એ મજલીસ જે ઈમામુલ અસ્ર (અજ.)ની ચર્ચાથી શોભાયામાન હોય

Print Friendly, PDF & Email

કુરઆને કરીમમાં ખુદાવંદે આલમ એઅલાન ફરમાવે છે:

‘એ ઈમાનવાળાઓ! (દુનિયાની તકલીફો) સહન કરી લો અને બીજાને સહન કરવાની તાલીમ આપો અને સંપર્ક જાળવી રાખો (પોતાના ઝમાનાના ઈમામ સાથે) અને ખુદાથી ડરતા રહો (પોતાની જવાબદારીના અનુસંધાનમાં) જેથી તમે સફળ થઈ જાવ. (સુરે આલે ઈમરાન-300)

આ આયતની તફસીરમાં સુન્નીઓના મશ્હુર આલીમ હાફીઝ ક્ન્દુઝી હનફી પોતાની કિતાબ ‘યનાબીઉલ મોવદ્દહ’પાના 5-6 માં ઈમામ બાકિર (અ.સ.)થી નકલ કરે છે: ‘વાજીબાતને અદા કરવા ઉપર સબર કરો અને દુશ્મનોના ઝુલ્મ અને અત્યાચારનો સામનો કરવામાં અડગ રહો અને પોતાના ઈમામ મહદી અલ મુન્તઝર સાથે સંપર્ક જાળવી રાખો.’

આવાજ પ્રકારની તફસીર ઈમામ જઅફર સાદિક (અ.સ.) એ કરેલી છે જેની વિગત ’મઆનીઉલ અખ્બાર’, ‘તફસીરે અયાશી’, ‘ઉસુલે કાફી’ વિગેરેમાં મૌજુદ છે. ઈમામ સાદિક (અ.સ.) ફરમાવે છે, ‘પોતાના દીનના અનુસંધાનમાં સબર કરો, પોતાના દુશ્મનોનો સામનો કરવામાં સબર કરો અને પોતાના ઈમામ સાથે સંપર્ક જાળવી રાખો.’ (તફસીરૂલ મીઝાન પા. 201)

એમાં શક નથી કે અલ્લાહ તઆલા ચાહે છે કે તેના બંદાઓ આ દુનિયામાં તેની હુજ્જત અને પોતાના ઝમાનાના ઈમામ સાથે દરેક પળે સંપર્ક જાળવી રાખે. આના મહત્વ માટે ઈતિહાસ ખુદ સાક્ષી છે. જેવી રીતે ભૂતકાળમાં લોકોએ પોતાના ઝમાનાના ઈમામ સાથે સંપર્ક જાળવી ન રાખ્યો તેના પરિણામે મઅરેફત મેળવી શકય નહિ અને તેનું નકારાત્મક પરિણામ એ આવ્યું કે લોકોએ હઝરત અલી (અ.સ.)ની ખિલાફતને સ્વિકારવાનો ઈન્કાર કરી દીધો. ઈમામ હસન (અ.સ.)ના જનાઝા ઉપર તીર વરસાવવામાં આવ્યા. ઈમામ હુસયન (અ.સ.)ને નિર્દયતાથી શહિદ કરી દેવામાં આવ્યા અને આજ કારણથી દરેક ઈમામને ઝુલ્મ અને અત્યાચારનું નિશાન બનાવવામાં આવ્યા અને કયારેક લોકોના દીલ હિદાયતતના નૂરના ચિરાગથી પ્રકાશિત ન થઈ શકયા.

જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ સંજોગો વધુને વધુ બગડતા ગયા. આજે મુસલમાન તો છે પરંતુ ઈસ્લામની અને ઈમામની મઅરેફત વગર જીવન પસાર કરી રહ્યા છે. આજે મઝહબ અને સમાજ ઈન્સાફના નામે બેદીની અને અન્યાયની સાથે સાથે ઝુલ્મ અને અત્યાચારને પોષી રહ્યા છે. તે ઈસ્લામ જે લોકોને નવજીવન આપવા માટે આવ્યો હતો, આજે તે ઈસ્લામ પોતેજ નિર્જીવ દશામાં દેખાય રહ્યો છે. આના અનુસંધાનમાં ઈમામ રઝા (અ.સ.) ફરમાવે છે.

‘અલ્લાહ તે માણસ ઉપર પોતાની રહેમ ઉતારે જે અમારા હેતુને જીવંત કરે છે’. રાવીએ પૂછયું, ‘આપનો હેતુ કેવી રીતે જીવંત કરે છે’? ઈમામ (અ.સ.)એ ફરમાવ્યું ‘અમારી મઅરેફત અને અમારા કથનોને બીજાઓ સુધી પહોંચાડવાથી.’

ઈમામ રઝા (અ.સ.)ના કહેવા મુજબ ઈસ્લામને જીવંત કરી શકાય છે તો માત્ર એહલેબય્ત (અ.મુ.સ.)ની મઅરેફત મેળવીને અને તેમના કહેવા ઉપર અમલ કરીને. તે માટે દીન ઉપર અડગ રહીને ઈમામ (અ.સ.) સાથે સંપર્ક જાળવી રાખવો પડશે અને બીજાઓ માટે તેમનો લાભ લેવા માટે પૂર્વભૂમિકા તૈયાર કરવી પડશે.

ઈમામ રઝા (અ.સ.)ના કથન મુજબ ઈસ્લામને નવજીવન ત્યારેજ મળી શકે જ્યારે એહલેબય્ત (અ.મુ.સ.)ની મઅરેફત પોતે મેળવીને બીજાઓને સમજાવીએ અને આ ત્યારેજ શકય બને જ્યારે ઉપરોકત કુરઆનની આયતના પ્રકાશમાં ઝમાનાના ઈમામ સાથે સંપર્ક સાધવામાં અડગ રહીએ, તેનો હેતુ આ છે. આ હકીકત છે કે હાલના ઝમાનામાં દીની અજ્ઞાનતાનો અંધકાર ફેલાયેલો છે. પરંતુ ખુદાની હુજ્જત જે જીવતા છે તેમના સિલસિલામાં આ અંધકાર દીની અજ્ઞાનતાના અંધકાર કરતા ઘણો વધુ ફેલાએલો છે. તેથી એવી મજલીસો ગોઠવવી આપણી ઉપર વાજીબ છે, આ મજલીસોમાં ઈસ્લામને જીવંત કરવા માટેના ઘણા માર્ગો સુચવવામાં આવ્યા છે. જે પૈકી 12 નીચે રજુ કરવામાં આવેલ છે.

(1) સાચા માર્ગદર્શક – ખુદાની હુજ્જતની મઅરેફત પ્રાપ્ત થશે.

(2) આ મજલીસ ખુદ એક ઈબાદત છે, તેની સાક્ષી બીજા કોઈએ નહિ બલ્કે ખુદ રસુલે ઈસ્લામ (સ.અ.વ.) એ આપી છે આપ ફરમાવે છે: ‘ઝીક્રો અલીયુન એબાદહ’ અલીનો ઝીક્ર ઈબાદત છે. (જામેઉસ-સગીર પા. 16, કુનુઝે હકાએક, પા. 120, ખયરૂલ બરીય્યા પા. 51)

આજે હઝરત અલી (અ.સ.)ના વંશમાં ઈમામ મહદી (અ.સ.) તેજ ઈલાહી સ્થાન અને મોભો ધરાવે છે જે હઝરત અલી (અ.સ.)નો છે. તેથી ઈમામ મહદી (અજ.)નો ઝીક્ર ઈબાદત છે.

(3) લોકોના દિલોમાં ઈમામ (અ.સ.)ની મોહબ્બત, જેમ જેમ તેઓને ઈમામનું મહત્વ સમજાશે તેમ તેમ વધતી જશે. તેઓને ખબર પડશે કે દુનિયા તેમના અસ્તિત્વથી જ ટકી રહી છે અને એ પણ જાણી લેશે કે તેઓનું અસ્તિત્વ પણ ઈમામ (અ.સ.)ના લીધે ટકી રહ્યું છે. આ હકીકત લોકોને ઈમામ (અ.સ.)થી નજદીક કરી દેશે. લોકોના દિલોમાં ઈમામ (અ.સ.)ની ઈઝઝત, સન્માન અને મોહબ્બતમાં વધારો કરશે.

(4) આ પવિત્ર હસ્તીનો ઝીક્ર ખુદ નેકી અને તકવા તરફ દોરશે.

(5) પયગમ્બરની બેઅસતનો આ હેતુ પણ છે.

નબી (સ.અ.વ.) એ ફરમાવ્યું ‘મને સુંદર ચારિત્રને તેની પૂર્ણતા સુધી પહોંચાડવા માટે મોકલવામાં આવ્યો છે.’

(6) ઈમામ (અ.સ.)ના અનુસરણ માટે લોકોને શિક્ષણ આપવામાં આવશે પછી તે બેઠા હોય કે ઉભા હોય. આ મજલીસમાં એવા પ્રયત્નો થશે કે ઈમામ મહદી (અ.સ.)ના માટે એ સંજોગો ઉભા નહિ થાય જેનો સામનો હઝરત અલી (અ.સ.)ને સીફફીનની લડાઈ અને જમલની લડાઈમાં કરવો પડયો હતો. લોકોનું તેમની તરફ વ્યવસ્થિત રીતે ધ્યાન દોરવામાં આવશે કે લોકો ઈમામ મહદી (અજ.)ની સાથે તે ઈતિહાસનું પુનરાવર્તન ન કરે જે ઈમામ હસન (અ.સ.) સાથે થયું.

(7) ઈમામે ઝમાના (અ.સ.) અલ્લાહની એક નિશાની (આયત) છે તેથી તે મજલીસ થકી લોકો અલ્લાહની નિશાનીઓની ઈઝઝત અને સન્માન કરશે.

(8) આ મજલીસો થકી લોકોને તવફીક મળશે કે લોકો ઈમામ (અ.સ.)ના જલ્દી ઝુહુર થવા માટેની દોઆ કરે જેમકે ખુદ ઈમામ (અ.સ.) એ ઈચ્છા વ્યકત કરી છે:

‘અને મારા જલ્દી ઝુહુર થવા માટે વધુને વધુ દોઆ કરો તેમાંજ તમારી મુકિત છે.’ (મુન્તખબુલ અસર, પા. 348)

(9) એની શકયતા વધી જશે કે ઈમામ (અ.સ.) નક્કી થયેલા સમય પહેલા જાહેર થઈ જાય જેમકે હઝરત મુસા (અ.સ.) માટે અલ્લાહ તઆલાએ કહ્યું હતું કે જ્યારે બની ઈસરાઈલની કોમે ફીરઔનના ઝુલ્મ અને અત્યાચારથી તંગ આવી જઈને અલ્લાહની બારગાહમાં રોઈ રોઈને કરગરી કરગરીને દોઆ માંગી.

(10) લોકોના ધ્યાનમાં એ વાત આવી જશે કે તેઓએ ઈમામ (અ.સ.)ના માર્ગ ઉપર ઈમામની ખુશી માટે પોતાની જાન અને માલ કુરબાન કરવા માટે હર પળે તૈયાર રહેવું જોઈએ.

(11) લોકો ઈમામ (અ.સ.) થકી અલ્લાહની મઅરેફત મેળવશે જે તેના સર્જનનો હેતુ છે.

(12) આ મજલીસથી લોકોને ઈમામની મઅરેફત મળશે તેથી જો જાહેર થવા પહેલા પણ તેનો મૃત્યુ પામશે તો પણ તેઓ અજ્ઞાનતાની મોતથી નહિ મરે. જેમકે રસુલે ખુદા (સ.અ.વ.) એ ફરમાવ્યું:

‘જેણે પણ ગયબતના ઝમાનામાં કાએમ (અજ.)નો ઈન્કાર કર્યો, જે મારા વંશમાંથી છે, તો તેનું મૃત્યુ અજ્ઞાનતાનું મૌત હશે.’ (બેહાર, ભાગ 51, પા. 38)

(1) મીકયાલુલ મકારીમ ભાગ-2, પા. 389 માં એક હદીસ મૌજુદ છે જેનો ભાવાર્થ છે. ‘બેશક તે આલીમ જે દીનની તાલીમ આપે છે અને તેઓને તેઓના ઈમામ તરફ જવાની દાઅવત આપે છે તે સિત્તેર હજાર આબીદોથી વધુ સારો છે.’

(2) ઈમામ જઅફર સાદિક (અ.સ.) ફરમાવે છે: ‘જે આ મજલીસોમાં ઈમામની પ્રસંશામાં એક શેર કહે છે. અલ્લાહ જન્નતમાં તેના માટે એક મકાન બાંધે છે. (વસાએલુશ શિઆ, ભાગ-1, પા. 467, મીકયાલુલ મકારીમ, ભા.2, પા. 243)

એક બીજી હદીસમાં ઈમામ જઅફર સાદિક (અ.સ.) ફરમાવે છે ‘કોઈપણ અમારી પ્રસંશામાં એક શેર નથી કહેતો પણ ત્યાં સુધી કે તેની મદદ રૂહુલ કોદુસ ન કરે.’

આ મજલીસ ઈમામ (અ.સ.)ના ઝુહુરના સ્વાગત માટેનું એક માધ્યમ છે. તેના વિશે ઈમામ જઅફર સાદિક (અ.સ.) ફરમાવે છે ‘તમારામાંથી દરેકના માટે જરૂરી છે કે ઈમામના જાહેર થવાના માટે તૈયારી કરે, પછી તે એક તીરથી પણ કેમ ન હોય. જો કોઈ માણસ નિય્યત પણ કરે તો તેની ઉમરમાં અલ્લાહ વધારો કરી દે છે.’ (મીકયાલુલ મકારીમ, ભાગ. 2, પા. 583)

શાબાનના આ મુબારક મહિનામાં આવો આપણે સૌ કુરઆનની આ આયતના પ્રકાશમાં અમલ કરીએ.

‘નેકીઓ કરવામાં એક બીજાથી પહેલ કરો.’ (સુ. બકરહ, આ. 148)

આ વાત બેહદ મહત્વ ધરાવે છે. ઈસ્લામનું જીવન તેના ઉપર આધારિત છે. આવો આપણે સૌ આ પ્રકારની મજલીસમાં એક બીજાથી આગળ વધી જવાની કોશિશ કરીએ, કારણકે તેમાં ઈમામ (અ.સ.) નો ઝીક્ર થાય છે. આ રીતે આપણે એક સામાન્ય ખિદમત થકી શા માટે આપણે ઝમાનાના ઈમામ (અ.સ.)ના ધ્યેયમાં મદદ ન કરીએ.

હઝરત ઈમામ હુસયન (અ.સ.) એ ફરમાવ્યું:

(અમારા બાર મહદી છે તેમાંથી સૌથી પહેલા અમીરૂલ મોઅમેનીન અલી (અ.સ.) અને છેલ્લા મારા નવમાં ફરઝંદ હશે. આ તે ઈમામ છે જે સત્યની સાથે પ્રતિકાર કરશે. જ્યારે પૃથ્વી પોતાના વસવાટ કરનારાઓના કુફ્ર અને અધર્મના કારણે મૃત:પાય થઈ ચૂકી હશે અને ખુદા તેમના થકી પૃથ્વીને જીવંત કરી દેશે અને તેમના થકી ખુદા દીને હક – સાચા ધર્મ – (ઈસ્લામ)ને બધા ધર્મો ઉપર વર્ચસ્વ-શ્રેષ્ઠતા આપશે જો કે મુશ્ રીકોને કેટલું પણ ખરાબ કેમ ન લાગે. પરંતુ એક સમૂહ દીનેહક ઈસ્લામ ઉપર અડગ રહેશે. અમૂક લોકો તેઓની મજાક ઉડાવીને કહેશે!

જો સાચુ કહેતા હો તો બતાવો તમારા ઈમામ કયારે જાહેર થશે?

હા, તે લોકો કે જે તેમની ગયબત ઉપર મુસીબતો અને ખોટા પાડવા ઉપર સબર કરે છે તેઓ તે લોકોની જેમ છે જે રસુલે ખુદા (સ.અ.વ.)ની સાથે રહીને તલ્વારથી જેહાદ કરી રહ્યા છે (કમાલુદ્દીન)

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *