શું ઈમામે ઝમાના (અ.સ.) આપણને જોઈ રહ્યા છે?

Print Friendly, PDF & Email

બીસ્મીલ્લાહ હિર્રહમાનીર્રહીમ

સલ્લલ્લાહો અલય્ક યા વલીય્યલ અસ્ર અદરિકના

એહલેબયત (અ.સ.)ની ઈમામતની માન્યતા તમામ અકીદાઓ અને માન્યતાઓનું મુળ છે. આ અકીદાના કારણે સાચી અને ખરેખર તૌહીદ – અલ્લાહના એક હોવા – સુધી પહોંચાય છે. નબુવ્વતનું ખરેખરૂ સ્વરૂપ, મહત્વ અને ખુબસુરતી આ જ અરિસામાં દેખાય છે. આ અકીદાના માર્ગદર્શનમાં આપણા કામો સાચી રીતે કરી શકાય છે. આ જ અકીદાના કારણે આપણા આમાલ કબુલ થાય છે. જેનું દીલ આ અકીદાથી ખાલી હશે તે મોટા નુકશાનમાં હશે. આખેરતમાં મુકિત અને જન્નતમાં જવું આ અકીદા ઉપર આધારિત હશે.

આ અકીદાની માંગણી અને તાકીદ માત્ર એટલીજ નથી કે બાર ઈમામોને ઈમામ માનીએ પરંતુ પોતાની દ્રષ્ટિ અને નજરમાં પોતાના જીવન જીવવાના અભિગમમાં તેઓને આપણા માર્ગદર્શક ન ગણીએ. આ મહાન હસ્તીઓને ઈમામ માનવાનો અર્થ એ છે કે દરેક બાબતમાં, દરેક ડગલે, તેઓને આપણા માર્ગદર્શન માનીએ. તેઓના દરેક કાર્યને અનુસરીએ. અકીદતની તે કક્ષા પછી તે જીંદગીની વ્યકિતગત કાર્યો હોય કે પછી સામૂહિક, વેપાર ધંધાની બારીકીઓ હોય કે આપસના સંબંધની ગુંચવણો, સામાજીક જીવનની કે લગ્ન જીવનની નાજુક બાબતો હોય કે ખુદાની નજદીકી મેળવવા માટેની ઈબાદતો. દરેક બાબતમાં આ મહાનુભાવોના દર્શાવેલા સિધ્ધાંતોને પોતાના જીવનનું સુત્ર બનાવે અને તેઓએ દર્શાવેલ માર્ગ ઉપર કદમ ઉઠાવે.

આ અકીદાની એક માગણી એવી છે કે આપણે દિલોજાનથી એ વાત ઉપર યકીન રાખીએ કે આપણા બધા કાર્યો અને અકીદાઓ ઉપર તેમની નજર છે. આપણું કોઈપણ કાર્ય તેમની દ્રષ્ટિથી છુપું નથી.

કાર્યો ઉપર સાક્ષી

હઝરત ઈમામ જઅફર સાદિક (અ.સ.)ને નીચેની આયતના બારામાં પૂછવામાં આવ્યું-

‘ફકયફ એઝા જેઅના મીન કુલ્લે ઉમ્મતીમ બે શહીદીં વ જેઅના બેક અલા હા ઓલાએ શહીદા’(સુ. નેસાઅ આ. 41)

એ (મહશરના) દિવસે શું હાલ હશે જ્યારે દરેક ઉમ્મતથી એક સાક્ષી લાવવામાં આવશે અને આપ (અ.સ.)ને તે લોકો ઉપર સાક્ષી નિમશું.’

ઈમામ (અ.સ.) એ ફરમાવ્યું: આ આયત હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) ઉમ્મત સાથે ખાસ સંકળાએલી છે. દરેક ઝમાનામાં અમારામાંથી એક ઈમામ તેઓના પર સાક્ષી છે અને હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) અમારા ઉપર સાક્ષી છે. (ઉસુલે કાફી ભા. 1 પા. 100 હદીસ 1)

એક બીજા માણસે હઝરત ઈમામ જઅફર સાદિક (અ.સ.)ને કુરઆને કરીમની નીચેની આયત વિશે પુછયું-

‘એવીજ રીતે અમે તમને એક દરમીયાની ઉમ્મત બનાવી છે જેથી લોકોના સાક્ષી રહો.’ (સુ. બકરહ, આ. 143) ઈમામ (અ.સ.) એ ફરમાવ્યું: દરમીયાની ઉમ્મત (ઉમ્મતનું કેન્દ્ર) અમે લોકો છીએ. અમે લોકો અલ્લાહના સર્જનો ઉપર અલ્લાહ તરફથી સાક્ષી છીએ અને દુનિયા ઉપર તેની હુજ્જત છીએ (ઉસુલે કાફી ભા. 1, પા. 100 હદીસ 2)

આ રિવાયતોથી એ વાત જાહેર થાય છે કે આપણા કાર્યો પર આપણા ઈમામ સાક્ષી છે. સાક્ષી માટે એ જરૂરી છે કે જે બાબતની સાક્ષી અપાઈ રહી હોય તેની પુરે પૂરી જાણકારી હોય. ઈમામ આપણા કાર્યોના સાક્ષી છે. એટલે ઈમામને આપણા બધા કામોની જાણકારી છે ને આપણી દરેક હિલચાલને જાણે છે.

અઅમાલ ઈમામ (અ.સ.)ની ખિદમતમાં રજુ કરવામાં આવે છે

અબ્દુલ્લા બીન અબાન અલઝીયાત હઝરત ઈમામ રઝા (અ.સ.) પાસે હતા. એક દિવસ ઈમામ (અ.સ.)ને કહેવા લાગ્યા, મારા માટે અને મારા કુટુંબ માટે દોઆ કરો. ઈમામ (અ.સ.)એ ફરમાવ્યું શું હું તેમ નથી કરતો? ખુદાની કસમ! તમારા આ’માલ દરરોજ સવાર સાંજ અમારી સામે રજુ કરવામાં આવે છે. મને આ સાંભળીને આશ્ર્ચર્ય થયું (કે આપણા આમાલ ઈમામની ખિદમતમાં રજુ થાય છે. ઈમામ તો એક જગ્યાએ છે એમને આખી દુનિયાની કેવી રીતે ખબર?) ઈમામ (અ.સ.) એ ફરમાવ્યું: શું તમે કુરઆને કરીમની આ આયત નથી વાંચી?

‘અમલ કરો. ખુદા, રસુલ અને મોઅમેનીન તમારા આમાલોને જોશે. (સુ. તવબા આ. 10) ખુદાની કસમ! તે (મોઅમેનીન)થી અમીરૂલ મોઅમેનીન (અ.સ.) મુરાદ છે.’ (ઉસુલે કાફી ભા. 1 પા. 210, હ. 4)

હઝરત ઈમામ જઅફર સાદિક (અ.સ.) કહેતા: તમે લોકો શા માટે હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)ને તકલીફ પહોંચાડી રહ્યા છો? એક માણસે પૂછયું- આ સમયે આપણે એમને કેવી રીતે નારાજ કરી રહ્યા છીએ? (એટલે કે આ સમયે હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) તો આપણી વચ્ચે નથી તો આપણે એમને કેવી રીતે નારાજ કરીએ છીએ અને કેવી રીતે તેમને તકલીફ પહોંચાડી રહ્યા છીએ.

ઈમામ (અ.સ.) એ ફરમાવ્યું: શું તમને ખબર નથી કે તમારા આ’માલ તેમની ખિદમતમાં રજુ કરવામાં આવે છે. જ્યારે આપ (અ.સ.) તેમાં કોઈ ગુનાહ જુએ છે ત્યારે એમને દુ:ખ થાય છે. હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)ને દુ:ખ ન પહોંચાડો બલ્કે એમને ખુશ કરો. (ઉસુલે કાફી ભાગ 1, પા. 210, હ. 3)

ઈમામ (અ.સ.) દરેકને નામથી ઓળખે છે:

લોકો જેને જુએ છે અને ઓળખે છે તેમનાથી જાણકાર હોય છે. જે મોટા ભાગના એવા લોકો હોય છે, જેને લોકો જાણતા નથી હોતા તેથી હુશીયાર લોકો, પોતાને બીજા કાંઈક જાહેર કરવામાં સફળ થઈ જાય છે. પરંતુ કોઈપણ માણસ અઈમ્મએ મઅસુમીન (અ.સ.)ની સામે પોતાના છુપાવવામાં સફળ નથી થઈ શકતો. કારણ કે અઈમ્મા (અ.મુ.સ.) દરેકને નામથી ઓળખે છે.

હઝરત ઈમામ અલી રઝા (અ.સ.)થી એક રિવાયત છે : ‘હઝરત મોહમ્મદ મુસ્તુફા (સ.અ.વ.) અલ્લાહના સર્જનોમાં અલ્લાહના અમીન છે. એમની વફાત પછી અમે એમના વારસદાર છીએ અને અલ્લાહની જમીન પર તેના અમીન છીએ. અમને એ પણ ખબર છે કે કોણ બલા અને અજમાઈશમાં સપડાશે અને કોનું કયાં મૃત્યુ થશે. અમને અરબના ખાનદાનનો સિલસિલો ખબર છે. અમને એ પણ ખબર છે કે કોણ ઈસ્લામ પર પૈદા થશે. જો અમે કોઈને જોઈએ તો તેને ઓળખી જઈએ છીએ કે તેનામાં ઈમાન કેટલું છે અને દંભ કેટલો છે અને અમારા શીઆઓના નામ તેઓના માં-બાપની સાથે અમારી પાસે લખેલા છે.’ (ઉસુલે કાફી ભાગ-1, પા. 223, હ. 1)

આ કારણે ખુદને શીઆ કહેવા ઉપર સંતોષ ન માની લેવો જોઈએ બલ્કે એ વાતની કોશીશ કરવી જોઈએ અને ખુદાની બારગાહમાં કાકલુદી સાથે દોઆ કરવી જોઈએ કે આપણું નામ અઈમ્મએ મઅસુમીન (અ.મુ.સ.)ની સાચ્ચા શીઆઓની યાદીમાં લખાએલું હોય.

ઈમામ (અ.સ.)ને દરેક વસ્તુની માહિતી છે:

જનાબ મુફઝઝલે હઝરત ઈમામ જઅફર સાદિક (અ.સ.)ને અરજ કરી: હું આપ ઉપર કુરબાન. શું એ શકય છે કે ખુદાવંદે આલમ કોઈ બંદાની ઈતાઅત તમામ લોકો પર વાજીબ કરી દે અને આસમાનની માહિતી તેનાથી છુપાએલી હોય?

ઈમામ (અ.સ.) એ ફરમાવ્યું: નહિ. ખુદાવંદે આલમ પોતાના બંદાઓ ઉપર તેનાથી વધુ મહેરબાન, ચાહનાર અને દયાવાન છે કે પોતાના કોઈ બંદાની ઈતાઅત વાજીબ કરી દે અને આસમાનની ખબરો સવાર સાંજ તેનાથી છુપાએલી હોય. (ઉસુલે કાફી ભા. 1, પા. 251 હ. 3)

એક બીજી રિવાયતમાં હઝરત ઈમામ મોહમ્મદ બાકિર (અ.સ.) એ ફરમાવ્યું: ખુદાવંદે આલમ તેનાથી વધુ મહાન અને ઉચ્ચ છે કે કોઈ બંદાની ઈતાઅત તેના ઉપર વાજીબ અને ફરજ કરી દે અને આસમાન અને જમીનનું જ્ઞાન તેનાથી છુપાએલું હોય. (ઉસુલે કાફી ભા. 1, પા. 262 હ. 6)

આ હદીસોથી સ્પષ્ટ થાય છે કે આસમાન અને જમીનની બધી ખબરો દરરોજ સવાર સાંજ ઈમામ (અ.સ.)ની પાસે રજુ કરવામાં આવે છે અને ઈમામ (અ.સ.) આપણી એક એક વાતથી માહિતગાર છે.

બાપથી વધુ મહેરબાન અને સૌથી વધુ એહસાસ કરનાર (લાગણી રાખનાર):

અઈમ્મએ મઅસુમીન (અ.મુ.સ.) ન માત્ર આપણી પરિસ્થિતિથી જાણકાર છે બલ્કે તેમને આપણા દુ:ખ દર્દોની પણ અસર થાય છે. નીચે દર્શાવેલ પ્રસંગથી અંદાજ આવી શકશે કે અઈમ્મએ મઅસુમીન (અ.મુ.સ.) પોતાના દોસ્તો માટે કેટલું માન ધરાવે છે.

રમીલાનું બયાન છે: હું હઝરત અલી (અ.સ.)ના ઝમાનામાં જબરદસ્ત બિમાર પડી ગયો. જુમ્આના દિવસે જરા રાહત થઈ. મેં વિચાર્યું કે કેટલું સાં થતે જો હું આજે નહાઈને હઝરત અલી (અ.સ.)ની પાછળ નમાઝ અદા કરૂ. મેં એમજ કર્યું. મસ્જીદે ગયો ત્યારે હઝરત ખુત્બો આપી રહ્યા હતા. મારી હાલત ફરી ખરાબ થઈ. નમાઝ પછી જ્યારે હઝરત ‘કસ્ર’નામની જગ્યા ઉપર ગયા ત્યારે હું પણ તેમની સાથે હતો. તેમણે મને કહ્યું: એ રમીલા તમે કેમ તડપી રહ્યા હતા? મેં મારી બિમારીની વાત કરી અને મારી સ્થિતિ જણાવી તે પછી હઝરતે ફરમાવ્યું:

‘એ રમીલા! જ્યારે કોઈ મોઅમીન બિમાર હોય છે. ત્યારે અમે તેની બિમારીમાં બિમાર હોઈએ છીએ. જો કોઈ દુ:ખી કે ગમગીન હોય છે તો અમે પણ તેની સાથે દુ:ખી કે ગમગીન હોઈએ છીએ. જો કોઈ દોઆ કરે છે તો અમે તેની દોઆ પર આમીન કહીએ છીએ અને જો કોઈ ચુપ રહે છે તો અમે તેના માટે દોઆ કરીએ છીએ.

રમીલાએ અરજ કરી: આપની આ વાતચીત માત્ર એ લોકો માટેની છે જેઓ આ ‘કસ્ર’ નામની જગ્યામાં રહે છે. જે લોકો દુનિયાના બીજા ભાગમાં રહે છે, તેઓના માટે શું? ઈમામ (અ.સ.) એ ફરમાવ્યું:

એ રમીલા! દુનિયામાં પૂર્વથી પશ્ર્ચિમમાં કોઈપણ મોઅમીન અમારી નજરથી ગાયબ નથી (ખસાએફલ દરજાત, પ્ર. 16, હ. 1)

આ પ્રસંગથી જરૂર સમજી શકાશે કે અઈમ્મએ મઅસુમીન (અ.મુ.સ.) પોતાના દોસ્તોને કેટલા ચાહે છે. એક બાપ પણ પોતાના દિકરાને આટલો નથી ચાહતો જ્યારે અઈમ્મા (અ.મુ.સ.) આપણી સાથે આટલી મોહબ્બત રાખે છે. તેથી આ મહોબ્બતના ઓછામાં ઓછા બદલા રૂપે આપણે એવા કાર્યો કરીએ, જેથી આ મહાન હસ્તીઓ આપણાથી ખુશ થાય અને તે બાબતોથી દૂર રહીએ જેનાથી તેઓ નારાજ થાય.

હઝરત ઈમામે ઝમાના (અ.સ.)ની એક તવકીઅ:

હવે જરા આ ‘તવકીઅ’ (‘તવકીઅ’ એ પત્રો અને તેના જવાબોને કહેવામાં આવે છે જે ગયબતમાં ઈમામે ઝમાના (અ.સ)ની તરફથી મોકલવામાં આવતા હતા.) ઉપર વિચાર કરીએ જેનાથી આપણે જાણી શકીશું કે ઈમામે ઝમાના (અ.સ.) આપણી દરેક વાતથી માહિતગાર છે.

જનાબ શયખ મુફીદ (અ.ર.) ના નામે જે ‘તવકીઅ’ મોકલી છે તેનું એક વાકય આ વાતને ટેકો આપે છે. જે લોકો ગયબતના ઝમાનામાં પવિત્ર દીને ઈસ્લામની ખિદમત કરે છે. અકીદાઓ અને હુકમોની મર્યાદાનું રક્ષણ કરે છે. નબળા અને અસહાય શીઆઓનું ધ્યાન રાખે છે તેઓને, આ જગતનુ. અસ્તિત્વ જેના કારણે ટકી રહ્યું છે, તે, હઝરત વલીએ અસ્ર (અ.સ.), ‘ઉચ્ચ ચરિત્રવાન સમજદાર અને બુધ્ધિશાળી દોસ્ત’ કહીને સંબોધન કરે છે. વાત કરવાની આ રીતથી જાણી શકાય છે કે આપણા ઈમામ (અ.સ.)ને આપણા ચારિત્ર્ય અને કાર્યોની જાણકારી છે. આ સંબોધનમાં હઝરત વલીએ અસ્ર (અરવાહોના ફીદાહ) ફરમાવે છે:

‘જો કે આ સમયે અમે ઝાલીમોની વસ્તીથી દૂર જીવન પસાર કરી રહ્યા છીએ કારણકે ખુદાએ તેનેજ અમારા અને અમારા શીઆ મોઅમીનો માટે મસલેહત ગણી છે, પરંતુ અમારી જાણકારીમાં તમારી બધી ખબરોને આવરી લેવામાં આવી છે અને તેના ઉપર દોરાએલા છીએ. તમારી કોઈપણ વાત અમારાથી છુપાએલી નથી. હાલમાં તમને જે અપમાન અને પરેશાનીનો સામનો કરવો પડે છે તે અમે જાણીએ છીએ (તેનું કારણ એ છે કે) તમારાં વડીલો જે બાબતોથી દૂર રહેતા હતા, તમાં ધ્યાન તે બાબતો તરફ છે. જે વાયદો અને વચન લેવામાં આવ્યું હતું તે તમે ઓળવી ચુકયા છો. એવું લાગે છે કે જાણે કંઈ જાણતાજ નથી.

આ વાકયો આપણી નિષ્ક્રિયતા, બેદરકારી, આળસ, કુકર્મો પર અફસોસ જાહેર કરે છે અને દિલમાં થયેલ દુ:ખ દર્શાવે છે. પરંતુ તે પછીનું વાકય પિતાની રહેમદીલી અને મોહબ્બતનું પ્રતિક છે.

‘અમે તમારા રક્ષણમાં વિલંબ નથી કરતા અને ન તમારી યાદને ભુલીએ છીએ. જો તેમ થતે તો તમારા પર સખ્તીઓ અને તંગીઓ આવી પડતે અને દુશ્મનો તમારી પર જબરદસ્તી કબ્જો જમાવી દેતે.’

(આ મુબારક તવકીઅના અંતમાં ઈરશાદ ફરમાવે છે)

‘તમારામાંના દરેકે એવા કાર્યો કરવા જોઈએ જે તમને અમારી મોહબ્બતથી નજદિક કરી દે અને જે બાબતો અમારી નાપસંદગી અને નારાજગીનું કારણ બને છે તેનાથી દૂર રહેવું જોઈએ, કારણકે અમે અચાનક જાહેર થશું તે સમયે તૌબા કરવાથી ફાયદો નહિ થાય. અજ્ઞાનતા અને શરમિન્દગી અમારી સજાથી બચાવી નહિ શકે. (એહતેજાજે તબરસી, ભાગ. 2, પા. 497-498)

એક બીજી તવકીઅ:

જનાબ શયખ મુફીદ (અ.ર.) ના  નામે એક બીજી તવકીઅ મોકલી તેમાં હઝરત (અ.સ) ઈરશાદ ફરમાવે છે:

‘ખુદા! અમારા શીઆઓને તેની ઈતાઅત અને ફરમાબરદારીની તૌફીક અતા ફરમાવે. જો અમારા શીઆઓ હળી મળીને દિલથી એક બનીને વાયદો અને વચન ઉપર અડગ રહેતે તો અમારી મુલાકાતની બરકતો મેળવવામાં વિલંબ ન થતે. મઅરેફત અને સચ્ચાઈની સાથે અમારી ઝિયારતનો લાભ તેઓને જલ્દી નસીબ થતે જે વસ્તુએ અમને તેમનાથી દૂર કરી દીધા છે તે તેમના તરફથી મળતી ખબરો છે જેને અમે નાપસંદ કરીએ છીએ અને જેની અમે તેમનાથી આશા નથી રાખતા. (એહતેજાજે તબરસી, ભાગ. 2, પા. 499)

આ બધી વાતોથી એ બાબત સારી રીતે સમજાય છે કે આપણા અઈમ્મએ મઅસુમીન (અ.મુ.સ.) અને ખાસ કરીને આ સમયે આપણા ઈમામે ઝમાના (અ.સ.)ને આપણી દરેક વાતની ખબર છે અને આપણી કોઈપણ હરકત તેમની ફરિશ્તાઓ જેવી આંખોથી છુપાએલી નથી. જુમ્આના દિવસની ઈમામ (અ.સ.)ની ઝિયારતમાં છે: અસ્સલામો અલયક યા અયનલ્લાહ ફી ખલ્કેહી. (ખુદાના સર્જનોમાં ખુદાની આંખો, આપ પર સલામ થાય)

બાદશાહની સામે:

જો એક અંધજન કોઈ મોટા બાદશાહની સામે હાજર થાય તો તેણે બાદશાહની હાજરીના બધા રિત-રિવાજો, માન-સન્માનનું ધ્યાન રાખવું પડશે. તેણે એવીજ રીતે સન્માન જાળવવું પડશે જે રીતે એક દેખતો માણસ બાદશાહને પોતાની આંખોથી જોઈને માન આપે છે, જો કે અંધ માણસ પોતાની આંખોથી બાદશાહને નથી જોઈ રહ્યો. આ માત્ર એટલા પૂરતુંજ છે કે તે પોતાની જાતને બાદશાહની સામે મહેસુસ કરે છે. તે ખુદ તો બાદશાહને નથી જોઈ રહ્યા પરંતુ તેને એ વાતનો અહેસાસ બલ્કે યકીન છે કે બાદશાહ તેને જોઈ રહ્યો છે.

ગયબતના ઝમાનામાં મોઅમીન પણ એજ રીતે છે. જો કે તે હાલમાં પોતાની નઝરથી પોતાના ઈમામને જોઈ નથી રહ્યો પરંતુ તેને એ વાતનો એહસાસ અને યકીન છે કે ઈમામ તેને જરૂર જોઈ રહ્યા છે તો પોતાના યકીનના કારણે પોતાની જાતને ઈમામની હજુરમાં મહેસુસ કરે છે. પોતાના દરેક કામમાં તે ઈમામને હાજર નાજર છે તેમ માને છે. ‘દોઆએ નુદબહ’ માં છે: હું આપ ઉપર કુરબાન, આપ એવા ગાયબ છો જેની હાજરૂરીથી અમારી બેઠક કયારેય ખાલી નથી.’

‘અન્ત મીન મોગય્યબીન લમ યખ્લો મીન્ના’ઈમાન અને યકીનની માંગણી એ છે કે ખુદને હંમેશા ઈમામ (અ.સ.)ના હજુરમાં ગણે અને તેમનું માન અને સન્માન જાળવી રાખે.

એ ખુદા! અમારા પવિત્ર અવલીયા (અ.સ.) અને તેમના નિર્મળ અને સાચા અનુસરનારાઓના સદકામાં અમને સૌને એવુંજ મજબુત ઈમાન અને સંપૂર્ણ યકીન અર્પણ કર. આમીન.

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *