ઇમામ હુસયન અલયહીસ્સલામની ઝીયારતની ભવ્યતા અને આખેરતના દરજ્જાઓ

Print Friendly, PDF & Email

અલ મુન્તઝરના મોહર્રમ અંક હિ.સન 1422 માં “ઇમામ હુસયન (અ.સ.) ના ઝવ્વાર – ઝીયારતના ઇરાદાથી વતન પાછા ફરવા સુધી ના શિર્ષક હેઠળ અમુક બાબતો આપની સેવામાં રજૂ કરી ચૂક્યા છીએ. આ ક્રમને આગળ વધારતા એ બાબત પ્રત્યે ઇશારો કરશું કે કયામતના મેદાનમાં ઇમામ હુસયન (અ.સ.) ની ઝીયારત કરનારાઓનો દરજ્જો કેવો હશે. શક્ય છે કે અમુક લોકોના મનમાં એ વિચાર આવે કે એ કેવી રીતે બની શકે ? થોડી ક્ષણોની ઝીયારત અને તેની અગણિત અસરો ?

આ વિચાર એટલા માટે આવે છે કે આપણે દરેક બાબતને માત્ર ભૌતિક દ્રષ્ટિથી જોવા માટે ટેવાઇ ગયા છીએ. જો પવિત્ર દીને ઇસ્લામના શિક્ષણને નજરની સામે રાખીએ તો દિલમાં ક્યારે પણ આવો સવાલ પેદા નહિ થાય.

ઇસ્લામની માન્યતાઓ એકબીજા સાથે સાંકળની જેમ જોડાએલી છે. અર્થાંત : એક માન્યતા ત્યારે જ મુક્તિનું કારણ બની શકે જ્યારે બીજી માન્યતા તેની સાથે હોય. તવહીદની માન્યતા ત્યારેજ લાભદાયક સાબિત થાય જ્યારે તેની સાથે કયામતની માન્યતા પણ હોય. કયામતની માન્યતા ત્યારે મુક્તિનું કારણ બનશે જ્યારે નબુવ્વતની માન્યતા તેની સાથે હોય. નબુવ્વતની માન્યતા એ સમયે ગુમરાહીથી મુક્તિ અપાવશે જ્યારે ઇમામતનો અકીદો તેની સાથે હોય. ઇમામતની સાથે અલ્લાહના ન્યાયનો અકીદો હોવો જરૂરી છે.

જો કોઇ એમ વિચારે કે તૌહિદના અકીદાને પરિપૂર્ણ કરવા માટે બાકીના અકીદાઓ જરૂરી નથી, તેથી જો કોઇ માણસ સંપૂર્ણ રીતે અલ્લાહનો એક હોવાનો અકીદો ધરાવતો હોય અને કયામત અને નબુવ્વત ઉપર અકીદો ન ધરાવતો હોય અને એમ માનતો હોય કે તેમ કરવામાં કોઇ નુકસાન નથી, તો આ વિચાર તદ્દન ખોટો છે. કારણ કે તૌહિદના અકીદા માટે જરૂરી એ છે કે તે ખુદાની બધી બાબતો ઉપર યકીન ધરાવતો હોય અને તેનો સંપૂર્ણ રીતે સ્વિકાર કરતો હોય. જ્યારે ખુદાએ કયામતની વારંવાર ચર્ચા કરી છે અને તેના આવવાની ખાત્રી આપી છે તો કયામતનો ઇન્કાર હકીકતમાં ખુદાની વાતનો ઇન્કાર છે. ખુદાની વાતનો ઇન્કાર કરવાનો અર્થ જ એ છે કે તૌહિદ સંપૂર્ણ નથી. તેવી જ રીતે જ્યારે ખુદા નબીઓને પોતાના પ્રતિનિધિ બનાવીને લોકોની હિદાયત માટે મોકલે અને તેઓની સચ્ચાઇની દલીલો પણ તેઓની સાથે મોકલે અને નબીઓે પોતાની નબુવ્વતની સાબિતી માટે જાહેરમાં નમૂનાઓ રજૂ કરે. અને સાબિત કરી આપે કે તે ખુદા તરફથી મોકલાએલા છે, તો આ સંજોગોમાં નબુવ્વતનો સ્વિકાર ન કરવો, તે શું ખુદાના કૌલને જુઠલાવવા નહી કહેવાય ?

જો કોઇ માણસ નબીની નબુવ્વત ઉપર સંપૂર્ણ ઇમાન ધરાવે અને તેના કોલને ખુદાનો કોલ અને તેના હુકમને ખુદાનો હુકમ ગણે છે, તો પછી તે સંજોગોમાં નબીએ કરીમ (સ.અ.વ.) એ નિમેલ ઉત્તરાધિકારીનો, વારસદારનો સ્વિકાર ન કરવો તે શું ખુદા અને તેના રસુલને જુઠલાવવા જેવું નથી ? શું આ સંજોગોમાં નબુવ્વતનો અકીદો સંપૂર્ણ ગણી શકાશે ?

ટૂંકમાં એ કે તૌહિદ કયામત સાથે જોડાએલા છે, તૌહિદ અને કયામત નબુવ્વત સાથે જોડાએલા છે, તૌહિદ, કયામત અને નબુવ્વત – ઇમામત અને અદાલત સાથે જોડાએલા છે. જો કોઇ ઇમામતમાં નથી માનતો, તો ન તો તેની તૌહિદ પૂર્ણ છે ન કયામત ઉપરનું ઇમાન સંપૂર્ણ છે, ન તો નબુવ્વત ઉપરના અકીદો  બાકી રહે છે. આ બધા અકીદાઓ ઉપર પુરેપુરું યકીન રાખવું જરૂરી છે.

એક વખત હઝત રસુલે ખુદા (સ.અ.વ.) એ ઝકાતની ફઝીલત બયાન કરતા ફરમાવ્યું :

“જો કોઇ ઝકાત અદા ન કરે તો તેણે નમાઝના હુકમનો અમલ નથી કર્યો. નમાઝ તેને પાછી આપી દેવામાં આવશે અને એવી રીતે લપેટી દેવામાં આવશે જેવી રીતે જુનું કપડું લપેટી દેવામાં આવે છે. તે નમાઝ તેના મોઢા ઉપર મારવામાં આવશે અને તેને કહેવામાં આવશે : એ ખુદાના બંદા ! ઝકાત વગર તમે નમાઝથી શું ચાહો છો ?”

આ સાંભળીને અસહાબે કહ્યું : ખુદાની કસમ ! એ માણસની હાલત કેવી ખરાબ અને બરબાદ છે.

હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) એ ફરમાવ્યુ :

“શું હું તેનાથી પણ વધુ ખરાબ અને બરબાદ માણસ વિશે કહું?

અસ્હાબે અરજ કરી : એ અલ્લાહના રસુલ ! બયાન ફરમાવો.

આં હઝરત (સ.અ.વ.) એ ફરમાવ્યું :

“એક માણસે જેહાદમાં ભાગ લીધો અને શુરવીરતાથી લડતા લડતા મરણ પામ્યો. હુરોને તેની શહાદતની ખબર મળી. જન્નતના દરવાનોએ તેની રૂહના આવવાની ખબર સાંભળી. જમીનના ફરિશ્તાઓને હુરોના ઉતરવાની અને જન્નતના દરવાનોના આવવાની ખબર આપી દેવામાં આવી. તેમ છતાં તેમાંનું કોઇ પણ ન આવ્યું. તે મરનારની આજુબાજુના જમીનના ફરિશ્તાઓએ કહ્યું : શું થયું ? હજુ સુધી હુરો ન આવી ? જન્નતના દરવાન પણ ન આવ્યા ? સાતમા આસમાનની ઉંચાઇએથી અવાજ આવ્યો : એ ફરિશ્તાઓ ! આસમાનની ઉંચાઇ ઉપર જૂઓ. ફરિશ્તાઓએ નજર ઉઠાવીને આસમાનની તરફ જોયું. તે માણસના અકીદાઓ, તૌહિદ, રસુલે ખુદા (સ.અવ.) ઉપર ઇમાન, નમાઝ, ઝકાત, સદકાઓ અને બધા નેક આમાલો આસમાનની નીચે રોકી રાખવામાં આવ્યા હતા. બધા આસમાનો એક ભવ્ય કાફલાની જેમ ભરેલા હતા. પૂર્વ, પશ્ર્ચિમ, ઉત્તર, દક્ષિણ દરેક બાજુએ મલાએકા જ મલાએકા છે. તે બંદાના આમાલને લાવનારા ફરિશ્તાઓ કહી રહ્યા છે કે આસમાનના દરવાજા કેમ નથી ખોલતા, જેથી અમે આ શહીદના આમાલને લઇને હાજર થઇએ. ખુદા હુકમ આપે છે અને દરવાજા ખુલી જાય છે. પછી એક અવાજ આવે છે કે એ ફરિશ્તાઓ, જો તમે દાખલ થઇ શકતા હો તો જરૂર દાખલ થાવ. પરંતુ આ ફરિશ્તાઓ આમાલને ઉપાડી જ નથી શકતા.

ફરિશ્તાઓ અરજ કરે છે કે અમે આ આમાલ ઉપાડવાની શક્તિ નથી ધરાવતા. ખુદાના તરફથી અવાજ આવે છે કે એ ફરિશ્તાઓ, તમે આ આમાલને ઉપાડી ઉપર નથી લાવી શકતા. આ આમાલને ઉપર લઇ જવા માટે વસીલો અને સવારી જોઇએ. જેથી આ આમાલ આસમાન સુધી પહોંચે અને જન્નતમાં જગ્યા મેળવે. ફરિશ્તાઓ અરજ કરે છે કે એ અમારા પરવરદિગાર ! તે સવારી શું છે ? ખુદા ફરમાવે છે કે એ ફરિશ્તાઓ ! તમે શું ઉપાડીને લાવ્યા છો ?

તેઓ અરજ કરે છે કે તારી તૌહિદ, તારા નબી ઉપર ઇમાન.

ખુદા ફરમાવે છે કે આ ચીજોની સવારી મારા નબીના ભાઇ અલી (અ.સ.) ની વિલાયત અને પવિત્ર ઇમામોની વિલાયત છે. તે સવારી આ આમાલોને જન્નત સુધી પહોંચાડશે.

ફરિશ્તાઓ આ આમાલને જૂએ છે, પરંતુ તેમાં અલી (અ.સ.) અને તેમની પાકીઝા અવલાદની વિલાયત દેખાતી નથી. અને ન તેઓના દુશ્મનો સાથે દુશ્મની દેખાય છે. ખુદા તે આમાલ લાવનારા ફરિશ્તાઓને કહે છે કે આ આમાલને અહીંથી લઇ જાઓ. અને મારા મલાએકાના કેન્દ્રોમાં જમા કરાવી દો જે તેને લાયક છે તે તેને લઇ જશે અને જ્યાંના હકદાર છે ત્યાં રાખી દેશે.

આ ફરિશ્તાઓ તે આમાલોને તેને લગતા કેન્દ્રો સુધી પહોંચાડી દે છે. પછી ખુદાનો અવાજ આવે છે એ જહન્નમની આગની જવાળાઓ આ આમાલને લઇ લો અને જહન્નમમાં નાખી દો. એટલા માટે કે આ આમાલ કરનાર તે આમાલની સવારી અલી (અ.સ.) અને તેમની પાકીઝા અવલાદ (અ.સ.) ની વિલાયત અને મોહબ્બત લઇને નથી આવ્યો. ફરિશ્તાઓ તે આમાલને લઇને જશે. એ જ આમાલ તે માણસ માટે બલા અને મુસીબત બની જશે. એટલા માટે કે આ માણસ હઝરત અલી (અ.સ.) અને તેમની પાકીઝા અવલાદ (અ.સ.) ની મોહબ્બત અને વિલાયતને લઇને નથી આવ્યો.

પછી તે આમાલ હઝરત અલી (અ.સ.) ના વિરોધી અને તેમના દુશ્મનો સાથે દોસ્તીને અવાજ આપશે. ખુદા કાગડા અને ચીલ જેવા કાળા ચહેરાને તેના ઉપર ઢાંકી દેશે. તે કાળા ચહેરાના મોઢામાંથી આગ નીકળશે. તેના બધા આમાલ બરબાદ થઇ જશે. હઝરત અલી (અ.સ.) ના દુશ્મનો સાથે દોસ્તી અને હઝરત અલી (અ.સ.) ની વિલાયતનો ઇન્કાર બાકી રહી જશે, જે તેને જહન્નમની સૌથી ખરાબ જગ્યા ઉપર પહોંચાડી દેશે. તેના બધા આમાલ બરબાદ થઇ જશે અને તેના ગુનાહ ઘણા વધારે હશે. આ એ શખ્સ છે જેની હાલત ઝકાત ન આપવાવાળાથી વધારે ખરાબ અને બરબાદ છે.

(તફસીરે ઇમામે હસન અસ્કરી (અ.સ.) પા. 76-79, મુસ્તદરકુલ વસાએલ ભાગ : 1, હ. 40, પા. 163)

આ પ્રકારની અસંખ્ય રિવાયતો છે. જેના ઉપરથી સમજી શકાય છે કે પવિત્ર અહલેબયત અલયહેમુસ્સલામની વિલાયત, ઇમામત, મોહબ્બત અને તેઓના દુશ્મનો સાથે નફરતની સિવાય કોઇપણ અકીદો અને કોઇપણ અમલ અલ્લાહની બારગાહમાં કબુલ નહિ થાય. આ પ્રકારના લોકોનું સ્થાન જન્નતની બદલે જહન્નમ હશે.

મઅસુમ ઇમામો અને ખાસ કરીને ઇમામ હુસયન (અ.સ.) ની ઝીયારત આ વિલાયત અને મોહબ્બતની અમલી જાહેરાત છે. કારણ કે બધા અમલનો તમામ આધાર વિલાયત અને મોહબ્બત ઉપર છે. આ ઝીયારતો, વિલાયત અને મોહબ્બતને મજબુતી અને અડગતા આપે છે. તેથી ઝિયારત ઝવ્વાર અને ઇમામની વચ્ચે એક દિલી સંપર્ક કાયમ કરે છે. તેથી ઝીયારત શબ્દ આ દિલના સંબંધની જાહેરાત છે. ઝીયારતના શબ્દો એ જાહેર કરે છે કે આ સંબંધ માત્ર લાગણીનો સંબંધ નથી. આ સંબંધ મઅરેફતનો પણ સંબંધ છે. એટલે કે આ સંબંધ તે પવિત્ર વ્યક્તિ માટે છે જેને ખુદાએ પોતાના પ્રતિનિધી બનાવ્યા હતા અને સમગ્ર જગતને જેની તાબેદારીનો હુકમ આપ્યો હતો. ઇન્સાન સિવાય દુનિયાનો એક એક અંશ તેનો તાબેદાર હતો. પરંતુ જાલીમ અને જાહીલ ઇન્સાને તેમને એ રીતે કત્લ કર્યા જે રીતે જાનવરોને પણ કત્લ કરવામાં નથી આવતા.

આ ઝુલ્મ દુનિયામાં ખુદાના પ્રતિનિધિ ઉપર ઝુલ્મ છે. જે ખરેખર તો ખુદા પર ઝુલ્મ છે. મઝલુમની ઝિયારતમાં નિખાલસ હમદર્દી અને ઝાલીમથી જાહેરમાં નફરત અને દૂરી છે.

ઝીયારત, ઇમામ સિવાય તેમના દીન તેમના તરીકા અને તેમના અખ્લાક સાથે સીધો સંબંધ ધરાવે છે. આ ઝીયારત ઇમામના દુશ્મનો, દુશ્મનોના બધા અકીદાઓ, સિધ્ધાંતો, આમાલ અને અખ્લાકથી દૂરી છે.

આવો ! એ જોઇએ કે કયામત અને તેની પછીના પ્રસંગોમાં ઇમામ હુસૈન (અ.સ.) ની ઝીયારત કરનારાઓના કેવા કેવા દરજ્જાઓ હશે ? એ વાત પણ ધ્યાનમાં રહે કે રિવાયતોમાં જે કાંઇ પણ બયાન કરવામાં આવ્યું છે તે માત્ર આપણી અક્કલ, સમજશક્તિ અને ગ્રહણ શક્તિ મુજબ છે. નહિ તો હકીકતમાં ઝવ્વારના સાચા દરજ્જાઓ તો ખુદા અને રસુલ જ બેહતર જાણે છે.

આ નાની એવી પ્રસ્તાવના પછી આવો, આપણે જોઇએ કે ઇમામ હુસયન (અ.સ.) ની ઝીયારત કરનારાની કયામતના મેદાનમાં શું શાનો શૌકત હશે. આ હકીકત માત્ર એજ મહાનુભાવો બતાવી શકે જેની દ્રષ્ટિ દુનિયા અને આખેરત ઉપર સરખી હોય. કયામતના દ્રષ્યો તેઓની સામે એવી રીતે સ્પષ્ટ છે જેવી રીતે સામે બેસેલો માણસ. અગાઉના લેખમાં આ બાબત ઉપર તો ઇશારો કરી ચૂક્યા છીએ કે ઝવ્વારનું સન્માન અને બખ્શીશનો સિલસિલો તો ત્યારથી જ શરૂ થઇ જાય છે જ્યારે ઇનસાન ઝીયારતનો ઇરાદો કરે છે. સામાન્ય રીતે એવું બને છે કે લોકો એક વખતની મુલાકાતને વધારે યાદ નથી રાખતા. તેમજ દરેક વખતે તેનું ધ્યાન અને માન નથી રાખતા. પરંતુ આ પવિત્ર અહલેબયત (અ.સ.) ની બખ્શીશની શાન અને ગુલામ નવાઝી છે કે જેણે એક વખત તેમની ઝીયારત કરી અને એક વખત મઅરેફતની સાથે તેમની મુલાકાત માટે ગયા તેને તેઓ જીદંગીના દરેક પ્રસંગે ન માત્ર યાદ રાખે છે પરંતુ તેની મુશ્કેલીઓ હલ કરતા રહે છે.

સકરાત અને રૂહ કબ્ઝ થવામાં આસાની :

એમ કહેવાય છે કે જ્યારે શરીરમાંથી રૂહ નીકળે છે ત્યારે પરિસ્થિતિ ઘણી સખ્ત હોય છે. એવું લાગે છે કે કાંટાળા ઝાડ ઉપર રેશમી કપડું ખેંચવામાં આવે અને તેના દરેક તાર જુદા જુદા થઇ જાય. એક તરફ રૂહ કબ્ઝ થવાની મુશ્કેલીઓ અને બીજી તરફ સગા સંબંધીઓ અને દોસ્ત બિરાદરોથી જુદાઇ. પરંતુ ઝવ્વારની આ બધી મંઝીલો મઅસુમ ઇમામો (અ.સ.) ની બરકતથી આસાન થઇ જાય છે.

જે માણસ મોતની સકરાત અને કયામતના દર્દનાક દ્રષ્યોથી મુક્તિ મેળવવા ચાહે છે અને ચાહે છે કે આ બધી મંઝીલો તેના માટે આસાન થઇ જાય તો તેણે ઇમામ હુસયન (અ.સ.) ની ઝીયારત વધુમાં વધુ વખત કરવી જોઇએ. કારણ કે ઇમામ હુસયન (અ.સ.) ની ઝીયારત હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) ની ઝીયારત છે.

(કામેલુઝ્ ઝીયારાત પાના નં. : 150, બેહાર ભાગ : 101 પાના નં. :77)

જનાબે ઝહરા સલામુલ્લાહે અલયહા તશરીફ લાવે છે :

હઝરત ઇમામ જઅફર સાદિક (અ.સ.) ની રિવાયત છે.

હઝરત ફાતેમા બિન્તે મોહમ્મદ (સ.અ.વ.) તેમના ફરઝન્દ હુસયન (અ.સ.) ની ઝીયારત કરનારાની પાસે તશરીફ લઇ જાય છે અને તેઓના માટે મગફેરતની દોઆ કરે છે અને તેઓના ગુનાહોને માફ કરાવી દેવામાં આવે છે.

(કામેલુલ ઝીયારાત પાના નં. :118)

તે હઝરાત જેઓના ઘરની ખીદમતના માટે મલાએકાઓ ફખ્ર કરે છે, તે હઝરતો ઝવ્વારની મુલાકાતે આવે અને તેમના માટે મગફેરતની દોઆ કરે ! ખરેખર કેટલી મહાન ખુશનસીબી છે !

ઇમામ હુસયન અલયહિસ્સલામ તશરીફ લાવે છે :

અલી બિન મોહમ્મદનું બયાન છે કે હું દર મહિને ઇમામ હુસયન (અ.સ.) ની ઝીયારત કરતો હતો. પછી મારી ઉમર થઇ ગઇ. નબળાઇ આવી ગઇ. એક વખત એવું બન્યું કે ઝીયારત માટે ન જઇ શક્યો. પછી એક વખત પગે ચાલીને ઝીયારત માટે રવાના થયો. થોડાં દિવસોમાં પહોંચ્યો. ઝીયારતની નમાઝ પઢ્યો અને સૂઇ ગયો. સ્વપ્નામાં હઝરત ઇમામ હુસયન (અ.સ.) ને જોયા. આપ કબ્રની બહાર તશરીફ લાવ્યા છે અને મને ફરમાવ્યું કે તમે મારી સાથે આટલો અન્યાય કેમ કર્યો તમે તો મારા માટે નેક હતા? અરજ કરી, મવલા, હવે નબળો અને  વૃધ્ધ થઇ ગયો છું. આપની ખીદમતમાં હાજર થયો છું. આપથી રિવાયત નકલ થઇ છે એ રિવાયત આપની પવિત્ર જીભથી સાંભળવા ચાહું છું. ઇમામે (અ.સ.) ફરમાવ્યું : બયાન કરો. તેણે કહ્યું :

આપ ના તરફથી આ રિવાયત નકલ થઇ છે. “જેણે પોતાની જીંદગીમાં મારી ઝીયારત કરી તેના મૃત્યુ પછી હું તેની ઝીયારત કરીશ. આપે ફરમાવ્યું : “હા… જો તે જહન્નમમાં હશે તો હું તેને ત્યાંથી બહાર કાઢીશ.

(બેહારૂલ અન્વાર ભાગ : 101 પાના નં. :16)

બુઝુર્ગ આલીમોએ એના સંદર્ભમાં ફરમાવ્યું : બનવાજોગ છે કે ઇમામ હુસયન (અ.સ.) નું આ રીતે આવવું મૃત્યુના સમયે હોય અથવા કબ્રમાં દફન કરવાના સમયે હોય.

કબ્રમાં  ઇન્સાન એકલો હશે. અસહાય હશે. જાતજાતના ભયની ફડક હશે. બેચેની અને ગભરાટની સ્થિતિ હશે. કોઇ મુલાકાતે આવનાર નહિ હોય. જો કોઇ આવશે તો પણ બહારથી દૂરથી ઝીયારત કરશે અને ફાતેહા પઢશે. સૌથી વધુ વહાલામાં વહાલી વ્યક્તિ પણ કબ્રમાં તેનો સાથ નહિ આપે. પરંતુ જેણે ઇમામ હુસયન (અ.સ.) ની ઝીયારત કરી હશે, હઝરત ઇમામ હુસયન (અ.સ.) તેની ઝીયારત માટે તશરીફ લાવશે. ઇમામ હુસયન (અ.સ.) ના આવ્યા પછી કોઇ ગભરાટ કે બેચેની બાકી રહેશે નહિ. જ્યારે ઇમામ હુસયન (અ.સ.) પોતાના ઝવ્વારને ફરમાવશે, “અસ્સલામો અલયક તો કઇ તકલીફ હોય જે દૂર ન થાય ? અને કઇ રાહત હોય જે નસીબ ન થાય ?

આ ખુશનસીબી પછી પણ એવું કોણ છે જે ઇમામ હુસયન (અ.સ.) ની ઝીયારત કરવામાં જરાય વિલંબ કરે?

ફીશારે કબ્ર (કબ્રની ભીંસ) માંથી મુક્તિ નસીબ થાય છે:

જો આપણને કોઇ ચૂંટી ભરે અથવા આપણો હાથ અથવા એક આંગળી દરવાજામાં દબાઇ જાય તો કેટલો દુ:ખાવો થાય છે. અને તેની અસર ક્યાં સુધી રહે છે. કબ્રની ભીંસ એટલે કબ્રની બન્ને દિવાલો આપસમાં મળી જવી. જ્યારે બન્ને દિવાલો આપસમાં એકબીજાને મળી જશે ત્યારે વચ્ચે રહેલા મય્યતની હાલત કેવી થશે ? આપણે સૌએ એક દિવસ મરવાનું છે અને કબ્રમાં જવાનું છે. જો આ ભીંસ આપણને થઇ અને ધારી લો કે આ મય્યત આપણે પોતેજ છીએ તો કબ્રની ભીંસ કેટલી દર્દનાક હશે, જ્યારે પાંસળીઓ એકબીજામાં ખૂંચી જશે. આ કલ્પ્ના માત્રથી રૂવાડાં ઉભા થઇ જાય છે. ખરેખરી પીડાનું તો શું કહેવું? હઝરત ઇમામ હુસયન (અ.સ.) ની ઝીયારત અહીં પણ મુશ્કેલીને દૂર કરે છે અને કબ્રની ભીંસથી મુક્તિ મેળવવાનું કારણ બને છે.

હઝરત મોહમ્મદ બાકીર (અ.સ.) ની રીવાયત છે :

“જો લોકોને જાણ થઇ જાય કે ઇમામ હુસયન (અ.સ.) ની પવિત્ર કબ્રની ઝીયારતનો શું સવાબ છે તો તેના શોખમાં, તેની ખ્વાહીશમાં લોકોના શ્ર્વાસ રૂંધાઇ જાય.

રાવીએ પૂછયું : કેટલો સવાબ છે ? આપે (અ.સ.)  ફરમાવ્યું :

જે શોખથી ઝીયારત માટે જશે, ખુદા તેને એક હજાર કબુલ થએલ હજ, એક હજાર નેક ઉમરા, બદરના શહીદો જેવા એક હજાર શહીદોનો સવાબ, એક હજાર રોઝેદારોનો સવાબ, એક હજાર કબુલ થએલા સદકાનો સવાબ, ખુદાની ખુશી ખાતર એક હજાર ગુલામ આઝાદ કરવાનો સવાબ મળશે. તે એક વરસ સુધી આફતોથી સુરક્ષિત રહેશે. જેમાં સૌથી હલ્કી આફત શયતાન છે. ખુદા તેના માટે એક મોહતરમ ફરિશ્તાની નિમણુક કરશે. જે આગળ પાછળ ડાબે જમણે ઉપર-નીચે તેનું રક્ષણ કરશે. જો તે વરસે તે મૃત્યુ પામે તો રહેમતના ફરિશ્તાઓ તેના ગુસ્લ અને કફનમાં હાજર થાય છે અને તેના માટે ઇસ્તીગ્ફાર કરે છે. તેની કબ્રમાં દફન થવા સુધી તેના માટે માફી માગે છે અને જનાઝાની સાથે રહે છે. નજર પહોંચે ત્યાં સુધી તેની કબ્ર વિશાળ અને પહોળી થઇ જાય છે. ખુદા ‘કબ્રની ભીંસ’ થી તેનું રક્ષણ કરે છે. મુન્કર અને નકીર તેના માટે ભય અને ખૌફનું કારણ નથી બનતા. તેના માટે જન્નત સુધી એક દરવાજો ખોલી નાખવામાં આવે છે. તેનું આમાલનામું તેના જમણા હાથમાં આપવામાં આવે છે. કયામતમાં તેને એક એવું નુર આપવામાં આવશે જેનાથી પૂર્વ અને પશ્ર્ચિમ પ્રકાશિત થઇ જશે અને એક બાંગી બાંગ પોકારશે : આ છે શોખથી ઇમામ હુસયન (અ.સ.) ની ઝીયારત કરનાર ઝવ્વાર. તે સમયે કયામતમાં પણ એવું કોઇ નહિ હોય જે એે તમન્ના ન કરે કે કેવું સારું થતે કે તે પણ ઇમામ હુસયન (અ.સ.) નો ઝવ્વાર હોત.

(કામેલુઝ્‌ ઝીયારાત પાના નં. 143, બેહારૂલ અન્વાર ભાગ : 18 પાના નં. : 101)

આ અમુલ્ય રિવાયતોમાં કબ્રની ભીંસમાંથી મુક્તિની સાથે સાથે મુન્કર અને નકીરના ભયથી પણ સુરક્ષિત અને સલામત રહેવાની વાત કરવામાં આવી છે. તેઓના રૂઆબ અને ભયના કારણે તેઓને મુન્કીર અને નકીર કહેવામાં આવે છે.

કયામતનું મેદાન ઝવ્વારના નુરથી પ્રકાશિત થઇ જશે :

ઉપરોક્ત રિવાયતમાં એ પણ છે કે કયામતના મેદાનમાં ઇમામ હુસયન (અ.સ.) ના ઝવ્વાર કેવા નુરાની હશે. તેના નુરથી પૂર્વ અને પશ્ર્ચિમ પ્રકાશિત થઇ જશે. પૂર્વ અને પશ્ર્ચિમ પ્રકાશિત થશે, એટલું જ નહિ બલ્કે કયામતના મેદાનમાં એક ખાસ મલાએકા તેની ઓળખ પણ કરાવશે અને ઝવ્વારની એ શાન હશે કે દરેક માણસ એ તમન્ના કરશે કે કેવું સારું થતે જો મને પણ ઝીયારતનો શરફ મળતે. કેમ ન હોય ! જનાબે જોનને ઇમામ હુસયન (અ.સ.)  ની દોઆથી એ નુર અને ખુશ્બુ મળી જેનાથી આખું મેદાન પ્રકાશિત અને સુગંધિત થઇ ગયું. આ બધું એ માટે કે ઇમામ હુસયન (અ.સ.)  ખુદાના નુરથી છે. નુરનું કેન્દ્ર છે જે તેની સાથે ભળી જાય તે નુરાની થઇ જાય.

લેવાઉલ હમ્દના છાયામાં હશે :

ખુદાવંદે આલમે મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.સ.) ને અસંખ્ય મરતબાઓ અને દરજ્જાઓ આપ્યા છે, તેમાંનો એક ખૂબજ મહત્વનો અને ભવ્ય “લેવાઉલ હમ્દ છે. આ એવો ધ્વજ છે જેના 70 પડ છે અને એક પડની વિશાળતા ચાંદ અને સૂરજથી વધુ છે. આ ધ્વજ ખુદાની તરફથી હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) ને આપવામાં આવશે અને આં હઝરત તેના અલમદાર હઝરત અલી બીન અબી તાલીબ (અ.સ.) ને આપશે. પહેલાથી છેલ્લા સુધી બધા નબીઓ અને વસીઓ આ ધ્વજના છાંયડામાં હશે.

(હક્કુલ યકીન – અલ્લામા મજલીસી પા. 450)

હઝરત ઇમામ જઅફર સાદિક (અ.સ.) ની રિવાયત છે.

કયામતમાં એક બાંગી બાંગ પોકારશે. ઇમામ હુસયન (અ.સ.) ના ઝવ્વાર ક્યાં છે ? એટલા લોકો આગળ આવશે કે જેને ખુદા સિવાય બીજું કોઇ ગણી નહિ શકે. તે લોકોને પૂછવામાં આવશે.

ઇમામ હુસયન (અ.સ.) ની કબ્રની ઝીયારતથી તમે શું ઇચ્છો છો ?

તેઓ અરજ કરશે કે અમે રસુલે ખુદા સલ્લલ્લાહો અલયહે વ આલેહીની મોહબ્બત, હઝરત અલી અને ફાતેમા અલયહોમસ્સલામની મોહબ્બતમાં ઝીયારત કરી, તેઓના ઉપર ગુજારવામાં આવેલા ઝુલ્મોના બદલામાં તેઓના ઉપર રહેમત માગવા માટે.

જવાબ મળશે. આ છે મોહમ્મદ (સ.અ.વ.), અલી, ફાતેમા, હસન અને હુસયન (અ.સ.). તમે લોકો તેઓની સાથે થઇ જાવ અને તમે તેઓની સાથે તેઓના દરજ્જામાં છો. રસુલે ખુદા (સ.અ.વ.) ના ધ્વજનાં છાંયડા હેઠળ રહેશો અને ધ્વજ હઝરત અલી (અ.સ.) ના હાથોમાં હશે. આ બધા લોકો તે ધ્વજની આગળ આગળ ચાલીને બલ્કે દરેક બાજુથી ધ્વજને પોતાના આવરણમાં લઇને જન્નતમાં દાખલ થશે.

(કામેલુઝ્‌ ઝીયારાત પાના નં. : 141, બેહારૂલ અન્વાર ભાગ : 101 પાના નં. : 21)

ઇમામ હુસયન (અ.સ.) ના ઝવ્વારોની શું શાન અને મરતબો છે ? કયામતમાં જે ધ્વજના સાયા નીચે તમામ નબીઓ અને વસીઓ હશે, ઝવ્વારોને પણ એજ ધ્વજના સાયા હેઠળ જગ્યા મળશે.

હઝરત રસુલે ખુદા (સ.અ.વ.), હઝરત અલી (અ.સ.) અને નબીઓ (અ.સ.) મુસાફેહા કરશે.

(1) હઝરત ઇમામ જઅફર સાદિક (અ.સ.) એ મોઆવીયા બીન વહબને ફરમાવ્યું :

એ મોઆવીયા ! કોઇ ભયના કારણે ઇમામ હુસયન (અ.સ.) ની ઝીયારતને છોડી ન દેશો. શું તમે આવતી કાલે તે લોકોમાં ભળી જવા નથી માગતા જેઓની સાથે હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) મુસાફેહા કરે ?

(કામેલુઝ્‌ ઝીયારાત  પાના નં. : 118)

(2) આપની બીજી એક રીવાયતમાં આ પ્રમાણે છે :

જો કોઇ ઇમામ હુસયન (અ.સ.) (ની પવિત્ર કબ્ર) ની પાછળ એક નમાઝ પઢે તે કયામતના દિવસે ખુદા સાથે એવી રીતે મુલાકાત કરશે કે દરેક વસ્તુ તેના નુરમાં ડૂબી જશે. ખુદાવંદે આલમ ઇમામ હુસયન (અ.સ.) ના ઝવ્વારોની ઇઝ્ઝત અને સન્માન કરશે. આગને તેઓને સ્પર્શ કરવાની રજા નહિ આપે. ઝવ્વારનું સ્થાન હવઝે કવસર હશે. હઝરત અલી (અ.સ.) હવઝે કવસર ઉપર ઊભા હશે. તેની સાથે મુસાફેહા કરશે. કવસરના પાણીથી તેને તૃપ્ત કરશે.

(કામેલુઝ્ ઝીયારાત પાના નં. 123, બેહારૂલ અન્વાર :  ભાગ : 101 પાના નં. : 78)

(3) હઝરત ઇમામ ઝયનુલ આબેદીન (અ.સ.) ની રિવાયત છે:

જે કોઇ એક લાખ ચોવીસ હજાર નબીઓ (અ.સ.) સાથે મુસાફેહા કરવા માગતો હોય તેણે 15 શઅબાનુલ મોઅઝ્ઝમના ઇમામ હુસયન (અ.સ.) ની ઝીયારત કરવી જોઇએ. મલાએકાઓ અને નબીઓની રૂહો ખુદા પાસે ઇમામ હુસયન (અ.સ.) ની ઝીયારતની રજા માંગે છે અને તેઓને રજા આપવામાં આવે છે. ખુશ કિસ્મત છે તે લોકો જેમની સાથે નબીઓ મુસાફેહા કરે અથવા જે નબીઓ સાથે મુસાફેહા કરે. તેઓમાં પાંચ ઓલુલ અઝ્મ પયગમ્બરો છે. જનાબે નુહ (અ.સ.), જનાબે ઇબ્રાહીમ (અ.સ.), જનાબે મુસા (અ.સ.), જનાબે ઇસા (અ.સ.) અને હઝરત મોહમ્મદ મુસ્તુફા (સ.અ.વ.) (કિતાબ ફઝલે ઝીયારતુલ હુસયન અ.સ.)

હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) સાથે મુસાફેહા કરવા મળે તેવી દરેકની દીલી તમન્ના છે અને જેને આ સન્માન મળે છે પછી તે સ્વપ્નામાં પણ કેમ ન હોય તે પોતાને ખૂબજ ખુશ કિસ્મત સમજે છે. પરંતુ તે લોકોના દરજ્જાઓ કેવા હશે જેઓની સાથે હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) હઝરત અલી (અ.સ.) અને તમામ નબીઓ મુસાફેહા કરે.

પૂલે સેરાત ઝવ્વાર માટે સરળ થઇ જશે :

હઝરત ઇમામ જઅફર સાદિક (અ.સ.) ની રિવાયત છે.

હઝરત અમીરૂલ મોઅમેનીન (અ.સ.) ની તરફથી ઝવ્વાર માટે એક ફરિશ્તો મોકલવામાં આવશે. જે સેરાતને હુકમ આપશે. તે જહન્નમની આગને હુકમ કરશે કે ઝવ્વારને તાબે થઇ જા. તારી કોઇ જવાળા ઝવ્વાર સુધી આવવા ન પામે, જ્યાં સુધી ઝવ્વાર પસાર ન થઇ જાય. હ. અમીરૂલ મોઅમેનીન (અ.સ.) નો મોકલેલો ફરીશ્તો તેની સાથે સાથે રહેશે.

(કામેલુઝ્ ઝીયારાત પાના નં.123, બેહારૂલ અન્વાર ભાગ : 101 પાના નં. 78)

કયામતની સખ્તીઓથી મુક્તિ :

કયામતની સખ્તીઓને કુરઆને કરીમે આ રીતે રજૂ કરી છે.

“એ લોકો, તમારા રબથી ડરો અને તકવા અખત્યાર કરો. બેશક કયામતનો ઝલઝલો ઘણી મોટી ચીજ છે. જે દિવસે તમે જોશો કે દૂધ પાનારી સ્ત્રી પોતાના દૂધમલ બાળકને ભુલી જશે. સગર્ભા સ્ત્રી પોતાના ગર્ભને પાડી નાખશે. તમે તે દિવસે લોકોને મદહોશ જોશો. તેઓ નશામાં નહિ હોય, પરંતુ અલ્લાહનો અઝાબ સખત હશે.

(સુરએ હજ, આ.નં. 1-2)

આ માત્ર કયામતની સખ્તીઓનો સામાન્ય નમુનો છે. આ સખ્તીઓમાંથી મુક્તિ મેળવવી દરેકની શક્તિની વાત નથી. પરંતુ તે સખ્તીઓથી મુક્તિ મેળવવી પણ જરૂરી છે. ખુદાવંદે આલમે જ્યાં આ પ્રકારની સખ્તીઓની ચર્ચા કરી છે ત્યાં તેમાંથી મુક્તિ મેળવવાની રીતો પણ નક્કી કરી છે. જો આપણે આ સખ્તીઓથી મુક્તિ મેળવવા માગતા હોઇએ તો તેના માર્ગોને પણ અનુસરીએ. આ સખ્તીઓથી મુક્તિ મેળવવાનો એક અગત્યનો માર્ગ હ. ઇમામ હુસયન (અ.સ.) ની ઝીયારત છે.

હઝરત અલી બીન અબી તાલીબ (અ.સ.) નું બયાન છે

“એક દિવસ હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) અમારા ઘરે પધાર્યા. અમે તેમની સેવામાં જમવાનું પીરસ્યું. પછી આં હઝરત (સ.અ.વ.) ઘરના ખુણામાં મસ્જીદમાં ગયા. નમાઝ અદા કરી. લાંબો સજદો કર્યા. રડ્યા, અને લાંબા સમય સુધી રડતા રહ્યા. જ્યારે સજદહમાંથી માથું ઉંચુ કર્યું ત્યારે અમારામાંથી કોઇની હિમ્મત ન થઇ કે આં હઝરત (સ.અ.વ.) ને કાંઇ પૂછે. એટલામાં હુસયન (અ.સ.) ઊભા થયા અને હઝરત (સ.અ.વ.) ના ખોળામાં બેસી ગયા અને પૂછયું :  નાનાજાન કઇ ચીજે આપને આટલા રડાવ્યા ?

આં હઝરત (સ.અ.વ.) એ ફરમાવ્યું : મારા લાલ ! હું આવ્યો ત્યારે તમને લોકોને જોઇને ઘણો ખુશ હતો. મને આટલી વધુ ખુશી ક્યારે થઇ ન હતી. એટલામાં જીબ્રઇલ (અ.સ.) આવ્યા અને તેમણે ખબર આપી કે તમે લોકો શહીદ કરવામાં આવશો અને જુદી જુદી જગ્યાઓ ઉપર શહીદ કરવામાં આવશો. મેં ખુદાની હમ્દ કરી અને તેની પાસે ખયર માંગી.

હુસયન (અ.સ.) એ આં હઝરત (સ.અ.વ.) ને પૂછયું. નાનાજાન, જુદી જુદી જગ્યાઓ ઉપર અમારી કબ્રો હોવા પછી અમારી ઝીયારત માટે કોણ આવશે ?

ફરમાવ્યું : મારી ઉમ્મતનો એક સમૂહ મારી ખુશી અને મારી સાથે સંપર્ક રાખવા ખાતર ઝીયારત માટે આવશે. હું કયામતના મેદાનમાં તેઓની સાથે મુલાકાત કરીશ અને તેમના બાવડા પકડી પકડીને કયામતની સખ્તીયો અને ભયાનકતામાંથી મુક્તિ અપાવીશ.

(કામીલુઝ ઝીયારાત પાના નં. 59)

એક બીજી રિવાયતમાં આ રીતે છે :

“હું કયામતમાં તેઓની સાથે મુલાકાત કરીશ અને તેઓને તેઓના ગુનાહોમાંથી આઝાદ કરાવીશ.

(અલ કાફી ભાગ :  પાના નં. 548, વસાએલ ભાગ : 10, પાના નં. 256)

અન્ય એક રીવાયતમાં આ રીતે છે :

તે લોકોનો મારા ઉપર એ હક છે કે કયામતમાં તેઓની ઝીયારત કરું. હું તેઓને તેઓના ગુનાહોમાંથી આઝાદ કરાવીશ અને જન્નતમાં દાખલ કરીશ.

(સવાબુલ અઅમાલ પાના નં. 108)

આ રિવાયતોનો અભ્યાસ કરવાથી એવું તારણ કાઢી શકાય કે ઇમામ હુસયન (અ.સ.) ની ઝીયારત કરનારા લોકો કયામતમાં નીચે પ્રમાણેની ખુશનસીબી મેળવશે :

1. હ. રસુલે ખુદા (સ.અ.વ.) તેઓની સાથે મુલાકાત કરશે.

2. ગુનાહોથી મુક્તિ અપાવશે.

3. કયામતની સખ્તીઓથી મુક્તિ અપાવશે.

4. જન્નતમાં લઇ જશે.

જો ઇન્સાન વિચાર કરે કે ક્યાં આપણે સૌથી હલ્કી મખ્લુક, ગુનાહોમાં ડૂબેલા, રૂહાની બિમારીઓમાં સપડાએલા, નેકીઓ વગરના, ન કોઇ ખાસ ઇમાન, ન કોઇ કદર કરી શકાય તેવો અમલ.

ક્યાં દુનિયાની સૌથી મહાન વ્યક્તિ, તમામ નબીઓ અને મુરસલીનના સરદાર, સૃષ્ટિના સર્જનનું કારણ. કયામતમાં તેમનાથી વધુ ઉચ્ચ અને સૌથી વધુ મરતબો ધરાવનાર અને અફઝલ કોઇ નહિ હોય. તે ઇમામ હુસયન (અ.સ.) ની કબ્રની ઝીયારત કરનારાઓની ઝીયારત માટે આવે, તેઓની સાથે મુલાકાત કરે. તેઓના બાવડા પકડીને દરેક પ્રકારની સખ્તીઓમાંથી મુક્તિ અપાવે અને જન્નતમાં લઇ જાય.

શું આથી વધુ કોઇ બીજી ઇઝ્ઝત કે સન્માનની કલ્પ્ના શક્ય છે ?

જ્યાં સુધી શ્ર્વાસ ચાલી રહ્યો છે ત્યાં સુધી ફુરસતને ગનીમત ગણી અલ્લાહ પાસે આજીજી પૂર્વક ઝીયારતની દોઆ કરો અને જો ઝીયારત કરી ચૂક્યા હોવ તો વારંવાર જાવાની દરખાસ્ત કરો અને જો ઝીયારત માટે કરબલા જઇ શકાય તેવા સંજોગો ન હોય તો પોતાના ઘરમાં જ ઇમામ હુસયન (અ.સ.) ની ઝીયારત કરો.

સૌથી વધુ તેજસ્વી શાનો શવકત હશે :

કયામતના મેદાનમાં જ્યાં દરેક પોતાના પ્રશ્ર્નોમાં ગુંચવાએલા હશે ત્યાં હઝરત ઇમામ હુસયન (અ.સ.) ના ઝવ્વારોની શાન અને શવકત કાંઇક જુદીજ હશે.

ઝરીહ મહારબીએ હઝરત ઇમામ જઅફર સાદિક (અ.સ.) ને અરજ કરી : મૌલા જ્યારે મારી કૌમ અને સગાવ્હાલાઓને હઝરત ઇમામ હુસયન (અ.સ.) ની પવિત્ર કબ્રના સવાબની જાણ કરું છું ત્યારે તેઓ મને જુઠલાવીને કહે છે કે તમે હઝરત ઇમામ જઅફર સાદિક (અ.સ.) ની તરફ ખોટી વાતોને જોડી દો છો ? ઇમામ (અ.સ.) એ ફરમાવ્યું :

“એ ઝરીહ ! લોકોની પરવા ન કરો. તેઓ જ્યાં જાય છે ત્યાં જવા દો. ખુદાની કસમ ખુદાવંદે આલમ ઇમામ હુસયન (અ.સ.) ના ઝવ્વારો ઉપર ફખ્ર અને ગર્વ કરે છે. મલાએકાઓ માંથી ખાસ ચુંટાએલા મલાએકા અને અર્શને ઉપાડનારા ફરિશ્તાઓ તેઓનું સન્માન કરે છે. ત્યાં સુધી કે ખુદાવન્દે આલમ મલાએકાઓને કહે છે : શું તમે ઇમામ હુસૈન (અ.સ.) ના ઝવ્વારોને નથી જોતા? જુઓ કે તેઓ કેવા શોખ અને લાગણીથી આવ્યા હતા. આ બધા ઇમામ હુસૈન (અ.સ.) અને ફાતેમા ઝહેરા (સ.અ.) ની મોહબ્બતમાં આવ્યા હતા.

મારી ઇઝ્ઝત, જલાલ અને અઝમતની કસમ મેં મારી ઇઝ્ઝત અને એહતેરામ તેઓના માટે જરૂરી કર્યો છે. હું તેઓને એ જન્નતમાં જરૂર દાખલ કરીશ જે મેં મારા વલીઓ, મારા નબીઓ અને મારા પયગમ્બરોને માટે તૈયાર કરી છે.

(કામીલુઝ ઝીયારાત પાના નં.: 143, બેહારૂલ અન્વાર ભાગ: 101 પાના નં.75)

હુરો પ્રતિક્ષા કરી રહી છે :

હઝરત ઇમામ મોહમ્મદ બાકીર (અ.સ.)  અથવા હઝરત ઇમામ જઅફર સાદિક (અ.સ.) એ જનાબે ઝોરારહને કહ્યું : “એ ઝોરારહ ! દુનિયામાં જે પણ મોઅમીન છે તેને માટે જરૂરી છે કે તે હઝરત  ઇમામ હુસયન (અ.સ.) ની ઝીયારત થકી જનાબ ફાતેમા ઝહેરા સલામુલ્લાહેઅલયહાને ખુશ કરે.

ઇમામે વધુમાં ફરમાવ્યું :

“એ ઝોરારહ, કયામતના દિવસે હઝરત ઇમામ હુસયન (અ.સ.) અલ્લાહના અર્શની નીચે બિરાજમાન હશે. ખુદા તેમના ઝવ્વારો અને શીયાઓને ભેગા કરશે. જેથી તે ઇઝ્ઝત, સન્માન, તાજગી, ખુશી અને ભવ્યતાઓને જૂએ અને તે બાબતો જૂએ જેના ગુણો ખુદાની સિવાય કોઇને ખબર નથી.

તેટલામાં જન્નતની હુરોના પ્રતિનિધિઓ તેઓની પાસે આવશે અને કહેશે કે અમને હુરોએ આપની સેવામાં મોકલ્યા છે અને અરજ કરી છે કે તેઓ આપની મુલાકાતની ચાહતમાં બેચૈન છે, અને આપ લોકો મોડું કરી રહ્યા છો ! આના લીધે તેઓની ખુશી અને સન્માનમાં વધારો થશે. તેઓ આ પ્રતિનિધિઓને કહેશે:

“અમે ઘણી જલ્દીથી તેઓની પાસે આવીએ છીએ.

(બેહારૂલ અન્વાર ભાગ : 101 પાના નં. :75)

સૌથી પહેલા જન્નતમાં જશે :

હઝરત ઇમામ જઅફર સાદિક (અ.સ.) એ ફરમાવ્યું :

કયામતમાં ઇમામ હુસયન (અ.સ.) ના ઝવ્વારોને બાકીના લોકો ઉપર ઉચ્ચતા અને સન્માન પ્રાપ્ત થશે.

ઝોરારહે પુછયું : શું શું સન્માન હશે ? ફરમાવ્યું :

આ હઝરતો બાકીના લોકોની સરખામણીમાં ચાલીસ વરસ વહેલા જન્નતમાં દાખલ થશે, જ્યારે બાકીના લોકો હિસાબ અને કિતાબમાં રોકાએલા હશે.

જન્નતી દસ્તરખાન :

જનાબ અબુ બસીરની રિવાયત છે. મેં હઝરત ઇમામ મોહમ્મદ બાકીર (અ.સ.) અથવા હઝરત ઇમામ જઅફર સાદિક (અ.સ.)  પાસેથી સાંભળ્યું છે :

“જે માણસ જન્નતમાં પોતાનું ઘર અને ઠેકાણું બનાવવા ચાહતો હોય તેણે મઝલુમની ઝીયારત છોડી ન દેવી જોઇએ.

અરજ કરી :- “કોણ મઝલુમ ? ફરમાવ્યું :

હુસયન બીન અલી, સાહેબે કરબલા. જે સ્વેચ્છાએ અને રસુલે ખુદા (સ.અ.વ.), જનાબ ફાતેમા (સ.અ.) અને જનાબ અમીર (અ.સ.) ની મોહબ્બતમાં તેઓની ઝીયારત કરશે, ખુદા તેને જન્નતના દસ્તરખાન ઉપર બેસાડશે અને તે તેઓની સાથે જમશે, જ્યારે બાકીના લોકો હિસાબ અને કિતાબમાં સપડાએલા હશે.

(કામેલુઝ્ ઝીયારાત પાના નં. : 138)

100 લોકોની શફાઅત કરશે :

ઘણા ઓછા લોકો એવા હશે જેઓ પોતાના ઇમાન અને આમાલના ધોરણે જન્નતમાં જશે. નહિ તો દરેક શફાઅતના કારણે જ જન્નતમાં જશે. અમુક લોકો જન્નતમાં જવા માટે શફાઅતના મોહતાજ હશે અને અમુક જન્નતમાં દરજ્જાઓમાં વધારો કરવા માટે શફાઅતના મોહતાજ હશે. શફાઅતનો મૂળ હક ખુદાવન્દે આલમને પ્રાપ્ત છે. કયામતમાં તમામ લોકો મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (અ.સ.) ની શફાઅતના મોહતાજ હશે. અહલેબયત (અ.સ.) લોકોની શફાઅત કરશે અને અમુક નસીબદાર લોકો એવા પણ હશે જેઓને મોહમ્મદ (સ.અ.વ.) અને આલે મોહમ્મદ (સ.અ.વ.) ની શફાઅત કાંઇક એવી રીતે નસીબ થશે કે તેઓ ખુદ બીજા લોકોની શફાઅત કરશે. આ રીતે લોકોમાં હઝરત ઇમામ હુસયન (અ.સ.) ના ઝવ્વારોને વિશેષ દરજ્જો મળેલ છે.

તુસના એક રહેવાસીએ હઝરત ઇમામ જઅફર સાદિક (અ.સ.) ને પુછયું : “એ ફરઝન્દે રસુલ ! જે માણસ ઇમામ હુસયન (અ.સ.) ની કબ્રની ઝીયારત કરે તેનું શું સ્થાન છે ?

ફરમાવ્યું :

“એ તુસના રહેવાસી ! જે મારા પિતાશ્રી હઝરત ઇમામ હુસયન બીન અલી (અ.સ.) ની કબ્રની ઝીયારત તે મઅરેફતની સાથે કરે કે તે ખુદા તરફથી નિમાએલા ઇમામ (અ.સ.) છે અને તેમની તાબેદારી વાજીબ અને જરૂરી છે, ખુદા તેના આગળના થઇ ગયેલા અને પછીના થવાવાળા ગુનાહો માફ કરી દેશે અને ગુનોહગારોના હકમાં તેની શફાઅત કબુલ કરી લેશે. તેઓ (અ.સ.) ની કબ્રની પાસે જે દોઆ માંગવામાં આવશે તે જરૂર કબુલ થશે.

(આમાલીએ સદુક પાના નં. : 526)

આ રિવાયતમાં 70 લોકોની શફાઅતની વાત છે. એક બીજી રીવાયતમાં આવી 100 વ્યક્તિઓની શફાઅતની વાત છે જે લોકો માટે જહન્નમ જરૂરી ગણવામાં આવી હતી. એટલે કે જો આ શફાઅત નસીબ ન થતે તો તેઓ જહન્નમમાં જતે.

શયફ તમ્મારની રિવાયત છે. હઝરત ઇમામ જઅફર સાદિક (અ.સ.) ને કેહતા સાંભળ્યા :

“કયામતમાં હઝરત ઇમામ હુસયન (અ.સ.) ના  ઝવ્વારો 100 વ્યક્તિઓની શફાઅત કરશે. જેમાંના દરેકને માટે દોઝખ જરૂરી ગણવામાં  આવી હતી. આ એ લોકો હતા જે દુનિયામાં  ઇસરાફ કરતા હતા.

(કામેલુઝ્ ઝીયારાત પાના નં. : 165)

એક બીજી રિવાયતમાં છે કે પોતાના ખાનદાનની વ્યક્તિઓ સિવાય એક હજાર દીની ભાઇઓની શફાઅત કરશે.

હઝરત ઇમામ જઅફર સાદિક (અ.સ.) ની રિવાયતમાં છે:

“જો કોઇ ઇમામ હુસયન (અ.સ.) ની ઝિયારત માટે જાય અને ત્યાં કતલ કરી દેવામાં આવે, તે સમયનો હાકીમ તેની ઉપર ઝુલમ કરે અને તે કતલ થઇ જાય તો જેવું તેના લોહીનું પહેલું ટીપું જમીન ઉપર પડશે તેવા જ તેના બધા ગુનાહ માફ કરી દેવામાં આવશે. તેના ખાનદાનવાળા અને એક હજાર દીની ભાઇઓના હકમાં તેની શફાઅત કબુલ કરવામાં આવશે.

(કામેલુઝ્ ઝીયારાત પાના નં. 124)

આ શફાઅત મેળવનાર વ્યક્તિઓની સંખ્યામાં તફાવત ઝવ્વારની મઅરેફત અને ઝીયારતની તકલીફો સહન કરવા ઉપર આધારીત છે. જ્યારે આજકાલના ઝવ્વારો કાફલાવાળાને સવાલ કરે છે. તમે તમારા કાફલામાં અમને શું શું સગવડતાઓ આપશો. તેઓ એ ભૂલી જાય છે કે આ સફરમાં જેટલી તકલીફો થશે, સવાબ પણ તેટલો વધારે મળશે. અફસોસ છે કે તે ઇમામ હુસયન (અ.સ.) ની ઝીયારતમાં આરામ અને સગવડોની માંગણીઓ કરીએ છીએ, જેમણે ખુદ કરબલાના મેદાનમાં એટલી મુસીબતો અને દુ:ખો સહન કર્યા જેનું ઉદાહરણ શરૂઆતમાં કે અંતમાં (પહેલેથી છેલ્લે સુધી) ક્યાંય દેખાતું નથી.

ખુદાવંદાની રહેમતોમાં હશે :

અબ્દુલ્લાહ બીન મેકાને હઝરત ઇમામ જઅફર સાદિક (અ.સ.) ને કેહતા સાંભળ્યા :

“જે ખુદાવંદે આલમની ખુશનુદી માટે ઇમામ હુસયન (અ.સ.) ની ઝીયારત કરશે, ખુદા તેના ગુનાહોને એવી રીતે પાક સાફ કરી દેશે જાણે કે તે હમણાં માના પેટમાંથી પેદા થયો હોય… આસમાનના ખુણે ખુણામાંથી ખુદાની રહેમત તેને ઘેરી લેશે. મલાએકા આ રીતે તેને અવાજ દેશે : મુબારક થાય. તમે ઝીયારત કરીને પાક સાફ થઇ ગયા અને પછી તેના ખાનદાનમાં તેનું રક્ષણ કરવામાં આવશે.

(કામેલુઝ્ ઝીયારાત પાના નં. : 145)

કલેજું ઠંડુ રહેશે :

દુનિયામાં થોડી એવી ગરમી પણ આપણાથી સહન નથી થતી. થોડા તડકામાં શરીર બફાવા લાગે છે. ત્યારે કયામતની ગરમી? એક તરફ કયામતના દ્રષ્યોનો ભય, હિસાબ અને કિતાબની બેચેની, આગથી ઉકળતી જહન્નમ, ભરખી જતી જવાળાઓ, ખુદાનો ગઝબ… આવી સ્થિતિમાં જો કોઇ ચાહે કે તેનું કલેજું ઠંડુ રહે અને કયામતના મેદાનની ગરમીથી સુરક્ષિત રહે તો તે અરફાના દિવસે ઇમામ હુસયન (અ.સ.) ની ઝીયારત કરે.

હઝરત ઇમામ જઅફર સાદિક (અ.સ.) અને હઝરત ઇમામ અલી રઝા (અ.સ.) થી રિવાયત છે : “જે અરફાના દિવસે (9મી ઝીલ્હજુલ હરામ) ઇમામ હુસયન (અ.સ.) ની પવિત્ર કબ્રની ઝીયારત  કરશે ખુદા તેના કલેજાને ઠંડુ રાખશે.

(કામેલુઝ્ ઝીયારાત  પાના નં. : 170)

મલાએકાઓના સરદાર બનશે :

હઝરત ઇમામ જઅફર સાદિક (અ.સ.) થી રિવાયત છે.

“જેણે અરફાના દિવસે હઝરત ઇમામ હુસયન (અ.સ.) ની ઝીયારત કરી, ખુદા તેને હઝરત હજ્જત (અ.સ.) ની સાથે હજાર હજાર હજ કરવાનો સવાબ આપશે. અને ખુદા તેને ‘અબ્દીસ્સીદ્દીક’ ‘મારા સાચા બંદા’ કહીને સંબોધશે. મારો આ સાચો બંદો છે, જે મારા વાયદા ઉપર યકીન ધરાવે છે. મલાએકા કહેશે ફલાણો ‘સિદ્દીક’ છે. ખુદાએ તેને અર્શની ઉપર પાક અને પાકીઝા ગણાવ્યો છે અને તેને દુનિયામાં ‘કર્રુબી’ ના નામથી બોલાવવામાં આવશે.

(કામેલુઝ્ ઝીયારાત પાના નં. : 172)

ડીક્ષનરીમાં  કર્રુબી મલાએકાના સરદારને કહે છે.

સંબંધ દર્શાવવાથી એક સામાન્ય વસ્તુને મહાન બનાવી દે છે. ખાનએ કાઅબા, કુરઆને કરીમ, મસ્જીદુલ હરામ… બધા ખુદાની તરફથી સંબંધ દર્શાવેલા હોવાના કારણે મહાન અને સન્માન કરવાને પાત્ર છે. આ રિવાતયતમાં ખુદાવંદે આલમ હઝરત ઇમામ હુસયન (અ.સ.) ના ઝવ્વારને “અબ્દીસ્સીદ્દીક (મારો સાચો બંદો) કહીને સંબોધન કરી રહ્યો છે ને તેના માટે “અબ્દીનો શબ્દ વાપરી રહ્યો છે. ઝવ્વારનેપોતાની તરફ સંબંધ દર્શાવી રહ્યો છે અને પોતાનો બંદો કહી રહ્યો છે. અબ્દીય્યત એક સૌથી ઉચ્ચ સ્થાન છે. જેનો અંદાજ તશહહદથી થઇ જાય છે. તશહહદમાં હઝરત રસુલે ખુદા (સ.અ.વ.) ની રિસાલતની ગવાહીની પહેલા તેમની અબ્દીય્યતની ગવાહી આપીએ છીએ.

“અશહદો અન્ન મોહમ્મદન અબ્દોહ વ રસુલોહ

ઇમામ હુસયન (અ.સ.) ની શહાદત ઉપર એટલી હદે ઉલુહીય્યત છે કે ઇમામ હુસયન (અ.સ.) ને “સાર – અલ્લાહ કહે છે અને કદાચ આ સંબંધથી ખુદા ઇમામ હુસયન (અ.સ.) ના ઝવ્વારને “પોતાનો બંદો અબ્દી કહી રહ્યો છે.

જન્નતના ઉંચા ઉંચા મકાનોમાં જગ્યા મળશે :

જન્નતમાં જવું તે દરેકની તમન્ના છે. જન્નતમાં જવું તે ખુદ એક ઘણોજ મહત્વનો અઘરો તબક્કો છે. જહન્નમના અઝાબથી સુરક્ષિત થઇ જવું અને જન્નતમાં ચાલ્યા જવું સહેલું નથી. અને જન્નતમાં સૌથી ઉચ્ચ સ્થાન મેળવવું ઘણું મુશ્કેલ છે. પરંતુ મોહમ્મદ (સ.અ.વ.)  અને આલે મોહમ્મદ (સ.અ.વ.) ની વિલાયત અને મોહબ્બત તે મહાન નેઅમત છે જેના સહારે સૌથી મુશ્કેલ બાબત પણ સહેલી થઇ જાય છે. અને સૌથી ઉચ્ચ દરજ્જાઓ સુધી પહોંચવું શક્ય બની જાય છે.

હઝરત ઇમામ જઅફર સાદિક (અ.સ.) ની રિવાયત છે. જે મઅરેફતની સાથે ઇમામ હુસયન (અ.સ.) ની પવિત્ર કબ્રની ઝીયારત કરશે ખુદા તેને જન્નતના ઉંચા ઉંચા મકાનોમાં “આ’લા ઇલ્લીય્યીન માં સ્થાન આપશે.

(કામેલુઝ્ ઝીયારાત પાના નં. : 147)

સૌ જાણે છે કે જન્નતના ઉંચા ઉંચા મકાનોમાં “આ’લા ઇલ્લીય્યીન જન્નતનો સૌથી ઉચ્ચ દરજ્જો છે.

ખુદાવંદે આલમ આપણને સૌને હઝરત વલીએ અસ્ર ઇમામ ઝમાના (અ.સ.) ની સાથે વારંવાર ઇમામ હુસયન (અ.સ.) ની પવિત્ર કબ્રની ઝીયારતની ખુશનસીબી અતા  કરે.

આમીન.

Comments (0)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *