ઇમામ હુસૈન(અ.સ.)ના અખ્લાક

Print Friendly, PDF & Email

સય્યદુશ્શોહદા હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ના અખ્લાક અને કિરદાર પર પ્રકાશ ફેંકવો એ સૂર્યની સામે દિવો દેખાડવા બરાબર છે જે ખુલ્કે અઝીમના જાનશીન હોવા ઉપરાંત સરકારે કોનૈન(સ.અ.વ.)ની તમામ બાબતો, જવાબદારીઓના વારસદાર હોય ભલા કોઇ તેમની જીંદગીના અખ્લાકના અમૂલ્ય પાસાઓને કાગળથી ઝીનત અતા કરી શકે? એટલા માટે કે અગર તેમણે તાલીમ ન આપી હોત તો આપણને અખ્લાકની સમજણ પણ ખબર ન પડત કે અખ્લાક કેહવાય કોને?

તેમણે અખ્લાકી સમજણ રજુ ન કરી હોત તો આપણે શું કરત?

તેમણે અખ્લાકી સમજણની અમલી જીંદગી આપણી સામે ન ગુજારી હોત તો આપણને અખ્લાકને અમલમાં લાવવાની રીત ન આવડત. નહિતર તમે અને અમે જાણીએ છીએ કે આપણે ત્યાં અખ્લાકના બારામાં શું ખયાલ જોવા મળે છે:

(૧) સામાન્ય લોકોની વચ્ચે એક માન્યતા જે જોવા મળે છે તે એ છે કે રોજીંદા જીવનમાં અખ્લાક શબ્દનો ઉપયોગ આપણે એ રીતે કરીએ છીએ કે કોઇ સલામ કરે તો તેને સારા અખ્લાકનું સર્ટીફીકેટ આપી દીધુ અને સલામ ન કરી તો બદ અખ્લાકીમાં શુમાર કર્યુ. આ જ તો છે બીજુ શું?

(૨) અને એક બીજો ખયાલ એ જોવા મળે છે કે જે અખ્લાકના આલિમોની નજરમાં છે જેના લીધે ખરેખર કોઇ ઇન્સાનને અખ્લાકવાળો કે બદ અખ્લાક ગણવામાં આવે છે. વાતચીતને વધારે વિગતમાં લઇ જવા નથી ચાહતો પરંતુ એટલુ જરૂર છે કે ઇન્સાનની જીંદગીમાં બે વાતો ખુબ જ મહત્વની છે (૧) ઇલ્મ (૨) અમલ.

જેવી રીતે ઇન્સાનની જીંદગી આ બંને વગર સંપૂર્ણ નથી તેવી જ રીતે ઇન્સાનનું ચારિત્ર્ય ત્યાં સુધી સંપૂર્ણ નથી થઇ શક્તું જ્યાં સુધી કે ઇન્સાનનું ઇલ્મ અને અમલ દરેક પ્રકારની ખામીઓ અને ઐબ અને કમઝોરીઓથી પાક ન હોય. દુનિયામાં મોહમ્મદો આલે મોહમ્મદ(અ.મુ.સ.)ના સિવાય કોઇ એવું નથી કે જેને અલ્લાહ તરફથી ઇલ્મ મળેલુ હોય અને અમલમાં અત્યાર સુધી દુનિયા તેમનો જવાબ નથી લાવી શકી. એ વાત યાદ રહે કે ગરીબ આદમી ગરીબોની સાથે બેસી જાય, ફકીર આદમી ફકીરોના સમૂહની સાથે ઉઠે-બેસે એ કોઇ ઇન્સાની જીંદગીનો હુનર અથવા કિરદાર નથી. મોટો માણસ નાના માણસની સાથે ખાવાનું ખાય એ ખુબ જ ઉચ્ચ દરજ્જાના કિરદારનો કમાલ છે. શું ઇમામ હુસૈન(અ.સ.)ની સરખામણી દુનિયાના કોઇ પણ માણસ સાથે કરી શકાય છે? જે દીન અને દુનિયા બંનેના સરદાર હોય, જે મહાન હસબ અને કરીમ વંશવાળા હોય, તેનાથી મોટુ કોઇ છે? પરંતુ ઇમામ હુસૈન (અ.સ.)નો કિરદાર જોઇએ તો અઝમત અને મર્તબો ધરાવતા હોવા છતા ઇન્કેસારી અને નમ્રતાને કેવી રીતે અમલી રૂપ આપ્યું છે.

મર્હુમ અય્યાશીએ ભરોસાપાત્ર સનદથી વર્ણન કર્યુ છે કે એક દિવસ ઇમામ હુસૈન(અ.સ.) એક જગ્યાએ પસાર થઇ રહ્યા હતા. જોયુ કે અમૂક મિસ્કિન પોતાની અબા પાથરીને સુકી રોટલી ખાઇ રહ્યા છે. જ્યારે નજદીક પહોંચ્યા તો એ લોકોએ આપ(અ.સ.)ને પોતાની સાથે ખાવાની દાવત આપી. ઇમામ હુસૈન(અ.સ.) તરત જ ઘોડા પરથી નીચે ઉતર્યા અને તેમની પાસે બેઠી ગયા પછી ફરમાવ્યું:

ઇન્નહુ લા યોહિબ્બુલ્ મુસ્તકબેરીન

બેશક ખુદા  અભિમાનીઓને દોસ્ત નથી રાખતો

(સુરે નહલ, આયત: ૨૩)

અને તેમની સાથે ખાવાનું શરૂ કરી દીધુ. અમૂક રિવાયતોમાં મળે છે કે આપ બેસી તો ગયા પરંતુ ફરમાવ્યું: માફ કરજો અમે ખાવાનું નથી ખાઇ શકતા એટલા માટે કે તમારૂ ખાવાનું સદકો છે (લોકોના ઘરેથી માંગીને લાવો છો) અને અમો આલે મોહમ્મદ(સ.અ.વ.) પર સદકો હરામ છે.

કિરદારનું થોડુ વિશ્ર્લેષણ કરીએ. ખબર હતી કે આ ખાવાનું અમારા માટે જાએઝ નથી એ છતા તેમની પાસે બેસી ગયા. જેથી બતાવી દે કે તમે દાવત આપી, કબુલ કરવી એ મારી ફરજ હતી પરંતુ ખાવું નહી એ અલ્લાહના હુકમની બજાવણી છે. નહિતર ખુબ જ સારી રીતે ઘોડા પરથી ઉતર્યા વગર આ કહીને આગળ વધી જાત કે જે ખાવાનું ખાઇ રહ્યા છો તે મારા લાયક છે જ નહી તો પછી બેસવાની શું જરૂરત છે. ત્યાર બાદ જુઓ કે કેટલી સારી રીતે એક અમલથી કુર્આને કરીમની આયતોને અમલી અખ્લાક રજુ કરી દીધુ. કુર્આન કહે છે:

હલ્ જઝાઉલ્ એહસાને ઇલ્લલ્ એહસાન

(સુરે રેહમાન, આયત:૬૦)

ઇમામ હુસૈન(અ.સ.)એ તેમના તરફ સંબોધન કરીને ફરમાવ્યું:

તમે દાવત આપી મેં કબુલ કરી. હવે હું દાવત દઇ રહ્યો છું તમે પણ કબુલ કરો અને બધાને પોતાના ઘરે લઇ ગયા. કનીઝોને અવાજ આપી જે કાંઇ ઘરમાં મેહમાન માટે હોય લઇ આવો. આપે બેહતરીન તરીકાથી મેહમાનગતી કરી અને ઇનામ અને ઇકરામ સાથે રૂખ્સત કરી દીધા

(જીલાઉલ ઓયુન, ભાગ: ૨, પાના: ૩૨૫)

સખાવતે ઇમામ હુસૈન(અ.સ.):

ઇબ્ને શેહરે આશોબ એ રિવાયત કરી છે કે એક અઅરાબી મદીના પહોંચ્યો અને પુછ્યું કે મદીનામાં સૌથી વધારે કરીમ કોણ છે? લોકોએ કહ્યું: હુસૈન ઇબ્ને અલી(અ.સ.). તે તરત જ મસ્જીદ આવ્યો. જોયું કે આં હઝરત (અ.સ.) નમાઝમાં મશ્ગુલ છે. એટલી વારમાં ઇમામ હુસૈન (અ.સ.)ની મદ્હમાં અમૂક શેર પઢી દીધા. જ્યારે હઝરત (અ.સ.) નમાઝથી ફારિગ થયા તો કમ્બરને બોલાવ્યા અને ફરમાવ્યું: કમ્બર! હિજાઝના માલમાંથી કાંઇ વધ્યું છે? કમ્બરે અર્ઝ કરી: સોનાના ચાર હજાર દીનાર વધ્યા છે. ફરમાવ્યું: લાવો આ શખ્સ તેનો સૌથી વધુ મુસ્તહક છે. ઘરની અંદર તશ્રીફ લઇ ગયા. પોતાની મુબારક રિદામાં ૪૦૦૦ દીનાર લપેટીને અઅરાબીથી શર્મના લીધે દરવાજાની પાછળ ઉભા રહીને ધીમેથી તેના હવાલે કરી દીધા. અમૂક શેર આપ (અ.સ.)એ પણ કીધા જે અઅરાબીથી માફી માંગવા પર હતા. જ્યારે અઅરાબીએ થેલી જોઇ તો રોવા લાગ્યો. હઝરતે ફરમાવ્યું:

અય અઅરાબી! એવું લાગે છે કે જે મેં આપ્યું છે તે તારા માટે પુરતુ નથી. અર્ઝ કરી: નહિ! એવું નથી પરંતુ હું એટલા માટે રડી રહ્યો છું કે સખાવત અને બક્ષિસનો આ જબરદસ્ત હાથ કેવી રીતે માટીમાં છૂપાઇ જશે

(જીલાઉલ ઓયુન, ભાગ: ૨, પાના: ૩૨૫-૩૨૬)

જામેઉલ અખ્બારમાં રિવાયત છે કે એક અઅરાબી ઇમામ હુસૈન(અ.સ.)ની ખિદમતમાં આવ્યો અને અર્ઝ કરી: ફરઝંદે રસુલ હું સંપૂર્ણ દીયતનો ઝામીન છું અને હવે તેને અદા કરવાથી લાચાર છું. મેં વિચાર્યુ શું કરૂ. દિલમાં વિચાર્યુ કે લોકોમાં સૌથી વધારે કરીમ હોય તેની પાસે માંગુ. મેં જોયુ કે પૈગમ્બર(સ.અ.વ.)ના એહલેબૈત(અ.મુ.સ.)થી વધીને કોઇ કરીમ નથી. હઝરત(અ.સ.)એ ફરમાવ્યું:

આ તો તારી રીત હતી કે કરીમની પાસે સવાલનો હાથ લંબાવવો જોઇએ પરંતુ આ મારી રીત છે કે આં હઝરત (સ.અ.વ.)એ ફરમાવ્યું: ‘અલ્ મઅ્રૂફો બે કદ્રીલ્ મઅ્રેફતે’ અગર કોઇને કાંઇક દેવું હોય, અતા કરવું હોય તો દેવાથી પહેલા તેની માઅરેફત જોઇ લેવી. જેટલી માઅરેફત ધરાવતો હોય તેટલા પ્રમાણમાં તેની સાથે નેકી કરવી જોઇએ. હું તને ત્રણ સવાલ કરૂ છું. એક સવાલનો જવાબ આપ્યો તો એક તૃત્યાંશ માલ તારો. અગર બે સવાલના જવાબ આપ્યા તો બે તૃત્યાંશ. અગર ત્રણ સવાલના જવાબ આપ્યા તો પૂરા માલનો હકદાર બનીશ

તે ગભરાઇ ગયો. હઝરત મને સવાલ કરશે મારી શું હૈસીયત. ફરઝંદે રસુલ આપ ઇલ્મે લદુન્નીના માલિક છો, શરફ અને અઝમત ધરાવનારા છો. આપ પુછો અગર ઇમ્તેહાનમાં કામ્યાબ થઇ ગયો તો શું કહેવું નહિતર આપને જ પુછી લઇશ.

ઇમામ હુસૈન(અ.સ.)એ ફરમાવ્યું: બતાવ કે ક્યો અમલ અફઝલ છે?

અઅરાબી: અલ્લાહ તઆલાની ઝાત પર ઇમાન રાખવું.

ઇમામ(અ.સ.): આખેરતમાં હલાકતથી બચવાનો ઝરીઓ શું છે?

અઅરાબી: અલ્લાહ પર ભરોસો રાખવો.

ઇમામ(અ.સ.): ઇન્સાનની ઝીનત કઇ ચીજમાં છે?

અઅરાબી: ઇલ્મ અને તેની સાથે હિલ્મ.

ઇમામ(અ.સ.): અગર એ ન હોય તો?

અઅરાબી: માલ અને તેની સાથે સબ્ર અને બરદાશ્ત કરવું.

ઇમામ(અ.સ.): અગર તે પણ ન હોય તો?

અઅરાબી: ગરીબાઇ અને તેની સાથે સબ્ર.

ઇમામ(અ.સ.): અગર તે પણ ન હોય તો?

અઅરાબી: પછી આવો શખ્સ હકદાર છે કે વિજળી પડે અને હલાક થઇ જાય?

રિવાયત કહે છે કે જેવું તેણે આખરી વાક્ય કહ્યું, ઇમામ (અ.સ.) મુસ્કુરાયા અને થેલી જેમાં ૧૦૦૦ દીનાર રાખેલા હતા તેના હવાલે કર્યા. તમે ઇમ્તેહાનમાં કામ્યાબ થઇ ગયા. આથી બધુ લઇ જાવ અને પોતાની અંગુઠી આપીને ફરમાવ્યું:

આ અંગુઠી પણ લઇ લ્યો. તેના નગીનાની કિંમત ૨૦૦ દિરહમ છે. થેલીની રકમથી કર્ઝ અદા કરજો અને આ અંગુઠીને પોતાના ખર્ચમાં ઉપયોગ કરજો

અઅરાબીએ આગળ વધીને તેને લીધુ અને અર્ઝ કરી:

અલ્લાહો અઅ્લમો હય્સો યજ્અલો રેસાલતહુ

અલ્લાહ બેહતર જાણે છે કે રિસાલત અને ઇમામત ક્યાં રાખે.

(જીલાઉલ ઓયુન, ભાગ: ૨, પાના: ૩૨૮)

આપનું સાદુ જીવન:

ઇમામ હુસૈન(અ.સ.)ની શખ્સીય્યત એટલી બધી બુલંદ છે કે તેની કોઇ કલ્પના કરી શકતુ નથી. જ્યારે આપ(અ.સ.) પોતાના ભાઇ ઇમામ હસન(અ.સ.)ની સાથે પગે ચાલીને હજ કરવા તશ્રીફ લઇ જતા હતા તે સમયે ઇસ્લામની મોટી મોટી શખ્સીયતો આપના એહતેરામમાં પગે ચાલતા. સમાજની અંદર આપનુ જે ઇઝ્ઝત અને એહતેરામ હતુ તેનું એક કારણ એ હતું કે આપ સમાજમાં જીંદગી પસાર કરતા હતા. લોકોથી એકાંત વાસ રાખતા નહી. દિલો જાનથી સમાજના મસઅલાઓમાં ભાગ લેતા અને બીજાઓની જેમ પોતે પણ મુશ્કેલીઓ અને તકલીફો સહન કરતા. લોકો પ્રત્યે હમદર્દીઓ આપને ફિકરમંદ રાખતી હતી. આપની પાસે ન તો મહેલ હતો અને ન તો લશ્કર. ન ખિદમત ગુઝાર ગુલામો ન તો ચોકીદાર અને ન તો દરવાન. આપની જીંદગી બાદશાહો જેવી ન હતી. બલ્કે ફકીરો, જરૂરતમંદોની મદદ કરવામાં આગળ આગળ રેહતા અને ખુદ પોતે સામાન લઇને પહોંચતા હતા.

શોએબ બીન અબ્દુર્રેહમાન ખુઝાઇનું બયાન: જ્યારે ઇમામ હુસૈન(અ.સ.)ને શહીદ કરી દેવામાં આવ્યા તો આપની પીઠ મુબારક પર કાળા ચિહ્નો જોવા મળ્યા. લોકોએ ઇમામ ઝૈનુલ આબેદીન(અ.સ.)થી આનું કારણ પુછ્યું. ઇમામ (અ.સ.)એ ફરમાવ્યું:

મારા વાલિદ રાતના અંધારામાં પીઠ પર રોટીઓ ઉંચકીને બેવાઓ, યતીમો અને ફકીરોમાં વહેંચતા હતા. આ તેની નિશાનીઓ છે.

(મનાકિબ, ભાગ: ૨, પાના: ૨૨૨)

અલાએલી પોતાની કિતાબમાં લખે છે: માનવ ઇતિહાસમાં એવી મહાન શખ્સીયતો મળે છે કે જેની મહાનતાના પાસાએ દુનિયાને આશ્ર્ચર્યચકિત કરી દીધા છે. કોઇએ શુજાઅતમાં, કોઇએ ઝોહદમાં, કોઇએ સખાવતમાં. પરંતુ ઇમામ હુસૈન(અ.સ.)ની શખ્સીયત દરેક પાસાથી અઝીમ દેખાઇ આવે છે. તેમની શખ્સીયત તમામ અઝમતો અને બુલંદીઓનો મજમુઓ છે.

(સીમ્વલ મઅના, પાના: ૧૦૪)

જે નબુવ્વતના અમર્યાદિત રાજ્યના વારિસ હોય, જે અલી(અ.સ.)ની અઝમત, અદાલત અને શુજાઅતનો અરીસો હોય, જે ફાતેમા(સ.અ.)ના જાહોજલાલ, ફઝીલત અને ઉચ્ચતાના વારસદાર હોય, જે હસન(અ.સ.)ની શાનો શૌકત અને સુલેહ તથા હિલ્મના જવાબદાર હોય. એમની શખ્સીયત બુલંદીઓ અને ઇન્સાની સિફતોના મેઘ ધનુષ્ય તરીકે નજર કેમ ન આવે? આપણા સર્વો માટે એહલેબૈત (અ.મુ.સ.)ના મકતબના અનુયાયીઓ તરીકે જરૂરી છે કે તેમની શખ્સીયત અને સિફતોને આપણે આપણા પોતા માટે નમુનએ અમલ ગણીએ.

આપણા સૌના કરોડો સલામ થાય એમની પવિત્ર ઝાત પર એ આશાની સાથે કે ખુદાવંદે આલમ જ્યારે પોતાના આખરી વલી હુજ્જત ઇબ્નીલ હસન અસ્કરી(અ.સ.)ને જાહેર કરશે તો તેમની સાથે રહીને ઇમામ હુસૈન(અ.સ.)ના કાતિલોથી ઇન્તેકામ લેવા વાળાઓમાં આપણો પણ શુમાર થાય. આમીન.

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *