Home » અલ-મુન્તઝર માહે શાબાન » ૧૪૧૮ » અલ-મુન્તઝર માહે શાબાન

ગયબતમાં ઈમામ અ.સ.ના અસ્તિત્વના ફાયદા

Print Friendly

જ્યારે હઝરત ઈમામ મહદી અ.સ.ની ગયબતની ચર્ચા થાય છે ત્યારે સામાન્ય રીતે દિલમાં સવાલ ઉભો થાય છે કે ‘જ્યારે ઈમામ અ.સ. ગયબતના પરદામાં છે અને આપણે તેમના સુધી પહોંચી નથી શકતા તેમની મુલાકાતનું માન મેળવી નથી શકતા… તો આ પરિસ્થિતિમાં ઈમામ (અ.સ.)ના અસ્તિત્વનો લાભ શું?

ગયબતના કયા ફાયદા?

આ સવાલનો પાયો એ છે કે દરેક વ્યકિત પોતાની જાત અને પોતાના ફાયદાને માપદંડ બનાવીને દરેક વસ્તુના લાભને માપે છે. એટલે જો કોઈ વસ્તુ તેના માટે ફાયદાકારક છે તો તેના અસ્તિત્વનો લાભ છે, નહી તો નથી. આપણું દિલ ચાહે તે રીતે ઈમામ (અ.સ.)ના મુબારક અસ્તિત્વનો લાભ નથી મળી રહ્યો તે કારણથી આ વિચાર આપણને આવે છે. જો કે આ સવાલ ખુદ પોતાના સ્થાને ખુબજ અગત્યનો છે. જો આપણે ઈમામ (અ.સ.)ના અસ્તિત્વથી ફાયદો નથી ઉઠાવી રહ્યા તેમાં લાપરવાહી કોની છે? કયાંક એવું તો નથીને કે આપણી લાપરવાહી અને કદર ન કરવાને કારણે લાભ મળવાનો દરવાજો સીધે સીધો આપણા હાથથી બંધ કરી દીધો હોય??

ફાયદાઓનો માપદંડ

આ સવાલોના જવાબ રજુ કરતા પહેલા પ્રસ્તાવના રૂપે આ નિવેદન કરીએ છીએ:

એ જરૂરી નથી કે ખુદાવંદે આલમ માત્ર એજ વસ્તુઓને અસ્તિત્વ અતા કરે જે બીજા માટે ફાયદાકારક હોય. બલ્કે તે વસ્તુનું ખુદ (પોતે) વુજુદ (અસ્તિત્વ)માં આવવુંજ તેના વુજુદ માટે કાફી છે, પૂરતું છે. જો આપણે દરેક વસ્તુના મૌજુદ હોવા માટે તેના ખુદના માટે ફાયદાકારક હોવાનું ગણીએ તો બીજી વસ્તુઓ તેમની પોતાની ઝબાનથી એ પ્રશ્ન કરી શકે છે કે ઈન્સાન ખુદ તેઓના માટે કેવી રીતે ફાયદાકારક છે, કારણકે માનવી દુનિયાની દરેક વસ્તુ માટે ફાયદામંદ નથી. તેથી માનવીનું વજુદ ન હોવું જોઈએ?!

અંબિયા (અ.સ.) તશરીફ લાવ્યા, તબ્લીગ કરી અને દુનિયાથી રૂખ્સત કરી ગયા. આપણને તેમનાથી શું ફાયદો? છેવટે એમ કેમ નથી વિચારતા કે આપણા વજુદની અંબિયા (અ.સ.)ને શું ફાયદો? ખુદાવંદે આલમે અંબિયા (અ.સ.)ને આપણા ખાતર નથી નિમ્યા, પરંતુ તેની હુજ્જત તમામ કરવા માટે, રિસાલતની તબ્લીગ અને તે માર્ગમાં અસિમ ઝહેમતો સહન કરવાથી ઉચ્ચતર દરજ્જાઓ આપવા માટે નિમણુંક કરી. કદાચ આ જ કારણથી જ્યારે પણ લોકોએ રિસાલતનો બદલો અદા કરવાની ઈચ્છા જાહેર કરી તો અંબિયા (અ.સ.)એ એકી અવાજે કહ્યું, ‘હું તમારા લોકો પાસેથી કોઈપણ પ્રકારનો બદલો નથી માગતો, મારો બદલો માત્ર અલ્લાહની પાસે છે.’ કદાચ આજ કારણથી આ મહાનુભાવો કયારેય લોકોની પ્રસંશા કે વખાણની પ્રતિક્ષામાં નથી રહ્યા. ન તો કયારેય લોકોના કદર ન કરવાથી નારાજ થયા છે.

જ્યારે આ બાબત સ્પષ્ટ થઈ કે અંબીયા (અ.સ.) આપણા માટે પૈદા કરવામાં નહોતા આવ્યા એટલેકે કોઈના અસ્તિત્વના ફાયદાનું માપદંડ આપણે નથી. જ્યારે માપદંડ જ નથી તો હવે આ સવાલજ ઉભો નથી થતો કે ગયબતમાં ઈમામ (અ.સ.)ના વજુદનો આપણને શું ફાયદો મળી શકશે?

સૃષ્ટિનું ટકી રહેવું

હા, એ વાત રજુ કરી શકાય કે આપણા ફાયદાઓને બાજુ પર રાખી ખુદ ઈમામ (અ.સ.)નું અસ્તિત્વ કેવી અસરો અને લાભ ઉભા કરે છે.

અહીં એ જાણી લેવું જરૂરી છે કે દરેક વસ્તુનો ફાયદો ખુદ તેની લાયકાત ઉપર છે. એક સામાન્ય માનવી અને એક મહાન બાદશાહના ફાયદામાં ફરક છે.

અસ્તિત્વની વિશાળતા

અંબિયા અને અઈમ્મા (અ.સ.) પૃથ્વી ઉપર ખુદાની હુજ્જત છે. જેના કારણે પૃથ્વીનું અસ્તિત્વ ટકી રહ્યું છે. આ સમયે હ. ઈમામ ઝમાના (અ.સ.) ખુદાની હુજ્જત છે. એટલે તે આ જગતની ધરી અને કેન્દ્ર છે. આ કારણથી આ જગત ટકી રહ્યું છે. ઈમામ દુનિયાના ઈમામ છે તેથી દુનિયાનું કોઈ કણ એવું નથી જે ઈમામના અસ્તિત્વથી અજ્ઞાત હોય. હ. ઈમામ જઅફર સાદિક (અ.સ.)ની રિવાયત છે: ‘લવ બકેયતીલ અર્ઝો બે ગયરે ઈમામીન લસાખત’ ‘જો પૃથ્વી ઈમામ વગરની થઈ જાય તો ધસી પડે.’ (કાફી 179/1) એક બીજી રિવાયતમાં છે: ‘અલહુજ્જતો કબ્લલ ખલ્ક વ મઅલ ખલ્ક વ બઅદલ ખલ્ક’, ‘હુજ્જત સર્જનોની પહેલા, સર્જનોની સાથે અને સર્જનોની પછી.’ (કાફી 177/1) દોઆએ અદીલાનું આ વાકય કેટલું અર્થપૂર્ણ છે: ‘અલ્લઝી બેબકાઅહ લકીયતીદ દુનિયા વ બે યોમીનેહી રોઝેકલ વરા વ બે વોજુદેહી સબ્બતીલ અર્ઝો વસ્સમાઅ’ ઈમામ અ.સ.નું એક વ્યકિતત્વ છે જેના અસ્તિત્વના કારણે આ દુનિયા બાકી છે. જેની બરકતથી કાએનાતને રોજી મળે છે. અને જેના અસ્તિત્વના કારણે જમીન અને આસમાનનું વજુદ સંપૂર્ણ છે.’

(મફાતીહુલ જીનાન, દોઆ અદીલા, પા. 85)

જો જમીન કાયમ છે તો ઈમામના લીધે અને આસમાન બાકી છે તો ઈમામના સદકામાં. જો આપણે જીવંત છીએ તો ઈમામની બીના ઉપર. આપણને રોજી મળી રહી છે તો ઈમામની બરકતોથી. દુનિયામાં જે કંઈ પણ જીવનની તાજગી છે તે બધી ઈમામે અસ્ર (અ.સ.)ના કદમોના સદકામાં. આ બધા લાભો ઈમામ (અ.સ.)નું અસ્તિત્વ હોવાને લીધે છે. જેનું કેન્દ્ર ઈમામ (અ.સ.)નું વજુદ છે. ઝુહુર અને ગયબત નહીં. ઈમામ (અ.સ.) જાહેર થાય ત્યારે પણ કાએનાતનું કેન્દ્ર છે અને ગયબતમાં હોય તો પણ દુનિયાનું કેન્દ્ર છે ‘બેકુમ ફતહલ્લાહો વ બેકુમ યખ્તેમો વબેકુમ યોનઝઝેલુલ ગયસો વ બેકુમ યમસેકુસ્સમાઓ ઈન તકઅ અલલ અર્ઝલ બેઈઝનેહી.’ આપના ખાતર ખુદાએ આ દુનિયાની શરૂઆત કરી અને આપના ખાતર તેનો અંત આવશે. આપના હોવાથી જ વરસાદ વરસે છે અને આપનીજ બદૌલત જમીન અને આસમાન ધસી જવાથી રોકાએલા છે. આપની જ મારફત દુ:ખ અને આફત દૂર થાય છે.’

(ઝિયારતે જામીઆ કબરીહ, મફાતીહુલ જીનાન)

અહીં આ વાત કાયદેસર સ્પષ્ટ થઈ ગઈ કે ઈમામ (અ.સ.)ના ગયબતના સમય દરમ્યાન તેમના વજુદના શું શું ફાયદાઓ છે. આ સિવાય ખાસ પ્રકારના લાભોની ચર્ચા હવે પછીના ફકરામાં કરીશું.

હવે સવાલ એ રહ્યો કે ઈમામ (અ.સ.)ની ગયબતના સમયગાળામાં ઈમામ (અ.સ.)ના વજુદથી આપણે કઈ રીતે લાભ ઉઠાવીએ? તો આ પ્રશ્ન કોઈ નવો પ્રશ્ન નથી. પરંતુ આ પ્રશ્ન તો એ સમયથી લોકોના દિલોમાં છે જ્યારથી ગયબતની ચર્ચા શરૂ થઈ.

વાદળોમાં સૂરજ

જ્યારે હ. રસુલે ખુદા (સ.અ.વ.) મે જનાબે જાબીર રઝી. ને આયાત ‘યા અય્યોહલ લઝીન આમનુ અતીઉલ્લાહ વ અતીઉર રસુલ વ ઉલીલ અમ્રે મીનકુમ’ની તફસીર બયાન ફરમાવીને બારમાં ઈમામ (અ.સ.)ની ગયબતના બારામાં કહ્યું: ‘ઝાલેકલ લઝી યગીબો અન શીઅતેહી વ અવલેયાએહી ગયબતન લા યોસબ્બેતો ફીહા અલલ કવ્લે બે એમામતેહીલ અમનીમ તહનલ્લાહો કલ્બહુ બીલઈમાન.’ તે પોતાના શીઆઓ અને દોસ્તોથી એવી ગયબત અખત્યાર કરશે જેમાં તેની ઈમામત ઉપર તેજ વ્યકિત અડગ રહેશે જેના દિલના ઈમાનનું પરીક્ષણ (ઈમ્તેહાન) ખુદાવંદે આલમે કર્યું હશે. (કમજોર દિલ અને કમજોર ઈમાનવાળા તેમની ઈમામત ઉપર અડગ રહેશે નહિ.).’

જ. જાબીર રઝી એ. આપને પુછયું: ‘એ ખુદાના રસુલ (સ.અ.વ.) શું તેમના શીઆઓને તેમની ગયબતમાં તેમનાથી લાભ મળવાની તક મળશે?’

આપે ફરમાવ્યું: ‘હા, કસમ છે તે જાતની, જેણે મને નબુવ્વત ઉપર મબઉસ કર્યો, લોકો તેમના નૂરથી રોશની મેળવશે અને તેમની ગયબતમાં તેમની વિલાયતથી (મોહબ્બતથી) લાભ થશે જેવી રીતે સુરજથી લાભ થાય છે, જ્યારે વાદળ તેને છુપાવી લે છે.’ (કમાલુદ્દીન વ તમામુન નેઅમતે, શેખ સદુક, પા. 253)

આજ પ્રશ્ન સુલયમાન બીન મહેરાન દઅમશે એ હ. ઈમામ જઅફર સાદિક (અ.સ.)ને કર્યો: ‘ફકયફ યન્તફેઉન્નાસો બિલ્હુજ્જતીલ ગાએબીલ મસ્તુર?’ ‘લોકો ગાયબ અને છુપાએલા હુજ્જતનો કેવી રીતે ફાયદો મેળવશે?’ હઝરતે ફરમાવ્યું: કમા યન્તફેઉન બીશ્શમ્સે એઝા અસતરહસ્સહાબો.’ ‘જેવી રીતે લોકો સુરજથી ફાયદો ઉઠાવે છે જ્યારે વાદળ તેને છુપાવી લે છે.’

(કમાલુ્દ્દીન વ તમામુન નેઅમત, પા. 207)

આ રિવાયતને જનાબ શેખ સુલયમાન બીન શય્ખ ઈબ્રાહીમ ક્ન્દુઝીએ પોતાની કિતાબ, ‘યનાબીઉલ મવદ્દહ’ના પાના 477 પર શય્ખ હમુઈની કિતાબ ‘ફરાએદુસ્સીમતય્ન’થી નકલ કરી છે.

અને જ્યારે આજ સવાલ ખુદ હુજ્જત (અ.સ.)ને કરવામાં આવ્યો તો આપે ઈસ્હાક બીન યઅકુબના નામે, બીજા નાયબ જનાબ મોહમ્મદ બીન ઉસ્માન અલ અમરૂવી મારફતે જે સંદેશો મોકલ્યો તેમાં ઈરશાદ ફરમાવ્યું: ‘મારી ગયબતમાં મારાથી ફાયદો મેળવવાનો પ્રકાર તે સૂર્યની જેમ છે જેને વાદળ આંખોથી ઓજલ કરી દે છે.’

(કમાલુદ્દીન વતમામુન નેઅમહ, પા. 485, અલ એહતેજાજ, તબરસી પા. 471)

આ વાત ખાસ વિચારવા જેવી છે કે એકજ સવાલ ત્રણ મઅસુમોને કરવામાં આવ્યો અને દરેકે એકજ જવાબ આપ્યો તેથી સ્પષ્ટ થાય છે કે અઈમ્મએ મઅસુમીન (અ.સ.)ના જ્ઞાનનો સ્ત્રોત એક છે. અને તે છે ખુદાની જાત.

ગયબતમાં ઈમામ (અ.સ.)ને વાદળોમાં છુપાએલા સુરજનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. તે ઉદાહરણમાં કયા કયા અર્થો સમાએલ છે તેને જનાબ અલ્લામા મજલીસી (અ.સ.) એ નીચે પ્રમાણે દર્શાવેલ છે:

(1) અસ્તિત્વ, ઈલ્મ અને હિદાયતનું નૂર હઝરતના વસીલાથી લોકો સુધી પહોંચે છે. કારણકે હદીસોથી વાત બિલ્કુલ સાબિત છે કે આજ હઝરાત કાએનાતના સર્જનનું કારણ અને પરિણામ છે જો આ હઝરાત ન હોત તો કોઈપણ સર્જન અસ્તિત્વમાં આવી શકયુ ન હોત. આ હઝરાતની બરકતોથી અને તેઓના વસીલાથી કાએનાતમાં જ્ઞાન અને સમજ પ્રકાશમાં આવ્યા. જો આ હઝરાત ન હોત તો દુનિયા ઉપર અઝાબ આવી ચૂકયો હોત. જેમકે કુરઆનમાં ઈરશાદ છે: ‘જ્યાં સુધી આપ પયગમ્બર (સ.અ.વ.) આ લોકોની વચ્ચે છો ખુદા તેઓ ઉપર અઝાબ નહિ ઉતારે.’ આપણે વારંવાર એ અનુભવ કર્યો છે કે ગયબતના સમયમાં જ્યારે પણ મુશ્કેલીઓથી ઘેરાઈ ગયા છીએ ત્યારે હઝરતના વસીલાથી બધા માર્ગો સાનુકુળ થઈ ગયા છે.

(2) સૂર્ય વાદળોમાં છુપાએલો રહે છે જો કે લોકો તેના વજુદથી ફાયદો ઉઠાવે છે, તે છતાં હર પળે તેની પ્રતિક્ષા કરે છે કે કયારે વાદળ હટી જાય અને સૂરજ નીકળે જેથી સૂરજનો ભરપૂર ફાયદો ઉઠાવી શકાય. તેવીજ રીતે ગયબતના ઝમાનામાં હઝરતના નિર્મળ હૃદયના શીઆઓ અને સાચા ચાહનારા હર પળ હઝરતના ઝુહુરની પ્રતિક્ષા કરી રહ્યા છે.

(3) ગયબતના સમયમાં આ પ્રકારની નિશાની જોયા પછી પણ જો કોઈ હઝરતના ઝુહુરનો ઈન્કાર કરે તે બિલ્કુલ એવું જ છે જે રીતે વાદળમાં છુપાએલા સુરજના અસ્તિત્વને નકારી કાઢવામાં આવે.

(4) ભરપૂર વાદળોમાંથી સૂરજ કયારેક પ્રકાશિત થાય છે અને બે ચાર વ્યકિતઓ તેના દીદાર કરી લેતા હોય છે તેમ ગયબતના સમયમાં અમૂક ખુશ નસીબ વ્યકિતઓને હઝરતના દીદારનો શરફ નસીબ થયો છે.

(5) જે રીતે સૂરજ દરેકના માટે ફાયદામન્દ છે તેવી રીતે હઝરતના વજુદની બરકતોથી દરેકને ફૈઝ મળી રહ્યો છે જે અંધ છે તે બહુ ફાયદો નથી ઉઠાવી શકતો જેવી રીતે દિલના અંધ છે તે હઝરતની ઈનાયતોથી લાભ નથી મેળવી શકતા.

(6) સૂરજના કિરણો ઘરમાં એટલા જ પ્રમાણમાં આવે છે જેટલા પ્રમાણમાં ઘરમાં વેન્ટીલેશન અને બારીઓ હોય. જેટલી અડચણો દૂર થશે એટલા વધારે કિરણો ઘરમાં દાખલ થશે. તેવીજ રીતે વ્યકિત પોતાના વજુદથી રૂકાવટોને દૂર કરશે, દિલ અને દિમાગની બારીઓને ખોલશે તેટલા વધુ હઝરતના નૂરે હિદાયતથી ફાયદો મેળવશે અને પોતાના અસ્તિત્વને પ્રકાશિત કરશે. માનવી પોતાના વજુદને નફસાની અને હયવાની ઈચ્છાઓથી જેટલા પાક કરશે, દિલને ગુનાહો અને ગફલતોની ગંદગીથી પાકીઝા કરશે, જેટલા વધુ દિલના છિદ્રો ખુલતા જશે તેટલા વધુ ઈમામત અને હિદાયતના નૂરના વજુદથી મુનવ્વર થતો જશે. જો દિલની પવિત્રતા અને નફસની પાકીઝગીનો આ સિલસિલો ચાલુ રહેશે તો એક તબક્કો એવો પણ આવી શકે છે કે માનવી ખુદને સુરજની સામે અનુભવશે અને તેનું સંપૂર્ણ અસ્તિત્વ નૂર જ નૂર હશે.

(મુન્તખબુલ અસ્ર, લુત્ફુલ્લાહ સાફી, પા. 271-272)

(7) આ સિવાય હજુ વધુ બાબતો રજુ થઈ શકે છે, જેમકે સૂર્ય મંડળમાં સૂર્ય ઘટમાળનું કેન્દ્ર છે અને બધા ગ્રહો તેની આસપાસ ફરી રહ્યા છે. તેવીજ રીતે દુનિયાના નિઝામમાં ઈમામની ઝાત કાએનાતનું કેન્દ્ર છે અને સમગ્ર કાએનાત ઈમામનો તવાફ કરી રહી છે. બલ્કે ખુદ સૂરજ આપના ઈશારાનો પાબંદ છે.

(8) આ સૃષ્ટિમાં બ્રહ્માંડમાં ગરમી, શકિત અને નૂરનું અસલી મધ્યબિંદુ સુરજ છે. દરેક વસ્તુએ સુરજ પાસેથી જ નૂર, ગરમી અને શકિત પ્રાપ્ત કરી છે. ચંદ્રમાની ચમક એ ફકત સૂર્યની જવાળાઓના જ પ્રતાપે છે. ચંદ્રમાં પોતે પોતાનામાં કોઈ ખુબી નથી રાખતો. એવી જ રીતે નીઝામે કાએનામાં સૃષ્ટિના વહિવટમાં જ્યાં પણ નૂરે હિદાયત અને અમલ નજરે ચડે છે, એ ફકત ઈમામે આલી મકામ (અજ.)ને લીધે જ છે. બલ્કે સુરજે પોતે પણ પોતાનું નૂર ઈમામ (અ.સ.)થી મેળવ્યું છે. એટલે જ જે દિવસે ઈમામ (અ.સ.) નહી હોય, આ સૂરજ પણ બે નૂર થઈ જશે.

આ સામાન્ય ફાયદાઓ સિવાય, રિવાયતોમાં કેટલાક ખાસ ફાયદાઓનું પણ વર્ણન છે. જો કે એ બધા જ ફાયદાઓ આ સામાન્ય ફાયદાઓમાં શામીલ છે, તે છતાં મઅરેફત, જાણકારી અને ઈમામ (અ.સ.)ની નજદીકી મેળવવા અમૂક ખાસ ફાયદાઓનું વર્ણન કરીએ છીએ.

હિદાયતે અમ્ર: અલ્લાહના હુકમની હિદાયત

ખુદાવંદે આલમે અઈમ્મએ મઅસુમીન (અ.સ.)ને ‘હિદાયતને અમ્ર’થી નવાજ્યા છે. ‘વજઅલ્ના હુમ અઈમ્મતન યહદુના બે અમ્રેના’(સુરએ અંબીયા:72) પરવરદિગારનો નિઝામે અમ્ર તે નિઝામ છે જે દરેક નિઝામ ઉપર પ્રભુત્વ ધરાવે છે.

દુનિયાનો નિઝામ દલીલ અને કારણોથી અસ્તિત્વમાં આવ્યો છે. એક બાળક નવ માસમાં પોતાના અસ્તિત્વના તબક્કાઓ પૂરા કરે છે. પરંતુ જ્યારે ખુદાવંદે આલમ નિઝામે અમ્ર અન્વયે આ કામ પુરૂ કરવા ધારે છે તો મહિનાઓનું અંતર ક્ષણોમાં પુરૂ થઈ જાય છે આ નિઝામે અમ્ર ‘કુન ફયકુન’ની મંઝીલ છે.

ખુદાવંદે આલમે અઈમ્મએ મઅસુમીન (અ.સ.)ને ‘હિદાયતે અમ્ર’ની શકિત આપી છે. તે ક્ષમતા જોઈને માત્ર એક દ્રષ્ટિથી ઈન્સાનનું હૃદય પરિવર્તન કરી દે છે. જે રીતે ઈમામ હસન (અ.સ.) એ શામના માણસને, ઈમામ હુસયન (અ.સ.) એ જનાબ ઝોહૈર કયનને, ઈમામ મોહમ્મદ તકી (અ.સ.) એ શામના ઈબાદત ગુઝારને, હઝરત વલી અસ્ર (અ.સ.) એ હસન અરાકી અને અન્ય લોકોના હૃદય પરિવર્તન કરી દીધા હતા. આ હિદાયતમાં ઈમામનો ઝુહુર અને હાજરી તે શરત નથી. માત્ર ઈન્સાનની લાયકાત અને અલ્લાહની તૌફિક શરત છે. ઈમામ (અ.સ.)ની આ હિદાયતની આજે આપણે લાભ મેળવી શકીએ છીએ શરત માત્ર એટલી છે કે આપણા દિલની દુનિયા ઈમામ (અ.સ.)ના ઉપયોગ માટે અર્પણ કરી દઈએ.

બલાઓથી રક્ષણ:

જુદી જુદી અનેક રિવાયતોમાં એહલેબૈત (અ.સ.)ને દુનિયા માટે અમન અને અમાન (શાંતિ અને સુરક્ષા)નું કારણ દશર્વિવામાં આવ્યા છે. ખુદ હઝરત હુજ્જત (અ.સ.)એ ઈર્શાદ ફરમાવ્યું: ‘નિશંક હું દુનિયાના લોકો માટે એ રીતે અમન અને અમાન છું જે રીતે સિતારાઓ આસમાનવાળા માટે.’

(કમાલુદ્દીન વ તમામુન નેઅમત, પા. 485, અલ એહતેજાજ, પા. 471)

આ સિવાય હઝરત વલી અસ્ર (અ.સ.)એ જનાબ શયખ મુફીદ અ.ર.ને જે મુબારક સંદેશો મોકલ્યો તેમાં લખ્યું: ‘જો કે આ સમયે અમે ઝાલીમોની વસ્તીથી દુર જીવન પસાર કરી રહ્યા છીએ અને એ એટલા માટે કે ખુદાવંદે આલમે અમારા માટે અને અમારા શીઆઓ માટે બેહતર ગણ્યું છે જ્યાં સુધી દુનિયામાં જુઠ્ઠાઓની હુકુમત રહેશે. (આ પ્રકારનું જીવન પસાર કરવામાં મસ્લેહત છે) (આ દૂર હોવાનો અર્થ એ નથી અમે તમારાથી અજ્ઞાત છીએ. તમારા કાર્યો અને ચારિત્ર્યને જાણતા નથી). અમારી જાણકારીએ તમારી બધી ખબરોને ઘેરેલી છે. તમારી કોઈ વાત અમારાથી છુપાએલી નથી. તમને જે રૂસ્વાઈઓ (અપમાનો નાકામી) નસીબ થઈ રહી છે તેની પણ અમને જાણ છે. તેનું કારણ એ છે કે જે બાબતોથી તમામ બુઝુર્ગો દૂર રહેતા હતા (તે ચીજો અપનાવી લીધી છે) અને તમે આપેલા તમારા વચનો અને વાયદાઓને (તમે) પીઠ પાછળ નાખી દીધા છે એમ લાગે છે કે તમે તેનાથી અજાણ જ નથી. (હા, આ બધી બાબતો એક તરફ, તમારી કોતાહીઓ (ક્ષતિઓ) હોવા પછી પણ) અમે તમારા રક્ષણમાં કોતાહી (ઓછાપણુ) નથી કરતા. તેમજ ભુલતા નથી. જો તેમ ન હોત તો તમારા ઉપર સખત મુશ્કેલીઓ અને મુસીબતો પડતે અને દુશ્મન તમારો નાશ કરતે. ખુદાથી ડરો અને જે ફીત્નાઓએ તમને ઘેરી લીધા છે તેનાથી મૂકિત મેળવવા માટે અમારી સાથે મદદ કરો.’

(અલ એહતેજાજ, તબરસી રહ. પા. 497)

આ મુબારક સંદેશના એક એક શબ્દથી એ વાત જાહેર થાય છે કે ઈમામ અસ્ર (અ.સ.) પોતાના શીઆઓનું કેટલું બધું ધ્યાન રાખે છે. કોતાહીઓ (ઉણપતા – ક્ષતિઓ) અને નાફરમાની પછી પણ બધીજ રીતે તેઓનું રક્ષણ કરે છે. ખરેખર જો ઈમામ (અ.સ.)ની મહેરબાનીઓ ન હોત તો આપણે તબાહ અને બરબાદ થઈ ગયા હોત. આપણી હાલત તો એ છે કે આપણે માર્યાદિત અને નાનકડી સંસ્થાઓ અને અન્જુમનોનું રક્ષણ પણ નથી કરી શકતા, તો કેવી રીતે પૂરી કૌમે શીઆ અને મઝહબનું રક્ષણ કરી શકવાના હતા. આવી પરિસ્થિતિઓમાં આપણું, કૌમની હયસીય્યતથી જીવંત રહેવું, આપણી દિની નિશાનીઓનું સુરક્ષિત રહેવું, આ બધુ એ હકીકતની સ્પષ્ટ દલીલ છે કે કોઈ છે જે બલાઓથી આપણું રક્ષણ કરી રહ્યું છે. આ હકીકતના સાક્ષી તે સંખ્યાબંધ પ્રસંગો છે જ્યાં ઈમામ (અ.સ.) એ લોકોની મદદ કરી છે અને બલાઓથી રક્ષણ આપ્યું છે. આના સંદર્ભમાં આ વિષયના પુસ્તકો તરફ રજુ કરી શકાય છે.

આ સિવાય હઝરતના વજુદથી વરસાદ વરસે છે અને લોકોને રોઝી મળે છે. આપણને શફા નસીબ થાય છે. નિ:સંતાનને સંતાન મળે છે. ટૂંકમાં એ કે એ કઈ મુસીબત અને મુશ્કેલીઓની પરંપરા છે જે, ગયબતના ઝમાનામાં હઝરતના વસીલાથી દુર નથી થતી.

વોહ માઈલ-બે-કરમ હય – હમમેં સલીકએ સવાલ નહીં હય.

એ મહેરબાની કરવા તત્પર છે – (એ તો) આપણને સવાલ કરવાની આવડત નથી.

Have your say!

Add your comment below, or trackback from your own site. You can also subscribe to these comments via RSS.

Be nice. Keep it clean. Stay on topic. No spam.