Home » અલ-મુન્તઝર માહે મોહર્રમ » ૧૪૧૪

હઝરત ઈમામ હુસૈન (અ.સ.)ના રોઝા મુબારકના વિનાશ અને પુનત્થાનના ઈતિહાસ પર એક દ્રષ્ટિપાત

Print Friendly

ઝહે ખુલુસે મોહબ્બત કે હાદસાતે જહાં

મુજહે તો કયા મેરે નકશે કદમ મીટા ન સકે

જાલિમ સદામ એમ સમજતો હશે કે તેણે મવલાએ કાએનાત અને એના ફરઝંદોના પવિત્ર રોઝાઓની બેહુરમતી કરીને પરચમે ઈસ્લામ (ઈસ્લામના ધ્વજ)ને નમાવી દીધો અને હુસૈનીયતનો હંમેશા માટે નાશ કરી નાખ્યો. કદાચ સદામની નજર ઈતિહાસના એ શ્યામ પૃષ્ઠો પર નહીં પડી હોય, જેમાં તેના રૂહાની પિતાઓ પણ આ મકહ અને દુષ્ટકૃત્ય કરી ચૂકયા હતા. પરંતુ દુનિયા એ જોઈ ચુકી છે કે એ પવિત્ર મઝારોના ગુંબજ અને મીનારા જે દીને ઈસ્લામની આબરૂ, આલે મોહમ્મદ અલયહેમુસ્સલામની કુરબાનીઓના સાક્ષી અને અલ્લાહની નિશાનીઓ છે, તે પહેલા કરતા વધારે પ્રમાણમાં પ્રકાશિત બનીને હુસૈની અઝમતો અને અલવી શાનો શૌકતના સાક્ષી બની રહ્યા છે. આવો, વિતેલી સદીઓની છાતીઓ ચીરીને રોઝએ હુસૈનીના ઈતિહાસ પર એક ઉડતી નજર નાખીએ.

ઈમામે હુસૈન (અ.સ.)નો રોઝો મુબારક કેટલીય વખત આલે રસુલ અલયહેમુસ્સલામ પ્રત્યેની કીન્નાખોરી અને ઝુલ્મનો શિકાર બન્યો છે. બની ઉમય્યા અને બની અબ્બાસના જાલિમ અને અત્યાચારી બાદશાહો અને હાકીમોએ તેને કેટલીયે વખત તબાહ અને બરબાદ કરીને જમીન દોસ્ત કરી નાખ્યો અને તેની ઈમારતમાંથી જે માલ મળ્યો તેને લૂંટીને પોતાને ઘરે લઈ ગયા. કરબલાના ઈતિહાસ પર રોઝા મુબારકના પ્રાથમિક કાળથી અત્યાર સુધીના સમયગાળા પર ઉડતી નજર નાખતા જણાય છે કે આ ઈમરતને ઓછા વતા અંશે આઠ વખત નાશ કરવામાં આવી અને તેટલીજ વખત ફરીથી બનાવવામાં આવી. રોઝા મુબારકની ઈમારત એક વખતે તોડવામાં આવી તો બીજી વખત વધારે સારી અને સુંદર રીતે બનાવવામાં આવી અને ત્રીજી વખત તેના વધારો શાનો શૌકતવાળી ઈમારત બનાવવામાં આવી. ફરી પાછી દુશ્મનોના હાથે ઈમારતને ખરાબ કરી નાખવામાં આવી અને ફરી વધુ સારી રીતે બનાવવામાં આવી. આવી રીતે હઝરત ઈમામ હુસૈન (અ.સ.)ના રોઝા મુબારકની ઈમારત વારંવાર પડતી ગઈ અને ફરી વધારે સુંદર, આકર્ષક અને શાનો શૌકતભરી બનતી ગઈ.

વાકએ કરબલા પછી રોઝા મુબારકની પહેલી ઈમારત અને તેનો નાશ

ઈમામે મઝલુમની શહાદત પછી કબ્રે મુતહહર પહેલી વખત બની ઉમય્યાના સત્તાકાળમાં બાંધવામાં આવી. તે વખતે માત્ર એક જ છત અને એક મસ્જીદ બનાવવામાં આવી. અને પૂર્વ દિશા તરફ એક દરવાજો રાખવામાં આવ્યો. બીજો દરવાજો અન્ય કોઈ દિશામાં હતો. સૌથી પહેલા રોઝા મુબારકની ઈમારત કોણે બનાવી તે તો ખાત્રીપૂર્વક કહી શકાતું નથી. પરંતુ કેટલાક લોકોનું કહેવું છે કે બની અસદના કબીલાવાળાઓ ઈમામ હુસૈન (અ.સ.) અને તેમના અસ્હાબોને દફન કરવામાં શામેલ હતા તેથી તે લોકોએ કબ્રે મુતહહર પર છત અને મસ્જીદ બનાવી હશે. (નઝહતે અહલુલ હરમૈન, પા. ૧૪)

સાહેબે ક્ન્ઝુલ મસાએબના દ્રષ્ટિકોણ અનુસાર મુખ્તાર બીન અબી ઉબૈદા સકફી એ કબ્રે મુતહહર પર ઈમારત અને કબ્રની પાસે એક ગામ વસાવ્યું હતું. (મજાલીયુલ લતીફ, પા. ૨૮, નઝહતે અહલુલ હરમૈન, પા. ૧૪, તારીખે કરબલા એ મોઅલ્લા, પા. ૧૦)

આ ઈમારત બની ઉમય્યાના કાળ સુધી અસ્તિત્વમાં રહી. સાથો સાથ એ ઈમારતની આજુબાજુમાં પોલીસ ચોકીઓ બનાવવામાં આવી. જેના ચોકીયાત, ઝવ્વારોને કબ્રની પાસે આવતા રોકતા હતા. આ ઈમારત અને મસ્જીદ બની અબ્બાસે સત્તાના સૂત્રો સંભાળ્યા ત્યાં સુધી કાયમ રહી. એ ઝમાનામાં આ ઈમારતો તબાહી અને બરબાદીથી સુરક્ષિત રહી તેનું પહેલું કારણ એ હતું કે બની અબ્બાસના સત્તાધીશો તે ઝમાનામાં પોતાની હુકુમતના પાયા મજબુત કરવામાં લાગ્યા હતા. બીજું કારણ એ હતું કે બની અબ્બાસના પ્રચારકો અને સાથીદારો સામાન્ય મુસલમાનોમાં એવો પ્રચાર કરતા હતા કે અમે આ હુકુમતને બની ઉમય્યા પાસેથી મેળવીને તેના જાએઝ અને શરઈ હકદાર એહલેબૈતે પયગમ્બર (સ.અ.વ.)ના હવાલે કરવા માંગીએ છીએ. પરંતુ જ્યારે બની અબ્બાસની હુકુમત પ્રસ્થાપિત અને મજબુત થઈ ગઈ ત્યાર પછી તેમણે ધીરે ધીરે અવલાદે અબુ તાલીબ અને અલી (અ.સ.)ના દોસ્તો સાથે દુશ્મની વ્યકત કરવાની શરૂઆત કરી. સફફાહના ઝમાના સુધી આ અદાવત અને દુશ્મની છપી રહી પણ મન્સુરના ઝમાનામાં આ દુશ્મની સ્પષ્ટ રીતે વ્યકત થવા લાગી. એટલુંજ નહીં પણ ખુબજ ભયંકર સ્વપમાં વ્યકત થવા લાગી. તેમણે અવલાદે ઈમામ હસન અલયહીસ્સલામના મોટા ભાગના સંબંધીઓ તથા ચાહનારાઓને નેસ્ત નાબુદ કરવા માટે કમર કસી. ઈમામે હસન (અ.સ.)ના જે સગાસંબંધીઓ ઉપર તેમનું ચાલ્યુ તેમને તબાહ અને બરબાદ કરીને જ છોડયા. ‘હાદી’અને ‘મહદી’ના સત્તાકાળમાં આ અદાવત કંઈક હળવી પડી પણ હાન રશીદના ઝમાનામાં ફરી તેણે જોર પકડયું. તેમણે દરેક કાંકરા અને પત્થરની નીચેથી સાદાત અને અલવી લોકોને પકડી પકડીને બહાર કાઢયા. ઈમામ (અ.સ.)ના નજદીકના સગાઓને કૈદમાં નાખવામાં આવ્યા. તેઓના સરદારોને કત્લ કરી નાખવામાં આવ્યા અને બુઝુર્ગ અને પ્રતિષ્ઠિત વ્યકિતઓને હડધુત કરવામાં આવ્યા. એટલી હદ સુધી કે ઈર્ષા અને દુશ્મનીના કારણે હારૂન રશીદે કરબલાએ મોઅલ્લાનો ધ્વંસ કરી નાખવાનો, ઈમામ હુસૈન અલયહીસ્સલામના પવિત્ર મઝારને છીન્ન ભીન્ન કરી નાખવાનો અને કબ્ર મુબારકની પાસે ઉગાડવામાં આવેલ બોરના ઝાડને પણ તોડી નાખવાનો હુકમ આપ્યો. જેથી એ તમામ નિશાનીઓનો નાશ થઈ જાય. આ વિષયમાં સૈય્યદ મોહમ્મદ બિન અબી તાલીબ લખે છે:

કબ્રે હુસૈન પર મસ્જીદ પણ બનાવવામાં આવી હતી. આ મસ્જીદ બની ઉમય્યા અને બની અબ્બાસના ઝમાના સુધી અકબંધ હતી. પરંતુ હારૂન રશીદે તે મસ્જીદને પણ તોડાવી નાખી. બોરના એ ઝાડને પણ તોડાવી નાખ્યું અને કબ્રે હુસૈનના મઝહારની જગ્યા એ સમથળ જમીન બનાવી દીધી. જેનાથી તેની કોઈ નીશાની રહી નહી.

(તસ્લીયતુલ મજાલીસ, નીઝહતુળ હરમૈન)

કરબલાએ મોઅલ્લાની આ પ્રથમ ઈમારત હારૂન રશીદની હુકુમતના ઝમાના એટલે કે સન ૧૯૩ હિજરી સુધી અસ્તિત્વમાં રહી.

પવિત્ર રોઝા મુબારકનું બીજું નિર્માણ કાર્ય

હારૂન રશીદે રોઝા મુબારકની પ્રથમ ઈમારતનો નાશ કર્યા પછી બીજી ઈમારતનું નિર્માણકાર્ય થયું. જે ચાલીસ વર્ષ સુધી એટલેકે મુતવક્કીલના સત્તાકાળ સુધી અસ્તિત્વમાં રહ્યું. આ બીજી ઈમારત હાન રશીદના મરણ પછી બનાવવામાં આવી હતી. કેટલાક લોકોનું માનવું છે કે મામુન રશીદે જે વર્ષે એહલેબૈતે પયગમ્બરની મોહબ્બત વ્યકત કરી તેજ વર્ષે રોઝાનું નિર્માણકાર્ય ફરીથી શરૂ કરાવી દીધું હતું. મામુન રશીદે તેમના ખુરાસાની મિત્રો અને હમદર્દોને ખુશ રાખવા માટે તેણે ઈમામ અલી બિન મુસા અર – રેઝા અલયહીસ્સલામને પોતાના વલીઅહદ નિયુકત કર્યા. અબ્બાસીઓનો કાળો રંગ છોડીને અલવીઓનો લીલો રંગ અપનાવ્યો.

આ એક અફર હકીકત છે કે મામુનના સત્તાકાળ દરમ્યાન પવિત્ર રોઝા મુબારકનું નિર્માણકાર્ય ફરીથી શરૂ થયું હતું અને સરઝમીને હાઈર (એ જમીન જ્યાં હઝરત ઈમામ હુસૈન (અ.સ.) શહીદ થયા હતા) પર એક ઉંચી અને ભવ્ય ઈમારત બનાવવામાં આવી હતી.

આ ઈમારત મુતવક્કીલ સત્તા ઉપર આવ્યો ત્યાં સુધી એટલેકે હીજરી૨૩૨સુધી અસ્તિત્વમાં રહી. મુતવક્કીલે સત્તાના સુત્રો સંભાળતાની સાથેજ આલે મોહમ્મદ (સ.અ.વ.)ના દોસ્તદારોના ગળા દબાવવાનું શરૂ કરી દીધું. ઈસ્લામી હુકુમતના ખુણે ખુણામાં તેઓનો પીછો કર્યો. તેની હુકુમતના પંદર વર્ષના સત્તાકાળ એટલેકે હીજરી૨૩૨થી હી. ૨૪૭સુધીમાં તેણે ચાર વખત ઈમામે હુસૈન અલયહીસ્સલામની કબ્રે મુતહહરનો ધ્વંસ કર્યો. એટલુંજ નહીં રાતો રાત કબ્રે મુતહહરના નિશાન પણ મીટાવી દીધા અને તેની ઉપર હળ ચલાવીને ખેતી કરવાના પ્રત્યનો કર્યા. પહેલી વખત તેના શાસનકાળના પ્રથમ વર્ષે જ્યારે તેની એક ગાયીકા કનીઝ હી. ૨૩૨ના મોહ શાઅબાનમાં કરબલાએ મોઅલ્લાની ઝિયારત માટે ગઈ ત્યારે, બીજી વખત હી. ૨૩૬માં, ત્રીજી વખત હી. ૨૩૭માં અને ચોથી વખત હી. ૨૪૭માં તેણે આ દુષ્કૃત્ય કર્યુ. અને છેલ્લા વર્ષે, તેના જ પુત્ર મુન્તસીરના ઈશારે તુર્ક લશ્કરી અધિકારીએ તેને કત્લ કરી નાખ્યો. મુતવક્કીલે તેના સમગ્ર સત્તાકાળ દરમ્યાન કરબલાએ મોઅલ્લામાં લશ્કરી ચોકીઓ બનાવી હતી. જ્યાંથી તેના સૈનિકો ગરૂડ જેવી તિક્ષણ નજરે ઝવ્વારો પર ધ્યાન રાખતા હતા. તેમને કોઈ ઝવ્વાર દેખાય કે તુરતજ તેને ગીરફતાર કરીને તેમની સાથે કનિષ્ઠ વ્યવહાર કરવામાં આવતો. તેને ગંભીર ઈજાઓ આપવામાં આવતી. હાથ-પગ કાપી નાખવામાં આવતા. તેમને શુળીએ ચઢાવી દેવામાં આવતા અથવા તો તલવારથી ગરદન ઉડાવી દેવામાં આવતી.

મુતવક્કીલનો પુત્ર મુન્તસીર તેના પિતા દ્વારા એહલેબૈતે રસુલ (સ.અ.વ.) પ્રત્યેની અદાવત અને તેમના પર ગુજારવામાં આવતા ઝુલ્મો સિતમ જોઈને અંદર ખાને બળતો રહેતો હતો. જ્યારે પોતાના જ કાને દુખ્તરે રસુલે ખુદા (સ.અ.વ.) જનાબે સૈયદાએ આલમ ફાતેમા ઝહેરાની શાનમાં મુતવક્કીલની અયોગ્ય અને બેહુદા વાતો સાંભળી ત્યારે તેની સહન શકિતનો અંત આવી ગયો. તેણે કોઈ આલીમને પોતાના પિતાને કત્લ કરી નાખવા બાબતે મસઅલો પૂછયો. આલીમે કહ્યું: મુતવક્કીલ વાજીબુલ કત્લ (એટલેકે તેને કત્લ કરી નાખવો વાજીબ) છે. પરંતુ પોતાના જ પિતાને કત્લ કરનાર વધુ દિવસ જીવીત રહેતો નથી. મુન્તસીરે કહ્યું: જો હું મારા બાપને કત્લ કરીને ખુદાનો હુકમ બજાવી લાવતો હોઉ તો પછી મને મોતની કોઈ પરવા નથી. આમ દિકરાએ પોતાની જીંદગીની પરવા ન કરી અને તુર્કી ફૌજી અધિકારીઓ મારફત મુતવક્કીલને મૌતને ઘાટ ઉતારી દીધો. (મનાકીબ શહર બીન આશુબ, બેહાલ અન્વાર)

રૌઝેએ હુસૈનીનું ત્રીજું નિર્માણ

રૌઝએ અત્હરનું ત્રીજું નિર્માણકાર્ય હી. ૨૪૭માં થયું હતું. મુન્તસીર તેના બાપના કત્લ થવા પછી સત્તા ઉપર આવ્યો. તે તેના બાપથી ઉલ્ટો મુત્તકી, ઝાહીદ, ઉદાર, દરિયાદીલ, પવિત્ર ગુણોવાળો અને અમાનદતદાર હતો. તેને હંમેશા લોકોના કલ્યાણ અને લોકોની સુખ સુવિધા વધારવાની ફીકર ચીંતા રહેતી હતી. તેણે ખિલાફત મળવાની સાથેજ હઝરત અમીરૂલ મોઅમેનીન અલયહીસ્સલામ અને ઈમામ હુસૈન અરવાહના ફીદાહના રોઝાનું નિર્માણ કાર્ય શરૂ કરાવી દીધું. તેણે મુતવક્કીલે જપ્ત કરેલી એહલેબૈતે રિસાલતની એ મઝહબી ઈમારતોને મુકત કરાવી દીધી. મુન્તસીર અલીના માનનારાઓ અને આલે અબુ તાલીબ (અ.સ.) પર મહેરબાન હતો તેમજ તેણે પોતાના સત્તાકાળમાં તેમના પર ખુબજ એહસાન કર્યા તેઓમાં માલ દૌલતની વહેંચણી કરાવી. એહલેબૈત (અ.મુ.સ.)ની કબ્રોને પૂન: શાનો શૌકત આપી. તેણે ઈમામ હુસૈન (અ.સ.)ના રોઝાના પુન: નિર્માણની સાથો સાથલોકોની ઈમામ હુસૈન (અ.સ.)ની ઝિયારત કરવા માટે ‘હૌસલા અફઝાઈ’પણ કરાવી. આમ, રૌઝએ હુસૈનનું ત્રીજી વખતનું નિર્માણકાર્ય મુન્તસીરના હુકમથી હી. ૨૪૭માં થયું.

રૌઝએ અત્હરનું ચોથી વખત નિર્માણ કાર્ય

હાઈરે મુકદ્દસનું ચોથી વખત નિર્માણ હી. ૨૮૩ની આસપાસ થયું. હી. ૨૪૭થી૨૪૮સુધીમાં મુન્તસીરના ઝમાનામાં રોઝાની જે ઈમારત બનાવવામાં આવી હતી તે ઈમારત માહે ઝીલહજ્જ હી. ૩૭૩માં ઓચિંતી ધસી પડી અને રોઝએ મુતહહરની છત પણ પડી ગઈ. જેની નીચે મોટી સંખ્યામાં ઝવ્વારો દબાઈને મરી ગયા. તે અરફાનો મખ્સુસ દિવસ હતો. એ ખાસ દિવસે આ બનાવ બનવાનું કારણ માત્ર અકસ્માત જ હતો કે ઝમાનાની હુકુમતનું કાવત્રું હતું તેની વિગત મળતી નથી. તે ઈમારત બનાવતી વખતે પાયો કાચો રહી ગયો હતો કે તે હુકુમતનું ગંદુ રાજકરણ હતું. ગમે તેમ, પણ હુકુમતના રાજકરણની ગદદારી અને નવી ચાલબાજીઓને ધ્યાનમાં લેતા એ વાત જરાય આશ્ર્ચર્યની કે તર્ક વિહિન લાગતી નથી.

રોઝએ અકદસની છત હી. ૨૭૩માં તૂટી પડી હતી તે પછી દસ વરસ સુધી રોઝાની ઈમારત છત વગરની રહી. એટલે સુધી કે હી. ૨૮૩માં મોહમ્મદ બિન ઝૈદ બિન અલ હસન બિન મોહમ્મદ બિન ઈસ્માઈલ (મુલ્લકબ બે દાઈ સગીર)ના હાથે નવેસરથી રોઝાનું નિર્માણ કરવામાં આવ્યું. મોહમ્મદ દાઈ સગીર તેના મોટાભાઈ હસન (અલ મુલ્લકબ બે દાઈ કબીર) પછી તબ્રીસ્તાનનો બાદશાહ થયો. તેની હુકુમત દસ વરસ સુધી રહી. તેણે ખલીફા મોઅતઝદ અબ્બાસીના શાસનકાળમાં નજફે અશરફ અને રૌઝએ હુસૈનીનું પુન: નિર્માણ કરાવ્યું.

હાઈરે અકદસનું પાંચમું નિર્માણ કાર્ય

હાઈરે મુકદ્દસનું પાંચમું નિર્માણ અઝદુદૌલા ફના ખુસરો બિન રૂકનુદદૌલા ઈબ્ને બો વિયાહ દયલમીના હાથે થયું. અઝદુદૌલા તાએઅ બિન મુતીઅ અબ્બાસીની ખિલાફતના ઝમાનામાં બગદાદનો અમીર બન્યો. અઝદુદૌલાએ કરબલા અને નજફની ઝિયારત કરી. તે બંને મશાહીદે મુકદ્દસ્સાની તઅઝીમ અને એહતેરામનું અસાધારણ આયોજન કર્યું. તેણે એ બંને ઈમારતોનું નવેસરથી નિર્માણ કર્યું. અઝદુદૌલા દર વર્ષે નજફ અને કરબલાની ઝિયારત માટે જતો હતો. બોવૈહેબોના ઝમાનામાં કરબલાનો બહુજ વિકાસ થયો ત્યાંનું દીની, સામાજીક, રાજકીય અને આર્થિક મહત્વ વધી ગયું. વ્યાપારમાં વૃધ્ધિ થઈ અને ખેતીવાડીની ઉપજમાં અસાધારણ પ્રગતિ થઈ.

ઈલ્મ, કલા અને સમૃધ્ધિને ચાર ચાંદ લાગી ગયા. તે ઝમાનામાં મોટા મોટા આલીમો, નામાંકીત શાયરો પૈદા થયા અને તેમની દીની પ્રવૃત્તિનું કેન્દ્ર અન્ય વિસ્તાર કરતા અગ્રતા મેળવી ગયું.

તેજ અઝદુદૌલાના ઝમાનામાં સર જમીને હાઈર ઉપર ઈમરાન બિન શાહીને મસ્જીદ અને સહેન બનાવ્યા જે ‘રવાકે ઈમરાન’ના નામથી મશ્હુર છે.

રૌઝએ શબ્બીરનું છઠ્ઠી વખત બાંધકામ

પાંચમી સદી હીજરીના પ્રારંભમાં રૌઝએ હુસૈનીનું છઠ્ઠી વખત બાંધકામ કરવામાં આવ્યું. કેમકે અઝદુદૌલા બિન રૂકનુદૌલા એ હીજરી૩૭૯થી૩૮૦સુધી જે રોઝો બંધાવ્યો હતો તેને વે વખતની હુકુમતે વધારે દિવસ રહેવા દીધો ન હતો. એ ઈમારત ઓચિંતા જ અણધારીયા અકસ્માતથી રાખનો ઢગલો બની ગઈ. તે બનાવ આ પ્રમાણે બન્યો. હીજરી૪૦૭ના માહે રબીયુલ અવ્વલમાં એક રાતે ઓચિંતા જ રોઝા મુબારકમાં આગ લાગી ગઈ અને બધુ જ બળીને રાખ થઈ ગયું. આ આગ એટલી મોટી હતી કે રોઝા મુબારકના મિનારા અને ગુંબજ પણ આ આગમાં સલામત ન રહ્યા. આ આગમાં હરમે મુબારકનો થોડો ભાગ અને બહારની (શહરપનાહ) દિવાલનો ભાગ સલામત રહ્યો. પ્રાપ્ત માહિતિ મુજબ આ આગ રબીયુલ અવ્વલના પ્રથમ દસ દિવસના અંતમાં અથવા તો બીજા દસ દિવસના પ્રારંભમાં લાગી હતી. પરંતુ આ આગ આપમેળે નહોતી લાગી. તેની પાછળ ગુપ્ત હાથકામ કરી રહ્યા હતા. કાદીર બિલ્લાહ અબ્બાસી એ ઝમાનામાં ખલીફાના પદ પર હતો. તેના શાસનકાળમાં જે બનાવો અને ફીત્નાઓ આખા એ મુલ્કમાં ફેલાયા હતા, તે આ આગના બનાવથી સંબંધિત ન હોય તેમ અમે માનતા નથી.

જ્યારે તેના કાવત્રાઓના કારણે લોકો અશાંતિ અને બીન સલામતી અનુભવવા લાગ્યા, ત્યારે અબ્બાસી હુકુમત મજબુર થઈને વડા પ્રધાનનો હોદ્દો એક ગંભીર, અનુભવી અને પ્રબંધકુશળ વ્યકિતના હાથમાં સોંપવા માટે તૈયાર થઈ ગઈ જેના કારણે લોકોમાં ઉત્પન્ન થનાર ઉચાટને નિવારી શકાય અને શાંતિ તથા સલામતીનું વાતાવરણ ઉભુ થઈ શકે. તેથી રબિયુલ અવ્વલ પછીના બીજા જ મહીને ઈબ્ને સહલાન રામહરમઝીને વડાપ્રધાન બનાવવામાં આવ્યો.

માહે રબીયુલ અવ્વલમાં અબુ મોહમ્મદ હસન બિન ફઝલ રામહરમઝીને એ ઝમાનાના બાદશાહ દ્વારા સત્તા અને પ્રધાનપદ આપવામાં આવ્યું અને તેમણે હાઈરે હુસૈનીની ચાર દિવાલો બંધાવવાનું કામ કર્યું. (અલ મુન્તઝીમ મુસ્નીફ ઈબ્ને જવ્ઝી)

એ હીજરી૪૦૦માં જ અબુ મોહમ્મદ ઈબ્ને સહલાન બિમાર પડયો. તેની બિમારી ગંભીર થઈ ગઈ. તેણે બિમારીની હાલતમાં એવી માનતા માની કે મને સાંરૂ થઈ જશે તો અમીરૂલ મોઅમેનીનના રોઝાની ચારે બાજુ દિવાલો બનાવીશ. તેને બિમારીથી શફા મળી અને તેણે (પોતાની માનતા મુજબ) ચાર દિવાલો બનાવવાનો હુકમ આપ્યો. હીજરી૪૦૦માં અબુ ઈસ્હાક અરજાનીની દેખરેખ હેઠળ રોઝા મુબારકની ચારે બાજુ ચાર દિવાલ તૈયાર થઈ ગઈ. (અલ બદાયા વન નેહાયા, અલ્લામા ઈબ્ને કસીર)

ઈબ્ને સહલાન વધારે દિવસો સુધી જીવિત ન રહ્યો. તે હીજરી૪૨૪માં અવસાન પામ્યો. તેણે બનાવેલી રોઝા મુબારકની ઈમારત જે છઠ્ઠી વખતનું બાંધકામ હતું તે એક સદીથી વધારે સમય સલામત રહી નહીં. હીજરી૫૨૬માં ખલીફા મુસ્તરશીદ બિલ્લાહ અબ્બાસીએ ફરીથી કનડગત શરૂ કરી દીધી. તેના ઝમાનામાં નિર્દયતા અને ક્રુરતાનું ચક્ર ફરીથી ગતિમાં આવ્યું. તેણે આલે રસુલ (સ.અ.વ.)ના દોસ્તો માટે જીવવું મુશ્કેલ કરી નાખ્યું. હાઈરે મુકદ્દસનો ખજાનો જર જવેરાતથી છલકાતો હતો. આ બધું ઈમામે હુસૈન (અ.સ.)ની નઝર અથવા તો વકફના સ્વરૂપ આવ્યું હતું. તેની ઉપર મુસ્તરશીદે છાપો માર્યો અને તેના હાથમાં જે કાંઈ આવ્યું તે લૂંટી લીધું અને તેણે એ બધી દૌલત લશ્કરવાળાઓ વચ્ચે વહેંચી દીધી. પરંતુ આશ્ર્ચર્યની વાત તો એ છે કે આવી લૂંટ કરવા છતાં પણ તેણે હુસૈની રોઝાની ઈમારતમાં હુસૈની મઝારે મુકદ્દસની કોઈપણ પ્રકારની બેઅદબી કરી ન હતી.

આસ્તાને મુકદ્દસનું સાતમું નિર્માણ

પાંચી અને છઠ્ઠી સદી હીજરી દરમ્યાન રોઝાએ હુસૈનીનું પુન: નિર્માણ કે મરામત કરવી પડે એવો કોઈ બનાવ બન્યો ન હતો. તેથી આ ઈમારત જે હીજરી૪૦૭માં બનાવવામાં આવી હતી તે અબુલ અબ્બાસ એહમદ અલ નાસીરૂદ્દીનિલ્લાહના ઝમાના એટલે કે હી. ૫૭૫થી૬૬૨સુધી સલામત રીતે અસ્તિત્વમાં રહી.

અન્નાસીરૂદ્દીનિલ્લાહ ખુબજ સત્તાવાન ખલીફા હતો. તેના સત્તાકાળમાં લોકો ખુશહાલી અને સમૃધ્ધિ પૂર્ણ જીવન વ્યતીત કરતા હતા. એ ખલીફા પોતે અઝમત અને જલાલતની સાથે પાકીઝા ગુણોનો માલિક હતો અને પોતાના પૂર્વજોથી ઉલ્ટો, એહલેબૈતે તાહેરીન (અ.મુ.સ.)નો દોસ્તદાર પણ હતો. તેણે ઈમામ મુસા કાઝીમ અલયહીસ્સલામના પવિત્ર રોઝાને ‘શાન્તિ સલામતીની જગ્યા’ઘોષિત કરી હતી. જે કોઈ ગુન્હેગાર તેમાં આશરો લેતો હતો તેની જાન અને માલને સુરક્ષિત રાખવામાં આવતા અને હુકુમત દ્વારા તેને કોઈપણ પ્રકારની રોક ટોક થતી ન હતી. લોકો પોતાની હાજતો પૂરી કરવા, પરેશાનીથી મુકિત માટે અને ગુનાહોની સજાથી બચવા માટે આ રોઝામાં આશરો લેતા હતા. નાસિદ્દીનલ્લાહ તેની હાજતોને પૂરી કરતો, તેની તકલીફોને દૂર કરવા માટે તેની મદદ કરતો અને તેમની ભુલોને માફ કરી દેતો હતો. આના કારણે તેના ઝમાનામાં કરબલાએ મોઅલ્લા અને બીજી ઈમારતો ઝળહળી ઉઠયા. ઝવ્વારોનું મહત્વ વધી ગયું. આજુ બાજુના ગામોમાંથી ટોળાબંધ લોકો કરબલાએ મોઅલ્લાની ઝિયારત માટે આવવા લાગ્યા. આશરે અડધી સદીની હુકુમતના કાળમાં તેણે હાઈરે હુસૈનીને અસાધારણ રોનક આપી હતી. અને પાંચમી સદીના પ્રારંભમાં ઈબ્ને સાહેલાને જે રોઝો બનાવ્યો હતો તેને પુન: નિર્માણ કરવાની જરૂર ન હતી. તેમ છતાં એહલેબૈતે અત્હાર (અ.મુ.સ.)ની અકીદત અને મોહબ્બતે નાસિરને એ ઈમારતના પ્રભાવ (જલાલ) અને સૌંદર્યમાં વૃધ્ધિ કરવા માટે મજબુર કરી દીધો. તેણે પોતાના વઝીર મોયુદ્દીન મોહમ્મદ મીકદાદી કુમ્મીને હાઈરની શોભામાં અભિવૃધ્ધિ અને યોગ્ય પુન: નિર્માણ કરાવવા માટે હુકમ આપ્યો. નાસિરની જીંદગીના અંતિમ ભાગ હીજરી૬૨૦માં, વઝીરે રોઝા મુબારકના સ્થિરતા (મજબુતી) અને શણગારના કામનો આરંભ કરાવ્યો. તેણે ઈમારતના બાંધકામ માટે અસાધારણ દ્રઢતા અને તન્મયતાથી કામ લીધું. તેણે રોઝાની દિવાલો પર સાગના લાકડા ચડાવ્યા અને બધી દિવાલો પર કિંમતી રેશમી પરદાઓ લગાવ્યા.

આ પ્રકારની શાનો શૌકત, શણગાર અને ભવ્યતા બીજા રોઝા મુબારકને પણ આપવામાં આવી સમર્રામાં પણ આ પ્રમાણે કરવામાં આવ્યું. જેમાં ભોયંરૂ પણ બનાવવામાં આવ્યું જેમાં કિંમતી અરીસા (કાચ)ની જાળી બનાવવામાં આવી. તેની ઉપર કુરઆને શરીફની આ આયત કોતારવામાં આવી:

બિસ્મિલ્લાહીર રહમાનીર રહીમ.

કુલ લા અસ અલોકુમ અલયહે અજરન ઈલ્લલ મવદદતા ફીલ કુરબા વમંયયકતરીફ હસનતન ફઝીદલહુ ફીહા હસન ઈન્નલ્લાહ ગફુન શકુર.

દિવાલો પર નીચે મુજબનું લખાણ કોતરવામાં આવ્યું:

બિસ્મિલ્લા હીર રહમા નીર રહીમ

મોહંમદુર રસુલુલ્લાહ, અમીરૂલ મોઅમેનીન વલીય્યુલ્લાહ, ફાતેમહ, અલ હસનુબનો અલી, અલ હુસયનુબ્નો અલી, અલીયયુબ્નુલ, હુસૈન, જઅફબ્નો મોહમ્મદ, મુસબ્નો જઅફર, અલીયુબ્નો મુસા, મોહમ્મદુબ્નો અલી, અલીય્યુબ્નો મોહમ્મદ, અલ હસનુબ્નો અલી, અલ કાએમો બીલ હક્ક

આરામગાહે હુસૈની (..)નું આઠમું નિર્માણ

હરમે હુસૈની અગ્નિકાંડનો ભોગ બન્યા પછી હીજરી૪૦૭માં સુલતાનુદદૌલા દયલમીના વઝીર ઈબ્ને સેહલાને રોઝા મુબારકનું મોટા પાયા પર પુન: નિર્માણ કરાવ્યું ત્યાર બાદ અબ્બાસી ખલીફા નાસીરૂદ્દીનુલ્લાહના હુકમથી હીજરી૬૨૦માં તેના વઝીર મોયુદ્દીન મીકદાદે કુમ્મીએ તે રોઝામાં ઘણો સુધારો વધારો અને સુશોભનની વ્યવસ્થા કરાવી. એ ઈમારત એજ હાલતમાં લગભગ ત્રણસો સાઠ વર્ષ સુધી યથાવત રહી. પાંચમી, છઠ્ઠી, સાતમી સદી હીજરી ખુબજ સારી રીતે પસાર થઈ. આઠમી સદી હીજરીનો મોટો ભાગ પણ સારી રીતે પસાર થયો. આ સમયગાળા દરમ્યાન રોઝા મુબારકની ઈમારતને કોઈ નુકસાન કે બેહુરમતી થઈ ન હતી. આ ઈમારતે ઈરાકમાં અબ્બાસી હુકુમતનો અંત મંગોલોનો ઉદય અને જલાયરી બાદશાહનો સત્તાકાળ પણ જોયો.

જાણીતા પ્રવાસી ઈબ્ને બતૂતાએ હીજરી૭૨૭માં એ હુકુમતને જોઈ. તેણે પોતાના પ્રવાસ વર્ણનમાં આ પ્રમાણે નોંધ કરી છે.

પછી અમે કરબલા નામના શહેર તરફનો પ્રવાસ આરંભ્યો. જ્યાં હઝરત ઈમામ હુસૈન (અ.સ.)ની કબ્ર આવેલી છે. આ એક નાનકડું શહેર છે, જેની ચોતરફ ખજુરોના વૃક્ષ છે અને ફુરાત નામની નદીનું પાણી આ વૃક્ષોને તૃપ્ત કરી રહ્યું છે. અહીં એક મોટો મદ્રેસો આવેલો છે. તેમજ એક પવિત્ર જગ્યા આવેલી છે. જેમાં આવતા જતા પ્રવાસીઓની મહેમાન નવાઝી કરવામાં આવે છે. રોઝાનું પ્રવેશદ્વાર આંગતુક હાજીઓ અને ઝવ્વારોના સમુહથી ઘેરાયેલું રહે છે. ઝરીહ મુબારક સોના ચાંદીની કંદીલોથી સુશોભિત છે. દરવાજાઓ પર રેશમના પરદાઓ નાખવામાં આવ્યા છે. (રેહલતે ઈબ્ને બતુતા જી. ૧પા. ૧૩૯મિસરથી પ્રકાશિત થયેલ)

હાલની આ ઈમારત સુલતાન ઓવૈસ બિન શૈખ હસન અલ જલાયરીના સત્તાકાળમાં બનાવવામાં આવી. તેણે હીજરી૭૬૭માં એટલેકે ઈબ્ને બતુતાની પ્રવાસકથા લખાવાના ચાલીસ વર્ષ પછી મસ્જીદ અને હાઈરે હુસૈનીનું નિર્માણકાર્ય નવેસરથી શરૂ કરાવ્યું. ત્યાર પછી સુલતાન ઓવેસના પુત્રો સુલતાન હુસૈન અને સુલતાન એહમદે રોઝા મુબારકનું નિર્માણકાર્ય પૂર્ણ કરાવ્યું. આ નિર્માણ કાર્યની તારીખનો ઉલ્લેખ નખલએ મરીયમ નામના મહેલ પર કરવામાં આવ્યો હતો. આ બાબતનો ઉલ્લેખ કિતાબ ‘કરબલાએ મોઅલ્લાનો ઈતિહાસ’માં મોહમ્મદ બિન સુલેમાન ઝુબેર સુલેમાનીએ પણ કર્યો છે જે તેણે આ ઐતિહાસિક મહેલ પોતાની આંખે જોયો હોવાનો ઉલ્લેખ છે.

રોઝા મુબારકની આ ઈમારત હીજરી૧૨૧૬સુધી સુરક્ષિત રહી. હીજરી૧૨૧૬માં વહાબીઓએ તેમના સરદાર ઈબ્ને સઉદની આગેવાની હેઠળ કરબલાએ મોઅલ્લા પર હુમલો કર્યો તે વખતે તેઓએ અસાધારણ પ્રમાણમાં લૂંટફાટ મચાવી. દસ હજારથી વધારે સંખ્યામાં નિર્દોષ અને નિશસ્ત્ર સ્ત્રીઓ, પુરૂષો, વૃધ્ધો અને બાળકોને બેરહમીથી કત્લ કર્યો. એજ વર્ષે ઉસ્માનીઓ (એટલેકે તુર્ક સુલતાનો) એ આ તારીખને તેની જગ્યાએથી હટાવી દીધી. એટલુંજ નહીં તેનું નામો નિશાન પણ મીટાવી દીધું! રોઝા મુબારકની જે ઈમારત સુલેમાને ઓવૈસે બનાવી હતી, તેણે પણ લગભગ તેનું અસલી સ્વરૂપ ગુમાવી દીધું. પરંતુ તેમાં કેટલાય સુધારા વધારા થતા રહ્યા. આ ઉપરાંત વખતો વખત ખાનદાનએ રિસાલતની મોહબ્બત ધરાવનારા વિખ્યાત ધનપતિ, બાદશાહો અને તુર્ક સુલતાનો એ ઈમારતમાં વૃધ્ધિ કરતા રહ્યા.

સુલતાન ઉવૈસ તેના પિતા શેખ હસન બાનીએ સલ્તનતે જલાયરીના અવસાન પછી ઈરાક અને ખુરાસાનનો બાદશાહ થયો. તેની સલ્તનત તબરૈઝમાં હતી. તેણે પોતાના ગુલામ અમીરજાનને (જે પછીથી મરજાનના નામથી વિખ્યાત બન્યો) બગદાદનો ગવર્નર નિયુકત કર્યો. મરજાને ઈરાકની સત્તા પ્રાપ્ત કરવા માટે હાકીમ સામે સરમુખત્યારી અને બગાવત કરી અને તે પોતાના હાકીમ (સુલતાન ઉવૈસ)ના હુકમોની અવગણના કરવા લાગ્યો. મરજાનને અંકુશમાં લેવા માટે સુલતાન ઉવૈસે લશ્કર મોકલ્યું ત્યારે મરજાનને પોતાની નબળાઈ દેખાવા લાગી. તેથી પોતાના ખાસ અસ્હાબની સલાહ મુજબ તેણે ઈમામે હુસૈન (અ.સ.)ના હરમમાં જઈ શરણ લીધું. ત્યાર પછી તેણે ‘માઝન-એ-અબ્દ’નામનો વિખ્યાત મિનારો બંધાવ્યો, આ મિનારો હાયરે હુસૈનીના પશ્ર્વિમ ભાગમાં મસ્જીદ પાસે બનાવેલ હતો. બગદાદ, કરબલા વગેરે જગ્યાએ તેની જેટલી દૌલત અને જાયદાદ હતી, તે બધી તેણે ઈમામ હુસૈન (અ.સ.)ના નામે વકફ કરી દીધી અને તેની બધીજ આવક મસ્જીદ અને મિનારા માટે વપરાવા લાગી.

જ્યારે સુલતાન ઉવૈસને એ વાતની માહિતી મળી કે મરજાને તેની તમામ દૌલત હરમે હુસૈની (અ.સ.) માટે વકફ કરી દીધી છે, ત્યારે તેણે મરજાનને માફ કરી દીધો ત્યાર પછી તેને પોતાની પાસે હાજર થવાનો હુકમ આપ્યો. તેના એ નિર્ણય બદલ તેનું સન્માન કરવામાં આવ્યું અને તેને પુન: બગદાદનો ગવર્નર નિયુકત કરવામાં આવ્યો.

ઉપરની વાતના સ્વરૂપે કહી શકાય કે જલાયરી પછી જે તે સમયના બાદશાહો વખતો વખત રોઝાએ મુકદ્દસની સુધારણા અને સુશોભનમાં ભાગ લેતા રહ્યા. સફવી કુટુંબ કબિલાની હુકુમત સત્તા ઉપર આવી ત્યારે શાહ ઈસ્માઈલ સફવી – જે ઈમામ મુસા કાઝીમ (અ.સ.)ના વંશજ હતા, કરબલાએ મોઅલ્લાના નિર્માણની સાથો સાથ રોઝા મુબારકની સુધારણા અને શણગારમાં ભાગ લેતા રહ્યા. એટલુંજ નહીં કરબલાને વધુ આબાદ સમૃધ્ધ કરવાની વ્યવસ્થા પણ કરી. અત: ‘નેહરે શાહ’તેમના યુગમાંજ બનાવવામાં આવી હતી. શાહ ઈસ્માઈલ સફવીએ પોતાની હયાતી દરમ્યાન ઝરીહે મુબારકની આસપાસ એક આલીશાન ઈમારત બનાવવાનો હુકમ આપ્યો.

થોડા સમય પછી શાહ સલીમ તુર્કી અને ઈરાની સુલતાનો વચ્ચે ઈરાક પર કબ્જો જમાવવા માટે સત્તાની ખેંચતાણ શરૂ થઈ. છેવટે સલીમના પુત્ર સુલતાન સુલૈમાન કાનુની એ હીજરી૯૪૧માં ઈરાક કબ્જે કર્યુ. શાહ ઈસ્માઈલે સફવીએ હાઈરે મુકદ્દસ માટે જે સંદુક (પેટી) બનાવી હતી તે આશરે હીજરી૯૩૨માં તૈયાર થઈ ગઈ હતી. પરંતુ હાલમાં કબ્રે મુતહહરમાં જે સંદુક છે તે પૂર્ણ થવાની તારીખ હીજરી૧૧૩૨છે. આ સંદુક શાહ તોહમાસ્પસફવીના જમાનામાં રોઝએ અકદસમાં મુકવામાં આવી હોવાની ધારણા છે. આ વર્ષ સંદુકના દક્ષીણ પશ્ર્વિમના ભાગે હાથી દાંતના અક્ષરોથી કોતરવામાં આવી છે. ત્યાર પછી તેનું સમારકામ હીજરીન૧૨૨૫માં કાચારી સુલતાનોના ઝમાનામાં કરાવવામાં આવ્યું જેનો ઉલ્લેખ તેની ઉપરની કોતરણીમાં કરવામાં આવ્યો છે.

દુશ્મને ખુદાના હાથે હીજરી૧૨૫૬માં આ સંદુકની ભાંગફોડ (વહાબીઓએ હીજરી૧૨૧૬માં આ સંદુકને તોડીને સળગાવી દીધી હતી) પછી ખાનજાન કાચારે હીજરી૧૨૨૫માં સંદુકને ફરીથી બનાવી હતી.

Have your say!

Add your comment below, or trackback from your own site. You can also subscribe to these comments via RSS.

Be nice. Keep it clean. Stay on topic. No spam.