ગિર્યાની અઝમત

Print Friendly, PDF & Email

ખુદાવંદે આલમે ઇન્સાનોની હિદાયત અને હંમેશની નજાત માટે અશ્રફુલ અંબિયા અકમલુલ રોસોલ અને શ્રેષ્ઠ મખ્લુક તથા કાએનાતની ખિલ્કતના સબબ હઝરત મોહમ્મદ મુસ્તુફા(સ.અ.વ.)ને દીને મુકદ્દસે ઇસ્લામની સાથે નિયુક્ત કર્યા. આં હઝરત(સ.અ.વ.)ને આખરી નબી અને આપના દીનને આખરી દીન અને આપની લાવેલી કિતાબ કુર્આને મજીદને આખરી આસ્માની કિતાબ ગણાવી એટલે કે આં હઝરત(સ.અ.વ.) પછી ન તો કોઇ નબી આવશે અને ન તો દીને મુકદ્દસે ઇસ્લામ પછી કોઇ દીન અને ન કુર્આને મજીદ પછી કોઇ કિતાબ આવશે. હવે ઇન્સાનની હિદાયત માટે કયામતની સવાર સુધી ન તો કોઇ રસુલ આવશે અને ન કોઇ દીન અને શરીઅત.

હઝરત મુરસલે આઝમ(સ.અ.વ.)એ ‘ઝલાલે મોબીન’ ‘ખુલ્લી ગુમરાહી’ના માહોલમાં લોકોને વાસ્તવિક ખુદાની તરફ દાવત આપી અને દીને મુકદ્દસે ઇસ્લામની તરફ બોલાવ્યા. અંધકારમાં રેહવાવાળાઓએ પ્રકાશની, ઝહેરની આદત ધરાવનારા લોકોએ આબે હયાતની પુરે પુરી મુખાલેફત કરી અને વિરોધ કરવાના જેટલા રસ્તાઓ અને કાવતરાઓ ઇસ્તેમાલ કરી શક્તા હતા તેટલા કર્યા. પરંતુ આં હઝરત (સ.અ.વ.)ની તબ્લીગ અને દીને ઇસ્લામમાં એ અસર હતી કે દિલ પરિવર્તન થતા ગયા. લોકો મુસલમાન થતા રહ્યા. એ દિલોના દરવાજા ખુલી ગયા જે ખૈબરના દરવાજાથી વધારે સખ્ત હતા. પરવરદિગારની મારેફતના બગીચાઓ દિલોની વાદીઓમાં ખિલતા રહ્યા અને જોત જોતામાં અરબનો પુરો માહોલ બદલાઇ ગયો. જે મક્કાની અંદર કાફલાઓ લુંટવામાં આવતા હતા તે મક્કા સ્વચ્છ અને સલામતીનું કેન્દ્ર બની ગયુ. લોકોના સ્વભાવ બદલ્યા, આદતો બદલી, સ્વાર્થવૃત્તિની જગ્યાએ કુર્બાનીની વાતો થવા લાગી, ખુંરેઝીના બદલે ફિદાકારીની ચર્ચા થવા લાગી, માલને લુંટવાવાળા માલ લુંટાવવા લાગ્યા. ટૂંકમાં પુરો સમાજ બદલાઇ ગયો. એવો જબરદસ્ત પલટો આવ્યો કે બોલતા જાનવરે પોતાની હૈવાનીય્યત છોડીને ઇન્સાન બની ગયો.

પરંતુ બની આદમનો જુનો કટ્ટર દુશ્મન શૈતાન અને નેકીઓના દુશ્મન ‘નફ્સે અમ્મારા’ને આ પરિવર્તન ગમ્યું નહી. શરૂઆતથી જ દીને ઇસ્લામની વિરૂદ્ધ સાઝીશો શરૂ થઇ. કાવતરા કરવાવાળા દિમાગો એક-બીજાની નજીક થયા, દુશ્મનીના મનસુબા બનાવવામાં આવ્યા, રસ્તાઓ નક્કી કર્યા, સમય મુકર્રર કરવામાં આવ્યો, ‘મસ્જીદે ઝેરાર’નું નિર્માણ કરવામાં આવ્યુ, રસુલે ખુદા(સ.અ.વ.)ને રાતના અંધકારમાં ઉંટ પરથી પછાડીને ખત્મ કરવાનું કાવતરૂ ઘડવામાં આવ્યું. ઇસ્લામના દુશ્મનો સાથે સાંઠ ગાંઠ બાંધવામાં આવી અને પોતાના મનસુબા પર અમલ કરવા માટે રસુલે ખુદા (સ.અ.વ.)ની આંખો બંધ થવાનો ઇન્તેઝાર કરવા લાગ્યા. આ મનસુબાને અમલી રૂપ દેવા માટે ઓસામાના લશ્કરથી દૂરી ઇખ્તેયાર કરાવામાં આવી. રસુલે ખુદા(સ.અ.વ.)ના વારંવાર ઇસ્રાર કરવા છતા તેઓ ઓસામાના લશ્કરમાં શામિલ થયા નહિ અને મદીનાની ગલીઓમાં પણ દેખાતા ન હતા.

જેવી રસુલે ખુદા(સ.અ.વ.)ની આંખ બંધ થઇ, જુના મનસુબા પર અમલ કરવાનું શરૂ થઇ ગયું. સકીફામાં પંચાયત ગોઠવાણી, જનાબે ઝહરા(સ.અ.)ના ઘરનો દરવાજો સળગાવવામાં આવ્યો, હઝરત અલી(અ.સ.)ના ગળામાં રસ્સી બાંધવામાં આવી, જનાબે ઝહરા(સ.અ.)ને શહીદ કરવામાં આવ્યા, હઝરત અલી(અ.સ.)ને એકલા પાડી દેવામાં આવ્યા, ખુદા અને રસુલની વિરૂદ્ધ દીનમાં વ્યક્તિગત અભિપ્રાયોને જગ્યા દેવામાં આવી, હલાલ અને હરામના નવા કાયદાઓ ઘડવામાં આવ્યા, બિદઅતોને સુન્નતોનો દરજ્જો આપવામાં આવ્યો, સુન્નતો કરતા બિદઅતો પર વધારે અમલ કરવામાં આવ્યો, ધીમે ધીમે દીનનો એવો નકશો બદલાયો, ઇસ્લામના વર્તુળમાં રહીને તેઓ કે જે એક બાજુ કુર્આનની તિલાવત પણ કરતા હતા અને બીજી તરફ શરાબ અને શબાબ જેને દીને ઇસ્લામમાં હરામ અને નજીસ અને શૈતાની અમલ ગણવામાં આવ્યું હતુ તેના પર અમલ કરવા લાગ્યા અને પોતાની જીંદગીમાં જાએઝ ગણી લીધુ. યઝીદ કે જે ઇસ્લામી ઇતિહાસનો ફાસીક અને દુરાચારી પાત્ર છે તે શરીઅતની આ તમામ હદોને તોડીને ખલીફએ રસુલ બની ગયો. લોકોએ આ યઝીદનો સાથ આપ્યો. અમૂક તેના સિપાહીઓ બનીને કરબલાના મૈદાનમાં આવી ગયા. અમૂક લોકો હઝરત ઇમામ હુસૈન(અ.સ.)થી અલગ રહીને ખામોશી પૂર્વક પોતાના દિલોમાં યઝીદ(લા.) પ્રત્યે કુણી લાગણી રાખતા હતા. રસુલના નવાસા ઉપર અબુ સુફયાનના પોત્રને અગ્રતા આપવા લાગ્યા. અસ્હાબ અને તાબેઇનો અત્યાર સુધીના તમામ ફેરફારોને એવી રીતે શરણે થઇ ગયા કે દીને ઇસ્લામનો અસલી ચેહરો ઢંકાઇ ગયો અને એક એવો ઇસ્લામ સમાજમાં પ્રચલિત થવા લાગ્યો કે જે ખુદાએ નાઝિલ જ કર્યો ન હતો.

રસુલે સકલૈન(સ.અ.વ.)ના નવાસા હઝરત ઇમામ હુસૈન(અ.સ.) જે નવાસએ રસુલ(સ.અ.વ.) હોવાની સાથો સાથ જમીન પર અલ્લાહની હુજ્જત હતા, દીને ઇસ્લામના મુહાફિઝ હતા, તેમણે દીનની હીફાઝત માટે એ પગલુ ભર્યુ જેના લીધે આજ સુધી દીને ઇસ્લામ જીવંત છે. ઇમામ હુસૈન (અ.સ.)એ તેના માટે પોતાના આખા કુટુંબની અને વફાદાર અસ્હાબની શહાદત કબુલ કરી. લોકોએ રસુલ(સ.અ.વ.)ના નવાસા અને તેની આલ અને અસ્હાબને એવી બેરેહમી પૂર્વક શહીદ કર્યા કે જેની મિસાલ દુનિયાના ઇતિહાસમાં નથી. આ કરબલાનો બનાવ અમૂક મહીના અને વરસનું પરિણામ નથી પરંતુ એ ઝુલ્મો જોરની પરાકાષ્ટા હતી જે રસુલે ખુદા(સ.)ના બાદ શરૂ થઇ ગયો હતો.

ઝાલિમ અને જાબીરને ઝુલ્મો જોર કરતી વખતે ફક્ત તાકતનો નશો સવાર હોય છે તેના પરિણામનો હરગીઝ વિચાર નથી કરતો પરંતુ જ્યારે તેના ઝુલ્મની ચર્ચાઓ થવા લાગે છે તો ઝાલિમ અને ઝાલિમ પ્રત્યે હમદર્દી રાખવાવાળાને બહુ જ ખરાબ લાગે છે. તે આ પ્રકારની ચર્ચાઓને કોઇ પણ સ્વરૂપમાં પસંદ નથી કરતા.

દીને મુકદ્દસે ઇસ્લામનું બાકી રહેવું એ ઇમામ હુસૈન (અ.સ.)ની શહાદતથી જોડાયેલુ છે. અઝાદારી એટલે ઇમામ હુસૈન(અ.સ.)ની શહાદત અને તેમના તથા તેમના ખાનદાન પર થવાવાળા તમામ ઝુલ્મોનો ઝિક્ર છે. જ્યારે દિલ આ પ્રકારના મઝાલીમ સાંભળીને અસરગ્રસ્ત થાય છે તો આંખોમાંથી આંસુ નીકળી આવે છે. આ આંસુ ઝાલિમોને ગમતા નથી. આ કારણે અઝાદારી અને ગિર્યાનો વિરોધ કરવામાં આવ્યો.

હઝરત રસુલે ખુદા(સ.અ.વ.) અને અઇમ્મએ માસુમીન (અ.મુ.સ.)ની સામે કયામત સુધીની તમામ પરિસ્થિતિઓ હોય છે. તેમને માલુમ હતુ કે એહલેબૈત(અ.મુ.સ.)ના ફઝાએલ અને મસાએબ ઉપર ખાસ કરીને હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ના ફઝાએલ અને મસાએબ ઉપર પાબંદીઓ નાખવામાં આવશે. એ છતા કે આ જ ફઝાએલ અને મસાએબ ઇસ્લામની જીંદગીનું કારણ છે. આ હઝરતોએ ગિર્યા અને મસાએબના ઝિક્રને બાકી રાખવા માટે એવી વ્યવસ્થા કરી દીધી કે આ સિલસિલો કયામત સુધી શરૂ રહે. હઝરત ઇમામ હુસૈન (અ.સ.)થી મોહબ્બત કરવી, તેમનો ગમ મનાવવો, તેમની મુસીબતો પર આંસુ વહાવવા સુન્નતે રસુલ છે અને સુન્નતે રસુલથી મોઢુ ફેરવવુ એ સ્પષ્ટ ગુમરાહી છે.

રસુલ(સ.અ.વ.)ની તીવ્ર મોહબ્બત:

હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)એ ફરમાવ્યું:

અય ઇમરાન દરેક ચીજની દિલમાં એક જગ્યા હોય છે પરંતુ જે જગ્યા આ બચ્ચાઓ (ઇમામ હસન અને ઇમામ હુસૈન)ની મારા દિલમાં છે તે બીજા કોઇની નથી

ઇમરાને અર્ઝ કરી: શું બધુ આ બચ્ચા જ છે. ફરમાવ્યું:

અય ઇમરાન જે તમે નથી જાણતા તે તેનાથી વધારે છે. ખુદાએ મને તેમની મોહબ્બતનો હુક્મ આપ્યો છે

(કામિલુઝ્ઝીયારાત, પ્રકરણ: ૧૪, હદીસ: ૨)

જનાબે અબુઝરે ગફ્ફારીની રિવાયત છે: મેં જોયુ કે હઝરત રસુલે ખુદા(સ.અ.વ.) ઇમામ હસન(અ.સ.) અને ઇમામ હુસૈન (અ.સ.)ને બોસો લઇ રહ્યા છે અને ફરમાવી રહ્યા છે: જે હસન(અ.સ.) અને હુસૈન(અ.સ.) અને તેમની ઝુર્રીયતને ખુલુસતાથી મોહબ્બત કરશે, જહન્નમની આગ તેને નહી બાળશે. ભલેને પછી તેના ગુનાહ રણની રેતી જેટલા કેમ ન હોય, સિવાય એ ગુનાહ જે ઇમાનથી બહાર કાઢી નાખે

(ઉપરોક્ત સંદર્ભ, હદીસ: ૪)

અબ્દુલ્લાહ ઇબ્ને મસઉદએ હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)ને ફરમાવતા સાંભળ્યા:

જે મને મોહબ્બત કરતો હોય તેના માટે જરૂરી છે કે તે આ બંને બાળકોને મોહબ્બત કરે કારણ કે ચોક્કસ અલ્લાહ તઆલાએ તેમને મોહબ્બત કરવાનો હુકમ આપ્યો છે

(ઉપરોક્ત સંદર્ભ, હદીસ: ૫)

હઝરત ઇમામ મોહમ્મદ બાકિર(અ.સ.)એ હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)થી રિવાયત કરી છે:

જે એ મજબુત રસ્સીથી મુતમસ્સીક રહેવા ચાહે છે જેનો ઉલ્લેખ અલ્લાહ તઆલાએ પોતાની કિતાબમાં કર્યો છે, તેના માટે જરૂરી છે કે તે હઝરત અલી ઇબ્ને અબીતાલિબ(અ.સ.) અને હઝરત હસન(અ.સ.) અને હઝરત હુસૈન(અ.સ.)ને પોતાના વલી માને કારણ કે ખુદાવંદે આલમ અર્શની ઉપર આ બંનેથી મોહબ્બત કરે છે

(ઉપરોક્ત સંદર્ભ, હદીસ: ૬)

હઝરત ઇમામ જાફરે સાદિક(અ.સ.)એ હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)થી રિવાયત નક્લ કરી છે:

જે ઇમામ હસન(અ.સ.) અને ઇમામ હુસૈન(અ.સ.) થી નફરત રાખશે તે કયામતમાં એવી રીતે આવશે કે તેના ચેહરા પર જરાયે ગોશ્ત નહી હોય અને તેને હરગીઝ મારી શફાઅત નસીબ નહી થાય

(ઉપરોક્ત સંદર્ભ, હદીસ: ૭)

કુર્આને કરીમમાં અલ્લાહ તઆલા ઇર્શાદ ફરમાવે છે:

અગર તમે અલ્લાહથી મોહબ્બત કરો છો તો મારી પૈરવી કરો અલ્લાહ તમને મોહબ્બત કરશે

અલ્લાહથી મોહબ્બત માટે રસુલ(સ.અ.વ.)ની પૈરવી જરૂરી છે અને રસુલ(સ.અ.વ.)ની પૈરવી માટે ઇમામ હસન (અ.સ.) અને ઇમામ હુસૈન(અ.સ.)ને મોહબ્બત કરવી જરૂરી અને આવશ્યક છે. રસુલ(સ.અ.વ.)ની મોહબ્બત તેમના નવાસાની મોહબ્બત વગર શક્ય જ નથી.

શહાદત અગાઉ રસુલે ખુદા(સ.અ.વ.)નું રડવું:

હઝરત ઇમામ બાકિર(અ.સ.)ની રિવાયત છે કે અમીરૂલ મોઅમેનીન(અ.સ.)એ ફરમાવ્યું:

એક દિવસ હઝરત રસુલે ખુદા(સ.અ.વ.) અમારા ઘરે આવ્યા. તે દિવસે ઉમ્મે અયમન એ અમારે ત્યાં દૂધ, ઘી અને ખજુર તોહફા તરીકે મોકલ્યા હતા. અમે આં હઝરત (સ.અ.વ.)ની ખિદમતમાં આ વસ્તુઓ હાજર કરી. આં હઝરત(સ.અ.વ.) એ તેમને ખાધી અને પછી આપ(સ.)એ અમૂક રકાત નમાઝ પઢી અને નમાઝના આખરી સજ્દામાં ખૂબ જ ગિર્યા કર્યુ. આપના એહતેરામના લીધે કોઇનામાં હિંમત ન થઇ કે આ રોવાનું કારણ પુછે. તે સમયે હુસૈન (અ.સ.) ઉભા થયા અને આપ(સ.)ના ખોળામાં બેસી ગયા અને કહ્યું: નાના જાન! જ્યારે તમે અમારા ઘરમાં દાખલ થયા આપના આવવાથી જે ખુશી થઇ તે કોઇ ચીજથી નથી થઇ. પછી આપ રોવા લાગ્યા જેના લીધે અમે બધા ગમગીન થઇ ગયા. અત્યારે આપના રોવાનો શું સબબ છે?

ફરમાવ્યું:

નુરે નઝર હમણા થોડી વાર પેહલા જીબ્રઇલ આવ્યા હતા અને આ ખબર આપી ગયા છે કે તમે બધા કત્લ કરી દેવામાં આવશો અને તમારી કત્લની જગ્યાઓ અલગ અલગ હશે

ઇમામ હુસૈન(અ.સ.)એ પુછ્યું:

અમારી કબ્રો અલગ અલગ હોવા છતા અગર કોઇ અમારી કબ્રોની ઝિયારત કરે તો તેને શું સવાબ મળશે?

ફરમાવ્યું:

મારી ઉમ્મતના અમૂક ગિરોહ તમારી કબ્રોની ઝિયારત કરશે અને તેના થકી બરકત હાસિલ કરશે. મારી ઉપર એ વાજીબ છે કે હું કયામતમાં તેમની પાસે આવીશ અને તેમને કયામતની સખ્તીઓથી અને ગુનાહોથી નજાત દેવડાવીશ અને ખુદા તેમને જન્નતમાં જગ્યા અતા કરશે

(કામિલુઝ્ઝીયારત, પ્રકરણ: ૧૬, હદીસ: ૯)

હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)એ શહાદતની ખબર સાંભળીને માત્ર રડ્યા એટલુ જ નહી બલ્કે ખુબ જ સખ્ત રડ્યા અને તે પણ નમાઝના આખરી સજ્દામાં એટલે કે નમાઝની હાલતમાં. આનાથી એ વાત સ્પષ્ટ થાય છે:

(૧) ઇમામ હુસૈન(અ.સ.)ના મસાએબ પર રડવું એ સુન્નતે રસુલ છે.

(૨) માત્ર રડવું જ નહી પરંતુ તીવ્રતા પૂર્વક રડવુ એ રસુલની સુન્નત છે.

(૩) આ ગિર્યા ફક્ત આંસુની શકલમાં ન હતુ બલ્કે કાંઇક એવી રીતે હતુ કે ત્યાં હાજર બધા લોકો તેનાથી મુંજવણમાં હતા અને સવાલ કરી શક્તા ન હતા.

(૪) આ રડવું નમાઝની હાલતમાં હતુ.

(૫) આ ગિર્યા-બુકા સજ્દાની હાલતમાં હતુ. સજ્દો નમાઝની મેઅરાજ છે અને ખુદાવંદે આલમથી નઝદીક થવાની મહાન મંઝિલ છે.

(૬) નમાઝની હાલતમાં ઇમામ હુસૈન(અ.સ.)ના મસાએબ પર ગિર્યા કરવું એ નમાઝને બાતિલ કરનારૂ નથી બલ્કે અલ્લાહની કુરબતનો સબબ છે.

(૭) જ્યારે શહાદત પેહલા રોવાની આવી હાલત છે તો શહાદત બાદ કેવી હાલત હશે

તમામ મખ્લુકોએ ગિર્યા કર્યુ:

હુસૈન ઇબ્ને સુવૈરની રિવાયત છે: અમે યુનુસ બીન ઝબયાન, મઅકલ બીન ઉમર અને અબુ સલમા સિરાજ હઝરત ઇમામ જાફરે સાદિક(અ.સ.)ની ખિદમતે અકદસમાં હાજર હતા. યુનુસ અમારા બધામાં સૌથી મોટા હતા. તેઓ જ વાતચીત કરી રહ્યા હતા. વાતચીત દરમિયાન હઝરત ઇમામ જાફરે સાદિક(અ.સ.)એ ફરમાવ્યું:

જ્યારે હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ને શહીદ કરી દેવામાં આવ્યા, તેમના પર સાતેય આસ્માનોએ ગિર્યા કર્યુ. જમીનના સાતેય તબક્કાઓએ રૂદન કર્યુ. જમીન અને આસ્માનની વચ્ચે જેટલી પણ ચીજો છે બધાએ રૂદન કર્યુ. એ મખ્લુકોએ પણ રૂદન કર્યુ જે જન્નત અને જહન્નમમાં મુનકલીબ થઇ રહી છે. એ મખ્લુકોએ પણ ગિર્યા કર્યુ જે જોઇ શકાય તેવી છે અને એ મખ્લુકોએ પણ ગિર્યા કર્યુ જે જોઇ શકાતી નથી. માત્ર ત્રણ ચીજોએ રૂદન કર્યુ નહી

યુનુસ એ પુછ્યું: એ ત્રણ ચીજો કઇ છે? ફરમાવ્યું:

બસરા, દમિશ્ક અને આલે ઉસ્માન બીન અફ્ફાન

(કામિલુઝ્ઝીયારત, પ્રકરણ: ૨૬, હદીસ: ૭)

એક અન્ય રિવાયતમાં હઝરત ઇમામ જાફરે સાદિક (અ.સ.)એ ફરમાવ્યું:

અય ઝોરારાહ! ઇમામ હુસૈન(અ.સ.)ની શહાદત પર આસ્માને ૪૦ દિવસ સુધી ખુનના આંસુ વહાવ્યા છે.

આ જ રિવાયતમાં આગળ જઇને આ રીતે ઇર્શાદ ફરમાવ્યું:

વ મા મિન્ અય્નીન અહબ્બ એલલ્લાહે વ લા અબ્રતીન મિન્ અય્નીન બકત્ વ દમઅત્ અલય્હે વ મા મિન્ બાકીન યબ્કીહે ઇલ્લા વ કદ્ વસલ ફાતેમત(સ.અ.) વ અસ્અદહા અલય્હે વ વસલ રસુલલ્લાહે વ અદ્દા હક્કના વ મા મિન્ અબ્દીન યુહ્શરો ઇલ્લા વ અય્નાહો બાકેયતુન ઇલ્લલ્ બાકીન  અલા જદ્દેયલ્ હુસૈને(અ.સ.) ફ ઇન્નહુ યુહ્શરો વ અય્નોહુ કરીરતુન વલ્ બેશારતો તીલ્કાહો વસ્સોરૂરો બય્યેનુન અલા વજ્હેહી વલ્ ખલ્કો ફીલ્ ફઝએ વ હુમ્ આમેનુન વલ્ ખલ્કો યુઅ્રઝુન વ હુમ્ હોદ્દાસુલ્ હુસૈને(અ.સ.) તહ્તલ્ અર્શે વ ફી ઝીલ્લીલ્ અર્શે લા યખાફુન સુઅ યવ્મીલ્ હેસાબે યોકાલો લહોમુદ્ખોલુલ્ જન્નત ફ યઅ્બવ્ન

ખુદાવંદે આલમને એ આંખ અને એ આંસુ સૌથી વધારે પસંદ અને મહબુબ છે જે હુસૈન(અ.સ.) પર રોવે. જ્યારે પણ કોઇ હઝરત ઇમામ હુસૈન(અ.સ.) પર ગિર્યા કરે છે તે જનાબે ફાતેમા ઝહરા(સ.અ.) સાથે સિલે રહમ કરે છે અને ગિર્યામાં તેમની મદદ કરે છે. તે હઝરત રસુલે ખુદા(સ.અ.વ.) સાથે સિલે રહમ કરે છે અને તેણે અમારો હક અદા કર્યો છે. કયામતમાં જે પણ બંદાને ઉઠાડવામાં આવશે તેની આંખો રડી રહી હશે પરંતુ મારા જદ્દ ઇમામ હુસૈન(અ.સ.) પર ગિર્યા કરવાવાળી આંખો તે દિવસે ઠંડી હશે, ખુશ ખબરીઓ તેનુ સ્વાગત કરતી હશે અને તેના ચેહરાઓ ખુશ ખુશાલ હશે. લોકો હિસાબો કિતાબની સખ્તીઓમાં ફસાએલા હશે પણ આ લોકો મુત્મઇન અને આરામમાં હશે. લોકો હિસાબ અને કિતાબ માટે હાજર કરવામાં આવી રહ્યા હશે અને આ લોકો અર્શની નીચે અને અર્શના છાયામાં હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ની સાથે વાતચીતમાં મગ્ન હશે. તેમને હિસાબ અને કિતાબની સખ્તીઓનો કોઇ ડર નહી હોય. તેઓને જન્નતમાં બોલાવવામાં આવતા હશે (પરંતુ આ લોકો વાતચીત સાંભળવામાં એટલા બધા મગ્ન હશે) કે જન્નતમાં જવા માટે તય્યાર નહી હોય

(કામિલુઝ્ઝીયારત, પ્રકરણ: ૨૬, હદીસ: ૮)

આ રિવાયત પર થોડુ ધ્યાન આપો.

(૧) ઇમામ હુસૈન(અ.સ.) પર ગિર્યા કરવુ એ ખુદાની નઝદીક ખુબ જ પસંદીદા અમલ છે.

(૨) આ ગિર્યા હઝરત ફાતેમા ઝહરા(સ.અ.) સાથે સિલે રહેમ છે. તેમની સાથે હુસ્ને સુલુક છે.

(૩) આ ગિર્યા હઝરત રસુલે ખુદા(સ.અ.વ.) સાથે સિલે રહેમ છે.

(૪) આ ગિર્યા કયામતના મૈદાનમાં આંખોની ઠંડકનો સબબ છે.

(૫) આ ગિર્યા જન્નતની બશારત અને કયામતના મૈદાનમાં ખુશી અને આનંદનુ કારણ છે.

(૬) આ ગિર્યા ઇલાહી અર્શના છાયામાં હઝરત ઇમામ હુસૈન(અ.સ.) સાથે વાતચીતમાં મગ્ન રેહવાનો સબબ છે.

(૭) આ ગિર્યા હિસાબ અને કિતાબની સખ્તીઓથી નજાતનું કારણ છે.

ચાર હજાર ફરિશ્તાઓ ગિર્યા કરી રહ્યા છે:

ફરિશ્તા ખુદાવંદે આલમની એ મખ્લુક છે જે હરગીઝ ખુદાની નાફરમાની નથી કરતા. તેઓ માત્ર એ જ કાર્યને બજાવી લાવે છે જેમાં ખુદાવંદે આલમની ખુશ્નુદી અને મરજી હોય. ફરિશ્તાઓનો દરેક અમલ અલ્લાહનો પસંદીદા અમલ છે. ઇન્સાનની ખિલ્કતનો મકસદ ખુદાની ઇબાદત એટલે ખુદાની પસંદ પ્રમાણે અમલ બજાવી લાવવો.

હઝરત ઇમામ જાફરે સાદિક(અ.સ.)એ જનાબે ફુઝૈલ બીન યસારને ફરમાવ્યું:

તમે લોકો ઇમામ હુસૈન(અ.સ.)ની કબ્રની ઝિયારત કરવા શા માટે નથી જતા? ચાર હજાર ફરિશ્તા ઇમામ હુસૈન(અ.સ.)ની કબ્ર પર કયામત સુધી ગિર્યા કરતા રહેશે

(કામિલુઝ્ઝીયારત, પ્રકરણ: ૨૭, હદીસ: ૩)

હઝરત ઇમામ મોહમ્મદ બાકિર(અ.સ.)ની રિવાયત છે:

ચાર હજાર ફરિશ્તા એવી રીતે રડી રહ્હ્યા છે કે તેમના માથાઓ પર ધૂળ અને માટી છે

(કામિલુઝ્ઝીયારત, પ્રકરણ: ૩૭, હદીસ: ૪)

એક અન્ય રિવાયતમાં હઝરત ઇમામ જાફરે સાદિક (અ.સ.)એ ફરમાવ્યું:

હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ની શહાદતના દિવસથી હઝરત કાએમ(અ.સ.)ના ઝુહુર સુધી દરરોજ માથા પર ખાક નાખેલા ૭૦,૦૦૦ ફરિશ્તાઓ ઇમામ હુસૈન(અ.સ.)ને સલામ કરવા માટે આવે છે અને આવતા રેહશે

(કામિલુઝ્ઝીયારત, પ્રકરણ: ૩૭, હદીસ: ૫-૬-૭-૯)

હઝરત ઇમામ મોહમ્મદ બાકિર(અ.સ.)ની રિવાયત છે:

ખુદાવંદે આલમે હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ની પવિત્ર કબ્ર પર માથા પર ખાક નાખેલા ૭૦,૦૦૦ ફરિશ્તાઓ નિયુક્ત કર્યા છે. તેઓ કયામત સુધી ઇમામ હુસૈન(અ.સ.) પર ગિર્યા કરતા રેહશે અને નમાઝો પઢતા રેહશે. તેમની એક નમાઝ ઇન્સાનોની ૧૦૦૦ નમાઝો જેટલી છે. તેઓની નમાઝોનો સવાબ અને બદલો એ લોકો માટે છે, જે ઇમામ હુસૈન(અ.સ.)ની પવિત્ર કબ્રની ઝિયારત કરે છે

(કામિલુઝ્ઝીયારત, પ્રકરણ: ૨૭, હદીસ: ૧૫)

જનાબે ઝહરા(સ.અ.) અને મલાએકાઓનું તીવ્ર રૂદન:

હઝરત ઇમામ જાફરે સાદિક(અ.સ.)એ ફરમાવ્યું:

જ્યારે તમે ઇમામ હુસૈન(અ.સ.)ની ઝિયારત કરો તો ખામોશ રહો. અગર વાતચીત કરો તો નેક વાતચીત કરો. રાત અને દિવસના મુહાફિઝ મલાએકા જ્યારે ઇમામ હુસૈન (અ.સ.)ના હરમમાં દાખલ થાય છે અને ત્યાં હાજર ફરિશ્તાઓ સાથે મુલાકાત કરે છે, મુસાફેહો કરે છે પરંતુ રૂદનની તીવ્રતાને લીધે જવાબ નથી આપતા. આ લોકો સૂરજ ડુબવાનો અથવા તુલુએ ફજ્રનો ઇન્તેઝાર કરે છે. તે સમયે તેઓ એકબીજા સાથે વાતચીત કરે છે

મલાએકા આ રીતે શીદ્દત સાથે ગિર્યા કરે છે અને તેમની પર રૂદન એટલુ બધુ છવાઇ જાય છે કે એકબીજા સાથે વાતચીત નથી કરી શકતા. જાહેર વાત છે કે મલાએકા જે માઅરેફતની સાથે હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ની ઝિયારત માટે આવે છે તેમનું સખ્ત રોવુ તે તેમની મઅરેફતની અસર છે અને જેટલુ હઝરત ફાતેમા ઝહરા(સ.અ.) ગિર્યા કરે છે તેની સામે મલાએકાનું રડવુ તો કશુ જ નથી. આ જ રિવાયતમાં આગળ જઇને હઝરત ઇમામ જાફરે સાદિક(અ.સ.) ફરમાવે છે:

જ્યારે હઝરત ફાતેમા ઝહરા(સ.અ.) ઇમામ હુસૈન (અ.સ.)ના ઝાએરોને જુએ છે, તે સમયે તેમની સાથે ૧૦૦૦ નબી હોય છે, ૧૦૦૦ સીદ્દીક હોય છે, ૧૦૦૦ શહીદ હોય છે અને દસ લાખ કર્‚બીન હોય છે. આ તમામ હઝરાત હઝરત ઝહરા(સ.અ.)ના ગિર્યામાં તેમનો સાથ આપે છે. તેઓ ધ્રુસ્કે ધ્રુસ્ક ગિર્યા કરે છે. આસ્માનમાં કોઇ એક પણ ફરિશ્તો એવો નથી જે તેમના ગિર્યાની અવાજ સાંભળીને આંસુ ન વહાવતો હોય. જનાબે ઝહરા(સ.અ.)નું ગિર્યા શરૂ રહે છે ત્યાં સુધી કે હઝરત રસુલે ખુદા(સ.અ.વ.) તશ્રીફ લાવે છે અને ફરમાવે છે: નૂરે નઝર તમારા ગિર્યાથી તમામ આસ્માનવાસીઓ તસ્બીહ અને તકદીસ છોડીને ગિર્યા કરી રહ્યા છે

(કામિલુઝ્ઝીયારત, પ્રકરણ: ૩૭, હદીસ: ૧૯)

આ રિવાયત પરથી અંદાજો આવે છે કે જનાબે સય્યદા (સ.અ.)નું રોવુ આજે પણ શરૂ છે અને જ્યારે રોવે છે તો ધ્રુસ્કે ધ્રુસ્કે રડે છે. ખૂબ જ દર્દ સાથે રોવે છે. આનાથી એ સ્પષ્ટ થાય છે કે આટલા બધા દિવસો પસાર થઇ ગયા બાદ પણ હઝરત ઇમામ હુસૈન(અ.સ.)નો ગમ આજે પણ તાજો છે અને તેની અસર આજે પણ એવી જ છે જે કાલે હતી. રાત દિવસના પસાર થવાની અસર આ ગમ પર નથી થતી. આ ગમ કુર્આને કરીમની જેમ હંમેશા તાજો છે અને હંમેશા પોતાની એક ખાસ અસર રાખે છે. આ ગિર્યાની વિરૂદ્ધ કેટલાયે ફત્વાઓ આવતા રહ્યા. લોકો સુધારણાના નામે આમા કેટલુયે ઓછુ કરવાની કોશિશ કરી પરંતુ બધા જ નિષ્ફળ થશે. આ ગમ હંમેશા જીવંત અને કાયમ રેહશે. હંમેશા તાજો રેહશે.

રિવાયતોથી સ્પષ્ટ થાય છે કે હઝરત ઇમામ હુસૈન (અ.સ.) પર ફક્ત ઇન્સાનો અને ફરિશ્તાઓએ ગિર્યા નથી કર્યુ પરંતુ જીન્નાતોએ ગિર્યા કર્યુ છે અને નૌહા તથા મરસીયા પણ કહ્યા છે.

(કામિલુઝ્ઝીયારત, પ્રકરણ: ૨૯)

જાનવરોએ રૂદન કર્યુ છે. કબુતરોએ ગિર્યા કર્યુ છે અને કાતિલો પર લાનત મોકલી છે.

(કામિલુઝ્ઝીયારત, પ્રકરણ: ૩૦)

ઘુવડે રૂદન કર્યુ છે.

(કામિલુઝ્ઝીયારત, પ્રકરણ: ૩૧)

ગિર્યાનો સવાબ:

જ્યારે ગિર્યાના સવાબના બારામાં રિવાયતોનો ઉલ્લેખ કરવામાં આવે છે તો અમૂક લોકોને આ રિવાયતો હજમ નથી થતી અને તેના પર જુદા જુદા વાંધાઓ કરે છે. આંસુના એક ટીપા પર આટલો બધો સવાબ! આ કેવી રીતે શક્ય છે?! વાંધો કરવાવાળા એ ભૂલી જાય છે કે તેની આસપાસ જે નેઅમતો ઇન્સાન માટે પૈદા કરવામાં આવી છે શું તેની ગણતરી કોઇ શખ્સ કરી શકે છે? એ ખુદા કે જે કોઇ પણ જાતના કારણ વગર કાફિર, મુશ્રીક, મૂર્તિપુજક, ગુનેહગારને આટલા પ્રમાણમાં નેઅમતો આપી શકે છે તો અગર તે પોતાના સૌથી ચહિતા રસુલના સૌથી ચહિતા નવાસાના ગમમાં વેહવાવાળા આંસુના એક ટીપાની બદલે આટલો બધો સવાબ આપે તો શું તાજ્જુબ. નીચેની રિવાયતને ખુબ જ ધ્યાનથી વાંચો અને વારંવાર વાંચો. હઝરત ઇમામ મોહમ્મદ બાકિર(અ.સ.)એ પોતાના પીદરે બુઝુર્ગવાર હઝરત ઇમામ અલી બીન હુસૈન ઝૈનુલ આબેદીન(અ.સ.)થી રિવાયત વર્ણવી છે. આ રિવાયતને જનાબ અબુલ કાસિમ જાફર ઇબ્ને મોહમ્મદ ઇબ્ને કુલવય્હ કુમ્મીએ પોતાની ખુબ જ ભરોસાપાત્ર કિતાબ કામિલુઝ્ ઝિયારાતમાં વર્ણન કરી છે. આ કિતાબની રિવાયતોને સામાન્ય રીતે આલિમો અને ફકીહોએ ભરોસાપાત્ર અને પ્રમાણભુત ગણાવી છે.

હઝરત ઇમામ અલી બીન હુસૈન ઝૈનુલ આબેદીન (અ.સ.) ફરમાવે છે:

હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ની શહાદતની ખબર સાંભળીને અગર કોઇ મોઅમીનની આંખમાંથી આંસુ આવી જાય અને આંસુ તેના ગાલો પર આવી જાય, ખુદા તેને જન્નતમાં કેટલાય ઘર આપશે જેમાં તે પેઢી દર પેઢી રેહશે અને અગર મોઅમીનની આંખમાંથી આંસુ નીકળીને તેના ગાલો પર આવી જાય એ મુસીબતના બારામાં જે દુનિયામાં અમારા દુશ્મનોથી તેને પહોંચી છે તો ખુદાવંદે આલમ તેને જન્નતમાં બેહતરીન જગ્યા અતા કરશે અને અગર કોઇ મોઅમીનને અમારી (મોહબ્બત અને સંબંધના લીધે) કોઇ તકલીફ પોંહચે અને આંસુ નીકળીને તેના ગાલો પર આવી જાય તો ખુદાવંદે આલમ કયામતની સખ્તીઓથી અને જહન્નમની આગથી નજાત આપશે

(કામિલુઝ્ઝીયારાત, પ્રકરણ: ૩૨, હદીસ: ૧)

આ વિષયની અસંખ્ય રિવાયતો અઇમ્મએ માસુમીન (અ.મુ.સ.)થી વર્ણન થઇ છે. વાત ફક્ત આંસુના એક ટીપાની નથી. વાત એ મોહબ્બતની છે જેના લીધે આ આંસુ નીકળી આવે છે નહિતર ઇન્સાન તો આ દુનિયામાં ડગલેને પગલે રોતો રહે છે. હવે જરાક આ રિવાયતને ખુબ જ વધારે ધ્યાન અને વિચાર સાથે અભ્યાસ કરો.૩

મસ્મઅ બીન અબ્દુલ મલીક કરવીન બસરીની એક રિવાયત છે. હઝરત ઇમામ જાફરે સાદિક(અ.સ.)એ મને ફરમાવ્યું:

અય મસ્મઅ! તુ ઇરાકનો રેહવાસી છો. શું તુ ઇમામ હુસૈન(અ.સ.)ની પવિત્ર કબ્રની ઝિયારત માટે જાય છે

અર્ઝ કરી: નહિ કારણ કે બસરાવાસીઓમાં મશ્હુર અને જાણીતો છુ. મારી નજદીક અમૂક એવા લોકો છે જેઓ ખલીફાના આદમી છે. કબીલાવાળાઓ નાસેબી છે અને અમારા દુશ્મનો વધારે છે. હું મુત્મઇન નથી કે મારી ખબર સુલેમાનના દિકરા સુધી ન પહોંચે અને મારા હાથ પગ કાપી નાખે.

ઇમામ(અ.સ.)એ ફરમાવ્યું: શું તમે અમારા મસાએબનો ઝિક્ર કરો છો?

અર્ઝ કરી: જી હા. ફરમાવ્યું:

શું સાંભળીને ગમગીન થાવ છો?

અર્ઝ કરી: ખુદાની કસમ મસાએબ સાંભળીને આંસુ નીકળી આવે છે. મારા ઘરવાળાઓ મને રડતા જોવે છે અને જ્યાં સુધી આ અસર રહે છે ખાવા પીવાનું છુટી જાય છે. ફરમાવ્યું:

ખુદા તમારા આંસુઓ પર રહેમ કરે. તમે એ લોકોમાં શુમાર થઇ ગયા જે અમારા માટે ગમઝદા થાય છે. અમારી ખુશીમાં ખુશ થાય છે. અમારા લીધે ગમગીન થાય છે અને જ્યારે અમાનમાં હોય છે તો મુત્મઇન હોય છે. ચોક્કસ તમે તમારી મૌત વખતે અમારા બાપ-દાદાઓને તમારી પાસે પામશો. તેઓ મલેકુલ મૌતને તમારા બારામાં ભલામણ કરશે અને તમને જે ખુશખબરીઓ આપશે તે ઘણી વધારે ફઝિલતવાળી હશે. મલેકુલ મૌત તમારા માટે એક મહેરબાન મા કરતા વધારે મહેરબાન અને રહેમ દિલ હશે

મસ્મઅનું બયાન છે કે: ત્યાર બાદ ઇમામ(અ.સ.) રડ્યા અને હું પણ રડ્યો. પછી ફરમાવ્યું:

હમ્દ છે એ અલ્લાહની જેણે અમને મખ્લુકાતમાં પોતાની રેહમત થકી ફઝીલત આપી અને અમો એહલેબૈત(અ.મુ.સ.) ને રેહમતથી મખ્સુસ કર્યા. અય મસ્મઅ જ્યારથી અમીરૂલ મોઅમેનીન(અ.સ.) શહીદ થયા છે, જમીન અને આસ્માન અમારી મોહબ્બતમાં રોઇ રહ્યા છે. જ્યારથી અમે શહીદ થયા છીએ, મલાએકા અમારા માટે રોઇ રહ્યા છે અને અમારા માટે વધારેમાં વધારે આંસુ વહાવી રહ્યા છે. જે શખ્સ અમારી મુસીબતમાં અમારી મોહબ્બતમાં રોવે છે અને આંખમાંથી આંસુ નીકળે અને આંસુ ગાલો સુધી આવી જાય તો અગર આ આંસુનુ એક ટીપુ જહન્નમમાં નાખી દેવામાં આવે તો તેની ગરમી ખત્મ થઇ જાય અને તે ઠંડી થઇ જાય. જેનુ દિલ અમારા માટે ગમઝદા થઇ જાય, તે મૌતાના સમયે અમને જોઇને ખુશ થશે અને તે સમય સુધી ખુશ રેહશે જ્યાં સુધી હૌઝે કવસર પર અમારી સાથે મુલાકાત ન કરી લે અને ચોક્કસ હૌઝે કવસર અમારા ચાહવાવાળાઓને જોઇને ખુશ થશે. તે તેઓની ખિદમતમાં એવુ સ્વાદિષ્ટ ખાવાનુ હાજર કરશે કે ત્યાંથી જવા માટે કોઇનું દિલ ચાહશે નહિ

અય મસ્મઅ જે તેમાંથી એક ઘૂંટ પી લેશે તે ક્યારેય પ્યાસો થશે નહી અને પાણી માંગશે નહી. કપુરથી વધારે ઠંડુ, કસ્તુરીથી વધારે ખુશ્બુદાર અને તેનો સ્વાદ ઝન્ઝબીલ જેવો હશે, મધથી વધારે મીઠુ, પારાથી વધારે નરમ, આંસુઓથી વધારે ચોખ્ખુ અને પારદર્શક હશે, અંબરથી વધારે પાકીઝા હશે, તસ્નીમથી નીકળશે, જન્નતની નેહરોમાં વેહતુ હશે, તે મોતીઓ અને યાકુતોની જમીન પર વહેતુ હશે, તેની પર આસમાનના સિતારાઓથી વધારે પ્યાલા હશે, તેની ખુશ્બુ એક હજાર વરસના અંતરથી મેહસુસ કરવામાં આવશે, તેના પ્યાલાઓ સોના ચાંદી અને રંગબેરંગી જવાહેરાતના હશે, પીવાવાળાઓના ચેહરા પર ખુબ જ ખુશીઓ હશે અને તેઓ એ કેહશે કે કાશ અમે અહી જ રહેતે આ સિવાય અમને બીજી કોઇ જગ્યા પસંદ નથી.

અય કરવીન! તમે એ લોકોમાંથી છો, જે તેનાથી તૃપ્ત થશો, જે આંખ અમારા ગમમાં આંસુથી ભરેલી હશે, તે કૌસરની ઝિયારતથી છલોછલ હશે અને જે અમારી સાથે મોહબ્બત કરશે તે તેનાથી સૈરાબ થશે. પીવાવાળાઓને એવો સ્વાદ અને મજા આવશે તેનાથી એ લોકો વંચિત રેહશે જેના દિલોમાં અમારી મોહબ્બત ઓછી હશે.

ચોક્કસ હૌઝે કવસર પર અમીરૂલ મોઅમેનીન (અ.સ.) હશે. આપના હાથોમાં કાંટાવાળી લાકડી હશે જેનાથી તેઓ અમારા દુશ્મનોને ભગાવશે. તે સમયે એક શખ્સ કેહશે હું તૌહીદ અને રિસાલતની ગવાહી આપુ છું. ઇમામ(અ.સ.) ફરમાવશે જા તારા ફલાણા ઇમામ પાસે જા તે જ તારી ભલામણ કરશે. તે કેહશે આપ જેની વાત કરી રહ્યા છો તે મારાથી દૂરી જાહેર કરે છે.

ઇમામ(અ.સ.) ફરમાવશે: પાછા જાવ અને તેને શોધો કેે જેને તમે મોહબ્બત કરતા હતા અને મખ્લુકાત પર જેને અગ્રતા આપતા હતા. જ્યારે એ તારી નજદીક સૌથી બેહતર છે તો તેની પાસેથી જ શફાઅત તલબ કર. બેહતરીન મખ્લુક માટે એ યોગ્ય નથી કે તે શફાઅતનો ઇન્કાર કરે. તે કેહશે: હું પ્યાસના લીધે હલાક થઇ રહ્યો છું. ઇમામ(અ.સ.) ફરમાવશે: ખુદા તારી તરસમાં વધારો કરે. પાણીની તલબમાં વધુ વધારો કરે.

મેં ઇમામ(અ.સ.)ની ખિદમતમાં અર્ઝ કરી: હું આપ પર કુરબાન થાવ. આ લોકો હૌઝે કવસર પર બીજાઓ કરતા વધારે નજદીક કેવી રીતેે પહોંચી શકશે. ફરમાવ્યું:

આ લોકો મારી વાતોથી પરહેઝ કરતા હતા અને જ્યારે અમારો ઝિક્ર થતો તો અમો એહલેબૈત(અ.મુ.સ.)ને ગાળો આપતા ન હતા. બીજા લોકો જે ગુનાહો અંજામ આપતા હતા તેનાથી આ લોકો દૂરી અપનાવતા હતા પરંતુ આ બધુ તેઓ અમારી મોહબ્બતમાં અને અમારી માટે બજાવી લાવતા ન હતા. આ બધુ તેઓ ઇબાદતની તીવ્રતા અને દીનદારીના લીધે કરતા હતા અને લોકોથી દૂરી અપનાવતા પરંતુ તેઓ દિલથી મુનાફિક હતા. દીની રીતે નાસેબી હતા અને નાસેબીઓની પૈરવી કરતા હતા. પસાર થઇ ગયેલા લોકોની વિલાયતને તસ્લીમ કરતા હતા અને તે બંનેને દરેકની ઉપર અગ્રતા આપે છે.

(કામિલુઝ્ઝીયારાત, પ્રકરણ: ૩૨, હદીસ: ૭)

આ મહત્વની હદીસને વારંવાર વાંચીએ અને ખુદા પાસે દુઆ કરીએ ઇમામ સાદિક(અ.સ.)એ આ હદીસમાં જે હકીકતો બયાન કરી છે તે આપણા ઉપર જાહેર થાય અને વધારે મારેફત અને મોહબ્બતની સાથે એહલેબૈત(અ.મુ.સ.) ના ગમમાં ગમગીન થઇએ અને આંસુ વહાવીએ.

ઇમામ ખુમૈની અને અઝાદારી:

ઇમામ ખુમૈનીની એક કિતાબ “કશ્ફે અસ્રાર આ કિતાબ મહત્વ ધરાવતી હોવા છતા ખુબ જ ઓછી પ્રાપ્ય છે. વિલાયતે એહલેબૈત(અ.મુ.સ.) અને ખાસ કરીને શીઆ મઝહબના અકીદાઓના બચાવના બારામાં એકદમ મહત્વની કિતાબ છે. ખુબ જ સારી રીતે અસરકારક અને ભરોસાપાત્ર તથા પ્રમાણભૂત અંદાજમાં ચર્ચા કરવામાં આવી છે. આ કિતાબનો એક વિષય આ છે ‘એક નઝરી બે અઝાદારી’ અઝાદારી પર એક નજર. તેમાંથી એક ભાગ વાંચકોની સમક્ષ રજુ કરીએ છીએ.

“………અહીં એ યોગ્ય છે કે એક ચર્ચા ખાસ કરીને અઝાદારી અને મજલીસોના બારામાં કરવામાં આવે કે જે ઇમામ હુસૈન(અ.સ.)ના નામ પર કરવામાં આવે છે. અમે અને કોઇ પણ દીનદાર એમ નથી કેહતો કે ઇમામ હુસૈન(અ.સ.) ના નામ પર જે કાંઇ થઇ રહ્યું છે તે બધુ સહીહ છે. બુઝુર્ગ ઓલમા અને વિદ્વાનોની નજદીક ઘણા બધા કામ સહીહ નથી. તેઓએ તેની જગ્યાએ તેનાથી મનાઇ પણ કરી છે. આજે ૨૦ વરસથી વધારે સમય પસાર થઇ ગયો છે કે જ્યારે બા અમલ આલિમ બુઝુર્ગ અને મોહતરમ મર્હુમ હાજી અબ્દુલ કરીમ હાએરી જે પોતાના સમયના સૌથી બુઝુર્ગ આલિમોમાં ગણાતા હતા. તેમનો પોતાનો એક મરતબો અને દરજ્જો હતો. તેમણે શબીહ ખ્વાનીની મનાઇ કરી હતી અને કુમની એક મોટી મજલીસને રોઝા ખ્વાનીમાં પરિવર્તિત કરી દીધી હતી અને અન્ય આલિમોએ પણ એ કાર્યોની મનાઇ કરી છે જે ઇસ્લામી શરીઅતથી વિરૂદ્ધ હોય.

પરંતુ એ તમામ મજલીસો જે શીઆ પ્રદેશ અને શહેરોમાં થાય છે પોતાની ખામીઓ હોવા છતા અત્યારે જે કાંઇ પણ દીન છે, અખ્લાક છે, ફઝાએલ અને મકારીમે અખ્લાક છે આ તમામ આ મજલીસોની અસર છે.

ખુદાનો દીન, આસ્માની કાનુનો, પવિત્ર શીઆ મઝહબ જે હઝરત અલી(અ.સ.)ની પૈરવી કરે છે અને ઉલીલ અમ્રની ઇતાઅત કરે છે આ બધુ જ એ પવિત્ર મજલીસોની અસર છે જેનુ નામ અઝાદારી છે. તેનુ કામ ખુદાના દીનને ફેલાવવુ અને ઇલાહી એહકામને બયાન કરવુ છે. આ મજલીસો આજ સુધી બાકી છે અને ભવિષ્યમાં પણ બાકી રેહશે. અગર આ મજલીસો ન હોત તો બીજી કૌમોના મામલામાં જે શીઆ ખુબ જ અલ્પ સંખ્યામાં છે, અગર આ અઝાદારીની બુનિયાદ ન હોત તો અત્યારે હકીકી દીન એટલે કે શીઆ મઝહબનુ નામો નિશાન મટી ગયુ હોત. એ બાતિલ જેની બુનિયાદ સકીફાએ બની સાએદાહમાં રાખવામાં આવી હતી, જેનો હેતુ દીનની બુનિયાદોને તોડી નાખવાનો હતો તેણે હકની જગ્યા લઇ લીધી હોત.

ખુદાવંદે આલમે જ્યારે જોયુ કે ઇસ્લામની શરૂઆતના મૌકા પરસ્ત લોકો દીનની બુનિયાદોને હલબલાવી નાખવા ચાહે છે, અમુક લોકો સિવાય બીજુ કોઇ બાકી નથી. તો તેણે ઇમામ હુસૈન(અ.સ.)ને કયામ કરવાનો હુકમ આપ્યો. તેમણે કુરબાની અને ફિદાકારી થકી કૌમને જાગૃત કરી દીધી. તેણે તેમના અઝાદારોના માટે મહાન સવાબ મુકર્રર કર્યો, જેથી આ અઝાદારી લોકોને બેદાર રાખે અને કરબલા જીવંત રહે કે જેનો હેતુ ઝુલ્મની બુનિયાદોને હલબલાવી નાખવાનો હતો અને લોકોન તૌહીદ અને અદ્લની ભૂલાવી દેવામાં આવેલી હકીકતોની તરફ બોલાવવાનો હતો.

આથી જરૂરી છે એ અઝાદારી જેની બુનિયાદો આ હકાએક અને મકસદો પર આધારિત હોય અને આ અઝાદારીનો એટલો બધો સવાબ નક્કી કરવામાં આવે જેથી લોકો તમામ સખ્તીઓ અને મુશ્કેલીઓ હોવા છતા અઝાદારીને છોડે નહી. યકીન જાણજો કે અગર આ અઝાદારી ન હોત તો ઇમામ હુસૈન(અ.સ.)ની કુરબાની એકદમ ઝડપથી ભૂલાવી દેવામાં આવત. ઇમામ હુસૈન(અ.સ.)ની મેહનતો અને ફિદાકારીઓની સાથો સાથ પૈગમ્બરે ઇસ્લામ(સ.)ની ઝેહમતો અને કુરબાનીઓ પામાલ થઇ જાત. ખાસ કરીને એ તામમ કોશિશો જે આં હઝરત(સ.અ.વ.)એ શીય્યતની મજબુતાઇ માટે કરી હતી તે બધી ખત્મ થઇ જાત.

અને અગર માની લેવામાં આવે કે ખુદાવંદે આલમ ફાયદાના પ્રમાણમાં સવાબ અને બદલો આપે છે, તો અઝાદારીનો ફાયદો દીને હક અને શીય્યતના મૂળનુ બાકી રેહવુ છે. દુનિયા અને આખેરતની તમામ ખુશ નસીબીઓ તેનાથી જોડાયેલી છે.

અગાઉના સમયમાં શીય્યતની જે હાલત હતી અને જે રીતે હઝરત અલી બીન અબી તાલિબ(અ.સ.)ના વિરોધીઓ તરફથી જબરદસ્ત દબાવ હતો. આ અઝાદારીએ શીય્યતને બાકી રાખી છે. આથી આ અઝાદારીનો ફાયદો આપણી કલ્પનાની બહાર છે.

આથી ખુદાવંદે આલમે અઝાદારીના માટે એ સવાબ નિશ્ર્ચિત કર્યો છે એ બદલો નક્કી કર્યો છે જેને ન કોઇ આંખએ જોયો છે અને ન કોઇ કાને સાંભળ્યો છે. આ બધુ ઇલાહી અદ્લનો તકાઝો છે.

(કશ્ફુલ અસ્રાર, પાના: ૧૭૩-૧૭૪)

અગર આપણે દીને હકની બકાઅ અને શીય્યતની મજબુતાઇ જોવા ચાહીએ છીએ તો હાલની જે અઝાદારી છે તેને ફેલાવે.

—૦૦૦—

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *