Home » અલ-મુન્તઝર માહે શાબાન » ૧૪૧૮ » અલ-મુન્તઝર માહે શાબાન

ઈમામે ઝમાના (અજ.) ની ઈનાયતો

Print Friendly

ઈમામ (અ.સ.)ની મુલાકાતના પ્રસંગો અસંખ્ય છે. આ લેખમાં અમે તે મુલાકાતોની ચર્ચા કરીશું, જેમાં ઈમામ (અ.સ.)ની બરકતોની વાતો છે કે જે ઈમામ (અ.સ.)એ આલીમો અને મુજતહેદોને અર્પણ કરી છે.

(1) જનાબે મુકદ્દસે અર્દેબેલી અલયહિર્રરહમા:

મુકદ્દસે અર્દેબેલી (અ.ર.) (વફાત 993 હી.) એક ઘણા બુઝુર્ગ મરતબાવાળા શીઆ આલીમ હતા. મશ્હુર છે કે જ્યારે કોઈ મુશ્કેલ મસઅલો તેમને રજુ થતો હતો અને તેનો ઉકેલ કોઈ લાવવામાં લાચાર થઈ જતા હતા, ત્યારે હ. અલી (અ.સ.)ની પવિત્ર ઝરીહ પર પહોંચી જતા હતા. હઝરતની ખીદમતમાં મસાએલ રજૂ કરતા હતા અને હઝરત તે મસઅલાઓનો જવાબ આપતા હતા.

અલ્લામા અર્દબેલીના શાગીર્દો પૈકી એક ખાસ શાર્ગીદ જે તેમના સમયમાં અભ્યાસ કરતા હતા અને બુઝુર્ગ ઉસ્તાદના જીવનની અસરો પણ જાણતા હતા, બયાન કરે છે. એક રાત્રે, આશરે અડધી રાતથી વધુ સમય પસાર થઈ ચૂકયો હતો અને ચિંતન કરીને થાકી ગયો હતો. હઝરત અમીરૂલ મોઅમેનીનના પવિત્ર હરમમાં આંટા મારી રહ્યો હતો. તે નૂરાની વાતાવરણમાં અચાનક એક વ્યકિત દેખાણી, જે હરમ તરફ આવી રહી હતી, જો કે હરમે મુબારકના બધા દરવાજાઓ બંધ હતા. વાતચીત કરવાના ઈરાદાથી મે તેમનો પીછો કર્યો. મે જોયું કે તે જ્યારે તે હરમના દરવાજાની નજદીક પહોંચ્યા તો તેનું તાળુ આપમેળે ખુલી ગયું અને હરમનો દરવાજો પણ ખુલી ગયો. તે દરવાજા ઉપર હાથ રાખતો હતો તે ખુલી જતું હતું. ત્યાં સુધી કે સંપૂર્ણ તેજસ્વિતા સાથે આવ્યો અને હઝરત અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ના પવિત્ર હરમની પાસે આવીને ઉભો રહ્યો અને સલામ કરી. તેને સલામનો જવાબ મળ્યો. પછી વાતચીત શરૂ કરી દીધી. હજુ વાતચીત પૂરી થઈ ન હતી કે તે શખ્સ નીકળ્યો અને મસ્જીદે કુફાની તરફ રવાના થયો. હું પણ તે રહસ્ય જાણવા માટે તેની પાછળ ચાલ્યો. તે મસ્જીદના મહેરાબમાં દાખલ થયો અને કોઈકની સાથે વાતચીત કરવા લાગ્યો. જ્યારે તેની વાતચીત પૂરી થઈ ત્યારે મસ્જીદની બહાર નીકળ્યો અને શહેર તરફ પાછો ફર્યો. જ્યારે નજફે અશરફની નજદીક પહોંચ્યો ત્યારે સુબ્હ સાદિક થઈ હતી. અચાનક મને છીંક આવી મે બહુ કોશીશ કરી કે રોકી લઉં પરંતુ રોકી શકયો નહિ. તે શખ્સે મારી તરફ જોયું અને પાછો ફર્યો, જ્યારે મે તેના ચહેરાને ધ્યાનથી જોયો તો મારા ઉસ્તાદે મોહતરમ આયતુલ્લાહ મુકદ્દસે અર્દેબેલી હતા.

આદાબ અને સલામ પછી તેમની ખીદમતમાં અરજ કરી:

જે સમયે આપ પવિત્ર હરમમાં દાખલ થયા હું તે સમયથી આપની સાથે સાથે છું. મહેરબાની કરીને કહો કે પવિત્ર હરમમાં અને મસ્જીદે કુફાના મહેરાબમાં કોની સાથે વાતચીત કરતા હતા. મુકદ્દસ અર્દબેલી (અ.ર.) એ સૌથી પહેલા મારી પાસેથી વચન લીધું કે જ્યાં સુધી તેઓ જીવતા છે ત્યાં સુધી હું આ રહસ્યની વાત કોઈને નહિ કરૂ. તે પછી ફરમાવ્યું: કયારેક મસાએલનો ઉકેલ શોધવો મારા માટે મુશ્કેલ બની જાય છે. કારણકે તેનો ઉકેલ શોધવામાં લાચાર બની જાઉં છું, તેથી મુશ્કેલીઓને હલ કરવાવાળા હઝરત અલી બીન અબી તાલીબ (અ.સ.)ની બારગાહમાં હાજરૂર થઈ તે મસાએલનો જવાબ મેળવું છું ગઈ રાત્રે અમીરૂલ મોઅમેનીન (અ.સ.) એ હઝરત સાહેબુઝ-ઝમાન (અ.સ.) તરફ માર્ગદર્શન આપ્યું અને કહ્યું: મારો પુત્ર મહદી (અ.સ.) મસ્જીદે કુફામાં બિરાજમાન છે. તે તમારા ઝમાનાના ઈમામ છે. તેની પાસે જાવ અને તમારા મસાએલનો જવાબ મેળવો.’ હું તેમના ફરમાન મુજબ મસ્જીદે કુફામાં દાખલ થયો. તે સમયે હઝરત સાહેબુલ અમ્ર (અ.સ.) મહેરાબમાં ઉભા હતા. મારા મૌલાની ખીદમતમાં મે મારી મુશ્કેલીઓ રજુ જરૂરી અને તેના જવાબો પૂછયા.

(અલ અન્વારૂલ નોઅમાનીયા, ભાગ-2, પાનુ 303)

(2) શયખ મુરતુઝા અન્સારી (રહ.)

આયતુલ્લાહુલ ઉઝમા હાજ શયખ મોહમ્મદ હસન સાહેબ જવાહર (ર.અ.)ની વફાત પછી લોકોએ શયખ મુર્તુઝા અન્સારી (રીઝવાનુલ્લાહ તઆલા અલય્હે)ને મરજએ તકલીદ નક્કી કર્યા અને તેમના અમલીયાનો રીસાલો, તવઝીહુલ મસાએલ, માંગી. શૈખ અન્સારીએ ફરમાવ્યું: સય્યદુલ ઓલમા માઝન્દરાનીની હાજરૂરીમાં મારી પાસે તવઝીહુલ મસાએલ નથી. તે મારાથી ‘અઅલમ’ (વધુ જ્ઞાની) છે અને બાબીલમાં રહે છે. હું મરજીઅત સ્વિકારીશ નહિ.

શયખ અન્સારીએ સય્યદુલ ઓલમાને બાબીલ એક પત્ર લખ્યો, તેમાં વિનંતી કરી કે આપ નજફે અશરફ તશરીફ લાવે અને શીઆઓના હવ્ઝે ઈલ્મીયાની આગેવાની સ્વિકારે. સય્યદુલ ઓલમાએ શયખ અન્સારીને પત્રનો જવાબ આપ્યો. એ સાચું છે કે જ્યારે હું નજફે અશરફમાં હતો ત્યારે આપની સાથે મુબાહેસા (ચર્ચા) કરતો હતો, ફીકાહમાં આપથી વધુ જ્ઞાન ધરાવતો હતો. પરંતુ હવે લાંબા સમયથી બાબીલમાં રહું છું. દર્સ અને દર્સ આપવાનો (દર્સો-તદરીસનો) સિલસિલો નથી રહ્યો. ચચર્ઓિની બેઠકો છોડી ચૂકયો છું. આ કારણથી હવે હું ખુદ આપને ‘અઅલમ’ ગણું છું. તેથી મરજેઅત આપ ખુદ કબુલ ફરમાવો. શયખ અન્સારીએ તેમ છતાં કહ્યું કે હું ખુદ પોતાને આ સ્થાન અને મન્સબને લાયક નથી ગણતો. જો મારા મૌલા અને આકા હઝરત વલી અસ્ર (અજ.) મને ઈજતેહાદની પરવાનગી ઈનાયત ફરમાવે અને મારી આ સ્થાન અને મનસબ માટે નિમણુંક કરે, તો હું સ્વિકાર કરીશ.

એક દિવસ શયખ અન્સારી શિક્ષણ આપવા માટે બેઠા હતા અને તેમના વિધ્યાર્થીઓ પણ તેમની આજુબાજુ બેઠા હતા. એક વ્યકિત દાખલ થયા. તેમની મહાનતા અને દિવ્યતાની અસરો જોવા મળી. શયખ અન્સારીએ તેમને સન્માન પૂર્વક આવકાર આપ્યો. તે શખ્સે વિધ્યાર્થીઓની હાજરીમાં શૈખ અન્સારી તરફ જોઈને પૂછયું:

એક સ્ત્રી કે જેનો પતિ મસ્ખ (મનુષ્ય સ્વરૂપ બદલાવું) થઈ ગયો હોય તેના બારામાં આપનો શું મત છે? (આ મસઅલો કોઈ કિતાબમાં પણ દશર્વિવામાં નથી આવ્યો કારણકે આ ઉમ્મતમાં મસ્ખનું અસ્તિત્વ નથી.)

આ વાત ઉપર શયખ અન્સારીએ કહ્યું: ફીકાહની કિતાબોમાં આ મસઅલો લખવામાં જ નથી આવ્યો તેથી હું જવાબ દેવા માટે સમર્થ નથી. તે શખ્સે પુછયું: હવે આપ ધારી લો કે આ ઉમ્મતમાં એક એવો પ્રસંગ પ્રકાશમાં આવ્યો છે કે એક સ્ત્રીનો પતિ મશ્ક થઈ ગયો છે તે સ્ત્રી શું કરે? શયખ અન્સારીએ કહ્યું: મારા મત (ફતવા) મુજબ જો પુરૂષ પ્રાણીના સ્વરૂપમાં બદલાયો ચે તો સ્ત્રી માટે જરૂરી છે કે તે તલાકનો ઈદ્દો પાળે અને એ મુદ્દત પછી નિકાહ કરી શકે છે. કેમકે તે પુરૂષ જીવિત છે અને તેને રૂહ પણ છે. પરંતુ જો તે પુરૂષ વનસ્પતિના સ્વરૂપમાં બદલાયો છે, તો તેની પત્નિ ઈદ્દો પસાર કરે કારણકે તેના પતિએ મુરદાનું સ્વરૂપ અખત્યાર કર્યું છે એટલે એ મુદ્દત પછી અકદ કરી શકે છે.

તે શખ્સે ત્રણ વખત કહ્યું: અન્તલ મુજતહેદો, અન્તલ મુજતહેદો, અન્તલ મુજતહેદો. એટલે કે તમે મુજતહેદ છો.

ત્યાર પછી તે શખ્સ શિક્ષણની બેઠકમાંથી બહાર ચાલ્યા ગયા. શયખ અન્સારી જાણતા હતા કે તે હઝરત ઈમામ વલીયુલ અસ્ર (અજ.) હતા અને તેમણે ઈજતેહાદની પરવાનગી આપી છે તેથી તુરતજ પોતાના વિધ્યાર્થીઓને કહ્યું કે તે શખ્સની તપાસ કરો. વિધ્યાર્થીઓ તરતજ ઉભા થયા. અહિં તહીં દોડતા રહ્યા. પરંતુ કોઈએ પણ ન જોયા. તે પછી શયખ અન્સારી એ વાત ઉપર તૈયાર થયા કે લોકોને તવઝીહુલ મસાએલ રજૂ કરે, જેથી લોકો તેમની તકલીદ કરે.

(ગન્જીનએ દાનીશમન્દાન ભાગ-8, કિતાબમાંથી ઉતારો)

(3) અલ્લામા હિલ્લી (રીઝ.)

અલ્લામા હીલ્લી રીઝવાનુલ્લાહ તઆલા અલયહના ઝમાનામાં અહલે સુન્નતમાંથી એક વિરોધીએ મઝહબે શીઆના વિરોધમાં એક પુસ્તક લખ્યું હતું. તે આમ અને ખાસ મજલીસોમાં તેનાથી લાભ ઉઠાવતો હતો. ઘણા લોકોને મઝહબે ઈમામીયાથી બદઝન કર્યા ગેરસમજ ફેલાવી અને ગેરમાર્ગે દોયર્.િ તે પુસ્તક પણ કોઈને નહોતો આપતો, જેથી શીઆ આલીમોના હાથમાં આવી જાય અને તેઓ તેનો જવાબ લખે અને વિરોધ કરે.

અલ્લામા હીલ્લી, ઈલ્મની ઉચ્ચ કક્ષા ધરાવતા છતાં તે પુસ્તકને મેળવવા માટે તે લખનારના દર્સમાં (વર્ગમાં) જતા હતા. પોતાના જાહેર વ્યકિતત્વને છુપાવીને પોતાને ખુદને તેનો વિધ્યાર્થી કહેતા હતા. થોડા સમય પછી ઉસ્તાદ અને શાર્ગીદની વચ્ચે સંબંધો વધુ ગાઢ બન્યા. તે મારફતે પુસ્તક મેળવવાની કોશીશ કરી અને કંઈક એવું બન્યું કે ઉસ્તાદ માટે ઈન્કાર કરવો અશકય બની ગયો. તેથી તેણે કહ્યું ‘મે નઝર (માનતા) કરી છે કે માત્ર એક રાત સિવાય કોઈને પુસ્તક નહિ આપું.’ અલ્લામાએ મજબુર થઈને તેની વાતનો સ્વિકાર કરી લીધો અને તે એક રાતને પણ ગનીમત ગણી. અલ્લામા તે રાત્રે ખુબ આનંદમાં હતા અને તે પુસ્તકને લખવા માટે બેતાબ હતા. અલ્લામાના ધ્યાનમાં એ હતું કે જે રીતે પણ શકય હશે તે પુસ્તકની નોંધ કરી લઈશ અને ફુરસતના સમયે તેનો જવાબ લખીશ. પરંતુ જ્યારે અડધી રાતનો સમય થયો તો અલ્લામાને ઉંઘ આવી ગઈ. અને તેજ સમયે એક જલીલુલ કદ્ર (દિવ્યતાભર્યા) મહેમાન રૂમમાં દાખલ થયા અને અલ્લામા સાથે વાતચીત કરતા રહ્યા. વાતચીત પછી કહ્યું ‘અલ્લામા! આપ સુઈ જાવ અને લખવાનું કામ મારા હવાલે કરી દો.’ અલ્લામાએ ચૂં ચા કર્યા વગર તેમના ફરમાનને અનુસયર્િ અને ગાઢ નિંદ્રામાં પોઢી ગયા. અલ્લામા જ્યારે જાગૃત થયા તો તે ભરપૂર ભવ્યતા વાળા જલીલુલ કદ્ર મહેમાન હાજરૂર ન હતા. પુસ્તક ઉઠાવીને જુએ છે તો આખી કિતાબ લખેલી છે અને અંતમાં તે લખાણને દસ્તખતના રૂપમાં જુએ છે.

હુજ્જતે ખુદા તેનો નિગેહબાન

(મજાલીસુલ મોઅમેનીન, ભાગ-1, પા. 573, કાઝી નુરૂલ્લાહ શુસ્તરી)

Have your say!

Add your comment below, or trackback from your own site. You can also subscribe to these comments via RSS.

Be nice. Keep it clean. Stay on topic. No spam.