ગયબતના ઝમાનામાં દીનની હિફાઝત

Print Friendly, PDF & Email

ગયબતના ઝમાનામાં દીનની હિફાઝત

દીનના મહત્ત્વને ધ્યાનમાં રાખીને આ ગયબતના ઝમાનાના ખતરાઓ અને આફતોને નજર સમક્ષ રાખીને પોતાના દીન અને ઈમાનની હિફાઝત કરવી આપણી અત્યંત મહત્ત્વની જવાબદારી છે. આ હિફાઝતમાં બેદરકારી રાખવી કયામતમાં મોટા નુકશાનનું કારણ બની શકે છે. પરંતુ આ પરિસ્થિતિમાં દીનની હિફાઝત કરવી તે કંઈ આસાન કામ નથી. સૌથી કઠીન અને મુશ્કેલીભર્યુ કામ હોવા છતાં આપણે તેને અંજામ આપવાનું છે અને સૌથી શ્રેષ્ઠ તરીકાથી અંજામ આપવાનું છે. આપણા દીન અને ઈમાનને બચાવીને રાખવાનું છે. કારણકે તેમાં બેદરકારી કરવી આખેરતમાં નાકામ્યાબીનું કારણ બની શકે છે અને આખેરતની નાકામ્યાબીથી વધીને મોટું બીજું કોઈ નુકશાન નથી અને આખેરતની ખુશબખ્તી અને કામ્યાબીથી વધીને મોટી બીજી કોઈ કામ્યાબી નથી.

ખુદાવંદે આલમની ઈનાયતો:

જ્યારે ખુદાવંદે આલમે દીન નાઝીલ ફરમાવ્યો અને તેના ઉપર સાબીત કદમ રેહવાનો હુકમ આપ્યો અને તેને એ પણ સારી રીતે ખબર હતું કે દીન ઉપર સાબિત કદમ રહેવું તે કંઈ આસાન બાબત નથી. બલ્કે તેમાં ખતરાઓ, આફતો અને મુશ્કેલીઓ છે. ખુદાવંદે આલમે આ પરિસ્થિતિમાં પોતાના ફઝલ અને કરમથી પોતાની રેહમત અને ઈનાયતથી દીન અને ઈમાનની હિફાઝતની વ્યવસ્થા કરી છે. પરવરદિગારના ફઝલ અને કરમથી એ વાત દૂર છે કે ખતરાઓ હોય અને તેનાથી બચવાનો કોઈ ઉપાય ન હોય, તોફાન હોય પરંતુ નજાત આપનારી કશ્તી ન હોય. ખુદાવંદે આલમે દીન અને ઈમાનની હિફાઝતની સૌથી સારી વ્યવસ્થા કરી છે. વ્યવસ્થા અલગ મસઅલો છે અને તેને ઈખ્તેયાર કરવો તે એક અલગ મસઅલો છે. ફકત કાનૂનથી અમ્ન અને અમાન કાયમ થતું નથી બલ્કે કાનૂન ઉપર અમલ કરવાથી અમ્ન અને અમાન કાયમ         થાય છે.

અમલમાં ખુલુસતા:

શયતાન ચોક્કસ ઈન્સાનનો ખુલ્લમ ખુલ્લો દુશ્મન છે. તે દરેક રીતે, દરેક પ્રકારે અને અલગ અલગ પાસાથી ઈન્સાનને ગુમરાહ કરવાની કોશિશ કરતો રહે છે અને પુરેપુરી કોશિશ કરતો રહે છે અને પોતાની સંપૂર્ણ તાકત લગાવી દે છે. પરંતુ અમૂક લોકો એવા છે કે જેના બારામાં શયતાને અગાઉથી જ પોતાની હાર સ્વિકારી લીધી છે.

قَالَ رَبِّ بِمَآ اَغْوَيْتَنِيْ لَاُزَيِّنَنَّ لَہُمْ فِي الْاَرْضِ وَلَاُغْوِيَنَّہُمْ اَجْمَعِيْنَ۝۳۹ۙ  اِلَّا عِبَادَكَ مِنْہُمُ الْمُخْلَصِيْنَ۝۴۰  قَالَ ھٰذَا صِرَاطٌ عَلَيَّ مُسْتَــقِيْمٌ۝۴۱  اِنَّ عِبَادِيْ لَيْسَ لَكَ عَلَيْہِمْ سُلْطٰنٌ اِلَّا مَنِ اتَّبَعَكَ مِنَ الْغٰوِيْنَ۝۴۲   وَاِنَّ جَہَنَّمَ لَمَوْعِدُہُمْ اَجْمَعِيْنَ۝۴۳ۣۙ

“શયતાને કહ્યું તેં મને ભુલાવામાં નાખ્યો છે તેમ હું પણ તેઓ માટે ઝમીન ઉપર ચીજો સજાવી શણગારીને રજુ કરીશ અને જરૂર અને જરૂર દરેકને ગુમરાહ કરીશ. પરંતુ તારા તે બંદાઓ કે જેઓ મુખ્લીસ (નિખાલસ) છે (તેઓ ઉપર મારૂ વર્ચસ્વ નથી) અલ્લાહ તઆલાએ કહ્યું આજ મારો સીધો રસ્તો છે. ચોક્કસ મારા બંદાઓ ઉપર તારો કોઈ કાબુ નથી પરંતુ એ ગુમરાહ લોકો કે જેઓ તાં અનુસરણ કરે અને ચોક્કસ તેઓના વાયદાની જગ્યા જહન્નમ છે.

(સુરએ હિજ્ર, આયત ૩૯-૪૩)

એક બીજી આયતમાં આ પ્રમાણે ઈરશાદ થાય છે:

قَالَ فَبِعِزَّتِكَ لَاُغْوِيَنَّہُمْ اَجْمَعِيْنَ۝۸۲ۙ

اِلَّا عِبَادَكَ مِنْہُمُ الْمُخْلَصِيْنَ۝۸۳

“શયતાને કહ્યું ખુદાયા! તારી ઈઝઝતની કસમ હું દરેક લોકોને ગુમરાહ કરીશ સિવાય કે તારા મુખ્લસ (નિખાલસ) બંદાઓ.

(સુરએ સાદ, આયત ૮૨-૮૩)

اِنَّہٗ لَيْسَ لَہٗ سُلْطٰنٌ عَلَي الَّذِيْنَ اٰمَنُوْا وَعَلٰي رَبِّہِمْ يَتَوَكَّلُوْنَ۝۹۹  اِنَّمَا سُلْطٰنُہٗ عَلَي الَّذِيْنَ يَتَوَلَّوْنَہٗ وَالَّذِيْنَ ہُمْ بِہٖ مُشْرِكُوْنَ۝۱۰۰ۧ

“તે લોકો ઉપર શયતાનનો કોઈ કાબુ નથી કે જેઓ ઈમાન ધરાવનારાઓ છે અને પોતાના પરવરદિગાર ઉપર ભરોસો કરે છે. તેનો કાબુ ફકત તે લોકો ઉપરજ રહે છે કે જેઓ તેની સરપરસ્તીને કબુલ કરે છે અને જેઓ બીજાઓને તે (અલ્લાહ)ના શરીક બનાવે છે.

(સુરએ નહલ, આયત નં. ૯૯-૧૦૦)

ઉપરોકત આયતોથી એ વાત સ્પષ્ટ છે કે શયતાન તેજ લોકોના દીન અને ઈમાન ઉપર હુમલો કરે છે અથવા તો કોઈપણ બાબતને સજાવી શણગારીને ગુમરાહ કરી શકે છે કે જેઓ તેની સરપરસ્તીને સ્વિકાર કરે છે અને તેનું અનુસરણ કરે છે. પરંતુ તે લોકો કે જેઓ અલ્લાહના મુખ્લસ બંદાઓ છે, તેની ઉપર ઈમાન ધરાવે છે અને તેની ઉપર ભરોસો કરે છે તે લોકો ઉપર શયતાનનું કંઈ ચાલતુ નથી. આ આધારે દરેક તે શખ્સ કે જે ચાહતો હોય કે તેનો દીન અને ઈમાન સલામત રહે તો તેને જોઈએ કે ખુદા ઉપર ઈમાન રાખે અને ખુલુસે દિલથી તેની ઈબાદત કરે. ઈખ્લાસ અને ઈમાન ઈન્સાનને શયતાની હુમલાઓથી સુરક્ષિત રાખશે.

એહલેબૈત (અ.મુ.સ.)ની વિલાયત:

આ ગયબતના ઝમાનામાં દીન અને ઈમાનની હિફાઝતનો સૌથી શ્રેષ્ઠ અને સૌથી ભરોસાપાત્ર રસ્તો એહલેબૈત (અ.મુ.સ.)ની વિલાયત અને મોહબ્બત છે. જે દુનિયામાં એહલેબૈત (અ.મુ.સ.)ની વિલાયત અને ઈમામતને કબુલ કરશે અને દિલની દુનિયાને તેઓની મોહબ્બતથી પ્રકાશિત અને મુનવ્વર રાખશે તેની આખેરત આબાદ હશે અને તે શખ્સની આખેરત આબાદ હશે કે જે દુનિયાથી સહીહ ઈમાન અને અકીદાથી રૂખ્સત થશે. એટલે કે તેના આખરી સમય સુધી તે દીન અને ઈમાન ઉપર કાયમ અને અડગ હશે. એહલેબૈત (અ.મુ.સ.)ની વિલાયત તેને ગયબતના ઝમાનાના ફીત્નાઓ અને ખતરાઓથી સુરક્ષિત રાખશે. હઝરત ઈમામ મોહમ્મદ બાકિર (અ.સ.) એ હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)થી આ રિવાયતની નકલ ફરમાવી છે કે:

مَنْ أَحَبَّ أَنْ‏ يَحْيَا حَيَاةً تُشْبِهُ حَيَاةَ الْأَنْبِيَاءِ، وَ يَمُوْتَ مِيتَةً تُشْبِهُ مِيتَةَ الشُّهَدَاءِ، وَ يَسْكُنَ الْجِنَانَ الَّتِيْ غَرَسَهَا الرَّحْمٰنُ، فَلْيَتَوَلَّ عَلِيًّا، وَ لْيُوَالِ وَلِيَّهُ، وَ لْيَقْتَدِ بِالْأَئِمَّةِ مِنْ بَعْدِهِ

‘જે અંબિયા (અ.મુ.સ.) જેવી ઝિંદગી પસાર કરવા ચાહતો હોય અને શહીદોની જેમ મરવા ચાહતો હોય અને તે જન્નતમાં રહેવા ચાહતો હોય કે જેને રહમાને તૈયાર ક રી છે તો તેને જોઈએ કે અલી (અ.સ.)ને પોતાના વલી માને અને તેમના વલીને દોસ્ત રાખે અને તેમના પછી જે અઈમ્મા (અ.મુ.સ.) છે તેમનું અનુસરણ કરે.’

(કાફી, ભાગ-૧, પાના નં. ૨૦૮, હ. નં. ૩)

જનાબે અબાન બિન તગ્લબનું બયાન છે કે મેં હઝરત ઈમામ જઅફર સાદિક (અ.સ.)ને ફરમાવતા સાંભળ્યા છે કે હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) એ ફરમાવ્યું:

مَنْ أَرَادَ أَنْ يَحْيَا حَيَاتِيْ‏ وَ يَمُوْتَ مِيتَتِيْ وَ يَدْخُلَ جَنَّةَ عَدْنٍ الَّتِيْ غَرَسَهَا اللهُ رَبِّيْ بِيَدِهِ فَلْيَتَوَلَّ عَلِيَّ بْنَ أَبِي طَالِبٍ وَ لْيَتَوَلَّ وَلِيَّهُ وَ لْيُعَادِ عَدُوَّهُ وَ لْيُسَلِّمْ لِلْأَوْصِيَاءِ مِنْ بَعْدِهٖ‏

‘જે ચાહતો હોય કે મારી જેવી ઝિંદગી પસાર કરે અને મારી જેમ આ દુનિયાથી જાય અને તે જન્નતમાં દાખલ થાય કે જેને મારા પરવરદિગાર અલ્લાહે તૈયાર કરી છે તો તેને જોઈએ કે અલી બિન અબી તાલિબ (અ.સ.)ને પોતાના મૌલા કરાર દે અને તેમના વલીની વિલાયતને કબુલ કરે અને તેમના દુશ્મનોથી દુશ્મની રાખે અને તેમના પછી જે અવ્સીયા (છે તેમની ઈમામત અને વિલાયત)ને કબુલ કરે.’

(કાફી, ભાગ-૧, પાના નં. ૨૦૯, હ. નં. ૫)

હઝરત ઈમામ મોહમ્મદ બાકિર (અ.સ.)ની આ રિવાયત ઉપર ધ્યાન આપો. એહલેબૈત (અ.મુ.સ.)ની વિલાયતની શું શું અસરો છે. જે શખ્સ તે અસરોથી ફાયદો ઉઠાવવા ચાહતો હોય તેના માટે જરૂરી છે કે તે એહલેબૈત (અ.મુ.સ.)ની વિલાયત અને ઈમામતનો સ્વિકાર કરે.

قَالَ أَبُوْ جَعْفَرٍؑ‏ وَ إِنَّ‏ الرَّوْحَ‏ وَ الرَّاحَةَ وَ الْفَلْجَ وَ الْعَوْنَ وَ النَّجَاحَ وَ الْبَرَكَةَ وَ الْكَرَامَةَ وَ الْمَغْفِرَةَ وَ الْمُعَافَاةَ وَ الْيُسْرَ وَ الْبُشْرٰى وَ الرِّضْوَانَ وَ الْقُرْبَ وَ النَّصْرَ وَ التَّمَكُّنَ وَ الرَّجَاءَ وَ الْمَحَبَّةَ مِنَ اللهِ عَزَّ وَ جَلَّ لِمَنْ تَوَلّٰى عَلِيّاً وَ ائْتَمَّ بِهٖ وَ بَرِئَ مِنْ عَدُوِّهٖ وَ سَلَّمَ لِفَضْلِهٖ وَ لِلْأَوْصِيَاءِ مِنْ بَعْدِهٖ حَقًّا عَلَيَّ أَنْ أُدْخِلَهُمْ فِي شَفَاعَتِيْ وَ حَقٌّ عَلٰى رَبِّيْ تَبَارَكَ وَ تَعَالٰى أَنْ يَسْتَجِيْبَ لِيْ فِيْهِمْ فَإِنَّهُمْ أَتْبَاعِيْ وَ مَنْ تَبِعَنِيْ فَإِنَّهٗ مِنِّيْ‏

‘ચોક્કસ ૧. આરામ ૨. રાહત ૩. સરબલંદી ૪. મદદ ૫. કામ્યાબી ૬. બરકત ૭. ઈઝઝત ૮. મગ્ફેરત ૯. બખ્શીશ ૧૦. આસાનીઓ ૧૧. ખુશખબરીઓ ૧૨. પરવરદિગારની ખુશ્નુદી ૧૩. ખુદાની કુરબત ૧૪. ગલબા અને મદદ ૧૫. શફાઅતની ઉમ્મીદ અને ૧૬. ખુદાની મોહબ્બત તેના માટે છે કે જે અલી (અ.સ.)ને વલી માને.

તેમની ઈમામતમાં માનનારો હોય, તેમના દુશ્મનોથી બરાઅત કરે અને તેમની ફઝીલતોનો સ્વિકાર કરે. તેમના પછી તેમના અવ્સીયા (૧૧ ઈમામોની વિલાયત અને ઈમામત)ને કબુલ કરે. મારા ઉપર એ હક છે કે હું તેઓને મારી શફાઅતમાં શામીલ કં અને મારા પાક પરવરદિગાર ઉપર એ હક છે કે તેમના હકમાં મારી શફાઅતને કબુલ કરે. આ લોકો મને અનુસરનારા છે અને જે મને અનુસરે તે મારામાંથી છે.’

(કાફી, ભાગ-૧, પાના નં. ૨૧૦, હ. નં. ૭)

ઉપરોકત રિવાયતો ઉપર ધ્યાન આપો. પહેલી રિવાયતમાં અંબીયા (અ.મુ.સ.) જેવી ઝિંદગી અને શહીદો જેવી મૌતનું વર્ણન કરવામાં આવ્યું છે. બીજી રિવાયતમાં હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) જેવી ઝિંદગી અને મૌતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને ત્રીજી રિવાયતમાં ખુશબખ્તીઓ અને નેઅમતોનું વર્ણન કરવામાં આવ્યું. દરેક રિવાયતમાં તે જન્નતની વાત કરવામાં આવી છે કે જેને ખુદાવંદે આલમે ખુદ પોતે તૈયાર કરી છે. એટલે કે જન્નતોમાં પણ સૌથી ઉચ્ચ જન્નત છે. આ વાત બિલ્કુલ જાહેર છે કે હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)થી બેહતર, વધારે કામ્યાબ, વધારે મહાન અને ખુદાની પાસે વધારે પ્રિય ઝીંદગી બીજા કોઈની નથી. આ પ્રકારની શ્રેષ્ઠ ઝિંદગીનો એક રસ્તો છે અને તે છે એહલેબૈત (અ.મુ.સ.)ની વિલાયત અને ઈમામત ઉપર સાબિત કદમ રહેવું અને તેના તકાઝાઓને પૂર્ણ કરવા. તેની સાથે સાથે એ હકીકત પણ સ્પષ્ટ છે કે જે પણ એહલેબૈત (અ.મુ.સ.)ની વિલાયત અને ઈમામતને કબુલ નહિં કરે, તેમના ફઝાએલ અને મનાકીબને તસ્લીમ નહિં કરે, તેમના દોસ્તોને દોસ્ત નહિં રાખે અને તેમના દુશ્મનોથી બરાઅત નહિં કરે તે એ તમામ ખુશબખ્તીઓથી અને જન્નતથી વંચિત રહી જશે.

તેનાથી શ્રેષ્ઠ કોઈ રસ્તો નથી:

જ્યારે ઈન્સાનને પોતાના દીન અને મઝહબના હક હોવાનું યકીન હોય છે તો તે તેની હિફાઝત પણ કરે છે અને કોઈપણ વસ્તુના બદલામાં તે દીન આપવા તૈયાર નહિં થાય. શીઆ ઈસ્નાઅશરી મઝહબ તે મઝહબ છે કે જેની હકાનીય્યત પ્રકાશિત દિવસની માફક રોશન છે. આપણે આજ દીન ઉપર સાબિત કદમ રહેવાનું છે. હઝરત ઈમામ મુસા બિન જઅફર (અ.સ.)એ ફરમાવ્યું છે:

إِذَا فُقِدَ الْخَامِسُ‏ مِنْ وُلْدِ السَّابِعِ، فَاللهَ اللهَ فِي أَدْيَانِكُمْ، لَايُزِيْلُكُمْ عَنْهَا أَحَدٌ؛ يَا بُنَيَّ، إِنَّهُ لَابُدَّ لِصَاحِبِ هٰذَا الْأَمْرِ مِنْ غَيْبَةٍ حَتّٰى‏ يَرْجِعَ عَنْ هٰذَا الْأَمْرِ مَنْ كَانَ يَقُوْلُ بِهِ، إِنَّمَا هِيَ مِحْنَةٌ مِنَ اللهِ عَزَّ و جَلَّ امْتَحَنَ بِهَا خَلْقَهُ، لَوْ عَلِمَ آبَاؤُكُمْ و أَجْدَادُكُمْ دِيْنًا أَصَحَّ مِنْ هٰذَا، لَاتَّبَعُوْهُ‏ُُُ

‘જ્યારે સાતમાંના પાંચમાં ફરઝંદ નજરોથી ગાયબ થઈ જશે ત્યારે ખુદારા ખુદારા તમારા દીનનું ખાસ ધ્યાન રાખજો. કોઈપણ તમને આ દીનથી દૂર ન કરી દે. અય મારા ફરઝંદ! સાહેબુલ અમ્ર માટે એક એવી ગયબત છે જેમાં તે લોકો આ અકીદાથી ફરી જશે કે જેઓ તેમને માનનારા હતા. આ ગયબત અલ્લાહ તઆલાની તરફથી મખ્લુકાતનું એક ઈમ્તેહાન છે. અગર તમારા બાપ દાદાઓની નજરોમાં આનાથી શ્રેષ્ઠ કોઈ દીન હોત તો તેઓ તેનું અનુસરણ કરત.’

(કાફી, ભાગ-૧, પાના નં. ૩૩૬, હ. નં. ૨)

એટલેકે ગયબતના ઝમાનામાં ૧૨ઈમામો (અ.મુ.સ.)ની ઈમામત ઉપર સાબિત કદમ રહેવું, બારમાં ઈમામ (અ.સ.)ની ગયબત ઉપર યકીન રાખવું, તેમના ઝુહુરનો ઈન્તેઝાર કરવો, ઝુહુર માટે ઝમીનને સાનુકુળ બનાવવી, તકવા, ઈમાન, નેક કાર્યો અને સારા અખ્લાકથી પોતાની ઝાતને તૈયાર કરવી કે જેથી ઝુહુરના સમયે તેમના ખિદમતગુઝારોમાં શુમાર થવાની ખુશબખ્તી પ્રાપ્ત થાય. આ સૌથી શ્રેષ્ઠ કામ છે કે જેને અંજામ આપવું સઆદત જ સઆદત છે અને આ સાબિત કદમ રહેવું જ ગયબતના ઝમાનામાં આપણને દીનથી ફરી જવાથી સુરક્ષિત રાખશે.

દોઆએ મઅરેફત:

હઝરત ઈમામ જઅફર સાદિક (અ.સ.) એ પોતાના ખાસ સહાબી જનાબે ઝોરારહ સાથે જ્યારે આખરી ઝમાનાની પરિસ્થિતિની વાત કરી ત્યારે ઈમામે ઝમાના (અ.સ.)ની ગયબતનું વર્ણન કર્યુ અને ફરમાવ્યું: તે એવા મુન્તઝર છે કે જેના બારામાં લોકો શંકા કરશે કે શું તેમની વિલાદત થઈ ગઈ છે કે નહિં? કોઈ કહેશે કે તેમના વાલિદ કોઈ ફરઝંદને છોડીને ગયા નથી, કોઈ કહેશે કે હજુ ગર્ભમાં છે, કોઈ કહેશે કે તેઓ તેમના પિતાની વફાતના બે વર્ષ પહેલા પૈદા થઈ ચૂકયા છે. તેઓ જ મુન્તઝર છે. હાં ખુદાવંદે આલમ શીઆઓનું ઈમ્તેહાન લેવા ચાહે છે. તે સમયે બાતિલ લોકો શક અને શંકાઓમાં મુબ્તેલા થશે.

ત્યારે જનાબે ઝોરારહ એ ઈમામ (અ.સ.)ની ખિદમતમાં અરજ કરી કે અગર હું તે ઝમાનો પામું તો કયો અમલ અંજામ આપુ? ઈમામ (અ.સ.) એ ફરમાવ્યું:

‘અગર તમે તે ઝમાનો પામો તો આ દોઆ પઢજો.’

اَللّٰهُمَّ عَرِّفْنِيْ‏ نَفْسَكَ‏ فَإِنَّكَ إِنْ لَمْ تُعَرِّفْنِيْ نَفْسَكَ لَمْ أَعْرِفْ نَبِيَّكَ اللّٰهُمَّ عَرِّفْنِيْ رَسُوْلَكَ فَإِنَّكَ إِنْ لَمْ تُعَرِّفْنِيْ رَسُوْلَكَ لَمْ أَعْرِفْ حُجَّتَكَ اَللّٰهُمَّ عَرِّفْنِيْ حُجَّتَكَ فَإِنَّكَ إِنْ لَمْ تُعَرِّفْنِيْ حُجَّتَكَ ضَلَلْتُ عَنْ دِيْنِيْ‏

‘ખુદાયા! તું મને ખુદ તારી ઝાતની મઅરેફત અતા કર, અગર તે મને તારી ઝાતની મઅરેફત અતા ન કરી તો હું તારા નબીની મઅરેફત પ્રાપ્ત નહિં કરી શકું.

‘ખુદાયા! તું મને તારા રસુલની મઅરેફત અતા કર, અગર તે મને તારા રસુલની મઅરેફત અતા ન કરી તો હું તારી હુજ્જતની મઅરેફત પ્રાપ્ત નહિં કરી શકું.

‘ખુદાયા! તું મને તારી હુજ્જતની મઅરેફત અતા કર, અગર તે મને તારી હુજ્જતની મઅરેફત અતા ન કરી તો હું મારા દીનથી ભટકી જઈશ.’

(કાફી ભાગ-૧, પાના નં. ૩૩૭, હદીસ નં. ૫)

અગર ખુદા, રસુલ અને હુજ્જતે ખુદાની મઅરેફત પ્રાપ્ત ન થાય તો તેનો અંજામ ગુમરાહી છે. ઉપરોકત તમામ મઅરેફતો ખુદાવંદે આલમની બારગાહમાં ખુલુસે દિલથી દોઆ માંગવાથી પ્રાપ્ત થઈ શકે છે. ઈન્સાનથી મેળવેલી મઅરેફતમાં ભૂલની શકયતા રહેલી છે પરંતુ ખુદાવંદે આલમ તરફથી અતા કરવામાં આવેલી મઅરેફતમાં લેશમાત્ર ભૂલની પણ શકયતા નથી.

ઈમામતના અકીદા ઉપર સાબિત કદમ રહેવું:

આ ગયબતના ઝમાનામાં શીય્યત ઉપર ચારે તરફથી હુમલાઓ થઈ રહ્યા છે. એહલેબૈત (અ.મુ.સ.)ની ઈમામત અને વિલાયતને કમઝોર કરવાની કોશિશો થઈ રહી છે. ગૈરથી નજદિકી અને પોતાનાથી દુરી ઈખ્તેયાર કરવામાં આવી રહી છે. જો કે જેમ જેમ ઝુહુરના દિવસો નજદિક આવી રહ્યા છે તેમ-તેમ શયતાનના દિવસો ખતમ થઈ રહ્યા છે. તે પોતાની ઝિંદગીના આખરી દિવસોમાં પોતાની સમગ્ર શકિતને કામે લગાવી રહ્યો છે કે જેથી કરીને જેટલું બની શકે તેટલું લોકોને સેરાતે મુસ્તકીમ (એહલેબૈત અ.મુ.સ.ની ઈમામત અને વિલાયતના રસ્તા)થી ફેરવી શકે. આ આધારે આ ગયબતના ઝમાનામાં ભૂલ અને ખતા થવાની શકયતાઓ ખૂબજ વધારે છે. પરંતુ આ પરિસ્થિતિમાં સાબિત કદમ રહેવું પણ તેટલુંજ જરૂરી છે.

હઝરત ઈમામ ઝયનુલ આબેદીન (અ.સ.) એ પોતાના જદ્દે બુઝુર્ગવાર અમીરૂલ મોઅમેનીન, હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)થી રિવાયત નોંધ કરે છે.

અલી (અ.સ.) એ ફરમાવ્યું:

اِنَّ لِلْقَائِمِ عَلَيْهِ السَّلَامُ مِنَّا غَيْبَتَيْنِ‏ اِحْدٰهُمَا أَطُوْلُ مِنَ الْاُخْرٰى، اَمَّا الْاَوَّلى فُسْتَةً أَيَّامٍ أَوْ سِتَةَ أَشْهُرٍ اَوْسِتَّ سَنِيْنَ، وَ اَمَّا الْاُخْرٰى فَيَطْوَلُ أَمَدَهَا حَتّٰى يَرْجِعُ عَنْ هٰذَا الْأَمْرِ أَكْثَرُ مَنْ يَقُوْلُ بِهٖ، فَلَا يُثْبِتُ عَلَيْهِ الْاَ مَنِ قَوِىُّ يَقِيْنُهٗ وَ صِحَّتَ مَعْرِفَتُهٗ‏

‘અમારા કાએમ (અ.સ.) માટે બે ગયબતો છે. એક ગયબત બીજા કરતા વધારે લાંબી હશે. પહેલી ગયબત છ દિવસ, છ મહિના અથવા છ વર્ષની હશે જ્યારે કે બીજી ગયબતનો સમયગાળો ખૂબજ લાંબો હશે. તે ગયબતમાં ઘણા ખરા લોકો એ અકીદાથી ફરી જશે કે જેમાં તેઓ માનનારા હતા.

તે ઝમાનામાં ફકત તે લોકો જ અકીદા ઉપર સાબિત કદમ રહેશે કે જેઓનું યકીન મજબુત અને અડગ હશે અને જેઓની મઅરેફત સહીહ હશે.’

(મુન્તખબુલ અસર, ભાગ-૨, પાના નં. ૩૧૨)

સહીહ મઅરેફત અને મજબુત તથા અડગ યકીન સાબિત કદમ રહેવાનું કારણ બનશે. આથી આ સમયે આપણે અલ્લાહ તઆલાની બારગાહમાં સહીહ મઅરેફત અને અડગ યકીન માટે દોઆ કરતા રહેવી જોઈએ.

આખરી શબ્દો:

દીન સૌથી મહાન નેઅમત અને સૌથી મૂલ્યવાન પૂંજી છે. આ સમયે, ઈન્સાનો અને જીન્નાતોના શયતાન આપણાથી આ મહાન નેઅમતને છિનવી લેવા માટે તત્પર છે અથવા તો તેની તીવ્રતાને ઘટાડવાની કોશિશો કરી રહ્યા છે. ચારે તરફથી હુમલાઓ થઈ રહ્યા છે. દીનની હિફાઝત અને તેના ઉપર સાબિત કદમ રહેવા માટે એહલેબૈત (અ.મુ.સ.)ની ઈમામત અને વિલાયત તેમજ ખાસ કરીને હઝરત હુજ્જત ઈબ્નિલ હસન અલ અસ્કરી (અ.સ.)ની ઈમામત અને વિલાયત ઉપર સાબિત કદમ રહેવું અત્યંત જરૂરી છે. બસ ફકત અને ફકત આજ નજાતનો એકમાત્ર રસ્તો છે. પરંતુ સવાલ એ છે કે આવી ઉથલપાથલમાં કેવી રીતે આ અકીદા ઉપર સાબિત કદમ રહી શકીએ.

હઝરત ઈમામ હસન અસ્કરી (અ.સ.) એ કુમમાં પોતાના વકીલ અને સહાબી જનાબે એહમદ ઈબ્ને ઈસ્હાકને ફરમાવ્યું:

يَا أَحْمَدَ بْنَ إِسْحَاقَ‏ إِنَّ‏ اللهَ‏ تَبَارَكَ وَ تَعَالٰى لَمْ يُخَلِّ الْأَرْضَ مُنْذُ خَلَقَ اٰدَمَ ؑ  وَ لَا يُخَلِّيْهَا إِلٰى أَنْ تَقُوْمَ السَّاعَةُ مِنْ حُجَّةٍ لِلهِ عَلٰى خَلْقِهٖ بِهِ يَدْفَعُ الْبَلَاءَ عَنْ أَهْلِ الْأَرْضِ وَ بِهٖ‏ يُنَزِّلُ الْغَيْثَ‏ وَ بِهٖ يُخْرِجُ بَرَكَاتِ الْأَرْضِ‏

‘અય એહમદ બિન ઈસ્હાક! ખુદાવંદે આલમે જ્યારથી જનાબે આદમ (અ.સ.)ને પૈદા કયર્િ ત્યારથી ઝમીનને કયારેય હુજ્જતથી ખાલી નથી રાખી અને કયામત સુધી તેને હુજ્જતથી ખાલી નહિં રાખે. આજ હુજ્જત વડે તે ઝમીનવાસીઓથી બલાઓને દુર કરે છે, તેમના જ લીધે વરસાદ વરસાવે છે અને તેમનાજ લીધે ઝમીનની બરકતોને જાહેર કરે છે.’

એહમદ બિન ઈસ્હાકે હઝરત ઈમામ હસન અસ્કરી (અ.સ.)ને પૂછયું કે તમારા પછી કોણ ઈમામ હશે? ઈમામ હસન અસ્કરી (અ.સ.) ઘરમાં તશ્રીફ લઈ ગયા અને પોતાના ખભા ઉપર પોતાના ફરઝંદને લઈને આવ્યા કે જેમનો ચહેરો ચૌદમીના ચાંદ ની માફક ચમકી રહ્યો હતો. ઈમામ (અ.સ.) એ ઓળખાણ કરાવી અને ફરમાવ્યું:

يَا أَحْمَدَ بْنَ إِسْحَاقَ‏ مَثَلُهٗ‏ فِي هٰذِهِ الْأُمَّةِ مَثَلُ الْخَضِرِؑ  وَ مَثَلُهٗ مَثَلُ ذِي الْقَرْنَيْنِ وَ اللهِ لَيَغِيْبَنَّ غَيْبَةً لَا يَنْجُو فِيهَا مِنَ الْهَلَكَةِ إِلَّا مَنْ ثَبَّتَهُ اللهُ عَزَّ وَ جَلَّ عَلَى الْقَوْلِ بِإِمَامَتِهِ وَ وَفَّقَهُ فِيهَا لِلدُّعَاءِ بِتَعْجِيلِ فَرَجِهٖ

‘અય એહમદ બિન ઈસ્હાક! તેમની મિસાલ આ ઉમ્મતમાં જનાબે ખિઝર (અ.સ.) અને જનાબે ઝુલ્કરનૈન (અ.સ.)ની જેવી છે. ખુદાની કસમ! તેઓ એવી ગયબત ઈખ્તેયાર કરશે કે તેમાં હલાકતથી કોઈ નહિં બચી શકે સિવાય તેઓ કે જેને ખુદાવંદે આલમ ઈમામતના અકીદા ઉપર સાબિત કદમ રાખે અને તેમના ઝુહુરમાં જલ્દી થવા માટેની દોઆ કરવાની તવફીક અતા ફરમાવે.’

قُلْتُ يَا ابْنَ رَسُولِ اللهِ وَ إِنَّ غَيْبَتَهٗ‏ لَتَطُوْلُ

قَالَ إِيْ وَ رَبِّيْ حَتّٰى يَرْجِعَ عَنْ هٰذَا الْأَمْرِ أَكْثَرُ الْقَائِلِيْنَ بِهٖ

وَ لَا يَبْقٰى إِلَّا مَنْ أَخَذَ اللهُ عَزَّ وَ جَلَّ عَهْدَهٗ لِوَلَايَتِنَا

وَ كَتَبَ فِيْ قَلْبِهِ الْإِيْمَانَ وَ أَيَّدَهٗ بِرُوْحٍ مِنْهُ

يَا أَحْمَدَ بْنَ إِسْحَاقَ هٰذَا أَمْرٌ مِنْ أَمْرِ اللهِ وَ سِرٌّ مِنْ سِرِّ اللهِ

وَ غَيْبٌ مِنْ غَيْبِ اللهِ‏ فَخُذْ ما اٰتَيْتُكَ‏ وَ اكْتُمْهُ‏

وَ كُنْ مِنَ الشَّاكِرِيْنَ‏ تَكُنْ مَعَنَا غَدًا فِي عِلِّيِّيْنَ‏

‘મેં અરજ કરી અય ફરઝંદે રસુલ (સ.અ.વ.)! શું તેમની ગયબત લાંબી હશે? ફરમાવ્યું: ચોક્કસ હા. ખુદાની કસમ! ત્યાં સુધી કે આ અકીદાથી ઘણા ખરા લોકો ફરી જશે કે જેઓ માનનારા હતા. તે અકીદા ઉપર કોઈ સાબિત કદમ નહિં રહે સિવાય કે તે શખ્સ કે જેની પાસેથી ખુદાવંદે આલમે અમારી ઈમામત અને વિલાયતથી અહદ અને પયમાન લીધો હશે અને જેના દિલમાં ઈમાન લખી દીધું હશે અને ખાસ ફરિશ્તા વડે તેની મદદ કરી હશે.

અય એહમદ બિન ઈસ્હાક! આ ખુદાના અમ્રમાંથી એક અમ્ર છે, ખુદાના ભેદમાંથી એક ભેદ છે, ખુદાના ગય્બમાંથી એક ગય્બ છે. જે કંઈ મેં આપ્યું છે તેની હિફાઝત કરજો અને શુક્ર કરનારાઓમાં શામેલ થજો. કાલે અમારી સાથે જન્નતના સૌથી શ્રેષ્ઠ દરજ્જાઓમાં હશો.’

(કમાલુદ્દીન ભાગ-૨, પાના નં. ૩૮૪, હદીસ નં. ૩૮, મિકયાલુલ મકારીમ ભાગ-૧, પાના નં. ૧૧૮, હદીસ નં. ૩૦૨)

અત્યારે આપણે જેટલી વધારેમાં વધારે આપણા ઝમાનાના ઈમામ હઝરત હુજ્જત ઈબ્નિલ હસન અસ્કરી (અ.સ.)ની તંદુરસ્તી, સલામતી અને ઝુહુરમાં જલ્દી થવા માટે ખુદાવંદે આલમ પાસે દોઆ કરીશું, નેક કાર્યો અને સારા અખ્લાકથી તેમને ખુશ કરવાની કોશિશ કરીશું તેટલું જ સહીહ અકીદા ઉપર સાબિત કદમ રહીશું.

આ ઝમાનામાં સહીહ અકીદા ઉપર સાબિત કદમ રહેવા માટે તે રસ્તાઓ ઉપર ચાલવું જરૂરી છે કે જે એહલેબૈત (અ.મુ.સ.)એ બયાન ફરમાવ્યા છે. આપણે આપણા અકીદાઓ અને આઅમાલની બાબત મરાજેએ કેરામ અને આલિમો તરફ રજુ થવું જોઈએ, તવઝીહુલ મસાએલ વિગેરેમાં જે બાબતો બયાન કરવામાં આવી છે તેના ઉપર પાબંદી સાથે અમલ કરવો જોઈએ અને સતત પોતાના ઝમાનાના ઈમામ (અ.સ.)થી સિરાતે મુસ્તકીમ ઉપર સાબિત કદમ રહેવા માટેની દરખ્વાસ્ત કરતા રહેવી જોઈએ. ઈમામે અસ્ર (અ.સ.)ની ઈનાયત વગર સાબિત કદમ રહેવું મુશ્કેલ કામ છે. ઝમાનાના ઈમામ (અ.સ.)ની ઈનાયતો માટે તકવા અને પરહેઝગારી જરૂરી છે. ખુદાવંદે આલમ આપણને દરેકને તેની શ્રેષ્ઠ તવફીક અતા ફરમાવે.

અલ્લાહ તબારક વ તઆલા સિદ્દીક એ તાહેરા, હઝરત ફાતેમા ઝહરા (સ.અ.)ના સદકામાં આપણને દરેકને ઝુહુર માટે વધુને વધુ દોઆ કરવાની તવફીક અતા ફરમાવે અને તે લોકોમાં શામેલ ફરમાવે કે જેઓ પાસેથી તેણે ઈમામત અને વિલાયતનો અહદ અને પયમાન લીધો છે તેમજ ખાસ ફરિશ્તાઓ વડે જેઓની મદદ ફરમાવી છે.

આમીન રબ્બલ આલમીન.

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *