‘યનાબીઉલ મવદ્દહ’માં ઇમામ મહદી(અ.ત.ફ.શ.)નો ઝિક્ર

Print Friendly, PDF & Email

હઝરત ઇમામ મહદી(અ.સ.)નો અકીદો
અમુક લોકોનો ખ્યાલ છે કે હઝરત મહદી(અ.સ.)નો અકીદો ફક્ત શીયાઓ માટે ખાસ છે. જેઓએ અગાઉની તારીખોમાં પરાજીત થયા બાદ દિલના સુકુન માટે આ અકીદો ઘડી કાઢ્યો છે. પરંતુ જ્યારે આપણે બીજા ફીર્કાના ઓલમા અને ખાસ કરીને એહલે સુન્નતની અલગ અલગ વિચારધારાઓની કિતાબોના અભ્યાસ કરીએ તો, સ્પષ્ટ થાય છે કે તેઓની ભરોસાપાત્ર કિતાબો હઝરત ઇમામ મહદી(અ.સ.)ના વર્ણનથી ભરેલી છે. તે કિતાબોમાં ન ફક્ત આખરી ઝમાનામાં એક હઝરત મહદી(અ.સ.)ના ઝુહુરનું વર્ણન કરવામાં આવ્યું છે પરંતુ હઝરત મહદી(અ.સ.)ની એક એક સિફતનું વર્ણન મૌજુદ છે. આ સિવાય ઘણા ભરોસાપાત્ર આલીમો છે, જેઓએ આ વિષય પર મુસ્તકીલ કિતાબો લખી છે અને એ સિલસિલો આજ સુધી શરૂ છે. (તઝકેરએ હઝરત ઇમામ મહદી(અ.સ.) અને ઓલમાએ એહલે સુન્નત)
કિતાબ ‘યનાબીઉલ મવદ્દહ ફી શમાઇલર રસુલ(સ.અ.વ.) અને એહલેબૈત(અ.મુ.સ.)’ પણ તે કિતાબો માંથી એક કિતાબ છે જેનું સંપાદન હનફી મઝહબથી સંબંધ રાખવાવાળા એક એહલે સુન્નતના આલીમે કર્યુ છે. જેનું નામ હાફીઝ સુલેમાન ઇબ્ને ઇબ્રાહીમ અલ કુન્દુઝી અલ હનફી અલ બલખી છે. તેમની વિલાદત ૧૨૨૦ હિ.સ.માં થઇ અને વફાત હિ.સ. ૧૨૭૦માં કિસતન્તન્યામાં થઇ છે. શૈખ સુલેમાન કુન્દુઝીએ પોતાની કિતાબમાં એહલેબૈત(અ.મુ.સ.)ની ફઝીલતમાં વારિદ થયેલ હદીસો વર્ણવી છે. સાથો સાથ હઝરત ઇમામ મહદી(અ.સ.)ના બારામાં સ્વતંત્ર પ્રકરણો લખ્યા છે, જેનો ઝિક્ર આપણે આ મુખ્તસર ટોપીકમાં કરશું.
યનાબીઉલ મવદ્દહના બીજા ભાગમાં શેખ સુલેમાન કુન્દુઝીએ ઇમામ મહદી(અ.સ.)ના બારામાં ખાસ પ્રકરણોનો ઝિક્ર કર્યો છે, તેનું અહીં વર્ણન કરી રહ્યા છીએ. સાથો સાથ દરેક પ્રકરણમાંથી ફક્ત એક એક હદીસનો ઝિક્ર કરીશું.
૭૧માં પ્રકરણમાં કિતાબ અલ મોહજ્જામાં કુર્આનની આયતોથી ઇમામ મહદી(અ.સ.)ના હાલાતનું વર્ણન કરવામાં આવ્યું છે.
હદીસ: હઝરત ઇમામ જઅફરે સાદિક(અ.સ.)એ સુરે આલે ઇમરાન આયત નં. ૮૩
“અને જે કોઇ આસમાનો અને જમીનમાં છે તે ખુશી ખુશી અથવા અણગમા સાથે તેમની સામે તસ્લીમ થશે
ના બારામાં ઇરશાદ ફરમાવ્યું:
જ્યારે ઇમામ કાએમ(અ.સ.) કયામ કરશે તો જમીનમાં દરેક જગ્યાએ આ કલેમાની ગવાહીની આવાઝ આપવામાં આવશે કે કોઇ માઅબુદ નથી સિવાય અલ્લાહ અને યકીનન હઝરત મોહમ્મદ(સ.અ.વ.) અલ્લાહના રસુલ છે
પ્રકરણ ૭૨: તે હદીસોનો ઝિક્ર છે જે સાહેબે કિતાબે મીશ્કાતથી નકલ કરી છે, જે ઇમામ મહદી(અ.સ.)ના ઝુહુરની નિશાનીઓ દર્શાવે છે.
ઉમ્મે સલમા(સ.અ.) કહે છે કે તેમણે રસુલે ખુદા(સ.અ.વ.)ને કહેતા સાંભળ્યા કે મહદી(અ.સ.) મારી ઇતરતમાંથી છે, ઔલાદે ફાતેમા(સ.અ.)માંથી થશે.
પ્રકરણ ૭૩: તે હદીસો જે સાહેબે જવાહરૂલ અકદયને નકલ કરી છે:
હદીસ: ઇમામ અલી(અ.સ.)થી એક મરફુઅ રિવાયતમાં છે કે આપ(અ.સ.)એ ઇરશાદ ફરમાવ્યું:
મહદી(અ.સ.) અમો એહલેબૈત(અ.મુ.સ.) માંથી છે. અલ્લાહ તેમના મોઆમેલાત એક રાતમાં યોગ્ય કરી દેશે
પ્રકરણ ૭૪ : ઇમામ મહદી(અ.સ.)ની શાનમાં ઇમામ અલી(અ.સ.)ના શબ્દો જે નહજુલ બલાગાહમાં મૌજુદ છે.
હદીસ: ઇમામ અલી(અ.સ.)એ ઇરશાદ ફરમાવ્યું:
ઇમામ મહદી(અ.સ.) ખ્વાહીશાતને હિદાયત તરફ ફેરવી દેશે જ્યારે કે લોકોએ હિદાયતને ખ્વાહીશાત તરફ ફેરવેલી હશે. આપ(અ.સ.) લોકોની રીતભાતને કુર્આનની પૈરવીની તરફ લઇ જશે જ્યારે કે લોકો કુર્આનને પોતાની રહેણી કરણીની પૈરવીની તરફ લઇ જતા હશે
પ્રકરણ ૭૫ : ઇમામ મહદી(અ.સ.)ના ઝુહુર સુધી એહલેબૈત(અ.મુ.સ.) પર થવાવાળા મસાએબનો ઝિક્ર:
હદીસ: હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)એ ઇમામ હઝરત અલી(અ.સ.)ને ઇરશાદ ફરમાવ્યું:
એ અલી(અ.સ.) તે હસદ અને તિરસ્કારથી સાવધાન! જે તમારા વિરૂદ્ધ લોકોના દિલોમાં મૌજુદ છે જેને તેઓ મારા મૃત્યુ પછી જાહેર કરશે. તે એ લોકો છે, જેના પર અલ્લાહ લઅનત કરે છે અને લઅનત કરવાવાળા લઅનત કરે છે
પછી આપ(સ.અ.વ.) રડ્યા અને ઇરશાદ ફરમાવ્યું:
જીબ્રઇલે મને ખબર આપી છે કે લોકો મારા બાદ તેઓ ઉપર ઝુલ્મ કરશે અને તે ઝુલ્મનો સિલસિલો ચાલુ રહેશે ત્યાં સુધી કે અમારા કાએમ(અ.સ.) કયામ કરશે
પ્રકરણ ૭૬ : કિતાબ ફરાએદુસ્સીમતૈનમાંથી બાર ઇમામો(અ.મુ.સ.)ના નામોનું વર્ણન.
એક તુલાની હદીસ છે, જેમાં એક યહુદી જેનું નામ નઅસલ હતુ. તેમણે રસુલે ખુદા(સ.અ.વ.) પાસે આવી ઘણા સવાલો કર્યા, તે હદીસમાંથી એક હિસ્સો વર્ણવીએ છીએ જેમાં આપ(સ.અ.વ.)એ હઝરત ઇમામ મહદી(અ.સ.)ની ગૈબતનો ઝિક્ર કરતા ફરમાવ્યું:
ચોક્કસ મારા વંશ માંથી બારમાની ગૈબત થાશે ત્યાં સુધી કે તેને જોઇ નહી શકાય. મારી ઉમ્મત પર એ સમય આવશે કે ઇસ્લામનું ફક્ત નામ હશે અને કુર્આનનું ફક્ત લખાણ બાકી રહેશે. તે સમયે અલ્લાહ તઆલા આપ (ઇમામ મહદી અ.સ.)ને ઝુહુરની રજા આપશે. બસ અલ્લાહ તેમના થકી ઇસ્લામને સર્વોપરિતા આપશે અને ઇસ્લામને પ્રસ્થાપિત કરશે
પ્રકરણ ૭૭ : મારા બાદ ૧૨ ખલીફા થશે. આ હદીસના સંશોધનમાં જે કંઇ ‘જામેઉલ ફવાએદ’ કિતાબમાં વર્ણન કરવામાં આવ્યું છે.
હદીસ: હઝરત ઇમામ અલી(અ.સ.)થી રિવાયત છે કે રસુલે ખુદા(સ.અ.વ.)એ ફરમાવ્યું:
આ દુનિયા ત્યાં સુધી ખતમ નહી થાય જ્યાં સુધી ઇમામ હુસૈન(અ.સ.)ની ઔલાદમાંથી એક શખ્સ મારી ઉમ્મતમાં કયામ ન કરી લેય. તે દુનિયાને એવી રીતે અદ્લથી ભરી દેશે જેવી રીતે દુનિયા ઝુલ્મથી ભરાએલી હશે.
પ્રકરણ ૭૮ : કિતાબ ફરાએદુસ્સીમતૈન અને બીજી કિતાબોમાં જે કંઇ આપ(અ.સ.)ના બારામાં વર્ણન કરવામાં આવ્યું છે:
હદીસ: ઇબ્ને અબ્બાસ(અ.ર.) કહે છે કે હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)એ ફરમાવ્યું:
ચોક્કસ મારા ખલીફા મારા વસીઓ મારા બાદ મખ્લુકાત પર અલ્લાહની હુજ્જત બાર ઇમામો (અ.મુ.સ.) છે, જેમાંથી પહેલા ઇમામ અલી(અ.સ.) છે અને છેલ્લા મારા ફરઝંદ ઇમામ મહદી(અ.સ.) છે. રૂહુલ્લાહ હઝરત ઇસા બીન મરયમ (એમના ઝુહુર બાદ આસમાન માંથી) નાઝીલ થશે અને તેમની (ઇમામ અ.સ.ની) પાછળ નમાઝ અદા કરશે
પ્રકરણ ૭૯ : ઇમામ મહદી(અ.સ.)ની વિલાદત બા સઆદતની ગવાહી
હદીસ: એક કનીઝ જેનું નામ નસીમ હતુ. તે કહે છે કે સાહેબે ઝમાન(અ.સ.)ની વિલાદત પછી એક રાત્રે મને આપ(અ.સ.)ની સામે છીંક આવી તો આપ(અ.સ.)એ ફરમાવ્યું:
અલ્લાહ તારા પર રહેમ કરે. છીક મૌતથી ત્રણ દિવસ માટે અમાન છે.
પ્રકરણ ૮૦ : ઇમામ મહદી(અ.સ.)ના બારામાં ઇમામ અલી રેઝા(અ.સ.) અને ઇમામ જઅફર સાદિક (અ.સ.)ની હદીસનો ઝિક્ર
હદીસ: હઝરત ઇમામ રેઝા(અ.સ.) ઇરશાદ ફરમાવે છે:
ચોક્કસ મારા પછી મારા ફરઝંદ ઇમામ મોહમ્મદ તકી (અ.સ.) ઇમામ થશે. ઇમામ મોહમ્મદ તકી(અ.સ.) પછી એમના ફરઝંદ ઇમામ અલી નકી(અ.સ.), તેમના પછી ઇમામ અલી નકી(અ.સ.)ના ફરઝંદ ઇમામ હસન અસ્કરી (અ.સ.) ઇમામ થશે. ઇમામ હસન અસ્કરી(અ.સ.)ના પછી આપના ફરઝંદ હુજ્જતુલ કાએમ(અ.સ.) ઇમામ થશે. તેમનો તેમની ગયબતમાં ઇન્તેઝાર કરવામાં આવશે અને ઝુહુર બાદ તેમની ઇતાઅત કરવામાં આવશે. તે દુનિયાને એવી રીતે અદ્લ અને ઇન્સાફથી ભરી દેશે, જેવી રીતે દુનિયા ઝુલ્મ અને જૌરથી ભરેલી હશે
પ્રકરણ ૮૧: ઇમામ મહદી(અ.સ.)ના કરામાતનો ઝિક્ર
આ પ્રકરણમાં ઇમામ મહદી(અ.સ.)થી થનારા મોઅજીઝાઓનું વર્ણન કરવામાં આવ્યુ છે. ટુંકાણના લીધે અમે તેનું અહી વર્ણન કરતા નથી.
પ્રકરણ ૮૨ : ઇમામ હસન અસ્કરી(અ.સ.)નું પોતાના ફરઝંદને કાએમ(અ.સ.)ના નામથી ઓળખાણ કરાવવું.
હદીસ: કિતાબ ગૈબતમાં અબી ગાનીમથી નકલ કરવામાં આવ્યું કે હઝરત ઇમામ હસન અસ્કરી(અ.સ.)ને ત્યાં એક ફરઝંદની વિલાદત થઇ, જેનું નામ આપ(અ.સ.) એ મીમ-હે-મીમ-દાલ રાખ્યું. વિલાદતના ત્રીજા દિવસે આપ(અ.સ.)એ પોતાના અસ્હાબોને ઇમામ મહદી (અ.સ.)ની ઝિયારત કરાવી અને તેઓથી ફરમાવ્યું:
મારા પછી આ તમારા ઇમામ છે અને તમારા ઉપર મારા ખલીફા છે. આ તે ઇમામે કાએમ(અ.સ.) છે, જેનો ઇન્તેઝાર કરવામાં આવશે
પ્રકરણ ૮૩ : તે લોકોનો ઝિક્ર જેઓએ ઇમામ મહદી (અ.સ.)ની ગૈબતે કુબરામાં ઝિયારત કરી.
પ્રકરણ ૮૪ : સાહેબાને કશ્ફ વ શોહુદ અને ઇલ્મ અને હુરૂફના આલીમોમાંથી એહલે એલાહની વિચારધારાનું વર્ણન
અમુક અલ્લાહવાળાઓએ બયાન કર્યુ છે… ઝમીન આબાદ થશે અને પાક અને સાફ થશે અને ઝમીન ઇમામ મહદી(અ.સ.)ના ઝરીયે ચમકી ઉઠશે. આપ(અ.સ.)ના ઝરીયે નહેરો જારી થશે અને ફીત્ના અને ફસાદ ખત્મ થઇ જશે. ખૈર અને બરકતોમાં વધારો થઇ જશે.
પ્રકરણ ૮૫ : એ ચીજોનો ઝિક્ર જે કિતાબે અસ્આફુર્ રાગેબય્નમાં મૌજુદ છે.
હદીસ: હઝરત રસુલે ખુદા(સ.અ.વ.)એ ઇરશાદ ફરમાવ્યું:
હું તમોને ઇમામ મહદી(અ.સ.)ની બશારત આપુ છું જે કુરૈશમાંથી મારી ઇતરતમાંથી છે. એ ત્યારે ઝુહુર ફરમાવશે જ્યારે લોકોમાં ઇખ્તેલાફ હશે. તે જમીનને એ રીતે અદ્લ અને ઇન્સાફથી ભરી દેશે જેવી રીતે જમીન ઝુલ્મ અને જૌરથી ભરેલી હશે. આસમાનો અને જમીનમાં રહેનારાઓ ખુશ થશે. આપ અદ્લની સાથે માલની વહેંચણી કરશે. આપ ઉમ્મતે મોહમ્મદ(સ.અ.વ.)ના દિલોને બેનિયાઝીથી ભરી દેશે
પ્રકરણ ૮૬ : હુરૂફોના આલીમોના કહેણોનો ઝિક્ર કે જે મહદીએ મવઉદ(અ.સ.) ઇમામ હસન અસ્કરી(અ.સ.) ના ફરઝંદ છે.
આ પ્રકરણમાં એહલે સુન્નતના ઓલમાઓના વિધાનો નકલ કર્યા છે. જેઓએ હઝરત ઇમામ મહદી (અ.સ.)ની વિલાદત, તેઓનું જીવતા હોવું, તેઓનું મૌજુદ હોવું, તેઓનું ગયબતમાં હોવું જેવી બાબતોનું વર્ણન કર્યુ છે.
સવાલ: શું સુલેમાન ઇબ્ને ઇબ્રાહીમ હનફી કુન્દુઝી શીઆ હતા?
જ્યારે એહલે સુન્નતની પાસે કોઇ જવાબ બાકી ન રહેતો તો તેઓનો કમઝોર હુમલો એ હોય છે કે પોતાના આલીમને શીયા આલીમ બતાવે છે. શેખ સુલેમાન કુન્દુઝીના બારામાં પણ આવું જ છે. જ્યારે લોકો તેને શીયા સાબિત ન કરી શક્યા તો તેઓએ આ વાંધો રજુ કર્યો કે આકાએ બુઝુર્ગ તેહરાની (જે એહલે તશય્યોના મહાન આલીમમાંથી છે) તેઓએ તેમની કિતાબ અઝ્ઝરીયામાં શેખ સુલેમાન કુન્દુઝીના બારામાં નકલ કર્યુ છે:
તે કિતાબ (યનાબીઉલ મવદ્દત)માં મોઅલ્લીફનું શીયા હોવું જણાતુ નથી પરંતુ તે સુફી હતા અને તે કિતાબનો શુમાર શીયા કિતાબોમાં કરવામાં આવે છે
(અઝ્ઝરીય્યાહ, ભાગ: ૨૫, પેજ ૨૯૦)
જવાબ: આ વાત ધ્યાનમાં આપવા જેવી છે કે એહલે સુન્નત જાણી જોઇને શેખ સુલેમાન કુન્દુઝીનું પુરૂ નામ છુપાવે છે. આકા બુઝુર્ગ તેહરાની એ પોતાની કિતાબમાં નકલ કર્યુ છે ‘સુલેમાન ઇબ્ને ઇબ્રાહીમ અલ હનફી કુન્દુઝી’ જેમ કે શેખ સુલેમાન કુન્દુઝી હનફી (ફીર્કા)થી સંબંધ રાખતા હતા. આ કારણથી આકાએ બુઝુર્ગ તેહરાનીએ આમ લખ્યુ કે તેનું શીયા હોવું જણાતુ નથી. જે વાત સ્પષ્ટ છે તે એ છે કે શેખ સુલેમાન કુન્દુઝી એહલેબૈત (અ.મુ.સ.)થી મોહબ્બત કરતા હતા અને એહલેબૈત (અ.મુ.સ.)ના એહતેરામમાં તેઓએ એહલે સુન્નતના અગાઉના ઓલમાઓના હવાલાથી હદીસો જમા કરી છે. આ કારણથી અમે તેની કિતાબને એહલેબૈત(અ.મુ.સ.)ની શાન અને મંઝેલત બયાન કરવા માટે રજુ કરીએ છીએ.
એક બીજી મહત્વની વાત જેને એહલે સુન્નત છુપાવે છે, તે એ છે કે આકાએ બુઝુર્ગ તેહરાનીએ પોતાની કિતાબના એકવીશમાં ભાગમાં પેજ નં. ૩૦૭ માં નકલ કર્યુ છે કે:
“યનાબીઉલ મવદ્દત જેને સુલેમાન ઇબ્ને ઇબ્રાહીમ કુન્દુઝી અલ હનફી (એ સંકલન કરી છે) સુફી હતા, નકશબંદીના આલીમ હતા
જેથી જેટલો ચાહે એહલે સુન્નત એ વાતનો ઇન્કાર કરે કે શેખ સુલેમાન કુન્દુઝી સુન્ની આલીમ ન હતા, પરંતુ સનદોથી આ વાત સાબિત થાય છે કે તે સુન્ની મઝહબથી તઅલ્લુક રાખતા હતા. જેમકે ઉપરની દલીલોમાં રજુ કરવામાં આવ્યું.
આપણી આ મુખ્તસર વાતને આ દુઆ સાથે પુરી કરીએ છીએ કે પરવરદિગાર અમે તને વાસ્તો આપીએ છીએ હઝરત મોહમ્મદ મુસ્તફા(સ.અ.વ.)નો, આપની એહલેબૈત(અ.મુ.સ.)નો કે તુ અમારા વક્તના ઇમામ હઝરત ઇમામ મહદી(અ.સ.)ના ઝુહુરમાં જલ્દી કર અને તેમના મદદગારમાં અમારો શુમાર કર.

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *