Home » કિતાબો » નૂરનું સ્વાગત » ઇમામ મહદી (અ.ત.ફ.શ.) વિષે » હઝરત મહદી અ.સ. ના અસ્હાબો » ઇમામ મહદી (અ.ત.ફ.શ.) વિષે » હઝરત મહદી અ.સ. ના ખિદમત ગુઝારો

નૂરનો પ્રકાશ (નૂરના મદદગારો)

Print Friendly, PDF & Email

નૂરનો પ્રકાશ (નૂરના મદદગારો)

(૧) મઅરેફત અને ઈતાઅત:

હઝરત ઈમામ મહદી (અ.સ.)ના મદદગારો ખુદા અને પોતાના ઈમામ (અ.સ.)ના વિષે ઉંડી મઅરેફત ધરાવે છે અને તેઓ સંપૂર્ણ મઅરેફત સાથે મૈદાનમાં છે, જઝબાતના આધારે નહિં બલ્કે મઅરેફતના આધારે.

હઝરત અલી (અ.સ.) તેઓના સંબંધમાં ફરમાવે છે:

‘આ તે લોકો છે જેઓ ખુદાની સંપૂર્ણ મઅરેફત ધરાવે છે.’

(મુન્તખબુલ અસર, ભાગ-૨, પ્રકરણ-૮, પાના નં. ૬૧૧)

આ લોકો પોતાના ઈમામ (અ.સ.)ના ફકત નામ અને વંશને જ નથી ઓળખતા બલ્કે તેઓ પોતાના ઈમામ (અ.સ.)ના બારામાં સંપૂર્ણ મઅરેફત ધરાવે છે. તેઓ જાણે છે કે સમગ્ર કાએનાતમાં ઈમામ (અ.સ.)ને શું દરજ્જો અને મકામ પ્રાપ્ત છે, તેઓનો ઈખ્તેયાર કયાં સુધી છે અને તેમની વિલાયતનો ઘેરાવ કેટલો વિશાળ છે. તેઓ તેમની મોહબ્બતથી ભરપૂર તથા પ્રસન્ન તથા તેમની ઈતાઅત અને ફરમાંબરદારીમાં સંપૂર્ણપણે તસ્લીમ હોય છે. તેઓ જાણે છે કે ઈમામ (અ.સ.)નો દરેક હુકમ ખુદા અને તેના રસુલ (સ.અ.વ.)નો હુકમ છે તથા તેમની ઈતાઅત ખુદા અને તેના રસુલ (સ.અ.વ.)ની ઈતાઅત તેમજ તેમની નાફરમાની ખુદા અને તેના રસુલ (સ.અ.વ.)ની નાફરમાની છે. હઝરત રસુલે અકરમ (સ.અ.વ.) તેઓના બારામાં ફરમાવે છે કે:

‘તેઓ પોતાના ઈમામ (અ.સ.)ની ઈતાઅતમાં શકય તેટલી બધીજ કોશિશો કરતા રહે છે.’

(યવ્મુલ ખલાસ, પાના નં. ૨૨૩)

દોઆએ અહદમાં પણ જોવા મળે છે કે:

‘ખુદાયા! અમને તેમના હુકમો ઉપર અમલ કરવાની અને આગળ વધીને તેમના ઈરાદાઓને પૂર્ણ કરવાની તવફીક નસીબ કર.’

(૨) ઈબાદત:

હઝરત ઈમામ મહદી (અ.સ.)ના સહાયક અને મદદગારો દિવસ-રાત ખુદાવંદે આલમની ઈબાદત કરવામાં વ્યસ્ત હોય છે. હઝરત ઈમામ જઅફર સાદિક (અ.સ.) તેઓના બારામાં ફરમાવે છે કે:

‘રાત્રિ ઈબાદતમાં પસાર કરશે ત્યાં સુધી કે સવાર થઈ જાય અને દિવસ રોઝો રાખીને પસાર કરશે.’

(યવ્મુલ ખલાસ, પાના નં. ૨૨૪)

આજ ઈબાદત તેઓના દિલને તાકતવર અને તેઓના ઈરાદાઓને મઝબુત કરશે એટલેકે તેઓને ખુદાવંદે આલમ તરફથી બહાદુરી અને દિલેરી અતા કરવામાં આવશે. ઈમામ (અ.સ.) નું ફરમાન છે કે:

‘આ તે લોકો છે જેઓના દિલ ફૌલાદની જેમ મઝબુત હોય છે.’

(બેહારૂલ અન્વાર, ભાગ-૫૨, પાના નં. ૩૦૮)

(૩) જાંનિસારી:

અલ્લાહ તઆલાની મઅરેફત અને ઈમામ (અ.સ.)ની મોહબ્બત તેઓમાં શહાદતની તડપ ભરી દેશે અને જંગના મૈદાનમાં તેઓ ઈમામ (અ.સ.)ને પોતાના ઘેરાવમાં લઈ લેશે અને દરેક બાજુએથી તેમની હિફાઝત કરતા હશે અને તેમની ઉપર કુરબાન થવું ખુશબખ્તી સમજતા હશે. હઝરત ઈમામ જઅફર સાદિક (અ.સ.) ફરમાવે છે:

‘તેમને (હઝરત ઈમામ મહદી અ.સ.ને) પોતાના ઘેરાવમાં લઈ લીધા હશે અને પોતાની જાન અને દિલથી તેમની હિફાઝત કરશે.’

અને ત્યારબાદ કહ્યું:

‘ખુદાની રાહમાં શહીદ થવું તેમની તમન્ના હશે.’

(બેહારૂલ અન્વાર, ભાગ-૫૨, પાના નં. ૩૦૮)

(૪) બહાદુરી:

એહલેબૈત (અ.મુ.સ.)ના આ ચાહનારાઓ એહલેબૈત (અ.મુ.સ.)ના નકશે કદમ ઉપર ચાલીને અત્યંત બહાદુર, દિલેર અને હિમ્મતવાન હશે. તેઓની બહાદુરીને હઝરત અલી (અ.સ.) એ આ રીતે બયાન ફરમાવી છે:

‘તેઓ સિંહ છે કે જેઓ મૈદાનમાં ઉતરી પડયા છે. અગર તેઓ ઈરાદો કરે તો પહાડો પણ પોતાની જગ્યાએથી હટાવી દે.’

(યવ્મુલ ખલાસ, પાના નં. ૨૨૪)

જેઓના ઈરાદાઓથી પહાડો હટી જશે તો તેઓના તલ્વારના પ્રહારની શું અસર હશે?

(૫) સબ્ર અને સહનશકિત:

સમગ્ર કાએનાતમાં અદ્લ અને ઈન્સાફ સ્થાપવા માટે બહુજ સબ્ર અને સહનશકિતની જરૂરત છે. આ રસ્તો કંઈ આસાન નથી બલ્કે તકલીફો અને મુશ્કેલીઓનો રસ્તો છે. તે રસ્તાને પસાર કરવા માટે અત્યંત સબ્રની જરૂરત છે. હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) ફરમાવે છે કે:

‘આ તે લોકો છે કે જેઓ ખુદાવંદે આલમની રાહમાં સબ્ર અને સહનશકિત હોવા છતાં એહસાન જતાવતા નથી. અલ્લાહની રાહમાં પોતાની જાનને ન્યોછાવર કયર્િ પછી અકડીને નથી ચાલતા અને ફખ્ર અને ગર્વથી કામ નથી લેતા અને આ કુરબાનીને કોઈ મોટી બાબત નથી સમજતા.’

(યવ્મુલ ખલાસ, પાના નં. ૨૨૪)

(૬) એકતા:

તે લોકોની ખિદમત, જાંનિસારી, કુરબાની, સબ્ર અને સહનશકિત તે કંઈ વ્યકિતગત કાર્ય નથી બલ્કે હઝરત (અ.સ.)ની રાહમાં તેઓ બધાજ એક દિલ છે. તેઓની દરમ્યાન કોઈપણ પસંદ કે નાપસંદ બાબતનો સવાલ જ નથી. બલ્કે તેઓ બધાજ એક અકીદા, એક વિચારધારા, એક માન્યતા, એક અમલ અને એક જ મકસદ અને હેતુ ધરાવે છે. તેઓની દરમ્યાન આપસમાં કોઈ ભેદભાવ કે ખટરાગ પણ નથી. હઝરત અલી (અ.સ.) ફરમાવે છે કે:

‘તેઓ બધાજ એક દિલ છે.’

(યવ્મુલ ખલાસ, પાના નં. ૨૨૪)

આંતરિક વિખવાદ અને એકતા ન હોવાને ખુદ હઝરત વલીએ અસ્ર (અ.સ.)એ પોતાની દુરીનું કારણ દશર્વ્યિું છે. તેઓ (અ.સ.) ફરમાવે છે કે:

وَ  لَوْ  اَنَّ  اَشْیَاعَنَا  وَفَّقَہُمُ  اﷲُ  لِطَاعَتِہٖ  عَلٰی  اِجْتِمَاعٍ  مِنَ  الْقُلُوْبِ  فِی  الْوَفَائِ  بِالْعَہْدِ  عَلَیْہِمْ  لَمَا  تَاَخَّرَ  عَنْہُمُ  الْیُمْنُ  بِلِقَائِنَا  وَ  لَتَعَجَّلَتْ  لَہُمُ  السَّعَادَۃُ  بِمُشَاہَدَتِنَا  عَلٰی  حَقِّ  الْمَعْرِفَۃِ  وَ  صِدْقِہَا  مِنْہُمْ  بِنَا

‘ખુદા અમારા શીઆઓને અમારી ઈતાઅત કરવાની તવફીક અતા કરે અગર અમારા શીઆઓ એક દિલ થઈને પોતાના વાયદા અને વચનને પૂર્ણ કરતે અને એક જુટ થઈને સાબિત કદમ રેહતે તો અમારી બરકતવંતી મુલાકાતમાં મોડું ન થતે અને તેઓ મઅરેફત અને સચ્ચાઈની સાથે અમારા દિદારની ખુશનસીબી જલ્દી પામતે.’

(બેહારૂલ અન્વાર, ભાગ-૫૩, પાના નં. ૧૭૭)

આ બયાન ઉપરથી એ સ્પષ્ટ થાય છે કે ઈમામ (અ.સ.)નું દર્દ એ નથી કે તેમના શીઆઓ તેમના ઈતાઅત ગુઝાર નથી, બલ્કે તેમનું દર્દ એ છે કે તેઓ એક અને એકદિલ નથી. આંતરિક વિખવાદથી ન ફકત કાર્યો ઉપર અસર થાય છે બલ્કે સૌથી અગત્યનું હઝરત ઈમામે ઝમાના (અ.સ.)ના દિદારની ખુશનસીબીથી વંચિત થઈ જવાય છે અને આ મહા ભારે નુકસાન છે.

(૭) ઝોહદ અને પરહેઝગારી:

હઝરત અલી (અ.સ.) હઝરત ઈમામ મહદી (અ.સ.)ના સહાબીઓની સિફતો આ રીતે બયાન ફરમાવે છે:

‘તેઓ તેમના સહાબીઓ પાસેથી એ શર્તે બયઅત લેશે કે તેઓ સોના અને ચાંદીનો સંગ્રહ નહિં કરે તેમજ ઘઉં અને જવનો પણ સંગ્રહ નહિં કરે.’

(મુન્તખબુલ અસર, ભાગ-૪, વિભાગ-૬, પ્રકરણ-૧૧, પાના નં. ૫૮૧)

કારણકે આ લોકોનો મકસદ અને હેતુ ખૂબજ બલંદ અને ઉચ્ચ છે એટલા માટે તેઓની નજરોમાં દુનિયાનું કોઈ જ મહત્ત્વ નથી. દુનિયાની ચમક-દમક તેઓને પોતાની તરફ આકર્ષિત નહિં કરી શકે. એ તો સ્પષ્ટ વાત છે કે જેઓની નજરો સમક્ષ ઈમામે અસ્ર (અ.સ.)નો નૂરાની ચેહરો હોય તેઓ માટે દુનિયાની શું હૈસીય્યત હોય. બલ્કે એમ કહીએ કે જેઓના હાથોમાં હિરા હોય તેઓ ઠીકરા ઉપર શા માટે નજર કરે?

હઝરત પયગમ્બરે અકરમ (સ.અ.વ.)એ તેઓના સંબંધમાં ફરમાવ્યું છે કે:

اُوْلٰئِکَ  ہُمْ  خِیَارُ  الْاُمَّۃِ

‘આ લોકો સર્વશ્રેષ્ઠ ઉમ્મત છે.’

(યવ્મુલ ખલાસ, પાના નં. ૨૨૪)

હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) ફરમાવે છે:

فَبِاَبِیْ  وَ  اُمِّیْ  مِنْ  عَدَّۃٍ  قَلِیْلَۃٍ  اَسْمَآئُہُمْ  فِیْ  الْاَرْضِ  مَجْہُوْلَۃٌ

‘મારા માઁ-બાપ તેઓ ઉપર કુરબાન થાય! તેઓની સંખ્યા ખૂબજ ઓછી છે. ઝમીનમાં લોકો તેમના નામથી પરિચિત નથી.’

(મોઅજ્મુલ અહાદીસુલ મહદી, ભાગ-૩, પાના નં. ૧૦૧)

આ તો ફકત અમૂક સિફતોનું બયાન હતું. જ્યારે કે કિતાબોમાં તો બીજી ઘણી બધી સિફતોનું વર્ણન જોવા મળે છે. આ સિફતો અને કમાલ ધરાવનારા લોકોની મૌજુદગી હઝરત વલીએ અસ્ર (અ.સ.)ના ઝુહુર માટે ઝમીનને તૈયાર કરશે. કારણકે આપણી દરેકની એ તમન્ના છે કે આપણે ઈમામ (અ.સ.)ના સાથીદારો અને મદદગારોમાં શામેલ થઈએ. આથી આપણે દરેકે આપણી જાતને આ સિફતોથી સુસજ્જ કરવી જોઈએ. તેમજ તે બધી સિફતો અને કમાલ પ્રાપ્ત કરવા માટે હર હંમેશ અલ્લાહ તઆલાની બારગાહમાં દોઆ કરતા રહેવું જોઈએ.

 

Have your say!

Add your comment below, or trackback from your own site. You can also subscribe to these comments via RSS.

Be nice. Keep it clean. Stay on topic. No spam.