લાંબી ઉમ્રવાળા અંબિયા(અ.મુ.સ.) અને ઇમામે ઝમાના(અ.સ.)ની તુલે ઉમ્ર

Print Friendly, PDF & Email

અલ્લાહના ફઝલો કરમ અને ઇમામે ઝમાના(અ.સ.)ના લુત્ફો કરમ અને ચૌદ માસુમીન(અ.મુ.સ.)ની ઇનાયતોના છાયામાં અલ મુન્તઝરના ખાસ અંકોમાં અને ઇમામે ઝમાના (અ.સ.)ની ગૈબત, તુલે ઉમ્ર, ઇન્તેઝાર, ઝુહુર, જવાબદારીઓ, રજઅત, ઇમામે ઝમાના(અ.સ.)ના અસ્હાબ અને મદદગારો, ઝુહુરની નિશાનીઓ, ઇમામે ઝમાના (અ.સ.)ના ઝુહુર માટે દુઆ અને આ ઉપરાંત બેશુમાર વિષયો જેમ કે મહદી(અ.સ.)ના ઝુહુરથી ઇન્કાર અથવા ઇમામ મહદી(અ.સ.)ની વિલાદતથી ઇન્કાર, ઇમામે અસ્ર (અ.સ.)ની ઇમામત પર વાંધાઓના જવાબો પર આધારિત આર્ટીકલ – લેખ શાબાનુલ મોઅઝ્ઝમ હિ.સ. ૧૪૦૭ થી સતત પ્રકાશિત કરી રહ્યા છીએ અને અગર આ આર્ટીકલોને ભેગા કરવામાં આવે તો એક દળદાર પુસ્તકનું સ્વરૂપ લઇ લે તેમ છે.
હવે મોહમ્મદો આલે મોહમ્મદ(અ.મુ.સ.)ના સદકામાં નવા આર્ટીકલો-લેખોની સાથે આપની ખિદમતમાં હાજર છીએ. આ લેખમાં અમારી કોશિશ છે કે ઇમામે ઝમાના(અ.સ.)ની લાંબી ઉમ્રને અંબિયા(અ.મુ.સ.)ની લાંબી ઉમ્રના હવાલાથી સાબિત કરીએ.
અમે અમારા આ લેખની શરૂઆત સય્યદ ઇબ્ને તાઉસ કુદ્દેસ સીર્રહુ(*) ની વસીય્યતથી કરી રહ્યા છીએ કે જેને આપે પોતાના ફરઝંદ મોહમ્મદ અને અલીના માટે લખી હતી અને તે કિતાબના સ્વરૂપમાં “કશ્ફુલ મહજ્જા લે સમરતીલ મહજ્જા ના નામથી વારંવાર પ્રકાશિત થઇ ચુકી છે. કશ્ફુલ મોહજ્જાહની ૭૫ મી ફસ્લમાં આપે લખ્યુ છે:
……અય મારા ફરઝંદ! અગર હકીકતો અને રહસ્યોને ખુલ્લા થવાની તૌફીક તમને મળે તો હઝરત મહદી(અ.સ.)ના
*આપનુ પુરૂ નામ રઝીયુદ્દીન અબુલ કાસિમ અલી હતુ અને આપ સય્યદ ઇબ્ને તાઉસથી મશ્હુર છે. આપ હિલ્લામાં હિ.સ. ૫૮૯ માં પૈદા થયા અને હિ.સ. ૬૬૪ માં બગદાદમાં ઇન્તેકાલ થયો અને આપને નજફે અશ્રફમાં અમીરૂલ મોઅમેની(અ.સ.)ના હરમમાં સુપુર્દે ખાક કરવામાં આવ્યાીં
બારામાં તમને એવી માલુમાત આપીશ કે ક્યારેય પણ તમારા માટે કોઇ પ્રકારનો શક અને શંકા બાકી નહી રહે અને તમે અકલી દલીલો અને વારિદ થયેલી રિવાયતોથી બેનિયાઝ થઇ જાશો કારણ કે તે હઝરત(અ.સ.) ખરેખર જીવતા અને મૌજુદ છે અને જ્યાં સુધી ખુદાવંદે રહીમ કાર્યોની તદબીરના માટે તેમને ઇજાઝત અતા ન કરે ત્યાં સુધી તેઓ પોતાની પ્રવૃત્તિને જાહેર કરી નથી શકતા અને આ ગૈબતનો હુક્મ ફક્ત એ હઝરત(અ.સ.)થી જ મખ્સુસ નથી, બલ્કે ઘણા બધા અંબિયા (અ.મુ.સ.) અને અવસીયા (અ.મુ.સ.) પર પણ જારી થયો હતો. આથી તમે તેને નિશ્ર્ચીત અને ચોક્કસ સમજો અને આ વાત (ગૈબતના અકીદા)ને પોતાના દીન અને ઇમાન તરીકે કરાર આપો અને એ સમજી લ્યો કે એ હઝરત(અ.સ.)ના બારામાં તમારા પિતાની મઅરેફત ચમકતા સૂર્યની મઅરેફતથી વધારે પ્રકાશિત છે.
૭૬ મી ફસ્લમાં વસીય્યતને આગળ વધારતા ફરમાવે છે….
અને મારી સાથે એક ઇત્તેફાક એવો થયો કે હું અમુક વિરોધી લોકો (ગૈર શીઆ)ની બેઠકમાં હાજર થયો હતો. આથી મેં એ લોકોને સવાલ કર્યો કે: શીઆ પર તમારો વાંધો શું છે. તમે કોઇ પણ પ્રકારના તકય્યા વગર બયાન કરો. જેથી મારો જે અકીદો છે અને માન્યતા છે, જવાબ આપુ અને આઝાદીપૂર્વક મતાલીબને બયાન કરવા માટે ઘરના દરવાજાને બંધ કરી દે, જેથી કોઇ બહારથી અંદર આવી શકે નહી.
તે લોકોએ કહ્યુ: ઇમામીયા શીઆ પર અમારો વાંધો એ છે કે પૈગમ્બર(સ.અ.વ.)ના સહાબા પર વાંધો ઉઠાવે છે અને તેઓને બુરાઇની સાથે યાદ કરે છે અને રજઅતના માનવાવાળા છે અને મુત્આને જાએઝ સમજે છે અને ઇમામ મહદી (અ.સ.)ની ઇમામતના માનવાવાળા છે અને કહે છે કે આટલી લાંબી મુદ્દત સુધી જીવતા છે.
તેઓના જવાબમાં મે તેઓને(*) કહ્યુ: ………….અને
(*) સય્યદ ઇબ્ને તાઉસ(અ.ર.)એ ટૂંકાણની સાથે સહાબીઓ પર એતેરાઝ, રજઅતનો અકીદો અને મુત્આના બારામાં શીઆ અકાએદની સ્પષ્ટતા કરી છે પરંતુ આ લેખમાં આપણો વિષય નથી એટલા માટે અમે તેને લખ્યા નથીીં
મહદી(અ.સ.)ની મિસાલ પણ એવી જ છે. કારણ કે તમે લોકો (સુન્ની હઝરાત) એ પોતે જ રિવાયત કરી છે કે: ઇદરીસ(અ.સ.) હજી સુધી જીવતા છે, ખિઝ્ર(અ.સ.) હઝરત મુસા(અ.સ.)ના ઝમાનાથી છે અથવા તેનાથી પેહલાના ઝમાનાથી આજ સુધી જીવતા છે અને ઇસા(અ.સ.) આસ્માન પર જીવતા અને મૌજુદ છે અને ઇમામ મહદી(અ.સ.)ની સાથે ઝમીન પર પાછા ફરશે અને આ ત્રણ વ્યક્તિઓ ઇન્સાનમાંથી છે કે જેની ઉમ્ર લાંબી છે અને તેમના વુજુદના કારણે તુલે ઉમ્રના બારામાં કોઇ પ્રકારનુ આશ્ર્ચર્ય અને તેને અશક્ય કે નામુમ્કીન હોવાની કોઇ વાત રહી જાતી નથી. આથી શા માટે મોહમ્મદ બીન અબ્દુલ્લાહ(સ.અ.વ.)ની ઇતરતમાંથી કોઇ આ હઝરતોની જેવુ ન હોય અને તેઓને ન અનુસરે અને તુલે ઉમ્રના સંબંધિત નિશાનીઓમાંથી એક ઇલાહી નિશાની તેમાં જાહેર ન થાય?
અને ખુદ તમે લોકોએ મહદી(અ.સ.)નો એહવાલ અને સિફતોના બારામાં રિવાયત કરી છે કે:
ઇન્નહુ યમ્લઉલ અર્ઝ કીસ્તંવ વ અદ્લા બઅદ મા મોલેઅત જવરંવ ઝુલ્મા
હઝરત મહદી(અ.સ.) ઝમીનને અદ્લો ઇન્સાફથી ભરી દેશે જેવી રીતે ઝુલ્મો જોરથી ભરેલી હશે
અગર તમે થોડુ ચિંતન મનન કરો અને થોડુક ગોરો ફિક્રથી કામ લેશો તો તમે સમર્થન કરશો કે પૂર્વ અને પશ્ર્ચિમમાં દૂર દૂર સુધી ઝમીનને અદ્લો ઇન્સાફથી ભરી દેવી એ આં હઝરત(સ.અ.વ.)ની તુલે ઉમ્રથી વધારે આશ્ર્ચર્યકારક છે પરંતુ ખુદાની કરામતથી તેમના અવલીયા માટે ખુબજ નજદીક છે.
અને આપ લોકો જ ગવાહી આપો છો અને સમર્થન કરો છો કે નબીએ મોઅઝમ ઇસા ઇબ્ને મરયમ એ હઝરતની પાછળ નમાઝ પઢશે અને જંગોમાં હઝરતની મદદ કરશે. આ વાત પણ એ તુલે ઉમ્રથી વધારે મહત્વની છે કે જેના પર તમે આશ્ર્ચર્ય કરો છો અને જેને તમે અસંભવ જાણો છો.
આથી અય મારા ફરઝંદ! આ વાતને પણ હાજર લોકોએ માની લીધી અને સમર્થન કર્યુ.
(વધુ વિગત માટે રૂજુઅ કરો “બરનામએ સઆદત કશ્ફુલ મોહજ્જાનો ફારસી તરજુમો, પાના નં. ૭૩ થી ૭૭ સુધી, ફસ્લ ૭૪ થી ૭૬)

સાર:

સય્યદ ઇબ્ને તાઉસ કુદ્દેસ સિર્રહુએ એ મુસલમાનોના નિર્વિવાદ અકીદાઓની તરફ ઇશારો કર્યો છે, જેનો તેઓ હરગીઝ ઇન્કાર નથી કરી શકતા. એટલે હઝરત ઇદરીસ (અ.સ.), હઝરત ખિઝ્ર(અ.સ.), હઝરત ઇસા(અ.સ.)ની તુલે ઉમ્રના બારામાં જેઓ આજ સુધી જીવતા છે.
બીજુ એ કે તુલે ઉમ્ર રોજીંદા જીવનમાંથી નથી તો અશક્ય પણ નથી.

રિવાયતો:

અહીં અમે તુલે ઉમ્રના બારામાં અમુક રિવાયતો વર્ણવી રહ્યા છીએ. આ રિવાયતો એ અંબિયા(અ.મુ.સ.)ના બારામાં છે, જેઓની ઉમ્ર લાંબી છે. હદીસો ઉપરાંત ઇતિહાસની કિતાબો પણ એ અંબિયા(અ.મુ.સ.)ની તુલાની ઉમ્રની દાસ્તાનોને વર્ણન કરતી આવે છે.
અમે અહીં હઝરત ઇમામ મહદી(અ.સ.)ની તુલે ઉમ્રમાાં સામ્યતા રાખવાવાળા અંબિયા(અ.મુ.સ.)નો ઉલ્લેખ કરીશુ ઇન્શાલ્લાહ.
હઝરત આયતુલ્લાહ લુત્ફુલ્લાહ સાફી ગુલપાયગાની એ મુન્તખબુલ અસરમાં કિતાબ કમાલુદ્દીનના હવાલાથી વર્ણન કર્યુ છે કે હઝરત ઇમામ હસન અસ્કરી(અ.સ.)એ ફરમાવ્યુ:
ઇન્ન ઇબ્ની હોવલ કાએમો મીમ્બઅદી વ હોવલ્લઝી યજ્રી ફીહે સોનનુલ અંબિયાએ અલય્હેમુસ્સલામો બિત્તઅમીરે વલ ગયબતે……
“બેશક મારો ફરઝંદ મારા પછી એ જ કાએમ છે અને આ તે જ છે જે અંબિયા(અ.મુ.સ.)ની સીરત પર ઝુહુર કરશે (તેમનાથી અંબિયા(અ.મુ.સ.)ની સુન્નતો જારી થશે) તુલે ઉમ્ર અને ગૈબત જેવી સુન્નતો)
(મુન્તખબુલ અસર, ફસ્લ: ૨, બાબ: ૩૦, પાના નં. ૨૭૪, હદીસ: ૧)
આ રિવાયત એક સામાન્ય સમજણ તરફ ઇશારો કરી રહી છે કે ઇમામ મહદી(અ.સ.) અંબિયા(અ.મુ.સ.)ની અમુક સામ્યતા ધરાવે છે અને આ રિવાયતમાં તુલે ઉમ્ર અને ગૈબત જેવી સામ્યતાનો ઝિક્ર છે. આપણો વિષય ‘ગૈબતની સામ્યતા’ નથી. આથી અમે માત્ર એ અંબિયાનો ઝિક્ર કરીએ છીએ જેઓની ઉમ્ર લાંબી બતાવવામાં આવી છે.
હઝરત ઇદરીસ(અ.સ.) લાંબી ઉમ્રવાળા નબી:
આપ હઝરત નૂહ(અ.સ.)ના પરદાદા હતા. આપનુ નામ “અખનુખ હતુ. ખુદા તેમને એક બુલંદ મકામ પર લઇ ગયા અને કેહવામાં આવે છે કે ચોથા આસ્માન પર લઇ ગયા અને અમુક પ્રમાણે છઠ્ઠા આસ્માન પર અને તફસીરે મજમઉલ બયાનમાં મુજાહિદથી વર્ણન કરવામાં આવ્યુ છે કે ઇદરીસ(અ.સ.)ને આસ્માન પર લઇ જવામાં આવ્યા જેવી રીતે હઝરત ઇસા(અ.સ.)ને આસ્માન પર ઉઠાવી લેવામાં આવ્યા. જ્યારે કે તેઓ જીવતા હતા અને મર્યા ન હતા.
ઇમામ બાકિર(અ.સ.)એ ફરમાવ્યુ:
કાએમ(અ.સ.)ને પણ ખુદાવંદ આસ્માનની બુલંદીઓ પર લઇ જાશે. ઇદરીસ(અ.સ.)ને ખુદાએ એક ફરિશ્તાની પાંખ પર સવાર કર્યા અને આસ્માનની ફિઝામાં પરવાઝ કરાવ્યા
(મિકયાલુલ મકારીમ (ફારસી) ભાગ: ૧/૨૦૦, તફસીરે મજમઉલ બયાન ભાગ: ૬/૫૧૯ ના હવાલાથી)
ઇમામ સાદિક(અ.સ.)એ સુરએ મરયમની આયત વ રફઅના મકાનન અલીય્યાની તફસીરમાં હઝરત ઇદરીસ (અ.સ.)નુ આસ્માન પર જવુ અને મલેકુલ મૌતથી મુલાકાત કરવી અને પછી ચોથા અને પાંચમાં આસ્માનની દરમિયાનમાં આપની રૂહને કબ્ઝ કરવાના વાકેઆને બયાન કર્યો છે.
(તફસીરે કુમ્મી, અલી બીન ઇબ્રાહીમ કુમ્મી ભાગ: ૨/૫૧. લેખક બીજી સદીના અંત અને ત્રીજી સદી હીજરીની શરૂઆતથી સંબંધ રાખે છે)

તઝક્કુર:

ઇમામ સાદિક(અ.સ.)ની આ રિવાયતમાં એ વાત ધ્યાન આપવા લાયક છે કે જ્યારે હઝરત ઇદરીસ(અ.સ.) ચોથા આસ્માન પર પહોંચ્યા તો જોયુ કે મલકુલ મૌત પોતાના માથાને આશ્ર્ચર્યપૂર્વક હલાવી રહ્યા છે. આપ(અ.સ.)એ મલકુલ મૌતને સલામ કરી અને પુછ્યુ શા માટે માથાને હલાવી રહ્યા છો? મલકુલ મૌતે કહ્યુ: ખુદાએ મને હુકમ આપ્યો કે તમારી રૂહને ચોથા અને પાંચમાં આસ્માનની દરમિયાન કબ્ઝ કરૂ તો મેં ખુદાને કહ્યુ: પરવરદિગાર! કેવી રીતે આ કામને બજાવી લાવુ જ્યારે કે ચોથા આસ્માનની સપાટી (Thickness) પાંચસો વરસના પ્રમાણમાં રસ્તો કાપવા જેટલી છે અને ચોથા આસ્માનથી ત્રીજા આસ્માનની સપાટી ૫૦૦ વરસનો રસ્તો છે અને ત્રીજા આસ્માનની સપાટી પણ ૫૦૦ વરસની જેટલી છે અને આ રીતે દરેક આસ્માનની દરમિયાનનો ફાંસલો આ રીતે છે. આ રૂહને કબ્ઝ કરવી કેવી રીતે શક્ય છે? પછી મલકુલ મૌત ચોથા અને પાંચમાં આસ્માનની દરમિયાન રૂહ કબ્ઝ કરી પરંતુ બીજી રિવાયત પ્રમાણે હઝરતે ઇદરીસ જ્યારે જન્નતની હદોમાં દાખલ થયા તો ખાલિકે અકબર ખલ્લાકે કાએનાતથી અરજ કરી મને અહીં જીવતો રાખ. દુઆ કબુલ થઇ અને હઝરત ઇદરીસ(અ.સ.) આજ સુધી જીવતા છે.
(મિકયાલુલ મકારીમ, ભાગ: ૧/૨૦૧)

તવજ્જોહ:

આટલી લાંબી ઉમ્ર સુધી અલ્લાહે હઝરત ઇદરીસ (અ.સ.)ને આસ્માનની દરમિયાન સફર કરાવી અને આટલી મુદ્દત સુધી જીવતા રાખ્યા.
અલબત્ત ઇબ્ને અબ્બાસની એક રિવાયતમાં મળે છે કે ઇદરીસ(અ.સ.) બેહિશ્તમાં જીવતા છે.
(મિકયાલુલ મકારીમ, ૧/૨૦૦)
ખુલાસો: તુલે ઉમ્ર રોજીંદા ક્રમમાં નથી તો અશક્ય પણ નથી.
હઝરત ખિઝ્ર(અ.સ.) લાંબી ઉમ્રવાળા નબી:
હઝરત ખિઝ્ર(અ.સ.)ની ઉમ્રને અલ્લાહે બહુ જ લાંબી કરી છે અને હજી સુધી જીવતા છે અને આ વાત શીઆ અને સુન્ની આલિમો અને મુસલમાનોની દરમિયાન નિર્વિવાદ છે અને બેશુમાર રિવાયતો તેના માટે સાબિતિ આપે છે અને આપ હજી સુધી એટલા માટે જીવતા છે કે આપની તુલાની ઉમ્ર ઇમામ મહદી(અ.સ.)ની લાંબી ઉમ્રની દલીલ બની રહે.
ઇમામ સાદિક(અ.સ.)એ ફરમાવ્યુ:
અલ્લાહે પોતાના નેક બંદા ખિઝ્ર(અ.સ.)ને લાંબી ઉમ્ર અતા કરી, જે ન તો એટલા માટે કે તેમના માટે નબુવ્વત તકદીર કરી હતી અને ન એટલા માટે કે કોઇ કિતાબ એમના પર નાઝિલ કરે અથવા કાનૂનો અને શરીઅત આપે કે જેના થકી બીજી શરીઅતને રદ કરે અને ન તો એટલા માટે કે કોઇ ઇમામતનો દરજ્જો અતા કરે કે પોતાના બંદાઓ પર તેમની પૈરવીને વાજીબ કરે અને ન તેમની ઇતાઅતને વાજીબ કરે પરંતુ કારણ કે અલ્લાહ તબારક વ તઆલાના ઇલ્મમાં આ વાત પસાર થઇ ચુકી હતી કે કાએમ(અ.સ.)ની ઉમ્ર ગૈબતના સમયમાં લાંબી થશે ત્યાં સુધી કે તેમના બંદાઓ યકીન નહી કરે અને આ તુલાની ઉમ્રનો ઇન્કાર કરશે. અલ્લાહે સાલેહ બંદા હઝરત ખિઝ્ર(અ.સ.)ની ઉમ્રને કોઇ પણ સબબ વગર લાંબી કરી, જેથી કાએમ(અ.સ.)ની તુલાની ઉમ્ર પર દલીલ બની રહે. જેથી ઇન્કાર કરવાવાળા દુશ્મનોની દલીલોને રદ કરી શકાય અને પછી ખુદા પર લોકોની કોઇ હુજ્જત બાકી ન રહી જાય.
(મિકયાલ, ૧/૨૧૬, કમાલુદ્દીન, ૨/૩૫૭ ના હવાલાથી)
(કે બહાનાબાજી ન કરી શકે કે અમને માલુમ જ ન હતુ કે આયુષ્ય લાંબુ પણ હોઇ શકે છે)
એક અન્ય રિવાયતમાં ઇમામ રેઝા(અ.સ.)થી નક્લ થયુ છે કે આપ(અ.સ.)એ ફરમાવ્યુ:
ખિઝ્ર(અ.સ.)એ આબે હયાત પીધુ છે અને કયામત સુધી જીવતા રેહશે. તેઓ હંમેશા અમારી પાસે આવે છે અને અમને સલામ કરે છે. તેમની અવાજ સંભળાય છે, પરંતુ તેઓ પોતે દેખાતા નથી અને જે પણ તેમનો ઝિક્ર કરે છે, તે તેની મજલીસમાં હાજર થાય છે અને તમારામાંથી જે તેમને યાદ કરે છે, તે તેમને સલામ કરે છે. તેઓ દર વરસે હજ માટે હાજર થાય છે. હજના તમામ મનાસિક બજાવી લાવે છે અને અરફાતમાં રોકાય છે. મોઅમેનીનની દુઆ પર આમીન કહે છે અને ખુદાવંદે આલમ અમારા કાએમ(અ.સ.)ની એકલતા અને વેહશતને તેમની ગૈબતના ઝમાનામાં પ્યાર મોહબ્બતમાં બદલી દેશે અને તેમની એકલતાને દુર કરી દેશે.
(કમાલુદ્દીન, ૨/૩૫૭, બાબ: ૩૩, હદીસ નં. ૫૩)

હજના હકીકી અમીર:

જે લોકો હજ પર જઇ ચુક્યા છે અને જે લોકો હજ પર જશે ઇન્શાલ્લાહ, તવજ્જો રાખશો કે ઇમામે અસ્ર(અ.સ.) દર વરસે હજ માટે તશ્રીફ લાવે છે. મક્કામાં, મીનામાં, અરફાતમાં, મશ્અર અને મુઝદલફામાં, સફા અને મરવા તથા કુરબાનગાહમાં, તવાફ અને સઇ દરમિયાન. ટુંકમાં એ કે દરેક જગ્યાએ મૌજુદ હોય છે. એટલા માટે જરૂરી છે કે મોહતરમ હાજીઓ હજના દિવસોમાં આ હકીકી અને રૂહાની અમીરે હજ એટલે કે ઇમામે ઝમાના(અ.સ.)ની પાછળ રહે અને હઝરતના હકમાં દુઆ કરે અને ખુદાવંદ તઆલા પાસે તેમના ઝુહુરની દરખ્વાસ્ત કરે અને હઝરતે ખિઝ્ર(અ.સ.) આપની દુઆઓ પર આમીન કહે. શાયદ હઝરતનો દિદાર નસીબ થઇ જાય.
તુલે ઉમ્ર સામાન્ય નથી તો અશક્ય પણ નથી.

હઝરત ઇલ્યાસ(અ.સ.) તવીલુલ ઉમ્ર નબી:

હઝરત ઇલ્યાસ(અ.સ.) હજી સુધી જીવતા છે અને દર વરસે મરાસિમે હજમાં શિરકત કરે છે. અલ્લામા મજલીસી (ર.અ.)એ પોતાની અમૂલ્ય કિતાબ હયાતુલ કોલુબમાં ત્રણ હદીસો એવી લખી છે જેનાથી સ્પષ્ટ રીતે જાહેર થાય છે કે હઝરત ઇલ્યાસ(અ.સ.)ને લાંબી ઉમ્ર મળી છે. એક હદીસમાં ઇમામ મોહમ્મદ તકી(અ.સ.)થી વર્ણન થયુ છે અને આપે તેને ઇમામ સાદિક(અ.સ.)ના હવાલાથી વર્ણન કર્યુ છે અને ઇમામ સાદિક(અ.સ.)એ પોતાના વાલિદે બુઝુર્ગવાર હઝરત ઇમામ મોહમ્મદ બાકિર(અ.સ.)ના એક બનાવને વર્ણન કર્યો છે કે આપે અને ખુદ ઇમામ સાદિક(અ.સ.)એ સફાના પર્વતની તળેટીમાં એક મકાનમાં હઝરત ઇલ્યાસ(અ.સ.) સાથે મુલાકાત કરી.
આ હદીસમાં હઝરત ઇલ્યાસ(અ.સ.) અને હઝરત ઇમામ મોહમ્મદ બાકિર(અ.સ.)ની વચ્ચે એક વાર્તાલાપ છે. જેમાં અલ્લાહનુ ઇલ્મ, અંબિયાનુ ઇલ્મ અને અંબિયાના અવસીયાના ઇલ્મના બારામાં પ્રકાશ ફેંકવામાં આવ્યો છે. હદીસના આખરી હિસ્સામાં ઇમામ બાકિર(અ.સ.) હઝરત ઇલ્યાસ(અ.સ.)ને ફરમાવે છે:
અમે પણ (રસુલે ખુદા(સ.અ.વ.)ની જેમ) પોતાના ઇલ્મને જાહેર નથી કરતા કારણ કે અમે જાણીએ છીએ કે લોકો અમારી ઇતાઅત નહી કરશે અને અમને ખુદાની તરફથી હુકમ નથી કે અમે તેઓ સાથે જેહાદ કરીએ. હું ચાહુ છુ કે એ સમય તમે તમારી આંખોથી જુઓ કે જ્યારે ઉમ્મતના મહદી જાહેર થાય અને મલાએકા તલવારોથી આલે દાઉદને કત્લ કરે અને હવામાં અગાઉના કાફિરોને અઝાબ કરે અને તેઓની જેવા વિચારો રાખવાવાળા લોકોની રૂહોને તેમના મોઢા અને દાંતોથી મેળવે. પછી એ શખ્સ (ઇલ્યાસ અ.સ.)એ પોતાની તલવાર કાઢી અને કહ્યુ કે આ તલવાર પણ એ તલવારોમાંથી છે. (જેનાથી એ કાફીરોથી જેહાદ કરવામાં આવશે) અને હું પણ એ હઝરતના અન્સારોમાંથી હોઇશુ
(હયાતુલ કોલુબ (ઉર્દુ), ભાગ: ૧, પાના નં. ૫૬૪-૫૬૫, બાબ: ૧૬, ઇમામ મોહમ્મદ તકી(અ.સ.)ની હદીસ નીચે)
આવી જ રીતે અલ્લામા મજલીસી(ર.અ.)એ તફસીરે ઇમામ હસન અસ્કરી(અ.સ.)ના હવાલાથી વર્ણન કર્યુ છે કે રસુલે ખુદા(સ.અ.વ.)એ ઝૈદ બીન અરકમને  ફરમાવ્યુ:
……જનાબે ખિઝ્ર(અ.સ.) અને ઇલ્યાસ(અ.સ.) દરેક હજના સમયમાં દર વખતે એક બીજાથી મુલાકાત કરે છે……
(હયાતુલ કોલુબ, ૧/૫૬૬)

યાદી:

આ બંને રિવાયતોથી જાહેર છે કે હઝરત ઇલ્યાસ (અ.સ.) માત્ર હજી સુધી જીવતા છે એટલુ જ નથી પરંતુ ઇમામ મહદી(અ.સ.)ના ઝુહુરનો ઇન્તેઝાર કરી રહ્યા છે અને અલ્લાહના દુશ્મનોથી જંગ કરશે.
લાંબી ઉમ્ર સામાન્યત: નથી તો અશક્ય પણ નથી.
હઝરત ઇસા(અ.સ.) તવીલુલ ઉમ્ર નબી:
હઝરત ઇસા(અ.સ.) આજ સુધી જીવતા હોવામાં તમામ મુસલમાનો એકમત છે અને તમામ મુસલમાન આ પણ અકીદો રાખે છે કે હઝરત ઇસા(અ.સ.) ઇમામ મહદી (અ.સ.)ના ઝુહુર સમયે આસ્માનથી નાઝિલ થશે અને ઇમામ મહદી(અ.સ.)ની પૈરવીમાં નમાઝ પઢશે. અલ-મુન્તઝરના જુદા જુદા અંકોમાં આ પ્રકરણને લગતી બેશુમાર હદીસો અત્યાર સુધીમાં વર્ણન થઇ ચુકી છે.
યહુદી અને ઇસાઇ આ વાત પર એકમત થયા કે ઇસા (અ.સ.) કત્લ થઇ ગયા. પરંતુ ખુદાવંદે અઝ્ઝ વ જલ્લએ તેઓને જુઠલાવ્યા અને ફરમાવ્યુ:
“વ મા કતલુહો વ મા સલબુહો વલાકિન શુબ્બેહ લહુમ
“અને ન તો તેમને કત્લ કર્યા અને ન તો સુળી પર ચઢાવ્યા પરંતુ તેઓને શંકામાં નાખી દીધા
(સુરએ નિસા(૪), આયત:૧૫૭)
જાણે કે અલ્લાહે ઠપકો આપતા કહ્યુ છે કે ઇમામ મહદી (અ.સ.)ની તુલે ઉમ્રનો ઇન્કાર કરવાવાળાઓ તમે મારી જીવતી જાગતી નિશાનીનો પણ ઇન્કાર કરી રહ્યા છો. હઝરત ઇસા(અ.સ.)ની ઉમ્ર ૨૦૦૦ વરસને વટાવી ચૂકી છે.
તુલે ઉમ્ર સામાન્યત: નથી તો અશક્ય પણ નથી.

હઝરત આદમ(અ.સ.) તવીલુલ ઉમ્ર નબી:

શૈખ સદુક(ર.અ.)એ કમાલુદ્દીનમાં સય્યદુલ આબેદીન વ સય્યદુસ્સાજેદીન ઇમામ અલી ઇબ્નુલ હુસૈન(અ.સ.)થી વર્ણન કર્યુ છે કે આપ(અ.સ.)એ ફરમાવ્યુ:
ફીલ કાએમે મીન્ના સોનનીલ અંબિયાએ……. ફ અમ્મા મીન આદમ વ નૂહુન ફ તુલુલ ઉમ્રે……..
“અમારા કાએમમાં અંબિયાની સુન્નતો હશે…… અને જ્યાં સુધી આદમ(અ.સ.) અને નૂહ(અ.સ.)ની સુન્નતનો સવાલ છે તો તે લાંબી ઉમ્ર છે
(કમાલુદ્દીન, ૧/૩૨૨, બાબ: ૩૧, હદીસ: ૩)
અમે અહીં પ્રથમ હઝરત આદમ(અ.સ.)નો ઉલ્લેખ કરીશુ.
મર્હુમ અલ્લામા મજલીસીએ હયાતુલ કોલુબમાં હઝરત આદમ(અ.સ.)ની વફાત, આપની ઉમ્ર મુબારક, દફન સ્થળ અને તેમના ફરઝંદ હઝરત શીશ(અ.સ.) (હેબતુલ્લાહ) થી વસીય્યતોના સંદર્ભમાં ઘણી હદીસો વર્ણન કરી છે.
ઇમામ સાદિક(અ.સ.)થી મનકુલ છે:
હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)એ ફરમાવ્યુ કે આદમ (અ.સ.)ની ઉમ્ર શરીફ ૯૨૯ વર્ષ થઇ
(હયાતુલ કોલુબ (ઉર્દુ), ૧/૧૪૬,૧૪૭)
સય્યદ ઇબ્ને તાઉસ(ર.અ.)એ ઇદરીસ(અ.સ.)ના સહીફાના હવાલાથી લખ્યુ છે કે આદમ(અ.સ.) ૧૦ દિવસ તાવમાં રહ્યા. તેમની વફાત જુમ્આના દિવસે ૧૫ મી મોહર્રમના થઇ અને અબુ કુબૈસના પહાડની ગુફામાં દફન થયા. તેમની ઉમ્ર એ દિવસથી કે જે દિવસે તેમના શરીરમાં રૂહ દાખલ થઇ વફાતના દિવસ સુધી ૧૦૩૦ વરસ હતી. એમની વફાતના ૧ વરસ અને ૧૫ દિવસ પછી હવ્વા(અ.સ.) બિમાર થયા અને આદમ(અ.સ.)ની બાજુમાં દફન થયા.
સય્યદ ઇબ્ને તાઉસનુ બયાન છે કે મેં તૌરેતના ત્રીજા સફરમાં જોયુ કે આદમ(અ.સ.)ની ઉમ્ર ૯૩૦ વરસ હતી અને આ જ મુદ્દત મોહમ્મદ ઇબ્ને ખાલિદ બર્કીએ કિતાબ “બીદાઅન બય્ન બ રિવાયતે હઝરત સાદિક(અ.સ.) બયાન કરી છે.
(હયાતુલ કોલુબ (ઉર્દુ), ૧/૧૪૬,૧૪૭)
હઝરત આદમ(અ.સ.) મક્કામાં કે નજફમાં?
ઇમામ સાદિક(અ.સ.)એ ફરમાવ્યુ:
હઝરત નૂહ(અ.સ.) જ્યારે કશ્તીમાં હતા તો ખુદાએ તેમને વહી મોકલી કે ખાનએ કાબાની ફરતે સાત વખત તવાફ કરો. જ્યારે તવાફ કરી ચુક્યા અને કશ્તીમાંથી નીચે આવ્યા તે સમયે પાણી તેમના ગોઠણો સુધી હતુ. પછી ઝમીનમાંથી એક તાબુત કાઢ્યુ જેમાં હઝરત આદમ(અ.સ.)ની હડ્ડીઓ હતી તેને કશ્તીમાં દાખલ કર્યા અને કાબાની ફરતે ઘણા તવાફ કર્યા પછી કશ્તી રવાના થઇ અને કુફા પહોંચી. તો ખુદાએ ઝમીનને હુકમ દીધો કે પોતાના પાણીને અંદર ખેંચી લે જેવી રીતે કે તેની શરૂઆત મસ્જીદથી થઇ હતી. પછી નૂહ(અ.સ.)એ તાબુતને નજફે અશ્રફમાં દફન કર્યા
(હયાતુલ કોલુબ (ઉર્દુ), ભાગ: ૧, પાના નં. ૧૪૬ (હઝરત આદમ(અ.સ.) અને હઝરત નૂહ(અ.સ.)ની દરમિયાન ૧૫૦૦ વરસનો ફાંસલો હતો)
અલ્લામા મજલીસી(ર.અ.) ફરમાવે છે કે હદીસોથી સાબિત છે કે હઝરત આદમ(અ.સ.) અને હઝરત નૂહ (અ.સ.) નજફે અશ્રફમાં દફન છે. આથી જે હદીસોમાં આદમ(અ.સ.)નુ મક્કામાં દફન થયા હોવાનો ઝિક્ર છે અને જે હદીસોમાં નજફે અશ્રફમાં, તો તે એના પર આધારિત છે કે પ્રથમ મક્કામાં દફન થયા અને પછી નજફમાં.

ખુલાસો:

હઝરત આદમ(અ.સ.)ની ઉમ્ર ૯૦૦ વરસથી વધારે હતી અને એજ રીતે જનાબે હવ્વાની ઉમ્ર પણ લગભગ એટલી જ હતી.
લાંબી ઉમ્ર સામાન્યત: નથી તો અશક્ય પણ નથી.
હઝરત શીશ(અ.સ.) તવીલુલ ઉમ્ર નબી:
હઝરત ઇમામ હસન(અ.સ.) એ ફરમાવ્યુ:
હઝરત આદમ(અ.સ.) પછી જે શખ્સ સૌ પ્રથમ મબઉસ થયા તે હઝરત શીશ(અ.સ.) હતા. તેમની ઉમ્ર ૧૦૦૦ વરસની હતી.
(હયાતુલ કોલુબ, ૧/૧૪૭)
અલ્લામા મજલીસી(ર.અ.) ફરમાવે છે કે મોટા ભાગના ઇતિહાસકારોએ બયાન કર્યુ છે કે જનાબે આદમ(અ.સ.)ની ઉમ્ર ૨૩૫ વરસની થઇ તો હઝરત શીશ(અ.સ.) પૈદા થયા અને તેમની ઉમ્ર ૯૧૨ વર્ષ હતી.
(હયાતુલ કોલુબ, ૧/૧૪૭)
તુલે ઉમ્ર સામાન્યત: નથી તો અશક્ય પણ નથી.
હઝરત નૂહ(અ.સ.) લાંબી ઉમ્રવાળા નબી:
હઝરત નૂહ(અ.સ.)ને શૈખુલ અંબિયા કેહવામાં આવે છે. ઇમામ સાદિક(અ.સ.) અને ઇમામ હાદી(અ.સ.)થી રિવાયત છે કે હઝરત નૂહ(અ.સ.)ની ઉમ્ર ૨૫૦૦ વર્ષ હતી.
હઝરત કાએમ(અ.સ.) ખાતેમુલ અવસિયા છે અને શીઆ રિવાયતો પ્રમાણે આપની વિલાદત ૧૫ મી શાબાન હિ.સ. ૨૫૫ માં થઇ. આ પ્રમાણે ૧૫ શાબાન હિ.સ. ૧૪૩૬ માં આપની ઉમ્ર મુબારક ૧૧૮૧ વરસ થઇ અને આ ઉમ્ર હજુ હઝરત નૂહ(અ.સ.)ની ઉમ્રની અડધી પણ નથી થઇ.
કુર્આને મજીદે હઝરત નૂહ(અ.સ.)ની તબ્લીગે હિદાયતની ઉમ્રને ૯૫૦ વરસ બયાન કરી છે.
વ લકદ અરસલ્ના નૂહન એલા કવ્મેહી ફ લબેસ ફીહીમ અલ્ફ સનતીન ઇલ્લા ખમ્સીન આમા ફ અખઝહોમત્તુફાનો વ હુમ ઝાલેમુન
“અને અમે નૂહ(અ.સ.)ને તેમની કૌમની તરફ મોકલ્યા પછી તેઓ તેમની વચ્ચે હજારમાં પચાસ વર્ષ ઓછા રહ્યા (૯૫૦ વર્ષ) અને હિદાયત કરતા રહ્યા અને જ્યારે કૌમે તેમનુ માન્યુ નહિ તો છેવટે તોફાને તેમને પકડી લીધા જ્યારે કે તેઓ ઝાલિમો હતા
(સુરએ અન્કબુત, આયત: ૧૪)
આ આયતની પછીની આયતમાં છે
ફ અન્જયનાહો વ અસ્હાબસ્સફીનતે
પછી અમે નૂહ(અ.સ.) અને હોડીમાં સવાર થયેલા લોકોને બચાવી લીધા.
ઇમામ સાદિક(અ.સ.)થી મનકુલ છે કે:
હઝરત નૂહ(અ.સ.)ની ઉમ્ર ૨૫૦૦ વર્ષની હતી. ૮૫૦ વર્ષ નબુવ્વત પર નિયુક્ત થયા પેહલા ૯૫૦ વર્ષ કૌમની હિદાયતનો ઝમાનો ૨૦૦ વર્ષ કશ્તીની તૈયારીમાં પસાર થયા અને ૫૦૦ વર્ષ તોફાન પછી જીવતા રહ્યા. જ્યારે પાણી ઝમીન પરથી સુકાઇ ગયુ તો શહેરોની બુનિયાદ નાખી અને પોતાની ઔલાદને તેમાં વસાવ્યા. જ્યારે બે હજાર પાંચસો વરસ પુરા થયા તો મલકુલ મૌત તેમની પાસે આવ્યા. આપ(અ.સ.) તડકામાં બેઠા હતા. કહ્યુ: અસ્સલામો અલય્ક! હઝરત નૂહ(અ.સ.)એ સલામનો જવાબ દીધો અને પુછ્યુ! અય મલકુલ મૌત શા માટે આવ્યા છો? કહ્યુ: રૂહ કબ્ઝ કરવા માટે અને આમ કહીને ઇજાઝત માંગી કે શું એટલી મોહલત આપી શકો છો કે આ તડકામાંથી છાયામાં આવી જાવ? કહ્યુ: હા. પછી નૂહ(અ.સ.) છાયામાં આવ્યા અને ફરમાવ્યુ: અય મલકુલ મૌત દુનિયામાં મારી જીંદગીની મુદ્દત તડકામાંથી છાયામાં આવવા જેવી હતી. હવે તમને જે કાંઇ હુકમ દેવામાં આવ્યો છે તેને બજાવી લાવો. મલકુલ મૌતે તેમની રૂહને કબ્ઝ કરી લીધી
(હયાતુલ કોલુબ, ૧/૧૪૭)

યાદી:

કુર્આનની ઉપરોક્ત આયત અને રિવાયતની રોશનીમાં એ વાત સ્પષ્ટ થઇ કે હઝરત નૂહ(અ.સ.) ૨૫૦૦ વરસ જીવતા રહ્યા.
તુલે ઉમ્ર સામાન્યત: નથી તો અશક્ય પણ નથી.
નિદાએ ઇમામે અસ્ર(અ.સ.) દરખ્વાસ્ત તરીકે:
લેખના અંતમાં ઇમામે ઝમાના(અ.સ.)ના આ ફરમાન
વ અકસેરૂદ્દુઆઅ બે તઅજીલીલ ફરજે ફ ઇન્ન ઝાલેક ફરજોકુમ
ની તરફ ધ્યાન દોરવા ચાહીએ છીએ કે હઝરત પોતાના ચાહવાવાળાઓને ફરમાવી રહ્યા છે કે મારા ઝુહુરમાં જલ્દી થાય તેના માટે વધુમાં વધુ દુઆ કરો અને તેમાં જ તમારી ભલાઇ છે. શું હઝરતના આ ફરમાનનો આપણે હકારાત્મક જવાબ આપ્યો છે?
હકારાત્મક જવાબ આ છે:
*    આપણે દરેક દસ્તરખ્વાન પર દુઆ વડે હઝરત (અ.સ.)ની નેઅમતનો હક અદા કરીએ.
*    દરેક નમાઝના કુનુતમાં દુઆએ ફરજને જરૂર પઢીએ.
*    દરેક નમાઝ પછી હઝરતની સલામતી અને ઝુહુરના માટે દુઆ કરીએ અને આના બારામાં મફાતિહુલ જીનાન, તોહફતુલ અવામ, વઝાએફુલ અબરાર અને અન્ય કિતાબોમાં બેશુમાર દુઆઓ મૌજુદ છે.
*    ટૂંકામાં ટૂંકી દુઆ: પરવરદિગાર! હઝરત બકીય્યતુલ્લાહના વુજુદે મસઉદને દરેક પ્રકારના ખતરાઓથી મેહફુઝ રાખ.

તુલે ઉમ્રનો મસઅલો અને એહલે તસન્નુન

હઝરત વલીએ અસ્ર ઇમામ મહદી હુજ્જત ઇબ્નીલ હસન અસ્કરી(અ.સ.)ની લાંબી ઉમ્ર એક સમયથી ચર્ચાનો વિષય રહી છે. તશય્યોઅના દુશ્મનોની એ કોશિશ રહી છે કે આં હઝરત(અ.સ.)ની તુલે ઉમ્રનું બહાનુ બનાવીને મહદવીય્યતના અકીદાને રદ કરી દે અને તશય્યોઅની મશ્કરી કરે પરંતુ:
યોરીદુન લેયુત્ફેઉ નૂરલ્લાહે બેઅફ્વાહેહીમ વલ્લાહો મુતીમ્મો નૂરેહી વ લવ કરેહલ્ કાફેરૂન
તેઓ એ ઇરાદો રાખે છે કે અલ્લાહના નૂરને પોતાની ફુંકો વડે બુજાવી નાખે અને અલ્લાહ પોતાના નૂરને સંપૂર્ણ કરનાર છે. ભલેને પછી કાફિરોને અણગમતુ કેમ ન લાગે.
જો કે લાંબી ઉમ્રથી આપણે ટેવાયેલા નથી પરંતુ કોઇ પણ સાચો અને સહીહ અકીદો રાખનાર મુસલમાને આના પર શક કરવો જોઇએ નહી. કારણ કે આ બાબત ખુદાવંદે કાદિર માટે શક્ય છે. ઇલાહી હુકમમાં તુલે ઉમ્ર પ્રચલિત છે અને ઝાતે હક પોતાની મસ્લેહતોના લીધે મખ્લુકાતની જીંદગીને લાંબી અથવા ટૂંકી કરી દે છે.
ફક્ત દીનના એ દુશ્મનો જે તમામ અસરોને પ્રાકૃતિક અને સિતારાઓની અસર બતાવે છે, તેઓ આ બાબત એટલે કે તુલે ઉમ્રને અશક્ય સમજે છે. પરંતુ અગર કોઇ કાદિરે મુત્લક ખાલિક પર અકીદો રાખે છે તે ક્યારેય આ પ્રકારના શક અને શંકામાં મુબ્તેલા થતો નથી. આથી વાતને અગર સમેટી લેવામાં આવે તો બે વાંધાઓ સામે આવે છે.
(અ) આ પ્રકારની લાંબી જીંદગી સામાન્ય રીતે અશક્ય છે.
(બ) અંબિયા(અ.મુ.સ.)ની સિવાય બીજા લોકોમાં આ પ્રકારની જીંદગી અશક્ય છે.
આ બંને વાંધાઓનો આપણે અહીં જવાબ દેવાની કોશિશ કરીશુ. બે અવ્નીલ્લાહે વ તવ્ફીકેહી
મોઅમ્મેરીન (એટલે કે એ લોકો કે જેઓને લાંબી જીંદગી આપવામાં આવી છે)ના ઉદાહરણો:
તમામ મુસલમાનો સર્વાનુમતે આ વાતનો અકીદો ધરાવે છે કે ઉલુલ અઝમ પૈગમ્બર હઝરત નૂહ(અ.સ.) એક લાંબી જીંદગી ધરાવતા હતા અને તેઓએ પોતાની જીંદગીના ઓછામાં ઓછા ૯૫૦ વરસ તબ્લીગે દીનમાં પસાર કર્યા. આ વાતની ગવાહી ખુદ કિતાબે ખુદાએ આપી છે.
વ લકદ અરસલ્ના નૂહન એલા કવ્મેહી ફ લબેસ ફી હીમ અલ્ફ સનતીન ઇલ્લા ખમ્સીન આમા….
અને બેશક અમે નૂહ(અ.સ.)ને તેની કૌમ તરફ મોકલ્યા. પછી તેઓએ તેમની વચ્ચે એક હજારમાં ૫૦ વરસ ઓછા જીંદગી પસાર કરી
(સુરએ અન્કબુત, આયત: ૧૪)
તમામ ઓલમાએ શીઆ અને એહલે તસન્નુન એ વાત પર સહમત છે કે હઝરત ખિઝ્ર(અ.સ.) જે હઝરત નૂહ (અ.સ.)ની બીજી નસ્લમાંથી હતા અને કુર્આને કરીમની દાસ્તાન પ્રમાણે હઝરત મુસા બીન ઇમરાન(અ.સ.)ના હમનશીન હતા અને આજ સુધી હયાત છે.
ઉપરોક્ત બે ઉદાહરણો આપણી વાતને સાબિત કરવા માટે પુરતા છે અને એ સર્વાનુમત બાબતમાંથી છે કે જેના વિશે મુસલમાન ક્યારેય શક નથી કરી શકતા.
ઇતિહાસકારો એક મત છે કે હઝરત લુકમાન(અ.સ.) પણ લાંબી ઉમ્ર ધરાવતા હતા.
અસંખ્ય રિવાયતો અને હદીસોએ પૈગમ્બરે અકરમ(સ.અ.વ.)ના જલીલુલ કદ્ર સહાબી જનાબ સલમાને મોહમ્મદી(ર.અ.)ની લાંબી ઉમ્રનો પણ ઝિક્ર કર્યો છે. અમુકે ત્યાં સુધી લખી દીધુ છે કે તેઓ હઝરત ઇસા(અ.સ.)ના ઝમાનાથી મૌજુદ હતા અને ઉમર બીન ખત્તાબની હુકુમતના સમયમાં ઇન્તેકાલ થયો.
મોહદ્દીસે જલીલુલ કદ્ર શૈખ મોહમ્મદ ઇબ્ને અલી ઇબ્નુલ હુસૈન ઇબ્ને બાબવય્હ કુમ્મી(ર.અ.) જે સદુકના લકબથી પ્રખ્યાત છે, પોતાની કિતાબ કમાલુદ્દીન વ તમામુન્નેઅમતમાં મોટી ઉમ્રવાળા વિશે એક રસપ્રદ વાત લખી છે. આપ લખે છે કે મોઅમ્મેરૂનના વિશે જે ખબરો આપણા સુધી પોંહચી છે તે આપણા માટે ઇમામે ઝમાના(અ.સ.)ની ગૈબતની દલીલ નથી. કારણ કે ગૈબત આપણા માટે પૈગમ્બર (સ.અ.વ.) અને અઇમ્મએ માસુમીન(અ.મુ.સ.)ની રિવાયતો થકી સાબિત છે અને રિવાયતો આપણા માટે એવી રીતે ભરોસાને પાત્ર છે જેવી રીતે ઇસ્લામના ઉસુલો અને શરીઅત અને એહકામની હદીસો. બેશક આ રિવાયતો આપણા માટે મોઅમ્મેરીનની ખબરોથી વધારે ભરોસાપાત્ર અને સનદને પાત્ર છે. આ કિતાબમાં આ પ્રકારની ખબરોને વર્ણવવાનુ બીજુ કારણ એ છે કે આ પ્રકારની ખબરોને વાંચવાનો શૌખ બધાને હોય છે. ચાહે તે સહમત હોય કે વિરોધી અને જ્યારે તેઓ આ ખબરોને વાંચશે તો શક્ય છે કે તે આ કિતાબના અન્ય વિષયોનો પણ અભ્યાસ કરી લેય અને તેનાથી માહિતગાર થઇ જાય. બીજી વાત જે મોઅમ્મેરીનના બારામાં મહત્વ રાખે છે તે એ છે કે અરબોમાં એ આદત હતી કે વંશ અને ખાનદાન લખવામાં તેઓ ખુબ જ ચોક્કસાઇ પૂર્વક કામ કરતા હતા અને એ લોકો જેઓના નામ મોઅમ્મેરીનની યાદીમાં આવ્યા છે તેઓના નામોની સાથો સાથ તેઓના બાપ-દાદાઓના નામનો પણ ઉલ્લેખ છે. તેથી તેઓમાંથી કોઇ પણ કાલ્પનિક નથી પરંતુ હકીકતો પર આધારિત છે.
મોહદ્દીસો અને એ લોકો કે જેઓની રિવાયત હુજ્જત છે (વિવિધ ફિરકાઓ અને જુદી જુદી માન્યતાઓથી સંબંધિત લોકો) એ મોઅમ્મેરીનની ખબરોને વર્ણવી છે અને તેઓના બારામાં ખબરો ઉપરાંત અશ્આર પણ વર્ણન કર્યા છે.
મશ્હુર મોહદ્દીસ, ફકીહ અને મોતકલ્લીમ અબુ સાલેહ હલબી (હિ.સ. ૩૭૪ થી ૪૪૭) એ પોતાની કિતાબ ‘તકરીબુલ મઆરિફ’ માં મોઅમ્મરોનો ઉલ્લેખ કર્યો છે. આમ તો તેમણે અસંખ્ય મોઅમ્મરોનો ઉલ્લેખ કર્યા છે પરંતુ ટૂંકાણને ધ્યાનમાં રાખીને અહીં અમુકનો ઉલ્લેખ કરશું જે વાંચકોને વધારે અભ્યાસનો શૌખ છે, તેઓ ઉપરોક્ત કિતાબનો અભ્યાસ કરી શકે છે.

અમ્ર ઇબ્ને હમહમા અદ્દુસી:

૪૦૦ વરસ જીવતો રહ્યો. તે પોતે પોતાના વિશે કહે છે હું બુઢો થઇ ચુક્યો છું અને મારી ઉમ્ર લાંબી થઇ છે જાણે હું એવા શખ્સ જેવો છું જેને સાપે ડંસ માર્યો હોય અને તેની રાત ખત્મ જ નથી થઇ રહી હોય. મૌતે મને નાબુદ નથી કર્યો પરંતુ ગરમી અને વસંતના કેટલાય વર્ષો મેં જોઇ લીધા છે. ૩૦૦ વરસ તો પસાર થઇ ચુક્યા છે અને હું ઉમ્મીદ રાખુ છું કે ૪૦૦ વરસ પણ પસાર થઇ જશે.
(અલ મોઅમ્મરૂન વલ વસાયા, અબુ હાકિમ સેજીસ્તાની, પાના નં. ૫૮, ક્ધઝુલ ફવાએદ, પાના નં. ૨૯૫)
મુસ્તવગર જેનુ અસલી નામ અમ્ર ઇબ્ને રબીઆ ઇબ્ને કઅબ ઇબ્ને સઅદ ઇબ્ને ઝૈદ ઇબ્ને મનાત ઇબ્ને તમીમ ઇબ્ને મર્રા ઇબ્ને અદ્દા ઇબ્ને તલ્હા ઇબ્ને ઇલ્યાસ ઇબ્ને મઝર
તે ૩૦૦ વરસ જીવતો રહ્યો અને ઘણા બધા અશ્આર કહ્યા.
(અલ મોઅમ્મરૂન વલ વસાયા, પાના નં. ૧૨-૧૪)

ઝોહૈર ઇબ્ને જનાબ

તે ૨૦૦ વરસ જીવતો રહ્યો. તેણે અશ્આર કહ્યા છે, જેનો વિષય આ છે “ચોક્કસ મારી ઉમ્ર ઘણી બધી થઇ ચુકી છે. હવે મને પરવા નથી કે સવાર થાય છે કે રાત. જીંદગીના ૨૦૦ વરસ પુરા કરીને ખરેખર હું થાકી ગયો છું. હવે જીવવાની બિલ્કુલ તમન્ના નથી.
(અલ મોઅમ્મરૂન વલ વસાયા, પાના નં. ૩૪)

ઝુલ્અસ્બગ અદવાની

તે એક ફસીહ શાએર હતો અને અરબના હોકમામાં તેની ગણતરી થતી. અબુ હાતિમની રિવાયત મુજબ તેની ઉમ્ર ૩૦૦ વરસની હતી અને તેનાથી ખુબસુરત અશ્આર વર્ણવ્યા છે.
(આમાલી, સય્યદ મુર્તઝા(ર.અ.), ભાગ: ૧, પાના નં. ૨૪૪ થી ૨૫૧)

રબીઅ ઇબ્ને ઝબગ ફઝારી

તે પણ મોઅમ્મેરીનમાંથી એક હતો. કેહવાય છે કે એક દિવસ તે અબ્દુલ મલિક બીન મરવાન પાસે આવ્યો. અબ્દુલ મલિક: અય રબીઅ! મને કહો કે તમારી ઉમ્ર કેટલી છે અને તમે પોતાની આ લાંબી ઉમ્રમાં કઇ કઇ ચીજોનો મુશાહેદો કર્યો?
રબીઅ: મેં મારા બારામાં આ શેર કહ્યો છે: હું એજ છું જેણે હંમેશની જીંદગીની ઉમ્મીદ કરી છે. બેશક મારી અક્લ સલામત છે અને હું હજરમાં પૈદા થયો છું (હજર એ યમામા શહેરનુ નામ છે અને બની અકીલમાં એક મહોલ્લાનુ નામ છે)
અબ્દુલ મલિક: મેં બચપણમાં આ શેર સાંભળ્યો હતો. અય રબીઅ તુ ખુબ જ ખુશ કિસ્મત છે. તારી જીંદગીની વિગતો મારા માટે બયાન કર.
રબીઅ: મેં ૨૦૦ વરસ ફતરાના ઝમાનામાં પસાર કર્યા છે. (ફતરા એટલે હઝરત ઇસા(અ.સ.) અને પૈગમ્બરે અકરમ(સ.અ.વ.)ની દરમિયાનનો ઝમાનો) એકસો વીસ વરસ જાહેલીય્યતમાં પસાર કર્યા અને ૬૦ વરસ ઇસ્લામમાં જીંદગી વીતાવી.
(કમાલુદ્દીન, ૨/૫૪૯-૫૫૦, અલ આમાલી સય્યદ મુર્તઝા, ભાગ: ૧, પાના નં. ૨૫૩-૨૫૫)

અબ્દુલ મસીહ ઇબ્ને બકીલા

તેની ઉમ્ર ૩૫૦ વર્ષ હતી. તેણે ઇસ્લામનો ઝમાનો પામ્યો પરંતુ ઇસ્લામ કબુલ કર્યો નહિ અને ખ્રિસ્તી મઝહબ પર બાકી રહ્યો.
(અલ આમાલી સય્યદ મુર્તઝા, ભાગ: ૧, પાના નં. ૨૬૦-૨૬૨)

અકસમ ઇબ્ને સૈફી અસદી

તેણે ૩૩૦ વરસ જીંદગી પસાર કરી અને પૈગમ્બરે અકરમ(સ.અ.વ.)નો ઝમાનો પામ્યા. આં હઝરત (સ.)ને જોયા પેહલા જ તેમના પર ઇમાન લાવ્યો હતો. તેનાથી ઘણી બધી હદીસો અને હિકમતવાળી વાતો વર્ણન થઇ છે.
(અલ મોઅમ્મરૂન, પાના નં. ૧૪-૨૫)

સૈફી ઇબ્ને રબાહ

તેની ઉમ્ર ૨૭૦ વર્ષ હતી અને અંતિમ શ્ર્વાસ સુધી તેની અકલ એવી જ સહીહ અને સલામત રહી.
(અલ મોઅમ્મરૂન, પાના નં. ૧૪૬)

ઝબીરા ઇબ્ને સઅદ ઇબ્ને સહમ ઇબ્ને અમ્ર

તેણે ૨૨૦ વરસ જીંદગી વીતાવી પરંતુ ઘડપણ નહોતુ આવ્યુ.
(અલ મોઅમ્મરૂન, પાના નં. ૨૫)

હારિસ ઇબ્ને મુઝલઝ જરહમી

તેની ઉમ્ર ૪૦૦ વરસની હતી અને તેણે ઇસ્લામનો ઝમાનો જોયો પરંતુ મુસલમાન થયો નહિ. જંગે હુનૈનમાં જહન્નમ વાસિલ થયો.
(અલ મોઅમ્મરૂન, પાના નં. ૮)

ખુલાસો:

એ લોકો કે જેમનો ઝિક્ર આ લેખમાં થયો છે એ લોકો માટે કે જેઓ જ્ઞાનોથી જાણકાર છે, અજાણ્યા નથી. એ વાતની તરફ તવજ્જો દેવી જરૂરી છે કે એ શખ્સોમાં ઇલાહી અંબિયા, કાફિરો, મુશ્રીકો, એહલે કિતાબ અને ખુલ્લાહ ગુનેહગારો છે. આથી એ લોકો કે જેઓ એ અકીદો રાખે છે કે ઇમામની લાંબી ઉમ્ર એક અસાધારણ ચીજ છે અને અસાધારણ બાબત ફક્ત અને ફક્ત અંબિયા(અ.મુ.સ.) સુધી સીમીત છે. તેઓનો અકીદો પાયા વગરનો છે. કારણ કે ઉપરોક્ત યાદીમાં નેક અને બુરા બંને પ્રકારના લોકો શામીલ છે. આમ છતા આપણે કહી ચુક્યા છીએ કે કોઇ પણ મુસલમાન ક્યારેય પણ પરવરદિગારની કુદરત પર શક કરી જ શકતો નથી અને અલ્લાહ જેને ચાહે તેને લાંબી ઉમ્ર આપી શકે છે અને જેને ચાહે તેને માના પેટમાં મૌત આપી દે છે.
બલ મત્તઅના હા ઓલાએ વ આબાઅહુમ અત્તા તાલ અલય્હેમુલ ઉમોરો
બલ્કે અમે તેઓને અને તેઓના બાપ-દાદાઓને દુનિયાની થોડીક લઝ્ઝત આપી દીધી. ત્યાં સુધી કે તેઓની ઉમ્ર લાંબી થઇ ગઇ
(સુરએ અંબિયા, આયત: ૪૪)
“યા અય્યોહન્નાસો ઇન કુન્તુમ ફી રય્બીમ મેનલ બઅસે ફ ઇન્ના ખલકના કુમ મીન તુરાબીન સુમ્મ મીન નુત્ફતીન સુમ્મ મીન અલકતીન સુમ્મ મીન મુઝગતીન મુખલ્લતીન વ ગય્ર મુખલ્લકતીન લે નો બય્યેન લકુમ ન નોકીર્રો ફીલ અરહામે મા નશાઓ એલા અજલીમ્મોસમ્મા સુમ્મ નુખરેજોકુમ તીફલન સુમ્મ લે તબ્લોગુ અશુદ્દકુમ વ મીન્કુમ મન યુતવફ્ફા વ મીન્કુમ મન યુરદ્દો એલા અરઝલીલ ઉમોરે લે કયલા યઅલમ મીન બઅદે ઇલ્મીન શય્આ વ તરલ અર્ઝ હામેદતીન ફ એઝા અન્ઝલના અલય્હલ માઅ ઇહતઝ્ઝત વ રબત વ અમ્બતત મીન કુલ્લે ઝવ્જીન બહીજ
“અય લોકો અગર તમને ફરીવાર ઉઠાવવાના બારામાં શંકા છે તો એ સમજી લ્યો કે અમે જ તમને માટીમાંથી પૈદા કર્યા છે. પછી નુત્ફાથી, પછી જામી ગયેલા લોહીથી, પછી ગોશ્તનાં લોથડાથી જેમાંથી કોઇ સંપૂર્ણ થઇ જાય છે અને અમુક ખામીવાળા જ રહી જાય છે. જેથી અમે તમારી ઉપર અમારી કુદરતને સ્પષ્ટ કરી દઇએ. અમે જે ચીજને જ્યાં સુધી ચાહીએ છીએ પેટમાં રાખીએ છીએ અને ત્યાર પછી તમને બાળક બનાવીને બહાર લાવીએ છીએ. પછી જીવતા રાખીએ છીએ જેથી જવાનીની ઉમ્ર સુધી પહોંચી જાવ. પછી તમારામાંથી અમુક ઉઠાવી લેવામાં આવે છે અને અમુકને પસ્ત ઉમ્ર સુધી બાકી રાખવામાં આવે છે. જેથી ઇલ્મના બાદ ફરી કાંઇ જાણવાને લાયક ન રહો અને તમે ઝમીનને મુર્દા જુઓ છો પછી અમે જ્યારે પાણી વરસાવી દઇએ છીએ તો તે લીલીછમ થઇ જાય છે અને દરેક પ્રકારની ખુબસુરત ચીજ ઉગવા લાગે છે
(સુરએ હજ, આયત: ૫)
“વ મા યોઅમ્મરો મીન મોઅમ્મેરીન વલા યુન્કસો મીન ઓમોરેહી ઇલ્લા ફી કિતાબીન ઇન્ન ઝાલેક અલલ્લાહે યસીર
“અને કોઇ પણ લાંબી ઉમ્રવાળાને જે ઉમ્ર દેવામાં આવી છે અથવા ઉમ્રમાં કમી કરવામાં આવે છે, આ બધુ ઇલાહી કિતાબમાં લખેલુ છે અને અલ્લાહ માટે આ બધુ કામ બહુજ આસાન છે
(સુરએ ફાતીર, આયત: ૧૧)
જીંદગીની મુદ્દતને પણ અલ્લાહે પોતાની તરફ સંબંધિત કરી છે. આ એ કાર્ય છે જે પરવરદિગાર પોતાના ઇખ્તિયાર અને હિકમતથી અંજામ આપે છે. તેના ઇખ્તિયાર અને હિકમત પર શક કરવાવાળો માત્ર ઇસ્લામના વર્તુળની બહાર નથી બલ્કે ઇન્સાનીય્યતથી પણ વંચિત છે. ખાસ કરીને અગર તમે સુરએ ફાતિરની આયત ઉપર વિચાર કરો તો રબ્બુલ ઇઝ્ઝતે આ સ્પષ્ટ કરી દીધુ છે કે કોઇની ઉમ્રને લાંબી કરવી અલ્લાહ માટે ખુબ જ સહેલુ છે. આથી શકની કોઇ જગ્યા નથી.
એહલે તસન્નુનના મશ્હૂર આલિમ સિબ્તે ઇબ્ને જવ્ઝી પોતાની કિતાબ તઝ્કેરતુલ ખવાસમાં પેજ-૩૭૭ પર લખે છે:
“તમામ શીઆ એ વાતની માન્યતા ધરાવે છે કે અલ-ખલફુલ હુજ્જત હયાત છે, જીવતા છે અને પોતાની રોજી પોતાના પરવરદિગાર પાસેથી મેળવી રહ્યા છે. તેઓ પોતાના આ અકીદાને સાબિત કરવા માટે અમૂક દલીલો પેશ કરે છે, જેમાંથી અમૂક આ મૂજબ છે:
અસંખ્ય લોકો જેમકે ખિઝ્ર (અ.સ.) અને ઈલ્યાસ (અ.સ.)ને લાંબી ઉમ્ર અતા કરવામાં આવી છે અને કોઇ તેની અસ્લી ઉમ્રથી વાકિફ નથી. તૌરેતમાં એ પણ લખેલુ છે કે ઝુલ્કરનૈન(અ.સ.)ની ઉમ્ર ૩૦૦૦ વર્ષ હતી, પરંતુ મુસલમાનોનો અકીદો છે કે તેમની ઉમ્ર ૧૫૦૦ વર્ષ હતી…
હાફિઝ ગન્જી શાફઇએ ઇમામ(અ.સ.)ની તૂલે ઉમ્રની સ્પષ્ટતા: હઝરત ઇસા(અ.સ.), હઝરત ખિઝ્ર(અ.સ.) અને હઝરત ઇલ્યાસ(અ.સ.)ની લાંબી ઉમ્રથી કરી છે. આ ઉપરાંત તેમણે દજ્જાલ અને ઇબ્લીસની લાંબી ઉમ્રને પણ દલીલ તરીકે ગણાવી છે. અને પોતાની વાતને સાબિત કરવા માટે તેઓ સેહાહે સિત્તામાંથી રિવાયત વર્ણવે છે:
(અલ બયાન ફી અખ્બારે સાહેબિઝ્ઝમાન, પાના-૨૫)
અગર આપણે તૌરેતનો અભ્યાસ કરીએ તો કિતાબ ખિલ્કતનું પાંચમું પ્રકરણ આયત ૫, ૧૧, ૧૪, ૧૭, ૨૦, ૨૩, ૨૭ અને ૩૧માં ઘણા બધા લોકોની લાંબી ઉમ્રનો ઉલ્લેખ છે.
આ અનુસંધાનમાં યોગ્ય છે કે મશ્હુર આલિમે દીન સૈયદ ઇબ્ને તાઉસ(ર.અ.)થી એક દલીલ વર્ણવીએ જે તેઓએ પોતાની કિતાબ ‘કશ્ફુલ મોહજ્જહ’ ફસ્લ ૭૯ માં લખી છે. આપ લખે છે કે આ દલીલ તેઓએ એહલે તસન્નુનની સામે એક મુનાઝેરામાં રજૂ કરી હતી અને તે આ મૂજબ છે: અગર કોઇ શખ્સ બગદાદ શહેરમાં એ દાવો કરે કે તે પાણી પર ચાલી શકે છે, તો તેના આ કારનામાંને જોવા માટે એક મોટો મજમો જમાં થશે અને જ્યારે તે તેનું આ કામ અંજામ આપશે તો લોકો તેના આ કામ પર આશ્ર્ચર્ય કરે છે. બીજા દિવસે એક બીજો શખ્સ આ જ દાવો કરે છે અને તે કામને અંજામ આપે છે. પરંતુ હવે આશ્ર્ચર્યની તિવ્રતામાં કમી આવી જાય છે, કારણકે તેની પહેલા કોઇ આ કાર્ય અંજામ આપી ચુકયો છે. ત્રીજા દિવસે એક ત્રીજો વ્યક્તિ એ જ દાવો કરે છે, પરંતુ હવે મજમો ઓછો હશે. કારણકે બે જણા આ કામને અંજામ આપી ચુકયા છે અને હવે લોકોનું આશ્ર્ચર્ય પણ ઓછુ હશે. જ્યારે દસ અથવા તેનાથી વધારે લોકો તેને અંજામ આપી દે તો લોકો આશ્ર્ચર્ય નહી કરે અને હવે એ વાત લોકોની દરમિયાન મામૂલી વાત ગણવામાં આવશે. જ્યારે તમે ઇસા(અ.સ.), ખિઝ્ર (અ.સ.), ઇલ્યાસ(અ.સ.), ઇદરીસ(અ.સ.) વિગેરેની તૂલે ઉમ્રના માનવાવાળા છો, તો પછી તેમાં આશ્ર્ચર્ય શા માટે કે અલ્લાહ મોહમ્મદ(સ.અ.વ.)ના ખાનદાનના એક શખ્સને તૂલે ઉમ્ર અતા કરે? તમે પોતેજ તમારી કિતાબોમાં એ વાત વર્ણવી છે કે એક શખ્સ આખી દુનિયાના ખૂણે ખૂણાને, પૂર્વથી લઇને પશ્ર્ચિમ સુધી અદ્લો ઇન્સાફથી ભરી દેશે, જેવી રીતે તે ઝુલ્મો જૌરથી ભરેલી હશે. ચોક્કસ આ બાબત એટલે કે દુનિયાનું ઇન્સાફથી ભરાઇ જવુ, ઇમામ મહદી(અ.ત.ફ.શ.) ની તૂલે ઉમ્રથી વધારે આશ્ર્ચર્યથી ભરેલુ છે. તમે એ પણ લખ્યુ છે કે ઇસા(અ.સ.) ચોથા આસ્માનથી જમીન ઉપર તશ્રીફ લાવશે અને ઇમામ મહદી(અ.સ.)ની ઇમામતમાં નમાઝ અદા કરશે. ખરેખર આ વાત પણ મહદી(અ.સ.)ની તૂલે ઉમ્રથી વધારે આશ્ર્ચર્ય પામનારી છે!!! આ સ્પષ્ટ દલીલો પછી શકનો કોઇ અવકાશ નથી, જ્યારે ઇતિહાસમાં એટલા બધા લોકો લાંબી ઉમ્ર વિતાવી ચૂક્યા છે અને જેનો ઝિક્ર તૌરેત, ઇન્જીલ, ઇતિહાસ, કુર્આન અને અહાદિસમાં પણ મૌજૂદ છે, તો પછી આશ્ર્ચર્ય શેનુ? આશ્ર્ચર્ય તો એ છે મુસલમાન ઇબ્લીસ અને દજ્જાલની લાંબી જીંદગી પર શક નથી કરતો, પરંતુ જ્યારે હુજ્જતે ખુદાની વાત આવે તો તેના દિમાગમાં ખરાબી ભરાઇ જાય છે. શક્ય છે આ પણ ઇબ્લીસનો વસવસો હોય, જે તેને ખુદા અને હુજ્જતે ખુદાથી દૂર કરવાની કોશિશ કરી રહ્યો છે.
“ફઅ્તબેરૂ યા ઓલિલ અબ્સાર….
“પછી ઇબરત હાસિલ કરો અય દ્રષ્ટિવાળાઓ…
—૦૦૦—

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *