Home » અલ-મુન્તઝર માહે મોહર્રમ » ૧૪૨૮ » ઇમામ હુસૈન (અ.સ.) » ઇમામ હુસૈન અ.સ. ના પત્રો, ખુત્બા અને હદીસો

ઇમામ હુસૈન (અ.સ.)ના થોડા કથનો

Print Friendly

પરવરદિગારે આલમ કુરઆને કરીમમાં ફરમાવે છે :

“બેશક! અમે તેને રસ્તો દેખાડી દીધો છે પછી ચાહે તે શુક્ર કરનારો થાય અથવા ચાહે તો કુફ્ર અખત્યાર કરે.’

(સુરએ દહર : ૩)

તે કરીમ માલિકે માનવીની નજાત અને કલ્યાણ માટે, તેના યોગ્ય ઉછેર માટે, તેના જીવનની સફળતા અને કામયાબી માટે અને તેને સાંત્વન બક્ષનારા અંજામ માટે એક લાંબો તબ્લીગી સિલસિલો સ્થાપિત કર્યો જે નબીઓનો સિલસિલો હતો. અલ્લાહે તેના આ માનવંત બંદાઓ પાસેથી આદમના સંતાનોની શિક્ષણ અને કેળવણીનું કામ લીધું. નબીઓનો આ લાંબો સિલસિલો એક લાખ ચોવીસ હજારનો હતો. નબીઓ આવતા રહ્યા અને પોતપોતાના સમયની ઉમ્મતને તાલીમના ઘરેણાઓથી શણગારતા રહ્યા, તેઓને જીવન જીવવાની રીતભાત શીખવાડતા રહ્યા. જેણે તેમની વાતો ઉપર અમલ કર્યો તે હાબીલ બન્યો અને જેણે અંબીયાની તાલીમને મહત્ત્વ ન આપ્યું તે કાબીલ ઠર્યો અને દરેક તબક્કે  અપમાનિત અને દુ:ખી થયો. અલ્લાહનું આ કથન કે “અમે ઇન્સાનને તબ્લીગ કરનારાઓના અનુસરણ અન્વયે સ્વતંત્ર બનાવ્યો છે કે તે મારો શુક્ર બજાવી લાવે અથવા ચાહે તો કુફ્ર કરે. ઉદાહરણો આજે પણ સામે છે. સારા અને ખરાબ બન્ને પ્રકારના લોકોથી ઇતિહાસ ભરપુર છે.

બેશક, આપણા રસુલે અકરમ (સ.અ.વ.)ની ઉમ્મત આ બાબતમાં સૌથી વધુ ખુશનસીબ છે જેને એ નબીની તાલીમ પ્રાપ્ત થઇ જે નબીઓમાં સર્વશ્રેષ્ઠ અને ગૌરવ ધરાવતા હતા. પરંતુ રસુલોમાંના શ્રેષ્ઠ રસુલ એક મોકા ઉપર “અના મેનલ હુસૈનનો અવાજ બુલંદ કરતા જણાયા. આ હુસૈન (અ.સ.) માત્ર રસુલના નવાસા નહિં બલ્કે આદમ (અ.સ.)ના વારિસ છે, નુહ (અ.સ.)ના વારિસ છે, મુસા (અ.સ.)ના વારિસ છે, ઇસા (અ.સ.)ના પણ વારિસ છે અને તમામ નબીઓ અને વસીઓ  (અ.સ.)ના વારસદાર છે. એટલું જ નહિં અલીએ મુરતુઝા (અ.સ.) ખદીજતુલ કુબરા (સ.અ.) અને ફાતેમા ઝેહરા (સ.અ.)ના પણ વારસદાર છે. આજે આ લેખમાં આપણે હુસૈને મઝલુમ (અ.સ.)ના થોડા બોધવચનોથી લાભ ઉઠાવીશું.

૧.      “જે તમને ચાહે છે તે તમને ટોકે છે અને જે તમારાથી અણગમો રાખે છે તે તમારી (ખોટી) પ્રસંશા કરે છે.’

(બેહારૂલ અન્વાર, ભાગ – ૭૮, પાના નં. ૧૨૮)

અહિં આ હદીસ વડે ઇમામ હુસૈન (અ.સ.) આપણને સાવધ કરી રહ્યા છે કે તમારો સાચો દોસ્ત એ છે જે તમારી ત્રુટીઓ દર્શાવે, નહિં કે તે માણસ કે જે તમારા ખોટા વખાણ કરીને તમને તમારી સુધારણાથી દૂર રાખે. આ રીતનું વર્તન કરનાર તો તમારાથી અણગમો રાખે છે અને ખોટું પ્રોત્સાહન આપીને તમને સાચા અને નજાતના રસ્તાથી દૂર કરી દે છે.

૨.      “જે માણસ કોઇ મોમીનની એક મુશ્કેલી દૂર કરે છે, અલ્લાહ તેની દુનિયા અને આખેરતની દરેક મુશ્કેલીઓને દૂર કરી દેશે.’

(બેહારૂલ અન્વાર, ભાગ – ૭૮, પાના નં. ૧૨૨)

મોમીનોની મુશ્કેલીઓને દૂર કરવા બાબતે આ શ્રેષ્ઠ હદીસ છે. આ હદીસ પરસ્પરના સહકાર અને ભાઇચારાની પ્રેરણા પણ આપે છે. તેમાં આપણી બધી મુશ્કેલીઓનો ઉકેલ પણ છુપાએલો છે. આપણી દુન્યવી મુશ્કેલીઓની યાદી ખૂબજ લાંબી છે. તેની સાથે આખેરતના પ્રશ્ર્નો પણ છે જેની સખ્તીનો આપણને અંદાજ પણ નથી. પરંતુ એ ઇમામે મઝલુમ (અ.સ.) ઉપર આપણી જાનો કુરબાન થાય કે જે દુનિયા અને આખેરતની બધી મુશ્કેલીઓથી મુક્તિ મેળવવાનો સહેલો માર્ગ દેખાડી રહ્યા છે અને તે એ રીતે છે કે આપણે કોઇ મોમીનની જરૂરિયાતને પુરી કરીએ.

૩.      “સત્ય (હક)ના અનુસરણ વગર બુદ્ધિ સંપૂર્ણ થતી નથી.’

(બેહારૂલ અન્વાર, ભાગ – ૭૮, પાના નં. ૧૧૮)

હક, યોગ્ય અને અયોગ્ય, સાચું અને ખોટું, હલાલ અને હરામ, પ્રકાશ અને અંધકારની ઓળખાણ કરાવે છે. પરંતુ મોટા ભાગના લોકો હકની વિરૂદ્ધ નિર્ણય કરતા નજરે પડે છે. તેના ઘણા કારણો છે પક્ષપાત, લોભ, લાલચ, ઇર્ષ્યા, દ્વેષ અને ગાંડપણ એ તેમાંથી અમુક છે જેને લીધે માણસ હકની વિરૂદ્ધ માર્ગ અપનાવે છે. આ બધી માનસિક ખરાબી  માનવીની ઓછી બુદ્ધિની સાબિતિ છે. તેથી આ હદીસમાં ઇમામે મઝલુમ (અ.સ.) ફરમાવે છે કે જ્યાં સુધી માનવી હકનું સંપૂર્ણ રીતે અનુસરણ ન કરે, ત્યાં સુધી તેની બુદ્ધિ અધુરી છે. આવી ક્ષતિયુક્ત બુદ્ધિવાળા માનવીથી યોગ્ય નિર્ણયની અપેક્ષા ન રાખી શકાય, કારણ કે તે હકને અનુસરતો નથી.

૪.      “બેશક હું મૃત્યુને નેકબખ્તી અને ઝુલ્મ કરનારાઓ સાથેના જીવનને ધિક્કારપાત્ર સિવાય કાંઇ નથી જોતો.’

(તોહફુલ ઓકુલ, પાના નં. ૨૪૫)

ઇમામ હુસૈન (અ.સ.)નું આ એ જ બોધ વચન છે જેનાથી પ્રભાવિત થઇને ઘણા દેશોએ પોતાનું ભવિષ્ય બદલવાની કોશીશ કરી છે. ઇમામ હુસૈન (અ.સ.)નું કથન ‘હિણપત ભર્યા જીવન કરતાં સન્માન ભર્યું મૃત્યુ બહેતર છે’ ઉમર બીન સઅદ (લા.અ.) અને અરબના બીજા માંધાતાઓના ગાલ ઉપર એક તમાચો હતો જે લોકોએ જીંદગીના ભયથી કે દુનિયાના માલની લાલચમાં યઝીદ જેવા ઝાલીમની બયઅત કરી લીધી હતી. ઇમામ હુસૈન (અ.સ.) જે નબીઓના વારસદાર હતા, તે યઝીદની બયઅત કેવી રીતે કરી શકે? આપ (અ.સ.)એ હિણપત ભર્યા જીવન પર નેક અંજામભર્યા મૃત્યુને અગ્રતા આપી. ફાતેમા (સ.અ.)ના ફરઝંદ પર આપણી જીંદગી ન્યોચ્છાવર થાય, કે જેમણે ખુદ મૃત્યુને ભેટીને મરતી માનવતાને અનંત જીવન પ્રદાન કર્યું. આપનું આ કથન એ મઝલુમોની જીભ ઉપર આજ સુધી કલેમાની જેમ વહેતું રહ્યું છે જે મૃત્યુને ભેટવામાં જરાપણ ખચકાટ અનુભવતા નથી.

૫.      “લોકો દુનિયાના ગુલામ છે અને દીન તેમની જીભ ઉપર કોળીયાની જેમ છે, જેને તેઓ ફેરવ્યા કરે છે. પછી જ્યારે તેઓ મુસીબતોમાં ફસાઇ જાય છે ત્યારે ઘણા ઓછા દીનદાર બાકી રહે છે.’

(તોહફુલ ઓકુલ, પાના નં. ૨૪૫)

ઇમામ હુસૈન (અ.સ.)નું આ કહેણ દરેક યુગમાં સાચું ઠર્યું છે. દરેક યુગમાં અને દરેક કૌમમાં ઘણા લોકો દુનિયાના ગુલામ રહ્યા છે અને મઝહબનો ઉપયોગ માત્ર વ્યક્તિગત ફાયદા માટે કરે છે. હાકીમોએ દીનના ફતવાઓની દિશા પોતાની તરફ ફેરવી લીધી, બરાબર તેવી જ રીતે જેવી રીતે માનવી પોતાની જીભ ઉપર કોઇ મીઠા લુકમાનો સ્વાદ માણે છે. માત્ર શાસનકર્તાઓ જ નહિં બલ્કે સામાન્ય માનવી પણ એજ નિયમ પર અમલ કરવા માંગે છે જે તેમની પસંદગી મુજબના હોય. પરંતુ જેવો તે થોડી મુશ્કેલીમાં ફસાઇ છે (જે કોઇપણ માણસની જીંદગીનો મહત્ત્વનો ભાગ છે) ત્યારે તે કુફ્રના માર્ગને અપનાવી લે છે અને ભટકી જાય છે તથા સેરાતે મુસ્તકીમ – સીધા માર્ગથી ચલિત થઇ જાય છે. ઇમામ (અ.સ.)ના શબ્દોમાં જોઇએ તો ‘દીનદાર લોકો કેટલા ઓછા છે જે બચી જાય છે.’

કરબલાના ઇતિહાસમાં જોઇએ તો કુફા શહેરમાં ૭૦૦૦૦ સીત્તેર હજાર વ્યક્તિઓએ જનાબે મુસ્લિમ બીન અકીલ (અ.સ.)ના હાથો ઉપર બયઅત કરી હતી. પરંતુ ઇબ્ને ઝીયાદની ધમકી પછી માત્ર એક શખ્સ હતા જે જનાબે મુસ્લીમની સાથે રહ્યા અને તેમની મદદ માટે આગળ આવ્યા.

અંતમાં આવો, આપણે પણ અલ્લાહ પાસે દોઆ કરીએ કે અલ્લાહ આપણને મુશ્કેલીઓમાં પણ સેરાતે મુસ્તકીમ ઉપર અડગ રાખે, આપણી ગણતરી ઇમામ હુસૈન (અ.સ.)ના ખૂનનો બદલો લેનારા સાથીદારોમાં અને બલીદાન આપનારાઓમાં કરે. આમીન…..

Have your say!

Add your comment below, or trackback from your own site. You can also subscribe to these comments via RSS.

Be nice. Keep it clean. Stay on topic. No spam.