ગયબત અને સંવેદનશિલતા

Print Friendly, PDF & Email

ગયબત અને સંવેદનશિલતા

(૧) અલ્લાહ સુબ્હાનહુ તઆલાની આ એક સુન્નત છે કે તેણે આ જમીનને પોતાની હુજ્જત વગર ખાલી નથી રાખી અને ન તો તે ક્યારેય ખાલી રાખશે:

અમી‚લ મોઅમેનીન અલી (અ.સ.)એ એક ખુત્બામાં ફરમાવ્યું છે કે:

اَللّٰهُمَّ اِنَّهُ لَا بُدَّ لَکَ مِنْ حُجَجٍ فِي اَرْضِکَ حُجَّۃٍ بَعْدَ حُجَّۃٍ عَلَي خَلْقِکَ…… ظَاھِرٍ غَيْرِ مُطَاعٍ اَوْ مُکْتَتَمٍ يُتَرَقَّب

‘અય અલ્લાહ બેશક તારી જમીનમાં તારી મખ્લુક માટે એકના બાદ એક હુજ્જત મોકલી…… કાં તો જાહેર હોય છે જેની ઇતાઅત કરવામાં ન આવતી હોય અથવા તો છુપાએલ કે જેમનાથી તકર્‚બ હાંસિલ કરવામાં આવે છે. (ઇન્તેઝાર કરવામાં આવે છે.)’

و أَنَّكَ‏ لَا تُخْلِي‏ أَرْضَكَ‏ مِنْ‏ حُجَّةٍ لَكَ‏ عَلى‏ خَلْقِكَ‏- ظَاهِرٍ لَيْسَ بِالْمُطَاعِ، أَوْ خَائِفٍ مَغْمُورٍ-

‘…..અને બેશક તેં તારી મખ્લુકને તારી જમીન ઉપર તારી હુજ્જત વગર ખાલી નથી રાખી.  કાં તો તે જાહેર હોય છે (પરંતુ) તેમની ઇતાઅત કરવામાં નથી આવતી અથવા તો ભયભીત અને ખૌફના કારણે છુપાએલી હોય છે જેથી તારી હુજ્જત બાતિલ ન થાય.’

(કાફી કિતાબુલ ગૈબત, ભાગ – ૧, પાના નં. ૩૩૫,

અશ્શાફી ઉર્દુ, ૨/૨૮૯) (હદીસનો સારાંશ)

તારણો:

૧. આ ખુત્બામાં અલી (અ.સ.) એ બે વાતનો ઉલ્લેખ કર્યો છે પહેલુ એ કે હુજ્જતે જાહેરી કે જેની ઇતાઅત કરવામાં ન આવતી હોય. આ વાત લોકોનું કુફરાને નેઅમત બતાવે છે.

૨. અલ્લાહની હુજ્જતનું ગયબતમાં રહેવું તે એવી બાબત છે જે હંમેશા હતી અને હંમેશા રહેશે અને એમ ન માનવું જોઇએ કે આ વાત માત્ર ઉમ્મતે ઇસ્લામમાંજ અને તે પણ ખાસ ઇમામે ઝમાના (અ.ત.ફ.શ.)ના માટે બની અને શાયદ આજ કારણે ખુદ ઇમામે ઝમાના (અ.ત.ફ.શ.)એ શૈખ સદ્દુક (અ.ર.)ને આ હુકમ આપ્યો હતો કે અગાઉના અંબિયાની ગયબતોથી લોકોને આગાહ કરવામાં આવે જેથી કરીને લોકોને ઇમામે ઝમાના (અ.ત.ફ.શ.)ની ગયબતમાં માનવું ભારે ન લાગે.

કિતાબ કમાલુદ્દીન લખવા પાછળ શૈખે સદ્દુક (અ.ર.)ના કીસ્સા પર ખાસ ઘ્યાન આપવા જેવું છે કે જેને તેમણે કિતાબની પ્રસ્તાવનામાં લખ્યો છે.

જ્યારે શૈખે સદ્દુક (અ.ર.) નિશાપુરથી સફર પર ગયા તો ત્યાં તેમણે જોયું કે ઘણા શીઆઓ એવા છે કે જેઓ ઇમામે ઝમાના (અ.ત.ફ.શ.)ની ગયબતના બારામાં શક કરે છે. તેમણે શૈખ નજમુદ્દીને કુમ્મી કે જેઓ એક જય્યદ મોહદ્દીસના દિકરા હતા તેમના દિલમાંથી અમુક શંકાઓ હતી અને તેને દૂર કરી. આ શંકાઓ બુખારાના અમૂક સુન્ની ફીલોસોફરો દ્વારા ફેલાવવામાં આવી હતી.

શૈખ નજમુદ્દીન કુમ્મી (અ.ર.)એ શૈખ સદ્દુક (અ.ર.)ને દરખાસ્ત કરી કે આપે જે કાંઇ મને બયાન કર્યું તેને એક કિતાબના સ્વ‚પે લખો. શૈખે સદ્દુક (અ.ર.)એ જવાબ આપ્યો કે ઇન્શાઅલ્લાહ હું રય પહોંચીને આ કામને અંજામ આપીશ.

એક રાત્રે જ્યારે શૈખે સદ્દુક (અ.ર.) પોતાના ઘરવાળાઓ સંબંધિત ચિંતિત અને ગમગીન હતા કે જેમને તેઓ રય શહેરમાં છોડીને આવ્યા હતા.

રાત્રે તેઓએ સ્વપ્નમાં જોયું કે તેઓ ખાને કાબાનો તવાફ કરી રહ્યા છે. જ્યારે તેઓનો ૭મો તવાફ પુરો થયો અને હજરે અસ્વદને ગવાહ બનાવી રહ્યા હતા ત્યારે જોયું કે ઇમામે ઝમાના (અ.ત.ફ.શ.) ખાને કાબાના દરવાજા પાસે ઉભેલા છે. શૈખે સદ્દુક (અ.ર.)એ ઇમામે ઝમાના (અ.સ.)ને સલામ કરી.

ઇમામ (અ.સ.)એ સલામનો જવાબ આપ્યો અને ફરમાવ્યું:

‘તમો શા માટે મારી ગયબતના બારામાં કિતાબ નથી લખતા જેથી તમારી ગમગીની દૂર થઇ જાય.’

શૈખે સદ્દુક (અ.ર.)એ કહ્યું: મેં તો ગયબતના બારામાં ઘણી કિતાબો લખી છે.

ત્યારે ઇમામ (અ.સ.)એ ફરમાવ્યું :

‘એવી રીતે નહીં. અત્યારે હું તમને હુકમ આપું છું કે તમે ગયબતના બારામાં એક કિતાબ લખો અને તેમાં અંબિયા (અ.સ.)ની ગયબતનો ઉલ્લેખ કરો.’

(કમાલુદ્દીન, ભાગ – ૧, પાના નં. ૧)

(૨) પયગમ્બરો (અ. મુ. સ.) ની ગયબત:

હઝરત શીશ (અ.સ.)

હઝરત ઇમામ બાકિર (અ.સ.) ફરમાવે છે :

‘હઝરત આદમ (અ.સ.)ને દફનાવ્યા પછી તેમના ફરઝંદ હેબતુલ્લાહ (હઝરત શીશ અ.સ.) કાબિલને મળ્યા તો કાબિલે તેમને કહ્યું કે તમારા વાલિદે તમારા માટે ઇલ્મ રાખ્યું છે જ્યારે કે તેમણે મને તેમનું ઇલ્મ નથી આપ્યું. હાબિલે આ ઇલ્મનો ઉપયોગ કરીને અલ્લાહની બારગાહમાં માંગ્યુ કે તેની કુરબાનીને કબુલ કરવામાં આવે. મેં તેમને એટલા માટે કત્લ કરી નાખ્યા હતા કે તેમની અવલાદ તે ઇલ્મ અને કુરબાની કબુલ થવાના કારણે મારી અવલાદ ઉપર ફખ્ર ન કરે. અય શીશ જો તમે તે ઇલ્મથી લોકોને માહિતગાર કરશો કે જે હ. આદમ (અ.સ.)એ તમને આપ્યું હતું તો હું તમને હાબિલની જેમ કત્લ કરી નાંખીશ. પોતાના ભાઇની આ ગંભીર ધમકીને લીધે હઝરત શીશ (અ.સ.) વર્ષો સુધી ગયબતમાં રહ્યા અને પોતાનું ઇલ્મ જાહેર ન કર્યું.’

(રવઝતુલ કાફી, પાના નં. ૧૧૪, હ. ૯૧)

હઝરત ઇદ્રીસ (અ.સ.)

હઝરત ઇદ્રીસ (અ.સ.) પર તેમના ઝમાનાની નાફરમાન હુકુમત તરફથી હુમલો થયો હતો એટલે અલ્લાહના હુકમથી તેઓ ઘણા (૨૦) વર્ષો સુધી ગયબતમાં રહ્યા. તેમની ગયબતના સમય દરમ્યાન તેમના અનુયાઇઓને સખત તકલીફો વેઠવી પડી હતી.

પયગમ્બર (સ.અ.વ.)ની એક હદીસમાં છે કે

‘ઇમામે ઝમાના (અ.સ.)ની ગયબતના ઝમાનામાં ઝુલ્મની સખ્તાઇ એટલી બધી વધી જશે કે કોઇપણ વ્યક્તિ અલ્લાહનું નામ લેવાની હિંમત નહીં કરે.’

(બેહા‚લ અન્વાર, ભાગ – ૫૧, પાના નં. ૬૮૧, હદીસ નં. ૮)

હઝરત ઇદ્રીસ (અ.સ.)ના ઝમાનાના લોકોએ આ સખ્તાઇમાં અલ્લાહની બારગાહમાં તૌબા કરવાનું નક્કી કર્યું. આ સાચી તૌબાના કારણે અલ્લાહે હઝરત ઇદ્રીસ (અ.સ.)ની ગયબતનો સમયગાળો તમામ કરી દીધો. હઝરત ઇદ્રીસ (અ.સ.)નો ઝુહુર થયો અને ઝાલિમ હાકિમ પદ્ભ્રષ્ટ થઇ ગયો.

ઇમામે ઝમાના (અ.સ.)ની ગયબતનાં ઝમાનામાં જો લોકો ભેગા મળીને તૌબા કરે અને ઇમામ (અ.સ.)ને મદદ કરવા માટે કટિબદ્ધ થઇ જાય તો પછી અલ્લાહ ચાહે તો ગયબતની મુશ્કેલીઓને દૂર કરી દે અને ઇમામે ઝમાના (અ.સ.)ને જાહેર કરી દે.

હઝરત મુસા (અ.સ.)

તેમના માટે બે ગયબત હતી. જેમાંની એક બીજા કરતા લાંબી હતી. પહેલી ગયબત મીસ્રમાં ૨૭ વર્ષ અને બીજી ગયબત ૪૦ દિવસ અને રાત કોહે તૂર પર ગયા. તેમના ગયબતમાં જવાનું કારણ એ હતું કે એ કૌમ કે જે તેમને કત્લ કરવા માંગતી હતી તેનાથી તેમને છુટકારો મળે.

ઇમામ બાકિર (અ.સ.) ફરમાવે છે કે

‘હઝરત મુસા (અ.સ.)ની સુન્નત કે જે અમારા કાએમ (અ.સ.)માં છે તે છે સતત લાંબી ગયબત, છુપો જન્મ અને તે મુશ્કેલીઓ કે જેનો સામનો તેમની ગયબતના ઝમાનામાં તેમના અનુયાઇઓએ કર્યો હતો આ મુશ્કેલીઓ ઝુહુરના ઝમાના સુધી બાકી રહેશે.’

(કમાલુદ્દીન, ભાગ – ૧, પાના નં. ૨૭ અને ૩૨૬)

(૩) પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) અને અઇમ્મા (અ.સ.)એ તેની આગાહી કરેલી છે:

પહેલા ઇમામ (અ.સ.)થી લઇને ૧૧માં ઇમામ (અ.સ.) સુધીના દરેક ઇમામો (અ.સ.)એ ઇમામે ઝમાના (અ.સ.)ની ગયબતનો ઝીક્ર કર્યો છે.

૧૨માં ઇમામ (અ.સ.)ના બારામાં પવિત્ર પયગમ્બર (સ.અ.વ.)એ એક હદીસમાં ૧૧ ઇમામો (અ.સ.)ના નામો લીધા પછી ફરમાવ્યું:

‘…..પછી તેમના ઇમામ તેમનાથી ગાએબ રહેશે. તેમના માટે બે ગયબત હશે જેમાંની એક બીજા કરતા લાંબી હશે.’

(૪) ગયબતનો અર્થ:

અંબિયા (અ.સ.)ની ગયબત પરથી ઇમામે અસ્ર (અ.સ.)ની ગયબતના બારામાં અમૂક વસ્તુ વિચારનો ઉપયોગ થઇ શકે છે. તેમાંથી એક છે ગયબતનો શાબ્દિક અર્થ અને તેનો સુચિત અર્થ.

અંબીયા (અ.સ.)ની ગયબત પરથી ઇમામે અસ્ર (અ.સ.)ની ગયબતના અમૂક પાસાઓ સ્પષ્ટ થાય છે. તેમાંથી એક છે ગયબતનો અર્થ. ગયબત બે ‚પમાં હોય શકે (૧) હઝરતના નામ અને સિફતોની ગયબત, એવી રીતે કે તેમને જોઇ શકાય પરંતુ ઓળખી ન શકાય. (૨) લોકોની વચ્ચેથી અને તેઓના દેશથી તેમના બદન અને જીસ્મની ગયબત. શક્ય છે કે તેઓ ક્યારેક પહેલા પ્રકારની ગયબત અપ્નાવે તો ક્યારેક બીજા પ્રકારની. તેનો આધાર સમય સંજોગ અને વ્યક્તિ પર રાખે છે.

પહેલું રૂપ:

ઇમામ સાદિક (અ.સ.)એ સુદૈરે સેરફીને ફરમાવ્યું:

إِنَ‏ فِي‏ صَاحِبِ‏ هَذَا الْأَمْرِ شَبَهاً مِنْ يُوسُف‏

‘આ સાહેબે અમ્રની હઝરત યુસુફ (અ.સ.)ની સાથે સમાનતા છે.’

સુદૈરે ઇમામ (અ.સ.)ને પુછયું :

લાગે છે કે આપ તેમની ગયબતના અથવા હયરતના બારામાં જણાવવા ચાહો છો.

પછી ઇમામ (અ.સ.)એ ફરમાવ્યું:

‘હઝરત યુસુફ (અ.સ.)ના ભાઇઓ જો કે નબીના પુત્રો હતા, અકલમંદ હતા, તેઓ તેમની સામે હતા, તેઓએ હઝરત યુસુફ (અ.સ.)ની સાથે વાત કરી, તેઓએ તેમની સાથે વેપાર કર્યો, તેઓએ તેમની સાથે કામ કર્યું (છતાંપણ) તેઓ તેમને ઓળખી શક્યા નહિં. ત્યાં સુધી કે હઝરત યુસુફ (અ.સ.)એ પોતાની ઓળખાણ ન કરાવી કે હું યુસુફ છું અને આ મારા ભાઇઓ છે.

તો પછી આ ઉમ્મત એ વાતનો શા માટે ઇન્કાર કરે છે કે અલ્લાહ અઝઝ વ જલ્લ તેની હુજ્જત સાથે સમયોમાંથી એક સમયે તેમજ કરે જેવી રીતે તેણે હઝરત યુસુફ (અ.સ.)ની સાથે કર્યું હતું.

બેશક હઝરત યુસુફ (અ.સ.)ની પાસે મિસ્રની હુકુમત હતી. તેમની અને તેમના પિતાની દરમ્યાન ૧૮ દિવસની મુસાફરીનું અંતર હતું. અગર અલ્લાહે ચાહ્યું હોત તો હઝરત યુસુફ (અ.સ.)એ પોતાના પિતાને જાણ કરી હોતે. જ્યારે હઝરત યુસુફ (અ.સ.)ની ખુશખબર તેમના પિતા હઝરત યાકુબ (અ.સ.) અને તેમના ફરઝંદોની પાસે પહોંચી તો તેઓએ તેમની જગ્યાએથી મિસ્ર સુધીની સફર ફક્ત ૯ દિવસમાં પૂર્ણ કરી (એટલે કે ફક્ત અર્ધા સમયમાં).

તો પછી આ ઉમ્મત એ વાતનો શા માટે ઇન્કાર કરે છે કે અલ્લાહે જેમ હઝરત યુસુફ (અ.સ.)ની સાથે કર્યું તેવુંજ તે પોતાની હુજ્જત સાથે પણ કરે કે તેઓ તેમની બજારોમાં જાય, તેમની કારપેટની ઉપર ચાલે (પરંતુ ઓળખાય નહીં) ત્યાં સુધી કે અલ્લાહ તેમને આ બાબતની પરવાનગી આપે (કે તેઓ પોતાની ઓળખાણ કરાવે) જેવી રીતે તેણે હઝરત યુસુફ (અ.સ.)ને ઓળખાણ કરાવવાની રજા આપી.’

હઝરત યુસુફ (અ.સ.)ના ભાઇઓએ કહ્યું.

‘શું ખરેખર તમેજ યુસુફ છો?’                   اَ اِنَّکَ لَاَنْتَ يُوْسُفُ

તો તેમણે ફરમાવ્યું :

‘(હા!) હું યુસફ છું!’                                       قَالَ اَنَا يُوْسُفُ

(બેહારૂલ અન્વાર, ભાગ – ૫૨, પાના નં. ૧૫૪, હદીસ નં. ૯)

આના પરથી આ બાબત સમજી શકાય છે કે ઇમામ (અ.સ.) લોકોની દરમ્યાન અવરજવર કરે છે પરંતુ તેઓ સામાન્યત: ઓળખી શકાતા નથી.

બીજું રૂપ:

ઇમામ સજ્જાદ (અ.સ.) ઇમામે ઝમાના (અ.સ.)ની સરખામણી હઝરત ઇબ્રાહીમ (અ.સ.) સાથે કરતાં ફરમાવે છે.

وَ أَمَّا مِنْ‏ إِبْرَاهِيمَ‏ فَخَفَاءُ الْوِلَادَةِ وَ اعْتِزَالُ النَّاس‏

‘હઝરત ઇબ્રાહીમ (અ.સ.) સાથે તેમની સામ્યતામાંથી છે, છુપી વિલાયત અને લોકોથી દૂરી.’

આજ પ્રમાણે ઇમામ સાદિક (અ.સ.) ફરમાવે છે.

لَا بُدَّ لِصَاحِبِ‏ هَذَا الْأَمْرِ مِنْ‏ غَيْبَةٍ وَ لَا بُدَّ لَهُ فِي غَيْبَتِهِ مِنْ عُزْلَة

‘બેશક આ ઇમામ ગયબતમાં હશે અને તેમની ગયબતમાં તેઓ દૂરી ઇખ્તેયાર કરશે.’

 

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *