આપણા ઇમામ(અ.સ.) પોતાના શીઆઓથી શું ઇચ્છે છે?

Print Friendly, PDF & Email

ઇમામે અસ્ર(અ.સ.) વિષે કેટલીક વાતો:

ઇમામ(અ.સ.) તેમના શીઆઓથી શું ઇચ્છે છે તે જાણવા માટે આવો સૌ પ્રથમ આપણે એ બાબત પર ધ્યાન આપીએ કે આપણા ઇમામ શું છે? કોણ છે? કેવા છે? કઇ શક્તિઓના માલિક છે? કેટલા ભવ્ય દરજ્જા ધરાવે છે? ધરતી પર રહીને તેમનો આસમાનનો સંપર્ક શું છે? તેમની સત્તાઓ શું છે? આપણે અહી આપ(અ.સ.)ના ઇરાદે તકવીનીની ઓછી અને ઇરાદે તશરીઇની વધારે વાત કરીશુ, આથી આપણે ઇમામ(અ.સ.) વિષે થતી રોજીંદી વાતચીતથી ચર્ચાનો દૌર આગળ વધારીશુ.

ઇમામ

ઇમામનો અર્થ માર્ગદર્શક અથવા રેહનુમા થાય છે. અહી ઇમામથી મુરાદ એ બાર ઇમામો છે જે રસુલે ખુદા (સ.અ.વ.) પછી શરીઅતે મોહમ્મદીના રક્ષક છે. જેમાં સૌથી પહેલા ઇમામ અમીરૂલ મોઅમેનીન હઝરત અલી ઇબ્ને અબી તાલિબ(અ.સ.) છે. અને છેલ્લા ઇમામ હઝરત ઇમામ મહદી આખેરૂઝ્ઝમાન(અ.સ.) છે, જેઓ હી.સ. ૨૬૦ એટલે કે ઇમામ અસ્કરી(અ.સ.)ની વફાત બાદ ઇમામતના દરજ્જા પર બિરાજમાન થયા. આપ (અ.સ.) તે સમયથી અલ્લાહ તબારક વ તઆલાના તરફથી શરીઅતે મોહમ્મદીના રક્ષણ માટે જવાબદાર છે, અને સાહેબે અમ્ર છે, અને સર્વાધિકારી છે,આપ હુજ્જતે ખુદા છે, અલ્લાહના વલી અને ખલીફા છે, આપ માઅસુમ છે અને અધીકાર ધરાવે છે, તેઓ આપણને ચાહવાવાળા જીવંત ઇમામ છે, આપણા રહેબર અને પેશવા છે, આપ ખુદાવંદએ તઆલાની કુદરત, કમાલ અને સૌંદર્યના મઝહર (જલક) છે, અને આપની શક્તિઓને સમજવી ઇન્સાનની અક્કલ અને સમજ શક્તિ, ફિક્ર અને ઝહેનથી પર છે. આપણે તો બસ એટલુ જ કરી શકીએ કે દિવસ રાત એ વાતો પર મનન કરીએ જે આપણને આપણા આલીમોએ ઇલ્મના કમાલ અને અમલની રૌશનીમાં આપણી હીદાયત માટે ફરમાવી છે. અને અઇમ્માએ માઅસુમીન(અ.મુ.સ.)એ જેની ભવિષ્યવાણી કરી છે. અને તે દોઆઓ જેના વડે આપણે આપણા ઇમામથી નજદીકી સાધવાનો માર્ગ મળે છે. અને તે દુરૂદો સલામ જે આપ પર મોકલવામાં આવે છે જે આપની માઅરેફત મેળવવાનું માધ્યમ છે. આપણે તે પડીને તે માર્ગ પર ચાલ્યા જઇએ જે આપણને ગુમરાહીના સળગતા તાપથી બચાવે. ઉદાહરણ તરીકે એક સલામ વાંચકો માટે નક્લ કરીએ છીએ. જેથી આપણે આપણા ઇમામની બુઝુર્ગી, આપનુ સૌંદર્ય અને પ્રભાવ, આપની તે ઝાત જે સમગ્ર વિશ્ર્વ પર છવાએલી છે, અને આપની નૂરાની ખિલ્કતનું ઇન્સાની શરીરમાં છે, સૃષ્ટિના અસ્તિત્વ અને કાએનાતના નીઝામની ધરી છે, તેમની મહાનતાઓને સમજી શકીએ જેમ કે મફાતીહુલ જીનાનમાં છે કે “સલામુલ્લાહિલ કામેલુત્તામ્મુશ્ શામેલુલ્ આમ્મો વ સલવાતોહુદ્દાએમતો વ બરકાતોહુલ્ કાએમતુત્ તામ્મતો અલા હુજ્જતિલ્લાહે વ વલીય્યેહી ફી અરઝેહી વ બેલાદેહી વ ખલીફતેહી અલા ખલ્કેહી વ એબાદેહી તેઓ સમગ્ર જમીન અને વસ્તીવાળાઓ પર અલ્લાહ તઆલાના વલી છે અને અલ્લાઅ તઆલાના તેની તમામ મખ્લુક અને તેના તમામ બંદાઓ ઉપર જાનશીન છે.

શીઆ

શીઆ તે મઝહબ અને કૌમની વ્યક્તિને કહેવામાં આવે છે જે બાર ઇમામોને માને છે જેમ કે પહેલા ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શીઆનો અર્થ થાય છે પાછળ પાછળ ચાલનાર, અનુકરણ કરનાર. પોતાના ઇમામ અને રાહબરની ઇમામત અને રાહબરીથી જરા પણ વિમુખ થયા વગર કદમ રાખનાર, અને જે ઉલીલ અમ્રની ઇતાઅત અને ફરમાબરદારીમાં શક ન કરે, અને ન સુસ્તી કરે. શીઆ કૌમની તેજ વ્યક્તિ શીઆ કહેવરાવવાનો હકદાર છે જે હાકીમે વક્ત એટલે કે ઇમામે અસ્ર(અ.સ.)ના હુક્મના પાલનમાં વ્યસ્ત રહેતો હોય. જે મોવદૄતની નેઅમત મેળવીને તેનો બદલો ચૂકવે છે. અને મોહબ્બતની રાહને કાયમ કરી બલીદાન અને કુરબાનીની ભાવનાને યુવાન રાખે છે.

એ તમામ લોકો જેઓ ભેગા મળીને શીઆ સમુદાયને બનાવે છે તેમનાથી તેમના હાકિમ, તેમના ઇમામ, કે જેમના અસ્તિત્વની બરકતો થકી આ સમગ્ર વિશ્ર્વનો નિઝામ સુનિયોજીત રીતે ચાલે છે, થોડીક અપેક્ષાઓ રાખે છે. થોડીક માંગણીઓ કરે છે. અગર નિમ્ન સ્તરથી લઇને ઉચ્ચ કક્ષાના તમામ લોકો જે શીયા મિલ્લતમાં છે તે ઇમામની એ અપેક્ષાઓ તરફ લક્ષ આપે તો આપ હઝરતે હુજ્જત(અ.સ.) તરફથી સલામતી અને ઇમાનની પરિસ્થિતિ ખુદ બ ખુદ પૈદા થતી રહેશે અને જો ખુદા ન ખાસ્તા એમ ના થયુ તો બદલતા જમાનાના કાવત્રા આપણને મજબુતીથી પકડી લેશે અને સત્યતો એ છે કે ઇમામ ઘમંડીઓને બેઇઝ્ઝત કરનાર અલ્લાહના ખલીફા છે.

તેઓ આપણાથી શું શું ઇચ્છે છે તેનુ લંબાણથી વિસ્તારપૂર્વક વર્ણન તો શક્ય નથી, પણ બહુ જ ટૂંકમાં જો થોડી વાતો દિલમાં ઉતરી જાય તો આપમેળે જ અમુક એવા દ્વાર ખુલ્લી જાય કે જેમાથી થોડાક પ્રકાશના કિરણો, થોડીક ખુશ્બુદાર હવાઓ, થોડીક દિલને સહારો આપતી આહટો, થોડી નવજીવનની સદાઓ, ઇમામ(અ.સ.)ના ખયમાગાહ તરફથી ખુશ-ખબરીના સંદેશાઓ લઇને આવવા લાગે છે. અને એક સુંદર રાબતો ચાહવાવાળી કૌમના વ્યક્તિઓ અને તેમને ચાહનાર ઇમામ વચ્ચે સધાય છે.

ઇમામે વક્ત પોતાના શીઆઓથી શું ઇચ્છે છે, તેના વિશે ઘણું કામ થયુ છે. ગયબતે સુગરામાં આપની તવકીઓ  એટલે કે એ પત્રો જે હઝરતે હુજ્જત (અ.ત.ફ.શ.) તરફથી આપના નવ્વાબે ખાસ દ્વારા આપના વકીલો અને ભરોસાપાત્ર લોકો સુધી આવતા રહ્યા. આ એક દસ્તુરે અમલ છે જેના બચાવનો ખુલાસો થઇ ચૂક્યો છે એટલે કે આપણા પ્રાચીન અને આધુનીક આલિમોએ આ ક્ષેત્રમાં ઘણું કામ કરેલ છે. અને તેનો સાર એ છે કે ઇમામ(અ.સ.)ની રઝા અને ખુશ્નુદી તેમા છે કે એક શીઆની જીંદગીની રીત એમ હોય કે શરીઅતે મોહમ્મદીની નિગરાની અને રક્ષણમાં હંમેશા વ્યસ્ત રહે, અને આ બારામાં હઝરતે હુજ્જત(અ.ત.ફ.શ.)ની મદદ માટે કદમ ઉઠાવતો રહે અને કૌમના ઘડતર માટે આપની હિદાયતથી જરાપણ બેધ્યાન ન રહે. આ હિદાયતની બુનિયાદ ચાર વસ્તુઓ પર છે. ઇલ્મ, અકીદો, મારેફત અને મોવદૄત. આને આપણે સરળ અને સાદી લોકભાષામાં આમ કહી શકીએ. પહેલુ જાણવુ, બીજુ માની લેવું, ત્રીજુ ઓળખવું અને ચોથુ ચાહવુ. આ જ તે ચાર તત્વો છે જેનાથી શીઇય્યતને પરવાન ચઢે છે અને એક શીઆ રૂશૈદે હુજરી, હબીબ ઇબ્ને મઝાહિર અને મીસમે તમ્માર તરફ ઉંચી મંઝીલો પાર કરી પોતાના ભવિષ્યને જુએ છે અને પોતાન ભવ્ય દરજ્જાની પણ સૈર કરે છે. આવો આપણે તેના પર એક ઉડતી નજર કરીએ.

પહેલુ : ઇલ્મ અને માહિતી એટલે કે જાણવુ:

ઇલ્મની રોશનીમાં સંશોધન અને તપાસમાં વ્યસ્ત રહેવુ. ઇમામે અસ્ર(અ.સ.) ગયબતના પરદામાં છે. પરંતુ આપની વિલાદત અને આપની જીંદગીના પ્રથમ પાંચ વર્ષ ઇમામે અસ્કરી(અ.સ.)ના પવિત્ર જીવન દરમિયાન વીત્યા છે: તેના પર યકીન રાખવું એ મઝબુત ગવાહીના આધારે જે આપણા અગ્યારમાં ઇમામ(અ.સ.)એ પોતાની ઇમામત દરમિયાન સ્થાપિત કરી. બીજુ એ કે ઇતિહાસની એ મહાન હસ્તીઓ વિષે જાણવુ કે જે આપના વિભિન્ન શીઆઓના દરમિયાન ભરોસાપાત્ર કાર્યકરની રૂએ કાર્યરત હતા. જેમ કે એહમદ બિન ઇસ્હાક, અબ્દુલ્લાહ બિન સાદ, કાફુર ગુલામ વગેરે. તે ઉપરાંત એ જાણવું અને યકીન કરવું કે આપ ઇમામતના દરજ્જા પર આવ્યા ત્યારે સંજોગો કેવા હતા અને કેવી રીતે ખુદાવંદે તઆલાએ પોતાના હિદાયતના ચિરાગને પ્રજવલ્લિત રાખ્યો અને એવા ફાનસનો પ્રબંધ કર્યો કે તાગુતી તાકતો જે એ વખતે શાસનમાં હતી, તેમના તરફથી આવનારી ઝુલ્મની આંધીઓ આ હિદાયતના ચિરાગને બુઝાવી ન શકી. ઇમામે અસ્ર(અ.સ.)ની ગયબતે સુગરાની મુદ્દત ઓગણ સિત્તેર વર્ષ રહી. નવાબે ખાસ જે આપના વજીરો હતા અને આપના શીઆઓ સાથે સંપર્કમાં હતા, તેઓ કેટલી હદે સતર્ક, પરહેઝગાર, તૈયાર, હોશિયાર, ઇમામના આજ્ઞાંકિત, યકીનની સાક્ષાત પ્રતિમાઓ, ઇમામતના ભેદના રાઝ રાખનારા, ઇમામતના ઇલ્મથી ફાયદો મેળવનાર, દુશ્મનોએ બીછાવેલ ફરેબની જાળથી બાખબર, ઓલમાઓની દેખરેખ, તેમના વિવિધ પ્રશ્ર્નોના જવાબ લાવવા, અને પત્રવ્યવ્હારના કાર્યો પર પણ ચારેબાજુથી પોતાની દ્રષ્ટિ રાખીને પોતાની ફરજોને અંજામ આપનારા હતા.

ગયબતે કુબરાની શરૂઆત હી.સ. ૩૨૯ માં થઇ. તેના પછી ઘણા મહાન ઓલમા જેમ કે, શૈખે સદુક(અ.ર.), સૈયદ મોહમ્મદ મહદી બહરૂલ ઉલુમ, શૈખે હુર્રે આમેલી અને મોટા મોટા મરજએ કેરામ જેવા કે, મુલ્લા મોહમ્મદ બાકિર મજલીસી(અ.ર) વગેરે હઝરાતની જીંદગી વિશે જાણકારી હાસિલ કરીએ અને આપણી જીંદગીને તેમના જેવી બનાવવાની કોશીશ કરીએ તેમ આપણાથી આપણા વક્તના ઇમામ ઇચ્છે છે. (પરવરદિગાર આપના ઝુહુરમાં જલ્દી કરે.)

ઇતિહાસની રોશનીમાં એ જાણવું કે હી.સ. ૩૨૯ સુધીમાં એવા કયા સંજોગો હતા કે જેના કારણે આપ(અ.સ.) પોતાના અંતિમ નાયબ અલી બીન મોહમ્મદ સૈમુરીને પોતાની તૌકી વડે જણાવ્યુ કે ગયબતે સુગરાનો સમય પુર્ણ થયો અને ગયબતે કુબરાની શરૂઆત થઇ રહી છે. ખાસ નાએબોનો દૌર સમાપ્ત થઇ રહ્યો છે. તમારી જીંદગી હવે ફક્ત છ દિવસની છે. તમારા પછી હવે તમે કોઇને જાનશીન ન બનાવશો. હવે પછીના યુગમાં અમારા ઓલમાઓ અમારા નાએબ બનશે અને અહકામના મસાએલ જણાવશે.

દરેક શીઆ માટે એ જાણવુ જરૂરી છે કે બની અબ્બાસનો સમય શીઆને અલી પર કેટલો સખ્તાઇનો હતો? કેવી કેવી મુસીબતો અને સખ્તીઓ શીઆને અલી માટે રોજ નવા નવા ફિત્ના પૈદા કરતી હતી? જ્યાં એક બાજુ આર્થિક પ્રશ્ર્નો હતા, ત્યાં બીજી બાજુ દીની તાલીમાત અને તબલીગ જેના સંરક્ષક અને રખેવાળ રસુલ(સ.અ.વ.)ના બાર જાનશીન હતા. તેમાં હુકમરાનોનું રાજકારણ અને તેમના કાયદાનું મિશ્રણ થઇ રહ્યું હતુ. ઇસ્લામી દ્રષ્ટિકોણ અને વિચારધારામાં બાદશાહત છળ કપટ અને ફરેબથી ભરપુર રાજકારણ જોડી દઇને ધીરે ધીરે એક નવો જ અકીદો પ્રસ્થાપિત કરી રહ્યા હતા. આ નવા અકીદાએ હવે મજબુત થઇને ખુનામરકી અને આંતકવાદનુ સ્વરૂપ ધારણ કર્યુ છે અને તેને ઇસ્લામનો એક ભાગ ગણવામાં આવ્યો. આ અકીદો બની ઉમય્યા અને બની અબ્બાસના સમયથી ચાલી આવે છે. આ જ કારણ છે કે મુસલમાનને આજે હિણપતભરી નજરે જોવામાં આવે છે. બેગુનાહ, મહેનત મજદુરી કરનારા પોતાનુ પેટીયુ રળવા બહાર નીકળે છે અને પછી ઘરે પાછા નથી ફરતા. ઇસ્લામના દુશ્મન તત્વો તેમના ઇસ્લામ વિરૂધ્ધ પ્રચાર કાર્યમાં હુકુમતના આ બેરહમ અને લોહિયાળ વલણથી ખુબ ફાયદો ઉપાડી રહ્યા છે. એ આપણા માસુમ ઇમામો(અ.મુ.સ.)ની ઇલાહી હિકમત છે જેમાં શિયાની બકાનું રહસ્ય છુપાએલુ છે જે બતાવે છે કે આપણા ઇમામોએ કેવી રીતે શરીયતે મોહમ્મદીની રખેવાળી કરી છે. જો એક શીઆ ઇતિહાસનો અભ્યાસ ન કરે તો તેને કેવી રીતે ખબર પડે કે આપણા ઇમામો અને ઓલમાઓએ કેવી રીતે આપણી કૌમની વધતી જતી સંખ્યા અને તેની સંસ્કૃતિને, મોભા અને ઇલ્મી જ્ઞાનના ખઝાનાને બચાવ્યો છે અને બચાવતા રહે છે. મજુરની ખુન પસીનાની કમાણી બાદશાહની દૌલત કરતા વધારે મુલ્યવાન અને કિંમતી છે. આ શીઆ કૌમ એ દોઆની ગાઢી કમાઇ છે જેની તે બીબીએ બારગાહે ઇલાહીમાં નઝર કરી હતી અને જેઓ ખાતુને જન્નત છે. પરંતુ પોતના એકદમ ટુકા જીવનમાં એ દોઆની સાથે ક્યારેક હાથમાં છાલા હતા તો ક્યારેક ટુટેલી પાંસળીઓ. ક્યારેક દિવસ રાતની ઇબાદતો, ફાકાઓ અને સાદો લિબાસ હતો. જ્યાં સુધી આ બધી વાતો જાણશું નહી ત્યાં સુધી શીઆ કૌમ પોતાના વારસા અને કદ્રો કિમતનો એહસાસ કેવી રીતે કરી શકે? કેવી રીતે એ દર્દની લાગણી જાણશે કે માઅસુમએ કોનૈને કેટ કેટલી મુસીબતો વેઠીને પોતાના પિતાની રિસાલતની અમીન તરીકે પોતાના શીઆઓને ગણાવ્યા છે. દરેક જણે આ વાતો જાણવા માટે ઇલ્મના ચિરાગ રૌશન કરવા જરૂરી છે. દર્સગાહ તરફ જાય, પુસ્તકાલયને વિક્સાવે. બંધુત્વની ભાવના વિકસાવે અને એક-બીજાની નિકટતા કેળવે. સંબંધોમાં ખુલુસ અને મજબુતી પૈદા કરે. પશ્ર્ચિમના મશ્હુર શાએર અલ્લામા ઇકબાલની ભાષામાં.

ફર્દ કાએમ રબ્તે મિલ્લતસે તન્હા કુછ નહી

મૌજ હૈ દરિયામેં ઔર બિરૂને દરિયા કુછ નહી

બીજુ : અકીદો એટલે માનવુ

સહીહ અકીદો રાખવો. અપણા ઇમામ આપણાથી ઇચ્છે છે કે ઇમામતના અકીદાને સલામત રાખવા માટે સંશોધન કરતા રહેવુ. અગર કોઇ શંકા જન્મે તો આપના નાએબ ઓલમાઓ છે તેની પાસે જાવું. તેમની મજલીસોમાં જઇ ઇલ્મ હાસિલ કરવું. અને જ્યારે વાસ્તવિક્તા સ્પષ્ટ થઇ જાય ત્યારે કહે કે મે હઝરતે હુજ્જત(અ.સ.)ને બતહકીક સંશોધન થકી મારા ઇમામ માન્યા છે. ઇમામે અસ્ર(અ.સ.) આપણાથી આ ઇચ્છે છે. દા.ત. રાકીમે હુરૂફે બહુ દિવસો પહેલા એક બુઝુર્ગ આલીમે દિનને સવાલ કર્યો કે, દિનીયાતની પ્રાથમીક કિતાબોમાં જેવી રીતે “ખુદા એક હોવાની બચ્ચાઓને દલીલ શીખવવામાં આવે છે કે અગર બે, ત્રણ કે તેથી વધુ ખુદા હોતે તો તેમની વચ્ચે આપસમાં મતભેદ અને ઝઘડો જરૂર થતે. અને આ આપસના ઝઘડાને લીધે આ સમગ્ર સૃષ્ટિનો નિઝામ મુશ્કેલ જ નહી પરંતુ અસંભવ થઇ જાત. શું આટલી દલીલ અલ્લાહ તઆલાની વહદાનીય્યત સાબિત કરવા અને સવાલ કરનારના દિમાગમાં તવહીદને સારી રીતે સ્પષ્ટ કરી દેય? એ બુઝુર્ગ આલીમે મને પુછ્યુ કે શું તમે આ દલીલને અપુરતી અને હલકી સમજો છો? મારી સમજુતીની વિનંતી પર આપે ફરમાવ્યુ : “અલ્લાહ તઆલાની અહદીયત અને સમદીયત સમજવા માટે બુનિયાદી સમજણ અને પાયાના વિશ્ર્લેશણ માટે પહેલા દરજ્જાને અત્યંત સરસ, મઝબુતી અને સભ્યતાની સાથે રાખ્યુ છે. આ સમજણના પગથીયાથી જીજ્ઞાસા અને સંશોધન કરવાનો જોશ મળે છે અને આવી રીતે આપણે અલ્લાહ તઆલાની મઅરેફત તરફ થોડા કદમ આગળ વધી શકીએ છીએ. તો પછી મોટી મોટી દલીલોને પણ સમજી શકીએ અને પરિભાષાને પણ સમજી શકીએ.

આથી આપણા ઇમામ આપણાથી ઇચ્છે છે કે આપણે આપણા પરવરદિગાર પર ઇમાન લાવીએ, પરંતુ આંખો બંધ કરીને નહી પરંતુ સંશોધનના પ્રકાશમાં. અને એવી જ રીતે અલ્લાહ વહદહુ લા શરીકના માઅસુમ ખલીફા અને હાદીના મનસબે ઇમામતને પણ સમજીબુજીને તેના પર મજબુત યકીન કરીએ. અને ત્યારે જ શક્ય થશે કે કોઇપણ આપની નારાઝગીનુ કારણ ન બની દુનયવી આફતો અને બલાઓથી સુરક્ષિત રહે.

ત્રીજુ : મઅરેફત એટલે ઓળખવુ

મઅરેફત શબ્દ બોલવામાં જેટલો સરળ લાગે છે, વાસ્તવમાં એટલો સરળ નથી. એના માટે જરૂરી છે કે ઇલ્મની ક્ષિતિજોનો વિસ્તાર કરે, નફ્સને પાક કરે, ચારિત્ર્યને શુધ્ધ કરે, ઇલાહી એહકામોની પાબંદી કરે  પોતાના ઝમીરમાં નૂરને ગ્રહણ કરે. એટલે એ તમામ સદ્ગુણો હાસિલ કરવા જેનાથી એક શીઆ અને તેનુ ઇમાન બરકરાર અને મજબુત રહે છે.

એ તમામ વિકટ સંજોગો જેમા દુનિયા કંપી ઉઠે છે, તે ડગમગતો નથી એ શીયા પોતાના અસ્તિત્વને ઇમામ (અ.સ.) ની બારગાહમાં નિહાળે છે. આજે તાગુતી સંસ્કૃતિઓએ ગુનાહોના કેટલા દરવાજાઓ ખોલી નાખ્યા છે અને નિર્લજ્જતા અને નફ્સ પરસ્તીના કેટલાયે નવા નવા ઢંગ  અને ઢોંગ રચાઇ રહ્યા છે. અને હજારો માધ્યમો અને કેન્દ્રો પેદા કરવામાં આવ્યા છે. એક આરીફ આ બધા ફરેબોને સારી રીતે જાણે તો આનાથી બચી જશે અને આવા જ પવિત્ર નફ્સોની બરકતને લીધે આ દુનિયા ટુટીને વિખરાય નથી જતી.  આસમાનથી અઝાબ નથી ઉતરતો, અને આગની જવાળાઓ વસ્તીઓને તબાહ નથી કરતી. ઇમામે અસ્ર(અ.સ.) ઇચ્છે છે કે આપણે તેમને ચાહીએ અને તેમના હક પરસ્તને પણ ચાહીએ કારણ કે તેમના વડે જ આપણે ઇમામની સાચી મઅરેફત મેળવી શકીશુ. જેવી રીતે એક બાળક પોતાના પિતાના સ્વભાવને ઓળખે છે તેવી જ રીતે એક શીઆ પોતાના ઇમામને હાજરા હજુર સમજીને આપ(અ.સ.)એ બતાવેલ જીવનની રીતને સમજે અને તે પણ જાણે કે ઇમામ પ્રેમાળ પિતા તુલ્ય વાત્સલ્યનુ ઝરણુ છે.

પરંતુ એક પિતા પોતાના ઇલ્મ, હિકમત અને જાણના મરતબા પ્રમાણે શફકત અને મોહબ્બતનો ઇઝહાર કરે છે અને તેને નેઅમતોથી નવાજે છે જેટલાને તે લાયક હોય છે. આથી એ જરૂરી છે કે દરેક શીઆ ઇમામ તરફથી આવતી બધી જ નેઅમતોને લાયક બને અને તે માટે જો ઇમામની મઅરેફત  નહી હોય તો ન તો નેઅમતોની કદર કરશે અને ન તેનો હકદાર બનશે. મઅરેફત મેળવવા માટે ઇમામ(અ.સ.)ની ઇમામતના ઇખ્તેયાર અને સત્તાને ખુબ જ સારી રીતે જાણવુ પડશે. એ યાદ રહે કે ઇમામત એ દીનનો પાયો છે અને ધીરે ધીરે બધા શીઆઓએ જાણી લેવુ પડે કે ઉમ્રની શરૂઆતથીજ ઇમામતની અસર અને બરકતો તેમ જ ઇખ્તેયારને જાણવા માટે ઇલ્મના કેન્દ્રો, મજલીસે અઝા, અને બચપનથી જ પિતાની કેળવણી અને માતાના ખોળાની પવિત્રતા એ અગત્યના માધ્યમો છે જેના પ્રત્યે દરેક શીઆ કુટુંબની દરેક વ્યક્તિએ લક્ષ આપવુ જોઇએ. અને તેના અભાવના પરિણામે ગુમરાહી, બદ્બખ્તી, ગીરફતારી, ત્રાસ અને દરેક પ્રકારની બલા અને આફતોની શક્યતા છે. ક્યારેક ક્યારેક પૈસાદાર, ઘોડેસવાર સવાર સાંજ ગરદન ઉંચી કરીને ચાલતા દેખાય છે. શક્ય છે કે તેમને સુધરવા માટે મોહલત આપવામાં આવી હોય, પરંતુ અગર તે બેખબર રહે તો જ્યારે તેને ઠોકર લાગશે ત્યારે તેને સંભાળવાવાળુ કોઇ નહી હોય. એ જ માલ દૌલત જે ખ્યાલ અને કલ્પનાના બુતો હતા તેના માથા પર તુટીને પડવા લાગશે. રાકમ અલ હુરૂફે આવા ઘણા કિસ્સાઓ જોયા છે. આવા જ એક કિસ્સાને અહી ટુંકમાં ટાંકુ છું. આ એક વસ્તીની વાત છે. વર્ષો પહેલા એક મસ્જીદમાં નમાઝીઓ નમાજે મગરેબૈન પડી રહ્યા હતા. નમાઝ પૂર્ણ કર્યા પછી અમૂક નમાઝીઓ પેશ નમાઝની નસીહતો સાંભળવા રોકાયા. આપે ફરમાવ્યુ કે મસ્જીદની બહાર બેઠેલા પૈસાદાર લોકોની વાતો નોકરો પોતાની વર્દીઓમાં મહેમાની માટે ચાયની કેટલી હાથમાં લીધેલ અને આ જોર જોરથી વાતો અને હસવુ જે તેમના પડખેની મસ્જીદની દિવાલ પાછળ નમાઝ પડી રહેલા નમાઝીઓના ખુઝુઅ અને ખુશુઅમાં ખલેલ પાડી રહ્યા હતા. તેનુ કારણ આપ જાણો છો તેમ દીનથી ગફલત અને નાપાક દૌલતની અસર છે. પરંતુ જો અલ્લાહનો ખૌફ આ લોકોના દિલોમાં હોત, તો આ બધા નમાઝને છોડીને આવી રીતની દૌલતની શાન વ શોકતના નશામાં ચૂર, શોભા ન દે તેવી હરકતોથી દૂર રહેત. પછી સમય પસાર થયો અને દિવસો બદલાયા, આફત આવી અને તેમાના દરેક એવી બલાઓમાં ગીરફતાર થયા કે જેના વર્ણનથી કલમ પણ કંપી જાય. આ દુનિયા ઇબ્રત (બોધપાઠ) લેવાનુ સ્થળ છે. અલ્લાહની મદદ અને તવફીક ઇમામના ઝરીયે ત્યારેજ કોઇ કૌમ પર નાઝિલ થાય છે જ્યારે કૌમના લોકોમાં વફાદારીનો શૌક, જાગૃતિનો જુસ્સો અને હકની તરફ કદમ ઉઠાવવાની હિંમત પેદા થાય અને ખુદા ન ખાસ્તા જો આમ નથી તો મશ્હુર શાયર અલ્લામા ઇકબાલના શબ્દોમાં :

ખ્વાબ બેદારી ન ગાલીબ આ સકે જીસ કૌમ પર

લાનત ઐસી ખફતા મિલ્લત પર તુફ ઐસી કૌમ પર

આથી જેને ઇમામે અસ્ર(અ.સ.)ની મઅરેફતની રૌશની નસીબ થઇ તેને શુ ન મળ્યુ? તેને બધુ જ મળ્યુ છે. પણ જો મઅરેફત ન મળી તો તેને શુ મળ્યુ, જલાલત/ગુમરાહીના અંધકાર સિવાય કશુ નસીબ ન થયુ.

મવદ્દત, મોહબ્બત અર્થાત ચાહવુ

ચોથું  ઇમામ(અ.સ.) ઇચ્છે છે કે આપણે હુજ્જત ઇબ્ને અસ્કરી(અ.સ.)ને એવી રીતે ચાહવા જોઇએ જેવી રીતે ચાહવાનો હક છે. જ્યારે ચાહત તન, મન અને ધનથી હોય છે ત્યારે હઝરતે હુજ્જત(અ.સ.)ની ચાહતમાં ધીરે ધીરે ઉગ્રતા અને ઉરૂજ પૈદા થાય છે. ત્યાં સુધી કે શાયરના શબ્દોમાં

“મહોબ્બતમેં એક ઐસા વક્ત ભી આતા હૈ ઇન્સાન પર

કે તારોકી ચમકસે ચોટ લગતી હૈ રગે જાં પર

અર્થાત આ તડપ, આ બેચૈની, આ દર્દ, આ સંતાપનોે એહસાસ કે મારા મૌલા, મારા આકા, મારા દર્દમંદ, મારા રક્ષણકાર, મારો હાથ પકડનાર, મારાથી દૂર, ખબર નહીં ક્યા છે? આપણે એ પવિત્ર હસ્તીના નૂરની રોશનીથી અને તેમના દામનની ખુશ્બુથી ફાયદો કેમ મેળવી નથી શકતા? તેઓ આપણા છે અને આપણે તેમના છીએ. છતા પણ તેમની ઝિયારતથી વંચીત છીએ અને પછી ગણગણાવતા કહે છે કે

“મૌલા આશિકી સબ્ર તલબ ઔર તમન્ના બેતાબ,

દિલકા ક્યા રંગ કરે ખુને જીગર હોને તક

આપણા ઇમામ આપણા નિખાલસ આસુઓને કહે છે કે અમારા દર્દના સહભાગી બનીને અમારા ઝુહૂરની દુઆ કરો કે જેથી તમારા અસ્તિત્વમાં અમારી મદદની તમન્ના એક નૂરાની વાતાવરણમાં નિખરતી અને મહેકતી રહે. આપણા આકા અને આપણા મૌલા આપણાથી આ જ તો ચાહે છે. પરંતુ આ પવિત્ર જાતની ચાહતને સમજવા અને તેને પહોંચવા માટે અને એ ઇમામની ખુશનુદી અને રઝા પ્રાપ્ત કરવા માટે એવી દિવાનગી જોઇએ જે દિવાનગીની જ્યોત ઉપર ડહાપણના અગણિત પતંગીયાઓ જાન કુરબાન કરી દેવાની તમન્ના લઇને તેની આસપાસ એકઠા થઇ જાય છે.

જ્યારે કોઇ શીઆ પોતાના ઇમામને એવી રીતે ચાહતો હોય છે કે જેવી રીતે ઇમામ ચાહે છે, તો પછી ઇમામ તેનાથી રાજી થાય છે. તેનાથી ખુશ થાય છે. અને આપ(અ.સ.) તેના દરેક આવાઝ પર લબ્બૈક કહે છે અને કહે છે આગળ વધો, હજી વધારે આગળ વધો, એક નવી દુનિયા અને તેનુ પવિત્ર વાતાવરણ તમારી રાહ જોઇ રહી છે. અલી બિન મહેઝિયારની મીસાલ આપણી સામે છે. યાદ રહે કે આપણે શૈખ મુરતઝા અન્સારી, અલ્લામા હસને હિલ્લી, અલ્લામા બહરૂલ ઉલુમ, અલ્લામા હુર્રે આમેલી જેવા પ્રકાશના મીનારાઓ કે જેમણે પોતાના ઇલ્મ, ઇરફાન અને સ્વિકાર વડે ઇમામની પવિત્ર જાતે મુબારકથી નૂરને સમેટયુ છે, તેમના જેવા તો નથી બની શકતા. પરંતુ આપણા ઇમામ આપણાથી આપણી ક્ષમતા અને શક્તિના ત્રાજવામાં આપણા ખુલુસ અને મોહબ્બતને તોળીને આપણાથી ચાહે છે કે આપણે દિવસ રાત તેમનાથી ગાફિલ ન રહીએ. આપ(અ.સ.) ચાહે છે કે આપનો ઝિક્ર એકાંતમાં,  બેઠકોમાં અને મજલીસોમાં એવી રીતે થાય કે તેનો સિલસિલો તુટે નહી. પરંતુ આ તો ત્યારે જ શક્ય બની શકે જ્યારે આપણા ઇમામ(અ.સ.) સાથેની આપણી મોહબ્બત દિલથી હોય, ફક્ત ઝબાની નહી. કારણ કે જે મોહબ્બત દિલથી હોય છે તેનું બયાન અને વર્ણન શબ્દોમાં નથી થઇ શકતુ.

હાય! અરબના મોટા મોટા પ્રતિષ્ઠિત લોકોએ શું કર્યુ કે જેઓ અરબી ભાષાના નિષ્ણાંત હતા અને પોતાની વાક્ચાતુર્યના કારણે બડાઇ મારતા હતા, તેઓ રિસાલતે મઆબ(સ.અ.વ.)ની બારગાહમાં જઇને સવાલ કરી બેઠા. “યા રસુલલ્લાહ આપે દીને ઇસ્લામને ફેલાવવા માટે ખૂબ જ મુશ્કેલીઓ વેઠી છે અને મોટી મોટી કુરબાનીઓ આપી છે. આપ અમારાથી આ કામનુ મહેનતાણુ લઇ લ્યો. રિસાલતે મઆબ(સ.અ.વ.) આ સાંભળીને મુસ્કુરાયા હશે. જે સમગ્ર કાએનાત માટે રહેમત બનીને આવ્યા છે તેને આ કંગાળ ઇન્સાન મહેનતાણુ આપવાની પેશકશ કરી શક્યો છે કે જેને પોતાની આસપાસની અને પોતાની આવનારી કાલની પણ  ખબર નથી. પરંતુ રસુલે ખુદા(સ.અ.વ.)એ સવાલ રદ્દ ન કર્યો. આપ(સ.અ.વ.)એ એવી વસ્તુ માંગી જેનું રહેઠાણ ઇન્સાનનું દિલ છે. તેનું વર્ણન અને વખાણ ઇન્સાનની ઝબાનની તાકાત બહારની વાત છે. એટલી ઉચ્ચ કે ત્યા સુધી પહોંચવુ અશક્ય છે. આપ(સ.અ.વ.)એ પોતાના કરાબતદારોની મવદ્દતને માંગી લીધી. શુ આજે હઝરતે હુજ્જત (અ.સ.), ફરઝંદે ઝહેરા(સ.અ.), ગુલે નરજીસે ખાતુન(સ.અ.), ખુને હુસૈન(અ.સ.)નો બદલો લેનારથી વધારે રિસાલતે મઆબની નિકટ કોઇ હોય શકે છે? જેમનુ મુબારક નામ આપ(સ.અ.વ.)નું નામ છે અને જેમની કુન્નીયત તે આપ(સ.અ.વ.)ની કુન્નીયત છે અને જેમનો ઝિક્ર અલ્લાહ તઆલાના રસુલ(સ.અ.વ.)ના પાકીઝા હોઠ પર ઘણીવાર આવ્યો હોય. હવે આ અજ્રે રિસાલત જ હક અને બાતિલની દરમ્યાન ફેંસલો કરનારી નિર્ણાયક હદ છે. આ જ મવદ્દતના ઝિક્રથી અમુકની આખોમાં ચમક પૈદા થાય છે અને અમુકના ચેહરા ઉતરી જાય છે. આ જ મવદ્દતની ચમક છે કે જેના  કારણે સકરાતના સમયે કોઇ ચાહનારો કહે છે:

મૌત કયુ મઝદએ જાં બખ્શ બની જાતી હે,

કિસને દામનસે હવા દી હે, કહીં તુમ તો નહી.

અને કોઇ આ અજ્રે રિસાલતનો ઇન્કાર કરનારો એવો પણ હોય છે જે યઝીદ બનીને આવ્યો અને રાત્રીના એકાંતમાં ડરીને પોતાના મહેલ અને ખુણામાં પોતાના વાળ ખેંચીને પોતાની આખેરતના અઝાબથી પ્રત્યેક ઘડી આગની તપિશ અનુભવે છે.

મૌલા, અય મારા મૌલા, અય મારા આકા, અય અમને બધાને ચાહવાવાળા અમારા ઇમામ, જેમની શફકત પિતાની શફકત કરતા વધારે છે. જે જમાનાના ઇમામ છે. અમે બધા ગુનેહગારો છીએ. વળી અમે આપના જદ્દ હુસૈને મઝલુમ(અ.સ.) ના અઝાદાર પણ છીએ. આપના જદ્દનુ નામ જબાન પર આવે છે તો આંસુઓના પુર ઉભરાઇ જાય છે. મૌલા, એ જ આંસુઓના સહારે આપનાથી વિનંતી કરીએ છીએ કે અમારી ભુલોને માફ કરીને આપના પાકીઝા દામનની ખુશ્બુથી અમને ક્યારેય વંચિત ન કરતા અને આપની મોહબ્બતની રોશનીથી ભરપૂર દિલોના છુપા ઘરની રોનકમાં કમી ન આવવા દેશો. આમીન.

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *