Home » અલ-મુન્તઝર માહે શાબાન » ૧૪૧૮ » અલ-મુન્તઝર માહે શાબાન

હઝરત હુજ્જત (અ.સ.)ની વિશ્વની હુકુમત

Print Friendly

એમ કહેવાય છે કે પહેલાના ઝમાનામાં એમ પણ થતું હતું કે ઝુલ્મી અને અત્યાચારી બાદશાહ જ્યારે કોઈ વસ્તી ઉપર હુમલો કરતો અને તેને નષ્ટો નાબૂદ કરીને ચાલ્યો જતો, ત્યારે સિતમગરોએ તારાજ કર્યાની નિશાની રૂપે તે સુમસામ વસ્તીના ઉજ્જડ કાટમાળ ઉપર એક સળગતી મશાલ રાખવામાં આવતી. થોડીક મુદ્દત પસાર થયા પછી ફરી એક વાર આ ઉજ્જડ વસ્તીમાં આબાદીની નીશાનીઓ દેખા દેતી થઈ જતી અને ધીરે ધીરે એક મશાલથી બીજી હજારો મશાલ રોશન થઈ જતી પરંતુ જે વસ્તી આબાદ થઈ જતી તો તેનો રંગઢંગ પહેલાથી જુદો થઈ જતો હતો. ભય અને બહારના હુમલાઓનો એહસાસ, સામૂહિક રીતે તે વસ્તીને વધુ મજબુત વધુ સુરક્ષિત અને સરંજામથી સજ્જ સામનો કરવા માટે નવા પગલા ભરવાની તૈયારી કરતો રહેતો હતો. પહેરો ભરવામાં સતર્ક રહેવું, સુરક્ષાના પગલાઓ લેવા માટે નકશાઓ તૈયાર કરવા, નવા પ્રકારના શસ્ત્રોની શોધ કરવી, સંદેશા વ્યવહાર, સરંજામ એકઠો કરવો, માલ-સંપત્તિમાં વધારો, સમાજમાં એકતા અને બીજા સંસ્કારલક્ષી કાર્યોનો પ્રચાર વિગેરે જીવનના તમામ કાર્યોમાં પ્રદર્શિત થવા લાગતા હતા.

આ પ્રક્રિયાનું એ પરિણામ ઉપસી આવે છે કે ઉજ્જડ થઈ ગએલ ભૂતકાળની વસ્તીનો લોહીયાળ સમય એ હતો જેણે તેની પછીના આવનારા સમયને આવનારા ભયસ્થાનોનો એહસાસ કરાવીને તેની બેહતરી, ખુશહાલી અને સ્થિરતા માટે પૂર્વભૂમિકા બાંધતો ગયો.

આ રીતે સમય પસાર થતો ગયો. દિવસો પછી દિવસો પસાર થતા ગયા. એક યુગનો માણસ બીજા યુગના માનવી માટે પૂર્વ ભૂમિકા તૈયાર કરતો ગયો. અને માનવ સંસ્કૃતિની પ્રગતિમાં જાગૃતિ અને તેજી આવતી ગઈ. ત્યાં સુધી કે પુરાતન સંસ્કૃતિએ આધુનિક સંસ્કૃતિમાં પોતાના યુગની તે અસરોને છોડી દીધી છે જે ઈતિહાસના પ્રકાશમાં આધુનિક યુગ માટે ભૂમિકા મેળવતા રહેશે. જો કે ખૂબજ દૂરના ભૂતકાળમાં રહેનારો માનવ જો વર્તમાન સમયમાં આવી જાય તો મુંગા બહેરા અને મંદબુધ્ધિવાળાની જેમ આશ્ર્ચર્યની પ્રતિમા બની જશે. કારણકે તે નથી જાણતો કે આ નવી સંસ્કૃતિના પાયામાં તેનો ખૂન-પસીનો રેડાયો છે.

દાખલા તરીકે જો ખુદાવંદે આલમની કુદરતે કામીલાથી પંદર વીસ સદી પહેલાનો માનવી વર્તમાન યુગના કોઈ પ્રગતિશીલ દેશના શહેરમાં આવી જાય તો તે માનવા માટે તૈયારજ નહિ થાય કે આ તો એજ જમીન છે જેની ઉપર તેના યુગના લોકો ચાલતા હતા. એ માટે કે આ થોડા દિવસોમાં એક નાના એવા ઝાડને આ જમીન ફુલોથી ભરી દે છે. આ એજ આસમાન છે જેના શામીયાણા નીચે તે જીવન પસાર કરતો હતો. એટલા માટે કે અવકાશમાં વિમાનો ચક્કર મારે છે. મશીનો વતો કરે છે, તરજુમો કરે છે, ઓફીસોમાં નકલ અને પરિચલનના કામમાં આવે છે. લાંબા અંતરના હિસાબ રજુ કરી દે છે. એક ફલોપીમાં હજારો પાનાઓના લેખો પોતાની અંદર અક્ષરોક્ષર સુરક્ષિત રાખે છે.

તે આ ક્રાંતિકારી શોધોને બની શકે કે મોઅજીઝો માની લે. પરંતુ જો આજનો માનવી તેને સમજાવે તો તે એમજ કહેશે કે આ બધુ જ્ઞાનની શોધ અને પ્રયોગના કારણે શકય બન્યું છે. અને તેની સફળતામાં તમારો પણ હાથ છે. જો વહી ગએલા યુગની વ્યકિતએ પૂર્વભૂમિકા ન બાંધી હોત તો પ્રગતિ કોઈ એક તબક્કે આવીને અટકી જાત. આને એમ પણ સમજી શકાય છે કે પહેલા દરિયા અને મહાસાગરમાં ઉંડાણમાં ડુબકી મારનારા મૌજુદ હતા. પરંતુ દરિયાના તળીયે જઈને કોઈ વસ્તુનું નિરિક્ષણ કરવા માટે લાચાર હતા, જ્યાં સુધી ઓકસીજનની શોધ થઈ ન હતી. પછી તેના માપ પ્રમાણે ઓકસીજન સાથે લઈને (ડુબકી) મારનારા દરિયાના તળીયા સુધી જાય છે અને જે કાંઈ જુએ છે તેના ફોટા ખેંચીને જોનારની સામે રાખી દે છે. કાલે કૃષ્ઠરોગ (લેપ્રસી)ની બિમારીનો ઈલાજ ન હતો. તે સારૂ થવું એક મોઅજીઝો ગણાતો. આજે આ બિમારી ઈલાજ કરવાથી દૂર થાય છે. અહીં રોકાઈને એક વાત કરી દેવાની જરૂર છે તે એ કે નબુવ્વતની મસીહાઈનો તકાઝો એ હતો કે લેપ્રસીના બિમારને કોઈ મશીન કે દવા વગર શફા આપવામાં આવે. માત્ર ઈસા (અ.સ.)નો નફસ પૂરતો હતો. પરંતુ હવે મશીન અને દવાથી બિમારને સાજો કરવામાં આવે છે. જરા વિચાર કરો આજે આ વાત કોઈ મોઅજીઝાની નથી, કે રશિયાનો એક માણસ અમેરીકાના માણસ સાથે ટેલીવીઝન મારફતે એકબીજા સાથે રૂબરૂ વાત કરે છે. આપ પ્રવચન આપી રહ્યા છો અને કોમ્પ્યુટર તેનો તરજુમો કરી રહ્યું છે તેથી સ્પષ્ટ થાય છે કે ઘણી બધી શોધો થઈ ચૂકી છે અને હજુ ઘણી બધી બાકી છે. આ શોધો તે માનવીની પ્રગતિ, પૂર્ણતા તરફ આગેકૂચ, આવનારા યુગમાં જે જ્ઞાન, વિજ્ઞાનનો ઈન્કેલાબ દુનિયામા આવશે તે માટેની તૈયારી નથી તો બીજું શું છે?

વિશ્વની હુકુમતનો કયામનો અકીદો એટલે તે ઉમીદો સાથે પ્રતિક્ષા કરવી કે કોઈ જીતી ન શકાય તેવા સાચા સુધારક ન્યાયની માગને પૂરી કરનાર વિભૂતી, એક ન એક દિવસ જરૂર આવશે. જેનો પાલવ ફસાદ કરનારા અને ઝાલીમો સ્પર્શી પણ નહિ શકે. અને દુનિયાના સ્તર ઉપર હુકુમતની સ્થાપના કરશે. અને ન્યાયથી દુનિયાને ભરી દેશે. જે માર્ગ ઉપર તે ચાલીને આવશે, ઝમાનાના લોકો તે માર્ગને પોતાની પાંપણોથી સાફ કરશે. આ એક એવી શ્રદ્વા છે જે દુનિયાના તમામ ધર્મોમાં જોવા મળે છે. પરંતુ ઈસ્લામ ધર્મ તે એવો ધર્મ છે જે આ અકીદાને પોતાની ધરી બનાવી દીધી છે. ચૌદસો વરસથી તેની નિશાનીઓ અને સાક્ષીઓને, સચોટ દલીલની સાથે સત્યની શોધ કરનારા અને ઈન્સાફપસંદ લોકો માટે પેશ કરેલ છે. હકીકત અને સચ્ચાઈનો દાવો કરનાર ઈસ્લામ એમજ કહે છે કે તે સૌથી વધુ શકિતશાળી ઈન્સાન જે અલ્લાહના પ્રતિનિધી હશે, તે આ દુનિયાના ખૂણે ખૂણામાં અલ્લાહની હુકુમતના જવાબદાર હશે. અને તે કંઈ મોઅજીઝાઓની પરંપરાના સહારાથી કે માનવીની બુધ્ધિ સ્વિકારે નહિ તેવા કાર્યોથી આ સાશન અસ્તિત્વમાં નહિ આવે, પરંતુ ધીરે ધીરે ઝમાનો તેની બુધ્ધિ અને ડહાપણ, જ્ઞાન અને સમજના આ મુદ્દાને સ્પર્શી રહ્યા હશે કે તેના માટે શકય બનશે કે તે સમગ્ર દુનિયા ઉપર હુકુમત કરી શકે. આ અંગે ઈસ્લામના બુધ્ધિજીવીઓનું કથન આ સચ્ચાઈને પ્રકાશમાં લાવે છે. આયતુલ્લાહ આકાએ મકારેમ શીરાઝી લખે છે.

હઝરત મહદી (અ.સ.)ની દુનિયાની હુકુમતનો અર્થ એ છે કે, સમગ્ર માનવ સમાજના એવા મરતબાવાળા અને દરજ્જા ઉપર બિરાજવું જે અદાલત અને ઈન્સાફની માંગને દરેક રીતે પૂરી કરે, પ્રગતિશીલ, ઝડપી, આઝાદ અને આબાદ, સ્વાવલંબી અને પાયાદાર, હક છીનવા મર્યાદાની હદ વટાવવી કે સંકુચિતતાથી દરેક રીતે પાક (અને તે પણ સમગ્ર વિશ્વના સ્તરે) આખી દુનિયાની સંસ્કૃતિ અને સભ્યતામાં સમાનતા, ટેકનોલોજીમાં અંતિમ કક્ષાએ અને કંટ્રોલ-દરેક વસ્તુ પર સંપૂર્ણ પ્રભુત્વ-કાબુ તેમજ ફરિયાદ દુર કરવાની ક્ષમતા ધરાવતો હોય.

આકાએ મોહમ્મદ મહદી ઈશ્તેહારી તેના એક ગ્રંથમાં ઈરશાદ ફરમાવે છે:

‘આપણે જાણીએ છીએ કે મહદીએ મવઉદ (અ.સ.)નો મસઅલો કોઈ ઉપર છલ્લો, હંગામી, મામુલી, માર્યાદિત કે સામૂહિક નથી પરંતુ આ મસઅલો ઉંડા અર્થ ધરાવતો, વાસ્તવિક, વિશ્વાસપૂર્વકનો અને સમગ્ર દુનિયા માટે ખુબજ મહત્વ ધરાવવાળો છે. લગભગ બધા ધર્મોમાં દરેક જગ્યાએ અને દરેક ઝમાનામાં આ મસઅલો રાજકીય અથવા અકીદતની રીતે મૌજુદ છે. પરંતુ ઈસ્લામમાં આ મસઅલો એક પાયાનો અને મૂળભૂત રીતે ગહન છે. એટલે મહદીની ક્રાન્તિ વિશ્વસનીય અને યકીની રીતે જાહેર થશે આ ક્રાંતિમાં બધા પયગમ્બરો, રસુલો અને રહેબરોની યાદ તાજી થશે, પયગમ્બરો અને રસૂલોના ધ્યેય સંપૂર્ણ થશે. અને નબળા લોકોનો વર્ગ તેના હક્કોથી વંચિત નહિ રહે.’

ઉસ્તાદ આયતુલ્લાહ મકારેમ શીરાઝીએ તો આ મસઅલાને વધુ સ્પષ્ટ કરી દીધો છે. આપ ફરમાવે છે.

‘શકય છે કે લોકોના મનમાં એ કલ્પના થાય કે હુકુમતનો કયામ (બુનિયાદ) મોઅજીઝાના સિલસિલા ઉપર આધારીત હશે, આ એક ગેરસમજ છે. એ માટે કે તમામ પયગમ્બરો અને ઈમામોના જીવન એ વાત તરફ નિર્દેશ કરતા હતા કે તે પવિત્ર હસ્તીઓના મીશનની આગેકુચ અને સફળતાનો આધાર પોત પોતાના ઝમાનાની રીત રસમો અને માધ્યમો અને પ્રચલિતતા અને ચલણ ઉપર હતો. અને જ્યાં સુધી મોઅજીઝાનો સંબંધ છે તેની હયસીયત અપવાદરૂપ રહી છે એટલે ફકત નબુવ્વત અને ઈમામતની સાબિતી માટે.’ ઉસ્તાદ શીરાઝીના બયાનથી લાભ મેળવીને આ તાત્પર્ય મેળવી શકાય છે: એક મીસરો છે: ‘દેતે હૈ યા વોહ ઝર્ફ કદહ ખ્વાર દેખ કર.’ એટલે કે તે પીનારની કક્ષા જોઈને તે આપે છે. બીજા શબ્દોમાં એમ કહી શકાય કે જેમ જેમ માનવ બુધ્ધિ સમજદારી, વિચારશકિત અને હોશીયારી જેટલી વધુ વિશાળ બનતી જાય છે તેમ તેમ આ દુનિયાની ક્રાંતિની ઘડી નજદીક આવતી જાય છે, જેની પ્રતિક્ષામાં સમગ્ર દુનિયા છે. ઉસ્તાદ મુરતુઝા મુતહહરી આ બાબત અંગે એક ઉદાહરણ આપીને સમજાવે છે. ઝુહુર એક મીઠા ફળ જેવું છે. જેમ જેમ દુ:ખ અને મુસીબતોના સખત તાપમાં માનવીની બુધ્ધિ અને ક્ષમતાનો પ્રકાશ વધતો જશે તેમ તેમ ફળમાં મીઠાશ વધતી જશે. જ્યારે આ ફળ પુરેપુરૂ પાકી જશે તો આખી દુનિયા તેનો લાભ અને ફાયદો મેળવશે. ઈમામ જઅફર સાદિક (અ.સ.) ઈરશાદ ફરમાવે છે:

ઈલ્મ 27 અક્ષરોમાં વહેંચાએલુ છે. તેમાંથી જે કાંઈ ઈલ્મ અલ્લાહના વિદ્વાન પયગમ્બરો દુનિયા માટે લાવે છે તે માત્ર બે અક્ષરોથી વધુ નથી. માનવી તે બે અક્ષરો મારફતે આગળ વધે છે. બે અક્ષરો સિવાય તે બીજું કંઈ નથી જાણતો. પરંતુ જ્યારે મારા કાએમ કયામ કરશે ત્યારે તે બાકીના પચ્ચીસ અક્ષરોને ફેલાવશે. આગળના બે અક્ષરોને અનુસંધાન ગણવામાં આવશે. જેથી 27 અક્ષરોનું ઈલ્મ પૂરી રીતે જાહેર થઈ જાય.

અહીં એક સવાલ એ ઉભો થાય ચે અને તે દુન્યવી વિચારના કારણે છે કે જ્યારે લાખો અને કરોડો વ્યકિતઓ જે દુનિયાની હુકુમતના પ્રારંભ પહેલા અસ્તિત્વમાં હશે, તેમના વિચારો અને સમજશકિતમાં શું અચાનક આશ્ર્ચર્યજનક પરિવર્તન અને ફેરફારો આવશે જેથી તે આ ક્રાંતિમય પ્રારંભના વાતાવરણમાં શ્વાસ લેવાની તૌફીક મેળવી શકે? હદીસો અને કુરઆનના પ્રકાશમાં તો કંઈક આવીજ ઝલક જોવા મળે છે.

ઈમામ જઅફર સાદિક (અ.સ.) ફરમાવે છે:

જ્યારે અમારા કાએમ કયામ કરશે, ખુદાવંદે આલમ તેમનો હાથ હક-પરસ્તોના માથા ઉપર ફેરવશે જેથી તેઓની અક્કલ એક સરખી થઈ જશે અને વિચારો સંપૂર્ણ થઈ જશે. આથી સ્પષ્ટ જાહેર થાય છે કે મહદીએ મવઉદી (અ.સ.)ની જગતની ક્રાંતિના સમયકાળમાં તે ખુશનસીબ ઈન્સાનો જેઓને જીવન જીવવાની તક મળશે તેઓને હઝરત બકીયતુલ્લાહની મહેરબાનીઓ અને માર્ગદર્શનના કારણે તેઓની બુધ્ધિ, સમજદારી અને વિચારશકિત એટલી વિશાળ બની જસે કે તે ઈન્સાનો ખુદ તેમના સમાજી જીવન જીવવાને લાયક બનાવી દેશે. પરંતુ તેની સાથે સાથે એ પણ ભુલવું ન જોઈએ કે ક્રાંતિના પ્રારંભ પહેલાના હયાત લોકો ખુદાના હુજ્જત અને ખલીફા, ઈલ્મના આગેવાન અને ‘નઝરતુલ અયામ’ની મોહબ્બતમાં ભરપૂર નૂરના ઝુહુરની દોઆઓ માગતા હશે, જાનનિસાર કરવાની અને કુરબાનીની લાગણીઓ સાથે આશા માંડીને ચાલી રહ્યા હશે અને એ દુનિયાની ક્રાંતિના કયામમાં તેઓના પણ પ્રયત્નો અને કોશિશો તેમાં સમાએલા હશે અને તેમને તેમના ભૂતકાળના લોકો (વહી ગએલા ઝમાનાના લોકો) આવનારા સમય માટે માળખુ તૈયાર કરવા તેમના માટે ભરપૂર પ્રયત્નો કર્યા હશે અને વર્ષોની તકલીફોને સહન કરી છે તે શું બેકાર જશે? એવું નથી, બલ્કે કદાચ આજ કારણ છે કે અલ્લાહનો વાયદો છે જ્યારે મહદીએ મવઉદનો ઝુહુર થશે તો રજઅત થશે. આપના ચાહનારાઓને તેમની કબરોમાંથી કાઢવામાં આવશે. તે લોકો પોતાની આંખોથી જોશે કે હ. હુજ્જત ઈબ્નલ હસન અસ્કરી (અ.સ.)ની હુકુમતના દિવસ અને રાત કેટલા બરકતવાળા પૂરનૂર અને દરેક રીતે ન્યાયથી ભરેલા હશે.

Have your say!

Add your comment below, or trackback from your own site. You can also subscribe to these comments via RSS.

Be nice. Keep it clean. Stay on topic. No spam.