Home » કિતાબો » નૂરનું સ્વાગત » ઇમામ મહદી (અ.ત.ફ.શ.) વિષે » હઝરત મહદી અ.સ. નો ઝુહૂર

નૂરનું સ્વાગત

Print Friendly, PDF & Email

નૂરનું સ્વાગત

સર્વસામાન્ય તૈયારી:

વિશ્વના રેહબરના વિશ્વવ્યાપી ઈન્કેલાબ માટે જે બાબતો ઝમીન તૈયાર કરી શકે છે તે ‘સર્વસામાન્ય તૈયારી’ છે. જ્યાં સુધી માણસને તરસની અનુભૂતિ નહિં થાય અને પાણીની ખરેખર તલબ નહિં થાય ત્યાં સુધી પાણીની કદ્રની ખબર નહિં પડે.

સંપૂર્ણ અદ્લ:

ખુદાવંદે આલમે ઈન્સાનોની હિદાયત માટે નબીઓ અને રસુલોનો સિલસિલો શરૂ કર્યો. એક નબીની પછી બીજા નબી અને એક ઈમામ પછી બીજા ઈમામ આવતા રહ્યા અને લોકોની હિદાયત માટે બધીજ શકયતા ઉપલબ્ધ કરતા રહ્યા. પરંતુ લોકો તેમના મુબારક અસ્તિત્વથી ફાયદો ઉઠાવવાના બદલે તેમને કત્લ કરતા રહ્યા. એક ઈમામ પછી બીજા ઈમામને યા તો કત્લ કરવામાં આવ્યા અથવા ઝહેર આપીને શહીદ કરવામાં આવ્યા.

ખુદાવંદે આલમે તેની આખરી હુજ્જત હઝરત વલી એ અસ્ર (અ.સ.)ને જ્યાં ઘણી બધી ખાસિયતો અતા કરી છે તેની સાથોસાથ સમગ્ર કાએનાતમાં અદ્લ અને ઈન્સાફની સ્થાપના તથા ઝુલ્મ અને અત્યાચારની નાબુદીની એક ખાસ સિફત અતા કરી છે. પરંતુ ખુદાવંદે આલમ પોતાની સુન્નત અને કાર્ય પધ્ધતિના આધારે એમ ચાહે છે કે લોકો ખુદ પોતાની સ્વેચ્છાએ આ કાર્યને પાર પાડે. જેમકે સુરએ હદીદની આયત નં. ૨૫ માં ફરમાવવામાં આવ્યું છે:

لَقَدْ  اَرْسَلْنَا  رُسُلَنَا  بِالْبَیِّنٰتِ  وَ  اَنْزَلْنَا  مَعَہُمُ  الْکِتٰبَ  وَ  الْمِیْزَانَ  لِیَقُوْمَ  النَّاسُ  بِالْقِسْطِ

“ચોક્કસ અમે રસુલોને સ્પષ્ટ દલીલો સાથે મોકલ્યા અને તેઓની સાથે કિતાબ પણ નાઝીલ કરી કે જેથી લોકો અદ્લ અને ઈન્સાફની સ્થાપના કરે.

આયતમાં ‘રસુલોને મોકલ્યા’એટલેકે ‘રેહબર’. ખુદાવંદે આલમે રસુલ અને ઈમામના સ્વરૂપે અદ્લ અને ઈન્સાફની સ્થાપના માટે રેહબર નિયુકત કર્યા

‘તેઓની સાથે કિતાબ પણ નાઝીલ કરી.’ એટલેકે અદ્લ અને ઈન્સાફની સ્થાપના માટે જે કાયદા કાનૂનની જરૂરિયાત છે તે પણ ખુદાવંદે આલમે નાઝીલ કરી દીધા.

‘કે જેથી લોકો અદ્લ અને ઈન્સાફની સ્થાપના કરે.’ એટલેકે હવે લોકોની તે જવાબદારી છે કે અદ્લ અને ઈન્સાફની સ્થાપના માટે તૈયાર થાય.

અગર ખુદાવંદે આલમ દરેક કામ ગય્બથી કરી દે અને એક મોઅજીઝહના સ્વરૂપે બધીજ પૂર્વભૂૂમિકાઓ ઉપલબ્ધ થઈ જાય અને ગય્બી તાકત ઝમીનને તૈયાર કરી દે તો પછી ઈન્સાનનો શું કમાલ છે? અને અગર તેમ થઈ પણ જાય તો પછી કેવી રીતે ઈન્સાન તે અદ્લ અને ઈન્સાફની કદર જાણશે? અગર ઈન્સાન કદરદાન હોત તો ઈલાહી રેહબરોને એક પછી એક કત્લ ન કરત.

આ આધારે વિશ્વવ્યાપી અદ્લ અને ઈન્સાફ તેમજ વૈશ્ર્વિક હુકુમત માટે લોકોનું તૈયાર થવું જરૂરી છે. નહિંતર આ ઝુહુર પણ લોકોની નાકદરીનો શિકાર થઈ જશે. કેમકે ઝુહુરના મકસદોમાં દિનની સંપૂર્ણ વ્યવસ્થા તથા અદ્લ અને ઈન્સાફની પુરેપુરી સ્થાપના શામેલ છે, તેનો સંબંધ જ્યાં સમગ્ર સમાજથી છે તેવીજ રીતે તે વ્યકિતગત રીતે પણ સંબંધિત છે. આથી વ્યકિતગત અને સામૂહિક રીતે તૈયારી જરૂરી છે.

હઝરત ઈમામ મહદી (અ.સ.)નો ઝુહુર સમગ્ર કાએનાત માટે એક પરિવર્તન અને ઈન્કલાબનું કારણ હશે. અગર આપણે ખરેખર તે ઝુહુરનો ઈન્તેઝાર કરી રહ્યા છીએ, ઝુલ્મ અને અત્યાચારની જગ્યાએ અદ્લ અને ઈન્સાફ જોવા ઈચ્છીએ છીએ તો સૌ પ્રથમ આ કામ આપણી પોતાની જાતથી શરૂ કરવું પડશે. ખુદાવંદે આલમ સુરએ રઅદની આયત નં. ૧૧ માં ઈરશાદ ફરમાવે છે કે:

اِنَّ اللہُ  لَایُغَیِّرُ  مَا  بِقَوْمٍ  حَتّٰی  یُغَیِّرُوْا  مَا  بِاَنْفُسِہِمْ

“ખુદાવંદે આલમ કોઈ કૌમની હાલત ત્યાં સુધી નથી બદલતો જ્યાં સુધી તે પોતાની જાતને ન સુધારે.

આ અલ્લાહ તઆલાનો કાનૂન છે. અગર આપણે પરિવર્તન ચાહીએ છીએ તો ખુદ પોતાની જાતથી શરૂઆત કરીએ. આ આયતમાં શબ્દ ‘કૌમ’અને ‘પોતાની જાત’એમ બંને શબ્દોનો ઉલ્લેખ છે. એટલેકે ફકત વ્યકિતગત સુધારણાથી કામ નહિં ચાલે બલ્કે સામૂહિક સુધારણાની જરૂરત છે. કૌમને એટલેકે ઘણા બધા લોકોને તૈયાર થવું પડશે. ઈન્સાન એટલી હદે પોતાના વ્યકિતગત મસઅલાઓમાં ગિરફતાર છે કે તેને સમાજ કે કૌમની કોઈ ફીકર જ નથી. આજ ગફલતે દુનિયાને ઝુલ્મ અને અત્યાચારથી ભરપૂર કરી દીધી છે. રહમાન અને રહીમ ખુદા ચાહે છે કે ઈન્સાન સ્વેચ્છાએ પરિવર્તનની શરૂઆત કરે. આથી અલ્લાહ તઆલા અલગ-અલગ પ્રકારે ઈન્સાનોને ગફલતમાંથી બેદાર કરતો રહે છે.

બેદાર કરનારી બાબતો પૈકીની એક બાબત મુશ્કેલીઓ અને તકલીફો છે. જ્યારે ઈન્સાન ઝુલ્મ અને અત્યાચારને સહન કરીને થાકી જશે, તમામ હુકુમતો અને નિઝામથી નિરાશ થઈ જશે ત્યારે તે પોતાની ફીત્રતની અવાજ તરફ ધ્યાન કેન્દ્રીત કરશે. મુશ્કેલીઓ અને તકલીફો તેની છુપાએલી ફીત્રતને ઉજાગર કરશે ત્યારે તે ખુદાવંદે આલમની બારગાહમાં કરગરીને દોઆ કરવા લાગશે.

ખુદાયા તારી ઝમીન ઉપર દરેકે હુકુમત કરી લીધી અને દરેકના વાયદાઓ નાકામ્યાબ થયા. હવે આ બંદાઓથી તારી ઝમીનની સુધારણા થવાની નથી.

ظَہَرَ  الْفَسَادُ  فِی  الْبَرِّ  وَ  الْبَحْرِ  بِمَا  کَسَبَتْ  اَیْدِی  النَّاسِ  فَاَظْہِرِ  اللّٰہُمَّ  لَنَا  وَلِیِّکَ  وَابْنَ  بِنْتِ  نَبِیِّکَ  الْمُسَمّٰی  بِاسْمِ  رَسُوْلِکَ  حَتّٰی  لَا  یَظْفَرَ  بِشَیْئٍ  مِنَ  الْبَاطِلِ  اِلَّا  مَزَّقَہٗ  وَ  یُحِقَّ  الْحَقَّ  وَ  یُحَقِّقَہٗ

‘ઈન્સાનોના આઅમાલને લીધે ઝમીનના સુકા અને ભીના પ્રદેશોમાં તથા ઝમીન અને સમુદ્રોમાં દરેક જગ્યાએ ફસાદ ફેલાય ગયો છે. ખુદાયા! તારા નબી (સ.અ.વ.)ની દુખ્તરના ફરઝંદ અને તારા રસુલ (સ.અ.વ.)ના હમનામને જાહેર કરી દે કે જેથી બાતિલની દરેક બાબતો ઉપર વર્ચસ્વ હાસિલ થઈ જાય અને તેને ચકનાચૂર કરી દે. હક્કને તમામ હકીકતો સાથે સાબિત અને મઝબુત કરી દે.’

(દોઆએ અહદ)

આ વાત બયાન કરી ચૂકયા કે હઝરત અમીરૂલ મોઅમેનીન અલી (અ.સ.) અને બીજા મઅસુમીન (અ.મુ.સ.)ની ખામોશીનું એક કારણ મુખ્લીસ, સાચા અને વફાદાર સહાયકો અને મદદગારોની અછત અને સામાન્ય રીતે લોકોનું તૈયાર ન હોવું હતું. હઝરત ઈમામ મહદી (અ.સ.)ના પૂરનૂર ઝુહુર સંબંધિત રિવાયતોમાં તે બાબતનું વર્ણન જોવા મળે છે કે હઝરત (અ.સ.)ના ઝુહુરની પહેલા લોકોમાં એક ખાસ પ્રકારની તૈયારી જોવા મળશે, લોકોને તેમના આગમનની તડપ હશે, જેવી રીતે તરસથી તરફડતી વ્યકિતને પાણીની જરૂરત હોય છે. હઝરત રસુલે અકરમ (સ.અ.વ.)ની એક રિવાયતમાં છે કે:

یَخْرُجُ  اُنَاسٌ  مِنَ  الْمَشْرِقِ                             فَیُوْطِئُوْنَ  لِلْمَہْدِیِّ  یَعْنِیْ  سُلْطَانَہٗ

‘પૂર્વમાંથી અમૂક લોકો નિકળશે કે જેઓ હઝરત મહદી (અ.સ.)ની હુકુમત માટે ઝમીન તૈયાર કરશે.’

(બેહારૂલ અન્વાર, ભાગ-૫૧, પાના નં. ૮૭, એકદુદ દોરર, પાના નં. ૧૬૭)

એટલેકે એવી પરિસ્થિતિ પૈદા થશે કે લોકો વર્તમાન સમયની તમામ હુકુમતો અને તેઓના વાયદાઓથી સંપૂર્ણ રીતે નિરાશ થઈ ચૂકયા હશે. બસ ફકત એક ઉમ્મીદ હશે કે ખુદાવંદે આલમ પોતાની તરફથી પોતાના કોઈ ખાસ પ્રતિનિધિને આ ઝમીનની સુધારણા કરવા માટે જાહેર કરે. ઉપરોકત હદીસમાં શબ્દ ‘પૂર્વ’ખૂબજ મહત્ત્વ ધરાવે છે. આજે જ્યારે શબ્દ પૂર્વ અને પશ્ર્ચિમ વાપરવામાં આવે છે ત્યારે પશ્ર્ચિમથી મુરાદ યુરોપ અને અમેરીકા અને પૂર્વથી મુરાદ એશિયાઈ પ્રદેશો ગણવામાં આવે છે. અગર આ શબ્દનો ઉપયોગ કરનાર યુરોપવાસી હોય તો પૂર્વથી મુરાદ એશિયા ગણવામાં આવશે. પરંતુ હઝરત રસુલે અકરમ (સ.અ.વ.) યુરોપમાં રહેતા ન હતા બલ્કે આપ (સ.અ.વ.) તો મક્કા અને મદીનાની ઝમીન ઉપર રહેતા હતા. હવે અગર આ પાસાથી પૂર્વને સમજવામાં આવે તો તેમાં સંપૂર્ણ એશિયાનો સમાવેશ થશે નહીં. એશિયાના અમૂક પ્રદેશો મક્કા અને મદીનાના ઉત્તર અને દક્ષિણ દીશા તરફ આવેલા છે અને હિન્દુસ્તાન વિગેરે તેના પૂર્વમાં આવેલું છે. તેની એક નિશાની એ છે કે તે લોકો કે જેઓનો કિબ્લો પશ્ર્ચિમ west ની બાજુ છે તે લોકો પૂર્વમાં છે નહિં કે તે લોકો કે જેઓનો કિબ્લો દક્ષિણ તરફ છે તે લોકો ઉત્તર સ્થાયી થયા છે નહિં કે પૂર્વમાં. ઉપરોકત હદીસથી એ સ્પષ્ટ થાય છે કે હિન્દુસ્તાન વિગેરેમાંથી એવા લોકો જાહેર થશે કે જેઓ હઝરત ઈમામ મહદી (અ.સ.)ના મદદગાર હશે અને તેઓ ઈમામ (અ.સ.)ની હુકુમત માટે ઝમીન તૈયાર કરશે. અલ્લાહ તઆલા આપણા દરેકનો શુમાર તે ખુશનસીબ લોકોમાં કરે. ઈલાહી આમીન!

જ્યારે ચોતરફથી નિરાશા મળશે અને લોકોને તે વાતની અનુભૂતિ થઈ જશે કે તેઓની તમામ મુશ્કેલીઓનો ઉકેલ ફકત અને ફકત હઝરત ઈમામ મહદી (અ.સ.) અને તેમની આદીલ હુકુમત જ છે ત્યારે ન ફકત લોકો બેચૈનીથી તેમના આગમનનો ઈન્તેઝાર કરશે બલ્કે તેઓના દિલો પણ હઝરતની મોહબ્બતથી માલામાલ હશે. જેમકે રિવાયતમાં જોવા મળે છે કે:

اِنَّہٗ  لَا  یَخْرُجُ  حَتّٰی  لَایَکُوْنَ  غَائَبَ  اَحَبُّ  اِلَی  النَّاسِ  مِنْہُ  مِمَّا  یُلْقُوْنَ  مِنَ  الشَّرِّ

‘હઝરત ઈમામ મહદી (અ.સ.) ત્યારે ઝુહુર ફરમાવશે જ્યારે લોકો (હુકુમતો તરફની) તકલીફો અને મુશ્કેલીઓના લીધે નઝરોથી ગાએબ (હઝરત ઈમામ મહદી અ.સ.) લોકોની નઝદિક સૌથી વધારે ચહીતા હશે.’

(એકદુદ દોરર-૩૧)

અગર કોઈ શખ્સ ચોતરફથી દુશ્મનોની વચ્ચે ગિરફતાર થઈ જાય અને તેની ઉમ્મીદોનું કેન્દ્ર તે હસ્તી હોય જે નજરોથી દુર હોય પરંતુ તેમના આગમનથી તે તમામ તકલીફો અને મુશ્કેલીઓનો ખાત્મો થનાર હોય તો તે ‘ગાએબ’લોકોના દિલોમાં કેટલી હદે પ્રિયપાત્ર હશે. આ ચાહના મકબુલીયત અને ફરમાંબરદારીનું કારણ બનશે. હઝરત ઈમામ હુસૈન (અ.સ.)ના વફાદાર સાથીઓના સંબંધમાં જોવા મળે છે કે તેઓ હઝરત ઈમામ હુસૈન (અ.સ.)ને એટલી હદે ચાહતા હતા કે તેમની મોહબ્બતમાં તે લોકોને ઝખ્મોની તકલીફોનો કોઈ એહસાસ જ થતો ન હતો.

જનાબે સય્યદ ઈબ્ને તાઉસ (અ.ર.) એક રિવાયત બયાન કરે છે:

‘હઝરત ઈમામ મહદી (અ.સ.) ત્યારે ઝુહુર ફરમાવશે જ્યારે ‘નફસે ઝકીય્યહ’ને કત્લ કરી દેવામાં આવશે. તેમના કત્લ પછી આસમાન અને ઝમીનવાસીઓ તેમના કાતિલોથી ખૂબજ નારાઝ થશે. ત્યારે લોકો હઝરત ઈમામ મહદી (અ.સ.)ની આસપાસ ભેગા થશે અને તેમને એવી રીતે લાવશે જેવી રીતે દુલ્હનને તેના પતિના ઘરે લઈ જવામાં આવે છે.’

(મોઅજમે અહાદીસુલ મહદી, ભાગ-૧, પાના નં. ૪૭૮)

દુલ્હનને કેવા માન-સમ્માન અને મોહબ્બતની સાથે ઘરે લાવવામાં આવે છે. તેનાથી એ અંદાજો લગાવી શકાય છે કે લોકો તેમના દિદારના કેટલા અભિલાષી હશે. હઝરત રસુલે અકરમ (સ.અ.વ.)ની એક રિવાયતમાં આ રીતે જોવા મળે છે કે:

اِذَا  نَادٰی  مُنَادِیْ  مِنَ  السَّمَآئِ  اَنَّ  الْحَقَّ  فِیْ  اٰلِ  مُحَمَّدٍ  فَعِنْدَ  ذٰلِکَ یَظْہَرُ  الْمَہْدِیْ  عَلٰی  اَفْوَاہَ  النَّاسِ  وَ  یَشْرَبُوْنَ  حُبَّہٗ  فَلَا  یَکُوْنَ  لَہُمْ  ذِکْرٌ  غَیْرُہٗ

‘જ્યારે આસ્માનથી અવાજ આપનારો અવાજ આપશે કે: ‘હક્ક ફકત આલે મોહમ્મદ (અ.મુ.સ.)માં છે’ત્યારે હઝરત ઈમામ મહદી (અ.સ.) લોકો સમક્ષ જાહેર થશે. લોકોના દિલ તેમની મોહબ્બતથી એવી રીતે ભરેલા હશે કે બસ તેમના ઝીક્ર સિવાય બીજા કોઈનો ઝીક્ર નહીં કરે.’

તે સમયે લોકોની મોહબ્બતની આવી પરિસ્થિતિ હશે:

فَیَبْلُغُ  الْمُؤْمِنِیْنَ  خُرُوْجَہُمْ  فَیَاْتُوْنَہٗ  مِنْ  کُلِّ  اَرْضٍ

یُحَنُّوْنَ  اِلَیْہِ  کَمَا  تَحِنُ  النَّاقَۃُ  اِلٰی فَصِیْلِہَا

‘જ્યારે મોઅમીનને તેમના ઝુહુરના સમાચાર મળશે ત્યારે ઝમીનના ખુણે-ખુણામાંથી એવી રીતે શોખ અને મોહબ્બતથી તેમની તરફ ખેંચાઈને આવશે કે જેવી રીતે એક ઉંટણી પોતાના દુધ પીતા બચ્ચા તરફ જાય છે.’

(એકદુદ દોરર, પાના નં. ૧૧૩)

જ્યારે પણ તીવ્ર મોહબ્બત અને શોખ પ્રદર્શિત કરવો હોય ત્યારે આ દ્રષ્ટાંત આપવામાં આવે છે.

એક બીજી રિવાયતમાં આ પ્રમાણે જોવા મળે છે:

تَاْوِیْ  اِلَیْہِ  اُمَّتُہٗ  کَمَا  تَاْوِیْ  النَّحْلُ  اِلٰی  یَعْسُوْبِہَا

‘તેઓની ઉમ્મત તેમની તરફ એવી રીતે ખેંચાઈ ને આવશે જેવી રીતે મધમાખીઓ પોતાના સરદાર તરફ જાય છે.’

(મોઅજમો અલ-મલાહિમે વ અલ-ફેતને, ભાગ-૪, પાનાનં. ૩૫૨)

હઝરત અલી (અ.સ.)નો એક લકબ يَعْسُوْبُ الدِّيْنِ  એટલે કે દિન ના સરદાર છે તેમજ હઝરત ઈમામ મહદી (અ.સ.) તે જ દિનના સરદાર ના ફરઝંદ છે.

હવે આ ઝમાનામાં આપણી દરેકની એ જવાબદારી છે કે હઝરત ઈમામ મહદી (અ.સ.) ના મદદગારોની જે સિફતો બયાન કરવામાં આવી છે તે તમામ ખૂબીઓ અને અખ્લાકથી પોતાની જાતને સુસજ્જ કરીએ અને ઝમીનને તેમના પૂર નૂર ઝુહુર માટે તૈયાર કરીએ તેમજ લોકોનું ધ્યાન હઝરતની તરફ કેન્દ્રીત કરાવીએ.  લોકોના દિલોને તેમની મઅરેફત અને મોહબ્બતથી માલામાલ કરાવીએ અને કંઈક એવી રીતે તેમનો ઝીક્ર કરીએ કે સમગ્ર દુનિયા તેમના દિદારની મોહબ્બત રાખીને તેમના ઝુહુર નો ઈન્તેઝાર કરવા લાગે અને તેમની આદિલ હુકુમત માટે સંપૂર્ણ રીતે તૈયાર થઈ જાય.

ખુદાવંદે આલમ હઝરત મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.મુ.સ.) ના સદકામાં ઝુહુરનો ઈન્તેઝાર કરનારાઓ અને ઝમીનને તૈયાર કરનારાઓમાં આપણો શુમાર કરે.

આમીન યા રબ્બલ આલમીન.

 

Have your say!

Add your comment below, or trackback from your own site. You can also subscribe to these comments via RSS.

Be nice. Keep it clean. Stay on topic. No spam.