Home » અલ-મુન્તઝર માહે મોહર્રમ » ૧૪૨૪ » ઇમામ હુસૈન (અ.સ.) » ઇમામ હુસૈન અ.સ. ની ઝિયારતોની સમજૂતી

મઝલૂમ ઇમામ હુસયન (અ.સ.)ની ઝિયારતે વારેસા અને તેનો ભાવાર્થ

Print Friendly, PDF & Email

ઝીયારત શું છે અને ઝવ્વાર કોને કહેવામાં આવે છે ?

ઝીયારતનો ભાષાકીય અર્થ છે કોઇ બુઝુર્ગ વ્યક્તિને જોવા અને તેમના દરબારમાં હાજર થવું. મિત્રો અને સગા સંબંધીઓ અંગે આ કામ એ સામાન્ય બાબત છે. પરંતુ અલ્લાહના પયગમ્બરો (અ.સ.) અને મઅસુમ ઇમામો (અ.સ.) ના હકમાં જ્યારે તેમ કરવામાં આવે ત્યારે તે ખાસ મહત્વનું અને વિશેષ કાર્ય બની રહે છે. એ સ્પષ્ટ અને અનુભવથી સાબીત હકીકત છે કે આ પવિત્ર હસ્તીઓ પ્રત્યે દિલની એકાગ્રતા એક અજબ મહત્વ ધરાવે છે. પરંતુ કેટલી આનંદની વાત છે કે જો માનવીને એ સન્માન મળે કે આ બુઝુર્ગ હસ્તીઓની નઝદીક તેમની હુજુરમાં તેઓને સલામ કરે અને દોઆ પેશ કરે છે. બીજી વાત એ છે કે જ્યારે માણસ એવા બુઝુર્ગને સલામ કરે છે અને તેની બારગાહમાં દોઆ પેશ કરે છે ત્યારે તેની કોશીષ એ હોય છે કે તે સારામાં સારા શબ્દોથી પોતાની લાગણીઓને વ્યક્ત કરે. શું આથી વિશેષ કોઇ રીત હોઇ શકે કે માણસ ખુદ મઅસુમ ઇમામોની ભાષામાં તેઓને સલામ કરે અને પોતાની અકીદત તેમની બારગાહમાં રજૂ કરે ? નહિ, હરગીઝ નહિ. કારણ કે આપણા ઇમામો એવી હસ્તીઓ છે કે ઇલ્મ, વિદ્વતા અને સાહિત્યની રસધારા છે જે અલ્લાહની મઅરેફત એવી રીતે ધરાવે છે જે મઅરેફતનો હક છે. જે અતિશયોક્તિ અને ક્ષતિઓની હદોને ખૂબીપૂર્વક જાણે છે. તેથી તેમના કથનો તે કારણોથી પાક છે, કદાચ આ જ બાબતોને ધ્યાનમાં રાખીને સફવાન જમ્માલે ઇમામ જાઅફર સાદીક (અ.સ.) પાસે ઇમામ હુસયન (અ.સ.) ની ઝીયારત કરવા જવા માટે રજા માગી અને એ પણ ઇચ્છા જાહેર કરી કે આપ તેમને ઝીયારતના નિયમો અને તેની રીત પણ કહે. ત્યારે આપે બીજી બધી તાલીમોમાં સફવાનને ઝીયારતે વારેસા પઢવાનો પણ હુકમ કર્યો. (મીસ્બાહલ મુત્તહજજીદ શેખ તુસી, મફાતીહ પા. 1424, ઉર્દુ પ્રકાશન નિઝામી પ્રેસ, લખનવ)

ઝીયારતે વારેસા – નામ રાખવાનું કારણ :

આ ઝીયારતનું ‘ઝીયારતે વારેસા’ નામ એટલા માટે આપવામાં આવ્યું છે કે તેની શરૂઆતના થોડા વાક્યોમાં સય્યદુશ્શોહદા ઇમામ હુસયન (અ.સ.) ને અગાઉના મહાન નબીઓના વારસદાર ગણવામાં આવે છે. આવો ! આહોઝારીની સાથે આંખોમાં આંસુ લાવીને ઇમામે મઝલુમ (અ.સ.) ની બારગાહમાં આ ઝીયારત થકી પુરસો પેશ કરીએ અને સાથે સાથે તેના અર્થપૂર્ણ વાક્યોને વિસ્તારપૂર્વક સમજતા જઇએ. (અલબત્ત, આ વાત ધ્યાનમાં રહે કે આ લેખમાં જે કાંઇ ભાવાર્થ રજૂ કરવામાં આવી રહ્યો છે તે આ ઝીયારતના શબ્દો અને રજુઆતના સીધા સાદા અર્થો અને મતલબથી સંબંધ ધરાવે છે. નહિ તો તેના સાચા અર્થ અને તેના જુદા જુદા મતલબો માત્ર અને માત્ર ઇમામ સાદિક (અ.સ.) ના વારસદાર હઝરત વલી અસ્ર અજ્જલલ્લાહો તઆલા ફરજ હશ્શરીફની પવિત્ર હસ્તીના ઇલ્મના ખજાનામાં મોજુદ છે. માત્ર આપ (અ.સ.) જ તેના અર્થઘટન, અસરો અને દલીલોથી સંપૂર્ણ રીતે જાણકાર છે. જ્યારે આપ (અ.સ.) તશરીફ લાવશે ત્યારે  ઇન્શાઅલ્લાહ આપણે તેના ભરપૂર અર્થપૂર્ણ વાક્યો થકી જાણી શકીશું. – માહિતગાર થઇશું. “અલ્લાહમ્મ અજજીલ -લે – વલીય્યેકલ ફરજ)

(1) “અસ્સલામો અલયક યા વારેસ આદમ સીફવતીલ્લાહ

સલામ અને દુરૂદ થાય આપ ઉપર એ ખુદાના પસંદ કરાએલ બંદા – હઝરત આદમ (અ.સ.) ના વારસદાર.

જ્યારે ઇન્સાન પવિત્ર કબ્રમાં દફન થએલ શહીદના માથા તરફ આવે ત્યારે ઝીયારત શરૂ કરે. જો હરમ શરીફની નઝદિક ન હોય તો ઝીયારતની નિય્યત દૂરથી કરે. આ વાક્યમાં ઇમામ હુસયન (અ.સ.) ને હઝરત આદમ (અ.સ.) ના વારસદાર ગણવામાં આવી રહ્યા છે. વારસદારનો અર્થ શું થાય ? વારસદાર કોને કહે છે ? વારસદાર તેને કહે છે જે કોઇના મૃત્યુ કે શહાદત પછી તેની બધી મિલ્કતનો, પછી તે રૂહાની હોય કે ભૌતિક હોય, માલિક બની જાય છે. તે વારસદારને તે મિલ્કતનો ઉપભોગ કરવાનો હક મળી જતો હોય છે. કુરઆને મજીદ હઝરત ઝકરીયા (અ.સ.) ની દોઆની ચર્ચા  કરતા ફરમાવે છે:

“(એ ખુદા) મને તારી તરફથી એક વલી આપ જે મારો વારસદાર હોય અને આલે યઅકુબ (જનાબે મરયમ (અ.સ.) ના કાકા જેનું નામ યઅકુબ બીન મલખાન (અ.સ.) હતું) નો વારસદાર બને.                   (સુરએ મરયમ આ. 16)

અને પછી બારી તઆલા ઇરશાદ ફરમાવે છે :

“વ વારેસ સુલયમાનો દાઉદ

“અને સુલયમાનને દાઉદના વારસદાર બનાવ.

(સુરએ નમ્લ આ. 19)

અહલે સુન્નતના મશહર સાહિત્યકાર, અલ્લામા ઇબ્ને મન્ઝુરે (હિ.630 – 711) તેમની મુલ્યવાન કિતાબ લેસાનુલ અરબમાં ઉપરોક્ત આયત પછી આ શબ્દોની નીચે લખ્યું :

“હઝરત દાઉદ (અ.સ.) ના 19 પુત્રો હતા, જેમાંથી હઝરત સુલયમાન (અ.સ.) નબુવ્વત અને હકુમત બન્નેમાં તેમના વારસદાર બન્યા.

આ વાક્યથી સ્પષ્ટ થાય છે કે એ હદીસ કે જેની નીસ્બત પયગમ્બર (સ.અ.વ.) ની તરફ આપવામાં આવે છે કે અમે પયગમ્બર દુનિયાના માલમાંથી કોઇપણ વસ્તુ વારસામાં નથી છોડી જતા, તે પાયા વગરની છે અને માત્ર બાગે ફીદક ગસબ કરવાની નિય્યતથી ઘડી કાઢવામાં આવી હતી. ગમે તેમ, આ વાક્યથી જાહેર થાય છે કે ઇમામ હુસયન (અ.સ.)  હઝરત આદમ (અ.સ.) ના વારસદાર છે. એટલે દરેક તે વસ્તુ જે હઝરત આદમ (અ.સ.) ની મિલ્કત હતી અથવા તે ગુણો અને વિશેષ જેના ઉપર હઝરત આદમ (અ.સ.)  અમલ કરતા હતા તે તમામ મિલ્કતો, ગુણો અને વિશેષતાઓના માલિક અને વારસદાર ઇમામ હુસયન (અ.સ.) છે. ખાસ કરીને એ લકબ “સિફવત જે આ ઝીયારતમાં આવેલ છે. “સિફવહ એટલે પસંદ કરાએલા અથવા જેને પાક કરવામાં આવ્યા હોય. હઝરત આદમ (અ.સ.) ખુદાના વિશેષ અને પસંદ કરાએલા બંદા હતા. જેમને ખુદાવંદે મોતઆલે ઇન્સાનોના પહેલી વ્યક્તિ અને પહેલા પયગમ્બર ગણ્યા છે. તેવીજ રીતે ઇમામ હુસયન (અ.સ.) પણ બશરીયતના માટે ખુદાવન્દે આલમના પસંદ કરાએલ વ્યક્તિ છે.

(2) “અસ્સલામો અલયક યા વારેસ નુહીન નબીય્યીલ્લાહ

“સલામ થાય આપ ઉપર એ ખુદાના નબી નુહ (અ.સ.) ના વારસદાર.”

વારિસ તે માલિક હોય છે જે મિલ્કતનું રક્ષણ કરી શકે. જેવી રીતે હઝરત નૂહ (અ.સ.) એ વહાણ બનાવીને ઇમાન વાળાઓને બચાવી લીધા તેવી જ રીતે ઇમામ હુસયન (અ.સ.) એ ખુનની નદીમાં ડૂબી જઇને ઇસ્લામ અને ઇસ્લામવાળાઓને બચાવી લીધા. શાયરે સુંદર શબ્દોમાં કહ્યું છે :

ડૂબ કર પાર હો ગયા ઇસ્લામ

કૌન જાને યે કરબલા ક્યા હય

આ એક રૂહાની મિલ્કતના વારસાનું કારણ છે. જેની ચર્ચા ઉપર આવી ચૂકી છે.

(3)  “અસ્સલામો અલયક યા વારેસ ઇબ્રાહીમ ખલીલીલ્લાહ.

સલામ થાય આપ ઉપર એ ખુદાના દોસ્ત ઇબ્રાહીમ (અ.સ.) ના વારસદાર.

હઝરત ઇબ્રાહીમ (અ.સ.) ના ચાર હોદ્દાઓ છે. નબુવ્વત, રિસાલત, ખુલ્લત અને ઇમામત. સૌપ્રથમ ખુદાએ તઆલાએ હઝરત ઇબ્રાહીમ (અ.સ.) ની નિમણુંક નબી તરીકે કરી. પછી જ્યારે તેમના દરજ્જાઓ ઉંચા થયા ત્યારે અલ્લાહે તેમને રસુલ બનાવ્યા પછી જ્યારે તે આઝમાઇશ – પરીક્ષામાં પાસ થયા ત્યારે અલ્લાહે પોતાના દોસ્ત અને ખલીલ બનાવ્યા અને જ્યારે છેલ્લી પરીક્ષામાં સફળ થયા ત્યારે હક તઆલાએ તેમને ઇમામતના હોદ્દા ઉપર બિરાજમાન કર્યા. કુરઆને મજીદમાં કહેવામાં આવ્યું છે :

વત્તખઝલ્લાહો ઇબ્રાહીમ ખલીલન

(નિસાઅ : 125)

“અને અલ્લાહે ઇબ્રાહીમને દોસ્તની હયસીયતથી લીધા.”

આ આયતના સંદર્ભમાં હઝરત રસુલે અકરમ (સ.અ.વ.) ફરમાવે છે કે આ આયતમાં ખલીલ, ખલ્લત અથવા ખુલ્લત શબ્દથી બનેલો છે. ખલ્લતનો અર્થ છે ફકીર અને ફાકા. એમાં શંકા નથી કે ઇબ્રાહીમ (અ.સ.) માત્ર અને માત્ર પોતાના પરવરદિગારના જ મોહતાજ હતા અને માત્ર તેની તરફ જ રજૂ થતા હતા અને (અલ્લાહની સિવાય બીજા) લોકોથી દૂર રહેતા હતા, મોઢું ફેરવી લેતા હતા અને પરવા કરતા ન હતા. તેથી જ્યારે નમરૂદે ઇરાદો કર્યો કે તેમને આગમાં ફેંકે ત્યારે અલ્લાહે જીબ્રઇલ (અ.સ.) ને હુકમ આપ્યો કે જાવ અને મારા બંદાની મદદ કરો. જીબ્રઇલ (અ.સ.) આવ્યા અને હવામાં ઇબ્રાહીમ (અ.સ.)ની સાથે મુલાકાત કરી. અને કહ્યું: “લાવો હું આપ નો બોજો સંભાળું. ખુદાએ મને આપની મદદ અને સહાય કરવા માટે મોકલ્યો છે. આપ (અ.સ.) એ જવાબ આપ્યો, “નહિ, અલ્લાહ મારા માટે કાફી છે, સર્વશ્રેષ્ઠ વકીલ અને ભરોસાનું સ્થાન છે. યકીનથી હું તેની સિવાય બીજા કોઇ પાસે માગતો નથી અને તેની સિવાય કોઇનો મોહતાજ નથી. તેથી અલ્લાહે તેમનું નામ ખલીલ રાખ્યું છે. એટલે તેના (અલ્લાહના) જ ફકીર, તેના મોહતાજ અને તેની સિવાયના બાકીના બધાથી અલગ.

(તફસીરે નુરૂસ્સકલયન ભા. 1 પા. 554)

ઇમામ બાકીર (અ.સ.) ફરમાવે છે :

“અલ્લાહ અઝ્ઝ વ જલ્લએ ઇબ્રાહીમ (અ.સ.) ને પોતાના ખલીલ એટલા માટે બનાવ્યા કે આપ કોઇને ખાલી હાથે પાછા ફેરવતા નહિ. અને અલ્લાહ અઝ્ઝ વ જલ્લની સિવાય કોઇની પણ પાસે માગતા નહીં.      (એલુલશ્શરાએઅ પા. 34)

બીજી એક હદીસમાં  હ. રસુલ અકરમ (સ.અ.વ.) ફરમાવે છે કે અલ્લાહે ઇબ્રાહીમ (અ.સ.) ને ખલીલ નથી બનાવ્યા, પરંતુ એટલા માટે કે તેઓ લોકોને જમાડતા હતા અને જ્યારે લોકો સુતા હોય ત્યારે આપ (અ.સ.) નમાઝે શબમાં મશ્ગુલ રહેતા હતા.                             (એલલુશ્શરાએઅ પા. 35)

જ્યારે આપણે ઉપર દર્શાવેલ હદીસો ઉપર વિચાર કરીએ છીએ ત્યારે હઝરત ઇબ્રાહીમ (અ.સ.) ની અમુક વિશેષતાઓ આપણા ધ્યાન ઉપર આવે છે. અને ઇમામ હુસયન (અ.સ.) તેઓના વારસદાર હતા. એટલે માત્ર અને માત્ર અલ્લાહની જાત ઉપર ભરોસો કરવો, બીજા કોઇની પણ પાસે મદદ ન માગવી, કોઇ સવાલ કરનારને ખાલી હાથે પાછો ન મોકલવો, લોકોને ભરપેટ ખવડાવવું અને રાતના અંધારામાં જ્યારે લોકો સુવાની પથારી ઉપર આરામ કરી રહ્યા હોય ત્યારે અલ્લાહની ઇબાદતમાં મશ્ગુલ રહેવું. આ ઇબાદતનો શ્રેષ્ઠ નમુનો શબે આશુર છે. જ્યારે દુશ્મનો એશ આરામમાં ડૂબેલા હતા જ્યારે કે નામીચા ખબરીઓ અને તેના માનનારાઓ ઇસ્લામથી ભટકી ગએલા લોકો,  ગફલતના સપ્નામાં અને બેહોશીમાં ડૂબેલા હતા ત્યારે હુસયન (અ.સ.) અને હુસયન (અ.સ.) ના અસહાબો હકની તસ્બીહમાં મશ્ગુલ હતા. સુકા હોઠો ઉપર કુરઆન પઢાઇ રહ્યું હતું. દરેક બીબી પોતાના સંતાનને શણગારી રહી હતી, જેથી બીજે દિવસે અલ્લાહની રાહમાં હુસયન (અ.સ.) ઉપર તેઓને કુરબાન કરે, જેથી ઇસ્લામની હરમત બચી જાય.

(4)  “અસ્સલામો અલયક યા વારેસ મુસા કલીમીલ્લાહ

“સલામ થાય આપ ઉપર એ અલ્લાહ સાથે વાત કરનાર મુસાના વારીસ.

કુરઆને મજીદમાં છે : “… વ કલ્લમલ્લાહો મુસા તક્લીમા

“અને અલ્લાહે મુસા સાથે એવી રીતે વાત કરી જેવી રીતે વાત કરવાનો હક હતો.”

(નિસા : 164)

અમીરૂલ મોઅમેનીન અલી ઇબ્ને અબી તાલીબ (અ.સ.) ફરમાવે છે :

“બધા વખાણ અલ્લાહ માટે છે… જેણે વાતચીત કરવાના કોઇપણ અંગ ઉપાંગોનો ઉપયોગ કર્યા વગર તેમજ ગળાની કોઇ હરકત (હલન ચલન) કે કોઇ માધ્યમ વગર મુસા (અ.સ.) સાથે વાતચીત કરી અને તેમને પોતાની ભવ્ય નિશાનીઓને દેખાડી.

(નહજુલ બલાગાહ ખુત્બા 182)

ઇમામ સાદિક (અ.સ.) ફરમાવે છે કે અલ્લાહે હઝરત મુસા બીન ઇમરાન (અ.સ.) ઉપર વહી મોકલી કે “એ મુસા ! શું તમને ખબર છે કે મેં તમને મારી મખ્લુકોમાં શા માટે પસંદ કર્યા અને મારી વાતચીત માટે શા માટે તમારી નિયુક્ત કર્યા ? હઝરત મુસા (અ.સ.) એ જવાબ આપ્યો, “નહિ એ મારા રબ! પછી અલ્લાહે વહી મોકલી કે મેં જમીનના બધા વિસ્તારોમાં તપાસ કરી, પરંતુ મને તમારી કરતા વધુ સારો આદરભાવ અને વિનમ્રતાવાળો ઇન્સાન નથી મળ્યો. શું ઇન્સાનિયતનો ઇતિહાસ હઝરત ઇમામ હુસયન (અ.સ.) થી વધુ આદરભાવ ધરાવનાર વિનમ્ર વ્યક્તિ જેવું દ્રષ્ટાંત લાવી શકે છે ?

(આમાલીએ તુસી પા. 165)

(5) “અસ્સલામો અલયક યા વારેસ ઇસા રૂહીલ્લાહ

“સલામ થાય આપ ઉપર એ ઇસા રૂહીલ્લાહના વારીસ.

હઝરત ઇસા (અ.સ.) માટે અલ્લાહ કહે છે :

“યકીનથી મસીહ-ઇસા ઇબ્ને મરયમ (અ.સ.) અલ્લાહના રસુલ છે અને તેના કલેમા છે, જેણે (અલ્લાહે) મરયમના દિલમાં વહીથી સ્ફૂર્ણા કરી અને અલ્લાહની રૂહ છે.

રૂહલ્લાહ એટલે શું ? રાવીએ આ જ સવાલ ઇમામ સાદિક (અ.સ.) ને કર્યો. ઇમામે જવાબ આપ્યો : “આ રૂહ (એટલે ઇસા (અ.સ.) ની રૂહ) અલ્લાહનું એક સર્જન છે, જેને અલ્લાહે આદમ (અ.સ.) અને ઇસા (અ.સ.) માં પેદા કરી.

(તફસીરે નુરૂસ્સકલયન ભા. 1, પા. 577)

એટલે બે જુદી જુદી રૂહો છે. જેને અલ્લાહ તઆલાએ પોતાના બે નબીઓ માટે પસંદ કરી. બીજા શબ્દોમાં હઝરત ઇસા (અ.સ.) નું ઉદાહરણ હઝરત આદમ (અ.સ.) ની જેવું હતું. જે રીતે ખુદાવંદે આલમે હઝરત આદમ (અ.સ.) ને પેદા કરવા માટે હુકમ કર્યો “કુન અને તે પૈદા થઇ ગયા. હઝરત ઇસા (અ.સ.) ને પેદા કરવા માટે પણ એજ રીત અપ્નાવવામાં આવી. ફરક માત્ર એટલો છે કે હઝત આદમ (અ.સ.) મા-બાપ વગર પેદા થયા, હઝરત ઇસા (અ.સ.) માત્ર બાપ વગર પેદા થયા અને તેમની રૂહને મરયમ (અ.સ.) ના પેટમાં નાખવામાં આવી. હવે જે રીતે હઝરત ઇસા (અ.સ.) ની રૂહની ગણતરી પસંદ કરાએલી રૂહમાં થાય છે તેવી જ રીતે ઇમામ હુસયન (અ.સ.) અને કરબલાના બીજા શહીદોની રૂહોની ગણતરી પણ આવા પ્રકારની રૂહોમાં થાય છે. “સલામ થાય આપની ઉપર એ અબા અબ્દીલ્લાહીલ હુસયન (અ.સ.) અને તેઓની રૂહો ઉપર જે આપ ના દર ઉપર (કદમોમાં) શહીદ કરવામાં આવ્યા છે. આ સિવાય જેટલા પણ વિશેષ ગુણો હઝરત ઇસા (અ.સ.) ધરાવે છે તે બધા ગુણોના વારસદાર ઇમામ હુસયન (અ.સ.) પણ છે.

આવો ! કુરઆને કરીમમાં જે ગુણો દર્શાવવામાં આવ્યા છે તેની ઉપર એક નજર કરીએ.

(1) મસીહ (આલે ઇમરાન-54) (2) રૂહલ્લાહ (નિસાઅ-171) (3) ઇમામ (અહઝાબ : 7) (4) લોકોના આઅમાલના સાક્ષી (નિસાઅ-159) (5) દુનિયા અને આખેરતમાં પ્રભાવશાળી વ્યક્તિત્વ (આલે ઇમરાન-45) (6) અલ્લાહના નજદીકના બંદાઓમાંથી (આલે ઇમરાન-45) (7) પસંદ કરેલ વ્યક્તિઓમાંથી છે. (આલે ઇમરાન-33) (8) નેક લોકોમાંથી હતા. (અન્આમ : 85) (9) જ્યાં હતા ત્યાં બરકત સ્વરૂપે હતા. પાક લોકોના માટે નિશાની, અલ્લાહની તરફથી રહમત, પોતાની મા સાથે નેક વર્તન, સંપૂર્ણત : (સુરા મરયમ : 19-33) (10) તે કે જેને અલ્લાહે કિતાબ અને હિકમતની તાલીમ આપી. (આલે ઇમરાન-48)

હઝરત ઇમામ હુસયન અલયહિસ્સલામ આ બધા વિશેષ ગુણો ધરાવનારા વારીસ છે.

(6) “અસ્સલામો અલયક યા વારેસ મોહમ્મદીન હબીબીલ્લાહ

સલામ થાય આપ ઉપર એ ખુદાના હબીબ મોહમ્મદ (સ.અ.વ.) ના વારસદાર.

આ ઉચ્ચ સ્થાન, એટલે કે અલ્લાહના હબીબ (પ્રિય) થવું તે અલ્લાહના ખલીલ (દોસ્ત) થવા કરતા ઉચ્ચતર છે. ખુદ રસુલે અકરમ (સ.અ.વ.) એ હઝરત ઇબ્રાહીમ (અ.સ.) ઉપર પોતાની ઉચ્ચતા અને ફઝીલતની જાહેરાત આ રીતે કરી છે :

“જો  ઇબ્રાહીમ (અ.સ.) અલ્લાહના ખલીલ હતા તો હું મોહમ્મદ (સ.અ.વ.) તેનો હબીબ છું.

(અલ – એહતેજાજ ભાગ : 1, પા. 110)

બીજા શબ્દોમાં, હઝરત ખાતેમુલ અમ્બીયા (સ.અ.વ.) કરતા વધારે ગુણવાન હસ્તીને અલ્લાહે પેદાજ નથી કરી. ઇમામ હુસયન (અ.સ.) આ જ વિશેષ ગુણોના વારસદાર હતા. નહિ તો રસુલે ખુદા (સ.અ.વ.) આ પ્રમાણે ન ફરમાવતે : “મારો હુસયન મારાથી છે અને હું હુસયનથી છું.

(ઓયુને અખ્બારે રેઝા ભાગ. 1, પા. 262)

(7) “અસ્સલામો અલયક યા વારેસ અમીરીલ મોઅમેનીન અલયહીસ્સલામ

“સલામ થાય આપ ઉપર એ અમીરૂલ મોઅમેનીન (અ.સ.) ના વારસદાર.

“અમીરૂલ મોઅમેનીન નો લકબ માત્ર અને માત્ર અલી બીન અબીતાલીબ (અ.સ.) થી મખ્સુસ છે. ત્યાં સુધી કે બીજા કોઇ ઇમામના માટે પણ આ લકબનો ઉપયોગ નથી કરી શકાતો. રાવીએ ઇમામ સાદિક (અ.સ.) ને પૂછયું કે શું હું આપને અમીરૂલ મોઅમેનીન (અ.સ.) કહીને સંબોધન કરી શકું છું ? ઇમામ (અ.સ.) એ ફરમાવ્યું : નહિ, આ લકબ માત્ર અલી બીન અબી તાલીબ (અ.સ.) ના માટે મખ્સુસ છે. બીજા કોઇને આ હક જ નથી. યા અલી ! હુસયન આપ ના તે ફરઝન્દ છે જે અમ્બીયા મુરસલીનના વારસ નબીઓ અને રસૂલોના છે, આપ ના તમામ ગુણો બહાદુરી, સખાવત, ફસાહત, ઇલ્મ અને હિલ્મ, સબર અને રઝા, આ બધા ગુણો તો હુસયન (અ.સ.) માં જોવા મળે છે, તો પછી વારસાઇમાં અમીરૂલ મોઅમેનીન (અ.સ.) શા માટે નથી કહી શકતા ?

કદાચ જવાબ મળે, ઇરજેઇ યા નફસીલ મુત્મઇન્નાના તાજદાર હુસયન (અ.સ.) થી અલ્લાહના રસુલ છે જે અમારાથી બુઝુર્ગ છે. આ લકબને રસુલે અકરમ (સ.અ.વ.) એ મારા માટે પસંદ કર્યો અને તેમાં કોઇને શરીક નથી કર્યા. મખ્સુસ કર્યું છે માત્ર મારા માટે અને બસ.

ઝીયારતના એ વાક્યો જેમાં ઇમામ હુસયન (અ.સ.) ને નબીઓ અને અમીરૂલ મોઅમેનીન (અ.સ.) ના વારસદાર દશર્વ્યિા છે, તે અહીં પૂરા થાય છે. હવે સંબોધન બદલાય જાય છે.

(8) “અસ્સલામો અલયક યબ્ન મોહમ્મદેનીલ મુસ્તફા

“સલામ થાય આપ ઉપર એ મોહમ્મદ મુસ્તફા (સ.અ.વ.) ના ફરઝન્દ.

તે રિવાયતો જેમાં ઇમામ હસન (અ.સ.) અને ઇમામ હુસયન (અ.સ.) ને રસુલે ખુદા (સ.અ.વ.) ના પુત્રો દર્શાવવામાં આવ્યા છે તે અસંખ્ય રાવીઓની અગણીત રિવાયતોથી સાબિત છે. ખુદ રસુલે અકરમ (સ.અ.વ.) એ વારંવાર જાહેરાત કરી છે કે હસન અને હુસયન મારા પુત્રો છે.

(9) “અસ્સલામો અલયક યબ્ન અલીય્યેનીલ મુરતઝા.

“સલામ થાય આપ ઉપર એ અલી મુરતુઝા (અ.સ.) ના પુત્ર

(10) “અસ્સલામો અલયક યબ્ન ફાતેમતઝ્ઝહરા

“સલામ થાય આપ ઉપર એ ફાતેમાહ ઝહેરા (સ.અ.) ના ફરઝંદ.

સામાન્ય રીતે હઝરત ઝહરા સલામુલ્લાહે અલયહા પોતાના બધા બાળકોને ચાહતા હતા, પરંતુ ઇમામ હુસયન (અ.સ.) ની સાથે તેમને ખાસ લગાવ હતો. કદાચ તેનું કારણ એ હોય કે આપને કરબલાના બનાવની ખબર આપવામાં આવી હતી. અને તે સાંભળીને આપ ખૂબજ રડ્યા હતા. માનવ સહજ સ્વભાવ છે કે તે પોતાના એવા બાળક સાથે વધુ લગાવ ધરાવે છે જે મુસીબતોમાં ઘેરાએલો હોય છે. તેથી જ્યારે હઝરત ઝહરા (સ.અ.) ની નજર પોતાના લાડકા પુત્ર ઇમામ હુસયન (અ.સ.) ઉપર પડતી હશે ત્યારે કરબલાનું આખું દ્રશ્ય તેઓની નજર સામે આવી જતું હશે અને દિલની હાલત બદલાઇ જતી હશે.

(11) “અસ્સલામો અલયક યબ્ન ખદીજત લ્કુબ્રા

“સલામ થાય આપ ઉપર એ ખદીજા કુબ્રાના પુત્ર. જેણે ખુદાની રાહમાં સર્વસ્વ લુંટાવી દીધું અને ઇસ્લામને બચાવી લીધો.

(12)  “અસ્સલામો અલયક યા સારલ્લાહે વબ્ન સારેહી વલ વીતરલ મવતુર

“સલામ થાય આપ ઉપર એ ખુદાના પાક ખૂન અને તેના ફરઝન્દ. એ એકલા જેને એકલા છોડી દેવામાં આવ્યા હોય.

‘સાર’ એટલે ખૂન. આ વાક્યમાં ઇમામ હુસયન (અ.સ.) ને “સારલ્લાહના લકબથી યાદ કરવામાં આવ્યા છે. એટલે અલ્લાહનું લોહી. શું અલ્લાહ લોહી ધરાવે છે ? નહિ. બલ્કે તેનો અર્થ એ છે કે ઇમામ હુસયન (અ.સ.) એ હસ્તી જેઓએ અલ્લાહની રાહમાં પોતાનું લોહી વહાવ્યું છે. અલ્લાહને ઇમામ હુસયન (અ.સ.) ની શહાદત એટલી બધી પ્યારી છે કે જાણે કે જેણે હુસયન (અ.સ.) નું લોહી વહાવ્યું તેણે ખુદાનું લોહી વહાવ્યું. જેણે હુસયન (અ.સ.) સાથે લડાઇ કરી તેણે ખુદા સાથે લડાઇ કરી. ખાત્રીપૂર્વક ખુદાવંદે આલમ હુસયન (અ.સ.) ના કાતીલો સાથે એવો બદલો લેશે જેનો નમુનો માનવજાત તો શું સમગ્ર દુનિયાએ નહિ જોયો હોય.

તે પછી આ વાક્ય આવે છે : “વબ્ન સારેહી

એટલે ઇમામ હુસયન (અ.સ.)  અલ્લાહના ખુનના પુત્ર પણ છે. તેનાથી મતલબ અમીરૂલ મોઅમેનીન અલી ઇબ્ને અબી તાલીબ (અ.સ.) પણ છે. એટલે અલી (અ.સ.) પણ તે છે જેઓએ ખુદાની રાહમાં શહાદતનો ફૈઝ મેળવ્યો. કેવા સદગુણો છે આ પરિવારના! પિતા અને પુત્ર બન્નેને ” સારલ્લાહ (અલ્લાહનું લોહી) ના લકબથી નવાઝવામાં આવ્યા છે. ઇતિહાસમાં છે કોઇ ઉદાહરણ કે દાખલો આ પ્રકારનો ? છે કોઇ જે આ દાવો કરી શકે છે કે કોઇ પિતા-પુત્ર બંનેને આવું સ્થાન મળ્યું હોય?

“વલ  વીત્ર”

અહીં ઝીયારતમાં “વીત્ર શબ્દ ઉપર ઝબર દર્શાવે છે કે હકીકતમાં આ શબ્દ કાં તો “વીત્રલ્લાહ” હતો જેને અરબી વ્યાકરણમાં ‘મુનાદી એ મુરક્કબ’ કહે છે. જે હંમેશા જોડાએલા રહે છે. નહિ તો તેને “મરફૂઅ એટલે “વલ – વીતરો હોવું જોઇતું હતું. “વત્ર ના અર્થ કેટલાક છે. એક એવો અર્થ થાય છે કે “એક જેનો માલ, જેના કુટુંબીજનો બધાને લૂંટી લેવામાં આવ્યા હોય છે અને તેને એકલો છોડી દેવામાં આવ્યો હોય. તેનો એક બીજો અર્થ એ છે કે “એ કત્લ કરવામાં આવેલ અથવા એ શહીદ કે જેનું લોહી શહાદતની પછી ન મળે. “અલ – મવતુર પણ શબ્દ “વીત્ર જેવો છે જેનો અર્થ પણ લગભગ એવોજ થાય છે. જે “વીત્ર નો છે અરબી વ્યાકરણના કારણે ફર્ક માત્ર એ છે કે “વીત્ર વિશેષણ છે અને “મવતુર “ઇસ્મે મફઉલ છે. (કર્મ વાચક નામ છે.)

ઇમામ હુસયન (અ.સ.) તે મઝલુમ છે કે જેમનો માલ, કુટુંબીજનો, સર્વસ્વ લૂંટી લેવામાં આવ્યું. ઇમામ (અ.સ.) માત્ર એકલા દુશ્મનોની વચ્ચે ઊભા હતા. અને જેવી આશુરની અસરનો સમય થયો  કે તરત જ કરબલાની જમીન ઉપર અવાજ ગુંજી ઉઠ્યો :

“કોતેલલ – હસયનો બે – કરબલા.

હાય મઝલુમ હુસયન !              (ક્રમશ:)

Have your say!

Add your comment below, or trackback from your own site. You can also subscribe to these comments via RSS.

Be nice. Keep it clean. Stay on topic. No spam.