ઈમામ મહદી (અજ.)ની ગાથા હઝરત અમીર (અ.સ.)ના સ્વમુખે

Print Friendly, PDF & Email

હઝરત ઈમામ મહદી (અ.સ.)નો અકીદો એટલો મહત્વનો છે કે દરેક તેની ચર્ચા કરી છે. આ ઝમાનામાં અજ્ઞાનતા, કુફ્રની મોતથી મુકિત આ અકીદાને સ્વિકારવા ઉપર આધારીત છે. આ લેખમાં સંક્ષિપ્તમાં એ રિવાયતોની ચર્ચા કરશું જે હઝરત અમીરૂલ મોઅમેનીન જનાબ અલી બીન અબી તાલીબ (અ.સ.) તરફથી આવેલી છે.

હ. અલી (અ.સ.)થી શરૂઆત મહદી (અજ.) થી અંત:

શરૂઆતથી અંતની જાણ થઈ જાય છે. અલી (અ.સ.) પહેલા છે અને તેના અંતમાં મહદી (અજ.) છે. તેથી શરૂઆત પાસેથી અંતની જાણકારી મેળવી શકાય. ઈમામ અલી (અ.સ.) ફરમાવે છે કે પયગમ્બરે અકરમ (સ.અ.વ.) એ મને ખબર આપી, ‘અમારા ખાનદાનમાંથી સાત વ્યકિતઓને અલ્લાહે પેદા કરી છે તેઓની જેવું બીજું કોઈ સર્જન કયારે પણ તેણે નથી કર્યું. અમારામાંથીજ રસુલે ખુદા (અમ્બીયાના વર્ગમાં) શરૂઆત અને અંતના સરદાર છે. અને (ખુદ) અંતિમ નબી છે. તેમના નવાસા હસન (અ.સ.) અને હુસૈન (અ.સ.) સૌથી શ્રેષ્ઠ નવાસા છે. શહિદોના સરદાર તેમના કાકા હમઝા છે. યકીનથી જેણે મલાએકાઓની સાથે (અવકાશોમાં) તવાફ કર્યો અથવા ઉડયા તે જઅફર (તૈયાર) છે. અને કાએમ (અ.સ.) પણ અમારામાંથી જ છે. (‘મુન્તખબુલ અસર’પા. ૧૭૩)

એક પ્રસંગે અલી (અ.સ.)એ અબી તુફેલને ફરમાવ્યું કે પયગમ્બરે અકરમ (સ.અ.વ.) ફરમાવે છે : ‘લવ લમ યબક મેનદ્દહરે ઈલ્લા યવ્મુન લબઅસલ્લાહો રજોલન મીન અહલેબયતી યમલઓહા અદલન કમા મોલેઅત જવરા’ (સહીહ અબી દાઉદ ફી કિતાબીલ મહદી)

જો દુનિયાની ઉમરમાં એક દિવસ પણ બાકી બચશે (તો પણ) ખુદાવંદે આલમ મારી અહલેબયતથી એક વ્યકિતને ઉઠાડશે જે દુનિયાને એવી રીતે ન્યાયથી ભરી દેશે જેવી રીતે તે ઝુલ્મ અને અત્યાચારથી ભરાએલી હશે.

હઝરત અમીરૂલ મોઅમેનીન (અ.સ.) એ જ્યાં પોતાના ખલીફા અંતર વગરના (બીલા ફસલ) હોવાની દલીલ કરી છે અને વિરોધ રજૂ કર્યો છે ત્યાં જ પોતાના અંતિમ વારસદારની ઓળખ પણ આપી છે. અને તેને દુનિયાને મુકિત આપનાર ગણાવ્યા છે.

અહિં એક હદીસ નમુનારૂપ રજુ કરીએ છીએ. જેમાં સૃષ્ટિની શરૂઆત અને મોહમ્મદ અને આલે મોહમ્મદ (અ.સ.)ના નૂરના સર્જનની વિગતો અને તે નૂરનું જુદા જુદા ઝમાનામાં જુદી જુદી નસલમાં પરિવર્તન થવું અને મલાએકા અને આદમના ચહેરાના સર્જનની વાત છે. અને નૂરનો હેતુ હઝરત મહદી (અ.સ.) છે. હ. અમીરૂલ મોઅમેનીન (અ.સ.) ફરમાવે છે:

‘યકીનથી ખુદાવંદે આલમે માનવના પિતા આદમને તે વસ્તુઓની જાણ કરી દીધી જે કાંઈ તેણે છુપાવેલી રાખી હતી અને તેમની મહાનતા અને ભવ્યતાને તેમના ઉપર જાહેર કરી અને ફરીશ્તાઓની વચ્ચે તેમને ‘ઈમામ’નું નામ આપ્યું અને તેમને ઈમામતનો દરજ્જો અને વિલાયતની સોંપણી કરી.’

આ કારણે હઝરત આદમ (અ.સ.)નો ભલાઈ અને રહેમતથી ફાયદો ઉઠાવવો એટલી જ માત્રા સુધી હતો જેટલો ખુદાવંદે આલમે અમારા નૂરમાંથી તેમનામાં છૂપી રીતે અમાનત રૂપે આપ્યો હતો. આજ રીતે ખુદાવંદે આલમે આ નૂરને એક પછી બીજામાં સમયના પસાર થવાની સાથે સાથે છુપું રાખ્યું ત્યાં સુધી કે મોહમ્મદ (સ.અ.વ.) સુધી પહોંચ્યું.

આ રીતે લોકોને બે રીતે, જાહેર અને ખાનગીમાં આ પયગમ્બરની તરફ ખુદાએ જાહેર અને છુપા અને દરેક રીતે તેમની તાબેદારી અને તેમની શરીઅતની તાબેદારીનું આમંત્રણ આપ્યું.

આ પયગમ્બરે લોકોને ખુદાના આ જ વાયદા અને કોલ અને કરારની તરફ દોર્યા અને સમજણ આપી કે જે ખુદાએ તેઓના જન્મ પહેલાની અવસ્થામાં લીધા હતા.

જે લોકોએ જન્મ પહેલાની અવસ્થામાં આ પયગમ્બરની તરફેણ કરી હતી અને આ હિદાયતના ચિરાગથી પોતાની મશાલોને પ્રકાશિત કરી હતી તેઓની હકીકત અને સંજોગોને ઓળખી લીધા અને તેઓના પ્રકાશિત નિયમોથી ફાયદો ઉઠાવ્યો અને જે લોકો (ઝરની સ્થિતિમાં જન્મ પહેલાની અવસ્થામાં) ગફલતનો શિકાર થયા અને મોઢું ફેરવી લીધું તે ગુસ્સા અને શિક્ષા (અઝાબ)ના હકદાર બન્યા. ત્યાં સુધી કે આ નૂર અમારામાં પરિવર્તિત થયું અને અમારા ઈમામોમાં ચમકયું.

એટલે જ માટે અમે આસમાન અને જમીનના નૂર છીએ અને અમારા જ દ્વારા મુકિત, કામયાબી-સફળતા અને લાભ છે અને તમામ છુપાએલા જ્ઞાનો અમારા દ્વારા જ જાહેર થશે અને બધા જ દુનિયાના કામો, કાનુનો-હુકમો અમારાજ તરફ પાછા ફરશે.

મહદી ખુદાની અંતિમ હુજ્જત અને અંતિમ ઈમામ

‘વ બે મહદીય્યેના તન્કતેઉલ હોજ જો ખાતેમતિલ અઈમ્મતે વ મુન્કેઝીલ ઉમ્મતે વ ગાયતીન નૂરે વહસ્દરીલ ઓમુરે.’

અને અમારા મહદીના આવવા થકી (જાહેર થવા પછી) હુજ્જતનો સિલસિલો કપાઈ જશે. (કેમકે અલ્લાહની છેલ્લી હુજ્જત એજ હઝરત હશે) અને ઈમામત તેની પૂર્ણતાએ પહોંચી જશે. તે અઈમ્મામાં છેલ્લા હશે. અને એ જ ઉમ્મતને મુકિત અપાવશે. અને એજ અલ્લાહના આ નૂરની પરિપૂર્ણતા અને તમામ કાર્યોનું ઉત્પત્તા સ્થાન અને પ્રવાહનું મૂળ હશે.

હ. અલી અને તેમના વસીઓ શ્રેષ્ઠ સર્જન અને શ્રેષ્ઠ અસ્તિત્વ

‘ખચીતજ અમે સમગ્ર સર્જનથી શ્રેષ્ઠ છીએ. અને એક સર્જનહારની ઈબાદતમાં સૌથી શ્રેષ્ઠ છીએ અને અમે જ પરવરદિગારે આલમની હુજ્જત છીએ. પછી મુબારક થાય તેઓને અલ્લાહની નેઅમતો, જે લોકો અમારી વિલાયતથી જોડાએલા છે. અને અમારી વિલાયતનો દસ્તાવેજ પોતાની સાથે રાખે છે.’ (‘મુરૂજઝ ઝહબ’પુ. ૧-પા. ૪૨-૪૩ પ્રકાશન દારૂલ ઉન્દલુસ બયરૂત ૧૩૯૩)

આ હદીસ વાંચકોને હવાલે કરીએ છીએ, જેથી અહલેબયતની વિશેષતા અને ખૂબીઓની બારીકીઓને સમજે અને પોતાના જ્ઞાનમાં વધારો કરે. અલબત્તા, આ મહત્વના મુદ્દાની તરફ આપનું ધ્યાન દોરવા માંગીએ છીએ જેના માટે ઈમામ અલી (અ.સ.) એ તાકીદ કરી છે.

આ ઝમાનામાં હઝરત મહદી (અજ.)ની સાથે ગઠબંધન જરૂરી

હઝરત અલી (અ.સ.) ફરમાવે છે કે મહદી (અજ.) નૂરે ઈલાહીની પરિપૂર્ણતા છે. અને બધા કાર્યો તેમના પર આધારીત છે. (ગાયતુન્નુર, મસદરલ ઓમુર). આ માટે જરૂરી છે કે લોકો આ નૂરથી કરારબધ્ધ રહે. અને તેની મઅરેફત મેળવે. કારણ કે આ ખુદાની મહાન નેઅમત છે. એ જ લોકો મુબારકબાદને પાત્ર છે જેની પાસે વિલાયતની આ મહાન નેઅમત મૌજુદ છે.

‘ફલ યહનાઓ બીન નેઅમતે મન તમસ્સક બે વિલાયતેના.’

એ લોકોને અલ્લાહની નેઅમત મુબારક થાય, જે અમારી વિલાયત સાથે ગઠબંધન રાખે છે.

નહજુલ બલાગાહ અને હઝરત મહદી (અ.સ.)

(૧) હઝરત અમીરૂલ મોઅમેનીન (અ.સ.) એ પોતાની શહાદતના થોડા જ દિવસો પહેલા કુફામાં તે પત્થર ઉપર ઉભા રહીને ફરમાવ્યું જે પત્થર જોઅદહ બીન હબીરહ અલમુખરૂમીએ જડયો હતો. તે સમયે આપના પવિત્ર શરીર ઉપર એક ઉનનો જબ્બો હતો અને આપની મ્યાન ખજુરની છાલની હતી અને પગમાં જોડા પણ ખજુરના પાંદડાના હતા.

આ ખુત્બામાં હઝરત (અ.સ.)એ ખુદાની પ્રશંસા, વખાણ, ગુણો અને સર્જનના બયાન પછી અલ્લાહથી ડરવાની વસીય્યત કરે છે. અને મૃત્યુનું નિશ્ર્ચિત હોવાનું હઝરત સુલયમાન (અ.સ.)ના ઉદાહરણથી આપે છે. ‘જો કોઈ બાકી રહેનારી દુનિયાની ઉચ્ચતાઓ ઉપર પહોંચવાની સીડી અથવા મૃત્યુને દૂર કરવાનો માર્ગ મેળવી શકતો હતે, તો તે સુલયમાન ઈબ્ન દાઉદ (અ.સ.) હતા કે જેમને જીન્નાત અને ઈન્સાનની સલ્તનત આપી દેવામાં આવી હતી. પરંતુ જ્યારે તે પોતાના દાણાપાણી અને પોતાના જીવનની મુદ્દત પુરી કરી ચુકયા ત્યારે નાશની કમાનોએ મોતના તીરોની ફણછ પારખી લીધી, વસ્તીઓ ઉજ્જડ થઈ ગઈ અને બીજા લોકો તેમના વારસ બની ગયા.’

તમારા માટે ભૂતકાળના દરેક ઝમાનામાં નસીહત છે. “વ ઈન્ન લકુમ ફીલ કોરૂનીસ સાબેગતે લ ઈબ્રહ.’

મહદી (અજ.) દરેક ઝુલ્મ અને અત્યાચારનો જવાબ આપશે.

આજ ખુત્બામાં હઝરત અમીરૂલ મોઅમેનીન (અ.સ.) ઝુલ્મ અને અત્યાચાર અંગે જણાવે છે : અમાલકા અને તેના પુત્ર ફીરઓન અને તેના સંતાનો, અસહાબુલ રસ્સના શહેરોના રહેવાસીઓ, જેમણે ઘણાને કત્લ કર્યા પયગમ્બરોની સાચી રીતોને નાશ કર્યો અને ઝુલ્મ કરનારાઓના રીતરીવાજોને જીવંત કર્યા. તે પછી તુરત જ હઝરતે લોકોને ચેતવણી આપી : ‘કદ લબેસ લીલ હિકમતે જુન્નતહા વ અખઝહા બે જમએ અદબેહા મેનલ ઈકબાલે અલયહા.’

હિકમતનો પોષાક તેઓના શરીર ઉપર હશે તેને તમામ શરતો અને પ્રમાણિલિકાની સાથે અને પૂરા ધ્યાનથી મેળવ્યો હશે. તે સારી રીતે ઓળખાય અને દિલ (દુનિયાની મોહબ્બત)થી ખાલી હોય. હિકમત તેઓની (હઝરત અજ.) નજદીક તેઓની ગુમ થયેલી વસ્તુ અને તેઓની ઈચ્છા છે, કે જેના તે (મહદી અજ.) ઈચ્છુક હશે (આપ હંમેશા તે હિકમતની ફીકરમાં હશે. કારણ કે હદીસોમાં છે ‘અલ હિકમતજો ઝુલતુલ મોઅમીન.’ એટલે હિકમત મોઅમીનની ગુમ થયેલી વસ્તુ છે કે જે હંમેશા તેને મેળવવાની કોશિશમાં રહે છે.)’ પછી તે (મહદી અ.સ.) આજ સ્થિતિમાં ગાયબ થઈને એકાંતવાસમાં ચાલ્યા જશે. અને જ્યારે (ટંટો ફસાદ અને તબાહીઓ વધી જશે) ઈસ્લામ ગરીબ (નબળો અને અશકત) થઈ જશે અને (તે ઉંટની જેમ જે થાક અને રંજ, ગમના સમયે) તેની પૂંછડીને હલાવે છે અને ડોકનો આગળનો ભાગ જમીન ઉપર નાખી દે છે. (એટલે ઈસ્લામ તે રીતે નબળો થઈ જશે કે તેનો ખરેખરો અનુસરનાર કોઈ નહિ હોય. તેની આગાહી ખુદ પયગમ્બર (સ.અ.વ.) એ કરી છે. ઈસ્લામ ગરીબ અને એકાકી થશે, અને તે બહુ જલ્દી એકલો થઈ જશે.) તે મહદી (અજ.) (આવી પરિસ્થિતિમાં) ખુદાની બાકી રહેલી હુજ્જતોના અંતિમ અને અમ્બીયા (અ.સ.)ના વારસાદારોમાંના એક વારસ અને ઉત્ત્ારાધિકારી હશે. (નહજુલ બલાગાહ ખુત્બો ૧૮0 પા. ૪૭૭ ઉર્દુ તરજુમો (મુફતી જાફર) ફારસી તરજુમો અને શરહ ફયઝુલ ઈસ્લામ ખુત્બો ૧૪૧ પા. ૫૯૫)

આ ખુત્બાની થોડી વાતો

અ (૧) હિહમત એટલે પરહેઝગારી અને ઈબાદતની હકીકતનું જ્ઞાન ઈમામે ઝમાના (અ.સ.)ની પાસે છે. તે માટે પરહેઝગારી અને ઈબાદતની રીત-રસમો અને વસ્તુઓના સર્જન માટેના રહસ્યો, આદાબ અને તેની વિગતો એજ હઝરતના દરવાજેથી મેળવવા, બીજા કોઈ પાસેથી નહિ.

(૨) ઈસ્લામ માત્ર નામનો જ રહી જશે. તેના સાચા અનુસરનારા અને તેના ઉપર અમલ કરનારા ન હશે. તેવા ઝમાનામાં ખુદાની હુજ્જત તેના માર્ગદર્શક અને રક્ષણ કરનાર હશે. અને ઝુહુર કરશે પછી ઈસ્લામ તેની ગરીબી અને એકાકી અવસ્થામાંથી બહાર નીકળીને સૌનો મઝહબ બની જશે.

(૧) નહજુલ બલાગાહમાં સય્યદ રઝી (અ.ર.) એ અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ની મુશ્કિલ અને બારીક કથનોથી એક હદીસ આ રીતે નકલ કરી છે.

‘ફી હદીસે અલયહીસ્સલામ : ફ એઝા કાન ઝાલેક ઝરબ યઅસુબદ્દિને બે ઝનબેહી ફયજતમેઉન એલયહે કમાયજતમેઓ કઝઉલ ખરીફે.’ (‘નહજુલ બલાગાહ’ઉર્દુ તરજુમો ફયઝુલ ઈસ્લામ પા. ૧૨0૨)

આ કથનમાં હઝરત અમીરૂલ મોઅમેનીન (અ.સ.) એ હઝરત સાહેબુઝઝમાન (અજ.)ની મહાનતા અને બુઝુર્ગીની ખબર આપી છે. જ્યારે એમનો (મહદી અ.સ.નો) સમય આવશે ત્યારે તે ‘યઅસુબ’એટલે દીનના પેશવા (પોતાની ગયબતમાંથી નીકળીને પોતાની સલ્તનત અને ખીલાફતના હોદ્દા ઉપર) બિરાજશે. પછી મોઅમીનો દુનિયાના ખૂણેખૂણામાંથી) એવી રીતે એકઠા થઈને તેમની (અજ.) તરફ આગળ વધશે જેવી રીતે પાનખરની ૠતુમાં વાદળો એકઠા થઈ જાય છે.

(૨) હઝરત અમીરૂલ મોઅમેનીન (અ.સ.)નું આ કથન સ્પષ્ટ છે કે ઈમામે ઝમાના (અજ.) જીવંત છે અને દુશ્મનોથી છુપાઈને આ દુનિયામાં જીવન પસાર કરી રહ્યા છે. અને જે સમયે ખુદા ચાહશે, તે સમયે જાહેર થઈ જશે.

(૩) સય્યદ રઝી (અ.ર.) ફરમાવે છે કે ‘યઅસુબુદ્દીન’એટલે તે ઉચ્ચ સ્થાન ધરાવનાર સરદાર. જે તે દિવસે લોકોના મામલાના માલિક અને સત્તાધિકારી હશે.

અને હઝરતનું આ ફરમાવવું ‘ઝર્બ બે ઝમ્બેહ’એટલે ઈમામે ઝમાના (અ.સ.) ગયબત પછી પોતાની જગ્યા ઉપર સ્થાપિત થઈ જશે તો જેમકે ‘યઅસુબ’મધમાખીના સરદારને કહે છે, જે દિવસનો મોટો ભાગ ઉડવામાં પસાર કરે છે અને જ્યારે પોતાના શરીરનો અંતિમ ભાગ જ્યાં પણ ટપકાવે છે ત્યાં તે તેની ઉડાનને ખતમ કરી દે છે અને પોતાની જગ્યા ઉપર સ્થિર થઈ જાય છે. આ રીતે હઝરત ઈમામે ઝમાના (અ.સ.) વિશાળ દુનિયામાં ઠેક-ઠેકાણે ફરીને પોતાના સ્થાન પર બિરાજશે.

(૪)  ‘કઝાઅ’નો અર્થ વાદળના નાના ટુકડાઓ થાય છે. જે ઘણા નાજુક હોય છે, પછી તેમાં પાણી હોય કે ન હોય.

અહિં ઈમામે ઝમાના (અજ.) ના અસ્હાબની ખરીફ ૠતુના વાદળના ઝુમખાઓ સાથે સરખામણી કરવામાં આવી છે. કારણ કે આ વિખરાયેલા વાદળો ઝડપથી એકઠા થઈ જાય છે.

(૫) ‘ઝર્બે-ઝમ્બે’માં ઝર્બનો અર્થ હરવા ફરવાનો છે અને ‘ઝમ્બ’થી મુરાદ, અન્સાર મદદ કરવાવાળા અને અનુયાયીઓ. અને ‘ઝર્બ ઝમ્બ’નો અર્થ મધમાખીનો ડંખ પણ થાય છે. એટલે હઝરત જ્યારે પોતાની શમશીર લઈને બિરાજશે ત્યારે દીનના દુશ્મનોને કતલ કરી નાખશે.

કિતાબ અને સુન્નતને જીવનદાન

હઝરત અમીરૂલ મોઅમેનીન (અ.સ.) એ હઝરત હુજ્જત (અ.સ.)ના ઝુહુરની આગાહીના અનુસંધાનમાં કહે છે

‘યઅતેફુલ હવા અલલ હોદા એઝા અતફુલ હોદા અલલ હવા વ યઅતેફુરર્યિ અલલ કુરઆને એઝા અતફુલ કુરઆને અલર્રાયે હત્તા તકુમુલ હરબો બે કુમ અલા સાકીન બાદેયન નવાજેઝોહા… (જ્યારે ઈમામ મુન્તઝર અ.સ. ગયબના પરદા પાછળથી બહાર આવશે) હવાએ નફસ (ઈચ્છાઓ)ને હિદાયતની તરફ ફેરવી દેશે.

(ગુમરાહ થયેલી વ્યકિતઓને સીધા માર્ગ પર લઈ આવશે) જ્યારે લોકોએ હિદાયતને ઈચ્છા તરફ વાળી લીધી હશે. (એટલે શરીઅતે મોહમ્મદી સ.અ.વ. થી અલગ થઈને નફસની ઈચ્છાનું અનુસરણ કરતા હશે) અને તેઓના મતને કુરઆનની તરફ ફેરવી દેશે (લોકોને ખોટા અને નાદુરસ્ત વિચારોથી રોકશે અને કુરઆનની તરફ રજૂ થવા માટે તૈયાર કરશે. જેથી ખુદાના હુકમો પર અમલ થાય અને કુરઆન વિરૂધ્ધની વાતોને દૂર ફેંકી દે). જ્યારે તે લોકોએ કુરઆનને (તોડી મરોડીને) કયાસ અને અનુમાનના ઢગલા પર મૂકી દીધું હશે.

આ ખુત્બમાં એક જગ્યાએ ફરમાવે છે (હઝરત મહદી અ.સ.ના ઝુહુરના પહેલા) વાત ત્યાં સુધી પહોંચશે કે સખત જંગ અને ખુના મરકી ભડકી ઉઠશે. (જેવી રીતે જંગલી સિંહ ગુસ્સામાં દાંત બહાર કાઢીને અને (ઉંટની જેમ) થાન ભરીને, જેનું દુધ મીઠું અને આનંદદાયક લાગશે. (એટલે શરૂઆતમાં જે લોકો ઈમામે ઝમાના (અજ.) સાથે લડાઈ કરવા આવશે તેઓને જીતની આશા હશે.) પરંતુ તેનો અંત કડવો હશે. (એટલે લડાઈમાં સામનો અને કતલો પછી તે સૌને મુસીબતો ઘેરી લેશે).

સાવધાન થઈ જાવ! જે કાંઈ ખબર હું આપી રહ્યો છું! કાલ અને આ કાલ ઘણી નજદિક છે કે એવી બાબતોને લઈને આવી જાય. (જેની આપણને ખબર નથી. અને જેને આપણે હજુ સુધી નથી ઓળખતા. હાકિમ અને વાલી (ઈમામે ઝમાના અ.સ.) જે બાદશાહોની જમાતમાંથી ન હશે. બધા સત્તાધારીઓને તેઓના ખરાબ ચારિત્રયના કારણે હિસાબ માંગશે. અને જમીન પોતાના ખજાના તેમની (અજ.) સામે ઉંધા વાળી દેશે. તેની ચાવીઓને તેમની (અજ.) સામે નાખી દેશે. જેથી તે તમને દેખાડશે કે સત્ય અને ન્યાયની પ્રક્રિયા કેવી હોય છે. અને તે મૃત:પાય કિતાબ અને સુન્નતને ફરીથી જીવંત કરી દેશે. (તરજુમો ઉર્દુ ખુત્બા નં. ૧૩૬ પા. ૩૭૩ અને તરજુમો ફયઝ પા. ૪૨૪)

આવતીકાલનો પ્રકાશ:

ગયબત અને ઝુહુર મોટા અંતરનું નામ નથી. બલ્કે હઝરત અમીરૂલ મોઅમેનીન (અ.સ.) એ લોકોને સાવધાન કર્યા છે કે જે દુનિયા પરસ્ત ગુમરાહીના માર્ગ ઉપર જઈને હિદાયતના માર્ગથી ફરી જઈને જમણી-ડાબી બાજુના માર્ગ પર ચાલ્યા ગયા હશે (સેરાતે મુસ્તકીમના માર્ગને છોડી દીધો હશે. જેના કારણે ટંટા ફસાદ પેદા થશે અને સાચા અને નેક બંદાઓ ઉપર ઝુલ્મને જાએઝ કરીને તેનું નિર્દોષ ખૂન વહાવશે) પછી (હઝરતની આ આગાહીને સાંભળીને લોકોએ તે ઝમાનાના લોકોના બારામાં પૂછયું કે કયાં સુધી આ હાલત ચાલશે તો હઝરતે ફરમાવ્યું) ‘ફલા તસ્તાઅજેલુ…’ જલ્દી ન કરો! (વિનાશ ફેલાશે) જે વાત થઈને રહેવાની છે અને મંઝીલ પ્રતિક્ષામાં છે. (એટલા માટે ઉતારળ ન કરો) અને જેને ‘કાલ’પોતાની સાથે લઈને આવી રહી છે તેની દૂરી અનુભવીને નાપસંદગી જાહેર ન કરો. ઘણાં લોકો જે કોઈ વસ્તુ માટે ઉતાવળ રાખે છે ને જ્યારે તે મેળવી લે છે તો તે પછી એ આશા કરે છે કે ‘અફસોસ! તે ન મેળવતે તો સાંરૂ થતે.’ ‘આજ’આવનારી કાલના પ્રકાશમાં કેટલી નજદીક છે.

એ મારી કોમ! આ જ તો મવઉદ (મહદી અ.સ.)નું આવવાનું અને ફીત્નાઓ જાહેર થઈને નજદિક હોવાનો સમય છે કે જેનાથી તમે અજાણ છો. (હજુ ઈસ્લામની શરૂઆતમાં બીજાઓએ મારા હકને ગસબ કરી લીધો અને લાયકાત વગરના, અયોગ્ય લોકોએ ખીલાફતના સ્થાનનો દાવો કર્યો. ટંટો-ફસાદ આખી દુનિયામાં શરૂ થઈ ગયોને જેમ જેમ સમય પસાર થશે તેમ તેમ તે બધી બાબતો જોવા મળશે જેની હું ખબર આપી રહ્યો છું.)

‘…અલા વઈન્ન મન અદરકહા મિન્ના યસરી ફીહા લે સેરાજન મોનીરીન…’

હોંશીઆર! અમારામાંથી (અહલેબયતમાંથી) જે (હઝરત મહદી અ.સ.ની ગયબત) ફીત્નાના ઝમાનાને જોશે તે તેમાં પ્રકાશ-પૂંજ (ઈમામત અને વિલાયતના નૂરને) લઈને આગળ વધશે. અને નેક લોકોની ચાલ પર કદમ ઉઠાવશે. જેથી બાંધેલી ગાંઠોને ખોલે (ગુમરાહી અને નીચતામાં ઘેરાયેલા લોકોને મુકિત અને છૂટકારો અપાવે) અને (અજ્ઞાનતા અને નાદાનીના) કેદીઓને આઝાદ કરે અને (ગુમરાહ) જમાતે વિખેરી નાખે. અને વિખરાયેલી (હક સત્ય ઉપરની) જમાતને એકઠી કરી દે. તે લોકોની નજરથી છુપાયેલા હશે. શોધખોળ કરનારા તેઓની એકધારી નજરને કેન્દ્રીત કરવા પછી પણ તેમના પગલાને જોઈ ન શકશે. તે સમયે એક કોમને એવી રીતે ધારદાર (તેજ) કરવામાં આવશે જેવી રીતે લુહાર તલ્વારને તેજ કરે છે. (ફીત્નાની વચ્ચે હોવા પછી પણ તે કૌમ હિદાયત અને નજાત મેળવશે. અને તે હઝરત અજલલ્લાહો તઆલા ફરજહુશ શરીફનું અનુસરણ કરશે અને તાબેદારી માટે તૈયાર હશે.) કુરઆનથી તેઓની આંખોમાં તેજ પેદા કરવામાં આવશે અને તેનો અર્થ તેના કાનોમાં પડતા રહેશે. અને હિકમતના ઉછળતા સાગરના જામ તેઓને સવાર-સાંજ પીવડાવવામાં આવશે. (તે કોમ સીધેસીધી ઈમામે ઝમાના અ.સ. પાસે કુરઆનની તફસીર અને તેના અર્થઘટનો, જેમાં ભેળસેળ કરવામાં આવી છે, તે બધુ ઈમામે ઝમાના (અ.સ.) પાસેથી મેળવશે.) (નહજુલ બલાગાહ (ઉર્દુ) ખુત્બા ૧૪૮ તરજુમા ફયઝ ૧૫0)

‘અલ્લાહુમ્મ જ અલની મીન અન્સારેહી વ અઅવાનેહી વ અતબાએહી વ શીય્યતેહ વ અરેની ફી આલે મોહમ્મદીન અલયહેમુસ્સલામો મા યા’મોલુન વફી અદુવ્વેહીમ મા યહઝરૂન એલાહલ હક્કે આમીન યા ઝલજલાલે વલ ઈકરામે આ અરહમરરાહેમીન.’

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *