Home » અલ-મુન્તઝર માહે મોહર્રમ » ૧૪૧૦

ઈતિહાસ સાક્ષી છે…

Print Friendly

ઈતિહાસ એક એવો માર્ગ છે કે જે માનવજાતને, ભુતકાળ સાથે જોડીને ભુતકાળને નવું જીવન આપે છે, જે પોતાના વાચકોનો હાથ પકડીને ભુતકાળના નિર્જીચ શરીરમાં આત્માનો સંચાર કરીને તેને વીતી ગયેલા દિવસો તરફ દોરી જાય છે અને એ યુગના બનાવો તેની સામે રજૂ કરે છે.

ઈતિહાસની બીજી વિશિષ્ટતા એ છે કે તેના તરફથી આપણને ઈબરત (શીખામણ) મળે છે. મવલાએ કાએનાત હ. અલી (અ.સ.)એ કહ્યું છે: “ભૂતકાળમાં થઈ ગયેલા લોકોના બનાવો અને પ્રસંગો તમારા માટે ઈબરત છે, તેમાંથી ધડો લ્યો.”

ઈતિહાસનો એક ફાયદો એ છે કે ઈન્સાન પોતાની વર્તમાન સ્થિતિને ભુતકાળની તદ્દન પાસે જુએ છે. આ પરિસ્થિતિમાં તે પોતાના ભવિષ્યના માર્ગને સરળતાપૂર્વક નક્કી કરી શકે છે અને સાચી વાત તો એ છે કે ઈતિહાસ આપણને વર્તમાન સમાજની પરિસ્થિતિ અને સંજોગોને સમજવાની શકિત આપે છે.

માટે જ આપણે એ વાત તરફ ધ્યાન દેવું જોઈએ કે દરેક ઈતિહાસ અથવા ઈતિહાસ રચનાથી સંપૂર્ણ સ્વતંત્ર થઈ જઈએ. આપણી ફરઝ છે કે કેટલાક નિયમો અને સિદ્ઘાંતોને નજર સામે રાખી સંશોધન અને તપાસ કરી સાચા ઈતિહાસને જાણવા – સમજવાનો પ્રયત્ન કરીએ.

ઈતિહાસ અને મઝહબની આ બન્ને વિશિષ્ટતાઓને નજર સામે રાખીને અને એ બંનેને એકબીજાના પુરક (એકબીજા માટે જરૂરી) ગણીને ઈતિહાસમાં મઝહબી બનાવો અને પ્રસંગોનું અવલોકન કરીએ, તો જ મઝહબી પેશ્વાઓના બનાવો – પ્રસંગો અને જીવનોની સાચી કલ્પના અને સાચા ચિત્રો જોવા મળશે. સામાન્ય રીતે ઈતિહાસ આપણને કહે છે કે “આમ બન્યું”, “અગાઉના લોકોએ આવું કર્યું”; જ્યારે કે મઝહબ કહે છે કે “આવું થવું જોઈએ”, “અત્યારના અને ભુતકાળના લોકોએ આમ કરવું જોઈએ.” આ જ કારણે મઝહબી વ્યકિતઓનો ઈતિહાસ જ્યાં એક બાજુ ભુતકાળના પ્રશ્નો રજૂ કરે છે, તો બીજી બાજુ આપણા માટે જીવન જીવવાના પાઠ શીખવાડે છે.

આવો! હવે આપણે સાથે મળીને ઈતિહાસના ભરોસાપાત્ર એવાં પાનાં ઊથલાવીએ અને હુસયન ઈબ્ને અલી (અ.સ.)ની વીતકકથાને વાંચીએ. ગયા વર્ષના મોહર્રમ અંકમાં આપણે એટલે સુધી પહોંચ્યા હતા કે ઈમામ હુસયન (અ.સ.)એ યઝીદના હાથ ઉપર બયઅત કરવાનો ઈન્કાર કરી દીધો અને મક્કા તરફ કૂચ શરૂ કરી દીધી. કેટલાક દિવસો પછી ઈમામ (અ.સ.)નો કાફલો મક્કા પહોંચ્યો. આપના સગાવહાલાઓ, સાથીઓ વગેરે હઝરતની સાથે ઉમરહના આમાલ બજાવી લાવ્યા. હઝરતે, હરમમાં કત્લ – ગારત કરવાની જે મનાઈ કરવામાં આવી છે, તેનો લાભ ઉપાડી સલામતીપૂર્વક રેહવાનું વિચાર્યુ.

આ વખતે એવા કેટલાક માણસો કે જે હઝરતે સય્યદુશ-શોહદા (અ.સ.)ના મહાન વ્યકિતત્વથી વાકેફ હતા તેમને હઝરતના હરમમાં નિવાસ કરવાની જાણ થઇ ગઈ. તેઓએ હઝરત સાથે પત્રવ્યવહાર શરૂ કર્યો અને તેમા પોતા તરફથી દરેક જાતનો સાથ-સહકાર આપવાની તૈયારી બતાવી. આવા પત્રોમાં સૌથી વધારે પત્રો કૂફાથી આવ્યા હતા જેમાં તેઓએ જુદી જુદી રીતે રાજ્યસત્તાના હોદ્દા માટે નિમંત્રણ આપ્યું હતું. ઈતિહાસકારોએ આવા પત્રોની સંખ્યા બાર હજારથી અઢાર હજાર સુધીની હોવાનું કહ્યું છે. એટલે હ. ઈ. હુસયન (અ.સ.)એ પોતાના પિત્રાઈ ભાઈ હ. મુસ્લિમ ઈબ્ને અકીલને કે જે બહાદુર યોદ્ઘા હતા, પોતાના પ્રતિનિધિ બનાવીને એક પત્ર સાથે કુફા રવાના કર્યા. પત્રમાં ઈમામે લખ્યું હતું કે મુસ્લિમ ઈબ્ને અકીલને મોકલી રહ્યો છું, જે તમારી તૈયારી વિશે મને માહિતગાર કરશે. હ. મુસ્લિમે પત્ર લઈને કુફા તરફ પ્રયાણ આદર્યું. કુફાવાસીઓ હ. ઈ. હુસયનનો પત્ર અને હ. મુસ્લિમના આગમનથી ઘણા આનંદિત થયા અને તેમને મુખ્તાર બિન અબુઉબયદા સકફીના ઘરે ઉતારો આપ્યો. પછી તો હ. મુસ્લિમને મળવા માટે લોકોની કતાર જામી પડી. જે સમૂહ મળવા આવતો તેને હ. મુસ્લિમ ઈમામનો પત્ર વાંચી સંભળાવતા. પત્ર સાંભળીને તેઓની આંખમાંથી આંસુ વહેવા લાગતા અને હ. મુસ્લિમના હાથ ઉપર ઈમામ (અ.સ.)ની બયઅત કરતા. એટલે સુધી કે અઢાર હજાર માણસોએ તેમની બયઅત કરી. હ. મુસ્લિમે ઈમામ હુસયન (અ.સ.)ને પત્ર લખીને કુફા આવવાનું આમંત્રણ આપ્યું. યઝીદ કે જે આ બધી વાતોથી માહિતગાર હતો, તેણે બસરાના ગવરનર અબ્દુલ્લાહ ઈબ્ને ઝિયાદને પત્ર લખીને બસરા સાથે કુફાનો ગવરનર પણ બનાવી દીધો અને એ જ પત્રમાં હ. મુસ્લિમ અને ઈ. હુસયન (અ.સ.) વિશે પણ લખ્યું અને તાકીદભર્યો હુકમ આપ્યો કે હ. મુસ્લિમને કત્લ કરી દેજે. ઈબ્ને ઝિયાદ કુફા આવ્યો, સવારના સમયે દારૂલ અમારાની બહાર નીકળી મિમ્બર ઉપર ગયો અને ભાષણ કરીને લોકોને યઝીદનો વિરોધ કરવાથી ભોગવવા પડનાર પરિણામથી ડરાવ્યા અને તેની તાબેદારી કરવાથી મળનાર ઈનામ – અકરામની લાલચ પણ બતાવી.

જ્યારે હ. મુસ્લિમને આની ખબર પડી, તો મુખ્તારનું ઘર મૂકીને જ. હાની બિન ઉર્વહના ઘરે ચાલ્યા ગયા, જે એક પીઢ આગેવાન અને પોતાના કબીલાના સરદાર હતા. હ. હાનીએ પોતાના ઘરમાં આશ્રય આપ્યો. ત્યાર પછી તેમના ઘરે શીઆઓની અવરજવર વધી પડી. ઈબ્ને ઝિયાદે પણ હ. મુસ્લિમનો પત્તો મેળવવા માટે પોતાના જાસૂસો છૂટા મૂકી દીધા. ઈબ્ને ઝિયાદના ગુલામને ભાળ મળી ગઈ કે હ. મુસ્લિમ જ. હાનીના ઘરમાં છે. હાનીને પકડી મગાવવામાં આવ્યા. જ્યારે જ. મુસ્લિમને જાણ થઇ, તો ઈબ્ને ઝિયાદ સામે જંગ કરવા માટે ઘરમાંથી બહાર નીકળી પડયા. અબ્દુલ્લાહ ઇબ્ને ઝીયાદ દારુલ અમારામાં ભરાઈ બેઠો અને દરવાજા બંધ કરાવી દીધા. જ. મુસ્લિમ પોતાના સાથીઓ સાથે જંગમાં મશ્ગૂલ થઇ ગયા. જે લોકો ઈબ્ને ઝિયાદની સાથે હતા તેઓ દારૂલ અમારાની અગાસી ઉપર જઈને જ. મુસ્લિમના સાથીઓને શામથી લશ્કર આવી રહ્યું છે તેનો ભય બતાવવા લાગ્યા. આખો દિવસ આ રીતે વીતી ગયો. અંધારૂં થવા લાગ્યું અને જ. મુસ્લિમના સાથીઓ ધીમે ધીમે વીખારાવા લાગ્યા. જતાં જતાં એકબીજાને કહેતા કે શા માટે આપણે ફિત્નામાં સંદોવાવું જોઈએ? સારૂં તો એ છે કે ઘરનો ખૂણો પકડી લઈએ. ઈબ્ને ઝિયાદ અને હ. મુસ્લિમ સાથે કોઈ સંબંધ ન રાખીએ. અલ્લાહ એ બંનેમાં સમાધાનનો કોઈ રસ્તો કાઢે ત્યાં સુધી બંનેથી અલગ રહીએ. દસ માણસો સિવાયના બધાય રવાના થઈ ગયા. હ. મુસ્લિમ એ દસ માણસોને લઈને મગરિબની નમાઝ અદા કરવા મસ્જીદમાં પધાર્યા. છેવટે એ દસ માણસે પણ ઉપડી ગયા. જનાબે મુસ્લિમ – એક પરદેશી, મસ્જીદમાંથી એકલા નીકળ્યા અને કુફાની શેરીઓમાં આમતેમ ભટકવા લાગ્યા. છેવટે એક એવી સ્ત્રીના દરવાજે પહોંચ્યા કે જેને લોકો “તૌઆ” ના નામે બોલાવતા હતા. આપે તેની પાસેથી પાણી માગ્યું, તેણીએ પાણી આપ્યું, જ. મુસ્લિમે પાણી પીધું. પાણી પીધા પછી આપ ત્યાં જ ઊભા રહ્યા. પેલી સ્ત્રીએ કહ્યું: ઝમાનો ઘણો ખરાબ છે, તમારા ઘેર કેમ નથી જતા?! આપે જવાબ આપ્યો: જેનુ. કોઈ ઘર ન હોય તે કયાં જાય. પછી પોતાની ઓળખાણ આપી. અલ્લાહની એ કનીઝે પોતાને ત્યાં આશ્રય આપ્યો. પણ એના દીકરાએ ઈબ્ને ઝિયાદને બધી બાતમી આપી દીધી. તેણે જ. મુસ્લિમને ગિરફતાર કરવા માટે સૈન્યની એક ટુકડી મોકલી. ભારે લડાઈ પછી તેઓ જ. મુસ્લિમને પકડવામાં સફળ થયા. પછી ઈબ્ને ઝિયાદ પાસે લઈ આવતા તેમને કત્લ કરવાનો હુકમ કર્યો. ત્યાર પછી જ. હાનીને પણ શહીદ કરવામાં આવ્યા.

યઝીદ કે જેને દરેક પ્રકારના મઝહબી અકીદાઓ સામે વેર હતું, તેણે ઉમ્રૂ બિન સઈદ બિનુલ આસ નામના માણસને મક્કા મોકલ્યો, કે તે ત્યાં જઈને હજ દરમ્યાન હ. ઈ. હુસયન (અ.સ.)ને શહીદ કરી નાખે. ઇમામ (અ.સ.)એ ચાર મહિના સુધી મક્કામાં નિવાસ કર્યાપછી પોતાનો કાફલો લઈને મક્કાથી કુફા તરફ કૂચ આદરી અને પોતાના કત્લનું કાવત્રું નિષ્ફળ બનાવ્યું.

હ. ઈ. હુસયન (અ.સ.) પોતાના જે જે સાથીઓને સાથે લઈને રવાના થયા હતા તે જોતા કોઈ પણ ન કહી શકે કે તેઓ કોઇ લશ્કરી પગલું ભરવા જઈ રહ્યા છે. તે તો એક સમૂહ જેવું લાગતું હતું, કેમ કે લશ્કરી ચડાઈ કરતી વખતે સ્ત્રી-બાળકોને સાથે નથી રાખવામાં આવતા અને સ્વતંત્ર રીતે પડાવ નાખવામાં નથી આવતો. ટૂંકમાં હ. ઈ. હુસયન (અ.સ.) કુફા તરફ જઈ રહ્યા હતા, પણ જેમ જેમ ઈરાકની ભૂમિ નજીક આવી રહી હતી તેમ તેમ ઝડપથી બદલાઈ રહેલી પરિસ્થિતિની માહિતી મળવા લાગી હતી. એટલે સુધી કે એક મંઝીલ ઉપર હ. મુસ્લિમ (અ.સ.)ની શહાદતના સમાચાર મળ્યા. આવા બનાવોના ખબર મળતાં, ઈમામ (અ.સ.) સાથેના કેટલાક લોકો કે જેઓ પોતાના જુદા જુદા સ્વાર્થ સાધવા માટે આવી રહ્યા હતા તેઓ ધીમે ધીમે રસ્તો બદલીને દૂર ખસી ગયા. અંતમાં ઈમામ (અ.સ.) કરબલા અને કુફાના માર્ગ-સંગમ ઉપર આવી પહોંચ્યા. અહી ઈબ્ને ઝિયાદે હ. હુર બિન યઝીદે રિયાહીની સરદારી હેઠળ મોકલેલ લશ્કરનો સામનો થયો. તેઓને ઈબ્ને ઝિયાદે ઈમામને કુફામાં આવતા રોકવા માટે મોકલ્યા હતા. તેણે ઈમામને કુફામાં જતાં અટકાવ્યા. ઈમામે શાંતિપૂર્વક કુફા અથવા મદીના પાછા જવા માટે ઘણા પ્રયાસો કર્યા, પણ સફળતા ન મળી. પરિણામે આપે એક ત્રીજો જ માર્ગ લીધો અને મજબૂર થઈને કરબલાનો પ્રવાસ આરંભ્યો. આ તકે એ જણાવી દેવું યોગ્ય છે કે આ એ જ ભૂમિ હતી કે જેના ઉપરથી ૨૪ વર્ષ પહેલાં મવલાએ કાએનાત હ. અલી (અ.સ.) જંગે સીફફીન માટે જતી વેળા પસાર થયા હતા અને આ ધરતી ઉપર બહુ દુ:ખભરી આંખે જોયું હતું અને કહ્યું હતું કે, પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ના જવાનોને આ જંગલમાં કત્લ કરવામાં આવશે, જેના ઉપર પૃથ્વી અને આકાશ રૂદન કરશે. ઈમામ (અ.સ.) મોહર્રમ હિજરી ૬૧ ના શરૂઆતના દિવસોમાં કરબલા પહોંચ્યા અને પોતાના તંબૂઓ ઊભા કર્યા. કરબલામાં કુફા અને શામનું સૈન્ય આવવા માંડયું. છેવટે શામી સૈન્યના સરદાર ઉમર બિન સઅદના આગમન સાથે ઈમામ (અ.સ.) અને તેઓ વચ્ચે સામનો થશે તે ખાત્રીપૂર્વકનું થઇ ગયું.

નવમી મોહર્રમે ઈમામને ઉમર સઅદનો સંદેશો મળ્યો: “યઝીદના હાથ ઉપર બયઅત કરો અથવા જંગ માટે તૈયાર રહો.” ઈમામ (અ.સ.) ન તો બયઅત કરવા માગતા હતા ન તો કોઈ જગાએ જવા ઈચ્છતા હતા, મજબુરન જંગ માટે કબુલ થયા. આપે દોઆ મુનાજાત કરવા માટે એક રાતની મુદતી માગી.

“હુસયની કારવાં” કે જેના બધાય સભ્યો નેક અમલ, શુદ્ઘ નિય્યત અને નિર્મળ વિચારોના માલિક હતા તે સૌમાં એક ઉત્સાહ અને ઉમંગ વ્યાપી ગયો. ઈમામ (અ.સ.)એ પોતાના અસ્હાબ પાસે હુજ્જત પૂરી કરી, જંગ અને કતલના સંભવિત પરિણામોથી વાકેફ કર્યાઅને ફરમાવ્યું: હું તમારા ગળા પરથી મારી બયઅત ઉપાડી લઉં છું. હું ચાહું છું કે રાતના અંધારાનો લાભ લઈને કરબલામાંથી નીકળી જાવ. આજ એવો સમય હતો કે જ્યારે અસ્હાબે હુસયની મોહબ્બતભર્યાજોશીલા શહીદોની નામાવલિમાં સૌથી મોખરે અમારા નામો છે. ઇમામે પણ તેઓની આવી અજોડ મોહબ્બત જોઈને ફરમાવ્યું: મેં ન તો તમારાથી વધીને વફાદાર સાથીઓ જોયા છે ન મારા કુટુંબીઓથી વધીને નેક અને સાલેહ લોકોને દેખ્યા છે. (બેહારૂલ અન્વાર, ભાગ. ૪૪)

આ રાત કુરઆનની તિલાવત, મુનાજાત, દોઆ અને નમાઝમાં જ પૂરી થઈ. એ રાત્રે ઈમામના ખયમાના રખેવાળ શેરેખુદાના શેરદિલ ફરઝંદ હ. અબ્બાસ (અ.સ.) હતા. શબે આશૂરના હુસયની અસ્હાબોની અલ્લાહ પાસે આજ મુનાજાત હતી કે પાલનહાર! કાલે સવાર પડતાં જ સૌથી પહેલા અમે જ શહાદતને વરીએ. સૌનું એક જ સૂત્ર હતું કે જ્યાં સુધી અમે જીવતા છીએ ત્યાં સુધી બની હાશિમ કે ઈમામ (અ.સ.)નું કોઈ સગું શહીદ ન થાય. ઈન્સાની ઈતિહાસમાં આવું કોઈ લશ્કર જોવા નથી મળ્યું કે જેના એક એક સૈનિકને ધૂન હતી કે તે સૌથી પહેલા શહીદ થાય.

ઈબ્ને કવલિયા અને મસઊદીના લખવા મુજબ: જ્યારે ઈમામ હુસયન (અ.સ.) નમાઝે સુબ્હ પઢી ચુકયા ત્યારે નમાઝીઓ તરફ રૂખ કરીને અલ્લાહની હમ્દોસના કરી અને તેઓને સંબોધન કર્યું: ખુદાવંદે આલમે આજના દિવસે અમને અને તમને કતલ થઈ જવાની રજા આપી છે. હવે તમારી ફર્જ છે કે સબર અને સંયમની સાથે દુશ્મનનો સામનો કરો.

“બલાગતુલ હુસયન”માં મરહુમ સદુક અલયહિર રહમહની કિતાબ “મઆનીઉલ અખ્યાર” ઉપરથી નકલ કરીને લખ્યું છે કે, ઈમામ (અ.સ.)એ એ દિને આ રીતે તકરીર કરી: “હે મહાન અને પ્રતિષ્ઠિત બાપના શૂરવીર પુત્રો! સબર અને સંયમથી કામ લ્યો. “મૌત” એક પુલ સિવાય બીજું કંઈ નથી જે તમને કષ્ટ અને મુશ્કેલીભર્યાસંજોગો અને દુ:ખમય સ્થિતિમાંથી પાર ઉતારી દેશે. અને વિશાળ એવા બેહિશ્તના બાગમાં અને હંમેશ બાકી રહેનારી નેઅમતો સુધી પહોંચાડી દેશે. કોણ એવો માનવી હશે કે જે એક જેલમાંથી નીકળી મહેલમાં ન જવા ઈચ્છતો હોય. પણ આ જ મૌત તમારા દુશ્મનો માટે એવું છે કે કોઈને મહેલમાંથી જેલ ભેગુ થવું પડે! મારા પિતાશ્રીને પયગમ્બરે અકરમ (સ.અ.વ.) આ શબ્દો કહ્યા છે: દુન્યા એક મોઅમિન મર્દ માટે કેદખાના સમાન છે અને કાફર માટે જન્નત જેવી. ખાત્રીપૂર્વક (માનજો કે) ન તો હું કયારેય ખોટું બોલ્યો છું ન ખોટું સાંભળ્યું છે.”

હઝરતે સય્યદુશ શોહદા (અ.સ.)એ આ તકરીર કર્યાપછી પોતાના લશ્કરને (કે જે મશ્હૂર કૌલ મુજબ ૭૨ માણસોનું હતું) વ્યવસ્થિત રીતે ગોઠવ્યું. જમણી બાજુની ટુકડીના સરદાર ઝુહૈર બિન કૈનને અને ડાબી બાજુની ટુકડીના સરદાર હબીબ ઈબ્ને મઝાહિરને બનાવ્યા. લશ્કરનો અલમ પોતાના ભાઈ હ. અબ્બાસ (અ.સ.)ને સોંપ્યો અને પોતે પોતાના કુટુંબીઓ સાથે લશ્કરની વચ્ચે ઊભા રહ્યા.

લશ્કર વ્યવસ્થિત થઇ ગયા પછી ઈમામ (અ.સ.) ઘોડા ઉપર સવાર થઈને આગળ આવી ઉમર ઈબ્ને સઅદના લશ્કરને સંબોધન કર્યું.

“લોકો! મારી વાતને ધ્યાનપૂર્વક સાંભળો. લડાઈ અને લોહી વહેવડાવવામાં ઉતાવળ ન કરો, જેથી હું તમને હિદાયત કરવાની ફરઝ પૂરી કરી શકું. મારા પ્રવાસના કારણો આ વિસ્તારના લોકોને સ્પષ્ટ રીતે બતાવી દઉં. જો મારી દલીલ કબુલ કરશો અને મારા સંબંધે ઈન્સાફથી કામ લેશો, તો તમને નેકી અને સફળતાનો માર્ગ મળી જશે, પછી મારી સામે લડવા માટે તમારી પાસે કોઈ દલીલ નહિ રહે. જો તમે મારી વાત નહિ માનો અને ન્યાયનો રસ્તો નહિ લ્યો, તો પછી મારા વિશે તમે સૌએ જે નક્કી કર્યું છે જે ખોટા વિચારો કરી રાખ્યા છે, તેને એકબીજા હાથમાં હાથ નાખીને અમલમાં મૂકો, મને જરા પણ મોહલત આપજો નહિ. પણ કોઈ વાત તમારાથી છૂપી ન રહી જાય. મારી મદદ કરનાર – મારી પીઠ થાબડનાર એ અલ્લાહ છે કે જેણે કુરઆન નાઝિલ કર્યું છે અને એ જ સાલેહ તથા નેક બંદાઓનો મદદ કરનાર છે.

હ. સય્યદુશ શોહદા (અ.સ.)એ જોયુંકે દુશ્મન લડવા જ માગે છે, ખયમા અને બાળકો સુધી પાણી પણ પહોંચવા દેતા નથી અને જંગ માટે એક નાનો એવો ઈશારો થવાની રાહ જોઈ રહ્યા છે, પણ ઇમામ (અ.સ.)એ જ્યારે તેઓ કરબલા પહોંચ્યા હતા ત્યારે ફરમાવ્યું હતું એ પ્રમાણે તેઓ જંગ માટે તૈયાર હતા જ નહિ, બલ્કે તેઓ તો બને ત્યાં સુધી દુશ્મનોને નસીહત અને ઉપદેશ આપી આ ગુનાહિત પગલાથી રોકવા માગતા હતા. જેથી તેઓ અસત્યનો માર્ગ મૂકી સત્યનો માર્ગ કયો છે તે જાણી શકે અને પોતાની અજ્ઞાનતાના કારણે ઈમામે વકતના લોહીમાં હાથ રંગતા અટકે. હકીકતથી બેખબર હોવાના કારણે હંમેશના અઝાબ અને બદબખ્તીમાં પડતા બચે. પોતાના લોહીતરસ્યા શત્રુઓ સામે એક ઈમામ – ખુદાનો નીમેલો રહબર – માનવજાતનો મિત્ર આવો જ હોઈ શકે છે, “અનીસ”ના કથન મુજબ

તલવાર ન મારી જીસે મુંહ મોડતે દેખા,

આંસુ નિકલ આયે, જીસે દમ તોડતે દેખા.

હ. ફાતેમા ઝહરા (સ.અ.)ના ફરઝંદ આવા નાઝુક અને કટોકટીભર્યાસંજોગોમાં પણ એ જ માર્ગે ચાલી રહ્યા હતા કે જે તેમના માટે અલ્લાહે નક્કી કર્યો હતો. એક પળ માટે પણ પોતાની ફર્ઝથી ગાફેલ નહોતા, કેમ કે તેઓ સમસ્ત માનવજાત માટે અલ્લાહની હુજ્જત હતા.

હઝરતનું આ પ્રવચન ઘણું વિગતપૂર્ણ, જુદા જુદા દ્રષ્ટિબિંદુનો સમાવેશ કરે છે અને ઘણા સવાલોના જવાબ સમું છે એટલે તેમાંના કેટલાંક ભાગ તરફ માત્ર ઈશારો કરીએ છીએ.

“ખુદાના બંદાઓ! ખુદાથી ડરો અને દુનિયાથી બચતા રહો કેમ કે જો નક્કી થાત કે આખી દુનિયા કોઈ એક જણને આપી દેવામાં આવે અથવા કોઈ એક માણસ હંમેશ માટે દુનિયામાં રહે, તો આ માટે પયગમ્બરે ખુદા (સ.અ.વ.) સૌથી વધારે ઉચિત હતા અને આવો નિર્ણય પણ વ્યાજબી અને સારો લેખાત. પણ આવું કયારેય થયું નથી, કારણકે ખુદાવંદે આલમે દુન્યાને ફના (નાશ) થવા માટે પૈદા કરી છે. જેની નવી નવી વસ્તુઓ જૂની થઈ જવાની છે, જેની નેઅમતો નાશ પામવાની છે, જેનો આનંદ અને હર્ષ ગમ અને વિષાદમાં ફેરવાઈ જવાનો છે, આ એક નીચ કક્ષાનું ઠેકાણું અને કામચલાઉ ઘર છે. માટે પોતાની આખેરત માટે ભાથું તૈયાર કરો. આખેરત માટે સૌથી સારી વાટખર્ચી તકવા અને અલ્લાહથી ડરવું છે. હે લોકો! અલ્લાહે આ દુનિયાને નાશવંત અને પતન તરફ જનારી બનાવી છે, જે પોતામાં વસનારાઓને બદલી નાખે છે અને તેમના સ્થિતી સંજોગોને ફેરવી નાખે છે. ઘમંડી, મગરૂર અને ફરેબમાં આવી જનાર એ માનવી છે કે જે તેની જાળમાં ફસાઈ જાય. અભાગ્યો એ માણસ છે કે જે દુનિયા ઉપર મોહી પડે અને એનો પ્રેમી બની જાય. લોકો, જો જો કયાંક દુનિયા તમને ફરેબ ન આપે, કેમ કે જે એના ઉપર ભરોસો મૂકે છે તેને તે નિરાશ કરે છે. જે દુનિયાથી લાલચ રાખશે તે નિરાશાનો ભોગ થશે. આજે તમે એવી વસ્તુ સાથે મિત્રતા બાંધી છે કે જેણે ખુદાને કોપાયમાન કર્યો છે, જેના કારણે ખુદાએ તમારાથી મોઢું ફેરવી લીધું છે અને તમારા ઉપર પોતાનો કોપ પ્રગટ કર્યો છે. કેવો સારો છે આપણો પરવરદિગાર અને કેવા બુરા છો તમે એના બંદાઓ! પહેલા તો એના હુકમ સામે માથું નમાવ્યું, તેના નબી ઉપર ઈમાન લાવ્યા અને પછી એના પયગમ્બરની અહલેબયત અને અવલાદને કતલ કરવા માટે તેના ઉપર તૂટી પડયા!!! તમારી ઉપર શયતાન સવાર થઇ ગયો છે અને તમારા દિલોમાંથી મહાન અલ્લાહની યાદને ઉખેડીને ફેંકી દીધી છે. શું છે તમારા ઉપર અને શું છે તમારી માન્યતા ઉપર… તમારા હેતુઓ પર. અમે ખુદા માટે પૈદા થયા છીએ અને અમારૂં પુનરાગમન તેના તરફ છે… લોકો બતાવો, હું કોણ છું? પછી પોતાની જાતને દોષ દેશો. જરા વિચારો તો ખરા કે મારા સ્ત્રી – બાળકોને કતલ કરવા, એમને લુંટવા તમારા માટે જાએઝ છે? શું હું તમારા પયગમ્બરની પુત્રીનો પુત્ર નથી? શું હું તમારા પયગમ્બરના વસી અને પિત્રાઈ ભાઈનો ફરઝંદ નથી? શું હું એવા માણસનો પુત્ર નથી કે જે બધાય મુસલમાનોમાં સૌથી પહેલા ઈમાન લાવ્યો હતો અને સૌથી પહેલા પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ની રિસાલતનું સમર્થન નહોતું કર્યું? શું સય્યદુશ શોહદા હઝરતે હમઝા મારા બાપના કાકા નહોતા? શું જઅફરે તય્યાર મારા કાકા નહોતા. શું તમે મારા અને મારા ભાઈના સંબંધે આં હઝરત (સ.અ.વ.)ના આ શબ્દો નથી સાંભળ્યા કે આ બંને જન્નતના જવાનોના સરદાર છે? જો તમે મારી વાતનું સમર્થન કરશો તો એ બધું સાચું જ છે, જેમાં જરા જેટલોય અસત્યનો અંશ નથી, કેમ કે હું કયારેય ખોટું બોલ્યો નથી, કારણ કે ખુદાવંદે આલમે જૂઠ બોલનારાઓ ઉપર લઅનત કરી છે અને જૂઠનું નુકસાન જૂઠ બોલનારાઓ તરફ ફેરવી દેવામાં આવે છે અને જો તમે મને જૂઠલાવશો તો, હજુ મુસલમાનોમાં પયગમ્બર (સ.અ.વ.)ના એવા અસ્હાબો મૌજૂદ છે જેને તમે પૂછી શકો છો. જાબિર બિન અબ્દુલ્લાહ અનસારી, ઝયદ બિન અરકમ, અનસ બિન માલિકને પૂછી શકો છો. આ બધાયે મારા અને મારા ભાઈ વિશે પયગમ્બર (સ.અ.વ.)ના મુખે સાંભળ્યું છે. થઈ શકે છે કે આજ વાકય તમારા માટે મારૂં લોહી વહેવડાવવામાં અટકાયતરૂપ બની જાય… જો તમને મારા અને મારા ભાઈ વિશે આં હઝરતના શબ્દોમાં શંકા છે તો શું આ હકીકત અને વાસ્તવિકતામાં પણ શંકા કરશો કે હું તમારા પયગમ્બરની દીકરીનો દીકરો છું અને આખી દુનિયામાં મારા સિવાય બીજો કોઈ પયગમ્બર (સ.અ.વ.)નો પુત્ર નથી? અફસોસ છે તમારી હાલત ઉપર, શું તમારામાંથી કોઈને મેં કતલ કર્યો છે? કે જેના ખૂનનો બદલો લેવા માટે મને કતલ કરવા માગો છો? શું કોઈની માલમત્તા ગસબ કરી છે, કે કોઈને ઝખ્મી કર્યો છે કે જેના કારણે મને સજા કરવા માગો છો?…”

કુફાવાસીઓની બહુમતી બની ઉમય્યાના ઝેરી પ્રચારના અસર હેઠળ હતી, તેઓ એમ સમજતા હતા કે ઈમામ હુસયન (અ.સ.) સાથે જંગ કરવી એ ખલીફએ વકત યઝીદ બિન મુઆવિયાની હિમાયત છે અને હુસયન બિન અલી (અ.સ.)એ મુસલમાનોના હિત વિરૂધ્ધ ખલીફાની સામે બગાવત કરી છે (મઆઝલ્લાહ) માટે દરેક મુસલમાનની ફર્ઝ છે કે તેની સામે યુધ્ધ કરે. આ માટે ઈમામે પોતા તરફથી જવાબરૂપે જે કહ્યું તે એમની આશૂરના દિવસે બીજી તકરીર હતી. ખ્વારઝમી કહે છે કે ઈમામે બીજી તકરીર એ વખતે ફરમાવી કે જ્યારે બંને બાજુના સૈન્યો આમનેસામને પૂરી રીતે ગોઠવાઈને લડાઈ માટે તૈયાર હતા. ઈબ્ને સઅદનો ધ્વજ હવામાં ફરકી રહ્યો હતો, જંગનું બ્યુગલ વાગી રહ્યું હતું, શત્રુનું સૈન્ય ચોતરફથી સય્યદુશ શોહદાને ઘેરી વળ્યું હતું. એ વખતે ઈમામ પોતાના લશ્કરમાંથી આગળ આવ્યા, દુશ્મનોના સૈન્યની સામે ઊભા રહ્યા અને આ રીતે સંબોધન કર્યું.

“…અફસોસ! તમારી ઉપર, છેવટ મારી વાતો ઉપર ધ્યાન કેમ નથી આપતા કે જે તમને હિદાયત અને નેકી તરફ આમંત્રી રહી છે! જે મારી પૈરવી અને ઈતાઅત કરશે તે ખુશનસીબ અને નેક લેખાશે અને જે વિરોધ કરશે તે હલાક થશે – નાશ પામશે. તમે બધા નાફરમાની અને વિરોધ કરવા માટે તૈયાર થયા છો, જેના લીધે મારી વાતો ઉપર ધ્યાન નથી આપતા; ખરેખર આ હરામ માલની ભેટ-સોગાદોનો પ્રભાવ છે જે તમને મળી છે અને એ હરામ ખોરાક ને ગેર શરઈ કોળિયાઓનું પરિણામ છે જે તમે આરોગ્યા છે, જેના કારણે ખુદાએ તમારા દિલો ઉપર મોહર મારી દીધી છે. શું છે તમારા ઉપર, તમે ચુપ નહિ થાવ?!

હજુ ઈમામની તકરીર અહી સુધી પહોંચી હતી ત્યાં ઉમર સઅદના લશ્કરીઓ એકબીજાને બૂરૂં-ભલું કહેવા લાગ્યા અને છેવટે ચુપ થયા પછી હઝરતે પોતાની તકરીર આગળ ચલાવી.

“અય લોકો! અપમાન, ઝિલ્લત, નિરાશા તમારા ભાગે આવ્યા. પહેલાં તો તમે ભારે પ્રેમ અને ઉમળકો બતાવીને અમને પોતાની મદદે બોલાવ્યા અને જ્યારે તમારી યાચના અને વિનંતીને મેં સ્વીકારી અને તમારી તરફ દોડી આવ્યો, ત્યારે જે તલવારો અમારી આપેલી હતી તે અમારી જ વિરૂધ્ધ ઊંચકી! આપણા સૌના સમાન દુશ્મને જે ફિત્નાની આગ સળગાવી હતી તેની જવાળાનું રૂખ તમે અમારી તરફ ફેરવી નાખ્યું! પોતાના જ દુશ્મનોની હિમાયતમાં પોતાના જ પેશ્વાઓ અને માર્ગદર્શકોની વિરૂધ્ધ લડવા ઊભા થયા! જ્યારે કે આ દુશ્મન ન તો તમારા ફાયદા માટે ન્યાયથી વર્તવાના છે ન તેઓથી કશી નેકીની આશા રાખી શકાય છે. હા, દુનિયાએ તમારા સુધી હરામ નિવાલો પહોંચાડયો છે. બહુ થોડા સુખ-ઐશ અને બદનામીભરી ટૂંકી એવી જિંદગીની લલચામણી નજરે જોઈ રહ્યા છો!… તમારૂં મોઢું કાળું થાય, તમે ઉમ્મતના ફસાદખોરો અને માથાભારે અને નીચે કક્ષાના સમૂહમાંથી છો!… તમે ગુનાહખોર ત_વો, ખુદાની કિતાબમાં ફેરફાર કરનાર અને રસુલ (સ.અ.વ.)ની સુન્નતને ભૂંસી નાખનારા છો!… વાયદા વચનો અને કરાર તોડનારાઓ, (તમારા પર) અલ્લાહની ફિટકાર અને લઅનત હજો… જાણી લ્યો કે આ ઝલીલ ઈબ્ને ઝલીલ (ઈબ્ને ઝિયાદ)એ મને દ્વિમુખી માર્ગ પર લાવીને ઊભો કરી દીધો છે: તલવાર (કુરબાની) અથવા અપમાન ઝિલ્લત (બયઅત) પણ હું. હરગિઝ ઝિલ્લત અપમાન સ્વીકારી નથી શકતો… જાણી લ્યો, હું આ આંગળીના વેઢે ગણી શકાય એટલા મિત્રો અને સહાયકો (ની હાજરી) અને કેટલાંકોએ મોઢું ફેરવી લીધું હોવા છતાં જેહાદ કરીશ…”

ઈમામે પોતાની બીજી તકરીર પછી હુજ્જત પૂરી કરવા માટે ઉમરે સઅદને બોલાવ્યો. યુદ્ઘના ભયજનક પરિણામો તેની સામે રાખ્યા, પણ સત્તા અને હોદ્દાની લાલચ ને મોહ તેના ઉપર એટલા બધા છવાઈ ગયા હતા કે કંઇ વિચારવા સમજવાની શકિત જ તેનામાં રહી નહોતી.

હવે ઉમર સઅદે લડાઈ શરૂ કરી અને ઈમામના ખયમા તરફ એક તીર છોડયું અને પોતાના સૈનિકોને સંબોધન કર્યું: “જુઓ, અમીર પાસે સાક્ષી આપજો, હું જ પહેલો માણસ છું કે જેણે હુસયન ઈબ્ને અલી (અ.સ.)ના ખૈમા તરફ સૌથી પહેલું તીર ફેંકયું છે.” આ રીતે ઈમામ અને એમના સાથીઓ સામે કરબલાનું યુદ્ઘ શરૂ થયું.

લેખને ટૂંકાવતા ઈતિહાસના આ પાનાઓ બંધ કરીએ છીએ. બાકીના બનાવો ઈન્શાઅલ્લાહ હવે પછી વાચકો સામે રજૂ કરશું. પરંતુ મિત્રો, એટલું ધ્યાનમાં રાખજો કે હ. સય્યદુશ શોહદા (અ.સ.)ના બનાવો બધાય વર્ગના લોકો માટે પાઠ આપનારા છે. કેમકે સત્યને અસત્ય વચ્ચેની આ જંગમાં દરેક વર્ગ, વંશ, સમૂહ પોતાની વય અને કક્ષાની નજરે પોતાનું પ્રતિનિધિત્વ જોઈ રહ્યો છે. હવે આપણી ફર્ઝ છે કે ઇમામ (અ.સ.)ના પવિત્ર મુખેથી ઉચ્ચારાયેલા એ શબ્દો આપણા જીવનમાં ઉતારી લઈએ, આપણી જાતને સંભાળી રાખીએ કે ખુદા નખાસ્તા ઈમામ હુસયન (અ.સ.)ના ઝમાનાના લોકો એટલે કે કુફીઓ જેવા આપણે ન બની જઈએ અને આપણા ઝમાનાના ઈમામ હઝરતે હુજ્જત ઈબ્નુલ હસનથી મોઢું ન ફેરવી લઈએ, અને તે આપણાથી નારાજ થઇ જાય, ખુદાના અહકામ અને મઅસૂમીન (અ.મુ.સ.)ના ફરમાનોની નાફરમાની કરીને એમના દુશ્મનોની હરોળમાં ન આવી જઈએ.


હ. ઈમામ હુસયન (અ.સ.)ની કબ્રની ઝિયારત

હ. ઈ. હુસયન (અ.સ.)ની કબ્રની ઝિયારત ગુનાહો માફ થવાનું કારણ, શફાઅત મેળવવાનો અધિકાર, હાજતો પૂરી થવી, ઉમર (વય)માં વધારો થવો, સદ્‌ભાગી જીવન અને ખુશનસીબીભર્યું મૌત પામવાનું કારણ બને છે.

મહાન આલિમ, અલ્લામા મજલીસી (અ.ર.) પોતાની કિતાબ “બેહારૂલ અન્વાર”માં નીચેની હદીસ શૈખ સદુક (અ.ર.)ની “અમાલી”માંથી ઉતારે છે.

“અબ્દુલ્લાહ બિન ફઝલ કહે છે: હું હ. ઈ. સાદિક (અ.સ.)ની સેવામાં હાજર હતો, એવામાં “તૂસ”નો એક રહેવાસી આવ્યો અને હઝરતને અર્ઝ કરવા લાગ્યો રસુલે ખુદા (સ.અ.વ.)ના પુત્ર! જે કોઇ હ.ઈ. હુસયન (અ.સ.)ની કબ્રની ઝિયારત કરે, તો તેનો શું અજર મળશે? આપે જવાબ આપ્યો:

“અય તૂસી! જે કોઈ હ. અબુ અબ્દિલ્લાહિલ હુસયન (અ.સ.)ની કબ્રની ઝિયારત કરે અને તે જાણતો હોય કે આ મહાન ઈમામ કે, જેની તાબેદારી અને અનુસરણ બંદાઓ ઉપર વાજીબ છે, તો ખુદાવંદે આલમ તેના અગાઉના અને હવે પછીના ગુનાહો માફ કરી દેશે, સીત્તેર માણસોની શફાઅત તે કરશે તો કબુલ થશે અને હઝરતની કબ્ર પાસે જે કંઈ માગશે તે ખુદાવંદે આલમ તેને આપશે.”

એક બીજી હદીસ ઉપરની હદીસનું સમર્થન કરે છે, કે હ. ઈ. બાકિર (અ.સ.) હ. ઈ. સાદિક (અ.સ.)એ ફરમાવ્યું: “ખુદાવંદે કરીમે હ. ઈ. હુસયન (અ.સ.)ની કુરબાનીના બદલામાં તેમને આ વિશિષ્ઠતાઓ આપી છે: એમના વંશમાં ઈમામત, એમની કબ્રની માટીમાં શફા અને કબ્ર પાસે માગવામાં આવેલી દોઆની કબુલિયત (સ્વીકાર).”

ખુદાવંદે આલમ, એમની પવિત્ર કબ્રની ઝિયારત કરવાની તૌફીક, એમના આસ્તાનાના મુશ્તાક અને ઉત્કંઠા ધરાવનારાઓને આપે.

અલ્લામા મજલિસી (અ.ર.) એક બીજી રિવાયત “કામિલુઝ ઝિયારાત”માંથી નકલ કરે છે.

અબ્દુલ મલિક ખશ્અમી કહે છે: હ. ઈ. સાદિક (અ.સ.)એ મને ફરમાવ્યું: અબ્દુલ મલિક! હ. ઈ. હુસયન (અ.સ.)ની ઝિયારત કરવાનું મૂકી આપજો નહિ, પોતાના સાથીઓ અને મિત્રોને પણ આ નેક કામની દઅવત દેતા રહેજો, કેમ કે (એમ કરવાથી) અલ્લાહ તમારી ઉમરમાં વધારો કરશે, તમારી રોઝી વિશાળ કરશે, ખુદાવંદે આલમ તમને નેકબખ્તી સાથે જીવતા રાખશે અને એ જ સ્થિતિમાં મૌત આવશે. તમારૂં નામ નેક લોકોની નામાવલિમાં લખશે.

ઉપર લખેલી હદીસોનો સાર એ નીકળે છે કે ખુદાવંદે આલમ પોતાની બરકતો અને નેઅમતો મોકલે છે પણ તે મેળવવાના સાધનો વસીલાઓ જુદી જુદી જાતના હોય છે. આ હદીસોમાં આ બરકતો મેળવવાનો વસીલો સાધન ગુનાહોની બખ્શિશ, શફાઅત કરાવવાનો અધિકાર, હાજતોની પ્રાપ્તિ, લાંબી ઉમર, રોઝીમાં વધારો, સદ્‌ભાગી જીવન અને મૌત હ. ઈ. હુસયન (અ.સ.)ની કબ્રની ઝિયારત કરવામાં નક્કી થયા છે. આનાથી એ પણ જાણવા મળે છે કે, ખુદાવંદે આલમ સય્યદુશ-શોહદા (અ.સ.)ની કદરદાની કરે છે ત્યાં તેના વાસ્તાથી પોતાના બંદાઓને ફૈઝ પહોંચાડે છે.

Have your say!

Add your comment below, or trackback from your own site. You can also subscribe to these comments via RSS.

Be nice. Keep it clean. Stay on topic. No spam.