Home » અલ-મુન્તઝર માહે શાબાન » ૧૪૨૯ » કિતાબોનો પરિચય

કિતાબુ અલ-ગયબતે – નોઅમાની (અ.ર.)

Print Friendly, PDF & Email

કિતાબુ અલ-ગયબતે  અથવા આલે મોહમ્મદ (અ.સ.)ના રહસ્યો

ઇલ્મી દુનિયામાં સૌથી વધુ ઉપયોગી વારસો કિતાબુલ ગયબહ છે. આ કિતાબનો વિષય ઇમામત છે. જે આપણા અકીદાના વિષયોનો સૌથી મહત્ત્વનો હિસ્સો છે.

આ કિંમતી ખજાના (કિતાબુલ ગયબહ)નું નામ નિશાન લગભગ ખત્મ થઇ ચૂક્યું હતું પરંતુ તેની પ્રત મૌજુદ હતી. લખાણમાં ભૂલોના કારણે તેને સમજવામાં ગુંચવડાઓ ઉભા થયા હતા. આ ખામીઓ ઉપર આલિમે આમિલ અને મોઅલ્લીમ અને આરાસ્તા મરહુમ મૌલાના રીઝાનવુલ્લાની નજર હતી. તેમણે આશરે ત્રીસ વરસ પહેલા આ ખામીઓને દૂર કરવા અને કિતાબના પ્રકાશન માટે પગલાં લીધા હતા.

લેખકનો ટૂંકો પરિચય :

આ ટૂંકી પ્રસ્તાવના પછી લેખકનો ટૂંકો પરિચય રજુ કરીએ છીએ.

કિતાબનું નામ          :       કિતાબુલ ગયબહ

લેખકનું નામ           :       મોહમ્મદ બીન ઇબ્રાહીમ બીન જઅફર

લેખકની કુન્નિયત        :       અબુ અબ્દુલ્લાહ

લેખકનો લકબ          :       અલ કાતેબુલ નોઅમાની

લેખકની ઓળખ                :       ઇબ્ને અબી ઝયનબ

ચોથી સદી હિજરીના શરૂઆતના શીઆ હદીસકારોની યાદીમાં તેમનું નામ ટોચ ઉપર છે. કુતુબે અરબાઅની યાદીમાં સર્વશ્રેષ્ઠ કિતાબ “અલ કાફી’ના સંપાદક સેકતુલ ઇલ્મ શેખ મોહમ્મદ બીન યઅકુબ બિન ઇસ્હાક કુલયની (ર.અ.)ના શાગીર્દ હતા. તેમની પાસેથી જ તેમણે હદીસની તાલીમ મેળવી અને તેમના ઉસ્તાદ (શેખ કુલયની)ના કાતિબ (લખનારા) બન્યા. એટલાજ માટે આ લકબથી નામના મેળવી.

ગયબતે નોઅમાનીના નામથી મશ્હુર કિતાબે ગયબત ૨૬ પ્રકરણોમાં લખાએલી છે. આ કિતાબના ૩૩૨ પાના છે જે મકતબુલ સદ્દુક, તહેરાન, બાઝાર મસ્જીદે સુલતાનીથી પ્રગટ થઇ છે. પ્રકાશનની તારીખ લખવામાં આવી નથી. પરંતુ સન ૧૩૯૮ હિજરી છે.

પહેલું પ્રકરણ :

આ પ્રકરણમાં ૫૨ રિવાયતો છે જેમાં આલે મોહમ્મદ (અ.સ.)ના રહસ્યોને તે લોકોથી સુરક્ષિત રાખવાની વાત કરી છે જે તેને લાયક નથી. ઉદાહરણ રૂપે “મોઅતઝેલા’ (એક ફીરકો છે) જે અમીરૂલ મોઅમેનીનની શ્રેષ્ઠતા, સદ્ગુણો અને ખૂબીઓને સ્વિકારે છે પરંતુ અપૂર્ણને પૂર્ણતા કરતા ખાસ અગ્રતાવાળુ સમજે છે.

“તે કે જે સત્ય સુધી પહોંચાડી દે તે તેનો વધુ હકદાર છે કે તેની તાબેદારી કરવામાં આવે અથવા તે કે જેને કોઇ બીજો માર્ગ દેખાડે નહિં ત્યાં સુધી તેને કોઇ માર્ગ જડે નહિં? છતાં તેમને શું થઇ ગયું છે, કેવો ન્યાય કરો છો?

(સુરએ યુનુસ : ૩૫)

ઇસ્લામના બીજા ફીરકાવાળા “મોઅતઝેલા’ હોય કે “અશાએરા’ હોય કે પછી બીજા નાસેબી એહલેબૈત (અ.સ.)ના દુશ્મનો હોય, તેઓની આંખો ફૂટેલી છે. તેઓ હક અને બાતિલના ભેદભાવ જાણતા નથી. તેવી જ રીતે શીઆઓમાં પણ એવા લોકો જોવા મળે છે જે આલે મોહમ્મદ (અ.સ.)ના ભેદોને સમજવાની લાયકાત અને શક્તિ ધરાવતા નથી. તેથી આવા લોકોની સામે તે રહસ્યોને ક્યારેય બયાન ન કરવા જોઇએ, નહિં તો તે લોકો ખુદા, રસુલ અને ઇમામોને પણ ખોટા પાડશે.

ઇમામ સાદિક (અ.સ.) ફરમાવે છે :

“અમૂક લોકો મને પોતાના ઇમામ હોવાની કલ્પના કરે છે. ખુદાની કસમ હું તેઓના ઇમામ નથી. ખુદા તેઓના ઉપર લાઅનત કરે કારણકે જે વાતોને હું છુપાવું છું તે તેઓ જાહેર કરી દે છે. હું “આ’ અને “તે’ કહું છું. તે કહે છે કે તેમનો (ઇમામનો) મતલબ યકીનથી ફલાણો માણસ છે અને એજ છે.’

વધુમાં તેઓ ફરમાવે છે.

“હું માત્ર તેઓનો ઇમામ છું જે મારી તાબેદારી કરે છે.’

(હદીસ નં. ૮)

પ્રકરણ બીજું :

“તમે સૌ એક સાથે અલ્લાહની રસ્સી (દોરી)ને મજબુતીથી પકડી રાખો અને આપસમાં ફાટફૂટ ન પાડો.

બીજા પ્રકરણમાં આ આયતની તફસીર છે.

રાવીએ પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ને સવાલ કર્યો:

અય અલ્લાહના રસુલ! મેં સાંભળ્યું છે કે અલ્લાહ અઝઝ વ જલ્લે તેની કિતાબમાં ફરમાવ્યું : “અલ્લાહની રસ્સીને મજબુતીથી પકડી રાખો…’ તો આ રસ્સી શું છે જેની સાથે જોડાએલા રહેવાનું કહેવામાં આવ્યું છે અને કઇ ફાટફૂટથી બચવા માટે કહેવામાં આવ્યું. આપ માથું નીચે નમાવીને થોડીવાર ચૂપ રહ્યા પછી માથું ઉંચું કર્યું અને હાથથી અલી (અ.સ.) તરફ ઇશારો કર્યો અને ફરમાવ્યું :

“આ અલ્લાહની રસ્સી છે. જે તેમને પકડી લેશે તે દુનિયામાં સલામત હશે અને આખરેતમાં  ક્યારેય ગુમરાહ ન થશે. (એટલે કે આખેરતમાં પણ સલામત રહેશે.)’

ત્રીજું પ્રકરણ :

ઇમામત અને ખિલાફતના બારામાં આવેલી રિવાયતોની નોંધ આ પ્રકરણમાં કરવામાં આવી છે. ઇમામતનો હોદ્દો અને પોતાના પછી ઇમામને વારસદાર બનાવવા, આ બંને કામ અલ્લાહના ઇખ્તેયારમાં છે.

ઇમામ સાદિક (અ.સ.) સામે આશરે ૨૦ વ્યક્તિઓ હાજર હતી ત્યારે ઇમામે ફરમાવ્યું :

“કદાચ તમે એવું વિચારતા હશો કે ઇમામત માટે વારસદાર નક્કી કરવા તે અમારા ખાનદાનની કોઇ વ્યક્તિના અખત્યારમાં છે કે જેને ચાહે તેને ઇમામ બનાવી દે. ખુદાની કસમ! (એવું નથી) બલ્કે આ એક કૌલ અને કરાર છે. જે ખુદાની તરફથી રસુલ (સ.અ.વ.) ઉપર ઉતર્યો છે. જેમાં દરેક વ્યક્તિ (ઇમામ)નું નામ ક્રમાનુસાર લખાએલું છે.’

(હ. ૧)

ચોથું પ્રકરણ:

આ પ્રકરણમાં હદીસો લખાએલી છે કે ઇમામ બાર થશે અને તે ખુદાની તરફથી નક્કી થશે.

હઝરત જીબ્રઇલ (અ.સ.)એ પયગમ્બર (સ.અ.વ.)ને અરજ કરી: અય મોહમ્મદ ખુદાએ અઝઝો વ જલ્લે આપને હુકમ આપ્યો છે કે ફાતેમા (સ.અ.)ના લગ્ન અલી (અ.સ.) સાથે કરી દો. પછી આપે ખુદાના હુકમ પર અમલ કર્યો.’

પાંચમું પ્રકરણ :

આ પ્રકરણમાં એવી હદીસોની નોંધ કરવામાં આવી છે જેમાં ઇમામતના મુદ્દાઓ અને જે લોકો એ સાચા ઇમામને છોડીને બીજાને પોતાના ઇમામ બનાવ્યા છે તેઓની ટીકા કરવામાં આવી છે. ઇમામ સાદિક (અ.સ.) ફરમાવે છે:

“ત્રણ પ્રકારના લોકો હશે. જેઓની સાથે ખુદા કયામતના દિવસે વાત નહિં કરે અને ન તો તેઓને પાક ગણશે. તે લોકો માટે દુ:ખ દાયક શિક્ષા નક્કી કરવામાં આવી છે. તે લોકો જે ખુદ પોતાને ખુદાની તરફથી ઇમામતનો હોદ્દો મળ્યો હોવાનો દાવો કરશે. બીજો સમૂહ એ છે કે જે ખુદાની તરફથી નિમણુંક પામેલા ઇમામને નકારી કાઢશે. ત્રીજો સમૂહ એ છે કે જે એવી ધારણા કરે છે કે (ઉપરોક્ત બે સમૂહ માટે) ઇસ્લામમાં કંઇક હિસ્સો છે.’ (અર્થાંત આ બંને સમૂહો થકી ઇસ્લામને કોઇ લાભ થશે.)

(હ. ૩)

છઠ્ઠું પ્રકરણ :

આ પ્રકરણમાં પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ના વારસદારોની સંખ્યાના સિલસિલામાં એ હદીસો છે જે જાણીતા અને મશ્હૂર આલીમોએ તેમની કિતાબોમાં મોટા અસ્હાબોના હવાલાથી નકલ કરી છે. તે હદીસોના લેખકે આ પ્રકરણમાં ઉલ્લેખ કર્યો છે.

મસરૂફ કહે છે કે અમે લોકો ઇબ્ન મસ્ઉદની પાસે હતા. એક માણસે તેમને કહ્યું : શું તમારા પયગમ્બર (સ.અ.વ.)એ જાણ કરી છે કે તેમના પછી તેમના કેટલા વારસદાર હશે? તેમણે કહ્યું : હા, તમારી પહેલા કોઇએ મને આ સવાલ નથી કર્યો. અલબત્ત, તમે વયમાં તેઓના કરતા બધાથી જુવાન છો. મેં આં હઝરત (સ.અ.વ.)ને કહેતા સાંભળ્યા છે.

“મારા પછી મુસા (અ.સ.)ના નોકબાઅની સંખ્યામાં મારા વારસદારો હશે.’

(હદીસ નં. ૧)

આજ રીતે બીજી હદીસમાં છે :

“બાર વ્યક્તિઓ નોકબાએ બની ઇસરાઇલની સંખ્યાની બરાબર હશે.’

(હદીસ નં. ૩)

આવી જ રીતે અનસ બીન માલિક, જાબીર બીન સમરહુસ્સવાઇ, અબુ હોઝયફા, સમરત બીન જુન્દબ અને અબ્દુલ્લાહ બીન ઉમર બીન અલ આસ વિગેરેથી રિવાયતોની નોંધ કરી છે.

સાતમું પ્રકરણ :

જે વ્યક્તિ કોઇ પણ એક ઇમામના બારામાં શંકા કરે અને એજ સ્થિતિમાં રાત પસાર કરી દે અને દિવસ ઉગી જાય અને પોતાના ઇમામને ન ઓળખે તો તેનું મોત અજ્ઞાનતાનું મોત હશે. એવીજ રીતે જે વ્યક્તિ ઇમામનો સ્વિકાર કર્યા વગર દીને ખુદાને કબુલ કરે તો ખુદા તેના આમાલ કબુલ નહિં કરે. ઇમામ બાકિર (અ.સ.) ફરમાવે છે.

“જે કોઇ અલ્લાહની ઇબાદત કરે અને તેમાં પોતે ખૂબજ ઝહેમત ઉઠાવે પરંતુ તે અલ્લાહ તઆલા તરફથી નિમાએલા ઇમામને નથી માનતો તો તેના આમાલ કબુલીય્યતને પાત્ર નથી અને તે ગુમરાહ અને ગુંચવાઇ ગએલો છે.’

(હદીસ નં. ૧)

આ પ્રકરણની હદીસો ઉપર અલ – મુન્તઝરના જુદા જુદા અંકોમાં અને એસોસીએશનના અન્ય પ્રકાશનોમાં ભરપૂર પ્રકાશ પાડવામાં આવ્યો છે. વાંચકો તેનો વધારે અભ્યાસ કરી શકે છે.

આઠમું પ્રકરણ :

દુનિયા ખુદાની હુજ્જતથી ક્યારેય ખાલી નહિં થાય.

નવમું પ્રકરણ :

જો દુનિયાના પટ ઉપર માત્ર બે માણસો બાકી રહી જશે તો તેમાંના એક હુજ્જતે ખુદા હશે. આ પ્રકારની રિવાયતો નવમાં પ્રકરણમાં જોવા મળે છે.

દસમું પ્રકરણ :

બારમાં ઇમામ, ઇમામે મુન્તઝરની ગયબતના સિલસિલામાં અને ગયબતમાં ગુમરાહ કરનારાઓથી સાવચેત રહેવા માટે હઝરત અલી (અ.સ.)ના કથનોની નોંધ કરવામાં આવી છે. આ ખૂબજ વિસ્તૃત પ્રકરણ છે અને તેમાં ઘણા બધા પેટા પ્રકરણો પણ છે. પાના નં. ૧૪૦થી લઇને પાના નં. ૧૯૪ સુધી ૫૪ પાનાઓ ઉપર ગયબતના વિવિધ પાસાઓ ઉપર હદીસોની નોંધ કરવામાં આવી છે. સંશોધક અલી અકબર ગફ્ફારીએ મહાન આલીમોના દ્રષ્ટિકોણોની નોંધ કરીને આ પ્રકરણને ચાર ચાંદ લગાવી દીધા છે.

આપણે માત્ર એક હદીસ ઉપર સંતોષ માનીશું.

“ફરાત બીન અહનફે ઇમામ સાદિક (અ.સ.)થી રિવાયત કરી છે અને આપ (અ.સ.)એ પોતાના પૂર્વજો થકી નોંધ કરી છે કે અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ની ખિલાફતના ઝમાનામાં ફુરાતનું પાણી ચઢી ગયું. તે પછી આપ તથા આપના બંને ફરઝંદો ઇમામ હસન (અ.સ.) અને ઇમામ હુસૈન (અ.સ.) ઘોડા ઉપર સવાર થયા. જ્યારે આપ તાએફાએ સકીફા પાસેથી પસાર થયા ત્યારે તે લોકોએ કહ્યું કે અલી (અ.સ.) આવ્યા છે અને આપણને પાણીના ભયથી રક્ષણ આપશે. પછી અલી (અ.સ.)એ ફરમાવ્યું. “ખુદાની કસમ! હું અને મારા આ બંને પુત્રોને શહીદ કરવામાં આવશે અને એ વાતમાં શંકા નથી કે ખુદા મારી નસ્લમાંથી એક પુત્રને આખર ઝમાનામાં ઉઠાડશે. જે અમારા ખુનનો બદલો લેશે. ખરેખર લોકોની નજરોથી તેઓ એટલા માટે ગાએબ થશે કે ગયબતના ઝમાનામાં ગુમરાહ લોકો તેમને ઓળખી ન લે. ત્યાં સુધી કે જાહીલ અને નાદાન કહેશે, ખુદાને આલે મોહમ્મદની જરૂર નથી.’

(હદીસ નં. ૧)

પાંચમાં પેટા પ્રકરણમાં બીજા મઅસુમોની હદીસોની નોંધ કરવામાં આવી છે. અહિં અમે એક હદીસ ટાંકીએ છીએ. જેમાં સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે હઝરત મહદી (અ.સ.)ની ગયબત ઉપર કેવા લોકોનું ઇમાન હશે?

ઇમામ સાદિક (અ.સ.) ફરમાવે છે:

“જ્યારે કાએમ (અ.સ.) કયામ કરશે ત્યારે લોકો તેમનો ઇન્કાર કરશે. કારણકે તેઓ એક નવયુવાનના સ્વરૂપે તેઓની સામે આવશે. સિવાય તે લોકોના કે જેઓની પાસેથી ખુદાવંદે આલમે રૂહોની દુનિયામાં તેમની પાસેથી કરાર અને વાયદો લીધા છે તેઓ સિવાય કોઇ અડગ નહિં રહે.’

(પેટા પ્રકરણ : ૫, હદીસ નં. : ૪૩)

અગિયારમું પ્રકરણ :

એવી હદીસો જેમાં એહલેબૈત (અ.સ.)ના શીઆઓને ગયબતના ઝમાનામાં ધીરજની સાથે ઝુહુરનો ઇન્તેઝાર કરવાની નસીહત કરવામાં આવી છે.

રાવીએ ઇમામ બાકીર (અ.સ.)ને આ આયત વિષે પુછયું :

“ઇસ્બેરૂ વ સાબેરૂ વ રાબેતુ

તો ઇમામ બાકિર (અ.સ.)એ ફરમાવ્યું : “સબ્ર કરો અલ્લાહની વાજીબાત અદા કરવામાં અને દુશ્મનોના મુકાબલામાં ધીરજ અને સબ્ર વડે કામ લો. અને પોતાના ઇમામના બારામાં હોશિયાર રહો.’ (અર્થાંત, ઇન્તેઝાર થકી તેમની સાથેનો તમારો સંપર્ક ચાલુ રાખો.)

બારમું પ્રકરણ :

ગયબતે કુબરામાં શીઆઓ વચ્ચે મતભેદ અને તેઓની કસોટી અને પરીક્ષા કરવા અંગેની હદીસોની નોંધ કરવામાં આવી છે. નમુના રૂપે એક હદીસ રજુ કરીએ છીએ.

ઇમામ સાદિક (અ.સ.) ફરમાવે છે :

“તે અમ્ર જાહેર નહિં થાય (ઝુહુર નહિં થાય) ત્યાં સુધી કે તમારામાંથી અમુક લોકો અમૂક લોકો ઉપર થૂંકી ન લ્યે અને એક બીજા ઉપર લઅનત ન કરી લ્યે. તેમજ ત્યાં સુધી કે તમારામાંથી અમૂક લોકો એકબીજાને જુઠ્ઠા ન કહી લ્યે.’

તેરમું પ્રકરણ :

આ પ્રકરણમાં ઇમામ મહદી (અ.સ.)ના સદ્ગુણો અને રિતભાતને કુરઆન અને હદીસોના પ્રકાશમાં બયાન કરવામાં આવ્યા છે.

આજ પ્રકરણમાં જનાબ નરજીસ ખાતૂન (સ.અ.)ની ખૂબીઓ પણ દર્શાવવામાં આવી છે. ઇમામે ઝમાના (અ.સ.)ની કાર્ય પદ્ધતિ તેમના ચૂકાદાઓની રીત, એવી નિશાનીઓ જેના થકી ઇમામ (અ.સ.)ને ઓળખવામાં આવશે. તેમનો પહેરવેશ શું હશે? તેમની સાથે રહેવાવાળા સિપાહીઓ અને સવારોની સ્થિતિ કેવી હશે? આ બધા વિષયો ઉપર રિવાયતોની નોંધ કરવામાં આવી છે.

ચૌદમું પ્રકરણ :

ઇમામ મહદી (અ.સ.)ના ઝુહુર પહેલા અમૂક નિશાનીઓ જાહેર થશે અને તે પછી ઇમામ (અ.સ.)નો ઝુહુર થશે.

નોંધ : અહિં માત્ર એક વાત ધ્યાનમાં રાખવી જોઇએ કે આપણે નિશાનીઓનો ઇન્તેઝાર નથી કરી રહ્યા બલ્કે ઇમામ મહદી (અ.સ.)નો ઇન્તેઝાર કરી રહ્યા છીએ. એ પણ યાદ રાખવું જરૂરી છે કે ઇમામે ઝમાના (અ.સ.)નો ઝુહુર કોઇપણ સ્થિતિ અને સંજોગોમાં થઇને રહેશે. તેમાં કોઇપણ પ્રકારની બદાઅ (ફેરફાર) થઇ શકશે નહિં. જે રીતે કયામતનું આવવું નિશ્ર્ચિત છે તેવીજ રીતે ઇમામ મહદી (અ.સ.)નો ઝુહુર થવો પણ નિશ્ર્ચિત છે. અલબત્ત નિશાનીઓમાં બદાઅ (ફેરફાર) થઇ શકે છે. એટલા માટે જ આપણે કોઇપણ નિશાની જાહેર થયા વગર જ ઝુહુરની દોઆ કરીએ છીએ અને હંમેશા ઝુહુરની દોઆ કરતા રહેવી તે એ વાતની દલીલ છે કે હઝરતનો ઝુહુર કોઇપણ સમયે થઇ શકે છે.

પંદરમું પ્રકરણ :

આ રિવાયતોમાં ઝુહુરની પહેલા આવનારી તકલીફો અને મુસીબતોની તરફ ઇશારો કરવામાં આવ્યો છે.

મુફઝઝલ બીન ઉમર કહે છે કે અમે લોકો ઇમામ સાદિક (અ.સ.)ની ખિદમતમાં હતા અને હઝરત કાએમ (અ.સ.)ની ચર્ચા થઇ રહી હતી. મેં કહ્યું કે હું ઉમ્મીદ રાખું છું કે તેમનું કામ (ઝુહુર) સહેલાઇથી પુરૂં થશે. તેથી હઝરત (અ.સ.)એ ફરમાવ્યું

“તે અમ્ર (ઝુહુર) નહિં થાય જ્યાં સુધી કે (સખત મુશ્કેલીઓ એટલી હદે પહોંચી જશે કે તમે જામી ગએલા લોહી અને પસીનાને સાફ કરશો. (એ માર્ગમાં મુસીબતો એટલી વધુ હશે કે જેના કારણે માનવીનું લોહી જામી જશે અને હાડકાઓમાંથી માંસ નીકળી જશે. અર્થાંત, બનાવો સંપૂર્ણ રીતે ઘેરી લેશે.)’

(હદીસ નં. ૩)

સોળમું પ્રકરણ :

આ પ્રકરણમાં ઝુહુરનો સમય નક્કી કરવા બાબત મનાઇ કરવામાં આવેલી હદીસોને રજુ કરવામાં આવી છે. મોહમ્મદ બીન મુસ્લીમ કહે છે. ઇમામ સાદિક (અ.સ.)એ ફરમાવ્યું :

“અય મોહમ્મદ! જે કોઇપણ અમારા તરફથી ઝુહુરનો સમય જાહેર કરે તો તમે તેને ખોટા પાડવામાં જરાપણ ડરશો નહિં. કારણકે અમે કોઇની સાથે (કાએમના (અ.સ.) ઝુહુરનો) સમય નક્કી નથી કર્યો.’

(હદીસ નં. ૩)

સત્તરમું પ્રકરણ :

આ પ્રકરણમાં નાદાન અને જાહીલ લોકોના કરતૂતોથી ઇમામ મહદી (અ.સ.)ના ઝુહુર પછી જે ઇજાઓ પહોંચશે તે હદીસોની નોંધ કરવામાં આવી છે. ઇમામ સાદિક (અ.સ.)એ ફરમાવ્યું :

“જ્યારે અમારા કાએમ (અ.સ.) કયામ કરશે ત્યારે તેમને લોકોની નાદાની અને જેહાલતનો સામનો કરવો પડશે. જે ઇજાઓ પયગમ્બર (સ.અ.વ.)ને અજ્ઞાનતાના ઝમાનામાં પહોંચાડવામાં આવી હતી તેના કરતા આ ઇજાઓ વધુ સખત હશે.’

મેં પુછયું કે આ કેવી રીતે શક્ય છે? આપે ફરમાવ્યું :

“ખરેખર રસુલ (સ.અ.વ.) એવી પરિસ્થિતિમાં લોકોની સામે આવ્યા કે જ્યારે લોકો પથ્થરો, પર્વતો અને લાકડીઓમાંથી કોતરેલી મૂર્તિઓ અને બુતોની પૂજા કરતા હતા. જ્યારે અમારા કાએમ કયામ કરશે અને લોકોની સામે આવશે ત્યારે લોકો ખુદાની કિતાબનું સંપૂર્ણ રીતે તેમની વિરૂદ્ધ અર્થઘટન કરશે અને તે હઝરત (અ.સ.) સાથે (એજ અર્થઘટન) દ્વારા ચર્ચા કરશે.’

પછી હઝરત ઇમામ સાદિક (અ.સ.)એ ફરમાવ્યું :

“જાણી લો! ખુદાની કસમ! તેમનો ન્યાય અને ઇન્સાફ તેઓના ઘરોમાં એવી રીતે છવાઇ જશે જેવી રીતે ઠંડી અને ગરમી પ્રસરી જાય છે.’

(હદીસ નં. ૧)

નોંધ : પથ્થરો, પર્વતો અને લાકડીઓના બુતો ધ્વસ્ત કરવા સહેલા છે. પરંતુ ચિંતન-મનન, વિચાર અને વહેમની મૂર્તિઓ તોડવી આસાન નથી. આયતો અને રિવાયતોની મનમાની તફસીર અને અર્થઘટનો કરનારા ખબરદાર રહે. જ્યારે ઇમામે ઝમાના (અ.સ.)નો ઝુહુર થશે ત્યારે આવા લોકો તે હઝરત (અ.સ.)ની સાથે લડાઇ કરવા માટે તૈયાર થઇ જશે.

અઢારમું પ્રકરણ :

આ પ્રકરણમાં રસુલ (સ.અ.વ.)ના અલમના બારામા હદીસોની નોંધ કરવામાં આવી છે. આ તે અલમ છે જે હઝરત અમીરૂલ મોઅમેનીન (અ.સ.)એ સીફ્ફીનની લડાઇમાં ઉપાડ્યો હતો અને ફરમાવ્યું હતું.

“આ તે અલમ છે કે જેને મારા પછી કાએમ (અ.સ.)ની સિવાય કોઇ નહિં ઉપાડે.’

(હદીસ નં. ૧)

વીસમું પ્રકરણ :

આ પ્રકરણમાં ઇમામે ઝમાના (અ.સ.)ના સાથીદારોની સિફતો ઉપર આધારિત હદીસો લખવામાં આવી છે. “અલ-મુન્તઝર’ના જુદા જુદા અંકોમાં આ હદીસો રજુ કરવામાં આવી છે. વાંચકો તેનો અભ્યાસ કરી શકે છે.

“નેકીઓ અને ભલાઇ કરવામાં એકબીજાથી આગળ રહેનારા લોકો ઇમામ મહદી (અ.સ.)ના બધા અસ્હાબો યુવાન હશે. વૃદ્ધો પણ હશે પરંતુ તેઓની સંખ્યા ખૂબજ ઓછી આંખોમાં સુરમા માફક અને ખાવામાં નમક માફક ઓછી હશે.’

(હદીસ નં. ૬ અને ૧૦)

એકવીસમું પ્રકરણ :

ઝુહુર પહેલા અને ઝુહુરની પછી શીઆઓની હાલત કેવી હશે. ઇમામ સાદિક (અ.સ.) ફરમાવે છે :

“જ્યારે કાએમ (અ.સ.) ઝુહુર કરશે ત્યારે જે પોતાને આ અમ્ર (વિલાયતને) લાયક સમજશે (એટલે કે ખુદને ઇમામે ઝમાનાનો શીઆ સમજશે) તે આ હુકમમાંથી નીકળી જશે અને (તેથી વિરૂદ્ધ) એવા લોકો કે જેઓ સૂરજ અને ચાંદની પૂજા કરતા હશે તેઓ આ હુકમમાં દાખલ થઇ જશે.’

(હદીસ નં. ૧)

નોંધ: આ રિવાયત સ્પષ્ટ રીતે સૂચવે છે કે પોતાની ઉપર ઘમંડ ન કરે કે એહલેબૈત (અ.સ.)નો શીઆ છે અને ઇમામે ઝમાનાનો ચાહનારો છે. અલબત્ત આ મહાન નેઅમત જે તેને મળી છે તેને સંભાળીને રાખે અને હંમેશા દોઆએ ગરીક પડતો રહે કે મોતના સમયે વિલાયતની પક્કડ હાથમાંથી છુટી ન જાય. એ બાબત ઉપર પણ આશ્ર્ચર્યચક્તિ ન થવું કે સૂરજ અને ચાંદની પૂજા કરનારા કેવી રીતે ઇમામના પક્ષમાં આવી જશે. ઇતિહાસ સાક્ષી પૂરે છે કે એક પળમાં સામેના પક્ષનો માણસ આ પક્ષમાં આવી જાય છે. જનાબે હુર (અ.સ.) એ કેવી રીતે ઇમામે ઝમાના (અ.સ.)ને ઓળખી લીધા અને બધું બદલાઇ ગયું.

બાવીશમું પ્રકરણ :

આ પ્રકરણમાં એ હદીસોની નોંધ કરવામાં આવી છે જે દર્શાવે છે કે ઇમામે ઝમાના નવી દા’વત આપશે. ઇમામ સાદિક (અ.સ.) ફરમાવે છે.

“જ્યારે કાએમ (અ.સ.) કયામ કરશે ત્યારે નવેસરથી દા’વત શરૂ કરશે. જેવી રીતે રસુલ (સ.અ.વ.)એ દાવત આપી હતી.’

અબુ બસીર કહે છે કે હું ઉભો થઇ ગયો અને હઝરત ઇમામ સાદિક (અ.સ.)ના માથાને ચુમ્યું અને અરજ કરી. હું સાક્ષી આપું છું કે આપ દુનિયા અને આખેરતમાં મારા ઇમામ છો. હું આપના દોસ્તોને દોસ્ત અને આપના દુશ્મનોને દુશ્મન ગણું છું અને ગવાહી આપું છું કે આપ ખુદાના વલી છો. હઝરત (અ.સ.)એ ફરમાવ્યું :

“ખુદા તમારા ઉપર રહેમ કરે.’

ત્રેવીસમું પ્રકરણ :

આ પ્રકરણમાં ઇમામે ઝમાના (અ.સ.)ની વયના બારામાં રિવાયતોની નોંધ થઇ છે. અર્થાંત બાળવયમાં આપ ઇમામતના હોદ્દા ઉપર બિરાજમાન થશો.

ચોવીશમું પ્રકરણ :

આ પ્રકરણ ઘણું મહત્ત્વ ધરાવે છે. તેમાં એ રિવાયતોની નોંધ કરવામાં આવી છે જેમાં ઇમામ સાદિક (અ.સ.)નો એક એવો ઝવ્વાર જે ઇમામ સાદિક (અ.સ.)ની પછી તેમના મોટા દિકરા જનાબે ઇસ્માઇલને તેમનો વારસદાર માનતો હતો. જ્યારે ઇમામ સાદિક (અ.સ.)એ તેને રદ્ કરીને સ્પષ્ટ રીતે જણાવ્યું કે મારી પછી મારા પુત્ર મુસા (અ.સ.) અમીન અને ઇમામ થશે. આ પ્રકરણમાં ઇસ્માઇલને રદ્ કરતી હદીસોને એકઠી કરવામાં આવી છે.

પચ્ચીસમું પ્રકરણ :

આ પ્રકરણમાં એ હદીસો રજુ કરવામાં આવી છે કે જેણે ઇમામને ઓળખી લીધા તેને કોઇપણ નુકશાન નહિં થાય. ભલે પછી મઅરેફત મેળવવામાં ગમે તેટલો વિલંબ કેમ ન કરે.

છવ્વીસમું પ્રકરણ :

આ છેલ્લું પ્રકરણ છે જેમાં ઇમામ મહદી (અ.સ.)ની હુકુમતની મુદ્દત દર્શાવવામાં આવી છે. જે ઇમામ સાદિક (અ.સ.)ના ફરમાન મુજબ ઓગણીસ વર્ષને અમૂક મહિનાઓની મુદ્દત છે.

અય ખુદા! ઇમામે ઝમાના (અ.સ.)ના ઝુહુરમાં જલ્દી કર અને હઝરત ઝહરા (સ.અ.)ના મુબારક દિલને સાંત્વન અતા ફરમાવ. આમીન.

Have your say!

Add your comment below, or trackback from your own site. You can also subscribe to these comments via RSS.

Be nice. Keep it clean. Stay on topic. No spam.