ઇમામ હુસૈન(અ.સ.) ની ઝિયારત

Print Friendly, PDF & Email

ઇમામ હુસૈન (અ.સ.) ની ઝિયારતની ભવ્યતા અને આખેરતના દરજ્જાઓ

અલ મુન્તઝરના મોહર્રમ અંક હિ.સન ૧૪૨૨ માં “ઇમામ હુસયન (અ.સ.) ના ઝવ્વાર – ઝિયારતના ઇરાદાથી વતન પાછા ફરવા સુધી ના શિર્ષક હેઠળ અમુક બાબતો આપની સેવામાં રજૂ કરી ચૂક્યા છીએ. આ ક્રમને આગળ વધારતા એ બાબત પ્રત્યે ઇશારો કરશું કે કયામતના મેદાનમાં ઇમામ હુસયન (અ.સ.) ની ઝિયારત કરનારાઓનો દરજ્જો કેવો હશે. શક્ય છે કે અમુક લોકોના મનમાં એ વિચાર આવે કે એ કેવી રીતે બની શકે કે થોડી ક્ષણોની ઝિયારત અને તેની અગણિત અસરો?

આ વિચાર એટલા માટે આવે છે કે આપણે દરેક બાબતને માત્ર ભૌતિક દ્રષ્ટિથી જોવા માટે ટેવાઇ ગયા છીએ. જો પવિત્ર દીને ઇસ્લામના શિક્ષણને નજરની સામે રાખીએ તો દિલમાં ક્યારે પણ આવો સવાલ પેદા નહીં થાય.

ઇસ્લામની માન્યતાઓ એકબીજા સાથે સાંકળની જેમ જોડાએલી છે. અર્થાત : એક માન્યતા ત્યારે જ મુક્તિનું કારણ બની શકે જ્યારે બીજી માન્યતા તેની સાથે હોય. તવહીદની માન્યતા ત્યારેજ લાભદાયક સાબિત થાય જ્યારે તેની સાથે કયામતની માન્યતા પણ હોય. કયામતની માન્યતા ત્યારે મુક્તિનું કારણ બનશે જ્યારે નબુવ્વતની માન્યતા તેની સાથે હોય. નબુવ્વતની માન્યતા એ સમયે ગુમરાહીથી મુક્તિ અપાવશે જ્યારે ઇમામતનો અકીદો તેની સાથે હોય. ઇમામતની સાથે અલ્લાહના અદ્લનો અકીદો હોવો જરુરી છે.

જો કોઇ એમ વિચારે કે તૌહીદના અકીદાને પરિપૂર્ણ કરવા માટે બાકીના અકીદાઓ જરુરી નથી, તેથી જો કોઇ માણસ સંપૂર્ણ રીતે અલ્લાહનો એક હોવાનો અકીદો ધરાવતો હોય અને કયામત અને નબુવ્વત ઉપર અકીદો ન ધરાવતો હોય અને એમ માનતો હોય કે તેમ કરવામાં કોઇ નુકસાન નથી, તો આ વિચાર તદ્દન ખોટો છે. કારણ કે તૌહિદના અકીદા માટે જરુરી એ છે કે તે ખુદાની બધી બાબતો ઉપર યકીન ધરાવતો હોય અને તેનો સંપૂર્ણ રીતે સ્વિકાર કરતો હોય. જ્યારે ખુદાએ કયામતની વારંવાર ચર્ચા કરી છે અને તેના આવવાની ખાત્રી આપી છે તો કયામતનો ઇન્કાર હકીકતમાં ખુદાની વાતનો ઇન્કાર છે. ખુદાની વાતનો ઇન્કાર કરવાનો અર્થ જ એ છે કે તૌહીદ સંપૂર્ણ નથી. તેવી જ રીતે જ્યારે ખુદા નબીઓને પોતાના પ્રતિનિધિ બનાવીને લોકોની હિદાયત માટે મોકલે અને તેઓની સચ્ચાઇની દલીલો પણ તેઓની સાથે મોકલે અને નબીઓે પોતાની નબુવ્વતની સાબિતી માટે જાહેરમાં નમૂનાઓ રજૂ કરે. અને સાબિત કરી આપે કે તે ખુદા તરફથી મોકલાએલા છે, તો આ સંજોગોમાં નબુવ્વતનો સ્વિકાર ન કરવો, તે શું ખુદાના કૌલને જુઠલાવ્યો નહીં કહેવાય ?

જો કોઇ માણસ નબીની નબુવ્વત ઉપર સંપૂર્ણ ઇમાન ધરાવે અને તેના કોલને ખુદાનો કોલ અને તેના હુકમને ખુદાનો હુકમ ગણે છે, તો પછી તે સંજોગોમાં નબીએ કરીમ (સ.અ.વ.) એ નિમેલ ઉત્તરાધિકારીનો, વારસદારનો સ્વિકાર ન કરવો તે શું ખુદા અને તેના રસુલને જુઠલાવવા જેવું નથી ? શું આ સંજોગોમાં નબુવ્વતનો અકીદો સંપૂર્ણ ગણી શકાશે ?

ટૂંકમાં એ કે તૌહીદ કયામત સાથે જોડાએલા છે, તૌહીદ અને કયામત નબુવ્વત સાથે જોડાએલા છે, તૌહીદ, કયામત અને નબુવ્વત – ઇમામત અને અદાલત સાથે જોડાએલા છે. જો કોઇ ઇમામતમાં નથી માનતો, તો ન તો તેની તૌહિદ પૂર્ણ છે ન કયામત ઉપરનું ઇમાન સંપૂર્ણ છે, ન તો નબુવ્વત ઉપરનો અકીદો  બાકી રહે છે. આ બધા અકીદાઓ ઉપર પુરેપુરું યકીન રાખવું જરુરી છે.

એક વખત હઝત રસુલે ખુદા (સ.અ.વ.) એ ઝકાતની ફઝીલત બયાન કરતા ફરમાવ્યું:

“જો કોઇ ઝકાત અદા ન કરે તો તેણે નમાઝના હુકમનો અમલ નથી કર્યો. નમાઝ તેને પાછી આપી દેવામાં આવશે અને એવી રીતે લપેટી દેવામાં આવશે જેવી રીતે જુનું કપડું લપેટી દેવામાં આવે છે. તે નમાઝ તેના મોઢા ઉપર મારવામાં આવશે અને તેને કહેવામાં આવશે: એ ખુદાના બંદા ! ઝકાત વગર તમે નમાઝથી શું ચાહો છો ?

આ સાંભળીને અસહાબે કહ્યું : ખુદાની કસમ ! એ માણસની હાલત કેવી ખરાબ અને બરબાદ છે.

હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) એ ફરમાવ્યુ :

“શું હું તેનાથી પણ વધુ ખરાબ અને બરબાદ માણસ વિશે કહું?

અસ્હાબે અરજ કરી : એ અલ્લાહના રસુલ ! બયાન ફરમાવો.

આં હઝરત (સ.અ.વ.) એ ફરમાવ્યું :

“એક માણસે જેહાદમાં ભાગ લીધો અને શુરવીરતાથી લડતા લડતા મરણ પામ્યો. હુરોને તેની શહાદતની ખબર મળી. જન્નતના દરવાનોએ તેની રુહના આવવાની ખબર સાંભળી. જમીનના ફરિશ્તાઓને હુરોના ઉતરવાની અને જન્નતના દરવાનોના આવવાની ખબર આપી દેવામાં આવી. તેમ છતાં તેમાંનું કોઇ પણ ન આવ્યું. તે મરનારની આજુબાજુના જમીનના ફરિશ્તાઓએ કહ્યું : શું થયું ? હજુ સુધી હુરો ન આવી ? જન્નતના દરવાન પણ ન આવ્યા ? સાતમા આસમાનની ઉંચાઇએથી અવાજ આવ્યો : એ ફરિશ્તાઓ ! આસમાનની ઉંચાઇ ઉપર જૂઓ. ફરિશ્તાઓએ નજર ઉઠાવીને આસમાનની તરફ જોયું. તે માણસના અકીદાઓ, તૌહીદ, રસુલે ખુદા (સ.અ.વ.) ઉપર ઇમાન, નમાઝ, ઝકાત, સદકાઓ અને બધા નેક આમાલો આસમાનની નીચે રોકી રાખવામાં આવ્યા હતા. બધા આસમાનો એક ભવ્ય કાફલાની જેમ ભરેલા હતા. પૂર્વ, પશ્ર્ચિમ, ઉત્તર, દક્ષિણ દરેક બાજુએ મલાએકા જ મલાએકા છે. તે બંદાના આમાલને લાવનારા ફરિશ્તાઓ કહી રહ્યા છે કે આસમાનના દરવાજા કેમ નથી ખોલતા, જેથી અમે આ શહીદના આમાલને લઇને હાજર થઇએ. ખુદા હુકમ આપે છે અને દરવાજા ખુલી જાય છે. પછી એક અવાજ આવે છે કે એ ફરિશ્તાઓ, જો તમે દાખલ થઇ શકતા હો તો જરુર દાખલ થાવ. પરંતુ આ ફરિશ્તાઓ આમાલને ઉપાડી જ નથી શકતા.

ફરિશ્તાઓ અરજ કરે છે કે અમે આ આમાલ ઉપાડવાની શક્તિ નથી ધરાવતા. ખુદાના તરફથી અવાજ આવે છે કે એ ફરિશ્તાઓ, તમે આ આમાલને ઉપાડી ઉપર નથી લાવી શકતા. આ આમાલને ઉપર લઇ જવા માટે વસીલો અને સવારી જોઇએ. જેથી આ આમાલ આસમાન સુધી પહોંચે અને જન્નતમાં જગ્યા મેળવે. ફરિશ્તાઓ અરજ કરે છે કે એ અમારા પરવરદિગાર ! તે સવારી શું છે ? ખુદા ફરમાવે છે કે એ ફરિશ્તાઓ ! તમે શું ઉપાડીને લાવ્યા છો ?

તેઓ અરજ કરે છે કે તારી તૌહિદ, તારા નબી ઉપર ઇમાન.

ખુદા ફરમાવે છે કે આ ચીજોની સવારી મારા નબીના ભાઇ અલી (અ.સ.) ની વિલાયત અને પવિત્ર ઇમામોની વિલાયત છે. તે સવારી આ આમાલોને જન્નત સુધી પહોંચાડશે.

ફરિશ્તાઓ આ આમાલને જૂએ છે, પરંતુ તેમાં અલી (અ.સ.) અને તેમની પાકીઝા અવલાદની વિલાયત દેખાતી નથી. અને ન તેઓના દુશ્મનો સાથે દુશ્મની દેખાય છે. ખુદા તે આમાલ લાવનારા ફરિશ્તાઓને કહે છે કે આ આમાલને અહીંથી લઇ જાઓ. અને મારા મલાએકાના કેન્દ્રોમાં જમા કરાવી દો જે તેને લાયક છે તે તેને લઇ જશે અને જ્યાંના હકદાર છે ત્યાં રાખી દેશે.

આ ફરિશ્તાઓ તે આમાલોને તેને લગતા કેન્દ્રો સુધી પહોંચાડી દે છે. પછી ખુદાનો અવાજ આવે છે એ જહન્નમની આગની જવાળાઓ આ આમાલને લઇ લો અને જહન્નમમાં નાખી દો. એટલા માટે કે આ આમાલ કરનાર તે આમાલની સવારી અલી (અ.સ.) અને તેમની પાકીઝા અવલાદ (અ.સ.) ની વિલાયત અને મોહબ્બત લઇને નથી આવ્યો. ફરિશ્તાઓ તે આમાલને લઇને જશે. એ જ આમાલ તે માણસ માટે બલા અને મુસીબત બની જશે. એટલા માટે કે આ માણસ હઝરત અલી (અ.સ.) અને તેમની પાકીઝા અવલાદ (અ.સ.) ની મોહબ્બત અને વિલાયતને લઇને નથી આવ્યો.

પછી તે આમાલ હઝરત અલી (અ.સ.) ના વિરોધી અને તેમના દુશ્મનો સાથે દોસ્તીને અવાજ આપશે. ખુદા કાગડા અને ચીલ જેવા કાળા ચહેરાને તેના ઉપર ઢાંકી દેશે. તે કાળા ચહેરાના મોઢામાંથી આગ નીકળશે. તેના બધા આમાલ બરબાદ થઇ જશે. હઝરત અલી (અ.સ.) ના દુશ્મનો સાથે દોસ્તી અને હઝરત અલી (અ.સ.) ની વિલાયતનો ઇન્કાર બાકી રહી જશે, જે તેને જહન્નમની સૌથી ખરાબ જગ્યા ઉપર પહોંચાડી દેશે. તેના બધા આમાલ બરબાદ થઇ જશે અને તેના ગુનાહ ઘણા વધારે હશે. આ એ શખ્સ છે જેની હાલત ઝકાત ન આપવાવાળાથી વધારે ખરાબ અને બરબાદ છે.

(તફસીરે ઇમામે હસન અસ્કરી (અ.સ.) પા. ૭૬-૭૯, મુસ્તદરકુલ વસાએલ ભાગ : ૧, હ. ૪૦, પા. ૧૬૩)

આ પ્રકારની અસંખ્ય રિવાયતો છે. જેના ઉપરથી સમજી શકાય છે કે પવિત્ર અહલેબયત અલયહેમુસ્સલામની વિલાયત, ઇમામત, મોહબ્બત અને તેઓના દુશ્મનો સાથે નફરતની સિવાય કોઇપણ અકીદો અને કોઇપણ અમલ અલ્લાહની બારગાહમાં કબુલ નહિ થાય. આ પ્રકારના લોકોનું સ્થાન જન્નતની બદલે જહન્નમ હશે.

મઅસુમ ઇમામો અને ખાસ કરીને ઇમામ હુસયન (અ.સ.) ની ઝિયારત આ વિલાયત અને મોહબ્બતની અમલી જાહેરાત છે. કારણ કે બધા અમલનો તમામ આધાર વિલાયત અને મોહબ્બત ઉપર છે. આ ઝિયારતો, વિલાયત અને મોહબ્બતને મજબુતી અને અડગતા આપે છે. તેથી ઝિયારત ઝવ્વાર અને ઇમામની વચ્ચે એક દિલી સંપર્ક કાયમ કરે છે. તેથી ઝિયારત શબ્દ આ દિલના સંબંધની જાહેરાત છે. ઝિયારતના શબ્દો એ જાહેર કરે છે કે આ સંબંધ માત્ર લાગણીનો સંબંધ નથી. આ સંબંધ મઅરેફતનો પણ સંબંધ છે. એટલે કે આ સંબંધ તે પવિત્ર વ્યક્તિ માટે છે જેને ખુદાએ પોતાના પ્રતિનિધી બનાવ્યા હતા અને સમગ્ર જગતને જેની તાબેદારીનો હુકમ આપ્યો હતો. ઇન્સાન સિવાય દુનિયાનો એક એક અંશ તેનો તાબેદાર હતો. પરંતુ જાલિમ અને જાહિલ ઇન્સાને તેમને એ રીતે કત્લ કર્યા જે રીતે જાનવરોને પણ કત્લ કરવામાં નથી આવતા.

આ ઝુલ્મ દુનિયામાં ખુદાના પ્રતિનિધિ ઉપર ઝુલ્મ છે. જે ખરેખર તો ખુદા પર ઝુલ્મ છે. મઝલુમની ઝિયારતમાં નિખાલસ હમદર્દી અને ઝાલિમથી જાહેરમાં નફરત અને દૂરી છે.

ઝિયારત, ઇમામ સિવાય તેમના દીન તેમના તરીકા અને તેમના અખ્લાક સાથે સીધો સંબંધ ધરાવે છે. આ ઝિયારત ઇમામના દુશ્મનો, દુશ્મનોના બધા અકીદાઓ, સિધ્ધાંતો, આમાલ અને અખ્લાકથી દૂરી છે.

આવો ! એ જોઇએ કે કયામત અને તેની પછીના પ્રસંગોમાં ઇમામ હુસૈન (અ.સ.) ની ઝિયારત કરનારાઓના કેવા કેવા દરજ્જાઓ હશે ? એ વાત પણ ધ્યાનમાં રહે કે રિવાયતોમાં જે કાંઇ પણ બયાન કરવામાં આવ્યું છે તે માત્ર આપણી અક્કલ, સમજશક્તિ અને ગ્રહણ શક્તિ મુજબ છે. નહિ તો હકીકતમાં ઝવ્વારના સાચા દરજ્જાઓ તો ખુદા અને રસુલ જ બેહતર જાણે છે.

આ નાની એવી પ્રસ્તાવના પછી આવો, આપણે જોઇએ કે ઇમામ હુસયન (અ.સ.) ની ઝિયારત કરનારાની કયામતના મેદાનમાં શું શાનો શૌકત હશે. આ હકીકત માત્ર એજ મહાનુભાવો બતાવી શકે જેની દ્રષ્ટિ દુનિયા અને આખેરત ઉપર સરખી હોય. કયામતના દ્રષ્યો તેઓની સામે એવી રીતે સ્પષ્ટ છે જેવી રીતે સામે બેસેલો માણસ. અગાઉના લેખમાં આ બાબત ઉપર તો ઇશારો કરી ચૂક્યા છીએ કે ઝવ્વારનું સન્માન અને બખ્શીશનો સિલસિલો તો ત્યારથી જ શરુ થઇ જાય છે જ્યારે ઇન્સાન ઝિયારતનો ઇરાદો કરે છે. સામાન્ય રીતે એવું બને છે કે લોકો એક વખતની મુલાકાતને વધારે યાદ નથી રાખતા. તેમજ દરેક વખતે તેનું ધ્યાન અને માન નથી રાખતા. પરંતુ આ પવિત્ર અહલેબયત (અ.સ.) ની બખ્શીશની શાન અને ગુલામ નવાઝી છે કે જેણે એક વખત તેમની ઝિયારત કરી અને એક વખત મઅરેફતની સાથે તેમની મુલાકાત માટે ગયા તેને તેઓ જીદંગીના દરેક પ્રસંગે ન માત્ર યાદ રાખે છે પરંતુ તેની મુશ્કેલીઓ હલ કરતા રહે છે.

સકરાત અને રૂહ કબ્ઝ થવામાં આસાની:

એમ કહેવાય છે કે જ્યારે શરીરમાંથી રુહ નીકળે છે ત્યારે પરિસ્થિતિ ઘણી સખ્ત હોય છે. એવું લાગે છે કે કાંટાળા ઝાડ ઉપરથી રેશમી કપડું ખેંચવામાં આવે અને તેના દરેક તાર જુદા જુદા થઇ જાય. એક તરફ રુહ કબ્ઝ થવાની મુશ્કેલીઓ અને બીજી તરફ સગા સંબંધીઓ અને દોસ્ત બિરાદરોથી જુદાઇ. પરંતુ ઝવ્વારની આ બધી મંઝીલો મઅસુમ ઇમામો (અ.સ.) ની બરકતથી આસાન થઇ જાય છે.

જે માણસ મોતની સકરાત અને કયામતના દર્દનાક દ્રષ્યોથી મુક્તિ મેળવવા ચાહે છે અને ચાહે છે કે આ બધી મંઝીલો તેના માટે આસાન થઇ જાય તો તેણે ઇમામ હુસયન (અ.સ.) ની ઝિયારત ઓછામાં ઓછી ત્રણ વખત કરવી જોઇએ. કારણ કે ઇમામ હુસયન (અ.સ.) ની ઝિયારત હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) ની ઝિયારત છે.

(કામેલુઝ્ ઝિયારાત પાના નં. : ૧૫૦, બેહાર ભાગ : ૧૦૧ પાના નં. :૭૭)

જનાબે ઝહરા સલામુલ્લાહે અલયહા તશરીફ લાવે છે :

હઝરત ઇમામ જઅફર સાદિક (અ.સ.) ની રિવાયત છે.

હઝરત ફાતેમા બિન્તે મોહમ્મદ (સ.અ.વ.) તેમના ફરઝન્દ હુસયન (અ.સ.) ની ઝિયારત કરનારાની પાસે તશરીફ લઇ જાય છે અને તેઓના માટે મગફેરતની દોઆ કરે છે અને તેઓના ગુનાહોને માફ કરાવી દેવામાં આવે છે.

(કામેલુઝ્ ઝીયારાત પાના નં. :૧૧૮)

તે હઝરાત જેઓના ઘરની ખીદમતના માટે મલાએકાઓ ફખ્ર કરે છે, તે હઝરતો ઝવ્વારની મુલાકાતે આવે અને તેમના માટે મગફેરતની દોઆ કરે ! ખરેખર કેટલી મહાન ખુશનસીબી છે !

ઇમામ હુસયન અલયહિસ્સલામ તશરીફ લાવે છે :

અલી બિન મોહમ્મદનું બયાન છે કે હું દર મહિને ઇમામ હુસયન (અ.સ.) ની ઝિયારત કરતો હતો. પછી મારી ઉમર થઇ ગઇ. નબળાઇ આવી ગઇ. એક વખત એવું બન્યું કે ઝિયારત માટે ન જઇ શક્યો. પછી એક વખત પગે ચાલીને ઝિયારત માટે રવાના થયો. થોડાં દિવસોમાં પહોંચ્યો. ઝિયારતની નમાઝ પઢ્યો અને સૂઇ ગયો. સ્વપ્નામાં હઝરત ઇમામ હુસયન (અ.સ.) ને જોયા. આપ (અ.સ.) કબ્રની બહાર તશરીફ લાવ્યા છે અને મને ફરમાવ્યું કે તમે મારી સાથે આટલો અન્યાય કેમ કર્યો તમે તો મારા માટે નેક હતા? અરજ કરી, મવલા, હવે નબળો અને  વૃધ્ધ થઇ ગયો છું. આપની ખીદમતમાં હાજર થયો છું. આપથી રિવાયત નકલ થઇ છે એ રિવાયત આપની પવિત્ર જીભથી સાંભળવા ચાહું છું. ઇમામે (અ.સ.) ફરમાવ્યું : બયાન કરો. તેણે કહ્યું :

આપના તરફથી આ રિવાયત નકલ થઇ છે. “જેણે પોતાની જીંદગીમાં મારી ઝિયારત કરી તેના મૃત્યુ પછી હું તેની ઝિયારત કરીશ. આપે ફરમાવ્યું : “હા… જો તે જહન્નમમાં હશે તો હું તેને ત્યાંથી બહાર કાઢીશ.

(બેહારુલ અન્વાર ભાગ : ૧૦૧ પાના નં. :૧૬)

બુઝુર્ગ આલીમોએ એના સંદર્ભમાં ફરમાવ્યું : બનવાજોગ છે કે ઇમામ હુસયન (અ.સ.) નું આ રીતે આવવું મૃત્યુના સમયે હોય અથવા કબ્રમાં દફન કરવાના સમયે હોય.

કબ્રમાં  ઇન્સાન એકલો હશે. અસહાય હશે. જાતજાતના ભયની ફડક હશે. બેચેની અને ગભરાટની સ્થિતિ હશે. કોઇ મુલાકાતે આવનાર નહીં હોય. જો કોઇ આવશે તો પણ બહારથી દૂરથી ઝિયારત કરશે અને ફાતેહા પઢશે. સૌથી વધુ વહાલામાં વહાલી વ્યક્તિ પણ કબ્રમાં તેનો સાથ નહિ આપે. પરંતુ જેણે ઇમામ હુસયન (અ.સ.) ની ઝિયારત કરી હશે, હઝરત ઇમામ હુસયન (અ.સ.) તેની ઝિયારત માટે તશરીફ લાવશે. ઇમામ હુસયન (અ.સ.) ના આવ્યા પછી કોઇ ગભરાટ કે બેચેની બાકી રહેશે નહિ. જ્યારે ઇમામ હુસયન (અ.સ.) પોતાના ઝવ્વારને ફરમાવશે, “અસ્સલામો અલયક તો કઇ તકલીફ હોય જે દૂર ન થાય ? અને કઇ રાહત હોય જે નસીબ ન થાય ?

આ ખુશનસીબી પછી પણ એવું કોણ છે જે ઇમામ હુસયન (અ.સ.) ની ઝિયારત કરવામાં જરાય વિલંબ કરે?

ફીશારે કબ્ર (કબ્રની ભીંસ) માંથી મુક્તિ નસીબ થાય છે:

જો આપણને કોઇ ચૂંટી ભરે અથવા આપણો હાથ અથવા એક આંગળી દરવાજામાં દબાઇ જાય તો કેટલો દુ:ખાવો થાય છે. અને તેની અસર ક્યાં સુધી રહે છે. કબ્રની ભીંસ એટલે કબ્રની બન્ને દિવાલો આપસમાં મળી જવી. જ્યારે બન્ને દિવાલો આપસમાં એકબીજાને મળી જશે ત્યારે વચ્ચે રહેલા મય્યતની હાલત કેવી થશે ? આપણે સૌએ એક દિવસ મરવાનું છે અને કબ્રમાં જવાનું છે. જો આ ભીંસ આપણને થઇ અને ધારી લો કે આ મય્યત આપણે પોતેજ છીએ તો કબ્રની ભીંસ કેટલી દર્દનાક હશે, જ્યારે પાંસળીઓ એકબીજામાં ખૂંચી જશે. આ કલ્પના માત્રથી રૂવાડાં ઉભા થઇ જાય છે. ખરેખરી પીડાનું તો શું કહેવું? હઝરત ઇમામ હુસયન (અ.સ.) ની ઝિયારત અહીં પણ મુશ્કેલીને દૂર કરે છે અને કબ્રની ભીંસથી મુક્તિ મેળવવાનું કારણ બને છે.

હઝરત મોહમ્મદ બાકીર (અ.સ.) ની રીવાયત છે :

“જો લોકોને જાણ થઇ જાય કે ઇમામ હુસયન (અ.સ.) ની પવિત્ર કબ્રની ઝિયારતનો શું સવાબ છે તો તેના શોખમાં, તેની ખ્વાહીશમાં લોકોના શ્ર્વાસ રૂંધાઇ જાય.

રાવીએ પૂછયું : કેટલો સવાબ છે ? આપે (અ.સ.)  ફરમાવ્યું:

જે શોખથી ઝિયારત માટે જશે, ખુદા તેને એક હજાર કબુલ થએલ હજ, એક હજાર નેક ઉમરા, બદરના શહીદો જેવા એક હજાર શહીદોનો સવાબ, એક હજાર રોઝેદારોનો સવાબ, એક હજાર કબુલ થએલા સદકાનો સવાબ, ખુદાની ખુશી ખાતર એક હજાર ગુલામ આઝાદ કરવાનો સવાબ મળશે. તે એક વરસ સુધી આફતોથી સુરક્ષિત રહેશે. જેમાં સૌથી હલ્કી આફત શયતાન છે. ખુદા તેના માટે એક મોહતરમ ફરિશ્તાની નિમણુક કરશે. જે આગળ પાછળ ડાબે જમણે ઉપર-નીચે તેનું રક્ષણ કરશે. જો તે વરસે તે મૃત્યુ પામે તો રહેમતના ફરિશ્તાઓ તેના ગુસ્લ અને કફનમાં હાજર થાય છે અને તેના માટે ઇસ્તિગ્ફાર કરે છે. તેની કબ્રમાં દફન થવા સુધી તેના માટે માફી માગે છે અને જનાઝાની સાથે રહે છે. નજર પહોંચે ત્યાં સુધી તેની કબ્ર વિશાળ અને પહોળી થઇ જાય છે. ખુદા ‘કબ્રની ભીંસ’ થી તેનું રક્ષણ કરે છે. મુન્કર અને નકીર તેના માટે ભય અને ખૌફનું કારણ નથી બનતા. તેના માટે જન્નત સુધી એક દરવાજો ખોલી નાખવામાં આવે છે. તેનું આમાલનામું તેના જમણા હાથમાં આપવામાં આવે છે. કયામતમાં તેને એક એવું નુર આપવામાં આવશે જેનાથી પૂર્વ અને પશ્ર્ચિમ પ્રકાશિત થઇ જશે અને એક બાંગી બાંગ પોકારશે : આ છે શોખથી ઇમામ હુસયન (અ.સ.) ની ઝિયારત કરનાર ઝવ્વાર. તે સમયે કયામતમાં પણ એવું કોઇ નહિ હોય જે એે તમન્ના ન કરે કે કેવું સારું થતે કે તે પણ ઇમામ હુસયન (અ.સ.) નો ઝવ્વાર હોત.

(કામેલુઝ્ ઝિયારાત પાના નં. ૧૪૩, બેહારુલ અન્વાર ભાગ : ૧૮ પાના નં.:૧૦૧)

આ અમુલ્ય રિવાયતોમાં કબ્રની ભીંસમાંથી મુક્તિની સાથે સાથે મુન્કર અને નકીરના ભયથી પણ સુરક્ષિત અને સલામત રહેવાની વાત કરવામાં આવી છે. તેઓના રુઆબ અને ભયના કારણે તેઓને મુન્કીર અને નકીર કહેવામાં આવે છે.

કયામતનું મેદાન ઝવ્વારના નુરથી પ્રકાશિત થઇ જશે :

ઉપરોક્ત રિવાયતમાં એ પણ છે કે કયામતના મેદાનમાં ઇમામ હુસયન (અ.સ.) ના ઝવ્વાર કેવા નુરાની હશે. તેના નુરથી પૂર્વ અને પશ્ર્ચિમ પ્રકાશિત થઇ જશે. પૂર્વ અને પશ્ર્ચિમ પ્રકાશિત થશે, એટલું જ નહિ બલ્કે કયામતના મેદાનમાં એક ખાસ મલક તેની ઓળખ પણ કરાવશે અને ઝવ્વારની એ શાન હશે કે દરેક માણસ એ તમન્ના કરશે કે કેવું સારું થતે જો મને પણ ઝિયારતનો શરફ મળતે. કેમ ન હોય ! જનાબે જોનને ઇમામ હુસયન (અ.સ.)  ની દોઆથી એ નુર અને ખુશ્બુ મળી જેનાથી આખું મેદાન પ્રકાશિત અને સુગંધિત થઇ ગયું. આ બધું એ માટે કે ઇમામ હુસયન (અ.સ.)  ખુદાના નુરથી છે. નુરનું કેન્દ્ર છે જે તેની સાથે ભળી જાય તે નુરાની થઇ જાય.

લેવાઉલ હમ્દના છાયામાં હશે :

ખુદાવંદે આલમે મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.સ.) ને અસંખ્ય મરતબાઓ અને દરજ્જાઓ આપ્યા છે, તેમાંનો એક ખૂબજ મહત્વનો અને ભવ્ય “લેવાઉલ હમ્દ” છે. આ એવો ધ્વજ છે જેના ૭૦ પડ છે અને એક પડની વિશાળતા ચાંદ અને સૂરજથી વધુ છે. આ ધ્વજ ખુદાની તરફથી હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) ને આપવામાં આવશે અને આં હઝરત તેના અલમદાર હઝરત અલી બિન અબી તાલિબ (અ.સ.) ને આપશે. પહેલાથી છેલ્લા સુધી બધા નબીઓ અને વસીઓ આ ધ્વજના છાંયડામાં હશે.

(હક્કુલ યકીન – અલ્લામા મજલીસી પા. ૪૫૦)

હઝરત ઇમામ જઅફર સાદિક (અ.સ.) ની રિવાયત છે.

કયામતમાં એક બાંગી બાંગ પોકારશે. ઇમામ હુસયન (અ.સ.) ના ઝવ્વાર ક્યાં છે ? એટલા લોકો આગળ આવશે કે જેને ખુદા સિવાય બીજું કોઇ ગણી નહિ શકે. તે લોકોને પૂછવામાં આવશે.

ઇમામ હુસયન (અ.સ.) ની કબ્રની ઝિયારતથી તમે શું ઇચ્છો છો ?

તેઓ અરજ કરશે કે અમે રસુલે ખુદા સલ્લલ્લાહો અલયહે વ આલેહીની મોહબ્બત, હઝરત અલી (અ.સ.) અને ફાતેમા અલયહાસ્સલામો ની મોહબ્બતમાં ઝિયારત કરી, તેઓના ઉપર ગુજારવામાં આવેલા ઝુલ્મોના બદલામાં તેઓના ઉપર રહેમત માગવા માટે.

જવાબ મળશે. આ છે મોહમ્મદ (સ.અ.વ.), અલી (અ.સ.), ફાતેમા (સ.અ.), હસન (અસ.) અને હુસયન (અ.સ.). તમે લોકો તેઓની સાથે થઇ જાવ અને તમે તેઓની સાથે તેઓના દરજ્જામાં છો. રસુલે ખુદા (સ.અ.વ.) ના ધ્વજનાં છાંયડા હેઠળ રહેશો અને ધ્વજ હઝરત અલી (અ.સ.) ના હાથોમાં હશે. આ બધા લોકો તે ધ્વજની આગળ આગળ ચાલીને બલ્કે દરેક બાજુથી ધ્વજને પોતાના આવરણમાં લઇને જન્નતમાં દાખલ થશે.

(કામેલુઝ્ ઝિયારાત પાના નં. : ૧૪૧, બેહારુલ અન્વાર ભાગ : ૧૦૧ પાના નં. : ૨૧)

ઇમામ હુસયન (અ.સ.) ના ઝવ્વારોની શું શાન અને મરતબો છે ? કયામતમાં જે ધ્વજના સાયા નીચે તમામ નબીઓ અને વસીઓ હશે, ઝવ્વારોને પણ એજ ધ્વજના સાયા હેઠળ જગ્યા મળશે.

હઝરત રસુલે ખુદા (સ.અ.વ.), હઝરત અલી (અ.સ.) અને નબીઓ (અ.સ.) મુસાફેહા કરશે.

(૧)   હઝરત ઇમામ જઅફર સાદિક (અ.સ.) એ મોઆવીયા બિન વહબને ફરમાવ્યું :

એ મોઆવીયા ! કોઇ ભયના કારણે ઇમામ હુસયન (અ.સ.) ની ઝિયારતને છોડી ન દેશો. શું તમે આવતી કાલે તે લોકોમાં ભળી જવા નથી માંગતા જેઓની સાથે હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) મુસાફેહા કરે?

(કામેલુઝ્ ઝિયારાત પાના નં. : ૧૧૮)

(૨)   આપની બીજી એક રિવાયતમાં આ પ્રમાણે છે :

જો કોઇ ઇમામ હુસયન (અ.સ.) (ની પવિત્ર કબ્ર) ની પાછળ એક નમાઝ પઢે તે કયામતના દિવસે ખુદા સાથે એવી રીતે મુલાકાત કરશે કે દરેક વસ્તુ તેના નુરમાં ડૂબી જશે. ખુદાવંદે આલમ ઇમામ હુસયન (અ.સ.) ના ઝવ્વારોની ઇઝ્ઝત અને સન્માન કરશે. આગને તેઓને સ્પર્શ કરવાની રજા નહિ આપે. ઝવ્વારનું સ્થાન હવઝે કવસર હશે. હઝરત અલી (અ.સ.) હવઝે કવસર ઉપર ઊભા હશે. તેની સાથે મુસાફેહા કરશે. કવસરના પાણીથી તેને તૃપ્ત કરશે.

(કામેલુઝ્ ઝિયારાત પાના નં.૧૨૩, બેહારુલ અન્વાર :  ભાગ : ૧૦૧ પાના નં. : ૭૮)

(૩)   હઝરત ઇમામ ઝયનુલ આબેદીન (અ.સ.) ની રિવાયત છે:

જે કોઇ એક લાખ ચોવીસ હજાર નબીઓ (અ.સ.) સાથે મુસાફેહા કરવા માગતો હોય તેણે ૧૫ શઅબાનુલ મોઅઝ્ઝમના ઇમામ હુસયન (અ.સ.) ની ઝિયારત કરવી જોઇએ. મલાએકાઓ અને નબીઓની રુહો ખુદા પાસે ઇમામ હુસયન (અ.સ.) ની ઝિયારતની રજા માંગે છે અને તેઓને રજા આપવામાં આવે છે. ખુશ કિસ્મત છે તે લોકો જેમની સાથે નબીઓ મુસાફેહા કરે અથવા જે નબીઓ સાથે મુસાફેહા કરે. તેઓમાં પાંચ ઓલુલ અઝ્મ પયગમ્બરો છે. જનાબે નુહ (અ.સ.), જનાબે ઇબ્રાહીમ (અ.સ.), જનાબે મુસા (અ.સ.), જનાબે ઇસા (અ.સ.) અને હઝરત મોહમ્મદ મુસ્તુફા (સ.અ.વ.)

(કિતાબ ફઝલે ઝિયારતે હુસયન અ.સ.)

હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) સાથે મુસાફેહા કરવા મળે તેવી દરેકની દીલી તમન્ના છે અને જેને આ સન્માન મળે છે પછી તે સ્વપ્નામાં પણ કેમ ન હોય તે પોતાને ખૂબજ ખુશ કિસ્મત સમજે છે. પરંતુ તે લોકોના દરજ્જાઓ કેવા હશે જેઓની સાથે હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) હઝરત અલી (અ.સ.) અને તમામ નબીઓ મુસાફેહા કરે.

પૂલે સેરાત ઝવ્વાર માટે સરળ થઇ જશે:

હઝરત ઇમામ જઅફર સાદિક (અ.સ.) ની રિવાયત છે.

હઝરત અમીરુલ મોઅમેનીન (અ.સ.) ની તરફથી ઝવ્વાર માટે એક ફરિશ્તો મોકલવામાં આવશે. જે સેરાતને હુકમ આપશે. તે જહન્નમની આગને હુકમ કરશે કે ઝવ્વારને તાબે થઇ જા. તારી કોઇ જવાળા ઝવ્વાર સુધી આવવા ન પામે, જ્યાં સુધી ઝવ્વાર પસાર ન થઇ જાય. હ. અમીરૂલ મોઅમેનીન (અ.સ.) નો મોકલેલો ફરીશ્તો તેની સાથે સાથે રહેશે.

(કામેલુઝ્ ઝિયારાત પાના નં.૧૨૩, બેહારુલ અન્વાર ભાગ : ૧૦૧ પાના નં. ૭૮)

કયામતની સખ્તીઓથી મુક્તિ:

કયામતની સખ્તીઓને કુરઆને કરીમે આ રીતે રજૂ કરી છે.

“એ લોકો, તમારા રબથી ડરો અને તકવા અખત્યાર કરો. બેશક કયામતનો ઝલઝલો ઘણી મોટી ચીજ છે. જે દિવસે તમે જોશો કે દૂધ પાનારી સ્ત્રી પોતાના દૂધપીતા બાળકને ભુલી જશે. સગર્ભા સ્ત્રી પોતાના ગર્ભને પાડી નાખશે. તમે તે દિવસે લોકોને મદહોશ જોશો. તેઓ નશામાં નહિ હોય, પરંતુ અલ્લાહનો અઝાબ સખત હશે.

(સુરએ હજ, આ.નં. ૧-૨)

આ માત્ર કયામતની સખ્તીઓનો સામાન્ય નમુનો છે. આ સખ્તીઓમાંથી મુક્તિ મેળવવી દરેકની શક્તિની વાત નથી. પરંતુ તે સખ્તીઓથી મુક્તિ મેળવવી પણ જરુરી છે. ખુદાવંદે આલમે જ્યાં આ પ્રકારની સખ્તીઓની ચર્ચા કરી છે ત્યાં તેમાંથી મુક્તિ મેળવવાની રીતો પણ નક્કી કરી છે. જો આપણે આ સખ્તીઓથી મુક્તિ મેળવવા માગતા હોઇએ તો તેના માર્ગોને પણ અનુસરીએ. આ સખ્તીઓથી મુક્તિ મેળવવાનો એક અગત્યનો માર્ગ હ. ઇમામ હુસયન (અ.સ.) ની ઝિયારત છે.

હઝરત અલી બીન અબી તાલિબ (અ.સ.) નું બયાન છે

“એક દિવસ હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) અમારા ઘરે પધાર્યા. અમે તેમની સામે જમવાનું પીરસ્યું. પછી આં હઝરત (સ.અ.વ.) ઘરના ખુણામાં મસ્જીદમાં ગયા. નમાઝ અદા કરી. લાંબો સજદો કર્યા. રડ્યા, અને લાંબા સમય સુધી રડતા રહ્યા. જ્યારે સજદહમાંથી માથું ઉંચુ કર્યું ત્યારે અમારામાંથી કોઇની હિમ્મત ન થઇ કે આં હઝરત (સ.અ.વ.) ને કાંઇ પૂછે. એટલામાં હુસયન (અ.સ.) ઊભા થયા અને હઝરત (સ.અ.વ.) ના ખોળામાં બેસી ગયા અને પૂછયું :  નાનાજાન કઇ ચીજે આપને આટલા રડાવ્યા ?

આં હઝરત (સ.અ.વ.) એ ફરમાવ્યું : મારા લાલ ! હું આવ્યો ત્યારે તમને લોકોને જોઇને ઘણો ખુશ હતો. મને આટલી વધુ ખુશી ક્યારે થઇ ન હતી. એટલામાં જીબ્રઇલ (અ.સ.) આવ્યા અને તેમણે ખબર આપી કે તમે લોકો શહીદ કરવામાં આવશો અને જુદી જુદી જગ્યાઓ ઉપર શહીદ કરવામાં આવશો. મેં ખુદાની હમ્દ કરી અને તેની પાસે ખયર માંગી.

હુસયન (અ.સ.) એ આં હઝરત (સ.અ.વ.) ને પૂછયું. નાનાજાન, જુદી જુદી જગ્યાઓ ઉપર અમારી કબ્રો હોવા પછી અમારી ઝિયારત માટે કોણ આવશે ?

ફરમાવ્યું : મારી ઉમ્મતનો એક સમૂહ મારી ખુશી અને મારી સાથે સંપર્ક રાખવા ખાતર ઝિયારત માટે આવશે. હું કયામતના મેદાનમાં તેઓની સાથે મુલાકાત કરીશ અને તેમના બાવડા પકડી પકડીને કયામતની સખ્તીયો અને ભયાનકતામાંથી મુક્તિ અપાવીશ.

(કામેલુઝ્ ઝિયારાત પાના નં. ૫૯)

એક બીજી રિવાયતમાં આ રીતે છે :

“હું કયામતમાં તેઓની સાથે મુલાકાત કરીશ અને તેઓને તેઓના ગુનાહોમાંથી આઝાદ કરાવીશ.

(અલ કાફી ભાગ :  પાના નં. ૫૪૮, વસાએલ ભાગ : ૧૦, પાના નં. ૨૫૬)

અન્ય એક રીવાયતમાં આ રીતે છે :

તે લોકોનો મારા ઉપર એ હક છે કે કયામતમાં તેઓની ઝિયારત કરું. હું તેઓને તેઓના ગુનાહોમાંથી આઝાદ કરાવીશ અને જન્નતમાં દાખલ કરીશ.

(સવાબુલ અઅમાલ પાના નં. ૧૦૮)

આ રિવાયતોનો અભ્યાસ કરવાથી એવું તારણ કાઢી શકાય કે ઇમામ હુસયન (અ.સ.) ની ઝિયારત કરનારા લોકો કયામતમાં નીચે પ્રમાણેની ખુશનસીબી મેળવશે :

૧.     હ. રસુલે ખુદા (સ.અ.વ.) તેઓની સાથે મુલાકાત કરશે.

૨.     ગુનાહોથી મુક્તિ અપાવશે.

૩.     કયામતની સખ્તીઓથી મુક્તિ અપાવશે.

૪.    જન્નતમાં લઇ જશે.

જો ઇન્સાન વિચાર કરે કે ક્યાં આપણે સૌથી હલ્કી મખ્લુક, ગુનાહોમાં ડૂબેલા, રુહાની બિમારીઓમાં સપડાએલા, નેકીઓ વગરના, ન કોઇ ખાસ ઇમાન, ન કોઇ કદર કરી શકાય તેવો અમલ.

ક્યાં દુનિયાની સૌથી મહાન વ્યક્તિ, તમામ નબીઓ અને મુરસલીનના સરદાર, સૃષ્ટિના સર્જનનું કારણ. કયામતમાં તેમનાથી વધુ ઉચ્ચ અને સૌથી વધુ મરતબો ધરાવનાર અને અફઝલ કોઇ નહિ હોય. તે ઇમામ હુસયન (અ.સ.) ની કબ્રની ઝિયારત કરનારાઓની ઝિયારત માટે આવે, તેઓની સાથે મુલાકાત કરે. તેઓના બાવડા પકડીને દરેક પ્રકારની સખ્તીઓમાંથી મુક્તિ અપાવે અને જન્નતમાં લઇ જાય.

શું આથી વધુ કોઇ બીજી ઇઝ્ઝત કે સન્માનની કલ્પના શક્ય છે?

જ્યાં સુધી સ્વાસ ચાલી રહ્યો છે ત્યાં સુધી ફુરસતને ગનીમત ગણી અલ્લાહ પાસે આજીજી પૂર્વક ઝિયારતની દોઆ કરો અને જો ઝિયારત કરી ચૂક્યા હોવ તો વારંવાર જાવાની દરખાસ્ત કરો અને જો ઝિયારત માટે કરબલા જઇ શકાય તેવા સંજોગો ન હોય તો પોતાના ઘરમાં જ ઇમામ હુસયન (અ.સ.) ની ઝિયારત કરો.

સૌથી વધુ તેજસ્વી શાનો શવકત હશે:

કયામતના મેદાનમાં જ્યાં દરેક પોતાના પ્રશ્ર્નોમાં ગુંચવાએલા હશે ત્યાં હઝરત ઇમામ હુસયન (અ.સ.) ના ઝવ્વારોની શાન અને શવકત કાંઇક જુદીજ હશે.

ઝરીહ મહારબીએ હઝરત ઇમામ જઅફર સાદિક (અ.સ.) ને અરજ કરી : મૌલા જ્યારે મારી કૌમ અને સગાવ્હાલાઓને હઝરત ઇમામ હુસયન (અ.સ.) ની પવિત્ર કબ્રના સવાબની જાણ કરું છું ત્યારે તેઓ મને જુઠલાવીને કહે છે કે તમે હઝરત ઇમામ જઅફર સાદિક (અ.સ.) ની તરફ ખોટી વાતોને જોડી દો છો ? ઇમામ (અ.સ.) એ ફરમાવ્યું:

“એ ઝરીહ ! લોકોની પરવા ન કરો. તેઓ જ્યાં જાય છે ત્યાં જવા દો. ખુદાની કસમ ખુદાવંદે આલમ ઇમામ હુસયન (અ.સ.) ના ઝવ્વારો ઉપર ફખ્ર અને ગર્વ કરે છે. મલાએકાઓ માંથી ખાસ ચુંટાએલા મલાએકા અને અર્શને ઉપાડનારા ફરિશ્તાઓ તેઓનું સન્માન કરે છે. ત્યાં સુધી કે ખુદાવન્દે આલમ મલાએકાઓને કહે છે : શું તમે ઇમામ હુસૈન (અ.સ.) ના ઝવ્વારોને નથી જોતા? જુઓ કે તેઓ કેવા શોખ અને લાગણીથી આવ્યા હતા. આ બધા ઇમામ હુસૈન (અ.સ.) અને ફાતેમા ઝહેરા (સ.અ.) ની મોહબ્બતમાં આવ્યા હતા.

મારી ઇઝ્ઝત, જલાલ અને અઝમતની કસમ મેં મારી ઇઝ્ઝત અને એહતેરામ તેઓના માટે જરુરી કર્યો છે. હું તેઓને એ જન્નતમાં જરુર દાખલ કરીશ જે મેં મારા વલીઓ, મારા નબીઓ અને મારા પયગમ્બરોને માટે તૈયાર કરી છે.

(કામેલુઝ્ ઝિયારાત પાના નં. : ૧૪૩, બેહારુલ અન્વાર ભાગ: ૧૦૧ પાના નં.૭૫)

હુરો પ્રતિક્ષા કરી રહી છે:

હઝરત ઇમામ મોહમ્મદ બાકિર (અ.સ.)  અથવા હઝરત ઇમામ જઅફર સાદિક (અ.સ.) એ જનાબે ઝોરારહને કહ્યું : “એ ઝોરારહ! દુનિયામાં જે પણ મોઅમીન છે તેને માટે જરુરી છે કે તે હઝરત  ઇમામ હુસયન (અ.સ.) ની ઝિયારત થકી જનાબ ફાતેમા ઝહેરા સલામુલ્લાહેઅલયહાને ખુશ કરે.

ઇમામ (અ.સ.) એ વધુમાં ફરમાવ્યું :

“એ ઝોરારહ, કયામતના દિવસે હઝરત ઇમામ હુસયન (અ.સ.) અલ્લાહના અર્શની નીચે બિરાજમાન હશે. ખુદા તેમના ઝવ્વારો અને શીયાઓને ભેગા કરશે. જેથી તે ઇઝ્ઝત, સન્માન, તાજગી, ખુશી અને ભવ્યતાઓને જૂએ અને તે બાબતો જૂએ જેના ગુણો ખુદાની સિવાય કોઇને ખબર નથી.

તેટલામાં જન્નતની હુરોના પ્રતિનિધિઓ તેઓની પાસે આવશે અને કહેશે કે અમને હુરોએ આપની સેવામાં મોકલ્યા છે અને અરજ કરી છે કે તેઓ આપની મુલાકાતની ચાહતમાં બેચૈન છે, અને આપ લોકો મોડું કરી રહ્યા છો ! આના લીધે તેઓની ખુશી અને સન્માનમાં વધારો થશે. તેઓ આ પ્રતિનિધિઓને કહેશે:

“અમે ઘણી જલ્દીથી તેઓની પાસે આવીએ છીએ.

(બેહારુલ અન્વાર ભાગ : ૧૦૧ પાના નં. :૭૫)

સૌથી પહેલા જન્નતમાં જશે:

હઝરત ઇમામ જઅફર સાદિક (અ.સ.) એ ફરમાવ્યું :

કયામતમાં ઇમામ હુસયન (અ.સ.) ના ઝવ્વારોને બાકીના લોકો ઉપર ઉચ્ચતા અને સન્માન પ્રાપ્ત થશે.

ઝોરારહે પુછયું : શું શું સન્માન હશે ?

આપ (અ.સ.) એ ફરમાવ્યું :

આ હઝરતો બાકીના લોકોની સરખામણીમાં ચાલીસ વરસ વહેલા જન્નતમાં દાખલ થશે, જ્યારે બાકીના લોકો હિસાબ અને કિતાબમાં રોકાએલા હશે.

જન્નતી દસ્તરખાન:

જનાબ અબુ બસીરની રિવાયત છે. મેં હઝરત ઇમામ મોહમ્મદ બાકિર (અ.સ.) અથવા હઝરત ઇમામ જઅફર સાદિક (અ.સ.) પાસેથી સાંભળ્યું છે :

“જે માણસ જન્નતમાં પોતાનું ઘર અને ઠેકાણું બનાવવા ચાહતો હોય તેણે મઝલુમની ઝિયારત છોડી ન દેવી જોઇએ.

અરજ કરી :- “કોણ મઝલુમ? ફરમાવ્યું :

હુસયન બિન અલી, સાહેબે કરબલા. જે સ્વેચ્છાએ અને રસુલે ખુદા (સ.અ.વ.), જનાબ ફાતેમા (સ.અ.) અને જનાબ અમીર (અ.સ.) ની મોહબ્બતમાં તેઓની ઝિયારત કરશે, ખુદા તેને જન્નતના દસ્તરખાન ઉપર બેસાડશે અને તે તેઓની સાથે જમશે, જ્યારે બાકીના લોકો હિસાબ અને કિતાબમાં સપડાએલા હશે.

(કામેલુઝ્ ઝિયારાત પાના નં. : ૧૩૮)

૧૦૦ લોકોની શફાઅત કરશે :

ઘણા ઓછા લોકો એવા હશે જેઓ પોતાના ઇમાન અને આમાલના ધોરણે જન્નતમાં જશે. નહિ તો દરેક શફાઅતના કારણે જ જન્નતમાં જશે. અમુક લોકો જન્નતમાં જવા માટે શફાઅતના મોહતાજ હશે અને અમુક જન્નતમાં દરજ્જાઓમાં વધારો કરવા માટે શફાઅતના મોહતાજ હશે. શફાઅતનો મૂળ હક ખુદાવન્દે આલમને પ્રાપ્ત છે. કયામતમાં તમામ લોકો મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.સ.)ની શફાઅતના મોહતાજ હશે. અહલેબયત (અ.સ.) લોકોની શફાઅત કરશે અને અમુક નસીબદાર લોકો એવા પણ હશે જેઓને મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.સ.) ની શફાઅત કાંઇક એવી રીતે નસીબ થશે કે તેઓ ખુદ બીજા લોકોની શફાઅત કરશે. આ રીતે લોકોમાં હઝરત ઇમામ હુસયન (અ.સ.) ના ઝવ્વારોને વિશેષ દરજ્જો મળેલ છે.

તુસના એક રહેવાસીએ હઝરત ઇમામ જઅફર સાદિક (અ.સ.) ને પુછયું: “એ ફરઝન્દે રસુલ! જે માણસ ઇમામ હુસયન (અ.સ.) ની કબ્રની ઝિયારત કરે તેનું શું સ્થાન છે ?

ફરમાવ્યું :

“એ તુસના રહેવાસી! જે મારા વાલિદ હઝરત ઇમામ હુસયન બિન અલી (અ.સ.) ની કબ્રની ઝિયારત તે મઅરેફતની સાથે કરે કે તે ખુદા તરફથી નિમાએલા ઇમામ (અ.સ.) છે અને તેમની તાબેદારી વાજીબ અને જરૂરી છે, ખુદા તેના આગળના થઇ ગયેલા અને પછીના થનારા ગુનાહો માફ કરી દેશે અને ગુનોહગારોના હકમાં તેની શફાઅત કબુલ કરી લેશે. તેઓ (અ.સ.) ની કબ્રની પાસે જે દોઆ માંગવામાં આવશે તે જરુર કબુલ થશે.

(આમાલીએ સદુક પાના નં. : ૫૨૬)

આ રિવાયતમાં ૭૦ લોકોની શફાઅતની વાત છે. એક બીજી રીવાયતમાં આવી ૧૦૦ વ્યક્તિઓની શફાઅતની વાત છે જે લોકો માટે જહન્નમ જરુરી ગણવામાં આવી હતી. એટલે કે જો આ શફાઅત નસીબ ન થતે તો તેઓ જહન્નમમાં જતે.

શયફ તમ્મારની રિવાયત છે. હઝરત ઇમામ જઅફર સાદિક (અ.સ.) ને કહેતા સાંભળ્યા :

“કયામતમાં હઝરત ઇમામ હુસયન (અ.સ.) ના  ઝવ્વારો ૧૦૦ વ્યક્તિઓની શફાઅત કરશે. જેમાંના દરેકને માટે દોઝખ જરુરી ગણવામાં આવી હતી. આ એ લોકો હતા જે દુનિયામાં  ઇસરાફ કરતા હતા.

(કામેલુઝ્ ઝિયારાત પાના નં. : ૧૬૫)

એક બીજી રિવાયતમાં છે કે પોતાના ખાનદાનની વ્યક્તિઓ સિવાય એક હજાર દીની ભાઇઓની શફાઅત કરશે.

હઝરત ઇમામ જઅફર સાદિક (અ.સ.) ની રિવાયતમાં છે:

“જો કોઇ ઇમામ હુસયન (અ.સ.) ની ઝિયારત માટે જાય અને ત્યાં કતલ કરી દેવામાં આવે, તે સમયનો હાકિમ તેની ઉપર ઝુલમ કરે અને તે કતલ થઇ જાય તો જેવું તેના લોહીનું પહેલું ટીપું જમીન ઉપર પડશે તેવા જ તેના બધા ગુનાહ માફ કરી દેવામાં આવશે. તેના ખાનદાનવાળા અને એક હજાર દીની ભાઇઓના હકમાં તેની શફાઅત કબુલ કરવામાં આવશે.

(કામેલુઝ્ ઝીયારાત પાના નં. ૧૨૪)

આ શફાઅત મેળવનાર વ્યક્તિઓની સંખ્યામાં તફાવત ઝવ્વારની મઅરેફત અને ઝિયારતની તકલીફો સહન કરવા ઉપર આધારિત છે. જ્યારે આજકાલના ઝવ્વારો કાફલાવાળાને સવાલ કરે છે. તમે તમારા કાફલામાં અમને શું શું સગવડતાઓ આપશો. તેઓ એ ભૂલી જાય છે કે આ સફરમાં જેટલી તકલીફો થશે, સવાબ પણ તેટલો વધારે મળશે. અફસોસ છે કે ઇમામ હુસયન (અ.સ.) ની ઝિયારતમાં આરામ અને સગવડોની માંગણીઓ કરીએ છીએ, જેમણે ખુદ કરબલાના મેદાનમાં એટલી મુસીબતો અને દુ:ખો સહન કર્યા જેનું ઉદાહરણ શરુઆતમાં કે અંતમાં (પહેલેથી છેલ્લે સુધી) ક્યાંય દેખાતું નથી.

ખુદાવંદાની રહેમતોમાં હશે :

અબ્દુલ્લાહ બિન મેકાને હઝરત ઇમામ જઅફર સાદિક (અ.સ.) ને કહેતા સાંભળ્યા :

“જે ખુદાવંદે આલમની ખુશનુદી માટે ઇમામ હુસયન (અ.સ.) ની ઝિયારત કરશે, ખુદા તેના ગુનાહોને એવી રીતે પાક સાફ કરી દેશે જાણે કે તે હમણાં માના પેટમાંથી પેદા થયો હોય… આસમાનના ખુણે ખુણામાંથી ખુદાની રહેમત તેને ઘેરી લેશે. મલાએકા આ રીતે તેને અવાજ દેશે: મુબારક થાય. તમે ઝિયારત કરીને પાક સાફ થઇ ગયા અને પછી તેના ખાનદાનમાં તેનું રક્ષણ કરવામાં આવશે.

(કામેલુઝ્ ઝિયારાત પાના નં. : ૧૪૫)

કલેજું ઠંડુ રહેશે:

દુનિયામાં થોડી એવી ગરમી પણ આપણાથી સહન નથી થતી. થોડા તડકામાં શરીર બફાવા લાગે છે. ત્યારે કયામતની ગરમી? એક તરફ કયામતના દ્રષ્યોનો ભય, હિસાબ અને કિતાબની બેચેની, આગથી ઉકળતી જહન્નમ, ભરખી જતી જવાળાઓ, ખુદાનો ગઝબ… આવી સ્થિતિમાં જો કોઇ ચાહે કે તેનું કલેજું ઠંડુ રહે અને કયામતના મેદાનની ગરમીથી સુરક્ષિત રહે તો તે અરફાના દિવસે ઇમામ હુસયન (અ.સ.) ની ઝિયારત કરે.

હઝરત ઇમામ જઅફર સાદિક (અ.સ.) અને હઝરત ઇમામ અલી રઝા (અ.સ.) થી રિવાયત છે : “જે અરફાના દિવસે (૯મી ઝીલ્હજુલ હરામ) ઇમામ હુસયન (અ.સ.) ની પવિત્ર કબ્રની ઝિયારત કરશે ખુદા તેના કલેજાને ઠંડુ રાખશે.

(કામેલુઝ્ ઝિયારાત પાના નં. : ૧૭૦)

મલાએકાઓના સરદાર બનશે:

હઝરત ઇમામ જઅફર સાદિક (અ.સ.) થી રિવાયત છે.

“જેણે અરફાના દિવસે હઝરત ઇમામ હુસયન (અ.સ.) ની ઝિયારત કરી, ખુદા તેને હઝરત હુજ્જત (અ.સ.) ની સાથે હજાર હજાર હજ કરવાનો સવાબ આપશે. અને ખુદા તેને ‘અબ્દીસ્સીદ્દીક’ ‘મારા સાચા બંદા’ કહીને સંબોધશે. મારો આ સાચો બંદો છે, જે મારા વાયદા ઉપર યકીન ધરાવે છે. મલાએકા કહેશે ફલાણો ‘સિદ્દીક’ છે. ખુદાએ તેને અર્શની ઉપર પાક અને પાકીઝા ગણાવ્યો છે અને તેને દુનિયામાં ‘કર્રુબી’ ના નામથી બોલાવવામાં આવશે.

(કામેલુઝ્ ઝિયારાત પાના નં.: ૧૭૨)

ડીક્ષનરીમાં ‘કર્રુબી’ મલાએકાના સરદારને કહે છે.

સંબંધ દર્શાવવાથી એક સામાન્ય વસ્તુને મહાન બનાવી દે છે. ખાનએ કાઅબા, કુરઆને કરીમ, મસ્જીદુલ હરામ… બધા ખુદાની તરફથી સંબંધ દર્શાવેલા હોવાના કારણે મહાન અને સન્માન કરવાને પાત્ર છે. આ રિવાતયતમાં ખુદાવંદે આલમ હઝરત ઇમામ હુસયન (અ.સ.) ના ઝવ્વારને “અબ્દિસ્સીદ્દીક (મારો સાચો બંદો) કહીને સંબોધન કરી રહ્યો છે ને તેના માટે “અબ્દીનો શબ્દ વાપરી રહ્યો છે. ઝવ્વારનો પોતાની તરફ સંબંધ દર્શાવી રહ્યો છે અને પોતાનો બંદો કહી રહ્યો છે. અબ્દીય્યત એક સૌથી ઉચ્ચ સ્થાન છે. જેનો અંદાજ તશહહુદથી થઇ જાય છે. તશહહુદમાં હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) ની રિસાલતની ગવાહીની પહેલા તેમની અબ્દીય્યતની ગવાહી આપીએ છીએ.

“અશહદો અન્ન મોહમ્મદન અબ્દોહુ વ રસુલોહ

ઇમામ હુસયન (અ.સ.) ની શહાદત ઉપર એટલી હદે ઉલુહીય્યત છે કે ઇમામ હુસયન (અ.સ.) ને “સાર – અલ્લાહ કહે છે અને કદાચ આ સંબંધથી ખુદા ઇમામ હુસયન (અ.સ.) ના ઝવ્વારને “પોતાનો બંદો અબ્દી કહી રહ્યો છે.

જન્નતના ઉંચા ઉંચા મકાનોમાં જગ્યા મળશે:

જન્નતમાં જવું તે દરેકની તમન્ના છે. જન્નતમાં જવું તે ખુદ એક ઘણોજ મહત્વનો અઘરો તબક્કો છે. જહન્નમના અઝાબથી સુરક્ષિત થઇ જવું અને જન્નતમાં ચાલ્યા જવું સહેલું નથી. અને જન્નતમાં સૌથી ઉચ્ચ સ્થાન મેળવવું ઘણું મુશ્કેલ છે. પરંતુ મોહમ્મદ (સ.અ.વ.)  અને આલે મોહમ્મદ (અ.સ.) ની વિલાયત અને મોહબ્બત તે મહાન નેઅમત છે જેના સહારે સૌથી મુશ્કેલ બાબત પણ સહેલી થઇ જાય છે. અને સૌથી ઉચ્ચ દરજ્જાઓ સુધી પહોંચવું શક્ય બની જાય છે.

હઝરત ઇમામ જઅફર સાદિક (અ.સ.) ની રિવાયત છે. જે મઅરેફતની સાથે ઇમામ હુસયન (અ.સ.) ની પવિત્ર કબ્રની ઝિયારત કરશે ખુદા તેને જન્નતના ઉંચા ઉંચા મકાનોમાં “આ’લા ઇલ્લીય્યીન માં સ્થાન આપશે.

(કામેલુઝ્ ઝિયારાત પાના નં. : ૧૪૭)

સૌ જાણે છે કે જન્નતના ઉંચા ઉંચા મકાનોમાં “આ’લા ઇલ્લીય્યીન જન્નતનો સૌથી ઉચ્ચ દરજ્જો છે.

ખુદાવંદે આલમ આપણને સૌને હઝરત વલીએ અસ્ર ઇમામે ઝમાના (અ.સ.) ની સાથે વારંવાર ઇમામ હુસયન (અ.સ.) ની પવિત્ર કબ્રની ઝીયારતની ખુશનસીબી અતા  કરે.

આમીન.

ઝાએરે હઝરત ઇમામ હુસૈન (અ.સ.) ઝીયારતના ઇરાદાથી વતન પાછા ફરવા સુધી

અઇમ્મએ મઅસુમીન (અ.સ.) ની મુલાકાતનું સન્માન પ્રાપ્ત કરવું અને તેઓની બારગાહમાં ગૌરવ પ્રાપ્ત કરવાની તમન્ના રાખવી દરેક મોઅમીનના દિલમાં હોય છે. કુરઆને કરીમની સ્પષ્ટ આયતો, વિશ્ર્વાસપાત્ર અને સનદથી મેળવેલી હદીસોના પ્રકાશમાં આ વાત સંપૂર્ણ છે કે ખુદાની રાહમાં શહીદ થનાર જીવતા છે. આપણા બધા ઇમામો યા તો તલ્વારથી શહીદ કરવામાં આવ્યા અથવા ઝેર આપીને શહીદ કરવામાં આવ્યા. આ બધા હઝરતો (અ.સ.) બધા શહીદોના સરદાર અને તેઓના આગેવાન છે. અઇમ્મએ મઅસુમીન (અ.સ.) હાલમાં જીવંત છે. એટલું જ નહિ બલ્કે આપણને જોઇ પણ રહ્યા છે. આપણી વાતોને સાંભળી રહ્યા છે અને જવાબ આપી રહ્યા છે જો કે આપણે એ લાયક નથી કે તેઓના પવિત્ર અવાજને સાંભળી શકીએ.

હાલમાં અઇમ્મએ મઅસુમીન (અ.સ.)ની કબ્રોની ઝીયારત કરવી તે જીંદગીમાં તેઓની ખીદમતમાં હાજર થવા સમાન છે. તેઓમાંથી એકની ઝીયારત કરવી તો દરેકની ઝીયારત કરવા સમાન છે. હઝરત મુસા કાઝીમ (અ.સ.) ની રિવાયત છે : “જો કોઇએ અમારા પહેલાની ઝીયારત કરી તો તેણે અમારા છેલ્લાની ઝીયારત કરી અને જેણે અમારા છેલ્લાની ઝીયારત કરી તેણે અમારા પહેલાની ઝીયારત કરી.

(બેહારૂલ અન્વાર, ભાગ – ૧૦૦, પા. ૧૨૨)

હઝરત ઇમામ જઅફર સાદિક (અ.સ.) ની રિવાયત છે “જો કોઇ અમારા દુનિયામાંથી જવા પછી અમારી ઝીયારત કરે તો તેણે અમારી ઝીયારત જીંદગીમાં કરવા બરાબર છે.

(બેહારૂલ અન્વાર, ભાગ – ૧૦૦, પા. ૧૨૪)

કેટલાય લોકો છે જેઓના દિલોમાં અઇમ્મએ મઅસુમીન (અ.સ.) ની કબ્રોની ઝીયારતની તડપ છે. આંખો હરમની એક ઝલક જોવા માટે બેચૈન છે. જ્યારે પણ કોઇ ઇમામના રોઝાની તસ્વીર સામે આવી જાય છે ત્યારે તડપ ઘણી વધી જાય છે. અને આંખોમાં આંસુઓ ડબડબે છે અને ગાલ ઉપર રેલાતા આંસુઓ સચ્ચાઇની સાક્ષી પૂરે છે. પરંતુ પરિસ્થિતિ પગની બેડી સમાન બની જાય છે. સાધન-સામગ્રીનો અભાવ રૂકાવટો ઉભી કરી દે છે અને મોઅમીન વળ ખાઇને રહી જાય છે. દિલ ચીમળાય જાય છે. આપણા કરીમ બીન કરીમ આકાઓ અને ઇમામોને પોતાના ગુલામોની આ મજબુરીઓની જાણ હતી. તેઓએ તેનો ઇલાજ આ રીતે કહ્યો છે : બાબુલ હવાએજ હઝરત ઇમામ મુસા કાઝીમ (અ.સ.) મે ફરમાવ્યું : “જો કોઇ અમારી ઝીયારતની શક્તિ નથી ધરાવતો તેણે અમારા નેક કામ કરનારા ભાઇઓની કબ્રોની ઝીયારત કરવી જોઇએ.

(બેહારૂલ અન્વાર, ભાગ – ૭૪, પા. ૩૧૧)

હઝરત ઇમામ જઅફર સાદિક (અ.સ.) મે ફરમાવ્યું : જે અમારી ઝીયારત કરવાની શક્તિ નથી ધરાવતો તેણે અમારા નેક કાર્ય કરનારા દોસ્તોની ઝીયારત કરવી જોઇએ. તેને અમારી ઝીયારતનો સવાબ આપવામાં આવશે.

(બેહારૂલ અન્વાર, ભાગ – ૧૦૨, પા. ૨૯૫)

આ તે લોકોના માટે છે જેઓની સ્થિતિ ખરેખર એવી છે કે તેઓ મક્કા, મદીના, નજફ, કરબલા, કાઝમૈન, સામર્રા, મશહદ, કુમ વિગેરે સ્થળોએ જઇને મઅસુમીનની કબ્રોની ઝીયારત કરવા માટે સાધન-સંપન્ન નથી. પરંતુ તે લોકો જેઓને ખુદાવન્દે આલમે સાધન-સંપત્તિ આપી છે તેઓએ જીવનમાં માત્ર એક વખત ઝીયારત કરીને સંતોષ ન માનવો જોઇએ. રિવાયતમાં છે કે કોઇની પાસે સગવડ  હોય તો તેણે વર્ષમાં બે વખત ઝિયારત માટે જવું જોઇએ.(કામેલુઝ્ ઝીયારત,પા. ૧૮૮) અને ચાર વર્ષથી વધુ ગાળો રાખવો મઅસુમીન (અ.સ.) ને પસંદ નથી (કામેલુઝ્ ઝીયારત પા. ૨૯૭) જે લોકો દૂર દૂરના દેશોમાં રહે છે તેઓએ ત્રણ વર્ષમાં એક વખત ઝીયારત માટે જવું જોઇએ. (કામેલુઝ્ ઝીયારત, પા. ૨૯૭)

ઝીયારતનો શું સવાબ છે. ઝીયારત કરનારને કયામતના દિવસે શું શું મળશે. જો ખુદાએ તૌફીક આપી અને વાંચકોની દોઆઓનો સાથ મળ્યો તો તેની ચર્ચા ફરી ક્યારેક કરીશું. અત્યારે તો માત્ર એટલી વાત કરવા માંગીએ છીએ કે જ્યારે કોઇ ઇમામ હુસૈન (અ.સ.) ની ઝીયારતની નિય્યતથી પોતાના ઘરેથી નીકળે છે, સફર કરે છે, કરબલા પહોંચે છે અને ઝીયારત કરીને પાછો ફરે છે ત્યારે તેના પગલે પગલા ઉપર કેવા કેવા ઇનામોથી નવાજવામાં આવે છે અને કેવા કેવા દરજ્જાઓ આપવામાં આવે છે. જો વ્યક્તિ આ પવિત્ર મુસાફરી પોતાના ઇમામે ઝમાના (અ.સ.) તરફથી કરે તો આ ઇનામોમાં અસંખ્ય વધારો કરવામાં આવે છે. કારણ કે ઇનામ આપતી વખતે એ પણ ધ્યાન રાખવામાં આવે છે કે કોને ઇનામ આપવામાં આવી રહ્યું છે.

હઝરત વલી અસ્ર (અ.સ.)ની ઇનાયતથી આ ચર્ચાની શરૂઆત કરીએ છીએ અને કદમ કદમ ઉપર તેમના માર્ગદર્શનની દરખાસ્ત કરીએ છીએ.

ફઇન્નક કરીમુન મેનલ અવલાદીલ કેરામ.

ઝીયારતનો ઇરાદો :

જ્યારે મોઅમીન હઝરત ઇમામ હુસૈન (અ.સ.)ની ઝીયારતનો ઇરાદો કરે છે, તૈયારી પુરી થઇ ચૂકી છે, હવે ઝીયારત માટે મુસાફરી કરવાનો ઇરાદો છે ત્યારે ઇમામ જઅફર સાદીક (અ.સ.) ફરમાવે છે કે : “ખુદાવન્દે આલમે અમૂક મલાએકાઓને ઇમામ હુસૈન (અ.સ.) ની કબ્ર ઉપર નક્કી કર્યા છે. જ્યારે કોઇ ઇમામ હુસૈન (અ.સ.) ની ઝીયારતનો ઇરાદો કરે છે ત્યારે ખુદા તેના ગુનાહોને માફ કરી દે છે, જ્યારે પગ ઉપાડે છે ત્યારે ગુનાહોનો નાશ કરે છે. તેની નેકીઓમાં વધારો કરે છે અને ત્યાં સુધી વધારો કરતો રહે છે જ્યાં સુધી તે જન્નતને લાયક બની જાય છે.

(વસાએલુલ મોહિબ્બીન, પા. ૨૮૦)

ઝીયારતની મુસાફરીના સમયે ઝીયારતનું ગુસ્લ :

“જ્યારે કોઇ ઝીયારતનો ઇરાદો કરે છે અને તેની નિય્યતથી ગુસ્લ કરે છે ત્યારે હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) તેને કહે છે : એ અલ્લાહના મહેમાનો! તમને એ વાતની ખુશ ખબર થાય કે તમે જન્નતમાં મારી સાથે હશો.

હઝરત ઈમરૂલ મોઅમેનીન (અ.સ.) તેને કહે છે : હું જામીન થાઉં છું કે તમારી હાજતો પુરી થશે દુનિયા અને આખેરતની બલાઓ તમારાથી દૂર થશે.

તે પછી હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) અને હઝરત અમીરૂલ મોઅમેનીન (અ.સ.) જમણી અને ડાબી બાજુએ તેનું રક્ષણ કરે છે ત્યાં સુધી કે તે પોતાના ઘરે પાછો આવી જાય.

(કામેલુઝ્ ઝીયારાત, પા. ૧૩૩, બેહારૂલ અન્વાર, ભાગ – ૧૦૧, પા. ૧૪૭, હ. ૩૬)

૧)    હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) એ હઝરત ઇમામ હુસૈન (અ.સ.) ના ઝવ્વારોને ખુદાના મહેમાન કહ્યા છે અને કેમ ન હોય. ઝીયારતે વારેસામાં બરાબર આ પડીએ છીએ : “અસ્સલામો અલય્ક યા સારલ્લાહ અને ખુદા મેઝબાન હોય તો તે પોતાના મહેમાનોને શું નહીં આપે.

૨)    ઝવ્વારને ન તો માત્ર જન્નતની ખુશખબર આપવામાં આવી રહી છે બલ્કે હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) ની સાથે રહેવાની પણ ખુશખબરી આપવામાં આવી રહી છે અને દેખીતું છે કે જન્નતમાં હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) નો દરજ્જો સૌથી ઉંચો હશે.

૩)    હઝરત અલી (અ.સ.) તે વાતની જામીનગીરી લઇ રહ્યા છે કે તેની હાજતો પુરી થશે અને કેમ ન જામીનગીરી લે તે માટે તો મુશ્કીલ કુશા છે જ.

૪)    હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) અને હઝરત અલી (અ.સ.) તેને પોતાના રક્ષણમાં લઇ લેશે.

મુસાફરીનો સામાન તૈયાર કરતી વખતે :

હઝરત ઇમામ જઅફર સાદિક (અ.સ.) મે જ્યારે જાબીરે જોઅફીને પુછયું : તમારી અને હઝરત ઇમામ હુસૈન (અ.સ.) ની કબ્ર વચ્ચે કેટલું અંતર છે?

અરજ કરી : મારા મા – બાપ આપ ઉપર કુરબાન – એક દિવસ અથવા તેનાથી થોડું ઓછું અંતર છે.

ફરમાવ્યું : શું તમે તેમની ઝીયારત માટે જાવ છો?

અરજ કરી : હા

ફરમાવ્યું : શું હું તમને ખુશખબર ન આપું અને તેના સવાબની વાત કરીને તમને ખુશ ન કરૂં?

અરજ કરી : હું આપ ઉપર કુરબાન થઇ જાવ. જરૂર કહો.

ફરમાવ્યું : જ્યારે તમારામાંથી કોઇ મુસાફરીના સામાનની તૈયારી કરે છે અને ઇમામ હુસૈન (અ.સ.) ની ઝીયારત માટે તૈયારી કરે છે ત્યારે આસમાનના ફરિશ્તા તેની સાથે રહે છે.

ઘરથી નીકળતી વખતે :

જ્યારે તે ઘરની બહાર નીકળે છે, પછી તે પગે ચાલીને હોય કે વાહન ઉપર, ખુદાવન્દે આલમ ચાર હજાર ફરિશ્તા તેની સાથે મોકલે છે. તેઓ તેના ઉપર દુરૂદ  અને સલામ મોકલ્યા કરે છે. ત્યાં સુધી કે તે ઇમામ હુસૈન (અ.સ.) ની કબ્ર સુધી પહોંચી જાય.

(બેહારૂલ અન્વાર, ભાગ – ૧૦૧, પા. ૧૬૩, હ. ૮, કામેલુઝ્ ઝીયારાત, પા. ૨૦૬)

છ દિશાએથી ફરિશ્તાઓ રક્ષણ કરે છે :

સફવાન જમ્માલની રિવાયત મુજબ હઝરત ઇમામ જઅફર સાદિક (અ.સ.) મે ફરમાવ્યું : જ્યારે કોઇ હઝરત ઇમામ હુસૈન (અ.સ.) ની ઝીયારતની નિય્યતથી પોતાના ઘરેથી, નીકળે છે ત્યારે સાતસો ફરિશ્તા તેની સાથે સાથે રહે છે. ઉપરથી, નીચેથી, જમણેથી, ડાબેથી, સામેથી અને પાછળથી તેની સાથે રહે છે ત્યાં સુધી કે તે પોતાની મંઝીલ સુધી પહોંચી જાય.

(કામેલુઝ્ ઝીયારાત, પા. ૧૯૦, બેહારૂલ અન્વાર, ભાગ – ૧૦૧, પા. ૫૮, હ. ૬૨)

એક હજાર ફરિશ્તા સાથે રહે છે :

એક બીજી રિવાયતમાં આ રીતે છે : જ્યારે કોઇ હઝરત ઇમામ હુસૈન (અ.સ.) ના હક્કને ઓળખીને ઝીયારતની નિય્યતથી તકબ્બુર (ઘમંડ) વગર ઘરેથી નીકળે છે ત્યારે એક હજાર ફરિશ્તા જમણી બાજુએ અને એક હજાર ફરિશ્તા ડાબી બાજુએ તેની સાથે સાથે રહે છે અને તેને કોઇ નબી કે વસીની સાથે એક હજાર હજ અને એક હજાર ઉમરા કરવાનો સવાબ આપવામાં આવે છે.

(બેહારૂલ અન્વાર, ભાગ – ૧૦૧, પા. ૯૧, હ. ૩૩)

આ રિવાયત રફાઆએ ઇમામ જઅફર સાદિક (અ.સ.) થી નકલ કરી છે.

જુદી જુદી રિવાયતોમાં ફરિશ્તાઓની જુદી જુદી સંખ્યા લખવામાં આવી છે તેનું કારણ કદાચ આ હોય.

૧)    આ તફાવત ઝવ્વારની નિય્યત અને નિખાલસતા સંબંધે હોય. નિય્યત જેટલી વધુ નિખાલસ તેટલોજ ફરિશ્તાઓની સંખ્યામાં વધારો હશે.

૨)    આ સંખ્યા ઝીયારતના ખાસ સમય અંગે હોય જેમ કે કોઇ અરફા (૯ ઝીલ્હજ) ના દિવસે ઝીયારત માટે જાય ત્યારે એક ખાસ સંખ્યા સાથે હશે અને અરબઇનની ઝીયારતમાં જાય ત્યારે ફરિશ્તાઓની એક વધુ સંખ્યા સાથે હશે. કારણકે રફાઆની રિવાયત અરફાના દિવસની ઝીયારતના અનુસંધાનમાં લખવામાં આવી છે.

૩)    આ સંખ્યાનો તફાવત ઇમામ હુસૈન (અ.સ.)ની મઅરેફત અંગે છે. ઝવ્વારના દિલમાં ઇમામ હુસૈન (અ.સ.)ની જેટલી મઅરેફત અને મોહબ્બત હશે તેટલો વધારો ફરિશ્તાઓની સંખ્યામાં થશે. રફાઆની રિવાયતમાં ‘આરેફન બેહક્કેહ’ ની વાત પણ લખી છે.

૪)    ઝવ્વારના ચારિત્ર્યના અંગે હોય. કારણકે આ રિવાયતમાં મઅરેફતની સાથે આ વાતની પણ ચર્ચા કરવામાં આવી છે કે તે અભિમાની ન હોય. ઝીયારતની તવફીક ઘમંડ – ગર્વ અને અભિમાનના કારણે ન હોય બલ્કે આ તૌફીક નમ્રતા અને વિનયમાં પરિણમવી જોઇએ.

આથી સ્પષ્ટ થઇ જાય છે કે ઇમામ હુસૈન (અ.સ.) ની ઝીયારત માત્ર ગુનાહોથી પાકીઝગીનું કારણ બને છે એટલું જ નહિ બલ્કે ખરાબ સંસ્કારો અને ખરાબ આદતોમાં પણ સુધારણા કરી દે છે.

જ્યારે સૂરજની ગરમી અસર કરે છે :

સફવાન જમ્માલે હઝરત ઇમામ જઅફર સાદિક (અ.સ.)થી આ રિવાયત કરી છે : જ્યારે ઇમામ હુસૈન (અ.સ.) ના ઝવ્વારના ઉપર સૂર્યના કિરણો પડે છે તો તે તેના ગુનાહોને એવી રીતે ખતમ કરી દે છે જેવી રીતે આગ લાકડાને ખાઇ જાય છે. સૂરજ તેના શરીર ઉપર કોઇ ગુનાહ બાકી નથી રાખતો. જ્યારે તે પાછો આવે છે ત્યારે કોઇ ગુનાહ બાકી નથી રહી જતા. અને તેને તે દરજ્જાઓ આપવામાં આવે છે જે રાહે ખુદાની રાહમાં ખૂન વહેવરાવનારને પણ નથી મળતો.

(કામેલુઝ્ ઝીયારાત, પા. ૨૯૮, બેહારૂલ અન્વાર, ભાગ – ૧૦૧, પા. ૧૫,હ. ૧૪)

જ્યારે પસીનો નીકળે છે અને થાક લાગે છે :

ખુદાવન્દે આલમ હઝરત ઇમામ હુસૈન (અ.સ.) ના ઝવ્વ્ારોના પસીનાના દરેક ટીપાથી ૭૦ હજાર મલાએકાને પેદા કરે છે જે ખુદાની તસ્બીહ કરે છે અને કયામતની સવાર સુધી ઇમામ હુસૈન (અ.સ.) ના ઝવ્વારો માટે ઇસ્તેગફાર કરે છે.

(મુસ્તદરક, ભાગ – ૨, પા. ૨૦૪)

જ્યારે ઘરેથી પગ બહાર કાઢે છે :

જ્યારે ઝવ્વાર ઘરેથી પગ બહાર કાઢે છે ત્યારે જે જે વસ્તુ ઉપર તેનો પગ પડે છે તે વસ્તુ તેના માટે દોઆ કરે છે. (બે.અ., ભાગ ૧૦૧, પા. ૧૫, હ. ૧૪, – કા.ઝી. પા. ૧૩૪) જ્યારે સવારી પર બેસી ઝીયારત માટે જાય છે ત્યારે સવારીના દરેક કદમ પર એક નેકી અતા કરવામાં આવે છે અને એક ગુનાહ માફ કરવામાં આવે છે. (સવાબુલ અઅમાલ પા. ૧૧૬) બીજી એક રીવાયતમાં હ. ઇમામ સાદીક (અ.સ.) ફરમાવે છે, અમારો કોઇપણ શીયા ઇમામ હુસૈન (અ.સ.)ની ઝીયારત માટે જાય છે તે પાછો નથી ફરતો ત્યાં સુધી કે તેના બધા ગુનાહ માફ ન થઇ જાય. એક એક પગલા પર ૧૦૦૦ નેકીઓ લખાય છે અને ૧૦૦૦ ગુનાહ માફ થાય છે. હજાર હાજત પુરી થાય છે.

(બેહારૂલ અન્વાર, હ. ૧૦૧, પા. ૨૫, હ. ૨૬, કામેલુઝ્ ઝીયારત પા. ૧૩૪)

નેહરે ફુરાતમાં ગુસ્લ કરતી વખતે :

હઝરત ઇમામ જઅફર સાદિક (અ.સ.)ને એક માણસે પુછયું : જો કોઇ નેહરે ફુરાતમાં ગુસ્લ કરીને પછી ઝીયારત માટે જાય તો તેને શું સવાબ મળશે?

ઇમામ ફરમાવ્યું, જો કોઇ નેહરે ફુરાતમાં ગુસ્લ કરીને ઝીયારત માટે જાય તો તેના ગનુાહ એવી રીતે ધોવાઇ જાય છે જેવી રીતે તે હમણાં તેની માના પેટમાંથી જન્મ્યો હોય.

(કામેલુઝ્ ઝીયારાત, પા. ૧૮૫, બે.અ. ભાગ – ૧૦૧, પા. ૧૪૫)

ગુસ્લ કરીને ઝીયારત માટે પગે ચાલીને જવાના સમયે :

હઝરત ઇમામ જઅફર સાદિક (અ.સ.) મે બશીર દહહાનને ફરમાવ્યું જો તમારામાંથી કોઇ નેહરે ફુરાતમાં ગુસ્લ કરીને ઇમામ હુસૈન (અ.સ.)ની મઅરેફતની સાથે તેમની ઝીયારત માટે જાય તો તેના એક એક પગલા પાડવા અને એક એક પગ ઉંચો કરવા માટે સો કબુલ થએલી હજ અને સો પાક ઉમરા અને નબીની સાથે સો લડાઇમાં ભાગ લેવાનો સવાબ આપવામાં આવશે.

(કા.ઝી. પા. ૧૮૫)

મલાએકા સ્વાગત કરે છે :

આબાન બીન તબ્લગે ઇમામ જઅફરે સાદિક (અ.સ.) થી રિવાયત કરી છે, ઇમામ (અ.સ.) મે ફરમાવ્યું : ઇમામ હુસૈન (અ.સ.) ની પવિત્ર કબ્ર ઉપર ચાર હજાર ફરિશ્તાઓ છે, જેમના માથાઓ ઉપર ધૂળ છે તે કયામતની સવાર સુધી રડતા રહેશે. તેઓનો એક સરદાર છે જેનું નામ ‘મન્સુર’ છે. જ્યારે કોઇ ઝવ્વાર ઇમામ હુસૈન (અ.સ.) ની ઝીયારત માટે આવે છે ત્યારે આ ફરિશ્તા તેનું સ્વાગત કરે છે.

(કાફી, ભાગ – ૪, પા. ૫૮૧)

ફરિશ્તાઓ માત્ર નેકીઓ લખે છે :

હઝરત ઇમામ જઅફરે સાદિક (અ.સ.) મે અલી બીન મયમુન અસ-સાએગને ફરમાવ્યું : ઇમામ હુસૈન (અ.સ.) ની ઝીયારત કરો અને તે તર્ક ન કરો.

રાવીએ પુછયું કે જો કોઇ ઝીયારાત માટે જાય તો તેને શું સવાબ મળશે?

આપે ફરમાવ્યું : જો કોઇ પગે ચાલીને જશે તો દરેક પગલે તેના માટે એક નેકી લખવામાં આવશે અને એક દરજ્જો અતા કરવામાં આવશે. જ્યારે તે ત્યાં પહોંચશે ત્યારે ખુદા તેના માટે બે ફરિશ્તાને નિમશે જે તેની નેકઓને લખતા રહેશે પરંતુ તેની બુરાઇઓ લખશે નહી. બીજી કોઇ બાબત પણ નહી લખે. જ્યારે તે પાછો ફરે છે ત્યારે તેને વિદાય કરે છે અને કહે છે : એ અલ્લાહના વલી! તમારા ગુનાહ માફ કરવામાં આવ્યા છે, તમે અલ્લાહના ગિરોહમાં – પક્ષમાં છો અને તેના રસુલના પક્ષમાં છો અને રસુલની એહલેબય્તના પક્ષમાં છો. ખુદાની કસમ તમારે આગનો સામનો નહિં કરવો પડે અને ન તો તમને આગનો સ્વાદ ચાખવો પડશે.

(કામેલુઝ્ ઝિયારાત, પા. ૧૩૪)

ઝીયારતની પછી જ્યારે પાછા ફરવાનો ઇરાદો થાય છે :

૧)    ખુદાની તરફથી સલામ આવે છે :

હઝરત ઇમામ જઅફર સાદિક (અ.સ.)ની એક રિવાયતમાં છે : ‘ઝવ્વાર જ્યારે ઝીયારત કર્યા પછી વતન પાછા ફરવાનો ઇરાદો કરે છે ત્યારે એક ફરિશ્તો તેની પાસે હોય અને તેને કહે છે ‘હું તમારા ખુદાની તરફથી સંદેશો લઇને આવ્યો છું, ખુદા તમને સલામ કહે છે અને ફરમાવે છે કે મેં તમારા તમામ અગાઉના ગુનાહોને માફ કરી દીધા છે હવે નવેસરથી અમલ શરૂ કરો.’

(અત-તહઝીબ, ભાગ – ૬, પા. ૪૩, વસાએલ, ભાગ – ૧૦, પા. ૩૪૨)

૨)    નબીએ કરીમ (સ.અ.વ.) તરફથી સલામ આવે છે :

હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) તરફથી એક ફરિશ્તો આવે છે અને આ સંદેશો પહોંચાડે છે : હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) એ તમને સલામ કહ્યા છે અને ફરમાવે છે કે ખુદાવન્દે આલમે તમારા તમામ અગાઉના ગુનાહો માફ કરી દીધા છે અને હવે ફરીથી અમલ શરૂ કરો.

(કામેલુઝ્ ઝીયારાત પા. ૧૩૨)

૩)    જીબ્રઇલ, મીકાઇલ અને ઇસરાફીલ સાથે સાથે હોય છે:

સફવાન બીન હરાન જમ્માલની રિવાયત છે : હઝરત ઇમામ જઅફર સાદિક (અ.સ.) મે ફરમાવ્યું, જે ઇમામ હુસૈન (અ.સ.) ની કબ્રની ઝીયારત કરવા જાય છે અને તેની નિય્યત નિખાલસ હોય છે ત્યારે જીબ્રઇલ મીકાઇલ અને ઇસરાફીલ  તેની સાથે સાથે રહે છે ત્યાં સુધી કે તે ઘરે પાછો આવી જાય છે.

(કામેલુઝ્ ઝીયારત , પા. ૧૪૫, બે.અ. ભાગ – ૧૦૧, પા. ૨૦)

૪)    સાતસો મલાએકાઓ તેને વિદાય કરે છે :

હઝરત ઇમામ જઅફર સાદિક (અ.સ.) ફરમાવે છે : જ્યારે માણસ ઇમામ હુસૈન (અ.સ.)ની ઝીયારતની નિય્યતથી પોતાના ઘરેથી નીકળે છે ત્યારે ઉપર, જમણે, ડાબે, આગળ પાછળથી સાતસો મલાએકા તેની સાથે સાથે રહે છે. ત્યાં સુધી કે તે પોતાના સ્થાને પહોંચી જાય છે અને જ્યારે ઇમામ હુસૈન (અ.સ.) ની ઝીયારત કરે છે ત્યારે એક મુનાદી પોકારે છે, ખુદાએ તમને માફ કરી દીધા છે હવે નવેસરથી અમલની શરૂઆત કરો. પાછા ફરતી વખતે તેની સાથે તેના ઘર સુધી આવે છે અને ઘરે પહોંચીને તેને કહે છે અમે તમને ખુદાને સોંપીએ છીએ અને જ્યાં સુધી જીવતા રહે છે ત્યાં સુધી તેની ઝીયારત કરતા રહે છે અને દરરોજ ઇમામ હુસૈન (અ.સ.)ની ઝીયારત કરતા રહે છે અને દરરોજ ઇમામ હુસૈન (અ.સ.) ની ઝીયારત કરે છે અને તેનો સવાબ તે માણસના આમાલનામામાં લખવામાં આવે છે.

(કામેલુઝ્ ઝીયારત, પા. ૧૯૦)

(૫-૬-૭) બિમારીમાં ખબર પૂછવામાં આવે છે – જનાઝાની સાથે રહે છે – ઇસ્તીગફાર કરે છે :

જો કોઇ ઝવ્વાર બિમાર થઇ જાય તો દરરોજ સવાર સાંજ તેની ખબર પૂછે છે અને  જો તે મૃત્યુ પામે તો તેના જનાઝામાં હાજર રહે છે અને કયામતની સવાર સુધી તેના માટે ગુનાહોની માફી માગે છે અને આ સૌ હઝરત ઇમામ મહદી (અ.સ.) ના જાહેર થવાની રાહ જુએ છે. – ઇમામ જઅફર સાદિક (અ.સ.)ની રિવાયત

(કામેલુઝ્ ઝીયારત પા. ૧૯૨)

૮)    દરવાજા ઉપર ઉભા રહીને તસ્બીહ કરે છે :

જ્યારે મલાએકા ઝવ્વરને તેના ઘર સુધી પાછા પહોંચડી દે છે ત્યારે ખુદાની બારગાહમાં અરજ કરે છે કે પરવરદિગાર તારો આ બંદો તારા નબીના ફરઝન્દની ઝીયારત કરીને પોતાના ઘરે સલામતિથી પહોંચી ગયો. હવે અમે ક્યાં જઇએ? આસમાનમાંથી તેઓના માટે એક અવાજ આવે છે: “એ મારા મલાએકાઓ, મારા બંદાના દરવાજા ઉપર ઉભા રહો અને તસ્બીહ કરતા રહો અને જ્યાં સુધી મારો બંદો જીવે ત્યાં સુધી તેનો સવાબ ઝવ્વારના આમાલ-નામામાં લખતા રહો.

(કામેલુઝ્ ઝીયારાત, પા. ૨૦૮, બેહારૂલ અન્વાર, ભાગ – ૧૦૧, પા. ૧૬૪)

ખુદા ખુદ રૂહ કબ્ઝ કરે છે :

જાબીર જો’ફીએ હઝરત ઇમામ જઅફર સાદિક (અ.સ.) થી રિવાયત કરી છે : જ્યારે ઝવ્વાર ઇમામ હુસૈન (અ.સ.)ની ઝીયારત કરીને પાછો કરે છે ત્યારે આસમાનમાંથી એક મુનાદી પોકારે છે, જો તમે તેનો અવાજ સાંભળી લેતે તો હંમેશા ઇમામ હુસૈન (અ.સ.) ની કબ્ર પાસે રહેતે, તે અવાજ આ હોય છે : તને મુબારક થાય, તે ઘણો ફાયદો મેળવ્યો, દરેક રીતે સહી સલામત બની ગયો. ખુદાએ તારા અગાઉના ગુનાહો માફ કરી દીધા છે હવે ફરીથી અમલ શરૂ કર.

જો આ વર્ષમાં કે આ રાત્રે તે મૃત્યુ પામે તો ખુદ ખુદાવન્દે આલમ તેની રૂહ કબ્ઝ કરે છે.

(કામેલુઝ્ ઝીયારાત, પા. ૨૦૭, બેહારૂલ  અન્વાર, ભાગ – ૧૦૧, પા. ૧૬૪)

આ એક મોટો મોઅજીઝો છે કે ખુદા ખુદ બંદાની રૂહને કબ્ઝ કરે અને ખુદ પોતાની બારગાહમાં લઇ જાય. આ મોઅજીઝો બંદાના વ્યક્તિગત ગુણના કારણે નહિ પરંતુ હઝરત ઇમામ હુસૈન (અ.સ.) ની ઝીયારતનો સદકો છે.

ગુસ્લ, કફન અને દફનમાં મલાએકા હાજર રહે છે :

ઇમામ મોહમ્મદ બાકીર (અ.સ.)ની રીવાયતમાં છે : જો ઝીયારતના વર્ષમાં ઝવ્વાર મૃત્યુ પામે તો રહેમતના ફરિશ્તાઓ તેના ગુસ્લ અને કફનમાં હાજર રહે છે. તેના માટે ઇસ્તિગફાર કરે છે. કબ્ર સુધી તેના જનાઝામાં સાથે રહે છે અને તેની કબ્ર નજર પહોંચે ત્યાં સુધી પહોળી અને વિશાળ થઇ જાય છે.

(કામેલુઝ્ ઝીયારાત, પા. ૧૪૩, બેહારૂલ અન્વાર, ભા. – ૧૦૧, પા. ૧૮)

આપે જોયું કે જો કોઇ  માણસ નિખાલસ નિય્યતથી ઇમામ હુસૈન (અ.સ.) ની ઝીયારતનો ઇરાદો કરે છે, મુસાફરીની શરૂઆત કરે છે, એક પછી એક સ્થળો પસાર કરીને કરબલા પહોંચે છે, ઝીયારત કરે છે, પાછો આવે છે તો દરેક તબક્કે અને દરેક કદમ ઉપર તેને કેવા કેવા ઇનામો અને કેવા કેવા મોઅજીઝાઓથી નવાજવામાં આવે છે.

આ તો માત્ર કબ્રની મંઝીલ સુધીની વાત છે. બરઝખમાં, મહેશરના મેદાનમાં, પુલે સેરાત ઉપર, જન્નતમાં……. ઝવ્વારને કઇ કઇ વસ્તુઓથી નવાજવામાં આવશે અને કેટલો બદલો અને સવાબ આપવામાં આવશે. જો ખુદાએ તવફીક આપી અને ઇમામે ઝમાનાની મહેરબાનીઓની સાથે, આપની દોઆઓનો તેમાં ઉમેરો થશે તો હવે પછી તેની ચર્ચા કરશું.

ખુદાની બારગાહમાં દોઆ છે કે ખુદા આપણને સૌને ભરપુર નિખાલસ નિય્યત અને ઉચ્ચ કક્ષાની મઅરેફત સાથે હઝરત ઇમામ હુસૈન (અ.સ.) ની પવિત્ર કબ્રની ઝિયારતની તક આપે અને વારંવાર આપે. અને કરબલાના શહિદોની જેમ આપણને સૌને પણ આપણા ઝમાનાના ઇમામ હઝરત ઇમામ મહદી (અ.સ.) ની વફાદારી અને ખીદમત કરવાની, તેમને ખુશ કરવાની, અને તેમની હાજરીમાં તેમના તરફથી જેહાદ કરવાની અને શહીદ થવાની ખુશ નસીબી અર્પણ કરે. આમીન…..

હઝરત ઇમામ હુસૈન (અ.સ.) ની ઝિયારત ની શરતો

ઝીયારતને હૃદયનું સાંત્વન, અકીદત અને મોહબ્બતને પ્રદર્શિત કરવાની રીતે અને આખેરતની મુક્તિના માધ્યમની કલ્પના કરવામાં આવી છે. માનવ-ઇતિહાસમાં આ અમલ ઇસ્લામના ઇતિહાસની સાથે સાથે ચાલે છે. ત્યાં સુધી કે મઝહબમાં ન માનવાવાળા સમાજમાં પણ ઝીયારતનો રિવાજ કોઇને કોઇ પ્રકારે જોવા મળે છે. તેથી આરબો પણ આ રીત રિવાજથી અલિપ્ત નથી. અજ્ઞાનતાના યુગમાં પણ લોકો કઅબા અને તેની દિવાલો ઉપર બનાવેલા સોનાના હરણને પવિત્ર સમજીને તેની ઝીયારત માટે આવતા. જ્યારે રસુલે ખુદા (સ.અ.વ.) મદીનએ મુનવ્વરાથી મક્કાએ મુકર્રમા હજના એહકામ અદા કરવા માટે તશરીફ લઇ જતાં તો પાછા ફરતી વખતે પોતાના માદરે ગીરામી જનાબે આમેનાની કબર ઉપર હાજરી આપતા અને એવું ક્યારેય નહોતું બન્યુ કે આપ એ કબરની ઝીયારત કર્યા વગર મદીના પાછા ફર્યા હોય. કઅબાની નઝદીક મસ્જીદુલ હરામમાં મકામે ઇબ્રાહીમ (અ.સ.) છે. જ્યાં હાજીઓ બે રકઅત નમાઝ પડે છે અને ત્યાંજ આપના પગની નિશાની છે જેને સુરક્ષિત કરવામાં આવી છે અને તેની ઉપર એક નાનું ચણતર કરી લેવામાં આવ્યું છે, જે તમામ મુસ્લિમ ઉમ્મત ઉપર કયામત સુધી ઝીયારતગાહ બની રહેશે. અરફાત અને મીના તે ઝીયારતના સ્થળો છે જ્યાં હાજી સાહેબો વરસમાં એક વખત ભેગા થાય છે. ત્યાં જે ઝીયારતની પ્રક્રિયા મુસલમાનોની ઉમ્મત માટે નક્કી કરવામાં આવી છે, આપણે તેને મનાસિકે હજ્જના નામથી યાદ કરીએ છીએ. યાદ રાખો કે મીના અને અરફાતની ઝમીન આખુ વરસ નિર્જન રહે છે. મીનામાં ત્રણ દિવસ માટે અને અરફાતના મયદાનમાં એક દિવસ માટે વસ્તી હોય છે, જે હાજી આ ઝીયારતના સ્થળોમાં જેટલી પળો પસાર કરે છે તેના માટે અમૂક શરતો પુરી કરવી તે હરમના દરેક ઝવ્વારની ફરજ છે. અને તેનાથી અલિપ્ત નથી રહી શકતો. હિજરતથી પહેલા જનાબે યાસીર (ર.અ.) અને સોમય્યા (ર.અ.) ની શહાદતોએ તેમના દફનના સ્થળે પાક અને પવિત્રતાના થાંભલા પર કાયમી ઝીયારતગાહ બાંધી છે. બદ્રના શહિદોની કબરો તેના નૂરની સાથે દરેક હાજી અને ઝવ્વારનું ધ્યાન  તેના તરફ આકર્ષિત કરે છે. ઓહદનું ગન્જે શહીદા આજે પણ ઝિયારતનું કેન્દ્ર બનેલું છે. જનાબે હમઝાની કબર આજે પણ ઓહદના પહાડ અને પથરાળ તળેટી વચ્ચે નૂર ચમકાવી રહી છે. ટૂંકમાં ઝીયારતનો રિવાજ ઇસ્લામના ઉદયથી સદીઓ શું બલ્કે હઝરત આદમ (અ.સ.) એ પોતાના પગ આ જમીન ઉપર મૂક્યા તે દિવસથી આ રસ્મની પરંપરા શરૂ થઇ ગઇ. ઝિયારતની પાછળનું કારણ ચોક્કસ રીતે કોઇ મહાન હેતુ અને ફાયદાઓ વાળુ હોય છે, ત્યારેજ રિવાયતોમાં તેના બારામાં તાકીદ અને આગ્રહ કરવામાં આવ્યો છે. ઝિયારત માટે પ્રવાસ અને ફરવા માટે અથવા હેતુ વગરની ટૂરની કલ્પના કરવી તે પોતાની અક્કલની ખામી અથવા વિચારશીલતાની ક્ષતિ સિવાય બીજું કશું નથી. અને જ્યારે કોઇ હેતુ સામે હોય છે તો તેના નિયમો અને શરતો પણ સમાજ અને સમયનો ખ્યાલ રાખી નક્કી કરવામાં આવે છે. દાખલા તરીકે અમૂક લોકો પીર અથવા અવલીયાની કબર પર હાજર થાય છે ત્યારે એહતેરામની દ્રષ્ટિથી માથા ઉપર રૂમાલ બાંધી લે છે, જોડા બહાર ઉતારી દે છે. અને પોતાને માનસિક રીતે તૈયાર કરી લે છે અને ત્યારેજ ઝીયારત માટે પોતાની અકીદત અને મોહબ્બત પ્રદર્શિત કરે છે. આ એક સામાન્ય નિયમ છે. આ બધી બાબતો ઝીયારત કરવાના સ્થળોએ પ્રચલિત છે. અલબત્ત, એક વિશિષ્ટતા અને અપવાદ હઝરત સરકારે સય્યદુશ્શોહદા અરવાહોના ફીદામાં જોવા મળે છે, તે વિશિષ્ટતા અને અપવાદ અન્ય ઉચ્ચ શખ્સીય્યતોની ઝીયારતમાં જોવા મળતા નથી. કરબલાની સૌથી વધુ દુ:ખ અંગેઝ ઘટના બની તેનાથી બહુજ પહેલા તે ઝીયારતનું અસ્તિત્વ જોવા મળે છે પછી ભલે તેનું સ્વરૂપ બદલાએલું કેમ ન હોય. બલ્કે ઇમામે મઝલુમ (અ.સ.)ના જન્મના સમયેજ તે પાકીઝા જમીનની માટીની ઝીયારત જીબ્રઇલ (અ.સ.) એ ખુદાના હુકમથી કરાવી અને બા-કાયદા રસુલે અકરમ (સ.અ.વ.) એ કલ્પાંત કર્યંુ. સ્પષ્ટ છે કે હુસૈન (અ.સ.) જેવા માઅસુમ અને સાલેહ ખુદાના બંદાની ઝીયારતનો એહતેમામ ખુદ ખુદાએ અઝઝો જલાલની કુદરતના હાથમાં થયો છે. નિશ્ર્ચિત રીતે ઝીયારતનું સ્થળ કોઇ ન કોઇ સર્વશ્રેષ્ઠ બુદ્ધિયુક્ત અભિયાન અથવા ઇલાહી મીશનની પરીપૂર્ણતાથી સંબંધ ધરાવે છે. આજ ખાસ સંબંધને લીધે પરેશાન ઇન્સાન મુશ્કેલીઓ અને પરેશાનીઓથી ગભરાઇને પોતાની અકીદત અને મોહબ્બતને પ્રદર્શિત કરીને, પોતાની પરેશાનીઓથી મુક્તિ મેળવવા માટે, પોતાની ઇચ્છાઓની પૂર્તિ માટે, કબરના માલિકના વાસ્તાથી ખુદાની બારગાહમાં દોઆ માટે હાથ ફેલાવે છે. તો આમાં ન તો કોઇ અક્કલની ક્ષતિ છે, અને ન તો ખુદાથી દૂર થવા જેવું છે અથવા ન તો સર્જનનું સર્જક ઉપર મહત્વ આપવાનું ગુમાન થાય છે. આતો તેમની માનસિક અસમાનતાનું પ્રદર્શન છે જેઓ આ મુસ્તહબ કાર્યને બીદઅત કહી રહ્યા છે.

હિજરી સન ૬૧ મોહર્રમુલ હરામની દસમી તારીખે રસુલ (સ.અ.વ.) ના જીગરના ટુકડા ઇમામ હુસૈન (અ.સ.) ની એક માત્ર તે ઝાતે ગીરામીનો મરતબો છે કે જેણે ઇતિહાસની તેજ ધારાની દિશા બદલી નાખી, અને હજુ તો કરબલાને ૫૦ વર્ષથી વધુ મુદ્દતનો દૌર બાકી છે, તો પણ ક્યારેક ક્યારેક મસ્જીદે નબવીમાં, ક્યારેક ઉમ્મે સલમા (ર.અ.) ના ઘરમાં, ક્યારેક ઉમ્મુલ મોઅમેનીન આયશાના ઘરમાં, ક્યારેક અસ્હાબો વચ્ચે શહાદતની વાત થાય છે તેની સાથે હુસૈન (અ.સ.)ની કબરના ઝવ્વારોના અજર અને બદલા મળવાનું પણ વર્ણન કરવામાં આવે છે અને ઝીયારત કરવાની ફઝીલતો પણ બયાન કરવામાં આવે છે. ખુદાવન્દે મોતઆલનું કોઇ કાર્ય વ્યર્થ નથી હોતુ, તેના કામમાં કોઇને કોઇ કારણ જરૂર છુપાએલું હોય છે. અહિં પણ આટલો શાનદાર પ્રબંધ, જેની પાછળ પણ કોઇને કોઇ હેતુ જરૂર સમાએલો છે. પરંતુ અહિં એવી કઇ જરૂરત આવી પડી કે ઉમ્મે સલમા (ર.અ.) ના ઘરમાં પ્રબંધ થઇ રહ્યો છે.

ઇમામ હુસૈન (અ.સ.) હજુ બાલ્યાવસ્થામાં છે અને જનાબે ફાતેમા (સ.અ.)ના ખોળામાં પોતાના ભાઇ હસન (અ.સ.) ની સાથે બેઠા છે. જીબ્રઇલ આવે છે, કરબલાનો પ્રસંગ બયાન કરે છે, રસુલ (સ.અ.વ.) ના જીગરનો ટુકડો બીબી બતુલ એટલા રડે છે કે બેહોશ થઇ જાય છે. આપને પાણી છાંટીને હોશમાં લાવવામાં આવે છે. અને તેના પછી શેહઝાદા ઇમામ હુસૈન (અ.સ.) ના ઝવ્વારોનો બદલો મળવાની બાબત કહે છે. અલ્લાહના, તેના રસુલના, રસુલની અહલેબય્તના કોઇ પણ કામ અદલ અને ઇન્સાફથી વેગળા નથી હોતા. ઝવ્વારને આલે મોહમ્મદ (સ.અ.વ.) ના ઘરેથી શું ફાયદોે મળ્યો? શું તે ઝીયારતનું વળતર અને સવાબ દરેક ઝવ્વાર માટે સરખો છે? ઇબાદત કરવાવાળા સાલેહ બંદા અને ન કરવાવાળા લોકો વચ્ચે કોઇ ફેર નથી? છે. અને નિશ્ર્ચિત રીતે છે. પ્રકૃતિના સિદ્ધાંત મુજબ ‘દેતે હૈ બાદહ, ઝરફ કદહ ખ્વાર દેખ કર.’ શું એ શક્ય છે કે એક વ્યક્તિ ઝીયારત માટે ગયો ઝીયારતના બધા એહકામો બજાવી લાવ્યો. અને પાછો આવી ગયો, હવે જો તે પહેલાની જીંદગીમાં જે રીતે તે દિની જવાબદારીઓમાં ગફલત કરતો હતો અને ઝીયારતની પછી પણ તેની વર્તણુંકમાં કોઇ પ્રકારનું પરિવર્તન ન આવે તો એ કેવી રીતે શક્ય છે કે એ પછી પણ તેને તમામ વળતર એક સાલેહ અને નેક કાર્ય કરવાવાળા ઝવ્વારની બરાબર મળે? આ વાતો હકીકતથી અળગી અને અસંભવ છે. બલ્કે જેવી રીતે વ્યક્તિ તેની મહેનત પ્રમાણે વળતર મેળવે છે તેવી જ રીતે એક ઝવ્વાર પણ ઝીયારતની પાબન્દીઓની મર્યાદા મુજબ પોતાનું એક સ્થાન આ’માલની બુનિયાદ ઉપર ઉભું કરે છે અને તે મુજબ તેને વળતર મળે છે. તે મર્યાદાઓ પણ તેજ સમયે નક્કી કરવામાં આવી હતી કે જ્યારે કરબલાની ઘટના બનવાની પહેલા હજુ અડધી સદીથી વધુ દૂરનું અંતર હતું, અને તેની સ્પષ્ટતા અને વિગત સાદિકે આલે મોહમ્મદ (અ.સ.) એ કરબલાની ઘટનાની એક સદી પછી કરી. મસ્જીદે નબવી અથવા ઉમ્મે સલમા (ર.અ.) નો પ્રસંગ બધા જાણે છે. આ કોઇ વાર્તા નથી પરંતુ ખરેખર આ પ્રસંગ બન્યો હતો. જ્યારે પયગમ્બર (સ.અ.વ.) ના ઘરમાં જનાબે ફાતેમા (સ.અ.) હુસૈન (અ.સ.)ની સાથે પોતાના બાબાના ઘરમાં તશરીફ લાવ્યા હતા, તે વખતે જીબ્રઇલ આવે છે અને કરબલાના બનાવની ખબર સંભળાવે છેે. જનાબે ઝહરા (સ.અ.) સખત રીતે રડે છ.ે જનાબે રસુલે ખુદા (સ.અ.વ.) નો ખોળો આંસુઓથી તર થઇ જાય છે.

જીબ્રઇલ અમીન ચાલ્યા જાય છે અને રડવાનો સિલસિલો પૂરો થાય છે અને વાત મીલ્લતે શીયાના ધડકતા દિલો સુધી પહોંચી. જ્યારે ઇમામ હુસૈન (અ.સ.) ના ઝવ્વારોની વાત છેડાઇ ગઇ છે તો એ પણ જાણી લઇએ આખર ઝીયારતને આટલું બધું મહત્વ શા માટે આપવામાં આવ્યું છે? તેની અગત્યતા અને ફાયદાઓ શું છે? આ વિષય ઉપરની ચર્ચાને અંત સુધી પહોંચાડીને તેનું પરિણામ મેળવવું જરૂરી છે. જો થોડીવાર માટે એ માની લેવામાં આવે કે ઝીયારતનું કોઇ મહત્વ નથી તો પછી શું થશે? સ્પષ્ટ છે કે બનાવ મકસદ વગરનો રહીને અડધી સદીની અંદર અંદર ભુલાવી દેવામાં આવશે. અને મીશન અને હેતુ સમયની તેજ ધારા અને તોફાની વહેણમાં વહી જઇને અદ્રશ્ય થઇ જશે. માત્ર ઇતિહાસના વિષયમાં એક પ્રકરણ બનીને રહી જશે. કારણ કે ઝીયારત તે ખૂનથી ભરપૂર ઘટનાને જીવંત, પાયાદાર અને તાજી રાખે છે તેથી તેનું મહત્વ અને ફાયદાઓની અવગણના નથી થઇ શકતી. કદાચ એટલા માટે ઇમામ હુસૈન (અ.સ.) એ પોતાના નાનાને પુછ્યું હતું કે “નાના! આપ મારા ઝવ્વારો માટે શું અજ્ર નક્કી કરો છો? આપે ફરમાવ્યું : “એક હજનો સવાબ. કરબલામાં શહિદ થવાવાળા શહિદે આઝમ, “બસ? કહી ચૂપ થઇ ગયા. રસુલે અકરમ (સ.અ.વ.)  એ વાત ત્રણ હજ સુધી આગળ વધારી અને ચુપ થઇ ગયા. ઇમામ હુસૈને (અ.સ.) પોતાના વ્હાલા માદરે ગીરામી તરફ જોયું. આપે વાયદો કર્યો : “હું ત્યાં સુધી જન્નતમાં દાખલ નહિ થાઉં જ્યાં સુધી તમારા ઝવ્વારોને દાખલ ન કરી દઉં. હજ્જ અને જન્નત એ બન્ને તો અકીદત અને અઅમાલની મજબુત કડી છે. આ વિષયોનો સિલસિલો તો રસુલે અકરમ (સ.અ.વ.)ની રીસાલતની તબ્લીગથી એવી રીતે જોડાએલો છે કે કોઇ તેને જુદો નથી કરી શકતું. જન્નત એ અકીદાનો અરિસો છે કે જે મુસલમાનોના તમામ અઅમાલોને ઇસ્લામનાં દસ્તુરની કસોટી ઉપર પારખીને આપવામાં આવે છે અને હજ નબુવ્વતના સિલસિલાના એ ઇતિહાસને દોહરાવે છે જેણે જોર અને જુલ્મની ભડકેલી આતીશે નમરૂદના અંગારાઓને મહેકતા ફૂલોમાં બદલી નાખ્યા હતા અને ઇબ્રાહીમ (અ.સ.) ના ફરઝન્દ ઇસ્માઇલ (અ.સ.) એ મક્કાની તપતી રેતીમાં ઠંડા પાણીને ઝરો વહેતો કરી દીધો હતો. તેથી અલ્લાહની તે નિશાનીઓના એહતેરામ માટે ખુદાવન્દે મુતઆલના નક્કી કરેલા કાયદા કાનુન, શરતો અને સિદ્ધાંતોની અવગણના કરનારા અથવા ભુલી જનારાઓને તે ઉમદા અને ઉચ્ચતમ તૌફીકાત ક્યારેય પ્રાપ્ત નહી થશે. એ વાતો જે મસ્જીદે નબવીમાં અલ્લાહના રસુલ (સ.અ.વ.) એ ઝીયારત કરનારાઓ માટે અજ્રના સિલસિલામાં બયાન કરી હતી એટલે  કે અજ્રને રસુલ (સ.અ.વ.) પોતાની ત્રણ હજ્જોના સવાબની બરાબર નક્કી કરી હતી તેની સ્પષ્ટતા અને વિગતો રસુલે અકરમ (સ.અ.વ.) ના ફરઝન્દ સાદિકે મોહમ્મદ (અ.સ.) એ ફરમાવી જેથી ઝિયારતે ઇમામ હુસૈન (અ.સ.) ના આદાબ, શિષ્ટતા અને મહત્વતા ધ્યાનમાં રહે. આ આદાબની બે મસ્લેહતોને (રાઝને) વર્ણવવામાં આવી છે. એક તો એ કે ઝીયારતની શરતો ઉપર અમલ કરવાવાળો અતિશયોક્તિનો શિકાર ન બની જાય અને તોહમતો (ઇલ્ઝામો) તેના મજબુત પંજાથી તેને દબાવી ન દે. બીજું એ કે વાજીબાતના મહત્વ સાથે સરખામણી અને ક્યાસ (પોતાની મરજીથી અર્થઘટન કરવું) શરૂ ન થઇ જાય.

આવો આ શરતો ઉપર પણ એક ઉડતી નજર ફેરવીએ. જેને ફરઝન્દે રસુલ (સ.અ.વ.) ઇમામ જઅફરે સાદિક (અ.સ.) એ બયાન કરી છે. જેથી વિરોધીઓ અને ટીકાકારો તેની હદોને તોડી ન શકે. મોહમ્મદ બીન મુસ્લિમ રાવી કહે છે કે એક દિવસે મેં ઇમામ સાદિક (અ.સ.) અને અરજ કરી : ‘શું અમે આપના જદ્ની ઝીયારત કરવાવાળા, એવી રીતે છીએ જેવી રીતે હજ માટે ગયા હોય?’ હઝરતે જવાબમાં ફરમાવ્યું, “હા. મેં ફરી અરજ કરી “મૌલા! તે નિયમો જે હાજીઓ ઉપર ફરજ થાય છે તે આપના જદ્ની ઝીયારત કરવાવાળાઓને પણ લાગુ પડે છે? આપે પુછ્યું : “તમે કઇ દ્રષ્ટિથી આ સવાલ કરી રહ્યા છો? મેં જવાબમાં અરજ કરી “એ દ્રષ્ટિથી કે જે ફરજો હાજીઓ માટે હજ્જના સમય માટે ખાસ છે. ઇમામે અમૂક શરતોની તાઅલીમ આપી.

(૧)   એક ઝવ્વારની ફરજ છે કે તે સહ-પ્રવાસીઓ સાથે નેકી ભર્યંુ વર્તન કરે. ઝવ્વારના સહ-પ્રવાસી પણ ઝવ્વાર હોય છે.  આ એક એવો અમલ છે કે જે માનવ સમાજનાં ઉચ્ચતા અને વ્યક્તિત્વમાં ખેંચાણ ઉત્પન્ન કરે છે. આ ટૂંકો સાથ જ્યારે એક બીજા સાથે નેક કાર્યો માટે તૈયાર થાય છે તો તેની પ્રકૃતિ તે નેકીના બીબામાં ઢળવા લાગે છે. અને તે સમાજની દરેક વ્યક્તિને પોતાના કુટુંબનું એક સભ્ય માનવા લાગે છે. કેમકે મવલાની નિકટતાના પાઠથી તેના સ્વભાવમાં બીજાના દુ:ખનો એહસાસ ઉત્પન્ન કરી દીધો છે તેથી તે દુનિયામાં તેને મળતી ઇજાઓમાંથી રક્ષિત રહે છે.

બેહારૂલ અન્વારમાં છે કે હઝરત મોહમ્મદ મુસ્તુફા (સ.અ.વ.) એ પોતાની પુત્રીની આંખોથી આંસુ લુછતા આપના પુત્રોના ઝવ્વારો અંગે ફરમાવ્યું : “બેટી! તમારા પુત્રના ઝવ્વારો જ્યાં સુધી રસ્તામાં હોય છે ખુદાની નેઅમતો તેઓની ઉપર સતત અને સંપૂર્ણ રીતે થતી રહે છે અને તે ખુદાના અમાનમાં રહે છે. અને જો તે રસ્તામાં મૃત્યુ પામે તો તેને શહીદોનો સવાબ આપવામાં આવે છે.

(૨)   ઝવ્વાર માટે જરૂરી છે કે તે ઓછામાં ઓછી વાતો કરે. નેકી સિવાયની અન્ય કોઇ વાત ન કરે. ઓછી વાતચીત કરવાથી વ્યક્તિની સલાહિય્યતો પણ રક્ષિત થઇ જાય છે અને સમજશક્તિ અને આવડતમાં વિશાળતા અને જીવનમાં સંભાળીને ચાલવાની કુશળતા ઉત્પન્ન થાય છે. જ્યારે તે પોતાની જીભ નેકીની વાતો માટે ખોલે છે તો તેમાં અસર હોય છે અને ઓછું બોલવું તેની અંદરના વિચારોને સારા કરે છે અને જ્ઞાન મેળવવા માટે એક તંદુરસ્ત પ્રક્રિયા ઉત્પન્ન કરે છે. જ્યારે તે તમામ ખોટા વિચારોને પાક કરીને ઇમામ હુસૈન (અ.સ.)ની ઝીયારત માટે એકાગ્રતા મેળવી લે છે તો તે વ્યક્તિમાં કરબલાના શહીદોની ભવ્યતા અને મનન કરવાની દ્રષ્ટિ જન્મ લે છે.

(૩)   ઝવ્વારની ત્રીજી ફરજ એ છે કે ખુદાવન્દે તઆલાની બારગાહમાં દોઆની સાથે સાથે વધુને વધુ મગફેરત કરતો રહે. અહિં બારગાહે ઇલાહીમાં વધુમાં વધુ દોઆમાં વ્યસ્ત રહેવાની એટલા માટે તાકીદ કરવામાં આવી છે કે દુનિયાના જીવનના દરેક શ્ર્વાસની વચ્ચે માનવીનો ખુલ્લો દુશ્મન શયતાન એ કોશીશમાં રોકાએલો રહે છે કે દિલોમાં એવા ફીત્ના અને ફસાદને જન્મ આપે કે જે ઇન્સાનની મુર્દા રૂહ, અયોગ્ય અને ગુનાહિત કાર્યો, લાલચ, ઇર્ષા અને ઘમંડ મારફતે દિલ અને દિમાગને સીધા રસ્તા ઉપરથી હટાવી દે અને જ્યારે ઝીયારત કરીને પાછો ફરે ત્યારે કોઇ લાભ બાકી ન રહે અને ઇમામ (અ.સ.) ના ફયઝો અને બરકતોથી તૃપ્ત ન થવા પામે.

તેથી વધુમાં વધુ  ઇસ્તેગફાર કરે અને એ ગુનાહોથી બચતો રહે જે દોઆને કબુલ થવાથી રોકે છે. “અલ્લાહુમ્મગફીર લેયઝઝોનુબલ્લતી તહબેસુદ દોઆઅ.

પરવરદિગાર! મારા એ ગુનાહોને બક્ષી આપ જે દોઆને કબુલ થવાના દરવાજા સુધી પહોંચવાથી રોકે છે.

(૪)  જ્યારે ઝીયારતના ઇરાદાથી નીકળે તો પાક પાકીઝા કપડાં પહેરે એટલા માટે કે તે એમની ઝીયારતનો ઇરાદો કરીને નીકળ્યો છે, જ્યાં પાકીઝગીની સાથે નજાસતની કલ્પના પણ નથી કરી શકાતી. તે પવિત્ર હસ્તીનો મરતબો એટલો છે કે જેની પવિત્રતાની ઝમાનત ખુદાવન્દે મોતઆલે “આયએ તતહીરઉતારીને લીધી છે. માઅસુમીન (અ.સ.) એ ઝીયારતે વારેસામાં પવિત્રતાની જાહેરાત પણ આદમ (અ.સ.) થી આજ સુધી આ અંદાઝમાં કરી છે.

“અશ્હદો અન્નક કુન્ત નુરન ફીલ અસ્લાબીશ શામેખતે વલ અરહામીલ મોતહહરતે, લમ તોનજ્જીસકલ જાહેલિય્યતો બે અન્જાસેહા, વલમ તુલ બીસ્ક મીન મુદલે હિમ્માતે સેયાબેહા.- હું ગવાહી આપું છું કે આપ ઉચ્ચ મર્તબાવાળા બાપ-દાદાઓની પીઠ અને પાક-પાકીઝા માઓના શીકમોમાં (પેટમાં) એક નુર હતા. અજ્ઞાનતાએ તેની તમામ નાપાકીઓ છતા આપને ના-પાક ન કરી શકી અને ન આપને જાહેલીય્યત પોતાનો તાર-તાર (તૂટ્યો-ફૂટ્યો) લિબાસ પહેરાવી શકી. તમારા બાપ-દાદાઓ અને તમારી પાક-પાકીઝા માઓ જેહાલતના વખતમાં મુશ્રીકોની રવિશ અને રસ્મો-રિવાજથી દૂર રહીને સુન્નતે ઇબ્રાહીમ (અ.સ.) પર કાર્યરત હતા.

સાદિક આલે મોહમ્મદ (અ.સ.) એ સ્પષ્ટ રીતે કહ્યું કે ઇમામ હુસૈન (અ.સ.)ના હરમમાં દાખલ થવા માટે પાકીઝગી અને તહારત જરૂરી છે. જેવી રીતે ખુદાની ઇબાદતગાહમાં જાહેર અને છુપી તહારત બન્ને શર્ત છે. તેવી જ રીતે ઇમામ હુસૈન (અ.સ.)ના હરમમાં દાખલ થવા માટે પણ તહારત શર્ત છે.

કારણ કે ઇકબાલના કૌલ મુજબ યઝીદના યુગમાં “લાએલાહા ઇલ્લલ્લાહો કલમો અરબની ભૂમીથી વિદાય થઇ રહ્યો હતો. આ હુસૈન (અ.સ.) પોતાની બધી ઇલાહી શક્તિ સાથે કલમાની છાતી સામે ઢાલ બની ગયા અને તે રેતાળ ભૂમી ઉપર પોતાના લોહીની ધારથી “લાએલાહ ઇલ્લલ્લાહનો નકશો કંઇક એવી રીત લખી દીધો કે ન માત્ર હંમેશ માટે બાકી રહી ગયો પરંતુ તે નક્શ આપણી મૂક્તિનું સાધન બની ગયો.

નકશે ઇલ્લલ્લાહ બર સહરા નવિશ્ત

સતરે ઉન્વાને નજાતે- મા નવિશ્ત

(૫)  ઝવ્વાર માટે જરૂરી છે કે હરમમાં દાખલ થતાં પહેલા ગુસ્લ કરે. આ ગુસ્લ એ નિય્યતની સાથે કરે કે હું ગુસ્લ કરૂં છું ઇમામ હુસૈન (અ.સ.) ના હરમમાં જવા માટે કુરબતન એલલ્લાહ.

એક સહાબી સફવાન જમાલે ઇમામ સાદિક (અ.સ.) ને પુછયું: “મૌલા નેહરે ફુરાતમાં પહેલા ગુસ્લ કરે પછી ઝિયારત માટે હરમમાં દાખલ થાય તો તેનો શું સવાબ છે? આપે ફરમાવ્યું “ખુદાવન્દે મોતઆલ તમામ ગુનાહોને બક્ષી આપે છે અને તેને પોતાના રક્ષણ અને અમાનમાં રાખે છે.

(કામેલુઝ્ ઝીયારાત)

(૬)  નમ્રતા અને ખાકસારી સાથે પોતાની જાતનું સમર્પણ, એ પણ ઝવ્વારની ફરજોમાંની એક ફરજ છે.

ઝિયારતની આ શરત વિચારણાને પાત્ર છે. આ શર્તો પુરી કરવી તે નમાઝ કબુલ થવાનું કારણ છે. આજ અલ્લાહ પાસે મદદ માગવાનું માધ્યમ છે, તેથી ખુદાવન્દે કરીમ ઇરશાદ ફરમાવે છે : “વસ્તઇનુ બિસ્સબ્રે વસ્સલાત ઇન્નહ લ – કબીરતુલ અઅલલ ખાશેઇન.- મદદ માગો નમાઝ અને રોઝાથી અને આ મુશ્કેલ છે લોકોને માટે સિવાય એ કે જેઓ ખાશેઇનમાંથી છે.

આ શર્ત ઝવ્વારો માટે પણ સાચી પડે છે. જો ઝિયારત પડવાવાળો ખાશેઅ હશે તો પછી ઝિયારતનું તાત્પર્ય છે નહિ તો કઇ પણ નથી. ધ્યાન આપવા જેવી વાત એ છે કે જેની વિલાદતથી ફિતરૂસને વાળ અને પાંખો આપી દીધી (કામેલુઝ્ ઝિયારાત) શું તેની સાક્ષી નથી આપી શકાતી. પરંતુ આ તો ખાશેઇનનો ભાગ છે જેટલું દિલ જુકશે એટલું જ તેનું મહત્વ અને મહાનતા વધશે. અને તેનાજ ખાશીયતના પયમાનામાં પૂરા ઉતરવાની સનદ મળશે. એટલા જ માટે સાતમી શરતમાં ઇમામ સાદિક (અ.સ.) ફરમાવે છે.

(૭)  જરૂરી છે કે હરમમાં પહોંચીને વધુને વધુ નમાઝ પડો અને મોહમ્મદ (સ.અ.વ.) અને તેની પવિત્ર આલ ઉપર વધુને વધુ દોરૂદ મોકલતા રહો. નમાઝ બધી બુરાઇઓથી રોકે છે.

અસ્સલાતો તન્હા અનિલ ફહશાએ વલ મુન્કર – નમાઝ ગંદી અને નાપસંદ વાતોથી રોકે છે.

(૮)  જરૂરી છે કે ગુનાહોથી આંખોને બચાવી રાખો.

સાદિકે આલે મોહમ્મદ (સ.અ.વ.)એ જીભની તાલીમ પછી આંખો ઉપર ભાર મૂક્યો. આંખો ઉપર કાબુ રાખવો તે એક ઘણી મહત્વની બાબત છે.

સફરમાં ચંચળ આંખો નફસે અમ્મારાને (વાસનાને) ઉત્તેજિત કરે છે અને આ નફસ ડગલેને પગલે દિલની દરેક ફિતૂર – છળ – કપટ માટે તૈયાર કરી દે છે. હરામ બાબતો ઉપર નજર જમાવી દે છે. ગુનાહાને કબીરાને ભેગા કરવામાં કસર નથી છોડતો. તેથી આંખો ઉપર નિયંત્રણ મૂકી દીધું, જેથી આંખોના રસ્તે કોઇ ભારે હુમલો ન કરી શકે અને ઝીયારતની પુંજી સુરક્ષિત અને અકબંધ રહે.

(૯)  જરૂરી છે કે જે ઝવ્વારો ચોરોના હાથે લુંટાઇ ગયા છે, તેમનાથી હમદર્દી અને મદદ કરવામાં ઉણપ ન રાખે. અગર આ લખવાવાળા ઝીયારત દરમ્યાન કંઇક અનુભવ લઇને ન આવતે તો આલે મોહમ્મદ (સ.અ.વ.) ના ફરમાન સમજમાં ન આવતા. હું ઇમામ હુસૈન (અ.સ.)ની કબ્રના તવાફમાં મશ્ગુલ હતો કે મેં જોયુ, કે એક સ્ત્રી જે પંજાબથી ઝીયારત માટે આવી હતી તેની કુલ મુડી વીસ હજાર રૂપીયા હતી. ખીસ્સા કાતરૂએ તે રકમ તે સ્ત્રી પાસેથી પડાવી લીધી અને જ્યારે તેને ખબર પડી તો તે એવી રીતે બેચૈન અને બેબાકળી બની ગઇ હતી કે તેની વિગત લખવાની શક્તિ નથી. આજે જ્યારે હું ઝિયારતની શરતોને લખી રહ્યો છું તો એવી લાગણી થાય છે કે ઇમામ સાદિક (અ.સ.) ની ઝવ્વારો માટે ઉત્પન્ન  થનારી મુશ્કેલીઓ ઉપર તે સમયે નજર હતી જ્યારે આવા પ્રકારના પ્રશ્ર્નો બહુજ ઓછા બનતા હતા. આ શરત નજર સમક્ષ રાખીને જો ઝવ્વારો થોડી થોડી પણ મદદ કરે તો તેની બધી પરેશાની દૂર થઇ જશે. આજ તો માઅસુમીન (અ.સ.) ની વાતોનો મોઅજીઝો છે કે તેઓની નજરો આ પ્રશ્ર્નો ઉપર હતી જે ભવિષ્યમાં ઉભા થવાના હતા અને છે.

(૧૦) ઝીયારત કબુલ થવા માટેની એક આ શર્ત પણ છે કે સમય સંજોગો જોઇને તકય્યાનો અમલ કરે.

આનો અર્થ એ થાય છે કે જો ઝીયારત અને ઝવ્વાર વચ્ચે હુકુમતની તરફથી નિયંત્રણ આવી પડે અથવા મુશ્કેલી ઉભી થાય તો તેવા પ્રસંગે જો તકય્યા સિવાય અન્ય કોઇ વિકલ્પ ન હોય તો તકય્યા ઉપર અમલ કરવો વાજીબ થઇ જશે અને ઝવ્વારો એ બાબતોથી અળગા રહે જેનાથી જાનનું જોખમ થઇ જાય અથવા બીજા બિરાદરોને નુકસાન પહોંચવાની શક્યતા હોય.

(૧૧)  ઝીયારતના માટે એ પણ જરૂરી છે કે શરીયતમાં જે બાબતોની મના કરવામાં આવી છે તેનાથી દૂર રહે એટલા માટે કે જો તે દૂર નહીં રહે તો તેનો અર્થ એ થશે કે તે શરીયતના હુકમોને ક્ષુલ્લક અને હલ્કા ગણે છે. સ્પષ્ટ છે કે તેવા ઝવ્વારોની ઝીયારતનો કોઇ  અર્થ રહેતો નથી. તે માત્ર દુનિયાદારી અને દંભ માટે આવ્યો છે તેને હઝરત સય્યદુશ્શોહદા (અ.સ.) ની કુરબાનીઓની કોઇ પરવા નથી અને ન તો તેઓને તે હઝરતની ખુશ્નુદીની જરૂર છે. તેઓ માત્ર તેઓની ભૌતિક અને નફસાની ઇચ્છાઓના પાબંદ છે.

(૧૨)  દુશ્મનીના કારણે અથવા એક બીજાના મતભેદના કારણથી પોતાની વાત ઉપર વિશ્ર્વાસ બેસાડવા માટે સોગંદ લેવાની ઝવ્વારોને મનાઇ કરવામાં આવી છે.

એવું જોવામાં આવ્યું છે કે અમૂક લોકો માટે કસમ તે વારંવાર જરૂરત વગર બોલવાની પરિભાષા છે (તકિયા-કલામ છે.) અમૂક લોકો પોતાના બચાવ માટે કોઇ સત્યતા ન હોવાના કારણે કસમો ઉપર ઉતરી આવે છે. અમૂક લોકો લાગણીના આવેશમાં આવી જઇને વગર સમજ્યે કસમ ખાવા માંડે છે. તેઓ તે પણ નથી જાણતા કે તેઓએ કઇ વાત ઉપર કસમ ખાધી છે. ખરેખર તો તેઓએ કરેલી વાત ઉપર ભરોસો નથી હોતો. આ રીતે વારંવાર કસમ ખાનારાઓની માત્ર વિશ્ર્વસનિયતા ઓછી નથી થઇ જતી બલ્કે ખુદ તે બીજાઓનો વિશ્ર્વાસ ગુમાવી દે છે જે તેની સંપૂર્ણ લાયકાત ઉપર ખુબજ ખરાબ રીતે અસર કરે છે. પરિણામે તેને દરેક ક્ષેત્રમાં નિષ્ફળતા મળે છે. આ ભયંકર હરામ કામથી બચાવવા માટે ઇમામ સાદિક (અ.સ.) એ ઝવ્વાર માટે તેને અયોગ્ય ગણ્યું કે તે આ ટેવને અપનાવીને જેની ઝીયારત માટે ગયો છે કદાચ તેના ઉપરથી તેનો વિશ્ર્વાસ ઉડી ન જાય.

અંતમાં આપે ફરમાવ્યું કે જે લોકો ઝીયારતની ઉપરોક્ત દર્શાવેલી શર્તોનું સંપૂર્ણ રીતે પાલન કરે છે તેઓના માટે ઝીયારત હજ અને ઉમરહની બરાબર હશે.

એક ઝવ્વાર ઝરીહે અકદસનો તવાફ કર્યા પછી સરે હુસૈન (અ.સ.)ના કુબ્બાની નીચે બે રકઅત નમાઝ પડે છે. રિવાયતમાં છે કે ઝવ્વાર તેની હાજતોમાંથી જે હાજત સૌથી પહેલી માગે છે અને તે હાજત જાએઝ હોય તો કબુલ થવાના દરવાજા સુધી તે પહોંચી જાય છે અને તેની પોતાની મુરાદ નિશ્ર્ચિત રીતે પુરી થાય છે.

“કામેલુઝ્ ઝીયારાત માં છે કે આપે આપના સહાબીનો એ સવાલ, કે રસ્તામાં ઝવ્વારનો ખોરાક શું હોવો જોઇએ, આપે ફરમાવ્યું, દૂધ અને રોટલી.

અબુલ મોઝા ઇમામ (અ.સ.) ના સહાબી છે આપે ફરમાવ્યું છે કે ઇમામ સાદિક (અ.સ.) એ મને પુછયું “તમે મારા જદ્દની ઝિયારત માટે ગયા હતા? મેં અરજ કરી “હા, યબ્ન રસુલુલ્લાહ ગયો હતો. આપે પુછયું: ત્યાં દસ્તરખાન બીછાવેલો હતો જેની ઉપર જુદા જુદા પ્રકારની વાનગીઓ હતી. મેં હકારમાં જવાબ દીધો. આપે ફરમાવ્યું: જ્યારે તમે તમારા પિતા કે માતાની કબ્ર પર જાઓ છો તો તેવી જ તૈયારી સાથે જાવ છો અને ગમગીન થાવ છો?

ઇમામ (અ.સ.) નો હેતુ એ હતો કે હરમમાં સ્વાદિષ્ટ ખોરાકથી પરહેઝ કરવી જોઇએ.

અંતમાં તે, જે સૌથી પહેલી શર્ત છે, જે ઝીયારત માટે એવી જરૂરી છે, જે હજ અને ઉમરામાં જોવા મળતી નથી. તે છે હરમમાં દાખલ થવા માટેની ઇઝનની (પરવાનગીની) દોઆ. ઇમામ સાદિક (અ.સ.) ને અસ્હાબે પુછયું : “એ કેવી રીતે ખબર પડે કે સય્યદુશ્શોહદા ઇમામ હુસૈન (અ.સ.) મે ઇજાઝત આપી દીધી છે? આપે ફરમાવ્યું : “જો આંખોમાંથી આંસુ ટપકી પડે તો સમજી લો કે પરવાનગી મળી ગઇ છે.

મારા મા-બાપ આપ ઉપર ફીદા થાય એ ફરઝન્દે રસુલ (સ.અ.વ.) એ ફાતેમા (સ.અ.) ના લાલ! એ અલી (અ.સ.) ના નૂરે અયન! એ કરબલાના પ્યાસા! એ ગરીબુલ વતન! એ શહીદે અઅઝમ! એ નફસે મુતમઇન્નાના માલિક! અમે, દુ:ખ મુસિબતના ઝમાનાનાં ગુલામોને આપની ઝીયારતનો શરફ અતા ફરમાવો અને આલમે બરઝખ અને રોઝે મહશર અમ ગુનેહગારોને ભુલી ન જજો.

ખાકે શફા

ખુદાવંદે આલમે હઝરત ઇમામ હુસયન અલયહિસ્સલામને તે વિશેષતાઓ આપી છે જેને સમજવી ઇન્સાનની શક્તિ બહાર છે. ઇન્સાન પોતાની તમામ ઇલ્મી અને અર્થપૂર્ણ મહેનત પછી પણ તે સ્થાનો ઉપર નથી પહોંચી શકતો જે ખુદાવંદે આલમે ઇમામ હુસયન (અ.સ.)ના અસ્હાબોને અર્પણ કર્યા છે. જો આપણે ઇમામ હુસૈન (અ.સ.)ના સાથીદારોની વિશેષતાઓની કલ્પના નથી કરી શકતા તો ખુદ ઇમામ હુસૈન (અ.સ.)ની અઝમતોનો શું અંદાજો કરી શકીએ. અસ્હાબોની અઝમત માટે શું એ ઓછું છે કે મઅસુમ ઇમામો (અ.સ.) તેઓની ઝીયારત કરતા હતા. તેમજ લોકોને તાલીમ આપતા હતા કે અસ્હાબની ઝીયારત કરતી વખતે આ વાક્યો અદા કરે :

બેઅબી અન્તુમ વ ઉમ્મી તીબતુમ વ તાબતીલ અરઝુલ્લતી ફીહા દોફીનતુમ વ ફુઝતુમ….

મારા માબાપ આપ ઉપર કુરબાન  આપ પાક અને પાકીઝા થઇ ગયા અને તે જમીન પણ પાક થઇ ગઇ જેમાં આપ દફન છો.  આપ હઝરતો સફળતાના મહાન શીખર ઉપર બિરાજ્યા છો.  અફસોસ ! હું પણ આપની સાથે હતે અને આપની સાથે સફળતા ઉપર પહોંચતે. (ઝિયારતે વારેસા)

ખુદાવંદે આલમે હઝરત ઇમામ હુસૈન (અ.સ.)ને આ વિશેષતાઓ આપી છે. હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)એ ફરમાવ્યું :

૧.     હઝરત ઇમામ હુસૈન (અ.સ.)ના ગુંબજ નીચે દોઆ કબુલ થાય છે.

૨.     તેમની તુરબતમાં શફા છે.

૩.     ઇમામત તેમના વંશમાં છે.

(મુસ્તદરકુલ વસાએલ નવી આવૃત્તિ ૧૦-૩૩૫, હદીસ : ૧૫)

આ લેખમાં ખાકે શફા અંગે ચર્ચા કરવી છે. આપ જૂઓ કે આ માટી નું શું મહત્વ છે. કરબલાની જમીનને બાકીની જમીનો કરતા કઇ ફઝીલતો મળેલી છે. આ માટી કોણે કોને આપી અને તે વ્યક્તિએ તેને કેવું સન્માન આપ્યું. મઅસુમોએ આ માટીનો કેવી રીતે ઉપયોગ કર્યો. આ માટીની અસરો શું છે ? જે લોકોએ તેની હુરમત ન જાળવી તેનો અંત કેવો આવ્યો ?

કરબલાની જમીન અને અમ્બીયા (અ.મુ.સ.) :

કરબલાની જમીન પહેલેથી જ અમ્બીયા (અ.સ.)ની ઝિયારતનું સ્થળ રહી છે. જનાબે આદમ, જનાબે નુહ, જનાબે ઇબ્રાહીમ, જનાબે ઇસ્માઇલ, જનાબે યુશઅ બીન નુહ, જનાબે સુલયમાન, જનાબે ઇસા અલયહેમુસ્સલામ આ જમીન ઉપરથી પસાર થયા. રીવાયત મુજબ તો એવી પરિસ્થિતિ ઉભી થઇ કે અમ્બીયા (અ.સ.)નું ત્યાંથી પસાર થવું જરૂરી બન્યું. દરેકને ઇમામ હુસૈન (અ.સ.)ની શહાદતનું વર્ણન કરવામાં આવ્યું. દરેક રડ્યા અને આપના કાતીલ ઉપર લઅનત કરી. સીફ્ફીનના રસ્તે હઝરત અલી (અ.સ.) પણ ત્યાંથી પસાર થયા. અને મોટા અવાજે ઇબ્ને અબ્બાસને કહ્યું :

“એ ઇબ્ને અબ્બાસ ! તમે આ જગ્યાને ઓળખો છો ? અરજ કરી : “અમીરૂલ મોઅમેનીન, હું આ જગ્યાને નથી જાણતો.

ફરમાવ્યું : “જો તમે જાણતે તો તમે પણ મારી જેમ રડતે. તે પછી હઝરત અલી (અ.સ.) એટલા રડ્યા કે આપની મુબારક દાઢી આંસુઓથી તર થઇ ગઇ. ફરમાવ્યું :

અહીં તેઓની સવારીઓ ઉતરશે, અહીં તેઓના તંબુઓ ઉભા થશે. અહીં તેઓનું ખુન વહાવવામાં આવશે. આલે મોહમ્મદના જવાનોનો એક સમુહ અહીં શહીદ કરવામાં આવશે. જીબ્રઇલે તેની તુરબત મને દેખાડી છે.

(મોઅજમે કબીર તિબરાની ૩/૧૧૫, હ. ૨૮૧૯ હવાલો : અસરારૂશ્શહાદહ ભા. ૧/૨૭૦ નવી પ્રત)

આ બનાવોથી અંદાજ આવી જાય છે કે કરબલાની જમીન શરૂઆતથી જ મુલ્યવાન અને પવિત્ર છે. તે શહાદત કેટલી ભવ્ય હશે જેનું આ રીતે સન્માન જાળવવામાં આવે છે.

કરબલાની જમીન અને કાબા :

અસંખ્ય રીવાયતોથી જાણવા મળે છે કે ખુદાવંદે કરીમે કરબલાની જમીન કાબાની જમીનથી ૨૪ હજાર વરસ પહેલા પૈદા કરી.

(૧)   કાબાથી પહેલા કરબલાને હરમ ગણી

(૨)   આ જમીન દુનિયાના સર્જનોની પહેલા મુબારક હતી.

(૩)   આ જમીન એવી જ રીતે પવિત્ર અને મુબારક રહેશે અને આ જ જમીન જન્નતની સૌથી વધુ ફઝીલતવાળી જમીન ગણાશે.

(૪)  જન્નતમાં આ જમીન ઉપર અવલીયાઓના મકાનો હશે.

(૫)  આ જમીન પોતાની તુરબતના કારણે નુરાની પાક અને પાકીઝા છે.

(૬)  આ જમીન ઉપર જન્નતમાં અમ્બીયા, રસુલો, ઉલુલ અઝમ અમ્બીયા રહેશે.

(૭)  તેનું નુર જન્નતવાસીઓને આંજી દેશે.

(૮)  આ જ જમીન અવાજ દેશે.. હું અલ્લાહની તે પવિત્ર, પાકીઝા અને બરકતવાળી જમીન છું. મારા પાલવમાં સય્યદુશ્શોહદા, જન્નતના જવાનોના સરદાર આરામ કરી રહ્યા છે.

(૯)  આ જ તે જમીન છે જ્યાં ખુદાવંદે આલમે જનાબે મુસા (અ.સ.) સાથે વાતચીત કરી. આ જ જગ્યાએ જનાબે નુહ (અ.સ.)એ મુનાજાત કરી. આ જમીન સૌથી વધુ ઇઝ્ઝતદાર જમીન છે.

(૧૦) ઇસ્લામમાં બીજી જમીનો પણ હુરમતવાળી અને પવિત્ર છે. પરંતુ કરબલાની જમીનની શું વાત ?

એક વખત કાબાની જમીને ગર્વથી કહ્યું : “મારી જેવું કોણ છે. ખુદાએ મારી પીઠ ઉપર પોતાનું ઘર બનાવ્યું છે. દુનિયાના ખુણે ખુણામાંથી લોકો મારી ઝિયારત માટે આવે છે. મને અલ્લાહનું હરમ અને તેની જગ્યા ગણવામાં આવી છે.

ખુદાએ તેની તરફ વહી કરીને ફરમાવ્યું : “ચૂપ રહે ને અટકી જા. મને મારી ઇઝ્ઝત અને જલાલની કસમ જે ઉચ્ચ સ્થાન મેં કરબલાની જમીનને આપ્યું છે તે તને નથી આપ્યું. કરબલાની સરખામણીમાં તારૂં સ્થાન એવું છે જેમકે સમુદ્રની સરખામણીમાં સૂઇના નાકાનું ટપકું. જો કરબલાની તુરબત ન હતે તો હું તને ઉચ્ચ સ્થાન ન આપતે. જો કરબલાની જમીનમાં સુવાવાળો ન હતે તો હું તને પૈદા પણ ન કરતે અને તે ઘરને પણ પૈદા ન કરતે જેની ઉપર તું ગર્વ અને અભિમાન કરી રહી છે. રોકાઇ જા. નમ્ર થઇ જા. ઘમંડ અને અભિમાન ન કર. કરબલાની જમીનથી મોટી હોવાની કોશિશ ન કર. નહિ તો હું તારાથી નારાઝ થઇ જઇશ અને તને જહન્નમમાં નાખી દઇશ. (કામેલુઝ્ ઝિયારાત પા. ૨૬૭ હ. ૧૩-ઇમામ જઅફર સાદિક અ. તરફથી)

આથી જાહેર થાય છે કે આપણે કરબલાની વિશેષતાઓનો અંદાજો નથી કરી શકતા. કાબાની જમીન જેની સામે એક ટીપાંની હયસીયત ધરાવતી હોય તો તેની બુઝુર્ગીનો અંદાજ કોણ કરી શકે ? નીચેની વાતોથી કરબલાની મહાનતાનો હજુ વધુ અંદાજ થશે.

નમ્રતા, ઉચ્ચતાનું કારણ :

ખુદાવંદે આલમે કરબલાની જમીનને દરજ્જાઓ એમજ નથી આપ્યા. બલ્કે આ જમીનની નમ્રતા અને વિનયના કારણે ઉચ્ચ સ્થાન આપ્યું છે.

સફવાન જમ્માલે હઝરત ઇમામ જઅફર સાદિક (અ.સ.)થી રિવાયત કરી છે :

“…. જ્યારે જમીન અને પાણી એકબીજા પર ફખ્ર અને અભિમાન કરી રહ્યા હતા ત્યારે કરબલાને કહેવામાં આવ્યું તમે પણ તમારી ફઝીલત રજુ કરો. તેણે કહ્યું :

“હું અલ્લાહની મુબારક અને પવિત્ર જમીન છું. મારી તુરબત અને મારા પાણીમાં શફા છે, પરંતુ મને અભિમાન નથી. પરંતુ હું તેની બારગાહમાં હલ્કી અને વિનમ્ર છું. બાકી કોઇ ઉપર મને ફખ્ર મળેલ નથી. બલ્કે ખુદાનો શુક્ર છે. ખુદાએ તેની નમ્રતા અને શુક્રના કારણે હઝરત ઇમામ હુસયન (અ.સ.) થકી તેનો દરજ્જો ઘણો વધારી દીધો.

તે પછી ઇમામ સાદિક (અ.સ.)એ ફરમાવ્યું : “જે ખુદાને ખાતર નમ્રતા ધરાવે છે, ખુદા તેને બુલંદી અતા કરે છે અને જે ઘમંડ કરે છે, ખુદા તેને હલ્કો પાડે છે.

(કામેલુઝ્ ઝીયારાત-૨૭૧, બેહાર ૧૦૧ પા.૧૦૯-૧૧૦ હ : ૧૭)

જે કોઇ બુલંદીઓ અને દરજ્જાઓનો ઇચ્છુક હોય તો તેના માટે નમ્રતા અને વિનય જરૂરી છે. નમ્રતા પણ દેખાવ પૂરતી નહિ બલ્કે દિલના ઉંડાણમાંથી નમ્રતા. ઇમામ સજ્જાદ (અ.સ.) મકારેમુલ અખ્લાકની દોઆમાં ફરમાવે છે, “એ ખુદા, જે રીતે જાહેરમાં ઇઝ્ઝત નસીબ થાય તે રીતે ખાનગીમાં હલ્કાપણાનો એહસાસ થાય. ઘમંડ અને અભિમાન પડતીનું કારણ છે. અફસોસ, ઘમંડી અને અભિમાની ઇન્સાન આ મુદ્દાને સમજી લેતે.

સજદહગાહ :

નમાઝ ઇબાદતોમાં મહત્વની ઇબાદત છે. જો તે કબુલ તો બાકીના આમાલ કબુલ અને જો એ રદ થઇ ગઇ તો બાકીના આમાલ રદ કરવામાં આવશે. નમાઝ હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)ની આંખોની ઠંડક છે. નમાઝમાં સજદહ ખુદાવંદીની નઝદીકીનું સ્થાન છે. બંદો સજદામાં પોતાના રબથી સૌથી વધુ નજદિક હોય છે. આજ સજદો છે જેના ઇન્કારે શયતાનને શયતાન બનાવી દીધો. આપણે ત્યાં સજદો દરેક ચીજ ઉપર નથી થઇ શકતો. ખાસ વસ્તુઓ છે જેની ઉપર સજદો થઇ શકે છે. જેની વિગત તવઝીહુલ મસાએલમાં આપેલી છે. તે વસ્તુઓ જેના ઉપર સજદો થઇ શકે છે તેમાં સૌથી વધુ મહત્વની અને ફઝીલતવાળી કરબલાની માટી એટલે હઝરત સય્યદુશ્શોહદા (અ.સ.)ની તુરબત છે.

નીચેની હદીસો ઉપર ધ્યાન આપીએ :-

સાત જમીનો નુરાની થઇ જાય છે :

ઇમામ સાદિક (અ.સ.)મેં ફરમાવ્યું : હઝરત ઇમામ હુસયન (અ.સ.)ની કબરની ખાક ઉપર સજદો કરવાથી સાત જમીનો (સાત તબક્કાઓ) પ્રકાશિત થઇ જાય છે.

(વસાએલુશ શીયા ૫/૩૬૫-૩૬૬)

સાત પરદાઓ હટી જાય છે :

મોઆવીયા બીન અમ્મારની રિવાયત છે : હઝરત ઇમામ સાદિક (અ.સ.) પાસે જરી ભરેલી એક થેલી હતી. જેમાં ઇમામ હુસયન (અ.સ.)ની પવિત્ર કબરની પાક માટી હતી. જ્યારે નમાઝનો વખત થતો ત્યારે તે માટી (તુરબત)ને નમાઝની જગ્યા ઉપર ફેલાવી દેતા અને તેની જ ઉપર સજદો કરતા હતા. હ. સાદીક (અ.સ.)એ ફરમાવ્યું: હ.ઇ. હુસૈન (અ.સ.)ની તુરબત પર સજદાહ કરવાથી સાત પરદા હટી જાય છે. એક બીજી રિવાયતમાં છે : હ. સાદીક (અ.સ.) ખુદાની બારગાહમાં નમ્રતા માટે ફક્ત ઇ. હુસૈન (અ.સ.)ની તુરબતે પાક પર સજદહ કરતા હતા.

(હવાલો : ઉપર મુજબ પા. ૩૬૬, હ. ૩ અને ૪)

અલ્લાહ ! અલ્લાહ ! શું પાક ખાક છે અને કેટલી ઉંડી અસર છે. જમીનના સાત તબક્કાઓ પ્રકાશિત થઇ જાય છે. સાત પરદાઓ ઉંચકાઇ જાય છે. પ્રકાશનો એક ગુણ એ છે કે કોઇપણ મજબુત વસ્તુ તેને આગળ વધવાથી રોકી લે છે. સૂર્યના ઝળહળતા પ્રકાશને એક નજીવો પુઠાનો ટૂકડો આગળ વધવા નથી દેતો. માટીની દિવાલ તેના માર્ગમાં આડશ બની જાય છે. આ બધી વસ્તુઓ આવરણ બની જાય છે અને પ્રકાશને રોકી લે છે. પરંતુ આ પાક ઇમામ હુસયન (અ.સ.)ની પવિત્ર કબર છે. જેના ઉપર સજદો કરવાથી જમીનના સાત તબક્કાઓ પ્રકાશિત થઇ જાય છે. અને સાત પરદાઓ ઉલ્ટી જાય છે. જ્યારે હઝરત ઇમામ હુસયન (અ.સ.)થી નિસ્બત આપેલ એક ખાકની આ અસરો છે ત્યારે ખુદ ઇમામ હુસયન (અ.સ.), આપની કુરબાની અને પવિત્ર ખુનની શું અસર હશે. આ ઇમામ હુસયન (અ.સ.)ની કુરબાનીની જ અસર છે. જેથી આજે સજદો બાકી છે.

પ્રાણીઓ પાસે આંખની દ્રષ્ટિ છે, પરંતુ દિલની દ્રષ્ટિ નથી. બુદ્ધિ નથી, તેથી માત્ર નેઅમત ઉપર નજર કરે છે. નેઅમત આપનાર ઉપર નજર નથી પહોંચતી. ઇન્સાન નેઅમતની સાથે નેઅમત આપનારને પણ ઓળખે છે. નેઅમત મળવાથી નેઅમત આપનારનો પણ શુકર અદા કરે છે. પવિત્ર ખાક ઉપર એટલા માટે સજદો કરીએ છીએ કે સજદાની સાથે સજદાના રક્ષણહારોની કુરબાનીઓને યાદ કરીએ.

પરદાઓ :

હઝરત ઇમામ ઝયનુલ આબેદીન (અ.સ.) અબુ હમઝા સેમાલીની દોઆમાં ફરમાવે છે :

વ ઇન્નક લા તહતજેબો મીન ખલ્કેક ઇલ્લા અન તહજોબહોમુલ્ અઅમાલો દુનક.

“એ ખુદા ! તું તારી મખ્લુકથી છુપાએલો નથી બલ્કે તેઓના આમાલે તારા અને તેઓના વચ્ચે પરદો પાડી દીધો છે. અમારા ગુનાહો અને બિન ઇસ્લામી આદતો તે પરદાઓ છે જે અમારી અને ખુદાની વચ્ચે આડશ છે. અમારા ખરાબ કામોએ ખુદાની મઅરેફતના દરવાજા બંધ કરી દીધા છે. ખુદા તો ગરદનની રગથી વધુ નજદિક છે. દિલ ઉપર ગુનાહોના એવા પરદાઓ પડેલા છે જેના કારણે અમે ખુદાથી દૂર થઇ ગયા છીએ. ઇમામ હુસયન (અ.સ.)ની પાક ખાકની અસર એ છે કે તેના ઉપર સજદો કરવાથી પરદાઓ હટી જાય છે. ઇન્સાન ખુદાની નજદીક થઇ જાય છે. આ રીતે આ પાક ખાક ઉપર સજદો કરવાથી તે હેતુ પૂરો થઇ જાય છે જેના માટે આપણે સજદો કરી રહ્યા છીએ. એટલે ખુદાવંદાની નજદીકી.

મહાન મરતબાવાળા આલીમોએ સાત પરદાઓ હટી જવા અને સાત તબક્કાઓ પ્રકાશિત થવાને આ રીતે વર્ણવ્યા છે :

નફ્સની સાત ખરાબ આદતો છે. જે સત્યના પ્રકાશિત માર્ગમાં અડચણરૂપ બને છે. તે છે, દ્વેષ, ઇર્ષા, લાલચ, તુંડ મીજાજીપણું, મુર્ખાઇ, દગો અને બનાવટ, અને બદનામી અને હલ્કાઇ. આમાંથી દરેક ચીજ દિલને અંધકારમય બનાવી દે છે. સત્યનો પ્રકાશ આવવાના તમામ માર્ગો બંધ કરી દે છે. અંધકાર વધતો જાય છે. અલ્લાહનું સર્વશ્રેષ્ઠ સર્જન ધીરે ધીરે નીચતાની સૌથી ઉતરતી કક્ષા ઉપર પહોંચી જાય છે.

પરંતુ જ્યારે તે આ પાક ખાક ઉપર સજદો કરે છે ત્યારે તેમાં નમ્રતા અને આજીજી પૈદા થાય છે. જે બંદગીની નિશાની અને બંદાનો કમાલ છે .આ નમ્રતા અને આજીજી આ સાત પરદાને ચીરી નાખે છે. પરદા હટી જવાથી સત્યનો પ્રકાશ ઝળહળી ઉઠે છે. અને સાત શ્રેષ્ઠ આદતોથી દિલ શોભી ઉઠે છે. ડહાપણ, વચન, નરમ દિલ, નરમ સ્વભાવ, પુખ્ત નિર્ણય, શરમ અને હયા  અને મોહબ્બત અને મોવદ્દતથી દિલની દુનિયા હરીભરી થઇ જાય છે. હ. રસુલે ખુદા (સ.અ.વ.)એ સાચું જ ફરમાવ્યું છે :

“ઇન્નલ હુસયન મીસ્બાહુલ હોદા વ સફીનતુન્નજાત

‘હુસયન યકીનથી હિદાયતના ચિરાગ અને નજાતની કશ્તી છે.’

આ પવિત્ર ખાકની અસર છે.તેના ઉપર સજદો કરવાથી માનવી ખરાબ આદતોથી પાક થઇ જાય છે અને આ ખાક ખુદાની નજદીક કરી દે છે.

અમુક લોકોને આ પાક ખાક ઉપર સજદો કરવાનું નથી ગમતું. તેઓ તેને શીર્ક, બીદઅત, ન જાણે શું શું કહે છે. કોને ખબર આ લોકોને આ માટીથી દુશ્મની છે કે તેમાં સુવાવાળાથી.

ઇસ્લામના પવિત્ર અહલેબયતને ચાહનારાઓ એ અકીદો ધરાવે છે કે સજદો અલ્લાહ અને માત્ર અલ્લાહ માટે જ છે. તે સિવાયની કોઇપણ વ્યક્તિ સજદાને લાયક નથી. વિરોધ કરનારાઓ આ ફરકને સમજી નથી શકતા. અથવા સમજવાની કોશિશ નથી કરતા. અથવા દુશ્મની આ હકીકતને સ્વિકારવાથી રોકી લે છે.

બધા શિયાઓ ખાક ઉપર સજદો કરે છે, ખાકને સજદો નથી કરતા. ખાકે પાક પર સજદો કરવો ઓર છે અને ખાકનો સજદો કરવો ઓર છે. બધા મુસલમાનો ઝમીન પર સજદો કરે છે, ઝમીનને સજદો નથી કરતા. કરબલાની જમીનને દુનિયાની બધી જમીનો ઉપર શ્રેષ્ઠતા મળેલી છે, હ.ઇ. હુસેન (અ.)ને લીધે આ જમીનની પાક ખાકને દરેક જમીનની ખાક ઉપર અગ્રતા મળેલી છે. આ કારણે આ પાક ખાક ઉપર સજદો કરવાની જે વિશેષતા છે તે બીજી કોઇ ખાકને મળી નથી. અમુક તરફદારી કરનાર લોકોના કહેવાથી ફઝીલતને છોડી દેવી તેમાં ડહાપણ નથી.

તસ્બીહ :

નમાઝની તઅકીબાતોમાં ફાતેમતુઝ્ઝેહરા સલામુલ્લાહે અલયહાની તસ્બીહ એક મહત્વની તઅકીબ છે. સૌ પ્રથમ આપે દોરાની તસ્બીહ બનાવી હતી અને ખુદાનો ઝીક્ર કરતા હતા. જનાબે હમઝાની શહાદત પછી આપે તેમની કબરની માટીમાંથી તસ્બીહ તૈયાર કરી હતી. આ સિલસિલો ચાલુ હતો. હઝરત ઇમામ હુસયન (અ.સ.)ની શહાદત પછી આપની પાક તુરબતથી તસ્બીહ તૈયાર થવા લાગી.

(બેહારૂલ અન્વાર પૂ. ૧૦૧ પા. ૩૩, મકારેમુલ અખ્લાક પા. ૨૮૧)

છ હજાર દરજ્જાઓ :

હઝરત ઇમામ હુસયન (અ.સ.)ની પાક તુરબતથી તૈયાર કરેલ તસ્બીહની ફઝીલત જ કંઇક જુદી છે. ઇમામ રઝા (અ.સ.)ની રિવાયત છે : “જો કોઇ પાક તુરબતથી બનેલી તસ્બીહ ઉપર સુબ્હાનલ્લાહે વલ હમ્દોલિલ્લાહે વલાએલાહ ઇલ્લલ્લાહો વલ્લાહો અકબર કહે તો અલ્લાહ દરેક દાણા ઉપર છ હજાર નેકીઓ આપે છે. છ હજાર ગુનાહો માફ કરે છે અને છ હજાર દરજ્જાઓ બુલંદ કરે છે.

સવાબનો સિલસિલો બાકી રહે છે :

આ તસ્બીહની એક વિશેષતા એ પણ છે કે જો કોઇ માણસ તેને હાથમાં રાખે, તે તસ્બીહ ન પણ કરી રહ્યો હોય, તો તેને તસ્બીહનો સવાબ મળતો રહે છે.

(બેહારૂલ અન્વાર ૧૦૧/૧૩૩)

હુરોની તમન્ના :

જ્યારે કોઇ ફરિશ્તો આસમાનથી જમીન ઉપર આવે છે ત્યારે હુરો તેને કહે છે કે અમારા માટે તોહફામાં ઇમામ હુસયન (અ.સ.)ની કબરની તસ્બીહ લાવજે.

(બેહારૂલ અન્વાર ૧૦૧/૧૩૬)

શીયાઓ માટે જરૂરી છે :

હઝરત ઇમામ મુસા કાઝીમ (અ.સ.)ની રિવાયત છે : શીયાઓ માટે જરૂરી છે કે આ ચાર ચીજો હંમેશા પોતાની સાથે રાખે. ખજુરની ચટાઇ જેની ઉપર નમાઝ પઢી શકે, વીંટી, દાંતણ અને ઇમામ હુસયન (અ.સ.)ની કબરની ખાકથી બનેલી તસ્બીહ જેમાં ૩૩ દાણા હોય. જો તેને પઢવાની સાથે ફેરવશે તો દરેક દાણા ઉપર ૪૦ નેકીઓ મળશે અને જો એમજ ફેરવશે તો ૨૦ નેકીઓ મળશે.

(બેહારૂલ અનવાર ૧૦૧/૧૩૨)

એવું લાગે છે કે ઇમામ હુસયન અ.એ આ ખાકને પણ જીભ આપી દીધી છે. ખાક પણ ખુદાની તસ્બીહ કરતી રહે છે.

અમુલ્ય તોહફો :

દરેક માણસ ભેટ-સોગાદમાં સારી વસ્તુ આપે છે. તોહફો આપસના સંબંધોને વધુ મજબુત કરે છે. એ વાત થઇ ચૂકી છે કે હુરો મલક પાસે આ ખાકનો તોહફો લાવવાની ફરમાઇશ કરે છે. તેથી અંદાજો આવે છે કે આ ખાક જમીનથી વધુ આસમાનવાળાઓ બલ્કે બેહિશ્તમાં રહેનારાઓ માટે વધુ મહત્વ ધરાવે છે. તેના વધુ મહત્વનો અંદાજ આ રિવાયતથી આવે છે.

હઝરત ઇમામ અલી રઝા (અ.સ.)એ ખુરાસાનથી એક માણસને એક પોષાક મોકલ્યો. તેમાં ખાક પણ હતી. તે માણસે લાવનારને પૂછ્યું, આ ખાક કેવી છે ? આ ઇમામ હુસયન (અ.સ.)ની પવિત્ર કબરની ખાક છે. આપ જ્યારે પણ કોઇને પોષાક કે કોઇ બીજી વસ્તુ મોકલતા ત્યારે આ ખાકે પાક અચૂક રાખતા હતા અને ફરમાવતા હતા, “અલ્લાહના ઇજનથી આ ખાક રક્ષણનું માધ્યમ છે.

(કામેલુઝ્ ઝિયારાત પા. ૨૭૮ હ. ૧)

દરેક બીમારી માટે શફા :

દુનિયામાં અસંખ્ય રોગો છે. દરેક રોગનો એક ખાસ ઇલાજ છે, ખાસ દવા છે. દરેક દવા દરેક રોગને માટે અસરકારક નથી હોતી. એવું થાય છે કે એક દવા એક બીમારી માટે લાભકારક હોય એ જ દવા બીજા રોગ માટે નુકસાનકર્તા હોય. બીજું એ કે દવાને અસર કરતા પણ સમય લાગે છે. પરંતુ ઇમામ હુસયન (અ.સ.)ની કબરની પાક ખાકમાં એવો ગુણ છે કે તે દરેક બીમારી માટે શફા છે.

હઝરત ઇમામ જઅફરે સાદિક (અ.સ.)ની રિવાયત છે : “ખુદાવંદે આલમે મારા દાદા હઝરત ઇમામ હુસયન (અ.સ.)ની પાક તુરબતને દરેક બીમારીની શફા અને દરેક ભયથી રક્ષણ બક્ષ્યું છે.

(અમાલી-એ શયખે તુસી ૧/૩૨૬)

એક બીજી રિવાયતમાં છે : “ઇમામ હુસયનના પવિત્ર હરમની ખાક દરેક બીમારીની શફા છે અને દરેક ભયથી મુક્તિ છે.

(કામેલુઝ્ ઝીયારાત પા. ૨૮૯)

એક રિવાયતમાં આ રીતે છે : “ઇમામ હુસયન (અ.સ.)ની પવિત્ર કબરની ખાક દરેક બીમારી માટે શફા છે અને એ જ સૌથી મોટી દવા છે – “વહોવ-દ-દવાઉલ અકબર.

(કામેલુઝ્ ઝીયારાત પા. ૨૭૫)

આ રિવાયતોથી સ્પષ્ટ રીતે સમજી શકાય છે કે ઇમામ હુસયન (અ.સ.)ની કબરની ખાક દરેક બીમારીની દવા છે અને દરેક ભયથી મુક્તિ છે. માત્ર દવા નથી, પરંતુ સર્વશ્રેષ્ઠ દવા છે. આ રિવાયતોમાં ન તો કોઇ ખાસ બિમારીનું નામ છે ન ખાસ ભયનું.

“બીમારી શારીરિક હોય અથવા ચારિત્ર્યની કે રૂહની બીમારીઓ. શારીરિક બીમારીનો ઇલાજ તો હજુ શક્ય છે, પરંતુ નફ્સની-રુહની-ચારિત્ર્યની બિમારીનો ઇલાજ ઘણો મુશ્કેલ છે. અને સમય સંજોગોને જોતાં લગભગ અશક્ય છે. પરંતુ આ પાક ખાક દરેક બીમારીનો ઇલાજ છે. ભય પણ માત્ર દુનિયાનો જ નહિ, બરઝખનો ભય, મુન્કીર નકીરનો ભય, કબરના અઝાબનો ભય…. આ પાક ખાક દરેક ભયથી મુક્તિ મેળવી આપે છે. બસ એક શરત છે. આ ખાક માત્ર તે લોકોને લાભદાયી થશે જે શફાના યકીન સાથે ઉપયોગ કરશે. જે લોકો શંકા અને અવિશ્ર્વાસથી ઉપયોગ કરશે તેઓને ખાસ લાભ નહિ મળે.

(કામેલુઝ્ ઝીયારાત પા. ૨૭૪)

આ ખાક ક્યાંથી મેળવી શકાય ?

એક સવાલ એ છે કે આ વિશિષ્ટ ખાક કરબલાએ મોઅલ્લાના ક્યા ભાગમાંથી મેળવવી ?

આના અનુસંધાનમાં જુદી જુદી રિવાયતો છે. અમુક રિવાયતોમાં છે કે પવિત્ર કબર ઉપરથી મેળવવામાં આવે.

(૧)   જ્યારે અમુકમાં ૭૦ વાર દૂરના અંતર સુધી મેળવી શકાય છે.

(૨)   અમુકમાં ૭૦ હાથ કહેવામાં આવ્યા છે.

(૩)   અમુકમાં એક માઇલ લખ્યું છે.

(૪)  અમુકમાં ચાર માઇલની પણ વાત છે.

(૫)  જ્યારે અમુકમાં દસ માઇલ લખ્યા છે.

(૬)  અમુકમાં ચારે બાજુએથી પાંચ ફરસખ (૧૭.૫ માઇલ અથવા ૨૭.૫ કિ.મી.) છે.

(૭)  અમુકમાં આ રીતે છે : ૨૫ ડગલાં પગની તરફ, ૨૫ ચહેરાની તરફ, ૨૫ પીઠની તરફ, ૨૫ માથાની તરફ.

(૮)  અમુક રિવાયતોમાં ૨૦ ડગલાની વાત છે.

આ રિવાયતો એકબીજાની વિરૂદ્ધમાં નથી. તેનું કારણ કદાચ એ હોય કે ખાકની ખુદ પોતાની અસર નથી, પરંતુ ઇમામ હુસયન (અ.સ.)ની દેણ છે. ખરેખર તો આપ અને આપના અસહાબોના ખુનનું પરિણામ છે. આ ખુન કરબલામાં માત્ર એક જ જગ્યાએ તો નહોતું વહ્યું, પરંતુ લડાઇના મેદાનમાં ઠેક ઠેકાણે વહ્યું હતું. જ્યાં જ્યાં એક ટીપું પણ પડ્યું તે શફાનું સ્થાન બની ગયું.

આ સિવાય આ ખાક જેટલી કબરની નજદીકથી લેવામાં આવશે તેટલી જ તેની ફઝીલત વધુ હશે. અસર તેની વધુ મહાન હશે. દેખીતી વાત છે કરબલાની જમીનનો તે ભાગ જ્યાં હઝરત ઇમામ હુસયન (અ.સ.) આરામ ફરમાવી રહ્યા છે તે તમામ ભાગોથી ઉચ્ચતર અને બુઝુર્ગીવાળી છે.

જીબ્રઇલે ખાક રસુલે ખુદાને આપી :

સઆ પાક ખાકની એક વિશેષતા એ પણ છે કે આ ખાક પવિત્ર હાથોમાં રહી અને ખૂબજ માનપૂર્વક સાચવવામાં આવતી રહી. ઇમામ સાદિક (અ.સ.)ની રિવાયત છે : હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) ઉમ્મે સલમાના ઘરમાં હતા. એટલામાં ઇમામ હુસયન (અ.સ.) આવ્યા. તે સમયે જનાબે જીબ્રઇલ પણ હતા. જીબ્રઇલે રસુલે ખુદા (સ.અ.વ.)ને કહ્યું : આપની ઉમ્મત આપના આ ફરઝન્દને કત્લ કરશે.

હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)એ ફરમાવ્યું : મને એ ખાક દેખાડો જેના ઉપર આ ફરઝંદનું ખુન વહાવવામાં આવશે. જીબ્રઇલે એક મુઠ્ઠી ખાક આપને આપી. આ ગુલાબી રંગની ખાક હતી.

(કામેલુઝ્ ઝીયારાત ૩/૬૦)

એક રિવાયતમાં આ રીતે છે. રસુલે ખુદા (સ.અ.વ.)ની ખીદમતમાં જે ફરિશ્તો આવતો હતો તે ઇમામ હુસયન (અ.સ.)ની શહાદતનો પુરસો આપતો હતો અને ખુદાએ તઆલાએ નક્કી કરેલ જમીનની ખબર આપતો હતો અને તેની સાથે તે ખાક પણ આપતો હતો જ્યાં ઇમામ હુસયન (અ.સ.)ને ઝખ્મોથી ચૂર ચૂર શહિદ કરવામાં આવશે.

(કામેલુઝ્ ઝીયારાત પા. ૬૧ હ. ૮)

એક રિવાયતમાં છે કે રસુલે ખુદા (સ.અ.વ.)એ આ પાક ખાક જનાબે ઉમ્મે સલમાને આપી.

(કામેલુઝ્ ઝીયારાત પા. ૬૦-હ.૪)

આ પ્રસંગો ઉપરથી ન માત્ર ખાકની વિશેષતા અને મહત્વનો અંદાજ આવે છે, બલ્કે એ પણ જણાય આવે છે કે આ ખાકને પોતાની પાસે રાખવી, સુંઘવી અને તેને સાચવવી સુન્નતે રસુલ છે. હવે કોઇ તેનું સન્માન ન કરે અને તેના મહત્વને ન માનતો હોય તો તે રસુલ અને જીબ્રઇલની સુન્નતનો વિરોધી છે. તે લોકો આ પાક ખાકનો એહતેરામ અને હિફાઝત કેવી રીતે કરી શકે જે ઇમામ હુસયન (અ.સ.)ના કત્લમાં સંડોવાયેલા હતા અને હાલમાં તેના ઉપર રાજી છે.

ખાક મેળવવાના નિયમો :

આ પાક ખાક કોઇ મામુલી માટી નથી કે જ્યારે ઇચ્છા થઇ અને જેવી રીતે વિચાર્યું તેવી રીતે ઉઠાવી લીધી અને રાખી લીધી. પરંતુ તે લેવાના અને રાખવાના નિયમો છે. એક માણસે હઝરત ઇમામ જઅફર સાદિક અલયહિસ્સલામને અરજ કરી : “મેં આપને કહેતા સાંભળ્યા હતા કે ઇમામ હુસયન (અ.સ.)ની પવિત્ર કબરની ખાક દરેક બિમારીની શફા છે. ફરમાવ્યું, હા. તેણે અરજ કરી : પરંતુ મેં ઉપયોગ કર્યો અને મને કાંઇ ફાયદો નથી થયો. ફરમાવ્યું : આ ખાક મેળવવાના નિયમો છે. જે આ નિયમોને પાળ્યા વગર ઉપયોગ કરશે તેને ફાયદો નહિ થાય.

(બેહાર : ૧૦૧/૧૩૫)

જુદી જુદી રિવાયતોમાં જુદા જુદા નિયમો અને દોઆઓ લખેલી છે. ટૂંકમાં માત્ર બે રિવાયતો લખીએ છીએ :

જનાબે અબુ હમઝા સેમાલીએ હઝરત ઇમામ જઅફર સાદિક (અ.સ.)થી રીવાયત કરી છે : આપ ફરમાવે છે : જ્યારે તમે હઝરત ઇમામ હુસયન (અ.સ.)ની પવિત્ર કબરની ખાકના ઉપયોગનો ઇરાદો કરો ત્યારે સુરાઓ હમ્દ, કુલઅઉઝો બે રબ્બિલ ફલક, કુલ અઉઝો બેરબ્બીન્નાસ, કુલહો વલ્લાહો અહદ, ઇન્ના અન્ઝલ્ના, યાસીન અને આયતુલ કુરસીની તિલાવત કરો અને આ દોઆ પઢો :-

અલ્લાહુમ્મ બેહક્કે મોહમ્મદીન અબ્દેક વ રસુલેક વ હબીબેક વ નબીય્યેક વ બેહક્કે અમીરીલમોઅમેનીન અલી ઇબ્ને અબીતાલીબ અબ્દેક વ અખી રસુલેક વબેહક્કે ફાતેમહ બીન્તે નબીય્યેક વ ઝવ્જતે વલીય્યેક વબેહક્કીલ હસને વલ હુસયન વબેહક્કે અઇમ્મતી ર્રાશેદીન વબેહક્કે.. તુરબતેહી વબેહક્કીલ મલેકીલ મોવક્કલે બેહા, વબેહક્કીલ વસીય્યીલ્લઝી હલ્લ ફીહા વબેહક્કીલ જસદીલ્લઝી તઝનમ્ત વબેહક્કે સીબ્તીલ્લઝી ઝમ્મન્ત વબેહક્કે જમીએ મલાએકતેક વ અમ્બેયાએક વ રોસોલેક સલ્લે અલા મોહમ્મદીંવ વ આલે મોહમ્મદ વજઅલ્લી હાઝત તીન શફાઅન મીન કુલ્લે દાઇન વલેમન લેતશ્ફા બેહી મીન કુલ્લે દાઇન વ સકમીન વ મરઝીન વ અમાનન મીન કુલ્લે ખૌફ. અલ્લાહુમ્મ બેહક્કે મોહમ્મદીંવ અહલે બયતેહી અજઅલહુ ઇલમનનાફેઅન વ રીઝ્કૌંવ વાસેઅન વ શેફાઅન મીન કુલ્લે દાઇન.. વ આફતીન વ આહતીન વ જમીઇલ ઔજાએ કુલ્લેહા ઇન્નક અલા કુલ્લે શયઇન કદીર.

તેની પછી કહે :

અલ્લાહુમ્મ રબ્બ હાઝેહી તુરબતીલ મુબારકતીલ મયમુનતે વલ મલકે અલ્લઝી વુક્કેલા બેહા વલ્વસીયીલ્લઝી હોવ ફીહા સલ્લે અલા મોહમ્મદીંવ વ આલે મોહમ્મદ વસલ્લમ વ અન્નફઅનીયબેહા ઇન્નક અલા કુલ્લે શયઇન કદીર.

(કામેલુઝ્ ઝીયારાત : ૨૮૩-૨૮૪ હ. ૧૨)

ટૂંકાણને ધ્યાનમાં રાખીને તરજુમો રજૂ કરતા નથી. નહિ તો આ દોઆના વાક્યોમાં ઘણાં ઉંડાણભર્યા અર્થ છે.

(૨) એક માણસે હઝરત ઇમામ જઅફર સાદિક (અ.સ.)ને અરજ કરી : “હું ઘણો બિમાર રહું છું. જાતજાતના રોગમાં સપડાએલો છું. દોઆઓનો ઉપયોગ કરી ચૂક્યો છું, પરંતુ કોઇ ફાયદો નથી થતો. ઇમામ (અ.સ.)એ ફરમાવ્યું : હઝરત ઇમામ હુસયન (અ.સ.)ની પવિત્ર કબરની ખાકનો ઉપયોગ શા માટે નથી કરતો ? તેમાં દરેક બીમારીની શફા છે. અને દરેક ભયમાંથી મુક્તિ છે. જ્યારે તમે ખાક લેવા ચાહો ત્યારે કહો :-

અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલોક બેહક્કે હાઝેહી ત્તીનતે વ બેહક્કીલ મલ્કલ્લઝી અખઝહા વબેહક્કે નબીયીલ્લઝી કબઝહા વબેહક્કીલ વહ્યી લ્લઝી હલ્લ ફીહા સલ્લે અલા મોહમ્મદ વ અહલેબયતેહી વર્જ અલ લી ફીહા શેફાઅન મીન કુલ્લે દાઇન વ અમાનન મીન કુલ્લે ખૌફીન.

(ખુદાયા, તારી પાસે સવાલ કરૂં છું આ ખાકના હકના વાસ્તા અને તે મલકના હકથી જેણે આ ખાકને લીધી અને તે નબીના હકથી જેણે તેને પોતાની પાસે રાખી અને તે વસીના હકથી જે આમાં આરામ કરી રહ્યા છે. મોહમ્મદ અને તેમની અહલેબયત ઉપર દુરૂદ અને સલામ મોકલ. આ ખાકને મારા માટે દરેક બીમારીની શફા અને દરેક ખોફથી નજાત કરાર દે (અતા કર).

તે પછી ઇમામ (અ.સ.)એ ફરમાવ્યું : “જે મલકે તે લીધી તે જીબ્રઇલ છે, જેમણે તે નબીને દેખાડી અને કહ્યું કે આ આપના ફરઝંદની તુરબત છે જેને આપના પછી આપની ઉમ્મત કત્લ કરશે. જે નબીએ તે રાખી તે મોહમ્મદ મુસ્તુફા (સ.અ.વ.) છે. અને જે વસી તેમાં આરામ કરી રહ્યા છે તે ઇમામ હુસયન (અ.સ.) છે.

રાવીએ અરજ કરી : આ ખાકથી શફા થવું તો સમજમાં આવ્યું, પરંતુ આ દરેક ભયથી મુક્તિ કેવી રીતે છે ?

ફરમાવ્યું : જ્યારે તમને કોઇ બાદશાહ અથવા બીજા કોઇનો ભય હોય ત્યારે ઘરેથી નીકળતી વખતે આ પાક ખાક તમારી પાસે હોય અને તેને તમારી પાસે રાખતી વખતે આ દોઆ પઢો :

રાવી કહે છે કે ઇમામે જે રીતે સૂચના આપી હતી તેવી જ રીતે ઉપયોગ કર્યો. હું સંપૂર્ણ રીતે તંદુરસ્ત થઇ ગયો અને દરેક ભયથી મુક્તિ મળી ગઇ.

(કામેલુઝ્ ઝીયારાત પા.૨૮૨-૮૩ હદીસ : ૧૦)

ખાકનો ઉપયોગ કરવાના નિયમો :

ખાકે શફા મેળવવાની સાથે તેને ખાવાના પણ નિયમો છે. તે માટે પણ જુદી જુદી દોઆઓ આવેલી છે. ટૂંકાણને ધ્યાનમાં રાખીને અહીં માત્ર એક હદીસ રજૂ કરીએ છીએ.

હઝરત ઇમામ જઅફરે સાદિક (અ.સ.)એ ફરમાવ્યું : હઝરત ઇમામ હુસયન (અ.સ.)ની પવિત્ર કબરની પાક ખાક બરકતવાળી કસ્તુરી છે. અમારા શીયાઓમાંથી જે તે ખાશે તેના માટે દરેક બીમારીની શફા છે. અમારા દુશ્મન જો તેનો ઉપયોગ કરશે તો તે ચરબીની જેમ ઓગળી જશે. જ્યારે તમે આ પાક ખાક ખાવાનો ઇરાદો કરો તો આ દોઆ પઢો :

અલ્લાહુમ્મ ઇન્ન હાઝેહી તીનતો કબ્રીલ હુસયન વલ્લીયેક વબ્ન વલીય્યેક ઇત્તખઝતોહા હિરઝન લેમા અખાફો વલેમા લા અખાફો

અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલોક બેહક્કીલ્લઝી કબઝહા વબેહક્કીન્નબી લ્લઝી ખઝનહા વ બેહક્કીલ વસીયીલ્લઝી હોવા ફીહા અન તોસલ્લેય અલા મોહમ્મદીંવ વ આલે મોહમ્મદ વ અન તજઅલ લી ફીહે શફાઅન મીન કુલ્લે દાઇન વ આફેયતીન મીન કુલ્લે બલાઇન વ ઇમાનન મીન કુલ્લે ખૌફ બેરહમતેક યા અરહમ ર્રાહેમીન વ સલ્લલ્લાહો અલા મોહમ્મદીંવ વ આલેહી વસ્સલમ.

તે પછી આ પ્રમાણે પઢો :

અલ્લાહુમ્મ ઇન્ની અશ્હદો અન્ન હાઝેહી તરબીત… વલીય્યેક વ અશ્હદો અન્નહા શફાઅ મીન કુલ્લે દાઇન વ ઇમાનન મીન કુલ્લે ખૌફીન લેમન શેઅત મીન ખલકેક વલીય્યે રહમતેક વ અશ્હદો અન્ન કુલ્લે મા કલ્બ ફીહીમ વ ફીહા હોવલ હક્કો મીન ઇન્દેક વ સદકલ મુરસલીન.

(“મુસ્તદરકુલ વસાએલ પૂ. ૧૦ પા. ૩૩૯-૩૪૦ હદીસ ૨ વિ.)

તેના પછી આ પણ કહે :

અલ્લાહુમ્મ રબ્બ હાઝેહી ત્તુરબત મોબારકતે વ રબ્બ હાઝલ વસીયીલ્લઝી વારત્હો સલ્લે અલા મોહમ્મીંદ વ આલે મોહમ્મદ વજઅલ્હો ઇલ્મન નાફેઅન વ રીઝ્કન વાસેઅન વ શેફાઅન મીન કુલ્લે દાઇન.

(કામેલુઝ્ ઝીયારાત ૨૮૪ હ : ૨)

આ સિવાય બીજા પણ વિગતવાર નિયમો છે. જે ઉપરની કિતાબમાં આપવામાં આવ્યા છે. ખુદ આ દોઆઓમાં સ્પષ્ટ રીતે જણાઇ આવે છે કે આ પાક ખાકમાં બીમારીથી શફા, ભયની મુક્તિની સાથે સાથે ફાયદાકારક ઇલ્મ અને વિશાળ રોઝી પણ છે.

કેવી રીતે ઉપયોગ કરવો :

રિવાયતમાં છે કે માત્ર એક ચણાના દાણા જેટલી લેવી. પછી ધીરે ધીરે એક ઘુંટડો પાણી પીવું.

(કામેલુઝ્ ઝીયારાત પા. ૨૮૬)

ફકીહોએ (રીઝવાનુલ્લાહે તઆલા અલયહિમે) રિવાયતોના પ્રકાશમાં માટી ખાવી હરામ ગણી છે. પરંતુ તમામ ફકીહોએ સર્વાનુમતે એ કહ્યું છે કે હઝરત ઇમામ હુસયન (અ.સ.)ની પવિત્ર કબરની પાક ખાકનો (ઉપર દર્શાવેલ માત્રામાં) ઉપયોગ કરવો જાએઝ છે. બલ્કે બાળકના જન્મ વખતે ખાકે શફા ખવરાવવી મુસ્તહબ છે. કબરમાં રાખવી પણ મુસ્તહબ છે.

થોડા પ્રસંગો

(૧) ખાક ખુન થઇ ગઇ :

સઇદ બીન જુબૈરે જનાબ અબ્દુલ્લા બીન અબ્બાસથી રીવાયત કરી છે કે મેં નબી (સ.અ.વ.)ના બીબી જનાબ ઉમ્મે સલમાના ઘરમાંથી રડવાનો અવાજ સાંભળ્યો. ઘરેથી નીકળી અને જોયું તો બધા સ્ત્રી પુરૂષો તેમના ઘરની તરફ જઇ રહ્યા હતા. મેં અરજ કરી, એ ઉમ્મુલ મોઅમેનીન આપ આ રીતે શા માટે રડી રહ્યા છો ? તેમણે કંઇ જવાબ ન આપ્યો અને બની અબ્દુલ મુત્તલીબની સ્ત્રીઓને કહ્યું કે મારી સાથે રડો અને કલ્પાંત કરો. તમારા આકા, જન્નતના સરદાર રસુલ (સ.અ.વ.)ના ફરઝંદ હુસયન (અ.સ.) શહીદ કરી દેવામાં આવ્યા. લોકોએ તેમને પૂછયું કે આપને આ ખબર ક્યાંથી મળી. આપે કહ્યું : “મેં હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)ને સ્વપ્નામાં જોયા કે તેમના માથા ઉપર ધુળ અને માટી છે. મેં પૂછયું, તો ફરમાવ્યું કે મારા દીકરા હુસયન (અ.સ.)ને કત્લ કરી દેવામાં આવ્યા. હું તરત જ અંદર ગઇ. જીબ્રઇલે અમીને જે તુરબત આપી હતી તે જોઇ. ત્યાં તાજુ અને ઘટ્ટ લોહી દેખાણું. કારણ કે મને ફરમાવ્યું હતું કે જ્યારે આ ખાક ખુન થઇ જાય તો સમજી લેવું કે હુસયન (અ.સ.) કત્લ કરી દેવામાં આવ્યા. જનાબે ઉમ્મે સલમાએ આ ખુન પોતાના ચહેરા ઉપર મસળી લીધું.

(આમાલીએ શયખે તુસી ૧/૩૨૨)

આ કરબલાની ખાક છે જે ઇમામ હુસયન (અ.સ.)ના ગમમાં ખુન બની જાય છે.

(૨) સંપૂર્ણ શફા મળી ગઇ :

આ પાક ખાકથી શફા મેળવનારાઓની સંખ્યા ઘણી વધારે છે. આપ પણ આવા ખુશનસીબ લોકોને જાણતા હશો. જેઓને આ પાક ખાકથી શફા મળી હોય. જો માત્ર આ પ્રસંગોને ભેગા કરવામાં આવે તો એક મોટું એવું પુસ્તક તૈયાર થઇ શકે. નીચે માત્ર એક પ્રસંગનું વર્ણન કરીે છીએ. આ બનાવ સનદથી બિલકુલ વિશ્ર્વસનીય છે. આ બનાવમાં મઅસુમ પણ સાથે હોવાથી તેનું મહત્વ ઘણું વધી જાય છે. જે ખૂબજ ટૂંકાણમાં રજૂ કરીએ છીએ.

જનાબ મોહમ્મદ બીન મુસ્લિમ ઇમામ બાકીર અને ઇમામ સાદિક અલયહેમુસ્સલામના ખૂબજ વિશ્વાસપાત્ર અને નજદિકના સાથીદાર હતા. તેઓ લખે છે :

હું મદીનએ મુનવ્વરા ગયો. તે સમયે મારા પગોમાં એટલો સખત દુ:ખાવો હતો કે ઊભું નહોતું થઇ શકાતું. લોકોએ ઇમામ બાકીર (અ.સ.)ને મારા દરદની વાત કરી. ઇમામ (અ.સ.)એ રૂમાલમાં ઢાંકેલો એક પાણી પીવાનો પ્યાલો પોતાના ગુલામની સાથે મોકલ્યો. ગુલામે પ્યાલો આપ્યો અને કહ્યું કે આ પી જાવ. ઇમામે મને ફરમાવ્યું છે કે હું ત્યાં સુધી ન જાઉં જ્યાં સુધી તમે આ પાણી પી ન જાઉં. મેં તે પ્યાલો લીધો તેની સુગંધ કસ્તુરી જેવી હતી. તેનો સ્વાદ શ્રેષ્ઠ હતો. પ્યાલો ઘણો ઠંડો હતો. જ્યારે મેં તે પ્યાલો પી લીધો ત્યારે ગુલામે મને કહ્યું, તમારા આકાએ કહ્યું છે કે પ્યાલો પીને પછી મારી પાસે આવો. હું વિચારવા લાગ્યો કે હું તો ઉઠી પણ નથી શકતો. હું કેવી રીતે જાવ. પરંતુ જેવું તે પાણી મારા પેટમાં પહોંચ્યું તેવું જ મારા પગનું બધું દરદ મટી ગયું. હું ઊભો નહોતો થઇ શકતો પરંતુ તે પીધા પછી ખૂબજ આરામ અને આસાનીથી મારા પગે ચાલીને ઇમામ (અ.સ.)ની ખીદમતમાં પહોંચ્યો. મેં રજા માગી. ઇમામ (અ.સ.)એ બુલંદ અવાજથી મારા તંદુરસ્ત થવાની ખબર આપી અને હાજર થવાની રજા આપી. હાજર થઇને મેં સલામ કરી. હાથો અને પવિત્ર કપાળને ચુંબન કર્યું…. ઇમામ (અ.સ.)એ પૂછ્યું : તમને તે પાણી કેવું લાગ્યું. મેં અરજ કરી: હું ગવાહી આપું છું કે આપ અહલેબયતે રહેમત છો. અને આપ ખરેખર વસીઓના વસી છો. આપે મોકલેલ પાણી આપના ગુલામે મને આપ્યું. તે સમયે હું ઉભો નહોતો થઇ શકતો. હું ખુબ નિરાશ થઇ ચૂક્યો હતો. મેં તે પાણી પીધું. મેં તેનાથી વધુ સુગંધી, સ્વાદિષ્ટ અને ઠંડુ પાણી નથી જોયું. પાણી પીધા પછી ગુલામે કહ્યું : ઇમામે તમને બોલાવ્યા છે. મેં વિચાર્યું હું જરૂર જઇશ પછી ભલે જીવ પણ નીકળી જાય. પરંતુ પીધા પછી મારા બધા દરદો મટી ગયા. વખાણ તે ખુદાના જેણે આપને આપના શીયાઓ માટે રેહમત બનાવ્યા.

ઇમામે ફરમાવ્યું : એ મોહમ્મદ તમે જે પાણી પીધું તેમાં હઝરત ઇમામ હુસયન (અ.સ.)ની પવિત્ર કબરની ખાક ભળેલી હતી. શફા માટે સૌથી વધુ સારી આજ પાક ખાક છે. તેની સરખામણીમાં કોઇ ચીજ નથી. અમે અમારી સ્ત્રીઓ અને બાળકોને આ જ પીવરાવીએ છીએ. અને દરેક પ્રકારની બરકતો મેળવીએ છીએ.

(કામેલુઝ્ ઝીયારાત ૭/૨૭૫-૭૭઼)

આ બનાવ ઉપરથી ખ્યાલ આવે છે કે ઇમામ પોતાના શીયાઓને કેટલા ચાહે છે. અને કેટલું ધ્યાન રાખે છે. (આ વિશેષતા આપણા જમાનાના ઇમામ અલયહિસ્સલામમાં પણ છે. આપણે માત્ર મોહમ્મદ બીન મુસ્લિમ બનવું જોઇએ.) ખાકની તાસીર, પીવડાવવાનો અંદાજ, તાસીરની ઝડપ, પીનારાનો વિશ્ર્વાસ.

(૩) જન્નતની ખાક :

સફવી બાદશાહના જમાનામાં ઇસ્ફહાનમાં યુરોપથી એક એલચી આવ્યો. તે આપણા આલીમો પાસેથી આપણા નબી (સ.અ.વ.)ની નબુવ્વતની દલીલ માગતો હતો. આ એલચી પોતાના હુન્નરમાં નિષ્ણાત હતો. આંકડાશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્ર વિગેરેમાં નિષ્ણાત હતો. લોકોની સ્થિતિ બતાવતો હતો તે રીતે પોતાની મોટાઇ સાબિત કરતો હતો, અને પોતાનો રૂઆબ જમાવવા માગતો હતો. એક દિવસ તેણે બાદશાહને કહ્યું કે શહેરના તમામ વિદ્વાનોને બોલાવે જેથી તે પોતાની હોશિયારી અને કુશળતા બતાવી શકે. વિદ્વાનોમાં તફસીરે સાફી અને કિતાબે વાફીના લેખક જનાબ મોહમ્મદ ફયઝે કાશાની પણ હતા. તેમણે એલચીને કહ્યું : તમારા બાદશાહ અને તમારા વઝીરોની અક્કલ કેટલી ઓછી છે. તેમણે આ મહાન કામ માટે તમારી જેવા માણસને મોકલ્યા છે. આ કામ માટે તો એવા માણસે આવવું જોઇએ કે જે ઇલ્મ અને કુશળતામાં પ્રભુત્વ ધરાવતો હોય.

આ વાતો સાંભળીને એલચી ગુસ્સાથી ધ્રુજવા લાગ્યો. એવું લાગતું હતું કે તે હલાક થઇ જશે. તેણે કહ્યું કે એ ઇસ્લામી બુદ્ધિવાન ! જરા વિનય અને વિવેકથી. જનાબ ઇસા અને તેમની વાલેદાની કસમ, જો આપ મારૂં ઇલ્મ અને કમાલો જાણતા હતે તો યકીનથી આ જ કેહતા કે સ્ત્રીઓએ મારી જેવો પૈદા નથી કર્યો. હું કમાલોનો સંગ્રહ છું. પરીક્ષા વખતે લોકોની કદર થાય છે. જો શંકા હોય તો અજમાવી જુઓ. જનાબ મોહદ્દીસ ફયઝે કાશાનીએ પોતાના ગજવામાં હાથ નાખ્યો અને બંધ મુઠ્ઠી કાઢીને પૂછ્યું : મારી આ મુઠ્ઠીમાં શું છે ? અર્ધા કલાક સુધી એલચી વિચાર કરતો રહ્યો. ચહેરો પીળો પડી ગયો, રંગ બદલાઇ ગયો.

ફયઝે કાશાનીએ કહ્યું, અજ્ઞાનતા ખુલ્લી પડી ગઇ. હકીકત જાહેર થઇ ગઇ. એલચીએ કહ્યું : જનાબ ઇસા અને તેમની વાલેદાની કસમ. આપની મુઠ્ઠીમાં શું છે તે મને ખબર છે. મારી ચિંતા અને ચૂપકીદીનું કારણ કોઇ બીજું છે. ફરમાવ્યું, તે શું ?

એલચીએ કહ્યું, આપની મુઠ્ઠીમાં જન્નતની માટી છે. હું વિચાર કરૂં છું કે આ માટી આપની પાસે ક્યાંથી આવી.

ફયઝે કાશાનીએ કહ્યું, બનવાજોગ છે કે તમારો હિસાબ ખોટો હોય. સિદ્ધાંત અને નિયમ સાચો ન હોય.

એલચીએ કહ્યું, એવું નથી. હું માત્ર આ બારામાં વિચારી રહ્યો છું.

ફયઝે કાશાનીએ કહ્યું, એ એલચી મારી મુઠ્ઠીમાં કરબલાની ખાક છે. અમારા નબી હઝરત મોહમ્મદ મુસ્તુફા (સ.અ.વ.)એ ફરમાવ્યું છે, કરબલા જન્નતનો એક ટૂકડો છે. જો તમારા હિસાબ, સિદ્ધાંત અને નિયમો સાચા છે તો તમારે ઇમાન લાવવું જોઇએ.

સફીરે કહ્યું, આપનું કહેવું સાચું છે. સફીર ત્યાંજ મુસલમાન બની ગયો.

(અસરારૂશ્શહાદત ૧/૫૨૩-૨૪)

ઇમામ હુસયન (અ.સ.) માત્ર હિદાયતના ચિરાગ નથી, બલ્કે જે ચીજ આપનાથી સંલગ્ન થઇ જાય છે તે પણ માથાથી પગ સુધી હિદાયત બની જાય છે. રસુલે ખુદા (સ.અ.વ.)એ સાચું ફરમાવ્યું છે : “ખરેખર હુસયન હિદાયતના ચિરાગ છે અને નજાતની કશ્તી છે.

વાતો તો હજી ઘણી છે, પરંતુ અવકાશના કારણે આ લેખને અહીં પૂરો કરીને દોઆ માટે હાથ ઊંચા કરૂં છું. આ પાક ખાક આપણા માટે દુનિયા અને આખેરતની તમામ બીમારીઓ માટે અને તમામ ભયથી મુક્તિનું કારણ બને. આપણને પણ આ ખાકની જેમ પાક થવું નસીબ થાય.

આમીન…

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *