Home » અલ-મુન્તઝર માહે શાબાન » ૧૪૨૯ » ઇમામ મહદી (અ.ત.ફ.શ.) વિષે » હઝરત મહદી અ.સ. વિષે વિવિધ ચર્ચાઓ

શેખ મુર્તુઝા અન્સારી (અ.ર.) અને ઇમામે ઝમાના (અ.ત.ફ.શ.)

Print Friendly, PDF & Email

એ ફઝીલતવાળી તીનતનું શું કહેવું કે જેણે પોતાની જાતને ફક્ત એ નૂરના સ્ત્રોતથી નઝદીક જ નહીં પરંતુ પોતાના સંપૂર્ણ અસ્તિત્વને એમના સાયામાં પરવાન ચડાવી. આ નૂર કોઇ સાધારણ નૂર નહોતું પરંતુ આં હઝરત (સ.અ.વ.)નું પવિત્ર નૂર છે કે જેની આસપાસ આ પરવાના તવાફ કરતા રહ્યા. ત્યાં સુધી કે તે રસુલે ખુદા (સ.અ.વ.)ના સલામના હામીલ બન્યા. જેને આપ (સ.અ.વ.)ના પાંચમા જાનશીન સુધી પહોંચાડ્યા.

હા, મારો કહેવાનો મકસદ પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ના મહાન અને અમૂલ્ય સહાબી જનાબ જાબીર ઇબ્ને અબ્દુલ્લાહે અન્સારી (ર.અ.) છે. જેઓએ પોતાના સંપૂર્ણ અસ્તિત્વને ઇસ્મત અને તહારતના ખાનદાનની ખિદમત માટે સમર્પિત કરી દીધું હતું.

આ દુનિયાનો એક રિવાજ છે કે જ્યારે કોઇ માણસને કોઇ ઝળહળતી જીત અને કામ્યાબી હાંસિલ થાય છે ત્યારે લોકો તેના બાપ-દાદાને યાદ કરે છે કે આ ફલાણાનો દિકરો છે કે ફલાણાનો પૌત્ર છે. દુનિયાના આ રીવાજને ધ્યાનમાં રાખીને જરૂરી લાગ્યું કે જ્યારે અલ્લામા શેખ મુર્તુઝા અન્સારી (ર.અ.)નો ઝિક્ર થાય તો તેની શરૂઆત તેમના દાદા જનાબે જાબીર ઇબ્ને અબ્દુલ્લાહે અન્સારીથી થાય.

વાસ્તવમાં તો જનાબે જાબીર બિન અબ્દુલ્લાહે અન્સારી (ર.અ.)ના ખૂનનીએ પાકીઝગી જ હતી કે એમના વંશમાં અલ્લામા શેખ મુર્તુઝા અન્સારી (ર.અ.) જેવા ફરઝંદ પૈદા થયા, કે જેમણે શીય્યતને મજબુત બનાવી તથા મુજતહીદોના સિલસિલામાં એવું આગવું સ્થાન હાંસિલ કર્યું કે આજ સુધી આપને “ખાતેમુલ મુજતહેદીન’ના નામથી યાદ કરવામાં આવે છે. ખરેખર એવું લાગે છે કે ઇસ્મત અને તહારતવાળા ખાનદાનની ખિદમત અને મદદ કરવાનું શેખ મુર્તુઝા (ર.અ.)ને પોતાના બાપદાદાઓ તરફથી વારસામાં મળ્યું હોય. જ્યારે આપણે તેમના જીવન ચરિત્રનો અભ્યાસ કરીએ છીએ ત્યારે જાણવા મળે છે કે તેમનું સંપૂર્ણ જીવન મઝહબી ખિદમત અને ઇમામે વક્તની મદદથી માલામાલ છે.

આપણે અહીંયા શેખ મુર્તુઝા (ર.અ.)ના ભવ્ય વ્યક્તિત્વની ઓળખાણની સાથે સાથે અમૂક પ્રારંભિક હકીકતો ઉપર પ્રકાશ ફેંકીશું.

વિલાદત :

આ આપની ફઝીલત છે કે આપની વિલાદત ઇસ્લામની સૌથી મોટી ઇદ, ઇદે ગદીરના દિવસે હિ.સ. ૧૨૧૪ના રોજ દઝફુલ નામના શહેરમાં થઇ. આપના પિતા અલ્લામા શેખ મોહમ્મદ અમીન હતા કે જેમની ગણના બુઝુર્ગ ઓલમાઓમાં થતી હતી. આપની માતા એક બુઝુર્ગ આલીમની નેક દુખ્તર હતી તથા પોતાના ઝમાનાની પરહેઝગાર, એહલે ઇલ્મ અને મુખ્લિસ ઔરત હતા.

લાક્ષણિક્તાઓ અને વ્યક્તિત્વ:

શેખ મુર્તુઝા અન્સારી (ર.અ.)ના ઇલ્મી વિકાસના વિષે એવું કહેવાય છે કે આપે ફક્ત પાંચ વર્ષની વયે કુરઆને મજીદ શીખ્યું હતું અને ત્યાર પછી બીજા ઇલ્મે દીન જેમકે અદબીયાત, સર્ફ, નહવ, મઆની અને બયાન, મન્તિક અને કલામ તથા ઓલુમે અક્કલી હાંસિલ કરવામાં મશ્ગુલ થયા અને જોતજોતામાં આપે એ બધા ઇલ્મોમાં નિપુણતા કેળવી લીધી. ઉપરોક્ત તબક્કાઓ પસાર કર્યા બાદ આપે ઉસુલ અને ફિકહમાં એવી ખાસ ધ્યાનપૂર્વક મહેનત કરી કે ફક્ત ૧૬ વર્ષની વયે જ ઇજતેહાદનો મહાન દરજ્જો મેળવ્યો. ઇલ્મ અને અમલના મૈદાનમાં આપ એવું મહત્ત્વનું વ્યક્તિત્વ ધરાવતા હતા જેની અસર આજ સુધી ઓલમાઓમાં રોશન અને જાહેર છે.

શેખ મુર્તુઝા (ર.અ.)નું ઇલ્મી વ્યક્તિત્વ એક બલંદ સ્થાન ઉપર બિરાજમાન છે. આપના વિશે ઇતિહાસની કિતાબોમાં ઘણા બધા પ્રસંગો મળી આવે છે જેનાથી આપના આગવા વ્યક્તિત્વનો અંદાજ આવે છે. અમે અહીંયા ટૂંકાણને ધ્યાનમાં રાખીને ખુલાસારૂપે થોડુંક બયાન કરીએ છીએ.

આપના ઉસ્તાદ મર્હુમ શેખ અલી જે શેખ જાઅફર કાશેફુલ ગેતાના ફરઝંદ હતા તેઓ આપના વિશે ફરમાવે છે કે (કોઇપણ) વસ્તુ વિશે સાંભળવું એ તે વસ્તુના જોયા કરતાં શ્રેષ્ઠ હોય છે. પરંતુ સિવાય તમારા, શેખ મુર્તુઝા (ર.અ.) કે જેમને જોવા એ તેમના વિશે સાંભળવા કરતા ઉચ્ચતમ છે.

(ફોકહાએ નામદારે શીઆ, પાના નં. ૩૨૯, શખ્સિયત શેખ અન્સારી, પાના નં. ૪)

મર્હુમ અલ્હાજ મિર્ઝા હબીબુલ્લાહ રશ્તી કે જે શેખ મુર્તુઝા (ર.અ.)ના ૧૦૦ આલીમ તથા મુજતહીદ શાર્ગીદોમાં સૌથી અલગ તરી આવતા શાર્ગીદ હતા. જ્યારે શેખ અન્સારી (ર.અ.) પોતાનો દર્સ સંપૂર્ણ પૂરો કરી લેતા ત્યારે મિર્ઝા રશ્તી બીજા શાર્ગીદો માટે ઉંડાણપૂર્વક સમજણ આપતા હતા. તેઓ પોતાના ઉસ્તાદ શેખ મુર્તુઝા (અ.ર.)ના વિશે ફરમાવે છે કે

“આપ (શેખ મુર્તુઝા ર.અ.) ઇલ્મ અને અમલના દરજ્જામાં ઇસ્મતના દરજ્જાની નઝદીક છે.

(બદાયેઉલ અફકાર, પાના નં. ૪૫૭)

શેખ મુર્તુઝાના વ્યક્તિત્વથી જાહેર થવાવાળી ઘણી બધી કરામતો કિતાબોમાં સંપાદિત થયેલ છે.

ઇમામે ઝમાના (અ.ત.ફ.શ.) સાથે રાબેતો  (સંપર્ક):

જેમકે અમે બયાન કર્યું કે શેખ મુર્તુઝા (અ.ર.)એ પોતાની સંપૂર્ણ ઝિંદગી પોતાના મૌલા  અને આકા હઝરત હુજ્જત અરવાહોના લહુલ ફીદાની ખિદમતમાં એ હદ સુધી વિતાવી કે પોતાની જાતને કમાલની મંઝિલ સુધી પહોંચાડી દીધી. એવો કમાલ કે જે તમામ રૂહાની અને શારીરિક સિફતોથી માલામાલ હતો. આપે ગયબતના ઝમાનાની અતિ મહત્ત્વની અને જરૂરી જવાબદારીઓને અદા કરી અને ઇમામે ઝમાના (અ.ત.ફ.શ.)ની ખુશ્નુદી હાંસિલ કરી. આ બધું આપના નફસની પાકીઝગી, નિર્મળ અમલ, અને દીની કાર્યોને અંજામ આપવાનો ઉત્સાહ અને અઇમ્મા (અ.સ.) પ્રત્યેની નિર્મળ મોહબ્બત જ હતી કે જેના લીધે આપને ઇમામે ઝમાના (અ.ત.ફ.શ.)ની ઝિયારત કરવાનો શરફ હાંસિલ થયો. મરહુમ શેખ મહમુદ અરાકી કે જે આપના શાર્ગીદ હતા, તેઓ અલ્લામા મુર્તુઝા અન્સારી (ર.અ.)ને એ બુઝુર્ગ હસ્તીઓમાં શુમાર કરે છે કે જેઓ ઇમામે ઝમાના (અ.ત.ફ.શ.)ની પવિત્ર ખિદમતમાં હાજર થયા છે અને શેખ અન્સારી (ર.અ.)નો ઝિક્ર આ રીતે કરે છે.

“તેઓમાંથી સાતમા અમારા મહાન અને ભવ્ય શિક્ષક અને અમારી સનદ અને સૌથી વધુ માનનીય શેખ મુર્તઝા અન્સારી (કુદદેસ સિરરોહુ) છે.’

શેખ મુર્તુઝા (ર.અ.)ના ઘણા બધા પ્રસંગો અને કરામતો જાહેર થઇ છે, જે ઇમામે ઝમાના (અ.ત.ફ.શ.)ની મુલાકાતના સૌભાગ્યનું વર્ણન કરે છે. અહિંયા આપણે ફક્ત બે પ્રસંગોનું વર્ણન કરીશું.

(૧) આકા મીર સૈયદ મોહમ્મદ બહબહાની, જેઓ શેખ મુર્તુઝા અન્સારી (ર.અ.)ના એક શાર્ગીદ વડે નકલ કરે છે કે કરબલાએ મોઅલ્લામાં અર્ધી રાત પસાર થઇ ત્યારે હું હમામ (ગુસ્લ) માટે બહાર નિકળ્યો. બહાર બહુજ અંધારૂં હતું આથી ચિરાગ મારા હાથમાં હતો, મેં થોડે દૂર એક શખ્સને જોયો. જેવો હું તેમની નઝદીક ગયો ત્યારે ખબર પડી કે તેઓ શેખ મુર્તુઝા અન્સારી (ર.અ.) છે.

તેમને જોઇને મારી પરેશાની વધી ગઇ કે આટલી મોડી રાત્રે ઓછું દેખાતું હોવા છતાં આવા અંધારામાં આપ ક્યાં જઇ રહ્યા છે. ધીમે ધીમે હું આપની પાછળ પાછળ ચાલવા લાગ્યો. આપ ચાલતા ચાલતા એક મકાનના ખૂણા પાસે જઇને ઉભા રહી ગયા અને દરવાજાની પાસે ઉભા રહી આપે ખૂબજ ધ્યાનપૂર્વક ઝિયારતે જામેઆ પઢી અને પછી તે મકાનની અંદર દાખલ થયા. હું બધી બાબતો તો ન જોઇ શક્યો પરંતુ શેખ (ર.અ.)નો અવાજ સાંભળ્યો જાણે કે તેઓ કોઇની સાથે વાતચીત કરી રહ્યા છે. પછી હું ગુસ્લ કરવા ગયો અને ત્યાર બાદ ઇમામે હુસૈન (અ.સ.)ના હરમમાં જઇ ઝિયારત કરી. તે મુસાફરી પછી જ્યારે નજફે અશરફમાં શેખ (ર.અ.)ની ખિદમતમાં પહોંચ્યો ત્યારે તે રાત્રિના બનાવ વિષે પુછયું. શરૂઆતમાં તેમણે કહેવાનો ઇન્કાર કર્યો, પરંતુ જ્યારે મેં વધારે આગ્રહ કર્યો ત્યારે ફરમાવ્યું :

જ્યારે ઇમામે અસ્ર (અ.ત.ફ.શ.)ની ખિદમતમાં હાજર થવાની પરવાનગી મેળવી લીધી અને તે મકાનની પાસે (જે તને ખબર ન પડી) ગયો અને ઝિયારતે જામેઆ પઢી જ્યારે ફરી ઇજાઝત મળી ત્યારે હું ઇમામ (અ.સ.)ની ખિદમતમાં હાજર થયો અને મહત્ત્વના મસઅલાઓના ઉકેલ પુછયા ત્યારે ઇમામ (અ.સ.)એ મસઅલાઓના જવાબ આપ્યા. ત્યાર બાદ શેખ મુર્તુઝા (ર.અ.) એ મારાથી અહદ લીધો કે જ્યાં સુધી શેખ (ર.અ.) હયાત રહે ત્યાં સુધી આ બનાવને લોકોથી છૂપો રાખે અને કોઇને પણ બયાન ન કરે.

(ઝિન્દગાની અને શખ્સિયતે શેખ અન્સારી (ર.અ.), પાના નં. ૧૦૬, ઇનાયતે હઝરત મહદી એ મવઉદ બેઓલમાઅ વ મરાજેએ તકલીદ, પાના નં. ૮૭)

(૨) શેખ મુર્તુઝા (ર.અ.)ના જીવનમાં એક રસપ્રદ પ્રસંગ જોવા મળે છે. જ્યારે આયતુલ્લાહીલ ઉઝમા અલ્હાજ શેખ મોહમ્મદ હસન સાહેબ જવાહેર (ર.અ.)ની વફાત બાદ લોકોએ શેખ મુર્તુઝા (ર.અ.)ને મરજએ તકલીદ ગણ્યા અને તેમનાથી રીસાલા અને તવઝીહુલ મસાએલની માંગ કરી ત્યારે શેખ અન્સારી (ર.અ.)એ ફરમાવ્યું કે સૈયદુલ ઓલમા માઝન્દરાનીની હાજરીમાં મારી પાસે તવઝીહુલ મસાએલ નથી. તેઓ મારાથી અઅલમ છે અને અત્યારે તેઓ બાબુલમાં રહે છે. હું તેમની મૌજુદગીમાં મરજઇય્યત કબુલ નહીં કરૂં.

શેખ અન્સારી (ર.અ.)એ સૈયદુલ ઓલમા માઝન્દરાનીને કે જેઓ બાબુલમાં રહેતા હતા એક પત્ર લખ્યો, તેમાં વિનંતી કરી કે તેઓ નજફે અશરફ તશરીફ લાવે અને શીઆ હૌઝએ ઇલ્મીયાની સરદારી અને આગેવાની સંભાળી લ્યે.

સૈયદુ ઓલમાએ શેખ અન્સારી (ર.અ.)ને પત્રના જવાબમાં લખ્યું.

એ સાચું છે કે જ્યારે હું નજફે અશરફમાં હતો ત્યારે આપની સાથે મઝહબી વાર્તાલાપ કરતો હતો ત્યારે ફિકહમાં હું આપ કરતાં વધારે બળવાન હતો. પરંતુ હવે છેલ્લા ઘણા વર્ષોથી હું બાબુલમાં રહું છું. દર્સ આપવાનું પણ છોડી દીધું છે તથા મઝહબી વાર્તાલાપ પણ છોડી ચૂક્યો છું. આથી હું આપને મારી જાત કરતાં આઅલમ સ્વિકારૂં છું, માટે આપ પોતે  મરજઇય્યત સ્વિકારી લો.

તેમ છતાં પણ શેખ અન્સારી (ર.અ.)એ કહ્યું કે હું મારી જાતને આ પદવી અને હોદ્દાને લાયક નથી સમજતો.

હા, અગર મારા આકા અને મૌલા ઇમામ વલીએ અસ્ર (અ.ત.ફ.શ.) મને ઇજતેહાદની પરવાનગી આપે અને આ હોદ્દા અને પદવી માટે મને નિયુક્ત કરે તો હું જરૂર કબુલ કરીશ.

પોતાની રોજીંદી ટેવ મુજબ એક દિવસ શેખ અન્સારી બેસીને પોતાના શાર્ગીદોને દર્સ આપી રહ્યા હતા એટલામાં એક એવી શખ્સિયત જાહેર થઇ કે જેમના ઇન્સાની ચહેરા પરથી અઝમત અને જલાલત જાહેર થતી હતી. તેમણે શેખ મુર્તઝા (ર.અ.)ને સંબોધીને એક સવાલ પુછયો.

એક ઔરત કે જેનો પતિ મસ્ખ (રૂપાંતર – અઝાબને લીધે પોતાની મૂળ વસ્તુમાંથી બીજા સ્વરૂપમાં ફેરવાઇ જવું.) થઇ ગયો હોય તેના વિષે આપનો શું મંતવ્ય છે? (જો કે આ મસઅલો કોઇ કિતાબમાં પણ મૌજુદ નથી કારણકે આ ઉમ્મતમાં મસ્ખ થઇ જવાનું અસ્તિત્વ નથી.)

આ કારણે શેખ અન્સારી (ર.અ.)એ જવાબ આપ્યો:

ફિકહની કિતાબોમાં આ મસઅલાને બયાન કરવામાં જ નથી આવ્યો આથી આ મસઅલાનો જવાબ હું નથી આપી શકતો. પેલા શખ્સે પુછયું કે તમે ધારો કે અગર આ ઉમ્મતમાં એક એવો બનાવ બને કે કોઇ ઔરતનો પતિ મસ્ખ થઇ ગયો છે તો એ ઔરતે શું કરવું જોઇએ?

શેખ મુર્તુઝા (ર.અ.)એ કહ્યું :

મારૂં મંતવ્ય (ફતવો) એ છે કે અગર મર્દ કોઇ જાનવરના સ્વરૂપમાં મસ્ખ થયો છે તો તે ઔરતને તલાકનો ઇદ્દો પાળવો પડશે અને ઇદ્દાની મુદ્દત પછી તે નિકાહ કરી શકશે. કારણ કે તેનો પતિ જીવંત છે અને રૂહ પણ ધરાવે છે. પરંતુ અગર તેનો પતિ નિર્જીવ વસ્તુમાં મસ્ખ થયો હોય તો તેની ઔરતને વફાતનો ઇદ્દો પાળવો પડશે. કારણકે તેનો પતિ મુર્દાના સ્વરૂપમાં ફેરવાઇ ગયો છે. તે મુદ્દત પછી તે નિકાહ કરી શકે છે.

પેલા શખ્સે ત્રણ વખત ફરમાવ્યું :

“તમે મુજતહિદ છો, તમે મુજતહિદ છો, તમે જ મુજતહિદ છો.’

ત્યાર બાદ તે શખ્સ તે દર્સમાંથી ઉભા થયા અને બહાર નિકળી ગયા. શેખ અન્સારી (ર.અ.) જાણતા હતા કે તેઓ હઝરત વલીએ અસ્ર (અ.ત.ફ.શ.) હતા, અને તેમણેજ ઇજતેહાદની પરવાનગી આપી છે. આથી, તુરંતજ પોતાના શાર્ગીદોને આપ (અ.સ.)ની શોધખોળ માટે મોકલ્યા. શાર્ગીદો તુરંતજ ઉભા થઇ અને આમ તેમ શોધવા ગયા પરંતુ ઇમામ (અ.સ.) નજરોથી ગાએબ થઇ ચૂક્યા હતા. આ બનાવ બાદ શેખ અન્સારી (ર.અ.) લોકોને તવઝીહુલ મસાએલ આપવા માટે તૈયાર થયા કે જેથી લોકો તેમની તકલીદ કરે.

(ગંજિના એ દાનિશમંદાન, ભાગ – ૮)

આ પ્રસંગથી એ વાત સાબિત થાય છે કે ગયબતના આ સમયમાં ઇમામે અસ્ર (અ.ત.ફ.શ.)ની મરજએ તકલીદ પર એક ખાસ એનાયત રહેલી છે અને ઇમામ (અ.સ.) મરજએ તકલીદની મદદ કરતા રહે છે.

આપની લખેલી કિતાબો :

આપની લખેલી કિતાબોમાં એવી ઘણી કિતાબો છે જે હૌઝએ ઇલ્મીયામાં શીખવવામાં આવે છે. તેમના ફિકહી અને ઉસુલી આસાર વિદ્યાર્થીઓ માટે હિદાયતનો રસ્તો છે. ટૂંકાણને ધ્યાનમાં રાખીને અમૂક કિતાબોનો ઉલ્લેખ અહીં કરીએ છીએ.

૧.      અલ ઇજતેહાદ વ તકલીદ

૨.      ઉસુલે ફિકહ

૩.      તકલીદુલ મૈયત વલ અઅલમ

૪.      તકય્યહ

૫.      અલ હાશીયાહ અલા કવાનીનુલ ઉસુલ

૬.      અલ ખુમ્સ

૭.      મનાસીકે હજ

૮.      સલાતુલ જમાઅત

૯.      અલ ગસ્બ

૧૦.     અલ ફવાએદુલ ઉસુલીય્યહ

૧૧.     અલ મુત્અહ

૧૨.     અલ મકાસીબ

૧૩.     અન નિકાહ

૧૪.     અલ વસિય્યત વ એહકામેહા

૧૫.    ફરાએદુલ ઉસુલ (રસાએલ)

આપની વફાત :

આખરે એ તુટતા તારાઓની જેમ કે જેણે ફિકાહતના આસમાનને પ્રકાશિત કર્યું. જ્યારે આપની ઝિંદગીના ૬૮ વર્ષો વિતી ચુક્યા ત્યારે હક તઆલાની અવાજ પર લબ્બૈક કહીને શનિવારની રાત્રે, જમાદીઉલ આખર, હિ. સન. ૧૨૮૧માં આ ફના થવાવાળી દુનિયાથી હંમેશા બાકી રહેવાવાળી ઝિંદગી તરફ કૂચ કરી ગયા.

ઇન્ના લિલ્લાહે વ ઇન્ના એલયહે રાજેઉન

આ હદીસ આપના વિષે એકદમ બંધબેસતી છે કે :

“જ્યારે કોઇ આલિમની મૌત થાય છે ત્યારે ઇસ્લામમાં એક ખાલી જગ્યા પડી જાય છે અને કયામતના દિવસ સુધી તે ખાલી જગ્યાને કોઇપણ વસ્તુ ભરી શકતી નથી.’

આપના પવિત્ર શરીરને આપના દોસ્તો અને શાર્ગીદોએ મૌલાએ મુત્તકીયાન હઝરત અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ના (રોઝાના) સહેનમાં માટીના હવાલે કર્યું.

અંતમાં પરવરદિગારની બારગાહમાં દોઆ છે કે આપણને એહલેબૈત (અ.મુ.સ.)ની  સિરત પર અમલ કરવાની નેક તૌફીક અતા કરે અને ઇમામે ઝમાના (અ.ત.ફ.શ.)ના ઝુહુરમાં જલ્દી કરે અને આપણને તેમના નાસીર અને મદદગારોમાં શુમાર ફરમાવે. ઇલાહી આમીન.

Have your say!

Add your comment below, or trackback from your own site. You can also subscribe to these comments via RSS.

Be nice. Keep it clean. Stay on topic. No spam.