Home » અલ-મુન્તઝર માહે શાબાન » ૧૪૧૮ » અલ-મુન્તઝર માહે શાબાન

દોઆ ‘અલ્લાહુમ્મ અર્રિફની નફસક’નું ટૂંકુ વર્ણન

Print Friendly

હઝરત વલીએ અસ્ર (અ.સ.)ની ગયબતના ઝમાનામાં ફિત્નો બહુજ સખત રીતે માથુ ઉંચકશે (જેવા કે આપણે સૌ તેના આંખે દેખ્યા સાક્ષી છીએ) ઘણા જુદા જુદા દ્રષ્ટિબિંદુઓ રજુ કરવામાં આવશે. દીની તાલીમની જુદી જુદી રીતે સમજણ અને વિગતો રજૂ થશે. આ પરિસ્થિતિમાં સાચા દીન ઉપર અડગ રહેવું સહેલું નથી. દરેક પગલે લપસી પડવાનો ભય છે. દરેક જગ્યાએ મતભેદ હોવાની આશંકા છે. અમલથી વધુ વિચારોના મતભેદોનો ભય છે. રિવાયત મુજબ એક સમય એવો પન આવશે: ‘માનવી સવારના સમયે મોઅમીન અને સાંજ થતા તે મુનાફીક કે કાફીર થઈ જશે.’ અથવા ‘રાત્રે મોઅમીન હશે સવાર પડતા તે મુનાફીક કે કાફીર થઈ જશે.’ આથી વધારે ગજબ તો એ હશે કે ઈમામ (અ.સ.) નજરૂરથી ગાયબ હશે એટલે એવો કોઈ વિશ્વાસપૂર્વકનો માર્ગ નહિ હોય જેથી એ જાણી શકાય કે સત્યનો માર્ગ કયો છે? ખુદા અને રસુલનો સાચો દીન કયો છે?

હ. અલી બીન અબી તાલિબ (અ.સ.)ના શબ્દોમાં ‘તલ્વારનો એક ઝાટકો હલાલની એક દિરહમની કમાણી કરતા સહેલો હશે.’ (નહજુલ બલાગાહ, ખુત્બો 229)

હલાલ રોઝી મેળવવી તલ્વારથી ઝખ્મી થવા કરતા વધુ સખ્ત હશે. જ્યાં એક દિરહમ હલાલનો કમાવો આ રીતે સખ્ત અને અલભ્ય હોય ત્યાં જીવનભર સાચા દીન ઉપર અડગ રહેવું કેટલું મુશ્કેલ અને જીવલેણ હશે. કદાચ આ મુશ્કેલીઓને દ્રષ્ટિ સમક્ષ રાખીને ઈમામ ઝયનુલ આબેદીન (અ.સ.) એ ફરમાવ્યું છે: ‘નિશંક તે લોકો જે તેમની ગયબતના ઝમાનામાં તેમની ઈમામતનો સ્વિકાર કરતા હશે, તેમના જાહેર થવાની પ્રતિક્ષા કરી રહ્યા હશે તે દરેક ઝમાનાના લોકોથી વધુ અફઝલ (બહેતર) છે કારણકે ખુદાવંદે આલમે તેઓને તે બુધ્ધિ અને સમજ શકિત આપી છે જેના કારણે ‘ગયબત’તેઓના માટે ‘નજરે નીહાળતા હોય’એવું હશે. ગયબતના ઝમાનામાં આ લોકો એ રીતે છે જે રીતે હ. રસુલે ખુદા (સ.અ.વ.)ના ઝમાનામાં લડાઈ કરનારા. ખરેખર આ લોકો પવિત્ર વિચારોવાળા, મુખ્લીસ, નિર્મળ મનના છે. આ લોકો જ અમારા સાચા શીઆ છે. ખુદાવંદે આલમના દીન ઉપર જાહેર અને છુપી રીતે આમંત્રણ આપનારા છે. (મુન્તખબુલ અસર, પા. 227)

અમૂક રિવાયતો મુજબ આ ઝમાનામાં સાબિત કદમ રહેવું, હથેળી ઉપર અંગારા રાખવા જેવું છે. કાંટાવાળી ડાળથી કાંતવા જેવું છે. (જેવી રીતે દોરો બનાવવા માટે સુતર કાંતવુ પડે છે. એવી રીતે આખો વખત હાથમાં તકલી પકડી ખેચવું પડે છે સુતરની જગ્યાએ કાંટાળી ડાળ પકડવામાં આવે તો શો હાલ થાય).

આજકાલ જે વસ્તુને ‘દીન’કહેવામાં આવે છે તે હકીકતથી ઘણો ભિન્ન છે, જે અઈમ્મએ મઅસુમીનની રિવાયતોમાં લખાએલ છે.

અઈમ્મએ મઅસુમીન (અ.સ.)ને આ પરિસ્થિતિનું ઈલ્મ હતું, પોતાના અસ્હાબોને આખર ઝમાનાની પરિસ્થિતિની જાણ પણ કરી હતી. હ. સાદિક (અ.સ.)એ જનાબ અબ્દુલ્લાહ બીન સનાનને ઈરશાદ ફરમાવ્યું: આ પછી તમારા માટે એક સમય આવશે, જે સમયે તમે લોકો તમારા ઈમામના દિદારથી મહેરૂમ હશો. તે સમયમાં કોઈને મૂકિત નહિ મળે, સિવાય તે લોકો જે દોઆએ ગરીક પડતા હશે. રાવીએ પૂછયું: મૌલા એ દોઆએ ગરીક કઈ દોઆ છે? ઈમામ (અ.સ.) એ ફરમાવ્યું: આ રીતે પડો ‘યા અલ્લાહો, યા રહમાનો યા રહીમો યા મોકલ્લેબલ કોલુબ, સબ્બીત કલ્બી અલા દીનેક’ (એ અલ્લાહ, એ રહમાન, એ રહીમ, એ દિલોને પલટનારા, મારા દિલને તારા દીન ઉપર અડગ (સાબીત કદમ) રાખ).

રાવીએ દોઆને આ રીતે દોહરાવી: યા અલ્લાહો, યા રહમાનો યા રહીમો યા મોકલ્લેબલ કોલુબે વલ અબ્સાર, સબ્બીત કલ્બી અલા દીનેક.

રાવીએ ‘મોકલ્લેબલ કોલુબ’પછી ‘વલ અબ્સાર’નો વધારો કરી દીધો.

ઈમામ (અ.સ.) એ ફરમાવ્યું: ખુદાવંદે આલમ યકીનથી ‘મોકલ્લેબલ કોલુબ વલ અબ્સાર’છે પરંતુ માત્ર ‘યા મોકલ્લેબલ કોલુબ સબ્બીત કલ્બી અલા દીનેક’કહો. (કમાલુદ્દીન ભાગ-2, પા. 351, 352)

આ હદીસથી થોડી બાબતો સ્પષ્ટ થાય છે.

(1) ઈમામ (અ.સ.)ને આવનારી પરિસ્થિતિનું ખુબીપૂર્વક ઈલ્મ છે.

(2) પોતાના દોસ્તોની મૂકિતની ચિંતા છે.

(3) આ નજાત ખુદાની મદદ અને તૌફીક સિવાય શકય નથી.

(4) દીની તાલીમમાં કોઈપણ પ્રકારનો વધારો અથવા ઘટાડો માન્ય નથી. પછી ભલે તે વધારો તેની જગ્યાએ ગમે તેટલો સ્વિકાર્ય કેમ ન હોય? (એ લોકોએ ખાસ ધ્યાન રાખવું જોઈએ જે ‘હું સમજુ છું’, ‘હું વિચારૂ છું’, ‘મારા મત પ્રમાણે આ રીતે હોવું જોઈએ…’ની સમજણથી દીની તાલીમોનું અર્થઘટન કરે છે).

(5) દિલનું દીન ઉપર અડગ રહેવું જરૂરી નહિ તો જાહેર આમાલોથી તો ઘણા લોકો દીનદાર દેખાય છે.

દોઆએ ગયબત:

જનાબ ઝોરારહે હ. ઈમામ જઅફર સાદિક (અ.સ.)થી રિવાયત કરી છે. ઈમામ (અ.સ.) એ હ. ઈમામ મહદી (અ.સ.) ની ચર્ચા કરતા ફરમાવ્યું છે: એ હઝરત માટે તેમના સાશનકાળ પહેલા ગયબત હશે.

ફરમાવ્યું: ભયના કારણે (ઈમામે પોતાના પેટ તરફ ઈશારો કર્યો) તે પછી ફરમાવ્યું: તે એ જ છે જેની પ્રતિક્ષા કરવામાં આવી રહી છે. લોકો તેમનો જન્મ થવામાં શંકા કરશે. અમૂક લોકો કહેશે કે તેમના પિતા મૃત્યુ પામ્યા અને તેમને કોઈ સંતાન ન હતું. અમુક લોકો કહેશે માના પેટમાં જ મૃત્યુ પામ્યા. અમુક કહેશે પિતાના મૃત્યુની બે વરસ પહેલા તે મૃત્યુ પામ્યા. તે એજ છે જેની પ્રતિક્ષા કરવામાં આવી રહી છે. ખુદાવંદે આલમ તેમના શીઆઓની કસોટી કરવા માગે છે. તે ઝમાનામાં બાતીલ લોકોની શંકા-કુશંકાઓની શરૂઆત થશે.

એ ઝોરારહ! જો તમે એ ઝમાનો મેળવો તો તે સમયે આ દોઆ પડવી.

‘અલ્લાહુમ્મ અર્રિફની નફસક, ફઈન્નક ઈન લમ તોઅર્રિફની નફસક લમ અઅરીફ નબીય્યક. અલ્લાહુમ્મ અર્રિફની રસુલક ફ ઈન્નક લમ તોઅર્રિફની રસુલક લમ અઅરીફ હુજ્જતક. અલ્લાહુમ્મ અર્રિફની હુજ્જતક ફઈન્નક ઈન લમ તોઅર્રિફની હુજ્જતક ઝલલતો અન દીની.’

ખુદાયા! તું ખુદ મને તારી જાતની મઅરફેત અતા કર, જો તે તારી મઅરેફત અતા ન કરી, તો હું તારા નબીની મઅરેફત મેળવી શકીશ નહી.

પરવરદિગાર! તું મને તારી હુજ્જતની મઅરેફત અતા કર, જો તું મને તારી હુજ્જતની મઅરેફત અતા નહિ કરે, તો હું મારા દીનથી ભટકી જઈશ.’

આ રિવાયતને સેકતુલ ઈસ્લામ જનાબ શયખ કુલયની (અ.ર.)એ તેમની અમુલ્ય અને સંપૂર્ણ વિશ્વાસપાત્ર કિતાબ ‘કાફી’ ભાગ-1, પા. 337/341 માં લખી છે અને તેમના સૌથી વધુ અઝીઝ વિધ્યાર્થી જનાબ મોહમ્મદ બીન ઈબ્રાહીમ નોઅમાની (અ.ર.) તેમના પુસ્તક ‘અલ ગયબહ’ પા. 86 ઉપર નોંધ કરી છે તે સિવાય આ વિષયની રિવાયત શબ્દોના બહુ જ ઓછા ફરક સાથે જનાબ શયખ મોહમ્મદ બીન અલી બીન અલ હુસયન મઅરૂફ બે શયખ સદુક (અ.સ.) એ તેમની પ્રતિષ્ઠિત કિતાબ ‘કમાલુદ્દીન વ તમામુન નેઅમહ’ના ભાગ 2, પા. 242, પર નોંધ કરી છે.

આથી એ ખ્યાલ આવી જાય છે કે આ રિવાયત કેટલી વિશ્વાસપાત્ર છે. આ જ કારણ છે ઓલમાઓ નમાઝની કુનુતમાં અથવા નમાઝની તઅકીબાતમાં આ દોઆ જરૂર પડે છે.

જનાબ સય્યદ બીન તાઉસ (અ.ર.)એ તેમની કિતાબ ‘જમાલુલ અસ્બુઅ’માં હ. ઈમામ ઝમાના (અ.સ.)ના પહેલા નાયબ દ્વારા જુમ્આના દિવસે અસ્રના આઅમાલનું વર્ણન કરતા ફરમાવ્યું છે: ‘જો કોઈ કારણના લીધે આ દોઆઓ અને સલવાત ન પડી શકો તો આ દોઆ કયારે પણ ભુલતા નહિ, કારણકે આ દોઆ ઘણી મહત્વપૂર્ણ અને ફઝીલતવાળી છે. ખુદાના ફઝલ અને કરમ છે કે તેણે આપણને આ મહાન દોઆથી નવાજ્યા છે. અને તે દોઆ આ છે.’ (જમાલુલ અસ્બુઅ, પા. 315)

આ દોઆ માફતિહુલ જીનાનમાં ‘દોઆએ ગયબતે ઈમામે ઝમાના (અ.સ.)’ના નામથી પા. 588 પર લખેલી છે. આ દોઆના શરૂઆતના શબ્દો બિલ્કુલ આ દોઆની જેમ જ છે. માત્ર પહેલા શબ્દમાં ‘નબીય્યેક’ની જગ્યાએ ‘રસુલક’ લખેલુ છે. એ સ્પષ્ટ થાય છે કે ગયબતના ઝમાનામાં અને ખાસ કરીને જુમ્આનો દિવસ જે ઈમામે ઝમાના (અ.સ.)થી મખ્સુસ છે, આ દોઆ ભુલવી ન જોઈએ. આ દોઆના મહત્વને દ્રષ્ટિ સમક્ષ રાખીને ટૂંકી વિગત નીચે મુજબ રજુ કરીએ છીએ.

મઅરેફત:

આ દોઆથી ખુદાવંદે આલમને દરખાસ્ત કરવામાં આવી છે કે તે,

(1) પોતાની મઅરેફત અતા કરે. અલ્લાહુમ્મ અર્રિફની નફસક.

(2) પોતાના રસુલની મઅરેફત અતા કરે. અલ્લાહુમ્મ અર્રિફની રસુલક.

(3) પોતાની હુજ્જતની મઅરેફત અતા કરે. અલ્લાહુમ્મ અર્રિફની હુજ્જતક.

(4) જો હુજ્જતે ખુદાની મઅરેફત ન મળી તો જરૂર દીનથી ગુમરાહ થઈ જવાય. ‘ઝલલતો અન દીની.’

(5) જો હુજ્જતે ખુદાની મઅરેફત છે તો રસુલે ખુદા અને ખુદાની મઅરેફત છે. અને દીન ઉપર સાબિત કદમ હાસીલ છે. (અડગતા મળે છે). નહિ તો… આથી અંદાજ થઈ શકે છે કે હુજ્જતે ખુદાની મઅરેફત કેટલી મહત્વની છે.

ખુદાની મઅરેફત:

ખુદાની મઅરેફત ઈમાનના જીવનની સર્વશ્રેષ્ઠ સંપત્તિ છે. હ. ઈમામ હુસયન (અ.સ.) એ દોઆએ અરફામાં ફરમાવ્યું: ‘માઝા વજદ મન ફકદક વમલ્લઝી ફકદ મ વજદક.’ ‘એ ખુદા! જેને તું નથી મળ્યો તેને શું મળ્યું? અને તેને શું નથી મળ્યું જેને તું મળી ગયો.’ એક બીજી રિવાયતમાં છે ‘જેણે ખુદાને ઓળખી લીધો અને તેને સન્માન આપ્યું તે તેની જીભને અર્થહીન વાતોથી અને પેટને હરામ ખાવાથી બચાવે છે. (અરબઈન, શૈખે બહાઈ, હદીસ 3, પા. 10)

જેટલી ખુદાની મઅરેફત મળતી જશે તેટલી દિલના ઉંડાણમાં ખુદાની મહાનતા વધતી જશે. તેના જલાલ અને જબરજસ્ત શકિતની શાન જોઈને યા જબ્બાર, યા કહહાર જેવા નામો દ્વારા ભય, તડપ, ધ્રુજારી હાલીલ થશે. અને જમાલી શાન જોઈને યા રહીમ, યા રફીક જેવા નામો દ્વારા વજુદનો રૂવે-રૂવો તેની મોહબ્બતથી ઉભરાઈ જશે. આ વાત તેની જગ્યાએ સાબિત છે કે ‘કમાલ’ની મોહબ્બત ઈન્સાનને ખુદ ‘કમાલ’નો આદી બનાવી દે છે. ખુદાની જાત ‘કુલ્લુલ કમાલ’છે. સંપૂર્ણત: કમાલવાળી છે. દુનિયામાં જે કંઈ કમાલ છે તે માત્ર તેના કમાલના નામની એક કીરણ જ છે. હ. ઈમામ ઝયનુલ આબેદીન (અ.સ.) ‘મુનાજાતે મોહિબ્બનીન’માં ઈરશાદ ફરમાવે છે: અસ્અલોક હુબ્બક વ હુબ્બ મન યોહિબ્બોક વ હુબ્બ કુલ્લે અમલીન યુસિલની એલા કુર્બેક.’ પરવરદિગાર તું મને તારી મોહબ્બત અતા કર અને તે લોકોની મોહબ્બત અતા કર જે તને ચાહે છે. અને તે કાર્ય ને મારા માટે મહેબુબ – પ્રીય બનાવી દે જે મને તારી નજદિક કરી દે. (મફાતીહુલ જીનાન, મુનાજાતે ખમ્સા અશરા).

હ. ઈમામ હુસયન (અ.સ.) ‘દોઆએ અરફા’માં ખુદાની બારગાહમાં આ રીતે મુનાજાત કરે છે: ‘અન્તલ્લઝી અશરકતલ અન્વાર ફી કોલુબે અવલેયાક હત્તા અરફુક વ વહહદુક વ અન્તલ્લઝી અઝલ્તલ અગ્યાર અને કોલુબે અહિબ્બાએક હત્તા લમ યોહિબ્બુ સેવાક.’ ખુદાયા, તે તો તારા અવલિયાના દિલોને તારી મઅરેફતના નૂરથી પ્રકાશિત કર્યા ત્યાં સુધી કે તેઓને તારી મઅરેફત મળી અને તેઓએ તારા ‘એક’હોવાનો ઈકરાર કર્યો.

એ ખુદા! તેજ તારા ચાહનારાઓના દિલોમાં પરાયાની મોહબ્બતને દૂર રાખી છે. તારા સિવાય અન્ય કોઈની મોહબ્બત તેઓના દિલોમાં નથી.

આથી સ્પષ્ટ થાય છે કે ખુદાની મોહબ્બત પણ ખુદાની જ દેન છે, જેને ચાહે છે તેને અતા કરે છે. આ આપણા માટે ફરજ છે કે આપણા જ્ઞાન અને સંશોધન ઉપર ભરોસો કરવાને બદલે ખુદ ખુદા પાસે તેની મઅરેફતની દોઆ કરીએ. કારણકે ખુદા જે મઅરેફત અતા કરશે તે હકીકી અને સાચી હશે. નહિ તો એ મઅરેફત જે આપણી સમજણ અને સંશોધનની બીના ઉપર મળશે તેની કોઈ ખાત્રી નથી. કારણકે વાળ જેટલો ફરક પણ અંતમાં ‘સેરાતે મુસ્તકીમ’થી માઈલો દૂર હોવાનું કારણ બની શકે છે.

દોઆ કરનાર ખુદાની વહદાનીયત – એક હોવાનો ઈકરાર કરે છે તેથી તે આ દોઆ દ્વારા મઅરેફતમાં વધારો અને આખર ઉમર સુધી ખુદાની મઅરેફત ઉપર સાબિત કદમ રહેવાની દોઆ કરી રહ્યો છે. જે રીતે નમાઝમાં ‘એહદેનાસ્સેરાતલ મુસ્તકીમ’ની દોઆ કરે છે.

રસુલે ખુદા (સ.અ.વ.)ની મઅરેફત:

અંબીયા (અ.સ.) ઉપર ઈમાન લાવવું મુસલમાન થવાની પાયાની શરત છે એટલે શહાદતૈન (ખુદા અને રસુલ સ.અ.વ.નો કલમો)નો એકરાર ફરજીયાત અને જરૂરી છે. તમામ અંબીયા ઉપર ઈમાન લાવવું જરૂરી છે. જે અંબીયા અને મુરસલીન (અ.સ.)ના નામોની જાહેરાત કરવામાં આવી છે તેઓના ઉપર નામે-નામથી ઈમાન લાવવું અને જેઓના મુબારક નામો નથી દર્શાવવામાં આવ્યા તેઓ ઉપર પણ ઈમાન લાવવું જરૂરી છે, કે ‘તે તમામ અંબીયા અને રસુલો (અ.સ.) ઉપર ઈમાન લાવું છું કે જેઓની ખુદાવંદે આલમે નિમણુંક કરી છે.’ વિશ્વાસપાત્ર રિવાયતોમાં અંબીયા અને મુરસલીન (અ.સ.)ની સંખ્યા એક લાખ ચોવીસ હજાર બયાન કરવામાં આવી છે. જેમાં સૌથી પહેલા, આ સિલસિલાના શરૂઆતના બિન્દુ, માનવ જાતના પિતા હ. આદમ (અ.સ.) છે અને આ સિલસિલાનો અંત અને પૂર્ણતાના બિન્દુ, ખત્મી મરતબત ખયરૂલ બશર, રહેમતુલ લિલ આલમીન, હઝરત મોહમ્મદ બીન અબ્દુલ્લાહ, અલ મુસ્તુફા (સ.અ.વ.) છે.

રસુલે ખુદા (સ.અ.વ.) ઉપર ઈમાન લાવવાનો મતલબ એ છે કે હ. રસુલે ખુદા (સ.અ.વ.) ઉપર ઈમાન લાવવાની સાથે સાથે એ તમામ બાબતો ઉપર એવી રીતે ઈમાન લાવવું જરૂરી છે જે આં હઝરત (સ.અ.વ.) એ બયાન ફરમાવી છે. હ. રસુલે ખુદા (સ.અ.વ.) દ્વારા બયાન કરવામાં આવેલ કોઈ પણ બાબતનો જાણી જોઈને ઈન્કાર કરવો ઈન્સાનને ઈમાનથી બહાર ધકેલી દેશે. હ. રસુલે ખુદા (સ.અ.વ.)ના જીવન ઉપર વિચાર કરવાથી એ સ્પષ્ટ થાય છે કે સમગ્ર જગતમાં સૌથી મહાન પ્રતિભા આપનું વ્યકિતત્વ છે. ખુદાની પછી માત્ર આપ (સ.અ.વ.)ની જાત, આપ (સ.અ.વ.) નીજ જાત સૃષ્ટિના સર્જનનું કારણ છે. આપ ન હોત, તો કંઈપણ ન હોત. આ તમામ મહાનતાઓ અને અજોડ અઝમતો પછી પણ આપના સ્વભાવમાં નમ્રતાજ નમ્રતા, વિનયજ વિનય, ઈબાદતજ ઈબાદત, જીવનની દરેક પળ બલ્કે દરેક પળનો પણ દરેક ભાગ સંપૂર્ણ રીતે ખુદાની ઈબાદતમાં પસાર કર્યા પછી પણ એ એહસાસ કે ‘ઈબાદતનો હક અદા ન થઈ શકયો.’ જેટલી હ. રસુલે ખુદા (સ.અ.વ.)ની મઅરેફત થતી જશે, તેટલો જીવનમાં સુધારો થતો જશે.

જરા એ વાત તો વિચારો, જો રસુલની મઅરેફત નસીબ ન થઈ તો ઈમામ અને હુજ્જતે ખુદાની મઅરેફત હાસીલ થઈ શકે નહિ. એટલે કે એજ વ્યકિત હુજ્જતે ખુદાની મઅરેફત મેળવી શકે છે જેને રસુલની મઅરેફત હોય. એટલુંજ નહિ જો કોઈ હુજ્જતે ખુદાની મઅરેફત નથી ધરાવતો તો તે રસુલની પણ મઅરેફત નથી ધરાવતો.

હુજ્જતે ખુદાની મઅરેફત:

આ દોઆના અંતિમ શબ્દો છે. હુજ્જત એ સચોટ દલિલને કહે છે જેની પછી કોઈ કારણ બાકી નથી રહેતું. હુજ્જત પૂરી થઈ ગઈ એટલે ઈન્કારનું કોઈ બહાનું બાકી ન રહ્યું. હવે તે પછી પણ જો કોઈ વાતને સ્વિકારતો નથી તો તે માત્ર હઠધર્મી છે.

રસુલ અને ઈમામ તેમજ, મોઅજીઝાઓને હુજ્જતે ખુદા એ કારણે કહેવામાં આવે છે કે આ ચીજો પછી ઈન્કાર કરનારાઓ પાસે ઈન્કાર માટે કોઈ કારણ રહેતુ નથી. તેઓના ઈન્કારનું કોઈ બહાનું નથી. વાત સંપૂર્ણ રીતે સ્પષ્ટ થઈ ચૂકી છે.

હાલમાં હુજ્જતે ખુદા હઝરત હુજ્જત ઈબ્નીલ હસન અલ અસ્કરી ઈમામે ઝમાના અલયહિસ્સલામ છે. દુનિયામાં હુજ્જતે ખુદાનો શું દરજ્જો છે તે અંગે આ જ અંકમાં ‘ગયબતમાં ઈમામના વુજુદના ફાયદાઓ’ લેખ જુઓ. જો કોઈને હુજ્જતે ખુદાની મઅરેફત નથી, તો તે નિશંક ગુમરાહ છે. કારણકે હુજ્જતે ઈલાહીના માર્ગદર્શન વગર દીન ઉપર અડગ રહેવું અશકય છે. ખુદાવંદે આલમે તેના દીનની સમજણ માટે અને જાણકારી માટે હુજ્જતે ખુદાને માધ્યમ બનાવ્યા છે. અને તે જ હઝરાતને વહી અને કુરઆનનો તરજુમો ગણાવ્યા છે. તેમના માર્ગદર્શન વગર જે પણ કાર્ય કરવામાં આવે તે સરાસર ગુમરાહી છે.

રાવીએ હઝરત ઈમામ મોહમ્મદે બાકિર (અ.સ.) અથવા હઝરત ઈમામ જઅફરે સાદિક (અ.સ.)થી રિવાયતની નોંધ કરી છે: ‘કોઈ બંદો તે સમય સુધી મોઅમીન નથી થઈ શકતો જ્યાં સુધી ખુદાને ન ઓળખતો હોય. રસુલે ખુદા સ.અ.વ. ની મઅરેફત અને તમામ અઈમ્મા (અ.સ.)ની મઅરેફત ન ધરાવતો હોય. પોતાના ઝમાનાના ઈમામને ન ઓળખતો હોય. પોતાના બધા કાર્યોમાં તેમની તરફ રજુ કરે અને તેમના હુકમની સામે આજ્ઞાંકિત રહે.’ (વસાએલુશ્શીઆ કિતાબ અલકઝા, બાબ વજુબ અર રજૂઅ ફી જમીઈલ અહકામ એલલ મઅસુમીન (અ.સ.), હદીસ 5, ભાગ 27, પા. 64)

હઝરત ઈમામ મોહમ્મદે બાકિર (અ.સ.) એ એક હદીસમાં ઈરશાદ ફરમાવ્યું: જો કોઈ શખ્સ આખી રાત ઈબાદતમાં પસાર કરે, દિવસ રોઝામાં ગુજારે, પોતાનો બધો માલ ખુદાની રાહમાં સદકો આપે અને આખી જીંદગી હજ કરે પરંતુ વલીએ ખુદાની વિલાયતની મઅરેફત ન ધરાવતો હોય, તેના આમાલ ખુદાના વલીના માર્ગદર્શન હેઠળ ન થયા હોય તો તે ખુદાની તરફથી કંઈ પણ સવાબનો હકદાર નથી અને ન તો ઈમાન ધરાવનારમાં તેની ગણતરી થશે.’ (હવાલો ઉપર મુજબ હદીસ નં. 11)

એક બીજી રિવાયતમાં હ. ઈમામ મોહમ્મદે બાકિર (અ.સ.) આ રીતે ફરમાવે છે:

‘દરેક તે ચીજ જે અમારા ઘરથી ન નીકળી હોય તે બાતીલ છે.’ (હવાલો ઉપર મુજબ હદીસ નં. 34)

આ રિવાયત પણ આપ (અ.સ.)થી મન્કુલ છે ‘પૂર્વ અને પશ્ર્વિમમાં કોઈ એવું સાચું જ્ઞાન નથી જે અમારા ઘરથી ન નીકળ્યું હોય.’ (હવાલો ઉપર મુજબ હદીસ નં. 22)

આ થોડી રિવાયતોથી એ વાત સ્પષ્ટ થઈ ગઈ કે હુજ્જતે ખુદાનું કેટલું મહત્વ છે. અમલની માત્રા ગમે તેટલી વધુ કેમ ન હોય જો તે હુજ્જતે ખુદાના માર્ગદર્શન હેઠળ નથી કર્યા તો ખુદાની નજરમાં તેનું કોઈ મહત્વ નથી.

આ ગયબતના ઝમાનામાં હુજ્જતે ખુદાના માર્ગદર્શન હેઠળ કાર્ય કરવાનો અર્થ એ છે કે મહાન આલીમો (ફકીહો) અને મુજતહેદીનની તરફ ‘રુજુઅ’કરવું જોઈએ (તેમના હુકમો તરફ વળવું જોઈએ, અમલ કરવો જોઈએ) જેઓને ઈમામ (અ.સ.)એ લોકો ઉપર ‘હુજ્જત’ગણ્યા છે.

આ બયાનથી દોઆનો અંતિમ ફકરો પણ સ્પષ્ટ થઈ જાય છે ‘જો હુજ્જતે ખુદાની મઅરેફત નસીબ ન થઈ, તો દીનથી ગુમરાહ થઈ જઈશ.’

આ લેખને ઈમામ જઅફર સાદિક (અ.સ.)ની આ રિવાયતથી પૂરો કરીએ ‘લોકોને અમારી મઅરેફત મેળવવાનો હુકમ કરવામાં આવ્યો છે. જરૂરી છે કે પોતાના કાર્યોમાં અમારી તરફ ‘રુજુઅ’થાય અને અમારી સામે તસ્લીમ (માથું નમાવી) રહે. તે પછી ઈમામ (અ.સ.) એ ફરમાવ્યું: જો કે તેઓ રોઝા રાખતા હોય, નમાઝ પડતા હોય, લા એલાહ ઈલ્લલ્લાહની સાક્ષી આપતા હોય પરંતુ જો તેઓના દિલમાં આ વિચાર હોય કે અમારી તરફ રજુ નહિ થાય તો તેની ગણતરી મુશરિકના હુકમમાં થશે. (હવાલો ઉપર મુજબ, હદીસ નં. 19)

એ ખુદા! અમને સૌને તારી, તારા રસુલની અને તારા વલીની સંપૂર્ણ મઅરેફત અતા ફરમાવ. જીવનની અંતિમ ક્ષણો સુધી દીન ઉપર સાબિત કદમ રહેવાની તૌફિક અતા ફરમાવ. (આમીન)

Have your say!

Add your comment below, or trackback from your own site. You can also subscribe to these comments via RSS.

Be nice. Keep it clean. Stay on topic. No spam.