ઇમામ મહદી (અજ.)નો અકીદો અને સુન્ની આલીમો

Print Friendly, PDF & Email

દરેક ઝમાનાના એક ખાસ ઇમામ હોય છે. અમૂક લોકો ઇમામનો અર્થ કુરઆને કરીમ કરે છે જ્યારે કે અમૂક લોકો બીજા કોઇને ઇમામ માને છે. કુરઆને કરીમ કોઇ એક ઝમાનાની કિતાબ નથી બલ્કે દરેક ઝમાના માટે છે.

જ્યારે સુરએ બની ઇસ્રાઇલની ૭૧મી આયતનો અભ્યાસ કરીએ ત્યારે ઝમાનાના ઇમામની ચર્ચા અત્યંત જરૂરી બની જાય છે.

“જે દિવસે અમે દરેક ટોળાને તેના ઇમામ સાથે બોલાવીશું.

ઉપરોક્ત આયતના સંદર્ભમાં રસુલે ખુદા (સ.અ.વ.)ની મશ્હૂર અને જાણીતી હદીસ જે સુન્ની અને શીઆ હદીસકારોએ જુદા જુદા અંદાજમાં નકલ કરી છે કે

“જે શખ્સ પોતાના ઝમાનાના ઇમામની મઅરેફત વગર આ દુનિયામાંથી ચાલ્યો જાય તો તેનું મૃત્યુ જાહેલિય્યતનું મૃત્યુ હશે.’

આ મહત્ત્વના અકીદાના બારામાં અમૂક લોકો એવું માને છે કે હઝરત ઇમામ મહદી (અ.સ.)નો અકીદો માત્ર શીઆઓના પોતાના દિલની સાંત્વના માટે એક ઘડી કાઢેલો અકીદો છે, જે તેઓએ ઇતિહાસમાં પરાજ્યનો સામનો કર્યા પછી તૈયાર કર્યો છે.

લોકોના મતે અમને મજબુર કર્યા કે આપણે જોઇએ કે શું ખરેખર ઇમામ મહદી (અ.સ.)નો અકીદો માત્ર શીઆઓનો અકીદો છે કે પછી બીજા કોઇ ફીરકામાં પણ આ અકીદો જોવા મળે છે?

જ્યારે આપણે બીજી વિચારધારાના આલીમોની કિતાબોનો અભ્યાસ કરીએ છીએ ત્યારે જણાય આવે છે કે તેઓની વિશ્ર્વાસપાત્ર કિતાબો મહદી (અ.સ.)ના અકીદાથી ભરી પડી છે. એટલું જ નહિં પરંતુ તેઓ તેને એક નિર્મળ ઇસ્લામી અકીદો ગણે છે. તદ્ઉપરાંત કિતાબોમાં વારીદ થયેલી હદીસોને મોતવાતીર હોવાનું સ્વિકારે છે.

ઇમામ મહદી (અ.સ.)નો અકીદો અને કુરઆને કરીમ :

“જેથી તેને બીજા બધા (દીનો) ઉપર ગાલીબ કરશે પછી ભલે નાસ્તિકોને અણગમતું (કેમ ન) લાગે.

(સુરએ તૌબા : ૩૩)

આ આયતની તફસીરમાં જનાબ સઇદ બીન જોબૈર (રઝી.) ફરમાવે છે કે તેનો અર્થ હઝરત ફાતેમા ઝેહરા (સ.અ.)નાં વંશમાંથી હઝરત ઇમામ મહદી (અ.સ.) છે.

તેની આ તફસીર જનાબ હાફીઝ ગન્જી શાફેઇએ તેમની કિતાબ અલ બયાન ફી અખબારે સાહેબુઝઝમાનના પ્રકરણ ૨૫, પાના ૧૫૫ અને શબલન્જીએ નુરૂલ અબ્સારના પાના ૧૮૬ ઉપર નોંધ કરી છે.

આ ઉપરાંત રસુલે ખુદા (સ.અ.વ.)થી નકલ થયેલ રિવાયતોના પ્રકાશમાં બીજી પણ ઘણી બધી આયતોની તફસીર ઇમામ મહદી (અ.સ.)ના ઝુહુરના બારામાં કરવામાં આવી છે. જેમકે જનાબ શયખ સુલયમાન કુન્દુઝી હનફી (મૃત્યુ : હિ. સન. ૧૨૯૩)એ તેમની અમૂલ્ય કિતાબ “યનાબીઉલ મોવદ્દત’ના પ્રકરણ ૭૧માં તે આયતોનું સંકલન કર્યું છે જે ઇમામ મહદી (અ.ત.ફ.શ.) અને તેમના અસ્હાબોના બારામાં ઉતરી છે. તે પૈકી એક રિવાયત સુરએ અમ્બીયાની આયત નં. ૧૦૫ની હેઠળ છે. ઇમામ બાકિર (અ.સ.) અને ઇમામ સાદિક (અ.સ.)થી નોંધ કરતા ફરમાવે છે કે આ આયત કે જેનો તરજુમો  “અને અમે તૌરતે પછી ઝબુરમાં લખી દીધું છે કે દુનિયાના વારસ મારા નેક બંદાઓ હશે.

અહિં નેક બંદાઓથી મુરાદ કાએમ (અ.સ.) અને તેમના સાથીદારો છે. તેવી જ રીતે અલ ફોસુલુલ મોહિમ્મામાં ઇબ્ને સબ્બાગે માલેકી પ્રકરણ ૧૨ પાના ૩૪૫માં સુરએ ઝુખ્રૂફ આયત ૬૧ની હેઠળ ફરમાવે છે.

“મહદી (અ.સ.)એ છે જેઓ આખર ઝમાનામાં હશે અને તેમના ઝુહુર પછી કયામત અને તેની નિશાનીઓ જાહેર થશે. એટલે કે ઇમામ મહદી (અ.સ.)નો ઝુહુર કયામતની નજીક થશે.’

આ જ પ્રકારની રિવાયત અબ્દુલ્લાહ બીન મસ્ઉદે રસુલે ખુદા (સ.અ.વ.)થી નોંધ કરી છે. જેને  અબુ સઇદે ખુદરી અને અબુ હુરયરાએ પણ નોંધ કરી છે. અને મસ્નદે અહમદ ૧/૩૭૬, સોનને તિરમીઝી, ભાગ-૬, કિતાબ ૩૪, પ્રકરણ-૫૨, હદીસ ૨૨૩૧ પાના નં. ૧૫૦૫, અને મજમઉઝ ઝવાએદ (હયસમી ૭/૩૧૫)માં નીચે મુજબની હદીસની નોંધ કરવામાં આવી છે:

“કયામત ત્યાં સુધી નહિં આવે કે જ્યાં સુધી મારી એહલેબૈતમાંથી એક માણસ જાહેર નહિં થાય. જેનું નામ મારૂં નામ હશે. એટલે કે કયામતનું આવવું ચોક્કસ છે અને આ હદીસના પ્રકાશમાં જ્યાં સુધી ઇમામ મહદી (અ.સ.)નો ઝુહુર નહિં થાય ત્યાં સુધી કયામત નહિં આવે.’

આ આધારે આપણે કહી શકીએ છીએ કે કયામતની જેમ હઝરતનું ઝુહુર પણ નિશ્ર્ચિત અને ચોક્કસ છે.

સુરએ શુરા આયત નં. ૧૮ કે “તે લોકો કે જેઓ કયામતમાં શંકા કરે છે તેઓ ખુલ્લી ગુમરાહીમાં છે. ની નીચે યનાબીઉલ મોવદ્દત પ્રકરણ : ૭૧, પાના નં. ૪૨૫ પ્રકાશન ઇસ્તંબુલમાં મુફઝઝલથી રિવાયતની નોંધ કરવામાં આવી છે કે : જ્યારે મુફઝઝલે આ આયતનો અર્થ ઇમામ સાદિક (અ.સ.)ને પુછયો ત્યારે ઇમામ (અ.સ.)એ ફરમાવ્યું :

“શંકાશીલ લોકો પૂછશે કે આપ (મહદી અ.સ.) ક્યારે પેદા થયા? તેમને કોણે જોયા? તેઓ (અ.સ.) અત્યારે ક્યાં છે? તેઓ (અ.સ.) ક્યારે જાહેર થશે? તો અય મુફઝઝલ! આ બધી વાતો ખુદાવંદે આલમની કઝા અને કદ્રમાં શંકા કરવા માફક છે. તથા આ તે લોકો છે જેઓ દુનિયા અને આખેરતમાં નુકસાન ઉઠાવશે.’ આજ પ્રકારની બીજી રિવાયત સોદૈરે સયરફીથી જોવા મળે છે. “લાંબી ગયબતના કારણે લોકો ઇન્કાર કરવા લાગશે અને ગુમરાહીની વાતો કરવા લાગશે કે હજી તેઓ પેદા નથી થયા અથવા અમૂક કહેશે કે પેદા તો થયા પરંતુ મૃત્યુ પામ્યા અમૂક લોકો કહેશે કે અગિયારમાં ઇમામ (અ.સ.)ની કોઇ અવલાદજ ન હતી….. અમૂક કહેશે કે હઝરત કાએમ (અ.સ.)ની રૂહ કોઇ બીજાના શરીરમાં રાખી દેવામાં આવી છે. આ બધી અયોગ્ય, અશોભનીય અને વિરોધાભાસી વાતો બાતિલ છે.’ આજ રિવાયત અબ્દુલ્લાહ બિન મસ્ઉદે હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)થી નોંધ કરી છે.

આની સાથે મળતી આવતી એક રિવાયત લેસાનુલ મીઝાન ઇબ્ને હજરે અસ્કલાની ૫/૧૩૦ અને જનાબે જાબીર બીન અબ્દુલ્લાહ હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)થી નોંધ કરે છે કે “જેણે ઇમામ મહદી (અ.સ.)ના ઝુહુરનો ઇન્કાર કર્યો તેણે એ બધી વાતોથી કુફ્ર કર્યું; જે મોહમ્મદ (સ.અ.વ.) ઉપર ઉતરી છે.’

ઉપર દર્શાવેલ રિવાયતોથી જણાય આવે છે ઇમામ સાદિક (અ.સ.)એ ઇમામ મહદી (અ.સ.) સંબંધિત જે પ્રકારના ઇખ્તેલાફની આગાહી કરી હતી તે શબ્દશ: સાચી સાબિત થઇ છે.

હઝરત ઇમામ મહદી (અ.સ.)નો ઇન્કાર એટલા માટે કુફ્ર ઠેરવવામાં આવ્યો છે કારણ કે હઝરત ઇમામ મહદી (અ.સ.)નો અકીદો ઇસ્લામના નિર્મળ ઉસુલોમાંનો એક ઉસુલ છે. જેની ચર્ચા આયતો અને રિવાયતોમાં કરવામાં આવી છે. તેમ છતાં પણ કોઇ માણસ ઇમામ મહદી (અ.સ.)ના અકીદાથી ઇન્કાર કરે તો તે ઇસ્લામમાંથી નીકળી જાય છે ખુદાવંદે આલમ આપણને સૌને આખર ઝમાનાની ગુમરાહીથી સુરક્ષિત રાખે.

આવો, હવે આપણે જોઇએ કે આ હદીસો મોતવાતીર છે કે નહિં અથવા તો તેના તવાતુરના બારામાં બીજા ફીરકાઓની કિતાબોમાં શું જોવા મળે છે. આ બાબતે સવાએકુલ મોહર્રેકા પ્રકરણ ૧૧, ભાગ – ૧, પાના નં. ૨૫૪ ઉપર અબુલ હસન આબરીથી રિવાયત છે કે આ રિવાયતો મોતવાતીર છે અને અસંખ્ય રાવીઓએ રસુલે ખુદા (સ.અ.વ.)થી રિવાયતોની નોંધ કરી છે.

“તેઓ જાહેર થશે અને તેઓ આપની એહલેબૈત (અ.સ.)માંથી હશે. તેઓ દુનિયામાંથી અત્યાચાર અને અન્યાયનો નાશ કરીને એક ન્યાયી હુકુમતને સ્થાપિત કરશે અને તેમના ઝમાનામાં હઝરત ઇસા (અ.સ.) જાહેર થશે અને તેમનો ઝમાનો હઝરત ઇસા (અ.સ.)નો પરત ફરવાનો સમયગાળો  હશે અને હઝરત ઇસા (અ.સ.) તેમની પાછળ નમાઝ પઢશે.’

અબુલ હસન આબરી સુન્નીઓના ઉચ્ચ કક્ષાના આલીમ છે. તેઓનું પુરૂં નામ મોહમ્મદ બીન હુસયન બીન ઇબ્રાહીમ આબરી સજસ્તાની (મૃત્યુ હિ.સ. ૩૬૩) છે. “મનાકેબુશ્શાફેઇ’ તેમની ખૂબજ મશ્હૂર કિતાબ છે.

અલ મુકદ્દમામાં ઇબ્ને ખલ્દુન પાના નં. ૩૬૭ ઉપર લખે છે કે :”બધા મુસલમાનોમાં આ વાત દરેક ઝમાનામાં પ્રચલિત રહી છે કે આખર ઝમાનામાં એક માણસનું જાહેર થવું જરૂરી છે જે આપની એહલેબૈત (અ.સ.)માંથી હશે. જે દીનમાં એક સ્તંભની માફક હશે, ન્યાય અને સમાનતાને સ્થાપિત કરશે, મુસલમાનો તેમનું અનુસરણ કરશે, તેઓ બધા ઇસ્લામી દેશો ઉપર કબ્જો મેળવશે અને તેમનું નામ મહદી (અ.સ.) હશે.’

હમ્બલી માન્યતાના ફકીહ જનાબ શમ્સુદ્દીન મોહમ્મદ સફારી (૧૧૧૪ થી૧૧૮૮) તેમની નઝમ “અદ દુર્રતુલ મોઝીઅહ ફી અકીદતુલ ફીરકતુલ મરઝીય્યહ’માં ઇમામ મહદી (અ.સ.)ના અકીદા અને તેમના ઝુહુર અંગે લખે છે.

“કયામતની નિશાનીઓના બારામાં જે કાંઇ કુરઆન અને હદીસમાં આવ્યું છે તે બધુ સાચું છે તેમાં કોઇ શંકા નથી.’

તે પછી આ રીતે લખે છે : “ઇમામ મહદી (અ.સ.)ના ઝુહુરના બારામાં એટલી રિવાયતો છે જે મઅનવી તવાતુરની હદ સુધી છે અને આ વાત સુન્ની આલીમોની નજીક એ રીતે મશ્હૂર છે કે તેઓનો એક અકીદો ગણવામાં આવે છે. આ આધારે ઇમામ મહદી (અ.સ.) ઉપર ઇમાન લાવવું વાજીબ છે અને આ વાત આલીમો દરમ્યાન સંપૂર્ણ રીતે સ્વિકારને પાત્ર છે તેમજ આજ પરિસ્થિતિ શીઆઓની નજીક પણ છે.’

અહિં સુધીના અભ્યાસમાં આપણે એ પરિણામ સુધી પહોંચ્યા છીએ કે મહદી (અ.સ.)નો અકીદો ઇસ્લામનો એક નિર્મળ અકીદો છે અને તેનો ઇન્કાર કરનાર કાફિર છે ભલે પછી તે ગમે તે હેતુથી ઇન્કાર કરે. આ અકીદા અંગે જે પણ રિવાયતો અને હદીસો આવેલી છે તે બધી તવાતુરની હદે છે. આવો, હવે આપણે એ જાણીએ કે ઇમામ મહદી (અ.સ.) ક્યા વંશમાંથી હશે અને રસુલે ખુદા (સ.અ.વ.)ની એહલેબૈત (અ.સ.)થી મુરાદ કોણ લોકો છે?

અરફુલ વરદી ફી અખ્બારીલ મહદી, ૨/૧૬૬ અને જમ્ઉલ વામેઅ ૧/૫માં આબરીથી રિવાયત છે કે ઇમામ મોહમ્મદ બાકિર (અ.સ.)એ ઇમામ ઝયનુલ આબેદીન (અ.સ.)થી, તેમણે તેમના વાલીદ અને તેમણે જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)થી આ રિવાયતની નોંધ કરી છે.

રસુલે ખુદા (સ.અ.વ.)એ ફરમાવ્યું :

“અય ફાતેમા! હું તમને મહદી (અ.સ.)ની આગાહી કરૂં છું તેઓ તમારા વંશમાંથી હશે.’

આ રિવાયત ઇમામ મહદી (અ.સ.)ની ફઝીલતને પણ જાહેર કરે છે. તેનું કારણ એ છે પયગમ્બર (સ.અ.વ.)એ આ વાત જનાબે ફાતેમા (સ.અ.)ને ગર્વના સ્વરૂપે કહી હતી કે ઇમામ મહદી (અ.સ.) તેમના વંશમાંથી છે.

વધુમાં ઇમામ મહદી (અ.સ.) સંબંધિત એ હદીસે કુદસી જે જનાબે જાબીર ઇબ્ને અબ્દુલ્લાહ અન્સારીએ જે લવ્હે ફાતેમી ઉપર લખેલી જોઇ છે અને જે એક આલીમે અત્યંત વિસ્તૃત રીતે બયાન કરી છે.

જનાબે જાબીરે કહ્યું: હું અલ્લાહને ગવાહ નિયુક્ત કરૂં છું કે મેં લવ્હ ઉપર આ લખાણ જોયું છે.

“ખુદાવંદે આલમ કે જે હિકમતવાળો છે તેના  તરફથી આ લખાણ છે તેના નૂર, તેના એલચી, તેના આવરણ અને તેની દલીલ મોહમ્મદ (સ.અ.વ.) માટે. જીબ્રઇલે અમીન આ તકતીને ખુદાની તરફથી લાવ્યા છે. મેં કોઇ નબીની નિમણુંક નથી કરી, તેની મુદ્દત પુરી નથી કરી અને તેનો સમય પૂરો નથી કર્યો સિવાયએ કે તેના એક વસી (વારસદાર)ની જરૂર નિમણુંક કરી છે. મેં તમને બધા નબીઓ ઉપર ફઝીલત આપી છે તથા મેં આપના વસીને બધા વસીઓ ઉપર ફઝીલત આપી છે અને તેમના (અલી અ.સ.) પછી આપના લાડલા નવાસાઓ હસન અને હુસયન (અ.સ.) થકી આપને બુઝુર્ગી આપી છે. તેમની ઇતરતની મોહબ્બત અને નફરતના આધારે લોકોને સવાબ આપીશ અને અઝાબમાં નાખીશ.

તેઓમાંના પહેલા અલી સય્યદુલ આબેદીન (અ.સ.) જે અગાઉના વલીઓની શોભા છે. તેમના પછી તેમના ફરઝંદ મોહમ્મદ (બાકિર અ.સ.) છે. જે મારા ઇલ્મનો ફેલાવો કરશે અને જેઓ મારી હિકમતનો ખજાનો ધરાવે છે. જઅફર (અ.સ.)ના બારામાં ઇન્કાર કરનારાઓ હલાક થશે. હું જઅફર (અ.સ.)ને ઉચ્ચ સ્થાન આપીશ. તેમના શીઆઓ, અન્સારો અને દોસ્તોની બાબત તેમને ખુશ કરીશ. તેમની પછી મેં મુસા (અ.સ.)ને ચૂંટી કાઢ્યા છે. અગર તેઓમાંથી કોઇપણ એકે કોઇ એકનો પણ ઇન્કાર કર્યો તો જાણે તેણે મારી નેઅમતનો ઇન્કાર કર્યો. તથા જે આઠમા (વલી)નો ઇન્કાર કરશે તેણે મારા બધા વસીઓનો ઇન્કાર કર્યો અને ખરેખર અલી (અ.સ.) મારા વલી અને મદદગાર છે. મારા માટે જરૂરી છે કે તેમના ફરઝંદ મોહમ્મદ (તકી) (અ.સ.) થકી તેમની આંખોને ઠંડક પહોંચાડું. જે તેમના પછી તેમના વારસદાર છે તેઓ મારા ઇલ્મના વારીસ અને મારી હિકમતનો ખજાનો ધરાવનાર છે.

તેમના પછી તેમના ફરઝંદ અલી (નકી) (અ.સ.) છે. જે મારા વલી અને મદદગાર છે. તેમની ઉપર સઆદત (ખુશબખ્તી)ને સંપૂર્ણ કરીશ. તેમના વંશમાંથી મારા રસ્તાની દાવત આપનાર અને મારા ઇલ્મનો ખજાનો ધરાવનાર હસન (અ.સ.)ને જાહેર કરીશ. પછી આ સિલસિલાને તેમના ફરઝંદ મ હ મ દ કે જેઓ દુનિયાઓ માટે રેહમત છે, તેમના થકી પરિપૂર્ણ કરીશ. હકીકતમાં આજ હસ્તીઓ મારા સાચા વસી છે. તેમના થકી હું ઘટાટોપ ફીત્નાઓને દૂર કરીશ. હું તેમના થકી ભૂલોની સુધારણા કરીશ. તેમના થકી લોકોને કૈદ અને અટકાયતમાંથી મુક્ત કરીશ. આ જ લોકો ઉપર તેમના દીનની તરફથી સતત દુરૂદ અને રેહમત છે. ખરેખર આ જ લોકો હિદાયત ધરાવે છે અને ઇન્સાનીય્યતના માર્ગદર્શન માટે દિવાદાંડી સમાન છે.’

(ફરાએદુસ સીમતૈન, શયખુલ ઇસ્લામ હમ્વઇ શાફેઇ, પ્રકરણ : ૨/૧૩૭-૧૩૯)

આ હદીસ મૂલ્યવાન હદીસોમાંની એક છે. તેમાં અસંખ્ય ફાયદાઓ અને મુદ્દાઓ છે. આ હદીસમાં હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)ના બાર વારસદારોની સ્પષ્ટ રીતે ઓળખાણ તેઓના નામો અને ખાસીયતોની સાથે આપવામાં આવી છે. આ એજ બાર ખલીફાઓ છે જેનો સંદર્ભ જાબીર (રહ.) એ બયાન કરેલ રિવાયતમાં મૌજુદ છે. જે સચ્ચાઇથી ભરપૂર છે. ઉપરોક્ત હદીસનું વર્ણન “સિહાએ સિત્તાહ’ (સુન્નીઓની છ ભરોસાપાત્ર કિતાબ)માં કરવામાં આવ્યું છે.

અલ્લાહની બારગાહમાં રાત અને દિવસ દોઆમાં મશ્ગુલ છીએ કે તે આપણા મહેબુબ ઇમામના ઝુહુરમાં જલ્દી કરે. આમીન યા રબ્બીલ આલમીન.

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *