Home » કિતાબો

ગયબતનો જમાનો કસોટી અને પરીક્ષાનો સમય

Print Friendly, PDF & Email

ઇમામે ઝમાના (અ.સ.) જનાબે ઝહરા (સ.અ.)ના પુત્ર છે.

દુનિયાના તમામ ધર્મો પોતાની વિચારધારા અને માન્યતામાં તીવ્ર મતભેદો ધરાવવા છતાં એ હકીકતને સ્વિકારે છે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આખર જમાનામાં કયામતના આવવા પહેલા ચોક્કસપણે ઇમામ મહદી (અ.સ.)ને જાહેર કરશે જેઓ પુરી દુનિયાને અદ્લો-ઇન્સાફથી ભરી દેશે તેમજ આપ (અ.સ.) આખી દુનિયામાં ઇસ્લામનો પરચમ લહેરાવશે.

આ બાબતે બધા એકમત હોવા છતાં અમુક બીજી બાબતોમાં શીઆ અને એહલે સુન્નતના કેટલાક લોકો વચ્ચે મતભેદો અને તફાવત જોવા મળે છે, જેવા કે…..

૧.      અમુક લોકો કહે છે કે ઇમામે ઝમાના (અ.સ.) જનાબે ઝહરા (સ.અ.)ના વંશમાંથી નથી પરંતુ જનાબે અબ્બાસ ઇબ્ને અબ્દુલ મુત્તલીબના વંશમાંથી છે.

૨.      અમૂક લોકો કહે છે ઇમામે ઝમાના (અ.સ.) ઇમામ હસન (અ.સ.)ના વંશમાંથી છે અને ઇમામે હુસૈન (અ.સ.)ના વંશમાંથી નથી.

૩.      ત્રીજો તફાવત એ છે કે ઇમામે ઝમાના (અ.સ.)ના પિતાનું નામ અબ્દુલ્લાહ છે, હસન (અ.સ.) નથી.

પ્રથમ મુદ્દો:

હઝરત ઇમામ મહદી (અ.સ.) જનાબે ફાતેમા (સ.અ.)ના પુત્ર છે:

હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)એ ફરમાવ્યું છે:

اَلْمَھْدِیُّ حَقٌّ وَ ہُوَ مِنْ وُلْدِ فَاطِمَہ

‘ઇમામ મહદી (અ.સ.)નો ઝુહુર હક છે અને તેઓ ફાતેમા (સ.અ.)ના વંશમાંથી છે.’

ઉપરોક્ત હદીસને એહલે સુન્નતના ૫૨ (બાવન) આલિમોએ પોતાની કિતાબોમાં વર્ણવી છે.

આ સિવાય સાઉદી અરબની રાજધાની રીયાધમાંથી પ્રકાશિત થયેલી ડો. ઇઝઝુદ્દીન હુસૈન શૈખ લિખિત કિતાબ ‘અશરાતુસ્સાઅહ’ના પાના નં. ૭૫ ઉપર આ હદીસ નોંધવામાં આવી છે.

હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)એ ફરમાવ્યું:

اَلْمَھْدِیُّ مِنْ عِتْرَتِیْ مِنْ وُلْدِ فَاطِمَہ

‘મહદી (અ.સ.) મારા એહલેબૈતમાંથી છે અને જનાબે ઝહરા (સ.અ.)ના વંશમાંથી છે.’

તેઓએ ઉપરોક્ત હદીસને આધારભૂત સનદવાળી હોવાનું લેખ્યું છે.

(જામેઉલ ઉસુલ, ૧૦/૩૩૧, હદીસનં. ૭૮૩૫)

ઉપરોક્ત સ્પષ્ટતા પછી એ વાતમાં કોઇપણ શંકા બાકી રહેતી નથી કે ઇમામ મહદી (અ.સ.) જનાબે ઝહરા (સ.અ.)ના વંશમાંથી નથી.

હવે રહી વાત એ કે ઇમામ મહદી (અ.સ.) જનાબે અબ્બાસના વંશમાં છે તો આ સંદર્ભમાં જોવા મળતી રિવાયતો બની અબ્બાસનાં શાસનકાળમાં બની અબ્બાસના ખલીફાઓને ખુશ કરવા માટે તેના દરબારી આલિમોએ બનાવી કાઢી હતી.

બીજો મુદ્દો:

ઇમામ મહદી (અ.સ.)ના પિતાનું નામ ‘અબ્દુલ્લાહ’ છે કે ‘હસન અસ્કરી’ (અ.સ.)?

આ મતભેદ ઉભો થવાનું કારણ નીચે આપેલી હદીસ છે જેમાં હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)એ ફરમાવ્યું:

اِسْمُہٗ اِسْمِیْ وَ اِسْمُ اَبِیْہِ اِسْمُ اَبِیْ

‘હઝરત ઇમામ મહદી (અ.સ.)નું નામ મારૂં નામ હશે અને તેમના પિતાનું નામ મારા પિતાનું નામ હશે.’

એ વાત જગપ્રસિદ્ધ છે કે હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)ના પિતાનું નામ ‘જ. અબ્દુલ્લાહ’ હતું. ઉપરોક્ત હદીસનું અંતિમ વાક્ય ‘તેમના પિતાનું નામ મારા પિતાનું નામ હશે’ તે ઉપરોક્ત મતભેદનું કારણ છે.

પરંતુ તે એક સ્પષ્ટ હકીકત છે કે આ વાક્ય માત્ર ‘આસીમ’ની રિવાયતમાંજ જોવા મળે છે. જનાબે એહમદ બિન હમ્બલે પોતાની મુસ્નદ, ભાગ – ૧, પાના નં. ૩૭૬-૩૭૭ ઉપર અને હાફીઝ અબુ દાઉદે પોતાની કિતાબ સોનને અબુ દાઉદ, ભાગ – ૪, પાના નં. ૧૦૭, ઉપર તથા એવીજ રીતે હાફીઝ તીરમીઝી એ પોતાની કિતાબ સહીહ તીરમીઝીના ભાગ – ૧, પાના નં. ૨૮૧ ઉપર આજ હદીસને વર્ણવી છે પરંતુ આ હદીસના છેલ્લા વાક્યનું વર્ણન કરેલ નથી.

તદ્ઉપરાંત હાફીઝ ગંજી શાફેઇએ પોતાની કિતાબ ‘અલ બયાન ફી અખ્બારે સાહેબુઝઝમાન’માં આ રિવાયત જુદી જુદી ૨૮ રીતે વર્ણવી છે અને કોઇપણ એક રિવાયતમાં પણ આ અંતિમ વાક્ય જોવા મળતું નથી તથા આ પણ લખ્યું છે કે:

‘અક્કલમંદ માટે એ વાત સ્પષ્ટ અને જાહેર છે કે આ (અંતિમ વાક્ય)નો ઉમેરો કરવામાં આવેલ છે. કારણકે મોટા ભાગના આલિમો રિવાયતના આ ઉમેરો કરવામાં આવેલા છેલ્લા વાક્યની વિરૂદ્ધ છે તેથી આ અંતિમ વાક્યની કોઇ વિશ્ર્વસનિયતા અને ભરોસાપાત્રતા રહેતી નથી.’

તેથી જે રિવાયતના આધારે તે લોકો ઇમામ મહદી (અ.સ.)ના પિતાનું નામ ‘અબ્દુલ્લાહ’ જણાવી રહ્યા હતા, તે રિવાયત જ પાયા વગરની હોવાથી તે ઇમારતનું અસ્તિત્વ આપમેળે જ જમીન દોસ્ત થઇ જાય છે.

ત્રીજો મુદ્દો:

ઇમામ મહદી (અ.સ.)નું ઇમામ હુસૈન (અ.સ.)ના વંશમાંથી (હુસૈની) હોવું:

સોનને અબુ દાઉદમાં હઝરત અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ.)થી રિવાયત નોંધવામાં આવી છે કે:

હઝરત અલી (અ.સ.)એ ઇમામ હસન (અ.સ.)ની તરફ જોઇને ફરમાવ્યું:

‘તેમના વંશમાંથી એક શખ્સ જાહેર થશે જે તમારા નબી (સ.અ.વ.)ના નામથી હશે….. અને તે જમીનને ન્યાય અને ઇન્સાફથી ભરી દેશે.’

(સોનને અબુ દાઉદ, ભાગ – ૪, પેજ નં. ૧૧૦૮, હદીસ નં. ૪૨૯૦)

આ હદીસના સંબંધમાં ફક્ત એટલું કહેવું પુરતુ છે કે :

૧.      આ હદીસને અબુ દાઉદ સિવાય અન્ય કોઇપણ હદીસવેત્તાએ વર્ણવી નથી. ન તેઓની પહેલાં અને ન તો તેમની પછી.

૨.      જનાબ જઝરી શાફેઇએ પોતાની કિતાબ ‘અસ્નાઉલ્મનાકીબ’ના પાના નં. ૧૬૫થી ૧૬૮ ઉપર ઇમામ મહદી (અ.સ.)ના વંશનો ઉલ્લેખ કરતા લખ્યું છે કે : ‘સૌથી વધારે સાચી વાત એ છે કે ઇમામ મહદી (અ.સ.) ઇમામ હુસૈન (અ.સ.)ના વંશમાંથી છે અને તેની દલીલ હઝરત અમીરૂલ મોઅમેનીન અલી ઇબ્ને અબી તાલિબ (અ.સ.)ની આ રિવાયત છે:

હઝરત અલી (અ.સ.)એ હઝરત હુસૈન (અ.સ.)ની તરફ જોઇને ફરમાવ્યું કે

‘મારો આ પુત્ર સૈયદ અને સરદાર છે, જેમકે નબી એ કરીમ (સ.અ.વ.) એ ફરમાવ્યું છે કે તેમના વંશમાંથી એક શખ્સ જાહેર થશે જેનું નામ તમારા નબી (સ.અ.વ.)નું નામ હશે.’

૩.      આજ રિવાયતને તીરમીઝી, નિસાઇ અને બયહકીએ પોતાની કિતાબોમાં નોંધી છે અને દરેકે ઇમામ હુસૈન (અ.સ.)નું વર્ણન કર્યંુ છે.

૪.      તદ્ઉપરાંત, હઝરત ઇમામ મહદી (અ.સ.) હસની અને હુસૈની એમ બંને છે, કારણકે હઝરત ઇમામ મોહમ્મદ બાકિર (અ.સ.) હઝરત ઇમામ હસન (અ.સ.)ના શાહેબઝાદી જનાબે ફાતેમા બિન્તુલ હસન (અ.સ.)ના પુત્ર છે. એટલે ઇમામ હસન (અ.સ.)ના નવાસા છે તથા ઇમામ હુસૈન (અ.સ.)ના પૌત્ર છે. આ આધારે હઝરત ઇમામ મોહમ્મદ બાકિર (અ.સ.) અને ત્યાર પછીના બધા ઇમામો (અ.સ.) ‘હસની’ અને ‘હુસૈની’ એમ બંને છે.

જે રીતે હઝરત ઇસા (અ.સ.) જનાબે મરીયમ (સ.અ.) મારફતે પયગમ્બર હઝરત ઇબ્રાહીમ (અ.સ.)ના વંશમાંથી છે એવીજ રીતે ઇમામે ઝમાના (અ.સ.) ફાતેમા બિન્તુલ હસન (સ.અ.) મારફતે ઇમામ હસન (અ.સ.)ના વંશમાંથી છે.

હવે આ વાત એકદમ સ્પષ્ટ થઇ ગઇ કે ઇમામ મહદી આખેરૂઝઝમાન (અ.સ.) જનાબે ફાતેમા ઝહરા (સ.અ.)ના વંશમાંથી ફાતેમી છે, તથા તેમના પિતાનું નામ હઝરત ઇમામ હસન અસ્કરી (અ.સ.) છે અને તેઓ ઇમામ હુસૈન (અ.સ.)ના પૌત્ર છે અને તેઓ ઇમામ હસન (અ.સ.)ના નવાસા છે.

ગય્બતનો જમાનો કસોટી અને પરીક્ષાનો સમય

આ દુનિયામાં ડગલેને પગલે કસોટી અને પરીક્ષા છે. આજ કસોટી અને પરીક્ષા કમાલ (પૂર્ણતા) પર પહોંચવાનું માધ્યમ છે. કસોટી ઇમાનવાળી જીંદગીનો એક જરૂરી ભાગ છે.

અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા સુરએ અન્કબુતની આયત નં. ૨ અને ૩માં ફરમાવે છે:

“શું લોકોએ એમ ધારી લીધું છે કે તેઓ માત્ર આટલું કહેવાથી કે અમે ઇમાન લાવ્યા છોડી દેવામાં આવશે અને તેમની કસોટી કરવામાં નહિં આવે? અને ખચીતજ તેમની અગાઉના લોકોનું પણ ઇમ્તેહાન લેવામાં આવ્યું હતું.

સુરએ મુલ્કની આયત નં. ૨માં જીંદગીનો હેતુ જ કસોટી અને પરીક્ષા ઠેરવવામાં આવ્યો છે.

“જેણે મૃત્યુ અને જીવન પૈદા કર્યું કે જેથી તમને અજમાવે કે તમારામાંથી કોણ કરણીમાં બેહતર છે.

આથી, જીંદગીનો હેતુ કસોટી અને પરીક્ષા છે. વળી, મોઅમીનોની પરીક્ષા અન્ય લોકોની સરખામણીએ વધારે હોય છે જેથી કરીને તેઓ વધારે સવાબ અને અજ્ર મેળવવાના પાત્ર બને.

ખુદાવંદે આલમ વિવિધ પ્રકારથી પરીક્ષા લેશે. સુરએ બકરહની આયત નં. ૧૫૫માં ફરમાવે છે.

“અને અમે તમારી થોડાક ભયથી અને થોડીક ભૂખથી તથા માલ તથા પ્રાણ અને ફળો (ફરઝંદો)ના નુકસાનથી અજમાઇશ કરીશું; અને (હે રસુલ) તે સબ્ર કરનારાઓને ખુશખબર સંભળાવી દયો.

આનો અર્થ એ થયો કે અલ્લાહ તઆલા જુદી જુદી રીતે કસોટી અને પરીક્ષા લેશે.

હઝરત ઇમામ જઅફર સાદિક (અ.સ.)એ મોહમ્મદ બીન મુસ્લીમને એક રિવાયતમાં ફરમાવ્યું:

‘અલ્લાહ તરફથી કાએમ (અ.સ.)ના ઝુહુર પહેલા મોઅમીનો માટે (કેટલીક) નિશાનીઓ જાહેર થશે.’

રાવીએ પુછયું: આ નિશાનીઓ કઇ છે?

અલ્લાહ તઆલાનું ઉપરોક્ત ફરમાન કે

‘અમો જરૂર અજમાઇશ કરીશું…..’

‘તેઓને ચકાસવામાં આવશે અમૂક ભય (આખર ઝમાનાના ઝાલિમ સત્તાધીશોના ભય)થી, ચીઝોની કિંમતમાં વધારા વડે, ભુખ વડે, માલના નુકસાન અને તેની તંગી વડે, વેપારની સ્થગિતતા અને નફાના ઘટાડા વડે, જાનના નુકસાન વડે, આકસ્મિક મૌત વડે, ફળોની તંગી વડે, સબ્ર કરનારાઓને ખુશખબરી આપો. એટલે કે ખુશખબરી આપો કે ઇમામ મહદી (અ.સ.)નો ઝુહુર ખૂબજ નજદીક છે.’

(કમાલુદ્દીન : ૨/૬૪૯)

ગય્બતના વર્તમાન સમયમાં મોઅમીનોની કસોટી ફક્ત ભૌતિક ચીજો વડે કરવામાં નહિં આવે બલ્કે રૂહાની અને દીની બાબતોની પણ પરીક્ષા અને કસોટી કરવામાં આવશે.

હઝરત રસુલે ખુદા (સ.અ.વ.)એ આજની પરિસ્થિતિને કેટલી સુંદર રીતે વર્ણવી છે.

‘એક બીજાને નેકી અને ભલાઇ માટે પ્રોત્સાહન આપો તથા બુરાઇઓ અને ખરાબ કાર્યોથી રોકો. જ્યારે તમે જુઓ કે અયોગ્ય અને ખરાબ વ્યક્તિઓની પૈરવી અને અનુસરણ કરવામાં આવી રહ્યું છે, નફ્સની ઇચ્છાઓનું અનુસરણ કરવામાં આવી રહ્યું છે, દુનિયાને અગ્રતા આપવામાં આવી રહી છે, દરેક વ્યક્તિ પોતાની વિચારધારા અને માન્યતાને જ પસંદ કરે છે, તો આવા સમયે તમે તમારી જાતનું રક્ષણ કરો, લોકોની વાતોથી દૂર રહો. કારણકે આગળ જતાં એવા દિવસો આવવાના છે જેમાં સબ્ર કરવી હથેળી ઉપર સળગતા અંગારા રાખવા સમાન હશે. તે સમયમાં પોતાની જવાબદારીઓ પર અમલ કરવાવાળાને અન્ય સમયમાં પચાસ ઇન્સાનોના કાર્યોનો સવાબ અને અજ્ર મળશે.’

(મિક્યાલુલ મકારીમ, ફારસી આવૃત્તિ, ૨/૪૧૪)

આ પચાસ ઇન્સાનોના કાર્યોનો સવાબ વગર કારણે નથી આપવામાં આવ્યો. તેનું કારણ ગય્બતના સમયમાં સખત પરીક્ષા અને કસોટી છે.

હઝરત ઇમામ મોહમ્મદ બાકિર (અ.સ.)એ એક રિવાયતમાં ફરમાવ્યું:

‘અય આલે મોહમ્મદ (સ.અ.વ.)ના શીઆઓ! તમને એવી રીતે શુદ્ધ કરવામાં આવશે જેવી રીતે સોનાને શુદ્ધ કરવામાં આવે છે. તમારી પરીક્ષા લેવામાં આવશે. જેમકે આંખમાં લગાવવામાં આવતો સૂરમો. (સૂરમો લગાવનારને એ વાતની ખબર હોય છે કે તેણે ક્યારે સૂરમો લગાવ્યો, પરંતુ સૂરમો આંખોમાંથી નીકળી જાય તેની તેને ખબર નથી હોતી) સવારે અમારા દીન અને શરીઅત ઉપર હશે પરંતુ સાંજ થતાં અમારા દીનથી દૂર થઇ ગયો હશે અથવા સાંજે અમારા દીન અને શરીઅત ઉપર હશે અને સવાર પડતાં તેમાંથી બહાર નીકળી ગયો હશે.’

(ગય્બતે નોઅમાની : ૨૦૭)

આ ઉપરથી અનુમાન લગાવી શકાય છે કે ગય્બતના સમયમાં લોકોના દીનની પરીક્ષા લેવામાં આવશે. ખરા અર્થમાં દીનદાર એજ છે જે મુસીબતોના સમયે પણ દીન ઉપર અડગ અને મક્કમ રહે.

હઝરત ઇમામ હુસૈન (..)ના કથન મુજબ:

‘દીન લોકોની જીભ ઉપર સ્વાદ જેવો છે, પરંતુ જ્યારે બલાઓ ઘેરી લ્યે છે ત્યારે દીનદાર બહુ ઓછા બાકી રહે છે.’

એટલે કે જ્યાં સુધી દીનથી ફાયદો હોય ત્યાં સુધી બધાજ દીનદારીનો દાવો કરે છે પરંતુ મુશ્કેલીઓ, કસોટીઓ અને પરીક્ષામાં બહુ થોડા માણસો સફળ નિવડે છે. અલબત્ત, જરૂર થોડા માણસો એવા હશે જે દરેક પરિસ્થિતિમાં દીન ઉપર અડગ અને અચળ રહેશે, મોટામાં મોટી મુશ્કેલીઓ પણ તેમને દીનથી દૂર કરી શકશે નહિં.

હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) ફરમાવે છે :

‘…તેઓ (ઇમામ મહદી અ.સ.) તેમના શીઆઓથી ગય્બત ધારણ કરશે. તેમની ઇમામતના અકીદા પર મક્કમ અને અડગ નહિં રહે સિવાય કે તે લોકો જેમના દિલોની અલ્લાહે ઇમાન વડે કસોટી કરી હશે….. આ અલ્લાહના રહસ્યોમાંથી એક રહસ્ય છે. અને તેના ઇલ્મના ગુપ્ત ખઝાનાઓમાંથી એક ખઝાનો છે. આ વાત દરેકને ન જણાવતા.’

(ઇલઝામુન્નાસીબ, પાના નં. ૧૯, યવ્મુલ ખલાસ, પાના નં. ૧૯૯)

આ હદીસો પરથી સ્પષ્ટપણે જાહેર થાય છે કે ગય્બતનો સમય ઇમ્તેહાન, કસોટી અને પરીક્ષાનો સમય છે. અગર આપણે વર્તમાન સમયમાં દીન ઉપર મક્કમ અને અડગ રહેવામાં કોઇ મુશ્કેલી કે તકલીફ નથી અનુભવી રહ્યા તો કદાચ આપણે સાચા દીન ઉપર નથી અને શાયદ એવા દીન ઉપર છીએ જે આપણા રીતિ-રીવાજો અને પરંપરાગત પ્રણાલિકાઓ વડે તૈયાર કરવામાં આવ્યો છે. અગર આપણે ગય્બતના વર્તમાન સમયની સખત અને અઘરી પરીક્ષામાં સફળ થવા ઇચ્છીએ છીએ, તો તેનો એક માત્ર રસ્તો એ છે કે આપણે આપણા વર્તમાન સમયના ઇમામ ‘વલીએ અસ્ર’ ઇમામ મહદી (અ.સ.)ના રક્ષણમાં તેમની છત્રછાયા હેઠળ આવી જઇએ, તેમની ઇમામત અને વિલાયતને મજબુતીથી વળગી રહીએ, દીન પર અમલ કરવામાં પ્રત્યેક ક્ષણે તેમની મદદ માંગતા રહીએ. અગર આપણે હઝરત વલીએ અસ્ર (અ.ત.ફ.શ.)ની ઇનાયતોને હાંસીલ કરવા ચાહીએ છીએ તો તેનો સૌથી વધુ આધારભૂત અને વિશ્ર્વસનીય માર્ગ તેમના માટે દોઆ કરવી છે. તેમની સલામતી અને તેમના વ્હેલા ઝુહુર માટે દોઆ કરવી જોઇએ.

ઇમામે ઝમાના (..) માટે દોઆ કરવાનું મહત્ત્વ અને તેની અસરો:

ઇન્સાન પોતાની જીંદગીની પ્રત્યેક ક્ષણે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની મહેરબાની અને ઇનાયતોનો મોહતાજ છે. અલ્લાહની રહમતને પોતાની તરફ ધ્યાન આકર્ષિત કરવા માટે ‘દોઆ’ ખૂબજ મહત્ત્વપૂર્ણ માધ્યમ છે. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ફરમાવે છે :

“(હે રસુલ!)  તમે કહી દો જો તમે દોઆ માંગતા ન રહેતે તો તમારો પરવરદિગાર તમારી કાંઇજ પરવા કરતે નહિં.

(સુરએ ફુરકાન : ૭૭)

બીજી એક જગ્યાએ આજ રીતે ફરમાન છે:

“અને જો મારો (કોઇ) બંદો તમને મારા વિષે પૂછે (કે હું ક્યાં છું?) તો (કહો કે) ખચીતજ હું (તેની) પાસેજ છું; દોઆ કરનારાઓ જ્યારે પણ મને પોકારે છે ત્યારે હું તેમને જવાબ આપું છું.

(સુરએ બકરહ : ૧૮૬)

ઉપરોક્ત બંને આયતોમાં પયગમ્બરે અકરમ (સ.અ.વ.) મારફતે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાનું બંદાઓ સુધી પોતાના સંદેશને પહોંચાડવું એ વાતની તરફ સૂચક ઇશારો છે કે જે રીતે તેણે પોતાના સંદેશાને પયગમ્બર (સ.અ.વ.) મારફતે આપણા સુધી પહોંચાડ્યો, તેજ રીતે આપણે પણ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની બારગાહમાં પયગમ્બર (સ.અ.વ.)ના વાસ્તાથી દોઆ કરીએ.

દોઆને ઇબાદતની રૂહ કહેવામાં આવી છે તથા દોઆ મોઅમીનનું હથિયાર પણ છે. તેની સાથે સાથે અલ્લાહની રહમતથી નિરાશ થવું કુફ્ર છે.

આપણે આગળના પ્રકરણોમાં ગય્બતના સમયની મુશ્કેલીઓનો ઉલ્લેખ કર્યો. અલ્લાહનો મોઅમીન બંદો જ્યારે – જ્યારે કુરઆનની તિલાવત કરે છે ત્યારે અનેક જગ્યાએ અલ્લાહના આ વાયદાઓ તેની નજરમાં આવે છે.

“ઇસ્લામ ધર્મ બીજા તમામ દીનો ઉપર ગાલીબ થઇ જશે.

(સુરએ તૌબા : ૩૩)

“ઇમાનવાળાઓને આ જમીનના વારીસ બનાવવામાં આવશે.

(સુરએ નુર : ૫૫)

“અલ્લાહનો વાયદો છે કે તેના નેક બંદાઓ આ જમીનના વારસદાર બનશે.

(સુરએ અમ્બિયા : ૧૦૫)

તેમજ આ વિષયને લગતી હદીસોમાં આ પ્રકારનું વર્ણન ખૂબજ સ્પષ્ટતાની સાથે આપવામાં આવ્યું છે. જેમકે,

‘આ જમીન એક દિવસ ચોક્કસપણે ન્યાય અને ઇન્સાફથી ભરાઇ જશે.’

‘જમીન પોતાના ગુપ્ત ખઝાનાઓને જાહેર કરી દેશે.’

‘દરકે જગ્યાએ શાંતિ અને સલામતી હશે.’

‘જમીન પર કોઇ જગ્યાએ ઝુલ્મ, અત્યાચાર, ભય અને આતંક જોવા નહિં મળે.’

‘ગદીરી ઇસ્લામનો પરચમ દરેક જગ્યાએ લહેરાશે.’

મોઅમીન એક તરફ અલ્લાહ તઆલા અને હઝરત રસુલે અકરમ (સ.અ.વ.)ના વાયદાઓ ઉપર સંપૂર્ણપણે વિશ્ર્વાસ અને ભરોસો ધરાવે છે તો બીજી તરફ વર્તમાન સમયની દુનિયાની હાલત અને પ્રતિકૂળ પરિસ્થિતિ નિહાળીને તેના દિલમાં દર્દ ઉત્પ્ન્ન થાય છે. જ્યારે તે જુવે છે કે ઇસ્લામ જે શાંતિ અને સલામતીનો સંદેશ લઇને આવ્યો છે તેને ઇસ્લામના દુશ્મનોએ કઇ રીતે બદનામ કરી દીધો છે. તેના દિલમાં એક પ્રશ્ર્ન વારંવાર તીવ્રતાની સાથે ઉઠે છે કે, છે કોઇ જે આ વર્તમાન પરિસ્થિતિને બદલી નાખે અને પવિત્ર મઝહબ ઇસ્લામને બલંદ કરે તેમજ મુસલમાનોને સન્માન અને ઇઝઝત અતા કરે?

દુનિયાઓ માટે રહમત એવા પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ની આ હદીસ દિલોને સાંત્વન અને આશ્ર્વાસન પુરૂ પાડે છે. હઝરત રસુલે અકરમ (સ.અ.વ.) ફરમાવે છે:

‘અગર આ દુનિયાની મુદ્દત પૂર્ણ થવામાં માત્ર એક દિવસ બાકી રહી જશે તો અલ્લાહ તઆલા તે દિવસને એટલો લંબાવી દેશે કે મારા એહલેબૈત (અ.સ.)માંથી એક શખ્સ જાહેર થાય, જેનું નામ મારૂં નામ હશે અને તે જમીનને અદ્લ અને ઇન્સાફથી એવી રીતે ભરી દેશે, જે રીતે તે ઝુલ્મ અને અત્યાચારથી ભરાઇ ગઇ હશે.’

કુરઆને મજીદ અને હદીસોની ખુશખબરીઓ, વર્તમાન પરિસ્થિતિ અને પયગમ્બરે અકરમ (સ.અ.વ.) દ્વારા આપવામાં આવતું યકીન મોઅમીનને અલ્લાહની બારગાહમાં હાથો બુલંદ કરીને રડતી આંખો સાથે આ દોઆ કરવા તત્પર અને આતુર બનાવી મૂકે છે.

اَللّٰہُمَّ عَجِّلْ لِّوَلِیِّکَ الْفَرَج

‘અય અલ્લાહ! તારા વલીના ઝુહુરમાં જલ્દી કર.’

આ આધારે ગય્બતના વર્તમાન સમયમાં ઇમામે ઝમાના (અ.સ.) માટે દોઆ કરવી તે આપણી એક મહત્ત્વપૂર્ણ જવાબદારી છે. આપણા માટે જરૂરી છે કે આપણે તેમની તંદુરસ્તી, તેમની સલામતી અને તેમના વ્હેલા ઝુહુર માટે દોઆ કરીએ. ઇમામે ઝમાના (અ.સ.)નું ઝુહુર જલ્દી થાય તે માટે દોઆ કરવા માટે ઇમામે ઝમાના (અ.સ.)એ પોતેજ આપણને ફરમાવ્યું છે.

‘વ્હેલા ઝુહુર થાય તે માટે ખૂબ વધારે દોઆ કરો (કારણકે) તેમાંજ તમારી ભલાઇ છે.’

(બેહારૂલ અન્વાર, ૫૨/૯૨)

દોઆ કરવાનો સર્વશ્રેષ્ઠ સમય:

*    વાજીબ નમાઝો પછી

*    ઇમામ હુસૈન (અ.સ.)ના મસાએબ પછી

*    વરસાદ વરસતો હોય ત્યારે

*    ઝવાલના સમયે

*    નમાઝે – શબમાં સુબ્હ સાદિકના સમયે.

૧૩ રજબ, ૧૫ રજબ, ૧૫ શાબાન, માહે રમઝાન, શબે કદ્ર તેમજ એવી દરેક તારીખો જે દીને ઇસ્લામમાં મહત્ત્વ ધરાવે છે.

આ તે મૌકાઓ છે જ્યારે અલ્લાહની રહમતના દરવાજા ખુલે છે અને તેથી દોઆ કબુલ થવાની સંભાવના ખૂબજ વધી જાય છે.

આયતુલ્લાહ સૈયદ મોહમ્મદ તકી મુસવી ઇસ્ફહાની (ર.અ.)એ પોતાની અમૂલ્ય કિતાબ ‘મિક્યાલુલ મકારીમ’માં ઇમામે ઝમાના (અ.સ.) માટે દોઆ કરવાના ૯૦ (નેવું) ફાયદાઓનું વર્ણન કર્યંુ છે. જેમકે:

૧.      આપણી મુશ્કેલીઓ અને તકલીફો દૂર થાય છે.

૨.      ઇમામ (અ.સ.) પોતે પણ આપણા માટે દોઆ કરશે.

૩.      જનાબે ઝહરા (સ.અ.)ની શફાઅત નસીબ થશે.

૪.      વય અને માલમાં વધારો થશે.

૫.      ઇમામે ઝમાના (અ.ત.ફ.શ.)ની ઇનાયત અને મહેરબાની આપણી સાથે રહેશે.

૬.      આખર ઝમાનાના ફીત્નાઓથી રક્ષણ અને મુક્તિ મળશે.

૭.      કબ્ર અને કયામતની સખ્તીઓથી છુટકારો મળશે.

૮.      ફરિશ્તાઓ આપણા માટે દોઆ અને ઇસ્તિગફાર કરશે.

૯.      પયગમ્બરે અકરમ (સ.અ.વ.)ની શફાઅત નસીબ થશે.

૧૦.     ગુનાહો માફ થઇ જશે.

૧૧.     કયામતના દિવસે શ્રેષ્ઠ તોહફો આપવામાં આવશે.

૧૨.     નેઅમતોમાં વધારો થશે.

આપણા ઝમાનાના ઇમામ (અ.સ.) માટે આપણે દોઆ કરવી ફક્ત જરૂરી અને મહત્ત્વની બાબત નથી બલ્કે આપણી દોઆઓમાં સૌપ્રથમ તેમના માટે દોઆ કરવી જરૂરી છે. ઇમામે ઝમાના (અ.સ.)ના આપણી ગરદન ઉપર ઘણા બધા હક્કો છે. જેમકે

() આપણા અસ્તિત્વના બાકી રહેવાનો હક :

અત્યારે જગતનું અસ્તિત્વ અને તેનું બાકી રહેવું ઇમામે ઝમાના (અ.સ.)ના કારણે છે.

ઇમામ (અ.સ.) ખુદ ફરમાવે છે:

‘અમને ખુદાએ બનાવ્યા અને દરેક મખ્લૂક અમારા કારણે છે.’

(એહતેજાજે તબરસી, ૨/૫૨૬)

એક રિવાયતમાં હઝરત ઇમામ જઅફર સાદિક (અ.સ.) ફરમાવે છે:

‘અગર જમીન પર ઇમામ (અ.સ.)નું અસ્તિત્વ ન હોય, તો જમીનનો નાશ થઇ જાય.’

(કાફી, ૧/૧૭૯)

આ રીતે આપણી જીંદગી બલ્કે આપણી  પ્રત્યેક ક્ષણ અને પ્રત્યેક શ્ર્વાસ ઉપર ઇમામ (અ.સ.)નો હક છે. જેમના થકી આપણને ઝિંદગી મળી રહી છે તેમના માટે દોઆ કરવું વાજીબ છે.

() રીઝક (રોઝી)નો હક :

દરેક વ્યક્તિ પોતાની જીંદગીમાં રોઝી (રીઝક)નો જરૂરતમંદ અને મોહતાજ હોય છે અને તે રોઝી મેળવવા માટે તે દરરોજ પ્રયત્નશીલ અને કાર્યરત હોય છે. હકીકત તો એ છે કે સમગ્ર વિશ્ર્વને ઇમામ (અ.સ.)ની બરકતના કારણે રિઝક મળી રહ્યું છે. રિવાયતમાં છે કે :

وَ بِیُمْنِہٖ رُزِقَ الْوَرٰی

‘અને તેમની બરકતથી કાએનાતને રીઝક મળી રહ્યું છે.’

જે રીતે રિઝક ઇમામ (અ.સ.)ના કારણે મળી રહ્યું છે તેવીજ રીતે રોઝીમાં વધારો પણ ઇમામ (અ.સ.)ના માધ્યમથી અને તેમની બરકતથી જ થાય છે. દોઆએ નુદબામાં છે:

‘અય અલ્લાહ! તેમના (ઇમામ (અ.સ.)ના) ઝરીયે અમારી રોઝીમાં વધારો કર.’

આથી, જ્યારે પણ આપણે રોઝી મેળવીએ અને તેમાં પણ ખાસ કરીને જમવાનું પૂર્ણ કરીએ ત્યારે  ઇમામે અસ્ર (અ.સ.) માટે દોઆ કરવી આપણી અખ્લાકી જવાબદારી છે.

() હિદાયતનો હક :

જીંદગીની સૌથી મોટી નેઅમત હિદાયત છે. જેની આપણે દરેક નમાઝમાં માંગણી કરીએ છીએ. હિદાયતની મહાન નેઅમત ઇમામે ઝમાના (અ.સ.)ના કારણે આપણને મળે છે. કારણકે ઇમામ (અ.સ.)ની સાચી ઓળખ (મઅરેફત) જ હિદાયત છે. ઇમામ (અ.સ.)નો મશ્હૂર લકબ ‘મહદી’ એટલે કે ‘હિદાયત પામેલ’ છે. વર્તમાન સમયમાં અગર ઇમામ (અ.સ.)ની ઇનાયતો અને મહેરબાની આપણી સાથે ન હોત, તો આપણે ક્યારનાય ગુમરાહ થઇ ચૂક્યા હોત, આ તેઓની દયા અને રહેમદ્રષ્ટિ છે કે આપણા દિલોમાં એહલેબૈત (અ.સ.)ની મોહબ્બતનો ચિરાગ ઝગમગી રહ્યો છે.

આથી, જ્યારે પણ આપણને નમાઝ, ઝીયારત, દોઆ અને નેક કામોની તૌફીક મળે ત્યારે સૌથી પહેલા આપણા ઇમામ (અ.સ.) માટે દોઆ કરવી જોઇએ.

દોઆ શા માટે કરવી જોઇએ?

શક્ય છે કે કોઇના દિલમાં પ્રશ્ર્ન ઉદ્ભવે કે, જ્યારે દરેક વસ્તુ ઇમામ (અ.સ.)ના લીધે મળે છે, તો પછી આપણે ઇમામ (અ.સ.) માટે દોઆ શા માટે કરવી જોઇએ?

તેનો જવાબ આ પ્રમાણે છે.

૧.      ઇમામે ઝમાના (અ.સ.)એ પોતે જ ખૂબ દોઆ કરવાનો હુકમ આપેલ છે.

૨.      દોઆનો અર્થ એવો નથી કે આપણે જેના માટે દોઆ કરી રહ્યા છીએ તે કોઇ બલા કે મુસીબતમાં ઘેરાયેલા છે અને આપણી દોઆના મોહતાજ છે. નહિં હરગીઝ એવું નથી. દોઆ મોહબ્બતનો તકાઝો છે. આપણે જેને દિલથી ચાહતા હોઇએ છીએ તેના માટે એમજ ઇચ્છીએ છીએ કે તે કોઇ બલા કે મુસીબતમાં ન સપડાય. આજ મોહબ્બત અને લાગણી આપણને દોઆ કરાવે છે. ઇમામ (અ.સ.) પ્રત્યે જેટલી વધારે મોહબ્બત હશે તેટલી જ વધારે તેમના માટે દોઆ થશે.

૩.      દોઆના કારણે ઝુહુરમાં જલ્દી થાય છે. અલ્લાહ તઆલાએ બની ઇસ્રાઇલના અઝાબની મુદ્દત ૪૦૦ વર્ષની નક્કી કરી હતી. પરંતુ જ્યારે બની ઇસ્રાઇલે આંખોમાં આંસુઓની સાથે ખુબ કરગરીને દોઆ કરી, તો અલ્લાહે અઝાબની મુદ્દતમાં ૧૭૦ વર્ષનો ઘટાડો કરી નાખ્યો.

પછી હઝરત ઇમામ જઅફર સાદિક (અ.સ.) ફરમાવે છે:

‘અગર તમે પણ આ રીતે રડી રડીને કરગરીને આજીજી કરો, તો ખુદા ઝુહુરમાં જલ્દી કરી શકે છે.’

(તફસીરે અય્યાશી, ૨/૧૫૪)

અય અલ્લાહ! મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (સ.અ.વ.) ઉપર શ્રેષ્ઠ અને સંપૂર્ણ દુરૂદ અને સલામ મોકલ અને કાએમે આલે મોહમ્મદ (અ.સ.)ના ઝુહુરમાં ખૂબજ વધારે જલ્દી કર તથા અમારી દરેકની ગણતરી તેમના ગુલામોમાં કર. અય અલ્લાહ મોહમ્મદ (સ.અ.વ.) અને તેમની પવિત્ર આલ ઉપર સલવાત મોકલ.

કિતાબનું નામ  :       ગયબતનો જમાનો કસોટી અને પરીક્ષાનો સમય

પ્રકાશન :               એસોસીએશન ઓફ ઇમામ મહદી (અ.સ.)

પો.બોક્સ નં. ૧૯૮૨૨

મુંબઇ – ૪૦૦ ૦૫૦

પ્રકાશનનું વર્ષ  :       ઓગષ્ટ – ૨૦૦૯

2 Comments »

  1. salamun alaikum
    very nice book

  2. First and only constructive website which fills the requirements of our community.nn1

Have your say!

Add your comment below, or trackback from your own site. You can also subscribe to these comments via RSS.

Be nice. Keep it clean. Stay on topic. No spam.