ઇસ્લામી હુકમો પર અમલ અને ઇમામ(અ.સ.)ની મદદ

Print Friendly, PDF & Email

“ઇન્ તન્સોરૂલ્લાહ યન્સુર્કુમ્ વ યોસબ્બિત્ અક્દામકુમ્
(સુરએ મોહમ્મદ, આયત:૭)
“અગર તમે ખુદાની મદદ કરશો તો તે તમારી મદદ કરશે અને (રાહે હક ઉપર) તમારા કદમોને સાબિત કદમ રાખશે.
આ વાત તેની જગ્યા પર બિલ્કુલ સ્પષ્ટ છે કે અલ્લાહ તઆલાને કોઇ પણ પ્રકારની આપણી મદદની જરૂરત નથી. પરવરદિગાર ઝર્રા બરાબર પણ મોહતાજ નથી, તે સંપૂર્ણપણે બેનિયાઝ છે, તો પછી તેણે બંદાની મદદની માંગણી શા માટે કરી?
હકીકતમાં વાત એમ છે કે ખુદાવંદે આલમ તેના અવલીયા અને ખાસ બંદાઓને એટલી બધી મોહબ્બત કરે છે કે તેની મદદને પોતાની મદદ અને તેમના ઉપર ઝુલ્મને પોતાના ઉપર ઝુલ્મ અને તેઓની સાથે નેકી અને એહસાનને પોતાની સાથે નેકી અને એહસાન કરાર દીધો છે. આ બધુ એટલા માટે કર્યુ કે જેથી તેના બંદાઓનું ઇમ્તેહાન લઇ શકે. જે લોકો ખુદાવંદે કરીમથી મોહબ્બતનો દાવો કરે છે, તેમણે તેમના અવલીયાથી મોહબ્બત કરવી જોઇએ. અઇમ્મા(અ.મુ.સ.)ની જુદી-જુદી ઝિયારતોમાં આવ્યુ છે:
“મન અહબ્બકુમ્ ફકદ્ અહબ્બલ્લાહ વ મન્ અબ્ગઝકુમ્ ફકદ્ અબ્ગઝલ્લાહ
“જેમણે તમારાથી મોહબ્બત કરી ચોક્કસ તેણે ખુદાથી મોહબ્બત કરી, જેણે તમને દુશ્મન રાખ્યા તેણે યકીનન ખુદાથી દુશ્મની કરી.
આ કારણે અગર કોઇ ચાહે કે ખુદાવંદે આલમની મદદ કરે, જેથી પરવરદિગારે આલમની ઇનાયત અને ગૈબી મદદ મળે, તો તે ખુદાવંદે આલમના અવસીયા અને ખાસ બંદાઓની મદદ કરે અને તેમનાથી દોસ્તી કરે અને ઇલાહી અવલીયાના પાકો-પાકીઝા સિલસિલાથી સૌથી મહબૂબ અને અઝીઝ કામિલ વ્યક્તિ અંતિમ નબી(સ.અ.વ.) અને આપની એહલેબૈત(અ.મુ.સ.)છે. આ જ પાકીઝા હસ્તીઓ ખુદાના તરફથી ફાયદો મેળવવાનો સ્ત્રોત છે. ખુદાવંદે આલમ તરફથી જે કાંઇ બંદાઓને અતા કરવામાં આવે છે, તે ફકત તેઓના વસીલા થકી જ મળે છે. આજના સમયમાં નબી(સ.અ.વ.)ની ખિલાફત અને વિસાયત અને ઇલાહી વિલાયતનો ઓહદો ધરાવનારા હઝરતે હુજ્જત ઇબ્ને અસ્કરી(અ.ત.ફ.શ.)નું વુજૂદે મુકદ્દસ છે. આજે તેઓ જ ખાલિક અને મખ્લૂક દરમિયાન ફાયદો હાસિલ કરવાનો વસીલો છે.
“બે યુમ્નેહી રોઝેકલ વરા વ બે વુજૂદેહી સબતતીલ્ અરઝો વસ્સમાઓ
એહલેબૈત(અ.મુ.સ.)ની મદદના ફઝાએલ:
હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)એ હઝરત અમીરૂલ મોઅમેનીન(અ.સ.)ને ફરમાવ્યુ: યા અલી(અ.સ.) તમારી મિસાલ સુરે કુલ હોવલ્લાહો અહદ જેવી છે. જેમણે એક વખત તેની તિલાવત કરી જાણે તેણે કુર્આનના ૧/૩ ભાગની તિલાવત કરી લીધી અને જેણે બે વખત તેની તિલાવત કરી તો જાણે કુર્આનના ૨/૩ ભાગની તિલાવત કરી લીધી અને જેમણે ૩ વખત તેની તિલાવત કરી જાણે તેણે પુરા કુર્આનની તિલાવત કરી લીધી. એ જ રીતે અય અલી(અ.સ.) જે પોતાના દિલમાં તમારી મોહબ્બત રાખે છે, જાણે તેણે દુનિયાના તમામ લોકોના ૧/૩ આમાલનો સવાબ મેળવી લીધો અને જે દિલમાં તમારી મોહબ્બત રાખે છે અને ઝબાનથી તમારી મદદ કરે છે, તો તેણે તમામ બંદાઓના આમાલનો ૨/૩ સવાબ હાસિલ કરી લીધો અને જે પોતાના દિલમાં તમારી મોહબ્બત અને ઝબાનથી મદદ કરવાની સાથે સાથે અમલથી પણ મદદ કરે છે, તો જાણે તેણે તમામ બંદાઓના આઅમાલનો સવાબ હાસિલ કરી લીધો.
(મહાસિન, ભાગ-૨, પાના: ૨૫૧, હદીસ:૪૭૩)
(બેહારૂલ અન્વાર, ભાગ-૨૭, પાના: ૯૪, હદીસ: ૫૪)
અલ્લામા મજલીસી(અ.ર.) રિવાયત કરે છે કે: એક વખત હશ્શામ બિન હકમ ઇમામ સાદિક(અ.સ.)ની બાબરકત બારગાહમાં હાજર થયા. ઇમામ(અ.સ.)ની સાથે બીજા બુઝુર્ગ અને બાઅઝમત અસ્હાબો બેઠા હતા. હશ્શામ બિન હકમ બિલ્કુલ તરૂણ અને કમસિન નવયુવાન હતા. ઇમામ(અ.સ.)એ જ્યારે હશ્શામને જોયા તો આપ(અ.સ.)એ ઇઝ્ઝત અને એહતેરામ સાથે પોતાની પાસે બીજાની સરખામણીમાં ઉંચા મરતબાવાળી જગ્યા ઉપર બેસાડ્યા, જ્યારે કે બીજા લોકો ઉમ્રમાં મોટા, બુઝુર્ગ અને વડીલો હતા. લોકોને આ વાત પસંદ ન આવી. ઇમામ(અ.સ.)ને આ વાતનો ખ્યાલ આવી ગયો અને આ રીતે ફરમાવ્યુ:
“હાઝા નાસેરોના બે કલ્બેહી વ લેસાનેહી વ યદેહી
(મારી નઝદિક હશ્શામનો દરજ્જો એટલા માટે બલંદ છે કે) તે પોતાના દિલ, ઝબાન અને હાથથી અમારી મદદ કરે છે.
(બેહારૂલ અન્વાર, ભાગ-૧૦, પાના: ૨૯૫, હદીસ: ૪)
દીને ઇસ્લામ પર અમલ અને ઇમામ(અ.સ.)ની મદદ:
ઇમામ(અ.સ.)ની ગયબતના સમયમાં જ્યારે આપણે ઇમામ(અ.સ.) સુધી પહોંચ નથી રાખતા, જાહેરી રીતે આપણે તેમની ખિદમત અને મદદ નથી કરી શકતા, તો હરગીઝ એ તસવ્વુર નથી કરી શકતા કે ગયબતમાં આપણી તરફથી ઇમામ(અ.સ.)ની અમલી મદદનો દરવાજો બંધ છે અને આપણે ફકત દુઆઓ કરીએ અને દુઆ કરવા સિવાય મદદનો કોઇ રસ્તો નથી. અલબત્ત દુઆ પણ એક રીતે આપણી મોટી જવાબદારી અને ઇમામ(અ.સ.)ની મદદ કરવાની એક રીત પણ છે. પરંતુ દુઆ કરવી ઝબાની મદદ છે, જેનો અમલી મદદથી એક દરજ્જો ઓછો છે. આજે આપણે ઇમામ(અ.સ.)ના વુજૂદે પૂર નૂરના મુબારક દિદારથી વંચિત છીએ. આપણા દિલી મોહબ્બતના જઝબાતના ઇઝહાર માટે ગુલે નરજીસ યુસુફે ઝહરા(સ.અ.)ના પનાહની ખૂબ જ તલાશ પછી પણ તે જગ્યાની ખબર નથી. તો પછી આ મોહબ્બતનો સંબંધ અને ઇમામ(અ.સ.)ના વુજુદ થકી ખૂબ જ મોહબ્બતનો એ તકાઝો છે કે ગયબતે ઇમામ(અ.સ.)માં રહીને અમલી કાર્યો અંજામ આપીએ અને પોતાને દીની તઅલીમાત સાથે જોડીને તેના પર હકીકી રીતે અમલ કરીએ અને એ ચીજો છોડી દઇએ કે જેને ઇમામ(અ.સ.) પસંદ નથી કરતા. તો આ રીતે આપણે ઇમામ(અ.સ.)ની આપણા અમલ થકી નુસરત અને મદદ કરી શકીએ છીએ અને ગયબતમાં રહીને પણ ઇમામ(અ.સ.) સાથે અમલી નુસરતનો મુઝાહેરો કરીને આપ(અ.સ.)ના ઝુહૂર માટે ઝમીન હમવાર કરી શકીએ છીએ. આવો જોઇએ કે ઇમામ(અ.સ.) માટે અમલથી મદદ કરવાના કયા કયા રસ્તાઓ છે:
તક્વા એ ઇલાહી:
ગયબતે ઇમામ(અ.સ.)માં વાજીબાતની અદાયગી અને હરામ ચીજોથી પરહેઝ કરીને, એટલે કે સાચા તકવા અને પરહેઝગારી થકી ઇમામ(અ.સ.)ની નુસ્રત અને મદદનો અમલી ઇઝહાર કરી શકીએ છીએ.
અમીરૂલ મોઅમેનીન હઝરત અલી(અ.સ.) પોતાના એક ચાહવાવાળાને પત્રમાં લખે છે:
“અલા વ ઇન્ન ઇમામકુમ કદીક્તફા મિન દુન્યાહો બે તિમ્રયહે વ મિન્ તુઅ્મેહી બે કુર્સય્હે અલા વ ઇન્નકુમ લા તક્દેરૂન અલા ઝાલેક વલાકિન્ અઇનૂની બે વર્ઈન્ વજ્તેહાદિન્ વ ઇફ્ફતિન્ વ સદાદિન્
(નહજુલ બલાગાહ, પાના: ૯૪૪-૯૪૫)
“આગાહ થઇ જાવ! તમારા ઇમામ(અ.સ.)એ તમારી આ દુનિયા અને તેની તમામ ઝીનતોમાંથી ફકત બે જોડી કપડા અને ખાવા માટે બે રોટી પર સંતોષ વ્યક્ત કર્યો છે, અને જાણી લો કે તમે લોકો મારા આ રસ્તા પર અમલ કરવાની તાકત નથી રાખતા, પરંતુ હરામથી પરહેઝ અને વાજીબાતની અદાયગી અને તકવા અને સાચા રસ્તા પર ચાલીને મારી નુસરત અને મદદ કરો
આ રીતની અસંખ્ય રિવાયતો ભરોસાપાત્ર કિતાબમાં લખવામાં આવી છે, જેમાંથી અલગ-અલગ મઅસૂમ ઇમામો(અ.મુ.સ.)એ પોતાના ચાહવાવાળાઓને અલ્લાહના હુકમો પર અમલ કરવા અને અલ્લાહ તઆલાથી તકવા ઇખ્તેયાર કરીને મદદ કરવાની તાકીદ ફરમાવી છે અને એ વાત સમજમાં પણ આવે છે કે ઝુહૂરે ઇમામે ઝમાના(અ.ત.ફ.શ.)ના બાદ આ ઝમીન પર નેકીઓ બધી જ જગ્યાએ ફેલાઇ જશે અને બુરાઇઓના અંતથી અલ્લાહ તઆલાનો વાયદો સંપૂર્ણ થશે, જે ઇન્સાનની ખિલ્કત અને કાએનાતની ખિલ્કતનો હકીકી મકસદ છે.
એક મુબારક તવકીઅમાં ઇમામે અસ્ર (અ.ત.ફ.શ.) ફરમાવે છે:
ફત્તકુલ્લાહ જલ્લ જલાલહૂ વ ઝાહેરૂના અલન્તેયાશેકુમ્ મિન્ ફિત્નતીન્ કદ્ અનાફત્ અલયકુમ
(એહતેજાજે તબરસી, ભાગ:૨, પાના: ૪૯૭)
“તો પછી તકવા અને પરહેઝગારી ઇખ્તેયાર કરો, અને આ ફિત્નાથી પોતાની નજાત માટે અમારી મદદ કરો, જેણે તમોને ચારે બાજુથી ઘેરી રાખ્યા છે.
સ્પષ્ટતા:
ઇમામે ઝમાના(અ.ત.ફ.શ.)ને ખુદાવંદે આલમ તરફથી ખૂબ જ મહત્વની અને સહુથી મહાન અને અઝીમ જવાબદારી જે અતા કરવામાં આવી છે, તે એ છે કે નેકીઓ અને નજાતની તરફ અલ્લાહ તઆલાના બંદાઓની હિદાયત અને રહેનુમાઇ કરવી. આજ મૂળ મકસદ અને હેતુ છે, જે ઇમામ(અ.સ.)એ ગયબતમાં અને ઝુહૂર બાદ બંને હાલતમાં અંજામ આપવાનો છે. હવે અગર એક ઇન્સાને ખુદાવંદે કરીમના કોઇ એક બંદાની નેકી અને નજાત તરફ હિદાયત અને રહેનુમાઇ કરી તો તે જેટલા પ્રમાણમાં હિદાયત અને નેકીના રસ્તા પર લગાડવાનો વસીલો બન્યો એટલા પ્રમાણમાં પોતાના ઇમામ(અ.સ.)ની નુસ્રતનો શરફ હાસિલ કરી લે છે. હવે, એ વાતમાં જરા પણ ફર્ક નથી કે બીજાને નેકી અને ભલાઇના રસ્તા તરફ રહેનુમાઇ કરે છે કે ખુદ પોતે વાજીબાતની અદાયગી અને હરામથી પરહેઝ કરીને સાહેબે તકવા અને ઇસ્લામી હુકમ પર અમલ કરવાવાળો બને છે. એટલા માટે કે તે પોતે પણ એ લોકોમાંથી એક વ્યક્તિ છે, જેની રહેનુમાઇ અને હિદાયત કરવી ઇમામ(અ.સ.)ની જવાબદારી છે.
બીજી તરફ ઇન્સાન બીજાની હિદાયત અને રહેનુમાઇની જવાબદારી અંજામ આપવાની સાથે સાથે ખુદ હિદાયત અને દીની કામો પર અમલ કરવાવાળો ન હોય તો પછી તેને ઝબાની હિદાયતનો એટલો ફાયદો નહી થાય. અમલી હિદાયતની અસર ઝબાની હિદાયતની સરખામણીમાં બહુ જ વધારે હોય છે અને તેના આમાલ અને કિરદાર અને તકવા અને પરહેઝગારીના આસાર બીજા સુધી પહોંચે છે. આ રીતે ઇમામ(અ.ત.ફ.શ.) માટે એક સાહેબે કિરદાર ચાહવાવાળા ફખ્રના અસ્બાબ પૂરા પાડે છે. જ્યાં ઇમામ(અ.સ.) ફરમાવે છે:
“તમો અમારા માટે ઝીનતનો સબબ બનો, ઝિલ્લતનું કારણ ન બનો
ખુલાસો એ છે કે એક ચાહવાવાળો સાચા અર્થમાં મુત્તકી અને સાહેબે કિરદાર બની જાય છે, તો દિલમાં ખૌફે ઇલાહી પૈદા થઇ જાય છે, અને અગર કોઇના દિલમાં ખૌફે ખુદા પૈદા થઇ જાય તો તેનાથી મોટી કોઇ ચીઝ કિરદારની પાકીઝગીની ઝમાનત નથી લઇ શકતી. ખૌફે ખુદા હોવાની હાલતમાં તે લોકોના હકોનો ખ્યાલ રાખશે. ખૌફે ખુદા હશે તો માપ તોલમાં ઇન્સાફથી કામ કરશે અને બીજાના હક્કોને ગસ્બ નહી કરે.
(૨) મુત્તકી અને પરહેઝગાર મોઅમિનોની મદદ:
દુનિયામાં કેટલા બધા મોઅમિન મુત્તકી બંદાઓ જુદી-જુદી મુસીબતોમાં ફસાએલા છે. તેમને મદદ માટે અસ્બાબ પૂરા પાડીને તેમની મુસીબતોને દૂર કરી દેવુ તે ઇમામ(અ.સ.)ની અમલથી બેહતરીન મદદ કરવુ છે. સાહેબે કિરદાર માટે ઇબાદત અને ઇતાઅતના વસાએલ પુરા પાડીને તેમની મુશ્કેલીઓ દૂર કરવી ઇમામ(અ.સ.)ની મદદ કરવા બરાબર છે, જેમ કે કોઇ જગ્યા પર મોઅમીનો છે, પરંતુ તેમની રહેનુમાઇ અને હિદાયત કરવાવાળુ કોઇ નથી, અમ્ર બિલ મઅરૂફ કરવાવાળુ કોઇ નથી. આ રીતે તેઓની ઇબાદત અને ઇતાઅતમાં મદદ કરીને આસાનીઓ પૂરી પાડવી અથવા કોઇ મુત્તકીની ભૌતિક જરૂરતો અને દુન્યવી જરૂરતોને ધ્યાનમાં રાખીને તેમની દુન્યવી મદદ કરવી, દુનિયામાં જુદી-જુદી જગ્યાએ ઇમામ(અ.સ.)ના ચાહવાવાળા જુદા-જુદા પ્રકારની મુશ્કેલીઓમાં ફસાએલા છે, બિમારી, ગરીબી, ફકીરી, તંગદસ્તી, જેહાલત, દુશ્મનોના ઘેરાવમાં, તઅસ્સુબ, ઝમાનાના ફિત્ના, ઘરેલુ ઝઘડાઓ, કૌટુંબિક ઝગડાઓ, તલાક, કંકાસ, દિકરીના બાપ માટે દિકરીનો યોગ્ય રિશ્તો શોધવો, ધંધો રોજગારનું ન હોવુ. આજે સામાન્ય રીતે મુસ્લીમ સમાજ અને ખાસ કરીને શીઆ સમાજ પર ધ્યાન આપીએ તો તેઓની આ હાલત અલગ-અલગ મુશ્કેલીઓ અને પરેશાનીઓ દર્શાવે છે. આપ સમજો છો કે આજના સમયમાં વર્ણવેલા મુશ્કેલ હાલતના કોઇ એક મેદાનમાં દાખલ થઇને મુશ્કેલીઓ આસાન કરી દઇએ તો શું આ અમલ ઝમાનાના ઇમામ(અ.ત.ફ.શ.)ના હોઠો પર મુસ્કુરાહટ અને ખુશી ન લાવી શકે? અને જ્યારે કોઇ મુસીબતમાં ફસાએલો ઇન્સાન મુસીબતોથી રાહત મેળવે છે, તો તેનાથી બે મોટા નતીજા હાસિલ થાય છે.
૧. મુસીબતમાં ઘેરાએલાની મુશ્કેલી દૂર કરીને તેના દિલને સુકૂન અતા કરવુ એ અઝીમ ઇબાદત છે.
૨. મુસીબતઝદા ઇન્સાન જ્યારે પરેશાનીમાંથી બહાર આવીને બહેતરીન અંદાઝમાં ખુદાવંદે આલમની ઇબાદત અને ઇતાઅત બજાવી લાવે છે, તો હકીકતમાં આ રીતે તેના આમાલ અને ઇબાદતમાં શામિલ થયુ છે અને હકીકતમાં હકીકી મદદ અને નુસ્રતે ઇમામ(અ.સ.) છે.
સૈયદ ઇબ્ને તાઉસ(અ.ર.) મહજ્જુદ્ દઅ્વાતમાં લખે છે કે એક શખ્સે હઝરત અમીરૂલ મોઅમેનીન(અ.સ.)થી પુછ્યુ કે મેં અમુક રકમની નજર કરી છે કે તેને રાહે ખુદામાં ખર્ચ કરીશ, મૌલા! બતાવો હું તેને ક્યાં ખર્ચ કરૂ, જેથી ખુદાવંદે કરીમની ખુશ્નુદી હાસિલ થાય?
ઇમામ(અ.સ.)એ ફરમાવ્યુ:
“તેને સાહેબાને તકવા અને ઇબાદત તેમજ ઇતાઅતવાળાઓમાં ખર્ચ કરો, એટલા માટે કે જે ચીઝો તેઓ પર ખર્ચ કરવામાં આવે છે, તે ખુદાવંદે આલમની ઇબાદતના રસ્તા પર ખર્ચ થાય છે, એ માટે કે તે તેનાથી તાકાત હાસિલ કરીને ખુદાવંદે આલમની ઇબાદત બજાવશે.
આ બારામાં છેલ્લી રિવાયત રજુ કરી વાતને સંપૂર્ણ કરીએ છીએ.
તફસીરે ઇમામ હસન અસ્કરી(અ.સ.)માં આ સિલસિલામાં અમુક રિવાયત નકલ થઇ છે:
અગર કોઇ કમઝોર ઇન્સાનની મદદ કરશે તો ખુદાવંદે આલમ તેમની મદદ કરે છે અને કયામતના દિવસે અમુક મલાએકાઓને મુકર્રર કરવામાં આવશે કે જે તેને ભયજનક જગ્યાઓ અને આગની ખંદકને પસાર કરાવે અને સલામતિની સાથે તેને જન્નતમાં પહોંચાડી દેય. અગર કોઇ મુશ્કેલીમાં ફસાએલા ઇન્સાનની મદદ કરે, જેનાથી તેના ધંધામાં સહારો અને મુશ્કેલીમાંથી નજાત મળી જાય તો ખુદાવંદે આલમ કયામતના દિવસે તેને મુશ્કેલીઓથી નજાત આપશે અને ખરાબ લોકોના સમૂહથી અલગ કરીને નેક લોકોમાં કરાર આપશે.
(તફસીરે ઇમામ હસન અસ્કરી(અ.સ.) પાના: ૬૩૫)
અલ્લાહ તઆલાથી દુઆ કરૂ છું કે ખુદાયા! આ દુનિયામાં તું તારા વલી અને હુજ્જત(અ.સ.)ની મદદ અને નુસ્રતની તૌફિક અતા કર. અમારા કાર્યો અને કિરદારથી ઇમામે હાઝિરને ખુશ્નુદ કરી દે અને નુસ્રતે ઇમામના રસ્તા પર અમલી કાર્યોના લીધે આખેરતથી પહેલા દુનિયામાં અમને ઝુહૂરે ઇમામ(અ.સ.) થકી અમને બધાને ખરાબ લોકોથી અલગ કરીને નેક લોકોમાં કરાર દે. (આમીન)
—૦૦૦—

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *