અને અમે આપના ઝીક્રને આપના માટે બુલંદ કર્યો.

Print Friendly, PDF & Email

વાત જ્યારે બુઝુર્ગીની થાય છે, પ્રગતિ અને ઉચ્ચતાની થાય છે ત્યારે માનવીની ચિંતન અને મનનની શક્તિ કોઇ નુક્તાથી શરૂ કરીને કોઇ અંત અથવા ઉચ્ચતાના માપદંડની શોધમાં સફર કરવા લાગે છે. પરંતુ દરેકની શક્તિ મુજબ વિચારોની ઉડડયનના બાઝ અને પાંખો સાથ આપે છે. જેના પછી તેની પાંખો તૂટી તૂટીને નીચે પડવા લાગે છે અને એક છુપા હલનચલન સિવાય ઉડડયનની તાકાતમાં કાંઇ બાકી રહેતું નથી અને જો કોઇ બહાનું બાકી રહી જાય છે તો તે હયરત અને અચંબો છે. ઉંચાઇ સંકોચાઇ જાય છે ત્યારે કોઇ અજાણ્યા કેન્દ્રની સીમાની કલ્પના આપે છે અને જ્યારે ફેલાઇ જાય છે તો દરેક ચીજ ઉપર છવાઇ જાય છે. જે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની પરિપૂર્ણ કુદરતના યકીનની ખીણોને પ્રકાશિત કરી દે છે. જ્યાં માનવી પોતાની ચિંતન અને મનનની પુરતી પુનરાવર્તન કરતો રહે છે. અને તે અલ્લાહની બારગાહમાં હાથ ઉંચા કરીને કહે છે.

“અય મારા અલ્લાહ હું તારી આ રહેમતનો વાસ્તો આપીને સવાલ કરૂં છું કે જે તમામ વસ્તુઓ ઉપર છવાએલી છે.’

તે સૃષ્ટિનો સર્જનહાર જે સાંભળનારાઓમાં શ્રેષ્ઠ સાંભળનાર છે અને જોનારામાં શ્રેષ્ઠ જોનાર છે. જેની હમ્દ અને પ્રસંશામાં દુનિયાઓના પ્યારા મોહમ્મદ મુસ્તુફા (સ.અ.વ.) એ ફરમાવ્યું છે.

“અય અલ્લાહ તબારક વ તઆલા, તું એ છો કે જે સૌને જોઇ રહ્યો છો અને તું એ છો કે જેને કોઇ જોઇ શકતું નથી અને તારી ઝાત ઘણીજ ઉચ્ચતમ છે અને છેવટે નિ:શંક સૌ તારી તરફ પાછા ફરશે.’

વહીના શબ્દોમાંથી નિકળેલા આ વાક્યો સૂચવે છે કે તેની ઝાત એટલી ઉચ્ચતમ છે કે માનવીની ચિંતન અને મનની શક્તિ તેની સરખામણીમાં ઘણી નિમ્ન છે. એટલે કે દરેક નિમ્ન અને ઉચ્ચ ઉપર તેની દ્રષ્ટિ છે. તે સૃષ્ટિના કણે કણ ઉપર ધ્યાન રાખે છે અને કોઇપણ સર્જનમાં તેને જોઇ શકવાની શક્તિ નથી.

ખુદાવંદે તઆલાએ માનવીને બુદ્ધિ જેવી નેઅમત આપી અનેે તેની ઉંડાઇઓમાં પોતાની તરફ ધ્યાન દોરવા માટે એક નૂરની શમા પ્રગટાવી દીધી. તેના રક્ષણ માટે નબીઓ અને વસીઓની હિદાયતને તેનું ફાનસ બનાવ્યું. આટલી વ્યવસ્થા ગોઠવ્યા પછી માનવીને ધરતી ઉપર તેની લાયકાત મુજબનું રીઝક આપી તેને ખુદમુખ્તારી અતા કરી અને પછી ફરમાવ્યું: અય ઇન્સાન! તું હવે ચાહે તો શુક્ર કરનારાઓની હરોળમાં ચાલ્યો જા અથવા ચાહે તો ઇન્કાર કરનારાઓ દ્વારા ગરદન ઉંચકવાને પોતાના જીવનનો હેતુ બનાવી લે.

આ એક સ્પષ્ટ હકીકત છે કે દરેક વસ્તુ પોતાના કેન્દ્ર તરફ પાછી ફરે છે. જેના માટે વહીના માલિકે ફરમાવ્યું છે કે અય અલ્લાહ તઆલા! દરેક વસ્તુનુ પાછા ફરવું તારીજ તરફ પૂર્ણ થશે.

આ વાક્યમાં શુક્ર કરનાર અને કાફિર બંનેના પાછા ફરવાનો નિર્દેશ છે.

આ પ્રસ્તાવના હેઠળ જરા દુનિયાની તરફ ઉંચી મંઝીલો ઉપર વિચાર કરો. જે બુદ્ધિ અને અક્કલને હયરત અને આશ્ર્ચર્યના વાતાવરણમાં એક છલાંગની કલ્પના ઉપસાવે છે અને તે ધરીની આસપાસ ફર્યા કરે છે. જ્યાં અભિમાની માનવી કહી રહ્યો હોય છે કે જો હવે હું શું છું? હવે હું શું છું? હવે હું શું છું?  આ “હું’ (સ્વ) એ તેને એટલો નશીલો કરી દીધો છે કે તે ખરાબીમાં એટલો આગળ વધી ચૂક્યો છે કે તે સમય દૂર નથી કે જ્યારે જીંદગીના તારમાંથી આગની જવાળાઓ ભડકવા લાગે છે.

આ આશ્ર્ચર્ય પમાડનારી માનવીની પ્રગતિની નજરો બલંદીયો તરફ ત્યાં સુધી પહોંચી છે કે ઇન્સાન વાતાવરણથી આગળ વધીને ત્યાં સેટેલાઇટ સ્થાપિત કરીને દુનિયાના ખૂણે ખૂણાના દ્રષ્યો પોતાના કોમ્પ્યુટર ઉપર બેસીને જોઇ રહ્યો છે. દુનિયાનો ખૂણે ખૂણો તેની નજરોથી છુપાએલો નથી. માનવી ગ્રહો ઉપર ઉતરવાનો સંઘર્ષ કરવામાં એટલી ઉંચાઇ સુધી પહોંચી ચૂક્યો છે કે તેને એક ગ્રહ (મંગળ)ના ભુસ્તરીય પરિસ્થિતિના સંશોધનમાં દરરોજ અક્કલને ચોંકાવનારી હકીકતોનો ઉમેરો થતો રહે છે. આ બધી દોડધામ અને સમગ્ર ધ્યાનનું કેન્દ્ર ઉચ્ચતમ ઉંચાઇ ઉપર પોત પોતાનો ધ્વજ ફરકાવવાનું છે. કોઇ કેન્દ્રીય સ્થળ કે જે વાતાવરણ અને અવકાશમાં હોય કે આ જમીનની સપાટી ઉપર તે આ દુનિયા ઉપર કબ્જો કરવાનો પાયો બની શકે છે અને આ વિચારશ્રેણી રોજબરોજ મજબુત થતી જાય છે. પરંતુ તેઓ કદાચ એ ભૂલી રહ્યા છે કે આ સ્પર્ધાની દોડમાં તે જમીન જ્યાંથી ઉંચાઇઓ ઉપર જવાની સફર શરૂ થાય છે તેની કેવી હાલત થશે? કદાચ આજ પાયો ડગમગવા ન લાગે. આથી દરરોજ વર્તમાન પત્રોમાં આવી રહ્યું છે કે આજે હવામાન ખરાબ થતું જાય છે. સૂર્યના પરાવર્તનમાં ફેરફાર થતો હોવાની નિશાનીઓ જોવા મળે છે. જમીનના પેટાળમાં પરિવર્તનની અસરો જાહેર થઇ રહી છે. ટૂંકમાં અલ્લામા ઇકબાલના કથન મુજબ “ઉરૂજે આદમે ખાકી સે અંજુમ સહમ જાતે હય.’ આ એક કવિનો વિચાર છે તેમ છતાં તેના રંગરાગમાં આ હકીકત સ્પષ્ટ છે કે માનવી બલંદીઓની સફરમાં એટલો ઝડપી બની ગયો છે કે જેનાથી બુદ્ધિ હેરાન છે. એટલે સુધી કે તેને કોઇ માપદંડથી આ સફરની માપણી સિવાય તેની પાસે બીજો કોઇ વિકલ્પ નથી. આ માટી પગો માનવી ગમે તેટલી ઉંચાઇ ઉપર જાય પરંતુ તેની મર્યાદાનું માપદંડ તેની સામે રહે છે તેથી તેને અનંત સુધી લઇ જઇ શકાશે નહિં. હજી તો બલંદીઓનું નામ આપીને માનવીની અદ્યોગતિનું માપ નિકળી રહ્યું છે. તે નથી જાણતો કે તેની પહોંચ સાહેબે મેઅરાજ મોહમ્મદ (સ.અ.વ.)ના મુબારક પગના નિશાનથી કેટલી નીચી છે. જ્યાં આં હઝરતની વાત થઇ રહી છે ત્યાં આ ઉંચાઇઓની ગણતરી સૌથી નિમ્નકક્ષામાં થઇ રહી છે. ત્યાં આ ઉંચાઇ ક્યાંય ગણતરીમાં કે હરોળમાં આવતી નથી.

કેટલું સાચું છે આપણું કુરઆન? કેટલી ભવ્યતા અને ઉચ્ચતા છે આ મહાન કિતાબની? કોણ છે જે આ ફુરકાને હમીદની પ્રસંશામાં પોતાની ઝબાન ખોલે? આ કિતાબ ચૌદ સદીઓ કરતાં વધુ સમયથી દ્રોહી માનવીઓની પ્રકૃતિને ખુલ્લી પાડી રહી છે. કુરઆને કરીમે કેટલીય જગ્યાએ આગાહી કરી છે કે પોતાના જ્ઞાનની પ્રગતિ ઉપર અભિમાની ન બનો. સૌને આ જમીન ખાઇ જશે. ભવ્યતા અને ઉંચાઇ માત્ર અલ્લાહ તઆલા અને તેના રસુલ અને તેની આલ માટે તથા મોઅમેનીનો અને નેક લોકો માટે છે. અને અંતમાં કુદરતે આ કથન લખીને કલમ રોકી લીધી.

“અને અમે આપના ઝીક્રને આપના માટે બુલંદ કર્યો.

એટલે કે આં હઝરતના ઝીક્રને એ ઉંચાઇ બક્ષી છે, તેને એટલું ભવ્ય બનાવ્યું છે કે જે આં હઝરતની શાનને શોભનીય છે. આપના ઝીક્રને ખુદાવંદે આલમે એ મોભો આપ્યો છે કે જે અર્શ સુધી પહોંચે છે. જ્યારે તમામ જીન્નાત અને ઇન્સાનો સાથે મળીને કુરઆને મજીદની એક આયતનું ઉદાહરણ પુરૂં પાડી શકતા નથી તો રસુલ (સ.અ.વ.)ની મહાનતા અને બુલંદીને કોણ જોઇ શકે છે? આ બુલંદીઓનો થોડો જલ્વો અને નૂરના છંટકાવની ઝલક કુદરતે પોતાના દાવાની સાબિતીમાં આપી છે. આ દુનિયાનો એવો કયો ખુણો છે જ્યાં અઝાનનો અવાજ નથી ગુંજી રહ્યો? બંને પૂર્વ અને બંને પશ્ર્ચિમના એવા કયા સમયની એવી કઇ ક્ષણ છે જેમાં શહાદતૈનના દિલમાં બેસી જતા નગ્મા કાનની વાદીમાં વિખરાઇ નથી રહ્યા? અલ્લાહે પોતાના ઝીક્રની સાથે તેના હબીબના ઝીક્રને એ રીતે જોડ્યો છે કે શહાદતૈન વગરની નમાઝ, નમાઝ નથી. જેમકે આખી દુનિયામાં ઇબાદતની જાન ઝીક્રે ખુદા છે અને ઝીક્રે ખુદા, ઝીક્રે હબીબે ખુદાની સાથે સાથે એવી રીતે જોડાયેલો છે કે તેના વગર ઇબાદતની કોઇ કલ્પનાજ થઇ શકતી નથી.

અય તે કે જેની આ કુરઆનની આયત “વ રફઅના લક ઝીકરક”માં પ્રસંશા કરવામાં આવી છે, એ મેઅરાજના માલિક! અય કાબા અને  કવસયનના સ્થળોથી પસાર થનારા! અય તે કે જેનો ઝીક્ર જમીન અને આસમાનથી લઇને બલંદીઓની પરિસિમામાં ગુંજી રહ્યો છે, ખુદાવંદે આલમે જે ઝીક્રને ઉચ્ચતમ ઉંચાઇઓ બખ્શી છે, અય હબીબે ખુદા, અંબિયા અને મુરસલીનના અંતિમ. આપ (સ.અ.વ.) અમારા માટે એ સ્પષ્ટ કરી દયો કે આ ઝીક્રના દામનમાં તેની ચાદરની હેઠળ બીજા કેટલાં નૂર પ્રકાશિત છે.

ઇતિહાસની બારીઓ ખુલી. રિવાયતોના ખજાનામાં આપના મુબારક મુખેથી નિકળેલા વાક્યોથી ઇલ્મની શમા પ્રકાશિત થઇ. આપે ફરમાવ્યું.

“અય અલી તમારો ઝીક્ર એ મારો ઝીક્ર છે અને મારો ઝીક્રએ ખુદાનો ઝીક્ર છે અને ખુદાનો ઝીક્ર ઇબાદત છે.’

૧. મને મારા ખુદાએ ખબર આપી છે.

“મેં આપના ઝીક્રને આપના માટે બુલંદ કર્યો છે આપના જમાઇ અલી (અ.સ.)ના થકી.’

(બેહારૂલ અન્વાર, ભાગ – ૩૬, પાના નં. : ૧૧૬)

૨. “હું અને અલી એકજ નૂરમાંથી છીએ.’

૩. “અય અલી! મારૂં માંસ અને પીઠ તમારૂં માંસ અને પીઠ છે.’

૪. “અય અલી, મારા લોહીમાં ઇમાન જે રીતે ભળી ગયું છે તેવી જ રીતે તમારા ખુનમાં પણ.’

૫. “અય અલી, અગર તમે ન હોત તો મારા પછી મોઅમીનોની ઓળખ ન થાત.’

૬. “અલી હકની સાથે છે અને હક અલીની સાથે.’

(દોઆએ નુદબા)

તેમજ ગદીરે ખુમમાં ફરમાવ્યું :

૭.      “મારા પછી મારા બાર વારસદાર થશે જેમાં પહેલા અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ.) અને અંતિમ મહદી (અ.સ.) થશે.’

૮.      પછી પોતાની આગાહીમાં ફરમાવ્યું :

“અમારા અંતિમ જાનશીનની એક લાંબી ગયબત હશે. તેનું નામ મારૂં નામ હશે. તેની કુન્નિયત મારી કુન્નિયત હશે. તે જ્યારે જાહેર થશે ત્યારે દુનિયામાં ન્યાય અને ઇન્સાફ એવી રીતે સ્થાપિત કરી દેશે જે રીતે આ દુનિયા ઝુલ્મ અને અત્યાચારથી ભરપૂર હશે.’            (દોઆએ નુદબા)

ખુદાવંદે કરીમે ફરમાવ્યું :

“જ્યારે આ દુનિયા, મૃત:પાય થઇ જશે (ત્યારે તે પોતાની સંપૂર્ણ કુદરતથી) આ દુનિયાને જીવંત કરશે.

અને પછી ખુદાવંદે કરીમે પોતાના ખાસ બંદાઓને જાણ કરી દીધી કે:

“જો તમે મોઅમીનમાંથી છો તો બકીય્યતુલ્લાહ તમારા માટે ખૈર છે.

ખુદાવંદે મોતઆલે રસુલે અકરમ (સ.અ.વ.)ના ઝીક્રને ઉંચાઇઓની બધી કક્ષાઓ ઉપર સ્થાપિત કરી દીધા છે અને આજ ઉચ્ચતમ મંઝીલો તરફ અલ્લાહ તબારક વ તઆલાએ ઇમામ હુસૈન (અ.સ.) માટે ફરમાવ્યું :

“અય નફસે મુત્મઇન્નહ! તારા માલિક તરફ પાછો ફર, એટલે એ મંઝીલોની તરફ જેને ખુદાવંદે મોતઆલે સર્વોત્તમ ઉચ્ચતા આપી છે.

રસુલ (સ.અ.વ.)એ વધુમાં જણાવ્યું:

“ઇન્તેઝાર કરો.’

અર્થાંત એ દિવસ નજીક છે જ્યારે મહદી આખેરૂઝઝમાન (અ.સ.)નો ઝુહુર થશે. બની બેઠેલા ફકીહો, ખયાનત કરવાવાળા ઇતિહાસકારો, નાણાંથી ખરીદાએલા હદીસકારો અને આલે મોહમ્મદ (સ.અ.વ.)ના ફઝાએલમાં કમી કરવાવાળા ફીત્નાકારીઓ જે ઇસ્લામની સુરતને બદલવા માટે અથાગ પ્રયત્નો કરી રહ્યા છે. પરંતુ જે કદી થઇ શકશે નહિં, આતંકવાદને ઇસ્લામની પાકીઝા શરીઅતના રક્ષણહાર સમજી રહ્યા છે તેઓ પોત પોતાના ચારિત્ર્યની સજા સુધી પહોંચી જશે. આ આતંકવાદીઓ કેવા લોકો છે? તેઓનો મઝહબ ક્યો છે? ક્યાંક જીવ સટોસટની રમત રમનારા વેચાવ માલની જેવા હોય છે!!

શું તે ફરઝંદે રસુલ (સ.અ.વ.) જે આપણી આશાઓનું કેન્દ્ર છે અને આપણા ઝમાનાના ઇમામ છે. જેમના ઝીક્રને ખુદાવંદે આલમે ઉચ્ચતા બક્ષી છે. શું તેઓ ઇરાકની બરબાદી અને ખૂનરેઝી નથી જોઇ રહ્યા? તે કે જે આસમાનના રહસ્યોને જાણે છે તે શું હવે પછી આવનાર ભવિષ્યના ઝમાનાથી સારી રીતે માહિતગાર નથી? શું તે કે જે શરાફત અને ઇન્સાનીયતના ઇમામ છે તે ઝુલ્મોથી અજાણ છે કે જે ઝાલીમોના હાથે થઇ રહ્યા છે? અને જેઓ શાંતિની વાત કરીને દુનિયામાં હલચલ મચાવી રહ્યા છે?

કસમ છે એ લોહી ભીની સવારની કે જે ઇરાકમાં ઉગે છે અને તે કણસતી સાંજની જે શીઆઓની વસ્તીમાં તેના સમય ઉપર આવે છે અને ચાલી જાય છે. તે કે જે ઝમાનાના મહદી છે તેઓ મઝલુમોની એક એક કણસનો બદલો ઝાલીમો પાસેથી લેશે અને તેઓને પોતાની તલ્વારનું પાણી પીવડાવશે. અય મારા ઇમામે ઝમાના હઝરત મહદી (અ.સ.)! એક નજર તમારા દાદાની આરામગાહ ઉપર કરો. આપને આપના દાદાના ઝીક્રની ઉચ્ચતાનો, માન – મોભાનો વાસ્તો કે જેનો વારસો ખુદાવંદે મોતઆલે આપને અર્પણ કર્યો છે અને જે ચાદરની નીચે આપનો ઝીક્ર સવાર અને સાંજ નૂર બનીને ફેલાઇ રહ્યો છે. તમારા દાદાના હરમની પાસે વસનારા પિડીત મજુરો, શ્રમજીવીઓ, અત્યાચાર સહન કરનારાઓ અને કંગાળોની મદદ કરો.

અમારા સૌની હરપળ આજ દોઆ છે કે અલ્લાહ ઇમામે ઝમાના (અ.સ.) પુરનુર ઝુહુરમાં જલ્દી કરે અને તેમના ગુલામોમાં આપણો શુમાર કરે.

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *