જનાબે ઝયનબ(સ.અ.) કરબલાથી પહેલા

Print Friendly, PDF & Email

જનાબે ઝયનબ(સ.અ.) એટલે કરબલાથી મદીના સુધી દીને મોહમ્મદીને હંમેશની જીંદગી આપવાવાળા એક બા અઝમત ખાતૂન જે બોલવામાં સાહેબે નહજુલ બલાગાહ હઝરત અલી(અ.સ.)ની તસ્વીર હતા, તો અખ્લાકમાં હઝરત ફાતેમા(સ.અ.)ના અરીસા સમાન હતા.

પરવરદિગારે આલમે પહેલી શઅબાન હિ.સ. ૪ ના દિવસે જનાબે ફાતેમા(સ.અ.)ને એક અમૂલ્ય (અજોડ) ભેટ અતા કરી અને તે સમયે એવુ લાગતુ હતુ કે એહલેબૈત (અ.મુ.સ.)ના નૂરાની ઘરમાં એક સિતારો નાઝિલ થયો. જનાબે ઝયનબ(સ.અ.)એ હઝરત મોહમ્મદ(સ.અ.વ.), હઝરત અલી(અ.સ.), જનાબે ફાતેમા(સ.અ.), હઝરત હસન(અ.સ.) અને હઝરત હુસૈન(અ.સ.) જેવી પાકીઝા હસ્તીઓના ખોળામાં આંખ ખોલી.

આ તારીખ શીઆઓની દ્રષ્ટિએ મોઅતબર છે, જો કે જનાબે ઝયનબ(સ.અ.)ની બીજી વિલાદતની તારીખો પણ ઇતિહાસમાં મૌજુદ છે અને તેમની વિલાદતના સંબંધમાં બીજી બાબતો પણ બયાન કરવામાં આવી છે.

જેમકે મિસ્રની એક પ્રખ્યાત લેખિકા આયશા બિન્તે શાતી પોતાની એક કિતાબ “ઝયનબ બતલતે કરબલા (જનાબે ઝયનબ(સ.અ.) કરબલાની એક સૌથી બહાદુર ખાતૂન)માં એક જગ્યાએ કંાઇક આવુ લખવામાં આવ્યુ કે “જનાબે ફાતેમા(સ.અ.)નુ એક બાળક રસુલ(સ.અ.વ.)ના પવિત્ર ઘરમાં (જન્મતા પહેલા જ) મૃત્યુ પામ્યુ, જે હસન (અ.સ.) અને હુસૈન(અ.સ.) પછી ત્રીજુ બાળક હતુ એટલે કે જનાબે ઝયનબ(સ.અ.) આ દુનિયામાં હઝરત મોહસીન (અ.સ.) પછી તશરીફ લાવ્યા, જ્યારે કે એ સાબિત થએલી હકીકત છે કે હઝરત મોહસીન(અ.સ.) ઇમામ અલી(અ.સ.) નુ પાંચમુ બાળક હતા, ત્રીજુ નહી અને તેમને માતાના પેટમાં જ કત્લ કરી દેવામાં આવ્યા હતા. જ્યારે શેહઝાદીએ કૌનેન પોતાના શૌહરની હિફાઝત માટે આગળ આવ્યા તો તેઓને દરવાજા અને દિવાલની વચ્ચે એટલી સખ્તીથી દબાવી દેવામાં આવ્યા કે જેના પરિણામે આપનો હમલ સાકિત થઇ ગયો. (જનાબે મોહસીનની શહાદત થઇ ગઇ)

આ હકીકત ઉપર બતલતે કરબલા કિતાબની લેખિકાએ પરદો નાખવાની કોશિશ કરી છે, જેથી આ નકાબમાં કેટલાય ગુનેહગારોના નાપાક ચેહરાઓ ઢંકાઇ જાય, જેના હાથ આ કત્લથી રંગાએલા છે.

ઇતિહાસમાં નોંધાએલુ છે કે ઇમામ હસન(અ.સ.) અને ઇમામ હુસૈન(અ.સ.) પછી જનાબે ઝયનબ(સ.અ.)ની સુરતમાં કુન અને ફ યકુનના માલિકે જનાબે ફાતેમા(સ.અ.)નો દામન રેહમતોથી ભરી દીધો. આપ હઝરત મોહમ્મદ (સ.અ.વ.)ની પહેલી નવાસી, હઝરત અલી(અ.સ.) અને હઝરત ફાતેમા(સ.અ.)ની પહેલી દુખ્તરે નેક અખ્તર અને ઇમામ હસન(અ.સ.) અને ઇમામ હુસૈન(અ.સ.)ની પહેલી સગી બહેન હતા.

જનાબે ઝયનબ(સ.અ.)ની વિલાદત પછી મૌલાએ કાએનાત અલી(અ.સ.) પોતાના ફરઝંદ ઇમામ હુસૈન (અ.સ.)ની સાથે જનાબે ઝયનબ(સ.અ.)ના ચહેરાએ અનવરની ઝિયારત માટે આવ્યા. જ્યારે ઇમામે હુસૈન(અ.સ.) ની નઝર તેમના નૂરાની ચહેરા પર પડી, તો ખુશીથી ઉછળી પડયા અને ફરમાવ્યુ:

“……અય બાબાજાન! અલ્લાહે મને બહેન અતા કરી છે….

આ સાંભળીને ઇમામ અલી(અ.સ.) બે ઇખ્તીયાર રડવા લાગ્યા. આ રડવાથી ઇમામ હુસૈન(અ.સ.) પરેશાન થઇ ગયા અને પોતાના વાલીદે બુઝુર્ગવારથી રડવાનું કારણ પુછયુ, તેના જવાબમાં અલી(અ.સ.)એ આ રીતે કહ્યુ:

“…..મારા દિકરા આનો જવાબ તમે થોડા સમયમાં જાણી લેશો….

રસુલે અકરમ(સ.અ.વ.) તે સમયે મદીનાથી બહાર સફરમાં ગયા હતા. સરકારે અંબીયા જેવા મુસાફરીમાંથી પરત આવ્યા તો દર વખતની જેમ પહેલા પોતાની દિકરી જનાબે ફાતેમા(સ.અ.)ના ઘરે આવ્યા. ઘરમાં દાખલ થતા જ વિલાદતની મુબારકબાદી આપી. ઇમામ અલી(અ.સ.) આપ (સ.અ.વ.)ની તઅઝીમ માટે ઉભા થઇ ગયા અને પોતાની દિકરીને જનાબે ફાતેમા(સ.અ.)ના ખોળામાંથી લઇને નબી (સ.અ.વ.)ના ખોળામાં રાખી દીધી. નબી(સ.અ.વ.)એ બાળકીને બોસો આપ્યો અને પોતાની જીભને બાળકીના મોં માં રાખી દીધી.

તે સમયે હઝરત જીબ્રઇલ(અ.સ.) નાઝિલ થયા અને ફરમાવ્યું: “અય અલ્લાહના રસુલ(સ.અ.વ.) ખુદાવંદે મુતઆલની તરફથી આ બાળકીનુ નામ ‘ઝયનબ’ (સ.અ.) રાખવામાં આવ્યુ છે આટલુ કહીને તેઓ રડવા લાગ્યા. જ્યારે રસુલે ખુદા(સ.અ.વ.)એ રડવાનું કારણ પુછ્યુ તો જીબ્રઇલ(અ.સ.)એ ફરમાવ્યુ: “અય ખુદાના રસુલ(સ.) આ દિકરીને બાળપણથી જ દુ:ખો અને મુસીબતોનો સામનો કરવો પડશે. સૌથી પહેલી મુસીબત એ હશે કે તેણે આપની જુદાઇમાં રડવુ પડશે. તેના પછી પોતાની માઁ ની જુદાઇમાં (મૃત્યુ ઉપર) આંસુ વહાવશે. પછી પિતા અલી(અ.સ.) અને ભાઇ હસન (અ.સ.) પર રડશે. પછી કરબલાના જંગલમાં પોતાના વ્હાલા ભાઇને ગુમાવી દેશે. તેના પછી કરબલાથી કુફાના બજારો સુધી અને કુફાના બજારોથી શામના દરબાર સુધી આ દિકરી ઉપર ગમ અને મુસીબતોના એવા એવા પહાડો તૂટી પડશે કે જેના લીધે તેમના વાળ સફેદ થઇ જશે અને કમર વાંકી વળી જશે.

આ સાંભળીને રસુલે ખુદા(સ.અ.વ.) બેચૈન થઇ ગયા અને આપની મુબારક આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તે સમયે ઇમામ હુસૈન(અ.સ.) પોતાના પિતાના રડવાનુ કારણ સમજી ગયા. જ્યારે સલમાને ફારસી(અ.ર.)ને વિલાદતની ખબર પડી તો તેઓ મૌલાએ કાએનાત પાસે મુબારકબાદી દેવા આવ્યા. પરંતુ તેમણે મૌલાએ કાએનાતને ગમગીન જોયા તો દુ:ખનુ કારણ પુછ્યુ. મૌલાએ મુત્તકીયાને પુરો વાકેઓ વિગતવાર બયાન કર્યો અને એ તમામ ઝુલ્મો સિતમનો ઝિક્ર કર્યો, તો સલમાને ફારસી(અ.ર.) પણ રડવાવાળાની યાદીમાં શામિલ થઇ ગયા.

રસુલે ખુદા(સ.અ.વ.)એ પોતાની દિકરીનુ નામ ઝયનબ રાખ્યુ, જેના બે અર્થ મળે છે. લેસાનુલ અરબ મુજબ ઝયનબ એક વૃક્ષ છે જે ખૂબ સુરત અને ખુશ કરનાર, ખુશ્બુ દેવાવાળુ છે, અને ફિરોઝાબાદી પોતાની કિતાબ ‘અલ કામુસુલ મુહીત’ માં આ રીતે લખે છે કે ઝયનબ શબ્દ ‘ઝૈન’ અને ‘અબ’ થી બન્યો છે. (શીઆઓની દ્રષ્ટિએ બીજો અર્થ યોગ્ય છે) એટલે કે તે પોતાના પિતા અલી(અ.સ.)ની ‘ઝિનત’ હતા.

એટલા માટે નહી કે તેઓ આપની દિકરી હતા. એટલા માટે પણ નહી કે તેઓ આપના નૂરે મુકદ્દસના ટૂકડો હતા, પરંતુ એટલા માટે કે બચપણથી જ આપ(સ.અ.)એ પોતાની પવિત્ર ઝાતને સૌથી બલંદ સિફતોથી ભરપૂર બનાવી દીધી હતી, બેહતરીન ગુણો અને સિફતોથી પોતાની જાતને તૈયાર કરી લીધી હતી. ઇબાદતો અને સઆદતોના લીધે હકની એ બુલંદી હાસિલ કરી લીધી હતી, જેના લીધે રસુલે ખુદા (સ.અ.વ.)ના જાનશીન હઝરત અલી(અ.સ.)ની ઝિનત બનવાનો શરફ હાસિલ થયો હતો અને તે મહાન શખ્સીય્યતનો અરીસો બની ગયા, જેના નૂરથી ચારેય બાજુએ પ્રકાશિત હતી અને કાએનાત મુનવ્વર હતી.

જનાબે ઝયનબે આલીયા(સ.અ.)ની બુદ્ધિમત્તા, ડહાપણ અને ઇલ્મ અને અક્કલમંદી બાળપણથી જ અસાધારણ અને મશહુર હતી. તેથી કબીલાના લોકો આપને ‘અકીલાએ બની હાશીમ’ કહેતા હતા. દુખ્તરે અલી(અ.સ.) રહેમદિલ અને સખાવતથી ભરપૂર હતા અને તેમનામાં હંમેશા બીજા માટે મોહબ્બત અને હમદર્દીનો જઝબો નઝર આવતો હતો. એક વખત મૌલાએ કાએનાત એક જ‚રતમંદને લઇને ઘરે પહોંચ્યા અને શેહઝાદીએ કોનૈન(સ.અ.)ને ફરમાવ્યુ: “યા ફાતેમા(સ.અ.) શું મેહમાનને જમાડવાનો બંદોબસ્ત થઇ શકશે? તો મઅસુમાએ અઅલમ(સ.અ.)એ ફરમાવ્યુ: “યા અબુલ હસન(અ.સ.) અત્યારે ઘરમાં ખાવા માટે કશુ જ નથી, સિવાય થોડોક ખોરાક કે જે મેં ઝયનબ(સ.અ.) માટે રાખ્યો છે. આ સાંભળીને અકીલાએ બની હાશીમ (જનાબે ઝયનબ સ.અ.) દોડીને પોતાની માતા પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે “અય માદરે ગિરામી જમવાનુ મારા બાબાજાનના મહેમાનને આપી દયો, હું પછી જમી લઇશ આ સાંભળીને માતાએ પોતાની દિકરીને કલેજેથી લગાવી દીધી અને પિતાની આંખોમાં શફકત અને ખુશીની લહેર દોડી ગઇ અને ઇમામ અલી (અ.સ.)એ ફરમાવ્યુ:

તમે ખરેખર પિતાની ઝિનત છો

જનાબે ઝયનબ(સ.અ.)ની પરવરીશ પાંચ મઅસુમોએ કરી અને તેમની તઅલીમ એવી હસ્તિઓ થકી થઇ, જેઓ આયતે તત્હીરના મિસ્દાક હતા. અગર તમે તેમની ઇલ્મી તરબીયતની તરફ નજર કરો તો કલમમાં એ શક્તિ નથી કે તે કાગળ પર ચાલી શકે. કલમ અટકી જશે, શબ્દો ખૂટી જશે, કેમ કે તેમની તરબીયત એક સીર્રે નીહા (છુપો ભેદ) છે, જેમની મઅરેફત કોઇના પાસે નથી કે આપની પાસે કેટલુ ઇલ્મ હતુ? અને આ ઇલ્મ આપની પાસે કેવી રીતે આવ્યુ? પરંતુ તે ચોક્કસ રીતે સાબિત છે કે જે રીતે આપની ઇલ્મી તરબીયત થઇ છે કે તેનો કોઇ જવાબ નથી અથવા તો એમ સમજો કે જેણે સાહેબે નહજુલ બલાગાહ અને જનાબે સિદ્દીકાએ તાહેરા (સ.અ.)થી તરબીયત મેળવી હોય, તો પછી ક્યાં ચર્ચાકાર, લેખક અને મુતકલ્લીમમાં એટલી તાકત છે કે આ ઇલ્મના ખજાના ઉપર રૌશની નાખે જે જનાબે ઝયનબ (સ.અ.)ના સીનામાં છુપાએલુ છે.

જનાબે ઝયનબ(સ.અ.) જ્યારે પાંચ વર્ષના થયા ત્યારે તેમણે એક સ્વપ્ન જોયુ, જે નવાઇભર્યુ હતુ. આપ(સ.અ.)એ જોયુ કે……….

શહેરમાં એક જબરજસ્ત તોફાન આવ્યુ છે. ભયાનક વાવાઝોડુ ચાલી રહ્યુ છે. જમીન અને આસ્માન ભયાનક અંધકારમાં ડુબી ગયા છે. તેઓ પોતે આ તોફાની વાવાઝોડામાં આજુ-બાજુ ચક્કર ખાઇ રહ્યા છે કે અચાનક તેમણે પોતાની જાતને એક મજબુત વૃક્ષને પકડેલી જોઇ. પરંતુ તોફાન એટલુ વધારે સખ્ત હતુ કે આ મજબુત વૃક્ષ પણ ઉખડી ગયુ. પછી તેઓએ એક ડાળીને મજબુતીથી પકડી લીધી, તે તુટી ગઇ. પછી આપે બીજી ડાળીને પકડી અને તે પણ તુટી ગઇ. તેના પછી આપે બે શાખાઓને પકડી લીધી અને તે બંને પણ તુટી ગઇ અને જનાબે ઝયનબ(સ.અ.) કોઇ પણ સહારા વગરના રહી ગયા.

આ સ્વપ્ન જોઇને તે ડરીને જાગી ગયા અને પોતાના નાના રસુલે ખુદા(સ.અ.વ.)ની ખિદમતમાં પહોંચ્યા અને તેમનાથી પોતાના સ્વપ્નને બયાન કર્યુ, તો રસુલે ખુદા (સ.અ.વ.) આ સ્વપ્નને સાંભળીને ખુબ રડ્યા અને ફરમાવ્યુ કે અય ઝયનબ(સ.અ.) એ મોટુ અને મજબુત વૃક્ષ હું છું. તેના પછીની બંને ડાળીઓ તમારા પિતા અલી(અ.સ.) અને તમારા પવિત્ર માતા છે અને તેના પછીની બે ડાળીઓ તમારા બંને ભાઇઓ હસન(અ.સ.) અને હુસૈન(અ.સ.) છે. આ બધા તમારાથી પહેલા આ દુનિયામાંથી ‚ખ્સત થઇ જશે અને તમારે એકલાએ ઝમાનાની મુશ્કેલીઓને સહન કરવી પડશે. બન્યુ પણ તેમજ કે એકલા જનાબે ઝયનબ(સ.અ.)એ એવી મુસીબતોને સહન કરી કે જેનુ કદ પહાડોથી પણ વધારે બુલંદ હતુ.

હજુ આપનુ બાળપણ હતુ કે નાના રસુલે ખુદા (સ.અ.વ.) આ ફાની દુનિયાથી ચાલ્યા ગયા અને તેના પછી થોડા દિવસોમાં માઁ નો છાયો પણ સર પરથી ચાલ્યો ગયો. ગમોની શ‚આત થઇ ચુકી હતી, જે ઝિંદગીની આખરી પળો સુધી આપની સાથે રહી.

ઝમાનાના ચડાવ-ઉતાર (મુસીબતો)એ કમસીન ઝયનબ (સ.અ.)ને આવનારા સમયના મહાન ફરાએઝને અદા કરવા માટે શક્તિશાળી અને મુસ્તહકમ બનાવી દીધા. માતાની શહાદત પછી જનાબે ઝયનબ(સ.અ.)એ કુટુંબની જવાબદારી સંભાળી લીધી અને ખુબ જ સારી રીતે તેને અંજામ આપી. પોતાની જવાબદારીમાં ક્યારેય ભૂલ નથી કરી. આપ બધાનુ ખુલુસતા અને મોહબ્બતથી ધ્યાન રાખતા હતા. પોતાના ભાઇઓ અને બહેનથી આપને ખૂબ જ લાંગણી હતી. ખાસ કરીને ઇમામ હુસૈન(અ.સ.)થી. જેથી એક વખત મઅસુમાએ આલમ(સ.અ.)એ રસુલે ખુદા(સ.અ.વ.)થી કહ્યુ કે અય બાબા જાન! મને ઝયનબ(સ.અ.) અને હુસૈન(અ.સ.)ની મોહબ્બત જોઇને ખુબ જ નવાઇ લાગે છે કારણ કે ઝયનબ (સ.અ.) અગર એક પળ માટે પણ ઇમામ હુસૈન(અ.સ.)ને ન જોવે તો બચૈન થઇ જતા. રસુલે ખુદા(સ.અ.વ.)એ ફરમાવ્યુ કે બેટી, તેઓ ભવિષ્યમાં પોતાના ભાઇ હુસૈન (અ.સ.)ની મુસીબતોમાં શરીક થશે અને બેશક શફીક ઝયનબ (સ.અ.)એ તે બધુ જ કરી બતાવ્યુ કે જેની આગાહી તેમના નાના એ કરી હતી.

હઝરત ઝયનબ(સ.અ.)એ બીજા બાળકોની સાથે પોતાના પિતાથી તઅલીમ મેળવી અને બાબે મદીનતુલ ઇલ્મ પોતે ઇલ્મ વહેંચી રહ્યા હોય તો શાગીર્દોની ખુશીઓનો કોઇ પાર નથી. પરિણામે મૌલાએ કાએનાતના તમામ બાળકો અકલી રીતે ઇલ્મ અને હિકમતથી ભરપૂર થઇ ગયા. જનાબે ઝયનબ(સ.અ.) ખુબ જ બુદ્ધિશાળી હતા. તેમણે પોતાના પિતા અલી(અ.સ.)થી ઇલ્મ અને સિફતોને સંપૂર્ણ રીતે હાસિલ કરી લીધી હતી. હઝરત અલી(અ.સ.) પોતાના સમયના અજોડ વક્તા હતા તો હઝરત ઝયનબ(સ.અ.) એ પોતાના પિતાની આ ખૂબીને પોતાની અંદર એ રીતે પરિવર્તીત કરી દીધી કે તેઓ પોતે ખુદ ફસાહત અને બલાગતની મિસાલ બની ગયા. તેમના અઝીમુશ્શાન ખુત્બાઓ ઇતિહાસના પેજ ઉપર બેમિસાલ અને અમુલ્ય ગણાય છે.

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *