તુલે ઉમ્ર સુન્નતે ખુદાવંદી છે.

Print Friendly, PDF & Email

હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)એ જે સમયે ખુદાના હુકમથી પોતાના જાનશીનોનું એલાન કર્યુ ત્યારે ઉમ્મતની સામે સ્પષ્ટ રીતે બયાન ફરમાવ્યું:
“મારી પછી આ ઉમ્મતમાં બાર જાનશીનો થશે
એ સમયે એ વાત બિલ્કુલ સ્પષ્ટ હતી કે આ સંખ્યા કયામત સુધી છે અને કયામતના આવવાનો કોઇ સમય નિશ્ર્ચિત નથી. આથી કાં તો બધાની ઉમ્ર લાંબી હશે કારણ કે લાંબી ઉમ્ર સિવાય કયામત સુધી આ સિલસિલો ચાલુ નથી રહી શકતો અથવા એકની ઉમ્ર ચોક્કસ તુલાની હશે. ખુદા અને રસુલ અને તેના હકીકી જાનશીનોને એ વાતનુ ઇલ્મ હતુ કે અગિયાર જાનશીનો પોતાની કુદરતી સ્વભાવિક ઉમ્ર વીતાવી શકશે નહી. તેમાંથી દરેક કાં તો તલવારથી શહીદ કરવામાં આવશે અથવા ઝહેર આપીને શહીદ કરવામાં આવશે. આથી પ્રથમથી જ એ વાત નક્કી હતી કે આખરીની ઉમ્ર તુલાની હશે અને ગયબત પણ થશે. આથી શરૂઆતથી જ આખરીની મિસાલ એ લોકો સાથે દેવામાં આવી જેમની ઉમ્રો તુલાની હતી. જેઓની લાંબી ઉમ્રથી લોકો જાણકાર હતા. હઝરત ઇમામ ઝયનુલ આબેદીન(અ.સ.)એ ફરમાવ્યું:
ફીલ્કાએમે સુન્નતુન મીન નુહીન વ હોવ તુલુલ ઉમ્રો
“કાએમ(અ.સ.)માં નૂહ(અ.સ.)ની એક સુન્નત છે અને તે લાંબી ઉમ્ર છે
(મુન્તખબુલ અસર, પાના: ૩૪૧)
સુરએ અન્કબુતની આયત નં. ૧૪ માં ઇર્શાદ થાય છે:
વ લકદ્ અર્સલ્ના નુહન એલા કવ્મેહી ફ લબેસ ફી હીમ અલ્ફ સનતીન ઇલ્લા ખમ્સીન આમા ફ અખઝ હોમુત્તુફાનો વ હુમ ઝાલેમુન
“અને ચોક્કસ અમે નૂહ(અ.સ.)ને તેની કૌમ તરફ મોકલ્યા. તેઓ ત્યાં એક હજાર વરસમાં પચાસ વરસ ઓછા રહ્યા (૯૫૦ વરસ) ત્યાર બાદ કૌમને તેઓના ગુનાહના લીધે તોફાને પકડી લીધા
આ આયતથી સાફ સાફ જાહેર થઇ રહ્યુ છે કે જનાબે નૂહ(અ.સ.) તોફાનની પેહલા ૯૫૦ વરસ સુધી પોતાની કૌમમાં રહ્યા. તોફાન પછી તેમની કૌમ હલાક થઇ ગઇ. પરંતુ જનાબે નૂહ(અ.સ.) અને એ લોકો જે તેમની સાથે કીશ્તીમાં સવાર હતા, તેઓ તોફાન પછી પણ જીવતા રહ્યા. આ આયતે કરીમા ફક્ત ૯૫૦ વરસની ઉમ્રનો ઝિક્ર નથી કરી રહી પરંતુ તેનાથી વધારેનો ઉલ્લેખ કરી રહી છે. જનાબે નૂહ(અ.સ.) ચોક્કસ ૯૫૦ વરસથી વધારે જીવતા રહ્યા.
અમુક લોકો કારણ વગર ઇમામે ઝમાના(અ.સ.)ની તુલે ઉમ્રનુ બહાનુ બતાવીને તેમના વુજુદનો ઇન્કાર કરે છે અને શીયાની સામે વિરોધ કરે છે.
અગર અત્યારે કોઇ આદમી એ દાવો કરે કે હું પાણી પર ચાલી શકુ છુ તો આખુ શહેર તેને જોવા માટે ભેગુ થશે. કારણ કે અત્યાર સુધી એવુ થયુ નથી. બધાને આશ્ર્ચર્ય થશે. પરંતુ અમુક દિવસો પછી એક બીજો શખ્સ આ જ વાત કરે તો પણ લોકો તેને જોવા માટે આવશે. પરંતુ અગર ત્રીજો આદમી આવો જ દાવો કરે અને તે પણ પાણી પર ચાલીને બતાવે તો લોકો ઓછા આવશે અને આ રીતે ચોથો અને પાંચમો આદમી દાવો કરે તો લોકો પેહલા કરતા ઓછા આવશે અને અગર અમુક લોકો બીજા આ દાવો કરે તો વાત સામાન્ય થશે અને કોઇ આશ્ર્ચર્ય નહી કરે. કોઇ જોવા પણ નહી આવે. પેહલી બીજી વાર આશ્ર્ચર્ય થાય છે પણ વાત જ્યારે રોજીંદી જેવી થઇ જાય તો આશ્ર્ચર્ય ખત્મ થઇ જાય છે.
હઝરત ઇમામે ઝમાના(અ.સ.)ની તુલાની ઉમ્ર એ ઇતિહાસનો કોઇ પેહલો બનાવ તો નથી કે જેના લીધે લોકોને આશ્ર્ચર્ય થઇ રહ્યુ છે, કારણ કે શક્ય છે કે એક શખ્સ એટલા વધારે દિવસો જીવતા રહે.
દુનિયાવાળાઓ અને ખાસ કરીને મુસલમાન ઘણા બધા લોકોની લાંબી જીંદગીના માનવાવાળા છે. અમુક લોકો તો એવા છે જે ઇમામે ઝમાના(અ.સ.)ની વિલાદતના સેંકડો વરસો પેહલા જીવતા હતા અને આજે પણ જીવતા છે. જનાબે ઇદરીસ(અ.સ.) આસ્માનમાં હજી સુધી જીવતા છે. જનાબે ખિઝ્ર(અ.સ.) જનાબે મુસા(અ.સ.)ના ઝમાનાથી હજી સુધી જીવતા છે. જનાબે ઇસા(અ.સ.) કુર્આની હકીકતોની રીતે જીવતા છે. રિવાયતોના આધારે આસ્માન પર હઝરત ઇમામ મહદી(અ.સ.)ના પૂર નૂર ઝુહુરનો ઇન્તેઝાર કરી રહ્યા છે. જ્યારે હઝરત(અ.સ.) ઝાહિર થશે તો હઝરત ઇસા(અ.સ.) તેમની પાછળ નમાઝ પઢશે. અગર ખુદાવંદે આલમ આ તમામ હઝરાતને તુલાની ઉમ્ર અતા કરી શકે છે તો અશ્રફુલ અંબિયા અને અફઝલુલ મુરસલીન હઝરત મોહમ્મદ મુસ્તફા (સ.અ.વ.)ની પવિત્ર નસ્લની આખરી હુજ્જતને તુલે ઉમ્ર નથી દઇ શકતો? પરંતુ આ મિજાઝનુ શું કરી શકાય કે બીજાઓની તો દરેક ફઝીલત કબુલ છે અને આલે મોહમ્મદની ફઝીલત અકલ અને ઇલ્મની વિરૂદ્ધ દેખાય છે. અગર ઇન્સાન અકલ અને સમજણથી વિચારે કે જો મફઝુલને (ઓછી ફઝીલતવાળાને) તુલે ઉમ્ર મળી શકે છે તો અફઝલને શા માટે તુલે ઉમ્ર નથી મળી શકતી.

અગાઉના ઝમાનાના મોટી ઉમ્રવાળાઓ:

હઝરત આયતુલ્લાહ ઉઝમા જનાબ આકા લુત્ફુલ્લાહ સાફી ગુલ પયગાની દામ ઝિલ્લહુલ આલી એ પોતાની અમુલ્ય કિતાબ મુન્તખબુલ અસર પેજ ૩૪૧-૩૪૨ તૌરેતની જુની પ્રત પ્રકાશન બૈરૂત ઇ.સ. ૧૮૭૦ ના હવાલાથી અગાઉના અંબિયા(અ.મુ.સ.) અને અમુક તુલાની ઉમ્રવાળા લોકોનો ઉલ્લેખ કર્યો છે. અમે અહીં માત્ર અમુકનો ઉલ્લેખ કરીએ છીએ.
જનાબે આદમ(અ.સ.) ૯૩૦ વર્ષ, જનાબે શીશ (અ.સ.) ૯૧૨ વર્ષ, જનાબે અનુષ(અ.સ.) ૯૦૦ વર્ષ, જનાબે કયઆન ૯૧૦ વર્ષ, મુન્હલ ૮૯૫ વર્ષ, જનાબે યારૂ ૯૯૨ વર્ષ, જનાબે અખનુખ ૩૬૫ વર્ષ, શુશાલેહ ૯૬૯ વર્ષ, જનાબે નૂહ(અ.સ.) ૨૫૦૦ વર્ષ, જનાબે લામક ૭૭૭ વર્ષ, લુકમાન બીન આદ ૩૫૦૦ વર્ષ, લુકમાને હકીમ ૪૦૦૦ વર્ષ.
આ ઉપરાંત અન્ય મોઅમ્મેરીનનો ઉલ્લેખ કર્યો છે.
જનાબ શૈખ સદુક(અ.ર.)એ હઝરત ઇમામે ઝમાના (અ.સ.)ની ઇચ્છા મુજબ લખેલી કિતાબ “કમાલુદ્દીન વ તમામુન્નેઅમતમાં મોઅમ્મેરીનના પ્રકરણમાં એવા અસંખ્ય વ્યક્તિઓનો ઉલ્લેખ કર્યો છે જેઓની ઉમ્ર લાંબી હતી. ટૂંકાણને ધ્યાનમાં રાખીને ફક્ત ૧૦ લોકોનો ઉલ્લેખ કરીએ છીએ.
(૧) ઉમર બીન આમીર ૮૦૦ વર્ષ, તેનુ નામ મઝીકસીયા રાખવામાં આવ્યુ હતુ. તેઓ ૪૦૦ વર્ષ એક બજારની વ્યક્તિ તરીકે જીંદગી ગુજારી અને ૪૦૦ વર્ષ એક બાદશાહ તરીકે. (૨) હબલી બીન અબ્દુલ્લાહ બીન કીનાના ૬૦૦ વર્ષ. (૩) લુકમાન બીન આદી અલ કબીર ૫૬૦ વર્ષ, (૪) દવીલ બીન ઝૈદ બીન નહદ ૪૫૦ વર્ષ. (૫) સ્તુગર બીન રબીલા બીન કઅબ તમીમ ૩૩૦ વર્ષ. (૬) રવાઅ બીન કઅબ બીન ઝહલ બીન કૈસ અન્નખઇ ૩૦૦ વર્ષ. (૭) ઔબૈદ બીન ઇરસ ૩૦૦ વર્ષ. (૮) શરયા બીન અબ્દુલ્લાહ ૩૦૦ વર્ષ. (૯) સઅદી કર્બુલ હીમયરી ૨૫૦ વર્ષ. (૧૦) રબીઅ બીન બયઅ ૨૪૦ વર્ષ.

એક સવાલ:

અગર એક સાથે ૧૦૦ ઝાડ રોપવામાં આવે અને અમુક દિવસો પછી તેમાંથી ૧૦ ઝાડ સુકાઇ જાય તો લોકો શું સવાલ કરે છે? શું આ સવાલ કરે છે કે ૯૦ વૃક્ષો શા માટે બાકી રહ્યા? કે આ સવાલ કરે છે કે આ દસ ઝાડ શા માટે સુકાઇ ગયા? અગર એક હોસ્પિટલમાં એક જ દિવસે દસ બચ્ચા પૈદા થાય અને અમુક દિવસો પછી બે બચ્ચાઓની મૌત થઇ જાય તો સવાલ શું કરે છે? આઠ બચ્ચાઓ શા માટે જીવતા રહ્યા? કે બે બચ્ચાની મૌત શા માટે થઇ? શું સામાન્ય રીતે લોકો જીવતા રેહવાવાળાઓને સવાલ કરે છે કે તમે શા માટે જીવતા છો? કે જ્યારે કોઇનો ઇન્તેકાલ થઇ જાય છે તો પુછે છે કે કેમ કરતા ગુજરી ગયા? તેનાથી સ્પષ્ટ થાય છે કે જીવતુ રહેવુ એ એક પ્રાકૃતિક ચીજ છે અને મૃત્યુ અપ્રાકૃતિક છે.
આ કારણે હઝરત ઇમામે ઝમાના(અ.સ.)ના બારામાં આ પુછવુ કે તેઓ હજી સુધી હયાત શા માટે છે તે વ્યર્થ સવાલ છે. સવાલ તો એ થવો જોઇએ કે અગાઉના ઇમામોની મૌત અને શહાદત કેમ થઇ? અગિયાર ઇમામોની શહાદતના બારામાં સવાલ એટલા માટે નથી કરતા કે તેમાં કાતિલ અને ઝાલિમનું નામ આવશે અને પછી કાતિલ અને ઝાલિમથી જોડાયેલા લોકોના નામોનો પણ ઉલ્લેખ થશે. તેમાં એ લોકોના પણ નામ આવશે જેના પ્રત્યે આજે પણ અમુક લોકો અકીદત રાખે છે. આના લીધે તેઓ હઝરત ઇમામે ઝમાના(અ.સ.)ની તુલાની ઉમ્રના બારામાં પુછે છે, સવાલ કરે છે. જેથી અગાઉના ઇમામોની શહાદતનો વિષય સામે ન આવે.
આશ્ર્ચર્ય શા માટે?
એ વાત પસાર થઇ ચુકી છે કે કોઇ ચીજ પ્રથમવાર બનતી હોય ત્યારે લોકોને ખુબ જ આશ્ર્ચર્ય થાય છે. પરંતુ જ્યારે તે બનાવ વારંવાર થવા લાગે છે તો આશ્ર્ચર્ય ખત્મ થઇ જાય છે અને લોકો એ વાતથી ટેવાઇ જાય છે. અબુલ બશર જનાબે આદમ(અ.સ.)થી લઇને આજ સુધી ફક્ત એક અને માત્ર એક ઇમામે ઝમાના(અ.સ.) જ નથી કે જેમની ઉમ્ર તુલાની છે. પરંતુ લાંબી ઉમ્ર હાસિલ કરવાવાળાઓનુ એક લાંબુ લીસ્ટ છે. આથી હઝરત ઇમામ ઝમાના(અ.સ.)ની તુલાની ઉમ્ર એક સામાન્ય ખબર છે. તેમાં કોઇ પણ પ્રકારના આશ્ર્ચર્ય કે શંકાની જગ્યા નથી.

લાંબી ઉમ્રથી વધારે આશ્ર્ચર્યકારક:

જે ચીજ વારંવાર વુજુદમાં આવે તે વધારે આશ્ર્ચર્યકારક છે કે એ ચીજ વધારે આશ્ર્ચર્યકારક છે જે હજી સુધી વુજુદમાં ન આવી હોય? જાહેર છે કે જે ચીજ હજી સુધી વુજુદમાં ન આવી હોય અને કોઇ તેના વુજુદમાં આવવાની વાત કરે તે વધારે આશ્ર્ચર્યકારક અને ઇન્કારને લાયક સવાલ હોય શકે છે.
આ દુનિયા જ્યારથી વુજુદમાં આવી છે ત્યારથી લઇને આજ સુધી એવુ નથી થયુ કે આખી દુનિયા અવ્વલથી આખીર સુધી અદ્લો ઇન્સાફથી ભરાઇ ગઇ હોય અને આખી દુનિયામાંથી ઝુલ્મો જોરનો અંત આવી ગયો હોય. દરેક જગ્યાએ તૌહીદ હોય અને ખુબ જ ખુલુસતા અને માઅરેફતની સાથે ખુદાની ઇબાદત થઇ રહી હોય, કોઇને પણ જરાય ડર કે ભય ન હોય, દરેક જગ્યાએ શાંતિ અને સુકુન હોય. હવે અગર કોઇ એમ કહે કે એક દિવસ પુરી દુનિયામાં અદ્લો ઇન્સાફ હશે તો એ વધારે આશ્ર્ચર્યની વાત છે કારણ કે જે હજી સુધી નથી થઇ તે હવે કેવી રીતે થશે. પરંતુ તેનુ શું કરવામાં આવે જે હઝરત ઇમામ મહદી(અ.સ.)ની તુલાની ઉમ્ર પર વાંધો ઉઠાવવાવાળા હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)ની આ હદીસને તસ્લીમ કરે છે.
“અગર આ દુનિયાની ઉમ્રમાં ફક્ત એક દિવસ બાકી રહી જાય તો ખુદાવંદે આલમ એ દિવસને એટલો લાંબો કરશે કે મારી નસ્લમાંથી મારી એહલેબૈત(અ.મુ.સ.) માંથી એક શખ્સ જાહેર થશે, જેનું નામ મારૂ નામ હશે અને જેની કુન્નિયત મારી કુન્નિયત હશે. તે જમીનને અદ્લો ઇન્સાફથી એવી રીતે ભરી દેશે જેવી રીતે ઝુલ્મો જોરથી ભરેલી હશે
તમામ મુસલમાનો આ વાતને તસ્લીમ કરે છે કે હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)ની આ આગાહી હઝરત ઇમામ મહદી (અ.સ.)ના થકી પુરી થશે. તુલાની ઉમ્રની સરખામણીમાં અદ્લો ઇન્સાફથી આખી દુનિયાનુ ભરાઇ જવુ એ વધારે મુશ્કેલ છે. કારણ કે તુલાની ઉમ્રનો સંબંધ ફક્ત એક વ્યક્તિ અને ઝાતથી છે. જ્યારે કે દુનિયાને અદ્લો ઇન્સાફથી ભરવા માટે દુનિયાના તમામ લોકોનુ બદલવુ અને તેઓની સુધારણા જરૂરી છે. હવે તેને શુ કહેવુ કે લોકો ખુબ જ મુશ્કેલ ચીજને આસાનીથી કબુલ કરી લે છે અને ખુબ જ આસાન ચીજને જે બાબત વારંવાર થઇ તેને સ્વિકારવા તૈયાર નથી.
હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)ની બયાન કરેલ રિવાયતોની રોશનીમાં અમે બસ એ ઇમામ મહદી(અ.સ.)નો ઇન્તેઝાર કરી રહ્યા છીએ અને બસ તેઓ જ દુનિયામાં ખુદાના વાયદાનેે પુરો કરશે જેમની ગયબત હશે અને તુલાની ગયબત હશે, જેમની ઉમ્ર તુલાની હશે, જેઓ ઝુહુરના સમયે લાંબી ઉમ્ર છતા બસ ૪૦ વરસના દેખાશે, તુલાની ઉમ્ર તેમના શરીર પર અસરકારક નહી હોય. હવે અગર કોઇ એવો શખ્સ મહદી હોવાનો દાવો કરે જે દેખાવમાં ૪૦ વરસથી વધારે દેખાતા હોય અથવા ખરેખર ૪૦ વરસના હોય અને તેની ઉમ્ર તુલાની ન હોય અને તેણે એક તુલાની ગૈબત અપનાવી ન હોય તો તે હરગીઝ એ મહદી નથી જેની હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)એ બશારત આપી છે.
ખરેખર ઇમામ મહદી(અ.સ.) માત્ર એ છે જેમની ઉમ્ર તુલાની હશે, લાંબી ગયબત હશે અને ઝુહુરના સમયે ૪૦ વરસના જવાન દેખાશે.

લાંબી ઉમ્રનુ કારણ ઇમામ(અ.સ.)નુ ઇલ્મ:

ખુદાવંદે આલમે જે ઇમામ મહદી(અ.સ.) થકી આખી દુનિયાને અદ્લો ઇન્સાફથી ભરવાનો વાયદો કર્યો છે. તે એ ઇમામ મહદી(અ.સ.) છે, જેમને ખુદાવંદે આલમે અવ્વલ અને આખરનુ ઉલુમ અતા કર્યુ છે. તેમની ઇમામત માત્ર અમુક ઇન્સાનો પર નથી પરંતુ કાએનાતના કણે કણ પર છે. ઇન્સાનોમાં ચોક્કસ એવી વ્યક્તિઓ છે જે પોતાની જેહાલત અને અજ્ઞાનતાને લીધે હઝરત ઇમામ મહદી(અ.સ.)ની ઇમામતના માનવાવાળા ન હોય અને તેમના હુકમની સામે તસ્લીમ ન હોય. જ્યારે કે આ કાએનાતના કણે કણ ઇમામ મહદી(અ.સ.)ની ઇમામત અને વિલાયતના માનવાવાળા છે અને તેમની સામે તસ્લીમ છે અને તે હઝરત(અ.સ.) પણ કાએનાતના કણે કણનુ સંપૂર્ણ ઇલ્મ-જાણકારી ધરાવે છે.
પ્રથમ એ કે ખુદાવંદે આલમ એ ઇન્સાનનુ શરીર એવી રીતે બનાવ્યુ છે કે તેમાં અનિશ્ર્ચીત મુદ્દત સુધી જીવતા રેહવાની ક્ષમતા છે. અગર શરીરમાં આ પ્રકારની ક્ષમતા ન હોત તો લોકો આટલી લાંબી ઉમ્ર કેવી રીતે પસાર કરતે.
બીજુ એ કે ખોરાકમાં બેદરકારી અને શરીરની તંદુરસ્તીના નિયમો પ્રત્યે બેદરકારી શરીરને વૃદ્ધ બનાવે છે. કારણ કે આપણને ખોરાકના બારામાં સંપૂર્ણ ઇલ્મ નથી આથી આપણે કોશિશ કરવા છતા સાવચેતી નથી રાખી શકતા. જ્યારે કે ઇમામ(અ.સ.) માટે આવી કોઇ વાત નથી. તેમને દરેક ચીજનુ ઇલ્મ છે અને નુકસાનકારક ચીજો ખુદ તેમના મુબારક હાથો પર પોતાના નુકસાનકારક હોવાની ગવાહી આપશે. આથી ખોરાક વિગેરે થકી શરીરના અસરગ્રસ્ત હોવાનો કોઇ સવાલ જ પૈદા નથી થતો.
ત્રીજુ એ કે જે ચીજ તંદુરસ્તી પર ખોરાકથી વધારે અસર કરે છે તે ગમ-ગુસ્સો છે. એ ઇમામ જેમનુ દિલ યાદે ઇલાહીથી મુત્મઇન હોય તેની પર દુનિયાના રંજો ગમની શું અસર.
ચોથુ એ કે તેઓ દુનિયાના ઇમામ છે. તેઓ દુનિયા પર અસર કરે છે. દુનિયા આપના પર અસર નથી કરતી. આથી ઝમાનાની હાલતથી તેઓ અસરગ્રસ્ત નથી થતા કારણ કે ઉમ્ર એ દિવસો અને વરસોના પસાર થવાનુ નામ છે અને દિવસ અને વરસ સુરજ અને ચાંદના પરિભ્રમણના લીધે અસ્તિત્વમાં આવે છે. જેના પર આ સુરજ અને ચાંદનુ પરિભ્રમણ અસર કરે છે તેનુ શરીર અને જીસ્મ વૃદ્ધ થાય છે પરંતુ સુરજ અને ચાંદ જેમના વુજુદથી અસરગ્રસ્ત હોય અને જેના નુરથી રોશની મેળવી રહ્યા હોય તેઓ ઇમામ પર કેવી રીતે અસરકારક હોય શકે. આથી દિવસોના પસાર થવાથી ઇમામ પર કોઇ અસર નથી થતી. આથી જ્યાં સુધી ખુદા ચાહે તેઓ હયાત રહે છે અને જવાન રહે છે.
પાંચમુ એ કે જીંદગી અને મૌત બધુ અલ્લાહના ઇખ્તિયારમાં છે. દુનિયાની તમામ ચીજો પરિણામ છે, કારણ નથી. દરેકની જીંદગી અને મૌતનુ અસલી કારણ અલ્લાહની ઇનાયત છે. ખુદાવંદે આલમ જ્યાં સુધી ચાહે, જેવી રીતે ચાહે, જે પ્રમાણે ચાહે, જેને ચાહે જીવતા અને જવાન રાખી શકે છે. ઇમામ મહદી(અ.સ.) ખુદાવંદે આલમના પ્રતિનિધિ, તેના વલી અને ખલીફા છે. તે જ્યાં સુધી ચાહે પોતાના વલીને જે રીતે ચાહે હયાત રાખવા ચાહે રાખી શકે છે. કોઇને જરાયે પણ શંકા કે વાંધો કરવાનો હક નથી. આપણે એ જ ઇમામ મહદી (અ.સ.)નો ઇન્તેઝાર કરી રહ્યા છીએ જેઓ ખુદાના વલી છે. ખાલિક અને મખ્લુકની દરમિયાન ફૈઝ અને બરકતોનો વાસ્તો છે. આથી હઝરત ઇમામ મહદી(અ.સ.)ની લાંબી ઉમ્ર હરગીઝ-હરગીઝ તેમના વુજુદના ઇન્કારનો સબબ નથી થઇ શકતી.
અગર સંશોધનની મૂળભૂત શાખાઓનુ પૃથક્કરણ કરવામાં આવે અને વાસ્તવિક્તાના જોવામાં ફિક્રી તાવીલો પોતાના ઘડી કાઢેલા ઇખ્તેલાફોના ઝેરીલી અસરોના ખતરનાક જીવાણુંઓને ખત્મ કરી ખુદાના રસુલ(સ.)ની આગાહીઓને સાફ અને જાહેર અને નિર્મળ પાણીથી ધોઇ નાખવામાં આવે તો ઓછામાં ઓછુ મુસલમાન ઇમામ મહદી(અ.સ.)ના દરવાજા પર એક કેન્દ્ર પર આવી શકે છે અને તેમની શાન અને ઇસ્લામી શોકતનો પરચમ એટલો બુલંદ થઇ શકે છે કે આખી દુનિયામાં તેને જોઇ શકાય છે.
સમય પસાર થતા થતા અવાજ આપી રહ્યો છે, બેદાર થઇ જાવ. હજી પણ કાંઇ ગયુ નથી. ઇમામે ઝમાના (અ.સ.)નો ઝુહુરનો સમય નજીક આવી રહ્યો છે. નજદીક આવી ગયો છે. નવી સવાર ઉગવાવાળી છે. બસ
યરવ્નહુ બઇદંવ વ નરા હો કરીબા
—૦૦૦—

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *