ઝિયારતે નાહિયાની સમજુતી: ભાગ ૯

Print Friendly, PDF & Email

(અલ મુન્તઝર મોહર્રમ ખાસ અંક હિ.સ. ૧૪૩૬ ના ગયા અંકથી શ‚)

અસ્સલામો અલલ્ મોહતસેબીસ્ સાબીર

સલામ થાય એમના પર જેમણે અલ્લાહની ખુશી ખાતર તમામ કુરબાનીઓ આપી અને મુસીબતો ઉપર સબ્ર કરી

‘મોહ્તસીબ’ નો મૂળ શબ્દ છે ‘હે સીન બે’ અને તે બાબે ઇફતેઆલનુ ઇસ્મે ફાએલ છે જેનુ મસ્દર ‘એહતેસાબ’ છે.

‘એહતેસાબ’ના જુદા જુદા અર્થ થાય છે, પરંતુ અહીંયા તેનાથી મુરાદ એ શખ્સ છે કે જે ખુદાવંદે તઆલાની ખુશી માટે કોઇ કામને અંજામ આપે છે.

શબ્દકોષમાં ‘એહતેસાબ’નો અર્થ આ રીતે મળે છે.

એહતેસાબન્ અય્ તલબન્ લે વજ્હીલ્લાહે તઆલા વ સવાબેહી

એહતેસાબ એટલે અલ્લાહ તબારક વ તઆલાની ખુશનુદી અને તેનો સવાબ હાંસીલ કરવા માટે

(લેસાનુલ અરબ, ઇબ્ને મન્ઝુર, ભાગ: ૧, પાના નં. ૩૧૫)

અથવા રિવાયતમાં આ પ્રમાણે મળે છે:

અન્ જાબેરીલ્ જોઅ્ફીય્યે અન્ મોહમ્મદીબ્ને અલીય્યીન અલય્હેમસ્સલામો કાલ કાલ રસુલુલ્લાહે સલ્લલ્લાહો અલય્હે વ આલેહી અલ્ મોઅઝ્ઝેનુલ્ મોહ્તસેબો કશ્શાહેરે સય્ફહુ ફી સબીલીલ્લાહ

જાબીરે જોઅફી રિવાયત કરે છે કે ઇમામ મોહમ્મદ બાકિર(અ.સ.)એ ફરમાવ્યુ કે રસુલુલ્લાહ(સ.અ.વ.) એ ફરમાવ્યું: જે અલ્લાહ તઆલાની ખુશનુદી માટે અઝાન આપે તો તેનો સવાબ એ શખ્સના જેવો છે કે જેણે અલ્લાહ તઆલાની રાહમાં તલવાર ઉઠાવી હોય (એટલે જેહાદ કરી હોય)

(વસાએલુશ્શીયા, શૈખ હુર્રે આમેલી, ભાગ: ૫, પાના નં. ૩૭૪, પ્રકરણ: ૨, હદીસ નં. ૬૮૨૪)

ફકરામાં બીજો શબ્દ ‘સાબીર’ છે. જેનાથી મુરાદ એ શખ્સ છે જે સબ્ર કરતો હોય. જે સોલાસી મુજર્રદનું ઇસ્મે ફાએલ છે.

ચોક્કસ ઇમામ હુસૈન(અ.સ.)એ સબ્ર અને સહન-શીલતાના એ જૌહર દેખાડ્યા કે ખુદ ‘સબ્ર’ને પસીનો આવી જાય. પરંતુ હુસૈન(અ.સ.)ના માથા પર શીકન ન આવી. અલ્લાહની કસમ દુનિયાની તમામ કલમ ટુટી જાય અને શાહી સુકાઇ જાય પરંતુ હુસૈન(અ.સ.)ના સબ્રનું વર્ણન નથી કરી શકાતું.

અસ્સલામો અલલ્ મઝ્લુમે બે લા નાસીર

સલામ થાય તે મઝલુમ ઉપર જેમના કોઇ સાથી અને મદદગાર ન હતા.

‘મઝલુમ’નો મુળ શબ્દ ઝ-લ-મ અને મઝલુમ તેનુ ઇસ્મે મફઉલ છે. એટલે તે શખ્સ જેના પર ઝુલ્મ કરવામાં આવે. ઇતિહાસમાં આલે મોહમ્મદ(અ.મુ.સ.)થી વધારે કોઇ મઝલુમ નથી. હકીકત એ છે કે અગર આ ઝુલ્મનો પહાડ કોઇ બીજા પર તુટી પડે તો તે ચુરે ચુરા થઇ જાય.

‘બે લા નાસીર’ (જેનો કોઇ મદદગાર ન હોય) તે એ સમય તરફ ઇશારો છે કે જ્યારે ઇમામ હુસૈન(અ.સ.)ના કોઇ દોસ્ત અને મદદગાર ન રહ્યા. જ્યારે તમામ અન્સારો, કુટુંબીજનો અને ઔલાદ રાહે ખુદામાં કુરબાન થઇ ગયા. ઇમામ હુસૈન(અ.સ.)એ ઇસ્તેગાસાની અવાજ બુલંદ કરી. જનાબે અલી અસ્ગર(અ.સ.)એ પોતે પોતાને ઘોડીયામાંથી ગીરાવી દીધા. ઇમામ હુસૈન(અ.સ.) પોતાના છ મહીનાના બાળકને મેદાનમાં લઇ ગયા અને જનાબે અલી અસ્ગર (અ.સ.) શહીદ થઇ ગયા અને ત્યાર પછી ઇમામ હુસૈન (અ.સ.) એકલા હતા. ન કોઇ દોસ્ત, ન કોઇ મદદગાર.

અસ્સલામો અલા સાકેનિત્ તુરબતિઝ્ ઝાકેયતે

સલામ થાય પાકો પાકીઝા ખાક પર વસનાર પર

‘સાકિન’ મુળ શબ્દ સીન-કાફ-નૂન છે અને સાકિન તેનુ ઇસ્મે ફાએલ છે. જેનો મતલબ છે સુકુનત ઇખ્તેયાર કરવાવાળા અથવા રહેવાવાળા.

‘તુરબત’ એટલે ખાક અને ‘ઝાકિયહ’ એટલે પાકીઝા. ‘ઝાકિયહ’ મોઅન્નસ છે. ‘ઝાકિ’નું ઇસ્મે ફાએલ છે. આપણા શીયાનો એ અકીદો છે કે કોઇ પણ સરઝમીન સરઝમીને કરબલાથી અફઝલ નથી. દા.ત. રિવાયતમાં મળે છે.

અન્ અબી અબ્દીલ્લાહે અલય્હીસ્સલામો ઇન્ન અર્ઝલ્ કઅ્બતે કાલત્ મન્ મિસ્લી વ કદ્ બોનેય બય્તુલ્લાહે અલા ઝહ્રી યઅ્તીનીન્નાસો મિન્ કુલ્લે ફજ્જીન અમીકીન વ જોઈલ્તો હરમલ્લાહે વ અમ્નહુ ફ અવ્હલ્લાહો એલય્હા કુફ્ફી વ કીર્રી મા ફઝ્લો મા ફુઝ્ઝીલ્તે બેહી ફીમા ઉઅ્તેયત અર્ઝો કર્બલાઅ ઇલ્લા બે મન્ઝેલતીલ્ ઇબ્રતે ગોમેસત્ ફીલ્ બહ્રે ફ હમલત્ મિન્ માઈલ્ બહ્રે વ લવ્ લા તુર્બતો કર્બલાઅ મા ફઝ્ઝલ્તોકે વ લવ્ લા મન્ ઝમ્મત્હો કર્બલાઓ લમા ખલક્તોકે વ લા ખલક્તુલ્લઝીફ્ તખર્તે બેહી ફ કીર્રી વસ્તકીર્રી વ કુની ઝનબન્ મોતવાઝેઅન્ ઝલીલન્ મહીનન્ ગય્ર મુસ્તન્કેફિન્ વ લા મુસ્તકબેરિન્ લે અર્ઝે કર્બલાઅ વ ઇલ્લા મસખ્તોકે વ હવય્તો બેકે ફી નારે જહન્નમ

ઇમામ સાદિક(અ.સ.)એ ફરમાવ્યું કે કાબાની સરજમીને કહ્યું મારા જેવુ કોણ છે? જેમકે અલ્લાહનું ઘર મારા ઉપર બનાવવામાં આવ્યુ છે, દુનિયાના દૂર દૂરના દેશોમાંથી લોકો મારી પાસે આવે છે. મને અલ્લાહનું હરમ અને અમાનની જગ્યા કરાર આપવામાં આવી છે. (જેવો આ ખ્યાલ તેને આવ્યો) અલ્લાહે તેના પર વહી કરી, કાબુમાં રહે અને તારી જગ્યાએ ઉભી રહે. જે ફઝીલત મેં ઝમીને કરબલાને અતા કરી છે તેની સરખામણીમાં તારી ફઝીલત એક સોઇની બરાબર પણ નથી જેને સમંદરમાં ડુબાડી દેય અને પછી જ્યારે બહાર કાઢવામાં આવે તો સમંદરના પાણીના (એક ટીપા સાથે) નીકળે. (એજ રીતે) અગર સરજમીને કરબલા ન હોત તો હું તને આ ફઝીલત પણ અતા ન કરતે અને અગર સાકીને કરબલા (એટલે ઇમામ હુસૈન અ.સ.) ન હોતે તો હું તને પૈદા ન કરતે, અને ન હું તેને પૈદા કરત કે જેના પર તું ફખ્ર અને ગર્વ કરી રહી છે. માટે રોકાઇ જા અને તારી જગ્યા પર રહે અને સરજમીને કરબલા માટે નમ્ર, ઝલીલ અને ખાકસાર બનીને રહે અને કરબલાના મુકાબલામાં ક્યારેય તકબ્બુર અને ઘમંડ ન કરજે નહીતર હું તને મસ્ખકરી દઇશ અને તને જહન્નમમાં હલાક કરી દઇશ.

(કામેલુઝ્ ઝીયારત અઝ્ કવ્લીયા, પેજ નં. ૨૬૭, પ્રકરણ ૮૭)

જેમકે ઉપરની હદીસ સ્પષ્ટ કરે છે કે દુનિયાની કોઇ પણ જમીન સરઝમીને કરબલાનો મુકાબલો નથી કરી શક્તી.

અસ્સામો અલા સાહેબીલ્ કુબ્બતીસ્ સામેયતે

સલામ થાય મહાન ગુંબજવાળા પર

‘અસ્સામીયાહ’ ઇસ્મે ફાએલ છે. જેનો મુળ શબ્દ સીન-મીમ-વાવ અને ‘સમવ’ નો અર્થ બુલંદ અને મહાન છે. આ પહેલા એ વાત થઇ ચુકી છે કે આ ઝિયારતમાં ઇમામ હુસૈન(અ.સ.)ને એવી રીતે સલામ કરવામાં આવી છે કે ‘સલામ થાય તેના પર કે જેના ગુંબજની નીચે દુઆઓ કબુલ થાય છે’ બીજા શબ્દોમાં આ ફકરામાં જે બુલંદીનો ઝિક્ર થયો છે, તે ફક્ત ઇમારતની બુલંદી નથી પરંતુ ‚હાની અને દરજ્જાની બુલંદી છે. આ ગુંબજની નીચે ઉભા રહીને દુઆ માંગવાની ખુબ જ તાકીદ કરવામાં આવી છે, દુઆઓ અહી કબુલ થાય છે.

અસ્સલામો અલા મન તહ્હરહુલ્ જલીલ

સલામ થાય તેના પર જેમને ખુદાએ જલીલે (જલાલના માલિકે) પાક રાખ્યા

‘તહ્હર્’ બાબે તફઈલનો પહેલો સીગો છે અને તેનું ઝમીર ‘તહ્હરહૂ’ માં ‘હુ’ મફઉલુન બેહ છે અને જલીલ ફાએલ છે અને અહીં અલ્લાહની સિફત છે. ઝિયારતે નાહિયાના આ ફકરાથી ઇમામ હુસૈન(અ.સ.)ની એ તહારતના બારામાં વાતચિત થઇ રહી છે જેનો ઝિક્ર ખુદાવંદે મુતઆલે ‘આયતે તત્હીર’માં કર્યો છે, એટલે ઇમામ હુસૈન(અ.સ.) અસ્હાબે કિસાઅના તે પાકીઝા વ્યક્તિઓમાંથી છે કે નજાસત તેમના કરીબ નથી આવી શક્તી. સુરે અહઝાબમાં એલાને હક થાય છે:

ઇન્નમા યોરીદુલ્લાહો લે યુઝ્હેબ અન્કોમુર્ રિજ્સ અહ્લલ્બય્તે વ યોતહ્હેરકુમ તત્હીરા

અલ્લાહે ઇરાદો કર્યો છે કે ફક્ત તમારાથી દરેક નજાસત અને ગંદકીને દૂર રાખે અય એહલેબૈત(અ.મુ.સ.) અને (તમને) એવા પાક રાખે જેવો પાક રાખવાનો હક છે.

(સુરે અહઝાબ, આયત નં. ૩૩)

આ આયતે કરીમા આયતે તત્હીરના નામથી મશ્હુર છે. આ આયતમાં ઝાતે હક્કે તેમની તહારત અને પાકીઝગીની પોતે ઝમાનત લીધી છે અને જાહેર છે કે તેનાથી વધીને કોઇ ઝમાનત હોઇ ન શકે.

ધ્યાન આપવા જેવી વાત એ છે કે આ ફકરામાં ઇમામ (અ.સ.)ને ખુદાના ઇસ્મે જલાલી ‘અલ-જલીલ’ને ઇમામ હુસૈન(અ.સ.)ની તહારતથી જોડવામાં આવ્યુ છે. પરંતુ તેનો હકીકી ભેદ ફક્ત અલ્લાહ અને તેની હુજ્જત જાણે છે પરંતુ જાહેરી રીતે આ ઇશારો એ હકીકત તરફ હોઇ શકે કે જે અફરાદે ઇમામ હુસૈન(અ.સ.) પર ઝુલ્મના પહાડ તોડ્યા તેઓને આ દુનિયામાં, બરઝખમાં અને કયામતમાં ખુદાની કહ્હારીયતની મઝા ચાખવી પડશે. (સત્ય અલ્લાહ બેહતર જાણે છે.)

અસ્સલામો અલા મનિફ્તખર બેહી જબ્રઇલો

સલામ થાય તેના પર કે જેની ખિદમત-ગુઝારી પર હઝરત જીબ્રઇલ(અ.સ.) ફખ્ર કરે છે.

‘ઇફ્તખર’નો મુળ શબ્દ ફે-ખે અને રે છે અને તે ફેઅલે માઝીનો પેહલો સીગો છે બાબે ઇફ્તેઆલમાં. હઝરત જીબ્રઇલ(અ.સ.)એ હઝરત ઇમામ હુસૈન(અ.સ.)ની કઇ રીતે મદદ કરી છે અને ચોક્કસ આ ખિદમત હઝરત જીબ્રઇલ (અ.સ.)ના માટે ફખ્રનો સબબ અને ગૌરવનું કારણ છે. તેની તફસીલ માટે બેહા‚લ અન્વાર ૪૩ અને ૪૪ માં ભાગ તરફ રજુ થઇ શકો છો.

અસ્સલામો અલા મન્ નાગાહો ફીલ્ મહ્દે મીકાઇલો

સલામ થાય તેમના પર જેમને હઝરત મીકાઇલ (અ.સ.)એ ઘોડીયામાં લોરીયા સંભળાવી.

‘નાગાહો’ નો મુળ શબ્દ નૂન-ગય્ન અને યા છે અને બાબે મુફાએલાહમાં માઝીનો પેહલો સીગો છે. ‘મુનાગાહ’ એટલે લોરીયા સંભળાવવી. ઇબ્ને મન્ઝુર લખે છે:

અન્નગ્યતો : મિસ્લુન્ નગ્મતે

નગ્યાથી મુરાદ નગમા છે

(લેસાનુલ્ અરબ, ભાગ: ૧૫, પાના નં. ૩૩૫)

‘મહદ’ એટલે ઘોડીયુ.

અમુક રિવાયતોમાં મળે છે કે જીબ્રઇલ(અ.સ.) લોરી સંભળાવતા હતા.

અન્ રસૂલિલ્લાહે સલ્લલ્લાહો અલય્હે વ આલેહી અન્ન જબ્રઇલ નાગાહો ફી મહ્દેહી

પયગંબરે અકરમ(સ.અ.વ.)એ ફરમાવ્યુ કે જીબ્રઇલ (અ.સ.) તેને (ઇમામ હુસૈન અ.સ. ને) ઘોડીયામાં લોરી સંભળાવતા હતા.

(બેહા‚લ અન્વાર, ભાગ: ૪૪, પાના નં. ૧૪૦, હદીસ નં. ૭ ‘ઓયુનુલ મોઅજેઝાત’ સય્યદ મુરતુઝામાંથી / બેહા‚લ અન્વાર, ભાગ: ૯૯, પાના નં. ૧૯૧, ઝિયારતે જામેઆહ)

એ બાળક જેને જીબ્રઇલ(અ.સ.) અને મીકાઇલ (અ.સ.) જેવા મુકર્રબ ફરિશ્તા ઘોડીયામાં લોરી સંભળાવે અને તેના પર ફખ્ર, મુબાહત અને રશ્ક કરે, તે બાળકનો કેટલો મરતબો અને મકામ હશે? સુબ્હાનલ્લાહ પરંતુ મેદાને કરબલામાં તે જ પાકઝાત એટલે ઇમામ હુસૈન ઇબ્ને અલી (અ.સ.) ઝમીન પર છે, શીમ્ર મલઉન(લ.અ.) સીના પર સવાર છે અને ખંજરથી સરને શરીરથી જુદુ કરી રહ્યો છે. ચોક્કસ અર્શે ઇલાહી કાંપવા લાગ્યુ હશે અને ફરિશ્તા રડવા લાગ્યા હશે.

અસ્સલામો અલા મન્ નોકેસત્ ઝિમ્મતોહુ વ ઝિમ્મતો હરમેહી

સલામ થાય તેમના પર કે જેમના દુશ્મનોએ તેમના અને તેમના એહલે હરમના બારામાં પોતાના વાયદાને તોડ્યા

‘નોકેસ’ એટલે ‘નક્ઝ’ કરવુ અથવા તોડવુ. નોકેસત માઝી મજહુલનો ચોથો સીગો છે. ‘ઝિમ્મહુ’થી મુરાદ વાયદો અને પયમાન અને હરમનો અર્થ એહલે હરમ એટલે ખાનદાનવાળા.

આ ‘નકસ’ વાયદો મૌલાએ કાએનાત(અ.સ.)ના ઝમાનામાં તોડી નાખવામાં આવ્યો હતો. માટે જે લોકો જંગે જમલમાં આપ(અ.સ.) સામે લડવા આવ્યા હતા, તેઓ નાકેસીન કહેવાય છે. રિવાયતમાં મળે છે કે મૌલાએ કાએનાત અમી‚લ મોઅમેની(અ.સ.)એ ફરમાવ્યું:

ઓમિર્તો બે કેતાલિન્નાકેસીન વલ્ કાસેતીન વલ્ મારેકીન

મને હુકમ આપવામાં આવ્યો છે કે નાકેસીન (જંગે જમલ) અને કાસેતીન (જંગે સિફ્ફીન) અને મારેકીન (જંગે નહેરવાન)થી જંગ ક‚.

(બેહા‚લ અન્વાર, ભાગ: ૨૯, પાના નં. ૪૩૪, શૈખે સદુક(અ.ર.)ની ખેસાલમાંથી)

તેજ તે વ્યકિતઓ હતા અને તેમની પૈરવી કરવાવાળા તેમના કાર્યથી રાજી રેહવાવાળા જે કરબલામાં સય્યહુશ્શોહદા ઇમામ હુસૈન(અ.સ.)થી જંગ કરવા ભેગા થયા હતા અને કરબલામાં ન ફક્ત ઇમામ હુસૈન(અ.સ.)થી બયઅત તોડી હતી પરંતુ આપના એહલે હરમનું પણ માન ન રાખ્યું એ વાત ધ્યાનમાં રહે કે ઇમામ હુસૈન(અ.સ.)ના એહલે હરમ રસુલુલ્લાહ (સ.અ.વ.)ના એહલે હરમ છે. સાદિકે આલે મોહમ્મદ ઇમામ સાદિક (અ.સ.)થી રિવાયત મનકુલ છે:

અન્ અબી સઇદેનિલ ખુદરીય્યે કાલ કાલ રસૂલુલ્લાહે સલ્લલ્લાહો અલય્હે વ આલેહી ઇન્ન લિલ્લાહે હોરોમાતિન સલાસુન મન્ હફેઝહુન્ન હફેઝલ્લાહો લહુ અમ્ર દીનેહી વ દુન્યાહો વ મન્ લમ્ યહ્ફઝ્હુન્ન લમ્ યહ્ફઝિલ્લાહો શય્અન હુર્મતલ્ ઇસ્લામે વ હુર્મતી વ હુર્મત ઇત્રતી

અબુ સઇદ ખુદરી નકલ કરે છે કે હઝરત રસૂલે ખુદા (સ.અ.વ.)એ ફરમાવ્યુ: અલ્લાહ (અઝ્ઝ વ જલ્લ)ના માટે ત્રણ ચીજ સહુથી વધારે માનવંત છે. જેમણે તેમનું માન અને સમ્માન રાખ્યુ તેણે અલ્લાહનું માન અને સમ્માન રાખ્યુ અને અલ્લાહ તેના દીન અને દુન્યાની બાબતોની હિફાઝત કરશે., જેણે તેમની હિફાઝત ન કરી તો અલ્લાહ કોઇપણ ચીજની હિફાઝત નહી કરે. ઇસ્લામની હુરમત મારી હુરમત અને મારી ઇતરતની હુરમત છે.

(બેહા‚લ અન્વાર, ભાગ: ૨૪, પાના નં. ૧૮૫, હદીસ નં.-ર, શૈખે સદુક(અ.ર.)ની ખેસાલમાંથી ભાગ: ૧, પાના નં. ૧૪૬)

ઉપરની હદીસથી સ્પષ્ટ થાય છે કે, આજે દુનિયાભરમાં મુસલમાનોની જે પરિસ્થિતિ છે એટલે કે ઝિલ્લત, ‚સ્વાઇ, જેહાલત, કત્લોગારત વગેરે એ ફકત એટલા માટે છે કે તેઓએ અલ્લાહની હુરમતોનું માન ન રાખ્યુ. એટલે અલ્લાહે તેમની હુરમતોની પરવા ન કરી.

અસ્સલામો અલા મનિન્ તોહેકત્ હુરમતુલ ઇસ્લામે ફી એરાકતે દમેેહી

સલામ થાય તેમના પર કે જેમના ખુન વહેવાથી ઇસ્લામની હુરમત પામાલ થઇ ગઇ

‘ઇન્તોહેકત’નો મૂળ શબ્દ નૂન, હે, કાફ છે અને તે માઝી મજહૂલનો ચોથો સીગો છે. ઇન્તેહાકનો શાબ્દીક અર્થ તે ચીઝ હાથ લાગવી જે તેના માટે હલાલ ન હોય. અહીં તેનાથી મુરાદ ‘પાયમાલ’ કરવુ છે. જેઓએ ઇમામ હુસૈન(અ.સ.)નું ખુન વહાવ્યુ તેઓએ હકીકતમાં ઇસ્લામની હુરમતને પાયમાલ કરી છે. જેમકે ઉપરની હદીસથી સ્પષ્ટ વાઝેઅ થાય છે.

‘ઇરાકહ’ નો મૂળ શબ્દ રે, યે, અને કાફ છે. તે બાબે ઇફઆલનું મસ્દર છે અને તેનો અર્થ થાય છે ‘વહાવવુ’ જ્યારે કોઇ ચીઝ શિદ્દતથી વહેતી હોય તો તેને કહે છે ‘રીકહ’

આ બાબતમાં વધારે બે હદીસ જોઇએ.

અન્ જાબેરિન સમેઅ્તો રસૂલલ્લાહે સલ્લલ્લાહો અલય્હે વ આલેહી યકૂલો યજીઓ યવ્મલ્ કેયામતે સલાસતુન યશ્કૂન: અલ્ મુસ્હફો વલ્ મસ્જેદો વલ્ ઇત્રતો યકૂલો અલ્ મુસ્હફો યા રબ્બે હર્રફૂની વ મઝ્ઝકૂની વ યકૂલુલ્ મસ્જેદો યા રબ્બે અત્તલૂની વ ઝય્યઉની વ યકૂલુલ્ ઇત્રતો યા રબ્બે કતલૂના વ તરદૂના વ શર્રદૂના ફ અજ્સૂ લિર્ ‚ક્બતૈને લિલ્ ખોસૂમતે ફ યકૂલુલ્લાહો જલ્લ જલાલોહુ લી અના અવ્લા બે ઝાલેક

જનાબે જાબિર(અ.ર.) રિવાયત કરે છે: રસુલુલ્લાહ (સ.અ.વ.)ને ફરમાવતા સાંભળ્યા કે ત્રણ ચીજ કયામતના દિવસે ફરિયાદ કરતી આવશે, મુસ્હફ(કુર્આન), મસ્જીદ અને મારી ઇતરત. મુસ્હફ કહેશે કે તેઓએ મારામાં મઅ્નવી તેહરીફ કરી અને મને પારા પારા કરી દેવામાં આવ્યુ. મસ્જીદ કહેશે: પરવરદિગાર! તેઓએ મને બેકાર અને વેડફી દીધી, અને મારી ઇતરત(એટલે મારી એહલેબૈત(અ.મુ.સ.) કહેશે પરવરદિગાર! આ લોકોએ અમને કત્લ કરી દીધા, દરવાજાથી ભગાવી દીધા અને દરબદર ભટકાવ્યા. પછી તે બધા ઘુંટણભર થઇ જશે, એટલામાટે કે તેઓની ફરિયાદની કાર્યવાહી થાય. અલ્લાહ જલ્લ જલાલહુ જવાબ આપશે એને મારા પર છોડી દયો, હું તેનો વધારે હકદાર છું.

(બેહા‚લ અન્વાર, ભાગ: ૨૪, પાના નં. ૧૮૬ ખેસાલમાંથી શૈખે સદુક અ.ર., ભાગ: ૧, પાના નં. ૧૪૬)

અનિલ્ ઇમામે મૂસબ્ને જઅ્ફરિન્ અન્ અબીહે અલયહેમસ્સલામો ફી કવ્લિલ્લાહે અઝ્ઝ વ જલ્લ વ મંય યોઅઝ્ઝિમ્ હોરોમાતિમલ્લાહે ફહોવ ખય‚ન લહૂ ઇન્દ રબ્બેહી કાલ હેય સલાસો હોરોમાતિન વાજેબતિન્ ફમન્ કતઅ મિન્હા હુર્મતહૂ ફકદ્ અશ્રક બિલ્લાહિલ્ ઉલન્તેહાકો હુર્મતિલ્લાહે ફી બય્તેહિલ્ હરામે વસ્સાનેયતો તઅ્તીલુલ્ કેતાબે વલ્ અમલો બે ગય્રેહી વસ્સાલેસતો કતીઅતો મા ઉજેબ મિન્ ફર્ઝે મવદ્દતેના વ તાઅતેના

ઇમામ મુસા બિન જઅફર(અ.સ.) આપના માનનીય પિતા ઇમામ જઅફરે સાદિક(અ.સ.)થી રિવાયત કરે છે: અલ્લાહ અઝ્ઝ વ જલ્લનો આ કૌલ કે જે અલ્લાહની હુરમતને માન આપે તે અલ્લાહની નજદીક તે બંદા માટે બેહતર છે. તેની તફસીર આ પ્રમાણે ફરમાવી: તેનાથી મુરાદ ત્રણ વાજીબ હુરમતો છે જેમાંથી કોઇએ એકને પણ પાયમાલ કરી, જાણે તેને અલ્લાહની હુરમતને પાયમાલ કરી અને તેણે અલ્લાહને શરીક કરાર દીધો. પેહલી અલ્લાહની હુરમત તેના મોહતરમ ઘરથી સંબંધિત છે. બીજી કિતાબે ખુદાને રદ કરી દેવું અને તેના પર અમલ ન કરવો અને ત્રીજી જે અલ્લાહે અમારી મવદ્દત અને ઇતાઅત વાજીબ કરી છે તેને છોડી દેવું.

(બેહા‚લ અન્વાર, ભાગ:૨૪, પાના નં. ૧૮૬, હદીસ નં.-૫, ખેસાલથી નક્લ શૈખે સદુક અ.ર., ભાગ: ૧, પાના નં. ૧૪૬)

અસ્સલામો અલલ્ મુગસ્સલે બે દમીલ્ જેરાહે…

સલામ થાય તેમના પર જેમને ઝખ્મોના ખુનથી નવરાવવામાં આવ્યા

‘મુગસ્સલ’ એટલે જેને ગુસ્લ આપવામાં આવે. આ બાબે તફઈલનું ઇસ્મે મફઊલ છે.

‘દમ્મ’થી મુરાદ ખુન અને ‘જેરાહ’ જર્હ અથવા જૂરહનું બહુવચન છે.

ઝિયારતનો આ શબ્દ બતાવી રહ્યો છે કે રોઝે આશુર ઇમામ હુસૈન(અ.સ.) માથાથી પગ સુધીના ઝખ્મોથી નીકળેલા ખુનમાં નહાએલા હતા, ત્યાં સુધી કે શીમ્ર મલઉને પોતાના ખબીસ લશ્કરીઓને અવાજ આપી કે તમારી માઁ તમારા ગમમાં રડે કઇ વાતની રાહ જુઓ છો, ઇમામ હુસૈન (અ.સ.) પર હુમ્લો કરો કારણ કે હવે તેમને ઝખ્મો અને તીરોએ કમ્ઝોર અને નબળા કરી નાખ્યા છે. બસ તે મલઉનોએ દરેક તરફથી હુમ્લો કર્યો. એક મલઉન (હસીન બીન તમીમ લ.અ.) આપના મુબારક મોઢા પર તલવાર મારી અબુ અય્યુબ ગનવી (લ.અ.) એ આપના મુબારક ગળા ઉપર તીર માર્યુ. ઝરકા ઇબ્ને શરીક તમીમી (લ.અ.)એ આપના મુબારક ખભા ઉપર જોરદાર ઘાં કર્યો…. ઇમામ હુસૈન (અ.સ.) ઘોડાની પીઠ પરથી જમીન પર આવ્યા….

(બેહા‚લ અન્વાર, ભાગ: ૪૫, પાના નં. ૫૪)

(વધુ આવતા અંકે ઇન્શાઅલ્લાહ)

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *