ઈમામ (અ.સ.)ની ગયબત એક મોટી મહેરૂમી

Print Friendly, PDF & Email

અલ્લાહ તબારક વ તઆલા પોતાની કિતાબ કુરઆને મજીદમાં ઈરશાદ ફરમાવે છે: યવ્મ નદઉ કુલ્લ ઓનાસીમ બે ઈમામેહીમ (સુ. બની ઈસરાઈલ: 71)

તે દિવસે (એટલે કયામતના દિવસે) અમે દરેક કોમને તેના ઈમામ અને રહબર સાથે દઅવત આપશું.

બારી તઆલાની જાતે કેટલીય જગ્યાએ લોકોની હિદાયતનો વાયદો કર્યો છે. તે વાયદાને વફા કરવા માટે તેણે એક પછી એક પયગમ્બર અને રસુલો મોકલ્યા જે લોકોને તેના (અલ્લાહના) દીન, તેની મઅરેફત અને ઈબાદત તરફ દઅવત આપતા રહે. જ્યારે નબુવ્વતનો સિલસિલો હઝરત ખત્મી મરતબત (સ.અ.વ.)ની મારફતે તેના અંત સુધી પહોંચ્યો, ખુદાવંદે આલમે પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ના અહલુલબયત (અ.મુ.સ.)માં ઈમામોની ઓળખ કરાવી જેથી લોકો તેઓની તરફ રજુ થયા પછી ગુમરાહીઓ અને બદ કામોથી મૂકિત મેળવે અને તેઓને હરહંમેશા માટેની ખુશીઓ મળે. વિશ્ર્વાસ પૂર્વક કહી શકાય કે ખુદાવંદે આલમની બધી નેઅમતોમાં આ સૌથી વધુ મહાન અને સૌથી વધુ ઉમદા નેઅમત છે, જેની સરખામણી બીજી કોઈ નેઅમત સાથે થઈ શકિત નથી. ઈમામ (અ.સ.)નું અસ્તિત્વ તે એવી નેઅમત છે જેના કારણે નેઅમતોનો સિલસિલો અંત સુધી પહોંચ્યો. જેના વગર નેઅમતો અધૂરી રહી જતે. જેમકે ઈરશાદ થાય છે: અલયવ્મ અકમલ્તો લકુમ દીનકુમ વ અત્મમ્તો અલય્કુમ નેઅમતી વ રઝીતો લકુમ લ ઈસ્લામ દીનન (સુ. માએદહ આ. 3)

આજે (ગદીરના દિવસે) મે તમારો દીન તમારા માટે પરિપૂર્ણ કર્યો અને તમારી ઉપર મારી બધી નેઅમતોને પૂરી કરી અને રાજી થયો કે ઈસ્લામ તમારો દીન હોય. ‘વ અમ્મા બે નેઅમતે રબ્બેક ફહદ્દીસ’(સુ. ઝોહા આ. 11)

અને પોતાના પરવરદિગારની નેઅમતને યાદ કરો.

તેથી આપણી ઉપર ફરજ છે કે પરવરદિગારની આ સૌથી વધુ ઉચ્ચ નેઅમતને જીભ અને દિલથી યાદ કરીએ. હિદાયત અને નજાતનો એક માત્ર વસીલો અહલુલબયત (અ.મુ.સ.)ની પવિત્ર હસ્તીઓ છે.

(અહિં એ અરજ કરવી જરૂરી ગણીએ છીએ કે કોઈપણ મોઅમીનને અહલુલબયત (અ.મુ.સ.)ની વિલાયત અને મોહબ્બતથી વધીને બીજી કોઈપણ મોહબ્બતને અગ્ર સ્થાન ન આપવું જોઈએ. વિલાયતને હલ્કી સમજીને એમ માનવું કે દુનિયાની બીજી નેઅમતો જેમકે માલ, દૌલત, સંતાનો, કુટુંબ, વેપાર ધંધો વિગેરે પણ વિલાયતની બરાબર છે, તે આપણી બરબાદી અને હલાકતનું કારણ બની શકે છે.)

ઈસ્લામની ઉમ્મતને એ ગર્વ મળ્યો કે તેણે આ બુઝુર્ગ અને સન્માનનીય વ્યકિતઓમાંથી તેરની સાથે જીવન પસાર કર્યું અને તેઓના પવિત્ર અસ્તિત્વનો લાભ લીધો. અલબત્તા, અફસોસ એ વાતનો છે કે જેટલો લાભ લેવો જોઈએ તેટલો લાભ ઉમ્મતે ન ઉઠાવ્યો. પરંતુ જે લોકો ખરેખર લાભ ઉઠાવ્યો તેઓની સંખ્યા ઘણી ઓછી છે અને દરેક ઝમાનામાં આંગળીના વેઢે ગણી શકાય છે. માત્ર એટલુંજ નહિ કે ઉમ્મતે તેમના અસ્તિત્વનો લાભ ન ઉઠાવ્યો, બલ્કે ઉમ્મતે તેઓના ઉપર એટલો ઝુલ્મ અને અત્યાચાર વરસાવ્યો કે જો એ હુકમ આપવામાં આવતે કે તમે લોકો રસુલ (સ.અ.વ.)ની અહલેબય્ત ઉપર ઝુલ્મ કરો તો ઉમ્મત તેથી વધુ ઝુલ્મ કરી ન શકતે. આ બધી નાશુક્રી હોવા પછી પણ ખુદાવંદે મોતઆલએ ઈમામે ઝમાના (અ.સ.)ની ગયબતની શરૂઆત સુધી તેમના વુજુદની નેઅમત લોકો પાસેથી છીનવી ન્હોતી લીધી.

એ વાત ધ્યાનમાં રહે કે જો ખુદાવંદે આલમ કોઈને લાયક ન હોવા પછી પણ નેઅમતોથી નવાઝે છે, તો ખુદાની એ મહેરબાનીને ‘ફઝલ’કહેવામાં આવે છે. જો અમૂક સમય પછી ખુદાવંદે આલમ તે નેઅમતને તેની પાસેથી છીનવી લેશે, તો તે ઝાલીમ નહિ કહેવાશે. ખુદા માટે વાજીબ નથી કે દરેક વખતે ‘ફઝલ’થી વર્તે બલ્કે તે કયારેક ફઝલથી કામ લે છે તો કયારેક ન્યાયથી. આ બન્ને કાર્યોમાં તેની પવિત્ર જાતની હિકમત સમાએલી છે. એ જરૂરી નથી કે આપણે તેના દરેક કાર્યની હિકમતને જાણીએ અને સમજીએ. જો કોઈ કામની હિકમત આપણે સમજી શકીએ છીએ તો માત્ર અને માત્ર કુરઆન અને રિવાયતોના પ્રકાશમાં, નહિ તો માણસની અક્કલ અને સમાજના બસમાં નથી કે અલ્લાહની હિકમત શું છે એ જાણી શકે.

ગમે તેમ ખુદાવંદે આલમની સુન્નતોમાંથી જે સુન્નત બયાન કરવામાં આવી છે તે આ છે: ઈન્નલ્લાહ લા યોગય્યેરો મા બેકવમીન હત્તા યોગય્યેરો મા બે અન્ફોસેહીમ (સુ. રઅદ:11)

“યકીનથી ખુદાવંદે આલમ કોઈપણ કોમની હાલતને તે સમય સુધી નથી બદલતો જ્યાં સુધી તે પોતે પોતાની હાલતને ન બદલે.

“ઝાલેક બેઅનલ્લાહ લમ યકો મોગય્યેરન નેઅમતન અનઅમહા અલા કવમીન હત્તા યોગય્યેરૂ મા બેઅન્ફોસેહીમ. (સુ. અન્ફાલ-53)

“આ તે કારણથી છે કે ખુદાવંદે આલમ યકીન સાથે તે નેઅમતોને તબ્દીલ નહી કરે જે તેણે કોઈ કોમ ઉપર ઉતારી છે, જ્યાં સુધી કે તે તેને પોતાના હાથોથી તબ્દીલ ન કરી દે.

ઉપરોકત રજૂ કરેલ આયતો પર પ્રકાશ પાડીને ઈમામ મોહમ્મદ બાકીર (અ.સ.) ફરમાવે છે:

ખુદાવંદે આલમનો એ અડગ નિર્ણય છે કે જો કોઈ બંદાને નેઅમત અર્પણ કરે છે તો પછી તે નેઅમતને તેની પાસેથી છીનવી નથી લેતો પરંતુ એ કે જો બંદો એવો કોઈ ગુનાહ કરે કે તે આ નેઅમતને છીનવી લેવાનું કારણ બને અને આજ અર્થ છે ખુદાના એ કોલનો કે અલ્લાહ કોઈ કોમની હાલત નથી બદલતો જ્યાં સુધી તે ખુદ પોતાના હાથોથી પોતાની હાલત ન બદલે. (તફસીરે નુરૂસ-સકલયન, ભા. 2, પા. 488)

આથી આપણે જાણી લીધું કે ખુદાવંદે આલમ જ્યારે પણ કોઈ નેઅમત પોતાના બંદા પાસેથી આંચકી લે છે ત્યારે તેનું કારણ માત્ર લોકોના તે કામો છે કે જે વાજીબ હુકમો મુજબના નથી. હઝરત અમીરૂલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલીબ (અ.સ.) પોતાની મશ્હુર અને જાણીતી દોઆ, ‘દોઆએ કોમયલ’ના શરૂઆતના વાકયોમાં ફરમાવે છે:

“પરવરદિગાર મારા એ ગુનાહોને બખ્શી દે જે નેઅમતોને (તારા કોપમાં) બદલી નાખે છે.

ખુદાવંદે આલમની આ સુન્નત એ વાતની ખુલ્લી દલીલ છે કે તેની રેહમત તેના ગુસ્સા ઉપર અગ્ર સ્થાને છે. તેથી અલ્લાહ નેઅમતોને માત્ર એ સમયે આંચકી લે છે જ્યારે લોકો તે નેઅમત પર શુક્ર અને કદર કરતા નથી.

ચર્ચાના અંતમાં આપણે એ કહી શકીએ કે જો કે ઈમામે અસ્ર (અ.સ.)ની ગયબતની હિકમત આપણને પૂરેપૂરી સમજાય તેમ નથી, થોડી રિવાયતો મુજબ તેનું કારણ ખુદ ઈમામે ઝમાના (અ.સ.) પોતાના ઝુહુર પછી બયાન કરશે. પરંતુ એક કારણ નિશાની અને હિકમત એ છે કે કહેવામાં આવ્યું છે (અને જે લોકોની જવાબદારીને પણ દર્શાવે છે,) કે ખુદાવંદે મોતઆલનો ગુસ્સો, લોકોએ કદર ન કરવાના કારણે છે. અઈમ્મા (અ.સ.)ના વુજુદની નેઅમત તે ઉમ્મતે ઈસ્લામ ઉપર ખુદાનો મહાન ફઝલ હતો જે છીનવી લેવામાં આવ્યો. ઈમામ (અ.સ.)ના વુજુદનું મહત્વ દર્શાવતા ઈમામ રઝા (અ.સ.) ફરમાવે છે:

‘એટલે ઈમામત સુપૂર્ણ છે, ઈસ્લામની બુન્યાદ છે, દરેક ખયર અને ખૂબીનો પાયો છે, ઉમ્મતની વ્યવસ્થા છે. પરવરદિગારની સબીલ છે જેની મારફતે લોકો હિદાયત મેળવે છે.’

ઈમામ બાકિર (અ.સ.) ફરમાવે છે:

‘ઈસ્લામ પાંચ સિધ્ધાંતો ઉપર આધારિત છે: નમાઝ, ઝકાત, રોઝા, હજ્જ અને વિલાયત (એહલેબય્ત અ.મુ.સ.). જે રીતે વિલાયતના માટે વ્યવસ્થા કરવામાં આવી છે, તે રીતે બીજી કોઈ બાબતમાં કરવામાં નથી આવી.’

કુરઆને મજીદની આયતની તફસીર બયાન કરતા ઈમામ મોહમ્મદ બાકિર (અ.સ.) ફરમાવે છે:

‘ખુદાની કસમ આ આયતમાં ‘નૂર’થી મુરાદ આલે મોહમ્મદ (અ.મુ.સ.)ના ઈમામ છે, કયામતના દિવસ સુધી અને ખુદાની કસમ આ હઝરાત એ નૂર છે જેને ખુદાએ ઉતાર્યુ અને ખુદાની કસમ તેઓ અલ્લાહના નૂર છે આસમાનમાં પણ અને ઝમીનમાં પણ, ખુદાની કસમ… મોઅમીનોના દિલોમાં ઈમામ (અ.સ.)નું નૂર પ્રકાશિત દિવસના ચમકતા સૂરજથી વધુ પ્રકાશિત છે.’ (તફસીરે નુરૂસ સકલયન, ભાગ. 5, પા. 321)

જ્યારે લોકોએ આ મહાન નેઅમતની કદર ન કરી તો ખુદાવંદે મોતઆલે તેઓની નજરથી ઈમામે ઝમાના (અ.સ.)ને છુપાવી દીધા. ઉમ્મત ઉપર આથી વધુ અઝાબ થઈજ નથી શકતો, બિલ્કુલ એક અણસમજ બાળકની જેમ કે જેને ઘટાટોપ અંધારી રાત્રે તેનો રસ્તો શોધવા માટે છોડી દેવામાં આવે. ન તો તે શરૂઆતથી જાણકાર છે ન તેને અંત ખબર છે. પરિણામે તે જંગલી જનાવરનો શિકાર બની જાય છે અથવા કોઈના ઘરનો મોહતાજ. ઈમામ બાકીર (અ.સ.) ફરમાવે છે:

‘જ્યારે ખુદાવંદે આલમ પોતાના બંદા ઉપર કોપાયમાનને ગુસ્સે થાય છે, ત્યારે, અમને એહલેબયતને, તેના પાડોશમાંથી દૂર કરી દે છે.’ (કાફી, બાબતુલ ગૈબહ, હ. 31)

હા, ઈમામોને લોકોની વચ્ચે રાખવા, જેથી લોકો સહેલાઈથી પોતાના સવાલો અને મુશ્કેલીઓ તેમની પાસે બયાન કરી શકે, એ ખુદાનો ફઝલ છે અને ઈમામને તેઓની નરમાંથી ઓજલ કરી દેવો અને દુનિયાના લોકોની પહોંચ તેમના સુધી ન હોવી તે તેનો ખરેખરો ન્યાય છે અને ફઝલ ન્યાયનું પહેલું પગથીયું છે, પરંતુ અલ્લાહના ગઝબના કારણે અલ્લાહનો ફઝલ ન્યાયમાં તબ્દીલ થઈ ગયો. આ ગઝબ મુસલમાનોની નાફરમાની અને ગુનાહ પરિણામે હતો. બહર હાલ, ઈન્કાર ન કરી શકાય કે ગયબતના ઝમાનામાં જાહેર રીતે ઈમામે ઝમાના (અ.સ.)ની પવિત્ર હસ્તી પાસેથી લાભ મેળવવાથી નીરાશ થઈ જવાય તે ખરેખર એક ખૂબજ મોટી નિરાશા છે, જેથી દુનિયાની બીજી કોઈપણ વસ્તુ આ નિરાશાની ખાલી જગ્યા પૂરી કરી શકતી નથી. જેના જવાબદાર માત્ર આપણે છીએ બીજુ કોઈ નથી.

અહિં એક સવાલ ઉભો થાય છે કે જો ઈમામે ઝમાના (અ.સ.)ની ગયબત લોકોની નાશુક્રીનું પરિણામ છે તો નેઅમતને લોકોએ ઈસ્લામની શરૂઆતમાં નકારીને કુફ્ર કર્યું હતું તો તેઓના ગુનાહની સજા આપણે શા માટે ભોગવવી પડી, શું આ અન્યાય નથી? ઝુલ્મ નથી?

જવાબ: પહેલું તો એ કે ઉપર લખાઈ ચૂકયુ છે કે જો ખુદાવંદે આલમ પોતાની હુજ્જતને જાહેર કરે તો તે તેનો ફઝલ છે અને જો છુપાવી તાખે તો તે તેનો અદલ – ન્યાય છે. બીજું, ઈમામ અસ્ર (અ.સ.)ના ગયબતના જવાબદાર આજે આપણે પણ છીએ. તે એ રીતે કે આપણા આપસના ઝઘડાઓ, વિરોધો, ખેંચતાણ, આ બધા કાર્યો એવા છે કે જે ઈમામ (અ.સ.)ની ગયબતને લંબાવી રહ્યા છે. બીજા શબ્દોમાં આજે આપણા આમાલો અને કાર્યોજ ઈમામ (અ.સ.)ના રંજ અને ગમનું કારણ છે. જો આપણે આપણા ઈમામ (અ.સ.) સાથે મોહબ્બત કરીએ છીએ તો આવો આપણે સૌ સાથે મળીને એવો અહદ કરીએ કે આપણે કોઈ એવા ગુનાહ નહિ કરીએ જે આપણને આપણા, ઈમામથી દુર કરી દે અને ખુદાવંદે મોતઆલની સૌથી મહાન નેઅમતથી આપણે નિરાશ થઈ જઈએ.

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *