાં જાહેરી રીતે કોઈ રૂકાવટ જણાય અને તે રૂકાવટોને અગર તે દુર કરી શકતો હોય તો તેને દુર કરવાની શકય તેટલી બધીજ કોશિશો કરશે. હવે અગર કોઈ શખ્સ ઈમામ (અ.સ.) ના આગમનના ફાયદાની ખરી કલ્પના કરી લે તો ચોક્કસ તે વ્યકિતના ઈન્તેઝારની હાલત કંઈક અલગ જ હશે.

ત્રીજી બાબત, આવનારના આગમનનું યકીન હોય. અગર કોઈ શખ્સ આવનારનો ઈન્તેઝાર કરી રહ્યો હોય પરંતુ તેને તેનું યકીન ન હોય કે આવનાર ખરેખર આવશે કે નહિં, તો પછી તે ઈન્તેઝાર કરનાર વ્યકિતની હાલત કંઈક અલગ હશે.

ચોથી બાબત એ છે કે આવનાર જલ્દી આવશે એમ યકીન હોય. હવે અગર કોઈ શખ્સ આવનારનો ઈન્તેઝાર તો કરી રહ્યો છે પરંતુ તેને એ ખબર છે કે આવનાર 100વર્ષ સુધી દાખલા તરીકે નહિં આવે તો તે પરિસ્થિતિમાં તે શખ્સના ઈન્તેઝારની હાલત કંઈક અલગ હશે. ગયબતના ઝમાનામાં આ ચારેય બાબતો ઉપર વધારેમાં વધારે જાણકારી પ્રાપ્ત કરવી આપણી જવાબદારી છે કે જેથી આપણે આપણા ઝમાનાના ઈમામ (અ.સ.) ની મઅરેફત પ્રાપ્ત કર્યા પછી સાચા મુન્તઝીર બની શકીએ. આ બાબતોના ટેકામાં તે રિવાયતો પુરતી છે કે જે એક ઈન્તેઝાર કરનારના મરતબાને બયાન કરે છે. જેમકે હઝરત ઈમામ જઅફર સાદિક (અ.સ.) ફરમાવે છે:

مَنْ  مَاتَ  مِنْکُمْ  وَ ہُوَ  مُنْتَظِرٌ  لِہٰذَا  الْاَمْرِ  کَمَنْ  ہُوَ  مَعَ  الْقَائِمِ  فِی  فُسْطَاطِہٖ

‘તમારામાંથી જે શખ્સ ઈન્તેઝાર કરતાં કરતાં આ દુનિયાથી ચાલ્યો જાય તે તેના જેવો છે કે જે ઈમામે ઝમાના (અ.સ.) ની સાથે તેમના ખૈમામાં રહ્યો હોય.’

પછી ઈમામ (અ.સ.) અમુક ક્ષણો ખામોશ રહ્યા અને પછી ફરમાવ્યું:

لَا  بَلْ  کَمَنْ  قَارَعَ  مَعَہٗ  بِسَیْفِہٖ

‘નહિં બલ્કે તે શખ્સની જેમ છે કે જે ઈમામ (અ.સ.) ની સાથે  રહીને ઈમામ (અ.સ.) ની મદદમાં જેહાદ કરે.’

અને પછી ઈમામ (અ.સ.) એ તેમાં એક વાકયનો વધારો કર્યો:

لَا  وَ اﷲِ  اِلَّا  کَمَنِ  اسْتُشْہِدَ  مَعَ  رَسُوْلِ  اﷲِ  ؐ

‘નહિં, અલ્લાહની કસમ! નહિં પરંતુ તે શખ્સની જેમ છે કે જે અલ્લાહના રસુલ (સ.અ.વ.) ની સાથે શહીદ થયો હોય.’

એક બીજી હદીસમાં હઝરત ઈમામ ઝયનુલ આબેદીન (અ.સ.) ફરમાવે છે

یَا اَبَا خَالِدٍ اِنَّ اَہْلَ زَمَانِ غَیْبَتِہِ الْقَائِلِیْنَ بِاِمَامَتِہِ الْمُنْتَظِرِیْنَ لِظُہُوْرِہٖ اَفْضَلُ مِنْ اَہْلِ کُلِّ زَمَانٍ لِاَنَّ اﷲَ تَعَالٰی اَعْطَاہُمْ مِنَ الْعُقُوْلِ وَ الْاَفْہَامِ وَالْمَعْرِفَۃِ مَا صَارَتْ بِہِ الْغَیْبَۃُ عِنْدَہُمْ بِمَنْزِلَۃِ الْمُشَاہَدَۃِ وَجَعَلَہُمْ فِی ذٰلِکَ الزَّمَانِ بِمَنْزِلَۃِ الْمُجَاہِدِیْنَ بَیْنَ یَدَیْ رَسُوْلِ اﷲِ  ؐ بِالسَّیْفِ اُولٰئِکَ الْمُخْلَصُوْنَ حَقًّا وَشِیْعَتُنَا صِدْقًا وَ الدُّعَاۃُ اِلٰی دِیْنِ اﷲِ عَزَّوَ جَلَّ سِرًّا وَ جَہْرًا

‘અય અબા ખાલીદ! બેશક (હઝરત ઈમામ મહદી અ.સ.) ની ગયબતના ઝમાનાના લોકો તેમની ઈમામત ઉપર અકીદો રાખતા હશે અને તેમના ઝુહુરનો ઈન્તેઝાર કરી રહ્યા હશે તે તમામ ઝમાનાના લોકો કરતા અફઝલ છે કારણકે ખુદાવંદે આલમે તેઓને અક્કલ અને સમજણ એવી રીતે અતા કરી છે કે ગયબત તેમની માટે ઈમામ (અ.સ.) ની હાજરીની જેમ હશે. તે લોકોને તે ઝમાનામાં તે શખ્સની જેમ કરાર દીધા છે કે જેઓએ રસુલ (સ.અ.વ.) ની સમક્ષ તલ્વારથી જેહાદ કર્યો છે. તે લોકો હકીકતમાં મુખલીસ અને અમારા સાચા શીઆઓ છે અને તે લોકો અલ્લાહના દીનની તરફ જાહેરી રીતે અને છુપી રીતે દઅવત આપનારા છે.’

(કમાલુદ્દીન, ભાગ-31, હદીસ નં. 2)

આ રિવાયત ઉપરથી એ સ્પષ્ટ થાય છે કે તે લોકોનો મરતબો તમામ ઝમાનાના લોકોથી બે સિફતોને લીધે વધારે છે. એક ઈમામે અસ્ર (અ.સ.) ની મઅરેફત અને તેમની ઈમામત ઉપર અકીદો અને તેમના ઝુહુરનો ઈન્તેઝાર. ગયબતના ઝમાનામાં સાચો ઈન્તેઝાર કરવાવાળાઓની એક ઓળખ લોકોને ઈમામ (અ.સ.) ની તરફ જાહેરમાં અને છુપી રીતે દઅવત આપવી છે.

એક હદીસમાં હઝરત ઈમામ જઅફર સાદિક (અ.સ.) ઝુહુરને નજીક ગણાવતા આ મુજબ તાકીદ ફરમાવે છે:

اَقْرَبُ مَا یَکُوْنُ الْعَبْدُ اِلَی اﷲِ عَزَّوَ جَلَّ وَاَرْضٰی یَکُوْنُ عَنْہُ اِذَا افْتَقَدُوْا حُجَّۃَ اﷲِ فَلَمْ یَظْہَرْ لَہُمْ  وَحُجِبَ عَنْہُمْ فَلَمْ یَعْلَمُوْا بِمَکَانِہٖ وَہُمْ فِی ذٰلِکَ یَعْلَمُوْنَ اَنَّہٗ لَمْ تَبْطُلْ حُجَجُ اﷲِ وَلَا بَیِّنَا تُہٗ فَعِنْدَہَا فَلْیَتَوَقَّعُوْا الْفَرَجَ صَبَاحًا وَ مَسَائً

‘બંદો અલ્લાહ તઆલાથી સૌથી વધારે નજીક હશે અને અલ્લાહ તે બંદાથી સૌથી વધારે ખુશ થાય છે જ્યારે બંદો અલ્લાહની હુજ્જતને ન પામે તથા અલ્લાહની હુજ્જત જાહેર ન હોય બલ્કે તે લોકોથી છુપાએલી હોય. તે પરિસ્થિતિમાં તે લોકો જાણે છે કે કોઈપણ હાલતમાં અલ્લાહ તઆલાની દલીલો અને નિશાનીઓ ખતમ નહિં થાય. આવા સમયે તમે દરેક સવાર-સાંજ ઝુહુરનો અપેક્ષા રાખો.’

(કમાલુદ્દીન, પ્રકરણ-33, હદીસ નં. 17)

ઝુહુરનું નજીક ગણવું તે દિલની હાલતની બાબત છે તથા આ હાલત ઈમામ (અ.સ.) ના ઝુહુરના સંબંધમાં ઈન્સાનના યકીનની ખબર આપે છે. કારણકે ઝુહુરના સમયને બતાવવામાં નથી આવ્યો. એટલા માટે દરેક સવાર-સાંજમાં ગમે ત્યારે ઝુહૂર  થવાની પૂરીશકયતાઓ છે. ઝુહુરને નજીક ગણવો તે ઝુહુરમાં ઉતાવળ કરવા બરાબર નથી કે જે અલ્લાહ તઆલાને સમર્પિત થવાથી વિરૂધ્ધ છે અને હદીસોમાં તેની મનાઈ કરવામાં આવી છે. બલ્કે ઝુહુરને નજીક ગણવો તો ખુદ પરવરદિગારને તસ્લીમ થવા બરાબર છે. કારણકે અલ્લાહ તઆલા તેનાથી રાજી છે તથા અઈમ્મા (અ.સ.) એ હદીસોમાં બયાન કર્યુ છે.

એક હદીસમાં હઝરત ઈમામ જઅફર સાદિક (અ.સ.) ફરમાવે છે:

ہَلَکَتِ  الْمَحَاضِیْرِ

‘મહાઝીર  હલાક થયા.’

રાવીએ પુછયું કે મૌલા મહાઝીર એટલે શું ?

ઈમામ (અ.સ.) એ જવાબમાં ફરમાવ્યું:

الْمُسْتَعْجِلُوْنَ

‘જલ્દી કરવાવાળાઓ.’

પછી ફરમાવે છે કે:

نَجَا الْمُقَرَّبُوْنَ

‘નજદિક સમજનારાઓ નજાત પામશે.’

મહાઝીર એ મહઝરનું બહુવચન છે. તેનો અર્થ એ ઘોડો થાય છે જે વધારે દોડે છે. અહિંયા મુરાદ તે લોકો છે જેઓ ઝુહુરમાં ઉતાવળ કરે છે. આ પ્રકારની ઉતાવળ ઈન્સાનને અવળાઈમાં સપડાવી દે છે. તેની સરખામણીએ તે લોકો કે જેઓ ઈમામે ઝમાના (અ.સ.) ના ઝુહુરને નજીક ગણે છે તેઓ નજાત પામેલા લોકો છે. દોઆએ અહદમાં આ મુજબ વારિદ થયું છે:

اِنَّہُمْ  یَرَوْنَہٗ  بَعِیْدًا  وَ  نَرَاہُ  قَرِیْبًا

‘તે લોકો (વિરોધીઓ) ઈમામ (અ.સ.) ના ઝુહુરને દુર સમજે છે જ્યારે કે આપણે ઝુહુરને નજીક સમજીએ છીએ.’

પરંતુ અહિંયા એક સવાલ દરેક મોઅમિનના મગજમાં ઉપસ્થિત થાય છે કે શું ઝુહુરનો સમય નક્કી છે ? તથા શું કોઈએ પણ ઈમામો (અ.સ.) ને ઝુહુરના સમયના બારામાં સવાલ નથી કર્યો ?

તેનો જવાબ એ છે કે બેશક! અલ્લાહ તઆલાની નજીક ઝુહુરનો સમય નક્કી છે. પરંતુ ઝુહુરનો સમય આપણને નક્કી કરવાનો અધિકાર નથી. ઈમામો (અ.સ.) ને ઝુહુરના સમયના બારામાં સવાલો કરવામાં આવ્યા છે. જેમકે હઝરત ઈમામ જઅફર સાદિક (અ.સ.) ને પુછવામાં આવ્યું:

جُعِلْتُ  فِدَاکَ  اَخْبِرْنِیْ عَنْ   ہٰذَا  الْاَمرِ  الَّذِیْ  نَنْتَظِرُ  مَتٰی  ہُوَ

‘હું તમારા ઉપર કુરબાન થાવ, મને એ બતાવો કે આ અમ્ર એટલેકે ઝુહુર કે જેનો અમે ઈન્તેઝાર કરીએ છીએ તે કયારે થશે ?’

ઈમામ (અ.સ.) એ આ રીતે ફરમાવ્યું:

کَذَبَ  الْوَقَّاتُوْنَ  وَ ہَلَکَ  الْمُسْتَعْجِلُوْنَ  وَ نَجَا  الْمُسَلِّمُوْنَ

‘સમય નક્કી કરવાવાળા લોકો જુઠા છે તથા ઉતાવળ કરવાવાળા લોકો હલાક થશે અને તસ્લીમ થનારા લોકો નજાત પામશે.’

ઈન્તેઝાર કરવાનો હેતુ:

ઈન્તેઝાર કરનારાઓ દરેક મોઅમિનની નજીક ઈન્તેઝાર કરવાનો હેતુ તદ્ન સ્પષ્ટ હોવો જોઈએ. કારણકે ઈન્સાનના કાર્યની કદર અને કિંમત હેતુને જોઈને નક્કી કરવામાં આવે છે. હવે અગર કોઈ શખ્સ ઈમામ (અ.સ.) ના ઝુહુરનો ઈન્તેઝાર કરી રહ્યો છે તો શા માટે કરી રહ્યો છે તે બાબત અને તેનો હેતુ તેના માટે સ્પષ્ટ હોવો જોઈએ. રિવાયતોમાં દશર્વિવામાં આવ્યું છે કે ઈમામ (અ.સ.) ના ઝુહુરનો ઈન્તેઝાર કરવાવાળાનો હેતુ ઈમામ (અ.સ.) ની મદદ અને નુસ્રત કરવાનો હોવો જોઈએ.

અહદુલ હમીદ વાસ્તી નામનો એક વ્યકિત પાંચમાં ઈમામ હઝરત ઈમામ મોહમ્મદ બાકિર (અ.સ.) ના ઝમાનામાં રહેતો હતો. એક વખત તે પોતાના ઈન્તેઝારની કયફીયત અને હાલત બયાન કયર્િ બાદ અને ઈમામે ઝમાના (અ.સ.) ના ઝુહુરના બારામાં ચર્ચા કર્યા બાદ કહે છે:

فَاِنْ  مِتُّ  قَبْلَ   اَنْ   اُدْرِکَ  الْقَائِمَ

‘અગર હું ઈમામે કાએમ (અ.સ.) ના ઝુહુરને પામ્યા વગર આ દુનિયાથી ચાલ્યો જાવ તો શું થશે ?’

ઈમામ (અ.સ.) એ ફરમાવ્યું:

اِنَّ   الْقَائِلَ  مِنْکُمْ   اِذَا  قَالَ  اِنْ  اَدْرَکْتُ  قَائِمَ  آلِ  مُحَمَّدٍ  نَصَرْتُہٗ  کَالْمُقَارِعِ  مَعَہٗ  بِسَیْفِہٖ

‘અગર તમારામાંથી કોઈ (દિલો જાનથી કહે કે) અગર ઈમામે કાએમ (અ.સ.) ના ઝમાનાને પામું તો તેમની મદદ કરીશ, તો તે શખ્સ તેની જેમ છે કે જે ઈમામ (અ.સ.) ની સાથે તેમની મદદમાં તલ્વાર ચલાવે .’

(રવઝએ કાફી, ભાગ-81, પાના નં. 37)

હકીકતમાં ગયબતના ઝમાનામાં ઈન્તેઝાર કરનાર શખ્સ તે જ છે કે જે ઝબાનથી અને દિલના ઉંડાણથી કહેતો રહે કે:

نُصْرَتِی   مُعَدَّۃٌ   لَکُمْ

‘મારી મદદ આપ (એહલેબય્ત અ.સ.) માટે હંમેશા તૈયાર છે.’

(એહતેજાજે તબરસી, ભાગ-2, પાના નં. 325)

અગર ઈમામ (અ.સ.) ના તમામ માનવાવાળાઓમાં આ પ્રકારની હાલત પૈદા થઈ જાય તો ખુદ ઈમામે ઝમાના (અ.સ.) ના ફરમાન મુજબ ઈમામ (અ.સ.) ના દિદારથી વંચિત નહીં રહેશે અને ઈમામ (અ.સ.) ની ગયબત અને ઝુહુર તેમના માટે એક સમાન હશે. ઈમામે ઝમાના (અ.સ.) શૈખ મુફીદ (અ.ર.) ને એક તવકીઅમાં લખે છે કે:

لَوْ  اَنَّ اَشْیَا عَنَا  وَفَّقَہُمُ  اﷲُ  لِطَاعَتِہٖ  عَلٰی  اِجْتِمَاعٍ  مِنَ  الْقُلُوْبِ  فِیْ  الْوَفَائِ  بِالْعَہْدِ  عَلَیْہِمْ  لَمَا  تَاَخَّرَ عَنْہُمُ  الْیُمْنُ  بِلِقَائِنَا  وَ  لَتَعَجَّلَتْ  لَہُمُ  اَلسَّعَادَۃُ  بِمُشَاہَدَتِنَا  عَلٰی  حَقِّ  الْمَعْرِفَۃِ   وَ صِدْقِہَا  مِنْہُمْ  بِنَا

‘અગર અમારા માનવાવાળાઓ, અલ્લાહ તેમને  ઈતાઅત કરવાની તવફીક અતા કરે. તેમણે કરેલા વાયદા અને વચનને પૂર્ણ કરવામાં એક દીલ હોતે તો અમારી બાબરકત મુલાકાતમાં મોડું ન થતે અને અમારા દિદારની ખુશનસીબી સાચી મઅરેફતની સાથે તેમને જલ્દી પ્રાપ્ત થતે.’

બયઅતનું નવિનીકરણ મદદ વ્યકત કરવાનું માધ્યમ છે:

દરેક ઈન્સાન માટે એ જરી છે કે ઈમામ (અ.સ.) ની મદદ કરવાની પોતાની ઈચ્છાને પોતાની જીભ ઉપર લઈ આવે અને અલ્લાહ તઆલા સાથે વાયદો કરે કે તે કયારેય પણ પોતાની નિય્યતથી બેધ્યાન અને ગાફિલ નહીં થાય તેમજ કોઈપણ પ્રકારની કોઈ કોતાહી ન રાખે. ગયબતના ઝમાનામાં ઈમામ (અ.સ.) સાથે બયઅત કરવાનો સવાલ અહિંયાથી ઉપસ્થિત થાય છે. બયઅતનો મતલબ થાય છે ઈમામ (અ.સ.) ની ઈતાઅત ઉપર દિલથી રાજી રહેવું અને નુસ્રતની ઈચ્છા વ્યકત કરવી. દાખલા તરીકે નિયમિત દોઆ પઢવાની તાકીદ કરવામાં આવી છે. દોઆએ અહદના આ જુમ્લાઓ દરરોજ સવારે બયઅતના નવિનીકરણ માટે પુરતા છે.

اَللّٰہُمَّ  اِنِّی  اُجَدِّدُ  لَہٗ  فِی  صَبِیْحَۃِ  ہٰذَا  الْیَوْمِ  وَ مَا عِشْتُ  فِیْہِ   مِنْ   اَیَّامِ   حَیَاتِیْ   عَہْدًا   وَ  عَقْدًا  وَ بَیْعَۃً  لَہٗ  فِی  عُنُقِیْ ۔۔۔

‘અય અલ્લાહ! હું દરરોજ સવારે અને મારી ઝીંદગીના દરેક દિવસે વાયદો કંરૂ છું અને ઈમામ (અ.સ.) ની બયઅત કે જે મારી ગરદન ઉપર છે તેને તાજી કંરૂ છું. એવી રીતે કે તેનાથી હરગિઝ ફરીશ નહિં.’

જે કોઈ આ પરિસ્થિતિમાં ઝીંદગી પસાર કરે છે અને તેનું મૌત તેની નજીક આવી જાય છે એવી હાલતમાં કે હજુ સુધી તેના મૌલાનો ઝુહુર નથી થયો તો તે શખ્સનું સંપૂર્ણ અસ્તિત્વ તડપવા લાગશે અને ઈમામ (અ.સ.) ના દિદારની ઝંખનામાં રડવા લાગશે. કારણકે આટલી બધી ઝંખના અને આકાંક્ષા હોવા છતાં તે પોતાની આરઝુ સુધી પહોંચી ન શકયો અને મૌતને ભેટવાનો સમય આવી ગયો. તે પોતાના ઈમામ (અ.સ.) ના દિદાર કરવામાં અસમર્થ રહ્યો.

આ પ્રકારનો ઈન્તેઝાર કરનારા લોકોને અઈમ્મા (અ.સ.) દોસ્ત રાખે છે અને હકીકતમાં તેઓની કદર કરે છે. મસ્અદહ કહે છે કે હું હઝરત ઈમામ જઅફર સાદિક (અ.સ.) ની ખિદમતમાં હતો તેવામાં એક બુઢો શખ્સ કે જેની કમર ઝુકી ગયેલી હતી અને લાકડીના ટેકે ઈમામ (અ.સ.) ની બારગાહમાં હાજર થયો. તેણે સલામ કરી અને ઈમામ (અ.સ.) એ સલામનો જવાબ આપ્યો. તે શખ્સે કહ્યું કે અય ફરઝંદે રસુલ (સ.અ.વ.)! આપનો હાથ આપો કે જેથી કરીને હું ચુમું. ઈમામ (અ.સ.) એ પોતાનો હાથ તેના હાથમાં આપ્યો અને તે શખ્સે ઈમામ (અ.સ.) ના હાથને ચુમ્યો અને રડવા લાગ્યો. ઈમામ (અ.સ.) એ પુછયું કે અય શખ્સ તું શા માટે રડો છો? તે શખ્સે જવાબ આપ્યો કે મારી જાન આપ ઉપર કુરબાન થાય કે હું સો વર્ષથી આપના કાએમ (અ.સ.) નો વફાદાર છું અને હંમેશા પોતાની જાતને કહું છું કે આ મહિને જ અને આ વર્ષે જ ઈમામ (અ.સ.) ઝુહુર ફરમાવશે. પરંતુ હવે માં આયુષ્ય ઘણું થઈ ગયું છે અને મારા હાડકાઓ પણ નબળા થઈ ગયા છે તેમજ માં મૌત નજીક છે. પરંતુ જે તમન્ના મારા દિલમાં આપના માટે છે તે નજીકના ભવિષ્યમાં પુરી થાય તેવું લાગતું નથી. બલ્કે હું આપને વતનથી દુર દુશ્મનોની વચ્ચે ઘેરાયેલો જોઉં છું તેમજ બીજી તરફ આપના દુશ્મનોને તરક્કી કરતા જોવ છું. તો આવી પરિસ્થિતિમાં હું કેમ ન રડું?

ઈમામ (અ.સ.) પણ રડવા લાગે છે અને ફરમાવે છે કે:

‘અય શખ્સ! અગર અલ્લાહે તને જીવિત રાખ્યો ત્યાં સુધી કે તું અમારા કાએમ (અ.સ.) ને જુએ તો તાં સ્થાન ઘણું બલંદ છે. પરંતુ અગર તને મૌત આવી જાય (અને અમારા કાએમ (અ.સ.) ને પામી ન શકો) તો કયામતના દિવસે રસુલના સિકલ (ભારી ચીજ) સાથે ઉઠાવવામાં આવશો અને અમે જ બે ભારી ચીજોમાંથી સેકલે અકબર છીએ કે જેનાથી જોડાયેલા રહેવાનો અલ્લાહ તથા તેના રસુલ (સ.અ.વ.) એ હુકમ આપ્યો છે.’

તે બુઢો શખ્સ કહે છે કે આ સાંભળ્યા પછી મને કોઈ રંજ રહ્યો નથી અને મારા દીલને શાંતિ થઈ છે.

પછી ઈમામ (અ.સ.) એ એક પછી એક બધા ઈમામોની ઓળખાણ આપી અને ફરમાવ્યું:

‘અય શૈખ! અલ્લાહની કસમ અગર દુનિયાના આયુષ્યમાં ફકત એક દિવસ પણ બાકી રહી જાય તો અલ્લાહ તઆલા તે દિવસને એટલો બધો લાંબો કરી દેશે કે અમારા કાએમ ઝુહુર ફરમાવે. જાણી લ્યો કે ગયબતના ઝમાનામાં અમારા શીઆઓ હયરાન અને પરેશાન હશે. ખુદાવંદે આલમ ખુલુસ ધરાવવાવાળાઓને પોતાની હિદાયત ઉપર બાકી રાખશે. અય અલ્લાહ તે લોકોને આ અમ્ર ઉપર (ખુલુસ અને સાબિત કદમી ઉપર) મદદ કર.’

(બેહાલ અન્વાર, ભાગ-36, પાના નં. 409)

ઈન્તેઝાર કરવાના ફાયદા:

ઈન્તેઝારના બે પાસાઓ છે. એક મનફી એટલેકે ઈન્સાનનું પોતાની વર્તમાન પરિસ્થિતિથી અપ્રસન્નતા અને નારાજગી.

બીજું મુસ્બત એટલેકે પ્રકાશમાન ભવિષ્ય માટે પ્રયત્નશીલ રહેવું.

જ્યાં સુધી ઈન્સાનની ઝાતમાં આ બે પાસા જોવા ન મળે ત્યાં સુધી તેને તે કહેવાનો હક્ક નથી કે તે કોઈનો ઈન્તેઝાર કરી રહ્યો છે. કારણકે જે શખ્સ વર્તમાન પરિસ્થિતિથી રાજી અને ખુશ હશે તે ભવિષ્ય માટે શા માટે ઈન્તેઝાર કરે ? અને અગર તે વર્તમાન પરિસ્થિતિથી રાજી નહિં હોય પરંતુ ભવિષ્ય માટે કોઈ આશા નહીં ધરાવતો હોય તો આવી પરિસ્થિતિમાં તે શખ્સ કઈ વસ્તુનો ઈન્તેઝાર કરશે ?

જેટલી હદે આ બંને પાસાઓ ઈન્સાનના અસ્તિત્વમાં રોપાતા જશે તે આધારે તેની ઝીંદગીમાં પણ ફરક પડતો જશે. કારણકે જે વાત દિલના ઉંડાણમાં ઉતરી જાય છે તે કાર્યો દ્વારા જાહેર થાય છે. ઈન્તેઝારના બંને પાસાઓ ઈન્સાનની ઝીંદગીમાં ફાયદાકારક છે. જ્યારે ઈન્સાન ઝમાનાની વર્તમાન પરિસ્થિતિથી નારાજ અને અપ્રસન્ન હશે તો તે વાતની કોશિશ કરશે કે પોતાની ઝાતને દરેક પ્રકારના ગુનાહોથી દુર રાખે અને ઝુલ્મ અને ફસાદથી અળગો રહે. તથા અત્યાચારને ખત્મ કરવાની શકય તેટલી બધી કોશિશો કરી છુટશે. તેની સાથોસાથ તકવા તરફ કદમ ઉઠાવશે અને પોતાની ઝાતને નેક ખુસુસીયાતોથી સુસજ્જ કરશે.

ઈન્તેઝારનું આ અર્થઘટન ઈન્સાનમાં જવાબદારીની ભાવનાને ઘણી વધારી દે છે. અગાઉની રિવાયતોમાં જે વાત વર્ણવવામાં આવી છે તેના ઉપર વિચાર કરવાથી ઈન્તેઝાર કરવાનો ફાયદો ખુબજ સ્પષ્ટ થઈ જાય છે. ઈન્સાનમાં જે પ્રમાણે તૈયારી જોવા મળે છે અને જેટલી હદે પોતાની ઝાતને આ મહાન ઈન્કેલાબ માટે તૈયાર કરે છે તે મુજબ તે શખ્સ તેટલીજ ફઝીલત અને મરતબો ધરાવે છે. તૈયારીના દરજ્જાઓને નઝરમાં રાખીને રિવાયતોમાં ફઝીલત અને મહાનતા વર્ણવવામાં આવી છે.

જેવી રીતે એક જંગમાં ભાગ લેનારાઓના અલગ અલગ દરજ્જાઓ હોય છે જેમકે કોઈ શખ્સ હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) ની સાથે તેમના ખૈમામાં છે, કોઈ છે કે જે જંગ માટે તૈયારી કરી રહ્યો છે, કોઈ જંગના મૈદાનમાં છે, કોઈ અમુક દુશ્મનો સામે તલ્વાર ચલાવી રહ્યો છે અને કોઈ જંગ કરતાં કરતાં શહીદ થઈ જાય છે. આ દરજ્જાના પ્રકારના આધારે જંગમાં ભાગ લેનારાઓનો સવાબ અને દરજ્જો પણ અલગ અલગ હોય છે.

આવીજ પરિસ્થિતિ તે લોકોની છે કે જેઓ એક મહાન સુધારણા કરનારના ઈન્તેઝારમાં પોતાના દિવસ અને રાત પસાર કરી રહ્યા છે. કોઈ એક વિશ્ર્વવ્યાપી ઈન્કેલાબની આશા ધરાવે છે કે જેના પછી દુનિયા અમ્ન અને અમાન, સુકુન અને સલામતિનું રહેઠાણ બની જશે. ઝુલ્મ, અત્યાચાર અને સરમુખત્યારીનો અંધકાર દુર થઈ જશે. હવે જેમાં જેટલી તૈયારી જોવા મળતી હશે અને જેમાં જેટલી કુરબાનીની ભાવના, શહાદતનો શોખ અને પાકો ઈરાદો જોવા મળશે તેઓ હદીસોથી ફાયદો મેળવતા રહેશે.

તે શખ્સ જે પયગમ્બરે અકરમ (સ.અ.વ.) ના ખૈમામાં હાજર હશે તે કયારેય પણ પરિસ્થિતિથી અજાણ ન હોય શકે અને તે હંમેશા પરિસ્થિતિ ઉપર નજર રાખતો હશે. તે સતર્ક હશે કારણકે તે એવી જગ્યા ઉપર છે કે જ્યાં ગફલત અને જેહાલતનો કોઈ સવાલ જ ઉપસ્થિત થતો નથી. કારણકે તે લાપરવાહી અને બેદરકારી છોડીને ત્યાં આવ્યો છે. તેને તે બાબતની અનુભૂતિ છે કે તેની ગફલતનું શું પરિણામ આવશે અને તેની નાનકડી ભુલ કેટલી હદે બરબાદી અને તબાહીને નોતરી શકે છે.

તે શખ્સ જે જંગમાં દુશ્મનો સાથે લડે છે તેણે કેટલી હદે સાવચેત રહેવું જોઈએ. નાનામાં નાની તકનો પણ તેણે ફાયદો ઉઠાવવો જોઈએ અને દરેક પળને ગનીમત જાણવી જોઈએ. તેમજ વિજય મેળવવા માટે શક્ય તેટલી બધીજ કોશિશો કરી છુટવી જોઈએ. અગર તેજ વ્યકિત ગાફિલ બની જાય, તકનો લાભ ન લે અને પળોને ગનીમત ન જાણે તો તેનું પરિણામ પરાજય સિવાય બીજું કંઈ નહિં હોય.

આવીજ પરિસ્થિતિ તે લોકોની છે કે જેઓ ઈન્તેઝારમાં જીવન પસાર કરી રહ્યા છે. એક ઈન્તેઝાર કરનારાએ એક સૈનિકની જેમ હોશીયાર અને સાવચેત રહેવું જોઈએ. પરિસ્થિતિ ઉપર વિજય મેળવવા માટે શકય તેટલી બધી કોશિશો કરવી જોઈએ અને ફસાદ ઉપર કાબુ મેળવવા માટે હંમેશા પ્રયત્નશીલ રહેવું જોઈએ કે જેથી કરીને મહાન ઈન્કેલાબ માટે વાતાવરણ ઉભું કરી શકે.

એ વાત પણ યાદ રાખવા જેવી છે કે ઈન્સાન ત્યારેજ જંગના મૈદાનમાં એક બહાદુર અને દિલેર સાબિત થશે જ્યારે તે રૂહાની અને બાતેની આધારે પણ બહાદુર અને દિલેર હોય. અગર દીલ બુઝદીલ હશે તો તેની તલ્વાર કોઈ ફાયદો પહોંચાડશે નહિં. એક ઈન્તેઝાર કરનારા માટે જરૂરી છે કે પોતાની ઝાતને બાતેની આધારે એટલી હદે તૈયાર કરી લે કે ઈન્કેલાબના સમયે તેની ગણતરી સીપાહીઓમાં થાય.

વ્યકિતગત સુધારણા:

આ મહાન ઈન્કેલાબ માટે એવા લોકોની જરૂરત છે કે જેમના મગજમાં વિશ્ર્વવ્યાપી પરિભાષાઓને કબુલ કરવાની આવડત હોય. એવા લોકોની જરૂરત છે કે જેઓ ઈલ્મના મૈદાનમાં અગ્રેસર હોય. તેમના વિચારોમાં ઉંડાણ હોય, દિલમાં વિશાળતા હોય કે જેથી દુશ્મનની પણ સુધારણા કરી શકાય. તેઓના અંતર જીવંત અને સજાગ હોય અને અખ્લાક સજ્જનતાના પ્રતિક હોય. એવા લોકોની જરૂરત છે કે જેઓ ટૂંકી દ્રષ્ટિવાળા ન હોય. મુર્ખ ન હોય અને ન તો ખરાબ સ્વભાવના હોય. તેઓ વિખવાદની ભડકતી આગને સુલેહ, શુધ્ધતા અને ભાઈચારાના પાણીથી બુજાવી ચુકયા હોય.

અગર આપણે પોતે વિચારધારા અને કાર્યના આધારે નાપાક હોઈએ તો કેવી રીતે ઈન્કેલાબના ઈન્તેઝાર કરનારા હોઇ શકીએ, જેના પહેલા પગથીયામાં આવા લોકોને ખત્મ કરી દેવામાં આવશે. અગર આપણે પોતે ઝાલિમ અને અત્યાચારી હોઈએ તો પછી કેવી રીતે ઈન્કેલાબનો ઈન્તેઝાર કરનારામાંથી હોઈ શકીએ ? જેમાં ઝાલિમો અને અત્યાચારીઓ માટે કોઈ સ્થાન નથી.

આપણે જાતે ફેંસલો કરી શકીએ છીએ કે શું આ વિશ્ર્વવ્યાપી ઈન્કેલાબનો ઈન્તેઝાર ઈન્સાનને અમલ કરનાર અને સારા ચારિત્ર્યવાળો બનાવવા માટે પુરતો નથી ? આ ઈન્તેઝારની મુદ્દત શું તે વાતની મોહલત નથી કે ઈન્સાન ઈન્કેલાબના આવવા પહેલા ખુદ પોતાની ઝાતની સુધારણા કરી લે અને પોતાની ઝાતને ઈન્કેલાબ માટે તૈયાર કરે ?

આજ રીતે તે લોકો કે જેઓ પોતાને હઝરત ઈમામે ઝમાના (અ.સ.) નો ઈન્તેઝાર કરાનારા કહે છે અને ઈન્તેઝારમાં પોતાનું જીવન પસાર કરે છે તેઓ માટે જરૂરી છે કે તેઓ આ વિશ્ર્વવ્યાપી ઈન્કેલાબ માટે પોતાની જાતને તૈયાર કરે. તેઓ પોતાની જાતને ચકાસે અને પોતાની લાગણીઓને હકીકતની કસોટીએ પારખી લે.

આ છે ઈન્તેઝારનો અર્થ કે જેના બારામાં રિવાયતોમાં વારિદ થયું છે અને સાચા ઈન્તેઝાર કરનારાની સિફતો એવી છે કે તેને રિવાયતમાં મુજાહીદ અને શહીદનો દરજ્જો આપવામાં આવ્યો છે.

જરૂરત છે તેવા મુન્તઝીરની કે જેના મઝબુત ઈરાદાની સામે તકલીફોનું તોફાન પણ પાછું હટી જાય, જેના ઈરાદાઓથી પહાડ પણ પોતાની જગ્યા છોડી દે. એટલેકે ઉમ્મીદની સામે માયુસીની શિલા પણ ટુકડે ટુકડા થઈ જાય, તેની વિચારધારા એટલી ઉંડી હોય કે આસ્માનો અને જમીનના ઉંડાણ પણ ઓછા લાગે. તેના અખ્લાક એટલા ઉચ્ચ હોય કે દુશ્મન પણ કલમો પઢી લે અને તેનું ચારિત્ર્ય એટલું બધું મઝબુત હોય કે મલાએકાઓ પણ સજદામાં જુકી જાય.

સમાજની સુધારણા:

સાચો ઈન્તેઝાર કરનારો તે છે જે ફકત પોતાની સુધારણાની ચિંતા પુરતો સિમિત નથી હોતો બલ્કે તેના માટે એ જરૂરી છે કે બીજાઓની સુધારણાની પણ ચિંતા કરે.

કારણકે જે ઈન્કેલાબનો આપણે બધા ઈન્તેઝાર કરી રહ્યા છીએ તે ફકત વ્યકિતની સુધારણા પૂરતો કેન્દ્રીત નહીં હોય બલ્કે સમાજના દરેક લોકો તેમાં સરખા ભાગે શામિલ હશે. આથી આપણે બધાએ મળીને કોશિશ કરવી જોઈએ કે એકબીજાની પરિસ્થિતિથી માહિતગાર  રહીએ. એકબીજા ખભેખભા મેળવીને ઈન્કેલાબના રસ્તા ઉપર આગળ વધતા રહીએ.

જ્યારે બધા સાથે મળીને કામ અંજામ આપી રહ્યા હોય ત્યારે કોઈ એકબીજાથી ગાફિલ નહિં રહી શકે. બલ્કે દરેકની એ જવાબદારી છે કે બીજાઓનું પણ ધ્યાન રાખે. આજુબાજુના વિસ્તારોની પણ ખબર રાખે. જ્યાં કોઈપણ નાની એવી ઉણપ દેખાય તાત્કાલીક તેની સુધારણા કરે અને કોઈ કમી હોય તો તેને પૂર્ણ કરી દે.

આ તો ફકત મુઠ્ઠી ફાયદાઓ છે અગર રિવાયતો ઉપર નજર કરવામાં આવે તો બીજા પણ ઘણા બધા જુદા-જુદા પાસાઓ જોવા મળશે. પરંતુ ટૂંકાણને ધ્યાનમાં રાખીને અહિંજ સંતોષ માનીએ છીએ.

અલ્લાહ તબારક વ તઆલાની બારગાહમાં દોઆ છે કે અલ્લાહ આપણને તવફીક અતા કરે કે આપણે આ કસોટી ઉપર ખરા ઉતરી શકીએ અને ખુદ પોતાની ઝાતની સુધારણાની સાથે-સાથે સમાજની સુધારણા કરવાની શકય તેટલી કોશિશ કરીએ કે જેથી આપણી ગણના ઈમામ (અ.સ.) ના સાચા ઈન્તેઝાર કરવાવાળાઓમાં થાય. આમીન, યા રબ્બલ આલમીન.

-૦-૦-૦-

Have your say!

Add your comment below, or trackback from your own site. You can also subscribe to these comments via RSS.

Be nice. Keep it clean. Stay on topic. No spam.