ઝુહુર સમયના અખ્લાકીયાત – રૂહાની તૈયારીઓ

Print Friendly, PDF & Email

હેતુ અને તૈયારીમાં સંબંધ હોવો જરૂરી છે. અગર મકસદ પરીક્ષામાં સફળતા છે તો તૈયારીનો એક ખાસ અંદાઝ હોવો જરૂરી છે. અગર હેતુ સફર છે તો તૈયારીનો પ્રકાર અલગ હશે. કોઇની શાદીમાં જવાનો અંદાઝ ગમની મજલીસમાં શરીક થવાથી અલગ છે. અગર આપણે અત્યારે હઝરત વલીએ અસ્ર(અ.સ.)ના ઝુહુરે પુરનૂરનો ઇન્તેઝાર કરી રહ્યા છીએ અને ઝુહુરના સમયે તેમના મદદગારો અને અન્સારોમાં શામિલ થવા ચાહીએ છીએ તો તેની તૈયારીનો પ્રકાર કાંઇક અલગ હશે. આ કોઇ મામુલી બેઠક કે કોઇ ચળવળની અંદર શામિલ થવા જેવુ નથી. આ એક ઇલાહી અને આસ્માની વ્યવસ્થામાં શામિલ થવુ છે. જેની સરહદો ત્યાં સુધી છે જ્યાં સુધી “રબ્બુલ આલમીનની રૂબુબીય્યત છે. ઝુહુરના માટે કેવી રીતે તૈયારી કરવાની જરૂરત છે, તેના માટે ઝુહુરની ખાસિયતો નજર સમક્ષ રાખીને તૈયારી કરવી પડશે.
ઝુહુરના સમયની ખુસુસિયાત:
ઝુહુરના ઝમાનાની તેની પોતાની ખાસિયતો છે. તે ખાસિયતોની સાથે સુમેળ સાધવા માટે આ માર્ગ પર તૈયારી કરવી પણ જરૂરી છે. એ ખાસિયતોથી સંલગ્ન રફતાર અને ગુફતાર, ટૂંકમાં ચારિત્ર્યને દરેક રીતે તેના સાંચામાં ઢાળવું પડશે.
ઝુહુરના ઝમાનાની એક સ્પષ્ટ ખાસિયત એ છે કે તે હકીકતોનો ઝમાનો હશે. તે સમયે તમામ પર્દાઓ હટી જશે, વાસ્તવિક્તાઓ ઉભરાઇને સામે આવી જશે. કોઇ પણ પોતાની હકીકત કોઇ પણ પ્રકારે છુપાવી નહી શકે. તેનો હકીકી ચેહરો ઇમામે વક્તની સામે હશે. ઇમામ (અ.સ.)ને દરેકના દિલની વાત ખબર છે. તેઓ લોકોની સામે જનાબે દાઉદ(અ.સ.)ની સીરત પર અમલ કરશે.
હવે એક સવાલ એ ઉપસ્થિત થાય કે જનાબે દાઉદ(અ.સ.)ની સીરત શું હતી? અને આપણા નબીયે કરીમ(સ.અ.વ.)ની શું સીરત હતી?
જવાબ એ છે કે ખુદાવંદે આલમે આપણા નબી(સ.અ.વ.)ને એ હુકમ આપ્યો હતો કે તે જાહેર મુજબ ફેંસલો કરે. જ્યારે જનાબે દાઉદ(અ.સ.)ની જવાબદારી એ હતી કે તેઓ હકીકત મુજબ ફેંસલો કરે. આપણા ઇમામે ઝમાના(અ.સ.)ને ખુદાવંદે આલમ એ ઇલ્મ અતા કરશે કે જેના આધારે તમામ બનાવો તેની હકીકતોની સાથે ઇમામે ઝમાના(અ.સ.)ની સામે હશે. તેમને કોઇ બનાવ માટે કોઇ ગવાહ અને સાબિતિની જરૂરત નહી હોય. બનાવો સંપૂર્ણ રીતે તેમની સામે સ્પષ્ટ હશે.
ઝુહુરનો સમય હકીકતો અને સચ્ચાઇનો ઝમાનો છે. પર્દાઓ ઉઠી જશે અને હકીકતો સામે હશે. આ બારામાં રિવાયતોમાં આ વાત બયાન કરી છે કે જે સમયે હઝરત હુજ્જત(અ.સ.)નો પુરનૂર ઝુહુર થશે તે સમયે હઝરત હુજ્જત(અ.સ.) લોકોના માથાઓ પર પોતાનો મુબારક હાથ ફેરવશે જેનાથી તેઓની અક્લો સંપૂર્ણ થઇ જશે.
(કમાલુદ્દીન, પાના નં. ૬૭૫, હદીસ નં. ૩૦)
આનાથી સ્પષ્ટ થાય છે કે ઝુહુરનો સમય અક્લ અને હકીકતોનો સમય છે. વહેમ અને ખયાલનો ઝમાનો નથી. જ્યારે અક્લ સંપૂર્ણ થઇ જશે તો પછી કોઇ પણ વાતને છુપાવવાની જરૂરત નહી પડે. અક્લ બનાવોને તેની હકીકી સુરતમાં રજુ કરશે. બસ આપ એટલુ તસવ્વુર કરો કે જ્યારે સંપૂર્ણ અક્લો હકીકતોને રજુ કરશે તો પરિસ્થિતિ કેવી હશે. એ સમયે લોકો એકબીજાની સાથે હકીકતની બુનિયાદ પર વર્તન કરશે. રિયાકારી અને જાહેરી દેખાવની બુનિયાદ પર નહી.
અગર આપણે આ સમયની પરિસ્થિતિનો અભ્યાસ કરીએ. આ સમયે આપણને ખબર નથી કે કેટલા પર્દામાં છુપાયેલા છીએ.
હઝરત અલી ઇબ્ને અબી તાલીબ(અ.સ.) ફરમાવે છે:
લવ્ તકાશફ્તુમ્ મા તદાફન્તુમ્
(અમાલીએ સદુક, પાના નં. ૫૩૧, હદીસ નં. ૭૧૮/૯)
અગર તમારા ભેદો એકબીજાથી ખુલ્લા થઇ જાય તો તમે એકબીજાને દફન પણ ન કરો
એટલે કે એકબીજાને મુસલમાન પણ ન સમજો. આ સમયે ખુદાવંદે આલમનો ખૂબ મોટો એહસાન છે કે તમામ હકીકતો પર પર્દો પડેલો છે. નહિંતર જીંદગી કેટલી બધી મુશ્કેલ થઇ જાય. મૌજુદા હાલત રોજીંદા જીવનની એક મહાન નેઅમત છે, તેની સાથો સાથ આ સમય યોગ્ય છે અને બેહતરીન ફુરસત પણ છે કે ઇમામે ઝમાના(અ.સ.)ના ઝુહુર માટે આપણે પોતાને તૈયાર કરવા માટે પોતાની સુધારણા એવી રીતે કરીએ કે જ્યારે ઇમામ(અ.સ.)ની સામે જવાની ખુશનસીબી નસીબ થાય તે સમયે શરમીંદગી ન ઉઠાવવી પડે.
આ સમયે અમુક પર્દાઓ તો ખુદાવંદે આલમના રેહમો કરમએ નાખેલ છે અને અમુક પર્દા આપણે પોતે આપણી પર નાખેલ છે જેના લીધે તમામ ઐબ અને ખામીઓ છતા આ સમયે જીંદગી આસાન છે. પરંતુ ઝુહુરના સમયમાં ન તો ફસાદ કરવાનો મૌકો મળશે અને ન તો ફસાદ કરાવવાનો. એ સમયે હઝરત વલીએ અસ્ર(અ.સ.) ખુદાવંદે આલમના દીને ઇલાહી અને આસ્માની પૈગામ તમામ નાની નાની બાબતોની સાથે સ્થાપિત કરશે. એ સમયે તકય્યા વિગેરેનો કોઇ મૌકો નહી હશે. એ સમયે આપણી જવાબદારી છે કે આપણે પોતાને એવી રીતે તૈયાર કરીએ કે ઝુહુર પછી હકીકતનો સામનો કરવામાં કોઇ તકલીફ અને પરેશાની ન રહે અને કોઇ પ્રકારની શરમીંદગી અનુભવવી ન પડે.
આ ઝુહુર પેહલાનો સમય આપણી સુધારણાનો બેહતરીન સમય છે. હકીકત અને સચ્ચાઇનો સામનો કરવાની તૈયારીનો સમય છે. આ અણમોલ ફુરસતનો બેહતરીન ઉપયોગ કરવાનો સમય છે. ઝુહુરના સમયે એવો પણ સમય આવશે જ્યારે લોકો પાસેથી તેમની સંપત્તિ પાછી લઇ લેવામાં આવશે અને કેહવામાં આવશે કે આ ઝમીન આ ઘર તારૂ નથી બીજાની સંપત્તિ છે. તે ઝમીન અને ઘર તેને આપી દેવામાં આવશે જે તેનો હકીકી હકદાર છે. અત્યારથી પોતાના દિલને એ બાબત માટે તૈયાર કરી લઇએ જેથી અગર તે સમયે આપણને આપણી જગ્યા, ઝમીન, ઘર, હોદ્દાથી હટાવી દેવામાં આવે તો આપણે તેના માટે તૈયાર હોઇએ અને કોઇ દલીલ ન કરીએ પરંતુ ઇમામ(અ.સ.)ના હુકમની સામે સંપૂર્ણ રીતે તસ્લીમ થઇએ.
આ સમયે આપણે હકીકતોનો સામનો કરવા માટે તૈયાર હોવુ જોઇએ. એવું પણ થાય છે કે લોકો પોતાના માટે મોટા મોટા શિર્ષક તૈયાર કરી નાખે છે. જુદા જુદા હોદ્દા અને સત્તા પોતાના માટે પસંદ કરી લે છે અને એ વિચારમાં જીંદગી પસાર કરે છે. અગર આ ખયાલી સિલસિલો શરૂ રહ્યો અને ઇમામ(અ.સ.)નો ઝુહુર થઇ ગયો અને તેમની ખિદમતમાં હાજરીનો શરફ હાસિલ થયો અને ઇમામ(અ.સ.)એ ફરમાવ્યુ: “તારી તો કાંઇ કિંમત જ નથી તારા તમામ શિર્ષકો, હોદ્દાઓ, ટાઇટલ ખયાલી છે અને તેની કોઇ હકીકત નથી. તે સમયે શું થશે? તે સમયે આપણી હકીકી કદ્રો કિંમત સામે આવશે. કારણ કે આ દિવસ એ દિવસ હશે કે જે દિવસે કુર્આનના કૌલ પ્રમાણે,
હાઝા યવ્મો યન્ફઉસ્સાદેકીન સીદ્કોહુમ
(સુરે માએદાહ, આયત નં. ૧૧૯)
આ દિવસ એ હશે કે જે દિવસે સાચુ બોલવા વાળાઓને તેમની સચ્ચાઇ ફાયદો પહોંચાડશે
શું કયામતના દિવસે કોઇ પણ શખ્સ ઇમામ(અ.સ.)ની સામે પોતાની બાતિલ હકીકત રજુ કરીને ફાયદો ઉઠાવી શકે છે અને પોતાનો અસ્લી ચેહરો છુપાવી શકે છે? હરગીઝ નહિ હરગીઝ નહિ. તે સમયે હકીકતની બુનિયાદ પર હિસાબ અને કિતાબ થશે. હિસાબ અને કિતાબનુ માપદંડ તકવા, પરહેઝગારી અને ઇમાન હશે. વજન વધારી અને શખ્સીય્યતને ઉંચી કરવાના તમામ બાતિલ માપદંડો ખત્મ થઇ જશે. તે સમયે માત્ર ‘હક’નું માપદંડ હશે. કોઇ પણ સ્વરૂપમાં ઇમામ(અ.સ.)થી પોતાની હકીકત છુપાવી શકાશે નહિ. તે સમયે હકીકતનો સામનો કરવો પડશે. તો શું એ સારૂ નથી કે આપણે અત્યારથી હકીકત પસંદ જીંદગી વીતાવવાની આદત નાખી દઇએ જેથી ઝુહુરના સમયે એવા રહીએ જેવા અત્યારે છીએ.
જ્યારે એ સમયે આપણને આપણી હકીકત બતાવી દેવામાં આવશે તો શું એ યોગ્ય છે કે એ સમયે ઇજતેહાદનો દાવો કરીએ અને પોતાના નામની આગળ મુજતહીદ લખાવીએ. જ્યારે કે હકીકતમાં ઇજતેહાદના બુલંદ દરજ્જા પર ન હોઇએ. ઇમામે વક્તની નયાબતે આમનો દાવો કરે જ્યારે કે તકવા અને પરહેઝગારીની એ મંઝિલ ધરાવતા ન હોઇએ. એ કાર્યોની સરપરસ્તી અને એ સંસ્થાઓની આગેવાની કબુલ કરીએ જ્યારે કે તેની લાયકાત ન રાખતા હોઇએ.
કારણ કે ઝુહુરનો કોઇ સમય નક્કી નથી. કોઇ પણ સમયે ઝુહુર થઇ શકે છે. ખુદ પોતાનો હિસાબ કરીએ. પોતાના જાહેર અને બાતિનને એક કરીએ. ખોટા વિચારોથી પોતાને પાક અને સાફ કરીએ. હકીકતના આઇનામાં પોતાને જોઇએ. ખુદ પોતે પોતાનો હિસાબ કરીએ જેથી અચાનક કોઇ એવી પરિસ્થિતિનો સામનો કરવો ન પડે કે જેના માટે તૈયાર ન હોઇએ. કારણ કે કયામતના દિવસે આ દ્રશ્ય વારંવાર જોવા મળશે જ્યારે અમુક લોકો એમ કહી રહ્યા હશે “કાશ અમને એક બીજો મૌકો મળી જાતે અને જવાબ મળશે હરગીઝ નહિ. અગર તેઓને મૌકો દેવામાં પણ આવે તો પણ તેઓ એજ કરશે જે અત્યાર સુધી કરતા રહ્યા હતા, કારણ કે ઝુહુર પછી કોઇ પણ બહાનું કામ નહિ લાગે.
ઝુહુરના સમયના અમુક તકાઝાઓ:
હઝરત હુજ્જત(અ.સ.)ના ઝુહુરનો ઝમાનો હકીકતોનો ઝમાનો હશે, સચ્ચાઇનો સમય હશે. ઝુહુરના એ સમયના અમુક તકાઝાઓ છે, જેમાંથી અમુકનો ઉલ્લેખ કરીએેેેે છીએ.

(૧) ચારિત્ર્યની સદાકત (સચ્ચાઇ):
આ સમયે આપણી એક જવાબદારી છે આપણે પોતે, આપણી ઝાત, આપણા નફ્સ અને રૂહની સામે હકીકતને પસંદ કરનારા હોઇએ, પવિત્ર ચારિત્ર્ય રાખતા હોઇએ. જે શખ્સ ખુદ પોતાની સામે સાચો છે તે મુત્મઈન અને શાંતિ પૂર્ણ હશે. તે પોતાની હકીકત પર પર્દો નાખવાનો મોહતાજ નહી હોય. તે પોતાની જાત માટે પણ ખુશનસીબ છે અને બીજાઓ માટે પણ ખુશીનું કારણ છે. લોકો તેનો એહતેરામ કરે છે કારણ કે તે પોતાની જાતને હકીકત અને સચ્ચાઇથી વધારી વધારીને રજુ નથી કરતો. તે લોકોનો એહતેરામ કરે છે, લોકો તેનો એહતેરામ કરે છે.
(૨) દીની તાઅલીમ:
પોતાની જાતને ખુદાવંદના એહકામનો પાબંદ બનાવવા માટે ઇસ્લામી તાલીમાતને જાણવી જરૂરી અને વાજીબ છે. આ ઇસ્લામી તાલીમ, ખુદાવંદના એહકામ, એહલેબૈત(અ.મુ.સ.)નો અમુલ્ય વારસો છે, આ દુનિયાનો અનમોલ ખઝાનો છે, જે એહલેબૈત(અ.મુ.સ.)એ અતા ફરમાવ્યો છે. આ એજ તાલીમાત છે જે તેમના મહાન અસ્હાબોએ આપણા સુધી પહોંચાડી છે. આ તાલીમાતના પ્રચાર અને પ્રસાર માટે, તેની હિફાઝત માટે, બીજાઓ સુધી આ વારસો પહોંચાડવા માટે તે લોકોએ અલગ અલગ પ્રકારની તકલીફો સહન કરી છે. આ માર્ગમાં અસંખ્ય લોકોએ શહાદતનો જામ પીધો છે. શહીદે અવ્વલથી લઇને આજ સુધી શોહદા આ જ રસ્તામાં ચાલતા ચાલતા શહાદત હાંસિલ કરી રહ્યા છે. એહલેબૈત(અ.મુ.સ.)ની તાલીમાત પર આધારિત એક પાનુ લખીને સુરક્ષિત રાખે અને બીજાઓ સુધી પહોંચાડે છે. આ મહાન કાર્ય દીની મદ્રેસાઓ અને હવ્ઝએ ઇલ્મીયાઓ એ અંજામ આપ્યુ છે. કોઇને એમ કેહવાનો હક નથી કે આ ઓલમા, મદ્રેસાઓ અને હવ્ઝએ ઇલ્મીયામાં ગુસ્લ, વુઝુ અને હૈઝો નિફાસના મસઅલા બયાન કરતા રહે છે. આ પ્રકારની વાતો કરવી એહકામે ખુદાવંદીની મજાક ઉડાડવી છે. દીની તાલીમાત અમુક સામાજિક અને રાજકીય મસાએલનું નામ નથી પરંતુ જીંદગીનું એક સંપૂર્ણ બંધારણ છે જે જીંદગીના દરેક પેહલુને પોતાના દામનમાં ઘેરી લીધેલ છે અને આ જ આસ્માની વારસો છે.
અગર આપણે એ ચાહીએ છીએ કે ઝુહુરના સમયે આપણે એવા ઇન્સાન સાબિત થઇએ જે ઇમામે અસ્ર(અ.સ.)ની નજરોમાં કબુલ થવાને પાત્ર હોય તો આપણા માટે એ જરૂરી છે કે અત્યારથી દીની તાલીમાતથી માહિતગાર થઇએ જેથી આપણી જીંદગીને, આપણી જાતને તે પ્રમાણે સ્વરૂપ આપીએ, એ અંદાઝ અને રંગ અતા કરી શકીએ. તેના માટે ઇજતેહાદની મહાન મંઝિલ સુધી પહોંચવુ જરૂરી નથી પરંતુ જીંદગીમાં જે મસાએલનો સામનો કરવો જરૂરી છે. તેના મસાએલ જાણવા જરૂરી છે. ઇબાદત, નમાઝ, રોઝા, ઝકાત, ખુમ્સ, નજાસત… એક બીજાના હકો વિગેરે મસાએલને જાણવા જરૂરી છે, જેથી આપણે આપણી જીંદગી ઇલાહી તાલીમાત પ્રમાણે વીતાવી શકીએ. આપણુ જાહેર અને બાતિન આપણી તાલીમાત મુજબ ઢાળી શકીએ.
(૩) સંપૂર્ણ બસીરત:
ઝુહુરની પેહલાની તૈયારીઓમાં એક તબક્કો કે જેનુ ઝુહુરના સમયે ખુબ જ મહત્વ હશે તે બસીરત અને મારેફતની સાથે સાચો અકીદો છે. અગર ઝુહુરના સમયે સાચો અકીદો ન હોય અથવા અકીદો મજબુત ન હોય પણ ડગમગી જાય તેવો હોય, અકાએદની યોગ્ય તાલીમ હાસિલ કરી ન હોય અથવા સાચી જગ્યાએથી અકીદો લીધો ન હોય તો ઝુહુરના સમયે ખુબ જ વધારે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. કારણ કે જેને ઇમામ અને ઇમામતની સંપૂર્ણ મારેફત નહી હોય, ઇમામતની મહત્વતા અને તેમના અધિકારોથી જાણકાર નહિ હોય અને દિલના ઉંડાણથી કબુલ નહી કરતો હશે તો શક્ય છે કે ઝુહુરના સમયે ઇમામ(અ.સ.)ના ફેંસલાઓ પર વાંધાઓ કરે. એમાં એ લોકો પણ શામિલ હોય શકે છે જે ઇમામ(અ.સ.)ના લશ્કરમાં હશે, લશ્કરમાં આગળ પડતા હશે પરંતુ ઇમામ(અ.સ.)ના ફેંસલાઓ પર રાઝી નથી પરંતુ ઇમામ(અ.સ.)ના ફેંસલા પર વાંધો લે છે. આ પ્રકારના લોકોની સજા એ સમયે કત્લ હશે. કારણ કે ઇમામ(અ.સ.)નો દરેક ફેંસલો હકીકત પર આધારિત હશે. તેમાં રતિભાર ભૂલ અને ખતા અને લાગણી નહિ હોય. એ પરિસ્થિતિમાં વાંધો ઉપાડવો એ સ્પષ્ટ હકીકતનો ઇન્કાર કરવા બરાબર છે અને પોતાની અક્લને ઇમામ(અ.સ.)થી બેહતર સમજવી એ ઇમામતના અકીદાથી એકદમ વિરૂદ્ધ છે.
ઇમામ(અ.સ.)ને કોઇ એકને કત્લ કરવાનો શૌખ નથી. તેઓ તો લોકોને જીંદગી અતા કરવા આવ્યા છે, દુનિયાને અદ્લો ઇન્સાફથી આબાદ કરવા આવ્યા છે. આ રીતે ઝુહુરથી પેહલા જેનો અકીદો કુર્આન અને હદીસની મજબુત દલીલો પર આધારિત નહી હોય, એહલેબૈત(અ.મુ.સ.)ની સંપૂર્ણ મારેફત નહી હોય, એ પ્રકારના લોકો પરિક્ષામાં નિષ્ફળ થશે કારણ કે ઝુહુર પછી એવા બનાવો ઉપસ્થિત થશે જ્યારે ઇમામ(અ.સ.) ફરમાવશે કે અત્યાર સુધી તમે લોકો જે વાતથી ટેવાયેલા હતા તે ખોટી હતી સાચી વાત આ છે જે આપ ફરમાવશે.
અગર આપણો અકીદો એકદમ મજબુત હશે એ વાતનું પુરૂ યકીન હશે કે ઇમામ હુજ્જતે ખુદા છે, માસુમ છે, તેમના કોઇ પણ હુકમમાં જર્રા બરાબર લાગણી અને ખતા અને ભૂલ નથી અને તે હુકમ પર અમલ કરવો એ જ આપણી ખુશનસીબી અને નજાતનું કારણ છે, તો પછી તેમની સામે તસ્લીમ થઇ જવુ ખુબ જ આસાન થઇ જશે અને દિલમાં પણ જરાયે ખચકાટ પૈદા નહી થાય. આપણી નમાઝો ઇમામ(અ.સ.)ના હુકમ સામે કોઇ હૈસીયત નથી રાખતી અગર તેમાં જરાયે શંકા હોય. હરગીઝ આ પ્રકારના ખયાલ પણ દિલમાં ન લાવે કે ઇમામ(અ.સ.)નો આ હુકમ તેમના બાપદાદાઓની શરીઅતની વિરૂદ્ધ છે. અલબત્ત જે લોકોનો ઇમામતનો અકીદો મજબુત નહિ હોય, તેઓ આ પ્રકારના વાંધાઓ ઉઠાવશે કે આપનો હુકમ રિવાયતોની વિરૂદ્ધ છે. આ પ્રકારના વાંધાઓ ઉપાડવાવાળાઓ પોતાના ઇલ્મ અને સંશોધનના ખયાલમાં આ હકીકતથી ગાફીલ હશે કે જે બાબતો પર તેમની નજર છે અને જે રિવાયતો તેમની સામે છે તે બધી ઇમામ(અ.સ.)ની સામે એવી રીતે સ્પષ્ટ છે જેવી રીતે હથેળીમાં સિક્કો હોય. ઇમામ(અ.સ.)ની સામે પોતાના ઇલ્મ અને સંશોધનનો ઇઝહાર કરવો એ વાતની સ્પષ્ટ નિશાની છે કે એ શખ્સનો ઇમામતનો અકીદો બરાબર અને મજબુત નથી.
આ રીતે આ સમયે આપણી મહત્વની જવાબદારી એ છે કે ઇલ્મે દીન હાસિલ કરવાની ખરેખર ગંભીરતા પૂર્વક કોશિષ કરીએ. એ પ્રકારની બેઠકો અને કલાસમાં પદ્ધતિસર શરીક થાઇએ જ્યાં કુર્આન અને હદીસની રોશનીમાં દર્સ દેવામાં આવે છે. કોર્સ સંપૂર્ણ થઇ જવા પછી તાલીમનો સિલસિલો છોડી ન દે પરંતુ સતત દર્સ હાસિલ કરતા રહે જેથી વાત હંમેશા તાજી રહે અને દિલના ઉંડાણ સુધી ઉતરતી જાય, આપણી રગે રગમાં ભળી જાય અને આપણી જાતનો હિસ્સો બની જાય.
આસાનીઓ નહી બલ્કે જવાબદારીઓ:
જ્યારે હઝરત હુજ્જત(અ.સ.)ના ઝુહુરનો ઉલ્લેખ થાય છે તો સામાન્ય રીતે દિમાગોમાં આસાનીઓ, વિપુલતા અને નેઅમતો જ આવી જાય છે. એ સમય એવો હશે કે જે સમયે કોઇ દર્દ અને ગમ નહી હોય, કત્લો ગારત નહી હોય, ફિત્ના અને ફસાદ નહી હોય, ચારે બાજુ અમ્નો અમાન હશે… એ સમયે ચોક્કસ આસાનીઓ હશે અને એવી સરળતાઓ હશે કે જેની આપણે કલ્પના પણ નથી કરી શકતા. તે સમય જ કાંઇક અલગ હશે.
તે આસાનીઓની સાથે ખુબ જ મહત્વની જવાબદારીઓ પણ હશે, જેની પાબંદીમાં તકેદારી અને એહતિયાત જરૂરી હશે.
ઇમામ(અ.સ.)ની હુકુમત પુરી કાએનાત પર હશે. આખી દુનિયા પર ઇસ્લામી હુકુમત અને તે પણ ગદીરી ઇસ્લામની હુકુમત હશે. આ બધુ સેહલાઇથી નહી થઇ જાય. પરંતુ તમામ બાતિલ તાકતો સામનો કરવા આવશે, ગદીરી ઇસ્લામને ફેલાવવાથી રોકશે. તમામ કામ મોઅજીઝાથી નહી થાય. જંગ થશે, જંગમાં સિપાહીઓની જરૂરત પડશે, આખી દુનિયામાં ઇસ્લામ હશે. તમે વિચાર કરો કે તે સમયે આખુ ચીન, રશિયા, યુરોપ, અમેરિકા, આફ્રિકા, એશિયાના તમામ દેશો ઇસ્લામ કબુલ કરી લેશે. તે સમયે તેમને ઇસ્લામી તાલીમ અને એહકામોની જરૂરત થશે, બધાને બધા એક રાતમાં તો આલિમ અને ફાઝિલ નહી થઇ જશે. તે સમયે પુષ્કળ સંખ્યામાં ઇસ્લામી તાલીમાતના પદ્ધતિસર જાણકાર મુબલ્લીગોની જરૂરત હશે.
આથી આપણે શીઆઓની જવાબદારી છે કે આ જવાબદારીને કબુલ કરવાની અત્યારથી તૈયારી કરીએ. આ કોઇ મામુલી જવાબદારી નથી. આપણે પણ એક રાતમાં આલિમ ફાઝિલ થઇ જશુ નહિ. આથી અત્યારથી જ તેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે. આ ક્ષેત્રમાં ઔરતોની જવાબદારી પણ મર્દોથી કાંઇ ઓછી નથી. તે સમયે ઔરતોની તાલીમ અને તરબીયત માટે કાયદેસર ભણેલી ગણેલી ઔરતોની જરૂરત પડશે. એ વાત જણાવી ચુક્યા છીએ કે દરેક કામ મોઅજીઝાથી નહી થાય, પરંતુ તેની સ્વભાવિક પદ્ધતિ મુજબ થશે. જંગના મેદાનમાં ઔરતોની જરૂરત હશે પરંતુ તાલીમ અને તરબીયતના મેદાનમાં તાલીમ પામેલા અને સહીહ અકીદા રાખવાવાળી ઔરતોની સખ્ત જરૂરત હશે અને હકીકત તો એ છે કે એ પ્રકારના મુબલ્લીગ મર્દો અને મુબલ્લીગ ઔરતોની જરૂરત સિપાહીઓ કરતા વધારે હશે. સિપાહીઓનું કામ તો જીત મેળવ્યા પછી પુરૂ થઇ જશે. પરંતુ તાલીમ અને તરબીયતનો સિલસિલો હંમેશા શરૂ રેહશે. આથી આ સમયે આ ક્ષેત્રમાં કામ કરવું આપણી શીઆઓની ખુબ જ મહત્વની જવાબદારી છે.
આ ઉપરાંત એ સમયે દુનિયાની વ્યવસ્થા ચલાવવા માટે ઇસ્લામી તાલીમ અને તરબીયતથી સુસજ્જ દિમાગની પણ સખત જરૂરત હશે. આ તમામ મૈદાનોમાં જવાબદારીઓ અંજામ આપવા માટે અત્યારથી કામ કરવુ પડશે.
આથી ઝુહુરનો ઝમાનો આસાનીઓનો ઝમાનો નહી હોય પરંતુ જવાબદારીઓનો ઝમાનો હશે. આ સમયે ઝુહુરથી પેહલા પોતાને એ જવાબદારીઓના માટે તૈયાર કરવાનો ઝમાનો છે. આથી એ પેહલા કે સમય પસાર થઇ જાય પોતાના ભાગની તૈયારી અને કામ કરી લેવુ જોઇએ.
અહીં એ હકીકતની તરફ ધ્યાન દેવુ ખુબ જ જરૂરી છે. આ જવાબદારીઓને અદા કરવા માટે ફક્ત ઇલ્મી મેદાનમાં નિષ્ણાંત હોવુ એ જરૂરી નથી. ફક્ત અકીદો પુરતો નથી પરંતુ પોતાના નફસની એ તબક્કા સુધી તરબીયત કરવી છે જે ઇમામ(અ.સ.)ના દરેક હુકમની સામે એવી રીતે તસ્લીમ થઇ જાય જેવી રીતે હારૂને મક્કી ઇમામ જાફરે સાદિક(અ.સ.)ની સામે તસ્લીમ હતા.
હારૂને મક્કી (ર.અ.):
નફ્સની તરબીયત અને ઇમામ(અ.સ.)ની સામે સંપૂર્ણ રીતે તસ્લીમ થવા માટે આ વાકેઓ ખુબ જ બોધદાયક છે.
હઝરત ઇમામ જાફરે સાદિક(અ.સ.)ની ખિદમતમાં સોહલ ઇબ્ને હસન ખુરાસાની આવે છે. સલામ કરે છે અને ખુબ જ અદબપૂર્વક કહે છે: ફરઝંદે રસુલ આપ એહલેબૈત(અ.મુ.સ.) છો અને ઇમામતના હોદ્દા પર બિરાજમાન છો. લોકોના દિલોમાં આપની મોહબ્બત છે. આપ પોતાના હક માટે કયામ શા માટે નથી કરતા? એક લાખ શીઆ તલવાર લઇને આપના હુકમના મુન્તઝિર છે. ઇમામ(અ.સ.)એ ફરમાવ્યું: ખુરાસાની બેસી જાવ. ખુદા તમારા હકની હિફાઝત કરે. તે સમયે ઇમામ(અ.સ.)એ પોતાના ગુલામને ફરમાવ્યું તન્નુર સળગાવો. જ્યારે તન્નુર રોશન થઇ ગઇ અને આગની જવાળાઓ ભડકવા લાગી તો ઇમામ(અ.સ.)એ ફરમાવ્યું: અય ખુરાસાની આ તન્નુરમાં બેસી જાવ. ખુરાસાનીએ કહ્યું: ફરઝંદે રસુલ! મને આગની શિક્ષા ન આપો. મને માફ કરો. ઇમામ(અ.સ.)એ ફરમાવ્યુુંં: મેં માફ કર્યા. આ દરમિયાન હારૂને મક્કી આવી પહોંચ્યા. તેમના હાથોમાં ચપ્પલ હતા. ફરઝંદે રસુલ! આપ પર સલામ થાય. ઇમામ(અ.સ.)એ ફરમાવ્યું: ચપ્પલ રાખી દયો અને તન્નુરમાં બેસી જાવ. હારૂને મક્કીએ ચપ્પલને હાથમાંથી ફેંકી અને તન્નુરમાં બેસી ગયા. ત્યાર પછી ઇમામ ખુરાસાની સાથે ખુરાસાનના વિશે વાતો કરવા લાગ્યા. એવુ લાગતુ હતુ કે જાણે ઇમામ(અ.સ.) ત્યાં મૌજુદ જ નથી અને ખુરાસાની એકદમ બેચૈન હતા. ઇમામ(અ.સ.)એ ખુરાસાનીને કહ્યું: જાવ અને જુઓ તન્નુરમાં શું છે? ખુરાસાનીનું બયાન છે કે હારૂન આરામથી બેઠેલા છે. ઇમામ(અ.સ.)એ હારૂનને કહ્યું કે બહાર આવો. હારૂન બહાર આવ્યા અને ઇમામ(અ.સ.)ને સલામ કરી.
હવે ઇમામ(અ.સ.)એ ખુરાસાનીને પુછ્યું:
ખુરાસાનમાં આ પ્રકારના લોકો કેટલા છે?
ખુરાસાનીએ કહ્યું: આ પ્રકારના તો એક પણ માણસ નથી. ઇમામ(અ.સ.)એ ફરમાવ્યું:
ખુદાની કસમ એક પણ નથી. અમે એ સમય સુધી કયામ નહી કરીશુ જ્યાં સુધી આવા પાંચ શખ્સો અમારા મદદગાર ન હોય. અમે યોગ્ય સમયને સારી રીતે જાણીએ છીએ
(મનાકિબે આલે અબી તાલિબ, ભાગ: ૩, પાના નં. ૩૬૨-૩૬૩)
ઝુહુરના સમયે જ્યારે હઝરતની હુકુમત સ્થાપિત થશે તે સમયે હકીકત અને સચ્ચાઇનો ઝમાનો હશે. હકીકત સિવાય બીજી કોઇ ચીજ કબુલ નહી થાય. અમે એમ નથી કેહતા કે આ સમયે બધાને હારૂને મક્કી થઇ જવુ જોઇએ અને સંપૂર્ણ રીતે તસ્લીમ થઇ જવું જોઇએ. હારૂને મક્કીના દરજ્જા સુધી પહોંચવુ દરેકની ક્ષમતાની વાત નથી પરંતુ ઓછામાં ઓછુ એ રસ્તા પર પગ તો મુકવો જોઇએ. તસ્લીમના દરજ્જા સુધી નફ્સને તૈયાર તો કરવો જોઇએ.
આ ઝમાનામાં અમુક લોકો રિવાયતો પર વાંધો ઉઠાવતા નજરે આવે છે. ક્યારેક કહે છે રિવાયતો ઝઇફ છે. ક્યારેક કહે છે અક્લની વિરૂદ્ધ છે. આ લોકો પોતાની અક્લને ઇમામ(અ.સ.)ની ઉપર હાકીમ ગણાવે છે. જ્યારે આ સમયે નફસ અમુક રિવાયતોને કબુલ કરવા માટે તૈયાર નથી અને વાંધો ઉપાડે છે તો ઝુહુર પછી ઇમામ(અ.સ.)ના ફેંસલાઓ પર કેવી રીતે રાજી રેહશે અને કેવી રીતે ઇમામ(અ.સ.)ના હુકમ સામે તસ્લીમ કરશે.
આ પ્રકારના તસ્લીમનો એ મતલબ નથી કે આપણે બુત પરસ્ત છીએ પરંતુ આ તસ્લીમ એ અકીદાની બુનિયાદ પર છે કે આપણે ઇમામને માસુમ જાણીએ છીએ, હુજ્જતે ખુદા જાણીએ છીએ અને તેમની સંપૂર્ણ ઇતાઅતને જરૂરી જાણીએ છીએ. હઝરત ઇમામ અલી(અ.સ.)એ પોતાના અમુક અસ્હાબની સિફત આ રીતે બયાન ફરમાવી છે.
વસેકુ બીલ્ કાએદે ફત્તબઉહો
(નહજુલ બલાગાહ, ખુત્બા નં. ૧૮૨)
તે ઇમામ અને રેહનુમા પર સંપૂર્ણ ભરોસો રાખે છે અને તેમની પૈરવી કરે છે
ઇમામ(અ.સ.) સાથે મુલાકાત:
આપણા સૌની એ દિલી તમન્ના છે અને વારંવાર દુઆ કરીએ છીએ ઓછામાં ઓછુ જીંદગીમાં એક વાર જ ભલે હઝરત વલીએ અસ્ર(અ.સ.)થી મુલાકાત થઇ જાય. અગર આ સમયે ગૈબતના સમયમાં ઇમામ(અ.સ.)થી મુલાકાતનો શરફ નસીબ નથી થઇ રહ્યો તો ઝુહુરના ઝમાનામાં આ ખુશનસીબી પ્રાપ્ત થશે. અત્યારે ન તો તેમના દિદારનો શરફ હાંસિલ થઇ રહ્યો છે અને ન તો તેમની દિલનવાઝ અવાજ સાંભળવાની ખુશનસીબી હાંસિલ થઇ રહી છે. આ સમયે ન તો તેમની બાજુમાં બેસી શકીએ છીએ અને ન તો તેમની સાથે ગુફતગુ કરવાનો શરફ હાંસિલ કરી શકીએ છીએ. જ્યારે હઝરત હુજ્જત ઝુહુર ફરમાવશે તે સમયે આ શરફ અને ખુશનસીબી દરેકને પ્રાપ્ત થશે. ઇમામ(અ.સ.)ના દિદારની આરઝુ દરેક મોઅમીનના દિલમાં છે. આ ખુશનસીબીને હાસિલ કરવા માટે ન જાણે કેટલાય આંસુઓ વહાવવામાં આવ્યા છે. હજારો વર્ષોથી મોમીનોએ નમાઝે શબમાં આજીજીપૂર્વક ઇમામ(અ.સ.)ના દિદારની દુઆઓ માંગી છે. દોઆએ અહદના થકી દરેક સવારે ઇમામ(અ.સ.)ના દિદાર માટે દુઆ કરવા હાથ બુલંદ કર્યા છે. જીંદગીભર એક નજર માટે તડપતા રહ્યા છે.
એક સવાલ એ છે કે એ સૌથી પવિત્ર અને સૌથી સંપૂર્ણ ઝાત કે જે અગાઉના તમામ અંબિયા(અ.મુ.સ.) અને અવલીયાની સિફતોનો મજમુઓ છે, જે નબુવ્વત અને ઇમામત અને ઇસ્મતના બગીચાનું ઇત્ર છે, તે કે જેઓ હુજ્જતે ખુદા છે, બકીય્યતુલ્લાહીલ અઅઝમ(અ.સ.) છે, જે કુરબતે ઇલાહીનો દરવાજો છે, જેના થકી અવલીયા, અવસીયા, અંબિયા, મુકર્રબ ફરિશ્તાઓ, અર્શને ઉંચકનારાઓ, કુરસી નશીનોેની ખુદાની બારગાહમાં પહોંચ છે અને જેમના થકી બધાને ખુદાનો ફૈઝ હાસિલ થઇ રહ્યો છે. શું એ ઝાતે અકદસ અને અકમલની ઝિયારત અને તેમની સાથે વાતચીત કરવાનો શરફ હાસિલ કરવો આસાન છે? આપણે એ યકીન રાખવું જોઇએ કે હઝરત હુજ્જત(અ.સ.)ની મુલાકાત આસાન નથી. એ મુજસ્સમ નૂરની ઝિયારતનો શરફ જે બુઝુર્ગોને નસીબ થયો છે, આંખ ભરીને ઝિયારત ન કરી શક્યા, નજરો જુકી ગઇ, બેહોશીની હાલત છવાઇ ગઇ અને થાવુ જ જોઇએ જ્યારે કે જનાબે મુસા(અ.સ.) તેમના શીઆઓની તજલ્લી સહન ન કરી શક્યા અને પડી ગયા તો એ નૂરે ઇમામત અને વિલાયતની તજલ્લીને કોણ સહન કરી શકે છે?
આ દિદાર માટે ખરેખર લાયકાત અને ક્ષમતાની જરૂરત છે. દરેક શખ્સ દરેક ચીજ જોઇ નથી શકતો. બંનેમાં કાંઇને કાંઇ સરખાપણું હોવું જરૂરી છે.
જ્યારે કે અત્યારે આપણી પરિસ્થિતિ એ છે કે અમુક આંશિક મતભેદને કારણે આપણે બીજા બિરાદરે મોમીન સાથે એક ટેબલ પર બેસવા તૈયાર નથી જ્યારે કે ઇમાની દરજાતમાં બહુ જ વધારે ફરક નથી. જ્યારે મામુલી એવો મતભેદ મુલાકાત અને ગુફતગુનો દરવાજો બંધ કરી દેય છે તો હઝરત હુજ્જત(અ.સ.)ના દિદારની તમન્ના કેવી રીતે કરી શકીએ છીએ?
અગર આપણે ખરેખર ઇમામ(અ.સ.)ના દિદારની તમન્ના રાખીએ છીએ તો અખ્લાક, અકાએદ, આમાલ, તક્વા, ઇબાદત, તઝકીયે નફ્સ… માં એ રસ્તા પર પગ મુકવા પડશે જે ઇમામ(અ.સ.)નો રસ્તો છે. આપણે ચોક્કસ આ તમામ કોશિષો કરવા છતા આ મહાન મંઝિલ સુધી નથી પહોંચી શક્તા પરંતુ આ રસ્તા પર પગ તો મુકી શકીએ છીએ. આ દિશામાં ચાલી તો શકીએ છીએ. આ રંગ અને અંદાજને અપનાવવાની કોશિષ તો કરી શકીએ છીએ.
ખબર નથી કે ક્યા સમયે ઝુહુર થઇ જાય અને ક્યા સમયે ખાનએ કાબાથી ઝુહુરની અવાજ બુલંદ થઇ જાય. ઇમામ(અ.સ.)ની મુલાકાતનો સમય આવી પહોંચે અને આપણે આપણા અકાએદ, અખ્લાક……. ના દ્રષ્ટિકોણથી તેના માટે તૈયાર ન હોઇએ. ખુદાની બારગાહમાં ખરેખર સાચા દિલથી દુઆ કરીએ ઝુહુરથી પેહલા આપણને એ સિફતો અને કમાલથી સુશોભિત કરી દે આપણા વુજુદને એ ખુબીઓથી માલામાલ કરી આપે જે ઇમામ(અ.સ.)ના દિદારના માટે જરૂરી છે. એવુ ન થાય કે આપણે મુલાકાત માટે જઇએ અને તેઓ(અ.સ.) આપણાથી મોઢુ ફેરવી લે. આપણે કાંઇક એવા થઇ જઇએ કે તેઓ આપણું સ્વાગત એવી રીતે કરે જેવી રીતે હઝરત ઇમામ હુસૈન(અ.સ.)એ જનાબે હુરનું કર્યુ હતુ.
(આ લેખ હઝરત હુજ્જતુલ ઇસ્લામ  વલ મુસ્લેમીન જનાબ હાજી આકા સય્યદ અલાઉદ્દીન મુસવી દામ ઝિલ્લહુ નજફે અશ્રફના એક લેખનો ઉપસંહાર છે)
—૦૦૦—

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *